૧૪ મી ફેબ્રુઆરીને પ્રેમીઓ માટેના સ્પેશિયલ ”વેલેન્ટાઈન ડે’ તરીકે ઓળખાય છે.‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમીઓનો પ્રેમનો ઇજહાર કરવાનો ઉત્સવ.
સામાન્ય રીતે દર વરસે વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે ફેબ્રુઆરી માસમાં નજીક નજીકમાં જ આવે છે એ કેટલો સુંદર સંયોગ છે !વસંત એટલે પ્રકૃતીનું યૌવન અને યૌવન એટલે જીવનની વસંત.વેલેન્ટાઇન ડે એટલે યુવાનીની વસંતની ઉજવણી કરવાનું પર્વ.
વસંતનાં વધામણાં થતાંની સાથે પ્રકૃતિ નવ પલ્લીત થાય છે. પ્રકૃતિમાં નવી માદકતા આવે છે.એવું જ વેલેન્ટાઇન ઉપર યુવાન હૈયાંઓમાં બને છે.વેલેન્ટાઈન ડે એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અનેક રીતે પ્રેમની લાગણીઓને અભિવ્યક્ત કરવાનો દિવસ .
વસંત ઋતુ , વેલેન્ટાઇન ડે અને પ્રેમ જે એક બીજા સાથે જોડાએલાં છે, એના વિશેની પ્રતિલિપિમાં પ્રકાશિત મારી અછાંદસ કાવ્ય રચનાઓ નીચે પ્રસ્તુત છે.
વેલેન્ટાઈન ડે …..અછાંદસ
આબોહવામાં આજે માદકતા કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
યૌવન આજે વધુ નમણું કેમ જણાય છે?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
યૌવન આજે હેલે ચડ્યું કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
ફૂલોની દુકાને આજે લાઈનો કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
ઘણા હાથોમાં આજે ગુલાબ કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે.
પ્રેમીઓમાં આજે પ્રેમપુર કેમ આવ્યું છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
૧૪ ફેબ્રુઆરીએ જ આ બધી હલચલ કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
વિનોદ પટેલ, સાન ડીયેગો …૨-૧૪-૨૦૧૫
વસંત વિષે
કાકા કાલેલકર વસંત વિષે જુઓ શું કહે છે.!
“જેની રહેણી કુદરતથી વિખૂટી થઈ નથી, કુદરતને રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. નદીના ક્ષીણ પ્રવાહમાં એકાએક ઘોડાપૂર આવેલું જેમ આપણે જોઈએ છીએ તેમ આપણે વસંતને પણ આવતો બરાબર જોઈ શકીએ છીએ.’’ –કાકા કાલેલકર
ઋતુરાજ વસંતનાં એંધાણ … અછાંદસ
વાહ કેવી ઉગે રોજ ખુશનુમા સવાર, વાસંતી વાયરા વાય સવારથી સાંજ, વૃક્ષની ડાળે લીલી કુંપળોનો દરબાર, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કેસુડાના વૃક્ષે જામ્યો છે કેસરિયો રંગ, આમ્ર વૃક્ષે કેવા મ્હોરી ઉઠ્યા છે મોર, ફેલાઈ જાય છે રંગીન ફૂલોની ફોરમ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત તો છે પ્રકૃતીમાં આવેલું યૌવન, યુવાની હોય છે જેમ જીવનની વસંત, વાગે ઢોલ,ગવાઈ રહ્યા ફાગણના ફાગ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
ગુંજી ઉઠતો કોકિલ પંખીનો કલરવ, ઝૂમી ઉઠે છે વૃક્ષ લતાઓ વને વન, સર્જાઈ જાય રમ્ય ફૂલોનો શણગાર, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કુહૂ કુહૂ બોલે ટહુકી રહી પેલી કોકિલા, પ્રેમીજનો ઝંખે પિયા મિલનની આશ, વેલેન્ટાઈન લાવે પ્રેમીઓમાં થનગનાટ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત પંચમીએ ઋતુરાજનું આગમન, આ દિવસે થયું મા સરસ્વતીનું પ્રાગટ્ય, કવિઓ ગાય વસંત-વિદ્યાદેવીનાં ગાન, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વિનોદ પટેલ,વસંત પંચમી,૧-૨૨-૨૦૧૮
“પ્રેમશું છે ?”
પ્રેમનાં અનેક સ્વરૂપો છે. આ ભાવને વ્યક્ત કરતી મારી એક કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે.
