વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: મારી નોધપોથીમાંથી -નવનીત

( 704 ) બે અછાંદસ ચિંતન કાવ્યો …( મારી નોધપોથીમાથી )

મારી નોધપોથીમાથી મારા વિચાર મંથનના પરિપાક રૂપ બે અછાંદસ કાવ્ય

રચનાઓ આજની પોસ્ટમાં પ્રસ્તુત છે .

આશા છે આપને એ ગમશે.—વિનોદ પટેલ 

 

 

Mirror

આત્મખોજ 

જ્યારે લોકો તમારી વાહ વાહ કરે

એક દિનના બાદશાહ બનાવી દે તમને  

તમારા વિના અંધારું છે એમ જ્યારે કહે

પ્રસંસાનાં ફૂલોથી તમને બધાં ઢાંકી દે 

તમે જ્યારે ફુલાઈને ફાળકા થઇ જાઓ 

એવા સમયે મનમાં સહેજ પણ શંકા જો જાગે

દોડીને ઉભા રહી જાઓ એક અરીસા સામે

એમાં સામે જે દેખાય છે એ છે તમારો મિત્ર

જેને તમે તમારા જન્મથી જ ઓળખો છો

બધી તમારી બારીક વાતોથી એ છે જ્ઞાત 

પૂછો એને ગળું ખોંખારી એ શું કહે છે ?

 દુનિયાને મુર્ખ બનાવી હશે તમે કદાચ 

પણ એ મિત્રને બનાવી નહિ શકો તમે મુર્ખ   

એ તમારો મિત્ર કદી જુઠ્ઠું નહી બોલે,

 કેમ કે,અરીસો કદી જુઠ્ઠું બોલ્યો છે ખરો ?

વિનોદ પટેલ 

 When I look back and ,,,,,,,,mirror

====================

 

જીવનની સફળતા 

જીવનમાં જે મળ્યું એનાથી જિંદગી જીવાઈ જાય છે 

જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે 

બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી  ના નાખીએ 

કદીક એક હાથ કોઈ દુખી તરફ પણ લંબાવીએ 

જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા 

જ્યારે જઈશું ત્યારે બધું જ પાછળ મુકી જવાના છીએ 

જ્યારે જીવો છો ત્યારે કંઇક એવું કરીને જ જાઓ 

લોકો યાદ કરે કે જનાર એક સાચો ઇન્સાન હતો . 

વિનોદ પટેલ

 

6 ETHICS OF LIFE-

આ પોસ્ટના સંદર્ભમાં અગાઉ પોસ્ટ કરવામાં આવેલી આ પોસ્ટ પણ જોશો.

( 641 ) ” હું કોણ છું ?” ……એક ચિંતન લેખ …… વિનોદ પટેલ

 

( 666 ) મારાં સ્વ-રચિત વિચાર મુક્તકો ……મારી નોધપોથીમાંથી …

માનવ મનમાં રોજે રોજ કેટ કેટલા વિચારો આવે છે અને પસાર થઇ જતા હોય

છે ! સ્નાન કરતાં સાબુની ગોટી હાથમાંથી સરકી જાય એમ સ્તો !

માનવ, મન અને મનન અન્યોન્ય જોડાયેલાં હોય છે .

દરેક સર્જનનું મૂળ વિચાર છે અને વિચાર મન-મગજની પેદાશ છે.

મારા વિચાર મંથનના નવનીત સમાં ,મન-મગજમાંથી એ જતાં રહે

એ પહેલાં મારી નોંધપોથીમાં ટપકાવી લીધેલાંમાંથી કેટલાંક મુક્તકો

આજની પોસ્ટમાં મુક્યાં છે .આશા છે આપને એ વાચવાં –વિચારવાં ગમશે.

વિનોદ પટેલ

 Mari nodh Pothi

માનવ ઉડીને આજે પહોંચ્યો, મંગળના ગ્રહમાં ,ઉંચે અવકાશમાં ,

ના ચઢ્યો ,ખબર પૂછવા ,દુખી પડોશીના ઘરનાં, બે પગથીયાં .

================

સ્ત્રીઓને બસ ચાહતા રહો, બહુ સમજવાની જરૂર નથી,

પુરુષોને બસ સમજતા રહો,આપો આપ ચાહવા લાગશો.

