વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: વિડીયો

1176- સ્વ.કુસુમબેન વિ.પટેલની પુણ્યતિથીએ હાર્દિક શ્રધાંજલિ

સ્વ.કુસુમબેન વિનોદભાઈ પટેલ 

(જન્મ-ફેબ્રુઆરી ૧,૧૯૩૮ …….સ્વર્ગવાસ-એપ્રિલ ૧૪,૧૯૯૨)

આજે ૧૪ મી એપ્રિલ,૨૦૧૮ એ મારાં ધર્મ પત્ની સ્વ. કુસુમ વી. પટેલ ની ૨૬ મી પુણ્યતિથીનો દિવસ છે.એમની વિદાયને ૨૬ વર્ષ પસાર થઇ ગયાં એ મનાતું નથી.

આજના આ દિવસે નીચેની રચનાથી સ્વ. કુસુમને શ્રધાંજલિ આપું છું. 

કાવ્યાંજલિ 

જિંદગીની આ તો કેવી કરુણતા છે કે,

હર દિન નજર સમક્ષ રહેતું પ્રિય જન,

એક દિન છબીમાં મઢાઈ જાય છે !

વિદાય થાય પણ યાદો મૂકી જાય છે!

સમય કેવો ઝડપથી વહી ગયો છે,

છતાં સ્મરણો બધાં ક્યાં ભૂલાય છે!

ભલે સદેહે તમે આજ સમીપ હાજર નથી,

તમારા શબ્દો હવામાં હજી જાણે ગુંજતા.

***     ***      ***

પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના,

તસ્વીરો જોઈ તમારી,તાજાં થતાં અમને સૌ સંસ્મરણો.

શબ્દો ખરે ઓછા પડે ગણવા ઉપકારો એ બધા આપના,

છવીસમી પુણ્યતિથીએ,અર્પું શ્રધાંજલિ,આ ચંદ શબ્દો થકી.

વિનોદ પટેલ, તારીખ ૪-૧૪-૨૦૧૮ 

The song is ended, but the melody lingers “
– Irving Berlin

 

યાદ આવી ગઈ અમદાવાદી શાયર સ્વ.આદિલ સાહેબની આ ભાવસભર રચના 

દિલમાં  કોઇની યાદનાં પગલાં રહી ગયાં ,

ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.

કહેવાનું હતું ઘણું છતાં કહી શકયાં નહી,
ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા,

‘ચલ’ એમ કહી ને ચાલી ગયા તમે,
ઠંડા હ્રદયમાં ગુંજતા કોઇ પડઘા રહી ગયા,

વરસ્યા વિના વહી ગયી માથા પરથી વાદળી,
આ દિલ દુઃખી થયુ ને અમે જોતા રહી ગયા.

સ્વ.આદિલ મનસુરી 

“કુસુમાંજલિ”-ઈ-બુક 

૧૪ મી એપ્રિલ,૨૦૧૫ ના રોજ, કુસુમબેનની ૨૩મી પુણ્યતિથીના દિવસે એમના પુણ્ય સ્મરણાર્થે પ્રતિલિપિના સહકારથી “કુસુમાંજલિ” એ નામે એક ઈ-બુક” ને ગુજરાતી સાહિત્ય રસિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

આ ઈ-પુસ્તકમાં સ્વ. કુસુમબેનની સચિત્ર જીવન ઝરમર જેમાં અમારા ૩૦ વર્ષના દામ્પત્ય જીવનના પ્રસંગો,મારા ચૂંટેલા ચિંતન લેખો, વાર્તાઓ, કાવ્યો વિગેરે વિવિધ સાહિત્યથી સદગત આત્માને શ્રધાંજલિ આપવામાં આવી હતી.

નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી આ ઈ-પુસ્તક વાંચી શકશો.

kusumaanjali- big-2

‘કુસુમાંજલિ” માં ભજનાવલિ

આ ઈ-બુકને અંતે સ્વ.કુસુમબેનને પસંદ હતાં એવાં લગભગ ૪૦ ચૂંટેલાં ભજનો,આરતીઓ તથા અન્ય આધ્યાત્મિક પ્રસાદીને સમાવીને એક મીની ઈ-બુક જેવી ભજનાવલિ પણ આ ઈ-બુકમાં સામેલ કરેલી છે એ પણ જરૂર જોશો.

પ્રાર્થના પોથી

ને ગમતા પ્રાર્થના-ભજનોના બે યુ-ટ્યુબ વિડીયો….
Prarthana Pothi : પ્રાર્થના પોથી : Gujarati Prarthana- (Part 1)

Prarthana Pothi : પ્રાર્થના પોથી : Gujarati Prarthana-(Part 2)

જે જીવ આવ્યો છે આપ પાસે,ચરણમાં અપનાવજો,
પરમાત્મા,એ દિવ્ય આત્માને શાંતિ સાચી આપજો.

વિનોદ પટેલ, સાન ડિયાગો,

એપ્રિલ ૧૪,૨૦૧૮

1168 – નટવર ગાંધી,  Natwar Gandhi/ ” એક અજાણ્યા ગાંધીની આત્મકથા”

મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના ખુબ વાંચતા બ્લોગ ”ગુજરાતી પ્રતિભા પરિચય” માં શ્રી નટવર ગાંધી વિષે ખુબ માહિતી સાથે સુંદર પરિચય કરાવ્યો છે.આજની પોસ્ટમાં વિ.વિ.ના વાચકો માટે એને સાભાર અત્રે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.

” એક અજાણ્યા ગાંધીની આત્મકથા”

શ્રી નટવરભાઈ ગાંધીના જીવનની વાતો ખરેખર પ્રેરક છે.ભારતમાં શરૂઆતના જીવનમાં ઘણી મુશ્કેલીઓને વટાવી ખુબ પુરુષાર્થ કરીને તેઓ અમેરિકા આવ્યા.અહી આવી તેઓ કેવી રીતે પ્રગતી સાધીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી વિખ્યાત બન્યા એની વાતો ખુબ રસીક અને પ્રેરક વાચન પૂરું પાડશે એવી મને આશા છે.

આ ખુબ જાણીતા પણ ” અજાણ્યા ગાંધી ”શ્રી નટવર ગાંધીને અભિનંદન સાથે વંદન.

