વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: યામિની વ્યાસ

1311 – કવિયત્રી યામિની વ્યાસ રચિત કાવ્ય/ગઝલ …”રોટલીના લોટમાં”…..રસાસ્વાદ …. ઇલિયાસ શેખ

કવિયત્રી યામિની વ્યાસ ગુજરાતી બ્લોગ વિશ્વનાં જાણીતાં બ્લોગર ,ભાવક અને નીરવ રવે બ્લોગનાં સંપાદક મારાં પરમ વિદુષી મિત્ર સુ.શ્રી પ્રજ્ઞા જુ. વ્યાસનાં દીકરી છે.

પ્રજ્ઞાબેન તરફથી મને ઈ-મેલમાં પ્રાપ્ત યામિનીબેનનું ગુજરાતી કાવ્ય, ”રોટલીના લોટમાં” એનો આસ્વાદ અને વિડીયો મને ખુબ ગમી ગયાં.આ ત્રણ સાહિત્ય પ્રિય પ્રતિભાઓના આભાર સાથે  આજની પોસ્ટમાં  એને નીચે પ્રસ્તુત છે.

આશા છે આપને એ ગમશે.આપનો પ્રતીસાત જરૂર જણાવશો.

વિનોદ પટેલ

કવિયત્રી યામિની વ્યાસનો પરિચય ..

ફોટો સૌજન્ય .. ફેસબુક 

અગાઉ વિનોદ વિહારની તારીખ 2015/09/08 ની પોસ્ટમાં ..

કવિયત્રી યામિની ગૌરાંગ વ્યાસ….. એમનાં કાવ્યો, ગઝલો … વિ. સાથેનો પરિચય

અહીં ક્લિક કરીને વાંચો.

 ફેસબુક  પર યામિની બેનની  સાહિત્ય પ્રવૃતિઓની ફોટાઓ સાથેની ઝલક 

કાવ્ય ..’રોટલીના લોટમાં’… યામિની વ્યાસ

પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

લોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
‘રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં

આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં

~ યામિની વ્યાસ

આસ્વાદ: કાવ્ય ..રોટલીના લોટમાં ~ઇલિયાસ શેખ

સૂરતના કવિયત્રી યામિનીબેન વ્યાસની આ ગઝલ આજે ફેસબુક પર વાંચી, તો પહેલાં તો મનમાં થયું, કોમેન્ટરૂપે “વાહ” લખીને, લાઇક કરીને આગળ વધી જઉં. પણ, મારે તો એવું છે ને કે, મન કહે એથી કાયમ ઉલ્ટું જ હું કરું.! કેમ કે, હું મનમોજી નહીં પણ દિલખુશ માણસ છું.! એટલે બહુધા હું દિલનો દોર્યો જ ચાલુ, એટલે આ ગઝલને ત્યારે મારાં lappyમાં લીંપી લીધી ‘ને હવે અત્યારે આ આસ્વાદ લખવા બેઠો છું.

યામિનીબેન વ્યાસનો મારો પ્રથમ પરિચય એટલે એ મારાં લેખક–અનુવાદક અને કટારલેખક મિત્ર પરેશ વ્યાસના સગા બેન થાય, એ નાતો, પણ યામિનીબેનનો યાદગાર પરિચય તો ગત અસ્મિતાપર્વ–18માં કાવ્યાયનની બેઠકમાં, ભરબપોરે, સાત સુંદર કવિયિત્રીઓનું સપ્તરંગી મેઘધનુષ જે ખીલ્યું હતું, એ મેઘધનુષમાંના એક રંગ લિસોટા એટલે યામિનીબેન. અસ્મિતાપર્વ-18ની કાવ્યાયનની એ બેઠક આંખોથી નિહાળવી અને કાનથી સાંભળવી ગમે એવી અન્નન્ય બેઠક હતી.!

આ ગઝલ અને આ અગાઉ પણ અનેક કાવ્યોમાં સર્જક સ્વયં જ્યારે માદા હોય, ત્યારે જે નારીભાવ સંવેદન અભિવ્યક્ત થાય છે, એવાં નારીભાવોનું પ્રકટીકરણ કદી નર સર્જક દ્વારા નથી થઇ શક્યું. કવિઓ દ્વારા નારીભાવોને વ્યક્ત કરતા અનેક ગીતો આપણને ગુજરાતી કવિતામાં મળે, પણ જે ભાવો એક સર્જક તરીકે નારી પોતે જ રજુ કરે, એ મને વધારે ઊર્મિસભર અને અધિકૃત લાગ્યા છે. કેમ કે, એક નારીના કેટલાંક સંવેદનો એના પોતીકા હોય છે. કેટલાંક ઇલાકા મા કા ઇલાકા હોય છે. આ ગઝલમાં પણ “રોટલીના લોટમાં” એવાં નવ્ય રદીફ સાથે કવિયિત્રી એના ભાવપ્રદેશને અને જીવનબોધને આઠ શેરો દ્વારા આપણી સમક્ષ ખુલ્લો મૂકી દે છે. રોટલીના લોટનું પ્રત્યેક શેરમાં અલગ-અલગ રૂપક આ ગઝલનું ઉદ્દીપક બની રહે છે. એટલે એ અર્થમાં આ ગઝલને મુસલસલ ગઝલ કહી શકાય.

જો કે, આ ગઝલમાં આઠને બદલે નવ અથવા તો આઠને બદલે સાત શેર હોત તો આ ગઝલને મુક્કમ્મલ ગઝલ પણ કહી શકાઇ હોત. ખૈર, આ તો ગઝલના છંદશાસ્ત્રનો મુદ્દો છે. પણ ઊર્મિ અને ભાવનો મુદ્દો તો શાસ્ત્રથી જુદો છે. શાસ્ત્રની સીમારેખા જ્યાં થંભે છે, ત્યાંથી જ તો ભાવનો પ્રદેશ આરંભાય છે. તો ચાલો ગઝલના એક પછી એક શેરને તપાસીએ.

પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

મત્લાના શેરના પહેલા મિસરામાં જ નારીના ભાવોનું સર્જનાત્મક પ્રકટીકરણ જોવા મળે છે. અહીં “પરખાવી દીધી” શબ્દો મહત્વના છે. એક કુશળ કસબી તસ્બીહ ફેરવતા-ફેરવતા આપણને રોશન-નૂરના દર્શન કરાવી દે, એવી વાત અહીં સરળ શબ્દોમાં કરવામાં આવી છે. “પરખાવી દીધી” એટલે કે “જેની મને ઓલરેડી પરખ છે, એ પરખને અન્ય કોઇને બોધ કરાવવાની, પરખાવવાની અહીં વાત છે. “પારખવા” માટે સમજણ જોઈએ, પણ “પરખાવવા” માટે તો કૌશલ્ય જોઈએ. જે અહીં સફળતાપૂર્વક વ્યક્ત થયેલું જોવા મળે છે. પરખાવવાની આ બિના પણ કોઇ નાની સુની નથી. અહીં તો પ્રીત પરખાવી દીધાની વાત છે. આ સૌથી કઠીન કામ છે. કોઇને પ્રેમ કરવો એકદમ સરળ છે. પણ એને પણ પ્રેમ કરતો કરી દેવો એકદમ કઠીન છે. ત્યારે પ્રથમ મિસરામાં જ “પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં” એમ બોલીને નાયિકા અહીં પોતાના પ્રેમસભર હાથોનો સ્પર્શ પામીને તૈયાર થઇ રહેલો રોટલીનો લોટ, નાયકને યાર અને પ્યાર બનાવી મુકે છે, એ સુપેરે રજુ થાય છે. પણ પ્રીત પરખાવવાની આ મથામણમાં નાયિકા કેટલું સહન કરે છે? એનો ક્યાસ આપણને શેરના બીજા મિસરામાં મળે છે. “જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં.” અહીં લોટના પ્રતીક દ્વારા નાયિકા, પોતે રોટલીનો લોટ ગુંદવામાં કેટલી ઓતપ્રોત બની ગઇ છે, એની વાત છે. એક-એક રોટલી વણતી વખતે રોટલી ઉપર જે લોટ ભભરાવવામાં આવે છે, એ અહીં લોટ ન રહેતાં સ્વયં નાયિકા બની જાય છે. આખી જાત, આયખું, સમગ્ર અસ્તિત્વને પ્રેમની ચક્કીમાં પીસી-પીસીને લોટ બનાવી નાખીને, જ્યારે રોટલી બનાવવામાં આવે ત્યારે ખરાં અર્થમાં પ્રીતની સ્વયંને પરખ અને પ્રીતને, પ્રિયને પરખાવી શકાય છે. અહીં પ્રેમના માર્ગે જો ઓચિંતું અંધારું થાય તો હાથ સળગાવીને અજવાળું કરવાની તૈયારી રાખવી પડે એની વાત છે.

જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલના આ પ્રથમ શેરમાં કવિયિત્રી તત્વચિંતકની અદાથી વર્તનમાં પરિવર્તન લઇ આવો, તો એના લાભાલાભની વાત સરળ બાનીમાં કરે છે. સાથે-સાથે એ વાતનો સંકેત પણ આપી દે છે, કે નાયકનો મિજાજ ગરમ છે. એણે એના વાણી-વર્તનમાં સુધારો લાવવાની જરૂર છે. અહીં “તો તું ખીલી શકે” એવી શરત મૂકીને કવિયત્રી એ હકીકત સાબિત કરે છે, કે જે “ખુલી શકે” એ જ ખીલી શકે, અને ખુલી જવા માટે નરમ બનવું પહેલી શરત છે. આ વાત રોટલીના નાના-શા ગોળ પીંડાને વેલણ દ્વારા ગોળ આકાર આપીને, ખીલતા પુષ્પની ઉપમા દ્વારા કાવ્યમય રીતે કવિયિત્રી જોડી આપે છે. કાંટાઓના નસીબમાં કદી ખીલવાનું નથી લખેલું હોતું. એ જ રીતે કઠણ લોટના નસીબમાં સુરેખ ગોળ ફૂલકા રોટલી બનવાનું નથી લખેલું હોતું. એટલે પ્રેમભાવ માટે સ્વભાવ નરમ રાખવો એ પૂર્વશરત છે.

આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલના આ બીજા શેરમાં નાયિકાનો અપેક્ષાભાવ નિરૂપાયો છે. નાયિકાના મનની મુરાદ વ્યક્ત કરવામાં આવી છે. પણ આગળના શેરમાં જ નાયકના ગરમ મિજાજનો નિર્દેશ કરીને કવિયિત્રી આપણને વિચારતા કરી મુકે છે કે, શું ખરેખર નાયક આવીને નાયિકાના હાલ-હવાલ અને વહાલનો હવાલો લેશે? નાયિકાના ખબર અંતર પૂછશે? આવા અરમાન અને ભૂતકાળમાં માણેલી કોઇ સુખદ યાદને મમળાવતા, નાયિકા રોટલી વણવામાં મશગુલ છે. એને હવે નાયકના વર્તનમાં પરિવર્તનની ઉમેદ છે. પણ આ ઉમેદની સાથે “યાદ મમળાવવાની” વાત કરીને કવિયિત્રી અહીં સર્જનાત્મક રહસ્ય ખડું કરે છે.

એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલના આ ત્રીજા શેરમાં એ રહસ્ય છતું થાય છે. નાયક સાવ ક્ષુલ્લક વાતમાં નાયિકાને તતડાવી નાખે છે, એવાં કોઇ દુખદ પ્રસંગની યાદ, નાયિકાને લોટ બાંધતા યાદ આવી જાય છે. એટલે એ નાયકને સન્મુખ તો નહીં, પણ એકલી-એકલી ફરિયાદ કરે છે કે, તેં દિવસે સાવ નાની અમથી વાતમાં મને એ કેટલું વઢયા હતાં. એમ યાદ કરીને આંખો છલકાવી દે છે. અહીં નાયિકાનો ભીતરી ભાવ એવો છે કે, નાયકના આગમન પહેલા હું જ મને એકલી-એકલી ફરિયાદ કરીને મારાં રોષને ઓસરી જવા દઉં. નાયક જયારે આવે ત્યારે ચહુંઓર ચાહત અને મહોબ્બત જ હોય, કોઇ ગિલા-શિકવામાં આ વખતે સમયને બરબાદ નથી કરવો. એટલે લાવ હું જાતે જ આંખ છલકાવી હૈયું હળવું કરી લઉં.

લોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ ચોથો શેર વ્હાલની રેસિપી બતાવે છે. શતરૂપા નારીના ૧૦૦ રૂપમાંથી એક રૂપ “અન્નપૂર્ણા”નું છે. જે નારી રસોઇ બનાવે છે, એ બહેન, ભાભી, દીકરી, મા કે પત્ની – ગમે તે હોય, પણ એ જેટલો સમય રસોડામાં હોય છે – એટલો સમય તો એ “માનું વ્હાલ” હોય છે. એ મા-સ્વરૂપા હોય છે. જે રીતે લોટ-પાણી અને મોણ, ગુંદાય-ગુંદાયને એકમેકમાં ઓતપ્રોત બનીને સમાઇ જાય છે એ જ રીતે માનું વ્હાલ પણ પ્રત્યેક રોટલીમાં એકરસ, એકરૂપ બનીને સમાઇ જતું હોય છે. એને જીવનપર્યંત પછી જુદું નથી પાડી શકાતું. અહીં નાયિકા આ વખતે એવી રોટલી બનાવવાની મથામણમાં છે કે, જેવી રોટલી નાયકની મા બનાવીને નાયકને ખવડાવતી હતી. માના વ્હાલની આ રેસિપી, આજે નાયક આવે તો એને બતાવી દેવી છે, એવાં આત્મવિશ્વાસ સાથે એ રોટલી વણી રહી છે.

ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ પાંચમો શેર ચોથા શેરના અનુસંધાન રૂપે હોય એવું તરત જણાય આવે છે. સ્ત્રી જયારે કોઇને દિલથી ચાહતી હોય છે, ત્યારે એ એની મા બની જતી હોય છે. જ્યારે કોઇ સ્ત્રી તમને વાત-વાતમાં “જમી લીધું” “શું જમ્યાં?” એવાં તમારાં ભોજન વિષયક સવાલો કરે તો સમજી લેવું કે, એ સ્ત્રી તમારાં પ્રેમમાં છે. અહીં નાયિકા પણ રોટલી વણતા-વણતા, રોટલીને તાવડીમાં શેકતા-શેકતા, મમતાળુ માવડી બનીને, નાયકની ચિંતા કરે છે કે, આ બહાર ધોધમાર મેહુલો વરસે છે. આવા ઠંડા વાતાવરણમાં નાયકને કકડીને ભૂખ લાગી હશે. તો લાઉં મારાં હેતની હુંફ આ ગરમ-ગરમ રોટલીમાં ઉમેરી દઉં.! અહીં ભૂખ, ધોધમાર વરસાદ, રોટલીના લોટમાં સરકતી હુંફ જેવા પ્રતીકો શૃંગારરસનો પણ નિર્દેશ કરે છે. અહીં માત્ર હોજરીની ભૂખ ભાંગવાની વાત નથી. પણ નાયકની આવા રોમાન્ટિક માહોલમાં હાજરી સાંપડે એટલે શરીરની ભૂખ પણ ભાંગવાની વાત છે. રોટલીનું ટોનિક જાણે કે પ્લેટોનિક લવની પણ ઔષધિ અને લવની અવધિ બની જાય – એવા ભાવ સાથે નાયિકા એક-એક રોટલીમાં હુંફની ફૂંક મારતી જાય છે.!

હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
‘રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ છઠ્ઠો શેર પ્રમાણમાં નબળો અને સમગ્ર ગઝલના ભાવનિરૂપણમાં આગંતુક હોય એવો લાગે છે. કણક એટલે જાડો, ભરભરીયો લાપસી-ભાખરીમાં વપરાય એવો લોટ. અહીં રોટલીનો લોટ બાંધતી વખતે, કણક બાંધવાની વાત અને કણક સાથે જોડાયેલી કોઇની યાદનું હેડકીના રૂપે પુનઃસ્મરણ, અને એને લઈને કોઇ દિશા સુચનની વાત. આ શેરનો સાની મિસરા તો હજી પણ ચાલી જાય એવો છે. પણ ઉલા મિસરા તો સાવ નબળો છે. “રાહ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં” એ તો તદ્દન અતાર્કિક અને સમગ્ર ગઝલના ટેમ્પોમાં વગર ટીકીટે ચડી બેઠો હોય એવો પ્રવાસી શેર છે.!

આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ છેલ્લો મક્તાનો શેર સમગ્ર ગઝલમાં શિરમોર શેર છે. અહીં રોજ-રોજ રોટલી વણવાની ક્રિયા એના પુનરાવર્તનથી પણ નાયિકાને કંટાળો નથી આપતી. અહીં પ્રત્યેક પુનરાવર્તન, પ્રેમનું એક નવ્ય આવર્તન બનીને આવે છે. જેને કારણે નાયિકાની પ્રત્યેક સાંજ હરખની હેલી બની જાય છે. રોટલીનો લોટ બાંધવાની પ્રકિયામાં એકવિધતા ભલે હોય, પણ નાયિકાના મનોજગતમાં દરેક વખતે ભાવોની વિવિધતા છે. એટલે નાયિકા નિરંતર નવ્ય ભાવ સંવેદનને રોટલી સાથે વણી જાણે છે.

નારીના હાથનો સ્પર્શ પુરુષને ચોવીસ કલાકમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક રૂપે મળે છે. પુરુષના જીવનનું ચાલક અને સંચાલકબળ જ સ્ત્રીના આ સ્પર્શની હાજરી છે. રોટલીથી માંડીને, નારીની પ્રેમાળ હથેળીઓમાં ધોવાતાં આંતરવસ્ત્રો, તૂટી ગયેલા ગાજ-બટનને સોઇથી સાંધતી આંગળીઓ, દોરાને દાંતમાં દબાવીને રસભીનો કરતા ટેરવાં અને રોજ સંકેલાતા વસ્ત્રો – જીવનના અનેક રહસ્યોને ઉકેલી નાખતા હોય છે. આજે તો હવે ઘરમાં ઘરઘંટીથી માંડીને આટામેકર, વોશિગ-મશીનથી માંડીને સિલાઈ મશીન અને વેક્યુમક્લીનરથી માંડીને ડીશવોશર જેવા ઉપકરણો આવી ગયા છે – એટલે હવે તો રોટી-કપડાં ઔર મકાન અને બરતનમાં અને વર્તનમાં દિવસે ને દિવસે નારીનો સ્પર્શ દુર્લભ બનતો જાય છે – ત્યારે યામિનીબેન આવી સરસ ગઝલ લઈને આવે છે – એ જગતમાં પ્રેમ અને હુંફ હજી સાબૂત છે એની સાબિતી આપે છે. યામિનીબેનને અનેક-અનેક ધન્યવાદ.

આ સાથે મારાં હમઉમ્ર મિત્રોને મને કહેવાનું મન થાય કે, અઠવાડિયે એકવાર લોટ ગુંદીને વાંકીચુકી રોટલી ન બનાવો તો કાંઈ નહીં, પણ અઠવાડિયામાં એકવાર તમારી પત્નીની સાડી, ચૂડીદાર, બ્લાઉઝ, પેટીકોટ અને અન્ડર વિયર્સને તમારા પ્રેમાળ હાથે સંકેલીને કબાટમાં ગોઠવવાનો પ્રયોગ કરવા જેવો છે. એમાં આનાભારેય નુકસાન નથી. ફાયદા હી ફાયદા હૈ.!!! 

 – ઇલિયાસ શેખ

વિડીયોમાં કાવ્ય પઠન .. યામિની વ્યાસ

યામિનીબેન એક યશસ્વી કવિયત્રી અને નાટ્ય કલાકાર તો છે જ એની સાથે એક આદર્શ ગૃહિણી છે. આ વિડીયોમાં યામિનીબેનને એમના રસોડામાં  રોટલી  બનાવતાં બનાવતાં એમના કાવ્ય  ‘રોટલીના લોટમાં’ ની રજૂઆત કરતાં જોઈ શકાય છે. ગૃહિણી તરીકેની ફરજો બજાવે છે પણ મુખે તો કવિતા રમે છે !ગૃહિણી પદ અને કવિતા જાણે સાથે વણાઈ ગયાં છે !

વિડીયો સૌજન્ય … સાહિત્ય દર્શન
Published on May 10, 2019
ગુજરાતી કવિતા –
કવિયત્રી – યામિની વ્યાસ

કાવ્ય – ‘રોટલીના લોટમાં’


સૌજન્ય … સુ.શ્રી પ્રજ્ઞા વ્યાસ, નીરવ રવે બ્લોગ.

(આ.પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫મા વર્ષમાં પ્રવેશ વેળાની વિનોદ વિહારની ખાસ પોસ્ટમાં એમનો પરિચય વાંચવા માટે અહીં ક્લિક કરો.)

વિનોદ વિહારમાં આ અગાઉ પોસ્ટ થયેલ કવિયત્રી યામિની વ્યાસની પોસ્ટ કરવામાં આવેલી સાહિત્ય રચનાઓ -પરિચય સાથે અહીં ક્લિક કરીને વાંચો .

