વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: વૃધ્ધા વસ્થાની વાતો

1333…બે સામાજિક ટૂંકી વાર્તાઓ ..[૧ ]…”કંપની “[૨ ]…’પહેલી નજરે પ્રેમ

[૧ ]…”કંપની “

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો.શહેર ના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી.

અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા *પિતા હસમુખરાય* સાથે ભવ્ય વીલામાં રહેતો હતો.

એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે *હસમુખરાયે* કહ્યું *”બેટા મને ઘરડા ઘરમાં મૂકી આવને !!”*

અજય અને રીટા બંને એકદમ ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજતમાં કોઈ ખામી રહી ગઈ કે શું ?

અજયે કહ્યું *”કેમ પપ્પા , અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ?*

*હસમુખરાયે* હંસતા હંસતા કહ્યું-: *”ના બેટા ના ; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ?* પણ *હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઇ જશે.*

અજયે તરત જ કહ્યું-: *”પપ્પા , સમાજ અમારા માટે શું વિચારશે, ૫-૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી આપીશ .*

*હસમુખરાય* પણ માની ગયા.વાત વિસરાઈ ગઈ.

અજયે *વિલા* ની બાજુમાં જ એક *નાનું આઉટ હાઉસ* બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું *આઉટ હાઉસ* તૈયાર થઇ ગયું.

*હસમુખરાયે* પૂછ્યું ; *બેટા, આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને !!*

અજયે કહ્યું કે *મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે.*
રવિવાર આવી ગયો.ફેમિલી મેમ્બર્સ* અને થોડા *મિત્રો* ને બોલાવવામાં આવ્યા હતા, *આઉટ હાઉસ* પર રીબીન બાંધવામાં આવી હતી,

*હસમુખરાયે* તાળીઓનાં ગડગડાટ સાથે રીબીન કાપી.

અજયે કહ્યું-: *”પપ્પા દરવાજો પણ તમે જ ખોલો.*

*હસમુખરાયે* બારણું ખોલ્યું,

સામે ખુરશી પર તેમના *ત્રણ મિત્રો* બેઠા હતા, *હસમુખરાય* ખુશી થી ઝૂમી ઉઠ્યા અને *ત્રણે મિત્રો* ને ગળે લગાડી દીધા. અજય રૂમમાં દાખલ થયો તો *ચારે વડીલો* એને ભેંટી પડ્યા. અજયે કહ્યું કે *પપ્પાની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું તમને ઘરડા ઘરમાંથી અહીં લઇ આવ્યો,* આજ થી આ *ઘર* તમારૂ જ છે અને તમારે મોજથી અહીં જ રહેવાનું છે, અને હા, મેં એક કેર ટેકર *શંભુકાકા* ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે.

ચારે *વડીલોની સાથે સાથે અજયની આંખમાંથી અશ્રુઓ* વહી ગયા.

અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમમાંથી *ખડખડાટ હાસ્ય* નાં અવાજો આવવા લાગ્યા.

અજય મનોમન બોલી ઉઠ્યો “મિત્રો ની *”કંપની “* સ્ટીરોઈડ જેવી હોય છે” !!!

*મિત્રતા* થી ઉત્તમ કોઈ ટોનીક નથી. *હસતા રહો* અને *હસાવતા રહો.*

 

સૌજન્ય ..વોટ્સેપ /સુરેશ જાની 

🙏🏻💐 🙏🏻 💐🙏🏻

[૨ ]…’પહેલી નજરે પ્રેમ

હવે સામાજિક સિક્કાની બીજી બાજુ ,

નીચેની સત્ય ઘટનાત્મક વાર્તામાં વાંચો.

લેખક ..ભાર્ગવ પરીખ,સૌજન્ય ..બીબીસી ગુજરાતી

‘પહેલી નજરે મને એ ડોસી સાથે પ્રેમ થઈ ગયો’

 

1322 – સીનીયરનું સ્વરાજ – ડો.ગુણવંત શાહ / ગરવું ઘડપણ -ઈ-બુક

જીવન સંધ્યાના અવનવા રંગો નિહાળી રહેલા આજના સીનીયર સિટીઝનો અને ટૂંક ભવિષ્યમાં જેઓ સીનીયર સીટીજનો થવાના છે એ સૌ જુનિયર સિટીઝનોએ ખાસ વાંચવા જેવો મજાનો લેખ આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે.

આ લેખના લેખક પદ્મશ્રી ડો. ગુણવંત શાહ એક જાણીતા ચિંતક અને પ્રેરણાદાયી સાહિત્યના સર્જક તરીકે જાણીતા છે.એમનો પરિચય લેખના અંતે વાંચી શકાશે….. વિનોદ પટેલ 

 

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ

આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં !

––‘અનામી ચીંતક’

સીનીયરનું સ્વરાજ – ડો.ગુણવંત શાહ

senior citizens

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: સમય અને અવકાશ. સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો ‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે, કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે !

ઘણાખરા સીનીયર સીટીઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે.જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મુર્ખ છે.

મુર્ખતા પણ ખાસ્સી સીનીયર હોઈ શકે છે. દીકરાવહુને પોતાનો અભીપ્રાય એકવાર આપી દીધા પછીનું મૌન દીવ્ય હોય છે. સામેવાળી વ્યક્તી ગમે તેટલી નાની ઉંમરની હોય તોય તેને વણમાગી સલાહ ન આપવામાં વૃદ્ધત્વની અનેરી શોભા પ્રગટ થાય છે. જે વયોવૃદ્ધ સીટીઝન મફત સલાહ કેન્દ્રનો માલીક હોય તે દુખી થવા સર્જાયેલો જીવ છે. ભગવાન પણ તેને સુખી ન કરી શકે.

માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે. ઉત્તમ card company, નાટકો, શીલ્પો, ચીત્રો, ફીલ્મો, ગીતો અને કલાકૃતીઓ માનવજાતને મળ્યાં તે માટે સર્જકોને પ્રાપ્ત થયેલી મોકળાશનો ફાળો મહત્ત્વનો રહ્યો છે.કવી વોલ્ટ વ્હીટ્મન પોતાને ભવ્ય આળસુ (મેગ્નીફીસંટ આઈડ્લર) તરીકે ગૌરવભેર ઓળખાવતો.