===================

દુખો સહન કરી કરી , એ સહન કરવાની આદત પડી છે,

સુખો મળે છે એમાં ય ,દુઃખોની દહેશત લાગવા માંડી છે !

=====================

આમ તો જગતમાં રોજ લાખો લોકો મૃત્યુથી મરતાં હોય છે,

ઘરે મૃત્યુ દસ્તક દે ત્યારે જ, મૃત્યુની વિકરાળતા દેખાય છે. 

===================

સુરજ રોજ ઉગે છે એક સરખો પૂર્વ દિશામાં બધે,

પરંતુ નઝારો સવારોનો કેવો જુદો જુદો દીસે બધે,

પશ્ચિમમાં પાણી દુકાળ હોય તો પૂર્વમાં હોય ઘોડાપુર,

પર્યાવરણની ખૂબીઓ જોઈને આ બધી, અજબો ગજબ,

વિચાર આવે,ઓ પ્રભુ,તારી લીલાઓ કેટલી અગમ છે !

=================

જિંદગીમાં ધાર્યો બદલાવ જો તમે ચાહતા હો તો,

સંજોગો પ્રત્યેનો તમારો અભિગમ બદલવો જ પડે.

=====================

સદા વહી રહેલા જીવન પ્રવાહની આ અજબ કમાલ  છે !

વૃધ્ધાવસ્થામાં ચહેરાનો નકશો કેટલો બદલાઈ જાય છે !

==================

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી

પણ જો જવાબ ટૂંકમાં આપું તો ,આ જિંદગી શું નથી !

=================

દુખ પછીનું સુખ, ખુશી લઈને આવે છે,

હાર પછીની જીત જ ગૌરવ અપાવે છે .

======================

મારી દિલી પ્રાર્થનાના પોકારથી પ્રભુ દુર નથી રહ્યો,

કર ગ્રહી, માર્ગદર્શક બની, એ જ મને સદા દોરી રહ્યો,

જીવન માર્ગ મારો ખાડા ટેકરાવાળો વિકટ ભલે રહ્યો ,

માર્ગના દરેક પગલે, મારી સાથે, પ્રભુ તું ચાલી રહ્યો.

===================.

પ્રભુ ,હું છું એક અદનો પામર મનુષ્ય ,

તું જ સંભાળી રહ્યો છે મારી આયુ દોર,

જેમ જીવાડે ત્યાં સુધી મારે જીવવું છે,

અને પછી તારામાં જ ભળી જવું છે.

===========

નથી મને કોઈ મહેચ્છાઓ સો વર્ષ જીવી જાઉં એવી,

થોડા વરસોની ભલેને હોય , જિંદગી હોય ખુશી ભરી.   

 

વિનોદ પટેલ

 

( 607 ) ” મીણબત્તી અને જીવન ” નું કાવ્ય …ચિંતન …… (મારી નોંધપોથીમાથી)

આજે સવારે આજની પોસ્ટનો વિચાર કરતાં કરતાં મારી નોધપોથીનાં પાનાં ફેરવી રહ્યો હતો ત્યારે તારીખ ૮મી સપ્ટેમ્બર ,૨૦૧૧ ના રોજ એમાં નોધેલું “ મીણબત્તી “ ઉપરનું કાવ્ય મારી નજરે પડ્યું.

મને બરાબર યાદ છે ઓગસ્ટ /સપ્ટેમ્બર ૨૦૧૧ માં બે મહિના મારી દીકરીને ત્યાં લોસ એન્જેલસ, એનેહેઈમમાં હતો. એ વખતે મારા જમાઈએ મારા લેપટોપમાં ગુજરાતીમાં કેમ લખાય એ શીખવ્યું હતું અને ગુગલ ગુજરાતીમાં લખવાની સીસ્ટમ કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી આપી હતી. ત્યારબાદ ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ ત્યાંથી જ મેં વિનોદ વિહાર બ્લોગની  શરૂઆત કરી હતી.

૮મી સપ્ટેમ્બર, ૨૦૧૧ ના રોજ સવારના ચા-નાસ્તો પતાવી બેક યાર્ડમાં  રાખેલા હીંચકા ઉપર વિચાર કરતો બેઠો હતો.પૂર્વ દિશામાં હમણાં જ બહાર આવેલા સૂર્યનાં બાળ કિરણો પીઠ પાછળથી શરીરને ગરમ કરતાં લોન અને ફૂલ ઝાડ ઉપર પથરાઈ રહેલાં એ જોઈ રહ્યો હતો.વાતાવરણમાં દિલને ખુશ કરી દે એવી આહલાદક ઠંડક હતી.

