વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: પ્રેરણાની પરબ

(122) મહાન પુરુષોનો વિનોદ ભાગ–2 (હાસ્ય યાત્રા -ભાગ-6)

Even a Chimp can laugh…Why not we ?
-Courtesy Yesha Pomal

શ્રી પ્રકાશ વેગડ સંપાદિત પુસ્તક ‘નાના મોટા માણસ, ઝીણી

ઝીણી  વાત’ પુસ્તકમાંથી નીચેના પ્રસંગો ,એમના અને રીડ

ગુજરાતી.કોમના  આભાર સાથે આજની પોસ્ટમાં મુક્યાછે.

આ અગાઉની પોસ્ટ નંબર 121- “મહાનપુરુષોનો વિનોદ”માં 

પોસ્ટ થયેલ રમુજી પ્રસંગોના અનુસંધાનમાં આ

વધુ રમુજી પ્રસંગોને વાંચવા વાચકોને  માટે રસપ્રદ

ને પ્રેરક રહેશે એમ માનીને અત્રે મુક્યા છે. 

વિનોદ આર.પટેલ 

_________________________________________________________________

[1] અબ્રાહમ લિંકન

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના એક વિશ્વાસુ માણસે એમને નાણાંખાતાના સચિવથી સાવધ રહેવાનું સૂચન કર્યું અને જણાવ્યું કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે સાલ્મન ચૅઝ રાષ્ટ્રપ્રમુખનું પદ મેળવવાની યોજના કરી રહ્યા છે. એ સાંભળીને લિંકને પોતાના રાજકીય મિત્રને પૂછ્યું : ‘તમે જાણો છો બગાઈ શું હોય છે ?’

એમણે નકારમાં પોતાનું માથું હલાવીને એ અંગેની પોતાની અનભિજ્ઞતા દર્શાવી. આથી લિંકને સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘ઘોડાના શરીરે ડંખ મારતી મોટી માખી બગાઈ તરીકે ઓળખાય છે.’ અને મલકાતાં-મલકાતાં એમણે ઉમેર્યું કે, ‘મારા ગામના એક પડોસી પાસે એક આળસુ ઘોડો હતો. એક દિવસ એક ખેડૂતની નજર એ આળસુ ઘોડાને સતાવી રહેલ બગાઈ પર પડી અને એણે પોતાના હાથના ઝાટકાથી એની બગાઈ દૂર ભગાડી દીધી. એ જોઈને મારા પાડોસીએ એમને મીઠો ઠપકો આપતાં કહ્યું : ‘તમે આવું શા માટે કર્યું ? એ બગાઈ તો એને હરતો-ફરતો ને દોડતો રાખે છે !’

આટલું કહીને લિંકન હસી પડ્યા અને પોતાની વાતનો મર્મ સમજાવતાં કહ્યું, ‘જો મિ. ચૅઝના વાંસા પર રાષ્ટ્રપતિના હોદ્દાની બગાઈ ડંખ મારી રહી હોય તો હું એ બગાઈને મારવા નથી ઈચ્છતો. એના કારણે તો એનો વિભાગ જાગ્રત અને જીવંત રહેશે.’

 [2] જવાહરલાલ નહેરુ

ચીને તિબ્બત પર આક્રમણ કર્યું ત્યારે એણે હિમાલયનો કેટલોક ભારતીય પ્રદેશ પચાવી પાડ્યો. એ અંગે સંસદમાં ઘણો ઊહાપોહ થયો હતો. વિપક્ષી સભ્યોએ નહેરુની ઢીલાશ અને નિષ્ક્રિયતા અંગે તીવ્ર આક્ષેપો કર્યા હતા. એનો જવાબ આપવા નહેરુજી આવેશમાં આવી ગયા અને બોલ્યા : ‘મને એ સમજાતું નથી કે જે જમીન પર ઘાસનું એક પણ તણખલું ઊગતું નથી એ જમીન માટે તમે લોકો આટલો બધો હોબાળો શા માટે કરો છો ?

એ સાંભળીને મહાવીર ત્યાગી પોતાની ખુરશી છોડીને સીધા-સટાક ઊભા થઈ ગયા. પોતાના માથા પર પહેરેલી ખાદીની ટોપી ઉતારી નાખી અને પોતાની ટાલ બતાવતા બોલ્યા : ‘પંડિતજી ! આ મારી ટાલ જુઓ. અહીં એક પણ વાળ હવે ઊગતો નથી. એથી શું આ મારું માથું કપાઈ જવા દેવું ?’ અને સંસદભવનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. નહેરુ પણ ખડખડાટ હસી પડ્યા. .

[3] વલ્લભભાઈ પટેલ

ચરોતરના પાટીદાર કુટુંબની એક કન્યાના વિવાહ માટે વર-પરિવારની વ્યક્તિઓ સાથે દહેજની વાટાઘાટો ચાલતી હતી. પણ દહેજની રકમ અંગે કોઈ સમજૂતી સધાતી નહોતી. સરદાર વલ્લભભાઈ પટેલને આ બાબતની જાણ થતાં, તેઓ ગુસ્સે થયા, અને વર-કન્યા બંનેનાં મા-બાપને બોલાવીને તાડૂક્યા : ‘તમે લોકો દહેજની ભાટાઈ અને ભાંજગડ છોડો અને વર-કન્યાને શુક્રવારીમાં મૂકી દો ! ત્યાં જે ભાવ નક્કી થાય તે ફાઈનલ !’ .

[4] ભૂલાભાઈ દેસાઈ

ગાંધીયુગના સ્વાતંત્ર્યસેનાની ભૂલાભાઈ દેસાઈએ ઘણી જ ઓછી ઉંમરમાં વકીલાતની શરૂઆત કરી દીધી હતી. કોર્ટમાં અન્ય વયોવૃદ્ધ વકીલો ને જજોની સામે તેઓ એક છોકરડા જેવા દેખાતા હતા. એક વાર એક અંગ્રેજ જજે એમની મશ્કરી કરતાં કહ્યું : ‘મિ. ભૂલાભાઈ ! યુ આર એ ચાઈલ્ડ ઈન લૉ !’ એ સાંભળીને ભૂલાભાઈએ તરત જ જવાબ આપ્યો : ‘યુ આર રાઈટ માય લોર્ડ ! આઈ એમ એ ચાઈલ્ડ ઈન લૉ ઍન્ડ યુ આર એ ફાધર ઈન લૉ !’ .

[5] આલ્બર્ટ આઈન્સ્ટાઈન

આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષતાના સિદ્ધાંતની શોધ કરી ત્યારે સર્વત્ર તેમનો આદર થવા લાગ્યો. એ અંગે કટાક્ષ કરતાં તેમણે કહ્યું : ‘આજે જર્મનીમાં એક જર્મન વૈજ્ઞાનિક તરીકે મારો આદર થાય છે અને ઈંગ્લૅન્ડમાં એક પરદેશી યહૂદી તરીકે. પણ જો મારો સિદ્ધાંત ખોટો સાબિત થાય, તો જર્મન લોકો મને એ કહીને ધુત્કારશે કે, ‘એ એક પરદેશી યહૂદી છે !’ અને અંગ્રેજ લોકો એ કહીને ધુત્કારશે કે, ‘એ એક જર્મન છે !’ એટલું કહીને હસતાં-હસતાં એમણે ઉમેર્યું : ‘આ બાબત મારા સાપેક્ષતાના સિદ્ધાંતનો એક વધુ પુરાવો રજૂ કરે છે !’ .

[6] ચાર્લી ચેપ્લિન

હાસ્યસમ્રાટ ચાર્લી ચેપ્લિનના જીવનનો આ પ્રસંગ છે. એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન મૅસ સેનેટે ચાર્લીને પૂછ્યું : ‘તને મોટરસાઈકલ ચલાવતાં આવડે છે ?’ ‘અરે ! એમાં શું ?’ ચાર્લીએ પોતાની લાક્ષણિક અદાથી આંખો નચાવતાં કહ્યું : ‘મોટરસાઈકલ પર તો મેં આખા લંડન શહેરની પ્રદક્ષિણા કરી છે !’ અને પોતાની આ વાતનું પ્રમાણ રજૂ કરવા એણે ત્યાં ઊભેલી બાઈક ઉપાડી. મૉબેલ નૉર્મન્ડને પાછલી સીટ પર બેસી જવા કહ્યું ને ગાડી સ્ટાર્ટ કરતાંની સાથે જ એની ગતિ વધારવા લાગ્યો. મૉબેલનો જીવ અદ્ધર થઈ ગયો. એણે ચાર્લીને ગતિ ઓછી કરવા કહ્યું. પણ ચાર્લી એવું કરી શક્યો નહીં.

એ પછીની બીજી ક્ષણે તો મોટરસાઈકલ એક ઝાડ સાથે અથડાઈ ગઈ. બંને જણ એક ખાડામાં જઈ પડ્યા. આ આઘાતમાં ચાર્લી બેભાન થઈ ગયો. જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે એણે પોતાના ખરડાયેલા ચહેરે અત્યંત નિર્દોષભાવે કહ્યું : ‘મને એમ કે સાઈકલ અને મોટરસાઈકલ વચ્ચે કોઈ વધારે તફાવત નહીં હોય !’ .

[7] વિનોબા ભાવે

એક આશ્રમવાસીએ વિનોબા ભાવેને કહ્યું : ‘બાબા ! અમને ગ્રામોદ્યોગના ચોખા ખાવામાં વાંધો નથી, પણ એમાં ઘણી વાર જીવડાં જલ્દી પડી જાય છે !’ વિનોબાએ હસતાં-હસતાં જવાબ આપ્યો : ‘અરેરેરે ! જીવડાં જેવાં જીવડાં પણ એ સમજે છે કે, હાથછડના ચોખા, મિલના ચોખા કરતાં વધુ ગુણકારી છે ! અરે ભાઈ, તમારા જેવા માણસને એ નિર્ણય કરવામાં આટલી મુશ્કેલી નડે છે ?’ .

[8] લાઓ-ત્સે

ચીનના દાર્શનિક લાઓ-ત્સે એકવાર જાહેરમાં કહ્યું : ‘આખી દુનિયામાં મને હરાવે એવો કોઈ નથી.’ એ વાત એક જાણીતા મલ્લ પાસે પહોંચી. એણે વિચાર્યું કે આ તો મારા માટે એક પડકાર છે. એ ઝીલવો જ પડે. અને એ લાઓ-ત્સે પાસે પહોંચ્યો અને ખોંખારીને બોલ્યો : ‘તમને હું હરાવીશ, બોલો ક્યારે કુસ્તી લડશો ?’ દિવસ નક્કી થયો. હજારો પ્રેક્ષકો આ વિચિત્ર કુસ્તી જોવા પહોંચ્યા. સૌની સામે બંને જણ અખાડામાં ઊતર્યા. લાઓ-ત્સેએ કહ્યું : ‘કુસ્તીમાં તમે હંમેશાં વિજયી રહ્યા છો, મારી સાથે લડવાનું કબૂલ કરીને તમે મોટો ઉપકાર કર્યો છે. એનાથી મારું મોટું સન્માન થયું છે.’ એટલું કહીને તેઓ અખાડાની વચ્ચે જઈને ચત્તા સૂઈ ગયા અને બોલ્યા : ‘આવો પહેલવાન, મારી છાતી ઉપર બેસી જાવ અને ગર્વથી જાહેરાત કરો કે તમે જીત્યા છો !’