નોબેલ પારીતોષીક વીજેતા કવી પાબ્લો નેરુદા પોતાનાં સંસ્મરણો પર લખેલા પુસ્તકમાં નવરાશનો મહીમા કરે છે અને ત્યાં સુધી કહે છે કે ‘સમય વેડફવા જેવી સુંદર બીજી કોઈ ચીજ નથી.’ અહીં સમય વેડફવાની વાત સાથે મોકળાશનું સૌંદર્ય કેન્દ્રમાં રહેલું છે ઘણા સીનીયર સીટીઝન્સ મોકળાશનો સ્વાદ ધરાઈને માણે છે.એ સ્વાદનું રહસ્ય એમના મીજાજમાં રહેલું છે.એ મીજાજ એટલે સ્વરાજનો મીજાજ.

સ્વરાજનો મીજાજ એટલે શું? ‘હવે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી’, એવી દાદાગીરીમાં દાદાની ખરી શોભા પ્રગટ થાય છે. સ્વતંત્ર હોવું એટલે જ પોતાની મરજીના માલીક હોવું.મરજીની ગુણવત્તા એટલે જ જીવનની ગુણવત્તા. માણસે પોતાની મરજીને માંજી માંજીને શુદ્ધ કરવી રહી.મરજીના માલીકને, ‘માલીક’ની મરજી પર શ્રદ્ધા હોવી જોઈએ.સીનીયર સીટીઝનના સ્વરાજનું આ રહસ્ય છે.

જે વડીલોને સાહીત્ય, સંગીત, સત્સંગ, સમાજસેવા, પ્રવાસ કે પ્રેમ જેવી બાબતોમાંથી કોઈ એક સાથે પણ નીસ્બત ન હોય તેમણે દુખી થવાની પુરી તૈયારી કરી લીધી છે એમ કહી શકાય.નવરાશ એટલે કર્મશુન્યતા નહીં, પણ મનગમતા કર્મની સમૃદ્ધી. વડીલોએ વારંવાર પોતાની જાતને પુછવા જેવો પ્રશ્ન છે,‘મારો માહ્યલો શેમાં રાજી?’ જે કર્મ કરતી વખતે હેત અને હરખનો અનુભવ થાય તે કર્મ કરવું અને બીજું ફાલતું કર્મ ટાળવું એ તો પાછલી ઉંમરનો વીશેષાધીકાર ગણાય. જે વડીલ કોઈના કામમાં ટકટક ન કરે તે વડીલ પોતાના કામમાં બીજાની ટકટક નહીં સહન કરવાનો અધીકાર પ્રાપ્ત કરે છે. આ દુનીયા આપણી કલ્પના પ્રમાણે ચાલે એવી ઈચ્છા રાખવી એ પણ એક પ્રકારની નાસ્તીકતા ગણાય. સમગ્ર જીવન કેવળ પૈસા એકઠા કરવામાં જ વીતી ગયું હોય, તો પાછલી ઉંમરે દુખનું ડીવીડંડ મૃત્યુ સુધી મળતું જ રહે છે. નોકરી છુટી જાય પછી જે ખાલી થેલી જેવા બની જાય, તેઓ નોકરી ચાલુ હતી ત્યારે પણ ખાલીખમ જ હતા ! એમને એ વાતની ખબર ત્યારે ન હતી, તે જુદી વાત છે.

સીનીયર સીટીઝનના સુખનો ખરો આધાર પગ ઉપર રહેલો છે. આપણે ત્યાં જે માણસ કમાણી કરતો હોય તેને માટે કહેવામાં આવે છે કે એ ‘પોતાના પગ પર’ ઊભો છે. જેના પગ સાબુત તેનું ચાલવાનું સાબુત ! જે ચાલવાનું રાખે તેને કકડીને ભુખ લાગે. કકડીને લાગતી ભુખ પછી જે ખવાય, તે અન્ન પચી જાય છે. અન્નવૈભવનું ખરું રહસ્ય ભુખવૈભવમાં સમાયું છે. જે સીનીયર સીટીઝન રોજ પાંચ કીલોમીટર સ્ફુર્તીથી ચાલે, તેને ભુખવૈભવ સાથે થાકવૈભવ પણ પ્રાપ્ત થાય.થાકવૈભવ પ્રાપ્ત કરનારને ઉંઘવૈભવ પણ આપોઆપ મળે છે.

ભુખવૈભવ, થાકવૈભવ, અને ઉંઘવૈભવ પ્રાપ્ત થાય, તેને સ્ફુર્તીવૈભવ મળી રહે છે. સ્ફુર્તી છે, તો જીવન છે. જીવન છે, તો જીવવાનો આનંદ છે. આનંદનું ઉદ્ ઘાટન પગના સદુપયોગ થકી થતું હોય છે. પગ વડે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. લોકો પથારી થકી પરમેશ્વર સુધી પહોંચવાની પેરવી કરતા હોય છે. એક વડીલ પંચાણું વર્ષે મૃત્યુ પામ્યા ત્યારે દીકરાની વહુ બોલી, ‘પપ્પા સવારે તો ફરવા ગયેલા અને બપોરે એકાએક શાંત થઈ ગયા !’ મૃત્યુ પામેલા વડીલને આનાથી ચડીયાતી અંજલી બીજી શી હોઈ શકે? એને કહેવાય રળીયામણું મૃત્યુ !

વડીલોએ કોઈ પણ હીસાબે બે કલાક પોતાના ખાસ કલાકો તરીકે અલાયદા રાખવા જોઈએ. પરીવારના જુનીયર લોકોને તેથી ખાસ રાહત મળતી હોય છે. સીનીયર સીટીઝનને પોતાના સ્વરાજની જેમ જુનીયર સીટીઝનનું સ્વરાજ પણ વહાલું હોવું જોઈએ. ખાસ કરીને દીકરાની વહુનો આદર જીતી લેવાની કળા ખુબ મહત્ત્વની છે. જે સાસુને માતા બનતાં ન આવડે અને જે સસરાને પીતા બનતાં ન આવડે તેઓ ફુલ્લી નપાસ ગણાય. છુટાં રહેવું સારું, છેટાં રહેવું સારું, પણ ભેગાં રહીને ઝઘડતાં રહેવું અત્યંત નઠારું ! તમે દીકરાની જન્મતીથી યાદ નહીં રાખો તો ચાલશે, પણ પુત્રવધુની વર્ષગાંઠ યાદ રાખીને નવી સાડી ભેટ આપવાનું ચુકી જાઓ તેમાં શાણપણ નથી. જે પરીવારમાં ગૃહલક્ષ્મીનો આદર નથી હોતો, તે ઘરમાંથી સુખ પાછલે બારણેથી ભાગી છુટે છે.