પ્રેમ શું છે ? …અછાંદસ
પ્રેમ ખરેખર શુ છે એ બહું ગહન સવાલ છે, પ્રેમ કહેવાની નહી, પણ અનુભૂતિની ચીજ છે, પ્રેમમાં પડવાનું નહી પણ ઊભા થવાનું હોય છે, પતંગની જેમ ઉંચે ગગનમાં ઉડવાનું હોય છે,
મનુષ્યના મનને ગમતી એક ઉત્તમ લાગણી છે, બધાજ દર્દોની પ્રેમ એક અકસીર દવા છે, પ્રેમનું બંધન એ એક મન ગમતું બંધન છે, પ્રેમ અનેક સ્વરૂપે સર્વત્ર વિહરતો હોય છે,
મા-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે, પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે, પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે, દેશ પ્રેમ માટે માનવો બલિદાનો આપે છે,
સાહિત્ય પ્રેમ એ જીવન ઉત્કર્ષની ચાવી છે, ચલચિત્રોમાંનો પ્રેમ એક બનાવટી પ્રેમ છે, લયલા-મજનું ને શીરી-ફરહાદ પ્રેમ પ્રતીકો છે, તિરસ્કાર નહીં પણ પ્રેમ જ એક સત્ય છે,
પ્રેમ આંધળો હોય છે એમ લોકોમાં કહેવાય છે, પ્રેમાંધ સંત સાપને રસ્સી માની છેતરાય છે, બધાં જ ધર્મોમાં પ્રેમનો મહિમા ગવાયો છે, મોહન ઘેલી મીરાનો પ્રેમ કેવો અદભૂત છે! વાગી કટારી પ્રેમની એમ મીરાં જ ગાય છે,
રામ-પ્રેમ ઘેલી શબરી પ્રભુને એંઠા બોર અર્પે છે, જેમ રસોઈમાં નમક એમ જીવનમાં પ્રેમ છે, પ્રેમ જેણે કર્યો નથી, એનું જીવન બેકાર છે, પ્રેમ વિનાનું કોઈનું જીવન ક્લ્પવું મુશ્કેલ છે .
માતૃભાષાના લેખકોને તેમના વાચકો સાથે જોડતું પ્રતિલિપિ.કોમ બેંગ્લોર સ્થિત સોશિયલ ઓન લાઈન સેલ્ફ પબ્લીશીંગ પ્લેટફોર્મ / નેટવર્કિંગ સ્ટાર્ટ-અપ છે. હાલ ગુજરાતી /હિન્દી / તમિલ એમ ત્રણ ભાષાઓના સાહિત્યને પ્રોત્સાહન આપે છે.
પ્રતિલિપિની વેબસાઈટ 14મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ હિન્દી દિવસના મંગલ દિને લૌંચ થઇ એ પછી આજ સુધી પ્રતિલિપિએ ગુજરાતી ભાષાના અનેક લેખકોને જે રીતે ઉત્તેજન આપી સુંદર સાહિત્ય સેવા બજાવી છે અને એની પ્રવૃતિઓનો વ્યાપ વધાર્યો છે એ માટે એની ઉત્સાહી ટીમને અભિનંદન ઘટે છે.
વિનોદ વિહારની પોસ્ટ નંબર 1006માંપ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કરએ દ્રશ્ય -શ્રાવ્ય માધ્યમ(વિડીયો)નો ઉપયોગ કરી શરુ કરેલ “એક મુલાકાત “પ્રોગ્રામમાં શ્રી જય વસાવડા અને શ્રી સૌરભ શાહની મુલાકાતના વિડીયો રજુ કર્યા હતા.
પ્રતિલિપિની પ્રસ્તુતી ‘એક મુલાકાત’ને મળેલી સફળ શરૂઆત બાદ હવે પ્રતિલિપિ ઉભરતા અને નવોદિત લેખકો માટે એક ઓનલાઇન વિડીયો ટ્યુટોરીઅલ કાર્યક્રમ – ‘અભ્યાસ’ દર શુક્રવારે સુ.શ્રી બ્રિન્દા ઠક્કર દ્વારા રજુ થઇ રહ્યો છે.
પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કરએ એમના ઈ-મેલથી મોકલેલ “એક મુલાકાત” અને “અભ્યાસ” પ્રોગ્રામના વિડીયોમાંથી કેટલાક વિડીયો આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યા છે જે નવોદિત લેખકો માટે ખુબ પ્રેરક અને પ્રોત્સાહક બનશે એવી આશા છે.
