મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્ય લેખક પણ છે.
ડેડી, મારું નામ તમારી ડાયરીમાં છે?..બી. એન. દસ્તૂર
અમેરિકામાં જોઈ હતી એક ટેલિવિઝન એડ.
એક નાનકડી દીકરી જાય છે એના ડેડીની સ્ટડીમાં. ડેડી રજા ઉપર છે, પણ સ્ટડીના ટેબલ ઉપર છે ફાઇલો અને ડેડીના મોં ઉપર છે ચિંતા. એ ડાયરીમાં કંઈક લખી રહ્યા છે.
બેબી શાંતિથી ઊભી રહે છે. ડેડીને એની હાજરીની ખબર નથી.
થોડીક વાર પછી એ દબાયેલા અવાજે પૂછે છે, ‘ડેડી શું કરો છો?’
ડાયરીમાંથી મોં બહાર કાઢ્યા વિના ડેડી જવાબ આપે છે, ‘હની, મારે કાલે જેને મળવાનું છે, જેને લંચ ઉપર લઈ જવાના છે એ બધાનાં નામ લખું છું.’
વધારે દબાયેલા અવાજે એ નાનકડી દીકરી પૂછે છે, ‘ડેડી, એમાં મારું નામ છે?’
મર્સિડિઝમાં જાવ છો ઓફિસે.
જિંદગી ગુજરે છે ‘અરજન્ટ’ કામોમાં જે થાય છે ‘ઇમ્પોર્ટન્ટ’ કામોના ભોગે
એક અગત્યની મિટિંગમાં તમે તમારા કર્મચારીઓને સમજાવો છો ‘પ્રોપિન્ક્વિટી’ની કમાલ, પ્રોપિન્ક્વિટી (Propinquity) એવું કહે છે કે જેની સાથે સારા સંબંધો બાંધવા હોય, નિભાવવા અને નિખારવા હોય તે બધાને મળતા રહો. વારંવાર મળવાનાં બહાનાં શોધો અને દરેક મુલાકાતે ભાઈબંધીનો માહોલ ઊભો કરો. સામેની વ્યક્તિને સ્મિત, પ્રશંસા જેવા ‘પોઝિટિવ સ્ટ્રોક’ આપો.
મિટિંગ પતે છે સાંજે પાંચ કલાકે. સાડા પાંચ વાગ્યે તમારો દીકરો ઇન્ટર-સ્કૂલની ફૂટબોલની ફાઇનલમાં રમવાનો છે, પણ તમે થાક્યા છો પેલી પ્રોપિન્ક્વિટીની વાતો કરી. થાક ઉતારવા જાવ છો નજદીકની ફાઇવસ્ટાર હોટલની કોફી શોપમાં.
રમતની અંતિમ મિટિંગમાં તમારો દીકરો મેસી અને રોનાલ્ડોની અદાથી, બાઇસિકલ કિક મારી વિનિંગ ગોલ ફટકારે છે. સ્ટેડિયમ તાળીઓથી ગાજે છે, પણ તમારી નજર કરે છે વી.આઇ.પી. બોક્સમાં જ્યાં દરેક અન્ય ખેલાડીનાં માવતર હાજર છે.
તમે નથી.
અને મમ્મી?
એ ગઈ છે કિટી પાર્ટીમાં. કોનું કોની સાથે લફરું છે, કોણ છૂટાછેડા લેવાનું છે એની ચર્ચા કરવા, પત્તાં ચીપવાં, સહેલીઓ સાથેના સંબંધોને નિખારવા.
પતિ પ્રોપિન્ક્વિટી શીખવે છે ઓફિસમાં અને મેડમ એના ઉપર અમલ કરે છે કિટી પાર્ટીમાં. ડેડી ઓફિસનું અને મમ્મી કિટી પાર્ટીનું મેનેજમેન્ટ કરે છે. બાળકોના મેનેજમેન્ટ માટે સમય નથી.
ABCDનું નહીં XYZનું મેનેજમેન્ટ કરે છે.
પૈસાદાર માવતરોનાં બાળકો વંઠી જાય છે એવી ફરિયાદો સંભળાતી, બોલાતી, વંચાતી રહે છે. કારણ?
કારણ કે માવતરને ફૂટબોલ રમતા દીકરાની ગજબની ગોલ જોવાની ફુરસદ નથી તો દીકરો એવું ગતકડું કરશે કે તમે બધું પડતું મેલી એને છોડાવવા પોલીસ સ્ટેશને પહોંચી, દીકરાને તમે કેટલો પ્રેમ કરો છો તેનો અહેસાસ કરાવવા મજબૂર બનશો.
જિંદગીમાં એવો સમય આવશે (ઈશ્વરના દરબારમાં ન્યાયને સ્થાન છે) જ્યારે ઘર કરડવા આવશે.
ઘરમાંથી બાળકોનાં તોફાનોની, મોજમસ્તીની, રીસામણા-મનામણાની, દાદાગીરીની સંપૂર્ણ બાદબાકી થઈ જશે. રહી જશે એમની યાદો, દીવાલ ઉપરનાં ચિત્રો, ફાટેલી ડ્રોઇંગબુક અને તૂટેલાં રમકડાં.
યાદ આવશે જ્યારે દીકરાની બાઇસિકલ કિકને બિરદાવવા તમે હાજર ન હતા.
યુનિવર્સિટી ફેસ્ટિવલમાં પોતાની ગજબની અદાકારીથી તાળીઓ પાડતાં ઓડિયન્સમાં મમ્મી ન હતી. તમે ન હતા. મમ્મી ગઈ હતી રિસેપ્શનમાં એના નવા દાગીનાનું પ્રદર્શન કરવા અને તમે હતા કોન્ફરન્સમાં, કસ્ટમર ડિલાઇટ ઉપર ભાષણ ઠોકવા.
જિંદગી ગુજરે છે ‘અરજન્ટ’ કામોમાં જે થાય છે ‘ઇમ્પોર્ટન્ટ’ કામોના ભોગે. પાર્ટીમાં જવાનું અરજન્ટ છે. બાળકને હોમવર્ક કરાવવાનું ‘ઇમ્પોર્ટન્ટ’ કામ કરવાની ફુરસદ નથી.
તમારી દીકરીને, તમારા દીકરાને તમે પૂર શુદ્ધિમાં, બિન કેફ હાલતમાં, કોઈ પણ જાતના દબાણ અને ધાકધમકી વિના આ દુનિયામાં પૂરી મરજીથી લાવ્યા છો.
