વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: મહેન્દ્ર ઠાકર

( 987 ) ગુજરાતી નવલકથા …સાહિત્ય વિશેની જ્ઞાન-ગંગોત્રી

મુંબાઈ નિવાસી મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે એમના ઈ-પત્રમાં નીચેની ગુજરાતી નવલકથા વિશેની  જાણવા જેવી માહિતી મોકલી છે એને એમના આભાર સાથે અત્રે પ્રસ્તુત છે. ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવતા સૌ વાચકોને એ રસસ્પદ જણાશે એવી આશા છે.

વિનોદ પટેલ 

નવલકથા જ્ઞાન-ગંગોત્રી 

ઐતિહાસિક નવલકથા હું જે રીતે સમજું છું અને માણું છું તેમાં ઇતિહાસના માર્ગદર્શન કે સહારે કથા પ્રવાસ, પાત્રાલેખન, ઉપક્રમ, સંઘર્ષ, પરાકાષ્ઠા કે રસનો માત્ર ખ્યાલ રાખવાનો નથી હોતો, ઐતિહાસિક રસને સર્જવાનો આ રસ ઈતિહાસને અવગણીને પ્રગટ કે પ્રત્યક્ષ થઈ શકે નહીં.
– મનુભાઈ પંચોળી

કવિ પન્નાલાલ! કેવું લાગશે?

માનવીની ભવાઈ જેવી વાર્તાઓ દ્વારા ગુજરાતી નવલકથા જગતમાં તેજ સિતારાનું સ્થાન ભોગવતા પન્નાલાલ પટેલે શરૃઆત કવિતાથી કરી હતી. ૧૯૩૬માં અમદાવાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પન્નાલાલ આવ્યા હતા. અહીં તેમની મુલાકાત બાળપણના મિત્ર સાથે થઈ. એ મિત્ર તો હવે તેજસ્વી કવિ ગણાતો હતો. એટલે પન્નાલાલને ય વિચાર આવ્યો કે ચાલો આપણે ય કવિતા લખીએ.

એ મિત્રનું નામ બાય ધ વે, ઉમાશંકર જોશી. પન્નાલાલે કવિતા લખી અને કવિ સુન્દરમ્ એ જોઈને કહ્યું કે આમાં કોઈ રીતે કવિતા બનતી નથી. એના કરતાં વાર્તા લખો.. એ સૂચન પન્નાલાલને અનૂકુળ આવ્યું અને ગુજરાતી સાહિત્યને પણ.

ભઠ્ઠી : બ્રિટિશરોને શેકી નાખનારી કથા

‘ભઠ્ઠી’ એક ગુજરાતી નવલકથાનું નામ છે, જેનાં કવર પર લખ્યું છે, ‘બ્રિટિશ કાળમાં જપ્ત કરાયેલી નવલકથા!’ એટલે સ્વાભાવિક રીતે જ બ્રિટિશરો ચંદ્રભાઈ ભટ્ટ દ્વારા લખાયેલી એ કથાથી દાઝ્યા હતા. પણ કથામાં એવુ શું હતું? સામ્યવાદ! સામ્યવાદ, મજૂર આંદોલનો, ડાબેરી વિચારધારા વગેરે વાતો નવલકથામાં રજૂ થઈ છે. વાર્તા એ જમાનાની છે, જ્યારે ગુજરાતમાં હજુ સામ્યવાદના પગરણ થઈ રહ્યાં હતા.

પરંતુ મૂડીવાદને વરેલા બ્રિટિશરો માટે સામ્યવાદ સ્વીકાર્ય ન હતો. એટલે નવલકથા પર જ પ્રતિબંધ ઠોકી બેસાડયો. બ્રિટિશરોની રવાનગી થઈ એ પછી આ નવલકથા ફરી પ્રગટ થઈ હતી. લેખક પોતે પણ  સામ્યવાદી વિચારધારાને વરેલા હતાં. એ સમયે ભારતમાં રશિયન સામ્યવાદીઓનો અનુયાયી વર્ગ પણ હતો. એટલે આ નવલકથા ફરીથી પ્રગટ કરવા માટે રશિયન સામ્યવાદી નેતા લેનિનની જયંતિનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો!

‘સોરઠ તારા વહેતા પાણી’નો હીરો કોણ?