“એક મુલાકાત ” કાર્યક્રમ
પ્રતિલિપિના આ ” એક મુલાકાત”કાર્યક્રમમાં આમંત્રિત ગરવા ગુજરાતીઓના મુખેથી જ એમની જિંદગીને જાણવાની, જીતવાની, માણવાની અને અનુભવોની વાતો તમારા દિલને સ્પર્શી જશે.
“અભ્યાસ” પ્રોગ્રામમાં સાહિત્યના નીવડેલા સાહિત્યકારો એના વિવિધ સ્વરૂપો વિષે ઉભરતા લેખક અને કવિને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.
‘અભ્યાસ’ અંક-1 “ગઝલ વિશે”-શ્રી હિતેન આનંદપરા. આ અંકમાં ગઝલ એટલે શું અને પદ્યના આ પ્રકારને લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે માર્ગદર્શક છે શ્રી હિતેન આનંદપરા. https://youtu.be/vSma_3LGgX8
અભ્યાસ અંક – 2, ગઝલના પ્રકારો વિશે..શ્રી હિતેન આનંદપરા. ગઝલના પ્રકારો વિશે અને તે અંગે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક અગત્યની બાબતો. ‘અભ્યાસ’ના આ અંકના માર્ગદર્શક છે શ્રી હિતેન આનંદપરા. https://youtu.be/ignH47lpe8Y
પ્રતિલિપિ.કોમ સાથે હું ૨૦૧૪થી -એની શરૂઆતથી જ લેખક તરીકે જોડાયો છું.આ વેબ સાઈટ ઉપર આજદિન સુધી મુકાએલ મારી સાહિત્ય રચનાઓ આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.
પ્રતિલિપિ ઍક બેંગ્લોર સ્થિત સોશિયલ નેટવર્કિંગ સ્ટાર્ટ-અપ છે જે ભારતીય ભાષા- સાહિત્ય ને પ્રોત્સાહન આપે છે.પ્રતિલિપિની વેબસાઈટ 14મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ હિન્દી દિવસના મંગલ દિને લૌંચ થયું એ પછી આજ સુધી એણે ગુજરાતી ભાષાના લેખકોને ઉત્તેજન આપવા માટે અભિનંદનીય કામ કર્યું છે.પ્રતિલિપિ એ દિન પ્રતિદિન ઘણી પ્રગતિ કરી હિન્દી, ગુજરાતી, તામિલ,અંગ્રેજી ભાષામાં વિશાળ લેખક અને વાચક વર્ગ ઉભો કર્યો છે.
પ્રતિલિપિ સંસ્થા હવે દ્રશ્ય -શ્રાવ્ય માધ્યમથી ગુજરાતી ભાષાની સેવા માટેનું પગલું ભરી રહી છે.
પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કર એમના ઈ-મેલમાં લખે છે.
આદરણીય લેખકશ્રી,
આપ પ્રતિલિપિ પર લેખક તરીકે એક ઉત્તમ સર્જન કરી રહ્યા છો, તેનો અમને આનંદ છે. આપની આ સફરમાં આપ હજી વધારે શ્રેષ્ઠ બની શકો, ઉત્તમ સર્જન વાચકો સમક્ષ મૂકી શકો તેના માટે અમે પણ પ્રયત્નશીલ છીએ.
અને તેથી જ.. આપ માટે “અભ્યાસ” ની શ્રેણી લાવી રહ્યા છીએ. જ્યાં ગુજરાતના શ્રેષ્ટત્તમ સાહિત્યકારો આપને માર્ગદર્શિત કરશે. શાળા અને કોલેજમાં જેના પાઠ – કાવ્યો – નિબંધો આપણે ભણીને આવ્યા છીએ, તેમના જ દ્વારા આપણને સાહિત્યની ઊંડી ઓળખ પ્રાપ્ત થાય, તે વાત જ કેટલી અદભુત છે ને..!
તો આવો. “અભ્યાસ” મારફતે આપણામાં રહેલી લેખનશક્તિને ઉજાગર કરીએ. કલમને સુંવાળી કરીએ, મજબૂત કરીએ અને શ્રેષ્ઠ કરીએ.
દર શુક્રવારે આપની સમક્ષ ઉપસ્થિત થશે, એક શ્રેષ્ઠ સાહિત્યકાર, જે આપણી સમજમાં થોડો વધારો કરશે. નવું જાણીએ, નવું શીખીએ, શ્રેષ્ઠ બનીએ.