1225- રક્ષા બંધન અનુરૂપ સ્ટોરી …. બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ

રક્ષા બંધનનું પર્વ આવે એટલે બહેન ભાઈની રક્ષા માટે એના હાથે રાખડી બાંધે છે અને એની દરેક રીતની કુશળતા માટે પ્રભુને પ્રાર્થના કરે છે.

ગરીબ હો અથવા તવંગર,એક બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ એક સરખો હોય છે.એમાં કોઈ જાતનો ફરક નથી હોતો.

આ વાતની પ્રતીતિ કરતી એક મિત્ર તરફથી વોટ્સેપ સંદેશમાં પ્રાપ્ત નીચેની વાર્તા મને ગમી ગઈ.એમના આભાર સાથે રક્ષાબન્ધન ના પર્વની ભાવનાને ઉજાગર કરતી આ વાર્તા નીચે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ

બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ

ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા.

એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી.

એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી.કદાચ એના ગંદા અને ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન માણસો પાસે જતાં અટકાવતા હશે.

આમ છતાં થોડી હિંમત કરીને એ નજીક આવી.

પેલા ભાઇએ પુછ્યુ, ” તારે લસ્સી પીવી છે ?

છોકરી ‘હા’ બોલી એ સાથે મોઢુ પણ ભીનુ ભીનુ થઇ ગયું. 

છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી.

એણે પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત કરતાં કહ્યુ,

” શેઠ, જીંદગીમાં કોઇ દી આવું પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે.”

આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ પોતાના મોઢા તરફ આગળ કર્યો.

હજુ તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે પાછો લઇ લીધો.

ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને એ છોકરી બોલી,

” ભાઇ, મને આ લસ્સી પેક કરી દોને. ગમે તે કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે.”

દુકાનવાળા ભાઇને છોકરી પર થોડો ગુસ્સો આવ્યો.

છોકરીને તતડાવીને કહ્યું ” છાનીમાની ઉભી ઉભી પી લે અહીંયાં . લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું કરવું છે? “

છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને કહ્યું,

” ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે. ઘરે મારે નાનો ભાઇ છે એને આવી લસ્સી કે દી પીવા મળશે ?”

મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ કરી આપોને ભાઇ ! “

છોકરીના આટલા શબ્દોએ ત્યાં ઉભેલા દરેક પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા કારણ કે બધાંને પોતાની બહેન યાદ આવી ગઇ.

મિત્રો, પોતાના ભાગનું કે પોતાના નશીબનું જે કંઇ હોઇ એ એક બહેન પોતાના ભાઇ માટે કુરબાન કરી દે છે.

આવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું તો આપણે કંઇક ઓળવી તો નથી જતાને ? જરા તપાસજો.

-અજ્ઞાત

સુશ્રી યામિની વ્યાસની રક્ષા બંધનને અનુરૂપ ભાઈ-બહેનના પ્રેમના ભાવને રજુ કરતી  સુંદર 

કાવ્ય રચના એમના આભાર સાથે પ્રસ્તુત છે.

ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધન [નાળિયેરી પૂનમ ] નિમિત્તે

સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ .

1099- કીસ્મત અને હસ્તરેખા વળી શું ? ….. ગઝલ ….શ્રીમતી યામિની ગૌરાંગ વ્યાસ

જાણીતાં ગઝલકારા શ્રીમતી યામિની ગૌરાંગ વ્યાસ મારાં ફેસ બુક મિત્ર છે. એમના ફેસ બુક પેજ પર આ ગઝલ વાંચતાં જ મને એ ગમી ગઈ.ગઝલના દરેક શેરમાં એમણે પુછેલ પ્રશ્ન એ આ ગઝલની ખાસિયત છે.એ પ્રશ્નોનો જવાબ એના અર્થને  વાચા આપે છે.

તેઓ ગઝલના આ શેરમાં કહે છે એમ ..

મને શબ્દ સાથે જ નીસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી નીપજ્યા કરે છે;

અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું ?

એમની ગઝલોમાં એક ઊંડો સંદેશ જોવા મળે છે. દા.ત.એમની આ ગઝલમાં કેટલો સુંદર સંદેશ છે !

જીંદગીમાં ચાલતાં પળવાર અટકી જોઈએ
ફૂલ ખીલ્યું જોઈને થોડુંક હરખી જોઈએ

શક્ય છે કે બાળપણ મુગ્ધતા પાછી મળે
થઇને ઝાકળ પાંદડીનો ઢાળ લસરી જોઈએ

આ ઉદાસીને નહીંતર ક્યાંક ઓછું આવશે
આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ

વિનોદ પટેલ

 

હસ્તરેખા વળી શું ? ….. ગઝલ ….

 યામિની વ્યાસ

પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું ? ગગન શું ? સીતારા વળી શું ?

સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કીસ્મત અને હસ્તરેખા વળી શું ?

ખુદાના તરફથી મળે તો સ્વીકારું, કદી એકલી છું, કદી કાફલો છે;

મળી મેહફીલો તો મેં માણી લીધી છે, સવાલો, જવાબો, સમસ્યા વળી શું ?

નથી કોઈ મંઝીલ, નથી કોઈ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;

કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વીશેના ઉધામા વળી શું ?

મને શબ્દ સાથે જ નીસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી નીપજ્યા કરે છે;

અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું ?

જગતનાં વીવેકો ને વ્યવહાર છોડી, ઉઘાડાં જ મેં દ્વાર રાખી મુક્યાં છે,

ભલે કોઈ અણજાણ આવે અતીથી, પ્રતીક્ષા વળી શું ? ટકોરા વળી શું ?

– યામીની વ્યાસ –

યામિનીબેનની આ ગઝલને  જ્યારે Jigisha Kheradia નો સ્વર અને Shaunak Pandya ના સંગીતનો સાથ મળે છે ત્યારે ગઝલના શબ્દો અને અર્થ  બન્ને દીપી ઉઠે છે. ગઝલ નો આ વિડીયો દિલને ડોલાવી જાય છે.એને   સાંભળવાનું રખે ચુકતા.

Hastrekha Vali Shun? | Jigisha Kheradia | Shaunak Pandya | Gujarati Song

 

શ્રીમતી યામિની ગૌરાંગ વ્યાસ -પરિચય

                      યામિની વ્યાસ

યામિનીબેનનો પરિચય અને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ” ફૂલ પર ઝાકળનાં પત્રો ” ની ગઝલો વાંચવા માટે વિનોદ વિહારની સપ્ટેમ્બર ૮, ૨૦૧૫ ની નીચેની પોસ્ટ વાંચો.

( 779 ) કવયિત્રી યામિની ગૌરાંગ વ્યાસ….. એમનાં કાવ્યો, ગઝલો … અને પરિચય

1086 – ભાઇ બહેનના પ્રેમની ઉજવણીનું પર્વ… રક્ષાબંધન

રક્ષા બંધનના પવિત્ર પર્વ નિમિત્તે જાણીતા કટાર લેખક શ્રી પરેશ વ્યાસએ લખેલ ખાસ લેખ ” ભાઇ બહેનનું પ્રેમપર્વ ” એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.ગુજરાત સમાચારની રવીવારની પૂર્તિમાં પણ આ લેખ પ્રસિદ્ધ થયો છે.

