વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: વાર્તાઓ

( 852 ) “સંકેત ” વાર્તા માસિકમાં પ્રકાશિત મારી વાર્તા “યુવાની,પ્રેમ અને વાસના”

પ્રતિલિપિ.કોમ  પ્રકાશિત  વાર્તા ઈ-માસિક ” સંકેત” ના ફેબ્રુઆરી ૨૦૧૬ ના અંક નંબર ૭ માં અન્ય લેખકો સાથે મારી વાર્તા “યુવાની,પ્રેમ અને વાસના” નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વાર્તામાં એક ગામડામાં ઉછરેલો એક યુવાન મુંબઈ કોલેજમાં અભ્યાસ દરમ્યાન પ્રેમના નામે વાસનાનો શિકાર બને છે અને એક યુવતીના જીવનમાં તોફાનો સર્જે છે.ઘણા યુવાનોનો પ્રેમ એ સાચો દિલનો પ્રેમ નહિ પણ એની પાછળ વાસના કામ કરી રહી હોય છે એ આ વાર્તા નો મધ્યવર્તી વિચાર છે.

મારી આ વાર્તાને “સંકેત” વાર્તા માસિકમાં પ્રગટ કરવા માટે પ્રતિલિપિ.કોમ અને સંપાદિકા સુ.શ્રી નિમિષા દલાલ ,ગુજરાતી વિભાગ, નો હું આભારી છું. -વિ .પ.

યુવાની,પ્રેમ અને વાસના… (વાર્તા )…. વિનોદ પટેલ 

રાકેશ ધીરજલાલ શેઠનો લાડ કોડમાં ઉછરેલો એકનો એક પુત્ર હતો. ધીરજલાલનાં પ્રથમ પત્ની રાકેશને માત્ર ચાર વર્ષનો મુકીને ભગવાનને વ્હાલાં થઇ ગયાં હતાં પરંતુ એમનાં બીજી વારનાં પત્ની તારાબહેને રાકેશને સગી માની ખોટ કદી જણાવા દીધી ન હતી.રાકેશ સૌને ગમી જાય એવો દેખાવડો છોકરો હતો.

રાકેશએ ગામની જ હાઈસ્કુલમાંથી એસ.એસ.સી.ની પરીક્ષા સારા માર્કથી પાસ કરી એ પછી ધીરજલાલે અને રાકેશે એન્જીનીયરીંગમાં આગળ  મુંબઈની જાણીતી  કોલેજમાં જવાનું નક્કી કર્યું.નવા સત્રમાં એક દિવસે મુંબઈની એ કોલેજમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવા માટે જ્યારે રાકેશ એમનાથી પહેલી વાર નજરથી દુર કરવો પડ્યો એટલે પ્રેમાળ માતા પિતાનું હૃદય કપાયું તો હતું પણ પુત્રના સારા ભવિષ્યનો વિચાર કરી એમના મનનું દુઃખ ભૂલી એને હસતા મુખે આશીર્વાદ આપી વિદાય આપી હતી.

પ્રતિલિપિ.કોમની નીચેની લીંક પર આ આખી વાર્તા વાંચવા માટે  નીચેના ચિત્ર પર ક્લિક કરો.

LOVE-Vellentine day

( 794 ) પ્રતિલિપિ.કોમના વાર્તા માસિક સંકેતમાં મારી વાર્તા ” ઝેરની પડીકી “

પ્રતિલિપિ.કોમના વાર્તા માસિક સંકેતના ઓક્ટોબર ૨૦૧૫ ના અંકમાં મારી વાર્તા ” ઝેરની પડીકી ” અન્ય લેખકોની વાર્તાઓ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી છે.

સંકેત વાર્તા માસિકમાં મારી વાર્તા “ઝેરની પડીકી”નો સમાવેશ કરવા માટે સંપાદિકા નિમિષાબેન અને પ્રતિલિપિ ટીમનો આભારી છું.આ વાર્તા માસિક અને પ્રતિલિપિ સંસ્થા સાહિત્ય ક્ષેત્રે હજુ પણ વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરતી રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું.

“ઝેરની પડીકી” વાર્તામાં એક કુટુંબમાં સાસુ-વહુ વચ્ચે પડેલ સંબંધોની તિરાડ સાંધવામાં અનુભવી વૃદ્ધ શાંતિભાઈ વૈદ્યએ આપેલ ઝેરની પડીકી કેવી કામયાબ નીવડે છે એ જોઈ શકશો.

કુટુંબના સભ્યો વચ્ચે પડતી સંબંધોની તિરાડો એમનો અહમ, ગેર સમજો અને સ્વભાવ ભેદને લીધે થતી હોય છે અને એમાં સુધારો લાવી શકાય છે એ આ વાર્તાનો એક પ્રેરક સંદેશ છે.

આખી વાર્તા વિનોદ વિહારના વાંચકો માટે નીચે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ  

ઝેરની પડીકી ….. વાર્તા ….. વિનોદ પટેલ

જીતેશ વિધવા માતા કમળાબેનનો એકનો એક પુત્ર હતો. કમળાબેન માટે એ આંખની કીકી જેવો વ્હાલો હતો .કેમ ના હોય, જીતેશ જ્યારે માત્ર દસ વર્ષની કુમળી વયનો હતો ત્યારે એમના પતિ મનહરભાઈ ન્યુમોનીયાની ટૂંકી માંદગીમાં સ્વર્ગવાસી થયા હતા. પતિ જતાં ઘર ચલાવવાની એકાએક આવી પડેલી મોટી જવાબદારી માથે ઉપાડી લઈને કમળાબેનએ આ શિક્ષિકા તરીકે નોકરી કરી જીતેશને માતા અને પિતાનો પ્રેમ અને સંસ્કાર આપી ઉછેર્યો .એમના પ્રિય દીકરાને સારું શિક્ષણ આપી એના ઉજળા ભાવી માટે તૈયાર કરવામાં કમળાબેનએ કશી કચાશ છોડી ન  હતી. કહે છે ને કે પ્રેમ એ ભગવાનનું બીજું નામ છે. પ્રેમ એ જ શક્તિનો સ્ત્રોત છે .