યુટ્યુબ પર દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમ દ્વારા અમે કરેલા આ પ્રયત્નને આપ વધાવી લેશો તેવી આશા છે.
આપ યુટયુબ પર “પ્રતિલિપિ ગુજરાતી ” ચેનલ subscribe કરી શકો છો, જેથી તેમાં પ્રતિલિપિ દ્વારા મુકવામાં આવતા દરેક વિડિઓ ની માહિતી આપ નોટિફિકેશન દ્વારા મેળવી શકો.
યુ-ટ્યુબ પર પ્રતિલિપિએ પ્રકાશિત વિડીયોમાંથી કેટલાક ગમેલા વિડીયો…. Published on Jan 24, 2017 પ્રોક્રાસ્ટીનેશન એટલે શું ? પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો ? સપના જોવા એ મહત્વનું કે એને પૂરા કરવા એ ? આવા જ બીજા પ્રશ્નોનો સચોટ જવાબ આપવા આપણી વચ્ચે છે આજે શ્રી સૌરભ શાહ.
Published on Jan 10, 2017
યુવાની એટલે ધગશ… યુવાની એટલે અધીરાઈ …યુવાની એટલે ઉત્સુકતા… યુવાની એટલે તીખા તમતમાતા પ્રશ્નોની વણઝાર.. એક મુલાકાત યુવાઓના પથદર્શક અને જાણીતા લેખક જય વસાવડા સાથે
સ્વામી વિવેકાનંદના જન્મ દિન નિમિતે એક સુંદર નિરૂપણ
પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી કેટલીક સાહિત્ય રચનાઓ વાંચવા માટેની લીંક ..
પ્રતિલિપિના મંચ પરથી ગુજરાતી વાર્તાઓ માટેનું “સંકેત “નામનું ઈ-મેગેઝીન દર મહીને નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.આજ સુધીમાં એના ૫ અંકો બહાર પડી ચુક્યા છે.
સંકેત માસિકનો ડીસેમ્બર ૨૦૧૫ માટેનો અંક : ૫ જે પ્રગટ થયો છે એમાં કુલ ૨૭ લેખકો /લેખિકાઓની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એક ઈ-બુક જેવા આ સંકેત માસિકની વાર્તાઓ વાંચવાનો લાભ વાચકોએ લેવા જેવો છે.
આ અંકમાં ૧૨ મા નંબર પર મારી વાર્તા ” સાર્થક સંદેશ “પણ તમને વાંચવા મળશે.
આ વાર્તામાં ગુડ ફ્રાઈડેના પવિત્ર દિવસે એક ચર્ચના પાદરી ફાધર ડેવિડ એમનું પ્રવચન આપવા જ્યારે એમની કારમાં જતા હોય છે ત્યારે વચ્ચે માર્ગમાં જાતે એક માનવતાનું કામ કરી બતાવી કેવી રીતે ગુડ ફ્રાઈડેના એમના સંદેશને સાર્થક કરી બતાવે છે એ વાર્તામાં વણી લીધેલ વાત તમને જરૂર ગમે એવી છે.
આ વાર્તાની ચરમ સીમા અને ખરો સંદેશ એના છેલ્લા વાક્યમાં રહેલો છે.
મારી વાર્તા નંબર ૧૨ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરીને પ્રતિલિપિના સંકેત માસિક સુધી પહોંચી જાઓ.
પ્રતિલિપિ.કોમના વાર્તા માસિક સંકેતના ઓક્ટોબર ૨૦૧૫ ના અંકમાં મારી વાર્તા ” ઝેરની પડીકી ” અન્ય લેખકોની વાર્તાઓ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી છે.
સંકેત વાર્તા માસિકમાં મારી વાર્તા “ઝેરની પડીકી”નો સમાવેશ કરવા માટે સંપાદિકા નિમિષાબેન અને પ્રતિલિપિ ટીમનો આભારી છું.આ વાર્તા માસિક અને પ્રતિલિપિ સંસ્થા સાહિત્ય ક્ષેત્રે હજુ પણ વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરતી રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું.
“ઝેરની પડીકી” વાર્તામાં એક કુટુંબમાં સાસુ-વહુ વચ્ચે પડેલ સંબંધોની તિરાડ સાંધવામાં અનુભવી વૃદ્ધ શાંતિભાઈ વૈદ્યએ આપેલ ઝેરની પડીકી કેવી કામયાબ નીવડે છે એ જોઈ શકશો.