વિનોદ પટેલ

ગુજરાતી પ્રતિભા પરિચય

ng11‘નાણાંકીય બાબતોના જાદૂગર કવિ’

 • તમારે હર્મ્યે ના હતી કશી કમી કલ્પતરુની,
  હતાં માતાપિતા, સુખવતી હતી પત્ની પ્રમદા,
  હતાં દૈવે દીધા દયિત સુત, ઐશ્વર્ય જગનું,
  અકસ્માતે જોયાં દુઃખ જગતનાં, વૃદ્ધ વયનાં.
  પીડા, વ્યાધી જોયાં, શબ વિરૂપ, ભિખારી ભમતાં,
  લલાટે આવું જે જીવન લખ્યું તે કેમ જીવવું ?
  ત્યજી પત્ની સૂતી, વિત્ત ત્યજી ચાલી નીકળ્યા,
  તપશ્ચર્યા વેઠી, કરુણ નયને બુદ્ધ પ્રગટ્યા !
 • ચડાવી સૂટ, બૂટ ટાઈ ફરતા ઘણા તોરથી,
  ગીચોગીચ વસે અસંખ્ય જન બાપડા ચાલીમાં,
  વસે ઝૂંપડપટ્ટી, કૈંક ફૂટપાથ લાંબા થતા,
  લગાવી લિપસ્ટિક કૈંક ગણિકા ફરે, નોતરે,
  અહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી ઊડ્યો આભ હું,
  મહાનગર આ, ભણ્યો જીવનના પાઠ હું.
 • ‘ઓપિનિયન’ પર તેમની આત્મકથા વિશે
 • પરિચય લેખો
  –     ૧     – –     ૨    –

——————————————————-

જન્મ

 • ૪, ઓક્ટોબર – ૧૯૪૦; સાવરકુંડલા, જિ. અમરેલી

કુટુમ્બ

 • માતા– શાંતા બહેન; પિતા – મોહનલાલ
 • પત્ની – ૧) સ્વ. નલીની ૨) પન્ના નાયક ;  પુત્ર  – અપૂર્વ ; દીકરી – સોનલ

શિક્ષણ

 • પ્રાથમિક…

View original post 292 more words

1164- ”બ્લેક હોલ્સ” અને ” બિગ બેંગ થીયરી ” થી ખગોળ વિજ્ઞાનમાં ખ્યાત નામ દિવ્યાંગ વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું અવસાન

“A star just went out in the cosmos”

“My goal is simple. It is a complete understanding of the universe, why it is as it is, and why it exists at all.”– Stephen Hawking

 

જગતને બ્રહ્માંડનું રહસ્ય બતાવનાર બ્રિટનના ખ્યાતનામ ભૌતિક વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે તારીખ ૧૪ મી માર્ચ ૨૦૧૮ ની વહેલી સવારે  અવસાન થયું છે.

સ્ટીફનનું નિધન બ્રિટનના કેમ્બ્રિજ ખાતેના એમના નિવાસસ્થાને થયું છે.સ્ટીફન હોકિંગના પુત્રો લુસી, રોબર્ટ અને ટિમે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે, કે અમને બેહદ દુઃખ છે, કે અમારા પ્યારા પિતાજી આજે અમને છોડીને જતા રહ્યા છે.

1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરીને તેમની થીયરીને નવો મોડ આપનાર સ્ટીફન હોકિંગ ખગોળ સાયન્સની દુનિયામાં ખૂબ મોટું નામ હતું. 

સ્ટીફન હોકિંગનો જન્મ 8 જાન્યુઆરી, 1942ના રોજ ઈંગ્લેન્ડના ઓક્સફર્ડમાં સેકન્ડ વર્લ્ડ વૉરના સમયે થયો હતો.

એ કેવો સંજોગ કહેવાય કે વૈજ્ઞાનિક ગૈલીલિયોના મૃત્યુની  બરાબર 300મી એનીવર્સરીની તારીખે જ હોકિંગનો જન્મ થયો હતો. 

1988માં તેઓ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા હતા, જ્યારે તેમનું પહેલું બેસ્ટ સેલર પુસ્તક ‘એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમઃ ફ્રોમ ધી બિગ બૈંગ ટુ બ્લેક હોલ્સ’ માર્કેટમાં આવ્યું હતું. 

તે પછી કોસ્મોલોજી પર તેમનું પુસ્તક બહાર પડ્યું હતું. તેની એક  કરોડથી વધુ પ્રત વેચાઈ ગઈ હતી. આ પુસ્તક દુનિયાભરમાં વિજ્ઞાન સાથે જોડાયેલ સૌથી વધુ વેચાયેલું પુસ્તક બની રહ્યું હતું.

1963માં સ્ટીફન હોકિંગ ફકત 21 વર્ષના હતા, ત્યારે તેમને Amyotrophic Lateral Sclerosis (ALS) નામનો રોગ થયો હતો. તેને કારણે તેમના મોટાભાગના શરીરના અંગો કામ કરતાં બંધ થઈ ગયા હતા. આ બિમારીથી પીડિત લોકો સામાન્ય રીતે 2 કે 5 વર્ષ જીવિત રહી શકે છે, પણ સ્ટીફન દશકો સુધી જીવ્યા અને ૭૬ વર્ષની ઉંમરે અવસાન પામ્યા . 

સ્ટીફન હોકિંગ ફક્ત આધુનિક ટેનોલોજીથી સજ્જ વ્હીલચેર દ્વારા મૂવ કરી શકતા હતા . આવી જીવલેણ બિમારી સાથે ખૂબ લાંબા સમય સુધી જીવિત રહેનાર સ્ટીફન હોકિંગ પહેલા વ્યક્તિ બની ગયા છે.

 2014માં સ્ટીફન હોકિંગની પ્રેરક જિંદગી પર આધારિત ફિલ્મ ‘ધ થીયરી ઓફ એવરીથિંગ’ રીલીઝ થઈ હતી.આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો હતો. 

પ્રોફેસર સ્ટીફન હોકિંગે 1965માં ‘પ્રોપર્ટીઝ ઓફ એક્સપેંડિગ યૂનિવર્સિંઝ’ વિષય પર પોતાની પીએચડી પુરી કરી હતી. 

