એ એક જાણીતી હકીકત છે કે ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે.ગુજરાતીઓની મુખ્ય બે ચિંતાઓ હોય છે. એક તો વજન વધી ગયું છે એને કેવી રીતે ઉતારવું અને બીજી ચિંતા હોય છે કે આજે ખાવામાં શું નવું છે !ખાવાની વાનગીઓની નવીનતામાં ગુજરાતી માનતો હોય છે.પરદેશી વાનગી પીઝા જેવી ખાવાની વાનગીઓમાં અલગ સ્વાદ ઉમેરીને ખાવાની કમાલ તો ગુજરાતીઓમાં જ જોવા મળે !
આજે કોઈ પણ પ્રખ્યાત ગુજરાતી રેસ્ટોરંટની ગુજરાતી થાળીની વાનગીઓની વિવિધતામાં ગુજરાતીઓનો ખાવાનો શોખ જોઈ શકાય છે.જુઓ આ વિડીયો.
ગુજરાતીઓ રૂપિયા કમાવાના માહિર તો હોય જ છે એની સાથે એમનો ખાવાનો શોખ ખૂબ જાણીતો છે.રજાઓમાં ફરવા જાય ત્યારે પણ સાથે આખા કુટુંબ માટે ખૂબ બધા નાસ્તા લઈને જતા હોય છે.ડબ્બાઓ ભરીને સેવ મમરા, ઢેબરાં,ગાંઠિયાં,સુખડી,પૂરીઓ, અથાણાં વિ.સાથે લઈને નીકળે છે.ટ્રેન ઉપડવાના અડધા કલાકમાં જ આખું કુટુંબ લહેજતથી નાસ્તાઓ ઝાપટવા માંડે છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
ગુજરાતીઓના એક બીજા ફરવાના શોખના કારણે તેઓ પરદેશની ટૂરમાં જાય તો ત્યાં પણ એમને ગુજરાતી થાળી અને અન્ય વાનગીઓ ખાવા માટે ઉપલબ્ધ બને છે.
અમેરિકામાં જ્યાં જ્યાં ગુજરાતીઓની વસ્તી વધુ હોય એવા ન્યુ જર્સી ,ન્યુયોર્ક,શિકાગો,લોસ એન્જેલસ,સાન ફ્રાંસીસ્કો જેવા શહેરોમાં ગુજરાતીઓની રેસ્ટોરન્ટો ધૂમ કમાણી કરતી હોય છે.આની પાછળ ગુજરાતીઓનો ખાવાનો શોખ કારણભૂત હોય છે.
ગુજરાતીઓ પરદેશના પ્રવાસે જાય ત્યારે પણ વિમાનમાં ડબ્બા ખોલીને ઘેરથી લાવેલો નાસ્તો કરતા જોવા મળે છે.એ વખતે વિમાનમાં એમની ઢેબરાં અથાણાં જેવી વાનગીઓની સુગંધ (કે ગંધ !)પ્રસરી જતી હોય છે અને અન્ય પ્રવાસીઓનું પણ ધ્યાન ખેંચે છે.!છતાં ખાવાના શોખ પાછળ ગુજરાતીઓ લાચાર હોઈ એને તેઓ નજર અંદાજ કરે છે.
લગ્નના જમણવારમાં ગુજરાતીઓનો ખાવાનો શોખ નજરે પડે છે.આજકાલ થતાં ગુજરાતીઓના લગ્ન પ્રસંગોએ એટલી બધી વિવિધતા ગુજરાતી વાનગીઓમાં હોય છે એટલી કદાચ બીજે જોવા નહિ મળે.
મારા એક વોટ્સેપી મિત્રે મને હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસના હાસ્ય પ્રોગ્રામનો એક કોમેડી વિડીયો મોકલ્યો છે એમાં ડો. અવનીએ ગુજરાતીઓના ખાવાના શીખને એમની આગવી રીતે સરસ રજુ કર્યો છે.
આ કોમેડી વિડીયો ડો. અવની વ્યાસ અને રામ ઓડિયોના આભાર સાથે
નીચે પ્રસ્તુત છે. આપને એ જરૂર ગમશે.
ખાવા માટે તો જીવી છીએ
Gujarati Comedy Video 2019 – Ram Audio
Artist:Dr.Avani Vyas .Script:Jitendra Vyas…
ડો.અવની વ્યાસના આવા બીજા કોમેડી વિડીયો જોવા માટે એમની
જ્યોતીન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,તારક મહેતા, વિનોદ ભટ્ટ અને ડાયાસ્પોરા હાસ્ય લેખક હરનીશ જાની જેવા ગુજરાતી સાહિત્યના જાણીતા અને માનીતા હાસ્ય લેખકો આજે સદેહે વિદાય થયા છે.
ગુજરાતી સાહિત્યમાં હવે જે થોડા આંગળીને વેઢે ગણી શકાય એટલા જુના નવા હાસ્ય લેખકો છે એમાં શ્રી રતિલાલ બોરીસાગર મોખરે છે.
વાચકને મરક મરક હસાવે તેવું હાસ્ય-સર્જન કરનાર શ્રી રતિલાલ બોરીસાગરનો એક હાસ્ય લેખ માણો .
બે-ત્રણ મહિના પહેલાં, કાળઝાળ ઉનાળાની એક સવારે અગિયાર વાગ્યાના સુમારે એક મિત્ર પરસેવો લૂછતાં-લૂછતાં પધાર્યા : કહે, ‘આજે મલાઈ વગરના દૂધની ચા નહિ, પણ મલાઈથી ભરપૂર આઇસક્રીમ ખાવો છે મગાવો.’ મિત્ર હકપૂર્વક આઇસક્રીમ માગી શકે એટલા નિકટના મિત્ર છે. એમના પૈસા મારા પૈસા હોય. તે જ રીતે મેં વાપર્યા છે અને એમણે અત્યંત ઉમળકાથી વાપરવા દીધા પણ છે; પરંતુ, વજન ઓછું કરવા કડક પરેજી પાળતા ડાયેટિંગ માટે લગભગ ‘ડાઈ’ થવા સુધી ‘ઇટિંગ’ તજનાર આ મિત્ર આજે આઇસક્રીમ માગી રહ્યા હતા તેથી મને નવાઈ લાગી.
‘નવાઈ ન પામશો. મારા મગજને કશું નુકસાન થયું નથી ઊલટું મારા મગજમાં ઇચ્છવાયોગ્ય સુધારો થયો છે. આજથી ડાયેટિંગ-બાયેટિંગ બંધ! બસ, ખાવ, પીવો અને જલસા કરો.’ મિત્રએ કહ્યું.
‘પણ કેમ? કેમ?’ પાકિસ્તાન ત્રાસવાદી પ્રવૃત્તિ બંધ કરે એ જેટલું અશક્ય છે એટલું જ મિત્ર ડાયેટિંગ બંધ કરે એ અશક્ય છે એમ હું માનતો હતો.
‘જુઓ, વાંચો!’ કહી મિત્રે એક અંગ્રેજી સાપ્તાહિક મારા હાથમાં પકડાવ્યું.
‘ત્યારે તમે જ વાંચી દો ને! મારાં ચશ્માં બે દિવસથી જડતાં નથી!’ મેં કહ્યું.