જીતેશે એની કોલેજનો અભ્યાસ પૂરો કર્યો એટલે કમલાબેનએ જીતેશની જ પસંદગીની બી.કોમ પાસ થયેલી એમની જ્ઞાતિની જ કન્યા કામિની સાથે જીતેશનાં શુભ લગ્ન સગાં સંબંધીઓની હાજરીમાં ખુબ ધામધુમથી ઉજ્વ્યાં હતાં .લગ્ન કરીને જ્યારે કામિની અને જીતેશે પતી-પત્ની તરીકે ગૃહ પ્રવેશ કર્યો ત્યારે મનમાં અનેક અરમાનોથી છલકાતી નવવધુને    વધાવતાં કમળાબેનની આંખમાં હર્ષનાં આંસુ ધસી આવ્યાં હતાં . આ વખતે એમનું અંતરમન એક ઊંડા સંતોષ અને આનંદની મિશ્ર  લાગણીઓથી છલકાઈ ગયું હતું.

કમળાબેન કામિનીને જાણે એ એમની દીકરી ના હોય એવા ભાવથી ચાહતાં હતાં અને એની સાથે દીકરી જેવો જ વહેવાર કરતાં હતાં.પોતાની માતા અને એની પત્ની કામિનીને ખુશ જોઇને જીતેશ પણ મનથી ખુબ ખુશ રહેતો હતો.પરંતુ આવી ખુશી બહુ દિવસો માટે ટકી ના શકી .જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ કામિનીને મનથી લાગવા માંડ્યું કે એનાં સાસુ કમળાબેને જીતેશને સાવ માવડિયો બનાવી દીધો છે અને એથી જીતેશ એના પ્રત્યે જોઈએ એવો પ્રેમ બતાવતો નથી જેવો એ કમળાબેન પ્રત્યે બતાવે છે.ઘર સંસારની ઘણી વાતોમાં કમળાબેન તરફથી અવાર નવાર થતી દખલગીરીથી સાસુ પ્રત્યેનો કામિનીનો અણગમો દિન પ્રતિ દિન વધતો જ ગયો.

કામિની સ્વભાવે મૂળથી એક સ્વતંત્ર મિજાજની સ્ત્રી હતી. જીતેશ તરફના એના પ્રેમ વચ્ચે કમળાબેન એક હરીફ તરીકે આડખીલીરૂપ છે અને હમેશાં સાસુ તરીકેનો એમનો હક્ક જમાવવા માગે છે એમ એને મનથી લાગ્યા કરતું હતું. આના કારણે ધીમે ધીમે શરુઆતમાં આ સાસુ-વહુ વચ્ચે જે મા અને દીકરી જેવા પ્રેમ સંબંધો હતા એમાં તિરાડો પડવા લાગી હતી અને એને લીધે ઘરમાં કંકાશ અને તિરસ્કારનાં મુળિયાં દિવસે દિવસે ઊંડાં જતાં ગયાં .

કામિની અને કમળાબેનના સ્વભાવમાં અસમાન અને જમીનનો તફાવત હતો.વિધવા કમળાબેન એમના એકના એક વ્હાલા દીકરા જીતેશ પ્રત્યેના અનહદ પ્રેમની પકડ ઢીલી કરવા માટે અશક્ત હતાં. આ આખી વાતમાં નિર્દોષ વ્યક્તિ  જીતેશ ઉપર આધિપત્ય જમાવવાની સાસુ અને વહુની આ એક પ્રકારની લડાઈ હતી !બિચારા પતિ જીતેશની મનોસ્થિતિ તો સુડીનાં બે પાંખીયાં વચ્ચે જેમ સોપારી દબાતી હોય એવી થઇ ગઈ હતી.ના તો  એ માતાને ખુલ્લા દિલે કશું કહી શકતો હતો કે ના તો એ એની પત્ની કામિનીને કશું સમજાવી શકતો હતો .

જીતેશએ લગ્ન કરતા પહેલાં જ કામિની અને એના માતા-પિતા સાથે શરત કરેલી કે એ કોઈ પણ સંજોગોમાં એની માતાથી જુદો રહી નહી શકે.એની માતા કમળાબેનને કુટુંબમાં સાથે રાખવાની જો તૈયારી હોય તો જ એ લગ્ન કરવા રાજી હતો. એ વખતે કામિનીએ આ શરત ખુશીથી સ્વીકારી હતી પણ હવે કમળાબેન એને આંખમાં પડેલા પથ્થરના કણાની જેમ ખુંચતાં હતાં.એમની વચ્ચેના એક વખતના પ્રેમના સરોવરનાં પાણી સુકાઈ ગયાં હતાં અને સંબંધોની જમીનના તળીયે તિરાડો પડી ગઈ હતી !

દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા પરંતુ સાસુ-વહુ વચ્ચેના ઝગડા ઘટવાને બદલે વધતા જ ગયા . જુનવાણી માનસ ધરાવતાં કમળાબેન વાત વાતમાં કામિનીની કંઇક ને કંઇક ભૂલો શોધી કાઢી એની ટીકા કરતાં એ કામિનીને જરાએ પસંદ ન હતું.કમળાબેન પ્રત્યેનો કામિનીનો તિરસ્કાર હદ વટાવી ગયો હતો.આ રોજ રોજના ઘર કંકાસથી એ જ્યારે વાઝ આવી ગઈ ત્યારે એક દિવસ જીતેશ કે કમળાબેનને કશી ખબર આપ્યા વિના એ એના પિયર અમદાવાદમાં એના માતા પીતા સાથે રહેવા માટે જતી રહી.

પિયરમાં કામિનીના પિતા રમણભાઈના એક ખાસ મિત્ર શાંતિભાઈ વૈદ્ય અમદાવાદના એક પારંગત અને હોશિયાર  વૈદ્ય તરીકે ખુબ જાણીતા હતા.રમણભાઈના કુટુંબ સાથે એમનો વર્ષોથી નજીકનો સંબંધ બંધાયો હતો. કામિની માટે તો તેઓ એના બાલ્યકાળથી એક મિત્ર અને માર્ગ દર્શક બની ગયેલા એના “શાંતિ કાકા “ હતા.પિયર વાસ દરમ્યાન કામિની એક દિવસ આ શાંતિભાઈ વૈદ્યને મળવા એ એકલી એમના  ઘેર ગઈ.એમની સાથેની વાતચિતમાં એણે એની સાસુ કમળાબેન અને એના વચ્ચે થતા વારંવારના ઝગડાઓની પણ વાત કરી.મનમાં એક ખાસ મકસદ લઈને શાંતિકાકાને એ મળવા આવી હતી.

છેલ્લે કામિનીએ શાંતિભાઈને જે વાત કરી એ સાંભળી તેઓ મોટા અચંબામાં પડી ગયા કે એ શું બોલી રહી છે !કામિનીએ એમને ધીરેથી કહ્યું  :”શાંતિકાકા , તમે આ શહેરના પ્રખ્યાત વૈદ્ય છો.તમારી દવાની જડીબુટ્ટીથી ઘણાના રોગ દુર કરો છો.તમે મને એવી કોઈ દવા બનાવી આપો કે જેથી મારો અને મારી સાસુ વચ્ચેનો પ્રશ્ન હંમેશ માટે ઉકલી જાય !”

જમાનાને પચાવી ગયેલા આ અનુભવી વૃદ્ધ શાંતિભાઈને સમજી જતાં વાર ના લાગી કે કામિની શું કહેવા માગે છે.કામિનીના ઝેરી બની ગયેલા દિમાગમાં સાસુને ઝેર આપવાનો વિચાર આવે જ કેમ એ તેઓ સમજી ના શક્યા. તેઓ કામિનીના મનનો તાગ મેળવતા હોય એમ બે ઘડી એના મુખ સામે એકી નજરે તાકી રહ્યા.

છેવટે થોડો વિચાર કર્યા બાદ કામિનીના આ શાંતિકાકાએ ખુબ જ શાંતિથી એને કહ્યું:”કામિની બેટા, તારો આ પ્રોબ્લેમ  હંમેશ માટે  ઉકેલવા માટે હું તને જરૂર મદદ કરીશ.”કામિનીને હતું કે એની વાત સાંભળતાં શાંતિકાકા ગુસ્સે થઇ જશે પણ એને બદલે તો તેઓ તો એની સાસુ કમળાબેનનો કાંટો હંમેશ માટે દુર કરવા  માટે એને મદદ કરવા માટે તૈયાર થઇ ગયા એથી એ પણ આશ્ચર્યમાં પડી ગઈ ! .”

ત્યારબાદ શાંતિકાકાએ દવાની જુદી જુદી કેટલીક પડીકીઓ બનાવીને એ કામિનીને આપતાં કહ્યું :” લે કામિની, તારે આ પડીકીઓ તારી સાસુને કોઈ વહેમ ના પડે એવી હોશિયારીથી થોડા થોડા દિવસોના આંતરે આપવાની છે.એમને કહેવાનું કે આ દવાથી એમની તબિયતમાં સુધારો થઇ જશે.મેં આ દવામાં ઝેર ભેળવ્યું છે. આ દવાની અસર લાંબા ગાળે થશે.તારે છ મહિના સુધી રાહ જોવી પડશે.પરંતુ મારી કેટલીક શરતોનું તારે બરાબર પાલન કરવું પડશે.એ જો તું કરીશ તો જ મારી આ દવાની ધારી અસર થશે.”

કામિની કહે :”જરૂર, શાંતિ કાકા ,તમે જેમ કહેશો એમ કરીશ “

શાંતિભાઈ કહે :” જો કામિની, જાણે કશું જ બન્યું નથી એવો ચહેરા પર ભાવ રાખી તું જીતેશ અને કમળાબેન સાથે રહેવા પાછી જા.તારી સાસુને આંતરે દિવસે સારું સારું રાંધીને ખવડાવજે  અને દરેક વખતે આ બધી પડીકીઓમાંથી એક પડીકી એમને કોઈ પણ જાતનો વહેમ ના આવે એ રીતે એમાં નાખજે.એમની સાથે બહુ દલીલબાજી ના કરીશ કે એમને કોઈ વાતે ખોટું લાગે એવુ કશું ના કરીશ . એમની સાથેનું વર્તન બરાબર સુધારી દેજે. એમની સાથે તારી મા જેવું સારું વર્તન કરજે કે જેથી એમને પડીકીઓ વિષે કોઈ વહેમ ના આવે.”