ખૂબ રસપ્રદ વાત એ છે કે સ્ટીફન ગણિતનો અભ્યાસ કરવા માગતા હતાં, પણ તેમના પિતાએ તેમને મેડિકલમાં જવાની સલાહ આપી હતી. 

યુનિવર્સિટીઝ કોલેજમાં ગણિત ઉપલબ્ધ નહોતું. જેથી તેમણે ફિઝીક્સને પંસદ કર્યું હતું, અને ત્રણ વર્ષ પછી તેમણે નેચરલ સાયન્સમાં ફર્સ્ટ કલાસ ઓનર્સ ડિગ્રી મળી. 

સ્ટીફન હોકિંગ ભલે શરીરથી નિર્બળ હતા પરંતુ એમનું મનોબળ ખુબ જ ઊંચા પ્રકારનું હતું. એમની સેન્સ ઓફ હ્યુમરથી પણ તેઓ જાણીતા હતા. 

તેમની સફળતા અંગે વાત કરતાં તેમણે એક વખત કહ્યું હતું કે તેમની બીમારીએ તેમને વૈજ્ઞાનિક બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. બિમારી આવી તે પહેલાં તેઓ તેમના ભણતર પર કોઈ ધ્યાન આપતા ન હતાં. બીમારી દરમિયાન તેમને લાગ્યું કે તેઓ લાંબા સમય સુધી જીવિત રહેશે નહીં, ત્યારે તેમણે પોતાનું ધ્યાન રીસર્ચ પર લગાવી દીધું હતું, હોકિંગે બ્લેક હોલ્સ પર રીસર્ચ કર્યું હતું. 

તેમણે એક વખત કહ્યું હતું કે…

“પાછલા 49 વર્ષમાં હું મરણ પામવાનું અનુમાન લગાવી રહ્યો છું, હું મોતથી ડરતો નથી. મને મરવાની કોઈ જલદી નથી. હજી તો મારે ખૂબ કામ કરવાના બાકી છે.” 

પોતાના બાળકોને ટિપ્સ આપતાં સ્ટીફને કહ્યું હતું કેઃ 

પહેલી વાત તો એ છે કે હમેશા આકાશમાં સિતારોની તરફ જુઓ, ના કે પોતાના પગ તરફ. 

બીજી વાત એ કે કયારેય કામ કરવાનું ન છોડશો. કોઈપણ કામ પોતાને જીવવા માટેનો એક મકસદ હોય છે. વગર કામની જિંદગી ખાલી લાગતી હોય છે. 

ત્રીજી વાત એ છે કે જો આપ નસીબદાર થયા અને જિંદગીમાં તમને તમારો પ્યાર મળી જાય તો તેને કયારેય તમારી જિંદગીથી દૂર ન કરશો.

(સમાચાર સૌજન્ય-ચિત્રલેખા.કોમ ) 

STEPHEN HAWKING LIFE STORY IN (HINDI)|

MOTIVATIONAL AND INSPIRATIONAL STORY

A look at Stephen Hawking’s life – Daily Mail

 

 વિકિપીડિયા પર અંગ્રેજીમાંStephen Hawking ના જીવન અને કાર્યની વિગતે માહિતી અહીં ક્લિક કરીને વાંચો.

CNN ની વેબ સાઈટ પર અંગ્રેજીમાં એક સરસ લેખ-  ઘણા વિડીયો સાથે  

સ્ટીફન હોકિન્સના જીવન અને કથન પર પ્રકાશ પાડતા કેટલાક વિડીયો

આ વિડીયોમાં સ્ટીફન ના વૈજ્ઞાનિક તરીકેના કાર્યોનો ખ્યાલ આપ્યો છે.

સ્ટીફન હોકિંગની પ્રેરક જિંદગી પર આધારિત ફિલ્મ ‘ધ થીયરી ઓફ એવરીથિંગ’ જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

The Theory of Everything – Official Trailer (Universal Pictures) HD

 

યુ-ટ્યુબની  આ લીંક Stephen Hawking પર પુષ્કળ વિડીયો જોવા/સાંભળવા મળશે.

 

1162 – દિવ્યાંગોના હક્કો માટે લડી રહેલ એક દિવ્યાંગ મહિલા ડો.માલવિકા ઐયર

             ડો. માલવિકા ઐયર

‘The only Disability in life is a bad attitude ” 

Malvika Iyer

તારીખ ૮ મી માર્ચ ૨૦૧૮ ની આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની પોસ્ટ ના અનુસંધાનમાં આજની આ પોસ્ટમાં એક એવી યુવાન મહિલાનો પરિચય કરાવ્યો છે કે જેણે બાળપણમાં થયેલ એક અકસ્માતમાં બે હાથ ગુમાવ્યા હતા.આમ છતાં એના મનોબળની મદદથી એ સુપરવુમન તરીકે પાંખાઈ.આ જીંદાદિલ યુવતીનું નામ છે ડો.માલવિકા ઐયર.

લોકોને પ્રેરણા આપનારી માલવિકા અંગે બહુ થોડા લોકો જાણકારી ધરાવે છે કે તે એક એવા આધાતમાંથી ઉગરી છે કે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. પરંતુ માલવિકાએ આ દૂર્ધટનાને તેના મન પર હાવી થવા દીધી નથી.

ડો.માલવિકા ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર, દીવ્યાંગોના હક્ક માટે લડનારી એક્ટીવીસ્ટ અને સોશ્યલ વર્કમાં પીએચડીની સાથે એક ફેશન મોડલ તરીકે પણ જાણીતી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિએ  માલવિકા ઐયરને “ નારી શક્તિ પુરસ્કાર “ આપીને  સન્માનિત કરી હતી જે એ પ્રસંગના નીચેના વિડીયોમાં જોઈ શકાય છે !

President Ramnath Kovindh presented the Nari Shakti Puraskar to Dr Malvika Iyer rights activist

 મિત્ર શ્રી પ્રવીણ પટેલે મારા ફેસબુક પેજ ”મોતી ચારો ‘ માં માલવિકા ઐયર વિષે જે વિશેષ માહિતી આપી  છે એ નીચે સાભાર પ્રસ્તુત છે.