VRP- IN HINCHKA

 

દીકરી અને જમાઈ જોબ ઉપર જવા નીકળી ગયાં હતાં. બે દોહિત્રો  પણ એમની સ્કુલમાં જવા નીકળી ગયા હતા.વાતાવરણમાં સવારના કોલાહલ વિનાની શાંતિમાં એકલો હીંચકા ઉપર બેઠો  બેઠો વિચારોમાં ખોવાયો હતો . એ વિચાર વલોણામાંથી નીપજેલ માખણ એટલે જ આજની પોસ્ટમાં પ્રસ્તુત મીણબત્તી અને જીવન વિશેની કાવ્ય રચના.

એકલતામાં જ્યારે અંદરનો અને બહારનો કોલાહલ શાંત થઇ જાય ત્યારે એવા શાંત સરોવરના પાણી જેવા સ્થિર અને શાંત મનના  શૂન્યાવકાશમાંથી કોઈ   નવું સર્જન શક્ય બનતું હોય છે.  

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક વિચક્ષણ રાજ પુરુષ હોવા ઉપરાંત એક સારા કવિ ,લેખક અને ચિંતક પણ છે.એકાંતમાં સર્જકની લેખનની પળનું પ્રાગટ્ય કેવી રીતે થાય છે એ એમણે નીચેના શબ્દોમાં સુંદર રીતે રજુ કર્યું છે. પદ્યમય ગદ્યનો એક સરસ નમુનો !

“કલ્પનાના અશ્વ ઉપર શબ્દનો અસબાબ સર્જક માટે સવારીની ખુમારી લઈને આવે છે.મન મેદાનની મોકળાશ કૃતિને કાગળ પર થનગનતું રૂપ આપી જાય છે ત્યારે રચના આકાર લેતી હોય છે.ક્રિયેશન માટે તો શૂન્યાવકાશ જોઈએ.આખું ને આખું  આકાશ,રૂપ રંગ વગરનું આકાશ આપણી ભીતર સમાઈ ગયું હોય ,ઉઘાડી આંખ પણ બહાર નહીં ,અંદર હોય, શબ્દની શોધ નહિ ,અક્ષરોનો મેળાવડો નહિ,હૃદય રડતું હોય,તીવ્રતા સ્પર્શતી હોય -જેમ સાગરના મોજાની ખારાશ જીભને કે આંખને અડકે તો ચીસ પડાવી દે : પણ નજર હૈયાને સ્પર્શે તો ? ભવસાગર અંદર જ સમાઈ જાય ….. શબ્દોની નાવ હલેસાં વગર હિલોળા લેવા માંડે !!!”

-નરેન્દ્ર મોદી

મીણબત્તી અને જીવન…… (મારી નોંધપોથીમાથી) 

મીણબત્તી અને જીવન વિષે એ દિવસના એકાંતના વિચારોમાંથી  જે સર્જન થયું અને નોધપોથીમાં ટપકાવી લીધું એને અપડેટ કરી આજે નીચે પ્રસ્તુત કરુ છું.

મીણબત્તી અને મનુષ્યનું જીવન ઘણી રીતે મળતું આવે છે.

એક મીણબત્તીથી ત્રણ વસ્તુ કરી શકાય છે.

કેટલીક મીણબત્તીને આપણે એ પૂરી બળી રહે એ પહેલાં એને ફૂંક મારીને ઓલવી નાખીએ છીએ . કોઈ મીણબત્તીને આપણે પૂરી બળવા દઈએ છીએ અને કોઈ મીણબત્તી પૂરી બળી જાય અને ઓલવાઈ જાય એ પહેલાં એનાથી બીજી મીણબત્તી સળગાવીને એની જ્યોતના પ્રકાશને ચાલું રાખીએ છીએ.

આ પ્રમાણે આપણી જિંદગીની મીણબત્તીની જ્યોત ઓલવાઈ જાય એ પહેલાં એ જ્યોતથી બીજી અનેક મીણબત્તીઓમાં જ્યોત પ્રગટાવી પ્રકાશ ફેલાવતા રહેવામાં જ જિંદગીની સાર્થકતા રહેલી છે.

