૧૫મી ઓગસ્ટ ૨૦૧૫, એટલે ભારતનો ૬૮ મો સ્વાતંત્ર્ય દિવસ
આજથી ૬૮ વર્ષ પહેલાં રાષ્ટ્રપિતા ગાંધીની આગેવાની નીચે ચાલેલી અહિંસક લડત બાદ ભારત અંગ્રેજી રાજ્યની ચુંગાલમાંથી મુક્ત બની એક આઝાદ દેશ બન્યો હતો .જન માનસમાં નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે એ દિવસથી એક નવા સ્વતંત્ર ભારતના ઇતિહાસનું નવું પ્રકરણ શરુ થયું હતું .
હવે ૬૮ વર્ષની સ્વતંત્રતા બાદ આજે એક પ્રશ્ન જન માનસમાં ઉભો થાય છે કે શું ભારત દેશની ગામડાઓમાં રહેતી છેવાડાની પ્રજાને સ્વાતંત્ર્યનાં મીઠાં ફળ ચાખવા મળ્યાં છે ખરાં ? અત્યાર સુધી રાજ્ય કરી ગયેલી સરકારોના નેતાઓના દેશમાંથી ગરીબી દુર કરવાના બોદા હાકલા પડકારા છતાં હજુ ગરીબી ખરેખર દુર થઇ છે ખરી. ?હકીકત તો એ છે કે આજે ગરીબો અને ધનિકોની આવક વચ્ચેની ખાઈ રોજ બરોજ વધતી જ જાય છે .
ચીલા ચાલુ રીતે આ સ્વાતંત્ર્ય દિવસના દિવસે ગાંધીજીના નામને નેતાઓ યાદ કરશે.એમનાં ગુણ ગાવામાં કોઈ કચાસ નહી રાખે.ગાંધીનાં બાવલાંનું ઉદઘાટન કરશે .પરંતુ એમના બોધેલ સીધાંતોના અમલનું શું ? એ પ્રશ્ન હજુ વણ ઉકલ્યો જ રહ્યો છે.ગાંધીજી કહેતા હતા કે જ્યાં સુધી સ્વતંત્રતાનાં ફળ સમાજના છેવાડાના ગરીબ માણસ સુધીના પહોંચે ત્યાં સુધી ખરી આઝાદી મળી ના કહેવાય .
પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે સાત મહાપાતકો ગણાવેલાં એ યાદ આવે છે:
૧. કાર્ય વગરની કમાણી
૨. વિવેક વગરનું સુખ
૩ ચારિત્ર્ય વગરનું જ્ઞાન
૪. નીતિ વગરનો વહેવાર
૫. માનવતા વગરનું વિજ્ઞાન
૬. ત્યાગ વગરનો ધર્મ અને
૭. મૂલ્યો વગરનું રાજકારણ.
આજની પરિસ્થિતિમાં આ ગાંધી મુલ્યો ઉપર વિચાર કરવા જેવો છે.હકીકત તો એ છે કે આજે ગાંધી કથિત આ મુલ્યો વિસરાઈ ગયાં છે.
ગાંધી ચિત્ર – ચિત્રાંકન વિનોદ પટેલ
સ્વ. શેખાદમ આબુવાલાની ગાંધી વિશેની એક ગઝલની આ પંક્તિઓ યાદ આવી જાય છે.
ગાંધી કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
– શેખાદમ આબુવાલા.
આ સંદર્ભમાં,આજના ૬૮મા સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ મારી આ કાવ્ય રચના અત્રે ફરી રજુ કરું છું જે આજની દેશની હાલત વિષે ઘણું કહી જાય છે .
ફરી જન્મ લઇ ક્યારે આવશો, પ્રભુ ?
અધર્મ ચોમેર ફેલાઈ રહ્યો છે આજે
વેરઝેર,યુદ્ધો ને આતંકવાદ જોર કરે આજે
નવી યાદવાસ્થળી વિનાશ નોતરે ત્યારે
ગીતામાં દીધેલ વચન પુરું કરવાને કાજે
અધર્મ મિટાવી ધર્મનું સંસ્થાપન કરવા
કેમ ફરી અવતરતા નથી દેવકીનંદન ?