‘જુઓ,’ મિત્રે સાપ્તાહિકમાં જોઈને કહ્યું, ‘ઇંગ્લૅન્ડમાં એક માણસ મોટી ફાંદને કારણે બચી ગયો કંઈક લાકડાનો અણીદાર ટુકડો એના પેટમાં ઘૂસી ગયો. પણ મોટા ઘેરાવાવાળી ફાંદને કારણે અંદરના અવયવોને કશું નુકસાન ન થયું. બોલો! આ વાંચીને મને થયું કે હું નાહક્ધાો આવી જીવરક્ષક ફાંદ ઘટાડવા ભૂખે મરીને જીવ કાઢી નાખવા તૈયાર થયો છું. નહિ! નહિ! આજથી ડાયેટિંગ બંધ ચાલો, મગાવો આઇસક્રીમ.’
‘આઇસક્રીમ તો મગાવું પણ ખરેખર તો આ ખુશીના મોકે તમારે ત્યાં આઇસક્રીમ પાર્ટી જ નહિ, રસપુરીનાં જમણ અને ઉપરથી બે ત્રણ કચોળાં આઇસક્રીમ એવું રાખવું જોઈએ.’ મેં કહ્યું.
‘રાખીશું, ભાઈ! રાખીશું. પણ એ પહેલાં મારે ઘરનાંઓનો મત કેળવવો પડે. તમે જાણો છે કે આ કામ થોડું અઘરું છે. એટલે હમણાં તો આ રીતે ‘આઉટડોર શૂટિંગ’ જ રાખવું પડે તેમ છે. આજે સાંજે આપણે, વાત ખાનગી રાખી શકે તેવા બે-ચાર મિત્રો સાથે હોટેલમાં જઈશું ને બિલ હું ચૂકવીશ.’
આ મિત્ર મારા બાળપણના સાથી છે. અમે સાથે મોટા થયા. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સાથે ભણ્યા અને વર્ષો પછી ફરી અમદાવાદમાં ભેગા થઈ ગયા. ઘણાં વરસ પછી અમદાવાદમાં એમને પહેલવહેલી વાર મળવાનું થયું ત્યારે એમની શારીરિક સમૃદ્ધિ જોઈ હું આભો બની ગયો હતો. એ ગોળમટોળ તો નાનપણથી જ હતા, પણ હવે તો એ એટલા બધા ગોળમટોળ થઈ ગયા છે કે માત્ર મોઢા પરથી જ ખબર પડે કે કઈ બાજુથી ચત્તા છે! પહેલવહેલી વાર મળ્યા ત્યારે મેં એમને હસતાં હસતાં કહેલું કે ‘તમે એલિસબ્રીજ પરથી ન નીકળશો.’
‘કેમ? એ પુલ તો બહુ મજબૂત ગણાય છે.’
‘એ ખરું, પણ એ પુલ પરથી ભારે વાહનો લઈ જવાની મનાઈ છે.’ આ સાંભળી એ મોકળે મને હસી પડેલા.
જ્યોતીન્દ્ર દવેએ એમના એક લેખમાં એક મહાશયના વિશાળ પેટનું વર્ણન કરતાં લખ્યું છે કે ‘પેટ એમના શરીરનો ભાગ નહિ, પણ એમનું શરીર એમના પેટનો પેટા ભાગ હોય એમ મને લાગ્યું.’ અમારા મિત્રનું પેટ પણ આવું જ વિશાળ છે. એમને મળનાર દરેક વ્યક્તિની પહેલી નજર એમના પેટ પર જ પડે છે, એટલું જ નહિ, પેટ પર થોડીવાર સ્થિર પણ થઈ જાય છે. મિત્ર આનંદી બહુ છે. બાળકો સાથે બાળકો જેવા બની જાય છે. તેઓ જમીન પર ઊંધા સૂએ છે (જોકે બહુ થોડી વાર માટે જ ઊંધા સૂઈ શકે છે) ત્યારે પેટ જાણે ધરી હોય એમ એમનું શરીર જમીનથી અધ્ધર રહે છે. એમનાં પૌત્ર-પૌત્રી પગ વડે એમને ગોળગોળ ફેરવી આનંદનો ખજાનો લૂંટે છે.
પણ ઉંમર વધવા સાથે ડૉક્ટરો એમને ચેતવણી આપવા માંડ્યા કે ‘શરીર ઘટાડો, શરીર ઘટાડો!’ એ બિચારા ડૉક્ટરોની વાતમાં આવી ગયા. કડક ડાયેટિંગ કરતાં કરતાં બિચારા અધમૂઆ થઈ ગયા. બિચારા કહેતા, ‘આ ડાયેટિંગને કારણે આઇ વીલ ડાઇ વિધાઉટ ઇટિંગ’. પણ ડૉક્ટરોની ચેતવણી એવી ભારે હતી કે ઘરનાંઓ ડાયેટિંગ બંધ કરવાનું જોખમ લેવા તૈયાર ન હતાં. આ બધાં પછી પણ એમનું શરીર ઘટવાનું નામ નહોતું લેતું. એમણે વજન કાંટો પણ ખરીદ્યો ને સવાર-બપોર-સાંજ વજન કરવા માંડ્યું. પણ કાંટો હાંફતો હાંફતો મૂળ આંક પર જ જઈને ઊભો રહે ને આ બિચારા જીવ નિરાશ થઈ જાય. વજનકાંટાને ઊંચકીને બહાર ફેંકી દેવાનો વિચાર દરેક વખતે આવે પણ વજનકાંટાની કિંમત યાદ આવે એટલે ઢીલા પડી જાય. એમણે મેજર ટેપ પણ ખરીદી છે. દિવસમાં એકાદવાર મેજર ટેપ લઈને પેટની ગોળાઈ માપે જ માપે. સંસ્કૃત કવિઓને અર્ધી માત્રા મળી જતી તોય એમને પુત્ર જન્મ જેટલો આનંદ થતો એમ કહેવાય છે. અમારા મિત્રના પેટની ગોળાઈ અર્ધો ઇંચ પણ ઓછી થાય તો એમને પણ પુત્રજન્મ જેટલો આનંદ થાય પણ આવો આનંદ એમના નસીબમાં નહોતો. એમને થતું આ તો બાવાના બેય બગડે છે. ખવાતું-પિવાતુંય નથી ને શરીરમાં ઘટાડો પણ થતો નથી. એમાં વિશાળ ફાંદને કારણે બચી ગયેલા માણસની વાત એમના વાંચવામાં આવી અને ડાયેટિંગ બંધ કરવાનું સજ્જડ બહાનું એમને મળી ગયું.
અત્યારે મિત્રના હિસાબે ને જોખમે ખાનગી પાર્ટીઓ ચાલી રહી છે. ઘરનાંઓનો મત કેળવવા તેઓ પ્રયત્નશીલ છે. ભારત જેમ વિશ્ર્વના વગદાર દેશો દ્વારા પાકિસ્તાન પર દબાણ લાવવાનો પ્રયત્ન કરે છે તેમ અમારા મિત્ર મારા જેવા એમના મિત્રો દ્વારા ડાયેટિંગ છોડી દેવા પોતાના પર સખત દબાણ થઈ રહ્યું છે તેવું ઘરનાંઓને લાગે તેવો તખ્તો ગોઠવી રહ્યા છે. જુદા જુદા મિત્રો એમને ઘેર જઈ, ઘરનાંઓની હાજરીમાં, ડાયેટિંગ છોડી દેવા એમના પર દબાણ કરે એવું ટાઇમટેબલ એમણે ગોઠવ્યું છે. ‘મિત્રોના દબાણ આગળ ઝૂક્યા વગર છૂટકો નથી.’ એવું મિત્ર ઘરનાંઓ સમક્ષ કહ્યાં કરે છે. ઘરનાંઓ પણ ઢીલાં પડ્યાં છે, એમ મિત્ર કહે છે, અથવા તો એમને એવું લાગે છે. થોડા જ વખતમાં મિત્રના ઘેર ‘ડાયેટિંગ સમાપ્તિ’ના માનમાં એક ભવ્ય પાર્ટી યોજાશે એવી આશા અમે મિત્રો સેવી રહ્યા છીએ.
“હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી !અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….” Harnis Jani
ન્યુ જર્સી નિવાસી મિત્ર હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાનીના ઓગસ્ટ ૨૦,૨૦૧૮ ની સાંજે થયેલ અવસાનના સમાચાર જાણીને ખુબ દુખ અને આઘાતની લાગણી થઇ.
મારા જેવા એમના અનેક સાહિત્ય મિત્રો અને પ્રસંશકો એમના જવાથી ખોટ અનુભવશે.His LOVE, LAUGHTER and LITERATURE will be greatly missed.
આજે જ્યારે લોકોના મો પરથી હાસ્ય વીલાતું જાય છે ત્યારે હરનીશભાઈ જેવા સદા હસતા અને એમના લેખો અને પ્રવચનો દ્વારા હસાવતા હાસ્ય લેખકની વિદાયથી મોટી ખોટ વર્તાય એ સ્વાભાવિક છે.સદેહે ભલે તેઓ નથી પણ એમના શબ્દ દેહે એ હંમેશાં પ્રેરણા આપતા રહેશે.
ગુજરાતી સાહિત્યમાં હાસ્ય નિબંધો લખાયા છે. પરંતુ હરનિશભાઇએ હાસ્ય વાર્તાઓ લખી નવી ભાત પાડી છે,જેની ગુજરાતના વિવેચકોએ નોંધ લીધી છે.
સન્નિષ્ઠ પત્રકાર અને લેખક શ્રી રમેશ તન્નાએ હરનીશભાઈને અંજલિ આપતો સરસ લેખ દિવ્ય ભાસ્કરની એમની કોલમ ”ગુડ મોર્નિંગ ગુજરાત”માં પ્રગટ થયો છે એ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
હરનીશભાઈને મારી હાર્દિક શ્રધાંજલિ.
વિનોદ પટેલ
==============
હરનિશ જાની એટલે દરિયાપારના ગુજરાતીઓના ભાલે હાસ્યતિલક … રમેશ તન્ના
Shri Harnish Jani with family
હાસ્યલેખક અને સિદ્ધ સર્જક હરનિશ જાની 77મે ગયા. આ વખતે તેમણે પોતાનાં પરિવારજનો અને સગાં-વહાલાંઓને ખોટા પાડ્યા. તેઓ હૃદય રોગના આઠ-આઠ હુમલાને પચાવી ગયા હતા. પાંચેક વખત એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી, બાપપાસ સર્જરીને એવું ના થાય કે અહીં તો રહી ગઈ, એટલે બાપપાસ પણ કરાવી હતી. દર વખતે હૉસ્પિટલમાં જાય, હમણાં જશે એવા સંજોગોય સર્જાય, પણ હરનિશ જાની પાછા સાજા થઈ જાય અને પાછા ઘરે આવે.
ગુજરાતના ઘણા પ્રદેશમાં મૃત્યુ પામ્યા માટે પાછા થયા એમ બોલાય છે, હરનિશ જાની પાછા થવાને બદલે ઘરે પાછા આવતા. અનેક વખત આવતા.
દરિયાપાર ગુજરાતી ભાષામાં હાસ્યલેખકો એક આંગળીના વેઢે ગણાય એટલાય નથી. એ મહેણું હરનિશ જાનીએ ભાગ્યું. હાસ્ય ઉપર તેમની હથોટી હતી. સહજ રીતે તેમને હાસ્ય સ્ફૂરતું. તેઓ પોતાની કૃતિઓમાં અમેરિકાના વેશ-પરિવેશને લઈ આવ્યા તે તેમની ખૂબી હતી.
દરિયાપાર ગુજરાતી ભાષામાં હાસ્યલેખકો એક આંગળીના વેઢે ગણાય એટલાય નથી. એ મહેણું હરનિશ જાનીએ ભાગ્યું. હાસ્ય ઉપર તેમની હથોટી હતી. સહજ રીતે તેમને હાસ્ય સ્ફૂરતું. તેઓ પોતાની કૃતિઓમાં અમેરિકાના વેશ-પરિવેશને લઈ આવ્યા તે તેમની ખૂબી હતી. હાસ્યલેખક રતિલાલ બોરીસાગર કહે કે અમેરિકામાં વસતા કોઈ લેખક ભારતીયતાને પકડી રાખીને, અહીંના સમાજ કે જીવનને વિષય બનાવીને હાસ્ય સર્જે એને હું સાચા હાસ્યલેખક ના કહું. હરનિશ જાનીએ ત્યાંની આબોહવાને પકડીને લખ્યું. તેઓ સમર્થ હાસ્યલેખક હતા.
હરનિશ જાની જીવતા માણસ હતા. માણસોના. માણસ હતા. ખૂબ વાતોડિયા. મહેફિલોમાં ખૂલતા અને ખીલતા. તેમની હાજરી હોય એટલે હાસ્યના જામ પર જામ ભરાય અને ખાલી થાય. ખૂબ અભ્યાસી. અઠંગ વાચક. આખી સ્થિતિને, કોઈ પણ સ્થિતિને તટસ્થ રીતે જોઈ અને મૂલવી શકતા. તેમનાં નિરીક્ષણો પૂર્વગ્રહ વિનાનાં. અહોભાવ તો ક્યારેય તેમને અભડાવી શકતો નહીં. તેઓ કહેતા, અમેરિકામાં જો ભણેલા હશો તો સુખી થશો અને નહીં ભણેલા હોવ તો પૈસાવાળા થશો. તેઓ એમ પણ કહેતા કે ગીતા વાંચ્યા પછી મને બીજા લેખો બકવાસ લાગે છે.
હરનીશ જાનીએ રોકડાં ત્રણ પુસ્તકો આપ્યાંઃ ‘સુધન’, ‘સુશીલા’ અને ‘તીરછી નજરે અમેરિકા’. ત્રણેય પુસ્તકો ઉત્તમ. તેમણે વતનને યાદ કર્યું છે. સ્મરણોની કેડી પર પોતાની સાથે વાચકોને પણ ચલાવ્યા છે તો તેમણે આજનું અમેરિકા પણ સુલભ કરી આપ્યું છે. આપણને ગુજરાતી સાહિત્યકાર પાસેથી આ રીતનું અને આ પ્રીતનું અમેરિકા પ્રથમ વખત મળી રહ્યું છે.