પુજ્ય રવીશંકર મહારાજ વાતવાતમાં કહેતા કે માણસે પાકેલી ખારેકની માફક ખરી પડવાનું છે. સીધી લીટીનો માણસ નાસ્તીક હોય તોય આધ્યાત્મીક જાણવો. આપણે ત્યાં ક્યારેક સો ટચનો સજ્જન મનુષ્ય કોઈ લંપટ સાધુનો ચરણસ્પર્શ કરતો જોવા મળે ત્યારે દુખ થાય છે.

કેટલાક સીનીયર નાગરીકો ભક્તીમાં વેવલા બનીને ગાંડપણ પ્રગટ કરતા રહે છે. એ માટે આવનારા મૃત્યુનો ડર કારણભુત છે. સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ. ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ પ્રવેશે.ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર સીટીઝન્સને ખાસ વીનંતી છેઃ ‘તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચુકશો નહીં.’

..પાઘડીનો વળ છેડે..

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ

આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં !

––‘અનામી ચીંતક’

 ડો. ગુણવંત શાહ 

ગુણવંત શાહ નો પરિચય 

(સૌજન્ય.. ગુજરાતી પ્રતિભા પરિચય)

 

===========

સુરત નિવાસી આદરણીય મિત્ર અને સંડે -ઈ–મહેફિલ બ્લોગના સંપાદક શ્રી ઉત્તમભાઈ  ગજ્જરએ જાણીતા લેખકોના ઘડપણ વિશેના ચૂંટેલા સુંદર લેખોનો સમાવેશ કરીને એક મજાની ”ગરવું ઘડપણ ” એ નામે ગુજરાતી ઈ-બુક પ્રકાશિત કરી છે.

શ્રી ઉત્તમભાઈના આભાર સાથે આ ઈ-બુકની લીંક નીચે પ્રસ્તુત છે. વિહારના વાચકોને જરૂર આ માહિતીપૂર્ણ અને પ્રેરક ઈ-બુક વાંચવી ગમશે. 

1286- બે પ્રેરક સામાજિક વાર્તાઓ …સંકલિત

મિત્રો એમના વોટ્સેપ સંદેશમાં અવાર નવાર સાંપ્રત સમયના સમાચાર,વિડીયો, ટૂંકાં સુવાક્યો વી. ઉપરાંત ઉત્તમ ગમે એવી સાહિત્ય સામગ્રી મોકલતા હોય છે.

આજની પોસ્ટમાં આવા વોટ્સેપ સંદેશમાં પ્રાપ્ત મને ગમેલી બે ટૂંકી વાર્તાઓ વાચકોને માટે પ્રસ્તુત કરું છું.

આ સામાજિક વાર્તાઓમાં જીવન ઉત્કર્ષ માટેનો જે સુંદર સંદેશ છે એ આપને ગમશે.

વિનોદ પટેલ

જીવનની PHD …જય લીમ્બાચીયા

જીવનની પી.એચ.ડીની ડીગ્રી પ્રાપ્ત એક વૃદ્ધ માજીની વાત 

સાંજના સમયે માજી ખુરસીમાં બેઠા બેઠા ગીતા પાઠ વાંચી રહ્યા હતા !

બેડ રૂમમાંથી પુત્ર પુત્રવધુ સાથે સરસ તૈયાર થઈને બહાર આવ્યા !

પુત્ર વધુ બોલી “ બા,ફ્રીજમાં ભાત પડ્યો છે,તે વઘારીને જમી લેજો,અમે પાર્ટીમાં જઈએ છીએ રાત્રે મોડા આવીશું ! ”

માજી બોલ્યા “ શાંતિથી જાવ,મારી ચિંતા કરશો નહિ,હું દૂધ ભાત પણ ખાઈ લઈશ !”

બંને પાર્ટીમાં જવા નીકળી ગયા !

અર્ધો કલાક ગાડી ચલાવીને પાર્ટી હોલ પર પહોચવાની તૈયારી હતી ત્યાં પુત્રએ યુ ટર્ન મારી ગાડી ઘર તરફ ભગાવી, સમજુ પત્ની સમજી ગઈ !

બંનેએ મનોમન ઘરે પહોચીને માજીના પગ પકડી માફી માંગી લેવાનું નક્કી કર્યું !

લિફટમાં દસમે માળે પહોચ્યા તો ઘરમાં મોટા અવાજે કોઈ ફિલ્મી ગીત વાગી રહ્યું હતું !

બેલ મારી તો માજીનો અવાજ સંભળાયો “ કાન્તા,દરવાજો ખોલ પીઝાવાળો ઝટ આવી ગયો લાગે છે ! ”

દરવાજો ખુલ્યો તો ૯મા માળ પર રહેતા કાન્તાકાકીને ઉભેલા જોઇને પતિ પત્ની આશ્ચર્ય પામી ગયા.

ઘરમાં ગયા તો ફલેટના સાત આઠ માજી અને બે ચાર ડોસા હાથમાં કોકો- કોલાના ગ્લાસ સાથે,મ્યુઝીક સીસ્ટમ પર વાગતા “ પાણી પાણી —– ” ગીત સાથે ઝૂમી રહ્યા હતા !

પુત્ર પુત્ર- વધુને જોઇને માજી થોડીક ક્ષણ અવાક થઇ ગયા,પણ સ્થિરતા જાળવી બોલ્યાં ..
“ બેટા શું થયું પાર્ટી કેન્સલ થઇ, વાંધો નહિ, ચાલો હું ફોન કરી એક વધુ પીઝા મંગાવી દઉં છું !”

આ નવી વાર્તા પરથી યુવાનો એટલું સમજી લે કે ઘરડા માતા પિતાને લાચાર સમજવાની ભૂલ કદાપી કરશો નહિ, તમે આજે જે જીવનના પાઠ ભણી રહ્યા છો,તેમાં તમારા જન્મ દાતા PHD થયેલા છે !

સીનીયર લોકો તમે સંતાનોના આશ્રિત બનીને જીવશો નહિ, તમારી પી.એચ.ડીની ડીગ્રીનો ઉપયોગ કરીને જીવો !

