વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: પ્રાસંગિક નિબંધ

1240- ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ……શ્રી જુગલકીશોર વ્યાસ

ગુજરાતી બ્લૉગ વિશ્વમાં શ્રી જુગલકિશોર વ્યાસનું નામ ખુબ જ જાણીતું છે.એમના બ્લોગ “નેટ ગુર્જરી” ( જે હાલ ”માતૃભાષા’ નામના બ્લોગમાં પરિવર્તિત થયું છે )બ્લૉગમાં તેઓ સક્રિય રહી મા ગુર્જરીની અભિનંદનીય સેવા બજાવી રહ્યા છે.આજે ખુબ વંચાતો બ્લોગ “વેબ-ગુર્જરી” પણ એમનું ”બ્રેઈન ચાઈલ્ડ” છે એમ કહીએ તો ખોટું નથી.

મિત્ર શ્રી પી.કે.દાવડા લિખિત પરિચય લેખ”મળવા જેવા માણસ – જુગલકિશોર વ્યાસ  માં  વિગતે જુ’ભાઈનો પરિચય વાંચી શકાશે.

અત્યારે ચાલી રહેલ નવરાત્રી-નોરતાં- અને ગુજરાતની એક પહેચાન બની ગયેલ ગરબા ના માહોલમાં વાતાવરણ ધમધમી રહ્યું છે.આના સંદર્ભમાં એમના બ્લોગ ”નેટ ગુર્જરી” માં પ્રકાશીત્ત એમનો લેખગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ મને ખુબ ગમ્યો. આ લેખમાં એમની આગવી શૈલીથી નવરાત્રી પર્વ અને ગરબા પર એમણે જે ઊંડું ચિંતન રજુ કર્યું છે એ કાબીલેદાદ છે.

વિનોદ વિહારના વાચકો માટે જુ.ભાઈના આભાર સાથે આજની પોસ્ટમાં એમના પ્રસંગોચિત લેખો નીચે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ

ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ ‘


વ્યક્તી અને સમષ્ટી વચ્ચેના સંબંધોનું કાવ્ય આ ગરબો.  – જુગલકીશોર.

દીવડામાં રહેલી વાટ, એમાંનું તેલ કે ઘી, સાધનરુપ કોડીયું અને એને આંચ આપનાર દીવાસળી – આ બધા પદાર્થો નર્યા ભૌતીક છે. એટલું જ નહીં, દીવાની જ્યોત અને એનો પ્રકાશ પણ ભૌતીક બાબતો જ છે. પરંતુ એ પ્રકાશનું પ્રકાશત્ત્વ, એ અગ્નીનું અગ્નીપણુ, તેજસ્વીતાને શું કહીશું ?

ગરબો જે રાસ લેતી બહેનોના કુંડાળા વચ્ચે સ્થપાયેલો છે તે અને ગર્ભમાં રહેલો દીપ ભલે એ બન્ને ભૌતીક તત્ત્વો રહ્યા, પણ એને કેવળ અને કેવળ પ્રતીકરુપે ગણીને ચાલીશું તો ધાર્મીક ગણાતી આ આખી વીધીમાં કલ્પનાની બહુ મોટી ઉડાન જોવા મળે છે. હીન્દુધર્મના ગ્રંથોમાં, એની વાર્તાઓમાં, એનાં ધાર્મીક વીધીવીધાનો – રીચ્યુઅલ્સ –માં, અરે એમણે બતાવેલાં વ્યક્તીસ્વરુપો – ભગવાનો –માં હંમેશાં પ્રતીકો જ દેખાય છે. ધાર્મીકતા એ ધર્મની સત્તા સ્થાપવાનું કે પ્રસરાવવાનું ષડયંત્ર નથી. એ ખાસ કરીને જીવનસમસ્તની લાંબાગાળા માટેની વ્યવસ્થા હતી. એ સામાજીક, રાજકીય, આર્થીક જેવાં બધાં પાસાંઓને આવરી લેનારી વ્યવસ્થાનું બંધારણ હતું.

ધર્મના માધ્યમની, ધાર્મીક વીધીઓની અને એ રીતે આ સમગ્ર જીવનવ્યવસ્થાની એક સૌથી મોટી ખુબી એ હતી કે એ જેટલું સામુહીક વ્યવસ્થા માટે હતું એના જેટલું જ બલકે એનાથીય વધુ તો વ્યક્તીગત વીકાસ માટેનું વ્યવસ્થાતંત્ર હતું. એને મોક્ષ નામ આપીને આપણા એ મહાનુભાવોએ સૌ કોઈની સમક્ષ એક લક્ષ્ય મુકી દીધું. ટાર્ગેટ નક્કી કરી આપ્યો. આ મોક્ષ માટેની જ બધી વ્યવસ્થાને ધર્મના નામથી સંચાલીત કરી. જેમ લોકશાહી પણ એક વ્યવસ્થા જ છે અને બીજી એનાથી વધુ સારી વ્યવસ્થા ન મળે ત્યાં સુધીની એ અનીવાર્ય અનીષ્ટો સહીતની આજની ઉત્તમ વ્યવસ્થા ગણાય છે. તેમ ધર્મ અને એનું વ્યવસ્થાતંત્ર પણ બીજું એનાથી ઉત્તમ ન મળે ત્યાં સુધીનું (અને એમાં વચ્ચે ઉભા થતાં રહેતા વચેટીયાઓને બાદ કરીને) સ્વીકારીને ચાલવામાં નાનમ ન હોય.

દરેક ક્ષેત્રમાં, દરેક યુગે વ્યવસ્થાનો ગેરલાભ લેનારા પ્રગટતા જ રહે છે. આવાઓ પોતાની વીશીષ્ટ શક્તીઓ (કે મેળવી લીધેલી સગવડો)નો લાભ લઈને આ વ્યવસ્થાઓને પોતાની રીતે મચડી મારે છે ! આજે પણ ધાર્મીકતાનો ગેરલાભ લેવાનું મોટા પાયા પર ચાલી જ રહ્યું છે. એટલે પ્રતીકોને અને એના મુલ્યને એકબાજુ હડસેલી દઈને કેટલાય રીતરીવાજો વગોવાય છે, દંડાય છે.

નોરતાં પણ આમાંથી બાદ શી રીતે રહી શકે ? પણ સદીઓથી જે ગવાતા રહ્યા છે તે ગરબાને અને ગાનારાંઓની વચ્ચે બીરાજમાન ગર્ભદીપને વખતોવખત ઓળખતાં રહેવાનું ગમે છે. એનો મહીમા ગાવાનું, એની આરતી ઉતારવાનું કે એને ભજવાનું ચોક્કસ ગમે છે. ગરબાની ફરતે ઘુમતા નારીવૃંદની ગોળાકાર – ભાઈ ચીરાગે યાદ અપાવ્યા મુજબ લંબગોળાકાર/અંડાકાર – ગતીને સમગ્ર બ્રહ્માંડની અંડાકાર ગતીના પ્રતીકરુપ ગણીને એને    પુજવાનું પણ ગમે છે.