પહેલવાન મૂંઝાયો, આ તે કેવી કુસ્તી કે જેમાં હરીફ પહેલેથી જ હારી જાય ! એણે કહ્યું : ‘આવું હું કેમ કરી શકું ? લડાઈ વગર હાર-જીતનો ફેંસલો ન કરી શકાય.’ અને એ અખાડાની બહાર જતો રહ્યો. એ જોઈને લાઓ-ત્સે હસતા-હસતા ઊભા થયા ને બોલ્યા : ‘હું તો પહેલેથી જ કહેતો હતો કે મને કોઈ હરાવી શકે નહિ. જેણે જીતવાની ઈચ્છા ઉપર જ જીત મેળવી હોય, તેને કોણ હરાવશે !’ .

[9] કવિ ન્હાનાલાલ દલપતરામ

જ્યોતીન્દ્ર દવે સુરતની એક કૉલેજમાં ફેલો હતા ત્યારે મહાકવિ ન્હાનાલાલનું ભાષણ ત્યાં યોજવામાં આવ્યું હતું. બધી તૈયારીઓ થઈ ગયા પછી, અતિથિગૃહથી ભાષણના સ્થળ સુધી કવિને લઈ આવવાનું કામ જ્યોતીન્દ્ર દવેને સોંપવામાં આવ્યું. તેઓ અતિથિગૃહ પહોંચ્યા. કવિએ અમસ્તાં ઔપચારિકતા ખાતર જ્યોતીન્દ્રને પૂછ્યું : ‘તમે કવિતા કરો છો ?’ મશ્કરા સ્વભાવના જ્યોતીન્દ્રે રમૂજમાં ફટ દઈને જવાબ આપ્યો : ‘એ મૂર્ખાઈ હું નથી કરતો !’ ન્હાનાલાલનો ચહેરો એક ક્ષણમાં લાલચોળ થઈ ગયો. ‘હું કવિતા કરું છું તે શું મૂર્ખાઈ છે ?’ એમણે ગુસ્સે થઈને પૂછ્યું. જ્યોતીન્દ્રના આ વ્યવહારને કવિએ પોતાનું અપમાન ગણ્યું. અને ભાષણ માટે જવાની ના પાડી. અને આ વાત વણસતા સહુની મુશ્કેલી વધી ગઈ.

અંતે જ્યોતીન્દ્રે કવિને મનાવતાં-મનાવતાં સ્પષ્ટતા કરી : ‘સાહેબ ! ખરેખર મારા કહેવાનો આશય એ હતો કે, જો હું કવિતા કરું તો તે મૂર્ખતા કહેવાય, અને જો તમે કવિતા ન કરો તો તે મૂર્ખતા કહેવાય !’ આ સાંભળીને ન્હાનાલાલ હસી પડ્યા અને બગડેલી બાજી સુધરી ગઈ. .

[10] અટલ બિહારી વાજપેયી

ઈન્દિરા ગાંધી પહેલી વાર વડાપ્રધાન થયાં ત્યારે ‘જનસંઘ’ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરતાં એમણે સંસદભવનમાં કહ્યું : ‘મૈં અગર ચાહૂં તો પાંચ મિનિટ મેં ‘જનસંઘ’ કો ઠીક કર સકતી હૂં !’ એના જવાબમાં એ સમયના ‘જનસંઘ’ના પ્રમુખ અટલબિહારી વાજપેયીએ મલકાતાં મલકાતાં જવાબ આપ્યો : ‘મેડમ ! પાંચ મિનિટ મેં તો આપ અપની લટેં ભી ઠીક નહિ કર સકતીં !’

[11] સર્વપલ્લી રાધાકૃષ્ણન

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે રાજ્યસભામાં એમની અધ્યક્ષતા હેઠળ ‘છૂટાછેડા’ના ખરડા પર ચર્ચા ચાલતી હતી. આ ખરડાની એક કલમમાં ‘પાગલ’ શબ્દને સ્થાને ‘જેનું મગજ અસ્થિર હોય’ એ શબ્દ મૂકવાનું કોઈએ સૂચન કર્યું.

ત્યાં રાધાકૃષ્ણને વ્યંગના સ્વરમાં કહ્યું : ‘આવું થશે તો આપણે સૌને છૂટાછેડા લેવાની નોબત આવી પડશે. કેમ કે મહિનામાં એકાદ વખત તો કોનું મગજ અસ્થિર નથી થતું ?’ એ સાંભળીને સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ત્યાં તો વિનોબાએ એક બીજું વ્યંગબાણ ફેંક્યું : ‘આ અંગે જો આપણી પત્નીઓનો અભિપ્રાય લેવામાં આવે, તો આપણાંમાંથી કોઈનુંયે મગજ સ્થિર નહિ નીકળે !’ .

[12] ચાર્લ્સ એડિસન

ચાર્લ્સ એડિસન, એ વીજળી અને ગ્રામોફોનના આવિષ્કર્તા આલ્વા એડિસનના જ્યેષ્ઠ પુત્ર હતા. એક પાર્ટીમાં એમના યજમાને ઉપસ્થિત મહેમાનો સામે એમનો પરિચય આપતાં કહ્યું : ‘મિ. ચાર્લ્સ, એ લાયક પિતાના એક લાયક પુત્ર છે. એમણે પોતાના પિતા આલ્વા એડિસનની ઝળહળતી કીર્તિ જીવંત રાખી છે.’ ઉપસ્થિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા. એ પછી સહુનો આભાર માનતા ચાર્લ્સે કહ્યું : ‘અહીં મારી જે પ્રશંસા કરવામાં આવી છે, એવી ને એટલી લાયકાત મારામાં નથી. ખરેખર તો હું મારી જાતને મારા પિતાના પ્રારંભના અખતરામાંનો જ એક ગણું છું.’ .

[13] આચાર્ય રામચન્દ્ર શુક્લ

હિંદી સાહિત્યના પ્રખર વિદ્વાન આચાર્ય રામચન્દ્ર શુક્લ લખનૌના અમીનાબાદ પાર્કમાં ફરવા ગયા હતા. રસ્તામાં ઊભેલા એક ભિખારીએ  હાથ લંબાવીને એમને કહ્યું : ‘સાહેબ ! આપકી ટોપી ઊંચી રહે !’ આવું સુંદર વાક્ય સાંભળીને સાહિત્યરસિક આચાર્યજીનું મન પ્રફુલ્લિત થઈ ગયું. ભિખારીને એક રૂપિયો આપતાં રમૂજમાં પૂછ્યું : ‘કોઈ મહિલા પાસે ભીખ માગે, ત્યારે શું કહે છે ?’

એ ભિખારી એમનું મોં જોઈ રહ્યો. કોઈ જવાબ આપી શક્યો નહિ. ત્યારે આચાર્યજીએ હસતાં-હસતાં કહ્યું : ‘એમને એમ કહેવાનું કે મેમસાહેબ, આપકી એડી ઊંચી રહે !’ એ સાંભળીને ભિખારી હસી પડ્યો. .

[14] ટ્રિસ્ટન બર્નાર્ડ

સાહિત્યની એક સભા સમક્ષ પોતાનું પ્રવચન આપવા જતાં પહેલાં એક નવોદિત લેખકે ફ્રાન્સના નાટ્યકાર ટ્રિસ્ટન બર્નાર્ડને પૂછ્યું : ‘ભાષણની સમાપ્તિ કેવી રીતે કરવી એ અંગે આપની શું સલાહ છે ?’ ‘એ તો સાવ સહેલું છે.’ ટ્રિસ્ટને કહ્યું અને મલકાતાં-મલકાતાં ઉમેર્યું, ‘તમારા કાગળિયાં એકઠાં કરવાં, શ્રોતાઓને નમન કરવું અને એકદમ બિલ્લીપગે ત્યાંથી ચાલ્યા જવું.’ ‘બિલ્લીપગે શા માટે ?’ ટ્રિસ્ટને પોતાની નજરોમાં તોફાન પ્રગટ કરતાં જવાબ આપ્યો, ‘એ લોકો જાગી ન જાય એટલા માટે.’

(121 ) મહાન પુરુષોનો વિનોદ (હાસ્ય યાત્રા શ્રેણી -ભાગ -5)

વિનોદ વિહારની હાસ્ય શ્રેણીની પાંચમી પોસ્ટમાં આજે કેટલાક  આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવનાર મહાન પુરુષો,સંતો ,શોધકોના જીવનના  હાસ્ય પ્રસંગો રજુ કરવામાં આવ્યા છે.

આ બધા મહાન  પુરુષો દેશ અને દુનિયાના પ્રશ્નો ઉકેલવામાં રાત  દિવસ ગંભીરતા પૂર્વક કાર્ય રત રહેતા હોવા છતાં પ્રસંગોપાત રમુજ કે ખડખડાટ હસવાની કોઈ તક હોય તો ઝડપી લઈને ગંભીર વાતાવરણને હળવું ફૂલ કેવી રીતે બનાવી દે છે એ આ પોસ્ટમાં રજુ કરેલા રમુજી પ્રસંગો ઉપરથી જાણવા અને શીખવા મળે છે.

મને આશા છે આપને આ બધા મહાન પુરુષોનો વિનોદ માણવાનું ગમશે  અને હળવા બનાવશે. એમની માફક તમારા જીવનમાં પણ   હાસ્યને  વણી લેવાની   પ્રેરણા   પૂરી પાડશે.  

સંકલન — વિનોદ આર.પટેલ 

_____________________________________________________________________

મહાન પુરુષોનો વિનોદ

1932માં મહાત્મા ગાંધી, વલ્લભભાઈ પટેલ અને મહાદેવ દેસાઈ યરવડાની જેલમાં હતા, ત્યારે ગાંધીજીએ એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે સરકાર તેમને ઓછામાં ઓછાં 5 વર્ષ સુધી જેલમાં રાખશે. પણ એ દરમિયાન ‘ક્રોનિકલ’માં એવા સમાચાર પ્રગટ થયા કે ગાંધીજીને ત્રણ વર્ષ જેલમાં રાખવાના છે. આ સંદર્ભે ગાંધીજીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં સરદાર પટેલને કહ્યું: ‘જુઓ, હું તો પાંચ વર્ષ કહેતો હતો, પણ આ તો બે વર્ષ ઓછાં થઈ ગયાં !’