આજની પોસ્ટમાં પ્રસ્તુત નામ પ્રમાણે જ ગુણ ધરાવનાર દિવ્યાંગ બાળક ઉત્તમ મારૂની સત્ય કથા અન્ય દિવ્યાંગ કે સબળ બાળકો માટે ખુબ જ પ્રેરણારૂપ છે.
બે આંખે અંધ ઉત્તમ મારૂને શ્રીમદ ભગવદ ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ છે.એ એક સારો ગાયક, તબલાવાદક અને સંગીતના બધા રાગોનો જાણકાર છે.
ભારત સરકાર તરફથી એને એની આશ્ચર્યજનક સિધ્ધિઓ માટે રાષ્ટ્રપતીના હસ્તે ”બાલશ્રી એવોર્ડ ” આપવામાં આવ્યો છે.
આજે ૫મી સપ્ટેમ્બર ૨૦૧૭ એ શિક્ષક દિવસ છે.બાળકોને જો બાળપણથી જ કુટુંબીજનો અને શિક્ષકો તરફથી પ્રેમ અને માર્ગ દર્શન મળે તો તેઓ કેવી પ્રગતિ સાધી શકે એને માટે બાળક ઉત્તમના વિકાસનો ગ્રાફ એક ઉત્તમ ઉદાહરણ છે.
દિવ્યાંગ ઉત્તમ મારૂની આ સત્ય કથા વાંચ્યા પછી ઈશ્વર કૃપાનો આ જાણીતો સંસ્કૃત પ્રાર્થનાનો શ્લોક યાદ આવી ગયો.
એક વખત અચુક વાંચજો – રૂવાટા ઉભા કરી નાખે તેવી રાજકોટની સત્યઘટના
લેખક …શ્રી શૈલેષ સગપરીયા
થોડી લાંબી વાત છે પણ વાંચજો જરૂર.
થોડા વર્ષો પહેલા રાજકોટના એક નર્સિંગ હોમમાં એક પ્રસુતાએ દિકરાને જન્મ આપ્યો. પરિવારમાં નવા સભ્યનું આગમન થયુ એટલે દાદીએ ફોન જોડીને દાદાજીને આ ખુશખબર આપ્યા. દાદા પણ પૌત્ર જન્મના સમાચાર મળતા ખુબ આનંદીત થયા.
થોડી વારમાં બાળકના દાદીએ ફરીથી દાદાને ફોન કર્યો. આ વખતે દાદીનો અવાજ ખુબ ભારે હતો. એમણે દુ:ખી હદયે એમના પતિને વાત કરતા કહ્યુ, “ભગવાને આપણને પૌત્ર આપ્યો પણ એને હોઠ, નાક, તાળવું કે આંખો કંઇ જ નથી. હવે આપણે શું કરીશું ?” દાદાએ પત્નિને સાંત્વના આપીને ભગવાન પર ભરોસો રાખવા કહ્યુ.
થોડા દિવસ પછી હોસ્પીટલમાંથી આ ખોડખાપણવાળા બાળકને ઘરે લાવવામાં આવ્યો. જુદા-જુદા ડોકટરોએ જુદા-જુદા અભિપ્રાયો આપ્યા. એક ડોકટરે તો એમ પણ કહ્યુ કે આ બાળકને ઇન્જેકશન આપીને શાંત કરી દઇએ કારણકે જો જીવશે તો તમે પણ દુ:ખી થશો અને બાળક પણ દુ:ખી થશે.
બાળકના દાદાએ પરિવારના બધા સભ્યોને ભેગા કરીને કહ્યુ, “જુઓ, આવડી મોટી દુનિયામાં આવો છોકરો ભગવાને આપણને જ કેમ આપ્યો ? ભગવાનને આપણા પર કેટલો મોટો વિશ્વાસ હશે કે હું આ છોકરાને જે ઘરે મોકલું છું ત્યાં બધા એને સાચવશે. ભગવાને આપણા પરિવાર પર મુકેલા વિશ્વાસને આપણે તુટવા નથી દેવો. આપણે બધા સભ્યો એની થોડી થોડી જવાબદારી વહેંચી લઇએ અને એને મોટો કરીએ.”
આ છોકરા પર એક પછી એક 8થી વધુ ઓપરેશન થયા. બાળકના દાદાએ એને પગભર કરવા માટે શાળામાં દાખલ કર્યો. શરૂઆતમાં તો કોઇ શાળા એને સ્વિકારવા તૈયાર ન થઇ પછી એક શાળામાં એને એડમીશન મળ્યુ અને આ છોકરો ભણવામાં બીજા બાળકો કરતા પણ ધીમે ધીમે આગળ નીકળી ગયો અને શાળામાં પ્રથમ નંબર લાવતો થયો. ત્યાર પછીતો દાદાજીએ બાળકને ઓર્ગન, તબલા, બ્રેઇલ લીપી, કમ્પ્યુટર શીખવાડ્યા અને છોકરો બધામાં પાવરધો થયો.
દાદાને ઇચ્છા કે પૌત્ર સારો ગાયક બને એટલે એને ગાયકીના વર્ગોમાં મોકલવાની શરૂઆત કરી.તાળવું ન હોવા છતા ખુબ સારા ગાયન દ્વારા આ છોકરાએ એના કલાગુરુને પ્રભાવિત કર્યા અને કલાગુરુએ આ છોકરાની ગાયકીનો એક પ્રોગ્રામ રાજકોટના હેમુ ગઢવી હોલમાં કર્યો. ઉભા રહેવાની પણ જગ્યા ન મળે એવી જનમેદની વચ્ચે એકથી એક ચઢીયાતા ગીતો ગાઇને એણે બધાના દીલ જીતી લીધા.
આ છોકરાનું નામ છે ઉત્તમ મારુ અને એને તૈયાર કરનાર એના દાદાજી કુવરજીભાઇ મારુ. આજે આ છોકરાને 80થી વધુ ગીતો યાદ છે અનેક શ્લોકો અને પ્રશ્નોના જવાબો એને મોઢે છે. દુનિયા અને ભારતની સામાન્ય જ્ઞાનની અદભૂત સમજ ધરાવે છે.
મિત્રો, તમારા સંતાનને ક્યારેય સામાન્ય નહી સમજતા. જો તમે એને યોગ્ય વાતાવરણ પુરુ પાડો તો એ ખીલ્યા વગર રહે જ નહી. બાળકોના વિકાસ માટે જરૂર હોય છે કુવરજીભાઇ જેવા સમર્પણભાવની અને થોડી ધીરજની.
