વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: મારી નોધપોથીમાંથી -નવનીત

( 361) ભયને ભગાડો ….( વિચાર વલોણું ) -મારી નોંઘપોથીમાંથી ( ભાગ-૨)

આધ્યાત્મિક માર્ગના મારા સહયાત્રી અને જાની મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ તો એ પોસ્ટને એમના  બ્લોગ સૂર્ સાધનામાં માણસ એ સંજોગોનો ગુલામ છે એ નામે રી-બ્લોગ પણ કરી દીધી જે બદલ હું એમનો આભારી છું .

મારી પોસ્ટના પ્રતિભાવમાં એમણે લખ્યું “તમારી આ ટેવ ગમી ગઈ. બહુ જ પ્રેરક વિચારો.

હવે આવા મૌલિક ચિંતનો પીરસતા રહેજો.”

શ્રી સુરેશભાઈનું ઈ-પુસ્તક ” બની આઝાદ “  એમના અનુભવ સિદ્ધ ચિંતનના ખજાના રૂપ છે અને નેટ જગતને એમણે આપેલ અણમોલ ભેટ સમાન છે .એમાં રજુ કરેલા એમના પ્રેરક વિચારોની કક્ષાએ પહોંચવા માટે તો હું હજુ નવો નિશાળીઓ છું . પરંતુ ,દરેક મનુષ્ય માટે ધ્યેય એક હોય છતાં એને પ્રાપ્ત કરવાના રસ્તા જુદા હોઈ શકે છે .

આ પુસ્તકમાં એમનો આ વિચાર મને ખુબ ગમ્યો .

 જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
 તેને
 પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
 હાંસલ કરવા જેટલો વિકાસ
 તમે કરી શકો -તે
 તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

ખેર આજની પોસ્ટમાં મારી નોધ પોથીમાંથી ” ભયને ભગાડો ” એ વિષયમાં મારી વિચાર યાત્રા આગળ વધારી રહ્યો છું . આશા છે આ પોસ્ટ પણ સૌ મિત્રોને ગમશે .

વિનોદ પટેલ

————————————————————-

ભયને ભગાડો ….( વિચાર વલોણું ) -મારી નોંઘપોથીમાંથી

fear_false_evidence_appearing_realમાણસના ચિત્ત તંત્રમાં અવાર નવાર જાત જાતના ભય ઉત્તપન થતા રહે છે . ભય કે ડર માનવની પ્રકૃતિનો એક હિસ્સો છે, એક ખાસિયત છે . દુનિયાની કોઈ  જગ્યા ભયથી મુક્ત નથી .

ભય જાત જાતના હોય છે . કોઈ કાર્યમાં કે પ્રોજેક્ટમાં હું સફળ થઈશ કે નિષ્ફળ ,માણસો મને સ્વીકારશે કે કેમ , વિદ્યાર્થીઓ માટે પરીક્ષામા હું સારા માર્ક મેળવી પાસ થઇશ કે નહી વિગેરે અનેક પ્રકારના ભયથી મન પીડાતું હોય છે . આજના સમયમાં વિશ્વના દરેક દેશોમાં આતંકવાદના ભયને લીધે માણસો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે .એરપોર્ટ ઉપર માણસો  ભય  નિવારવા  માટે  કેવી અગવડ ભોગવી રહ્યાં છે !

 માણસનો મોટામાં મોટો ભય મૃત્યુનો ભય હોય છે .ઘણા માણસો વિમાનમાં નવા નવા મુસાફરી કરે ત્યારે વિમાનને અકસ્માત થશે તો શું થશે એ ચિંતામાં ભગવાનનું રટણ કરવા લાગી જતા નજરે જોયા છે .વિમાન નીચે જમીનને અડીને લેન્ડ થાય ત્યારે જ એમના જીવમાં જીવ આવે છે . માણસની જીજીવીશાનું આનાથી વિશેષ ઉદાહરણ ક્યાં જોવા મળે !

બાળકો જ્યારે નાના હોય છે  ત્યારે મૂળભૂત રીતે એમનામાં ભય હોતો નથી પરંતુ મોટેરાઓ ” જો તું આ નહી કરે કે કરીશ તો તને બાવો પકડી જશે “એમ કહીને એનામાં ભય અને ડરનું આરોપણ કરતાં હોય છે અને એના માનસને કલુષિત કરતાં હોય છે .આવો ડર બાળકોની સ્વભાવગત નિર્દોષતાને ખતમ કરી દે છે .

