વિનોદભાઇનો જન્મ બર્માના રંગુન શહેરમાં ૧૯૩૭માં થયો હતો. બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાને જ્યારે રંગુન ઉપર સખત બોમ્બમારો કર્યો ત્યારે એનાથી બચવા વિનોદભાઈનું કુટુંબ ૧૯૪૧માં કમાયેલી મિલકતો ત્યાં છોડીને પોતાના મૂળ વતન, મહેસાણા જીલ્લાના ડાંગરવા ગામમાં આવી ગયું હતું .ગામમાં કુટુંબનો વ્યવસાય ખેતીનો હતો .
ડાંગરવામાં આવ્યાના થોડા મહિનાઓમાં જ વિનોદભાઈને સખ્ત તાવ આવ્યો અને ગામમાં ચાલતા પોલીયોના વાયરસમાં ઝડપાઈ ગયા .આ પોલીયોની અસરથી એમનો જમણો હાથ અને ડાબો પગ જીવનભર માટે નબળા પડી ગયા .વિનોદભાઈનું છ ધોરણ સુધીનું શિક્ષણ ડાંગરવામાં જ થયું. ૧૯૫૦માં ગુજરાતમાં જાણીતી કડીની સંસ્થા સર્વવિદ્યાલયમાં સાતમા ધોરણમાં દાખલ થયા અને ત્યાંથી ૧૯૫૫માં એસ.એસ.સી. પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસકરી. પોતાની શારીરિક ક્ષતિ ભણતરમાં બાધા રૂપ ન થાય એટલા માટે વિનોદભાઈએ પોતાની જાતને મનાવી કે
“ભગવાન જ્યારે એક દ્વાર બંધ કરેછે ત્યારે બીજું દ્વાર પણ ખોલી આપે છે.કુદરતે મારી શારિરિક ખોટની મને બૌધિક શક્તિની ભેટ આપીને પૂરી કરી છે, જેના બળે મારો જીવન રાહ હું સરળ બનાવી શક્યો છું .”
કડીની શાળાના અભ્યાસ દરમ્યાન વિનોદભાઈ સ્કુલના વિશાળ પરિસરમાં જ આવેલ પાટીદાર વિદ્યાર્થી આશ્રમ નામની બોર્ડિંગમાં રહેતા. ૪૦૦ છાત્રોવાળા આ ગાંધી મૂલ્યોને વરેલ આશ્રમમાં ગુરુઓ સાથે રહેવાથી એમનામાં બાહ્ય દુનિયાની ઘણી સમજદારી આવી ગઈ હતી .શાળાના આચાર્ય સ્વ. નાથાભાઈ દેસાઈ અને ગુજરાતીના શિક્ષક જાણીતા સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલે વિનોદભાઈમાં સાહિત્યનો અને પુસ્તક વાંચનનો પ્રેમ જગાડ્યો. આશ્રમમાં ગૃહપતિ ગુરુઓ સાથે સ્ટેજ ઉપર બેસી સવાર-સાંજની પ્રાર્થના ગવડાવતી વખતે એમનો આત્મવિશ્વાસ વધતો કે શારીરિક અડચણ હોવા છતાં જીવનમાં હું પણ કંઈક કરી શકું એમ છું.
૧૯૫૫માં એસ.એસ.સીમાં પ્રથમ વર્ગમાં ઉતીર્ણ થયા બાદ વિનોદભાઈએ અમદાવાદની એચ.એલ.કોમર્સ કોલેજમાંથી ૧૯૫૯માં બી.કોમ. ની પરીક્ષા પાસ કરી. રંગુનની જાહોજલાલી જોયા પછી ગામમાં પિતાને ચાર દીકરા અને ત્રણ દીકરીઓના બહોળા કુટુંબનો ખેતી,દૂધ અને ગામમાં નાના વેપારની ટૂંકી આવકમાંથી નિભાવ કરવાનો હોવાથી પિતાને આર્થિક રીતે સંકળામણ રહેતી હતી.આ સંજોગોમાં કોલેજના અભ્યાસ માટે વિનોદભાઈને સંસ્થાઓ તરફથી સારા માર્ક ઉપર અપાતી સ્કોલરશીપ ઉપર આધાર રાખવો પડેલો, એટલે બી.કોમ.માં પાસ થયા બાદ તરત જ એમણે મહિલાઓની એક સેવાભાવી સંસ્થા વિકાસ ગૃહમાં હિસાબનીશ અને સેક્રેટરી તરીકે ૧૪૫ રૂપિયાના માસિક પગારની નોકરી સ્વીકારી હતી . પગારનો પહેલો ચેક મળતાં એમને અને પિતાને ખુબ આનંદની લાગણી થઇ હતી . અહીં આઠેક મહિના જોબ કર્યાં પછી એમને એમના પિતા જ્યાં નોકરી કરતા હતા એની નજીકમાં કઠવાડા, અમદાવાદમાં નવી સ્થપાતી કમ્પની સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ ઓફ ઈન્ડીયા લીમીટેડમાં એકાઉન્ટ ક્લાર્ક તરીકેની નોકરી મળી ગઈ . આ કમ્પનીમાં જોબ કરતાં કરતાં એમણે ૧૯૬૦માં બી.એ. , ૧૯૬૨માં એમ. કોમ. ,૧૯૬૯માં એલ.એલ.બી. સુધીની પરીક્ષાઓ પાસકરી .સાથે સાથે કમ્પનીની મેનેજમેન્ટ દ્વારા એમની મહેનત અને વફાદારીની કદર થતી રહી અને એમના હોદ્દાઓમાં અને વેતનમાં વૃદ્ધિ થતી રહી .
