વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: વિજ્ઞાન અને શોધ

( 382 ) આખરે ભારત બન્યું છે પોલિયો મુક્ત- દેશ માટે એક શુભ સમાચાર

polio-vaccine-1એક સમાચાર  વાંચીને ખુશી થઇ કે ભારતમાં છેલ્લા  બે વર્ષ દરમિયાન પોલીયોનો એક પણ કેસ નોંધાયો નથી.

પોલીયોની સતત દેખરેખ અને મોનીટરીંગ સંબંધીત રીપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે  કે ભારતમાં આ વર્ષે પણ પોલીયોનો એક પણ કેસ નોંધાશે નહીં અને ભારતને વર્ષ ૨૦૧૪માં પોલીયો મુક્‍ત પ્રમાણપત્ર મળશે .

દુનિયાભરનાં દેશોમાં વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન, રોટરી ઇન્‍ટરનેશનલ તેમજ સ્‍થાનીક સરકારો દ્વારા પોલીયો હટાવો ઝુંબેશ સતત થવાનાં કારણે હવે માત્ર  પાકિસ્‍તાન ઉપરાંત આફ્રિકી દેશો, અફધાનીસ્‍તાનના દેશોમાં જ પોલીયોનું નામ બચ્‍યુ છે.દુનિયાનાં તમામ દેશોમાંથી હવે પોલીયો નાબુદ થઇ રહ્યો છે  એ ખુબ જ સારી વાત છે .

ભારતમાં પોલીયો નાબુદ થયો છે. પરંતુ પાકિસ્‍તાનનાં રસ્‍તે આ બિમારી ધુસણખોરી કરે તેવી શક્‍યતાઓ અને જોખમ વધી રહ્યું છે. પોલીયો નાબુદીના  પ્રયાસોમાં લાગેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે પાકિસ્‍તાનનાં કટ્ટરપંથીઓએ પોલીયો નાબુદીનાં પ્રયાસોને નિષ્‍ફળ બનાવ્‍યા છે. આ સંજોગોમાં પાકિસ્‍તાનના રસ્‍તે પોલીયોનાં વિષાણુઓનો ભારત ઉપર ફરીથી હુમલો થઇ શકે એવી શક્યતા રહેલી છે.

પોલિયોનું અંગ્રેજીમાં આખું નામ Poliomyelitis છે . આ એક એવી જાતનો વાયરસ છે જે ખાસ કરીને ૫ વર્ષથી નીચેના બાળકોને એનો શિકાર બનાવતો હોય છે . આ કારણથી એને બાળ લકવો ( Infantile Paralysis ) પણ કહેવામાં આવે છે .જે બાળકો એમાંથી બચી જાય છે એને પોલિયો જીવનભર માટે વિકલાંગ બનાવી દે તેવી બિમારીઓમાંની  એ એક  છે.

પોલિયો-વિકિપીડિયા

https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B

મારા માટે આ સમાચારથી ખુશ થવાનું ખાસ કારણ એ છે કે બાળપણથી જ પોલીયોની બીમારીનો ભોગ બનેલા ભારતના લાખ્ખો બાળકોમાંનો હું પણ એક છું .

(સમાચાર  સૌજન્ય-  અકિલા )

ભારતમાં પોલિયો નાબુદીની ઝુંબેશ કેવી રીતે ચલાવવામાં આવી એની વિગતવાર માહિતી નીચેના વિડીયોમાં બતાવવામાં આવી છે એને નિહાળો .

India marks three polio free years ,challenges still remain

પોલિયો નાબુદીની ઝુંબેશમાં બોલીવુડના સૌના માનીતા સુપર સ્ટાર અમિતાભ બચ્ચનએ ખુબ જ રસ લઈને એમાં વિના મુલ્ય ખુબ જ અગત્યનો ફાળો આપ્યો છે.

પોલિયો અભિયાનના એમ્બેસેડર બનીને ટી.વી. ઉપર ” દો બુંદ જિંદગી કી ” ના પ્રોગ્રામમાં ગુસ્સે થઈને પણ લોકોને એમના બાળકોને પોલીયોની રસી  મુકાવવા માટે સમજાવતા હતા .

નીચેના વિડીયોમાં એમને આ ઝુંબેશ અંગે એમના વિચારો જણાવતા જોઈ શકાશે .

અમિતાભની સેવા ભાવનાને સલામ .