શાંતિકાકાએ આપેલી પડીકીઓ લઈને કામિની એક દિવસ કમળાબેન અને જીતેશની સાથે રહેવા આવી ગઈ.કમળાબેનએ એને પાછી આવેલી જોઇને પ્રથમ તો મ્હેણું માર્યું કે બાપના ઘેર તમારો ખંટાવ ના થયો!પરંતુ એના જવાબમાં કામિની  એક અક્ષર પણ ના બોલી અને ઘરના કામમાં લાગી ગઈ. શાંતિકાકાના શીખવાડ્યા પ્રમાણે એણે એના વર્તાવમાં ફેરફાર કરી દીધો હતો.શાંતિકાકાના કહેવા પ્રમાણે એ છ મહિના સુધી કરતી ગઈ. આ છ મહિનામાં ઘરનું આખું વાતાવરણ ધરમૂળથી જ બદલાઈ ગયું.કમળાબેન કામીનીથી ખુબ ખુશ રહેવા લાગ્યાં .કામિની પણ સાસુથી ખુશ રહેવા લાગી. કમળાબેન અને કામિની વચ્ચે સાસુ-વહુ નહી પણ પહેલાંની જેમ એક મા-દીકરીના જેવો પ્રેમ ભાવ તાજો થયો.

એક દિવસ કામિનીના દોષિત મનમાં ઝબકાર થયો કે એક મા સમાન કમળાબેનનો કાંટો દુર કરવા માટે હું કેવું અધમ કામ કરી રહી છું. એના હૃદય મનના ઊંડાણમાંથી એને ખુબ પસ્તાવો થવા લાગ્યો.એક દિવસ એ કમળાબેન અને જીતેશની રજા લઈને એના પિયર અમદાવાદ જઈને તરત જ શાંતિલાલ વૈદ્યને મળવા માટે દોડી ગઈ.

શાંતિકાકાને બે હાથ જોડી કામિની એમને વિનવી રહી :”શાંતિ કાકા મારાથી મોટી ભૂલ થઇ ગઈ છે. ગુસ્સામાં અને તિરસ્કારની આગમાં ભાન ભૂલીને હું માર્ગ ભૂલી ગઈ હતી.તમારા કહેવા પ્રમાણે કરવાથી મારાં સાસુ તો સાવ બદલાઈ ગયાં છે.મહેરબાની કરીને મને એવી કોઈ બીજી દવાની પડીકી આપો કે જે એમને આપવામાં આવેલી ઝેરની પડીકીઓની અસર મિટાવી દે.મારે મારી આ મા સમાન સાસુને મારવાં નથી એમને કોઈ પણ હિસાબે જીવાડવાં છે. કાકા મારી ભૂલ માફ કરી દો અને આનો કંઇક ઉપાય કરો.”

આ સાંભળીને શાંતિકાકા ખડખડાટ હસી પડ્યા અને કામિનીને કહેવા લાગ્યા :

” અરે ગાંડી છોકરી, તારે કશી ચિંતા કરવાની કે ગભરાવાની જરાએ જરૂર નથી. તને મેં જે ઝેરની છે એમ કહીને પડીકીઓ આપી હતી એ હકીકતમાં તારી સાસુની તબિયત સુધારવા માટે વિટામીનની ગોળીઓનો ભૂકો હતો.મારે તારી સાસુને ઝેર આપવું ન હતું પણ તારા મગજમાં ભરાઈ ગયેલા ખોટા વિચારોના ઝેરની દવા કરવી હતી. તમારા ઘરના ઝઘડા તમારા બન્નેના મગજમાં જમા થતા ઝેરના પરિણામે થતા હતા.મેં કહ્યું એમ કરવાથી આ છ મહિનામાં તારી સાસુ અને તારા મગજમાં જે ઝેર જમા થયું હતું એ ઉતરી ગયું.તમારાં દિલ દિમાગ સાફ થઇ જતાં તમને બન્નેને તમારી ભૂલો સમજાઈ ગઈ . આના શુભ પરિણામે તું લગ્ન કરીને સાસરે ગઈ એ દિવસ જેવો તમારા બન્ને વચ્ચેનો પ્રેમભાવ ફરી સ્થપાઈ ગયો. “

“દીકરી હવે તારા બધા જુના બુરા વિચારો માટે દુખી થયા વિના એને ભૂલી જા અને જાણે કશું જ બન્યું નથી એવા ચોખ્ખા દીલ દિમાગથી કમળાબેન અને જીતેશ સાથે ફરી હળીમળીને રહે અને તારી હવે પછીની જિંદગીને હસી ખુશી અને આનંદથી ભરી દે. નવી ગીલ્લી નવો દાવ.આ તારા શાંતિકાકાના તને ખોબલે ખોબલે આશીર્વાદ છે. “

કામિની જ્યારે શાંતિકાકાને ચરણ સ્પર્શ કરી વિદાય લઇ રહી હતી ત્યારે શાંતિકાકાએ હસતાં હસતાં ઉમેર્યું :

“જો હવે પછી કોઈ ઝેરની પડીકી લેવા ફરી આવીશ તો નહિ આપું “

કામિની(શરમથી ઝૂકીને ) :” કદી પણ નહી આવું કાકા.મારાથી થયેલી ભૂલને માફ કરી દેશો  ને ?”

….અને આ રીતે કામિની અને કમળાબેનના ઘર સંસારમાં હસી ખુશી ફરી આવી ગઈ .બન્ને વચ્ચેના સંબંધોમાં પડેલી  તિરાડ એ ફરી કદી નજરે ન પડે એવી રીતે સંધાઈ ગઈ ! 