વલ્લભભાઈએ તેમની આ હાસ્યવૃત્તિ પર કટાક્ષ કરતાં કહ્યું : ‘તમે તો પેલા નાગા જેવું કરો છો. કોઈકે કહ્યું : ‘અલ્યા, તારી પૂંઠે બાવળિયો ઊગ્યો, તો એ બોલ્યો : ‘ભલે ઊગ્યો છાંયડો થશે !

[2]

એકવાર કોઈ અટકચાળી વ્યક્તિએ અહિંસા ઉપર કટાક્ષ કરતો એક પત્ર મહાત્મા ગાંધીને લખ્યો : ‘આપણે ધરતી પર ચાલીએ છીએ ત્યારે અસંખ્ય કીડીઓ ને બીજા જીવ-જંતુઓ આપણા પગ તળે ચગદાઈ જાય છે. એ હિંસા કઈ રીતે અટકાવી શકાય ?’

ગાંધીજીએ પત્ર સરદાર પટેલને આપ્યો. તેમણે ખડખડાટ હસતાં કહ્યું : ‘બાપુ ! એને લખો કે પોતાના પગ માથા પર રાખીને ચાલે !’

[3]

આઈન્સ્ટાઈનની બીજી પત્ની એલ્સા ઘણું ઓછું ભણેલી હતી. એના માટે તેમના સિદ્ધાંતો માત્ર ગૂઢ રહસ્યો જ હતા. આથી એકવાર એણે કહ્યું : ‘તમારા બધા સંશોધનોનો મને થોડો પરિચય આપો. લોકો એ અંગે ચર્ચાઓ કરે છે ત્યારે મને એ કહેતાં શરમ લાગે છે કે એ અંગે હું કંઈ જાણતી નથી.’

એકક્ષણ માટે આઈન્સ્ટાઈનનું માથું ચકરાવા લાગ્યું, ‘એને કઈ રીતે સમજાવું ! વળી ના પાડવામાં પણ જોખમ છે !’ પણ બીજી ક્ષણે તેમને એક યુક્તિ સૂઝી અને સ્મિત કરતાં તેમણે કહ્યું : ‘જ્યારે લોકો તને પ્રશ્નો પૂછે તો એમ કહેવું કે તું એ વિશે બધું જાણે છે, પણ આ અંગે કશું કહી શકે નહિ, કેમ કે એ એક મહાન રહસ્ય છે !’

[4]

મૂશળધાર વરસાદ અને અંધારી રાત હતી. સંત એકનાથના દરવાજે ટકોરા પડ્યા. તેમણે ઊભા થઈને જોયું તો ચાર અતિથિઓ પધાર્યા છે. એકનાથે પ્રેમપૂર્વક તેમને આવકાર્યા અને ભીનાં વસ્ત્રો કોરાં કરવાની વ્યવસ્થા કરી આપી. સાથોસાથ પત્નીને કહ્યું : ‘અતિથિઓ માટે જલદી રસોઈ બનાવી નાખ.’

પત્નીએ દબાયેલા સ્વરમાં જણાવ્યું : ‘ઘરમાં બળતણ નથી અને કાલે આવેલો લાકડાનો ભારો આ વરસાદમાં પલળી ગયો છે.’

‘તું એની ચિંતા ન કર અને રસોડામાં જઈને તૈયારી કરવા લાગ, હું હમણાં લાકડાં લાવી આપું છું.’ એકનાથે કહ્યું. અને ખરેખર થોડીવારમાં જ, પત્નીના આશ્ચર્ય વચ્ચે તેમણે સૂકાં લાકડાંનો ભારો એની સામે રાખી દીધો, અને હસતાં-હસતાં અતિથિઓ સાથે જઈને બેઠા.

વરસાદ બંધ પડ્યો અને ભોજન કર્યા પછી અતિથિઓએ વિદાય લીધી ત્યારે એકનાથ ભોંયે ચાદર પાથરીને આડા પડ્યા. રસોડાનું કામ પતાવીને આવેલી પત્નીએ તેમને ભોંયે સૂતા જોઈ નવાઈ પામીને પૂછ્યું : ‘ખાટલો ક્યાં ગયો ?’

‘તેં રસોઈ બનાવી એ બળતણ ભલા ક્યાંથી આવ્યું ?’ એકનાથે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.

[5]

વિનોબા ભાવેને દક્ષિણ ભારતના એક કાર્યકરે પૂછ્યું : ‘વિજ્ઞાનમાં જેવી રીતે વસ્તુનિષ્ઠ કસોટીઓ હોય છે, તેવી રીતે આત્મજ્ઞાનમાં પણ કસોટીઓ ખરી ?’

વિનોબાએ હસતાં હસતાં કહ્યું : ‘કોઈના ગાલ પર તમાચો મારો ને તરત જ પારખી લો. જો એને ક્રોધ આવે તો સમજી લેવાનું કે આત્મજ્ઞાની નથી ! બસ આ છે આત્મજ્ઞાનની કસોટી !’

[6]

નાની આવકમાં મોટા કુટુંબની જવાબદારીઓ પૂરી કરવામાં નિષ્ફળ નીવડેલા એક ભક્તે રમણ મહર્ષિ સામે પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું : ‘એવા જીવન કરતાં તો મૃત્યુ બહેતર છે !’ એ વખતે મહર્ષિ ખાખરાનાં પાંદડાંની પતરાવળીઓ બનાવી રહ્યા હતા. તેમણે પોતાનું કામ ચાલુ રાખતાં કહ્યું : ‘આ તૈયાર થયેલી પતરાવળીઓ ઉકરડે ફેંકી આવો. પછી આપણે શાંતિપૂર્વક એ અંગે વિચાર કરીએ.’

‘આપ શું કહો છો પ્રભુ !’ એણે નવાઈ પામતાં પૂછ્યું, ‘આટલા શ્રમથી તૈયાર કરેલી પતરાવળીઓ વાપર્યા વગર ઉકરડે ફેંકી દેવાનો શું અર્થ?’

મહર્ષિએ હસીને જવાબ આપ્યો : ‘વત્સ ! આવી જ રીતે આ અણમોલ માનવ અવતારનો યોગ્ય ઉપયોગ કર્યા વગર એનો અંત લાવી દેવાનો વિચાર પણ એક મૂર્ખતા છે!’

[7]

ઈંગલેન્ડના વડાપ્રધાન ગ્લેડસ્ટન રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરી રહ્યા હતા એ જોઈને એક મિત્રે કહ્યું : ‘તમારો પુત્ર હંમેશાં ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરે છે ને તમે આ દેશના વડાપ્રધાન હોવા છતાં થર્ડ કલાસમાં ?’

ગ્લેડસ્ટને તેમના ખભે હાથ રાખીને જવાબ આપ્યો : ‘હું એક ખેડૂતનો પુત્ર છું, જ્યારે એ એક વડાપ્રધાનનો !’

[8]

એકવાર સંત કબીર ગંગાકિનારે પોતાનો લોટો ધોઈ રહ્યા હતા. એવામાં કેટલાક બ્રાહ્મણો પાણી પીવા માટે ત્યાં પહોંચ્યા.એ લોકોને નદીમાં નમીને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીરે કહ્યું : ‘મહારાજ ! આ લોટો લો અને આરામથી જલ પીઓ.’

કબીરના એ શબ્દો તેમને અપમાનજનક લાગ્યા. એક બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું : ‘તને અક્કલ છે કે નહિ ? તારા અપવિત્ર લોટા વડે તું અમને અભડાવવા ઈચ્છે છે ?’

કબીરે તરત જ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : ‘જો આ લોટો ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પામ્યા છતાં પવિત્ર થઈ શકતો નથી, તો એમાં સ્નાન કરવાથી લોકોનાં પાપ કઈ રીતે ધોવાઈ જાય છે !’

9]

એકવાર લિંકન પાસે ફરિયાદ લઈને ગયેલો ઓફિસર ઉશ્કેરાટમાં વચ્ચે-વચ્ચે અપશબ્દ બોલતો હતો. લિંકને એને અટકાવતાં કહ્યું : ‘ભલા માણસ, મારી સામે આટલો બફાટ કાઢવા કરતાં એ માણસને ધધડાવતો એક જોરદાર પત્ર લખી નાંખતો હોય તો ? લે આ કાગળ અને અત્યારે જ અહીં બેસીને લખી નાંખ!’

ગુસ્સે ભરાયેલ એ ઑફિસરે એવું જ કર્યું. એણે પોતાનો બધો ગુસ્સો પત્રમાં ઠાલવી દીધો. એ પછી હળવાશ અનુભવતાં એણે લિંકનને એ પત્ર વાંચવા આપ્યો.

‘વાહ તેં તો જોરદાર પત્ર લખ્યો છે !’ લિંકને મલકાતાં કહ્યું, ‘આવું તો મને પણ લખતાં ન આવડે !’

ઑફિસરે પ્રસન્ન થતાં પૂછ્યું : ‘હવે શું ?’

લિંકને પણ એ જ શૈલીમાં જવાબ આપ્યો : ‘હવે શું – હવે કાંઈ નહિ !’ અને માર્મિક ઢબે હસવા લાગ્યા. એ ઑફિસર તો ડઘાઈ ગયો અને લિંકનને બાઘાની જેમ જોઈ રહ્યો. ત્યારે લિંકને આદેશ આપ્યો : ‘જાઓ, આ પત્ર પેલી સગડીમાં નાખી દો. મને પણ જ્યારે ગુસ્સો ચઢે છે ત્યારે હું આવું જ કરું છું. આમ કરવાથી મનનું ઝેર બહાર નીકળી જાય છે ને આપણને શાંતિ મળે છે !’

[10]

બાળગંગાધર ટિળકને કોઈએ પૂછ્યું : ‘શાસ્ત્રીજી ! આપણાં શાસ્ત્રોમાં સારો વર મેળવવા માટે કન્યાઓને ગૌરીવ્રત રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. એવી રીતે પુરુષો માટે સારી પત્ની મેળવવા માટે શા માટે કોઈ વ્રતની ભલામણ કરવામાં આવી નથી ?’

‘એટલા માટે કે બધી સ્ત્રીઓ જન્મજાત સારી હોય છે !’ ટિળકે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.

[11]

ભારતીય ઈતિહાસવિદ કાશીપ્રસાદ જયસ્વાલ એક્વાર કવિ મોહનલાલ મહતો સાથે ગપસપ કરી રહ્યા હતા. ત્યારે તાજેતરમાં લંડનથી આવેલા તેમના બેરિસ્ટર મિત્ર તેમને મળવા પહોંચ્યા. ત્યાંથી વાતો દરમ્યાન તેમણે કહ્યું કે અંગ્રેજો યોગ પ્રત્યે અનન્ય જિજ્ઞાસા અને અભિરૂચિ ધરાવે છે.