Amitabh Bachchan promotes new Polio Campaign

https://youtu.be/Ebj9jiDt3f

https://youtu.be/UIQcasLi8h8

https://youtu.be/xHf6joKdCHk

ભારતમાંથી પોલિયો નાબુદી માટે જવાબદાર બધી આંતર રાષ્ટ્રીય ,સરકારી , અર્ધ સરકારી અને રોટરી ક્લબ જેવી સંસ્થાઓ અને આ અભિયાનમાં  જોડાયેલા લાખ્ખો સેવાભાવી વ્યક્તિઓને અભિનંદન  .

___________________________

મારો પોલિયોનો અનુભવ

મારો જન્મ થયો હતો ૧૯૩૭માં બ્રહ્મદેશ- બર્મા ના રંગુન શહેરમાં . ૧૯૪૧-૪૨ ના બીજા વિશ્વ યુદ્ધમાં જાપાને બર્મા ઉપર પુષ્કળ બોમમારો  કર્યો .

આ બોમમારામાંથી બચવા માટે ત્યાં રહેતા ઘણા ગુજરાતીઓ જેટલું સાથે લઇ શકાય એટલું લઈને અને બાકીનું ત્યાં મુકીને  પોતપોતાના વતનના ગામમાં કોઈ પણ રીતે ભાગી આવ્યા હતા . મારા નાના ભગવાનદાસ (બાબુ )રંગુનમાં વર્ષોથી રહેતા હતા અને બર્માના ત્રણ મુખ્ય શહેરો  રંગુન ,બસીન અને મોંડલેની એમની પેઢીઓમાં વેપાર ધમધોકાર ચાલતો હતો . મારી માતા શાન્તાબેનનો જન્મ પણ રંગુનમાં થયેલો . આમ ત્યાંની સુખ સાયબી છોડીને મારું કુટુંબ ૧૯૪૧માં મારા વતનના ગામ ડાંગરવા આવી ગયું હતું . એ વખતે હું ફક્ત ચાર વર્ષનો બાળક હતો .

મને પોતાને તો યાદ નથી પણ મારા માતા-પિતાના કહેવા પ્રમાણે ડાંગરવા આવ્યાને થોડા મહિનામાં જ મને પુષ્કળ તાવ આવ્યો હતો .એ તાવમાં મને જ્યારે ઉભો કર્યો ત્યારે હું પડી ગયો . ઉભો રહી ન શક્યો . મારા ગામમાં તો એ વખતે ડોક્ટર હતા નહિ એટલે મારા પિતા મને ગાડીમાં પાનસર ગામના ડોક્ટરને ત્યાં લઇ ગયા . એમણે ઇન્જેક્શન આપીને તાવ તો ઉતારી દીધો પરંતું ડોક્ટરના કહેવા પ્રમાણે પોલીયોના વાયરસની અસર મારા જમણા હાથ અને ડાબા પગ ઉપર થઇ છે .

સ્વાભાવિક છે કે મારા માતા-પિતાને આનાથી ખુબ જ આંચકો લાગ્યો કે અચાનક મારા હસતા રમતા દીકરાને આ શું થઇ ગયું . દેશમાં જ્યારે ૧૯૪૧-૪૨ની આઝાદીની લડત ચાલતી હતી ત્યારે હું એક નાના ગામમાં આવીને જીવન અને મરણ વચ્ચેની લડત પછી મારા શરીરની આઝાદી ગુમાવી રહ્યો હતો !

એ સમયે ખુબ હોંશિયાર ગણાતા અંગ્રેજ ડોક્ટર કુકની સારવાર માટે મારા પિતા મને  આણંદના એમના દવાખાને નિયમિત બતાવવા લઇ જતા હતા.

ડોક્ટરની સારવાર અને માતા પીતાના પ્રેમ પૂર્વકની દેખભાળથી હું લંગડાતો પણ ચાલતો તો થયો.સામાન્ય રીતે પોલિયો એટલે કે બાળ લકવામાં એક બાજુનું અંગ ખોટું પડી જાય છે પરંતું મારા કેસમાં આ પોલીયોની અસર મારા જમણા હાથ અને ડાબા પગ ઉપર થઇ છે . આ બન્ને અંગ નબળા હોઈ એનો વિકાસ બાકીના અંગો જેવો પુરેપુરો થયો નથી . પરંતું કુદરતી રીતે ડાબા હાથમાં બે હાથ અને જમણા પગમાં જાણે બે પગની શક્તિ આવી ન હોય એવો અહેસાસ મને થાય છે .