તારીખ ૭ મી ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ જ્ઞાન જ્યોત વિદ્યાલય સુરતના સ્મૃતિ ભવનમાં ૧૦ થી ૧૨ વર્ગના વિદ્યાર્થીઓ તથા અન્ય ભાવકોની હાજરીમાં ” હમ હોંગે કામિયાબ ” કાર્યક્રમમાં ઉત્તમ મારૂ .વક્તા હતા ડે.ડીરેક્ટર શ્રી શૈલેશભાઈ સગપરીયા.
દિવ્યાંગ ઉત્તમ મારૂ અને એના દાદા કુંવરજીભાઈ સાથે સ્પીક બિન્દાસના શ્રી દેવાંગ વિભાકરે લીધેલ ઇન્ટરવ્યુ
Interview of Uttam Maru Published on May 18, 2012
નીચેની યુ-ટ્યુબની Uttam Maru ચેનલ ની લીંક પર ક્લિક કરી વન્ડર બોય ઉત્તમ મારું ના અનેક સંગીતના પ્રોગ્રામ સાંભળી શકાશે અને એના વિષેની અન્ય માહિતી મેળવી શકાશે.
સાભાર – શ્રી ઉત્તમ ગજ્જર – એમના ફેસ બુક પેજ પરથી …
કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું –યશવન્ત મહેતા
એક વાર સ્વામી વીવેકાનન્દ(અથવા સ્વામી રામતીર્થ અથવા કોઈ અન્ય સ્વામી : કારણ કે આવી કથાઓ સાથે સૌ કોઈ મનગમતા સ્વામીને જોડી દે છે !) અમેરીકા જઈ રહ્યા હતા. એમના જમાનામાં અમેરીકા જવા માટે ઘણાખરા લોકો પુર્વ તરફનો દરીયામાર્ગ લેતા. એટલે કે બર્મા, મલાયા, સીંગાપોર, ચીન, જપાન પછી પ્રશાન્ત મહાસાગર વીંધીને અમેરીકા જવાતું. પ્રવાસ આગબોટથી થતો.
સ્વામીજીએ જોયું કે રંગુનથી એક જપાની વૃદ્ધ આગબોટ પર ચડ્યા છે. દેખીતી જ એમની ઉમ્મર ૮૫–૮૭ વરસ જેટલી હતી. સ્વામીજીએ એ પણ જોયું કે વડીલ દરરોજ સાંજે આગબોટના તુતક પરની ખુરસીમાં પાટી–પેન લઈને બેસે છે. સાથે નાનકડી પોથી રાખે છે. તે પોથીમાં જોઈને પાટીમાં લખે છે. ઘણા દીવસ આ જ ક્રમ જોવા મળ્યો. એટલે સ્વામીજીને કુતુહલ થયું કે વડીલ દરરોજ આ શી મહેનત કરતા હશે?
એક દહાડો કુતુહલ પ્રગટ થઈ જ ગયું. વૃદ્ધ સમક્ષ જઈને તેમને પ્રણામ કર્યાં અને પુછ્યું : ‘વડીલ, તમે દરરોજ આ પાટી–પેન અને પોથી લઈને બેસો છો; તે શું છે ?’
‘આ ચીની ભાષાની બાળપોથી છે. હું ચીની ભાષા શીખું છું.’
વીવેકાનંદનું કુતુહલ હવે આશ્ચર્યમાં ફેલાઈ ગયું. આ વડીલ, આ ઉમ્મરે ચીની ભાષા શીખે છે! ચીની ભાષા જગતની અઘરામાં અઘરી ભાષાઓમાંની એક છે. એની ચીત્રલીપીની 50,000 જેટલી અલગ અલગ આકૃતીઓ શક્ય છે. આપણને માત્ર આકૃતી લાગે એવા એક આકારમાં તો આખું વાક્ય સમાઈ ગયું હોય !
‘પણ વડીલ!’ વીવેકાનન્દ પુછ્યા વીના ન રહી શક્યા, ‘આવી અઘરી ભાષા આ ઉમ્મરે શીખવાની શી જરુર? એથી શું હાંસલ થશે?’ વૃદ્ધે ફરી વાર હુંફાળું મીઠું સ્મીત કરતાં કહ્યું, ‘ભાઈ, કોઈ પણ ઉમ્મર, કશું નવું શીખવા માટે વધારે પડતી નથી. માનવી જ્યાં સુધી કાંઈક નવું શીખવા માટે ઉત્સાહી છે, ત્યાં સુધી જ જીવન્ત છે. જો એ ઉત્સાહ ન રહ્યો તો તો પછી શ્વાસ–પ્રાણ ભલે ચાલતા હોય, તોયે માનવી મરેલો જ છે.’
તે દીવસે સ્વામીજીને સમજાયું કે કશુંય નવું કામ કરવા માટે માનવી ‘અતીવૃદ્ધ’ હોતો જ નથી. દરેક દેશનાં આગવાં કેટલાંક મહાકાવ્ય હોય છે. અંગ્રેજી ભાષા અને ગ્રેટ બ્રીટન માટે આવાં બે મહાકાવ્યો ‘પેરેડાઈઝ લોસ્ટ’ (ગુમાવેલું સ્વર્ગ) અને ‘પેરેડાઈઝ રીગેઈન્ડ’(પુન:પ્રાપ્ત સ્વર્ગ) છે. આ બન્નેના રચનાર મહા કવી જૉન મીલ્ટન છે. એ ૪૮ની વયે પુરેપુરા અન્ધ બની ગયા. એ પછી બાર વર્ષ લગી એમની બન્ધ આંખોની પાછળના દીમાગમાં એક કાવ્ય ઘુંટાતું રહ્યું. છેક સાઠની ઉમ્મર પછી એમણે દીકરીઓને એ કાવ્યનું શ્રુતલેખન કરાવવા માંડ્યું. આ વયે મીલ્ટને, નહોતો પોતાની ઉમ્મરનો ખ્યાલ કર્યો કે નહોતા અપંગાવસ્થાથી નીરાશ થયા.
