વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: પ્રા.રમણ પાઠક

( 676 ) જાણીતા રેશનાલિસ્ટ અને સાહિત્યકાર પ્રો. રમણ પાઠક ” વાચસ્પતિ ” નું દુખદ અવસાન-હાર્દિક શ્રધાંજલિ

 Pro.Raman Pathakપ્રા.રમણ પાઠક, Raman Pathak

પરિચય- સૌજન્ય – ગુજરાતી પ્રતિભા પરિચય 

જાણીતા રેશનાલિસ્ટ અને સાહિત્યકાર પ્રોફેસર રમણ પાઠકનું ” વાચસ્પતિ ” નું ૧૨ મી માર્ચ, ૨૦૧૫ ના રોજ એમની 92 વર્ષની જૈફ વયે એમના વતન બારડોલી ખાતે અવસાન થયું હતું.

પ્રોફેસર પાઠકનો જન્મ ૩૦મી જુલાઈ 1922ના રોજ પંચમહાલ જિલ્લાના પર્વતીય ગામ રાજગઢમાં થયો હતો. તેમનુ બાળપણ જાણીતા સાહિત્યકાર અને તેમના ભાઈ જયંત પાઠક સાથે વિત્યું હતું.સમાચાર સુત્રોએ જણાવ્યું છે કે કુટુંબીજનો પાઠકની અંતિમ ઈચ્છા મુજબ મેડિકલ તપાસ બાદ તેમના દેહનું દાન કરશે

રમણ પાઠક ગુજરાતી ભાષાના  ખ્યાતનામ  સાહિત્યકાર હતા. એમણે ઘણી નવલકથાઓ-પુસ્તકો લખ્યાં છે જેવાં  રમણ ભમણ,આંસુ અંધાર, આક્રોશ,પડકાર, પ્રતિકાર અને પ્રકોપનો સમાવેશ થાય છે.

રમણ પાઠકએ  ઘણા લાબા સમયથી સુરતના સ્થાનિક સમાચારપત્ર ગુજરાત મિત્રમાં એમની દર અઠવાડિયે પ્રકાશિત થતી પ્રખ્યાત કોલમ ‘રમણ ભમણ’માં  રેશનાલિઝમ પર સતત લખ્યું હતું.આ કોલમમાં એમણે ધાર્મિક અંધશ્રદ્ધાઓ પર પણ કટાક્ષો કર્યા હતા.

પ્રો.રમણભાઈના મિત્ર સુરતના શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના વિષે એક ઈ-મેલમાં મને લખેલું :

” રમણભાઈનું શરીર હાલ ભલે સાવ જર્જરીત પણ મગજ ૧૦૦ વૉટના બલ્બ જેવું ઝગારા મારે ! પંડે એકલા જ રહે.. એકની એક દીકરી તેના પરીવાર સાથે અમેરીકામાં છે ..પરમ સંતોષી અને આનંદી જીવ.છેલ્લાં ૩૭ વરસથી ગુ.મી.ના છાપાંમાં, આજ સ્થળે, દર શનીવારે ‘રમણભ્રમણ’ તો હોય ,હોય અને હોય જ !!”

છેલ્લા એકાદ વર્ષથી  જયારે એમની તબિયત ખુબ બગડી ત્યારે એમણે કોલમ લખવાનું બંધ કર્યું હતું.

ગુજરાત મિત્રની કોલમ રમણ ભ્રમણના એમના છેલ્લા 26એપ્રીલ, 2014ના અંકના વિદાય લેખ “અન્તીમ ભ્રમણ: કાળની વીકરાળ લીલા”માં ભારે હૃદયે તેઓએ લખ્યું હતું.

“વીદાય ! આજથી આ ‘રમણભ્રમણ’ આખરી વીદાય લે છે. તબીયત બેહદ કથળી ગઈ છે: હલનચલન બીલકુલ બંધ ! એક પડખું બદલતાંય મરણતોલ શ્વાસ ચઢી જાય છે. જીવવું, દુષ્કર છે, ત્યાં વળી લખવું ? (વય:92) ખેર ! મારાં દુ:ખ રડવાને બદલે ચાલો દોસ્તો, થોડાં સુખદ સંસ્મરણો વાગોળી લઈએ.”

એમનો આ આખો વિદાય લેખ મિત્ર શ્રી ગોવીંદભાઈ મારૂના  સૌજન્યથી એમના બ્લોગ અભિવ્યક્તિની  નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાચો. 

અંતિમ ભ્રમણ :કાળની વિકરાળ લીલા –પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) 

પ્રો. રમણભાઈ રેશનાલિઝમ અંગે શું વિચારો ધરાવતા હતા એ એમણે એમના શ્રી ગોવીંદ મારુના બ્લોગ અભિવ્યક્તિમાં પ્રગટ એમના ફેબ્રુઆરી ૬,૨૦૧૫ ના આ લેખમાં એમણે સ્પષ્ટતાથી લખ્યું છે .

રેશનાલી ઝમ …..પ્રા .રમણ પાઠક “વાચસ્પતી”

સ્વ.રમણભાઈ નેવું વર્ષની ઉંમરે પણ એક યુવાનનું દિલ ધરાવતા હતા એ તમે એમનો ગુજરાત મિત્રમાં પ્રકાશિત વસંતોત્સવ અને પ્રેમ વિશેનો નીચેનો લેખ વાંચશો એટલે તમને સહેજે જણાઈ આવશે. 