મોટા ભાગના ભય એ ભય નહીં પણ મનની ભ્રમણા હોય છે . જે માટે ભય હોય અને એના લીધે તમારી રાતની ઉંઘ હરામ થઇ ગઈ હોય એ બીજા દિવસે બન્યું જ ન હોય અને એના અંગે જે ભય રાખેલો એ ખોટો હતો , એક કાલ્પનિક ભય હતો ,એવુ જ્યારે ભાન થાય ત્યારે દિલને કેટલી રાહત થાય છે !  

તમને યાદ હશે કે ૨૦મી સદી જ્યારે પૂરી થતી હતી ત્યારે Y2K નો ભય ફેલાવવામાં આવેલો કે સ્ટોક માર્કેટ ક્રેસ થઇ જશે , વિમાનના અકસ્માતો થશે વિગેરે વિગેરે . આ ભયને લીધે ઘણાં માણસોએ બેન્કોમાંથી પૈસા ઉપાડી લીધેલા અને મિલકતો વેચવા માંડેલી . પરંતુ અંતે શું થયું ?આમાનું કશું ન બન્યું અને એ વર્ષ કોઇપણ જાતના વિપરીત બનાવ  વિના પુરું થયું અને નવું વર્ષ શરુ થયું !

માર્ક ટ્વેઇનએ સરસ કહ્યું છે કે મારા જીવનમાં મુશ્કેલીઓના ઢગ મેં જોએલા પરંતુ એમાંના મોટા ભાગની મુશ્કેલીઓ આવી જ નહિ ! અમેરિકાના  પ્રમુખ ફ્રેન્કલીન   ડી.  રુઝવેલ્ટે  1932 માં  ચૂંટાયા  પછીના એમના  પ્રથમ  પ્રવચનમાં  કહ્યું હતું કે :“Only Thing We Have to Fear Is Fear Itself” એટલે કે  જો કોઈ બાબતનો ભય રાખવો હોય તો ભયનો જ ભય રાખવો જોઈએ .

અંગ્રેજી શબ્દ FEAR અને FIRE એક બીજાને મળતા આવે છે . જો બન્ને નિરંકુશ બની જાય તો મનુષ્યને દઝાડતા હોય છે .

ભયની જોડકી બેનનું નામ ચિંતા છે . ઘણા મા-બાપો એમનો દીકરો કે દીકરી એસ.એસ.સી. ની પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ  થશે કે નહીં  એની ખોટી ચિંતામાં ઉજાગરા કરતાં હોય છે .જેને પરીક્ષા આપવાની છે એણે બરાબર તૈયારી કરી હોઈ એને મનમાં વિશ્વાસ હોય છે પરંતુ મા-બાપો જાણે કે એમને ચિંતા કરવાનો જન્મસિદ્ધ હક્ક હોય એમ ચિંતા કરતાં હોય છે .

કોઈએ ખરું કહ્યું છે કે ચિંતા એ ઉછીની નહીં લીધેલી  રકમ ઉપર ચુકવવામાં આવતું વ્યાજ છે . ચિંતાની ચકલી તમારા માથા ઉપર માળો બાંધે એ પહેલાં એને ઉડાડી દેવી જોઈએ .

ચિંતા કે ભયનું કોઈ પ્રગટ કારણ સામે હોય નહિ તો યે ચિંતા કરવાની ટેવ એ એક માનવ સહજ નબળાઈ છે .ડર કે ભય એ એક જાતનો મનનો રોગ છે અને એ સાચી વિચારશક્તિને ઉધઈની જેમ લૂણો લગાડે છે .માણસને મનથી પાંગળો બનાવી દે છે અને જીવન માટે પ્રગતિ માટે બાધક બને છે .

આપણા ધર્મ ગ્રંથોમાં આપણને અભયનો આગ્રહ કરવામાં આવ્યો છે .એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી કે ભય રાખવો એ ઈશ્વરમાં અને પોતાની જાતમાં અશ્રધા રાખવા બરાબર છે .

કથાકાર પુ. મોરારી બાપુએ સરસ કહ્યું છે કે ” આપણા મનનું ધાર્યું થાય તો એને હરીકૃપા સમજવી અને જો એ મુજબ ન થાય  તો હરિ ઈચ્છા સમજવી .”

તમને જેનો ડર કે ભય લાગતો હોય એ કરવું એમાં હિંમત છે . મનથી નબળા પોચા અને નાહિંમત માણસો પોતાની જાતે જ ભયની કલ્પના કરીને નાહક ડરતા હોય છે . ભયનો કોઈ ભય રાખ્યા વિના એનો સામનો કરવાથી જ નિર્ભય થવાય છે માટે જીવનમાં હંમેશાં નિર્ભય બનો , તમારામાંના ભયને ભગાડી દો .