શ્રી પરેશભાઈએ એમના લેખની શરૂઆત એમનાં બેન જાણીતાં લેખિકા અને કવિયત્રી શ્રીમતી યામિની ગૌરાંગ વ્યાસની રક્ષાબંધન પર્વની કવિતાની બે પંક્તિઓથી કરી છે

આ આખું કાવ્ય સચિત્ર યામિનીબેનના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.આ પ્રસંગોચિત સુંદર કાવ્યમાં એક બેનનો એમના ભાઈ પ્રત્યેનો પ્રેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

ભાઇ બહેનનું પ્રેમપર્વ ….. શ્રી પરેશ વ્યાસ

કુમકુમ તિલકથી વધાવું રે ભાલ પર ટપકું એક કાળું લગાડું રે ….
ગાલ પર પાંચે પકવાન આજ રાંધુ વહાલપના તાંતણાથી બાંધું રે વીરલા…
-યામિની વ્યાસ

રક્ષાબંધન. ભાઇ બહેનના પ્રેમની ઉજવણીનું પર્વ. ગુજરાતી ભાષામાં ભાઇ બહેનનાં પ્રેમની કવિતા ગોતવી હોય તો છેક ચં. ચી. મહેતાનાં ‘ઇલા કાવ્યો’ યાદ કરવા પડે. ગવાતા ગીતો યાદ કરીએ તો અવિનાશ વ્યાસનું ફિલ્મ ‘સોનબાઇની ચુંદડી’નું ગીત ‘કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી’ યાદ કરવું પડે.

વરસાદ, કૃષ્ણ, રાધા, છોકરો, છોકરી, ફૂલ, પર્વત, નદી કે દરિયાને વિષય લઇને કવિતાઓ કે ગઝલોનો અંબાર અપાર છે. મા, દીકરી, સુખ, દુ:ખ, જીવન, મરણનાં વિષયને પણ શરણ થાય છે આપણા કવિઓ. પણ ભાઇ બહેનનાં પ્રેમની કવિતા લખવામાં કાંઇ મઝા નથી. અથવા તો કદાચ એમ કે કવિઓ આપણી લાગણીઓને લખે છે. કદાચ અર્વાચીન યુગમાં ભાઇ બહેનનાં પ્રેમની એટલી એહમિયત નહીં રહી હોય. હિંદી ફિલ્મ્સનાં ગીતો પણ જુઓ. બહેનાને ભાઇ કી કલાઇ સે પ્યાર બાંધા હૈ અથવા તો ભૈયા મેરે રાખીકે બંધનકો નિભાના.. જૂના જમાનાના ગીતો યાદ આવે. અરિજીત સિંઘ કે શ્રેયા ઘોષાલે ભાઇ બહેનનાં પ્રેમનું ગીત કેમ ગાયું નહીં હોય? અરિજીતે આમ એક ફિલ્મમાં ગીત તો ગાયું છે પણ ફિલ્મનું નામ હતું ‘બહેન હોગી તેરી’. લો બોલો! થોડી ફિલ્મ્સ અલબત્ત આવી છે. ‘માય બ્રધર, નિખિલ’, ‘ફિઝા’ કે પછી ‘ઇકબાલ’. પણ હવે એ નામ યાદ કરવા ગૂગલનો સહારો લેવો પડે છે! આપણને આમ ભાઇ બહેનનાં સંબંધોમાં રસ નથી. ભાઇ બહેનનો પ્રેમ? ઠીક છે મારા ભાઇ. નથિંગ કૂલ અબાઉટ ઇટ. પ્રાઇમ ટાઇમ હિંદી ટીવી સિરીયલ્સમાં સામાન્ય રીતે બહેન પોતાનાં ભાઇનાં પ્રેમમાં ખલનાયિકાની ભૂમિકા અદા કરતી જોવા મળે છે. અને સમાચારમાં પણ રક્ષાબંધન કે ભાઇબીજનાં તહેવાર સિવાય ભાઇ બહેનનાં પ્રેમની ખાસ કોઇ સ્ટોરી હોતી નથી. હોય તો ય ઑનર કિલિંગ જેવી બીહડ ન્યૂઝ સ્ટોરી.

બહેને પરન્યાત કે પરધર્મી જોડે લગ્ન કર્યા અને ભાઇએ બહેન બનેવીને મારી નાંખ્યાનાં બનાવ આજે બને છે .અરે,પાકિસ્તાનથી તો ઑનર રેપનાં સમાચાર આવ્યા છે. મુલતાન શહેર નજીકનાં ગામડામાં બાર વર્ષની એક નાની છોકરી ખેતરમાં ઘાસ કાપતી હતી ત્યારે એક સોળ વર્ષનાં છોકરાએ બળાત્કાર કર્યો. ગામની પંચાયતે નક્કી કર્યું કે છોકરીનો ભાઇ જે સોળ વર્ષનો છે એણે બળાત્કારી ભાઇની બહેન પર બળાત્કાર કરવો. અને બે દિવસમાં બે બળાત્કાર થયા. ફિટકાર છે…

ભાઇ બહેનનો સંબંધ અમૂલ્ય છે. કદાચ વન ચાઇલ્ડ ફેમિલીએ આપણી અવદશા કરી છે. અથવા કદાચ એમ કે આપણા શિક્ષણ, કલા કે સાહિત્યને ભાઇ-બહેનનાં સંબંધોને પોંખવામાં ઝાઝો રસ રહ્યો નથી. પણ એક સરસ સમાચાર અફઘાનિસ્તાનથી આવ્યા છે. આ એ દેશ છે જ્યાં સ્ત્રીઓ પોતાની ઓળખાણ ગોતી રહી છે. અહીં એ કોઇની મા, પત્ની કે દીકરી છે. બસ, બીજું કાંઇ નહીં. ત્યારે ત્યાંનાં ટેલિવિઝન શૉ ‘બાગાચ-એ-સિમસિમ’ (બાળકોમાં ખૂબ લોકપ્રિય ટીવી સીરીયલ અમેરિકન ‘સિસમ સ્ટ્રીટ’ની અફઘાની આવૃત્તિ)માં બે નવા કઠપૂતળી પાત્ર રજૂ થયા છે. એક છે નાનો છોકરો ઝિરાક. દરી અને પાસ્તો ભાષામાં એનો અર્થ થાય સ્માર્ટ. બીજી એની મોટી બહેન ઝરી. ઝિરાક ભણવામાં હોંશિયાર ઝરીને માન આપે છે. એની પાસે અવનવું શીખવાની કોશિશ કરે છે. બહેન માટે પ્રેમ ઉજાગર કરવાનો નવો અભિગમ છે આ. ચાલો, કશેક કોશિશ તો થઇ રહી છે.

રક્ષાબંધનનાં દિને બહેન ભાઇનાં ઉત્કર્ષની કામના કરે છે, ભાઇ બહેનને રક્ષાનું વચન આપે છે. બન્નેનો ઉછેર સાથે થયો હોય પણ બહેન પરણીને સાસરે જાય પછી એનો પોતાનો પરિવાર. ભાઇને પોતાનો. રોજ મળવાનું થાય નહીં પણ પ્રેમ અકબંધ રહે. આમ એકબીજાનાં નિજી જીવનમાં દખલન્દાજી નહીં પણ જરૂરિયાત ટાણે પડખે અચૂક ઊભા રહેવું.