વસંતોત્સવ- પ્રેમનો દિવસ – લેખક- પ્રો.રમણ પાઠક (રમણભ્રમણ )

અખબારના આ જ પેજ પર શ્રી નરેશ ઉમરીગરનો એક ચર્ચાપત્ર છપાયો છે તે માં એમણે પ્ર.રમણભાઈ વિષે જે લખ્યું છે એ પણ વાંચવા વીનંતી છે.

રમણભાઈ એમના દરેક લેખને અંતે ભરતવાક્યમાં સુવિચાર લખતા હતા . આવું એક ભરત વાક્ય ઉદાહરણ તરીકે ….

ભરતવાક્ય: 

પ્રેમ તથા જ્ઞાને મને ઉંચે ગગનવીહાર કરાવ્યો છે; જ્યારે દયા-કરુણા હંમેશાં મને પાછો પૃથ્વી પર ખેંચી લાવી છે. સરમુખત્યારોના અત્યાચારોનો ભોગ બનતા માનવીઓના; એકાકી વૃદ્ધોના અને દુ:ખીયારાં બાળકોના વેદનાભર્યા આર્તનાદો મને સંભળાય છે. હું તેઓની પીડા દુર કરવા ઝંખું છું, પણ એ મારા ગજા બહારનું કાર્ય છે, અને એથી હું પણ દુ:ખી છું…  બર્ટ્રાન્ડ રસેલ

(વીશ્વના ઉત્ત્તમોત્ત્તમ રૅશનાલીસ્ટ એવા બર્ટ્રાન્ડ રસેલના ઋજુ હૈયાની માનવીય કરુણાનો આ આર્તનાદ છે; જે તેમની આત્મકથામાંથી, અત્રે કેવળ સ્મૃતી આધારે ટાંક્યો છે. જો કે ઘણા ખરા શબ્દો સહીત મુળનો ભાવાર્થ બરાબર આ પ્રમાણે છે….ર.પા.) 

-પ્રા. રમણ પાઠક

તા. 6 ફેબ્રુઆરી, 2010ના સુરતના ‘ગુજરાત મીત્ર’ દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘રમણભ્રમણ’માંથી, લેખક અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર.

========

વર્ષા અડલજા,આત્મ ઝરમર વિષે ….

પ્રા. રમણ પાઠક. (વાચસ્પતિ)એ જીવનસંધ્યાનો ઢળતો સૂરજ જોતાં જોતાં એમની આત્મકથા લખી છે એનું નામ છે આત્મઝરમર .

આત્મઝરમર  વિષે જાણીતાં લેખિકા વર્ષા અડલજા લખે છે ….

સૌથી પહેલી આત્મકથાની માંગ કે ખુલ્લા દિલે, મોકળી કલમથી પોતાનું આખું જીવન પાથરીને લખવું એ રીતે આ કથા સાંગોપાગ આત્મકથા બની છે. એમણે કશીય ઝીઝક વિના, પોતે જ પોતાનો તોલમોલ કરીને આખી વાત માંડીને કરી છે.

પોતાનો વિચિત્ર સ્વભાવ આડોડાઈપણું, કશા કારણ વિના નોકરીઓ છોડવી-કરવી કશે ઠરીઠામ ન થવાની વૃત્તિ બધુ ચોખલિયાપણું બતાવ્યા વિના નિખાલસતાથી લખ્યું છે.

પણ ખરી રીતે તો એમણે પોતાના વિશે લહતું લખ્યું હોય પણ અંતે તો એમાંથી એક ઉમદા નિખાલસ માણસ પ્રગટ થાય છે. રમણ પાઠકની મુખ્ય આઈડેન્ટીટી-મૂળ ઓળખ એક નિરીક્ષરવાદી સુધારક તરીકેની છે એવી જ ઓળખ એક લેખક, ચિંતક અને વિવેચકની પણ છે. એમના લખાણમાં નર્મમર્મ, કટાક્ષ પણ છે અને મરક મરક હાસ્ય પણ છે. પોતાની પર એ હસી શકે છે એ એણનાં સ્વભાવ વરતાય છે.

આજે આયુષ્યના ૯૨ વર્ષે પણ રમણભાઈ એવાં જ તરોતાજા, સ્પષ્ટવક્તા અને પ્રખર સુધારક છે. સ્થૂળ ધર્મને બિલકુલ ન માનનારા રમણભાઈ માનવધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. વાંચવી ગમે એવું પુસ્તક:

લેખક: રમણ પાઠક: પ્રકાશક: સાહિત્ય સંગમ પંચોલી વાડી સામે, બાવાસીદી,ગોપીપુરા,સુરત-૩૯૫૦૦૧,પૃષ્ઠ: ર૦૦,મૂલ્ય:રૂ. ૧૪૦.

ગુજરાતી સાહિત્યકાર પ્રા .રમણ પાઠક નો પરિચય ગુજરાત સાહિત્ય અકાદમીના સર્જક અને સર્જન વિડીયોમાં ….

પરિકલ્પના : શ્રી હર્ષદ ત્રિવેદી ,મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર – ગુજરાત — ભારત

Raman Pathak | Gujarat Sahitya Academy | સર્જક અને સર્જન