સાહીત્યની દુનીયામાં આવું જ એક ગૌરવશાળી ઉદાહરણ ‘લે મીઝરેબલ’ અને ‘વીક્ટર હ્યુગો’નું છે. અઢાર–ઓગણીસમી સદીના ફ્રાન્સના શ્રેષ્ઠ લેખકોમાં એક વીક્ટર હ્યુગો છે. પોતાના યુગના એ સાહીત્યસમ્રાટ હતા. અસંખ્ય લેખકોના પ્રેરક હતા. પુરી ફ્રેન્ચ પ્રજાના માનીતા લેખક હતા. એમનાં લોકલક્ષી લખાણોને કારણે સત્તાધારીઓને ખુંચતાય ખરા. શાસકો એમની કદર કરે; પણ એ તો શાસકોનીય ધુળ કાઢતા! જ્યારે ફ્રેન્ચ ક્રાન્તી પડી ભાંગી અને નેપોલીયન બોનાપાર્ટ ‘શહેનશાહ’ બની ગયો, ત્યારે અમલદારો તરફથી આ ‘નાફરમાન લેખક’ વીક્ટર હ્યુગોની ધરપકડની દરખાસ્ત આવી. નેપોલીયને અમલદારોને ધમકાવી કાઢ્યા હતા. એણે કહેલું કે, ‘હ્યુગો ફ્રાન્સ છે અને ફ્રાન્સ હ્યુગો છે, તમે ફ્રાન્સની ધરપકડ કેવી રીતે કરી શકો?’
આ હ્યુગો પોતે પણ પોતાની લોકપ્રીયતા અને મહત્તા જાણતા હતા. આથી એક વાર તો ગુમાની લાગે તેવું વીધાન તેમણે કરેલું કે : ‘હવે પેરીસ નગરનું નામ બદલીને ‘હ્યુગો’ નગર રાખવું જોઈએ!’ જે વ્યક્તી પોતાને વીશે આટલું બધું ગૌરવ ધરાવવા અને વ્યક્ત કરવા તૈયાર થાય તે કેટલી બધી માનસીક અને નૈતીક તાકાત ધરાવતી હોય! હ્યુગો એ તાકાત ધરાવતા હતા.
અને એ તાકાત એમણે જીન્દગીની ઉત્તરાવસ્થા સુધી કેવી જાળવી રાખી હતી એનું જીવન્ત ઉદાહરણ ‘લે મીઝરેબલ’ છે. હ્યુગોની ફ્રેન્ચ ભાષાની જ નહીં; સમગ્ર વીશ્વની શ્રેષ્ઠ દસ–વીસ નવલકથાઓમાં સ્થાન પામે એવી આ નવલકથા લખવાનું કાર્ય, હ્યુગોએ ૭૮ વર્ષની વયે શરુ કર્યું હતું.
કેટલાક લોકો અમુક ઉમ્મર થતાં જ કશાંયે સર્જનાત્મક કે ઉપજાઉ કામ છોડી દે છે. ઘણાખરા તો સમાજ માટે ભારરુપ બનવા લાગે છે. કેટલાક વળી, અર્થહીન ક્રીયાકાંડો, પોથીપાઠો અને યંત્રવત્ પ્રવૃત્તીઓમાં ખોવાઈ જાય છે. ‘હવે તો મારાથી શું થાય!’ એવા પ્રશ્નો પુછતા થઈ જાય છે. એવા લોકોએ વીક્ટર હ્યુગોની તસ્વીર ઘરમાં લટકાવી રાખવી જોઈએ. તમને સ્વર્ગની કલ્પીત (માયારુપ) સીડી બતાવનાર ‘ગુરુ’ની તસ્વીર કરતાં; હ્યુગોની તસ્વીર વધુ સાર્થક બનશે.
અને તમને હ્યુગોની તસ્વીર ન મળે તો ‘મહાભારત’વાળા ‘વેદ વ્યાસજી’ની તસ્વીર રાખજો. પ્રાચીન વીશ્વની એમની સૌથી મોટી એ કૃતી એમણે રચવા માંડી ત્યારે તે એંશી ઉપરની વયના હતા.
કેટલાક લોકો વળી અમુક વય પછી એમ કહીને રચનાત્મક કામોમાંથી ફારેગ થઈ જાય છે કે, ‘હવે કોને માટે કશુંય કરવું?’ એવા લોકોને માટે ચીનના મહાન ફીલસુફ કન્ફ્યુશીયસની એક પ્રસંગકથા ઉપયોગી બને એમ છે. લો, સાંભળો :
ચીનના એક સમ્રાટ ઘણા ભલા, ઉદાર, દાની અને પરગજુ હતા. એ જરુરતમંદોને સદાય ઉદાર હાથે દાન આપતા, વડીલોની ઉત્તરક્રીયા કે સન્તાનોનાં લગ્ન કે જમીન–મકાનની ખરીદી જેવા હેતુ માટે ધન યાચતાં જે કોઈ આવે એને સમ્રાટ કદી નીરાશ ન કરતા.
ઉદાર અને સમજુ હતા એટલે ચીન્તકો, કવીઓ વગેરેના પણ પ્રશંસક હતા. કન્ફ્યુશીયસ જ્યારે એમના રાજ્યમાંથી પસાર થતા હોય ત્યારે એમને, પોતાને મહેલે રહેવાનો અચુક આગ્રહ કરતા. દીવસો સુધી એમના સત્સંગનો લાભ લેતા. વળી, પોતે કેવાં દાન અને સત્કાર્ય કરે છે એ કન્ફ્યુશીયસ જુએ, એવી ખાસ જોગવાઈ કરતા. સમ્રાટને આશા હતી કે સંતશીરોમણી પોતાના ઉપદેશમાં કે કાવ્યોમાં મારી યશગાથા વણી લે તો હું અમર બની જાઉં.
આવી મનોદશા વચ્ચે એક દીવસે સમ્રાટથી સંતને પુછાઈ ગયું, ‘પંડીતવર્ય, આ જગતમાં સૌથી મોટો દાની તમને કોણ લાગે છે?’
આવો પ્રશ્ન કરીને સમ્રાટ આતુરતાથી સંતના ચહેરા સામે તાકી રહ્યા. એમને પુરી આશા હતી કે સંત મને જ મોટામાં મોટો દાની ગણશે. હું એમની પરોણાગત ખુબ ભાવથી કરું છું. મારાં દાન પણ તેઓ પ્રત્યક્ષપણે જુએ જ છે.
પણ કન્ફ્યુશીયસે તો જવાબ આપવાને બદલે સમ્રાટને સુચવ્યું કે મારી સાથે મહેલની છત પર ચાલો.