૧૯૭૩ થી ૧૯૭૬, ત્રણ વર્ષ અમેરિકાસ્થિત એમના પિત્રાઈ ભાઈઓની વડોદરા નજીક નંદેસરી ખાતેની ફોર્મલડીહાઈડ કેમિકલ બનાવવાના નવા પ્રોજેક્ટ સીમાલીન કેમિકલ્સને શરૂ કરવા માટે સખત મહેનત કરી. ૧૯૭૬માં અમેરિકા રહેતા ત્રણ ભાઈઓએ એમને અમેરિકા ફરવા માટે બોલાવ્યા.આ ચાર મહિનાના અમેરિકાના રોકાણ દરમ્યાન કેલીફોર્નીયા નજીકના આઠ સ્ટેટમાં તેઓ ભાઈઓ સાથે જોવા જેવાં સ્થળોએ કેમ્પરમાં ખૂબ ફર્યા. ત્યાંના કુદરતી સૌંદર્યથી અને અમેરિકાના પ્રથમ અનુભવથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.
અમેરિકાથી પાછા ફર્યા બાદ જ્યાં પ્રથમ કામ કરતા હતા એ સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ લિમિટેડે દેશમાં ન બનતું કેમિકલ ઇથીલીન એમાઈન્સ વડોદરા ખાતેની ફેક્ટરીમાં બનાવવા માટે પ્રમોટ કરેલ નવી કમ્પની ડાયામાઈન્સ એન્ડ કેમિકલ્સની અમદાવાદ ઓફિસમાં કંપની સેક્રેટરી અને ફાઈનાન્સ મેનેજર તરીકે ૧૯૭૬થી ફરી જોડાઈ ગયા. આ ઓફિસમાં રહી નવા પ્રોજેકટના પબ્લિક ઇસ્યુથી માંડી પ્રોજેક્ટ શરુ થયો ત્યાં સુધીના ફાઈનાન્સ, માર્કેટિંગ અને અન્ય વહીવટી પ્રશ્નો અને એના ઉકેલનો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો . અમદાવાદની કેમિકલ બનાવતી એક પ્રાઈવેટ લીમીટેડ કમ્પનીએ વિનોદભાઈના ધંધાકીય જ્ઞાન અને અનુભવોને લીધે એમના ડિરેક્ટરોના બોર્ડમાં એક ડિરેક્ટર તરીકે એમની ૧૫ વર્ષ સુધી નિમણુંક કરી દીધી .
ઉપરની બે મોટી ગ્રુપ કંપનીઓમાં મેનેજમેન્ટ કેડરમાં અગત્યના હોદા સંભાળી, સળંગ ૩૪ વર્ષની સેવાઓ આપી ૧૯૯૪ માં વિનોદભાઈએ છેલ્લે કમ્પનીના સીનીયર એક્ઝીક્યુટીવના પદે રહીને નિવૃતિ લીધી .નિવૃતિ બાદ ભાઈઓના આગ્રહથી વિનોદભાઈ ગ્રીનકાર્ડ લઈ કેલીફોર્નીયામાં રહેતાં સંતાનો અને અન્ય પરીવાર જનો સાથે કાયમી વસવાટ માટે ૧૯૯૪માં માતા અને પિતાને લઈને અમદાવાદથી અમેરિકા આવી ગયા .
