અમેરિકામાં અને કેનેડામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવાર ને થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ )તરીકે વર્ષોથી ઉજવવામાં આવે છે .
થેંક્સ ગીવીંગ ડે નો આવિર્ભાવ અને આ દિવસનો ઈતિહાસ જોતાં એ મૂળ પાયોનીયર પ્રજાનો સારો પાક લેવાનો અને છેલ્લું વર્ષ સારું ગયા માટે પ્રભુ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટેના દિવસ તરીકે ઉજવાતો હતો.
આજના આભાર દિનને અનુરૂપ મારી કેટલીક અછાંદસ રચનાઓ …
આ દિવસે પરમ કૃપાલુ પરમાત્માએ મનુષ્ય જાતને આપેલ અગણિત ભેટો અને કરેલ ઉપકારો બદલ એને યાદ કરી એનો આદરથી આભાર માનવાનો પણ દિવસ છે .
મારી આ અછાંદસ રચનામાં એવી આભારવશતાનો ભાવ વ્યક્ત થયો છે.
ઓ પ્રભુ ,તારો આભાર !
પ્રભુ તારો આભાર,આજના આ દિવસ માટે, એની સાથે આવેલી વિવિધ અમીરાત માટે. ખેલતાં બાળકોના મુખ પર રમતું એ હાસ્ય , તાજા જન્મેલ બાળકના મુખ પરનું એ સ્મિત, અને અમારા જીવનને અર્થપૂર્ણ બનાવતી, નાની મોટી કૃપાઓ માટે,પ્રભુ તારો આભાર. મુશ્કેલીઓમાં મને ખબર પણ ના પડે એમ, મારા પર ભલાઈ વર્ષાવતા સૌ મિત્રો માટે, અને સૌથી વધુ પ્રભુ તારો આભાર હું માનું, મને બક્ષેલ જિંદગીની આ અણમોલ ભેટ માટે .
અન્ન અને વસ્ત્ર આપવા માટે પ્રભુ તારો આભાર, સવારે સૂર્યપ્રકાશમાં જગાડવા માટે તારો આભાર, માથે છત્ર અને રાત્રે આરામ માટે તારો આભાર, સ્નેહીજનો અને મિત્રોના પ્રેમ માટે તારો આભાર, આમ અગણિત ઉપકારો છે જીવનમાં ,પ્રભુ તારા, કે સમજાય ના,કેટલા ઉપકારો માટે માનું આભાર,
આ દિવસે ગરીબો તથા હોમલેસ લોકોને માટે ભોજન વ્યવસ્થા તથા દાન કરી પ્રભુનાં આ કમનશીબ બાળકો પ્રત્યે દયા ભાવ દર્શાવાય છે.બાઈબલમાં જીસસ ક્રાઈસ્ટે પણ કહ્યું છે “ જેની પાસે આપવાની હીંમત નથી તે લેવાને માટે પણ પાત્ર નથી.”
આ દયા ભાવને અનુરૂપ મારી એક અછાંદસ રચના ..
જીવન સાફલ્ય
જીવનમાં જે લીધું એનાથી જિંદગી જીવાઈ જાય છે, જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે, બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી ના મારો, કદીક તમારો હાથ કોઈ દુખી તરફ પણ લંબાવો. જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા, જ્યારે જશો ત્યારે બધું જ પાછળ મુકી જવાના છો, જાત માટે તમે જીવો એથી બને છે તમારી જિંદગી, પરાર્થે જીવી જાણો ત્યારે એ બને છે પ્રભુની બંદગી. જીવો છો ત્યારે કંઇક એવું સદ્કાર્ય કરીને જ જાઓ, લોકો યાદ કરે કે જનાર ખરે પરોપકારી જીવ હતો.
એક તાજી જ રચના ..
પ્રાર્થના- અંતરનો શાંત કોલાહલ
બાહ્ય સંગીત એટલે કે નાદ-અવાજ, આત્માનું સંગીત હોય છે સાવ નીરવ, મનની સંપૂર્ણ શાંતિ છે આ સંગીતમાં. પ્રાર્થના એ છે આત્માનો શાંત રવ પ્રાર્થનાનું શાંત સંગીત મધુરતમ છે. પ્રાર્થનાનો શાંત અને આહ્લાદક રવ, અંતરમન અજવાળી બક્ષે છે ધન્યતા. દરેક સદ્કાર્ય હોય છે એક પ્રાર્થના. એના અનહદ આનંદની અનુભૂતિ, બનાવે અંતરના કોલાહલને નીરવ. ચિંતાઓ અને પીડાઓને ભુલાવતી, આવી સાધનામય શાંતિની અનુભૂતિ, એટલે કે પ્રભુનો એક આસ્વાદ્ય પ્રસાદ.
આભારવશતા
આભારવશ થવાની એટલે કે કૃતજ્ઞતાની લાગણી દર્શાવવાની વૃત્તિ માણસને દુ:ખ અને નિરાશામાંથી બહાર લાવે છે.આ આભારવશતા (ગ્રૅટિટ્યુડ)ની લાગણી ‘હૅપીનેસ’ મેળવવાની ચાવી છે.સુખી થવું હોય અને રહેવું હોય તો તમે જે પામ્યા છો એ બદલ કૃતજ્ઞતા (ગ્રૅટિટ્યુડ) નામની કવાયતને આદત બનાવવાનું ચૂકવા જેવું નથી.