બન્ને ચાલ્યા. રાજમહેલ એક ઉંચી ટેકરી પર હતો એની છત ઉપરથી સમગ્ર નગર જ નહીં; ફરતી ખેતરાઉ અને વાડીમય જમીન અને ગોચર વગેરે પણ દેખાતાં હતાં. એમાં એક બાજુ ખરાબાની વગડાઉ જમીન પણ હતી. કન્ફ્યુશીયસે આ ખરાબા ભણી આગળી ચીંધીને સમ્રાટને પુછ્યું, ‘આ તરફ જુઓ : તમને શું દેખાય છે? થોડીક વાર જોયા કરો અને પછી મને કહો.’
સમ્રાટે નજર ખેંચી. ‘અં… ખરાબાની જમીન સાવ બંજર છે. ઘાસનું તણખલુંયે ઉગેલું જણાતું નથી… આ જમીન પર કોઈ માણસ કામ કરતો દેખાય છે. એ વાંકો વળીને, કોદાળી વડે જમીન ખોદી રહ્યો જણાય છે… બરાબર, એ કશોક ખાડો કરતો લાગે છે… અં… ઓહો! એણે આવા તો ઘણા બધા મોટામોટા ખાડા કર્યા છે..! અચ્છા, એક બીજો ખાડો કરીને એ ટટાર થયો… ચાલ્યો… ખરાબાને છેડે એક મોટો ઢગલો અને એની બાજુમાં એક નાની ઢગલી છે.. એ શું હશે ?’
‘મોટો ઢગલો ખાતરનો છે, સમ્રાટ’, કન્ફ્યુશીયસે જણાવ્યું ‘અને નાની ઢગલી કેરીના ગોટલાની છે. એ માણસ ગોટલા વાવી રહ્યો છે.’
‘ઓ… હો… ભારે રુડું કામ કહેવાય!’
‘એ માણસ તમને કેવો દેખાય છે ?’
‘ગરીબ લાગે છે… ઘરડો છે… કમરેથી વાંકો વળી ગયો છે…’
‘સમ્રાટ, આટલે દુરથી એની ઉમ્મર નહીં કળાય; પરન્તુ એ પંચાણું વર્ષનો છે.’ ‘પંચાણું….?’
‘હા, આજે સવારે વગડામાં આંટા મારતો મેં પોતે એને જોયો. મેં એની ઉમ્મર પુછી. એ પંચાણુંનો છે.’
‘તો તો હવે તે થોડા જ સમયમાં જ મરણ પામશે, ખરું ને ?
‘હા ખરું, મરણ પામશે, અને છતાં એ આંબા વાવી રહ્યો છે ! સેંકડો આંબા વાવી રહ્યો છે ! ‘શું આ આંબાની કેરી તે ખાવા પામશે કે?’
‘ના, બનવાજોગ તો નથી અને છતાં એ આંબા વાવી રહ્યો છે. મારા ભલા સમ્રાટ ! મારે મતે જગતનો શ્રેષ્ઠ દાનવીર આ વૃદ્ધ માણસ છે.’
ઉપરના લેખ-કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું– ના લેખક શ્રી યશવંત મહેતા પોતે આજે ૮૦ વર્ષના છે પણ ખુબ જ સક્રિય છે.
૫૦૦થી વધુ પુસ્તકોના લેખક, બાળ સાહિત્યમાં લેખન ઉપરાંત એકલવીર કર્મશીલ બનીને તેઓ કેવું નોંધપાત્ર કામ કરી રહ્યા છે એ શબ્દોનું સર્જન બ્લોગમાંના શ્રી રમેશ તન્નાના નીચેના લેખ ઉપરથી તમને જાણવા મળશે.
બાળક એ કુદરતે મનુષ્યને આપેલ એક અણમોલ ભેટ છે.બાળકના આગમનથી કુટુંબ સંપૂર્ણ બને છે. એક બાળકનું કુટુંબમાં આગમન એક આનંદનો અવસર બની જાય છે.
બાળક અને એને જન્મ આપનાર માતાનો સંબંધ ગર્ભાધાનના સમયથી જ શરુ થાય છે.માતા માટે તો બાળક એના શરીરનો જ એક હિસ્સો છે.
માતાના ઉદરમાં નવ માસ દરમ્યાન દિવસે દિવસે ગર્ભ એક બાળકનું સ્વરૂપ કેવી રીતે ધારણ કરે છે એ આ વિડીયોમાં સરસ સમજાવવામાં આવ્યું છે.
9 Months In The Womb:કુદરતનો અજબ કરિશ્મા A Remarkable Look At Fetal Development Through Ultrasound By PregnancyChat.com
નવ માસ માટે ઉદરમાં બાળકનો ભાર ઉઠાવીને અને પ્રસુતિની અસહ્ય પીડામાંથી પસાર થયા પછી જ્યારે બાળકનો જન્મ થાય છે અને સૌ પ્રથમ વાર જ્યારે આ જનની એના શરીરના જ અંશ સમા બાળકનું મુખ જુએ છે ત્યારે એનું બધું જ દુખ એ ભૂલી જાય છે.એના મુખ પર આનંદ અને સંતોષનું સ્મિત ઝળકી ઉઠે છે.આ ક્ષણથી જ માતા અને બાળક આજીવન પ્રેમના બંધનથી બંધાઈ જાય છે.માતા પિતા અને કુટુંબીજનો અને મિત્રોમાં બાળકના જન્મથી આનંદની લહેર ફેલાઈ જાય છે.
વૃદ્ધ દાદા-દાદી માટે તો આ બાળક એમની મૂડીના વ્યાજ સમું વ્હાલું બની જાય છે.બાળકની સાથે બાળક બની કુટુંબમાં નાવાન્તુક મહેમાન સમા બાળકને પ્રેમથી એમના વધતા જતા કુટુંબમાં આવકારે છે. એમના માટે આ ખુશીનો માહોલ બની જાય છે.
બાળ વિકાસ
જેમ એક છોડ દિવસે દિવસે વધી વૃક્ષનું સ્વરૂપ ધારણ કરે છે એમ એક બાળક દિવસે દિવસે વધતું જાય છે .
બગીચાના એક ફૂલ છોડ પર જેમ એક કળીમાંથી દિવસે દિવસે એક પૂરું ખીલેલું સુંદર ફૂલનું સ્વરૂપ લે છે એમ જ બાળકનો દિવસે દિવસે શારીરિક અને માનસિક વિકાસ થતો રહે છે .બાળકની જનની આ વિકાસને આશ્ચર્ય અને ખુશી મિશ્રિત લાગણીથી નિહાળતી રહે છે .