એક ગાંધીને મોકલ્યો તમે ભારત દેશે
સ્વરાજ્ય આવ્યું ,નાચ્યા ,કુદયા,જશન મનાવ્યો
જુઓ પછી શું કર્યું અમે એ સત્યવાદી ફકીરનું ?
ગોળી મારીને ઢાળી દીધો, ન શરમાયા અમે !
ગાંધી જતાં જુઓ કેવી આંધી ફેલાઈ છે આજે
રૂડું નામ વટાવી એનું સેવાના નામે મેવા આરોગતા
શ્રીમંત બની રહ્યા નીર્લજ્જ ભ્રષ્ટ સત્તામદ લોકસેવકો
આજની આ ગાંધી મુલ્યોને સ્પર્શતી પોસ્ટના સંદર્ભમાં મને ગમેલો જાણીતા કટાર લેખક શ્રી દેવેન્દ્ર પટેલનો સંદેશની રેડ રોઝ કોલમમાં પ્રકાશિત એક લેખ “ ગાંધીજીએ કેવા સ્વરાજની કલ્પના કરી હતી?” વાંચવા જેવો છે.
આ લેખમાં ગાંધીજી જણાવે છે કે ….
ગામડાંનો નાશ તો હિન્દુસ્તાનનો નાશ
સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્તિ
મારા સપનાનું સ્વરાજ તે ગરીબનું સ્વરાજ છે
ગાંધીજીના સ્વપ્નના સ્વરાજ વિશેના વિચારો કેવા હતા એ જાણવા માટે નીચેના ગાંધીજીના આ ચિત્ર ઉપર ક્લિક કરી આ આખો પ્રેરક લેખ વાચો.
સૌજન્ય- સંદેશ.કોમ
================
આ પોસ્ટના મથાળે કુચ કરતા ગાંધીજીનું ચિત્ર મુક્યું છે એમાં મારા કવિ મિત્ર શ્રી રમેશ પટેલ નું પ્રસંગોચિત એક કાવ્ય અંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આ કાવ્ય ઝીણા અક્ષરમાં છે એટલે કદાચ વાંચી ના શકાય તો આ આખું આ સરસ કાવ્ય નીચે આપું છું.
આજે ચોમેર લગ્ન સંસ્થા અને લગ્નની ભાવનાનો હ્રાસ થઇ રહ્યો છે. અમેરિકામાં અને અન્યત્ર પણ નાની નાની બાબતોમાં લગ્ન ભંગ અને છુટા છેડાના કિસ્સાઓમાં ખુબ વધારો થતો જાય છે .
આમ હોવા છતાં આજે પણ એવી ઘણી વ્યક્તિઓ જોવા મળે છે જેઓ કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પણ લગ્ન વખતે લીધેલ આજીવન સાથ નિભાવવાના કોલનું ચુસ્ત પાલન કરી એને નિભાવી એક પ્રસન્ન દામ્પત્યની મિશાલ રૂપ જીવન જીવી લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
આજની પોસ્ટમાં પ્રસ્તુત વિડીયોમાં આવા એક આદર્શ વૃદ્ધ પતી-પત્ની વચ્ચેના
પ્રેમને ઉજાગર કરતી એક પ્રેમ કથા તમને જોવા મળશે.
પતી બીલ અને એની પત્ની ગ્લેડ (નામ પણ ખુશ કરી દે એવું છે !) નું ૫૦ વર્ષ નું પ્રસન્ન દામ્પત્ય છે. એમના કમનશીબે ગ્લેડ અલ્ઝાઈમર ના રોગમાં સપડાઈ એની સ્મૃતિ ખોઈ બેસી છે. આ સંજોગોમાં એનો પતી બીલ એની પ્રિય પત્નીની કેવી અથાક સેવા બજાવે છે એ જોઇને તમને એને સલામ કરવાનું મન થશે.
બીલ કહે છે ગ્લેડ મારી પ્રિન્સેસ છે હું એનો વિલિયમ છું.
આ બે ની પ્રેમ કથા દિલને સ્પર્શી જાય છે. એક આદર્શ દામ્પત્ય કેવું હોય એની સૌ માટે એક મિશાલ રચી જાય છે .
This year, a couple will celebrate their 50th wedding anniversary. The wife, Glad, has Alzheimer’s — requiring extra care from her husband, Bill.