આ થેન્ક્સ ગીવીંગ દિવસની ભાવનાઓને અનુરૂપ મને ગમી ગયેલા એક અંગ્રેજી લેખનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને નીચે રજુ કરેલ છે સૌએ એમાં દર્શાવેલ સકારાત્મકતાના વિચારને સમજવા જેવો છે.
પ્રભુનો આભાર માનો કે ………
— પ્રભુનો આભાર માનો કે તમે જે કઈ તમારા જીવન દરમ્યાન ઈચ્છયું હોય એ બધું જ તમને પ્રાપ્ત થયું નથી. જો તમોને એ બધું જ મળી ગયું હોત તો મેળવવાનુ બાકી ન રહેતાં મેળવવાનો જે આનંદ હોય છે એ ક્યાંથી મળ્યો હોત !
— પ્રભુનો આભાર માનો કે તમે જે કંઈ જાણવા માંગો છો એ બધું જ જાણતા નથી કેમ કે એથી તમને જ્ઞાન પ્રાપ્તિ માટેની વધુ તકો માટે પ્રયત્નશીલ બનો છો.
— પ્રભુનો આભાર માનો કે તમારે જીવનની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે કેમ કે મુશ્કેલીઓના સમયમાં જ તમારો સારો અને સાચો વિકાસ થતો હોય છે.
—પ્રભુનો આભાર માનો કે તમારામાં હજુ કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે ,કેમ કે આવી મર્યાદાઓ જ તમને તમારી જાતમાં જરૂરી સુધારો કરવાની તકો પૂરી પાડે છે .
— પ્રભુનો આભાર માનો કે તમારા જીવનમાં કોઈવાર નવા પડકાર પણ આવે છે કેમ કે આવા પડકારો જ તમારામાં નવી શક્તિ અને સાચા ચારિત્ર્ય(Character)નું ઘડતર કરે છે.
— પ્રભુનો આભાર માનો કેમ કે તમારાથી ભૂલો પણ થાય છે કેમ કે તમારી ભૂલોમાંથી જ તમને તમારા જીવન માટેનો અમુલ્ય બોધપાઠ શીખવા મળે છે.
— તમે જ્યારે જીવનનો થાક અનુભવો અને અંદરથી ભાંગી પડ્યાની લાગણી અનુભવો એવે વખતે પ્રભુનો જરૂર આભાર માનો કેમકે જીવનમાં સારી વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે આભારી બનવાનું તો સહેલું હોય છે, પરંતુ જિંદગીમાં જ્યારે પીછેહઠ કરવાનો સમય આવે ત્યારે જ પ્રયત્નો કરીને તમારી જે ભાવનામય પૂર્ણતા શક્ય બનાવશો એનો તો આનંદ જ અનેરો હોય છે.
તમારી આ પ્રકારની પ્રભુ પ્રત્યેની આભારવશતા તમારી સર્વ નકારાત્મક દ્રષ્ટિ(Negative attitude )ને સકારાત્મક દ્રષ્ટિ(Positive attitude)માં પલટી નાખશે.
તમારા જીવનની અડચણો અને મુશ્કેલીઓના સમયે પ્રયત્નશીલ બની પ્રભુના આભારવશ બનવાના બધા જ રસ્તા શોધી કાઢો અને પછી જુઓ કે તમારા માટે એ છુપો આશીર્વાદ બની રહે છે કે નહી !
ક્રિસમસ પ્રસંગે ત્રણ વર્ષની ગલગોટા જેવી નમણી બાલિકા કૃતિકા શાંતાકલોઝ પાસે કોઈ રમકડાની ભેટ નથી માગતી પણ કદી કોઈએ શાંતા પાસે માગી હોય ના હોય એવી એક અવનવી ભેટ માગે છે .કૃતિકાએ માગેલી એ ભેટ કઈ છે એ જાણવા મારી ક્રિસમસ પ્રસંગની આ ટૂંકી વાર્તા વાચો …..
“કૃતિકાનો ભાઈ !”
ગલગોટા જેવી ત્રણ વર્ષની ભગવાનની એક અદભુત કૃતિ સમી નમણી બાલિકા કૃતિકા ક્રિસમસ આવે એટલે એવી ખુશ થઇ જાય કે કઈ કહેવાની વાત નહિ.દર વર્ષની જેમ ક્રિસમસ ટ્રી ખરીદવા માટે એના પપ્પા જાય ત્યારે એમની સાથે રડીને પણ જાય.પપ્પા સાથે ક્રિસમસ ટ્રી અને એને શણગારવાની નવી ચીજ વસ્તુઓની ખરીદીમાં પપ્પા સાથે હોવાનો ગર્વ એના ખુશખુશાલ ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ આવે.