-Jay Limbachiya

સૌજન્ય.. ..  પ્રતિલીપી.કોમ  

 

ચિત્ર સૌજન્ય .. ગુગલ ઈમેજ 

પીઝઝાના એ આઠ ટુકડા……….

જીવનનો અર્થ સમજાવતી વાર્તા ...

પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા, કામવાળી બે દિવસ નહિ આવે…

પતિ: કેમ???

પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ??

પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું

પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?

પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો

પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે.

પતિ: વાહ…અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં???

ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું

પતિ:કેમ રહી રજા?

કામવાળી: બહુ સારી રહી સાહેબ…દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને…તહેવાર નું બોનસ

પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને

કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા

પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયાનું???

કામવાળી:

દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો,
બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી,
દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના,
50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો,
60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું,
25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી,
50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો
અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા, બુક અને પેન્સિલ લેવા માટે કચરા

પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!

પતિ: 500 રૂપિયા માં આટલું બધું????

મન માં જ વિચાર આવવા લાગ્યા….

તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો…

પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો.

‪#‎પહેલો‬ ટુકડો છોકરા ની શર્ટ નો,
‪#‎બીજો‬ ટુકડો દીકરી ની મીઠાઈ નો,
‪#‎ત્રીજો‬ મંદિર માં પ્રસાદ નો,
‪#‎ચોથો‬ ભાડા નો,
‪#‎પાંચમો‬ ઢીંગલી નો,
‪#‎છઠ્ઠો‬ બંગડી નો,
‪#‎સાતમો‬ જમાઈ ના બેલ્ટ નો
અને ‪#‎આઠમો‬ બુક-પેન્સિલ નો.

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો.

પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી…

પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.

“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાય ગયું હતું.

1276 – બાપ રે, 200 વર્ષ જીવવાનું શક્ય બનશે!…… કવર સ્ટોરી..અગસ્ત્ય પુજારા.

સૌજન્ય.. મુંબઈ સમાચાર ..

બાપ રે, 200 વર્ષ જીવવાનું શક્ય બનશે!..કવર સ્ટોરી … અગસ્ત્ય પુજારા.

સમગ્ર વિશ્વમાં અત્યારે વૈજ્ઞાનિકો એ બાબત પર સંશોધન કરી રહ્યા છે કે મનુષ્ય તેની વૃદ્ધાવસ્થાને ટાળી શકે અને 100થી વધારે એટલે કે કદાચ 200 વર્ષ પણ જીવી શકે! આ સંશોધનમાં ભારત પણ પાછળ નથી.

M.S. PUJARA

તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે શું મનુષ્ય 200 વર્ષ જીવી શકે? પણ હા, એવું કદાચ થોડાક વર્ષો પછી બની પણ શકે, કારણ કે અત્યારે ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે કે માણસ વધારે જીવી શકે અને પોતાની વૃદ્ધાવસ્થાને ટાળી શકે. આપણા શરીરમાં રહેલા માઇક્રોબાયોમ (નાના કિટાણુ, બેક્ટેરિયા, ફફૂદ કે વાયરસ) આપણા સ્વાસ્થ્ય પર બહુ અસર કરે છે. આ માઇક્રોબાયોમજ બીમારીઓનું કારણ બને છે. આમ છતાંય આ માઇક્રોબાયોમ સ્વસ્થ રહેવા માટે પણ જરૂરી છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકાની બલજર કોલેજ ઓફ મેડિસિનના પ્રોફેસર મેંગ વાગ આ માઇક્રોબાયોમની મદદથી બુઢાપાને રોકવા પર સંશોધન કરી રહ્યાં છે. તેના માટે શરૂઆતમાં તેમણે ખાસ પ્રકારના એવા કીડાઓની પસંદગી કરી, જેની ઉંમર બહુ ઓછી હોય છે. તેમણે આ કીડાઓની આડમાં પોષાતા બેક્ટેરિયાને બીજા પ્રકારના કીડાઓમાં નાંખી દીધા. તે પછી જે કીડાઓ ત્રણ સપ્તાહમાં મરી જવા જોઇતા હતા, તે આ બેક્ટેરિયાની મદદથી જીવતા હતા એટલું જ નહીં, પણ તે એકદમ સ્વસ્થ પણ હતા. હવેપ્રોફેસર મેંગ વાગ આ જ સંશોધન ઉંદરો પર કરી રહ્યા છે. જો ઉંદરો પર પણ આ સંશોધન સફળ રહ્યું તો આ બેક્ટેરિયાની મદદથી એવી ગોળિયો બનાવવામાં આવી શકે છે કે જેના પ્રયોગથી માણસની ઉંમર 100થી 200 વર્ષ સુધીની થઇ શકે છે.

ઉંમર વધારવા માટેના પ્રયોગો

વિશ્ર્વમાં કોઇ મનુષ્ય એવો નથી જેનું મૃત્યુ ન થાય કે તેને બુઢાપો ન આવે. સિવાય કે યુવાનીમાં કે પ્રૌઢાવસ્થામાં તેનું મૃત્યુ થાય. દરેકના જીવનમાં વૃદ્ધાવસ્થાનો તબક્કો આવવો નિશ્ર્ચિત છે. ખાસ વાત એ છે કે કોઇ પણ મનુષ્યને આ તબક્કો જીવવો નથી ગમતો. બુઢાપામાં લોકો શારીરિક રીતે બહુ કમજોર થઇ જતા હોય છે અને બીજા પર નિર્ભર થઇ જતા હોય છે. આવું જીવન કોઇ મનુષ્ય જીવવા નથી માગતું. આથી જ મનુષ્યને બદલે હવે રોબોટ કામ કરતા થઇ ગયા છે તેવી ઘણી શોધો કર્યા પછી પૂરી દુનિયાના વૈજ્ઞાનિકો હવે મનુષ્ય પોતાને લાંબો સમય યુવાન રાખી શકે તેના પર ઘણું બધું સંશોધન કરી રહ્યા છે. જો તેમને આ સંશોધનમાં સફળતા મળે તો એવું ભવિષ્ય જોવા મળશે જ્યારે લોકો તેમની વૃદ્ધાવસ્થાને ટાળી શકશે. લો બોલો, છે ને આનંદ વિભોર થવાની વાત?