આ નવરાત્રીઓ વર્ષાૠતુમાં પાકેલા ધાનનો ઉત્સવ હોય તો પણ ગરબાના મુળતત્ત્વને સમાવી લેનારી રાત્રીઓ છે. આ નવલી રાત્રીઓમાં સ્ત્રીશક્તી પ્રકાશની આસપાસ ઘુમીને કેન્દ્રમાં બીરાજેલા ગરબા સહીત એક અદ્ભુત રહસ્યમય આકૃતી રચી આપે છે. આ જગતના વીકાસમાં જેણે બહુ મોટો ફાળો આપ્યો છે તે ચક્ર – પૈડું – અહીં સાક્ષાત્ પ્રગટ થાય છે. ચક્રની ધરી અને તેમાંથી પ્રગટતા આરાઓ અને બધા આરાઓને વીંટાળી રાખતું, સૌને એક તાંતણે બાંધી રાખતું સુર અને લય–તાલનું સંકલનતત્ત્વ એ આ ગરબાને ચક્ર સાથે જોડી આપે છે. કોઈ પણ પૈડાને આ ચાર બાબતો જોઈએ – કેન્દ્ર, ધરી, આરાઓ અને બધા આરાઓને બાંધી રાખતી કીનારી. ગરબામાં કેન્દ્રમાં પ્રકાશ છે. ગરબો–ઘડો એ ધરી છે. ગરબા સાથે સીધી આત્મીયતા અનુભવતી નારી એ આરાઓ છે ને ગરબાનાં ગીતોમાં રહેલો સુર અને ગતીને કારણે ઉભો થતો લય એ બધાંને બાંધનારી કીનારી છે. ભક્તીનું તત્ત્વ આ આખાય માહોલનું પરમ તત્ત્વ છે. એ તત્ત્વ ગરબાના આખા કાર્યક્રમનો પ્રાણ છે.

સમગ્ર સૃષ્ટીનું સર્જકતત્ત્વ તેજસ્વરુપે ગરબામાં બીરાજમાન છે. ગરબો–ઘડો પોતાનાં છીદ્રો થકી પ્રકાશને સૌમાં વહેંચીને પ્રકાશને સૌનો બનાવે છે. એમાંથી પ્રગટતી તેજશીખાઓ ચક્રના આરારુપ બની રહીને દરેક વ્યક્તીને – અહીં દરેક ‘જીવ’ને એમ સમજવું રહ્યું – એ સૌનામાં રહેલી આત્મસ્વરુપ એકતાને ચીંધે છે. (અહીં મને રાસલીલા યાદ આવે છે. એમાં એક ગોપી અને એક કૃષ્ણ બાજુબાજુમાં રહેલાં છે. કેન્દ્રમાં બ્રહ્મ, ગોળાકારે એક કૃષ્ણ અને એક ગોપી. દરેક જીવની સાથે એક શીવ છે. બ્રહ્માંડની આ અવીરત ગતીમાં આ બન્ને તત્ત્વો એકસાથે છે. પણ રાસલીલાની મજા તો એમાં છે કે કૃષ્ણતત્ત્વ કે જે દરેક ગોપી સાથે છે તે જ કેન્દ્રમાં પણ છે ! બ્રહ્મનું રહસ્ય આ જ છે કે, તે કેન્દ્રમાં છે અને સૌની અંદર પણ છે !! દરેક જીવ, દરેક પદાર્થમાં રહેલું ચૈતન્ય આ રાસલીલામાં દર્શાવાયું છે. રાસમાં જોડાયેલાં સૌ દર્શકો પણ છે અને પાત્રો પણ છે. બહારથી જોનારો દર્શક – નરસૈયો અર્થાત્ ભાવક – પણ એમાં એટલો મશગુલ થઈ જાય કે એ પોતે પણ રાસલીલાનો ભાગ બની જાય !! )

ગરબામાં ઘણુંબધું છે. એમાં વ્યક્તી પણ છે અને સમાજ પણ છે; અર્થાત્ વ્યક્તી–સમષ્ટીનું સાયુજ્ય છે; એમાં લગભગ બધી કલાઓ છે; એમાં ગતી છે ને સ્થીતી પણ છે; એમાં શાશ્વતી છે ને ક્ષણ પણ છે; એમાં ભક્તી પણ છે ને વહેવારો પણ છે;

નવરાત્રીમાં, મેં આરંભમાં જ મુકેલા ‘નવ’ શબ્દના ત્રણે અર્થો પડેલા છે. એ નવલી રાત્રીઓ છે, એ નવધાભક્તીનો નવનો આંકડો બતાવે છે ને નવ એટલે નહીંના અર્થમાં રાત્રી નથી પણ દીવસ–રાત્રીથી પર જ્યાં સદાય પ્રકાશ જ પ્રવર્તે છે તેવું સતત ગતીમાન વીશ્વ છે.

ને છેલ્લે એક વાત.

ઉપરનાં લખાણોની બધી જ વાતો ઘડીભર ભુલી જઈને ફક્ત એક જ દૃષ્ય જોઈ લઈએ. આ દૃષ્ય છે અંધારી કાજળકાળી રાત્રીએ થતું આકાશદર્શન !! આખું આકાશ ખીચોખીચ તારાઓથી ભરેલું છે. આપણે નીચે ઉભા જોઈશું તો આભલું એક મહાકુંભ જેવું દેખાશે. કલ્પનાની બાથમાં ન આવી શકે એવો આકાશી ગરબો માથા ઉપર ઝળુંબી રહેલો દેખાશે ! એના તેજસ્વી તારલાઓ જાણે કે ગરબાનાં છીદ્રો જ જોઈ લ્યો !! કોઈ અગમ્ય ગર્ભદીપ તારાઓરુપી છીદ્રોમાંથી અવીરતપણે પ્રકાશ રેલાવી રહ્યો છે.

કોઈને આ બ્રહ્માંડનો ગરબો બહીર્ગોળને બદલે આંતર્ગોળ દેખાય તોય એનો અર્થ હું તો એમ જ કરું કે સમગ્ર બ્રહ્માંડમાંની આપણી ધરતી અને આપણે સૌ પણ ગર્ભદીપ જ છીએ. અને તો બ્રહ્મના જ એક અંશ રુપે આપણે પણ આ વીશ્વના સંચાલનમાં ભાગીદાર તરીકે સામાન્ય માનવી જ ફક્ત નથી, આપણી ભુમીકા એકદમ ઉંચકાઈ જાય છે !!

નવરાત્રી પરનાં મારાં આ બધાં અર્થઘટનો મારાં વ્યક્તીગત છે; પણ આ પ્રકાશપર્વને બહાને અહીં રજુ કરી દેવાનું મન રોકી શકાયું નહીં……

– એટલે જ બસ !!

સૌજન્યNET-ગુર્જરી

શ્રી જુગલકીશોર વ્યાસના નવરાત્રી  અને ગરબા  વિશેના  અન્ય  RELATED લેખો પણ જરૂર માણો.

1097 – વિનોદ વિહારની છ વર્ષની આનંદ યાત્રા બાદ સાતમા વર્ષમાં પ્રવેશ ..

તારીખ સપ્ટેમ્બર ૧ ,૨૦૧૧ના રોજ મારી ૭૫ વર્ષની ઉંમરે વિનોદ વિહારના નામે એની પ્રથમ પોસ્ટ ‘મારો ગુજરાતી બ્લોગ -વિનોદ વિહાર”માં જણાવેલ ઉદ્દેશ્ય સાથે મેં આ ગુજરાતી બ્લોગની શુભ શરૂઆત કરી હતી.