વિનોદ પટેલ  

સંકેત માસિકના નીચેના ચિત્ર પર ક્લિક કરી પ્રતિલિપિ .કોમ ની લીંક પર આ વાર્તા સહીત અન્ય લેખકોની  પણ વાર્તાઓ વાંચી શકાશે. 

sanket magazinઅંક : ૩ : ઓક્ટોબર ૨૦૧૫

સંપાદિકા : નિમિષા દલાલ ગુજરાતી વિભાગ

પ્રતિલિપિ.કોમ

 

 

( 771 ) પ્રતિલિપિ.કોમ એ શરુ કર્યું વાર્તાઓનું ઈ-મેગેઝિન- ‘સંકેત’

પ્રતિલિપિ.કોમએ માતૃભાષાના લેખકોને તેમના વાચકો સાથે જોડતું એક ઓન લાઈન સેલ્ફ પબ્લીશીંગ પ્લેટફોર્મ છે.

એમાં હાલ ગુજરાતી /હિન્દી / તમિલ એમ ત્રણ ભાષાઓનું સાહિત્ય તમે માણી શકો છો.ટૂંક સમયમાં જ તેમાં મરાઠી ભાષાનું સાહિત્ય પણ વાંચવા માટે ઉપલભ્ધ બનશે. આમ તમામ ભારતીય ભાષાઓના સાહિત્યને એક મંચ ઉપર લાવવાનું કામ પ્રતિલિપિએ હાથ પર લઇને સુંદર સાહિત્ય સેવા બજાવી છે એ બદલ એને અભિનંદન ઘટે છે.

સાહિત્યિક પ્રવૃતિઓમાં અગ્રેસર એવાં લેખિકા નિમિષા દલાલ થોડા સમયથી પ્રતિલિપિ ટીમમાં ગુજરાતી વિભાગ સંભાળે છે.ગુજરાતી સાહિત્યને વિશાળ ફલક પર પહોચાડવા માટે પ્રતિલિપિ.કોમના મંચ ઉપરથી ઓગસ્ટ ૨૦૧૫ થી ” સંકેત ” એ નામે વાર્તાઓનું નવું ઈ- મેગેઝીન લોન્ચ કરવામાં આવ્યું છે . આ વાર્તા મેગેઝિનનાં સંપાદિકા તરીકે શ્રીમતી નિમિષા દલાલ રહેશે.

વાર્તા માસિક- સંકેત , પ્રથમ અંક : ૧ : ઓગસ્ટ ૨૦૧૫ નું મુખ પૃષ્ઠ 

sanket magazin

સંપાદિકા : નિમિષા દલાલ ગુજરાતી વિભાગ ,પ્રતિલિપિ.કોમ

આ પ્રથમ અંકના લેખક/લેખિકાઓ

સ્મિતા શાહ, રેખા શુક્લ, રશ્મિ જાગીરદાર, સરયૂ પરીખ, કલ્પના રઘુ, ખુશાલી દવે, જય ગજ્જર, વિનોદ પટેલ, સેજલ પોંડા, સુરેશ જાની, ગુણવંત વૈદ્ય, ડો.કે.કે.દેસાઈ, રવિ યાદવ, અનસૂયા દેસાઈ, કામિની મહેતા, ભજમન નાણાવટી, સપના વિજાપુરા, વિજય શાહ, બકુલેશ દેસાઈ, વલીભાઈ મુસા, નટવર મહેતા, રોહિત કાપડિયા, કલ્પના ચૌધરી, મીનાક્ષી વખારિયા, પ્રવીણકાંત શાસ્ત્રી.
ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ, નિમિષા દલાલ.

સંકેત વાર્તા માસિકના ઓગસ્ટ ૨૦૧૫ના આ પ્રથમ અંકની વાર્તાઓ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

http://www.pratilipi.com/team-pratilipi/sanket

 

આ વાર્તા મેગેઝીનમાં પ્રકાશિત મારી વાર્તા વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.  

સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી …. વાર્તા ….વિનોદ પટેલ 

પ્રતિલિપિ .કોમના મંચ પરથી પ્રકાશિત મારું ઈ-પુસ્તક “કુસુમાંજલિ “, કાવ્યો, વાર્તાઓ , ચિંતન લેખો વી. સાહિત્ય વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

http://www.pratilipi.com/vinod-patel

 સંપર્ક –

 નિમિષા દલાલ

ફોન નંબર   ૯૯૨૫૬ ૨૪૪૬૦

ટીમ પ્રતિલિપિ 

પ્રતિલિપિમાં ગુજરાતી ભાષાનો વિભાગ સંભાળતાં બે ઉત્સાહી પ્રતિનિધિઓ  

nimisha- modi

નિમિષા દલાલ અને સહૃદયી મોદી 

( 672 ) એક નવતર પ્રયોગ !… તસવીર બોલે છે …..દેડકા –દેડકીની પ્રેમ કથા ! …. વિનોદ પટેલ

“સહિયારું સર્જન”ના શ્રી વિજયભાઈ શાહ અને “શબ્દોનું સર્જન”નાં શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલા બહું ઉત્સાહી સાહિત્ય પ્રેમીઓ છે.

દર મહીને કઇંક ને કંઇક વિષય પસંદ કરી સૌને એમની કલ્પના શક્તિનો ઉપયોગ કરીને એમની સાહિત્ય રચનાઓ મોકલવા માટે પ્રોત્સાહિત કરતાં રહે છે.