વિશ્ર્વમાં રોજ એક લાખ મૃત્યુ થાય છે

એક અહેવાલ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં કેન્સર, અલ્જાઇમર, હાડકાંની વિવિધ બીમારીઓ અને અંગોના ખરાબ થવાના કારણથી દુનિયાભરમાં પ્રતિદિવસ લગભગ એક લાખ લોકોના મોત થઇ જાય છે. એ જ કારણે બુઢાપાને રોકવા માટે ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો શોધ કરી રહ્યા છે. અત્યાર સુધીના સંશોધનમાં એટલું જાણવા મળ્યું છે કે બુઢાપાને રોકવા માટે કેટલાક ખાસ પ્રકારના કીડાઓ એને થ્રીડી પ્રિન્ટેડ ઑર્ગન્સ (આર્ટિફિશિયલ એન્ડ પોર્ટેબલ ઓર્ગન્સ)ની મુખ્ય ભૂમિકા હોઇ શકે છે.

મૃત્યુ વિશે વિજ્ઞાનીઓનો મત

મૃત્યુ અંગે વિજ્ઞાનીઓનો એક જ મત છે. તેમનો સ્પષ્ટ મત છે કે મૃત્યુને ટાળી શકાય નહી. જીવનને લંબાવવા પર સંશોધન થઇ શકે છે, પણ મૃત્યુને ટાળીને અમર બનવાની કલ્પના પણ કરી શકાય નહીં. એવામાં આ બધી શોધોનો મુખ્ય ઉદૃેશ એ છે કે જિંદગી ભલે જેટલી લાંબી કેમ ન હોય પણ તે સ્વસ્થ અને ખુશહાલ હોવી જોઇએ.

બુઢાપોમાણસને કેમ કમજોર કરી દે છે?

ચિકિત્સકોના જણાવ્યા અનુસાર એક ખાસ ઉંમર સુધી શરીરમાં કોશિકાઓ બનવાનો સિલસિલો ચાલતો રહે છે. ઉંમર વધવાથી કોશિકાઓને બનવાનો એ સિલસિલો ધીમો પડી જાય છે. એવામાં શરીરમાં બેકાર કોશિકાઓ એકત્ર થવા લાગે છે, જે બુઢાપાનું કારણ બને છે. ચિકિત્સકો એવું પણ કહે છે કે વધારે બીમાર રહેનાર લોકોને બુઢાપો જલદી આવી જાય છે.

કોશિકાઓને સ્વસ્થ રાખવા માટે સંશોધન

આથી કેટલાક દેશોમાં એવા રસાયણોની શોધ ચાલી રહી છે જેની મદદથી વૃદ્ધ થઇ રહેલી મનુષ્યની કોશિકાઓને ફરીથી જવાન કરી શકાય. તે સાથે જ હયાત કોશિકાઓને લાંબા સમય સુધી બુઢી થવાથી રોકી શકાય. તેનાથી માણસની ઉંમર બહુ લાંબી થઇ શકે છે. સાથે જ ઘણી બધી બીમારીઓથી પણ તેને નિપટાવી શકાય છે.

અત્યારે પણ મનુષ્યની ઉંમર બે ગણી વધી ગઇ છે

વિશ્ર્વભરમાં માણસની સરેરાશ ઉંમર 19મી સદી સુધી લગભગ 40 વર્ષ હતી. ઘણી બધી જટિલ બીમારીઓ પર કાબૂ મેળવ્યા પછી દુનિયાભરમાં માણસની ઉંમર વધી છે. પહેલા એવી ઘણી બીમારીઓ હતી, જેનો ઇલાજ થઇ શક્તો નહોતો. આથી મોટી સંખ્યામાં લોકોનું એ બીમારીઓને કારણે વહેલી ઉંમરમાં મૃત્યુ થઇ જતું હતું. ઉત્તરીય યુરોપના લોકોની સરેરાશ ઉંમર 80 વર્ષ સુધી પહોંચી ચૂકી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર બહુ જલદી પૂરી દુનિયામાં માણસની સરેરાશ ઉંમર 80 વર્ષ સુધીની થઇ જશે. આ રીતે ભવિષ્યમાં માણસ બુઢાપાને લાંબો સમય સુધી ટાળવામાં સક્ષમ થઇ જશે, જેનાથી સરેરાશ ઉંમરમાં તેનો વધારો થશે.

દાંતોમાં છુપાયેલું છે લાંબી ઉંમરનું રહસ્ય

ચિકિત્સકોના જણાવ્યા અનુસાર સ્વસ્થ તબિયત અને લાંબી ઉંમરનું રહસ્ય દાંતોમાં છુપાયેલું છે. જો દાંત મજબૂત હોય તો તમે કોઇ પણ સારું ખાવાનું સરળતાથી ચાવીને ખાઇ શકો છો. સારું ખાવાનું ખાવાથી સેહત અને યાદશક્તિ લાંબા સમય સુધી સારી રહે છે. અત્યારે પણ લાંબી ઉંમર સુધી જીવનાર વડીલોના દાંત ઘણી ઉંમર સુધી મજબૂત રહે છે. ભવિષ્યમાં તેમાં વધારે સુધારો થવાની આશા છે. વર્તમાનમાં દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા હોવાનો રેકોર્ડ ફ્રાંસની જ્યાલુઇ કાલમેન્ટના નામે છે. વર્ષ 1997માં જ્યારે તેનું મૃત્યુ થયું, ત્યારે તે 122 વર્ષની હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તેના પછીના 21 વર્ષમાં માણસને સ્વસ્થ રહેવા માટેની રીત-રસમોમાં ઘણો વિકાસ થઇ ગયો છે.

બુઢાપાને રોકવા માટે મદદરૂપ થશે આર્ટિફિશિયલ અંગ ટ્રાન્સપ્લાન્ટ

બુઢાપાને મહાત આપવા માટે કામ કરી રહેલા વૈજ્ઞાનિકોને રિસર્ચમાં એ જાણવા મળ્યું છે કે વૃદ્ધોના મૃત્યુનું એક મોટું કારણ એ પણ છે કે તેમના શરીરના નાજુક અંગો ખરાબ થઇ જાય છે. તેમાંહૃદય,લિવર અને કિડની જેવા મહત્ત્વપૂર્ણ અંગો શામેલ હોય છે. અંગોને જેટલો લાંબો સમયસ્વસ્થ રાખી શકાય, તેટલો સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકાય. તેમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સૌથી સફળ કારણ બની શકે છે. પૂરા વિશ્ર્વમાં વૃદ્ધોની સંખ્યા બહુ વધારે અને અંગદાનકર્તાઓની સંખ્યા ઘણી ઓછી હોવાને કારણે તે બહુ જટિલ પ્રક્રિયા સાબિત થાય છે. દાનવીરો અને લેનાર વ્યક્તિના અંગો મેચ ન થાય તો તે વધુ પડકારરૂપ બની જાય છે.