નદીના વહેણની જેમ સમય તો વહેતો જ રહે છે. જોત જોતામાં છ વર્ષની આનંદમય યાત્રા પૂરી કરીને વિનોદ વિહાર આજે સપ્ટેમ્બર, ૨૦૧૭ની ૧ લી તારીખે  સાતમા વર્ષમાં હોંશ ભેર કદમ માંડી રહ્યું છે.

ગત વર્ષો દરમ્યાન આ બ્લોગના માધ્યમથી મારી સ્વ-રચિત સાહિત્ય રચનાઓ કે પછી મારા વાચન દરમ્યાન અન્યત્ર મને જે ગમ્યું હોય એવું મારી પસંદગીનું અને વાચકોને ગમે એવું પ્રેરણાદાયી અને સત્વશીલ સાહિત્ય પીરસી એમને સંતોષ આપવાનો મારી અલ્પબુદ્ધિ પ્રમાણે શક્ય એટલો મેં પ્રયત્ન કર્યો છે . મારા પ્રયત્નોમાં હું કેટલો સફળ રહ્યો છું એ તો આ બ્લોગના સુજ્ઞ વાચકો એટલે કે આપ સૌ મિત્રો જ કહી શકો.

મારા આ નમ્ર પ્રયત્નને વાચક મિત્રો તરફથી જે પ્રોત્સાહન જનક પ્રતિસાત સાંપડ્યો છે એ  નીચેના આંકડાઓ પરથી ફલિત થશે.

 

વિનોદ વિહાર – ૬  વર્ષને અંતે

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ વર્ષ વાર પ્રગતિસુચક આંકડાઓ.


વર્ષ ….                                                                    6              5                       4                 3            

                                                                       2017            2016              2015           2014  

——————————————————————————————————–

1.  માનવંતા મુલાકાતીઓ-

 (ગત વર્ષ  કરતાં ૩૬ ટકાનો વધારો)          393,000       288,484       229,746    173917  

2.   કુલ પોસ્ટની સંખ્યા                         1097           946           776       512                

3. દરેક પોસ્ટને  ફોલો કરતા મિત્રો –

      @ જેમાં બ્લોગર  100 છે.                  @ 336         320          290          251    

4. વાચક મિત્રોએ આજદિન સુધીમાં આપેલ

  કુલ પ્રતિભાવની સંખ્યા                           5502        4,913

========================================================

આ છ વર્ષો દરમ્યાનનો  બ્લોગર તરીકેનો મારો  અનુભવ આનંદદાયક રહ્યો છે . ગયા વરસે ફેસબુક પર “મોતી ચારો “ એ નામે એક સમાંતર સાહિત્ય પ્રવૃત્તિ શરુ કરી હતી એમાં પણ થોડો સમય જાય છે.જો કે મારી હાલની ૮૧ વર્ષની ઉંમરે કેટલાક શારીરિક પ્રશ્નો ઉભા થયા હોવાથી બ્લોગીંગ માટેના પહેલાંના ઉત્સાહમાં થોડી ઓટ તો વર્તાય છે.એમ છતાં મનોબળ હજુ સાબુત છે . 

મેં તો અકેલા ચલા થા ,જાનીબે મંઝિલ મગર

લોગ સાથ આતે ગયે ,ઔર કારવાં બનતા ગયા !

મિત્રોનો અને સ્નેહી જનોનો સાથ,સહકાર, પ્રેમ અને ઉષ્માભર્યો પ્રતિભાવ મારા માટે  બ્લોગમાં લખવા માટે અને પોસ્ટ તૈયાર કરવા માટેની  પ્રેરણા બને છે .

ઉદાહરણ તરીકે વિનોદ વિહારના પાંચમા વર્ષમાં પ્રવેશ પ્રસંગની પોસ્ટમાં હાલ ”દાવડાનું આંગણું ” બ્લોગના સંપાદક સહૃદયી શ્રી પી.કે.દાવડા એ લખેલ નીચેનો પ્રતિભાવ અન્ય મિત્રોના એવા જ પ્રકારના પ્રેમનો પડઘો પાડે છે.

”P.K.Davda ………..   સપ્ટેમ્બર 1, 2015

” નવેમ્બર ૨૦૧૨ થી હું વિનોદ વિહારની નિયમિત મુલાકાત લઉં છું. મારા કેટલાક લેખ અને અન્ય રચનાઓ સમયે સમયે વિનોદ વિહારમાં મુકાતી રહી છે.

આજે જ્યારે ગુજરાતી ભાષાના ૧૨૦૦ થી ૧૫૦૦ બ્લોગ્સનું અસ્તિત્વ છે ત્યારે વિનોદ વિહારને અલગથી તારવી એનું મુલ્યાંકન કરવું મુશ્કેલ છે, તેમ છતાં વિનોદ વિહારની ન નકારી શકાય એવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવાની ઈચ્છા રોકી શકતો નથી.

વિનોદ વિહારમાં સાત્વિકતા છે. ક્યારે પણ કોઈની લાગણી દુભાય એવી કોઈપણ વાત એમાં જોવા મળી નથી. સાદા શબ્દોમાં વિનોદ વિહાર એક ખાનદાન બ્લોગ છે. એમાં મુકાયલા વિનોદી લેખોમાં પણ કોઈ હલકી વાતો નથી.

વિનોદ વિહારમાં સાતત્ય છે. આજે અનેક બ્લોગ દિવસો કે મહિનાઓ સુધી અપડેટ થતા નથી, ત્યારે વિનોદ વિહારની ગતીશીલતા નજરે ચડ્યા વગર રહેતી નથી. રોજ નહિં તો અઠવાડિયામાં ત્રણ ચાર વાર એમાં નવી વાનગી ઉમેરવામાં આવે છે.

વિનોદ વિહારમાં સન્માન છે. જે વ્યક્તિઓ વિનોદ વિહારમાં પોતાની રચનાઓ મોકલે છે, એમનો પરિચય શ્રી વિનોદભાઈ ખૂબ જ સન્માનપૂર્વક કરાવે છે.

વિનોદ વિહારમા ઉત્સાહ છે. બ્લોગ ચલાવવામાં રહેલો વિનોદભાઈના ઉત્સાહથી વાંચકો અજાણ નથી. વિના સંકોચે, વિનોદભાઈ અનેક નવા નવા પ્રયોગો કરે છે, અને વિનોદ વિહારને એનો લાભ મળે છે. પોતે ટેકનિકલ વ્યવસાયના માણસ નથી, છતાં કોમપ્યુટર પાસેથી તેઓ જે કામ લે છે એ આશ્ચર્યજનક છે. વિનોદભાઈ આનો યશ તેમના શિક્ષક શ્રી સુરેશ જાનીને આપે છે.

વિનોદ વિહાર Organised છે. વિનોદ વિહારની અનુક્રમણિકાની મદદથી ગમે એટલો જૂનો લેખ પણ સહેલાઈથી શોધી શકાય છે. અનુક્રમણિકા સિવાય Tag થી પણ જરૂરી લેખ તરત મળી જાય છે.

આ બધું એટલા માટે શક્ય છે, કારણ કે વિનોદભાઈ એ વિનોદભાઈ છે.”

એમનું હૃદય ઠાલવીને પ્રતિભાવ આપવા માટે હું શ્રી દાવડાજીનો અને અન્ય મિત્રોનો આભારી છું.

માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાનયાત્રા સતત ચાલતી જ રહેતી હોય છે.બ્લોગની પ્રવૃત્તિ આંતરિક આનંદ સાથે સદ સાહિત્ય વહેંચવા માટેનું ઉત્તમ સાધન બન્યું છે .

એની મારફતે દુર  સુદૂર રહેતા અનેક મિત્રો અને સ્નેહીઓના સંપર્કમાં રહી શકાય છે એનો આનંદ અનેરો હોય છે . અનેક સહૃદયી મિત્રો સાથેનો ઈ-મેલ સંપર્ક તેમ જ એમના બ્લોગોની મુલાકાતો અને વિચાર વિનિમય તેમ જ નેટમાં પરિભ્રમણ કરવાથી જ્ઞાનની વધુ દિશાઓ ખુલતી જાય છે .બ્લોગીંગમાં જ્યારે ધ્યાન પરોવાય છે ત્યારે એ એક મેડીટેશન બની જાય છે .

વિશ્વના ફલક પર વિનોદ વિહાર

વર્ડ પ્રેસ ના આંકડા પ્રમાણે આજ સુધીમાં વિનોદ વિહારના કુલ મૂલાકાતીઓ  393,000 છે એ મુખ્યત્વે 143 નાના મોટા દેશોમાં પથરાયેલા છે.૧૦૦ કરતાં વધુ મુલાકાતીઓ નીચેના દેશોમાં આ પ્રમાણે છે.

———————————————————————————————       VIEWS                            COUNTRY           

  • 258,960                       India

  • 104,946                       United States

  • 5,538                           United Kingdom

  • 4,734                           Canada

  • 1,007                           Australia

  • 931                               United Arab Emirates

  • 659                              Pakistan

  • 466                             Hong Kong SAR China

  • 382                             Oman

  • 244                             Saudi Arabia

  • 227                             Japan

  • 186                            Singapore

  • 147                             Kenya

  • 145                            Germany

  • 139                            New Zealand

  • 138                            Qatar

  • 134                            European Union

  • 130                            Kuwait

  • 100                            Malaysia

  • ===============================================

વિશ્વભરમાં ફેલાયેલા અપરિચિત ગુજરાતી મિત્રો સાથે  બ્લોગના માધ્યમથી માતૃભાષામાં વિચાર વિનિમય થઇ શકે છે એ કેટલુ આશ્ચર્ય કહેવાય.! ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ છે કે સાન ડીયેગો, કેલીફોર્નીયાના ઘરના એક રૂમના એકાંતમાં જે શબ્દો બ્લોગમાં મુકાય છે એ કોમ્પ્યુટર પર એક ક્લિક કરીએ એની થોડી સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી જાય છે !યાદ આવી જાય છે કવિ રમેશ પારેખની આ પંક્તિઓ …

” આમ તો છું એક પરપોટો સમયના હાથમાં

  તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં ”

આભાર દર્શન 

આ બ્લોગની છ વર્ષની યાદગાર સફરમાં કોઇ પણ સ્વરૂપે સાથ અને સહકાર આપનાર સૌ મિત્રો અને સ્નેહીજનોનો હું હૃદયથી આભાર માનું છું.મને આશા છે કે આવતા દિવસોમાં પણ આપનો એથી પણ વધુ  સુંદર સહકાર મળતો રહેશે જ.

વિનોદ પટેલ , સંપાદક , વિનોદ વિહાર

તારીખ ૧લી સપ્ટેમ્બર ૨૦૧૭ 

 

 

 

( 996 ) નવા વરસ ૨૦૧૭ ના પ્રથમ દિવસે ……

જીવનનું અને સમયનું ચક્ર એક સાથે સદા ફરતું જ રહે છે.નવા વરસ ના પ્રારંભે ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે.દરરોજ એક પછી એક કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.આમ એક વર્ષ એની  અનેક યાદો પાછળ છોડીને પૂરું થાય છે  અને નવી આશાઓ અને ઉમ્મીદો લઈને નવું  વર્ષ હાજર થઇ જાય છે.

વરસના છેલ્લા દિવસ એટલે કે ૩૧મી ડીસેમ્બરની મધ્ય રાત્રીએ નવા વર્ષના થતા આગમનને લોકો  હર્ષ, ઉલ્લાસ ,ઉમંગ અને ઉત્સાહથી મન ભરીને  માણી અને  ઉજવીને નવા વર્ષનું  સ્વાગત કરે છે .

નવી આશાઓ અને ઉમ્મીદો લઈને  આવેલ  નવા વર્ષ  ૨૦૧૭ નું સ્વાગત છે.

( મોટા અક્ષરમાં વાંચવા /જોવા માટે ચિત્ર પર ક્લિક કરશો.)

happy-new-year-2

new-year-gauj-poem-2

new-year-2017

નવા વર્ષના સંકલ્પો …

નવા વર્ષની શરૂઆત હસીને કરીએ અને વર્ષ દરમ્યાન હસતા રહેવાનો સંકલ્પ કરીએ તો કેવું ?

જાણીતાં લેખિકા સુ.શ્રી.નીલમ દોશી અને હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલના નવા વર્ષના સંકલ્પો વિશેના વિનોદ વિહારમાં અગાઉ પ્રગટ નીચેના બે હાસ્ય લેખો બન્ને સાહિત્ય રસિક મિત્રોના આભાર સાથે આજની પોસ્ટમાં ફરી માણીએ.

હાસ્યં શરણં ગચ્છામિ..

હાસ્યં બ્રહ્મા, હાસ્યં વિષ્ણુ, હાસ્યં દેવો મહેશ્વર:

હાસ્યં સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી હાસ્યાય નમ:

૧.નવા વરસના શુભ સંકલ્પો.( હાસ્ય લેખ ) …….. લેખિકા – નીલમ દોશી

નો લેખ એમના બ્લોગ પરમ સમીપેની  આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .            

૨.નવા વર્ષના સંકલ્પો વિશેનો હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલનો નીચેનો હાસ્ય લેખ એમના હાસ્ય લેખોના પુસ્તક “ હળવે હૈયે “ માંથી લેવામાં આવ્યો છે.

નીચેની લીંક પર ક્લિક કરીને લેખ વાંચો.

નવા વર્ષના સંકલ્પો…હાસ્ય લેખ…ચીમન પટેલ 

નવા વર્ષના પ્રથમ દિવસે આ રાજકીય કાર્ટુન વિડીઓ માણો અને હળવા થાઓ. 

વર્ષના દિવસોમાં પણ  સદા હસતા અને હસાવતા રહીએ અને સૌના ચહેરા હમેશા હાસ્યથી ઝગમગતા રહે એવી હાર્દ્કિ સદ ભાવના

 

namaste-namaskar

વાચક મિત્રો,

વિનોદ વિહાર બ્લોગમાં વર્ષ દરમ્યાન વાચકોને મારી સ્વ-રચિત અને અન્ય લેખકોનું મન પસંદ અને જીવન પોષક સાહિત્ય તથા રસ પડે એવી અન્ય સામગ્રી ચીવટથી મુકવાની મારી કોશિશ હોય છે. આ બધી પોસ્ટ અંગે આપના પ્રતિભાવો દર્શાવીને મને પ્રોત્સાહિત કરવા બદલ આપનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

આપ સૌ મિત્રો તરફથી આ અગાઉ મળ્યો છે એના કરતાં પણ વધુ સારો સહકાર નવા વર્ષ ૨૦૧૭ દરમ્યાન પણ મળતો રહેશે એવી આશા રાખું છું.