ક્રિસમસ ટ્રીને પહેલાંની સાચવીને રાખેલી અને નવી ખરીદેલી અવનવી ચીજો,નાનાં રમકડાં તથા વીજળીના નાના રંગબેરંગી બલ્બના તોરણોથી શણગારાતું ત્યારે કૃતિકા પણ વસ્તુઓ લાવી આપીને પપ્પા-મમ્મીને મદદ કરતી.ઘર પણ વીજ તોરણોથી ચમકી ઉઠતું ત્યારે એનો ઝગમગાટ જોઈ કૃતિકાની આંખમાં પણ ચમક આવી જતી.વ્હાલી દીકરી કૃતિકાને ખુશ ખુશાલ જોઇને એનાં ગર્વિષ્ઠ પપ્પા-મમ્મી પણ ખુશ થઇ જતાં .
કૃતીકાનું ક્રિસમસનું બીજું આકર્ષણ એટલે દાઢી વાળા,મોટી ફાંદવાળા, માથે મોટી લાલ ટોપી અને કોથળા જેવા લગર વગર લાલ પોશાકમાં સજ્જ ,હસતા અને હસાવતા અને ઘંટડી વગાડતા પેલા જાડિયા શાંતાકલોઝ . આ શાંતાકલોઝ દર વર્ષે ક્રિસમસ વખતે શહેરના મોલમાં નિયમિત હાજર થઇ જતા અને ઘંટડી વગાડતા મોલમાં ફરીને સૌનું અને ખાસ કરીને નાનાં ભુલકાંઓનું મનોરંજન કરતા અને એમની સાથે ફોટો ખીંચાવતા.બાળકોને માટે આ શાંતાકલોઝ એક મિત્ર બની જતા.
દોઢ-બે વર્ષની હતી ત્યાં સુધી હો… હો… હો… અવાજ કરતા શાંતાકલોઝની બીકથી કૃતિકા એની નજીક પણ જતી ન હતી , પણ આજે ત્રણ વર્ષની ઉંમરે તો એ હસતી કુદતી શાંતા પાસે જઈને હાથ મિલાવતી અને એના ખોળામાં પણ બેસી એની સાથે ફોટો પાડવાનું પપ્પાને કહેતી હતી.કૃતિકાના બાળ માનસમાં એક વાત કોતરાઈ ગઈ હતી કે શાંતાકલોઝ બાળકોને એમને જોઈએ એવી નવીન ભેટ એના કોથળામાંથી આપે છે .
એક દિવસે મમ્મી-પપ્પા ત્રણ વર્ષની કૃતિકાને લઈને એને શાંતાકલોઝ બતાવવા માટે શહેરના મોલમાં લઇ ગયા .મોલમાં મોટી ખુરશીમાં બેઠેલા શાંતાને જોતાં જ કૃતિકા દોડીને એના ખોળામાં બેસી ગઈ.મુખ પર સ્મિત વેરતા એના પપ્પાએ ખુશખુશાલ કૃતિકાની એક યાદગાર તસ્વીર એમના કેમેરામાં કેદ કરી લીધી.
“બોલ બેટા, તારે શું ભેટ જોઈએ છે ,તું કહે એ રમકડું મારા આ કોથળામાંથી તને આપું,”
કૃતિકાના મમ્મી-પપ્પા અને શાંતા એ શું માગે છે એ સાંભળવા આતુર નયને એની સામે જોઈ રહ્યા.
કૃતિકાને મનમાં એ ઠસી ગયેલું કે હું જે માગીશ એ જરૂર શાંતા કોથળામાંથી હાથ નાખીને એને આપશે.
ખુબ વિચાર કરીને કૃતિકાએ છેવટે એના મનની ઈચ્છા શાંતાને કહી જ દીધી :
” શાંતા મને એક નાનકડો ભાઈ જોઈએ છે !”
આવી અજબ માગણીથી શાંતા સાથે એના મમ્મી -પપ્પા પણ વિચારમાં પડી ગયા.
શાંતાએ એની પ્રેગ્નન્ટ મમ્મીના પેટ તરફ એક દ્રષ્ટિ કરી કૃતિકાને સમજાવતાં કહ્યું :
“ બેટા ,આજે તો આ નાના બાબલાભાઈનું રમકડું લઇ જા ,ત્રણ ચાર મહિના પછી તને એક નાનકડો ભાઈ જરૂર મળશે જા ”
માતા-પિતા અને શાંતા એકબીજાની સામે જોઈને ખુબ હસી પડ્યાં !
ક્રિસમસ બાદ પણ કૃતિકા શાંતાએ એને ભેટ આપેલા પેલા નાનકડા ભાઈને વ્હાલ કરતાં અને એની સાથે રમતાં થાકતી જ નથી !
-વિનોદ પટેલ
નવા વર્ષ ૨૦૧૮ માટે ની એક અછાંદસ રચના
૨૦૧૮ ના નવા વર્ષનું સ્વાગત
નવા વરસે નવા થઈએ
જોતજોતામાં પસાર થઇ ગયું એક જુનું વરસ ગત બાર મહિનાની જીવનની ખાતાવહીમાં
કેટલુક જમા થયું કેટલુક ઉધાર પણ થયું
ગમતી, ન ગમતી જૂની યાદોને પાછળ મૂકી આવી ઉભા એક નવા જ વર્ષને પગથાર.
નવા વરસે નવી આશાઓ સાથે નવલા બની
નવેસરથી જીવનના નવા ચોપડામાં
નવા આંકડા પાડી જમા બાજુમાં વધારો કરીએ
જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર જુના વરસના ઘાસ નીદામણ દુર કરી નવા વરસે જીવનનો નવો પાક ઉગાડીએ નુતન વર્ષે નવી આશાનો દીપ જલાવી ૨૦૧૮ ના નવા વર્ષનું હર્ષથી સ્વાગત કરીએ.
