વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: વિનોદ્પટેલ

1298 – સ્વ. ધર્મપત્ની કુસુમબેનની ૨૭મી પુણ્ય તિથીએ હાર્દિક ભાવાંજલિ

આજે ૧૪ મી એપ્રિલ,૨૦૧૯ એ મારાં ધર્મ પત્ની સ્વ. કુસુમબેન  વી. પટેલ ની ૨૭ મી

પુણ્યતિથીનો દિવસ છે .

સમય કેવો ઝડપથી વહી ગયો છે,છતાં ગત આત્માનાં

મધુરાં સ્મરણો બધાં ક્યાં ભૂલાય છે!

ઋણાનુંબંધ ઓછા પડ્યા,જિંદગીના માપદંડો ય ટૂંકા પડ્યા,

ભરપુર વસંત ખીલી હતી ત્યાં જ,પાનખર બની ખરી ગયાં !

આ દિવસે અગાઉની કાવ્ય રચના થોડી મઠારી સદગત  આત્માને ભાવાંજલિ અર્પું છું.  

સ્વ. કુસુમ વિ.પટેલને કાવ્યાંજલિ

એ ગોઝારા દિવસે અમોને ખબર ક્યાં હતી કે,

પ્રભુ તમારા નામનો સાદ પાડી બોલાવી લેશે.

એ દિવસે પ્રભુએ જ્યારે તમોને બોલાવી લીધાં,

કેટલાં બધાં સ્મરણો પાછળ મૂકીને તમે ગયાં!

ગુમાવી તમોને હૃદયભંગ થયાં સૌ પરિવાર જનો,

તમારા જતાં જાણે એક શૂન્યાવકાશ રચાઈ ગયો.

પરીવાર સાંકળ નંદવાઈ તમારી દુખદ વિદાયથી,

પણ લાગ્યા કરે,તમે છો અહીં જ કંઇક આસપાસમાં.

આજે ભલે નથી નજર સામે,તમે ઓ દિવ્યાત્મા,

છતાં સ્મૃતિ-મૂર્તિ તમારી બિરાજતી હૃદય મંદિરમાં

શબ્દો ઓછા પડે ગણવા ઉપકારો એ બધા આપના,

૨૭મી પુણ્યતિથીએ,અર્પું કાવ્યાંજલિ તમોને ભાવથી 

વિનોદ પટેલ,

૪-૧૪-૨૦૧૯ 

 “The song is ended, but the melody lingers “

– Irving Berlin

 

 

કુસુમાંજલિ … ઈ-બુક  

 

સ્વ. કુસુમબેન ને ગમતા ભજનો .. ભજનાવલી

 

જાણીતા કવિ સ્વ.સુરેશ દલાલ ની એક પ્રસંગોચિત અછાંદસ કાવ્ય રચના 

તારા વિના …

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં 
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા. 
તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,
કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને
તારા વિના ?

– સુરેશ દલાલ

1273 – જૂની ઓળખાણ … માઈક્રોફિક્શન વાર્તા …વિનોદ પટેલ

જૂની ઓળખાણ … માઈક્રોફિક્શન વાર્તા  

પત્નીના રોજના કકળાટથી કંટાળીને એની ઇચ્છા અનુસાર શ્રીકાંતએ એના વૃદ્ધ વિધુર પિતાને એમની મરજી વિરુદ્ધ એક સેવા ભાવી ચર્ચના ખ્રિસ્તી પાદરી દ્વારા ચલાવાતા વૃદ્ધાશ્રમમાં દાખલ કરવાનું નક્કી કર્યું.આ પાદરી વૃધ્ધાશ્રમની નજીકમાં જ અનાથાશ્રમનો પણ વહીવટ કરતા હતા.

જરૂરી ફોર્મ ઉપર સહી કરાવાવવા પિતાને વૃધ્ધાશ્રમના સ્વાગત કાઉન્ટર પર મુકીને શ્રીકાંત એની કારમાંથી પિતાનો સામાન લેવા માટે બહાર ગયો.એ દરમ્યાન એની પત્નીએ ફોન કરી શ્રીકાંત સાથે નક્કી કરી લીધું કે તહેવારો ઉપર પણ ‘’ડોસો’’ પાછો આવવો ના જોઈએ.

કારમાંથી પિતાનો જરૂરી સામાન કાઢીને જ્યારે શ્રીકાંત વૃધ્ધાશ્રમમાં દાખલ થયો ત્યારે એના પિતાને પાદરી સાથે વાતો કરતા જોયા. એમની વાતો ઉપરથી એને લાગ્યું કે તેઓ વચ્ચે જાણે જૂની ઓળખાણ ના હોય !

આશ્ચર્યથી શ્રીકાંતએ પાદરીને પૂછ્યું ‘’ આપ મારા પિતાને ઓળખો છો ?’’

પાદરીએ કહ્યું “કેમ નહિ,આજથી ૩૦ વર્ષ પહેલાં તેઓ એમની પત્ની સાથે મારી પાસે આવ્યા હતા અને મારા અનાથાશ્રમમાંથી એક સુંદર બાળકને દત્તક લઈને એમની સાથે લઇ ગયા હતા.એ આખો પ્રસંગ અને એ ખીલખીલાટ બાળકનો ચહેરો પણ મને હજુએ યાદ છે.!’’