આ મહીને એક નવતર પ્રયોગ તરીકે “તસ્વીર બોલે છે “ અન્વયે ફેસબુક ઉપરથી જડી આવેલી એક દેડકા-દેડકીની નીચેની તસ્વીર જોઇને સુઝતી કોઇક લઘુકથા કે લઘુ નવલકથા,કાવ્ય કે કોઇક કથા લખી મોકલવા માટે “શબ્દોનું સર્જન “ બ્લોગની આ પોસ્ટ  પ્રમાણે સૌને જણાવવામાં આવ્યું હતું.

“તસ્વીર બોલે છે “ના આ નવતર પ્રયોગના જવાબમાં મેં એક લઘુ કથા ” દેડકા -દેડકીની પ્રેમ કથા ” લખી મોકલી હતી .

આ રહી એ લઘુ કથા ……

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે …..

દેડકા –દેડકીની પ્રેમ કથા !…વિનોદ પટેલ

એક સરોવરમાં એક દેડકો અને એક દેડકી એક બીજાના પરિચયમાં આવ્યાં.દેડકો દેડકીને પ્રથમ નજરે જ ગમી ગયો .સુંદર સપ્રમાણ કસરતી બદન,ચળકતી ત્વચા અને લાંબા ગમી જાય એવા પગ ઉપર દેડકી મોહિત થઇ ગઈ .દેડકાની પણ દેડકી જેવી જ સ્થિતિ હતી.એ પણ દેડકીની સુંદરતા ઉપર વારી ગયો હતો. ધીમે ધીમે બન્નેનો પરિચય પ્રેમમાં પરિવર્તિત થતો ગયો.

આ આખી નવતર પ્રેમ કથા વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને “સહિયારુ સર્જન-ગદ્ય “બ્લોગમાં પહોંચી જાઓ

Dedka-dedki love story

આ દેડકા-દેડકી ની પ્રેમ કથાને તમે એક રૂપક કથા પણ કહી શકો !

( 648 ) “બેઠક વાર્તા સ્પર્ધા “માં પુરસ્કૃત વાર્તા -” પોકેટમની “….વિનોદ પટેલ

ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર ,મિલ્પીટાસ, કેલીફોર્નીયા​–“બેઠક” દ્વારા આયોજિત વાર્તા સ્પર્ધા-૨૦૧૪ માં ત્રીજું ઇનામ પ્રાપ્ત કરનાર મારી વાર્તા “પોકેટમની”ને વાચકોના આસ્વાદ માટે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.

આ વાર્તા સ્પર્ધાનાં બે સમર્થ નિર્ણાયકો- સુ.શ્રી જયશ્રીબેન મર્ચન્ટ અને સુ.શ્રી મનીષાબેન જોશી તથા આયોજક સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળા નો હું આભારી છું.

મારી આ વાર્તા વાંચી આપનો પ્રતિભાવ જરૂર લખશો.

વિનોદ પટેલ 

 

પોકેટમની ….. ( સત્યકથા પર આધારિત વાર્તા )

poket money

(ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ )

કામિની અને સંદીપ કોલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારથી જ એક બીજાને દિલ દઈ બેઠાં હતાં .

કોલેજનો અભ્યાસ પૂરો કરીને લગ્ન કર્યા પછી બન્ને જણ અમદાવાદમાં જ જોબ કરી આનંદથી એમનો  ઘર સંસાર ચલાવી રહ્યાં હતાં.અમદાવાદની એક કેમિકલ કંપનીની આશ્રમ રોડ ઉપર આવેલી હેડ ઓફિસમાં સંદીપ ઓફીસ મેનેજર તરીકે જોબ કરતો હતો.કામિની પણ આશ્રમ રોડ ઉપરની જ એક બેંકમાં જોબ કરતી હતી.  

સુખી દામ્પત્યની ભેટ સમા પ્રથમ બાળક અશોકનો જન્મ થયા પછી બન્નેના લગ્ન જીવનના આનંદમાં અભિવૃદ્ધિ થઇ હતી. બે વર્ષ પછી એમને ત્યાં લક્ષ્મીના અવતાર સમી, જોતાં જ ગમી જાય એવી, દીકરી રૂચાનો જન્મ થયો.

બીજા બાળકના જન્મ પછી થોડા દિવસોમાં જ સંદીપનું સુંદર કામ જોઇને કંપનીની મેનેજમેન્ટે એને જોબમાં ઓફીસ મેનેજર તરીકે પ્રમોશન આપી સાથે સારો પગાર વધારો કરી આપ્યો હતો.  .દીકરી રૂચાનો જન્મ આમ એમના સુખી સંસારમાં એક આશીર્વાદ થઈને આવ્યો હતો.

એક દિવસે સંદીપે કામિનીને પાસે બેસાડીને કહ્યું “ કામિની,આપણે  બે જણ જોબ કરીએ છીએ એટલે અશોકના અભ્યાસ અને રૂચાની સંભાળ માટે બહુ તકલીફ પડે છે ,જોઈએ એવી છોકરાંઓની દેખરેખ બરાબર લઇ શકાતી નથી. મારી એવી ઈચ્છા છે કે તું તારી જોબ છોડી દે જેથી તું એમને માટે પુરતો સમય આપી શકે  .તારે માથે ઘરકામ અને જોબનો સંયુક્ત બોજ છે એ પણ હળવો થશે . મારો પગાર હવે વધ્યો છે એટલે ઘર ખર્ચમાં કોઈ વાંધો નહિ આવે. ”

કુટુંબની આવક ઓછી થશે એવા વિચારથી કામિની પહેલાં તો મનમાં થોડી કચવાઈ પણ પછી સંદીપના વધુ આગ્રહથી કામિનીએ જોબ છોડી પુરા સમય માટે ઘર અને બાળકોનો મોરચો સાંભળી લીધો.સંદીપે બતાવેલી લાગણી માટે કામિનીને એના પ્રત્યેના માન અને પ્રેમમાં વૃદ્ધિ થઇ .