પરિસ્થિતિ, પ્રકૃતિ, વાતાવરણ.. કે પછી સંજોગો એ જ આ નવલકથાના હીરો કે નાયક જે ગણો એ છે. ૧૯૩૭માં મેઘાણીએ આપેલી આ નવલકથામાં ખાનદાની, સાહસ, સ્વમાન, માનવમૂલ્યો, સોરઠી સંસ્કૃતિ વગેરે વિષયોની વાત કરવામાં આવી છે. એક હીરો હોય અને એક હીરોઈન હોય.. બન્ને આસપાસ વાર્તા ઘૂમતી હોય એવી આ વાર્તા નથી. એટલે પરંપરાગત નવલકથાઓ કરતાં આ નોવેલ જરા અલગ પડતી હતી. આ નવલકથા પ્રાદેશિક નવલકથા તરીકે પણ એક નવો પ્રયોગ હતો. મેઘાણી પોતે જોકે પોતાની આ કથાને વાતાવરણપ્રધાન નહી, પણ ઈતિહાસકથા ગણાવતા હતા.

મેઘાણીના પિતા કાળીદાસ પોલીસમાં જમાદાર હતા. બ્રિટિશકાળની પોલીસ નોકરી અને બાળક ઝવેરચંદે અનુભવેલી દુનિયાનું મિશ્રણ તેમણે આ પુસ્તકમાં કર્યું છે. એટલે મેઘાણીએ જ નોંધ્યુ છે : ‘એજન્સી પોલીસના એક જૂના કાળના અમલદારના પુત્ર તરીકે મેં પીધેલા વાતાવરણની આ કથામાં ઊંડી છાયા પડી છે.’

ટેકનોલોજી બદલાઈ તેનો લાભ આવી જૂની નવલકથાઓને પણ થયો હતો. જેમ કે સોરઠ..ની ૧૯૯૦માં આવેલી આવૃત્તિમાં નોંધ છે કે મૂળ આવૃત્તિ તો પોણાં ચારસો પાનાની હતી. પરંતુ ૧૯૮૧ના પ્રિન્ટિંગ વખતે છાપકામની કરકસરથી પુસ્તકનું કદ ૨૫ ટકા ઘટાડી શકાયું છે. તો વળી એ પછી છપાઈ ત્યારે ફરી પુસ્તકના લખાણને છંછેડયા વગર પુસ્તકની સાઈઝ ૨૦ ટકા નાની કરી શકાઈ હતી. પાનાં ગોઠવણીની આધુનિક ટેકનિક તથા પ્રિન્ટિંગના બદલાતા આયામોને કારણે કોઈ પણ પુસ્તક વાંચી શકાય એવા છતાં ઓછા પાનાંમાં સમાઈ શકે એવા ફર્મામાં છાપી શકાય છે.

જીવનનું કવન રજૂ કરતી નવલકથાઓ

કનૈયાલાલ મુનશી તથા બીજા ઘણા સર્જકોએ ઐતિહાસિક નવલકથા લખી. ઈનફેક્ટ ગુજરાતની પહેલી નવલકથા જ ઈતિહાસ આધારિત હતી. એટલે કે નવલકથા અને ઈતિહાસને સીધી જ લેણા-દેવી છે. તેનો બખૂબી ઉપયોગ કદાચ દિનકર જોશીએ કર્યો છે. કેમ કે તેમણે ઐતિહાસિક પાત્રોને પસંદ કરીને તેની આસપાસ ગૂંથાતી કથાઓ વિશેષ પ્રમાણમાં લખી છે. જેમ કે હરિલાલ ગાંધીની વાત કરતી ‘પ્રકાશનો પડછાયો’, ‘મંહમદઅલી ઝિણા’ની કથા રજૂ કરતી પ્રતિનાયક, નર્મદના જીવન પર આધારિત ‘એક ટૂકડો આકાશનો’,  સરદાર પટેલની વ્યથા-કથા ‘મહામાનવ સરદાર’ વગેરે.. એમ તો ડૉ.નવીન વિભાકરે પણ વ્યક્તિ વિશેષ કથાઓ લખી છે, પરંતુ તેમાં ઈદી અમિન કે મંડેલા જેવા આફ્રીકી નેતાઓનું પ્રમાણ વધારે છે.

નવલકથા શબ્દ ક્યાંથી આવ્યો?