આપ સૌ મિત્રો માટે ભૂતકાળના વર્ષોની સરખામણીએ આ નવું વર્ષ બધી દ્રષ્ટીએ એક સર્વોત્તમ-શ્રેષ્ઠ વર્ષ બની રહે અને આપના નવા વર્ષના જે કઈ પણ સંકલ્પો હોય એ ફળદાયી બને તેમ જ આજથી શરુ થતું નવું સંવત વર્ષ આપ સૌને સુખ, સફળતા ,તંદુરસ્તી ,આનંદ,સમૃદ્ધિ અને સંતોષ આપનારું સુંદરત્તમ વર્ષ બની રહે તેવી મારી હાર્દિક શુભ કામનાઓ છે.

You did not choose your date of birth,
Nor do you know your last,
So live this gift that is your present,
Before it becomes your past.
–Linda Ellis

HAPPY NEW YEAR — HAPPY NEW YOU

વિનોદ પટેલ , ૧-૧-૨૦૧૭

 

( 977 ) થેન્ક્સ ગીવીંગ ડે ૨૦૧૬

happy-thanks-giving-2

અમેરિકામાં અને કેનેડામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવાર ને થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ )તરીકે વર્ષોથી ઉજવવામાં આવે છે .

થેન્ક્સ ગીવીંગ ડે નો ઈતિહાસ જોતાં મૂળ ભૂત રીતે તો  એ મૂળ પાયોનીયર પ્રજા દ્વારા વર્ષ દરમ્યાન સારો પાક લેવા માટે અને છેલ્લું વર્ષ સારું ગયા માટેનો આભાર વ્યક્ત કરવા આ દિવસે ખાણી પીણી સાથે આનંદ કરીને ઉજવાતો હતો.

ગત વર્ષ ૨૦૧૫ના નવેમ્બર ૨૫,૨૦૧૫ ના  થેંક્સ ગીવીંગ ડે ની  પોસ્ટ થેન્ક્સ ગીવીંગ ડે અને આભારવશતા પણ વાંચશો.

થેન્ક્સ ગીવીંગ ડે ને અનુરૂપ મારી  અછાંદસ રચના..

ઓ પ્રભુ ,તારો આભાર !

અન્ન અને વસ્ત્ર આપવા માટે પ્રભુ તારો આભાર,

સવારે સૂર્યપ્રકાશમાં જગાડવા માટે તારો આભાર,

માથે છત્ર અને રાત્રે આરામ માટે તારો આભાર,

સ્નેહીજનો અને મિત્રોના પ્રેમ માટે તારો આભાર,

આમ અગણિત ઉપકારો છે જીવનમાં ,પ્રભુ તારા,

કેટલા ઉપકારો માટે માનું આભાર,એ સમજાય ના.

આ દિવસને અનુરૂપ એક બોધ કથા

પ્રભુનો આભાર માનવાનું ન ચૂકો…..બોધકથા …..

એક મોટી ઈમારતના બાંધકામનું કામકાજ ચાલી રહ્યું હતું.આ બાંધકામના સુપરવાઈઝરે એક દિવસ આ ઈમારતના છઠા માળેથી નીચે ભોંય તળીયે કામ કરી રહેલ એક કારીગરને કંઇક સુચના આપવા માટે બુમ મારી .

બિલ્ડીંગના કામકાજ માટે થઇ રહેલ શોર બકોરમાં આ કારીગરે સુપરવાઈઝરે ઉપરથી જે બુમ મારી હતી એ સાંભળી નહી. એતો એના કામમાં જ મગ્ન હતો .

આથી આ કારીગરનું ધ્યાન એના તરફ ખેંચવા માટે સુપરવાઈઝરે ઉપરથી ૧૦ રૂપિયાની કરન્સી નોટ નીચે ફેંકી .એને એમ હતું કે નોટ જોશે એટલે એ ઊંચું જોશે.

આ નોટ કામ કરી રહેલા આ કારીગરની બાજુમાં જ જઈને પડી.કારીગરે આ કરન્સી નોટ લઈને બીજો કોઈ પણ જાતનો વિચાર કર્યાં વિના પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને જે કામ કરતો હતો એ કરવાનું ચાલું રાખ્યું.

આ કારીગરનું ધ્યાન એના તરફ ફરી ખેંચવા માટે સુપરવાઈઝરે ફરી ઉપરથી ૫૦૦ રૂપિયાની નોટ ફેંકી પરંતુ આ વખતે પણ કારીગરે પહેલાં કર્યું હતું એમ જ આ નોટને લઈને ખિસ્સામાં મુકી દીધી અને એનું કામ કરવાનું ચાલું રાખ્યું . આ નોટ ક્યાંથી આવી -કોણે નાખી એનો સહેજ પણ વિચાર ના કર્યો .

આ કારીગરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે સુપરવાઈઝરે હવે  એક નવી તરકીબ અજમાવી . સુપરવાઈઝરે એક નાનો પત્થર નીચેથી ઉપાડીને   છઠા માળેથી આ કારીગરની ઉપર ફેંક્યો જે બરાબર આ કારીગરના માથે જઈને વાગ્યો .

અચાનક આ પથ્થરના પ્રહારથી કારીગર ચમકી ગયો અને આ વખતે જ એની ડોક ઉપર કરીને જોયું . એ વખતે સુપરવાઈઝરે કારીગરને એના કામકાજ અંગે જે સુચનાઓ આપવાની હતી એ આપી .

આ સુપરવાઈઝર-કારીગરની કથા આપણા જીવનની હકીકતો સાથે બિલકુલ મળતી આવે છે .

ભગવાન આપણી સાથે સંપર્કમાં રહેવા હંમેશાં પ્રયત્ન કરતો હોય છે . આ સુપરવાઈઝરની માફક ઉપરથી બુમો મારતો હોય છે  પરંતુ આપણને આપણા સ્વાર્થને વશ થઇને જિંદગીના ઢસરડા કરવામાંથી માથું ઊંચું કરીને એની તરફ જોવાની જોવાની પણ ફુરસદ નથી.ભગવાન સાથે વાતચીત કરવા તરફ દુર્લક્ષ્ય સેવીએ છીએ .

ભગવાન એના તરફ  ધ્યાન ખેંચવા આપણને પ્રથમ કોઈ પણ સ્વરૂપે નાની  ભેટ  મોકલી આપે છે. આપણે આ વખતે એટલું પણ વિચારતા નથી કે એ ભેટ ક્યાંથી આવી અને કોણે મોકલી છે.આપણે તો આ કથાના કારીગરની જેમ આ ભેટને આપણા ખિસ્સામાં મૂકી દઈ બીજું બધું ભૂલીને આપણા સંસારિક કામોમાં મગ્ન રહેતા હોઈએ  છીએ .

ત્યારબાદ ભગવાન આપણને  મોટી ભેટ મોકલે છે.  પરંતુ જે  ભેટ આપણને પ્રાપ્ત થઇ એના માટે પોતાની જાતને બહું નશીબદાર માનીએ છીએ અને એના માટે ગર્વ કરતા થઇ જઈએ છીએ.આપણને આ બધી ભેટો મોકલી આપવા માટે ભગવાનને યાદ કરવાનું કે એના માટે એનો આભાર માનવાનું પણ ભૂલી જઈએ છીએ .