પ્રેરણાત્મક વિચારોની લેખિકા કેથરિન પલ્સિફર કહે છે કે અમે મોટા થયા ત્યારે મારા ભાઇઓ એ રીતે વર્તતા કે જાણે એમને કોઇ પડી નથી પણ મને હંમેશા ખાત્રી હતી કે એ મારું ધ્યાન રાખતા હતા અને તેઓ (મારા માટે) હતા.

— પરેશ વ્યાસ
ફેસબુક પરથી સાભાર

રક્ષાબંધન પ્રસંગોચિત મારી ત્રણ હાઈકુ રચનાઓ

બેનડી બાંધે
રાખી,ભાઈ બંધાય,
પ્રેમ દોરથી

=====

રક્ષા બંધન
ભાઈ બેન પ્રેમથી
ઉજવે પર્વ

====

રાખડીમાં છે
ભાઈનું અમરત્વ
બેનની આશ

વિનોદ પટેલ

રક્ષાબંધન પર્વ પ્રસંગે  સૌને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ 

1064- આજે યામિની ગૌરાંગ વ્યાસ ના ૫૮મા વર્ષના પ્રવેશે….

આ અગાઉની પોસ્ટમાં મારાં સન્મિત્ર પ્રજ્ઞાબેન વ્યાસના સુપુત્ર શ્રી પરેશ વ્યાસનો લેખ રી-બ્લોગ કર્યો છે.

આજે એમની એવી જ વિદુષી સુરત નિવાસી સુપુત્રી યામિની ગૌરાંગ વ્યાસના ૫૮મા જન્મ દિવસની નીરવ રવેની પોસ્ટ રી-બ્લોગ કરી છે , જેમાં એમની અનેક સિદ્ધિઓ સાથે એમની સુંદર સાહિત્ય કૃતિઓનો પણ પરિચય કરાવ્યો છે એ વાંચવા લાયક છે.

યામિનીબેન વ્યાસએ એમની સાંસારિક જવાબદારીઓ સાથે ૫૮ વર્ષમાં જે સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે એ ખરેખર લાજવાબ છે જેના માટે એ યોગ્ય ગૌરવ લઇ શકે.

સુ.શ્રી યામિની ગૌરાંગ વ્યાસને એમના ૫૮મા જન્મ દિવસે અભિનંદન અને એમના ઉજળા ભાવી માટે અનેક શુભેચ્છાઓ અને આશીર્વાદ.

વિનોદ પટેલ

નીરવ રવે

અનેકાનેક શુભેચ્છાઓ-શુભાસીસ  અહીંના ગોરંભાયલા વાતાવરણમા  કોકવાર થતા વરસાદે  આજે સ્મૃતિનિદ્રામાંથી જાગૃત કરી વરસાદનાં એક-એક ફોરાં એક એક યાદ જ ટપકાવતા જાય છે !

૫૭ વર્ષ પહેલા… અમારા જંગલ વિસ્તારમા અમ વનવાસીઓને હેલી પહેલાના ગોરંભાયલા વાતાવરણના હવામાનનો વર્તારો દિવસે લાલ મખમલ ઓઢેલા ઇન્દ્ર્ગોપ અને રાત્રે જાદુઇ ટોર્ચ રાખનાર આગિયા આપતા.આકાશમા પ્રકૃતિના આનંદ દરબારનો વૈભવ વ્યક્ત કરતો વાદળોનો આનંદપુંજ હતો.આકાશના ઉદરમાં વાદળોનો ગર્ભ ધીરે ધીરે વિકસવા માંડ્યો. આકાશે કાલિમાનું વસ્ત્ર ઓઢી વાતાવરણના રહસ્યને અકબંધ રાખ્યું હતું.

૧૯૬૦ના જુનની દસમી ઉનાઇથી નવસારીની સુહાની સફર ડૉ.બામજી પાસે ચેક કરાવીને સાંજે પરત થવાનું હતુ ત્યાં ડો.બામજીએ તરત તપાસનાં ટેબલ પર જ કહ્યું કે પુરેપુરું ડાયલેટેશન થઈ ગયું છે, તરત લેબર રુમમાં લઈ ગયાં
ત્યાં ગગને મેઘ ઘનઘોર ગાજે, વિજળી કરે ચમકાર .યાદ આવ્યુ विद्युच्चलं किं धनयौवनायु: અને મનમા ગુંજ્યું.વિજળીને ચમકારે મોતી પરોવતાં સંતોના અંતરમાં થયેલી દિવ્યતાની અનુભુતિ અને અનુભવો !…અને ચેક કરી મજેનું બેબી કહી ડો બામજી અભિનંદન આપતા ગયા. આ વર્ષે મેળવેલી કેટલીક…

View original post 2,177 more words

( 780 ) ‘બેટી બચાઓ….’ અભિયાન….એક દીકરીની વેદના ….કાવ્ય રચના ..સુશ્રી યામિની વ્યાસ

મિત્રો ,

આ અગાઉની પોસ્ટ નંબર 779 માં કવયિત્રી યામિની ગૌરાંગ વ્યાસનાં કાવ્યો, ગઝલો સાથે એમનો પરિચય કરાવવામાં આવ્યો છે એ તમોએ વાંચ્યો હશે.

સમાજમાં વધી રહેલ સ્ત્રી ભ્રુણ હત્યાના કિસ્સાઓને પરિણામે  ‘બેટી બચાઓ, બેટી પઢાઓ ‘ અભિયાનનો પ્રચાર અને પ્રસાર કરવાનું ખુબ જરૂરી બન્યું છે. આધુનિક ટેકનોલોજીનો આજે વિકાસ થતાં મેડીકલ સાયન્સની નવી શોધોને પરિણામે ઘણી સ્ત્રીઓ મરજીથી કે કૌટુંબિક દબાણો હેઠળ આવી જઈને ભ્રુણ હત્યાનો શિકાર બનતી હોય છે.

સમાજમાં આવી જ સ્થિતિ જો ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે જ્યારે ૨૫ થી ૩૦ ટકા યુવાનો દીકરીઓની અછતને લીધે કુંવારા રહી જશે અને એના લીધે બળાત્કાર, એઈડ્ઝ જેવાં અનેક દુષણોનો સમાજને સામનો કરવો પડશે.ઘરમાં દીકરી કરતાં દીકરો હોય એ સારું એવી ખોટી માન્યતા ભ્રુણ હત્યાના વધતા જતા બનાવો માટેનું મુખ્ય કારણ છે.જ્યાં સુધી દીકરી પણ દીકરા સમોવડી છે એવી સમાજમાં જન જાગૃતિ નહી આવે ત્યાં સુધી આજની ભ્રુણ હત્યાની ક્રૂર બદી પુરેપુરી દુર નહી થઇ શકે.