માલવિકા ઐયર તામિલનાડુમાં જન્મી હતી પણ તેનો પરિવાર રાજસ્થાન,બિકાનેરમાં રહેતો હતો.

મે ૨૦૦૨ ના વરસે એક ડાયનામાઈટ ફાટવાના કારણે માલવિકાએ તેના બન્ને હાથના કાંડા ગુમાવ્યા હતા તેમજ તેના પગ પર ગંભીર ઈજાઓ થઈ હોવાથી તે વાંકાચુકા થઈ ગયા હતા !૧૮ મહિના હોસ્પિટલની સારવાર મેળવી ખભા ઘોડીના સહારે ચાલતી થઈ હતી !

લહિયાની મદદથી માલવિકાએ જ્યારે એસએસસીની પરીક્ષા આપી અને બોર્ડમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો ત્યારે રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામે માલવિકાને રાષ્ટ્રપતિ ભવન પર નિમંત્રણ આપી એનું સન્માન આપ્યું હતું !

ત્યારપછી માલવિકાએ દિલ્હીની સ્ટેફન કોલેજમાંથી સામાજિક કાર્યોના વિષય પર માસ્ટરની ડીગ્રી મેળવી હતી !પછી ૨૦૧૨માં મદ્રાસની કોલેજમાંથી સામાજીક કાર્યો પર થિસીસ લખી પીએચડી મેળવી હતી !આ થિસિસ માટે માલવિકાને સર્વ શ્રેષ્ઠ થિસીસ માટે આપવામાં આવતો રોલિંગ કપ એવોર્ડ પણ મળ્યો હતો !

માલવિકાએ વિશ્વભરની સ્કુલો,કોલેજો,યુનિવર્સિટીઓ વિગેરે જગાઓ પર મોટીવેશનલ લેકચર આપ્યા છે !ડો.માલવિકા  દિવ્યાંગ લોકો માટે સામાજીક કાર્યો  કરતી રહે છે !

ગત વરસે united નેશન્સએ ડો.માલવિકાને વ્યક્તવ્ય આપવાનું નિમંત્રણ આપ્યું હતું !તેમજ વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં પણ વ્યક્તવ્ય આપ્યું હતું !

બાળપણમાં હાથના કાંડા ગુમાવી,પગમાં ખોડ વેઠી માલવિકાએ નિરાશ થવાના બદલે ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરી ડોકરેટની ડિગ્રી મેળવી,સતત કામ કરતા રહીને જે નારી શક્તિ દર્શાવી છે તે દેશની તમામ મહિલા તેમજ દિવ્યાંગો માટે પ્રેરણારુપ છે !

દરેકને પ્રશ્ન થાય કે માલવિકાએ તેની થિસીસ કે વ્યક્તવ્ય કેવી રીતે લખતી હશે તે સૌ માટે માલવિકા આ જવાબ આપે છે !

”To everyone who’s been curious as to how I type, do you see that bone protruding from my right hand?

That’s my one and only extraordinary finger. I even typed my Ph.D. thesis with it 🙂

ડો. માલવિકા ઐયરને શાબાશી તેમજ ધન્યવાદ પાઠવવા જ જોઈએ !

નીચેના  વિડીયોમાં ડો. માલવિકા ઐયર TEDx ની એક સભામાં એના જીવનની પ્રેરક વાતો કહેતી જોઈ /સાંભળી શકાશે.

”The only Disability in life is a bad attitude ”  | Malvika Iyer | TEDxIIMKozhikode

આ વિડીયોમાં ડો. માલવિકા ઐયરના જીવનની સફળતા ની કથા અંગ્રેજીમાં આલેખવામાં આવી છે એ એના ચિત્રો સાથે વાંચી શકાશે .

Motivational Success Story of Double Amputee Malvika Iyer – What’s Your Excuse ?

1160- ‘દુલારું દામ્પત્ય’ ….. નીતા, મારે માટે સીતા ….. –  ડો. જગદીશ ત્રીવેદી

જાણીતા બ્લોગ ‘’ સન્ડે-ઈ-મહેફીલ ‘’ ના સંપાદક સુરત નિવાસી મારા સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી ઉત્તમ ગજ્જરએ ડો.જગદીશ ત્રિવેદી લિખિત લેખ ‘’ નીતા, મારે માટે સીતા ‘’ એમના ઈ-મેલમાં મોકલ્યો છે એને એમના અને લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.

રાજકોટના ડૉ. ભદ્રાયુ વછરાજાની સમ્પાદીત અને વનરાજ પટેલના મીડીયા પબ્લીકેશનમારફત પ્રકાશીત ગ્રંથ દુલારું દામ્પત્યમાં સાહીત્યજગતની જાણીતી હસ્તીઓએ પોતાના દામ્પત્ય વીશે દીલ ખોલીને વાતો માંડી છે.

આ પુસ્તકમાં ડો. જગદીશ ત્રીવેદીએ કશો છોછ કે સંકોચ રાખ્યા વીના એમનાં પત્ની નીતાબેન વિષે એમની આગવી હાસ્ય મિશ્રિત શૈલીમાં એમના લેખ ‘’નીતા, મારે માટે સીતા માં એમના દામ્પત્ય જીવનની વાતો નિખાલસતાથી સ્પષ્ટ રીતે કરી છે જે વાચકને ગમે એવી રસિક હોવા ઉપરાંત પ્રેરક પણ છે.

એવું કહેવાય છે કે દરેક પુરુષની સિધ્ધિ અને પ્રસિદ્ધિ પાછળ એની પત્નીનો સાથ અને સહકાર રહેલો હોય છે.દા.ત. ગાંધીજી અને કસ્તુર બા. આમ છતાં ઘણી વખત પત્નીએ કરેલ ત્યાગ માટે પતિ તરફથી એની જોઈએ એવી કદર કરવામાં આવતી નથી.દરેક પતિની એવી ઇચ્છા હોય છે કે એની પત્ની સીતા જેવી પવિત્ર અને ગુણોવાળી હોય પરંતુ પોતાને રામ જેવા બનવાની ઇચ્છા કેટલા પતિઓ ધરાવતા હોય છે !

ડો.જગદીશભાઈએ એમના લેખના અન્તેના વાક્યમાં ખેલદિલી પૂર્વક કબુલ્યું છે કે ‘’ ભલે હું રામ ન થઈ શક્યો; પરન્તુ નીતા મારે માટે સીતા છે.’’