A Couple’s Love Story Will Restore Your Faith In Marriage Today-2 ઑગ, 2013 પર પ્રકાશિત
ઉપર તમે એક વૃદ્ધ દંપતીનો વિડીયો જોયો .
હવે નીચેનો વિડીયો એક પંજાબી કન્યા સીમરન અને કેનેડીયન
વર ફ્રેંક ના લગ્ન પ્રસંગનો છે.
કેનેડીયન યુવક ૬ મહિના પ્રેક્ટીસ કરી એક જાણીતા હિન્દી ફિલ્મ નું ગીત
..તુમ હી તો હો …
ગાઈને કન્યાની આંખમાં પ્રેમનાં આંસુ લાવી દે છે!
કેવું શુભગ ચિત્ર રચાય છે.!
આશા રાખીએ સીમરન અને ફ્રેંક ની જોડીનું દામ્પત્ય ઉપરના વિડીયોમાં
જોએલા બીલ અને ગ્લેડ જેવું સફળ નીવડે.
Tum Hi Ho | Frank & Simran |
Canadian Groom Sings to Indian Bride
આ લગ્ન વિષે વધુ વિગતો/ચિત્રો વી. નીચેની લીંક ઉપર ક્લિક કરી વાચો/જુઓ.
અમેરિકાના પ્રમુખ અને કમાન્ડર-ઇન-ચીફ બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીને ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ તરીકે ઓળખાવ્યા.
અમેરિકાના વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિનની આ વર્ષની વિશ્વની સૌથી વધુ વગદાર ૧૦૦ વ્યક્તિઓ ( The 100 most Influential people ) ની યાદીમાં જે ચાર મૂળ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગ્રેસર છે.મોદી ઉપરાંત આ યાદીમાં ૧૦૦ માંધાતાઓ, સ્થાપકો, કળાકારો, નેતાઓ, આઇકોનનો સમાવેશ થાય છે એમાં –
-એનજીઓ સંગાથના કો-ફાઉન્ડર વિક્રમ પટેલનો સમાવેશ થાય છે.
મોદી સાથે વ્યક્તિગત ગાઢ મિત્રતા દર્શાવતા ઓબામાએ ‘ટાઇમ’ મેગેઝિન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની રૂપરેખા લખી છે. આ જીવન વૃતાંતને ‘ઇન્ડિયાઝ રિફોર્મર-ઇન-ચીફ’ એવું મથાળું આપ્યું છે .ભારતના ગતિશીલ અને તરવરાટથી ભરેલા મોદીના નેતૃત્વની અને ક્ષમતાની ઝાંખી રજૂ કરી છે અને તેમને જગતના સૌથી મોટા સુધારક લેખાવ્યા છે.
આ લેખમાં ઓબામાએ લખ્યું હતું કે મોદીએ બાળપણમાં ચા વેચીને તેમના પરિવારને મદદ કરી હતી .મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા છે અને તેમની જીવનકથા ગરીબીમાથી વડા પ્રધાનપદ સુધીની છે, જેમાં ભારતના ઉત્થાનની ગતિશીલતા અને ક્ષમતાનાં દર્શન થાય છે. ઓબામાએ લખ્યું હતું કે તેમણે ભારતની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ વચ્ચે સમન્વય ઊભો કર્યો છે, યોગની પ્રાચીન પદ્ધતિને આધુનિક રૂપ આપીને વિશ્વમાં તેનો વ્યાપ વિસ્તાર્યો છે, ટ્વિટર પર લોકસંપર્ક જાળવી રાખ્યો છે અને ડિજિટલ ઇન્ડિયાની ઇમેજ ઊભી કરી છે.
નરેન્દ્ર મોદીએ ‘ટાઇમ’ મેગેઝિનમાં લખેલા એમના લેખ બદલ ઓબામાનો ટ્વિટર દ્વારા આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આપના હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર.
(આઈએએનએસ ન્યુઝ માંથી સાભાર )
=================
ટાઈમ મેગેઝીનનો હું સબસ્ક્રાઈબર છું. ટાઈમના April27/May 4,2015 આ અંકમાં પ્રગટ બરાક ઓબામાના આ પરિચય લેખનો અંગ્રેજી પાઠ નીચે પ્રમાણે છે.