આવા સંજોગોમાં  ભગવાન છેવટે આપણું ધ્યાન એના તરફ ખેંચાય એટલા માટે નાની મોટી ઉપાધીઓ રૂપી પથ્થર આપણા ઉપર ફેંકતો હોય છે .ત્યારે જ સફાળા આપણને ભાન આવે છે. મુશ્કેલીઓ આવે ત્યારે જ ભગવાનને યાદ કરીએ છીએ અને એની સાથે વાતચીત કરવાનું ચાલું કરીએ છીએ .

આ આખી  કથાનો મુદ્દાનો બોધપાઠ એ છે કે ……

જ્યારે જ્યારે પણ ભગવાન આપણને કોઈ પણ સ્વરૂપે નાની-મોટી ભેટો મોકલી આપે એ દરેક વખતે તરત જ આપણે એને યાદ કરીને એનો આભાર માનવામાંથી ચુક્વું ના જોઈએ .

આપણને ભગવાન ઉપાધિઓ રૂપી નાનો પત્થર આપણા માથે મારીને આપણને યાદ કરાવે ત્યાં સુધી એની રાહ જોવી ના જોઈએ .

કોઈએ સરસ કહ્યું છે કે ” સુખમાં સાંભરે સોની , દુઃખમાં સાંભરે રામ !”

happy-thanksgiving-5

વિનોદ પટેલ

 

 

( 899 ) ૧ લી મે ૨૦૧૬, ગુજરાત ગૌરવ દિવસનાં અભિનંદન …

આજથી ૫૬ વર્ષ પહેલાં ૧ લી મે ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યનો જન્મ થયો હતો.

૧ લી મે ના દિવસને ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.આ દિવસે દર વરસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગુજરાત દિનની ઊજવણી કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યના છેલ્લા મુખ્ય પ્રધાન અને હાલ દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મુખ્ય પ્રધાન તરીકેના ૧૨ વર્ષના વહીવટ દરમ્યાન ગુજરાત રાજ્યે સુંદર પ્રગતિ સાધી છે.ગુજરાત આજે દેશનું એક પ્રગતિશીલ રાજ્ય બન્યું છે જેને માટે દરેક ગુજરાતી ગૌરવ લઇ શકે એમ છે .

ગુજરાત રાજ્યનો ઈતિહાસ

ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારતની સ્વતંત્રતા પછી ભારત અને પાકિસ્તાન એમ દેશના બે ભાગલા થયા એ વખતે ભારત સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી હતી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં.

ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો ઉમેરીને એક દ્વિ-ભાષી મુંબઈ રાજ્ય બનાવવામાં આવ્યું.આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકોની બહુમતી હતી.મુંબઈ શહેર એવું હતું જેમાં ગુજરાતી અને મરાઠી એમ મુખ્યત્વે બે ભાશા બોલતી પ્રજા રહેતી હતી.

કાંતિકારી વિચારો ધરાવતા ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ ગુજરાતના અલગ રાજ્ય માટે ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચાલેલું એક પ્રચંડ જનતાકીય આંદોલન શરુ થયું .આ આંદોલનમાં ઘણા નવ લોહિયા યુવાનો શહીદ થયા.આ આંદોલન ગુજરાતના ઇતિહાસની તવારીખમાં મહા ગુજરાતના આંદોલન તરીકે પ્રખ્યાત થયું છે. બીજી બાજુ મુંબઈ સાથેના મરાઠી ભાશી મહારાષ્ટ્ર રાજ્યની(આમચી મુંબઈ ) માંગ માટે આંદોલન થયાં.

gujraatછેવટે તારીખ ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા કરી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર કચ્છ સાથેનું ગુજરાત એમ બે રાજ્યની રચના કરવાનું નક્કી થયું.આ રીતે આ દિવસે મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો.

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે પૂ .રવિશંકર મહારાજ નું પ્રવચન

૧લી મે ૧૯૬૦ના મંગલ પ્રભાતે ગાંધીના અદના અનુયાયી અને ગાંધી મુલ્યોના પ્રતિક સમા ગુજરાતના મૂક સેવક પૂજ્ય રવિશંકર મહારાજ (જન્મ ૧૮૮૪-૧૯૮૪) ના વરદ હસ્તે ગાંધી સ્થાપિત સાબરમતી આશ્રમ- હરિજન આશ્રમમાં ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે એમના આશીર્વાદ સાથે મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.

પૂજ્ય રવિશંકર મહારાજે ૧લી મે ૧૯૬૦ના રોજ કહ્યું હતું:

”તમે લાંચરૃશ્વત ના લેશો. ગરીબોના આંસુ લૂછીને તેમની દૂવા લેજો. તમે ધનિકો અને સત્તાધારીઓ જેટલા ઘસાઇને લોકોને ખપમાં આવશો તેટલા તમે પોતે પણ ઉજળા બનશો”

ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૬ વર્ષ પછી પણ પૂ.મહારાજની સૌને ઘસાઈને ઉજળા બનવવાની શીખનો ખરેખર અમલ થયો હોય એવું તમને લાગે છે ખરું?

એમના પ્રવચનને અંતે ગુજરાતની જનતાને નીચેનાં આશીર્વચનોથી એમનું પ્રવચન પૂરું કર્યું હતું.

સર્વેત્ર સુખિન : સન્તુ સર્વે નિરામયા :
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ર્ચિત્ દુ:ખમાપ્નુયાત્

પૂજ્ય રવિશંકર મહારાજ ના આ ઐતિહાસિક પ્રવચનનો સંપૂર્ણ પાઠ અક્ષરનાદ.કોમ ના સૌજન્યથી નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો. 

Ravishankar MahRAJ

 ૧લી મે ૧૯૬૦ના રોજ સાબરમતી આશ્રમ- હરિજન આશ્રમમાં પ્રવચન આપતા પૂ .રવિશંકર મહારાજની એક યાદગાર તસ્વીર .

ગુજરાતનું ગૌરવગાન

જય જય ગરવી ગુજરાત …મારા દિલમાં ધડકે ગુજરાત

સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવ ગાન તરીકે ગવાયેલા આ ગીતના રચયિતા જાણીતા ગુજરાતી ગીતકાર અને કલાકાર શ્રી દિલીપ રાવલ છે અને સંગીતની દુનિયાના શહેનશાહ ગણાતા વિશ્વ વિખ્યાત રહેમાનની ધૂનથી તે શણગારાયું છે. કંઠ કિર્તી સાગઠીયાનો છે.

ગીતના શબ્દો છે…

ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી,
આ રણ મને પ્યારું છે, ખેતર છે શું મા મારી
ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

એ વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે,
તને નમું લાખ વાર હું ભૂમિ મારી,
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

અહીં સેતુ કરાવ્યા પાર મેં દરિયા પાર,
ગુજરાતી હું છું મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર,
ગુજરાતી હું છું મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર,
ગુજરાતી હું છું હર આફત સામે ઊભો બની પડકાર,
ગુજરાતી હું છું….
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

પાંખનાં આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું,
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું,
કૈક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા હજુ બંધ છે,
મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે.
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનું ઘરેણું ગુજરાત !
એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે,
સાથ સૌ મળી વણીએ એક નવી કાલને કે જે ખાસ છે,
અંજલિમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે,
મનમાં કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે,
હે જી રે……….
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

આ સ્વર્ણિમ ગુજરાત ગીતને આ ગુજરાતી વિડીઓ પર માણો.