થોડાં વર્ષો ગયા પછી શહેરના એક સારા વિસ્તારમાં સંદીપે ત્રણ બેડ રૂમનો બધી સગવડો સાથેનો ફ્લેટ ખરીદી લીધો .ભાડાના મકાનમાંથી પોતાના જ નવા ફ્લેટમાં આવ્યા પછી આ આદર્શ યુવાન યુગલના બે રૂપાળાં બાળકો સાથેના ઘર સંસારમાં ખુશી ખુશી છવાઈ ગઈ.  

એક દિવસ કોઈ કામ અંગે બેડ  રૂમમાં રાખેલું સ્ટીલનું કબાટ ખોલતાં સંદીપે કામિનીને કહ્યું :

“કામિની,આ કેટલી બધી રંગબેરંગી સાડીઓ પહેર્યા વિનાની આ કબાટમાં ભેગી કરી રાખી છે ! જો પહેરવી ના હોય તો શું કામ સ્ટોરમાં જઈને લઇ આવે છે!ઘરના કબાટમાં પડી રહે એના કરતાં એ બજારમાં હતી એ શું ખોટી હતી. !”

“સંદીપ, તારે મારી સાડીઓની બાબતમાં ચિંતા કરવાની જરા એ જરૂર નથી.મારે જ્યારે પણ જે પ્રસંગે જે સાડી પહેરવી હશે એ પહેરીશ.તને તો ખબર છે કે મને દરેક પ્રસંગને અનુરૂપ સાડી પહેરવાનો પહેલેથી જ શોખ છે .”

સંદીપે કામિનીને ચીડવતો હોય એમ કહ્યું :”સારું બાપલા, પણ જોજે એવું ના બને કે સાડીઓ એમ ને એમ આ કબાટમાં થપ્પીઓમાં પડી રહે અને એક દિવસ તું ઉપર જતી રહે !”

“તમે ય તે, આવું અશુભ ના બોલતા હોવ તો ! ” કામિનીએ સંદીપ તરફ વ્હાલ ભર્યો છણકો કર્યો અને પ્રેમથી એને બાથમાં લઇ લીધો.સંદીપને તો આ જ જોઈતું હતું !

ઘર નજીકની શાળામાં અભ્યાસ કરતાં ભગવાને હેતે કરીને ઘડ્યાં હોય એવાં એમનાં બે રૂપાળાં બાળકો ,પુત્ર અશોક અને પુત્રી રુચાને તેઓ બન્ને જણ ખુબ પ્યાર આપી ઉછેરી રહ્યાં હતાં  .લોકોને જોઇને ઈર્ષ્યા આવે એવું  સુખી અને સંતોષી જીવન જીવી રહેલું એમનું  એક આદર્શ મધ્યમ વર્ગીય કુટુંબ હતું.

એક દિવસ સંદીપ ઓફિસ જવા માટે તૈયાર થઇ રહ્યો હતો ત્યારે કામિનીએ સંદીપ પાસે જઈ એની સાથે વાત કરતાં કહ્યું :

“સંદીપ,અશોક અને રુચા મને ફરિયાદ કરે છે કે સ્કુલમાં એમને વાપરવા માટે અપાતા પોકેટમનીના પૈસા એમના મિત્રોની સરખામણીએ બહુ ઓછા છે. તમે મને દર મહીને જે પૈસા આપો છો એ બધા ઘર ખર્ચમાં વપરાઈ જાય છે .હવેથી થોડા વધારે આપજો .”

સંદીપ કહે,” કામિની તું ઘર ખર્ચમાં થોડી કરકસર કરીને એટલા પૈસા તો બચાવી જ શકે .તને તો ખબર છે કે આપણા આ ફ્લેટની ખરીદી માટે બેંકની લોન લીધેલી છે એના હપ્તા પણ દર મહીને મારે ચૂકવવાના હોય છે.”

કામિનીને સંદીપના આ શબ્દોથી થોડું ખોટું લાગ્યું અને સ્ત્રી સહજ મો મચકોડીને એ એના ઘરકામમાં પરોવાઈ ગઈ .કામિનીને પહેલી વખત એના અંતરમાં જોબ છોડ્યાનો પસ્તાવો થયો. એના દિલને ઓછું આવ્યું કે મારે જોબ નથી એટલે જ મારે સંદીપના આવા કરકસર કરવાના શબ્દો સાંભળવા પડ્યા ને !  

ભગવાનને ઘણીવાર નિર્દોષ માણસો સાથે ક્રૂર રમત રમવાનું મન થતું હોય છે.એક દિવસ કામિની સ્કુટર ઉપર બેસી અશોક અને રૂચાની સ્કુલમાં એમનાં પ્રગતી પત્રક વિષે એમના શિક્ષકો સાથે વાતચીત કરવા અંગે જઈ રહી હતી ત્યારે એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે એ ઝખ્મી થઇ ગઈ .