India’s reformer-in-chief
As a boy, Narendra Modi helped his father sell tea to support their family. Today, he’s the leader of the world’s largest democracy, and his life story—from poverty to Prime Minister—reflects the dynamism and potential of India’s rise.
Determined to help more Indians follow in his path, he’s laid out an ambitious vision to reduce extreme poverty, improve education, empower women and girls and unleash India’s true economic potential while confronting climate change. Like India, he transcends the ancient and the modern—a devotee of yoga who connects with Indian citizens on Twitter and imagines a “digital India.”
When he came to Washington, Narendra and I visited the memorial to Dr. Martin Luther King Jr. We reflected on the teachings of King and Gandhi and how the diversity of backgrounds and faiths in our countries is a strength we have to protect. Prime Minister Modi recognizes that more than 1 billion Indians living and succeeding together can be an inspiring model for the world.
Obama is the 44th President of the United States
ટાઈમ મેગેઝીનની નીચેની લીંક ઉપર આ વર્ષની વિશ્વની સૌથી વધુ વગદાર ૧૦૦ વ્યક્તિઓ ( The 100 most Influential people ) વિષે જાણો .
કઠમંડુનું ગૌરવ ‘ધરહરા મિનાર’ થયો જમીનદોસ્ત-ફોટો સૌજન્ય-ચિત્રલેખા
હિમાલયની ગોદમાં શાંતિથી સમય બસર કરી રહેલ વિશ્વના એક માત્ર હિંદુ રાષ્ટ્ર નેપાળમાં શનિવાર, ૨૫ એપ્રિલે આવેલા હચમચાવી મુકનાર ૭.૮ની તીવ્રતા સાથેના ભયાનક ભૂકંપે કાઠમંડુ અને અન્ય જગાઓએ વિનાશ સર્જ્યો છે. નેપાળ અને ભારતમાં ભૂકંપથી જાન માલનું ભારે નુકસાન થયું છે. મિનિટોના ગાળામાં જ હજારો ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ હતી .
આ ભૂકંપે કાઠમંડુમાં ભારે વિનાશ વેર્યો છે.નેપાળની ઓળખસમાન કઠમંડુનું ગૌરવ ‘ધરહરા મિનાર’અને અનેક ઐતિહાસિક ઈમારતોને જમીનદોસ્ત કરી છે કે નુકસાન પહોંચાડ્યું છે. ભારતમાં પણ આ ભૂકંપથી ઘણું નુકસાન થયું છે.
આ લખાય છે ત્યારે છેલ્લા સમાચાર પ્રમાણે જાનહાનીનો આંકડો ૪૦૦૦ની સંખ્યા વટાવી ગયો છે .જેમ દિવસ જાય છે એમ મોતનો આંકડો વધી રહ્યો છે. હજુ મોતનો આંકડો ૧૦૦૦૦ સુધી વધે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ નજીક ઓછામાં ઓછા ૨૨ પર્વતારોહીના મોત થઇ ગયાં છે.
વિશ્વમાં આફતો બે પ્રકારની હોય છે .એક કુદરતી અને બીજી માનવ સર્જિત .ભારે વરસાદ,અતિ વૃષ્ટિ, અના વૃષ્ટિ , પુર ,વાવાઝોડા . દુકાળ અને ધરતીકંપ જેવી આફતો એ કુદરતી આફતો છે જ્યારે યુદ્ધ, આતકવાદ વિગેરેથી થતી જાનહાની એ મનુષ્ય સર્જિત આફતો છે. હાલ યમન અને અખાતી દેશોમાં જે મનુષ્ય હાની થાય છે એ મનુષ્ય સર્જિત છે.
આધુનિક સગવડો ને ટી.વી.માધ્યમોથી આ ભયાનકતાનો ચીતાર સૌને હવે ઘેર બેઠાં મળી જાય છે .ABC NEWS નો આ વિડીઓનાં દ્રશ્યો હૃદયદ્રાવી છે.
Nepal Earthquake Leaves Thousands Dead
અહીં અમેરિકામાં સુંદર મકાનમાં આરામદાયક સોફામાં બેસી ટી.વી.ઉપર આ કુદરતી આફતનાં દ્રશ્યો જોઈ રહ્યો છું ત્યારે મૃત આત્માઓ અને ઘવાએલ લોકોની આ આપત્તિમાં લાચાર અને અસહાય સ્થિતિ જોઈ મનમાં જે સંવેદનાઓ જાગે છે એને વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે એમ છે.
