માઈકલ એન્જેલોના જીવનનો એક પ્રસંગ … એક બોધકથા
માઈકલ એન્જેલો મહાન શિલ્પી થઈ ગયા. તેમની કૃતિઓ આજે પણ વિશ્વભરમાં સુવિખ્યાત છે.
એકવાર તેઓ રસ્તામાંથી પસાર થતા હતા. ત્યાં દેવળની બહાર એક પથ્થરની શિલા તેમના જોવામાં આવી. તેમણે અંદર જઈને તપાસ કરી તો કહેવામાં આવ્યું કે, આ બેડોળ પથ્થર કોઈ જ કામનો નથી , જેને જોઈએ તે લઈ જઈ શકે છે.
માઈકલ એન્જેલોએ પથ્થર પોતાના ત્યાં પહોંચતો કર્યો. છીણી અને હથોડો લઈને તે રાત્રિ-દિવસ તેને કંડારવામાં તેઓ લાગી ગયા.
ઘણા માણસો ત્યાંથી પસાર થતા હતા તે કહેવા લાગ્યા કે, આ નકામો પથ્થર છે તમારી મહેનત પાણીમાં જશે. તમે આ શું કરી રહ્યા છો ? માઈકલ એન્જેલોએ કહ્યું કે, ‘હું આમાંથી નકામો વધારાનો ભાગ કાઢી નાખું છું.’
ધીમે-ધીમે તે પથ્થરમાંથી અદ્ભૂત કલાકૃતિ ઉપસી આવી. ઈસુ અને તેમની માતા મેરીનું આબેહુબ ચિત્ર ઉપસી આવ્યું. શિલ્પ તૈયાર થતાં સૌ મોંમાં આંગળાં નાખી ગયા.
જે આ કૃતિને જોવા આવતાં તેના મુખમાંથી શબ્દો સરી પડતા કે, ” અદ્ભુત…! અદ્ભુત…! એન્જેલો અદ્ભુત…!”
કોઈએ પૂછ્યું :” એક બેડોળ પથ્થરમાંથી આવી સુંદર શિલ્પકૃતિ શી રીતે તમે ઉપજાવી? ”
ત્યારે માઈકલ એન્જેલોએ કહ્યું કે :
“મેં આંમાં કશું નવું કર્યું જ નથી. સુંદર કૃતિ તો અંદર પથ્થરના પેટમાં પડી જ હતી. મેં તો મૂર્તિની આજુબાજુમાંથી વધારાનો જે ભાગ હતો તે જ માત્ર ઓછો કર્યો છે.વધારાનો મેદ કાઢી નાંખવાથી સુંદર કૃતિ બહાર પ્રગટ થઈ આવી !’
( સૌજન્ય- હિરેન રાવલ- ફેસબુક પરથી સાભાર )
આ કથાનો બોધ પાઠ…
દરેક મનુષ્યનું પણ આવા એક બેડોળ પથ્થર જેવું જ છે. આપણી અંદર પણ એક મહાન વ્યક્તિત્વ છુપાયેલું પડ્યું હોય જ છે .આપણે પણ આ બેડોળ પથ્થરમાં છુપાએલ મૂર્તિની જેમ મહાન બની શકીએ જેમ ઇતિહાસમાં ઘણા બધા લોકો મહાન બન્યા છે એમ.
ફરક માત્ર એટલો જ છે કે આપણે આપણી આજુ બાજુ લાગેલા દુર્ગુણોના વધારાના થરને દૂર કરવાનો પ્રયત્ન જ નથી કરતા! સારા આચાર અને વિચારોના ટાંકણાથી એ સૌ દુર્ગુણોનો વધારાનો પથ્થર જ્યારે તમે દુર કરશો ત્યારે જ તમારામાં છુપાએલ સુંદર વ્યક્તિત્વ રૂપી મૂર્તિ આપોઆપ માઈકલ એન્જેલોની સુંદર મૂર્તિની જેમ બહાર દેખાઈ આવશે.!!
====================
વાચકોના પ્રતિભાવ