કુટુંબ રૂપી બગીચાની માળી રૂપી માતા એના બાળક રૂપી ફૂલને દિવસે દિવસે વધતું અને ખીલતું જોઇને આનંદથી હરખાઈને ખીલી ઉઠે છે.માતાનો બાળક પ્રત્યેનો લગાવ અને આનંદ અદભુત હોય છે કે જેની કિંમત પૈસામાં કદી થઇ ના શકે.
બાળ સંભાળ અને માતા
બાળકની સંભાળ રાખનાર માતા માટે જોવા જેવા ત્રણ વિડીયો …..
EVidyalayનાં સ્થાપક સભ્ય યુ.કે. નિવાસી બેન હિરલ શાહ એમની સારી જોબ છોડીને ત્રણ -સાડાત્રણ વર્ષની એમની દીકરી જીનાનો યોગ્ય રીતે ઉછેર થાય એ માટે હાલ એમાં સંપૂર્ણ સમય આપી રહ્યાં છે.
હિરલબેનની ત્રણ વર્ષની પુત્રી જીનાની બે બોલતી તસ્વીરો
ઈ-વિદ્યાલય એ એમનું માનસિક બાળક છે તો જીના એમનું બાયોલોજીકલ બાળક છે.બન્નેના ઉછેરનું કામ તેઓ એક સાથે જે ઉત્સાહથી સંભાળી રહ્યાં છે એ અભિનંદનીય છે.એમનાજ શબ્દોમાં જ કહીએ તો Children are not a distraction from more important work. They are the most important work.
એમના ગુજરાતી બ્લોગHiral’s Blog માં આપેલ એમના પરિચય-હિરલ એક નજરેમાં જણાવ્યા પ્રમાણે તેઓ સ્વભાવે ઉત્સાહી, લાગણીશીલ, મહેનતુ, વિચારશીલ, દેશપ્રેમી, મિલનસાર અને છતાં એકાંતપ્રિય છે.
બાળકોના આંતરિક તથા બાહ્ય વિકાસ માટે અને એમના સારા ઉછેર માટે ઈ-વિદ્યાલય એક ખુબ જરૂરી અને ઉપયોગી માધ્યમ છે.
વિજ્ઞાન વિષયક માહિતી અને પ્રાયોગિક પ્રોત્સાહન માટે પ્રયોગઘર છે.
જન્મજાત કુતુહલ, અને આંતરિક તથા બાહ્ય વિકાસમાં સહાયક કરતી હોબીલોબી છે.
બાળ ઉછેર વિષે હિરલ શાહ ના લેખો
હીરલ શાહના ઉપરોક્ત બ્લોગમાં બાળ ઉછેરના એમના અંગત અનુભવ ઉપર આધારિત એમણે જે કેટલાક વિચાર કરવા જેવો લેખો લખ્યા છે એમાંથી મારી પસંદગીના નીચેના બે લેખો આજની પોસ્ટમાં રજુ કરતાં આનંદ થાય છે.
૧.બાળઉછેર માત્ર માતાની જવાબદારી?
બાળકોને માત્ર સ્કીલ ડેવલેપમેન્ટ જ નહિં પણ મૂલ્યો અને રીતભાત પણ પ્રેમથી , ધીરજથી એમને બિલકુલ અભાવ ના આવે અને સમજીને આચરણમાં મૂકે તેવું માહોલ આપવું પડે.આ માટે માત્ર માતા જ નહિં, પરિવારનાં સભ્યોનું વર્તન, આડોશ-પાડોશ, સામાજિક માળખું, બાળકો માટેની સપોર્ટ સિસ્ટમ બધું જ જોઇએ અને જોઇએ અને જોઇએ જ.માત્ર માતાનો વાંક કેવી રીતે કાઢી શકાય? એ રીતે બાળઉછેર માત્ર માતાની જવાબદારી કેવી રીતે કહી શકાય?
ભારતમાં ધીમે ધીમે બહુ જ નાની ઉંમરથી પ્લેગ્રુપ વગેરેની જરુરિયાત (બિઝનેસ) વધતો જાય છે એ અનુસંધાને ઘણુંખરું લોકો આજની માતાઓને દોષિત ગણે છે.
પરંતુ ખરું જોતા, પહેલાં જ્યારે સંયુક્ત કુટુંબ હતાં અને એક જ છત નીચે ઘણાં બાળકો એક સાથે ઘણાં લોકોની કાળજી-દેખરેખ હેઠળ મોટાં થતાં આથી માતાની જવાબદારી કૌટુંબિક સ્તરે વહેંચાયેલી હતી. બાળકોને પણ એકસાથે એમની ઉંમરનાં ઘણાં બાળકો સાથે હળવું-ભળવું સરળતાથી પ્રાપ્ય હતું.
હવે આ આખું માળખું તૂટી ગયું છે. નવજુવાનિયાઓ વ્યવસાય અર્થે સ્થળાંતર કરે છે. બધાનાં માતા-પિતા શરુઆતથી જ સાથે નથી રહી શકતાં. અથવા સાથે રહે તો પણ નાનાં ભૂલ કાંઓની ઉંમરના બાળકોને શોધવા ક્યાં જવું? એવી બીજી માતાઓની કંપની શોધવા ક્યાં જવું? આના વિકલ્પો ખાસ વિચારાયા જ નથી.
આથી જ કદાચ પ્લેગ્રુપ ની જરુરિયાત દોઢ-બે વરસના બાળકને વર્તાય છે. પોસાય કે ના પોસાય, તાણમાં આવીને પણ બાળકની સામાજિક જરુરિયાતને અનુલક્ષીને એ દિશામાં પૂરપાટ બિઝનેસ વધી રહ્યો છે.
એ અનુસંધાને મેં આખો લેખ લખેલો કે કેવી રીતે આ પ્રશ્નનો ઉકેલ વિચારી શકાય.અહિં કોઇ દેશની કોઇ પધ્ધતિ સારી કે ખોટી એવી કોઇ તારવણી નથી. પરંતુ જ્યાં જે સારું અને ઉપયોગી છે અથવા અમલ કરવા યોગ્ય છે એ દિશામાં અંગુલી નિર્દેશ માત્ર છે.
ખાસ કરીને ૧ થી ૫ વર્ષનાં બાળકોના માતા -પિતા માટે આ લેખો અને લેખના અંતે મુકાએલ પ્રતિભાવો જરૂર માર્ગ દર્શક બનશે એવી આશા છે.
આ લેખો અને એમના બ્લોગમાં પોસ્ટ થયેલા બીજા લેખો પણ તમે વાંચશો તો તમને પ્રતીતિ થશે જ કે હિરલ શાહ એક સારાં લેખિકા પણ છે.