નવલકથાને અંગ્રેજીમાં ‘નોવેલ’ કહે છે. નોવેલ શબ્દ વળી લેટિન શબ્દ ‘નોવસ’ પરથી ઉતરી આવ્યો છે. ‘નોવસ’ એટલે ‘નવું’. એ શબ્દનું મૂળ વળી ઈટાલીયન શબ્દ ‘નોવેલા’માં રહેલું છે. નોવેલા એટલે વાર્તાવૃતાંત એટલે કે વાતની લંબાણપૂર્વકની રજૂઆત. સરવાળે ગુજરાતી શબ્દ ‘નવલ’ અને ઈટાલીયન શબ્દ ‘નોવેલા’ વચ્ચે સામ્ય જોવાં મળે છે. જો વાર્તા એટલે શું એ સમજી શકાતું હોય તો પછી નવલકથા એટલે શું તેનો અર્થ ગુજરાતી ભાષાના મહાકોશ ‘ભગવદ્ગોમંડલ’માંથી સમજાઈ રહે છે. મંડલમાં લખ્યા પ્રમાણે નવલકથા એટલે ગદ્યમાં લખેલી કલ્પિત વાર્તા. મરાઠીમાં નોવેલ માટે કાદંબરી, હિન્દી, અસમિયા, ઓડિયા,બંગાળી વગેરેમાં ઉપન્યાસ જેવા શબ્દો વપરાય છે.

ગુજરાતીમાં પણ એક તબક્કે કાદંબરી શબ્દ થોડા અંશે વપરાતો હતો. જેમ કે કવિ ન્હાનાલાલે ‘જગતકાદંબરીઓમાં સરસ્વતીચંદ્ર’ એવા શબ્દો વાપરીને સરસ્વતીચંદ્રને કાદંબરી ગણાવી હતી. યશવંત શુક્લએ નોંધ્યુ છે : ‘જીવનવ્યવહાર, તો જેવો હોય તેવો જ ચિત્રિત કરવાનું એમાં ઉદ્દિષ્ટ છે. તથાપિ એમાંનાં પાત્રો, પ્રસંગો અને રસબિન્દુ કલ્પિત અને માટે નવીન હોવાથી એને (નવલ) નામ આપવામાં આવ્યું છે.’ તો વળી મણિલાલ નભુભાઈએ તો નોવેલ માટે ‘સંસાર ચિત્ર’ જેવો શબ્દ પણ વાપર્યો હતો. વિવિધ સાહિત્યકારોએ પોતપોતાની રીતે નવલકથાની વ્યાખ્યાઓ કરી જ છે. ‘સાર્થ જોડણીકોશ’ની સરળ વ્યાખ્યા પ્રમાણે ‘નવલકથા’ એટલે ‘ગદ્યમાં રચાયેલી કલ્પિત વાર્તા.’

નવલકથાના પ્રકાર

હરિવલ્લભ ભાયાણીએ પોતાના અભ્યાસ લેખમાં લખ્યું છે કે કોને નવલકથા ગણવી, કોને ન ગણવી એ અંગે વિદ્વાનોમાં મતમતાંતરો છે. વાચકો તો જોકે લાંબી વાર્તા હોય એને નવલકથા ગણીને ચાલે છે અને એનાથી વધારે સમજણની તેમને જરૃર પણ નથી. પણ સામાન્ય રીતે બે પ્રકારો પાડવામાં આવ્યા છે, જેમાં એક પ્રકાર વાસ્તવિકતા આધારિત કથાનો છે. તેને એમ્પિરિકલ કહે છે. બીજો પ્રકાર સાવ કલ્પનાના ઘોડા છૂટા મુક્યા હોય એવો એટલે કે ફિક્શનલ. પછી તો ઐતિહાસિક, રોમેન્ટિક, બોધક, વિજ્ઞાાનકથા, સામાજિક.. એમ પેટા પ્રકારો પણ પડયાં છે. પણ વાંચવામાં મજા આવતી હોય તો પછી પ્રકાર ગમે તેવો હોય.. એની કોને પરવા છે?

દુનિયાની પહેલી નવલકથાનું નામ કહો..

નથી કહી શકાય એમ! કેમ કે ઓછામાં ઓછી અડધો ડઝન નવલકથાઓને જગતની પહેલી નવલકથા ગણવામાં આવે છે. જાપાની ભાષામાં ઈસવીસન ૧૦૦૦માં એટલે કે હજાર વર્ષ પહેલા એક પુસ્તક લખાયું હતું ‘ધ ટેલ ઓફ ગેન્જી’. તેને સાર્વત્રિક રીતે પહેલી નવલકથા કહેવામાં આવે છે. વાર્તાના લખાણ વર્ષ અંગે જોકે વિવિધ આંકડાઓ આવે છે, પણ અંદાજે ઈસવીસન ૧૦૦૦ની આસપાસ લખાઈ એટલું નક્કી છે. પણ એ પુરાતન વાર્તા થઈ. એ કથામાં શહેનશાહના પુત્ર ગેન્જીના જીવનની કથા છે, જેમાં ફિલોસોફી, રાજરમત, રાજાશાહી ઠાઠ વગેરે વાતો વણી લેવાઈ છે. મજાની વાત એ છે કે આ કથા મુરાસાકી શિકીબુ નામની મહિલાએ લખી હતી.