વિનોદભાઈનાં લગ્ન ૧૯૬૨માં કુસુમબહેન સાથે થયાં હતાં . ત્રીસ વર્ષના સુખી લગ્ન જીવનબાદ ૧૯૯૨માં ૫૪વર્ષની વયે જ કુસુમબહેનનો દુખદ સ્વર્ગવાસ થયો. એમનાબે પુત્રો અને એક પુત્રી હાલમાં કેલીફોર્નીયા, અમેરિકામાં જ છે.
૧૯૬૨માં વિનોદભાઈના લગ્ન બાદ કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધરી હતી .એમનાથી ત્રણ નાના ભાઈઓ એક પછી એક એમ અમેરિકા ભણવા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. પહેલાં ભાડાના મકાનમાં રહેતા એના બદલે નારણપુરામાં મોટા બે માળના મકાનમાં માતા પિતા સાથે સહકુટુંબ રહેવાનું શક્ય બન્યું .અહીં આ મકાનમાં જ અમેરિકાથી આવીને એમના ત્રણે ય નાના ભાઈઓએ લગ્ન કર્યાં હતાં અને પરત અમેરિકા ગયા હતા . ભૂતકાળમાં કુટુંબના ઉત્કર્ષ માટે જેઓએ ખુબ સંઘર્ષ અને ત્યાગ કર્યો અને જીવનભર વિનોદભાઈની સાથે રહ્યાં અને એમને અઢળક પ્રેમ આપ્યો એ વિનોદભાઈના જીવનનાં ત્રણ મુખ્ય પ્રિય પાત્રો — ૧૯૯૨માં જીવન સાથી કુસુમબેન ,૧૯૯૫માં માતા શાંતાબેન અને ૨૦૦૭માં પિતાશ્રી રેવાભાઈ એમને છોડીને વિદાય થયાં છે,એનું એમના મનમાં દુખ છે પરંતુ આ ત્રણ દિવ્યાત્માઓનું સ્મરણ એમને હંમેશાં પ્રેરણા આપતું રહે છે .
કુટુમ્બીજનો સાથે
અમેરિકામાં રહીને ૨૦૦૬ થી ૨૦૧૧ સુધીમાં વિનોદભાઈ એ એમનામાં વર્ષોથી પડેલા સાહિત્યના રસને તાજો કર્યો અને સર્જનની પ્રવૃતિમાં લાગી ગયા. એમના લેખ, વાર્તા, કાવ્ય વગેરે અમદાવાદથી પ્રસિધ્ધ થતા માસિક “ધરતી” માં છપાતા. આ માસિકમાં એમની પહેલી વાર્તા “પાદચિન્હો” ૧૯૯૬માં છપાઈ .એજ રીતે અમેરિકામાં ન્યુયોર્ક અને ન્યુજર્સીથી પ્રગટ થતા સાપ્તાહિક “ગુજરાતટાઈમ્સ” માં એમનાં લખાણો નિયમિત રીતે પ્રગટથતાં રહ્યાં .
વિનોદભાઈએ ૨૦૧૧માં કોમપ્યુટરમાં ગુજરાતીમાં કેમ લખાય એ શીખી લીધું અને “વિનોદવિહાર” નામે બ્લોગ શરૂ કર્યો. બ્લોગની પ્રવૃત્તિ વિષે વિનોદભાઈ કહેછે: “નિવૃતિમાં સારી રીતે સમય પસાર કરવાનું બ્લોગ ઉત્તમ સાધન છે . યોગ: કર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે. બ્લોગીંગ માટે જરૂરી અવનવી ટેકનીકોનું જ્ઞાન આપવા તેમ જ સતત માર્ગ દર્શન આપી પ્રોત્સાહિત કરવા માટે મારા આત્મીયમિત્ર શ્રીસુરેશજાનીનો હું આભારીછું .વિનોદવિહારના માધ્યમથી કદી નજરે જોયા કે મળ્યા ન હોય પણ મળવા ગમે એવા ઘણા સહૃદયી નેટમિત્રો સાથે આત્મીય સંબંધ બંધાય છે . મિત્રો સાથે બ્લોગના માધ્યમથી તેમ જ ઈ-મેલોથી સતત સંપર્ક અને વિચાર વિનિમયથી મન સતત આનંદમાંરહેછે.”