***
દરિયાપારના 65 કે 70 લાખ ગુજરાતીઓના નસીબમાં પહેલાં સંઘર્ષ અને પછી ડોલર હોય છે. ભારત છોડ્યાનો આનંદ શમે એ પહેલાં પ્રારંભિક સંઘર્ષ તેને ઊંચકીને ફેંકી દે છે મહેનતના મહાસાગરમાં. ડૂબે કોઇ નહીં, પણ તરતાં તો શીખવું જ પડે. બધા શીખે અને પછી બે નહીં, પાંચ-સાત પાંદડે થાય અને ‘ટેસથી જીવે’. મોટાં અને વિશાળ કપાળ હોય તેને ઝટ સમૃદ્ધિ વરે. દરિયાપારના દરેક ગુજરાતીના ભાલ પ્રદેશ પર ડોલર અંકિત હોય. હોય, હોય ને હોય જ. ના દેખાય તો ય હોય જ. હરનિશ જાની નામનો એક જણસ જેવો જણ એવો હતો જેણે પોતાના કપાળ પર અંકિત ડોલર જોર કરીને ભૂસ્યો. દૂર ઊભાં ઊભાં સરસ્વતીદેવી તેની આ બધી ચેષ્ટાઓ, હસી હસીને જોયા કરે. હરનિશભાઇને તો તેની ખબર નહીં. ડોલર થોડો ઝાંખો કરીને હરનિશભાઇએ પોતાના ભાલ પર હાસ્યનું તિલક કર્યું અને સરસ્વતીદેવી ખડખડાટ કરતાં હસ્યાં. સરસ્વતીદેવી હસતાં જાયને આશીર્વાદ દેતાં જાય. એમ કરતાં કરતાં ત્રણ સંગ્રહો થયા. યમરાજા તેમને લેવા આવે ને પાછા જાય, આવે અને પાછા. તેય ધક્કા ખાઈ ખાઈને કંટાળ્યા. લઈ જવાનું કન્ફર્મ હોય ત્યાં હરનીશ જાની સાજા થઈને ઘરે જાય અને લખવા માંડે. સુરતથી ફોન કરી કરીને બકુલ ટેલર ગુજરાત મિત્રમાં લખાવે. વાચકો ફેસબુક પર વાંચી વાંચીને હસે અને કોમેન્ટ કરે કે હજી વધુ લખો અને પેલા યમરાજાના પેટમાં ફાળ પડે.
છેવટે યમરાજાના દયામણા મોઢાને જોઈને આ વખતે હરનિશભાઈ કહે, ચલો, ત્યારે, આ વખતે આવું છું.
20મી ઓગસ્ટ, 2018ના રોજ હરનિશ જાનીએ વિદાય લીધી ત્યારે દરિયાપારના એક સશક્ત હાસ્યલેખક, વક્તા, અભ્યાસી, સર્જક અને ઉમદા માણસે આવજો કહ્યું.
***
પાંચમી એપ્રિલ, 1941ના રોજ ગુજરાત મધ્યેના મુકામ પોસ્ટ રાજપીપળામાં જન્મેલા હરનિશ જાનીએ જેવું માતા-પિતાને તર્પણ કર્યું તેવું બીજા કોઇએ કર્યું નહીં હોય.
કોઇ લેખક કે કવિ કે સર્જક પોતાનું પ્રથમ પુસ્તક લખે તો મોટાભાગે માતા-પિતાને જ અર્પણ કરે. હરનિશ જાનીએ 2003માં પોતાનો પ્રથમ વાર્તાસંગ્રહ માતા-પિતાને જ અર્પણ કર્યો છે, પરંતુ તેમણે જે માતૃ અને પિતૃ તર્પણ કર્યું છે તે કદાચ કોઇ વિચારી પણ ના શકે.
એમાં થયેલું એવું કે 1961માં ‘ચાંદની’માં હરનિશ જાનીની પ્રથમ વાર્તા પ્રકાશિત થઈ. તેમાં નામ લખાયેલું હરનિશ જાની. તેમના બાપુજીએ પૂછ્યું કે કેમ હરનિશ સુધનભાઈ જાની એમ નથી લખ્યું. હરનીશભાઈ કહે, એવું લખવાનો રિવાજ નથી. તેમના પિતાજી કહે કે નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા, રમણલાલ વસંતલાલ દેસાઈ તો લખાય છે. હરનિશભાઈ કહે કે સાક્ષરનું નામ ત્રણ શબ્દોનું હોય, લેખકનું બે શબ્દોનું હોય. પિતા સાથેની એ વાત તેમણે યાદ રાખી હશે.
2003માં પોતાના પ્રથમ વાર્તાસંગ્રહ (તેને હાસ્યસંગ્રહ પણ કહી શકાય તેમ છે)નું નામ તેમણે રાખ્યું ‘સુધન’. (42 વર્ષે તેમણે પિતાની ઈચ્છાને જુદી રીતે પૂરી કરી.) પિતાનું નામ પોતાના પ્રથમ પુસ્તકને આપનાર કદાચ હરનીશભાઇ પહેલા હશે. એ પછી બીજા સંગ્રહને પોતાની માતાનું નામ આપ્યુંઃ સુશીલા. સુધનલાલ કે સુશીલાબહેનને તો કલ્પના પણ નહીં હોય કે તેમનો દીકરો તેમને ‘પુસ્તક’ બનાવી દેશે ! ‘સુધન’ને ગુજરાત સાહિત્ય અકાદમીએ ઇનામ આપ્યું હતું તો ‘સુશીલા’ને તો અકાદમીના પ્રથમ પારિતોષિક ઉપરાંત પરિષદનું ‘શ્રી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’ પણ મળ્યું હતું. ગુજરાતી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાએ પણ તેમને શ્રી ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિકથી નવાજ્યા હતા.
બે પુસ્તકને ટોચનાં ચાર-ચાર ઇનામો મળે એ બહુ સારું કહેવાય, પણ એનાથી પણ વધારે સારું તો એ હતું કે હરનિશ જાની મૂળ વંચાતા લેખક હતા. સરસ લખતા. ઇવન, ડાયાબિટીસના દરદી પણ તેમનું પુસ્તક વાંચવા બેસે તો વોશરૂમ જવાનું ટાળીને એકીબેઠકે પુસ્તક પૂરું કરે તેવું ઇન્ટરેસ્ટિંગ લખતા. ઘણા વાચકો તેમનાં પુસ્તકો વાંચતાં વાંચતાં હસતા, તો વળી ઘણા તો એવાય હતા કે હસતાં હસતાં વાંચતા. મધુ રાય જેવા શબ્દકસબી અને ભાષાના કીમિયાગર તેમની વાર્તાઓ વાંચીને, અમેરિકામાં એવું અટ્ટહાસ્ય કરતા કે ગુજરાતમાં બધાને તે ચોખ્ખુ સંભળાતું. હરનિશ જાનીની કલમ મસ્ત હતી, જબરજસ્ત હતી. સ્મરણો, યાદો, અતીતના ઓવારેથી, તળાવના આરેથી, ભારતના કિનારેથી પવનો વા’તા ને તેની વાતો બનાવી બનાવીને હરનીશ જાની લખતા. દરિયાપાર વસતા ગુજરાતીઓની લાક્ષણિકતાઓ અને વિશેષતાઓને તેઓ પકડતા. અમેરિકાની ભૂમિને, ત્યાંના આવરણ અને વાતાવરણને સૂંઘીને, જોઇ-જાણીને, ચાખીને, જરૂર પડે ત્યારે ખોતરીને તેઓ સમજતા અને પછી અભ્યાસની શાહીમાં બોળીને લખતા. વચ્ચે વચ્ચે હરનિશીય શૈલીનું હાસ્ય ભરતા. દરિયાપાર વસતા ઉત્તમ કવિઓ, સર્વશ્રેષ્ઠ વાર્તાકારો, કલમનવેશો, અને કલમકસબીઓ, નિબંધકારો અને નવલકથાકારોમાં હરનિશ જાની પહેલી પંગતમાં ઊભા રહ્યા. વટથી ટટ્ટાર ઊભા રહ્યા. દરિયાપારના શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે તેઓ 2003માં જન્મ્યા અને 2015 સુધીમાં ત્રણ પુસ્તકોની ભેટ ધરીને, પોતાના શબ્દનો ઉજળો અને ઝળહળતો હિસાબ આપીને ગયા.