એટલે જો આ નવલકથાને પહેલી ગણવામાં આવે તો એમ પણ માનવું પડે કે દુનિયાની પહેલી નવલકથા એક મહિલાએ લખી હતી. આધુનિક નવલકથાની વાત આવે ત્યારે જોકે ગેન્જીને ભૂલી જવામાં આવે છે. એના બદલે મધ્ય યુગમાં આવીએ તો ૧૪૮૫માં ફ્રેન્ચ ભાષામાં લખાયેલી કથા ‘ધ ડેથ ઓફ ધ આર્થર (ફ્રેન્ચ નામ – લે મોર્ટે ડી આર્થર)’ પ્રથમ નવલ ગણાય છે. ફ્રેન્ચ હોવા છતાં એ વાર્તા લખી હતી અંગ્રેજ સાહિત્યકાર સર થોમસ મેલરીએ. દરમિયાન અંગ્રેજી ભાષામાં કવિ વિલિયમ બેલ્ડવિને ૧૫૬૧માં ‘બિવેર ધ કેટ’ નામે લખેલી નવલકથા અંગ્રેજી ભાષાની પ્રથમ નોવેલ ગણાય છે.

આધુનિક નવલકથાની વાત આવે ત્યારે ખાસ વિવાદ વગર આખુ જગત એક જ નામ ઉચ્ચારે છે : ‘ડોન કિહોટે’. સ્પેનિશ લેખક મિગેલ સર્વાન્ટીસે લખેલી આ વાર્તા તેના હાસ્યરસને કારણે જગતના સાહિત્યમાં અમર છે. ૧૬૦૫માં પહેલો અને ૧૬૧૫માં તેનો બીજો ભાગ પ્રગટ થયો હતો, પણ હવે તો આખી કથા એક જ ભાગ સ્વરૃપે વંચાય છે. આ વાર્તાનું આખું નામ જોકે ‘ધ ઈન્જિનિયસ જેન્ટલ મેન ડોન કિહોટે ઓફ લા માન્ચા’ છે. એ પછી લખાયેલી બધી નવલકથાઓ આધુનિક જ ગણાય છે. બીજી તરફ ઈટાલીને નવલકથાની જન્મભૂમિ કહેવામાં આવે છે. અહીંથી જ આ સાહિત્ય કદાચ જગતમાં પ્રસર્યું હોવાનું ઈતિહાસમાં નોંધવામાં આવ્યુ છે. જાપાનમાં એક જ જ્યારે ઈટાલીમાં એકથી વધારે કથાઓ લખાઈને પ્રસરી હતી, માટે તેને જન્મભૂમિ કહે છે.

ભારતની પહેલી નવલકથા કઈ?

અંગ્રેજકાળમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપતી શાળાઓ શરૃ થઈ પછી ભારતના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા-સાહિત્યના પરિચયમાં આવ્યા. એ પછી એમાંથી કેટલાકે અંગ્રેજીના સાહિત્યપ્રકાર નવલકથા ઉપર કામ કર્યું. આવા પ્રકારની કૃતિઓ પોતાની ભાષામાં એટલે કે ભારતીય ભાષાઓમાં હોય એવું વિચારીને અંગ્રેજી શિક્ષણ મેળવનારા વિદ્વાનોએ એ દિશામાં ખેડાણ શરૃ કર્યું અને તેની શરૃઆત મોટાભાગે અનુવાદોથી થઈ.

ભારતની વિવિધ ભાષાઓમાં થોડાંક અનુવાદો થયા પછી નવલકથાની શૈલીમાં પ્રાદેશિક ભાષામાં મૌલિક કૃતિઓ લખાવા માંડી. મરાઠી ભાષામાં એવી જ કૃતિ ૧૮૫૭માં ‘યમુના પર્યટણ’ આવી. જેને પછી વિદ્વાનોએ ભારતની પ્રથમ મૌલિક નવલકથાનું બહુમાન આપ્યું. એ વખતે ભારતમાં સુધારાવાદી પ્રવૃત્તિએ જોર પકડયું હતું અને એ નવલકથામાં પણ એવી જ કથા હતી. એક વિધવાને ભોગવવી પડતી યાતનાનો મુદ્દો નવલકથામાં ઉઠાવાયો હતો અને નવલકથામાં વિધવા પુનર્લગ્નની તરફેણ થઈ હતી. એટલે આ નવલકથાનું બીજું નામ ‘હિન્દુસ્તાનમાં વિધવાઓની સ્થિતિનું નિરૃપણ’ એવુ પણ રાખવામાં આવ્યું હતું.