વાચક મિત્રો, મને આશા છે શ્રી ઉત્તમભાઈ ગજ્જરે મોકલેલ ડો.જગદીશ ત્રિવેદીનો નીચેનો લેખ મને ગમ્યો એમ આપને પણ ગમશે.

વિનોદ પટેલ

   Jagdish Trivedi and Nitaben Trivedi

 

નીતા, મારે માટે સીતા ….ડો. જગદીશ ત્રીવેદી

(હસતું અને હસાવતું દમ્પતી એટલે શ્રી જગદીશ ત્રીવેદી અને શ્રીમતી નીતા ત્રીવેદી. અર્થ એવો કે નીતા હસે છે; કારણ કે જગદીશ ત્રીવેદી ગામ આખાને હસાવે છે! ગુજરાતભારત અને ગુજરાતી જ્યાં જ્યાં વસે છે તે વીશ્વનો દરેક ખુણો, જગદીશ ત્રીવેદીને હાસ્યકલાકાર તરીકે સુપેરે ઓળખે છે. પોતે ઉત્તમ લેખક છે, સમ્પાદક છે, નાટકકાર છે, કવી છે અને ત્રણત્રણ વખત તો એમણે ડૉક્ટરેટ માટે સંશોધન કરી Ph.D. + Ph.D. + Ph.D.ની ડીગ્રી મેળવી છે. એટલું જ નહીં; એક વીદ્યાર્થીએ જગદીશભાઈ પર Ph.D. કર્યું છે! ચાર મહીના પહેલાં તેમણે અર્થોપાર્જન બંધ કરી સાચો વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો છે તે ગૌરવપ્રદ છે. પોતાની પત્નીને સીતાનો દરજ્જો બક્ષનાર જગદીશ ત્રીવેદી આ લેખમાં હળવે હૈયે દામ્પત્યની ગોઠડી માંડે છે.)

♦●♦●♦

મારે સન્તાનમાં જે ગણો તે એક માત્ર મૌલીક છે અને યોગાનુયોગ પત્ની પણ એક જ છે. ગુજરાતી ભાષાના પ્રથમ પંક્તીના હાસ્યલેખક આદરણીય વીનોદભાઈ ભટ્ટથી હું ખુબ જ પ્રભાવીત થયો છું. વીનોદભાઈ એક જમાનામાં બે પત્નીઓ સાથે રહેતા હતા. મને આ સમાચાર પ્રથમવાર મળ્યા ત્યારે થયું કે આપણે પણ ગુજરાતી હાસ્યલેખક તરીકે કાઠું કાઢવું હશે, તો કમસેકમ બે પત્નીઓ રાખવી પડશે. જો તનતોડ મહેનત કરીને પણ, બેથી વધુ પત્નીઓ પ્રાપ્ત કરી શકીએ તો વીનોદ ભટ્ટ કરતાં પણ આગળ જઈ શકીએ.

તે દીવસથી મેં એકથી વધુ પત્ની માટે ઈમાનદારીથી પ્રયત્નો કરી જોયા છે; પરન્તુ દરેક પ્રયત્ન નીષ્ફળ જવાથી હવે અનીચ્છાએ આજીવન એક જ પત્નીથી ચલાવી લેવું, તેવા નીર્ણય પર ઠરીઠામ થયો છું. આપણે તારક મહેતા કે વીનોદ ભટ્ટ ના થઈ શકીએ તો ચલાવી લેશું. ઓછામાં ઓછું બકુલ ત્રીપાઠી કે રતીલાલ બોરીસાગર બની શકીએ તો પણ ઘણું છે.

એકથી વધુ પત્ની માટે પ્રયાસો એટલે કે નીતા મને છોડીને જતી રહે એવા સંજોગો ઉભા કરવામાં, મેં જરા પણ આળસ કરી નહોતી અને કુદરતે પણ મને યથાશક્તી સાથ આપ્યો હતો. અત્યારે મોટે ભાગે જોવા મળે છે તેવી, સ્વતંત્રમીજાજી અને સહનશક્તીરહીત પત્ની હોત તો મને આજથી વીસ વરસ પહેલાં છોડીને જતી રહી હોત. પરન્તુ નીતા સુશીલ અને સંસ્કારી હોવાની સાથે સહનશીલ પણ છે, એટલે મારે આજ દીવસ સુધી એક જ પત્નીથી ચલાવી લેવું પડ્યું છે.

હું પરણ્યો ત્યારે કુટેવોના કારખાના જેવો હતો. એ વખતે મારામાં ત્રણ મોટા દુર્ગુણો હતા, જેમાંથી એક જ હોય છતાં ઘણાં દામ્પત્યજીવન તુટ્યાના દાખલા બન્યા છે. મારાં ત્રણ દુષણોમાં હું દારુ પીતો હતો, માસાંહાર કરતો હતો અને અત્યન્ત ક્રોધી હતો. બાળપણથી જ ખરાબ મીત્રોની સોબત થવાથી મને સંગદોષ લાગ્યો હતો.

1992ના ફેબ્રુઆરીમાં જામખંભાળીયાના વસન્તભાઈ અને ભાનુબહેન ભટ્ટની દીકરી નીતા સાથે મારું સગપણ થયું. હું હાસ્યકલાકાર અને હાસ્યલેખક થયો તે પહેલાં નાટ્યકલાકાર અને નાટ્યલેખક હતો. મેં દહેજની વીરુદ્ધમાં નાટકો લખ્યાં અને ભજવ્યાં પણ હતાં, તેથી હું કન્યા સાથે ખટારો ભરીને કરીયાવર પણ લઈ આવું એવો નહોતો. મેં 1993ની પચીસમી અક્ટૉબરે રાજકોટની કોર્ટમાં અત્યંત સાદાઈથી લગ્ન કર્યું. મારાં લગ્નનો કુલ ખર્ચ 834 રુપીયા થયો છે.