ચાલો , સૌ કરીએ દિલથી પ્રાર્થના કે- ગત વર્ષો કરતાં આ નવલું ૨૦૧૮ નું વર્ષ સૌને માટે સુખ શાંતિ અને આરોગ્ય સહીત સર્વ રીતે સર્વોત્તમ વર્ષ બનાવજે ,હે પ્રભુ .
હે જિંદગી! તારી પાસેથી હવે, મારે કશું વધુ નથી જોઈતું, જે જિંદગી જીવ્યો છું,પામ્યો છું એનો, અફસોસ નથી પણ એક સંતોષ છે. જીંદગીમાં હસ્યો છું તો રડ્યો પણ છું, પ્રેમ પામ્યો છું તો પ્રેમ આપ્યો પણ છે, હવે તો છેક સામો કિનારો દેખાઈ રહ્યો છે, જિંદગીનો પ્યાલો હવે ભરાવા આવ્યો છે, આ પ્યાલામાં આંસુઓ સાથે ખુશીઓ પણ છે જિંદગીના દિવસો હવે જે બાકી રહ્યા છે, એમાં નવી આશા અને ઉમંગ જોઈ રહ્યો છું,
જીવન સંધ્યાના અવનવા રંગો નિહાળી રહ્યો છું, મૃત્યુને ભૂલી જીવનની બાકી યાત્રાને માણું છું. આ યાત્રાના આનંદને શક્ય એટલો વહેંચું છું. જન્મ,વ્યાધી મરણ એ જીવનના જ ભાગ છે, માણેલી જિંદગી વાગોળવાની પણ મજા છે, હવે કોઈ પણ દુખ એ મજા ઝુંટવી નહિ શકે. આભાર માનું છું પ્રભુનો, જેણે સંભાળ્યો મને , મારો હાથ પકડી આ આખા રસ્તે દોર્યો મને, જિંદગીના આજના પડાવ સુધી લાવ્યો મને . આજે તો અંતરમાં આનંદની જ અનુભૂતિ છે, જીવનનો દરેક દિવસ નવો પ્રકાશ લાવે છે, અંતરને ઉજ્વાળે છે,જીવનને ધન્ય બનાવે છે!
અમેરિકામાં અને કેનેડામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવાર ને થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ )તરીકે વર્ષોથી ઉજવવામાં આવે છે .
થેન્ક્સ ગીવીંગ ડે નો ઈતિહાસજોતાં મૂળ ભૂત રીતે તો એ મૂળ પાયોનીયર પ્રજા દ્વારા વર્ષ દરમ્યાન સારો પાક લેવા માટે અને છેલ્લું વર્ષ સારું ગયા માટેનો આભાર વ્યક્ત કરવા આ દિવસે ખાણી પીણી સાથે આનંદ કરીને ઉજવાતો હતો.
એક મોટી ઈમારતના બાંધકામનું કામકાજ ચાલી રહ્યું હતું.આ બાંધકામના સુપરવાઈઝરે એક દિવસ આ ઈમારતના છઠા માળેથી નીચે ભોંય તળીયે કામ કરી રહેલ એક કારીગરને કંઇક સુચના આપવા માટે બુમ મારી .
બિલ્ડીંગના કામકાજ માટે થઇ રહેલ શોર બકોરમાં આ કારીગરે સુપરવાઈઝરે ઉપરથી જે બુમ મારી હતી એ સાંભળી નહી. એતો એના કામમાં જ મગ્ન હતો .
આથી આ કારીગરનું ધ્યાન એના તરફ ખેંચવા માટે સુપરવાઈઝરે ઉપરથી ૧૦ રૂપિયાની કરન્સી નોટ નીચે ફેંકી .એને એમ હતું કે નોટ જોશે એટલે એ ઊંચું જોશે.
આ નોટ કામ કરી રહેલા આ કારીગરની બાજુમાં જ જઈને પડી.કારીગરે આ કરન્સી નોટ લઈને બીજો કોઈ પણ જાતનો વિચાર કર્યાં વિના પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને જે કામ કરતો હતો એ કરવાનું ચાલું રાખ્યું.
આ કારીગરનું ધ્યાન એના તરફ ફરી ખેંચવા માટે સુપરવાઈઝરે ફરી ઉપરથી ૫૦૦ રૂપિયાની નોટ ફેંકી પરંતુ આ વખતે પણ કારીગરે પહેલાં કર્યું હતું એમ જ આ નોટને લઈને ખિસ્સામાં મુકી દીધી અને એનું કામ કરવાનું ચાલું રાખ્યું . આ નોટ ક્યાંથી આવી -કોણે નાખી એનો સહેજ પણ વિચાર ના કર્યો .
આ કારીગરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે સુપરવાઈઝરે હવે એક નવી તરકીબ અજમાવી . સુપરવાઈઝરે એક નાનો પત્થર નીચેથી ઉપાડીને છઠા માળેથી આ કારીગરની ઉપર ફેંક્યો જે બરાબર આ કારીગરના માથે જઈને વાગ્યો .