આ કથામાં યમુના નામની હિન્દુ કન્યાની વાત છે, જે મિશનરી સ્કૂલમાં ભણેલી છે. યમુનાના લગ્ન સંપન્ન પરિવારના પુત્ર વિનાયક રાવ સાથે થયા છે. યમુના જોકે ગરીબ પરિવારની દીકરી હતી એટલે સાસુને તેના પ્રત્યે જરા અણગમો હતો. પરંતુ અગાઉના વચને બંધાયેલા હોવાથી ફરજિયાત લગ્ન થયા હતા. સાસુ અને નણંદ યમુનાના કામમાં વાંધા કાઢ્યા કરતા હતા પણ પતિ વિનાયક સમજદાર હતો, એટલે ગાડું ગબડતું હતું. યમુના અને વિનાયક બન્ને બળદગાડામાં સવાર થઈ લાંબા પ્રવાસે નીકળી પડે છે. એ વખતે યમુનાએ વિધવા મહિલાઓની અવદશા જોઈ. તેનો એ પ્રવાસ અને અનુભૂતિ એટલે યમુના પર્યટણ. એક તબક્કો એવોય આવે છે કે યમુના પોતે જ વિધવા થાય છે. એ પછી કથા રસપ્રદ વળાંકો પણ લે છે. એ સમજવા માટે તેનો ગુજરાતીમાં થયેલો અનુવાદ વાંચી શકાય.

મરાઠી નવલકથા ‘યમુના પર્યટણ’ના લેેખક બાબા પદમનજીનો જન્મ પરંપરાગત મરાઠી બ્રાહ્મણ પરિવારમાં ૧૮૩૧માં થયો હતો અને તેમણે ૨૩ વર્ષની વયે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો એમ કહેવાય છે. અંગ્રેજોની સુધારાવાદી ચળવળથી પ્રભાવિત થઈને તેમણે ધર્મપરિવર્તન કર્યું હોવાનું અને એ દિશામાં સમાજસુધારણા કરવા લેખન તરફ વળ્યા હોવાનું કહેવાય છે.

ભારતીય ભાષામાં પ્રથમ નવલકથાનો દાવો બંગાળી ભાષા પણ નોંધાવે છે. ૧૮૫૮માં ટેકચંદ ઠાકુર નામના લેખકે બંગાળી ભાષામાં ‘આલાલેર ઘરેર દુલાલ’ નામની નવલકથા પ્રગટ કરી હતી. જોકે, આ નવલકથા પુસ્તક સ્વરૃપે આવી એ પહેલાં લેખકે પોતાના સામયિકમાં તેને હપ્તાવાર છાપી હતી. એટલે જે સમયે ભારતની પહેલી મૌલિક નવલકથા ‘યમુના પર્યટણ’ પ્રસિદ્ધ થઈ એ જ સમયગાળામાં ટેકચંદ ઠાકુરની નવલકથા પણ પ્રસિદ્ધ થઈ રહી હતી.

બીજી રીતે કહીએ તો મરાઠી-બંગાળી એમ બંને ભાષામાં લગભગ એક સમયે મૌલિક નવલકથાઓ લખાઈ રહી હતી. એટલે એમ પણ કહી શકાય કે મરાઠી અને બંગાળી બંને ભાષાને ભારતની પ્રથમ મૌલિક નવલકથા આપવાનો યશ આપી શકાય.

નવલકથા એટલે જ ગદ્ય?

નવલકથા એટલે ગદ્ય એવી સામાન્ય સમજણ છે. પણ કેટલાક પ્રયોગશીલ નવલકથાકારોએ કથામાં પદ્યનો પ્રયોગ પણ કર્યો છે. સુરેશ જોશીએ નોંધ્યા પ્રમાણે ઈંગ્લેન્ડના એરિક લિન્કલેટરની ‘રોલ ઓફ ઓનર’, ફિલિપ ટોયેન્બીની ‘પેન્ટેલૂન’, વ્લાદીમીર નોબોકોવની ‘પેઈલ ફાયર’માં પદ્યનો પ્રચૂર ઉપયોગ થયો છે. એટલે નવલકથા માત્ર ગદ્યમાં જ હોય એ વાત સો ટકા સાચી સાબિત થતી નથી. ભારતમાં સાહિત્યનું પ્રાચીન સ્વરૃપ ‘આખ્યાન’ તરીકે પ્રચલિત છે.