 મારા માટે રોલ મોડેલ જેવી બહેરી મુંગી અને બધિર હેલન કેલરે કહ્યું  છે કે  ” ભગવાન જ્યારે એક દ્વાર બંધ કરે છે ત્યારે બે દ્વાર ખોલી આપે છે “.કુદરતે મારી શારિરિક ઉણપને મને બૌધિક શક્તિની ભેટ આપીને પૂરી કરી છે  . હું અભ્યાસમાં હંમેશાં આગળ રહેતો આવ્યો છું .કડીની સંસ્થામાં ગુરુજનોએ મારામાં રસ લઈને મારા વ્યક્તિત્વને વિકસાવવામાં અગત્યનો ફાળો આપ્યો હતો એને કેમ ભૂલાય !

શરૂઆતમાં પોલિયોએ મારામાં થોડો હીનતા ભાવ- Inferiority Complex જરૂર ઉભો કર્યો હતો ,મને અંતર્મુખી બનાવ્યો હતો ,પરંતુ ધીમે ધીમે વાંચન  , મનન અને પ્રભુ-પ્રીતિથી એ ઓછો થતો ગયો . મને સમજાઈ ગયું હતું કે શારીરિક રીતે શશક્ત વ્યક્તિઓની હરીફાઈમાં મારે ઉભા રહેવું હશે તો મારે ખુબ જ મહેનત કરીને મારામાં ખાસ પ્રકારની લાયકાત ઉભી કરવી જ પડશે  .આ શારિરીક ઉણપ હોવા છતાં હું બી.એ..બી.કોમ.એમ.કોમ., એલ.એલ.બી,. કમ્પની સેક્રેટરી સુધીનો અભ્યાસ  કર્યો , ૩૫ વર્ષની જોબમાં પ્રગતી કરતો કરતો મોટી કમ્પનીમાં સીનીયર એક્ઝીક્યુટીવ સુધીની પોસ્ટ સુધી પહોંચીને સૌનું માન અને પ્રેમ સંપાદન કરી શક્યો હતો. મારા  ત્રણ સંતાનોને અમેરિકા મોકલ્યાં અને અમદાવાદમાં 1992માં જીવન સાથીને ગુમાવ્યા પછી નિવૃત થઈને 1994માં કાયમી રીતે અમેરિકા આવી ગયો . આમ પોલિયો  મને કે મારા મનોબળને હરાવી શક્યો નથી એનો મને બહું જ સંતોષ અને આનંદ છે .

આના માટે મારા માતા -પિતા , કુટુંબીજનો ,ગુરુજનો, સહૃદયી મિત્રોનો પ્રેમ અને મને હર કદમ હાથ પકડીને દોરનાર દીન દયાળુ પરમાત્માની કૃપા માટે એમનો હૃદયથી આભારી છું. 

દુર્ભાગ્યની વાત એ છે કે ૧૯૪૨માં હું જ્યારે પોલીયોનો શિકાર બન્યો ત્યારે પોલીઓની રસી શોધાઈ ન હતી . પોલીયો  નાબુદી માટેની રસી છેક  ૧૯૫૫માં  શોધાઈ હતી.

અમેરિકન વૈજ્ઞાનિક ડૉ . જોનાસ સોકે આ રસી શોધીને વિશ્વમાં ” મિરેકલ વર્કર ” તરીકેનું બિરુદ મેળવ્યું હતું.

તારીખ ૧૫ મી ઓક્ટોબર,૨૦૧૨ ની વિનોદ વિહારની પોસ્ટ નંબર ૧૧૦માં પોલીયોની રસી અને એના શોધક ડૉ. શોકનો પરિચય કરાવવામાં આવ્યો હતો એને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

(110) પોલીઓ(બાળ લકવા)ની ચમત્કારિક રસીના શોધક

ડો.જોનાસ સોક -એક પરિચય

HELEN KELLER- QUOTE

______________________________

હાસ્યેન સમાપયેત- રમુજી ટુચકા- જોક્સ

HA..HA,..HAA...

 

શિક્ષક ક્લાસમાં એક બાળકને પૂછે છે, “તારા પપ્પા 5000

રૂપિયાની લોન લે છે,

જો 10%ના હિસાબે તેઓ એક વર્ષ પછી લોન પરત કરે છે,

તો બોલ કેટલા પૈસા પાછા મળશે?” 