અચાનક આ પથ્થરના પ્રહારથી કારીગર ચમકી ગયો અને આ વખતે જ એની ડોક ઉપર કરીને જોયું . એ વખતે સુપરવાઈઝરે કારીગરને એના કામકાજ અંગે જે સુચનાઓ આપવાની હતી એ આપી .
આ સુપરવાઈઝર-કારીગરની કથા આપણા જીવનની હકીકતો સાથે બિલકુલ મળતી આવે છે .
ભગવાન આપણી સાથે સંપર્કમાં રહેવા હંમેશાં પ્રયત્ન કરતો હોય છે . આ સુપરવાઈઝરની માફક ઉપરથી બુમો મારતો હોય છે પરંતુ આપણને આપણા સ્વાર્થને વશ થઇને જિંદગીના ઢસરડા કરવામાંથી માથું ઊંચું કરીને એની તરફ જોવાની જોવાની પણ ફુરસદ નથી.ભગવાન સાથે વાતચીત કરવા તરફ દુર્લક્ષ્ય સેવીએ છીએ .
ભગવાન એના તરફ ધ્યાન ખેંચવા આપણને પ્રથમ કોઈ પણ સ્વરૂપે નાની ભેટ મોકલી આપે છે. આપણે આ વખતે એટલું પણ વિચારતા નથી કે એ ભેટ ક્યાંથી આવી અને કોણે મોકલી છે.આપણે તો આ કથાના કારીગરની જેમ આ ભેટને આપણા ખિસ્સામાં મૂકી દઈ બીજું બધું ભૂલીને આપણા સંસારિક કામોમાં મગ્ન રહેતા હોઈએ છીએ .
ત્યારબાદ ભગવાન આપણને મોટી ભેટ મોકલે છે. પરંતુ જે ભેટ આપણને પ્રાપ્ત થઇ એના માટે પોતાની જાતને બહું નશીબદાર માનીએ છીએ અને એના માટે ગર્વ કરતા થઇ જઈએ છીએ.આપણને આ બધી ભેટો મોકલી આપવા માટે ભગવાનને યાદ કરવાનું કે એના માટે એનો આભાર માનવાનું પણ ભૂલી જઈએ છીએ .
આવા સંજોગોમાં ભગવાન છેવટે આપણું ધ્યાન એના તરફ ખેંચાય એટલા માટે નાની મોટી ઉપાધીઓ રૂપી પથ્થર આપણા ઉપર ફેંકતો હોય છે .ત્યારે જ સફાળા આપણને ભાન આવે છે. મુશ્કેલીઓ આવે ત્યારે જ ભગવાનને યાદ કરીએ છીએ અને એની સાથે વાતચીત કરવાનું ચાલું કરીએ છીએ .
આ આખી કથાનો મુદ્દાનો બોધપાઠ એ છે કે ……
જ્યારે જ્યારે પણ ભગવાન આપણને કોઈ પણ સ્વરૂપે નાની-મોટી ભેટો મોકલી આપે એ દરેક વખતે તરત જ આપણે એને યાદ કરીને એનો આભાર માનવામાંથી ચુક્વું ના જોઈએ .
આપણને ભગવાન ઉપાધિઓ રૂપી નાનો પત્થર આપણા માથે મારીને આપણને યાદ કરાવે ત્યાં સુધી એની રાહ જોવી ના જોઈએ .
કોઈએ સરસ કહ્યું છે કે ” સુખમાં સાંભરે સોની , દુઃખમાં સાંભરે રામ !”
વિશ્વભરની જેના પર નજર હતી એ આઠમી નવેમ્બર ૨૦૧૬ ના રોજની ૪૫મા અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનાં પરિણામો ૯મી નવેમ્બરની વહેલી સવાર સુધીમાં આવી ગયાં એ અણધાર્યા હતા.ડેમોક્રેટીક પક્ષનાં ૬૯ વર્ષનાં મહિલા ઉમેદવાર હિલરી ક્લીન્ટન અને રિપબ્લિક પક્ષના ૭૦ વર્ષના ઉમેદવાર બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લગભગ બે વર્ષથી અમેરિકાનું રાજકીય હવામાન ગરમ રાખતી ખુબ જ લાંબી કંટાળા જનક પ્રાયમરી અને જનરલ ઇલેક્શનની ચુંટણી પ્રક્રિયાનો આ દિવસે અંત આવી ગયો અને લોકોએ રાહતનો ઊંડો દમ લીધો.
આ ચુંટણી પ્રક્રિયાના એક ભાગ તરીકે ડોનાલ્ડ અને હિલેરી વચ્ચેનીં ત્રણ જાહેર ચર્ચાઓ યોજાઈ ગઈ હતી એમાં વર્ષોનો રાજકીય અનુભવ ધરાવતાં હિલરીનો દેખાવ ત્રણે ય ચર્ચામાં ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ખુબ સારો રહ્યો હતો,એટલે ટીવી પર અને પ્રિન્ટ મીડિયામાં રાજકીય પંડિતો કહેતા રહ્યા હતા કે હિલરી જીતશે પરંતુ લોકમત કૈક બીજું જ માનતો હતો.