કુટુંબના સભ્યો વચ્ચે પડતી સંબંધોની તિરાડો એમનો અહમ, ગેર સમજો અને સ્વભાવ ભેદને લીધે થતી હોય છે અને એમાં સુધારો લાવી શકાય છે એ આ વાર્તાનો એક પ્રેરક સંદેશ છે.
આખી વાર્તા વિનોદ વિહારના વાંચકો માટે નીચે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
ઝેરની પડીકી ….. વાર્તા ….. વિનોદ પટેલ
જીતેશ વિધવા માતા કમળાબેનનો એકનો એક પુત્ર હતો. કમળાબેન માટે એ આંખની કીકી જેવો વ્હાલો હતો .કેમ ના હોય, જીતેશ જ્યારે માત્ર દસ વર્ષની કુમળી વયનો હતો ત્યારે એમના પતિ મનહરભાઈ ન્યુમોનીયાની ટૂંકી માંદગીમાં સ્વર્ગવાસી થયા હતા. પતિ જતાં ઘર ચલાવવાની એકાએક આવી પડેલી મોટી જવાબદારી માથે ઉપાડી લઈને કમળાબેનએ આ શિક્ષિકા તરીકે નોકરી કરી જીતેશને માતા અને પિતાનો પ્રેમ અને સંસ્કાર આપી ઉછેર્યો .એમના પ્રિય દીકરાને સારું શિક્ષણ આપી એના ઉજળા ભાવી માટે તૈયાર કરવામાં કમળાબેનએ કશી કચાશ છોડી ન હતી. કહે છે ને કે પ્રેમ એ ભગવાનનું બીજું નામ છે. પ્રેમ એ જ શક્તિનો સ્ત્રોત છે .
જીતેશે એની કોલેજનો અભ્યાસ પૂરો કર્યો એટલે કમલાબેનએ જીતેશની જ પસંદગીની બી.કોમ પાસ થયેલી એમની જ્ઞાતિની જ કન્યા કામિની સાથે જીતેશનાં શુભ લગ્ન સગાં સંબંધીઓની હાજરીમાં ખુબ ધામધુમથી ઉજ્વ્યાં હતાં .લગ્ન કરીને જ્યારે કામિની અને જીતેશે પતી-પત્ની તરીકે ગૃહ પ્રવેશ કર્યો ત્યારે મનમાં અનેક અરમાનોથી છલકાતી નવવધુને વધાવતાં કમળાબેનની આંખમાં હર્ષનાં આંસુ ધસી આવ્યાં હતાં . આ વખતે એમનું અંતરમન એક ઊંડા સંતોષ અને આનંદની મિશ્ર લાગણીઓથી છલકાઈ ગયું હતું.
કમળાબેન કામિનીને જાણે એ એમની દીકરી ના હોય એવા ભાવથી ચાહતાં હતાં અને એની સાથે દીકરી જેવો જ વહેવાર કરતાં હતાં.પોતાની માતા અને એની પત્ની કામિનીને ખુશ જોઇને જીતેશ પણ મનથી ખુબ ખુશ રહેતો હતો.પરંતુ આવી ખુશી બહુ દિવસો માટે ટકી ના શકી .જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ કામિનીને મનથી લાગવા માંડ્યું કે એનાં સાસુ કમળાબેને જીતેશને સાવ માવડિયો બનાવી દીધો છે અને એથી જીતેશ એના પ્રત્યે જોઈએ એવો પ્રેમ બતાવતો નથી જેવો એ કમળાબેન પ્રત્યે બતાવે છે.ઘર સંસારની ઘણી વાતોમાં કમળાબેન તરફથી અવાર નવાર થતી દખલગીરીથી સાસુ પ્રત્યેનો કામિનીનો અણગમો દિન પ્રતિ દિન વધતો જ ગયો.
કામિની સ્વભાવે મૂળથી એક સ્વતંત્ર મિજાજની સ્ત્રી હતી. જીતેશ તરફના એના પ્રેમ વચ્ચે કમળાબેન એક હરીફ તરીકે આડખીલીરૂપ છે અને હમેશાં સાસુ તરીકેનો એમનો હક્ક જમાવવા માગે છે એમ એને મનથી લાગ્યા કરતું હતું. આના કારણે ધીમે ધીમે શરુઆતમાં આ સાસુ-વહુ વચ્ચે જે મા અને દીકરી જેવા પ્રેમ સંબંધો હતા એમાં તિરાડો પડવા લાગી હતી અને એને લીધે ઘરમાં કંકાશ અને તિરસ્કારનાં મુળિયાં દિવસે દિવસે ઊંડાં જતાં ગયાં .