બાળકઃ “એક પણ રૂપિયો નહીં”

શિક્ષકઃ “બેટા, તું હજું પણ ગણિત નથી જાણતો!”

બાળકઃ “મેડમ, હું તો ગણિત જાણું છું, પણ તમે મારા પપ્પાને નથી જાણતા.”

(સૌજન્ય- દિવ્ય ભાસ્કર )

 

 

 

 

 

(358 ) એમેઝોન કંપનીનો મિનિ-ડ્રોન વિમાનથી ત્વરિત કુરિયર સેવાનો પ્રોજેક્ટ

An Amazon “Prime Air” delivery drone prototype is shown in action in this photo from Amazon

An Amazon “Prime Air” delivery drone prototype is shown in action in this photo from Amazon

અમેરિકાની જાણીતી રીટેલ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેઝોસે એમના એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાણકારી આપતાં જણાવ્યું છે કે અમે ‘ઓક્ટોકોપ્ટર’ મિનિ-ડ્રોન મારફત ગ્રાહકોને માત્ર અડધા કલાકમાં નાના પેકેટ્સ એમના ઘેર પહોંચતા કરીશું.

આ પ્રોજેક્ટ એવો છે કે કોઈ ગ્રાહક  એમેઝોન ડોટ. કોમ વેબ સાઈટ પર ખરીદી કરે એટલે ઉપર ચિત્રમાં બતાવવામાં આવ્યું છે એવું એક ટચૂકડું રોબોટિક ડિવાઈસ એમેઝોનના ફૂલફિલ્મેન્ટ સેન્ટરમાંથી પીળા રંગનું એક નાનકડું બોક્સ ઉઠાવે છે અને આકાશમાં ઉડી માત્ર ૩૦ મિનિટમાં તે ગ્રાહકને તેના ઘરના આંગણે ડિલિવરી કરીને પાછું સેન્ટરમાં બીજા ઓર્ડર માટે આવી જાય છે .

આ રીતે આતંકવાદીઓને ખતમ કરવા માટે અમેરિકાનું લશ્કર જે માનવરહિત વિમાન ડ્રોન વાપરે છે તેનો ઉપયોગ હવે એમેઝોન કંપની કુરિયર સેવા માટે કરવા ધારે છે .

 હાલ આ કંપની તે માટેની અજમાયશ કરી રહી છે. જો તે સફળ થશે અને તેને સારો પ્રતિસાદ મળશે તો કંપની આ માનવરહિત ફ્લાઈંગ વેહિકલ્સનો ઉપયોગ અમેરિકામાં ૨૦૧૫ સુધીમાં શરૂ કરવા ધારે છે.

બેઝોસે કહેવું છે કે આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જોતા હોઈએ એવું લાગે. ઓક્ટોકોપ્ટર ૨.૩ કિ.ગ્રા. સુધીના વજનની ચીજને ઉંચકીને ડિલીવર કરી શકે છે.

એમેઝોન કપનીએ બહાર પાડેલ  દુનિયાભરમાં આજે ધૂમ મચાવી દેનાર ઓક્ટોકોપ્ટર રોબોટિક ડિવાઈસ વિશેનો ડેમો વીડિયો નીચે નિહાળો  .

આ વિડીયોમાં ટચૂકડું રોબોટિક  ડ્રોન વિમાન એમેઝોનના ફૂલફિલ્મેન્ટ સેન્ટરમાંથી પીળા રંગનું એક નાનકડું બોક્સ ઉઠાવીને આકાશમાં ઉડી માત્ર ૩૦ મિનિટમાં તે ગ્રાહકના ઘેર કેવી રીતે ડિલિવરી કરીને કુરિયર સેવા બજાવે છે એ જોઈને તાજુબ થઇ જશો .

આ વેબ સાઈટ ઉપર એમેઝોન કંપનીના સંભવિત આ ઉડન ખટોલા જેવા

ફ્લાઈંગ ડ્રોન વિમાન અંગે વધુ માહિતી મળી શકશે .

આ વેબ સાઈટના અંતે CBS NEWS- 60 Minutes પ્રોગ્રામનો એક

બીજો વિડીયો મુક્યો છે એ પણ જરૂર જોજો .