લોકશાહીમાં લોકમત જ સર્વોપરી હોય છે.રાજકીય પંડીતોના ચુંટણી અંગેના પોલ અને રાજકીય હવામાનના વર્તારાઓને ધરમૂળથી ખોટા પાડતાં એવાં પરિણામો આવ્યાં એથી ઘણા લોકો ડઘાઈ ગયા હતા .જાણે કે કોથળામાંથી બિલાડું નીકળ્યું !
અમેરિકાની ચુંટણી પદ્ધતિ થોડી વિચિત્ર છે.બીજા દેશોની જેમ જેને સૌથી વધુ પોપ્યુલર મત મળે એ ઉમેદવાર જીતી જાય એવું અમેરિકામાં નથી.મતદારો તરફથી હરીફ કરતાં વધુ પોપ્યુલર મત મળ્યા હોય એમ છતાં દરેક સ્ટેટના નક્કી કરેલ ઈલેકટોરલ કોલેજ મતનો સરવાળો ઓછામાં ઓછા કુલ ૨૭૦ ઈલેકટોરલ મત કરતાં જો ઓછો હોય તો એ ઉમેદવાર જીતી ના શકે.
ઇલોકટોરલ કોલેજ વોટની ગણતરી કેવી રીતે થાય છે એ જાણવા જેવું છે.દરેક સ્ટેટમાં જેટલા હાઉસ ઓફ રેપ્રેઝનટેટીવ હોય એમાં એ સંખ્યામાં સ્ટેટના દર સેનેટર દીઠ બે વોટ ઉમેરીને જે સંખ્યા બને એ એ સ્ટેટના ઇલોકટોરલ કોલેજ વોટની સંખ્યા છે.
આ ચુંટણીમાં હિલરી ક્લીન્ટનને ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં મતદાર જનતાએ વધુ પોપ્યુલર મત આપ્યા હોવા છતાં છતાં એમને ફક્ત ૨૨૮ ઇલો.મત મળ્યા અને ડોનાલ્ડ ટ્રમ્પને કુલ ૨૭૮ ઇલો.મત પ્રાપ્ત થતાં એ જીતી ગયેલા જાહેર થયા.યાદ હોય તો નવેમ્બર ૨૦૦૦ ની ચૂંટણી વખતે અલ ગોરને એમના હરીફ જ્યોર્જ બુશ કરતાં વધુ પોપ્યુલર વોટ મળ્યા હતા એમ છતાં બુશને વિવાદાસ્પદ ૨૭૦+ ઈલો. વોટ મળતાં એમને ચૂંટાઈ ગયેલા જાહેર થયા હતા.
આ વખતની ચુંટણી છેવટ સુધી રસાકસીથી ભરપુર હતી.ચુંટ ણીનાં પરિણામો ટી.વી.ને પડદે નિહાળી રહેલ લોકો એમનો ઉમેદવાર જીતે એ જોવા એમનો જીવ પડીકામાં બાંધીને ટી.વી.સામે ગોઠવાઈ ગયા હતા. જાણે કે સુપર બોલની મેચ જોઈ રહ્યા ના હોય !છેવટે ચુંટણીની આ ઘોડ દોડની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઘોડો આગળ રહી રેસ જીતી ગયો!
અમેરિકામાં સામાન્ય રીતે પક્ષનો એજન્ડા મતદારોને સમજાવીને ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે પરંતુ ડોનાલ્ડ અને હિલેરી વચ્ચેના આ રાજકીય દંગલમાં પક્ષનો એજન્ડા ગૌણ બની ગયો હતો અને વ્યક્તિ મુખ્ય બની ગઈ હતી.એક બીજા ઉપર અંગત જીવનના આક્ષેપો-પ્રતિ આક્ષેપો અને વ્યક્તિગત તૂ તૂ મેં મેં માં ચુંટણી વાતાવરણ ઝેરી બની ગયું હતું.ન્યુઝ મીડિયાએ આવા નકારાત્મક પ્રચાર પ્રસારના ભારેલા અગ્નિમાં પેટ્રોલ છાંટવાનું કામ કર્યું.ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવચનો વાઈટ સુપ્રીમસી-રેસિઝમ,ઉંચી દીવાલ બાંધી ઈમીગ્રંટસનો વિરોધ,મહિલાઓના પ્રશ્નો બાબતે તેમની ટીપ્પણી અને મુસલમાનો અંગેનાં તેમનાં કેટલાંક વિધાનોએ ખુબ વિવાદ જગાવ્યો હતો. આ વિધાનોએ તેમની વિચારસરણીને ગમાડતા લોકોમાં એમને લોકપ્રિય પણ બનાવ્યા.એમના નકારાત્મક પ્રચારે વિશ્વના લોકોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.એક મિત્રે વોટ્સ-એપ પર મોકલેલું આ ચિત્ર ઘણું કહી જાય છે.
અમેરિકાની લગભગ અડધી કરતાં વધુ વસ્તીનું ડોનાલ્ડને સમર્થન મળ્યું અને ઘણા લોકોને માટે બિન અનુભવી અને પાગલ લાગતા અને પોતાના જ પક્ષના અગ્રણી નેતાઓ એમનો વિરોધ કરતા હોવા છતાં છેવટે પ્રમુખપદનો તાજ લોકોએ એમના શિરે પહેરાવી જ દીધો.અમેરિકામાં અને વિશ્વમાં ઘણાને માટે આ એક મોટું આશ્ચર્ય અને ધરતીકંપ જેવો આંચકો હતો.આ ચૂંટણીનાં પરિણામોનું પ્રસારણ વિશ્વભરના લોકોએ આશ્ચર્યથી નિહાળ્યું.વિશ્વના શેર બજાર પર પણ એની અસર પડી.ભારતના લોકોએ પણ અમેરિકાની આ ચુંટણીમાં ખુબ રસ દાખવ્યો હતો.કેટલાકતો ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એ માટે હવન અને પ્રાર્થના કરતા હતા એવા પણ સમાચાર વાંચ્યા હતા !