“બાળપણની શારીરીક ક્ષતિ અને ૭૮ વર્ષની ઉંમરે શરીર ભલે બરાબર સાથ નથી આપતું પણ મારું મગજ આ ઉંમરે પણ ખુબ તેજ દોડી રહ્યું છે . હજુ કામ આપતા એકજ હાથે ટાઈપ કરીને મારા બ્લોગની પોસ્ટ તૈયાર કરી તમારા જેવા અનેક મિત્રો /ચાહકોને શક્ય એટલું સંસ્કારી સાહિત્ય હજુ પીરસી શકું છું એથી મનમાં ખુબ આનંદ અને સંતોષની લાગણી થાય છે. આવી શક્તિ ચાલુ રાખવા માટે ભગવાનનો હું આભાર માનું છું .”
વિનોદભાઈની જીવનની ફીલોસોફી વિશે તેઓ કહે છે કે,
“જીવનમાં ગમે એટલા વિપરીત સંજોગો આવે પણ હિંમત ન હારવી, મન મજબુત રાખવું અને સંતોષી જીવન જીવવા પ્રયત્નશીલ રહેવું .જે પળ જીવતા હોઈએ એને ઉત્સાહ અને જોશથી જીવી લેવી. ગીતાનો આસાર મનમાં હંમેશાં યાદરાખવો….जो हुआ वह अच्छा हुआ, जो हो रहा है, वह अच्छा हो रहा है, जो होगा, वह भी अच्छा होगा .
આંતરિક હિમ્મત, દિલી પુરુષાર્થ, સકારાત્મક અભિગમ, ભગવાન ઉપર શ્રધા અને એની કૃપા જ્યારે ભેગા થાય એટલે જીવન યાત્રાનો રસ્તો સરળ બની જાય છે. “
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે જન્મ દાતા માનું સન્માન કરવાના હેતુથી મધર્સ ડે-માતૃ દિન ઉજવવામાં આવે છે.માતૃ દિન એટલે આપણા જીવનમાં માતાએ આપેલ ત્યાગ, બલિદાન અને પ્રેમને યાદ કરી માનું જાહેરમાં ઋણ સ્વીકારવાનો દિવસ .
આ દિવસે સંતાનો પોતાની માતાને યાદ કરી એના ઉપકારો અને ત્યાગ માટે જુદી જુદી રીતે માતાને અંજલી આપે છે.માત્ર એક અક્ષર મા માં કેટ કેટલો બધો ભાવ સમાઈ ગયો છે !
મધર્સ ડે – Mother’s Day- પર માતૃ વંદના
મારા જીવનમાં મારાં સ્વ.માતુશ્રી મારા જન્મથી માંડી એમના જીવનના અંત સુધી મારી સાથે જ મારી નજર સામે રહ્યાં હતાં. એમના તરફથી મને જે અપાર પ્રેમ અને આશિષ પ્રાપ્ત થયાં છે એ ભૂલાય એમ નથી.
સ્વ. શાંતાબેન રેવાભાઈ પટેલ (અમ્મા )
એમના પ્રેરક જીવનની ઝાંખી કરાવતો પ્રતિલિપિમાં પ્રકાશિત નીચેનો લેખ અને એ લેખના અંતે મુકેલ “માતૃ વંદના “નામના મારા એક સ્વ-રચિત કાવ્ય દ્વારા એમને નત મસ્તકે સ્મરણાંજલિ આપું છું.