મારી સંવેદનાઓ મારી આ રચનામાં વ્યક્ત થાય છે .
માનવ અને કુદરત
ધરતીકંપ જેવી કુદરતી આફતો ત્રાટકે છે જ્યારે,
મનુષ્યની લાચારી અસહાયતા વર્તાય છે ત્યારે!
યુદ્ધ,આતંકવાદ જેવી માનવ સર્જિત આફતોમાં,
આખાએ વિશ્વની શાંતિ જોખમાઈ રહી છે આજે!
ધ્રુજી ધરા રુદ્રના તાંડવ નૃત્યથી જાણે નેપાળમાં,
જમીનદોસ્ત થયું બધું, પત્તાંનો મહેલ હોય જાણે !
જાન માલ હાનીનાં દ્રશ્યો હૃદય કંપાવી જાય છે,
શબ્દો ઓછા છે ,સંવેદના અભિવ્યક્ત કરવા માટે .
ભૂકંપમાં મૃત આત્માઓને પ્રભુ ચીર શાંતિ આપજો,
આપત્તિમાં પડેલ દુખીઓના દુઃખને સહ્ય બનાવજો.
વિનોદ પટેલ
આવા કુદરતી સંકટ ના સમયે ચોમેર માનવતાનાં જે દર્શન થઇ રહ્યાં છે એ સરાહનીય છે.દેશ અને દુનિયામાંથી રાહત ટુકડીઓ નેપાળને માનસિક અને ભૌતિક રીતે બેઠું કરવાના સેવા કાર્યમાં લાગી ગઈ છે એ જોઇને થાય છે કે હજુ માનવતા મરી પરવારી નથી.
દેશભરમાંથી ઉત્સાહી યુવકો,સ્વયંસેવકો,ડોકટરો ,આપણા સશસ્ત્ર દળોના જવાનો ઘટના સ્થળે પહોંચી જઈને જરૂરી મદદ અને રાહત કામે લાગી ગયા છે.
લોકો રોકડ નાણાં, સાધનસામગ્રી તથા દવાઓના રૂપમાં રાહત કાર્યો માટેનું યોગદાન આપી રહ્યા છે.રાજકીય પક્ષો પણ મતભેદો ભૂલી બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે એ શુભ ચિન્હ છે .પાર્લામેન્ટના સભ્યો એમના એક મહિનાનો પગાર રાહત કામો માટે આપવાનું જાહેર કર્યું છે.
સેવાના આ યજ્ઞમાં સૌ શક્ય એટલો ફાળો આપે એવી આશા .
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણીના “મન કી બાત “ મારફતે દેશ જોગ જે પ્રસંગોચિત સંદેશ આપ્યો છે એ નીચેના વિડીયોમાં પ્રસ્તુત છે.
જેની કાગ ડોળે રાહ જોવાઈ રહી હતી એ દિલ્હી એસેમ્બલીનાં, ટી.વી. ઉપર નિષ્ણાતોના બધાએ પોલ અને વરતારાને આંબી જતાં પરિણામો બહાર આવી ગયાં .
ઝાડુને બદલે વેક્યુમ ક્લીનર ?!!!
આ પરિણામોમાં શ્રી અરવિંદ કેજરીવાલની નેતાગીરી હેઠળ આમ આદમી પાર્ટીએ ૭૦ માંથી ૬૭ બેઠકો ઉપર જ્વલંત ,અણધાર્યો અને આશ્ચર્યકારક વિજય હાંસલ કરીને એક ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કરી દીધો. એક વખત ટીકાઓ અને ટિખળનો ભોગ બનનાર ઉપર પ્રસંસાનાં ફૂલોની દેશ અને દુનિયામાંથી વર્ષા થઇ રહી છે . ઇતિહાસનું પાનું ફરી ગયું છે અને ભાજપ હાલ ટીકાઓ અને ટીખળોનો સામનો કરી રહ્યું છે !