આ વખતની ચુંટણી દરેક વાર યોજાતી ચુંટણી કરતાં ઘણી બાબતોમાં અનોખી હતી જે અમેરિકાના રાજકીય ઇતિહાસમાં જ નહીં પણ વિશ્વભરમાં પણ ઘણા લાંબા સમય સુધી યાદ રહી જશે.
રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના આગલા દિવસ સુધી પ્રમુખ બરાક ઓબામાએ અને એમના પત્ની મિશેલએ ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન માટે ચૂંટણી સભાઓમાં ખુબ જ જુસ્સાભેર પ્રચાર કર્યો અને કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્ર પ્રમુખ થવા માટેની કોઈ લાયકાત ધરાવતા નથી.એ આવશે તો દેશમાં આરાજ્કતા ફેલાશે વિગેરે…. ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટને પણ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસ સુધી લોક રેલીને સંબોધિત કરી કહ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં તમારે એક્તા અને વિભાજનમાંથી એક ની પસંદગી કરવી પડશે. એક એવી અર્થ વ્યવસ્થા જે મિડલ ક્લાસની ઉન્નતી માટે હોય અને નહી કે જે ફક્ત અમીરો માટે જ હોય એવી હોવી જોઈએ.એમનો આ અવાજ લોકમતમાં દબાઈ ગયો.હિલરી ની હારમાં એમના ઈ-મેઈલનો ચર્ચાસ્પદ વિવાદ અને ચુંટણીના દશ દિવસ પહેલાં જ એમના નવા ઈમેલો બાબત સી,બી.આઈએ કોંગ્રેસ જોગ લખેલ પત્રના ચર્ચાસ્પદ અણધાર્યા ધડાકાએ પણ મુખ્ય ભાગ ભજવ્યો જેનો ડોનાલ્ડ ટ્રમ્પની કેમ્પેઈનએ ભરપુર લાભ ઉઠાવ્યો.ડોનાલ્ડ ટ્રમ્પ એ સામ,દામ.દંડ અને ભેદભાવની નીતિ અપનાવી ચુંટણી જીતી ગયા !
બરાક ઓબામાનો આઠ વર્ષના એમના વહીવટ દરમ્યાન કરેલ કામને આગળ વધારવા માટે એમનો રાજકીય વારસો તેઓ હેલરી ક્લીન્ટના હાથમાં સોપવાનો ઓરતો મૃત પ્રાય થઇ જતાં તેઓ જરૂર નિરાશ થયા હશે.આ ચુંટણી પછી કોંગ્રેસ,સેનેટ અને સુપ્રીમ કોર્ટ અને પ્રમુખ પદ હવે રીપબ્લીકન પક્ષના હાથમાં આવ્યાં હોઈ તેઓ ઓબામાએ લીધેલ ઓબામા કેર જેવા કાયદાઓને ઉથલાવી એમના એજન્ડા મુજબ કાર્ય કરશે.એ ભૂલવું ના જોઈએ કે આઠ વર્ષના એમના વહીવટ પછી ઓબામાનો પોપ્યુલારાટી રેટ ૫૪ ટકાનો હતો એ વિદાય લેતા પ્રમુખ માટે ખરેખર સારો કહેવાય .
પ્રથમ વખતે ૨૦૦૮ માં પ્રાઈમરીની ચુંટણીમાં બરાક ઓબામા સામે અને ૨૦૧૬ માં જનરલ ઇલેકશનમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે એમ બે વાર હિલરી ક્લીન્ટન હારી ગયાં એ બતાવે છે કે એક મહિલાને દેશના પ્રમુખ પદે બેસાડવા માટે અમેરિકા હજુ તૈયાર હોય એમ લાગતું નથી.
ભારત,પાકિસ્તાન, શ્રી લંકા ,બંગલા દેશ, બ્રાઝીલ, મ્યાનમાર(બર્મા) જેવા પછાત ગણાતા દેશોમાં પ્રમુખ પદે લોકો મહિલાઓને ચૂંટી કાઢે છે પણ સુપર પાવર અમેરિકાના ૨૪૦ વર્ષના ઇતિહાસમાં હજુ સુધી કોઈ પણ મહિલા પ્રમુખ બનીને આ પદની ગ્લાસ સીલીંગ તોડી નથી શકી એ જગતની મોટી લોકશાહી માટે કેવું શરમજનક કહેવાય !
ચુંટણીના પરિણામો પછી ડાહ્યા ડમરા બની ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટાયા પછી આપેલ પ્રથમ પ્રવચનમાં વિભાજનને બદલે એક બનીને કામ કરવાની વાત કરી હતી.