આ જગતમાં મારા વિના બધું અટકી પડશે એમ માનનારાઓથી  કબ્રસ્તાન ભરપુર છે.આ જગત ઉપર કોઈના વિના કશું ય અટકી પડ્યું નથી કે પડશે પણ નહિ.ગુલાબો ખીલતાં રહેવાનાં છે,ખરતાં રહેવાનાં છે,પરંતુ ,એક ગુલાબના ફૂલની સાર્થકતા એના સૌન્દર્ય અને એની મહેકમાં છે. ગુલાબ ખરી પડશે, ભુલાઈ જશે પણ એની મહેંક અને સૌન્દર્ય સાથેની એની ગુલાબતા શાશ્વત રહેવાની છે.

મીણબત્તીનું કાવ્ય

Candle

હું છું એક મીણબત્તી

મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી,

ઋજુતા ,સુંદરતા છે મારી એક પહેચાન,

બાળી જાતને પ્રસરાવું બધે મારો પ્રકાશ ,

ગર્વ થાય  જ્યારે આપું હું મારું બલિદાન.

પ્રભુ સંગાથે મારો છે નિવાસ ચર્ચમાં, 

મારી સેવાની જ્યોત બુઝાય એ પહેલાં,

સાથી મીણબત્તીમાં જલાવું હું મારી જ્યોત,

મનુષ્ય જીવન બનાવો મીણબત્તી સમાન,

જીવન મીણબત્તી બુઝાઈ જાય એ પહેલાં,

પ્રકાશિત રાખો, અન્યમાં સેવાની જ્યોત,

જાતને ઓગાળો, પ્રકાશ ફેલાવો મારી જેમ ,

એ છે મારો હું બુઝાઉં એ પહેલાંનો આ સંદેશ.

મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી

પ્રકાશ માટે બલીદાન, એ મારી પહેચાન.

વિનોદ પટેલ  

૮મી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ આ કાવ્યને એ દિવસની  પોસ્ટમાં મુકવાનું હતું પણ કોઈ કારણે એ નોટબુકમાં જ રહી ગયું હતું એને આજની પોસ્ટમાં મૂકી શક્યો એનો આનંદ છે.એ વાતને ત્રણ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો !

આભાર દર્શન

Namaste !

૧ લી સપ્ટેમબર, ૨૦૧૧ના રોજ જ્યારે વિનોદ વિહાર બ્લોગની  શુભ શરૂઆત કરી હતી એ વખતે મનમાં ડર હતો કે  બ્લોગ શરુ તો કર્યો છે પણ એને કેટલા માણસો વાંચવાના છે .

આજે ત્રણ વર્ષ અને બે મહિના વીત્યા બાદ વર્ડ પ્રેસના   વાચકો માટેના મીટરનું રીડીંગ બતાવે છે એ પ્રમાણે આજે  191700 + માનવંતા મુલાકાતીઓ વિનોદ વિહારમાં લટાર મારી   ચુક્યા છે અને 261 બ્લોગર અને અન્ય મિત્રો આ બ્લોગને નિયમિત ફોલો કરી રહ્યા છે .

વિનોદ વિહારમાં આજ સુધીમાં એકાંતના સર્જન જેવી  607 પોસ્ટ મુકીને વાચકોને રસ પડે એવા સંપાદિત તથા સ્વ-રચિત લેખો , કાવ્યો , વિડીયો વિગેરે મારફતે સૌને જીવન સ્પર્શી ,ચિંતન કરવા પ્રેરે સૌને ગમે એવી ઉપયોગી સાહિત્ય સામગ્રી પીરસવાનો બને એટલી ચીવટ અને જહેમતપૂર્વક પ્રયત્ન કર્યો છે.

મારે મન બ્લોગ અને બ્લોગીંગ શું છે એ અંગે અગાઉની પોસ્ટ નંબર(597)  માં મુકેલ અછાંદસ રચનામાં મારા વિચારો રજુ કર્યા છે . 

આજદિન સુધી જે મિત્રો/સ્નેહીજનોએ આ બ્લોગની મુલાકાત લઇ અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો છે એ તમામ સાહિત્ય રસિક મિત્રોનો સાનંદ અંત:કરણપૂર્વક આભાર માનું છું .