એક લગ્ન પ્રસંગે, મારા બે પુત્રો અને પુત્રી અને એમના પરિવાર -(પૌત્ર પૌત્રીઓ વી.) સાથેની મારી એક તસ્વીર( તા.૭ -૨-૨૦૧૬, ઓરેગોન )
અમુલ્ય વારસો
નથી કર્યું બહુ ધન ભેગું મેં બે હાથે જીંદગીમાં, કરવું ન હતું એવું પણ કઈ ન હતું મનમાં, જે કરવાનું હતું એ જાતે જ, એક હાથે કરવાનું હતું, નહોતો એવો કોઈ કૌટુંબિક ધનનો મોટો વારસો. કરી મહેનત,મચી પડી, રાત દિન, થઇ શકી એટલી, બે પૈસા ભેગા થતા તો થતો મનમાં બહુ રાજી, પણ બનતું એવું કે, ભેગા થયેલા એ ધનમાંથી ઘણું બધું ,કોઈ આકસ્મિક ખર્ચાઓમાં વહી જતું. એકડે એકથી ફરી ધન માટેની ઉંદર દોડ શરુ થતી, એકધારા જીવન ચક્રના એ વણ થંભ્યા ચગડોળમાં , કભી ખુશી કભી ગમના, જીવનના એ બનાવો વચ્ચે , કરી મન મક્કમ ,નિભાવી કૌટુંબિક જવાબદારીઓ, આરોગ્ય પ્રશ્નો અને સામાજિક પ્રસંગોને સાચવી, શિક્ષણ અને સંસ્કાર રૂપે સંતાનોને પાંખો આપી, ધનનું સાચું રોકાણ શિક્ષણ છે એ હતી એક અડગ શ્રધા, આનંદ છે એ વાતનો કે એ શ્રધ્ધા આજે સાચી પડી છે , મારું એ અનોખું રોકાણ આજે રંગ લાવ્યું છે, બહુ આર્થિક મૂડી ભલે મેં ભેગી નથી કરી , પણ સંસ્કાર અને શિક્ષણના એ વાવેલા વૃક્ષમાં, કરેલ મૂડી રોકાણનાં મીઠાં ફળો આજે ચાખતો, જીવન સંધ્યાએ આ વૃક્ષને ફાલતું,ફળતું જોઈ, પ્રભુનો આભાર માનતો કહી રહ્યો છું મનમાં સંતોષથી, આ સુંદર વૃક્ષ એ જ તો છે મારો અમુલ્ય ધન વારસો.
વરસાવું આશિષ આ વૃક્ષ પર, કરું પ્રભુને પ્રાર્થના કે,
વટ વૃક્ષ શુ,વાવેલું મારું વૃક્ષ,ફુલતું,ફાલતુ અને ફળતું રહે.
શ્રી .પી.કે. દાવડાજી ના સત્સંગના વિડીયો જોઈ-સાંભળી મને પણ થયું ચાલો આપણે પણ યુ-ટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનો હાથ અજમાઇ જોઈએ. એકાદ બે પ્રયત્નો પછી મેં ગઈ કાલે જે વિડીયો અપલોડ કર્યો એ આજની પોસ્ટમાં રજુ કર્યો છે.યુ- ટ્યુબ વિડીયો એ સાંપ્રત સમયમાં જન સંપર્ક અને માહિતી માટેનું એક અગત્યનું માધ્યમ બની ચુક્યું છે એ એક હકીકત છે.
જો કે હજુ મારા આ વિડીયોમાં ઓડિયોની ખામી રહી ગઈ છે એટલે તમને અવાજ જોઈએ એવો સ્પષ્ટ કદાચ નહી સંભળાય પણ આ તો પાશેરામાં પહેલી પૂણી છે . ધીમે ધીમે એ પણ ઠેકાણે આવી જશે. પાછલી ઉંમરે જમાના સાથે કદમ મિલાવી નવું નવું શીખવાના કેવા અભરખા થાય છે !
આ વિડીયોમાં જે ભજન મેં રજુ કર્યું છે એ મને ખુબ પ્રિય છે .એ ભૈરવી રાગનું ભજન છે . આજથી ૬૫ વર્ષ અગાઉ હું એ વખતની ખુબ જાણીતી હાઈસ્કુલ-સર્વ વિદ્યાલય-કડી અને એના જ વિશાળ નૈસર્ગિક પરિસરમાં આવેલ ગાંધી મુલ્યોને વરેલ છાત્રાલયમાં અન્ય ૪૦૦ વિદ્યાર્થોઓ સાથે રહીને અભ્યાસ કરતો હતો. આ છાત્રાલય એ વખતે આશ્રમને નામે વિદ્યાર્થીઓમાં જાણીતું હતું.
એ આશ્રમમાં સવાર સાંજ પ્રાર્થના થતી હતી .આ પ્રાર્થના વખતે આ ભજન -એક જ દે ચિનગારી સ્ટેજ ઉપર સંગીત શિક્ષક અને અન્ય ગુરુઓ સાથે બેસીને ગવડાવતો હતો એ યાદ આવે છે . હવે ૮૦ વર્ષની ઉંમરે ગળું પહેલાં જેવું બુલંદી રહ્યું નથી,ગાવાના મહાવરા વિના ધીમું થઇ ગયું છે .છતાં ગાવાનો પ્રયત્ન આ વિડીયોમાં મેં બીતાં બીતાં કર્યો છે એને કંટાલ્યા વિના સાંભળવા વિનંતી છે.