સુપર સ્ટાર અમિતાભ બચ્ચન –બીગ બી – એ એમના બ્લોગમાં દીકરીઓ વિષે બહુ સુંદર વાત લખી છે કે –

“દીકરીઓ ટેન્શન નથી આપતી, બલકે આજની દુનિયામાં એક દીકરી દસ દીકરાના બરાબર હોય છે. દીકરીઓ ખાસ હોય છે, કારણ કે તે અણમોલ હોય છે. તમે તમારી દીકરીને હંમેશાં દીકરો-બેટા કહીને બોલાવી શકો છો, પણ ક્યારેય દીકરાને બેટી કે દીકરી કહી શકતા નથી. એ જ કારણ છે કે દીકરીઓ હંમેશાં ખાસ હોય છે.”

દીકરી એ તો પિતાના ઘરને પ્રકાશિત કરતી તેજ દીવડી છે.

કોઈએ સરસ કહ્યું છે કે-

 “મોગરાની મહેંક,ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે.”

 

bhrunhatya-2

આવી અણમોલ દીકરીઓને એમનો જન્મ થાય એ પહેલાં જ એનો ભ્રુણ હત્યાથી વિનાશ કરાય એ તો અગાઉ ભૂતકાળમાં દીકરી જન્મ્યા પછી એને દૂધ પીતી કરવામાં આવતી હતી એના જેવી જ ૨૧મી સદીમાં થઇ રહેલી માન્યામાં ના આવે ક્રૂર ઘટના છે.

‘બેટી બચાઓ’ અભિયાન…અને યામિની વ્યાસ

yamini_vyas_2

શ્રીમતી યામિની વ્યાસ એક સમાજ લક્ષી સાહિત્યકાર છે. બળાત્કાર વિરોધી, ઘરેલું હિંસા અને એઇડ્સ વિરોધી સમાજ જાગૃતિને લગતાં નાટકો લખી એના અનેક પ્રયોગો કર્યા છે.

‘સ્ત્રીભૃણ હત્યા’ની પ્રવર્તમાન ગંભીર સામાજિક સમસ્યા પર આધારિત એમની લઘુનાટિકા ‘જરા થોભો’ના ગુજરાત તેમજ અન્ય રાજયોમાં અઢીસોથી વધુ પ્રયોગો થયા છે. આ નાટિકાનું લેખન ઉપરાંત એનું મુખ્ય પાત્ર પણ એમણે ભજવ્યું છે.

‘બેટી બચાઓ’ અભિયાનના સમર્થનમાં અને લઘુ નાટિકા ‘ જરા થોભો’ ના એક ભાગ રૂપે  શ્રીમતી યામિની વ્યાસએ નીચેનું ગીત લખ્યું છે. આ ગીતમાં ગર્ભમાં રહેલ એક દીકરીનો પોકાર છે. હૃદયના તાર ઝણઝણાવી દે એવો એમાં ભાવ છે.

~દીકરીની વેદના ~

Bhrun htya

આંગળી પકડીને તારી ચાલવા દે,
માં મને તું આ જગતમાં આવવા દે.

વંશનું તુજ બીજ કો ફણગાવવા દે,
ગોરમાંની છાબ લીલી વાવવા દે.

તું ભૃણનું પરિક્ષણ શાને કરે છે ?
તારી આકૃતિ ફરી સર્જાવા દે.

ઢીંગલી,ઝાંઝર,ચણીયાચોળી ને મહેંદી,
બાળપણના રંગ કાંઈ છલકાવવા દે.

રાખડીની દોર કે ગરબાની તાળી,
ઝંખનાના દિપ તું પ્રગટાવવા દે.

વ્હાલની વેલી થઇ ઝૂલીશ દ્વારે,
આંગણે સંવેદના મહેકાવવા દે.

સાપનો ભારો નથી તુજ અંશ છું હું,
લાગણીના બંધનો બાંધવા દે.

આંગળી પકડીને તારી ચાલવા દે,
માં મને તું આ જગતમાં આવવા દે.

-યામિની વ્યાસ

આ ગીત ઘણા બ્લોગોમાં રી-બ્લોગ થતું રહે છે.

Paresh Vyas

Paresh Vyas

 ગીતને આંતરરાષ્ટ્રિય કોન્ફરન્સમા મૂકતા પહેલાં કવયિત્રી યામીનીના વડીલ ભાઈ ,જાણીતા કટાર લેખક શ્રી પરેશ વ્યાસએ એનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો હતો એ નીચે પ્રસ્તુત છે.

The sex selective abortion kills five lakhs girls every year in India.

Death before birth.

The message is loud and clear. Stop the female foeticide.
Allow the girl child to come to this world. Not only allow her to come,you should in fact welcome her to your world.

This is a song of a girl child yet to be born.

આંગળી પકડીને તારી ચાલવા દે,
મા ! મને તું આ જગતમાં આવવા દે

Allow me to walk holding your finger,
O mother! Allow me to come to this world!

વંશનું તુજ બીજ તો ફણગાવવા દે,
ગોરમાની છાબ લીલી વાવવા દે.

Let your own seed sprout
Let me sow the green basket of Mother Goddess !

તું પરીક્ષણ ભૃણનું શાને કરે છે ?
તારી આકૃતિ ફરી સરજાવવા દે.

Why you determine the foetal sex?
Let your own figure emerge again.

ઢીંગલી, ઝાંઝર ને ચણિયાચોળી મહેંદી,
બાળપણના રંગ કંઇ છલકાવવા દે.

Dolls, Anklets, Ghaaghara-choli and Mehndi
Let the colors of childhood be elated with pride.

રાખડીની દોર કે ગરબાની તાળી,
ઝંખનાના દીપ તું પ્રગટાવવા દે.

Thread of rakhee or clap of garba,
Let the lamp of your longing be kindled.

વ્હાલની વેલી થઇ ઝૂલીશ દ્વારે,
આંગણે સંવેદના મહેકાવવા દે.

Will swing on your door as creeper you adore!
Let that sensitivity mingle in your courtyard!

સાપનો ભારો નથી તુજ અંશ છું હું,
લાગણીના બંધનો બંધાવવા દે

 am not a hazard; I am your own ingredient!
Allow me to be tied in the bond of compassion!

આંગળી પકડીને તારી ચાલવા દે,
મા ! મને તું આ જગતમાં આવવા દે

Allow me to walk holding your finger,
O mother! Allow me to come to this world!

 

સુ.શ્રી લતા જ. હિરાણીએ આ ગઝલ/કાવ્યનું કરેલ સરસ રસદર્શન….

‘ગીત એક ગુલછડી છે. એ એની રીતે પ્રગટી જાય છે. આ કવિતામાં બાળકીના શબ્દોમાં જ એની અભિવ્યક્તિ થઇ છે અને એટલે એ વધુ અસરકારક બની છે. એ માત્ર વેદના જ નહીં, પોતાના સ્વપ્નો પણ વેરતી જતી હોય એમ આલેખાયેલું છે. આ વાત કવયિત્રીએ પોતે કહી હોત તો કદાચ ઉપદેશ બની જાત !! વળી બાળકી આ વિનંતિ પોતાની માતાને કરે છે એ પણ ખૂબ અગત્યનું છે. આપણે ઘણી જગ્યાએ સમાચારોથી જાણીએ છીએ કે માતા પોતે પણ બાળકીના આગમનને રોકવામાં તૈયાર કે સાથીદાર હોય છે. માતાએ પોતે બાળકીને ફેંકી દીધી હોવાના સમાચારો પણ આપણે સૌએ કદીક વાંચ્યા છે ત્યારે માતાને આટલું કઠોર ન બનવાની, પોતાના હાથને પોતાના જ સંતાનના રક્તે ન રંગવાની વાત કરતી બાળકીની અપીલ કેટલી કરૂણ ભાસે છે !! એને એ પણ ખાતરી છે કે કદાચ મા આવું કરી બેસશે તો પછી એણે જરૂર પસ્તાવું પડશે… જે બાળકીને નવ માસ ગર્ભમાં પોતાના લોહીથી સીંચી, એના રૂદનથી એની સાંજો છલકાઇ જશે..