વિનોદ પટેલ

 

 

( 508 ) મારી કેટલીક અછાંદસ વિચાર કણિકાઓ ……. (મારી નોધપોથીમાંથી -નવનીત )

 

“મારી નોધપોથીમાંથી -નવનીત ” એ શ્રેણીમાં  મારા વિચાર વલોણાની નીપજ જેવી

મારી સ્વ-રચિત અછાંદસ  કાવ્ય રચનાઓ આ બ્લોગની અગાઉની પોસ્ટમાં આપે વાંચી હશે.

એના અનુસંધાનમાં આ શ્રેણીમાં એવી  જ બીજી કેટલીક સ્વ-રચિત અછાંદસ

કાવ્ય ક્ન્ડીકાઓ આજની પોસ્ટમાં રજુ કરી છે .

મારી નોધપોથીમાં આવી ઘણી સ્વ-રચિત વિચાર કણિકાઓ સંગ્રહિત છે એમાંથી

આવી રીતે અવારનવાર મુકાતી જશે.

આશા છે આપને એ ગમે .

આપનો પ્રતિભાવ જરૂર  જણાવશો.

વિનોદ પટેલ

————————————————————-

મારી નોધ્પોથીમાથી …….

For mari nodh pothimaathi

મન, વિચાર અને બુદ્ધિ 

મનુષ્યની તમામ ક્રિયાઓનું આરંભ બિંદુ વિચાર

વિચારનું આરંભ બિંદુ મન

વિચાર બુદ્ધિને ઢંઢોળીને સજાગ કરે અને કર્મ કરવા પ્રેરે

જેવું મન એવો વિચાર

જેવો વિચાર એવી બુદ્ધિ

જેવી બુદ્ધિ એવું કાર્ય

મન, વિચાર અને બુદ્ધિનો સુ સંયોગ એટલે

કાર્યમાં સફળતા એ જ એનું પરિણામ !

——————————–

જિંદગી કોઈ બોજ નથી

જિંદગી કોઈ બોજ નથી પણ એક મોજ છે એમ સમજી

એ મોજને કોઈ હિસાબે બોજમાં કદી પલટાવશો નહિ

જિંદગી એક અણમોલ આશીર્વાદ છે કોઈ શાપ નથી

શાપને પણ આશીર્વાદમાં પલટવાની તમે તાકાત રાખો છો

——————————————

એક મિત્રના ઈ-મેલમાં નીચેની અંગ્રેજી રચના વાંચવામાં આવી જે મને ગમી ગઈ . .

One night a father Overheard his son Pray :

Dear God ,

Make me the kind of Man my Daddy is.

Later that night , the Father prayed ,

Dear God ,

make me the Kind of man my son Wants me to be .

-Anonymous

——————————-

આ સરસ અંગ્રેજી રચનાનો ગુજરાતીમાં અનુવાદ મેં આમ કર્યો છે .

પ્રાર્થના- એક પુત્રની અને એના પિતાની

રાતની એક વેળાએ પિતાને કાને પડ્યા

નિજ પુત્રના આ શબ્દો પ્રાર્થનાના

ઓ વ્હાલા પ્રભુ

મારા પિતાના જેવો જ

હું પુત્ર બનું એવી મારા પર કૃપા કરજે .

એ પછી થોડા સમયે એ જ રાતના

પિતાએ જે પ્રાર્થના કરી એના શબ્દો હતા :

હે પ્રિય પ્રભુ,

મારો પુત્ર મને જેવો જોવા ઈચ્છે છે

એવો જ હું લાયક બનું ,એવી કૃપા જરૂર કરજે..

  અનુવાદ- વિનોદ પટેલ

————————————–

મારી  એક સ્વ-રચિત પ્રાર્થના

પ્રભુ મને એવી આંખો દેજે કે જે,

માણસોમાં પડેલ સર્વોત્તમ સત્વને જોઈ શકે .

પ્રભુ  મને એવું હૃદય દેજે કે જે ,

માણસોમાં પડેલ નીચ તત્વને માફ કરી શકે .

પ્રભુ મને એવું મન-મગજ દેજે કે જે,

લોકોમાં પડેલ ખરાબીને ભૂલી જાય .

પ્રભુ મને એવો આત્મા દેજે કે જે ,

તારામા મારો વિશ્વાસ ગુમાવે ના કદી

પછી કોઈ પણ આપત્તિની વચ્ચે હું કેમ ના હોઉં .

