વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: મારા લેખો વાર્તાઓ કાવ્યો

( 925 ) પિતૃ દેવો ભવ …. ફાધર્સ ડે …ભાવાંજલિ

આજે ૧૯ મી જુન, રવિવાર એ ફાધર્સ ડે – પિતૃ દિન  છે ત્યારે મારા પુ. પિતાશ્રીને યાદ કરી એમને નમન કરી ભાવાંજલિ અર્પું છું.

દરેકના જીવનમાં પિતાનું કેટલું મહત્વ રહેલું હોય છે એ નીચેનું ચિત્ર સ્પષ્ટ કરે છે.હાથના પંજામાં જેમ અંગુઠા વિના ચાલે નહી એવું જ ઘરમાં એક પિતાનું સ્થાન હોય છે.આ ચિત્ર થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે. 

Father's day

મારા પુ. પિતાશ્રી ને હાર્દિક ભાવાંજલિ   

RSP

જીવન ગીત ભલે તમારું બંધ થયું તમારા જતાં,

પણ એ સંગીતના સુરો હજુ હવામાં સંભળાઈ રહ્યા.

શબ્દો બહુ ઓછા પડે ,ગણવા ઉપકારો બધા આપના,

અલ્પ શબ્દો થકી ,અંજલિ આપી રહ્યો આજે પ્રેમથી

મુજ જીવનમાં અગત્યનું અંગ તમે હતા ઓ પિતા,

આ પિતૃ દિને યાદ કરી,વંદુ તમોને હૃદયના ભાવથી

વિનોદ પટેલ

 

 કર્મ યોગી (સત્ય ઘટના પર આધારીત વાર્તા )…. વિનોદ પટેલ

જુન ૨૦૧૫માં ફાધર્સ ડે નિમિત્તે પ્રતિલિપિ દ્વારા એક વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેખન સ્પર્ધાનો વિષય પિતા સંબંધિત-“માય ડેડી સ્ટ્રોન્ગેષ્ટ” રાખવામાં આવ્યો હતો.

આ લેખન સ્પર્ધામાં મારા પિતાશ્રીના જીવનની સત્ય ઘટના આધારિત વાર્તા મોકલી હતી એને થોડી મઠારી અહી પ્રસ્તુત છે . 

જાણીતા વાર્તા લેખક મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીએ આ વાર્તા વાંચીને આપેલ પ્રતિભાવ સાભાર પ્રસ્તુત ….

જ્યારે પિતા-પુત્રના જીવનસત્યની વાત વાર્તા બને ત્યારે નયનોમાંથી અશ્રુધાર રૂપે માત્ર આદર અને અહોભાવ જ વહે. ભારત, બર્મા, અને અમેરિકાના વિશાળ ફલક પર વહેતી વાર્તા એ માત્ર એક પટેલ કુટુંબની વાર્તા નથી પણ એક સૈકાના ઈતિહાસની ગાથા પણ છે. પિતાની રોલર કોસ્ટર લાઈફ અને અપંગ પુત્રની હામ; પિતા-પુત્રના જીવન સંઘર્ષની વાસ્તવિક વાત, કાલ્પનિક વાર્તા કરતાં પણ વધુ સવેદનશીલ અને હૃદયસ્પર્શી બની છે. વહેતાં અશ્રુબિંદુ અંતમાં શબ્દ બની પુત્ર્ના કવિહૃદયમાંથી કાવ્ય રૂપે સરતાં થાય છે. વિનોદભાઈ અભિનંદન અને ધન્યવાદ. ઉત્તમ કૃતિ.

પ્રવીણ શાસ્ત્રી.

( એક કર્તવ્યનિષ્ઠ અને કાર્યનિષ્ઠ પિતાની સંઘર્ષ કથા)

કર્મયોગી ….. વાર્તા….. વિનોદ પટેલ

શ્રી પ્રવીણ શાસ્ત્રી લિખિત એક પિતાની આવી જ સત્ય કથા એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.આ વાર્તામાં પણ તેઓએ એમના પુ. પિતાશ્રીની સુંદર ભાવાંજલિ અર્પી છે. 

ફાધર્સ ડે …. વાર્તા…. પ્રવીણ શાસ્ત્રી 

 

જીવનમાં પિતાની મહત્તા દર્શાવતો મને ખુબ ગમતો એક

સુંદર યુ-ટ્યુબ વિડીયો .

આ વિડીયોમાં ગાયક Paul Enka પિતાને યાદ કરીને એના કર્ણ મધુર સ્વરે એના સ્વર્ગસ્થ પિતાને એક હૃદય સ્પર્શી શ્રધાંજલિ આપે છે.આ અંગ્રેજી ગીત સાંભળશો ત્યારે વાચકને લાગશે કે Paul Enka પોતાના પિતાના જીવનની જ જાણે વાત કરતો ન હોય !

MY PAPA – Paul Enka

 

HAPPY FATHER'S DAY

( 914 ) ગામડાનો ઉનાળો…. ( મારાં સંસ્મરણો ) / બે ગ્રીષ્મ કાવ્યો

હાલ ભારત અને ગુજરાતમાં લોકો કાળઝાળ ઉનાળાના તાપથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.ઉનાળો તેનો પ્રકોપ બતાવી રહ્યો છે.