Swarnim Gujarat Anthem directed by Bharatbala [HQ].mp4

( 875 ) એક સ્થાનિક અમેરિકન સીનીયર સેન્ટરની મુલાકાતે ..

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

 – કૈલાસ પંડિત

જિંદગીની આ રાહમાં માનવીને રોજે રોજ અવનવા પ્રસંગોના અનુભવો થતા રહે છે.કેટલાક પ્રસંગો દિલને હળવું બનાવે છે,કેટલાક પ્રસંગોના અનુભવો દિલનો ભાર વધારે છે.એમ જિંદગી અવનવા અનુભવો કરાવતી એક નદીની જેમ વહેતી જ રહે છે.

ગઈકાલે દિલને ખુશ કરી ગયેલા અહીંના એક અમેરિકન સીનીયર સેન્ટરની મુલાકાતના પ્રસંગની આજે આ પોસ્ટમાં વાત કરવાની તક લઉં છું.

દીકરો અને દીકરાની પત્ની રોજ સવારે જોબ પર સવાર થી સાંજ સુધી વ્યસ્ત હોય,બે પૌત્રીઓ એમના કોલેજ અને શાળાના અભ્યાસ માટે ગયા હોય ત્યારે નાના મહેલ જેવા ઘરમાં સાવ એકલો આ જણ એના સદાના મિત્ર બની ગયેલા મિત્ર કોમ્પ્યુટર અને ટી.વી.નો સહારો લઇ એમાં મગ્ન બની જઈને એકલતા ઓછી કરવાનો અને સમયને સારી રીતે પસાર કરવાનો રોજ પ્રયત્ન કરતો હોય છે.કોમ્પ્યુટર અને એની મારફતે બ્લોગીંગ,ફેસ બુક અને ઈ-મેલથી કે ફોનથી સહૃદયી અને સમરસિયા મિત્રોના સંપર્કમાં ઘર બહારની દુનિયા સાથે જાતને જોડવાનો સતત પ્રયત્ન ચાલતો રહે છે.

શારીરિક મર્યાદાઓ સાથે ૮૦ વર્ષની ઉમરે આવી રીતે દિલ બહેલાવી દિવસો પસાર કરવાના પ્રયત્ન પછી પણ કોઈ વાર ઘર બહાર નીકળીને માણસો વચ્ચે જઈને એમની સાથે  રૂબરૂ વાતચીત કરનું મન થાય એ સ્વાભાવિક છે.જાત સાથે કેટલી અને ક્યાં સુધી વાતો કરી શકાય!

૧૯૯૪માં ભારતથી કાયમ રહેવા જ્યારે હું અમેરીકા આવ્યો ત્યારે લગભગ ૬ વર્ષ હું કેલીફોર્નીયા-લોસ એન્જેલસમાં રહ્યો હતો .અહીં આ શહેરમાં એશિયન ઇન્ડિયન સીનીયર એસોસીએશન ચાલતું હતું એની પ્રવૃતિઓમાં હું ભાગ લેતો હતો.ત્યારબાદ ૧૯૯૯ ની આખરથી હું સાન ડિયેગોમાં છું.અહી ગુજરાતી લોકોનું એસોસીએશન છે પણ એલ.એ.માં હતું એવું સીનીયર લોકો-વૃધ્ધો માટેનું જુદું એસોસીએશન નથી.

અમેરિકન સીનીયરો માટેનાં સેન્ટરો સાન ડીયેગોમાં ઘણાં છે.મેં એવા મારી નજીકના એક સેન્ટરના સભ્ય થવા માટે ફોન પર સંપર્ક કર્યો. સેન્ટરનાં ભલાં સંચાલિકાબેનએ સેન્ટરની મુલાકાત લેવા મને આમંત્રણ આપ્યું.તેઓ મૂળ શ્રી લંકાનાં પણ મલેશિયા રહેલાં છે.એમનાં માતા ઇન્ડીયન છે. 

મને થયું ચાલો જાતે જઈને જોઈએ તો ખરા કે ત્યાં કેવું છે અને શું પ્રવૃત્તિ ચાલે છે.અમેરિકાની સરકારની મદદથી વૃદ્ધ અને શારીરિક ક્ષતિ ગ્રસ્ત લોકો માટે આવાં સેન્ટરો ઘણી સરસ સેવા તાલીમબદ્ધ સેવકો-સેવિકાઓ  દ્વારા પૂરી પાડે છે.ગઈકાલે બસમાં મારી પાવર ચેર સાથે હું નજીકના અમેરિકન સીનીયર સેન્ટર પર સવારના ૧૦ વાગે પહોંચી ગયો.

આ સેન્ટરમાં વૃદ્ધજનો અને કેટલાંક કોઈ શારીરિક વ્યાધિ ગ્રસ્ત લગભગ ૫૦ થી ૬૦ સ્ત્રી-પુરુષો ત્યાં જોયાં.સેન્ટરનાં કાર્યકરો આ બધાં સભ્યો પ્રત્યે ખુબ પ્રેમથી સેવા પૂરી પાડી રહ્યાં હતાં.કોઈ ચાલી ના શકે એને વ્હીલચેરમાં ફેરવી રહ્યાં હતાં.બધાંને મારો પરિચય કરાવવામાં આવ્યો.મેં પણ મારો પરિચય આપ્યો.

હું ગયો એ દિવસે શુક્રવાર હતો એટલે બીજા રવિવારે આવતા ઈસ્ટરની એ દિવસે ઉજવણી થતી હતી.“ઈસ્ટર સન્ડે”ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. ખ્રિસ્તીઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિત થયા હતા.ઈસ્ટર સીઝનના એક ભાગરૂપે ભગવાન ઈશુના વધસ્તંભ પર મૃત્યુ પામવાની ઘટનાને ”ઇસ્ટર” પહેલાં આવતા “ગૂડ ફ્રાઈડે”ના દિવસે યાદ કરીને તાજી કરવામાં આવે છે.

Easter Bunny (Easter Rabbit or Easter Hare) ઈસ્ટર ઉજવણી માટેનું એક પ્રતિક છે,જે ઈંડાં લાવે છે એમ મનાય છે.આ દિવસે બાળકો એમના વડીલો સાથે એગ હન્ટ-ઈંડાં શોધવાની રમત રમતાં હોય છે.

આ સીનીયર સેન્ટરમાં સસલું -Bunny-ના લાંબા કાનનું ચિત્ર માથે લગાવી “એગ હંન્ટ ” એટલે કે ઈંડાં શોધી કાઢવાની રમત રમાતી હતી.આ રમતમાં પ્લાસ્ટીકનાં નાનાં મોટાં ઈંડાં જે એ રૂમની જુદી જુદી જગાઓએ સંતાડેલાં હોય એને એ જગાએ જઈને શોધીને એક પ્લાસ્ટિક બેગમાં ભેગાં કરવાનાં હોય છે.જે કોઈ સૌથી વધારે સંખ્યામાં ઈંડાં ભેગાં કરે એ પ્રથમ વિજેતા તરીકે જાહેર થાય અને એને કોઈ ઇનામ આપવામાં આવે.આ રમતની છેલ્લી બેચ વખતે હું પણ આ રમતમાં જોડાઈ ગયો.સેન્ટરનાં કાર્યકર બહેન વ્હીલચેરમાં મેં કહ્યું એ જગાએ લઇ ગયાં.આ રીતે સૌથી વધારે ૫૫ ઈંડાં બેગમાં ભેગાં કરીને હું પ્રથમ રહ્યો.મને ઇનામ આપવામાં આવ્યું.વાહ,ભાઈ,મને તો આ રમતમાં મજા પડી ગઈ !