વિનોદ પટેલ

( 464 ) આગમન અને વિદાય …….એક ચિત્ર કાવ્ય …….. વિનોદ પટેલ( મારી નોધ પોથીમાથી )


નીચેનું ચિત્ર જોઈને મારા મનમાં જાગેલ વિચાર મન્થનોનું ફરજંદ એટલે મારી સ્વ -રચિત

નીચેની અછાંદસ કાવ્ય રચના …….

આશા છે આપને એ ગમે — વિનોદ પટેલ
———————————————–

Silent talks - Oldest with a youngest

Silent talks – Oldest with a youngest

આગમન અને વિદાય

હોસ્પિટલના એક જ બિછાના ઉપર સુતેલાં

એકબીજાની આંખોમાં આંખો પરોવી

ચાર પેઢીનું જેમની વચ્ચે અંતર છે

એવાં આ બે બાળકો –બાળકો જ સ્તો !

કેવું જોઈ રહ્યાં છે એકબીજાને એકી નજરે !!

કરચલીવાળા જીર્ણ હાથની ગોદમાં

પ્રેમથી લપેટાયેલું

ગુલાબના ગલગોટા જેવા ગાલ સાથે

નાજુક તાજી આશ્ચર્ય છલકાવતી બાળ આંખો

અને જીર્ણ ચશ્મામાંથી

પ્રેમ વરસાવતી જીર્ણ ઝાંખી આંખોનું

આ કેવું દિવ્ય રચાયું છે તારામૈત્રક !!

શુ જોતી હશે આ બોલતી આંખો

અને શુ વિચારતું હશે મનમાં

કુદરતનું આ અદભૂત જોડું !

જગતમાં જેનું આગમનન તાજું જ છે

એ બાળક કહેતું હશે મનમાં –

દાદા હમણાં જ હું આવ્યો છું આ જગમાં

તમને પુરો ઓળખતો પણ નથી હજુ

અને તમે તો હવે ચાલી નીકળવાના !

કેટકેટલી મારે વાતો કરવી છે

તમારા અનુભવોમાંથી કેટલું શીખવું છે મારે

થોડા વર્ષો તમે રોકાઈ ન શકો !

વૃદ્ધ દાદા કહેતા હશે

દીકરા મારા

એ મારા હાથની ક્યાં વાત છે

એક પેઢી જાય અને બીજી આવે એતો

આ જગતનો અફર નિયમ છે

તું પણ મારી જેમ

યુવાન થવાનો , વૃદ્ધ થવાનો અને

એક દિન હું જઈ રહ્યો છું એમ જવાનો.

બાળક પૂછતો હશે ,

દાદા એવું કેમ હશે

આ નિયમ ના બદલાય , બધાં એક સાથે

જઈ ના શકાય !

દાદા કહેતા હશે ,

ના બેટા , હજુ તું બહું નાનો છે , નીર્દોષ છે

તું જલ્દી મોટો થઇ જા ,

ઘણું બધું આપોઆપ શીખી જઈશ

અને એક દિવસ, ભગવાન દયાથી ,

તારી ચોથી પેઢી જોઈને ,

ખુબ સંતોષ અને ખુશીથી ,

આ જગની વિદાય લઇ લઈશ !

મારી જેમ જ !

વિનોદ પટેલ
————————————–

Silent talks - Oldest with a youngest

Silent talks – Oldest with a youngest

ચિત્ર હાઈકુ

 
જાઉં છું હવે
 
દોર સંભાળી લે જે

 સોપું છું તને
 
 
વિનોદ પટેલ

(439 ) ” જિંદગી ” વિષય ઉપરની મારી કેટલીક સ્વ-રચિત વિચાર ક્ન્ડીકાઓ — મારી નોધપોથીમાથી

  •  

મેં અગાઉ જણાવ્યું છે એમ મારા મનમાં આવતા વિચારોનાં વાદળ વિખરાઈ જાય -ભૂલાઈ જાય

એ પહેલાં નોધપોથીમાં ટપકાવી લેવાની મને ટેવ છે .

અવારનવાર વિનોદ વિહારના માધ્યમથી એમાંથી કેટલીક આવી વિચાર ક્ન્ડીકાઓ

આપને ” મારી નોધપોથીમાંથી ” એ શ્રેણીમાં જણાવતો રહું છું ,

મને ખબર નથી આપને એ ગમે છે કે નહિ પણ મને એ આપની સાથે શેર કરવી ગમે છે  .