તાંજેતરમાં જ પાંચ સ્ટેટમાં લોકસભાની ચુંટણીમાં ઉપરા ઉપરી સારી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી પોતાની સરકારો રચનાર અને મધ્યસ્થ સરકારનો વહીવટ સંભાળનાર ભારતીય જનતા પક્ષને દિલ્હીમાં સમ ખાવા પુરતી ૭૦ માંથી માત્ર ૩ બેઠકો પ્રાપ્ત થઇ અને મુખ્ય પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરેલ ,લોખંડી મહિલા કહેવાતી શ્રીમતી કિરણ બેદીની નામોશી ભરી હાર થઇ .મોદીનો વિજય રથ આમ દિલ્હીમાં ખોટવાતો નજરે પડ્યો !અબકી બાર મોદી સરકારને બદલે અબ કી બાર કેજરીવાલ નો આશ્રય જનક ચુકાદો લોકોએ આપ્યો !
શીલા દીક્ષિતના મુખ્ય મંત્રી પદે આ જ દિલ્હીમાં ૧૫ વર્ષ સુધી એક ચક્રી રાજ્ય કરનાર કોંગ્રેસ પક્ષને ઝીરો- એક પણ બેઠક ઉપર વિજય ના મળે એ કેવું કહેવાય ! મોદીનું કોંગ્રેસ મુક્ત ભારતનું સ્વપ્ન દિલ્હી પુરતું તો કેજરીવાલે સત્ય કરી આપ્યું !કોંગ્રેસની નેતાગીરીમાં હાલ એક જ કુટુંબનો જે ઈજારો પ્રવર્તે છે એમાંથી મુક્ત થઇ કોઈ બહારની સક્ષમ નેતાગીરી માટે વિચારવાનો કોંગ્રેસીઓ માટે સમય ક્યારનો ય પાકી ગયો છે!હજુ ય રાહુલને બદલે પ્રિયંકા ગાંધીને લાવવાની વાતો કોંગ્રેસમાં ફરતી થઇ એ કેવું કહેવાય !
આમ આદમીની હાલની રાજકીય સુનામીના માહોલમાં એ નોધવા જેવું છે કે આ જ કેજરીવાલની પાર્ટીને એક વર્ષ અગાઉ ભાજપ કરતાં ઓછી સીટો મળેલી અને લોકસભાની ચુંટણીમાં તો એમને દિલ્હીમાં એક પણ બેઠક પ્રાપ્ત થઇ ન હતી. આજની કોંગ્રેસ જેવી સ્થિતિમાં તેઓ હતા.વારાણસીમાં તેઓ પોતે ભાજપ સામે લોકસભાની સીટ હારી ગયા હતા અને આખા દેશમાં ૪૦૦ ઉમેદવારો ઉભા રાખેલા એમાંથી ફક્ત ચાર ઉમેદવારો જ જીત્યા હતા !મોટા ભાગના ઉમેદવારોએ તો એમની ડીપોઝીટો પણ ગુમાવી હતી !
આમ રાજ્કારણ કે જીવનમાં હાર કે જીત એ કાયમી નથી હોતી.સફળતા- નિષ્ફળતાનું ચક્ર ચાલતું જ રહે છે .
આજના રાજકીય માહોલમાં મને આ અછાંદસ કાવ્ય અને કેટલાંક હાઈકુ
આ પ્રજાસત્તાક દિને જેમને પદ્મશ્રીના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા છે એ ડો.ગુણવંતભાઈ શાહએ એમના ઉપર ચિત્રમાંના અવતરણમાં દીકરીના નામનો મહિમા કાવ્યમય શૈલીમાં કેવો સુંદર કહી દીધો છે ! દીકરી ભલે નજર સામે ના હોય પણ મા-બાપના હૈયામાં તો એનો સદાનો વાસ હોય છે. એમનું હૈયું દીકરી જીંદગીભર માટે હર્યું ભર્યું રાખે છે.
એક મિત્રના ફેસ બુક પેજ પરથી પ્રાપ્ત કોઈ પુરુષે કહેલાં સ્ત્રીના વિવિધ રૂપો વિશેનાં આ ઉત્તમ વાક્યો વાંચવા જેવાં છે :
૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો ચાંપ્યો હતો…તે મારી મા હતી.
૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી…તે મારી બહેન હતી.
૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક સ્ત્રી હતી…મારી શિક્ષીકા.