ગરમીની આવી પશ્ચાદભુમિકા માં વેબ ગુજરાતીના સૌ પ્રથમ ઈ-બુક પ્રકાશન “ગ્રીષ્મવંદના ” માં પ્રગટ મારો એક લેખ “ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) “આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે.આ લેખમાં ગામડાના ઉનાળાનાં મારાં સંસ્મરણો મેં પ્રસ્તુત કર્યા છે. જેઓ ગામડામાં મોટા થયા હશે એમને આ લેખ એમનો ભૂતકાળ ની યાદોને તાજી કદાચ કરાવશે.

“ગ્રીષ્મ વંદના” ઈ-બુક માં ગ્રીષ્મ ઋતુ વિશે અન્ય લેખકોના લેખો/કાવ્યો  આ લીંક પર ક્લિક કરીને વાંચવા ભલામણ છે.ઉનાળાના તાપમાં આ લેખો થોડી માનસિક ઠંડક આપે  એવી આશા .

મારા લેખ નીચે શ્રી ચીમન પટેલ”ચમન” અને શ્રી અનીલ ચાવડાની કાળઝાળ ઉનાળાની કવિતાઓ એમના આભાર સાથે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ

ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) …. વિનોદ પટેલ 

મારી જીવન સંધ્યાના નીવૃતીકાળ વખતે અહીં અમેરિકામાં બેઠાં બેઠાં જ્યારે મારી સ્મૃતિને ૭૦ -૭૫ વર્ષ પાછળ લઇ જઈને વિચારું છું ત્યારે મારા વતનના ગામ ડાંગરવામાં વીતાવેલાં મારાં બાળપણ અને શૈશવ કાળનાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણે ઋતુઓમાંથી પસાર થયેલાં  વર્ષો અને એની સાથે જોડાયેલી કેટલીક યાદો મારા સ્મૃતિ પટ ઉપર આજે ઉપસી આવે છે.

છાપરા જેવી બેઠા ઘાટની વિલાયતી નળીયાં વાળી ગામની પ્રાથમિક શાળાના મકાનની બહાર ઉનાળામાં વિશાળ લીમડાની છાયામાં ખુરશી ઉપર બિરાજેલા મોહનલાલ શુકલ સાહેબ અને એમની સામે ધૂળમાં લાઈન બંધ બેઠેલા મારા જેવા નાના ખેડૂત પુત્રો-વિદ્યાર્થીઓનું ચિત્ર મારા માનસપટ ઉપર તાજું થાય છે .વૃદ્ધ ઉંમરના અમારા આ શુક્લ શાહેબ એમની છીકણીની ડબીમાંથી એક ચપટી ભરી નાકમાં ઊંડે સુધી ખેંચીને તાજા માજા થઈને આપણા આદ્ય કવિ દલપતરામની શિયાળો,ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુઓ ઉપરનું જાણીતું કાવ્ય સંભળાવતા હતા એ યાદ આવે છે.આ કાવ્યમાં કવિ દલપતરામે ઉનાળા વિષે બહું જ સુંદર વર્ણન આ રીતે કર્યું છે .

ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;

 પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.

 સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;

 બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ. 

ગામનું લોકજીવન ત્રણેય ઋતુઓને અનુકુળ થઈને પોતાની પ્રવૃતિઓમાં રત થઇ  જતું .ઉનાળો એના  નામ પ્રમાણે ગરમી અને લુ વરસાવતી ઋતુ. ધૂળની ડમરીઓ ઉરાડતી ઋતુ .આ ઋતુમાં સ્વાભાવીક રીતે જ લોકોની કાર્ય શક્તિ ઘટી જાય છે અને લોકો આળસુ થઇ જાય છે.ઝાડ  નીચે છાયડામાં ખાટલામાં ઉંઘ ખેંચતા ઘણા  માણસો તમને ઠેર ઠેર જોવા મળે .

ચાર માસનું ચોમાસું શરુ થાય એ પહેલાં ખેડૂતો ગામની ભાગોળે પોતાના ઢોરનાં છાણના ઉકરડામાંથી બળદ ગાડામાં ખાતરને પોતાનાં ખેતરોમાં લઇ જઈને  પાથરી દેતા .આ વખતે ગાડામાં ખાતર ઉપર બેસી ખેતર સુધી જઈને ખાલી ગાડામાં પાછા આવવાની ફ્રી રાઈડ મળતાં કુટુમ્બનાં બાળકોને ખુબ મજા આવી જતી .

ગામના ઉનાળાનું  બીજું દ્રશ્ય લગ્નોનું છે .ઉનાળો એટલે લગ્નસરાની સીઝન.ગામમાં ઢોલ ઉપર ડંકો પડે એ સાથે કોની છોકરી કે છોકરો પરણે છે એની જાહેરાત થઇ જતી.જે વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગ હોય એને ગામ લોકો તરફથી પુરો સહકાર મળતો.કોઈ પણ લગ્ન પ્રસંગનું મોટું આકર્ષણ હોય તો એ એના જમણવારનું .ખેડૂત વર્ગ સામાન્ય રીતે વર્ષ દરમ્યાન રોજ બાજરી કે ઘઉંના રોટલા, ખીચડી,દૂધ ,ઘી જેવું સાદું ભોજન કરે પણ લગ્ન વખતે લાડુ,લાવ્સી,ચુરમું કે અન્ય મીઠાઈ,રસોઈયાએ ખાસ ઉકાળેલી જમણના મસાલેદાર દાળ,શાક વી.નું પાકું જમણ જમવાનો આનંદ અનેરો રહેતો.ઢોલ અને શરણાઈના સુરો અને લગ્ન ગીતોથી ઉનાળામાં આવતા આ લગ્ન ગાળામાં આખાયે ગામનો માહોલ ખુશીમાં બદલાઈ જતો .મોટાઓ અને બાળકો આનંદથી ઝૂમી ઉઠતાં.