તો આજની પોસ્ટમાં વાંચો “મારી નોધપોથીમાં ” કેદ થયેલી ” જિંદગી ”

વિષય ઉપરની કાવ્યમય સ્વરૂપમાં મારી કેટલીક વિચાર ક્ન્ડીકાઓ .

વિનોદ પટેલ

————————-

SONY DSC

કેવી બદલાઈ ગઈ છે જિંદગી !

રોજ બદલાતી રહેતી આ દુનિયામાં

કેટલું બધું બદલાઈ ગયું  છે આજે .

સોસીયલ મીડીયાના આ સાધનોએ,

હદ કરી નાખી , કહેવાની વાત નહિ .

માણસો થયા ગાંડા ફોન થઇ ગયા સ્માર્ટ .

કાગળો હાથે લખવાની એ મજા ,

ટપાલીની રાહ જોતા’તા એ ઇન્તજાર ,

ઈમેલ અને સ્કાઈપે બગાડી નાખ્યો છે !

રેડિયો બિચારો આજે ભૂલાઈ ગયો છે ,

અભરાઈએ ચડીને રડી રહ્યો છે ,

આઈ પોડમા આજે તો સંગીત કેદ થયું છે !

આપણે પણ કેવા જમાનાના કેદી થયા છીએ !

કેવી બદલાઈ ગઈ છે આપણી આ જિંદગી !

—————————————-

આંસું એક પ્રાર્થના

દુઃખમાં આવતાં આંસુઓ એ પ્રભુને કરેલી એક ઉત્તમ પ્રાર્થના છે

કેમ કે મુક વાણી અને આંસુઓ પ્રભુ પાસે જલ્દી પહોંચી જાય છે  

—————————————–

સ્વજનની છબી

જિંદગીની આ તો કેવી છે કરુણતા કે-

રોજ નજર સમક્ષ રહેતાં પ્રિય જનો, 

એક દિન આપણી વિદાય લે પછી,

છબીઓમાં મઢાઈ ભીંતે લટકાય છે !.

————————————————-

જિંદગી–સાપ સીડીની રમત

જિંદગીમાં સૌ સાપ સીડીની એક રમત રમી રહયા છીએ

માનીએ જ્યારે કે ચડીશું ત્યારે જ નીચે પટકાઈએ .છીએ

=========================

આ કાવ્યમાં આપણી જિંદગીને એક કિનારેથી બીજા કિનારે જવા માગતી એક

નાવ-નાવડી સાથે સરખાવવામાં આવી છે .

આપણી જિંદગીની નાવ જન્મના એક કિનારેથી લાંગર છોડીને સસાર સાગરમાં

નીકળી પડે છે અને એનું લાંગરવાનું અંતિમ સ્થાન સામો કિનારો એટલે કે મૃત્યું છે  .

આ બે કિનારાઓ વચ્ચે આ નાવડીને અનેક ઝંઝાવાતોનો સામનો કરવાનો આવે છે .

એ બધા વચ્ચેથી માર્ગ કરીને ધૈર્યથી હોડીને આગળ હંકારતા રહી અંતિમ કિનારે

જઈને હોડીને સુખરૂપ લાંગરવાનું આપની જિંદગીનું એક ધ્યેય છે .

જન્મ અને મૃત્યું એ બે અંતિમ કિનારા વચ્ચે આપણે જે જીવીએ છીએ

એનું જ નામ તો છે જિંદગી !

આ વિચારમાંથી નીચેના કાવ્યનો પ્રસવ થયો છે .  

—————————–

જિંદગીની નાવ

જિંદગીની આ નાજુક નાવડી મારી

એક કિનારેથી લંગર છોડી ઉપડી ચુકી છે

સંસાર સાગરમાં આગળ ધપી રહી છે

રાહના જટિલ તોફાનો -પડકારોને હંફાવતી

ભલેને હાલક ડોલક થતી હોય તો પણ

અડગ નિશ્ચય,શ્રધા અને પ્રભુની કૃપાએ 

આગળ ને આગળ બસ ધપી જ રહી છે

ખબર નથી કેમ ક્યારે અને કેવી રીતે

સામે અંતિમ કિનારે પહોંચીને એ લાંગરશે !

—————————–

છેલ્લે, એક હાઈકુ

પ્રભુના હસ્તાક્ષર

વીજ ચમકી,

આકાશમાં, પ્રભુએ

કર્યાં હસ્તાક્ષર !

વિનોદ પટેલ