કેટલાક ગુજરાતી સાક્ષરોએ આખ્યાનને ‘પદ્યદેહી’ એટલે કે ‘પદ્યના દેહમાં લખાયેલી નવલકથા’ ગણાવી છે. જો આખ્યાનને પદ્યદેહી નવલકથા ગણવામાં આવે તો પછી મધ્યકાલીન સાહિત્યના મહાકવિ પ્રેમાનંદની આગળ મહાકવિને બદલે મહા-પદ્યદેહી નવલકથા સર્જક એવી પદવી લગાડવી પડે! સામે પક્ષે કોઈ કોઈ સાહિત્યકારે સરસ્વતીચંદ્રને મહાકાવ્ય તરીકે ઓળખ આપી છે. કરણ ઘેલો માટે હંસા મહેતાએ પણ મહાકાવ્ય શબ્દ વાપર્યો હતો.

કથા, લઘુનવલકથા, મહાનવલકથા

નવલકથાના સ્વરૃપોમાં પણ પાછો પ્રકારોનો પાર નથી. ત્રણ તો દેખીતા પ્રકાર છે. નવલકથા, લઘુનવલ અને મહાનવલ. મહાનવલ શબ્દ આવે એટલે પહેલાં તો સરસ્વતીચંદ્ર જ યાદ આવે. ૧૮૦૦ પાનામાં ફેલાયેલી એ કથા આગળ ‘મહા’ શબ્દ લાગે એમાં કશુંય ખોટું નથી. તો પછી સવાલ એ થાય કે આ ત્રણેય પ્રકારોને અલગ પાડતી કોઈ વ્યાખ્યા ખરી? વ્યાખ્યા તો છે, પણ એમાં પાનાંની સંખ્યાના આધારે કથાનો પ્રકાર પાડી શકાતો નથી.

કોઈ જ ઘટના-વાત-બનાવને લંબાણપૂર્વક, ટૂંકી વાર્તા કરતા જરા વધારે વ્યાપ સાથે, વર્ણન સાથે, રસ-પ્રચૂરતા સાથે રજૂ કરવામાં આવે તો એ લઘુ-નવલ બને. શિરીષ પંચાલે નોંધ્યા પ્રમાણે ગુજરાતી ભાષાની મેદસ્વી બનતી જતી નવલકથાઓ સામે લઘુનવલકથા શબ્દ આવ્યો હતો અને પછી વ્યાપક પણ બન્યો. પરંતુ વર્ષો પહેલા પન્નાલાલ પટેલે ‘વળામણા’ નામની કથા લખી હતી. એ વખતે લઘુનવલ શબ્દ ન હતો, પણ એ કથા તો લઘુ જ હતી.

ઘટનાનો વ્યાપ વિશાળ હોય, દાયકાઓ પસાર થતાં હોય, વાર્તા બહુ મોટા ભૂ-પટ પર પથરાતી હોય અને પેઢીઓ પસાર થઈ જતી હોય તો પછી એવી વાર્તા મહાનવલ ગણવી પડે. સરસ્વતીચંદ્ર ઉપરાંત અશ્વિની ભટ્ટની આખેટ અને ઓથાર, દર્શકની ઝેર તો પીધાં છે જાણી જાણી, જયંત ગાડીતની સત્ય, હરકિસન મહેતાની કેટલીક કથાઓનો સમાવેશ થાય છે. બસ, એ બન્ને પ્રકાર સ્પષ્ટ થાય એટલે પછી વચ્ચે બાકી વધે એ નવલકથા. જેમાં મુનશીની જય સોમનાથ હોય કે મેઘાણીની વેવિશાળ પણ હોય.

સદ્ભાગ્યે ગુજરાતી ભાષાની મોટા ભાગની મહાનવલો બેસ્ટ સેલર રહી છે. એટલે એવું નથી કે ત્રણ-ત્રણ ભાગમાં પથરાયેલી કથા હોય, હજાર-પંદરસો કરતાં વધારે પૃષ્ઠ સંખ્યા હોય અને કિલોગ્રામમાં માપવું પડે એટલું વજન હોય એવી કથાઓ ધૂળ ખાતી રહે છે. જુઓ કેટલીક હજાર પાનાંથી વધુમાં ફેલાયેલી એવી જ નવલકથાઓના નામો.. ધુમ્મસને પેલે પાર (કાજલ ઓઝા વૈદ્ય), અંગાર, કટિબંધ, આખેટ (ત્રણેય અશ્વિની ભટ્ટની), લય-પ્રલય, પીળા રૃમાલની ગાંઠ, વંશ-વારસ (ત્રણેય હરકિસન મહેતાની), કૃષ્ણાવતાર (મુનશી) વગેરે ગણાવી શકાય.

ગુજરાતીમાં કેટલી નવલકથા લખાઈ હશે?