ઉનાળો એટલે શાળાઓમાં લાંબી ઉનાળાની રજાઓનો સમય.આ રજાઓ પડતાં ગામના નિશાળીયાઓ  રાજીના રેડ થઇ જાય. ગામમાં , વગડામાં ,મામા કે માસીને ઘેર જઈને પૂરી સ્વતંત્રતાથી ભેરુઓ સાથે રમવાના ,તોફાનો કરવાના, ઝાડ ઉપર ચડીને કેરીઓ ,રાયણ વિગેરે પાડીને ખાવાના એમ આનંદથી  રજાઓ ગાળવાના આ દિવસો. મોટી ઉંમરના વિદ્યાર્થીઓને વેકેશનમાં એમના પિતા અને વડીલો ખેતીવાડીના કામકાજમાં પલોટી દેતા.એક ઇન્ટર્ન ખેડૂત તરીકે !

ઉનાળાના દિવસોમાં ગામમાં નાટક મંડળી ,તુરી અને ભવાઈ મંડળીઓ  આવતી અને રાત્રે ધૂળમાં બેસીને ખુલ્લા આકાશ નીચે મોડી રાત સુધી એમના ખેલો જોવાની બહું મજા આવતી. ગાયનો કટ કરવાની હરીફાઈ જામતી.ઉનાળાની રજાઓનું આ મોટું મનોરંજન બની રહેતું.ગામમાંથી નાટક મંડળી જતી રહે એ પછી એમનામાંથી પ્રેરણા લઈને બાળકો ઘણા દિવસો સુધી એમની નકલ કરીને કોઈની સાડી કે ધોતીયાના પડદા કરી રાજા હરીશ્ચંદ્ર ,રાણા પ્રતાપ વગેરે ખેલો પાડતા એ યાદ આવતાં આજે હસવું આવે છે.

ગામમાં ઉનાળાનું એક બીજું મોટું આકર્ષણ એટલે કેરીઓ ચૂસવાની અને એનો રસ કાઢીને ખાવાની સીઝન.ગામના નાના બઝારમાં,વખારમાં કે બહાર ખુલ્લામાં ઢગલા કરી  કેરીઓ પુષ્કળ પ્રમાણમાં વેચાતી.અમારા  ખેતરમાં પણ કેરીઓના વૃક્ષો હતાં એ વાઘરી લોકોને સાચવવા અને વેડવા માટે આપીએ એટલે ઘરના આંબાની કેરીઓ ખાવા મળતી.

કિશોર અવસ્થા પછી શાળા કોલેજમાં વધુ અભ્યાસ અને નોકરી માટે ગામ છોડીને કડી શહેરમાં અને અમદાવાદ જવાનું થયું અને નિવૃત્તિ કાળમાં અહીં અમેરિકા આવવાનું થયું.દરેક જગાઓએ ઉનાળાની જુદી જુદી અસરો નિહાળી છે પણ એ સૌમાં ગામના ઉનાળાના એ દિવસોની તોલે કોઈ પણ ન આવે .

અહીં અમેરિકામાં તો ઋતુઓ અને હવામાનની તો વાત જ કોઈ ઓર છે. અહીં દરરોજ ટી.વી. ઉપર હવામાનના સમાચાર જોઈએ તો દરેક જગાઓએ જુદી જુદી ઋતુઓ. કોઈ જગાએ ઉનાળો તો કોઈ જગાએ બારે માસ ચોમાસું .કોઈ જગાએ બરફ અને સખ્ત ઠંડી .અમેરિકામાં રોજે રોજ હવામાનના સમાચાર જોઈને લોકો જીવતા હોય છે . ભારતમાં લોકોને હવામાનના સમાચાર જોવાની બહુ જરૂર જ નથી પડતી. શિયાળો ,ઉનાળો અને ચોમાસું એમ લગભગ વરસો વરસ નિયમિત રીતે ચાલ્યા કરે ,કોઈક  વખત કમોસમી માવઠાના અપવાદ સિવાય.  

કહેવાય છે ને કે બફા એટલા નફા .ઉનાળાની ગરમી અને લુ સહન કરીએ તો જ ચોમાસાની ઠંડક અને ખેતરોમાં જીવન ઉપયોગી પાકો લણી શકીએ.એવું જ જીવનમાં પણ,દુઃખનો તાપ સહન કરીએ તો જ સુખના ચોમાસાની ઠંડકનો અનુભવ ભોગવી શકાય .

ત્રણ ઋતુઓનું ચક્ર એ પરમ કૃપાલુ પરમાત્માએ માનવોને આપેલી પર્યાવરણની એક અમુલ્ય ભેટ છે એ સમજી લઈએ અને એને સારી રીતે ભોગવવા માટે લાયક બનીએ.

======================

             ઉકળાટ …..….. ચીમન પટેલ ‘ચમન’

ગરમી!! ગ્રીષ્મની ગરમી સૌને ગૂંગળાવી રહી છે. વરસાદની ચીંતા સહુને સતાવી રહી છે. એમાંયે ‘યાર્ડ’ની કે ખેતરની ખેતી કરતા ખેડુતોનું દયાન આકાશ તરફ જાણે –અજાણે જાય છે. ઍમાયે જ્યારે વાદળો દેખાય છે ત્યારે વરસાદ આજે તો આવશેની આશામાં મન થોડું હળવું થાય છે. જ્યારે વાદળો વાયરા સાથે વિખરાઇ જાય છે ત્યારે મન નિરાશામાં નિચોવાઇ જાય છે.