અંગ્રેજો પ્રત્યેનો તેમનો એ અહોભાવ જોઈને કાશીપ્રસાદને ગમ્મત સૂઝી. તેમણે મોહનલાલ તરફ ઈશારો કરીને કહ્યું : ‘આ ભાઈ દેખાવે ભલે સામાન્ય માણસ લાગતા હોય, પણ ખરેખર તેઓ એક સિદ્ધ યોગી છે. એક વાર હું મારા કુટુંબ સાથે નેપાળ ગયો હતો ત્યારે તેમને અમારી સાથે ન લઈ ગયો. પણ કાઠમંડુ પહોંચતાં જ અમે તેમને અમારી હોટલના કાઉન્ટર પર ઊભેલા જોયા. ત્યાં પૂછપરછ કરતાં ખબર પડી કે તેઓ એક અઠવાડિયાથી એ જ હોટલમાં રોકાયા છે. અમે તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં, કેમ કે ચાર દિવસ પહેલાં જ તેઓ અમારી સાથે પટણામાં હતા. આ રીતે કોઈ વ્યક્તિ એક જ સમયમાં બે જગાએ કેવી રીતે હોઈ શકે ? આવી છે તેમની યોગસિદ્ધિ !’

બેરિસ્ટર સાહેબ તરત જ મોહનલાલ મહતોના પગે પડી ગયા : ‘બાબા, આમિ આર તોમાકી છાડિબો ના. આમાર ઉદ્ધાર કરો !’

મહતો પોતાનું હસવું રોકી શક્યા નહિ અને તેમણે સ્પષ્ટતા કરી : ‘કાશીબાબુ તો મશ્કરી કરે છે. મારામાં એવી કોઈ શક્તિ નથી.’ પણ તેમને એ સ્પષ્ટતામાં વિશ્વાસ પડ્યો નહિ. અને તેઓ મહતોના ઘરનું સરનામું લઈને ઝંપ્યા. વળી જતાં જતાં કહેતા ગયા કે : ‘કાલે સાંજે ઘેર રહેજો. હું તમારે ત્યાં આવું છું.’

તેમના ગયા પછી બંને જણ ખૂબ હસ્યા. કાશીબાબુએ કહ્યું : ‘જોયું તમે! વિલાયત ભણીને આવ્યો છે, પણ અક્કલનો ઓથમીર છે !’

[12]

લિવરપુલનાં શ્રીમતી મારિયા થેરેસાએ અદાલતમાં અરજી કરી કે મારા પતિ આખો દિવસ મારી સાથે ઝગડ્યા કરે છે અને મારી સાથે શાળાનાં બાળકો જેવો વ્યવહાર કરે છે. ક્યારેક સ્ટૂલ ઉપર ઊભા થઈ જવાની શિક્ષા કરે છે, તો ક્યારેક સો વખત એવું લખવાનું કહે છે કે, ‘હું હવે નહિ ઝગડું અને રોજ સવારે વહેલી ઊઠીશ.’

તેમની આ ફરિયાદ ઉપર ન્યાયાધીશે કાનૂની અને માનવીય બંને દષ્ટિથી વિચાર કર્યો અને છૂટાછેડાની માગણીનો અસ્વીકાર કરતાં તેમના પતિને ચેતવણી આપી કે તેઓ મારિયા થેરેસા સાથે પુખ્ત વ્યક્તિ જેવો વ્યવહાર કરે.

[13]

એકવાર નહેરુ ચૂંટણી પ્રચાર માટે વિંધ્યાચલ પર્વત પાસે આવેલ શહેર મિરજાપુર જઈ રહ્યા હતા. રસ્તામાં આવેલ એક ઘાટ પાસે કેટલાક ડાકુઓએ એમની કાર અટકાવી. નહેરુએ બહાર નીકળીને કહ્યું : ‘હું જવાહરલાલ નહેરુ છું. બોલો, તમને શું કામ છે ?’ ડાકુઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને કોઈ સૂઝ ન પડતાં, તરત જ નીચે નમીને નહેરુને પ્રણામ કર્યા અને રૂપિયાથી ભરેલી એક થેલી ભેટ આપી.

ચૂંટણી મુકામે પહોંચ્યા પછી ત્યાંના વ્યવસ્થાપકે પૂછ્યું : ‘તમને રસ્તામાં કોઈ મુશ્કેલી તો નથી નડી ને ?’

‘અરે! મુશ્કેલી?’ નહેરુએ પોતાની સ્વસ્થતા પ્રગટ કરતાં કહ્યું : ‘અમને તો કેટલાક અજાણ્યા માણસોએ કાર રોકીને રૂપિયાની થેલી ભેટ આપી છે !’

‘પંડિતજી! એવા સજ્જન માણસો તો આ વિસ્તારમાં જોવા નથી મળતા!’ એ ભાઈએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું : ‘અહીં તો કાર રોકીને લૂંટફાટ કરનારા લોકો ભર્યા પડ્યા છે !’

‘વાહ ! તો પછી હું ડાકુઓનો સરદાર ગણાઉં !’ નહેરુએ ખડખડાટ હસતાં કહ્યું અને રસ્તાનો બનાવ સંભળાવ્યો. એ પછી તો ત્યાં ઉપસ્થિત બધા લોકો ખૂબ જ હસ્યા.

[14]

જનરલ કરીઅપ્પ્પાના ભાઈ કુમારપ્પા પહેલીવાર ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમે પહોંચ્યા. ત્યાં માથે ફાળિયું બાંધેલો એક ડોસો સાફસૂફીનું કામ કરી રહ્યો હતો. કુમારપ્પાએ તેમને પૂછ્યું : ‘ગાંધીજીને જણાવો કે જનરલ કરીઅપ્પાના ભાઈ તેમને મળવા આવ્યા છે.’

એ ડોસાએ તેમને સામે પ્રશ્ન કર્યો : ‘ગાંધીજીએ તમને કેટલા વાગ્યાનો સમય આપ્યો છે?’

કુમારપ્પાએ એ પૂછપરછ પ્રત્યે અણગમો પ્રગટ કરતાં કહ્યું : ‘એનું તારે શું કામ છે ? તું તારે જઈને ખબર આપ. જો કે એમણે ચાર વાગ્યે મળવાનો સમય આપ્યો છે.’

‘પણ હજી તો સાડાત્રણ જ વાગ્યા છે !’ ડોસાએ તેમને જણાવ્યું.

કુમારપ્પા ચિડાઈ ગયા : ‘ડહાપણ કર્યા વગર હું કહું છું એમ કર!’

આથી એ ડોસો અંદરના ખંડમાં ચાલ્યો ગયો અને થોડીવારે પાછો આવીને બોલ્યો : ‘સાહેબ ! આપ બેસો. ગાંધીજી આપને ઠીક ચાર વાગ્યે મળશે.’ કુમારપ્પા બેઠકખંડની ગાદી પર બેસી ગયા. બરાબર ચાર વાગ્યે એ ડોસાએ પોતાના માથેથી ફાળિયું કાઢી નાંખ્યું અને કુમારપ્પાને પૂછયું : ‘બોલો સાહેબ ! શું કામ છે ? મને જ લોકો ગાંધીજી કહે છે !’

[15]

રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટનાં પત્ની સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં હતાં. એકવાર તેઓ નારી નિકેતન જેવી કોઈ સંસ્થાની ઑફિસમાં બેઠાં હતાં ત્યારે એક યુવતીએ તેમને કહ્યું: ‘મારું લગ્ન થયે હજી એક જ વર્ષ થયું છે, પણ કોણ જાણે શાથી મને પહેલાં જેવું દાંપત્યસુખ મળતું નથી.’

તેમની બધી વાત સાંભળી લીધા પછી શ્રીમતી રૂઝવેલ્ટે પૂછ્યું : ‘તમે કદી તમારા પતિ સાથે ઝગડ્યાં છો ખરાં ?’ એનો જવાબ નકારમાં મળતાં, બીજો પ્રશ્ન પૂછ્યો : ‘તો પછી તમારા પતિ સાથે કદી રિસાયાં છો ખરાં ?’ એનો જવાબ પણ ‘ના’માં મળ્યો. એ પછી તો રૂઝવેલ્ટ ખડખડાટ હસી પડ્યાં. એ જોઈને એ યુવતી આશ્ચર્ય પામી. ત્યારે તેમણે એના ગાલે હળવી ટપલી મારતાં કહ્યું : ‘બેબી ! તમે ખરેખર હજી પરણ્યાં જ નથી ! પહેલાં પરણો, પછી ઝગડો, એ પછી રિસાઓ, ત્યારે જ તમને મારી સલાહ કામ લાગશે !’

[16]

અમેરિકાના રાષ્ટ્રપતિ લિંડન જોન્સને ગ્રેટ બ્રિટનના લોર્ડ સ્નોડન અને રાજકુંવરી માર્ગરેટ માટે એક સત્કાર સમારંભ યોજ્યો હતો. ત્યારે કોઈએ ગમ્મતમાં તેમને પૂછ્યું : ‘તમારી પત્નીને ખુશ રાખવા માટે તમે શું કરો છો ?’

તેમણે એનો જવાબ આ પ્રમાણે આપ્યો: ‘પત્નીને ખુશ રાખવા માટે બે વસ્તુઓ જરૂરી છે. – એક એને એ વિચારવા દો કે એનો પોતાનો સ્વતંત્ર અભિગમ છે અને બીજી એ કે, એ અભિગમ એને માણવા દો.’

[17]

ગુરુ નાનકદેવ એકવાર હરદ્વાર ગયા ત્યારે તેમણે જોયું કે કેટલાક લોકો પૂર્વ દિશા તરફ મોં કરીને પોતાના પૂર્વજોને અંજલિ આપી રહ્યા છે. તેમની એ મૂર્ખતાને ચૂંટિયો ભરવા માટે પોતે આથમણી દિશામાં મોં કરીને ખોબે ખોબે પાણી ઉલેચવા લાગ્યા. એ જોઈ એક પંડાએ કહ્યું : ‘અલ્યા ! આ શું કરી રહ્યો છે ?’

‘મહારાજ ! મારું ગામ આ દિશામાં છે. ત્યાં આવેલ મારા ખેતરને હું પાણી સિંચી રહ્યો છું.’

‘તારું માથું તો ખસી નથી ગયું ?’ પંડાએ તેમના ઉપર ઉપહાસ કરતાં કહ્યું, ‘આ રીતે તારા ગામના ખેતર સુધી કંઈ પાણી પહોંચી શકે ?’