આ ભજન સાથે જોડાએલું એક બીજું સ્મરણ પણ યાદ આવે છે. શાળામાં વિદ્યાર્થીઓમાં વાચન અને લેખન પ્રવૃત્તિ વિકસે અને એમનામાં પડેલી શક્તિઓ તેઓ બહાર લાવી પ્રદર્શિત કરી શકે એ હેતુથી શાળાના પ્રિય આચાર્ય શ્રી નાથાભાઈ દેસાઈ અને ગુજરાતી વિષયના શિક્ષક જાણીતા સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલના માર્ગદર્શન હેઠળ એક હસ્ત લિખિત સામયિક “ચિનગારી “ચલાવવામાં આવતું જેને પુસ્તકાલયમાં એક કાચના બનાવેલા કબાટમાં ભરાવવામાં આવતું.આ ચિનગારી સામયિકના તંત્રી તરીકે મને જવાબદારી સોપવામાં આવેલી. આ કામ કરતાં કરતાં મારામાં રહેલી લેખન અને સંપાદન શક્તિનો પાયો એ વખતથી નંખાયો એમ કહું તો ખોટું નથી.
ખેર આ સંસ્થા અને એના ગુરુઓ અને મિત્રો સાથેનાં ઘણાં સ્મરણો મનની મંજુષામાં કેદ પડેલાં છે. હકીકતમાં ઘણા મિત્રો અને સ્નેહીજનો તરફથી મને સૂચન મળ્યાં છે કે મારા જીવન વિષે મારે લખવું જોઈએ . પણ હું કઈ એવી મહાન વ્યક્તિ નથી .એક અસામાન્ય પરિસ્થિતિઓમાંથી પસાર થયેલ એક સામાન્ય માણસ છું. મારી જીવન કથામાં-એક અલ્પાત્માના આત્મ પુરાણમાં –કોને રસ પડવાનો છે ?
હકીકતમાં મારા બ્લોગમાં છૂટક લેખોમાં અને “કુસુમાંજલિ” ઈ-પુસ્તકમાં મારા વિષે અને મારા કુટુંબીજનો વિષે મારા અંગત જીવનની ઘણી પેટ છૂટી વાતો મેં જણાવી જ છે.એમ છતાં જીવનના યાદગાર પ્રસંગો અને મને અસર કરી ગયેલી વ્યક્તિઓ વિષે “મારા જીવન પ્રસંગો ” કે એવા શીર્ષક હેઠળ સંસ્મરણો લખવા એક વિચાર મનમાં રમ્યા કરે છે .આના વિષે યથા સમયે લખવા ઈચ્છા છે જ.આ વિચાર જ્યારે હકીકતમાં કાર્યાન્વિત બને ત્યારે ખરું ! જો અને જ્યારે એ લખાશે એમ અહીં મુકતો જઈશ.
ખેર, આજે તો એક જ દે ચિનગારી ભજનને ૬૦-૬૫ વર્ષના ઘણા લાંબા સમય પછી ફરી એક વાર ૮૦ વર્ષના વિનોદ પટેલને નીચે મુકેલ વિડીયોમાં નિહાળો/સાંભળો અને પ્રોત્સાહિત કરો.
વિડીયો પછી આ ભજન માંથી પ્રેરણા લઇ એમાંનો ભાવ પકડી અંગ્રેજીમાં કરેલ મારો ભાવાનુવાદ પણ મુક્યો છે એને પણ વાંચશો.
મારા પ્રિય ભજનના શબ્દો આ રહ્યા …કેટલું ભાવવાહી છે આ ભજન !
એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી ….. ધ્રૂવ.
ચકમક લોઢું ઘસતાં ધસતાં ખર્ચી જિંદગી સારી ; જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી …..મહાનલ . ૧.
ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી ….મહાનલ ..૩.
– હરિહર ભટ્ટ
આ ભજનનો મેં કરેલ અંગ્રેજીમાં ભાવાનુવાદ …
I want only a spaklet !
Oh Lord, Oh Sun God, You are a huge store of Burning Energy, From far far away You spread Light in this world And in Moon, Mars And Other galaxy planets, But still I shiver and tremble in the cold.
I don’t want more from you, Please give me only a small sparklet, Only a ray from your burning Mass This will help me a lot. By which I can kindle a tiny spark in me, And with your light and heat, I can steady my stumbling feet once for all.
Please chart my way in the darkness around me, By this divine gift from you, I can complete the journey of my life, And finally merge in your mass of Light, Oh God ! Oh Sun God !
વાચકોના પ્રતિભાવ