
આજે બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નો જન્મ દિવસ છે.આ દિવસે લોકો અને ખાસ કરીને રાજનેતાઓ ગાંધીને યાદ કરશે અને વિવિધ કાર્યક્રમો યોજી અને પ્રવચનો કરી ગાંધી જયંતીનો દિવસ મનાવશે.
ગાંધીનું નામ વટાવી રહેલા આજના રાજકીય નેતાઓ ગાંધીના આદર્શોથી વિરુદ્ધ વર્તન કરતા આજે નજરે પડે છે.ગાંધીની સાદગી તો આજે ક્યાંય વિસરાઈ ગઈ છે અને ગરીબ દેશને પોષાય નહી એવા ખોટા ભભકા અને આંધળા ખર્ચાઓમાં લોક પ્રતિનિધિઓ રાચે છે.
ગરીબોના બેલી મહાત્મા ગાંધીના જીવનની સાદગી વિષે અગાઉ મેં લખેલું કે લોકો એમને મહાત્મા કહે એ ગાંધીજીને પસંદ ન હતું.એ કહેતા
”હું તો અલ્પ પ્રાણી છું.તમે મને મહાત્મા માનો છો એનું કારણ ગરીબમાં ગરીબ માટે રહેલો મારો અગાધ પ્રેમ છે. ગમે તે થાય તો પણ ચીંથરેહાલનો તો મારાથી કદી ત્યાગ ન જ થઇ શકે .તેથી જ તમને લાગે છે કે ગાંધી કઈક કામનો માણસ છે.ત્યારે મને ચાહનારા સૌની પાસે હું એ માગું છું કે તમે મારા માટે પ્રેમ ધરાવો છો તો જેમને માટે હું પ્રેમ ધરાવું છું તે ગામડાંના લોકોને અન્નવસ્ત્ર મળ્યાં વિના ન રહે એવી કોશિશ કરો.”
ગાંધીજી માનતા હતા કે તેઓ એવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં મોટા ભાગના માણસો ગરીબ છે.એટલા માટે જ તેઓ ગોળમેજી પરીષદમાં લંડન ગયા ત્યારે એમના હંમેશ મુજબના સાદગી ભર્યા પોષક ધારણ કરવાની એમને કોઈ નાનમ રાખી ન હતી.એ વખતે વિન્સ્ટન ચર્ચિલે “નેકેડ ફકીર ઓફ ઈન્ડિયા” એમ કહીને એમની ટીકા કરી હતી.
ગાંધીજી ગરીબો માટે પોતાના દિલમાં કેટલે દરજ્જે ખ્યાલ રાખતા હતા એનો એક પ્રસંગ વાંચેલો યાદ આવે છે .આજના નેતાઓએ એમાંથી પ્રેરણા લેવા જેવી છે.
એક વખત મહાત્મા ગાંધી એમના અનુયાયીઓ અને સાથીઓ સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે પ્લેટફોર્મ ઉપરથી ટ્રેનમાં ચડતી વખતે એમનું એક ચમ્પલ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં પડી ગયું.ગાડી ઉપડવાની તૈયારી હતી.પડી ગયેલું ચમ્પલ પાછું મળે એમ ન હતું.આ સંજોગોમાં એક ઘડીનો પણ વિલંબ કર્યા વગર જે જગાએ ચમ્પલ પડી ગયું હતું તે જ જગાએ ગાંધીજીએ એમનું બીજું બચી ગયેલું ચમ્પલ હાથમાં પકડીને ફેંકી દીધું. આશ્ચર્યમાં ગરકાવ થયેલા એમના સાથીઓને એમણે સમજાવ્યું “કોઈ ગરીબ માણસને જો એક ચમ્પલ હાથમાં આવે તો એના કોઈ કામમાં ન આવે પણ જો બે ચંપલની જોડ એના હાથમાં આવશે તો એનો ઉપયોગ કરીને એ કેવો રાજી થશે !”
ભારતને સ્વરાજ્ય મળ્યાને આજે ૭૦ વર્ષનાં વહાણાં વહી ગયાં છે અને છતાં હજુ દેશમાંથી ગરીબીના શરમજનક દ્રશ્યો દુર થયા નથી.ગાંધીજીની ટ્રસ્ટી શિપની ભાવનાનો લોપ થયો છે.ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ વધતી જાય છે.ફક્ત એકસો માણસો પાસે દેશની ૫૫% સંપતિ કેન્દ્રિત થઇ છે.ગાંધીજીનો સેવાનો મંત્ર આજે ભૂલાઈ ગયો છે.ગાંધીજીના જેવી દરિદ્રોની ચિંતા કરતા હોય એવા નેતાઓ આજે દેશમાં દીવો લઈને શોધવા જઈએ તો પણ મળે એમ છે ?મહેલોમાં મ્હાલતા અને વિમાનોમાં ઉડતા આજના કહેવાતા નેતાઓ,દુરાચારો અને ભ્રષ્ટાચાર આચરીને ગાંધીના રૂડા નામને લજવી રહ્યા છે.પોતાનાં ખિસ્સાં ભરવામાં પડેલા નેતાઓને ગરીબોની ચિંતા કરવાનો સમય ક્યાં છે ?
ગઝલકાર શેખાદમ આબુવાલાએ આજના નેતાઓ માટે કટાક્ષ કરતાં સરસ કહ્યું છે કે “ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું ?ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો !કેવો તું કિંમતી હતો,સસ્તો બની ગયો !.”
એમના કર્મયોગી જીવનથી તેઓ વિશ્વ વિખ્યાત બન્યા હોવા છતાં ગાંધીજીમાં ભારોભાર નમ્રતા ભરી હતી.એમની આત્મકથા સત્યના પ્રયોગોમાં એમણે કહ્યું છે :”મને મહાત્માનું પદ મળ્યું છે એની કિંમત જુજ છે.એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક ક્ષણ મને યાદ નથી .જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું ,મારા ભૂતકાળના જીવન ઉપર દ્રષ્ટિ નાખતો જાઉં છું ,તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. “
સંદેશ.કોમમાં પ્રગટ ગાંધીજીની સાદગી વિશેનો નીચેનો શ્રી દેવેન્દ્ર પટેલનો સ્વ.મનુબેનની ડાયરી આધારિત લેખ આજે ગાંધી જયંતીને દિવસે આજના રાજકીય નેતાઓને અર્પણ છે.આશા છે એમાંથી તેઓ કોઈ ધડો લેશે અને ગાંધી મુલ્યોને સમજી એ પ્રમાણે પોતાનું કામકાજ ગરીબોને યાદ રાખીને કરશે.
વિનોદ પટેલ
===============
સૌજન્ય- શ્રી દેવેન્દ્ર પટેલ , સંદેશ.કોમ
સાભાર – Mr. Prabhulal H. Bharadia -ઈ-મેલ માંથી

આવા નિર્મોહી પ્રાતઃસ્મરણીય મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીને એમની જન્મ જયંતીના આજના દિવસે અંતરથી પ્રણામ અને આ પોસ્ટ મારફતે એમને ભાવભરી સ્મરણાંજલિ.
(સ્કેચ – વિનોદ પટેલ )
વાચકોના પ્રતિભાવ