વાત આટલી જ નથી. આ કવિતામાં કવયિત્રીએ માત્ર કરૂણ રસ નથી રેલાવ્યો. એમાં મીઠા મજાના રંગો પણ ભર્યા છે. દીકરીને સાગરના ખોળામાં અને પર્વતોની સેજમાં સરવું છે, સૂરજ ને ચાંદાના તેજમાં ઝળહળવું છે, કોયલની જેમ ઉપવનમાં ટહૂકવું છે અને કળીઓની જેમ મહેકવું છે… બસ આના માટે માતાએ મક્કમ થવાનું છે. ઘરમાં કે સમાજમાં ભલે કેટલોય વિરોધ હોય, એણે પોતાની બાળકીને, પોતાના અંશને જરૂર જન્મ આપવાનો છે. બીજાઓની શેહમાં તણાવાનું નથી કે પોતે આવેશમાં આવી જવાનું નથી..અહીં આ જ ભાવ લઇને આવતી યામિની વ્યાસની આ ગઝલ પણ નોંધવી ગમશે.’

લતા હિરાણી 

‘બેટી બચાઓ’ અભિયાનના સમર્થનમાં અને લઘુ નાટિકા ‘ જરા થોભો’ ના એક ભાગ રૂપ શ્રીમતિ યામિની વ્યાસ લિખિત ગીત” આંગળી પકડીને તારી ચાલવા દે” પર યુ-ટ્યુબ વિડીયો

વિડીયો સૌજન્ય-શ્રી સુરેશ જાની ,17 ઑગ, 2015 પર પ્રકાશિત .

કવયિત્રી – યામિની વ્યાસ,

ગાયિકા – ગાર્ગી વોરા,

સ્વરાંકન – ડો. ભરત પટેલ

 કવયિત્રી યામિનીબેનને હાર્દિક અભિનંદન અને 

અનેક શુભેચ્છાઓ

==========================================

“ બેટી બચાવો, બેટી પઢાવો ….” ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ  ” શીક્ષક દીવસે” ડો. કીશોરભાઇ પટેલને ‘રાષ્ટ્રીય શ્રેષ્ઠ શીક્ષક’ તરીકે નો એવોર્ડ રાષ્ટ્રપતી પ્રણવ મુખરજીના હસ્તે આપીને જેમનું સન્માન કરવામાં આવ્યું હતું એ શ્રી કિશોરભાઈએ એમના બ્લોગ “શિક્ષણ સરોવર “માં  “ બેટી બચાવો, બેટી પઢાવો ” પર એક કાવ્ય પોસ્ટ કર્યું છે .

એમની આ સરસ કાવ્ય રચના પણ નીચે એમના આભાર સાથે પ્રસ્તુત છે.

” બેટી બચાવો, બેટી પઢાવો ”.. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

દીકરી બાપની આંખ છે,
દીકરી મા ની પાંખ છે,

…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

બાપના દુખમાં દુખી,
બાપના સુખમાં સુખી

,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

દીકરો બાપનું રૂપ છે,
દીકરી મા નું સ્વરૂપ છે.

,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

નદી જેવી નદીને પણ
દીકરી થઈ ભમવું પડે,
પર્વત જેવા બાપને પણ
દીકરીના સાસરે નમવું પડે,

…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

દીકરો બાપનો શ્વાસ છે,
દીકરી મા નો વિશ્વાસ છે.

,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

દીકરો બાપનો હાથ છે,
દીકરી મા નું હૈયુ છે.

,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

દીકરો બાપની લાકડી છે,
દીકરી બાપની લાડકી છે.

,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

દીકરો બાપનો દિપક છે,
દીકરી મા ની રોશની છે.

,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

અંતે કિશોર કહે…………!
દીકરી છે, પારકી થાપણ,
એની ન કરશો કદી
ભીની પાંપણ,….

બેટી બચાવો, બેટી પઢાવો…..!

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

 

આ યુ-ટ્યુબ વિડીયોમાં એક નાનકડી પ્રાથમિક શાળાની બાળાને બેટી બચાઓ, બેટી પઢાઓ પર સંદેશ આપતી સાંભળો.ભવિષ્યની મહિલા નેતા બને એવો એનો જુસ્સો તો જુઓ.

Nice speech by a Gujarat school girl Vandna Parmar “Beti Bachao, Beti Padhao”

 

સમયની માંગ છે

બેટી બચાવો… બેટી વધાવો…

નહીં કે બેટી વધેરો…

દીકરી…

વહાલપનો દરિયો…

ઘરની દીવડી…

અને

સંવેદનાનું સરોવર…

આવી દીકરી વગર માતૃત્વ-પિતૃત્વ અધૂરું

એના વિના પરિવાર અધૂરો… સંસાર અસંભવ

હજુ અવતરી નથી એવી એ દીકરી માના ગર્ભમાં છે…

કહેવાતો આધુનિક સમાજ માના ગર્ભમાં જ દીકરીને મારી નાખવાનો

વિચાર કરે ત્યારે એ બાળકી શું કલ્પના કરતી હશે?

આ બાળકી એની માને

ચિત્કાર કરીને કહે છે…

મા, તારી આંગળી પકડીને મને ચાલવા દે…

મને આ જગતમાં આવવા દે…

તું પરીક્ષણ ભ્રૂણનું શાને કરે?

તારી આકતિ ફરી સર્જવા દે…

હું તને આપું છું વિશ્વાસ-

તારે ખોળે અવતરીશ તો વ્હાલની વેલી થઇ ઝૂલીશ…

આંગણે સંવેદના મહેંકાવા દે…

સાપનો ભારો નથી મા!

હું તો તારો જ અંશ છું…

મા, આ જગતમાં મને આવવા દે…

૨૧મી સદીના આ સમયમાં…

વિજ્ઞાનના આ યુગમાં…

દીકરીનો આ ચિત્કાર…

આપણે ભણેલા-ગણેલા-શિક્ષિત લોકો નહીં સાંભળીએ!!!

(દિવ્ય ભાસ્કરમાંથી સાભાર ….)

Bhrun Htya -3

જે કોઈ પણ બ્લોગર મિત્ર આ પોસ્ટને રી- બ્લોગ કરી “ભ્રુણ હત્યા રોકો,બેટી બચાઓ, બેટી પઢાઓ ના સંદેશનો પ્રચાર કરવામાં મદદરૂપ બનશે એમને મારા અગાઉથી ધન્યવાદ.

વિનોદ પટેલ

સૌજન્ય-આભાર … સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ ( પરિચય અહીં ક્લિક કરો ) .