લગ્ન બાદ થોડા દીવસો બધું બરાબર ચાલ્યું. એક રાતે હું શરાબના નશામાં ચુર થઈને ઘરે આવ્યો. તે રાતે નીતા પર વીજળી પડી; કારણ કે ત્યાં સુધી તે એમ માનતી હતી કે બ્રાહ્મણો દારુ પીએ જ નહીં. આજે એની નજર સામે એક બ્રાહ્મણ મદહોશ બનીને પતી સ્વરુપે ઉભો હતો. એણે મારું વ્યસન છોડાવવા પત્નીસહજ પ્રયત્નો કર્યા અને હું થોડા દીવસ બંધ અને વળી પાછું ચાલુ, એમ પતીસહજ જીવન જીવતો રહ્યો.

નીતા ત્રણ વરસ સુધી થાનગઢથી ભીડભંજન સોસાયટીમાં સાસુસસરાપતી અને બે દીયરના સંયુક્ત કુટુમ્બમાં ઘરરખુ નવોઢા બનીને રહી; પરન્તુ કોઈ વાતે એની ભીડ ભાંગતી નહોતી. લગ્નના એક વરસ બાદ મૌલીક જન્મી ગયો હતો, ત્યાર બાદ અમે ત્રણે સુરેન્દ્રનગરની શારદા સોસાયટીમાં મારાં પાલક માતાપીતા સાથે સાત વરસ રહ્યાં.

આમ, નીતા પોતાના દામ્પત્યજીવનમાં પ્રથમ દસ વરસ સુધી સંયુક્ત કુટુમ્બમાં ઘડીયાળના કાંટે ઘરકામ કરતી રહી. પંજાબી ડ્રેસ પહેરવાનો નહીં. સાડીમાં પણ સતત માથે ઓઢી રાખવાનું. ડુંગળીલસણ ખાવાનાં નહીં. ઘરમાં ફ્રીઝ કે ટીવી પણ નહીં. સુવા માટે પલંગને બદલે ખાટલો. સંડાસ કે બાથરુમમાં જતી વખતે ફળીયાની ટાંકીમાંથી ડોલ ભરીને જવાનું. રાતે દસ વાગ્યે ઉંઘ ન આવતી હોય તો પણ ઉંઘી જવાનું અને સવારે છ વાગ્યે ઉંઘ આવતી હોય તો પણ જાગી જવાનું.

ઉપરની તમામ અગવડો વચ્ચે પતી ખાસ કમાતો ન હોય, ઝઘડાખોર હોય અને મહીનામાં બેત્રણ વખત દારુ ઢીંચીને આવતો હોય, ત્યારે દુનીયાની કેટલી સ્ત્રીઓ પોતાનું દામ્પત્યજીવન ટકાવી શકે ? તમને વાંચીને આશ્ચર્ય થશે કે આ દસ વરસમાં નીતાએ પોતાનાં મમ્મીપપ્પાને એક પણ વખત ફરીયાદ પણ કરી નથી કે મારે આ રીતે રહેવું પડે છે. અને મારા અનુભવ પરથી મને લાગે છે કે પત્નીમાં સહનશક્તીનો અભાવ અને પત્નીનાં પીયરીયાંનો ચંચુપાત, લગ્નવીચ્છેદમાં મોટો ભાગ ભજવે છે.

 નીતાની સમજણનો એક દાખલો આપું. એ મને પરણીને આવી ત્યારે હું થાનગઢમાં ઝેરોક્સનો ધંધો કરતો હતો. એ ક્યારેક સોબસો રુપીયાની કટલરી જેવી પરચુરણ ખરીદીને ઈરાદે એ ગામના એક છેડેથી બીજા છેડા સુધી ચાલીને આવે. એ દુકાને આવે ત્યારે કાયમ અમે સેન્ડવીચ ખાતાં. હું સેન્ડવીચ લેવા જાઉં, તેટલી વારમાં એ ટેબલનું ખાનું જોઈ લે. મોટા ભાગે એની નાનકડી ખરીદીની ઈચ્છા પણ પુરી થાય, એટલો વકરો હોય જ નહીં એટલે એ મનને મારી નાખે; પણ મને કશું કહેતી નહીં, તેમ જ ચહેરાનો ભાવ પણ પ્રયત્નપુર્વક બદલવા દેતી નહીં. હું સેન્ડવીચ ખાતાં ખાતાં પુછું કે તું શા માટે આવી છો ત્યારે એ કહેતી કે હું વાસુકીદાદાના દર્શન કરવા આવી છું.

અત્યારે હું પત્ની અને પુત્ર સાથે વરસમાં એકાદ વખત વીદેશમાં ફરવા જઈ શકું છું; પરન્તુ પ્રથમ દસકામાં નીતાએ ધીરજ ધરવાને બદલે મને છોડી દીધો હોત તો કદાચ હું વીખ્યાત થવાને બદલે કુખ્યાત થઈ ગયો હોત. મારે અવારનવાર પત્ની સાથે ઝઘડાઓ થતા હતા, ગાય જેવા ગરીબ સ્વભાવની પત્ની પર હાથ ઉપાડવા જેવી હીનતા પણ મેં ઘણીવાર આચરી હતી. સ્વજન, સખા કે સંતના કહેવાથી વ્યસન ક્યારેય છુટતું નથી; પરન્તુ માણસનો આત્મા જ્યારે પોકાર કરે ત્યારે કાયમને માટે છુટી જાય છે. 2005ની 21 ફેબ્રુઆરીએ મોરારીબાપુ મારે ઘરે આવ્યા. એમણે મને કશું કહ્યું નથી; પરન્તુ મારો આત્મા ઘણા સમયથી દારુની દોસ્તી છોડવા માગતો હતો. બાપુના આગમનથી બળ મળ્યું અને મેં આજીવન શરાબ છોડી દીધો.

બીજી વાર પીએચડી કરવા માટે ગાંધીજીની આત્મકથા વાંચવાની ફરજ પડી. એમાં પ્રસંગ છે કે ગાંધીજી આફ્રીકા હોય છે ત્યારે કસ્તુરબાને રક્તસ્રાવનો રોગ થાય છે. દાક્તર કહે છે કે જીવવું હશે, તો ગાયના માંસનો ઉકાળો પીવો પડશે. ત્યારે બીમાર કસ્તુરબાએ બાપુને કહ્યું કે હું તમારા ખોળામાં માથું મુકીને મરી જઈશ; પરન્તુ મારી જાતને અભડાવીશ નહીં. આ વાંચીને એક મધરાતે હું કલાક સુધી રડતો રહ્યો. મને થયું કે માત્ર શોખ અને સ્વાદ ખાતર, મેં કેટલી વાર મારી જાતને અભડાવી ?