કામિની અને કમળાબેનના સ્વભાવમાં અસમાન અને જમીનનો તફાવત હતો.વિધવા કમળાબેન એમના એકના એક વ્હાલા દીકરા જીતેશ પ્રત્યેના અનહદ પ્રેમની પકડ ઢીલી કરવા માટે અશક્ત હતાં. આ આખી વાતમાં નિર્દોષ વ્યક્તિ જીતેશ ઉપર આધિપત્ય જમાવવાની સાસુ અને વહુની આ એક પ્રકારની લડાઈ હતી !બિચારા પતિ જીતેશની મનોસ્થિતિ તો સુડીનાં બે પાંખીયાં વચ્ચે જેમ સોપારી દબાતી હોય એવી થઇ ગઈ હતી.ના તો એ માતાને ખુલ્લા દિલે કશું કહી શકતો હતો કે ના તો એ એની પત્ની કામિનીને કશું સમજાવી શકતો હતો .
જીતેશએ લગ્ન કરતા પહેલાં જ કામિની અને એના માતા-પિતા સાથે શરત કરેલી કે એ કોઈ પણ સંજોગોમાં એની માતાથી જુદો રહી નહી શકે.એની માતા કમળાબેનને કુટુંબમાં સાથે રાખવાની જો તૈયારી હોય તો જ એ લગ્ન કરવા રાજી હતો. એ વખતે કામિનીએ આ શરત ખુશીથી સ્વીકારી હતી પણ હવે કમળાબેન એને આંખમાં પડેલા પથ્થરના કણાની જેમ ખુંચતાં હતાં.એમની વચ્ચેના એક વખતના પ્રેમના સરોવરનાં પાણી સુકાઈ ગયાં હતાં અને સંબંધોની જમીનના તળીયે તિરાડો પડી ગઈ હતી !
દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા પરંતુ સાસુ-વહુ વચ્ચેના ઝગડા ઘટવાને બદલે વધતા જ ગયા . જુનવાણી માનસ ધરાવતાં કમળાબેન વાત વાતમાં કામિનીની કંઇક ને કંઇક ભૂલો શોધી કાઢી એની ટીકા કરતાં એ કામિનીને જરાએ પસંદ ન હતું.કમળાબેન પ્રત્યેનો કામિનીનો તિરસ્કાર હદ વટાવી ગયો હતો.આ રોજ રોજના ઘર કંકાસથી એ જ્યારે વાઝ આવી ગઈ ત્યારે એક દિવસ જીતેશ કે કમળાબેનને કશી ખબર આપ્યા વિના એ એના પિયર અમદાવાદમાં એના માતા પીતા સાથે રહેવા માટે જતી રહી.
પિયરમાં કામિનીના પિતા રમણભાઈના એક ખાસ મિત્ર શાંતિભાઈ વૈદ્ય અમદાવાદના એક પારંગત અને હોશિયાર વૈદ્ય તરીકે ખુબ જાણીતા હતા.રમણભાઈના કુટુંબ સાથે એમનો વર્ષોથી નજીકનો સંબંધ બંધાયો હતો. કામિની માટે તો તેઓ એના બાલ્યકાળથી એક મિત્ર અને માર્ગ દર્શક બની ગયેલા એના “શાંતિ કાકા “ હતા.પિયર વાસ દરમ્યાન કામિની એક દિવસ આ શાંતિભાઈ વૈદ્યને મળવા એ એકલી એમના ઘેર ગઈ.એમની સાથેની વાતચિતમાં એણે એની સાસુ કમળાબેન અને એના વચ્ચે થતા વારંવારના ઝગડાઓની પણ વાત કરી.મનમાં એક ખાસ મકસદ લઈને શાંતિકાકાને એ મળવા આવી હતી.
છેલ્લે કામિનીએ શાંતિભાઈને જે વાત કરી એ સાંભળી તેઓ મોટા અચંબામાં પડી ગયા કે એ શું બોલી રહી છે !કામિનીએ એમને ધીરેથી કહ્યું :”શાંતિકાકા , તમે આ શહેરના પ્રખ્યાત વૈદ્ય છો.તમારી દવાની જડીબુટ્ટીથી ઘણાના રોગ દુર કરો છો.તમે મને એવી કોઈ દવા બનાવી આપો કે જેથી મારો અને મારી સાસુ વચ્ચેનો પ્રશ્ન હંમેશ માટે ઉકલી જાય !”