ગુરુનાનકે હસીને જવાબ આપ્યો : ‘મહારાજ ! તમે લોકોના મરી ગયેલા બાપદાદાઓ માટે સ્વર્ગ સુધી પાણી પહોંચાડી શકો છો, તો હું અહીં ઢૂંકડે આવેલ મારા ગામ સુધી પાણી કેમ ન પહોંચાડી શકું ?’ ત્યાં ઉપસ્થિત યાત્રીઓ ગુરુ નાનકનો આ કટાક્ષ સાંભળીને હસી પડ્યા. પંડાએ ચિડાઈને કહ્યું : ‘ભણેલા લોકોની મૂર્ખતા આવી જ

_________________________________________________________

આભાર- શ્રી ભીખુભાઈ મિસ્ત્રી ,હ્યુસ્ટન .

(113 ) પ્રભુના લાડકવાયા – બે પ્રેરક સત્યઘટનાઓ – ડો. ગુણવંત શાહ

જાણીતા ચિંતક ડો.ગુણવંત શાહ, ગુજરાતી સાહિત્યના અનેક લેખકોમાં, મારા એક પ્રિય  લેખક છે.એમનાં લખેલાં ઘણાં પુસ્તકો મારા પુસ્તક સંગ્રહમાં છે .એમના લેખોમાં પ્રગટ થતા એમના  વિચારો ઘણા પ્રેરક અને મનનીય હોય છે.એમની ભાષા ઉપરની પકડ ,ઊંડું વાંચન અને વિચારોને આબાદ રીતે વ્યક્ત કરતી એમની શૈલી એમના સાહિત્યનાં આકર્ષક અંગો છે.

 આજની પોસ્ટમાં એમના વિચારપ્રેરક લેખોના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘પ્રભુના લાડકવાયા’માંથી સત્યઘટનાઓ પર આધારિત  બે પ્રસ્તુત લેખ એમના આભાર સાથે મુક્યા છે.એમના ઈ-મેલમાં આ લેખો મોકલવા માટે હ્યુસ્ટન નિવાસી મિત્ર અને “ગમતાનો કરીએ ગુલાલ”માં માનતા શ્રી ભીખુભાઈ મિસ્ત્રીનો પણ આભારી છું .

વિનોદ આર.પટેલ ,સાન ડીયેગો .

__________________________________________________________________

  

[1] કર્મનું વિરાટ નેટવર્ક
મારા ગામ રાંદેરથી સાતેક કિલોમીટર દૂર તાપી નદીના ભાઠામાં વરિયાવ ગામ આવેલું છે. વર્ષો પહેલાં ત્યાં ડૉક્ટર કુમારકાંત દિવાનજીનું દવાખાનું ગરીબો માટે સેવાધામ બની ગયું હતું. સફેદ ખાદીના પેન્ટ સાથે સફેદ ખમીસ (ઈન્સર્ટ)માં સજ્જ એવા કુમારકાંતભાઈ સંસારમાં એકલા હતા. આસપાસનાં ગામોમાં એમની સેવાસુગંધ પ્રસરેલી હતી. તેમને ત્યાં નટવર નામનો કમ્પાઉન્ડર પણ હતો અને રસોઈયો પણ એ જ ! હું અને રમણ 1957માં ભૂદાન-પદયાત્રામાં ડૉક્ટરને ત્યાં રહીને આસપાસનાં ગામોમાં પ્રચાર માટે જતા. ડૉક્ટરની સારવાર પામેલા કેટલાય લોકો આજે પણ એ ગામોમાં જીવતા હશે. દાંડી પાસે આવેલા કરાડી ગામે સેવાની ધૂણી ધખાવીને બેઠેલા જાણીતા લોકસેવક સદગત દિલખુશભાઈ દિવાનજીના તેઓ નાના ભાઈ થાય. ડૉ. કુમારકાંત લોકસેવકના ગણવેશ વિનાના ગાંધીજન હતા. સેવાભિમાન વિનાની સેવા અને સહજને કિનારે ચાલતું જીવન !
ગામના તળાવમાં જ્યારે નાનું ઢેફું ફેંકવામાં આવે ત્યારે પાણીની સપાટી પર કૂંડાળાં સર્જાય છે. ધીરે ધીરે એ કૂંડાળાં મોટાં ને મોટાં થતાં જાય છે અને આખા તળાવમાં વ્યાપી વળે છે. મોટાં કૂંડાળાં દેખાતાં નથી, પરંતુ એમનું પ્રસારણ અટકતું નથી. આપણા દ્વારા થતું નાનકડું કર્મ પણ લગભગ એ જ રીતે જે વલયો સર્જે એ પ્રસરે છે. બધું દેખાતું નથી, પરંતુ જે ન દેખાય એ નથી, એમ કહેવાનું યોગ્ય નથી. કહેવું હોય તો કહી શકાય કે સમગ્ર વિશ્વ સતત થતાં રહેતાં કર્મોનું વિરાટ નેટવર્ક છે. કરોળિયાના જાળા જેવા એ નેટવર્કમાં વ્યવસ્થા છે, ગોટાળો નથી. It is cosmos and not chaos. લોકો વાતવાતમાં જેને નિયતિ (destiny) કહે છે એ રામને પણ છોડતી નથી. જે દિવસે એમનો રાજ્યાભિષેક થવાનો હતો એ જ દિવસે એમણે ચૌદ વર્ષ માટે વનની વાટ પકડી હતી. કોઈ પણ કર્મ પરિણામ વિનાનું (ઈનકૉન્સિક્વેન્શિયલ) હોય છે ખરું ? કર્મનો કાયદો એમ કહે છે કે જ્યાં કર્મ હોય ત્યાં એનું પરિણામ હોવાનું જ. આ સૃષ્ટિમાં કારણ (cause) અને અસર (effect)ની અતૂટ સાંકળ (ચેઈન રીએકશન) સતત ચાલ્યા જ કરે છે. જેવું કર્મ એવું એનું પરિણામ !
નાના હતા ત્યારે એક કથા સાંભળી હતી. એક વાર યમરાજા ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠમાં ગયા. પ્રવેશદ્વારની જમણી બાજુએ ગરુડ પર એમની નજર પડી. ગરુડ વિષ્ણુ ભગવાનનું વાહન ગણાય છે. એ પ્રવેશદ્વારની ડાબી બાજુએ યમરાજે એક ચકલીને જોઈ ત્યારે એમને ભારે આશ્ચર્ય થયું. યમરાજ તો અંદર ગયા, પરંતુ ચકલી ભયથી ફફડી ઊઠી. ચકલીને થયું કે યમરાજે જે રીતે આશ્ચર્ય પ્રગટ કર્યું એ જોતાં હવે મૃત્યુ દૂર નથી. પાસે ઊભેલા ગરુડે ચકલીને ભયથી ધ્રૂજતી જોઈ. ગરુડે ચકલીને આશ્વાસન આપ્યું અને કહ્યું : ‘તું ચિંતા ન કર. હું પવનની ઝડપે ઊડીને તને આ જ ક્ષણે મારી પીઠ પર બેસાડીને દૂર દૂર આવેલા ગંધમાદન પર્વત પર મૂકી દઉં છું.’ ચકલીબહેન તો ગંદમાદન પર્વત પર પહોંચી ગયાં અને એમને પહોંચાડીને ગરુડ તો તરત પાછું વૈકુંઠ આવી પણ ગયું ! ગરુડે પોતે જે કર્યું એ બદલ અંદરથી બહુ ખુશ હતું. યમરાજ જ્યારે વિષ્ણુ ભગવાનને મળીને પાછા ફર્યા ત્યારે એમણે ગરુડને પૂછ્યું : ‘પેલી ચકલી ક્યાં છે ?’ ગરુડે કહ્યું કે ચકલી તો ખૂબ દૂર પહોંચી ગઈ છે.’ યમરાજ વિચારમાં પડી ગયા. વિષ્ણુ ભગવાનની લીલા કેવી રહસ્યમય છે ! એમણે ગરુડને કહ્યું : ‘અંદર જતી વખતે મેં ચકલીને અહીં જોઈ ત્યારે મને ભારે આશ્ચર્ય થયેલું કે આ ચકલી તો ગંધમાદન પર્વત પર સમડીને હાથે મરવાની છે. એ ત્યાં આટલી ઝડપથી શી રીતે પહોંચશે ? નિયતિ જ એને ગંધમાદન પર્વત પર લઈ ગઈ !’
ઘોડાની પાછળ ગાડી હોય તો જ ઘોડાગાડી ચાલે. પુરુષાર્થ કર્યા પછી નિયતિ પ્રમાણે જે થવાનું હોય તે થાય, પરંતુ કર્મ કરવામાં કરકસર ન ચાલે. ઘોડાની આગળ ગાડી મૂકવાથી કશુંય ન વળે. ખરો રસ્તો એક જ છે : ‘નેકી કર ઔર દરિયા મેં ડાલ.’
જીવન આનંદપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક જીવવાનું છે. કોઈ અકળ મહાસત્તા તરફથી મળેલી મૂલ્યવાન ભેટનું નામ જીવન છે. દુઃખ અને સુખ ઓચિંતાં આવી પહોંચે છે. સુખ અને દુઃખ બંનેનો જીવનમાં સ્વીકાર છે, પરંતુ એથી સુખી થવાનો પ્રયત્ન છોડવા જેવો નથી. સુખી થવું એ પ્રત્યેક મનુષ્યનો અધિકાર છે. જીવનમાં મનુષ્યને સૌથી વધારે આનંદ ક્યારે મળે ? જ્યારે જ્યારે માણસ બીજા માટે ઘસાઈ છૂટે ત્યારે તે સુખની ટોચ પર હોય છે. કર્મના કાયદામાં આપણી ચાંચ ભલે ન ડૂબે, પરંતુ પરાયા મનુષ્ય માટે કશુંક કરી છૂટવામાં જે પરિતોષ પ્રાપ્ત થાય એમાં જ આપણો ખરો સ્વાર્થ રહેલો છે. સ્વાર્થ એટલે શું ? ‘સ્વ’નો અર્થ સમજાય એ જ ખરો સ્વાર્થ !
[2] ખરી પડેલા પુષ્પની સુગંધ
કલ્પના તો કરી જુઓ ! એક યુવાન ભણવામાં અત્યંત તેજસ્વી હોય તોય વિનમ્ર અને વિનયી હોય. એ યુવાન હોનહાર વિજ્ઞાની હોય તોય કૃષ્ણભક્તિમાં તરબોળ હોય. એ યુવાન અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોય તોય એને ગુજરાતી ભાષામાં લખવા-વાંચવા-બોલવાની સારી ફાવટ હોય. એ યુવાન ઉચ્ચ શિક્ષણમાં પરદેશી સંસ્થામાં વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન કરવામાં પરોવાયો હોય તોય વારંવાર માતા-પિતાને, મિત્રોને અને સ્વજનોને એવા સુંદર પત્ર લખતો હોય, જેમાં એનાં વાચન-મનનનો નિચોડ હોય. એ હોનહાર યુવાન કાર અકસ્માતમાં ઈટલીમાં મૃત્યુ પામે ત્યારે એનાં માતા-પિતા પર શું વીતે ?
નામ એનું ડૉ. જાતુષ શેઠ, પરંતુ પ્રેમથી સ્વજનો એને જિગર કહીને સંબોધતા. એણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ન્યુક્લિયર ફિઝિક્સ વિષયમાં એમ.એસ.સી. કર્યું અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી જિગરે પુણેના ‘ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ માં પી.એચ.ડી. કર્યું. પુણેમાં અભ્યાસ કરતી વખતે એ પ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ. જયંત નારળીકરના સંપર્કમાં પણ આવ્યો હતો. પુણેથી જિગર જર્મની ખાતે ‘મૅક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ત્રણ વર્ષની ફેલોશિપ મેળવીને બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવવા પહોંચી જાય છે. માત્ર દોઢ જ મહિનો વીતે ત્યાં મ્યુનિકથી ઈટલી ફરવા માટે સરૈયા નામના મિત્રને સાથે જાય છે અને રોમથી થોડે દૂર કાર અકસ્માતમાં મૃત્યુ પામે છે. એક ઊંચેરો જીવ અવકાશયાત્રાએ નીકળી પડે છે !
જિગર (સંસ્કારી પરિવારમાં : માતા વીણાબહેન, પિતા વિપિનભાઈ અને બંધુ હૃદયરોગના નિષ્ણાત ડૉ. ચિરાગ શેઠ – ફોન : 0261-3535894) મગજ અને મનથી વિજ્ઞાની હતો, પરંતુ હૃદયથી ભીનો કૃષ્ણભક્ત હતો. એને ક.મા. મુનશીએ લખેલ ગ્રંથ ‘કૃષ્ણાવતાર’ પ્રિય હતો અને ત્યાર પછીના ક્રમે મારો ગ્રંથ ‘કૃષ્ણનું જીવનસંગીત’ પણ એટલો જ પ્રિય હતો. એ સ્વજનોને અને મિત્રોને પત્ર લખતો ત્યારે અંતે કાયમ લખતો : ‘કૃષ્ણાર્પણમસ્તુ.’ એક પત્રમાં એ લખે છે :
અંધકાર આપણો વર્તમાન છે
અને પ્રકાશ આપણું શમણું !
આ તો ક્ષણનું તપ છે.
દુઃખી હો ત્યારે બીજાનાં
દુઃખના ટોપલા થોડા ઊંચકો
તો તમને આનંદ થાય.
કોઈ પુષ્પ પૂરેપૂરું ખીલતાં પહેલાં જ ખરી પડે ત્યારે માળીને પ્રશ્ન થાય છે : ‘આ પુષ્પ અકાળે ખરી પડ્યું એનું કારણ શું ?’ લૅન્સેલોટ એલિફન્ટે એક બાળકની કબર પર લખાયેલા મૃત્યુલેખ (એપિટાફ)ના શબ્દો ટાંક્યા છે :
‘આ પુષ્પને કોણે ચૂંટ્યું ?’ માળીએ પૂછ્યું.
‘મેં એને મારા માટે ચૂંટ્યું છે.’ માલિકે કહ્યું.
અને માળીએ મૌન સેવ્યું !
જિગરનું મૃત્યુ એવા સમયે થયું, જ્યારે એ પોતાનામાં પડેલી શક્યતાને વાસ્તવિકતામાં ફેરવવાની સાધના કરી રહ્યો હતો. એનામાં અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરવાની બધી જ સામગ્રી હતી. જર્મનીની સંસ્થામાં આ વિષયમાં સંશોધન કરનારો એ એકમાત્ર એશિયન હતો. જો જિગર બીજાં દસ વર્ષ સુધી જીવ્યો હોત તો એણે કદાચ પોતાના વિષયમાં નૉબેલ પારિતોષિક પણ પ્રાપ્ત કર્યું હોત ! ખરી પડેલા પુષ્પની સુગંધનો પરચો એ પુષ્પની સમીપ પહોંચેલા મનુષ્યોને મળતો રહે છે. મને મારા પ્રિય વાચકને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત ન થયું. હું જિગરને કદી પણ મળ્યો ન હતો. અત્યારે મારા હાથમાં ‘ડૂબેલા સૂરજનું અજવાળું’ પુસ્તક છે. એમાં જિગરે લખેલા પત્રોના એવા અંશો પ્રગટ થયા છે, જે વાંચીને હૈયું રડી ઊઠે છે. એ પત્રોમાં બ્રહ્માંડના રહસ્યને સમજવા મથનારા એક વિજ્ઞાનીની અધ્યાત્મદષ્ટિ પણ પ્રગટ થતી દીસે છે. આ પુસ્તક વાંચ્યું ત્યારે એક એવા સહૃદય વાચકને ગુમાવી બેઠાનું દુઃખ થયું, જે હવે ક્યારેય મળવાનો નથી. લેખકને અંદરથી ગૌરવનો અનુભવ થાય એવા સુજ્ઞ વાચકો કેટલા ? વિજ્ઞાનના અભ્યાસ સાથે ઉપનિષદ, ગીતા અને કૃષ્ણના પ્રેમમાં પડે એવા વિજ્ઞાની કેટલા ?
પ્રભુને કદાચ બધાં જ સંતાનો ગમે છે, પરંતુ કેટલાંક સંતાન પ્રભુનાં ખાસ લાડકાં હોય એમ બને. માણસે જીવનમાં બીજું કશું નથી કરવાનું. એણે કશીક એવી ધાડ મારવી જોઈએ, જેથી પોતે પ્રભુના લાડ પામે. આઈન્સ્ટાઈન મહાન વિજ્ઞાની હતો, પરંતુ અંદરથી ઈશ્વરનો ભક્ત હતો. આવું જ ન્યુટન માટે પણ કહી શકાય. આવું જ નારળીકર અને પંકજ જોશી માટે પણ કહી શકાય. બ્રહ્માંડ એક વિરાટ રહસ્ય છે. વિજ્ઞાનને બ્રહ્માંડની વિગતોમાં રસ છે. અધ્યાત્મને સૃષ્ટિમાં સર્વત્ર સંતાયેલા સર્જનહારને સમજવામાં રસ છે. આપણને બંનેની જરૂર છે.
_________________________________________________________________________-
શ્રી. ગુણવંત શાહનો પત્રકાર શ્રી સુધીર રાવળ સાથેનો 
“ગોષ્ટિ” માટે ઈન્ટરવ્યુ  (વિડીયો દર્શન)
______________________________________________________________________