ભારતમાં થઇ રહ્યું છે આનું મહત્વનું સંશોધન

આર્ટિફિશિયલ અને પોર્ટેબલ અંગ બનાવવાની દિશામાં ભારતના બાયોફિજિસ્ટ તુહિન ભૌમિક એક મહત્ત્વના સંશોધન પર કામ કરી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે તેમના મત અનુસાર દર્દીનું એમઆરઆઇ અને સિટી સ્કેન કરીને તેના અંગોના અંદરથી ચોક્કસ કદ જાણીને તે એમઆરઆઇ અને સિટી સ્કેનથી પ્રાપ્ત થયેલા ડેટાને કમ્પ્યુટરમાં ફીડ કરીને તે જ આકારના ખાસ થ્રીડી પ્રિંટિંગ દ્વારા અંગ બનાવી શકાય છે. તેના માટે થ્રીડી પ્રિંટિંગમાં ઉચ્ચ ગુણવત્તાવાળી શાહીનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રોટીન અને દર્દીના શરીરની કોશિકાઓથી બનેલી હોય છે. તુહિન ભૌમિકનું માનવું છે કે એવામાં આ વાતનો અણસાર બહુ ઓછો આવે છેકે આ રીતે શાહીથી બનેલા થ્રીડી પ્રિન્ટેડ આર્ટિફિશિયલ અંગ દર્દીના શરીરમાં સાચી રીતે કામ ન કરે. આ શાહીના થ્રીડી પ્રિંટિંગમાં ઉપયોગ કરવા માટે તુહિન ભૌમિકે એક ખાસ પ્રકારનું સાધન બનાવ્યું છે.

આ સંશોધનથી 135 વર્ષનું થઇ શકે છે આયુષ્ય

તુહિન ભૌમિક અને તેમની ટીમ પહેલુંહ્યુમન લિવરબનાવી ચૂકી છે. હવે તેઓ પોર્ટેબલ મિનિએચર લિવર બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે, જેની મદદથી દર્દી સ્વસ્થ માણસની જેમ ક્યાંય પણ આવી જઇ શકે છે. આગામી 10 વર્ષમાં તેમનો પ્રયાસ આ આર્ટિફિશિયલ લિવર બનાવવાનો છે, જેને દર્દીના શરીરમાં પ્રાકૃતિક લિવરની જેમ ફીટ કરી શકાશે. ભૌમિકનું અનુમાન છે કે તે જો આ લિવર બનાવવામાં સફળતા મેળવશે તો માણસની ઉંમર 135 વર્ષ સુધીની થઇ શકે છે.

સ્રોત..સૌજન્ય..

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=456164

 

૧૨૬૦- ધીમે ચાલ જિંદગી, મારાથી હાંફી જવાય છે. …સંકલિત

(એક મિત્રના વોટ્સેપ સંદેશમાંથી …ગમેલાનો ગુલાલ ….)

વોટ્સેપ પર એક મિત્ર તરફથી કોઈ અજ્ઞાત કવિ રચિત  નીચેની અછાંદસ રચના મળી એ વાંચતાં જ મને ગમી ગઈ.આ રચનામાં જીવન સંધ્યાએ પહોંચેલા અનેક વૃદ્ધ વ્યક્તિઓની હૃદયની વાણી ( કે વ્યથા !) પડઘાય છે.

 

 

 

 

ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે.

તુ દોડતી જાય છે ને મારા થી ચલાતું પણ નથી ,

માટે

ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે

 

ઘણા બધા સપનાઓ છે મારી આંખો માં,

થોડાક તેં બતાવેલા , થોડાક મેં સંઘરેલાં, 

કેટલાક સબંધો છે

મારી સાથે જોડાયેલા , 

ઘણા બધા ઈશ્વરે આપેલા ,

ને થોડા મેં બનાવેલા , 

એ બધા મારાથી

છૂટી ન જાય એ માટે

ધીમે ચાલ જિંદગી

મારા થી હંફાઈ જવાય છે .

 

કેટલીક લાગણીયો છે હૃદયમાં ,

ઘણી બધી ગમતી થોડીઘણી અણગમતી, 

કેટલીક જવાબદારીઓ છે ,

થોડીક જબરદસ્તી થોપેલી ,

થોડીક મેં સ્વીકારેલી,

એ બધાનો ભાર ઉંચકી ને

ચાલી શકુ એ માટે

ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે .

 

કેટલાકના હૃદય માં સ્થાન બનાવવું છે ,

ને ઘણાયનુ હૃદયમાં સ્થાન ટકાવવું છે , 

કુદરત ની સુંદરતા ને માણવી છે ,

ને કંઈક કરી બતાવવુ છે , 

જવાબદારીઓ સાથે પોતાના સપના

પણ પુરા કરી શકું એ માટે 

ધીમે ચાલ જિંદગી

મારાથી હાંફી જવાય છે .

 

કોઈને કડવાશથી યાદ કરું

એવા વ્યવહાર ટાળ્યા છે ,

લોકોના હૃદયમાં હંમેશા મુસ્કુરાતી યાદ બની ને રહું

એવા પ્રયત્ન કર્યા છે ,

ભૂલથી પણ

કોઈના હૃદય ને ઠેસ ન પહોચે

એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે , 

એ પ્રાર્થના ને વાસ્તવિકતામાં

જોઈ શકું એ માટે

ધીમે ચાલ જિંદગી

મારાથી હાંફી જવાય છે .

 

રેતની જેમ સમય

મુઠ્ઠીમાંથી સરકે છે ,

આજે સાથે ચાલીયે છીએ

કાલે સાથ છૂટી જાય , ખુબ પ્રેમ કરુ છું તને ,

આપણા બંન્ને નો સાથ યાદગાર બને એ માટે 

ધીમે ચાલ જિંદગી

મારાથી હાંફી જવાય છે ,

મારાથી ખરેખર હાંફી જવાય છે ..

નીચેની અંગ્રેજી રચનામાં જીવનને સકારાત્મક દ્રષ્ટીએ જોઇને જીવવાનો ભાવ છે

એ ગમે એવો છે. 