આ કેવો સંજોગ બની ગયો ! આ પોસ્ટ લખવાનું પુરું કરીને ઈ-મેલ જોતો હતો એમાં ભય વિશેનો જ એક સુંદર વિડીયો  જોવામાં આવ્યો , જે આજના વિષયને બરાબર લાગુ પડે છે અને એની પૂર્તિ પણ કરે છે .

આ પ્રેરક વિડીયોને નીચે નિહાળો . આ પોસ્ટ અંગેનો આપનો પ્રતિભાવ આવકાર્ય છે .

Does Fear Paralyze You?

 

( 360 ) મારા વિચાર વલોણાનું નવનીત — મારી નોંધપોથીમાંથી

હું જ્યારે ઘરની ચાર દીવાલો વચ્ચે કે ઘર બહારના રમણીય વાતાવરણમાં એકલો બેઠો હોઉં ત્યારે ચોમાસાની ઋતુમાં આકાશમાં જેમ વાદળાના ઢગલા ચડી આવે છે એમ મારા મનના આકાશમાં વિચારોના ઢગ ચડી આવતા હોય છે  . 

આમાંથી કેટલાક વિચારો વાદળોની જેમ વિખરાઈ જાય એ પહેલાં મારી નોટ બુકમાં એને જલ્દી જલ્દી ટપકાવી લેતો હોઉં છું .

આજે એ નોટબુક લઈને એના પાનાં ફેરવતો હતો ત્યારે મને થયું કે આમાંથી કેટલાક વિચારોને થોડા મઠારી ,થોડું કાવ્ય કે મુક્તકનું સ્વરૂપ આપી વિનોદ વિહારના વાચકોને માટે પણ વિચારવા માટે વહેંચું તો કેવું !

આથી આ નોંધપોથીમાંથી પસંદ કરી મારા વિચારોનું કેટલુંક નવનીત આજની પોસ્ટમાં રજુ કરતાં આનંદ અનુભવું છું .વાચકોને જો આ પોસ્ટ ગમશે તો અવારનવાર એ નોંધપોથીમાંથી નવનીત પીરસતો રહીશ .

વિનોદ પટેલ

______________________________________

SONY DSC

૧. સ્વપ્નાં

સ્વપ્નાં જોવા માટે આપણે સૌએ ઊંઘવું પડે છે

સ્વપ્નાને સાકાર કરવા જાગવું ને ઝૂઝવું પડે છે .

૨. તડકો અને છાંયો

વિશાળ વડલાની છાયામાં છોડ વધી નથી શકતો

સુંદર ફૂલોને ખીલવા માટે સૂર્યનો તડકો જરૂરી છે .

જીવનનું પણ એવું જ કામકાજ છે

જીવનમાં જો આગળ વધવું હોય તો

સુખ અને આરામના છાંયડા કરતાં

દુખ અને મુશ્કેલીનો તડકો જરૂરી હોય છે .

૩. નદી અને મહાસાગર

સદા કાળ વહેતી રહેતી નદીને , દુર શું કે નજીક શું !

અંતિમ ધ્યેય એનું તો સમુદ્રે પહોંચી એમાં ભળી જવાનું !

સમુદ્રમાં ભળતા પહેલાં એના કિનારે હરીયાળો પાક ઉગાડી

લોકોને પોષણ અને આનંદ આપવાનો પણ આનંદ કેટલો !

નદીની જેમ મનુષ્ય જીવનમાં પણ સૌને માટે ,

મંઝીલ લાંબી હો યા ટૂંકી, એ કાપવી જ પડે છે

પગમાં જોર અને હૈયામાં હામ ધરી

કેમ ન ચાલવું અંતિમ ધ્યેય તરફ પ્રેમથી

આગળ વધતાં માર્ગમાં પ્રેમ અને આનંદ વહેંચતા

અંતે ભળી જવું પ્રભુના એ દિવ્ય મહાસાગરમાં !

૪. વતન

લોકો કહે ભારત એટલે ગરીબી, ગીર્દી , ગોટાળા અને ગંદકી

જન્મદાતા મા ગંદી ગોબરી ભલે હોય , અંતે તો એ મા છે !

૫. મુસાફરી અને સામાન

મુસાફરી અને સામાન એક બીજા સાથે જોડાએલાં હોય છે

જેટલો સામાન વધારે એટલી એને સાચવવાની ચિંતા વધારે

સામાનનાં પોટલાંની ચિંતામાં મુસાફરીનો આનંદ ઓછો થઇ જાય છે .