આજની આ પોસ્ટમાં પ્રસ્તુત બેન હિરલના ઉપરના બે મનનીય લેખો ઉપર એમના વિચારો પ્રતિભાવ રૂપે જણાવવા માટે વિનોદ વિહારના સુજ્ઞ વાચકોને આમંત્રણ છે.
આજની ઈ-મેલ માં મિત્ર શ્રી પી.કે.દાવડા એ જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવેનું “આજનું શિક્ષણ ” એ નામની સુંદર કાવ્ય રચના મોકલી છે. શ્રી દાવડા અને કવી શ્રી કૃષ્ણ દવેના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
આ કાવ્યના જ વિષયની પૂર્તિ કરતો ડૉ. પંકજ જોશીનો રીડગુજરાતી માં November 27th, 2012 ના રોજ પ્રગટ લેખ નેટ જગતનાં ઊંડાં અભ્યાસી અને ખુબ જાણીતાં મારાં બીજાં મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસે ઈ-મેલમાં વાંચવા માટે મોકલ્યો હતો .
આ લેખના લેખક ડૉ. પંકજ જોશી અને લેખ મોકલવા બદલ બદલ સુ.શ્રી પ્રજ્ઞાબેનના આભાર સાથે આજની શિક્ષણ પ્રથા અંગે આપણને વિચારતા કરી મુકે એવો ચિંતન લેખ નીચે પ્રસ્તુત છે.
કારકિર્દીના કારખાનાં – ડૉ. પંકજ જોશી
[ ભારતના મુખ્ય વૈજ્ઞાનિકોમાંના એક એવા શ્રી પંકજભાઈના નામ તેમજ તેમના લેખનથી આપણે સૌ પરિચિત છીએ. તેઓએ આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ઉપર પી.એચ.ડી. પ્રાપ્ત કરી છે. હાલ તેઓ મુંબઈની ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ ખાતે પ્રોફેસર તરીકે સંશોધનકાર્ય કરી રહ્યાં છે. તારાઓના ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની એમની ફાયરબોલ થિયરીની આંતરરાષ્ટ્રીય ધોરણે નોંધ લેવાઈ છે. ગુજરાતી ભાષા અને યુવાશિક્ષણ વિશે તેઓ સતત ચિંતિત રહે છે. તેમના પ્રસ્તુત લેખમાં પણ કારકિર્દીની રેસમાં જીવનનો આનંદ ખોઈ નાખતાં યુવાનો પ્રતિ ચિંતા વ્યક્ત થાય છે. આપ તેમનો આ સરનામે psjcosmos@gmail.com સંપર્ક કરી શકો છો.]
એક મિત્રનો દીકરો ચૌદ-પંદર વરસનો છે. દસમાની પરીક્ષા હમણાં જ આપી. સવારે સાડા-સાતે શાળા શરૂ થાય. બપોરે અઢી વાગે પાછો આવે. પછી સાડા-ત્રણે ક્લાસમાં જવાનું. અત્યારથી આઈ.આઈ.ટી.ની તૈયારી શરૂ. કોચિંગ ક્લાસમાંથી રાત્રે સાડા-આઠે પાછો આવે. પછી જમી લેવાનું અને રાત્રે સાડા-નવે બધું ક્લાસનું અને શાળાનું હોમ-વર્ક કરવા બેસી જવાનું. તે એ બધું રાત્રે એક વાગ્યા સુધી ચાલે. ત્યારે એ સમયે સુવે અને ફરી સવારે સાડા-છ વાગે ઉઠીને જેમ તેમ નાસ્તો કરી નિશાળે ભાગતો થાય !
તેના મમ્મી-પપ્પાને મેં પૂછ્યું કે તેને આ બધું અને આટલી મજૂરી ફાવે છે અને ગમે છે ? આટલી નાની ઉંમરમાં આટલું યંત્રવત જીવન, વરસના બાર મહિના આ જ રીતે ? અને બાળકના મન પર તેની શી અસર થાય ? ત્યારે તેઓ કહે કે એ તો બધું કરવું જ પડે, તેમાં કંઈ ચાલે જ નહી ! આમાં ગમવા-ન ગમવાની વાત જ ક્યાં આવે ? એન્જિનિયર થવું હોય, કારકિર્દી બનાવવી હોય તો અત્યારે તો આ જ રસ્તો છે, આમ જ કરવું પડે ! અમારે તો જરા મોડું થઈ ગયું, નહીં તો આઈ.આઈ.ટી.ના ક્લાસ તો આઠમા-નવમા ધોરણથી જ શરૂ થઈ જાય છે, ત્યારે જ શરૂ કરી દેવાના હોય ને ! મેં કહ્યું કે આમાં તેના શોખ, રસના વિષયો, આ બધાનું શું ? તેઓ કહે, તેનું કંઇ નહી. કેરિયર તો બનાવવી પડશે ને ? અને તે માટે તો આ સિવાય ચાલે જ નહીં, પછી ગમે કે ન ગમે ! અત્યારે તો છોકરાઓને રાત-દી મહેનત કરવી પડે તેવું છે !
મને તરત એક જ વિચાર આવ્યો કે આપણા દેશમાં બાળ-મજૂરીની વાતો તો ઘણી થાય છે. તો આ પણ અઢાર-વીસ કલાકની બાળ મજૂરી નથી તો શું છે ? અને સુખી-સદ્ધર માતા-પિતાઓ હોંશે હોંશે પોતાના બાળકોને આવા બધા કેળવણીના કારખાનાઓમાં ખુશીથી ધકેલી દે છે ! તેમાં બાળકને સફળતા મળી તો રાજીના રેડ અને ગામ ગજવશે અને નિષ્ફળતા મળી તો જાણે દુનિયા ડૂબી ગઈ તેવો શોક અને ખરખરો કરશે ! આમાંથી પરિણામ શું આવે છે ? છોકરા હોંશિયાર અને મહેનતુ હોય તો કંઈ ને કંઈ કરી તો લે છે, પરંતુ તેઓ અતિ યંત્રવત બનતા જાય છે. તેમનામાં એક પ્રકારની લાગણી શૂન્યતા જન્મવા લાગે છે અને તેઓ જડ જેવા બનતા જાય છે. કેરિયર અને કારકિર્દીને નામે તેમના પર જે એક પ્રકારનો બળાત્કાર વર્ષો સુધી થયા કરે છે તેના પરિણામે દુનિયાને જોવાની તેમની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. આમાં મૂળ કામ બાળકની સર્જનાત્મકતાનો નાશ થવાનું જ થાય છે અને છેવટે શાળાઓ, માતા-પિતા અને બાળકની લાગણીશૂન્યતા… આ જ સરવાળો નીકળે છે.