પસ્તાવામાંથી પ્રતીજ્ઞાનો જન્મ થયો અને જીવનભર માંસાહાર છુટી ગયો.

બે અવગુણ તો મુળસોતા ગયા; પરન્તુ ક્રોધ સાવ જતો રહે તેમ હું ઈચ્છતો પણ નથી. કારણ બ્રાહ્મણ ક્રોધી હોય; પણ કપટી ક્યારેય ન હોય. માત્ર ચુમ્માલીસ વરસની મારી ઉમ્મરમાં મારાં ચાળીસ પુસ્તકો, બત્રીસ વીદેશયાત્રા, પંચોતેર જેટલી કેસેટસીડીવીસીડી અને બે વખતના મારા ડૉક્ટરેટથી મારી પત્ની, પરીવાર અને મારા સાસરીયા ખુબ જ સંતુષ્ટ છે.

મને આ કક્ષા સુધી પહોંચાડવામાં મારી પત્નીનો ફાળો મુલ્યવાન છે; કારણ એણે સંયમ રાખીને એકધારા અગીયાર વરસો સુધી મને વેઠ્યો ન હોત અને મહીલા સંગઠન કે કોર્ટનો આશરો લઈ મને છોડી દીધો હોત તો કદાચ હું વધારે બગડી ગયો હોત.

ભલે હું રામ ન થઈ શક્યો; પરન્તુ નીતા મારે માટે સીતા છે. 

જગદીશ ત્રીવેદી

ડો.જગદીશ ત્રિવેદી …પરિચય 

જગદીશ ત્રિવેદી : બે વખત નાપાસ થયા બાદ ત્રણ વખત પીએચ.ડી કર્યું ! ….વિજયસિંહ પરમાર 

 જગદીશ ત્રિવેદી અગિયારમા અને બારમા ધોરણમાં નાપાસ થયા ત્યારે તેમણે આ નિષ્ફળતાને ઘણી ગંભીરતાથી લીધી અને ત્રણ-ત્રણ વખત પીએચ.ડીની ડિગ્રી મેળવી.

‘’મારા ગમતા ત્રણ વ્યક્તિઓ – શાહબુદ્દિન રાઠોડ, મારા નાના દેવશંકર મહેતા અને રામકથાકાર મોરારિબાપુ પર થીસિસ (મહાશોધનિંબધ) લખીને મેં પીએચડીની ત્રણ ડિગ્રી મેળવી છે.”

આખો પરિચય લેખ અહીં ક્લિક કરીને વાંચો .

 લેખક સમ્પર્ક :

Jagdish Trivedi,

‘MaatruAashish’, 20-Sharda Society, Jintan Road, SurendraNagar-363002

Phone : (R)-02752-230903 Mobile : 9825230903

eMail : jagdishtrivedi1967@gmail.com

પુસ્તક દુલારું દામ્પત્યના અંતીમ મુખપૃષ્ઠ ઉપરથી.. સાભાર.. 

એક વાર એ મને કહે : જો હું વહેલો જાઉં તો બીલકુલ એમ જ રહેજે, જેમ હમણાં રહે છે. ટીલું, બંગડી, મંગળસુત્ર, રંગીન સાડી – બધું એમનું એમ. તું જો આમાંની એક પણ ચીજ છોડી દઈશ, તો મારા આત્માને ઘોર કષ્ટ થશે અને જો તું વહેલી જઈશ, તો મારે તો કંઈ છોડવાનું છે જ નહીં! 

કોઈ નથી જાણતું કે મોત ક્યારે આવશે. અમે નથી જાણતાં કે અમારા બેમાંથી વહેલું કોણ જશે. હું ચાહું છું કે લેડીઝ ફર્સ્ટના ન્યાયે પહેલાં હું જાઉં. કંકુકંકણ સાથે જવાની ઈચ્છા દરેક ભારતીય નારીની હોય છે. એ કહે છે : મજાલ છે મોતની કે મારા રહેતાં તને લઈ જાય!ખેર, આ તો મજાકની વાત થઈ; પણ એટલું નક્કી કે આવતા જન્મે પણ હું એમને એકલા દળવા નહીં દઉં. આવતા જન્મે – અને જન્મોજન્મ – મારું સરનામું તો આ જ રહેવાનું :

કાન્તા વેગડ C/O અમૃતલાલ વેગડ *

પ્રેમ પાંગરે, વીકસે અને ઓસરી જાય – આવું ન થવું જોઈએ. પહેલાં પ્રેમની અતીવૃષ્ટી અને પછી અનાવૃષ્ટી આ બરાબર નહીં. પ્રેમનું વહેણ સુકાવું નહીં જોઈએ. એક પત્નીએ પોતાના પતીને કહ્યું : ‘Love me less, so that you can love me long.’ પતીપત્ની એકબીજાને થોડો ઓછો પ્રેમ કરે, જેથી એ લાંબા સમય સુધી ચાલે. પ્રેમમાં પણ ડ્રીપ ઈરીગેશનની પદ્ધતી અપનાવીએ તો કેવું સારું!

કાન્તા વેગડ C/O અમૃતલાલ વેગડ

 

પુસ્તક પ્રાપ્તિ માટે સંપર્ક ..

સંપાદક રાજકોટના ડૉ. ભદ્રાયુ વછરાજાની (bhadrayu2@gmail.com Phone: 0281- 258 8711) /વનરાજ પટેલના મીડીયા પબ્લીકેશન’( media.publications@gmail.com )

સૌજન્ય/આભાર

 ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 395 –March 04, 2018

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

 

ઉપરોક્ત લેખ વાંચતાં મને સ્વ. અવિનાશ વ્યાસએ લખેલ નીચેના ગુજરાતી ગીત ‘’રામ તમે સીતાજીની તોલે ન આવો’’ની યાદ તાજી થઇ . આ ગીતને જાણીતી ગાયિકા આશા ભોંસલે એ સુંદર સ્વરોમાં ગાયું છે એને વિડીયોમાં માણો.