જતાં પહેલાં હૃદય રોગના આઠ હુમલા, પાંચ એન્જિયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી, પોતાના જ હૃદય પર કરાવીને ગયા. ગુજરાતમાં લેખકો એવું લખે છે કે આવું બધું બીજાને કરાવવું પડે છે જ્યારે આ જાનીસાહેબે આટલું બધું કરાવીને પછી પણ વાચકોને હસાવ્યા.
બાય ધ વે, કહેવું પડે નહીં? સંવેદનશીલ માણસ અને સર્જકનું હૃદય આટલું બધું ખમી શકે તેવું મજબૂત હોય છે?
જતાં પહેલાં હરનિશ જાની હૃદય રોગના આઠ હુમલા, પાંચ એન્જિયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી, પોતાના જ હૃદય પર કરાવીને ગયા. ગુજરાતમાં લેખકો એવું લખે છે કે આવું બધું બીજાને કરાવવું પડે છે જ્યારે આ જાનીસાહેબે આટલું બધું કરાવીને પછી પણ વાચકોને હસાવ્યા.
કોઈ તેમને કહેશે કે, હરનિશ જાની કોઇ વૈજ્ઞાનિકોનું મગજ સાચવી રખાય છે, તમારું હૃદય સાચવી રાખવું જોઇએ.
તેમનાં નિરીક્ષણોમાં ત્યાંનો સમાજ દેખાય છેઃ લેખક લખે છે, પરદેશના ગુજરાતીઓની જીવનશૈલી, એમની ચિંતાઓ, એમના લક્ષ્યો બધું ગુજરાત કરતાં સહેજ જુદું છે. ફર્સ્ટ જનરેશનના ગુજરાતી સેટલ થવાની, વેજ ખાવાની કે નોનવેજ ચલાવી લેવાની ઇમિગ્રેશનની, જોબની બિઝનેસની, ઇન્ડિયા પૈસા મોકલવાની, બાળકોને સંસ્કાર આપવાની, બેબી સિટિંગની, એલ્ડર સિસ્ટરને સ્પોન્સર કરવાની ફિકરમાં હોય છે. કાંઇક સ્થિર થયા બાદ હાઉસનાં પેમેન્ટ, સંતાનોનાં ડેટિંગ, સાધુસંતોના સત્કારની વાતો થાય છે. પછી ફાધર મધરને બોલાવવાની અને અહીંના સમાજમાં આગળ આવવાની તજવીજ હોય છે અને પરદેશ વસેલી ગુજરાતી નારી મોટર હાંકે છે, જોબ પર જાય છે. ચિલ્ડ્રનને બેબી સિટર પાસે મૂકે છે, અઠવાડિયાની રસોઇ એકસાથે બનાવી રાખે છે. સેકન્ડ જનરેશનની પ્રજા ડબલ રોલમાં હોય ચે. વિચારે અમેરિકન અને સંસ્કારે ગુજરાતી હોવાનો અનુભવ કેવો હશે તે આપણે કદી નહીં જાણી શકીએ. આપણે એમની સાથે અંગ્રેજીમાં બોલીએ છીએ ત્યારે એક ગુપ્ત રીતે એમના કરતાં અંગ્રેજી ઓછું આવડતું હોવાનું કબૂલ કરીએ છીએ. આપણાં સંતાનો સાથેનો આપણો વહેવાર ગુજરાતી માતાપિતા કરતાં બહુ જદો છે. એ બાળકો મોટાં થઇ અમેરિકન મુખ્ય પ્રવાહમાં જોડાશે, અને એમનાં સંતાન અને તેમનાં સંતાનોનાં સંતાન આખરે પૂરેપૂરા અમેરિકન ઘડામાં ઘોળાઇ જશે. પચીસ-પચાસ વર્ષમાં આપણું આપણાપણું અહીં લુપ્ત થવાનું છે તે આપણે જોઇએ છીએ અને એટલે બમણા મમતથી તેને આપણે બાથ ભીડી બેઠાં છીએ.
હરનિશ જાનીએ દરિયાપારના જ નહીં, બૃહદ ગુજરાતી સાહિત્યને સુધન કર્યું છે. તેઓ 60 પછી લખતા થયા, જો અમેરિકા ગયા ત્યારથી જ લખતા થયા હોત તો ત્રણને બદલે 30 પુસ્તકો હોત અને દરિયાપારના સાહિત્યની અનેક છટાઓ આપણે પામી શક્યા હોત.
હરનીશ જાનીની 76 મા જન્મ દિવસની ભેટ …”સુધન” ઈ-પુસ્તક
હરનીશભાઈ નો પ્રથમ ‘હાસ્ય વાર્તાઓ’નો સંગ્રહ ”સુધન” છેક 2003માં પ્રકાશીત થયેલો જે અપ્રાપ્ય હતો. વાચકો ” સુધન -ઈ બુક “ના નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને આ અપ્રાપ્ય પુસ્તકના બધા જ લેખો વાંચી શકશે.
અમદાવાદ ..તારીખ ૨૫ મી મે ૨૦૧૮ ના રોજ સિદ્ધહસ્ત હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. વિનોદ ભટ્ટને સાંભળવા અને વાંચવાની એક અલગ મજા છે.તેમની હાજરી માત્ર ગમે એવા ગંભીર માણસને ગેરન્ટીથી હસતા કરી દેતી હતી.ગમે તેની પણ ટીકા કરે તો પણ સામે વાળાને ખોટું ન લાગે અને વાત વાતમાં પીઠમાં સોળ ઉઠી જાય એવા ચાબખા હસતા હસતા મારી દે તેનું નામ વિનોદ ભટ્ટ.
ખાસ કરીને કેટલાક કાર્યક્રમોમાં ગુજરાતના મુખ્યમંત્રીઓ અંગે કહેલી વાતોમાં તેઓ ખૂબ ખીલતા હતા અને તેમની સેન્સ ઓફ હ્યુમરને સલામી કરવાનું મન થાય એવી જોવા મળતી હતી.
આજે divyabhaskar.com વિનોદ ભટ્ટના ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથેના કેટલાક અનુભવો અંગે જણાવી રહ્યા છીએ. જેમાં પીએમ મોદી અંગે અનેક રોચક વાતો જણાવતાં કહ્યું હતું કે, હવે મોદી સોરી કહેવાનું ભુલી ગયા છે, અને વાંક હોય તો પણ સોરી કહેતા નથી.
જ્યારે વિનોદ ભટ્ટે કહ્યું’તું હવે મોદી વાંક હોય તો પણ સોરી કહેતા નથી
થોડો વખત નરેન્દ્રભાઈ ગુપ્તવેશે ફરતા,એકવાર મારી ઘરે આવેલા,હું એમને ઓળખી શક્યો નહી,આજે પણ એમને કોઈ ઓળખી શકતું નથી.