‘એરકંડીશન’વાળા આલિશાન ઘરમાં,પોતાના પતિ (કે પત્ની) વગર રહેતી વ્યક્તિ,આવા સમયે એ, બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરતી હોય છે.

૧૯૬૫માં, ભાવનગરની ભૂમીપર,  આવા એક ઉનાળાના દિવસે હું  બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરી રહ્યો હતો, ત્યારે આ કાવ્ય રચાયું હતું અને ‘સૌરાષ્ટ સમાચાર’ દૈનિકે એને છાપીને મને પ્રોત્સાહિત કર્યો હતો.

ઉકળાટ

ક્યાંય આછોય વર્ષાનો ભાર નથી,
એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.

ઋતુનો ન જણાય ક્યાંય રે અણસાર,
ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!

કોના પાપે રે વરસે ન આજ વાદળી,
અનિલની લે’રીએ ખેંચાઇ જે જાય છે.

પશુ,  પક્ષી ને ધરતીની વેદના,
જોઇનેય નવ એને કંઇ થાય છે!

વેદના વધારીનેય એ તો વરસી ગયો;
ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!

*ચીમન પટેલ ‘ચમન’ (૦૪ઓગષ્ટ’૧૩)

(‘સૌરાષ્ટ સમાચાર’ ના ૨૦જુલાઇ’૬૫ ના અંક્માં પ્રગટ)

ઉનાળો આવ્યો!

ઉનાળાનું ગીત …… કવિ શ્રી અનીલ ચાવડા 

ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.

આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

– અનિલ ચાવડા
http://www.anilchavda.com/archives/1647#comment-13228

( 913 ) સ્માર્ટ ફોન ! … માઇક્રોફિક્શન વાર્તા …વિનોદ પટેલ

Smart Phone

શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી કુમુદિની સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ.કુમુદિનીનો પતિ રાકેશ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક કુમુદિનીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

પતિ રાકેશએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”કુમુ હની શું થયું? કેમ રડે છે ?”

કુમુદિની:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહ કામ આપ્યું હતું.

રાકેશએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

કુમુદિની:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”

રાકેશએ આશ્ચર્ય સાથે કુમુદીનીને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં કુમુદિનીએ કહ્યું:

” તો સાંભળ,આ વિદ્યાર્થીએ ” મારી ઇચ્છા “એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

કુમુદિની નોટમાંથી આ વાંચતી હતી એને રાકેશ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે કુમુદિનીને પૂછ્યું:“હની,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે કુમુદીનીએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર યશ !”

( કથા બીજ – મિત્રનો અગ્રેજી ઈ-મેલ )

( 909 ) વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા …. વિનોદ પટેલ

Wheel Chair

વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા

રવિવારના રજાના દિવસે ઘણા દિવસે રમેશભાઈ અને એમનાં પત્ની દેવિકાબેનએ એમના આઠ વર્ષના પુત્ર અનીશ સાથે શહેરના જાણીતા મ્યુઝીયમ જોવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો.આ કુટુંબમાં બ્યાસી વર્ષના રમેશભાઈના વૃદ્ધ પિતા કિશોરભાઈ પણ રહેતા હતા.

દાદાના હાથે મોટો થયેલો અનીશ એમનો બચપણથી જ બડી બની ગયો હતો.દાદાને પણ અનીશ મૂડીના વ્યાજથી એ અધિક વ્હાલો હતો.

દાદાએ અમેરિકા આવીને મ્યુઝીયમ જોયું ન હતું એટલે અનીશ ઈચ્છતો હતો કે દાદા પણ બધાં સાથે મ્યુઝીયમ જોવા માટે આવે તો ઘણું સારું.

નીકળતા પહેલાં અનીશએ એના ડેડીને કહ્યું “ડેડી, દાદાને પણ આપણે સાથે મ્યુઝીયમ જોવા લઇ જઈએ.ઘરમાં એકલા ઘેર બેસી રહેશે તો બોર થઇ જશે .”

અનિશની મમ્મીએ કહ્યું :”ના બેટા,દાદાને પગે બરાબર ચલાતું નથી ક્યાંક પડી જશે તો તકલીફ થશે.આ ઉંમરે એમને ના ફાવે “

દાદાને મનમાં મ્યુઝીયમ જોવાની તો ખુબ ઇચ્છા હતી છતાં એ છુપાવતાં એમણે કહ્યું :

‘અનીશ બેટા,તારી મમ્મી બરાબર કહે છે.તમ તમારે ખુશીથી જાઓ, મારી ચીંતા ના કરશો.પુસ્તક વાચન અને કોમ્યુટર પરના મારા રોજના ક્રમમાં મારો સમય તો આમ પસાર થઇ જશે.”

અનીશના મગજમાં એકાએક એક વિચાર ચમકી ગયો.અનીશે એના પપ્પા રમેશભાઈને કહ્યું :

“પપ્પા,આજે રવિવાર છે,મ્યુઝીયમમાં દરેક જગાએ બહુ જ લાંબી લાઈનો હશે.એ લાઈનોમાં ઉભા રહી રહીને થાકી અને કંટાળી જઈશું.જો દાદાને વ્હીલચેરમાં લઇ જઈએ તો એમના લીધે આપણને લાઈનમાં સૌથી આગળ ઉભા રહેવાનું મળશે અને મ્યુઝીયમ જોઇને જલ્દી ઘેર પાછા આવી જઈશું.”

રમેશભાઈ અને દેવીકાને અનિશની આ વાત શીરાની જેમ એકદમ ગળે ઉતરી ગઈ !