મહેનત કરવાની, ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની કે કારકિર્દીઓ બનાવવાની ના નથી અને તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ તે આવી અને આટલી હઠ કરીને જોર-જુલમથી ન થવું જોઈએ, જે માતા-પિતાઓ અને શાળાઓ આજે કરે છે. કેવળ સહજતા, સમજણ અને રસપૂર્વક બાળક પ્રેરાવું જોઈએ, પોતે જે કંઇ કરે તેમાં. કદાચ સાચી કેળવણીનું હાર્દ એમાં જ છે. વાસ્તવમાં શાળાઓનું તો કાર્ય જ આ છે અને બાળકનો સહજ વિકાસ તેનું નામ જ સાચી કેળવણી છે. પણ આજે તો આપણી મોટાભાગની શાળાઓ કેળવણી આપનાર સંસ્થાઓ નહીં પણ કારકિર્દીના કારખાનાંઓ બની ચુકી છે ! કવિ કૃષ્ણ દવેએ લખ્યું છે, ‘આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.’ જો શક્ય હોય તો આપણી આધુનિક શાળાઓના ‘મેનેજમેન્ટ’ શિસ્તને નામે આ પણ કરે તેવી આજે પરિસ્થિતિ છે.
આ બધામાં મૂળ વૈજ્ઞાનિક વાત સમજવાની છે તે એ છે કે માતા-પિતાનો કે સમાજનો મૂળ ઉદ્દેશ્ય શું છે ? છેવટે તો પોતાનું બાળક તેના જીવનમાં સુખી થાય, તેના જીવનમાં આનંદ પ્રગટે, તે શરીર અને મનથી એક અતિ આરોગ્યપૂર્ણ, સ્વસ્થ અને વિકાસશીલ જીવન જીવે… આ જ આપણે ઇચ્છીએ છીએ ને ? પણ જે પ્રકારનો અત્યાચાર આજે કેળવણી અને કારકિર્દીને નામે આજે બાળક પર થાય છે તેમાં એની સ્વસ્થ મનોભૂમિકાનો તો કેવળ નાશ જ થઇ જાય છે. છેવટે પેદા થાય છે તે તો એક યંત્રવત અને જડ વ્યક્તિત્વ, જેમાં સુખ પાંગરવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આને કારણે જ આજે બાળકોમાં પણ અનેક માનસિક વિકૃતિઓ અને આપઘાતોનું પ્રમાણ વધતું ચાલ્યું છે અને અન્ય અનેક વિચાર વમળોમાં પણ બાળકો ફસાય છે. આ બધી કહેવાતી આધુનિક વિચારધારા તથા વિકાસની બલિહારી છે. આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થીઓમાં અને આવી બીજી સંસ્થાઓમાં પણ અનેકવાર વિદ્યાર્થીઓ ભારે માનસિક તાણનો ભોગ બનતા હોય છે. આ બધાનું મૂળ કારણ આપણા કેવળ ખોટા અગ્રતાક્રમો જ છે. આવા બાળકો પછી ગેરમાર્ગે દોરાય છે, આપઘાતો કરે છે અથવા મોટા થાય ત્યારે જડ રોબોટ જેવા બની જાય છે.
કેટલાક સમય પહેલાં મુંબઈમાં અને અન્યત્ર ઉપરા-ઉપરી અનેક વિદ્યાર્થીઓના આપઘાતોના કિસ્સાઓ બન્યા હતાં તે ઘણાને યાદ હશે. કમનસીબી એ છે કે આપણે કાયમી ઉપાય કરવાને બદલે આ બધું બહુ જલદીથી ભૂલી જઈએ છીએ. આ બધી આત્મહત્યાઓ ભણવાના અને પરીક્ષાઓને લગતા પ્રશ્નો અને તાણમાંથી જ પેદા થઈ હતી અને આજે પણ થતી રહે છે. આ નવ યુવાનો કેવી કારમી મનોવ્યથામાંથી પસાર થતા હશે તેની કલ્પના તો કરી જુઓ ! પરંતુ આજે તો આપણને આપણા ‘વ્યસ્ત’ જીવનમાંથી એ વિશે વિચારવાનો પણ સમય નથી ! ખરેખર તો કરવા જેવું એક કામ એ છે કે એક રવિવારે નિરાંત હોય ત્યારે શાંતિથી એક ઓરડામાં બારણાં બંધ કરીને પંદર મિનીટ બેસી જાઓ અને તમારા બાળકના અંતરમાં પ્રવેશ કરવાનો, તેની માનસિકતા સમજવાનો પ્રયત્ન અને વિચાર કરો. એ સમયે બીજો કોઈ વિચાર કે બીજી વાત ન જોઈએ. અને તમને તેમાંથી બાળકની ઘોર માનસિક તાણ તરત સમજાશે.
મૂળ વાત એ થઈ છે કે આજે આપણા સમાજ પાસે સાચી સફળતા એટલે શું તે વિચારવા-સમજવાની પૈસા સિવાય કોઈ અન્ય દ્રષ્ટિ જ રહી નથી. બાળકને આપણે જીવન માટે તૈયાર કરવું છે કે કેવળ પૈસા કમાવાનું મશીન બનાવવું છે ? અહીં જે. આર. ડી. ટાટાની એક વાત યાદ કરવા જેવી છે. આપણો દેશ ‘સુપર પાવર’ બની જાય તેવી વાત જયારે થાય ત્યારે તેઓ કહેતા, ‘મારો ભારત દેશ સુખી બને એ મારે જોઈએ છીએ, સુપર પાવર બને તે નહી !’
અલબત્ત, અહીં સ્વાભાવિક પ્રશ્ન તમે એ જ કરશો કે આ બધામાં તે વળી ઉપાય શું અને આમાં તે સુધારો કેમ કરીને થાય ? આભ ફાટ્યું ત્યાં થીગડું કેમ દેવું ? પણ અહીં નિરાશાજનક અભિગમ અપનાવવાની જરૂર નથી. એકવાર વાસ્તવિક પરિસ્થિતિ સાચી રીતે સમજીને વિચાર કરવાનું શરૂ કરીએ એટલે પરિવર્તન અવશ્ય શરૂ થાય જ છે. એટલે સહુથી પહેલું કામ વિચાર કરવાની શરૂઆત કરવાનું છે.
વાચકોના પ્રતિભાવ