Life …

Life can seem ungrateful and not always kind

Life can pull at your heartstrings and play with your mind

 

Life can be blissful and happy and free

Life can put beauty in the things that you see

 

Life can place challenges right at your feet

Life can make good of the hardships that we meet

 

Life can overwhelm you and make your head spin

Life can reward those determined to win

 

Life can be hurtful and not always fair

Life can surround you with people who care

 

Life clearly does offer its ups and its downs

Life’s days can bring you both smiles and frowns

 

Life teaches us to take the good with the bad

Life is a mixture of happy and sad 

So….. 

Take the life that you have and give it your best

Think positive, be happy let God do the rest

 

Take the challenges that life has laid at your feet

Take pride and be thankful for each one you meet

 

To yourself give forgiveness if you stumble and fall

Take each day that is dealt you and give it your all

 

Take the love that you’re given and return it with care

Have faith that when needed it will always be there

 

Take time to find the beauty in the things that you see

Take life’s simple pleasures let them set your heart free

 

The idea here is simply to even the score

As you are met and faced with Life’s Tug Of War

 Author unknown

 

 

 

1238 – સુખઃ હક પણ, ફરજ પણ! …….. શ્રી દીપક સોલિયા

સુખઃ હક પણ, ફરજ પણ! ……દીપક સોલિયા

જેટલા ટિખળી અને ચટાકેદાર એટલા જ ગંભીર અને અભ્યાસુ એવા લેખક ખુશવંત સિંઘે ૯૫ની ઉંમરે એક પુસ્તક લખેલું, ‘એબ્સોલ્યુટ ખુશવંત’. એમાં એક જગ્યાએ એમણે સુખી થવા વિશે કેટલીક સીધીસાદી સલાહો આપેલી.

સાડા નવ દાયકાના જીવનના નિચોડ જેવી એમની આ ‘વડીલસહજ’ સલાહો ખૂબ વખણાઈ છે. તમે કદાચ એ વાંચી હોય તો પણ ફરી એક વાર એ વાંચી જવા જેવી છે, કારણ કે આજે છે દિવાળી અને કાલથી શરૂ થાય છે નવું વર્ષ. આવા મસ્ત મજાના માહોલમાં ખુશીની ચાવી ચીંધતી આ ખુશવંતી સલાહો વિશે શાંતિથી બેસીને થોડું વિચારશો અને એનો યથાશક્તિ અમલ કરશો તો ફાયદામાં રહેશો.

૧) સૌથી પહેલી તબિયત.

તમારી તબિયત સારી નહીં હોય તો તમે સુખી નહીં જ થઈ શકો. બીમારી ગમે તેટલી નાનકડી હશે તો પણ એ તમારા સુખમાંથી થોડી બાદબાકી કરશે જ.

૨) બીજી વાત છે, હેલ્ધી બેન્ક બેલેન્સ.

જરૂરી નથી કે તમારી પાસે કરોડો રૂપિયા હોવા જોઈએ, પરંતુ કમસે કમ એટલા રૂપિયા તો હોવા જોઈએ જેથી તમારી મૂળભૂત સગવડો સચવાઈ જાય. આ ઉપરાંત, બહાર જમવા જવું, ફ્લ્મિો જોવા જવું, પર્વતોમાં કે દરિયાકાંઠે ફરવા જવું… આવા મનોરંજનો માટેના પૈસા હોવા પણ જરૂરી છે. નાણાંભીડ બૂરી ચીજ છે. એ માણસને ભાંગી નાખે છે. ઉધારી પર જીવવું એ અપમાનજનક છે. ઉછીના પૈસે જીવવાથી લોકોની તો ઠીક, આપણી ખુદની નજરમાંથી પણ આપણે ઉતરી જઈએ છીએ.

૩) ત્રીજી વાત, તમારું પોતાનું ઘર

ભાડાના ઘરમાં તમને આરામ અને સુરક્ષાનો એ અનુભવ નહીં થાય જે પોતાની માલિકીના ઘરમાં થશે. ઘરમાં એક બગીચો પણ હોય તો ઉત્તમ. જાતે જ ઝાડ ઉગાડો, ફૂલવાળા છોડ ઉગાડો અને એમને ઉગતાં નિહાળો. એ ઝાડ-પાન સાથે એક પ્રકારની દોસ્તી કેળવો.

૪) ચોથી વાત છે, સમજુ સાથી.

એ જીવનસાથી પણ હોઈ શકે કે મિત્ર પણ હોઈ શકે. જો તમારા સંબંધમાં બહુ બધા વાંધા વચકા હશે તો એ તમારી માનસિક શાંતિ હણી લેશે. સતત ઝઘડવા કરતાં તો છૂટાછેડા લઈ લેવા સારા.

૫) પાંચમી વાત,તમારાથી આગળ નીકળી ગયેલા લોકોથી જલવાનું બંધ કરો.

તમારાથી વધુ સફ્ળતા, વધુ પૈસો, વધુ ખ્યાતિ મેળવનારાઓ સાથે તમારી જાતને સરખાવો નહીં. ઇર્ષ્યા માણસને કોરી ખાનારી ચીજ છે.

૬) છઠ્ઠી વાત એ કે કુથલીખોરોને છેટા રાખો.

આવા લોકો તમારા મગજમાં ઝેર ભરે છે. તમે એનાથી પીંડ છોડાવો ત્યાં સુધીમાં એ લુચ્ચી-ટુચ્ચી વાતો સંભળાવી-સંભળાવીને તમને થકવી નાખે છે.

૭) સાતમી વાત એ કે એકાદ-બે શોખ કેળવો.

એવા શોખ, જે તમને આંતરિક સમૃદ્ધિનો અહેસાસ કરાવે, જેમ કે, બાગકામ, વાંચવું, લખવું, ચિત્રો દોરવા, રમવું કે સંગીત સાંભળવું. બાકી, ક્લબો કે પાર્ટીઓમાં જવું, મફ્તનું ખાવું-પીવું, મોટા મોટા માણસોને મળવું… આ બધામાં સમય બગાડવો એ તો અપરાધ છે, અપરાધ. (એને બદલે) એવી કશીક પ્રવૃત્તિ પર ધ્યાન આપો જેમાં ગાળેલો સમય લેખે લાગે, સાર્થક બની રહે. મારા કેટલાંક પરિવારજનો અને મિત્રો એમનો આખો દિવસ રખડતાં કૂતરાંઓની કાળજી લેવામાં ગાળે છે. એમને ખાવાનું આપે છે, દવાઓ આપે છે. બીજા કેટલાંક મોબાઈલ ક્લિનિક ચલાવે છે. એમાં તેઓ માંદા માણસો તેમ જ પશુઓને મફ્તમાં સારવાર આપે છે.