દાદા અને એમની વ્હીલચેર સાથે આખું કુટુંબ મ્યુઝીયમ જોવા માટે ગાડીમાં બેસીને ઉપડી ગયું.

ગાડીમાં પાછલી સીટમાં દાદા સાથે બેઠેલા અનીશે દાદાનો હાથ વ્હાલથી દબાવી મો પર સ્મિત સાથે,આંખ મીંચકારી,ડેડી અને મમ્મી સાંભળે નહિ એમ ધીમા અવાજે કહ્યું “દાદા,વ્હીલ ચેર !”

(907) “સેલ્ફી ” નું ભૂત !…. અછાંદસ રચના ….. વિનોદ પટેલ

hillary-selfie

   Hillary Clinton taking Selfie

સેલ્ફીનું ભૂત !…. એક અછાંદસ રચના 

અરે ભાઈ,જરા કોઈ મને કહેશો,

આ સેલ્ફી એ વળી શું બલા છે !

ક્યાંથી આવી હશે આ સેલ્ફી !

આજે દેખું એની જ બધે બોલબાલા !

બાળક હોય કે પછી કોઈ બુઢ્ઢો હોય,

સૌ કોઈ મંડી પડ્યા છે લેવા સેલ્ફી !

આધુનિક યુગનું આ ખરું છે એક તુત ,

જાણે વળગ્યું છે બધાંને સેલ્ફીનું ભૂત!

એમનો સ્માર્ટ ફોન હાથમાં પકડ્યો,

હાથ છેટેથી ઉંચો કર્યો,

ફોનમાં ચહેરાને બરાબર ગોઠવ્યો,

ચાંપ દબાવીને જે તસ્વીર લીધી,

એને કહેવા લાગ્યા સૌ કોઈ સેલ્ફી !

નેતાઓને પણ વળગ્યું સેલ્ફીનું ભૂત !

ચુંટણી સભાઓમાં,આ નેતાઓ સાથે,

સેલ્ફી પડાવવા કેવી થાય પડાપડી !

મો પર બનાવટી હાસ્ય રાખી,

વોટ માટે કઈ પણ કરવા તૈયાર,

આ નેતાઓ લોકો સાથે સેલ્ફી પડાવી,

ખુશ થતી પ્રજાને કેવી બનાવે મુર્ખ !

સેલ્ફીમાં વધુ ચિત્રો લેવા હવે તો,

ઊંચા ડાંડિયા પર ફોન ગોઠવી ,

ડાંડિયો ઉંચો કરી પાડે છે હવે સેલ્ફી,

લ્યો,સેલ્ફી પણ બની ગઈ હાઈટેક !

સેલ્ફી એટલે પોતે લીધેલું પોતાનું ચિત્ર ,

અરે ભાઈ,ચહેરાનું સેલ્ફી તો લઇ લીધું,

પણ તમારા અંતરનું સેલ્ફી લઇ લો ,

ત્યારે જ કહું, તમને ખરા સેલ્ફીકાર !

ચારેકોર બધાને સેલ્ફી લેતા જોઈને 

એંસીના આ ડોસાને પણ ચડ્યું ઝનુન,

હાથમાં સેલ ફોન કેમેરા ઓન કરી,

હાથ બરાબર ઉંચો કરી,

ચહેરાને કેમેરામાં ગોઠવી,ચાંપ દબાવી,

જુઓ લઇ લીધી મેં મારી આ બે સેલ્ફી !

મારી આ “સેલ્ફી” લઈને હું પણ બન્યો,

બધાંની જેમ જ સ્તો, એક “સેલ્ફીશ”!

વિનોદ પટેલ, સાન ડીએગો, ૫-૧૫-૨૦૧૬

( 902 ) ચીંથરે વીંટ્યું રતન ….. વાર્તા …. વિનોદ પટેલ

Babu Boot Polish

બાબુ બુટ પોલીસ – અમદાવાદ મુલાકાત વખતે મારા કેમેરામાં ઝડપેલ તસ્વીર-ડીસે.૨૦૦૭

ચીંથરે વીંટ્યું રતન ….. વાર્તા ….   વિનોદ પટેલ      

હું મૂળ અમદાવાદ શહેરમાં એક મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવું છું.મારા પિતા શહેરની એક શાળામાં એક શિક્ષક હતા.પિતાએ ખુબ સંઘર્ષ કરી મને શિક્ષણ માટે સારી સ્કુલમાં મુક્યો હતો.પિતાની ટૂંકી આવકમાં કુટુંબના નિભાવ ઉપરાંત મારા અભ્યાસના ખર્ચ માટે એ વખતે મુશ્કેલી પડતી.સારા માર્ક્સને લીધે મને સ્કોલરશીપો મળતી એથી પિતાને ઘર ચલાવવાના ખર્ચમાં થોડી રાહત થતી .આવી નાજુક આર્થિક પરિસ્થિતિમાં કોલેજનો અભ્યાસ પૂરો કરી મને અમેરિકા જવાના વિઝા મળતાં ૪૦ વર્ષ પહેલાં નશીબ અજમાવવા માટે અમેરિકા જવાનું મારું સ્વપ્ન સાકાર થયું હતું.