નીચેના વિડીયોમાં એમનું પ્રવચન સાંભળો.આ વિડીયોમાં એ વખતે હાજર ડોનાલ્ડ ટ્રમ્પના ત્રણ પુત્રો, બે પુત્રીઓ અને એમનાં પત્ની અને એમના પરિવાર જનોને જોઈ શકાશે.
DONALD TRUMP ‘S VICTORY SPEECH
Full Speech as President Elect of the United States
ચુંટણીમાં હવે એ હારી રહ્યાં છે એવી ખાત્રી થતાં હિલરી ક્લીન્ટને એ દિવસે જ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરી નિખાલસ ભાવે લોકશાહી પરંપરા મુજબ એમની હાર સ્વીકારી લીધી હતી.એમની કેમ્પેઈનના સહાયકો અને પ્રસંસકો સમક્ષ આપેલ એમના એક સુંદર લાગણીભર્યા પ્રવચનના આ વિડીયોમાં હાર્યા પછીની હિલરીની મનોસ્થિતિ જણાઈ આવે છે.આ વિડીયોમાં એમની હારથી નિરાશ અને ભાવુક બનેલ એમના પ્ર્સંસકોના ચહેરા પરના ભાવ ખરેખર હૃદય સ્પર્શી છે.
Hillary Clinton FULL Concession Speech | Election 2016
આશા રાખીએ નવા વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટમાં એમના વાગોવાયલ ટેમ્પરામેન્ટ ભૂલીને ચુંટણી દરમ્યાન વિભાજીત થયેલ અમેરિકાના લોક સમુદાયમાં એકતનો માહોલ સર્જશે.આ લખાય છે ત્યારે ટી.વી. ઉપર ડોનાલ્ડ ટ્રમ્પની જીત સામે અમેરિકાના સાત મોટા શહેરો અને ટ્રમ્પ ટાવર સામે હજારો લોકો સરઘસ કાઢી વિરોધ કરી રહ્યાનાં ટી.વી. ઉપર દ્રશ્યો બતાવી રહ્યાં છે !
અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ દેશમાં એકતાનો માહોલ સર્જવામાં સફળ થાય અને મધ્યમ વર્ગ માટે લોક કલ્યાણનાં કામો સહુના સહકારથી શરુ કરી એમના વિશેની જે છાપ છે એ સુધારે એવી આશા રાખીએ.મોદીના નારા પ્રમાણે સૌનો સાથ, સૌનો વિકાસ.પ્રભુ સૌને સદબુદ્ધિ આપે.God Bless America.
એક લગ્ન પ્રસંગે, મારા બે પુત્રો અને પુત્રી અને એમના પરિવાર -(પૌત્ર પૌત્રીઓ વી.) સાથેની મારી એક તસ્વીર( તા.૭ -૨-૨૦૧૬, ઓરેગોન )
અમુલ્ય વારસો
નથી કર્યું બહુ ધન ભેગું મેં બે હાથે જીંદગીમાં, કરવું ન હતું એવું પણ કઈ ન હતું મનમાં, જે કરવાનું હતું એ જાતે જ, એક હાથે કરવાનું હતું, નહોતો એવો કોઈ કૌટુંબિક ધનનો મોટો વારસો. કરી મહેનત,મચી પડી, રાત દિન, થઇ શકી એટલી, બે પૈસા ભેગા થતા તો થતો મનમાં બહુ રાજી, પણ બનતું એવું કે, ભેગા થયેલા એ ધનમાંથી ઘણું બધું ,કોઈ આકસ્મિક ખર્ચાઓમાં વહી જતું. એકડે એકથી ફરી ધન માટેની ઉંદર દોડ શરુ થતી, એકધારા જીવન ચક્રના એ વણ થંભ્યા ચગડોળમાં , કભી ખુશી કભી ગમના, જીવનના એ બનાવો વચ્ચે , કરી મન મક્કમ ,નિભાવી કૌટુંબિક જવાબદારીઓ, આરોગ્ય પ્રશ્નો અને સામાજિક પ્રસંગોને સાચવી, શિક્ષણ અને સંસ્કાર રૂપે સંતાનોને પાંખો આપી, ધનનું સાચું રોકાણ શિક્ષણ છે એ હતી એક અડગ શ્રધા, આનંદ છે એ વાતનો કે એ શ્રધ્ધા આજે સાચી પડી છે , મારું એ અનોખું રોકાણ આજે રંગ લાવ્યું છે, બહુ આર્થિક મૂડી ભલે મેં ભેગી નથી કરી , પણ સંસ્કાર અને શિક્ષણના એ વાવેલા વૃક્ષમાં, કરેલ મૂડી રોકાણનાં મીઠાં ફળો આજે ચાખતો, જીવન સંધ્યાએ આ વૃક્ષને ફાલતું,ફળતું જોઈ, પ્રભુનો આભાર માનતો કહી રહ્યો છું મનમાં સંતોષથી, આ સુંદર વૃક્ષ એ જ તો છે મારો અમુલ્ય ધન વારસો.
વરસાવું આશિષ આ વૃક્ષ પર, કરું પ્રભુને પ્રાર્થના કે,
વટ વૃક્ષ શુ,વાવેલું મારું વૃક્ષ,ફુલતું,ફાલતુ અને ફળતું રહે.
વાચકોના પ્રતિભાવ