નરેન્દ્ર મોદી
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીને વિનોદ ભટ્ટે હસતાં હસતાં ઘણું કહી દીધું હતું. વિનોદ ભટ્ટે કહ્યું હતું કે, આજે છે એવા પહેલાં નહોતા. મારે એમની સાથે પરિચય દોસ્તી એવું ના કહેવાય. કહેવત છે ને રાજા કોઈનો મિત્ર હોતો નથી. ઘરે આવે ત્યારે મારી પત્ની પૂછે,શું જમશો ? નરેન્દ્રભાઈ કહે, તમને રાંધવામાં અને મને ખાવામાં તકલીફ ન પડે એવું કંઈ પણ ચાલશે,પછી કહે શીરો ચાલશે.
”આજે પણ મોદીને કોઈ ઓળખી શકતું નથી”
થોડો વખત નરેન્દ્રભાઈ ગુપ્તવેશે ફરતા. એકવાર મારે ઘરે આવી ચઢેલા, હું એમને ઓળખી શક્યો નહોતો. આજે પણ એમને કોઈ ઓળખી શકતું નથી. પછી તો એ બહુ મોટા બની ગયા. એવું કહેવાય છે કે શાર્પશૂટર એમને મારવા ફરતા હોય છે. એક કાર્યક્રમમાં એ આવવાના હતા અને મારે પણ જવાનું હતુ. પત્ની કહે તમે હરખપદુડા થઇ એમની બાજુમાં બેસતા નહીં .ન કરે નારાયણ શાર્પશૂટર નિશાન ચૂકે ને તો એમની પાછળ કોઈ રડનાર નથી, તમને કંઈ થઇ જાય તો અમારું કોણ.
રાયપુરમાં એ સ્કૂટર પર સામેથી આવતાં મને જોયો, હાથ બતાવ્યા વગર એમણે સ્કૂટર વાળ્યું . એક સાયકલવાળો અથડાતાં બચ્યો. નરેન્દ્રભાઈએ વિનમ્રતા સાથે એને સોરી કહ્યું.હવે તેઓ સોરી કહેવાનું ભૂલી ગયા છે. વાંક હોય તો પણ સોરી કહેતા નથી .
હવે, વિનોદ ભટ્ટે કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને માધવસિંહ સોલંકી અંગે કરેલી વાતો
આગળ ગયા એ બે જણા કોણ હતા? એમ.એફ. હુસેન અને રવિશંકર, બાપાએ પૂછ્યું, એ બે કોણ છે?
કેશુભાઈ પટેલ
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અંગે વાત કરતાં વિનોદ ભટ્ટે કહ્યું હતું કે, કોઈ એમ નહીં કહે કે કેશુભાઈ મારી સાથે કોલેજમાં ભણતા હતા.(કેશુભાઈ પ્રીપ્રાઈમરી ન હતા).
કેશુબાપાને મુંબઈમાં એક પાર્ટીમાં જવાનું થયું. બાપા પાર્ટીના ગેટ પર પહોંચ્યા. આ પહેલાં એમ.એફ.હુસેન પહોંચેલા.આપની ઓળખાણ હું એમ.એફ.હુસેન, શું કરો છો? ચિત્રકાર છું. ચિત્ર દોરી બતાવો. એમ.એફ.હુસેન ગજગામિનીનું પેઇન્ટિંગ દોર્યું. ઓ.કે. યુ કેન ગો.એમના પછી સિતારવાદક પંડિત રવિશંકર હતા.એમને સિતાર વગાડ્યા બાદ પ્રવેશ મળ્યો. હવે વારો આવ્યો કેશુબાપાનો. તમે કોણ બાપાએ પૂછ્યું મારી આગળ ગયા એ બે જણા કોણ હતા? એમ.એફ. હુસેન અને રવિશંકર, બાપાએ પૂછ્યું, એ બે કોણ છે? પેલાએ ચુપચાપ બાપાને જવા દીધા.
પુસ્તક વાંચીમાધવસિંહ કહે વિનોદ તારામાં ભારે હિંમત. તમારે ખરેખર અફેર હતું !
માધવસિંહ સોલંકી
દિવંગત વિનોદ ભટ્ટના શબ્દોમાં ”માધવસિંહ સોલંકીએ ‘વિનોદની નજરે’ ક્યાં મળે એવું મને પૂછ્યું? મેં કહ્યું હું મોકલીશ. મેં ભાગ્યેશ જ્હા દ્વારા બૂક મોકલી. આ પુસ્તક વાંચી માધવસિંહ કહે વિનોદ તારામાં ભારે હિંમત. તમારે ખરેખર અફેર હતું.મેં કહ્યું હું 80નો એ 92ની. એને કાને સંભળાતું નથી, આંખે દેખાતું નથી. પહેલાં સકામ ભાવે અફેર હતો, હવે સકાન ભાવે અમારી વચ્ચે સ્નેહ–ભાવ છે.
વસુબહેનને ખબર છે? મેં કહ્યું, મેં પૂછ્યું નથી. વસુબહેન ભટ્ટ યુવાનીમાં સુંદર, ઘરેથી સ્કૂલે ભણવા અને ભણાવવા જે રસ્તેથી જાય ત્યાં લોકો તેની એક ઝલક જોવા વહેલી સવારે ઉઠી જતા હતા. વસુબહેન રેડિયો ડિરેક્ટર થયાં . એકવાર હું અને વેણીભાઈ પુરોહિત (તારી આંખનો અફીણી ફેમ)બેઠા હતા. વસુબહેન આવતાં દેખાયાં . વેણીભાઈ ચશ્મા ઉતારી ધોતિયાની કિનારીથી લુંછવા માંડયા. હું બોલ્યો, ”વેણીભાઈ હવે રહેવા દો.ઘરડા થયા”. વેણીભાઈ કહે હું ઘરડો થયો છું. એ ક્યાં થઈ છે. મેં આ કિસ્સો લખ્યો. વેણીભાઈ ખીજાણા. તેં મને ઘરડો જ કેમ ચીતર્યો.
શંકરસિંહ વાઘેલા વિનોદ ભટ્ટથી ભણવામાં બે વર્ષ પાછળ હતા. સમય જતાં તેઓ સી.એમ થયા
શંકરસિંહ વાઘેલા
વિનોદ ભટ્ટે શંકરસિંહ અંગે રસપ્રદ વાત કરતાં જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા બાપુ એમનાથી ભણવામાં બે વર્ષ પાછળ હતા. સમય જતાં તેઓ સી.એમ થયા. એકવાર મળ્યા, વિનોદ કંઈ કામકાજ હોય તો કહેજે. મેં કહ્યું ગુજરાતી સાહિત્ય પરિષદ ખાનદાની ખોરડું છે. પગાર કરવાના ફાંફાં છે. થોડા દિવસ પછી ફોન આવ્યો, કાલે બાર વાગે આપણે સાથે લંચ લઈશું.