આ પ્રસંગે ઝડપેલી કેટલીક તસ્વીરો આ રહી.

 પહેલી તસ્વીરમાં ૫૫ ઈંડાની બેગ સાથે અને છેલ્લી તસ્વીરમાં મળેલા ઇનામ સાથે ..  

ત્યારબાદ,મારી નજીકની ખુરશીમાં બેઠેલાં ૫૫ વર્ષનાં એક અમેરિકન બેન સાથે વાતચીત કરતાં જાણ્યું કે એમને ડિમેન્શિયાની વ્યાધીને લીધે એમની યાદ શક્તિ એમણે બિલકુલ ગુમાવી દીધી છે.એમના જીવનની અંગત વાતો દિલ ખોલીને નિખાલસ ભાવે એમણે મારી સાથે કરી. એમનું નામ જુન.તેઓ કહે એમના માતા પિતાએ એમનાં ત્રણ સંતાનોના નામ એપ્રિલ,મે અને જુન રાખ્યાં એ કેવું કહેવાય!એમને સ્ટ્રોકના પ્રથમ હુમલાથી બ્રેઈન હેમરેજ થયેલું.હેમરેજ પછી એમનું મગજ ખોલીને કરાવેલી ગંભીર પ્રકારની સર્જરી પછી તેઓ બચી ગયેલાં.સર્જરી પછીના ખરબચડાં નિશાન હજુ એમના માથામાં મોજુદ છે.

એમનાં લગ્ન કોલેજના એક પ્રોફેસર સાથે થયાં હતાં.એમનાથી એમને બે પુત્રો છે જે હાલ કોલેજમાં અભ્યાસ કરે છે.એમના પતિને એમણે એક દિવસ બીજી કોઈ સ્ત્રી સાથે પકડી પાડ્યા. બન્ને વચ્ચે ઝગડો થયો.પતિએ ગુસ્સામાં આવી આ બહેનના ચહેરા પર જોરથી મુક્કો માર્યો. આ ઘાયલ બેનને  નાક અને ચીક બોનની સર્જરી કરાવવી પડી.૪૦ વર્ષની ઉંમરે તનાવને લીધે એમને સ્ટ્રોકનો બીજો હુમલો થયો એમાં એમણે એમની યાદ શક્તિ બિલકુલ ગુમાવી દીધી .

એમના પતી સાથે છુટાછેડા લઈને હાલ તેઓ એકલા સરકારી સીનીયર હોમમાં રહે છે.એમનાં મોટાંબેન એમની દેખરેખ રાખે છે. જો કે એમનું બોસિંગ એમને ગમતું નથી.આવા દુખમાં પણ આ બહેન ખુબ રમુજી સ્વભાવનાં છે.૫૫ વર્ષનાં આ બહેન મને હસતાં હસતાં કહે “હું કોઈની સાથે ડેઈટ પર જાઉં તો પણ મને યાદ નથી રહેતું કે હું કોની સાથે ડેઇટ પર ગઈ હતી, એટલી ભુલકણી થઇ ગઈ છું !”

ત્યારબાદ બાર વાગે ખુબ જ પૌષ્ટિક ખોરાકનો લંચ સેન્ટરના કાર્યકરો દ્વારા પીરસવામાં આપવામાં આવ્યો.મારી સાથે લંચના ટેબલ પર ખુરસીમાં મારી સાથે જે બેઠેલાં હતાં એમાં એક ૮૫ વર્ષના જાપાનીઝ ભાઈ હેરી હતા,મારી ડાબી બાજુ આ ભૂલકણાં બેન જુન અને જમણી બાજુ એક ૮૦ વર્ષના ભૂતકાળમાં પ્લેન ચલાવી નિવૃત્ત થયેલ પાઈલોટ વૃદ્ધ અમેરિકન ભાઈ ડોન હતા.સામે ૮૫ વર્ષનાં ઇટાલિયન-અમેરિકન બેન શેલી અને સામે બેઠેલાં ૮૦ વર્ષનાં મૂળ લેબેનોન વૃધ્ધા લંચમાં સાથે હતાં.એવામાં એક વિએટનામી ડોશીમા મારી પાસે આવ્યાં અને કહે હું ગાંધી અને એમની દીકરી ઇન્દિરા ગાંધીને જાણું છું.ગાંધીને કોઈ ઇન્ડિયનએ જ મારી નાખ્યા હતા.મેં એમને સમજાવ્યું કે ઇન્દિરાએ ગાંધીની દીકરી નથી.ઇન્દિરા ગાંધીને પણ એમના બોડી ગાર્ડોએ જ માર્યા હતા.તેઓ કહે મને આની ખબર ન હતી.  

આ સેન્ટરનાં સંચાલિકા બેન મારા સભ્ય પદ માટે મારા ડોક્ટર તરફથી મળેલ કાગળોને ધ્યાનમાં લઈને આગળની પ્રક્રિયા કરી રહ્યાં છે.જરૂરી મંજુરી મળે એટલે દર વીકે બે દિવસ ૧૦ થી ૧ આ સેન્ટરમાં જવાનો વિચાર રાખ્યો છે.આનાથી ઘર બહારની દુનિયામાં જઈને દિલને હળવું કરવાનું બનશે અને જીવન સંધ્યાના આ સમયે અવનવા પ્રસંગ રંગોનો અનુભવ મળશે.

માણસે ગમે એવી પરિસ્થિતિમાં સુખી થવા માટે અને દિલને હળવું કરવા માટે જ્યાંથી પણ મળે ત્યાંથી શુદ્ધ આનંદ શોધી કાઢીને સમયનો મહત્તમ ઉપયોગ કરવાની કોઈ પણ તકને જતી કરવી ના જોઈએ .

મને ગમતું  ‘રૂસ્વા’ મઝલુમી નું આ રહ્યું એક કાવ્ય …

મને જિંદગીના પ્રસંગો ન પૂછો,
બધા હસતા, હસતા પતાવી દીધા છે.
પ્રલોભન, જો આવ્યા છે જીવનમાં જ્યારે
મેં ખુદ્દારે દિલથી ફગાવી દીધા છે.

બધા ઓરતાઓ, ને આશાઓ ક્યાંથી,
ફળે, મંજરીની, મહેક થઇને કાયમ
અફળ કામનાઓના, ઓથાર બેશક
રહી મૌન દિલમાં સમાવી દીધા છે.

તરંગોની માફક જે દિલમાં, ઊઠ્યા તે,
મનાવી લીધા છે રૂઠેલા ઉમંગો,
અને આવકાર્યા છે અવસર મળ્યા જે
હૃદય ઉર્મિઓથી વધાવી દીધા છે.

ખુદાની કસમ હું- છું ઇન્સાન ‘રૂસ્વા’
ને ઇન્સાનિયતનો પ્રશંસક રહ્યો છું,
મળી છે મને બાદશાહી ફરીથી
જે આવ્યા પ્રસંગો દીપાવી દીધા છે.

– ‘રૂસ્વા’ મઝલુમી

 Ester