દુનિયામાં તો જેટલી લખાઈ હોય એટલી પણ ગુજરાતીમાં દોઢ સદીમાં કેટલી નવલકથા લખાઈ હશે? કોઈ અંદાજ! ગુજરાત સાહિત્ય અકાદમીએ તમામ પ્રકારના ગુજરાતી પુસ્તકો અંગે રમણ સોનીના સંપાદન હેઠળ ૩ સૂચિગ્રંથો તૈયાર કર્યાં છે. તેમાં ૧૦૦ પાનામાં ફેલાયેલું ગુજરાતી નવલકથાઓનું વર્ષ ૨૦૦૦ સુધીનું લિસ્ટ છે. તેના આધારે જોઈએ ક્યા દાયકામાં કેટલી નવલકથા પ્રગટ થઈ?

દાયકો

નવલકથાની સંખ્યા

૧૮૭૦ પહેલાં

૧૮૭૧થી ૧૮૮૦

૧૮૮૧થી ૧૮૯૦

૬૪

૧૮૯૧થી ૧૯૦૦

૧૨૫

૧૯૦૧થી ૧૯૧૦

૧૫૭

૧૯૧૧થી ૧૯૨૦

૨૩૯

૧૯૨૧થી ૧૯૩૦

૧૭૯

૧૯૩૧થી ૧૯૪૦

૩૩૪

૧૯૪૧થી ૧૯૫૦

૧૫૯

૧૯૫૧થી ૧૯૬૦

૧૮૪

૧૯૬૧થી ૧૯૭૦

૪૨૭

૧૯૭૧થી ૧૯૮૦

૪૪૪

૧૯૮૧થી ૧૯૯૦

૩૦૭

૧૯૯૧થી ૨૦૦૦

૨૩૭

૨૦૦૧થી ૨૦૧૦

૨૫૦

કુલ

૩૧૨૨

છેલ્લા દાયકાનો આંકડો ગ્રંથસૂચિમાં નથી, પરંતુ અલગથી તેની ગણતરી કરવામાં આવી છે. ૨૦૧૧ અને એ પછી લખાયેલી નવલકથાઓ ઉમેરવાની હજુ બાકી છે.

નવલમાંથી નોવેલ..

ગુજરાતીમાં લખાતી ઘણી નવલકથાઓને અંગ્રેજીભાષામાં અનુવાદિત થવાનું સન્માન મળ્યું છે. સરસ્વતીચંદ્ર હમણાં જ અંગ્રેજીમાં ઉપલબ્ધ થઈ છે. એ રીતે કરણ ઘેલો, છિન્નપત્ર, માનવીની ભવાઈ, મુનશીની કેટલીક નવલકથાઓ, સાસુ વહુની લડાઈ, સાત પગલાં આકાશમાં, અકૂપાર, વેવિશાળ, આંગળિયાત, વર્ષા અડાલજાની કથાઓ, .. એમ ઘણી અનુવાદિત થઈ છેે. ગુજરાતી નવલકથામાંથી એ સર્જન અંગ્રેજી નોવેલમાં ફેરવાયું છે.

માધવ…બધે જ છે કવનમાં!

કનૈયામાં સૌ કોઈને રસ પડે છે એટલે પછી ચિંતન, કવિતા, વાર્તા, નવલકથા સૌ કોઈ સાહિત્ય પ્રકારમાં કૃષ્ણ અંગે ખેેડાણ થયું છે. કનૈયાલાલે ‘કૃષ્ણાવતાર’ નામે સાત નવલકથાઓની આખી શ્રેણી લખી છે. એવી તો ઘણી વાર્તાઓ છે, જેનો મુખ્ય વિષય કૃષ્ણ હોય. જેમ કે..

માધવ ક્યાંય નથી

હરીન્દ્ર દવે

યુગાવતાર (૧૦ ભાગ)

નવનીત સેવક

કૃષ્ણ જીવનલીલા (૫ ભાગ)

પન્નાલાલ પટેલ

પાર્થને કહો ચઢાવે બાણ

પન્નાલાલ પટેલ

ગોકુળ, મથુરા અને દ્વારકા

રઘુવીર ચૌધરી

શ્યામ આવોને એક વાર આંગણે

દિનકર જોશી

કુરુક્ષેત્ર

દર્શક

કૃષ્ણાયન

કાજલ ઓઝા વૈધ

હવે તો ઉત્તર આપો કૃષ્ણ

પ્રકાશ પંડયા

નાટયાત્મકતાની નહીં, નાટકની કથા

નવલકથામાં નાટયાત્મકતા ન હોય તો જામે નહીં, એવો સૌ કોઈનો અનુભવ હશે જ. પરંતુ નવલકથામાં નાટયાત્મકતા ઉપરાંત નાટક તત્ત્વ દાખલ કરવાનો પ્રયોગ સમર્થ સર્જક મધુ રાયે કર્યો હતો. ૧૯૬૬માં લખેલી ‘કામિની’ નામની નવલકથા તેમના જ નાટક ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ પરથી રચાઈ હતી. એટલે તેમાં નાટય અંશો પણ હતા. નાટક પરથી નવલકથાનો આ વિશિષ્ટ પ્રયોગ ગણાય છે. નામ પ્રમાણે જ કામિની નામની યુવતી વાર્તાનો ‘હીરો’ છે.