હું ,રઘુવીર ચૌધરી અને પ્રકાશ ન. શાહ ગયા. કેટલુ ડોનેશન જોઈએ? મેં કહ્યું પચાસ લાખ. તેમણે સંબંધિત અધિકારીને બોલાવી ભાષણ આપ્યું. એકાવન લાખનો ચેક હાથમાં આપતાં કહ્યું, સીધો બેંકમાં જઈને જમા કરાવી દે! કાલની ખબર નથી. અમે બેંકમાં દોડયા, રઘુવીર કોષાધ્યક્ષ એ પૂછે, અંગ્રજીમાં લેખનો સ્પેલિંગ. મેં કહ્યું ચેકમાં લખ્યો છે એ લખી દે, એકાવન પછી મીંડા કેટલા? મેં કહ્યું ચેકમાં જોઈલે! અમે બઘવાયા થઇ ગયા હતા .
જ્યારે શંકરસિંહને એક પત્રકારે ધ્રાંગધ્રાનો સ્પેલિંગ પૂછ્યો
બાપુ સી.એમ બન્યા. બાદ લંડનથી પત્રકારો એમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા. બાપુના પી.એ.ને ફોન કર્યો. બાપુ સૂતાસૂતા છાપું વાંચતા હતા. પી.એ.એ ઇન્ટરવ્યુ માટે બાપુને પૂછ્યું. બાપુએ નનૈયો ભણ્યો.પી.એ.એ સમજાવ્યા, બાપુ વિદેશથી પત્રકારો આવ્યા છે. આપ દુનિયાભરમાં છવાઈ જશો. બાપુ કહે કાલ સાંજે ધ્રાંગધ્રામાં પાંચ વાગે મારી સભા છે, સભા પતે પછી ઇન્ટરવ્યુ આપીશ. પી.એ. લંડનના પત્રકારોને બાપુનો મેસેજ કહ્યો. સામે છેડેથી એક પત્રકારે ધ્રાંગધ્રાનો સ્પેલિંગ પૂછ્યો? પી.એ.એ બાપુને પૂછ્યું? બાપુ સલવાયા. બાપુ કહે એમ કર આઠ વાગે બોટાદમાં સભા છે ત્યારે ઇન્ટરવ્યુ આપશે એમ કહી દે.
વિનોદ ભટ્ટના અવસાન બાદ ઘણા લેખકોએ એમને અંજલિ રૂપે એમના વિષે જુદા જુદા સમાચાર માધ્યમોમાં લખ્યું છે.જાણીતા લેખક શ્રી રમેશ તન્નાએ એમના ફેસ બુક પેજ પોઝિટિવ મિડિયા માટે વિનોદ ભટ્ટની જ શૈલીમાં એક લેખ” વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં” લખ્યો છે અને એ રીતે એમના માનીતા હાસ્ય લેખકને અનોખી રીતે અંજલિ આપી છે.
શ્રી રમેશભાઈ ના આભાર સાથે વિનોદ વિહારની આજની શ્રધાંજલિ પોસ્ટમાં આ લેખ નીચે પ્રસ્તુત છે.આ લેખ પછી સ્વ.વિનોદ ભટ્ટ વિષેના બીજા બે લેખોની પી.ડી.એફ.પણ જરૂરથી વાંચશો.
વિનોદ પટેલ
વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં…આલેખનઃ રમેશ તન્ના
ગઈ કાલે યમરાજ પોતે વિનોદ ભટ્ટને લેવા આવ્યા. તેમના નિવાસસ્થાને પહોંચ્યા. મનોમન બોલ્યા, ઘોર કળિયુગમાં આ માણસ ‘ધર્મયુગ‘માં રહે છે. કમાલનો માણસ લાગે છે !
વિનોદભટ્ટ તો જવા તૈયાર જ હતા. યમરાજાએ ધર્મયુગ કોલોની બહાર પાડો પાર્ક કરેલો. બન્ને ચાલતા ચાલતા સોસાયટીના ઝાંપે આવ્યા.
વિનોદ ભટ્ટ સોસાયટીના મુખ્ય ઝાંપે પાછા ફરીને ઊભા રહ્યા. પોતાનું ઘર, સોસાયટીની શેરી, અન્ય બંગલાઓ જોતા રહ્યા.
યમરાજા બોલ્યાઃ રહેવું છે હજી થોડાં વર્ષ ?
ના, ભઇલા ના, હવે બહું થયું, કૈલાસ ગઇ, હમણાં નલિની ગઇ,તેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે. અને જો યમરાજભાઈ, અહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. પછી વિનોદભાઇ કહે,” ચાલો,તમતમારે… આપણે રેડી છીએ.”
યમરાજા કહે, ઊભા રહો, માવો ખાઇ લઉં.
“હા, એ પહેલું હો.. માવો ખાધા વિના વાહન ના ચલાવી શકાય, તો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે. બાય ધ વે, હમણાં સૌરાષ્ટ્ર બાજુ કામ બહું રહેતું લાગે છે.”
યમરાજા આંખો પહોળી કરીને કહે, અરે, તમને કેવી રીતે ખબર પડી.
” ખબર તો પડી જ જાય ને. આ માવાની લત ત્યાંથી જ લાગે, અને તમારા દાંત પણ લાલ થઇ ગયા છે. આ તમારા પાડાને નથી ખવડાવતા ને ! “
યમરાજા હસી પડ્યા, ના, ના, પાડો તો નિર્વ્યસની છે. લીલા ઘાસ વિના બીજું કશું ખાતો નથી. વિનોદભાઈ કહે, અમારા દેશના રાજકારણમાં દાખલ કરી દો, બધુ ખાતો થઈ જશે.
એયને પછી તો વિનોદ ભટ્ટ પાડા પર, યમરાજાની પાછળ બેસીને પહોંચ્ચા યમલોકમાં. યમરાજાએ વિનોદ ભટ્ટને ચિત્રગુપ્તને સોંપતાં કહ્યું- આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.
*
ચિત્રગુપ્તે મોટો ચોપડો કાઢ્યો.
પૂછ્યું, નામ ?
“વિનોદ”
“કેવા ? “
“એવા રે અમે એવા”
“એમ નહીં, જ્ઞાતિએ કેવા ?”
” અહીં પણ લોકશાહી છે? અહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “
“ભાઇ, આખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ67,583 છે.”
“વિનોદ ભટ્ટ હસીને કહે છે, હવે 67,582 થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”
ચિત્રગુપ્તે ચોપડો ફંફોસવા માંડ્યો.
બોલ્યો,” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”
“વધારે લખાઇ ગયું છે? ઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”
ચિત્રગુપ્ત થોડો અકડાયો, વિનોદભાઇ, જે ઓછું કે વધુ નહીં,પણ ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વે, તમે તો લોકોને બહુ હસાવ્યા છે.”
“વિનોદ ભટ્ટે ચિત્રગુપ્તના ખભા પર હાથ મૂકીને કહ્યું, જો દોસ્ત, લખવાનું કામ આપણું, હસવાનું કામ વાચકોનું.”
ચિત્રગુપ્ત ગળગળો થઇ ગયાઃ સાહેબ, મેં પણ તમને બહુ વાંચ્યા છે.
આંખ મીંચકારીને વિનોદભાઈ કહે તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો.
સાહેબ, તમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે.
અચ્છા તો તું ગુણવંત શાહને પણ વાંચે છે એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરતો. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો તેમને તકલીફ પડે.
સાહેબ, આ બધુ તમારે ઉપર, યમરાજાને કહેવું પડે. હું તો હિસાબનો માણસ. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો. ચિત્રગુપ્ત (પોતાના) નાક પર આંગળી મૂકીને કહે છે હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.