Gunvant Shah’s message -on 75 years

વિનોદ વિહારની તા.15મી માર્ચ,2012 ની ડો. ગુણવંત શાહના
75મા  જન્મ દિન
પ્રસંગે એમને અભિનંદન અંગેની પોસ્ટને અહીં વાંચો. 

(109 ) મા તે મા,બીજા બધા વગડાના વા …સુવાક્યો અને….. માતૃ સ્મૃતિ

       

 દરરોજ નેટ મિત્રો તરફથી એમના ઈ-મેલમાં એમને બીજા કોઈ મિત્ર તરફથી મળેલી કે પોતે વાંચેલી સારી વાંચવા જેવી સામગ્રી, જેવી કે વાર્તા, કાવ્યો સારો પ્રેરક લેખ કે સુવિચાર વિ.મોકલતા રહે છે.આનાથી ઈ-મેલની ઇન બોક્ષ્ છલકાઈ જતી હોય   છે. આ રીતે ઘણીવાર મૂળ કર્તાના ઉલ્લેખ વગર આ માહિતી ફોરવર્ડ ઈ-મેલો અને બ્લોગો મારફતે ફરતી રહે છે.નેટ અને બ્લોગ જગતની આ જ તો એક બલિહારી છે !

 આમાંથી કોઈ માહિતી ઘણી પ્રેરક અને મનનીય હોય છે જે વાંચીને એમ થાય કે ચાલો આનો લાભ અન્ય મિત્રોને પણ આપીએ.

 આજની ઈ-મેલમાં એક મિત્ર તરફથી કેટલાંક મનન કરવા જેવાં ગુજરાતી સુવાક્યો પ્રાપ્ત થયાં એમાં માતા અંગેનાં  કેટલાંક સુવાક્યો ખુબ ગમી ગયાં.આ સુવાક્યો અને માતા અંગેના  કેટલાંક સેવ કરી રાખેલાં સુવાક્યો આજની પોસ્ટમાં રજુ કરેલ છે.

આ સુવાક્યો પછી મારા મનમાં માત્રુ સ્મૃતિ અંગે ઉદભવેલા વિચારો અને માતાની બે બહુ જ જૂની અપ્રાપ્ય તસ્વીરો સાથે રજુ કર્યા છે.આશા છે અપને એ ગમશે

 વિનોદ આર. પટેલ

______________________________________________________________

        માતા  અંગેનાં સુવાક્યો

જ્યારે એક રોટલીના ચાર ટુકડા હોય અને ખાવાવાળા  પાંચ હોય

ત્યારે જે સૌથી પહેલાં

બોલે કે મને ભુખ નથી તે વ્યક્તિ એટલે મા.

                       *******

ખુબ જ  મહેનત કરીને ઘેર આવો ત્યારે ……

ડેડી પૂછે :” કિતના કમાયા ?”

પત્ની પૂછે :” કિતના બચાયા ?”

છોકરાવ પૂછે :”હમારે લીયે ક્યા લાયા ? “

ફક્ત મા જ પૂછશે :” બેટા, તુમને કુછ ખાયા ?”

એટલે જ તો કહેવાય છે ……

મા તે મા બીજા બધા વગડાના વા …… 

                      ***********

શીતળતા પામવાને ,માનવી તું દોટ કાં મુકે ?

જે માની ગોદમાં છે ,તે હિમાલયમાં નથી હોતી .

— કવિ મેહુલ

________________________________________________________                    

                                         માતૃ સ્મૃતિ (બે યાદગાર તસ્વીરો )

 ઉપરનાં માતા અંગેનાં સુવાક્યો પોસ્ટ કરતાં કરતાં મને મારાં સ્વ.માતુશ્રી શાંતાબેનની સ્મૃતિ તાજી થઇ ગઈ.એક વખત અનુભવેલો માતા અને પ્રિય પાત્રનો પ્રેમ એમના ગયા પછી પ્રાપ્ત નથી થતો ત્યારે હૈયામાં પ્રેમનો દુકાળ વર્તાય છે .આદ્ર  બનેલું હૈયું પ્રેમ માટે ઝૂરતું રહે છે.  પ્રેમના આ અવકાશને પુરવા માટે જ્યાંથી અને જેટલી માત્રામાં સ્વજનો અને મિત્રોમાંથી પ્રેમ  પ્રાપ્ત થાય એ માટે દિલ વલખાં મારતું રહે છે.કોઈ કવીએ સાચું કહ્યું છે ,”પ્રેમ પંથ પાવકની જ્વાળા ….”  