જીવનની આપણી આ મુસાફરીમાં પણ એવું જ છે .

માયાનાં પોટલાં જેટલાં વધારે એટલી મુસાફરી દુઃખદાયક

માયાનાં પોટલાં સાચવવાની ચિંતામાં જીવન મુસાફરી પૂરી થઇ જાય છે

આ પોટલાં એક પછી એક ફેંકતા જઈએ એટલી મુસાફરી સુખદાયક

તો જ હલકા ફુલ થઈને પ્રભુના દરબારમાં પહોંચી જવાય

પણ આ માયાનાં પોટલાં છોડવા માટે કેટલા જણ તૈયાર છે !

૬. સંજોગો

માણસ એ સંજોગોનો ગુલામ છે .

સંજોગો માણસને બનાવે છે કે બગાડે છે .

વિપરીત સંજોગો જ એનું ઘડતર કરે છે

સંજોગોથી હારી જાય એ જીવનની બાજી હારી જાય છે .

તમારા સંજોગો એ તમારી સાચી ઓળખ નથી

સંજોગોને માણસ પ્રયત્નોથી બદલી શકે છે

ઘટનાઓના આક્રરા ઘા શરીરે ભલે પડે

જીવન સંજોગો મનને ભલે પીડ્યા કરે

કોઈ પણ સંજોગ તમને હરાવી ન જાય

એવું મજબુત જીવન જીવવા પ્રયત્ન કરો .

(52)મારી સ્વ-રચિત અછાંદશ કાવ્ય રચના– ટર્મિનસ– વિનોદ પટેલ -મારી નોધ પોથીમાથી-નવનીત

હું હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો એ વખતથી જ મને ઉમાશંકર જોશી,સુન્દરમ ,સ્નેહરશ્મિ જેવા કવિઓનો

અને એમના કાવ્યોનો પરિચય ગમવા માંડેલો .એ બધાની અસર નીચે એ વખતથી જ કાવ્ય રચવા માટે

હાથ અજમાવેલો.મને કાવ્ય માટે કોઈ કલ્પના આવે કે તરત જ હું નોટબુકમાં ટપકાવી લેતો .પરિણામે આજ

સુધીમાં આવા ઘણાં કાવ્યો મારી નોટબુકમાં સંગ્રહિત થઈને પડેલા છે.

આજે આ નોટ બુક નજરે પડતા એમાંની એક અછાંદશ કાવ્ય રચના-ટર્મિનસ આજની પોસ્ટમાં મેં મૂકી છે.

મને આશા છે આપને એ ગમશે. આ રીતે અવાર નવાર આ નોટ બુકમાંથી કાવ્ય રચનાઓ વિનોદ વિહાર

બ્લોગમાં રજુ કરવામાં આવશે.

                                                                                                             વિનોદ આર. પટેલ

___________________________________________________________

 ટર્મિનસ

 

ધસમસતી રેલ ગાડીની બારીમાંથી

 

નજરે પડી રહ્યાં અવનવાં દ્રશ્યો,

 

લીલી વનરાજી,મકાનો અને માનવો,

 

સૌ સૌની ધૂનમાં જ વ્યસ્ત,

 

દોડી રહ્યાં રોજી રોટી કમાવાના ચક્કરમાં.

 

 

રેલ ડબાની અંદર જનસમૂહ વચ્ચે,

અવનવા વિચારોમાં ખોવાયો હતો ત્યાં,

 

બારીમાંથી આવતી ઠંડા પવનની અસરે,

 

ક્યારે ઝોકે ચડી ગયો,કંઇ જ ખબર ન પડી.

 

બાજુ બેઠેલ સાથીએ ઢંઢોળી કહ્યું :

 

“ ઉઠ, મિત્ર આપણું ટર્મિનસ આવી ગયું ! 

 

 

આપણી આ જિંદગીની ગાડીમાં ,

 

જીવન પ્રવાસને અંતે,

 

ટર્મિનસ આવતાં આપણે પણ ,

રંગ બેરંગી દ્રશ્યોની વણઝારમાંથી પસાર થઈને,

 

ગાડીમાંથી ઉતરી જ જવું પડે છે ,

 

આગલા પ્રવાસ માટે !

 

અને નવા પ્રવાસીને જગા આપવા માટે !

 

સ્ટેશને સ્ટેશને ,

 

પ્રવાસીઓ ગાડીમાં ચડતા જ રહેવાના,

 

પ્રવાસીઓ ઉતરતા જ રહેવાના,

 

સંસારની ગાડી તો બસ ચાલતી જ રહેવાની.

 

રચના –  વિનોદ આર. પટેલ

________________________________