સંદીપને ઓફિસમાં કોઈએ ખબર આપતાં એ ઘટના સ્થળે તરત જ આવી પહોંચ્યો. સ્કૂટરની બાજુમાં રોડ ઉપર ઘાયલ સ્થિતિમાં કામિનીને જોઈ એનું હૃદય રડી ઉઠ્યું.તાત્કાલિક એને બેભાન અવસ્થામાં હોસ્પીટલમાં ખસેડી. નિષ્ણાત ડોકટરો કામિનીની  સારવારમાં લાગી ગયા.એ વખતે સંદીપ મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે તું મારી કામિનીને બચાવી લે જે.સંદીપના એક મિત્રએ એનાં બે બાળકોને હોસ્પીટલમાં લાવી સંદીપને સોપ્યાં .મારી મમ્મીને એકાએક આ શું થઇ ગયું એની મુઝવણમાં એ તો બિચારાં હેબતાઈ ગયાં હતાં .બન્નેનાં ગુલાબના ફૂલ જેવાં મુખડાં એકાએક કરમાઈ ગયાં હતાં.

છેવટે જે ન બનવાનું સંદીપે ઈચ્છ્યું હતું એ જ એના અને બાળકોના કમનશીબે બન્યું .ડોક્ટરોના કામિનીને બચાવવાના બધાં જ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. કામિની બેભાનાવસ્થામાં જ સંદીપ અને એનાં બે નાજુક બાળકોની નજર સામે જ એમને વિલાપ કરતાં છોડી હંમેશને માટે ચાલી નીકળી અને ભગવાનને વ્હાલી થઇ ગઈ .

ઘરના મોભ જેવી વ્યક્તિ ચાલી જાય ત્યારે ઘરમાં કેટલો શૂન્યાવકાશ પ્રવર્તે છે એ તો જેને રામબાણ વાગ્યાં હોય એ જ જાણી શકે ! જનારની પાછળ જવાતું નથી હોતું.અણગમતી પરિસ્થિતિમાં પણ મનને મનાવીને રોજ સવારથી સાંજ સુધી જીવન જીવવું પડતું હોય છે.કહેવાય છે ને કે દુઃખનું ઓસડ દહાડા છે. 

આ બનાવના કેટલાક દિવસો પછી સંદીપને કોઈ કામ માટે એની બેડ રૂમમાં રાખેલ સ્ટીલનું કબાટ ખોલવાની જરૂર પડી.મુખ્યત્વે જેમાં કામિનીની વપરાશની ચીજ વસ્તુઓ રહેતી હતી એ સ્ટીલના  આ કબાટને ખોલતાં એનો જીવ ના ચાલ્યો.

સંદીપે મન કાઠું કરીને કબાટ ખોલ્યું તો કામિનીએ કદી પહેરી ના હોય એવી એની નવી નક્કોર સાડીઓના ઢેર ઉપર એની નજર સ્થિર થઇ ગઈ.

સાડીઓને જોઇને સંદીપની આંખમાં જળજળીયાં આવી ગયાં. એને ભૂતકાળમાં સાડીઓ અંગે કામિનીને કહેલા શબ્દો યાદ આવી ગયા. દુઃખથી આદ્ર બનેલું એનું અંતર મન બોલી ઉઠ્યું.: ” જોયું, કામિની, છેવટે હું તને કહેતો હતો એવું જ થયું ને.તું ઉપડી ગઈ અને સાડીઓ અહીં જ પડી રહી ! ”

સંદીપે હળવેથી સાડીઓની થપ્પી ઉપરથી એક સાડી ઉપાડી. આંખો બંધ કરી એના હોઠો વડે હળવેથી એને ચૂમી લીધી .જાણે કે એ સાડી પહેરીને એણે સદાને માટે ગુમાવેલી કામિની એની સામે આવીને હાજર થઇ ગઈ ના હોય !

જ્યારે એ સાડીને પાછી મુકવા જતો હતો ત્યારે સાડીની ગડમાંથી પૈસાની નોટો રાખેલી હતી એ સરકીને સંદીપના પગ ઉપર પડી .

આ પૈસાની નોટો એ કામિનીએ ઘર ખર્ચમાંથી કરકસર કરી એનાં  વ્હાલાં બાળકો અશોક અને રુચા માટે બચાવેલા સ્કુલના પોકેટમની માટે હતા !

સંદીપના દિલમાં ખુબ પસ્તાવાની લાગણી થઇ આવી. એના ગુનાહિત મનમાં વિચાર આવ્યો કે પહેલાં જો મેં કામિનીને સમજીને મારાં બાળકો માટે પોકેટમની માટે એને જોઈતા પૈસા આપ્યા હોત તો એના દિલને કેટલો બધો હાશકારો થયો હોત !  

— વિનોદ પટેલ , ૧૧-૨૮-૨૦૧૪ 

પ્રથમ વિજેતા ​સાક્ષર ઠક્કર (હિલ્સબોરો, ઓરેગોન) ની વાર્તા 

અહીં ક્લિક કરીને વાંચો. 

બીજા નંબરના વિજેતા શૈલા મુન્શા ( હ્યુસ્ટન ) ની વાર્તા 

અહીં ક્લિક કરીને વાંચો.

======================================

પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા ગુજરાતીઓ

ક્રમ

એવોર્ડ મેળવનાર

ક્ષેત્ર

એવોર્ડ

રાજ્ય

એલ કે અડવાણી

પબ્લિક અફેર્સ

પદ્મ વિભૂષણ

ગુજરાત

તારક મહેતા

આર્ટ

પદ્મ શ્રી

ગુજરાત

ગુણવંત શાહ

સાહિત્ય

પદ્મ શ્રી

ગુજરાત

ડો. તેજસ પટેલ

મેડિસીન

પદ્મ શ્રી

ગુજરાત

ડો. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી

મેડિસીન

પદ્મ શ્રી

ગુજરાત

 સાભાર- શ્રી ઉત્તમભાઈ ગજ્જર