અમેરિકામાં આવીને શરૂમાં એક કંપનીમાં જોબ કરી.ત્યારબાદ મોટેલના ધંધામાં જંપલાવ્યું .શરૂઆતમાં ખુબ મહેનત કરવી પડી પરંતુ કાળક્રમે આ જામી ગયેલા ધંધામાં હું સારું કમાયો છું અને પૈસે ટકે આજે સપરિવાર ખુબ સુખી છું.મારાં માતા પિતા મારી સાથે અમેરિકામાં રહે છે અને મારાં નજીકનાં અન્ય કુટુંબીજનોને પણ મેં એક પછી એક એમ અમેરિકા બોલાવી લીધાં છે .આથી મારે અમદાવાદ આવવાનું ઓછું બને છે.

મારા પ્રિય વતન અમદાવાદની છેલ્લે મુલાકાત લીધી એ પછી બરાબર બાર વરસે ધંધા માંથી થોડો ફારેગ થઈને ફરી મારી કર્મ ભૂમિ અમેરિકાથી માતૃભુમી ભારતની મુલાકાતે એક મહિના માટે આવ્યો છું.ઘણા સમયે આવ્યો હોઈ વતનની મુલાકાતથી મારું મન ખુબ ખુશી અનુભવી રહ્યું છે. મારા એક ખાસ મિત્રને ત્યાં રહીને આ ટૂંકા સમયમાં મારે ઘણા કુટુંબીજનો અને સ્નેહી મિત્રોને મળીને જુના સંબંધો તાજા કરી અને થોડું અંગત કામ પતાવી અમેરિકા પાછા પહોંચી જવાનું છે.

એક દિવસે મારા ખર્ચ માટે અમેરિકાથી હું જે ટ્રાવેલર્સ ચેક લાવ્યો હતો એ વટાવવા માટે અમદાવાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની હેડ ઓફિસમાં હું ગયો હતો.ત્યાં જઈને પૂછ પરછ કરતાં પટાવાળો મને બેન્કના એક ઓફિસરની કેબીનમાં લઇ ગયો.ઓફિસરની સામે ખુરશીમાં બેસી મારા મારા ટ્રાવેલર્સ ચેક વટાવવાની કાર્યવાહી પતાવવા મેં એમને આપ્યા .બેંક ઓફિસર મારી સામે એક નજરે જોઈ રહ્યો હતો.મને નવાઈ લાગી .ઓફિસરે મને પૂછ્યું “સાહેબ, આપને મારી કૈંક ઓળખાણ પડે છે ?” મને પણ મનમાં થતું હતું કે આ ભાઈને ક્યાંક જોયા લાગે છે પણ યાદ આવતું ન હતું.હું એમને ઓળખવા પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ ઓફિસરે કહ્યું “બાર વર્ષ પહેલાં અમદાવાદ સ્ટેશને ગુજરાત મેઈલના સેકન્ડ ક્લાસના ડબામાં એક “બાબુ બુટ પોલીસ વાળો “છોકરો તમને મળેલો ……”

આ સાંભળી તરત જ મારા મુખ પર આનંદ અને આશ્ચર્યની રેખાઓ એક સાથે ઉપસી આવી.અમેરિકામાં મારા ધંધાની ગળાડૂબ પ્રવૃતિઓમાં મને ભુલાઈ ગયો હતો એ યાદગાર પ્રસંગ એક ચિત્રપટ જોતો હોઉં એમ મારા ચિત્તના પડદા પર એવોને એવો ફરી તાજો થઇ ગયો.

બાર વર્ષ પહેલાં જ્યારે હું અમદાવાદની મુલાકાતે આવ્યો હતો ત્યારનો આ પ્રસંગ છે. એક દિવસ વડોદરા રહેતા મારા એક સંબંધીને મળવા જવા માટે મારે અમદાવાદના કાલુપુર સ્ટેશનેથી સવારની ગુજરાત મેઈલની ટ્રેન પકડવાની હતી. હું થોડો વહેલો સ્ટેશને પહોંચી ગયો હતો.અગાઉથી બુક કરાવેલા સેકન્ડ ક્લાસના ડબામાં મારી નિયત સીટ પર બેસીને એ દિવસનું સવારનું અખબાર વાંચવામાં હું મગ્ન હતો. થોડી વાર પછી પંદર કે સોળ વર્ષની વયનો જણાતો એક લબરમુછીઓ કિશોર બુટ પોલીસ કરવાનાં સાધનની કપડાની મેલી થેલી ખભે લટકાવી એની રોજની ટેવ પ્રમાણે મારા ડબામાં દાખલ થયો.હું અખબાર વાંચતો હતો એમાંથી મારું ધ્યાન એના તરફ ખેંચાયું.કિશોર મારી નજીક આવ્યો .મેં પહેરેલા બુટ તરફ આતુર નજરે જોતાં જોતાં મને બુટ પોલીસ કરાવવા માટે વિનવી રહ્યો.મેં મારા બુટ કાઢીને પોલીસ કરવા માટે એને આપ્યા.

થોડીક વારમાં જ એણે એક પ્રોફેશનલની અદાથી ચકચકાટ પોલીસ કરીને બુટ મને પાછા આપ્યા .એ બુટ પોલીસ કરતો હતો ત્યારે હું એકી નજરે એને નિહાળતાં મનમાં એના વિષે વિચારી રહ્યો હતો કે આટલી નાની ઉમરે આ કિશોર વહેલી સવારે ઘેરથી નીકળી જઈને કેવો કામે લાગી ગયો છે .કિશોરે માગ્યા એનાથી થોડા વધુ પૈસા એને મેં આપ્યા. પૈસા મળતાં ખુશ થતો આ છોકરો ડબાની બહાર જવા માટે જતો હતો ત્યાં કોણ જાણે કેમ, મને આ ચીંથરે હાલ છોકરાના જીવનમાં ડોકિયું કરવાની ઇચ્છા થઇ આવી.બીજા મુસાફરો ગાડીના ડબામાં આવીને હજુ એમની જગાએ ગોઠવાતા જતા હતા. ગાડી ઉપડવાની થોડી વાર હતી.