જમાનાને પચાવી ગયેલા આ અનુભવી વૃદ્ધ શાંતિભાઈને સમજી જતાં વાર ના લાગી કે કામિની શું કહેવા માગે છે.કામિનીના ઝેરી બની ગયેલા દિમાગમાં સાસુને ઝેર આપવાનો વિચાર આવે જ કેમ એ તેઓ સમજી ના શક્યા. તેઓ કામિનીના મનનો તાગ મેળવતા હોય એમ બે ઘડી એના મુખ સામે એકી નજરે તાકી રહ્યા.
છેવટે થોડો વિચાર કર્યા બાદ કામિનીના આ શાંતિકાકાએ ખુબ જ શાંતિથી એને કહ્યું:”કામિની બેટા, તારો આ પ્રોબ્લેમ હંમેશ માટે ઉકેલવા માટે હું તને જરૂર મદદ કરીશ.”કામિનીને હતું કે એની વાત સાંભળતાં શાંતિકાકા ગુસ્સે થઇ જશે પણ એને બદલે તો તેઓ તો એની સાસુ કમળાબેનનો કાંટો હંમેશ માટે દુર કરવા માટે એને મદદ કરવા માટે તૈયાર થઇ ગયા એથી એ પણ આશ્ચર્યમાં પડી ગઈ ! .”
ત્યારબાદ શાંતિકાકાએ દવાની જુદી જુદી કેટલીક પડીકીઓ બનાવીને એ કામિનીને આપતાં કહ્યું :” લે કામિની, તારે આ પડીકીઓ તારી સાસુને કોઈ વહેમ ના પડે એવી હોશિયારીથી થોડા થોડા દિવસોના આંતરે આપવાની છે.એમને કહેવાનું કે આ દવાથી એમની તબિયતમાં સુધારો થઇ જશે.મેં આ દવામાં ઝેર ભેળવ્યું છે. આ દવાની અસર લાંબા ગાળે થશે.તારે છ મહિના સુધી રાહ જોવી પડશે.પરંતુ મારી કેટલીક શરતોનું તારે બરાબર પાલન કરવું પડશે.એ જો તું કરીશ તો જ મારી આ દવાની ધારી અસર થશે.”
કામિની કહે :”જરૂર, શાંતિ કાકા ,તમે જેમ કહેશો એમ કરીશ “
શાંતિભાઈ કહે :” જો કામિની, જાણે કશું જ બન્યું નથી એવો ચહેરા પર ભાવ રાખી તું જીતેશ અને કમળાબેન સાથે રહેવા પાછી જા.તારી સાસુને આંતરે દિવસે સારું સારું રાંધીને ખવડાવજે અને દરેક વખતે આ બધી પડીકીઓમાંથી એક પડીકી એમને કોઈ પણ જાતનો વહેમ ના આવે એ રીતે એમાં નાખજે.એમની સાથે બહુ દલીલબાજી ના કરીશ કે એમને કોઈ વાતે ખોટું લાગે એવુ કશું ના કરીશ . એમની સાથેનું વર્તન બરાબર સુધારી દેજે. એમની સાથે તારી મા જેવું સારું વર્તન કરજે કે જેથી એમને પડીકીઓ વિષે કોઈ વહેમ ના આવે.”
શાંતિકાકાએ આપેલી પડીકીઓ લઈને કામિની એક દિવસ કમળાબેન અને જીતેશની સાથે રહેવા આવી ગઈ.કમળાબેનએ એને પાછી આવેલી જોઇને પ્રથમ તો મ્હેણું માર્યું કે બાપના ઘેર તમારો ખંટાવ ના થયો!પરંતુ એના જવાબમાં કામિની એક અક્ષર પણ ના બોલી અને ઘરના કામમાં લાગી ગઈ. શાંતિકાકાના શીખવાડ્યા પ્રમાણે એણે એના વર્તાવમાં ફેરફાર કરી દીધો હતો.શાંતિકાકાના કહેવા પ્રમાણે એ છ મહિના સુધી કરતી ગઈ. આ છ મહિનામાં ઘરનું આખું વાતાવરણ ધરમૂળથી જ બદલાઈ ગયું.કમળાબેન કામીનીથી ખુબ ખુશ રહેવા લાગ્યાં .કામિની પણ સાસુથી ખુશ રહેવા લાગી. કમળાબેન અને કામિની વચ્ચે સાસુ-વહુ નહી પણ પહેલાંની જેમ એક મા-દીકરીના જેવો પ્રેમ ભાવ તાજો થયો.