૮) આઠમી વાત એ કે રોજ સવારે અને સાંજે ૧૫ મિનિટ આત્મનિરીક્ષણ માટે ફળવો.

સવારના આત્મનિરીક્ષણ વખતે દસ મિનિટ મગજ એકદમ સ્થિર રાખવું અને બાકીની પાંચ મિનિટોમાં દિવસ દરમિયાન કરવાના કામો વિશે વિચારવું. સાંજે (આનાથી ઊલટું) પાંચ મિનિટ મગજ સ્થિર કરવા પર ધ્યાન આપવું અને પછી દિવસમાં કરવા ધારેલા કામો વિશે દસ મિનિટ વિચારવું.

૯) નવમી વાત, ભડકો નહીં (ડોન્ટ લૂઝ યોર ટેમ્પર).

વાતે વાતે મગજ ફટકવું, મનમાં ડંખ રાખવો… આ બધાથી બચવાની કોશિશ કરો. કોઈ મિત્ર તમારી સાથે તોછડાઈથી વર્તે તો પણ એ આખી વાતને અવગણીને આગળ વધી જાવ.

૧૦) સૌથી મહત્ત્વની વાત એ કે

જ્યારે જવાનો સમય આવી પહોંચે ત્યારે તમને કોઈ અફ્સોસ ન હોવો જોઈએ કે કોઈની સામે કશી ફરિયાદ ન હોવી જોઈએ. ઇકબાલે એક શેરમાં કહેલું કે સાચો ભક્ત એ છે જેના ચહેરા પર મરતી વખતે સ્મિત હોય.

આ લખ્યાના ત્રણેક વર્ષ પછી, ૯૮ પૂરા થવા આવ્યા ત્યારે ખુશવંત સિંઘે ‘ડેક્કન હેરાલ્ડ’ અખબારમાંની એમની કોલમમાં ફરી સુખની દસ ચાવીઓ આપી, જેનો સાર આ પ્રમાણે છેઃ

▪રોજ મસાજ કરાવો. ઝાઝા તેલની જરૂર નથી. બસ, મજબૂત હાથ તમારા આખા શરીર પર ફરી વળે…
▪ખાવા-પીવાનું ઘટાડો…
▪ખાવા બાબતે ચુસ્ત રૂટિનનું પાલન કરો…
▪અન્ય ફ્ળો કરતાં જામફળનો રસ શ્રેષ્ઠ છે…
▪રાતે જમતા પહેલાં તમારી જાતને કહોઃ ઓછું ખાજે, ઓછું ખાજે…
▪થોડું ચૂર્ણ લેવાનું રાખો…
▪એકલા જમો, શાંતિથી જમો…

ઇડલી-ડોસા આરોગ્ય માટે સારાં છે અને પચવામાં હલકાં છે…
કબજિયાતથી કોઈપણ ભોગે બચો. રેચક દવા, એનિમા, ગ્લિસરીન વગેરે કોઈપણ ઉપાય અજમાવીને પણ કબજિયાતથી બચો…
▪મનની શાંતિ માટે હેલ્ધી બેન્ક બેલેન્સ જાળવો…
▪વાતે વાતે ખીજાઈ ન જાવ…
▪જૂઠું ન બોલો…
▪આત્માને એકદમ સ્વચ્છ રાખો અને ઉદારતાથી આપી છૂટો. તમારી પાસે જે છે તે સંતાનોને, નોકરોને કે દાનરૂપે આપો, પણ બસ, આપો…
▪પ્રાર્થનામાં ડૂબેલા રહેવા કરતાં બાગકામ કરો, બાળકોને મદદરૂપ બનો.

તો, બીજી વારની આ સલાહોમાં, વધુ વૃદ્ધ થયેલા ખુશવંત સિંઘે આરોગ્ય અને આહાર પર વધુ ભાર મૂક્યો. બરાબર છે. ઉંમર સાથે માણસની અગ્રિમતાઓ બદલાય.

ખેર, ખુશવંત સિંહની આ ઠરેલ અને દુન્યવી સલાહો વિશે વિચારજો. આ ઉપરાંત, મારું પણ એક સૂચન એ છે કે જીવનમાં સુખી થવું હોય તો જાત સાથે ઝઘડા ન કરવા. આ લેખ શ્રેણીમાં આપણી વાત એ ચાલી રહી હતી કે પ્રેમમાં લોચા શા માટે પડે છે? સંબંધોમાંથી જોઈએ તેટલું સુખ શા માટે નથી મળતું? આ મામલે છેલ્લે એ વાત કરેલી કે જે માણસ પોતાને નથી ખમી શકતો એ અન્યને ક્યારેય નહીં ખમી શકે. જે માણસ પોતાની જાતને સાચી રીતે ચાહી નથી શકતો એ અન્યને ક્યારેય ચાહી ન શકે. આ નિયમ ન્યુટનના નિયમો જેવો જ એક અફર નિયમ છે. ટૂંકમાં, સુખની એક મહત્ત્વની શરત આ છેઃ જાતનો સ્વીકાર, જાત સાથે દોસ્તી.

એક વાત ખાસ સમજી લો કે સુખી થવું એ આપણો હક તો ઠીક, ફરજ પણ છે. આપણે પોતાની જાતને જ સુખી ન રાખી શકીએ તો બીજાને શું ધૂળ સુખી કરવાના? જે માણસ પોતે અંદરથી સુખ-સંતોષનો અનુભવ નહીં કરે એને જીવનમાં ક્યારેય સાચો પ્રેમ, સાચી દોસ્તી નહીં મળે. લખી રાખો.

-દીપક સોલિયા 

શ્રી દીપક સોલિયા ગુજરાતી પત્રકારત્વમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં ’અંતર્યાત્રા’, ’સો વાતની એક વાત’ તથા અત્યારે ’કળશ’ પૂર્તિમાં આવતી ’ક્લાસિક’ કોલમથી વધુ જાણીતા છે. અઘરામાં અઘરી વાતને એકદમ સરળતાથી, સોંસરવી રીતે રજૂ કરી શકવાની આ લેખકની ક્ષમતા કાબિલેદાદ છે.