૪) મારે સતત કોઇનુ સાનિધ્ય, સથવારો અને પ્રેમની જરુર હતી,ત્યારે પણ એક સ્ત્રી મોજુદ હતી…તે મારી પત્ની હતી.
૫) જ્યારે હું રુક્ષ બન્યો ત્યારે મને પીગળાવવા એક સ્ત્રી હતી…તે મારી પુત્રી હતી.
૬) જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા એક સ્ત્રી હશે…તે મારી માતૃભૂમિ હશે.
નરેન્દ્ર મોદી સરકારે આ વખતની ૨૬ મી જાન્યુઆરી પરેડનો થીમ ‘નારી શક્તિ’ રાખ્યો હતો એટલે પરેડમાં લશ્કર, નૌકા દળ અને હવાઈ દળએ તેમના તમામ-મહિલા સૈનિકોના સંઘ ઉતાર્યા હતા.આ કેટલું ભવ્ય દ્રશ્ય હતું ! અમેરિકાના પ્રેસીડન્ટ બરાક ઓબામા પણ એ જોઇને ખુશ ખુશ થઈ ગયા હતા .
શ્રી મોદીનું નવું અભિયાન -‘બેટી બચાઓ-બેટી પઢાઓ’
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રાજકારણના દાવપેચ ખેલનાર એક વિચક્ષણ રાજકારણી તો છે જ પણ એક અદના સમાજકારણી પણ છે.મહાત્મા ગાંધીની જેમ તેઓ સમજે છે કે રાજ્ય માટે સમાજ નથી પણ સમાજ માટે રાજ્ય છે.પ્રજાએ મોટી આશાઓ અને અરમાનો સાથે સોંપેલી સતાનો ઉપયોગ અંગત હિતો સિદ્ધ કરવા માટે નથી પણ લોક સમસ્તની સેવા માટે છે એમ તેઓ માને છે.
શ્રી મોદી ગુજરાતના વડનગર ગામમાં આર્થિક રીતે પછાત મોદી કુટુંબમાંથી આવ્યા છે.વડનગર સ્ટેશન ઉપર ચા વેચનાર એક કિશોરમાંથી,પોતાની સૂઝબુઝ અને દેશ સેવાની ભાવનાથી સ્વ પુરુષાર્થ વડે વડા પ્રધાન જેવા દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે. આને કારણે સામાન્ય જનતાના પ્રશ્નો વિષે મૂળભૂત જ્ઞાન અને અનુભવ ધરાવે છે. એમના મૂળને તેઓ ભૂલ્યા નથી.
દેશના વડા પ્રધાનનું પદ સંભાળ્યાને હજુ તો આઠ જ મહિના પસાર થયા છે પરંતુ આ ટૂંકા ગાળામાં દેશની સામાન્ય જનતાને સ્પર્શતી નીચેની યોજનાઓ શ્રી મોદીએ દેશની સામે મૂકી દીધી છે.
વડાપ્રધાને ૧પમી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી ‘જનધન યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી હતી.આ ૨૧મી સદીમાં દેશની ૪૦ ટકા જેટલી વસ્તી પાસે પોતાનુ બેન્ક એકાઉન્ટ નથી.યોજનાના પહેલા જ દિવસે સમગ્ર દેશમાં દોઢ કરોડ નવાં ખાતાં ખોલવામાં આવ્યાં હતાં .૨૬ મી જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં ૮ થી ૧૦ કરોડ ખાતાં ખોલાઈ જશે એમ મનાય છે.આજે એક જ સપ્તાહમાં સૌથી વધુ ખાતેદારોની સંખ્યા માટે ગ્રીનીચ બુક ઓફ રેકોર્ડમાં એની નોધ લેવાઈ ચુકી છે.આ યોજના હેઠળ તમામ ખાતેદારોને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને ૩૦ હજાર રૂપિયાનુ વધારાનું વીમા કવચ પણ અપાશે.
૨૨મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ હરિયાણાથી વડા પ્રધાન મોદીના હસ્તે આ ચોથી યોજનાના શ્રી ગણેશ થયા છે.
આજે ભારતમાં સ્ત્રી-પુરુષના જાતિ પ્રમાણના આંકડાઓમાં ઘણી અસમાનતા નજરે પડે છે. કન્યા ભ્રુણ હત્યાને લીધે નવ જાત છોકરીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. હરિયાણામાં એ પ્રમાણ ૧૦૦૦ છોકરાઓએ ૭૫૦- ૮૦૦ છોકરીઓ જન્મ લેતી હોય છે.