એક દિવસ કામિનીના દોષિત મનમાં ઝબકાર થયો કે એક મા સમાન કમળાબેનનો કાંટો દુર કરવા માટે હું કેવું અધમ કામ કરી રહી છું. એના હૃદય મનના ઊંડાણમાંથી એને ખુબ પસ્તાવો થવા લાગ્યો.એક દિવસ એ કમળાબેન અને જીતેશની રજા લઈને એના પિયર અમદાવાદ જઈને તરત જ શાંતિલાલ વૈદ્યને મળવા માટે દોડી ગઈ.
શાંતિકાકાને બે હાથ જોડી કામિની એમને વિનવી રહી :”શાંતિ કાકા મારાથી મોટી ભૂલ થઇ ગઈ છે. ગુસ્સામાં અને તિરસ્કારની આગમાં ભાન ભૂલીને હું માર્ગ ભૂલી ગઈ હતી.તમારા કહેવા પ્રમાણે કરવાથી મારાં સાસુ તો સાવ બદલાઈ ગયાં છે.મહેરબાની કરીને મને એવી કોઈ બીજી દવાની પડીકી આપો કે જે એમને આપવામાં આવેલી ઝેરની પડીકીઓની અસર મિટાવી દે.મારે મારી આ મા સમાન સાસુને મારવાં નથી એમને કોઈ પણ હિસાબે જીવાડવાં છે. કાકા મારી ભૂલ માફ કરી દો અને આનો કંઇક ઉપાય કરો.”
આ સાંભળીને શાંતિકાકા ખડખડાટ હસી પડ્યા અને કામિનીને કહેવા લાગ્યા :
” અરે ગાંડી છોકરી, તારે કશી ચિંતા કરવાની કે ગભરાવાની જરાએ જરૂર નથી. તને મેં જે ઝેરની છે એમ કહીને પડીકીઓ આપી હતી એ હકીકતમાં તારી સાસુની તબિયત સુધારવા માટે વિટામીનની ગોળીઓનો ભૂકો હતો.મારે તારી સાસુને ઝેર આપવું ન હતું પણ તારા મગજમાં ભરાઈ ગયેલા ખોટા વિચારોના ઝેરની દવા કરવી હતી. તમારા ઘરના ઝઘડા તમારા બન્નેના મગજમાં જમા થતા ઝેરના પરિણામે થતા હતા.મેં કહ્યું એમ કરવાથી આ છ મહિનામાં તારી સાસુ અને તારા મગજમાં જે ઝેર જમા થયું હતું એ ઉતરી ગયું.તમારાં દિલ દિમાગ સાફ થઇ જતાં તમને બન્નેને તમારી ભૂલો સમજાઈ ગઈ . આના શુભ પરિણામે તું લગ્ન કરીને સાસરે ગઈ એ દિવસ જેવો તમારા બન્ને વચ્ચેનો પ્રેમભાવ ફરી સ્થપાઈ ગયો. “
“દીકરી હવે તારા બધા જુના બુરા વિચારો માટે દુખી થયા વિના એને ભૂલી જા અને જાણે કશું જ બન્યું નથી એવા ચોખ્ખા દીલ દિમાગથી કમળાબેન અને જીતેશ સાથે ફરી હળીમળીને રહે અને તારી હવે પછીની જિંદગીને હસી ખુશી અને આનંદથી ભરી દે. નવી ગીલ્લી નવો દાવ.આ તારા શાંતિકાકાના તને ખોબલે ખોબલે આશીર્વાદ છે. “
કામિની જ્યારે શાંતિકાકાને ચરણ સ્પર્શ કરી વિદાય લઇ રહી હતી ત્યારે શાંતિકાકાએ હસતાં હસતાં ઉમેર્યું :
“જો હવે પછી કોઈ ઝેરની પડીકી લેવા ફરી આવીશ તો નહિ આપું “
કામિની(શરમથી ઝૂકીને ) :” કદી પણ નહી આવું કાકા.મારાથી થયેલી ભૂલને માફ કરી દેશો ને ?”
….અને આ રીતે કામિની અને કમળાબેનના ઘર સંસારમાં હસી ખુશી ફરી આવી ગઈ .બન્ને વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ એ ફરી કદી નજરે ન પડે એવી રીતે સંધાઈ ગઈ !
વિનોદ પટેલ
સંકેત માસિકના નીચેના ચિત્ર પર ક્લિક કરી પ્રતિલિપિ .કોમ ની લીંક પર આ વાર્તા સહીત અન્ય લેખકોની પણ વાર્તાઓ વાંચી શકાશે.
વાચકોના પ્રતિભાવ