   ખેર,મારી માતાની સ્મૃતિમાં એમના રંગુન, બર્માના ભવ્ય ભૂતકાળની બહું જ જૂની બે યાદગાર તસ્વીરો નીચે મૂકી છે.

મારા નાના ભગવાનદાસ સાથે બેઠેલાં મારા માતા શાંતાબેન,નાની,મારાં માસી હીરાબેન
(રંગુન ,બર્મા ..1920-21 )

 

My mother Shantaben( standing) with her elder sister Hiraben (Rangoon,Burma-1935-1936)

મારી છેલ્લી 2007ની અમદાવાદની મુલાકાત વખતે આ અપ્રાપ્ય તસ્વીરો મને મારા માસીના દીકરા સ્વ.ભરતભાઈ (જેમના માતા હિરાબેન પણ માતા સાથે તસ્વીરમાં છે )પાસેથી પ્રાપ્ત થઇ હતી. મારાં માતાનો જન્મ રંગુનમાં થયો હતો .મારો જન્મ પણ રંગુનમાં થયો હતો. આ બન્ને તસ્વીરો મારા નાના ભગવાનદાસની રંગુનમાં જાહોજલાલી હતી,એ વખતની છે.૧૯૪૨માં બીજા વિશ્વ યુદ્ધમાં જાપાને બર્મા ઉપર બોમ્મારો કર્યો ત્યારે બધી મિલકત ત્યાં છોડીને આખું કુટુંબ જીવ બચાવીને વતનના ગામ ડાંગરવામાં આવ્યું હતું.               

આ વખતે મારી ઉંમર ચાર વર્ષની હતી.મારા કમનશીબે ,થોડા વખત પછી ગામમાં ચાલતા પોલીઓના વાયરસમાં  હું સપડાઈ ગયો હતો.પોલીયોની રસી તો એ પછી ઘણા વર્ષો પછી શોધાઈ હતી.મારી પોલીયોની બીમારીમાં અને એ પછી માતાના મૃત્યું પર્યંત મને માતાનો જે પ્રેમ મળ્યો હતો એનું વર્ણન કરવા માટે શબ્દો બહુ ઓછા પડે એમ છે.  

My Mother Shantaben -Shankar Society -1 ,Naranpura Ahmedabad )

   હે મા ,તેરી સુરત સે અલગ  ……  ભગવાન કી સુરત ક્યા હોગી !

*********

(108) દરિદ્રનારાયણમાં નારાયણ જોનાર નારાયણની માનવતાપૂર્ણ હદય સ્પર્શી કથા

મહાત્મા ગાંધીએ ગરીબો માટે દરિદ્ર નારાયણ શબ્દ શોધી કાઢ્યો.તેઓ ગરીબોના બેલી  કહેવાયા.દેશના એવા જ ગરીબો માટે

એમના હૃદયમાં અનુકંપા રાખનાર દેશ સેવક સ્વામી વિવેકાનંદએ કહ્યું ભગવાનને મંદિરોમાં જઈને શોધવાનો  કોઈ અર્થ નથી એ મંદીરની બહાર ગરીબોમાં વસે છે.આ વાતની પ્રતીતિ કરાવનાર એક ભેખધારી વ્યક્તિ બેંગ્લોરના નારાયણની એક દિલને શાતા આપે એવી વાત જે એક નેટ મિત્રએ ઈ-મેલમાં મને મોકલી એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં મૂકી છે. 

નારાયણની આ સત્યકથા વાંચીને તથા વાર્તાને અંતે૨૦૧૦ માં CNN HEROS 2010 ના ટોપ ટેન લીસ્ટમાં  એવોર્ડ પ્રાપ્ત કરનાર નારાયણ અંગેના જે  બે યુ-ટ્યુબ  વિડીયો પોસ્ટ કરેલ છે એ નિહાળીને તમે નારાયણની હિમ્મત,તથા એના હૃદયની માનવતા નિહાળીને વારી જશો.તમને ખાતરી થશે કે આ સ્વાર્થી દુનિયામાંથી  માનવતા હજુ સાવ મરી પરવારી નથી.

વિનોદ આર. પટેલ 

______________________________________________________

તું હવે સરનામું પાકું આપ બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે.
(ગૌરાંગ ઠાકર)

ખુદમાં પ્રકાશું છું ને સૌમાં હું પ્રકાશું,

એવી રીતે ‘એ’ દેખાઈ  દેતા તો નથી ને?

[અશરફ ડબાવાલા ]

તાજ હોટેલ, બેંગલોરનો ખ્યાતિપ્રાપ્ત શેફ નારાયણ ક્રિશ્નન ટૂંક

સમયમાં જ સ્વીત્ઝર્લેન્ડ જવાનો હતો એટલે પોતાના કુટુંબી જનોને

મળવા એ મદુરાઇ પહોંચ્યો હતો. એ સમયે , રસ્તા પર એણે

માનસિક રીતે બીમાર એવા એક માણસને અસહ્ય ભુખને લીધે

પોતાનું જ મળ ફંફોસતા જોયો ! બુદ્ધ અને મહાવીરના જીવનની જેમ

એ એક જ દ્રશ્યએ નારાયણના જીવનની દિશા બદલી નાંખી.

“અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન…

મંદિર કે બાહર ખડા ઈશ્વર માગે દાન…”

– નિદા ફાજલી.

“ હોટેલોમાં ફૂડ તો મળે છે, ખુશી નથી મળતી. તમે જ્યારે એક

ભુખ્યાને ભોજન આપો છો, ત્યારે એ વાત તમને અપાર ખુશી આપે

છે. ”

નારાયણે ઝળહળતી કારકિર્દી છોડી દીધી અને રસ્તે રઝળતા,

માનસિક રીતે અસ્થિર લોકોને દરરોજ ત્રણેય વખત નું ભોજન

પહોંચાડવા નો નિર્ધાર કર્યો. એના મા-બાપને સગાવ્હાલાઓએ

સલાહ આપી કે એમણે પોતાના દીકરાને કોઈ મનોચિકિત્સક પાસે

લઇ જવો જોઈએ, પણ જ્યારે એમણે નારાયણનું કામ જોયું અને એ

ભૂખ્યા જનોના ચહેરા પરનો આનંદ જોયો ત્યારે એની માએ કહ્યું , ‘

તું એ લોકોને ખવડાવવાનું ચાલુ રાખ, હું તને ખવડાવવાનું ચાલુ

રાખીશ !’

આજે નારાયણ દરરોજ ૪૫૦ માનસિક અસ્થિર લોકોને ત્રણ ટાઈમ

નું ભોજન પૂરું પાડે છે ! એટલું જ નહિ, સમયાંતરે એમના માટે

શેવિંગની ને વાળ કપાવવાની પણ વ્યવસ્થા કરે છે.

“એવા દિવસો વારંવાર આવતા હતા કે જ્યારે તપેલાના તળિયા

દેખાતા હોય અને કાલે ખવડાવીશું શું એની સુઝ પણ પડતી ના

હોય. પણ યાદ રાખજો, સાધનોના અભાવે દુનિયામાં કોઈ સારું કામ

અટકી પડ્યું નથી. જો એ અટકી પડ્યું હોય તો કદાચ એ એટલું

ઉમદા કામ નથી જેટલું આપણને લાગે છે.” ભૂખ્યાંની ભુખ

ભાંગવાની નારાયણની આ ભુખ આજે “અક્ષય” (ટ્રસ્ટ) થઇ ગઈ છે.

જેમને પોતે ભૂખ્યા હોવાં છતા ખોરાક શોધવાની ય સુઝ નથી એવા

લોકોના મો માં ભોજન મૂકી, એમની આંખોમાં હર્ષના આંસુ જોવા એ

નારાયણની હવે “ફુલ ટાઈમ જોબ” છે.

एक पथ्थर सिर्फ एक बार मंदिर जाता है और भगवान बन जाता है ..

हम इंसान हर रोज़ मंदिर जाते है फिर भी पथ्थर ही रहते है ..!

 

મધર ટેરેસા ને યાદ કરું છું ત્યારે મને સમજાય છે કે મારું કામ તો

કશું જ નથી. પણ એક વ્યક્તિ તરીકે તમે મદદ નું કોઇ પણ કાર્ય કરો

છો તો એ કાર્ય મહાન છે. દુનિયામાં દરેક માણસ જો દરરોજ ફક્ત

એક જ માણસ ને મદદ કરવાનું નક્કી કરે, તો “અક્ષય ટ્રસ્ટ” જેવા

NGO ની કોઈ જ જરૂર નહિ રહે !”

૨૦૧૦ માં CNN HEROS 2010 ના ટોપ ટેન લીસ્ટમાં માં

નારાયણનું નામ હતું. આ ખ્યાતીને લીધે IIM-બેંગલોર માં જવાની

એની ઝંખના પૂરી થઇ….. અલબત્ત, સ્ટુડન્ટ તરીકે તો નહિ, પણ

એના વિદ્યાર્થીઓ સામે પ્રવચન આપનાર મહાનુભાવ તરીકે !

http://www.akshayatrust.org/

_____________________________________________________________________

૨૦૧૦ માં CNN HEROS 2010 ના ટોપ ટેન લીસ્ટમાં  જે નું નામ

ટોચ ઉપર હતું એ નારાયણને અમેરિકામાં એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો એ સમારંભનો નીચેનો વિડીયો

એના ગરીબો માટેના ત્યાગ અને કાર્ય અંગે  ઘણી માહિતી પૂરી પાડે છે.

બીજા વિડીયોમાં નારાયણનો  CNN ચેનલના એન્કર સાથેનો ઈન્ટરવ્યું બતાવ્યો છે.

Narayanan Krishnan 2010 CNN Heroes Recieves Award

CNN Top 10 Hero Krishnan’s interview in CNN International

___________________________________________________

A NICE QUOTE TO CONTEMLPATE

(99) પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજની અમૃત વાણી

મહાન કથાકાર પૂજ્ય ડોંગરેજી મહારાજ સદેહે હાજર નથી પરંતુ એમની

ભાગવત કથાનાં અનેક પુસ્તકો અને વિડીયો દ્વારા એમની યાદ સદા સચવાયેલી રહેશે અને ધાર્મિક જનોને એમના જીવન ઉત્કર્ષ 

માટે હંમેશાં સંદેશ આપતી રહેશે.એમની અમૃત વાણીનાં તો પુસ્તકો ભરાય એમ છે પરંતુ આજની પોસ્ટમાં એમના થોડાં પ્રેરક

વચનો  અને એમની ભાગવત કથાનો એક વિડીયો  મુકવામાં આવ્યો છે.