સ્ત્રી-પુરુષના જાતિ પ્રમાણના આંકડાઓમાં ઘણી અસમાનતાને ધ્યાનમાં રાખીને તથા બાળકીઓને સમાન હકો મળી રહે એ માટે ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ મિશન અને સુકન્યા સમૃદ્ધિ યોજનાઓને લોંચ કરવાનો કાર્યક્રમ તારીખ ૨૨મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ વડા પ્રધાન મોદીના હસ્તે હરિયાણામાં યોજવામાં આવ્યો હતો.
‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ મિશન હાલ ૧૦૦ જેટલા જિલ્લામાં લાગુ પાડવામાં આવશે. આ બે મિશનનો હેતુ બાળકીઓને સુરક્ષા તથા શિક્ષણ પૂરું પાડવાનો છે.
આ લોન્ચ થયેલા ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ના મિશનની બ્રાન્ડ એમ્બેસેડર બોલિવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત બની હતી.દેશમાં બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માધુરી આગળ આવી હતી. માધુરી દીક્ષિત અને નરેન્દ્ર મોદી એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતા.
માધુરી દીક્ષિતે ટ્વીટર પર આ સમાચાર આપતાં ખુશી વ્યક્ત કરી હતી. લોન્ચિંગ સમયે માધુરીએ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છે, પરંતુ હજી પણ દીકરીઓને બોજારૂપ ગણવામાં આવે છે એ દુખની વાત છે.આજે દીકરીઓ ઘણાં ક્ષેત્રોમાં આગળ આવી રહી છે.
વધુમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જો દેશમાં એક હજાર બાળકો પેદા થાય તો એક હજાર બાળકી પણ પેદા થવી જ જોઈએ. માતા-પિતા બાળકીઓને શિક્ષણ આપવા માટે ૫૦ વખત શા માટે વિચારતાં હશે ?એવો એમણે પ્રશ્ન કર્યો હતો.ઘડપણમાં દીકરાઓ જ સેવા કરશે એ માન્યતા ભૂલ ભરેલી છે. ઘણી વખત દીકરાઓ કરતાં દીકરીઓ ઘડપણમાં મા-બાપની વધુ મદદે આવતી હોય છે એમ એમને કહ્યું હતું.
જો છોકરીઓને જન્મવા જ નહીં દો તો વહુ ક્યાંથી લાવશો?-શ્રી મોદી
બીજી બાજુ નરેન્દ્ર મોદીએ એમના પ્રવચનમાં જનતાને પૂછ્યું હતું કે જો છોકરીઓને જન્મવા જ નહીં દો તો તમારા છોકરાઓ માટે વહુ ક્યાંથી લાવશો?
શ્રી મોદીએ બેટી બચાઓ ,બેટી પઢાઓ” અભિયાન લોન્ચ કરતી વેળાએ કરેલ પ્રવચનમાં દીકરી જન્મે એ પહેલાં જ ગર્ભમાં કરાતી એની હત્યા રોકવા માટે સૌને દર્દ ભરી અપીલ કરી હતી. આવી થતી હત્યાઓ માટે સમાજમાં લોકોની દીકરીઓ પ્રત્યેની દુષિત માનસિકતાને જવાબદાર ગણાવી હતી. પૈસાને લોભે આવું નીચ કામ કરવા તૈયાર થનાર ડોક્ટરોની પણ એમણે ઝાટકણી કાઢી હતી.એમના આ પ્રવચનનો એક અંશ નીચેના વિડીયોમાં છે.
PM Modi makes emotional appeal for girls, denounces foeticide
શ્રી મોદીએ લોન્ચ કરેલ આ યોજના અન્વયે ૧૦ વર્ષની ઉમર નીચેની બાલિકાઓ માટે બેન્કમાં એમના ખાતાં ખોલવામાં આવશે. નીચેના વિડીયોમાં શ્રી મોદી સાથે માધુરી દીક્ષિત,મેનકા ગાંધી અને સ્મૃતિ ઈરાની પણ છે.
વાચકોના પ્રતિભાવ