ચિત્રગુપ્તને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે વિનોદભાઇ કહે, તમે યાર, હજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.
ચિત્રગુપ્તે ચશ્માં સરખાં કરતાં કહ્યું,”જીવભાઈ, એ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છે, પણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશે, આપણે ખોટી મહેનત કરવી.”
વિનોદ ભટ્ટ હસતાં હસતાં કહે,”એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…
ચિત્રગુપ્ત હસતાં હસતાં કહે,” નર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”
વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી?
“ના, અહીં અકાદમી-પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”
“તો ભઇલા, ત્યાં લઇ લે. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તો‘દિવ્યભાસ્કર‘માંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”
“તમે કહેતા હોય તો, તેમને અહીં બોલાવી લઇએ.”
“ના, ના. “
બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રગુપ્ત પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,”તમને જ્યોતિન્દ્ર દવે વગેરે યાદ કરે છે, જાઓ, સ્વર્ગલોકમાં સિધાવો.”
*
ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છે,લતાઓ અને વનલતાઓ, અનેક પ્રકારના છોડ, નાનાં-નાનાં પ્રકારનાં પુષ્પો, ફૂલ-ઝાડથી વાતાવરણ છલકાઇ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છે, તેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છે, તારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે.
બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. વિનોદ ભટ્ કહે છે.
” અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છે? વિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”
“નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ અમને હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” જ્યોતિન્દ્ર દવે બોલ્યા.
“વિનોદ, તમે બહું સૂકાઇ ગયા લાગો છો ? ” બકુલ ત્રિપાઠીએ વિનોદભાઇના દેહ પર નજર કરતાં કહ્યું.
“બકુલભાઇ, સૂકાઇ ગયો એટલે તો અહીં આવ્યો, નહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત ? પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”
વચ્ચે થોડી વધી હતી, પણ પછી તમે અહીં આવવાના હતા એટલે ઓછી કરી નાખી.. બકુલ ત્રિપાઠીએ હસતાં હસતાં જવાબ આપ્યો.
તારક મહેતાએ વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી કહ્યું,” સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”
“તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે ? અહીં તો પરમેનેન્ટ મજા નથી હોતી ?”
“પહેલા એવું હતું, પણ ટીવીનાં કનેકન્શન લીધા પછી સ્થિતિ બદલાઇ છે.”જ્યોતિન્દ્રભાઇ બોલ્યા.
તારક મહેતા કહે, બોરીસાગર કેમ છે ?
“એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. ડોક્ટર રમેશ કાપડિયાએ શીખવાડેલું શવાસન દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં 30-35 વર્ષ અહીં આવે તેમ લાગતું નથી!” વિનોદભાઇએ જવાબ આપ્યો.
એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ. જ્યોતિન્દ્ર બોલ્યા. પછી કહે, જોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખ, અશોક દવે, શાહબુદીન રાઠોડ, નિરંજન ત્રિવેદી, લલિત લાડ, ઉર્વિશ કોઠારી, અક્ષય અંતાણી, ડો. નલિની ગણાત્રા, જગદીશ ત્રિવેદી, મંગલ દેસાઈ આ બધા લખી રહ્યા છે.
જ્યોતિન્દ્ર દવે બોલ્યા, તમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું 78એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા 87માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી 77મેં આવ્યા. મધુસુધન પારેખ 85 વર્ષે હજી જામેલા છે, આમ તો રતિલાલ બોરીસાગરને 80 થઇ ગયાં છે;પણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.
” ના, ના, બધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાય, થોડાને ત્યાં પણ રહેવા દો” બકુલ ત્રિપાઠી બોલ્યા.
ત્યાં એક છોકરો દોડતો-દોડતો આવ્યો, વિનોદ ભટ્ટ કોઈ કૈલાસબહેન અને નલિનીબહેન તમને યાદ કરે છે.
વિનોદ ભટ્ટ ઊભા થાય છે, ઉતાવળે પગલે જતાં જતાં બોલે છે, ઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.
—————————— —————————–
પોઝિટિવ મિડિયા માટે આલેખન.. રમેશ તન્ના 9824034475.
(નલિનીબહેન અને વિનોદભાઈની આ તસવીર, વિનોદભાઈના જન્મદિવસે, 14મી જાન્યુઆરી, 2018ના રોજ, અમદાવાદમાં તેમના નિવાસસ્થાનના આંગણામાં, આલાપ તન્નાએ લીધી હતી. આ વર્ષે આપણે આ બન્નેને ગુમાવ્યાં.)
સ્વ.વિનોદ ભટ્ટ વિશેના બીજા શ્રધાંજલિ લેખોની પી.ડી.એફ. …
૧. “કલમમાં વેદના ઘૂંટાઈને આવે ત્યારે લેખનનો સંતોષ થાય” વિનોદ ભટ્ટ સાથેની મુલાકાતના અંશો….. (મુલાકાત રમેશ તન્ના અને અનિતા તન્ના) /હાસ્ય લેખક વિનોદ ભટ્ટ ને શબ્દાંજલિ.
૨ વિનોદ ભટ્ટની મૃત્યુ વિશેની વાતમાં પણ ભરપૂર ‘વિનોદ’ હતો….24 મે 2018..સૌજન્ય …www.bbc.com/gujarati
ઉપરના લેખોની પી.ડી.એફ. વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
તારીખ ૨૭મી મે, ૨૦૧૮ ના દિવ્ય ભાસ્કર ના છેલ્લા પાને ” રસરંગ” વિભાગમાં સ્વ.વિનોદ ભટ્ટના જીવન અને એમના હાસ્ય સાહિત્ય વિષે સરસ માહિતી પ્રગટ કરવામાં આવી છે.
આની લીંક સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલી છે એને એમના અને સુ.શ્રી કોકિલા રાવળના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
સ્વ. વિનોદ ભટ્ટ અને એમના હાસ્યનું દર્શન કરાવતા કેટલાક વિડીયોનું દર્શન …. સ્મરણાંજલિ …
સ્વ. વિનોદ ભટ્ટના નિધનના દુખદ સમાચાર અને શ્રધાંજલિ વિશેની આ અગાઉની પોસ્ટના અંતે જણાવ્યા પ્રમાણે આજની પોસ્ટમાં એમના વિષે યુ-ટ્યુબ ચેનલોમાં અનેક વિડીયોમાંથી ચયન કરી કેટલાક મારી પસંદગીના વિડીયો નીચે મુક્યા છે.
વિનોદ ભટ્ટને અનેક સાંસ્કૃતિક સમારંભોમાં આમંત્રિત કરવામાં આવતા હતા અને જીવનના છેલ્લા સમય સુધી એમણે હાજરી આપીને શ્રોતાઓને ભરપુર આનંદ કરાવ્યો હતો એ આ વિડીયોમાંથી જોઈ શકાશે.આ વિડીયોમાં હાસ્ય અને કટાક્ષ તો છે જ પણ ગુજરાતી ભાષાને મરતી બચાવવા માટેના એમના દિલની વ્યથા પણ જોઈ શકાશે.આ રીતે આ વિડીયોમાં સ્વ. વિનોદ ભટ્ટના જીવનના વિવિધ પાસાંઓનો પરિચય હસતાં અને હસાવતાં એમણે આપણને કરાવ્યો છે.
વાચકોના પ્રતિભાવ