મને આશા છે આપને એ પ્રેરક જણાશે.

વિનોદ આર. પટેલ , સાન ડીયેગો.

______________________________________________________ 

1.મંત્ર અને યંત્ર

મનડું મરે તો જ મુક્તિ મળે.

મન પાણી જેવું છે.

પાણી નીચાણ ભણી વહેવાનું જ ૫સંદ કરે છે તેમ મનને ૫ણ સંસારના વિષયોમાં લોભાઈને ૫તનના માર્ગે જવાનું જ ગમે છે. પાણીની જેમ મનને ૫ણ નીચે જ ગબડતા રહેવાની, સંસારના વિષયોમાં જ વહયા કરવાની ને સં૫ત્તિનું જ ચિંતન કરવાની આદત છે. આવી આદત જ એને પા૫કર્મ ભણી વહાવ્યા કરે છે.

મનની આ બૂરી આદત નાબૂદ કરી શકાશે ને એને ઊંચે ચઢવાના સ્વભાવવાળું બનાવી શકાશે તો જ જીવનમાં શાંતિ ને સંતોષ લહેરાશે.  ૫ણ આ મનને ઊંચે ચઢાવવું શી રીતે ?   નીચે વહેવાના સ્વભાવવાળા પાણીને યંત્રનો સંગ થાય છે તો તે ઊંચે ચઢતું થાય છે તેમ નીચે ગબડવાનાં સ્વભાવવાળા મનને જો પ્રભુ નામના મંત્રનો સંગ થાય તો તે ૫ણ ઉર્ઘ્વગામી બનીને પ્રભુ પાસે ૫હોંચી જાય છે. માટે મનને સતત મંત્રમાં પ્રભુના નામસ્મરણમાં ૫રોવાયેલું રાખો… તો એ સુધરી જશે… ને પ્રભુ પાસે ૫હોંચવાની તમારી શકિત અનેકગણી બની જશે.

બહુ પુસ્તકો વાંચવાથી કે અનેક તીર્થોની યાત્રા કરવાની નહિ, મન તો મંત્ર સાથેની મૈત્રીથી સુધરે છે.

2. સં૫ત્તિમાં સાવધાનતા

પ્રભુને સદૈવ સાથે જ રાખો, તો જ જીવન સફળ થશે.

એક વખત ગોકુળમાં ઉઘાડા ૫ગે ફરનારા શ્રીકૃષ્ણ કંસવધ ૫છી એકાએક મથુરેશ્વર થઈ ગયા.ચરણમાં અનેક અશ્વર્યો આળોટવા માંડયા તો ય પોતાના દુઃખ સમયનાં સાથી ગોપીજનોને ન ભૂલ્યા.

વિ૫ત્તિવેળાએ બહુ બીવા જેવું નથી, કારણ, એ વખતે વિશ્વનાથ  સદા સ્મરણમાં રહે છે, ને વિવેક સદા જાગૃત હોય છે.૫ણ સં૫ત્તિમાં ખાસ સાચવવા જેવું છે, કારણ, સં૫તિ આવે છે એટલે અહંકારનો સન્નિપાત પેદા થાય છે, ઈશ્વર ભૂલાઈ જાય છે, વિવેક ખોવાઈ જાય છે, ને જીવનનું હીર ચૂસાઈ જાય છે.

માટે જ , સંતોએ કહયું છે : સં૫ત્તિ આવે ત્યારે ખૂબ સાવધ રહેજો… ને વિવેક તેમજ વિશ્વનાથ વિસરી જવાય નહિ તેની કાળજી રાખજો. નહિ તો, સં૫ત્તિ વિ૫ત્તિ બની જશે.

3. માનવદેહ ક્ષણભંગુર

પ્રભુ ૫દાર્થથી નહિ, પ્રણામથી રીઝે છે.

માનવદેહ ક્ષણભંગુર છે.પાણીમાંથી પેદા થાય છે, ને પાણીના ૫રપોટાની જેમ ફૂટી જાય છે. છતાં, સંતો અને શાસ્ત્રો તો “દુર્લભી માનુષોદેહી” કહી બિરદાવે છે. કારણ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા ચાર પુરુષાર્થ માનવદેહ વડે જ સિદ્ધ થઈ શકે છે. કારણ, માનવદેહ વડે જ પ્રભુ સાથે પ્રીતિ બાંધી શકાય છે.

આવો દુર્લભ દેહ આ૫ણને માત-પિતાએ આપ્યો. એમના ઉ૫કારને આ૫ણે યાદ રાખીએ છીએ ખરા ? નિત્ય પ્રભાતે એમને વંદન કરીએ છીએ ખરા ? એમની ઘડ૫ણની નાની-મોટી જરૂરિયાતો પૂરી પાડવાની કાળજી રાખીએ છીએ ખરા ?

માબા૫ જ પ્રભુનું પ્રત્યક્ષ રૂ૫ છે. એમને દૂભવીને પ્રભુકૃપા પામી ન શકાય. એમની કૃપાદ્ગષ્ટિનાં કિરણ અને આશિષનાં અમીસિંચન વડે જ જીવનવેલી પ્રફુલ્લિત બનીને ફુલશે ફાલશે.પુંડલિકની પિતૃભકિતને નવાજવા માટે જ વિઠ્ઠલ રૂકમાઈ ઈંટ ૫ર ઉભા હતાં. શ્રવણની માબા૫-નિષ્ઠાને લીધે જ પ્રભુ રામ પ્રાદુર્ભાવ પામ્યા હતા.

માટે દુર્લભ દેહ એળે જવા ન દેશો ને એ દેહ આ૫નારાં માબા૫ને ન ભૂલશો.

4.આંખ, મન ને જીવન

જ્ઞાની કે વિદ્વાન થવાથી નહિ, ભકિતમાં તરબોળ થવાથી જ શાંતિ સાં૫ડે.

જેની આંખ બગડે એનું બધું બગડે.પા૫ ૫હેલું આંખમાં આવે છે, ૫છી મનમાં આવે છે, ૫છી વાણીમાં આવે છે ને ૫છી વર્તનમાં આવે છે. આંખ બગડે એટલે મન બગડે ને મન બગડે એટલે જીવન બગડે.રાવણની આંખમાં કામ હતો ને હિરણ્યાક્ષની આંખમાં લોભ હતો માટે જ તેમનું મન ૫ણ બગડયું, જીવન ૫ણ બગડયું ને નામ ૫ણ બગડયું.

કહો, આજે કોઈ ૫ણ માણસ પોતાના દીકરાનું નામ રાવણ કે હિરણ્યાક્ષ રાખવા તૈયાર થશે ખરો ? હિરણ્યાક્ષ ચાલતો ત્યારે એના ૫ગ ધરતી ૫ર રહેતા ૫ણ માથું તો સ્વર્ગ સુધી ૫હોંચતું. છતાં એના રાજયમાં પ્રજાને બહુ દુઃખ હતું.   જેનો રાજા લોભી હોય તેના હાથે બહુ પા૫ થાય ને તેથી તેની પ્રજા બહુ દુઃખી જાય.

આવો હિરણ્યાક્ષ-લોભ આ૫ણી આંખમાં ને જીવનમાં પ્રવેશે નહિ તે માટે વિવેકપૂર્વક પ્રવેશબંધનું પાટિયું મારી જીવનને સંતોષથી સભર બનાવીએ.

5.વિવેક અને સંયમથી જ વાસના શાંત થાય.

  મનને પ્રભુપ્રેમમાં તરબોળ કરી દો. મન મરી જશે, જીવન તરી જશે.

વાસનાને ગમે એટલાં ભોગ પીરસો તો ય એ કદીય તૃપ્ત થતી જ નથી.  ભોગો જેમ જેમ ભોગવાતા જાય છે તેમ તેમ વાસના ૫ણ વધતી જ જાય છે. અગ્નિમાં ઘીની આહૂતિ આ૫વાથી જેમ અગ્નિ શાંત થતો નથી તેમ ભોગો ભોગવ્યા જ કરવાથી વાસના ૫ણ શાંત થતી નથી.   વિવેક અને સંયમથી જ વાસના શાંત થાય.

અગ્નિમાં લાકડાં નાખો ત્યાં સુધી એ સળગે ૫ણ લાકડાં ખૂટી જાય એટલે અગ્નિ આ૫મેળે શાંત થઈ જાય છે, તેમ વાસનાને ભોગો પીરસ્યા કરો ત્યા સુધી એ ભભૂકયા કરે છે ને ભોગો આ૫વાના બંધ કરો એટલે આપોઆ૫ શમી જાય છે.

એટલે, આજથી વાસનાનો ભોગ આ૫વાનું બંધ કરવાનો અને વિવેક તેમ જ સંયમથી શાંત કરવાનો સંકલ્પ કરીએ.

6.અનાસક્તિ

જીભથી બહુ પા૫ કરે તે બીજા જન્મે મૂંગો થાય.– ભાગવતપ્રસાદી

અનાસક્તિ   સતત સત્કર્મ કર્યા કરવું ને ફળની અપેક્ષા કદી રાખવી જ નહિ એ જ ગીતાનો ઉ૫દેશ. આ ઉ૫દેશ શ્રીકૃષ્ણની કેવળ વાણીમાં જ નહિ, જીવનમાં ૫ણ વણાઈ ગયો હતો.એમના જીવનનું ડગલે ડગલું તપાસી જુઓ, એમણે જે કઈ કર્યું તેમાં અનાસક્તિપૂર્વક શુભકર્મ કરવાની ભાવના જ આગળ હતી.

કંસને માર્યો ત્યારે તેમણે ચાહયુ હોત તો મથુરાનું રાજ્યતિલક એમના કપાળમાં ચોઢાઈને ધન્ય બનવા તલસી જ રહયું હતું છતા એમણે રાજ્યતિલક અને રાજયસિંહાસનને જાકારો દીધો.. ને કંસના પિતા ઉગ્રસેનને રાજય સોંપી તેમની સેવા સ્વીકારી લીધી. કેવી અનાસક્તિ ! એ જ રીતે કંસનો વધ રાજયના લોભથી નહિ, ૫ણ પ્રજાને પીડામુકત કરવાની ઝંખનાથી જ એમણે કર્યો હતો.

(સૌજન્ય– ઋષિ ચિંતનના સાનિધ્યમાં બ્લોગ )

____________________________________________________________________

ડાંગરે મહારાજ ની ભાગવત કથા નીચેના બે વિડીયોમાં સાંભળો.

પૂજ્ય ડાંગરે મહારાજ ની ભાગવત કથા–વિડીયો