 રામ તમે સીતાજીની તોલે ન આવો…. અવિનાશ વ્યાસ

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને

છોને ભગવાન કહેવરાવો

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે

ફૂલ ને ચંદનથી છો પૂજાઓ મારા રામ તમે

 

કાચા રે કાન તમે ક્યાંના ભગવાન

તમે અગ્નિ પરીક્ષા કોની કીધી

તારો પડછાયો થઇ જઇ ને

વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઇને પત્નીને પારખતાં ન આવડી

છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ મારા રામ તમે

 

તમથીયે પહેલા અશોક વનમાં

સીતાજીએ રાવણને હરાવ્યો

દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે

દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ

અમથો વિજયનો લૂટ્યો લ્હાવો મારા રામ તમે.

અવિનાશ વ્યાસ

Maara Raam Tame Seetajini Tole Na Aavo

1158- પ્રવર્તમાન શિક્ષણ જગતની ગતિવિધિઓ પર પ્રકાશ ફેંકતી હિન્દી ફિલ્મ ”ચોક એન્ડ ડસ્ટર” …. અને એનો રીવ્યુ

હાલના સમયમાં વિદ્યાર્થીઓ , શિક્ષકો અને શાળાના સંચાલકો વચ્ચેના સંબંધોનો આબેહુબ ચિતાર આપતી ”ચોક એન્ડ ડસ્ટર” નામની હિન્દી ફિલ્મ મેં ગઈ કાલે જોઈ.મને એ ખુબ ગમી ગઈ.વિનોદ વિહારના વાચકોને માટે  આજની પોસ્ટમાં એને સાનંદ શેર કરું છું.

આજની ચીલા ચાલુ હિન્દી ફિલ્મો કરતાં જુદા જ પ્રકારની આ ફિલ્મ છે.પહેલાંની આર્ટ ફિલ્મોમાં જોવા મળતું હતું એમ એની વાર્તા શાંત રીતે આગળ વધતી જાય છે. આર્ટ ફિલ્મની જેમ આ ફિલ્મ શિક્ષણના ક્ષેત્ર અને શિક્ષકોના પ્રશ્નો પર એ પ્રકાશ પાડે છે.આજે બીજા વ્યવશાયોની સરખામણીમાં શિક્ષકના વ્યવશાયની જોઈએ એવી કદર કરવામાં આવતી નથી.શાળાના માથાભારે ધંધાદારી સંચાલકોની યુક્તિઓ પ્રયુક્તિઓનો એમને ભોગ બનવું પડે છે.ટૂંકમાં વર્તમાન સમયમાં શિક્ષણ જગતમાં ચાલતા પ્રવાહોનું આ ફિલ્મમાં આબેહૂબ નિરૂપણ કર્યું છે.આ ફિલ્મનો સંદેશ પ્રેરણાદાયી છે.

અનુભવી કલાકારો શબાના આઝમી અને જુહી ચાવલા અદાકારી લાજવાબ છે.આ બે આદર્શ શિક્ષિકાઓ વચ્ચે બે બહેનો જેવો પ્રેમ અદભુત છે . ફિલ્મને અંતે આવતા સીનમાં મહેમાન કલાકાર તરીકે રીશી કપુર ”કૌન બનેગા કરોડપતિ” માં અમિતાભ બચ્ચન જેમ છવાઈ જાય છે એમ રિશી કપૂર થોડા સમય માટે આવીને રંગ જમાવી જાય છે.

અગાઉ વિનોદ વિહારની પોસ્ટ નંબર ૮૪૦ તારીખ ૧-૨૫-૨૦૧૬ માં આ ફિલ્મનો સુ.શ્રી રાજુલ કૌશિક લિખિત સુંદર ફિલ્મ રીવ્યુ પોસ્ટ કરવામાં આવ્યો હતો,એમાં આ ફિલ્મનું માત્ર ટ્રેઇલર મુક્યું હતું.

પરંતુ હવે આ પોસ્ટમાં યુ-ટ્યુબના સૌજન્યથી નીચેના વિડીયોમાં આખી ફિલ્મ જોઈ શકાશે. આ બે કલાક ચાલતી આખી ફિલ્મ તમને જરૂર ગમશે.શિક્ષણ જગતમાં રસ ધરાવતા સૌએ આ ફિલ્મ એક વાર તો જોવી જોઈએ.

”ચોક એન્ડ ડસ્ટર” હિન્દી ફિલ્મ 

સહ પરિવાર જોઇ માણી શકાય એવી, આજની ફિલ્મો કરતાં સાવ અલગ ચિલો ચાતરનારી ફિલ્મ … એટલે  ”ચોક અને ડસ્ટર”

કલાકારો- શબાના આઝમી, જુહી ચાવલા, ઝરીના વાહબ, દિવ્યા દત્તા ,ઉપાસના સિંહ, રિચા ચઢ્ઢા ,આર્યન બબ્બાર, ગિરીશ કર્નાડ, જેકી શ્રોફ, સમીર સોની, રિશી કપૂર ( મહેમાન કલાકાર)

નિર્માતા-અમીન સુરાની

નિર્દેશક-જયંત ગિલાટર

સંગીત- સંદેશ શાંડિલ્ય, સોનુ નિગમ

ફિલ્મ***એક્ટીંગ**** મ્યુઝીક*** સ્ટોરી

ફિલ્મનો રીવ્યુ 

”વર્તમાન સમયમાં વિદ્યા અને વિદ્યાપીઠ બંને એકદમ પ્રોફેશનલ અને બિકાઉ બની  ગયા છે. મૂળ આ હાર્દને પકડીને રજૂ થયેલી ફિલ્મ ‘ચોક એન્ડ ડસ્ટર’ વર્તમાન સમયની સિસ્ટમનું આબેહૂબ નિરૂપણ છે.”

રાજુલ કૌશિક

સુ.શ્રી રાજુલ કૌશિક લિખિત ”ચોક એન્ડ ડસ્ટર” ફિલ્મનો સુંદર ફિલ્મ રીવ્યુ વાંચવા માટે અગાઉની પોસ્ટની નીચેની લીંક પર ક્લિક કરશો.

(840) ” ચોક એન્ડ ડસ્ટર” ..ફિલ્મ રીવ્યુ … સુ.શ્રી રાજુલ કૌશિક