મેં બુટ પોલીસવાળા એ છોકરાને બુમ મારી પાછો બોલાવીને મારી પાસે  બેસાડી એના વિષે ,એના કુટુંબ વિષે પૂછ્યું.એક આશ્ચર્ય ચકિત નજરે એ મને જોઈ રહ્યો કારણ કે રોજે રોજ એ ઘણા લોકોના બુટની બુટ પોલીસ એ કરતો હતો પણ કોઈએ એનામાં રસ લેવાની દરકાર કરી ન હતી.

મેં પૂછ્યું :” દોસ્ત. તારું નામ શું છે ? તું ક્યાં રહે છે ? તારા કુટુંબમાં કોણ કોણ છે ?” છોકરો હોંશિયાર હતો.ધાણી ફૂટતી હોય એમ મારા પ્રશ્નોના જવાબમાં સડસડાટ કહેવા લાગ્યો:

“સાહેબ, મારું નામ તો મહેશ છે પણ લોકો મને “બાબુ બુટ પોલીસ વાળો “ તરીકે ઓળખે છે.હું મણીનગરની દક્ષિણી સોસાયટી નજીકની એક ઝૂપડપટ્ટીમાં રહું છું. વર્ષો પહેલાં મારાં માતા-પિતા પેટીયું રળવા રાજસ્થાનથી અમદાવાદ આવી આ ઝૂપડપટ્ટીમાં રહેતા હતા.તેઓ લાકડાની હાથ લારી ખેંચી એની મજુરીની આવકમાંથી ઘરનો નિભાવ કરતા હતા.એક વાર મારા પિતા એમની હાથલારી લઈને રોડ પર જતા હતા ત્યારે એક ટ્રક સાથે થયેલ અકસ્માતમાં મૃત્યું પામ્યા હતા.રોજ મારા પિતા અને મારી માતા એમ બન્ને લારી લઈને જતાં.પરંતુ મારી માને એ દિવસે તબિયત ઠીક ન હતી એટલે પિતા એકલા ગયા હતા અને એ જ દિવસે આ અકસ્માતમાં મૃત્યું પામ્યા.પિતાના અકળ અને અકાળ અવસાનથી મારી માને મોટો માનસિક આઘાત લાગ્યો .પિતાના મૃત્યુ માટે હું જ જવાબદાર છું હું સાથે હોત તો આ ના બન્યું હોત એવા ખોટા વિચારો કર્યા કરતી.લોકો એને સમજાવતા જે બનવાકાળ હતું એ બની ગયું એમાં તારો કોઈ દોષ નથી.છેવટે આવા વિચારોમાં એણે એની માનસિક સમતુલા ગુમાવી દીધી અને પાગલ બની ગઈ .મારા કુટુંબમાં આ પાગલ વિધવા મા સિવાય મારાથી એક મોટી બહેન અને નાનો ભાઈ છે.નાનો ભાઈ પણ બુટ પોલીસ કરવા જાય છે.બહેન કોઈના બંગલામાં છૂટક કપડાં, વાસણ સાફસૂફીનું કામ જો મળે તો કરવા જાય છે.બે ભાઈઓની બુટ પોલીસની કમાણી અને બહેનની છૂટક મજુરીની આવકમાંથી કુટુંબનું માંડ માંડ ગુજરાન ચાલે છે.”

મેં એને પૂછ્યું :” તને કોઈ દિવસ એમ નથી થતું કે તારી ઉમરના બીજા છોકરાઓની જેમ હું પણ અભ્યાસ કરવા નિશાળમાં જાઉં ?“

છોકરો બોલ્યો :”સાહેબ, નિશાળમાં ભણવા જવાનું મન તો બહુ જ થાય છે પણ કેવી રીતે જાઉં ? કારણ કે ઘરખર્ચ અને અમારી મીનીમમ જીવન જરૂરીઆતો પાછળ ખર્ચ કર્યા પછી અમારી પાસે કોઈ જાજી રકમ બચતી નથી.”

એની વાતને આગળ ચલાવતાં છોકરાએ કહ્યું :” મારે બુટ પોલીસનાં સાધનો મુકવા અને બુટ પોલીસ કરાવતી વખતે ગ્રાહકોને પગ ટેકવવા માટે લાકડાની પેટીની જરૂર છે પણ એ લાવવા માટે પૂરતા પૈસા ભેગા થઇ શકતા નથી એટલે આ કપડાની થેલીથી કામ ચલાવી આ રીતે ગાડીના ડબે ડબે ફરવું પડે છે.મારી પાસે જો લાકડાની પેટી હોય તો કોઈ સારી મોખાની જગાએ  બેસીને સારી કમાણી કરી શકું.”

છોકરાની આ વાત સાંભળીને મને એના પ્રત્યે હમદર્દી થઇ આવી. મેં એને પૂછ્યું “ આવી પેટી લાવવા માટે તારે કેટલી રકમ જોઈએ ?”

છોકરાએ કહ્યું :”સાહેબ,પેટી લાવવા માટે જો કોઈ જગાએથી ૫૦૦ રૂપિયાની લોન મળી જાય તો મારું કામ થઇ જાય “.