‘ઈ-નોવેલ’ કથા : કાગળ વગરના શબ્દો!

નવલકથા એટલે પુસ્તક સ્વરૃપે પ્રકાશિત થતી લાંબી વાર્તા એવો એક સમયે વ્યાપક ખયાલ હતો. એ પછી વ્યાખ્યા સહેજ બદલાઈ. હપ્તાવાર અખબાર-સામયિકમાં છપાતી કથાને ય નવલકથા ગણવામાં આવતી અને એ નવલકથાને પુસ્તક સ્વરૃપે પ્રસિદ્ધ કરવાનો ધારો તો એક સદી કરતા પણ વધારે જૂનો છે. આ રૃઢ વ્યાખ્યા નવેસરથી વ્યાખ્યાયિત કરવી પડે એવો સમય ૨૧મી સદીમાં આવ્યો છે.

ફેસબુક વોલ-બ્લોગ-એપ્સ અને હવે વોટ્સએપ જેવા આધુનિક પ્લેટફોર્મ ઉપર લેખકો પોતાની કથાઓ/નવલકથાઓ લખતા થયા છે. વિવિધ એપ્સ લેખકોને લખવા માટે પ્રોત્સાહિત કરે છે. ફેસબુક-બ્લોગના વાંચકો નવી કલમને આવકારે છે. આ નવા માધ્યમમાં લખાયેલી કૃતિઓની અસરકારકતા-તેના સાહિત્યિક મૂલ્યની ચર્ચા તો આવનારા સમયમાં વિવેચકો કરશે, પણ અત્યારે આ સબળ સોશિયલ મીડિયામાં નોવેલના ‘નોવેલ’ (નવીન) પ્રયોગ થઈ રહ્યા છે એ જોતા આગામી દિવસોમાં સાહિત્યના ઈતિહાસમાં નવું પ્રકરણ આલેખાશે.

મુનશી પહેલાંની ગુજરાતની અસ્મિતા

૧૯૧૬માં મુનશીએ ‘પાટણની પ્રભુતા’ લખી એ રીતે તેઓ ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર બન્યા. પરંતુ એ પહેેલાના ૫૦ વર્ષોમાં ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’ જેવા ટ્રસ્ટોએ ગુજરાતી અસ્મિતાને વિદ્યાર્થીઓ-વાચકો સુધી પહોંચાડવામાં મહત્ત્વનું કામ કર્યું હતું. આ ટ્રસ્ટે એ જમાનામા સાક્ષરો પાસે નવલકથાઓ લખાવી હતી. જેમ કે ‘વનરાજ ચાવડો’ રાયસાહેબ મહીપતરામ રૃપરામે લખી હતી.

શતાબ્દી વર્ષે ગુજરાતને કેવી નવલકથાઓ મળી?

૧૮૬૬માં કુલ બે નવલકથા લખાઈ હતી, તો તેના શતાબ્દી વર્ષે ૧૯૬૬માં કુલ ૫૧ નવલકથા લખાઈ હોવાની નોંધ મળે છે. ૧૯૬૬ની નવલકથાઓ પૈકી કેટલાક નોંધપાત્ર નામો..

નવલકથા

લેખક

અશ્રુઘર

રાવજી પટેલ

અસ્તી

શ્રીકાંત શાહ

ચહેરા

મધુ રાય

પળનાં પ્રતિબિંબ

હરીન્દ્ર દવે

આવરણ

રઘુવીર ચૌધરી

વળી વતનમાં

પન્નાલાલ પટેલ

મીણ માટીના માનવી

પન્નાલાલ પટેલ

ધુ્રવદેવી

ધૂમકેતુ

મહોરાં

જયંત ગાંધી

મત્સ્યવેધ

દિનકર જોષી

નવી ધરતી

પ્રિયકાન્ત પરીખ

રંગસુગંધ

બરત વિરાણી ‘બેફામ’

હિલ સ્ટેશન

સૈફ પાલનપુરી