આ છોકરો જે નિખાલસ ભાવે વાત કરતો હતો એના પરથી એ કોઈ જાતની બનાવટ કરતો હોય એમ મને ના લાગ્યું .મેં મારા વોલેટમાંથી ૫૦૦ રૂપિયા કાઢીને એ છોકરાને આપતાં કહ્યું “ લે આ પૈસા.એને લાકડાની પેટી લાવવા માટે જ વાપરજે , બીજે આડા અવળા રસ્તે ખર્ચી ના નાખતો. “

આ ગરીબ ચીંથરેહાલ કિશોરની ખાનદાની તો જુઓ.એના હાથમાં પૈસા લેતાં મને કહે :”સાહેબ, મને તમારું સરનામું આપો.હું દર મહીને તમારે ત્યાં આવીને જે બચશે એ પૈસા પાછા આપીને આ રકમ ચૂકતે કરી દઈશ.”

મેં હસીને ના પાડતાં કહ્યું “પાછા લેવા તને લોન તરીકે પૈસા નથી આપ્યા .મારા તરફથી આ એક તને એક નાની ભેટ સમજજે.”

છોકરાની બોલવાની ચપળતા જોઈ મને મનમાં થયું આ છોકરાને શાળામાં જઈને  અભ્યાસ કરવાની જો સગવડ મળે તો જીવનમાં આગળ વધી શકે એવો હોશિયાર જણાય  જણાય છે.એક ચીંથરે વીંટયા રતન જેવો આ છોકરો છે.મારા પિતાની નબળી આર્થિક સ્થિતિમાં મારા કિશોર કાળના દિવસોમાં હું અભ્યાસ કરતો હતો એ દિવસો મને યાદ આવી ગયા.મેં એ કિશોરને પૂછ્યું “તારે શાળામાં અભ્યાસ કરવા જવું છે ?”

ફરી આશ્ચર્ય સાથે મારી સામે જોતાં એણે જવાબ આપ્યો “સાહેબ, મેં તમને આગળ કહ્યું એમ મને અભ્યાસ કરવાનું તો બહુ મન થાય છે પણ મારી પાસે એ માટે પૈસાની કોઈ સગવડ તો હોવી જોઈએ ને .”

મેં ખિસ્સામાંથી મારા અમદાવાદમાં રહેતા ખાસ મિત્ર કે જેમને ત્યાં હું રહેતો હતો એનું વીઝીટીંગ કાર્ડ એને આપતાં કહ્યું “મારે એક અઠવાડિયા પછી અમેરિકા પાછા ફરવાનું છે.લે મારા મિત્રનું આ કાર્ડ તારી પાસે સાચવી રાખજે. તારી નજીકની કોઈ સ્કુલમાં અભ્યાસ કરવા માટે જલ્દી તું દાખલ થઇ જજે અને તારી સ્કુલ ફી, પુસ્તકો વિગેરે ખર્ચ માટે મારા આ મિત્રને મળતો રહેજે .તને એ બધી જ મદદ કરે એમ હું એને કહેતો જઈશ.તારા ઘર ખર્ચમાં પણ વાપરવા પૈસા જોઈએ તો પણ એ પણ તને આપશે.મને તારામાં વિશ્વાસ છે કે તું ખોટા રસ્તે પૈસા નહિ વાપરે .”

છોકરો બોલ્યો :”ના સાહેબ, એવું હું કદી નહિ કરું. આ મદદનો ઉપયોગ કરીને હું બરાબર અભ્યાસ કરીશ અને મારા કુટુંબને ગરીબીમાંથી બહાર લાવવા માટે હું પૂરો પ્રયત્ન કરતો કરીશ.”

ગાડી ઉપડવાનો સમય થઇ ગયો હતો.બુટ પોલીસના સાધનોની થેલી એના ખભે ભરાવીને ડબામાંથી પ્લેટફોર્મ ઉપર ઉતરી હું જ્યાં બેઠો હતો એ બારી આગળ આવી એ ઉભો રહ્યો.મારા પ્રત્યે આભારની લાગણી જાણે વ્યક્ત કરતો ના હોય એવા મુક “થેંક્યું “ ના ભાવથી મુખ પર સ્મિત સાથે જોઈ રહ્યો હતો .” ગાડી ચાલુ થઇ અને મેં એને હાથ હલાવી વિદાય આપી ત્યારે એને છેલ્લે જોયો હતો.

ડોલરિયા દેશ અમેરિકાના વૈભવી અને ભભકભર્યા માહોલમાં બાર વર્ષ પહેલાંની મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન રેલ ગાડીના સેકન્ડ ક્લાસના ડબામાં એક ચીંથરેહાલ બુટ પોલીસ કરતા છોકરાએ થોડી મીનીટોમાં કરાવેલ ગરીબાઈનાં નગ્ન દર્શનનો એ પ્રસંગ લગભગ મને વિસરાઈ જ ગયો હતો.

બાર વર્ષ પહેલાંનો પેલો “બાબુ બુટ પોલીસવાળો “આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઓફિસર તરીકેની એની ખુરશીમાં બેસી ખુશ ખુશાલ મુખે એક ગ્રાહક તરીકે મારી સાથે વાત કરી રહ્યો હતો ! મારી અમેરિકાની ડોલરની કમાણીની સરખામણીમાં એક ચીંથરે વીંટયા રતન માટે કરેલી માત્ર નજીવી મદદ એના અને એના કુટુંબીજનોના જીવનમાં જે ખુશીઓ લઇ આવી એ જાણીને એ વખતે આ બેંક ઓફિસર કરતાં  વિશેષ મારા મનમાં ખુશી અને ઊંડા સંતોષની જે લાગણી થઇ હતી એને વ્યક્ત કરવા માટે શબ્દો કામ લાગે એમ નથી.