આ સાંભળી શ્રીકાંતનો ચહેરો શરમથી શ્યામ થઇ ગયો !

વિનોદ પટેલ  

   

મારી બીજી આવી માઈક્રોફિક્શન વાર્તાઓ વાંચવા માટે આ લીંક પર ક્લિક કરશો. 

( 1011 ) ચિત્ર એક,વિચારો અનેક ! …. ( એક ચિત્ર લેખ-ચિંતન )…

મારા મિત્ર શ્રી પી.કે.દાવડા એ એમના ઈ-મેલમાં નીચેનું ચિત્ર મોકલ્યું .આ ચિત્ર જોઈ મારા મનમાં જે વિચારો ઉમટ્યા એને શબ્દોમાં રૂપાંતરિત કરીને નીચે જણાવ્યા છે.

poverty-pic-1

 બે ચિત્રકુ
અમારે પણ
સ્કુલમાં ભણવું છે
ક્યાં છે તકો ?
===
થેલા છે ખભે
તફાવત  જ  વાત
રંક રાયની  

આ ચિત્રમાં ચાર બાળકો બતાવ્યાં છે.ચારે બાળકોના ખભે  થેલા લટકાવ્યા છે પણ એ થેલાઓનો તફાવત જ આ ચાર બાળકોના જીવનની વાત કહી જાય છે.બે બાળકો સુખી કુટુંબનાં છે જ્યારે બે બાળકો ગરીબ કુટુંબનાં છે.

બે બાળકો–એક છોકરો અને એક છોકરી- બેક પેક ( દફતર ) માં પુસ્તકો અને નોટ બુકો મુકીને એમની સ્કુલ તરફ ભણવા માટે જઇ રહ્યાં છે. આ સુઘડ જણાતાં બે બાળકોની  માતાએ વહેલા ઉઠી એમને ધોએલા ઈસ્ત્રી કરેલા સ્વચ્છ શાળાના યુનિફોર્મ પહેરાવી સ્કુલ માટે તૈયાર કરી, સવારનો નાસ્તો કરાવીને ઘેરથી સ્કુલમાં જવા માટે રવાના કર્યાં છે.

જ્યારે દેખાવે અને પહેરવેશથી ગરીબ જણાતાં બે બાળકો – એક છોકરો  અને એક છોકરી-ના નશીબમાં સવારે નિશાળે જવાનું લખ્યું નથી. એમની માતાએ એમના ખભે પુસ્તકોનો થેલો નહિ પણ રસ્તામાંથી કાગળોના ડૂચા વીણી વીણીને નાખવા માટેના થેલા લટકાવી વહેલી સવારે લઘર વઘર ગઈ કાલે પહેરેલાં જ મેલાં કપડાં સાથે  ઘરની બહાર (કમાવા માટે !) મોકલી આપ્યા છે.આ ગરીબ બાળકોને નશીબે સવારનો નાસ્તો કરવાનું બન્યું હશે કે નહિ એ નક્કી નથી.આ બાળકોનું ઘર બીજા બે નિશાળે જતા બાળકોની જેમ કોઈ સોસાયટીનો બંગલો કે ઊંચા ફ્લેટમાં નહી હોય પણ કોઈ ઝુંપડપટ્ટીમાં આવેલ ઝુંપડીમાં હશે.ઘણાં બાળકોએ નીચેના ચિત્રમાં બતાવ્યું છે એવી ગરીબાઈ જોઈ હશે.

poverty-pic-2

ઉપરનાં બે ચિત્રો એક રીતે આપણા સમાજની શરમ જેવી ગરીબાઈની વાત કરી જાય છે.આપણો સમાજ ગરીબ અને તવંગર એમ બે વર્ગમાં વહેંચાયેલો છે.ભારતને આઝાદી મળ્યે ૭૦ વર્ષ થઇ ગયાં.આ સમય દરમ્યાન આવેલ બધી સરકારોએ ગરીબો હટાવોની મોટી મોટી વાતો કરી છે પણ હજુ સમાજનો મોટો વર્ગ ગરીબાઈમાં સબડે છે.ગરીબોનાં બાળકોને શિક્ષણની તકો પૈસે ટકે અને તકે સમૃદ્ધ વર્ગનાં બાળકોની જેમ સુપ્રાપ્ય થઇ શકી નથી એ એક હકીકત છે.

આ ચિત્રમાં મોટા થેલા લટકાવેલાં ગરીબ બાળકો બેક પેક સાથે શાળામાં જતાં બાળકોને એક નજરે જોઈ રહ્યાં છે.કદાચ એ મનમાં વિચારતાં હશે કે પેલાં બે બાળકોની જેમ દફતર ખભે ભરાવીને આપણને પણ શાળામાં જવાનું મળ્યું હોય તો કેવું સારું !

ગરીબાઈમાં ઉછરેલાં બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવાની જો તક મળે તો તેઓ પણ ઝળકી શકે એવી એમનામાં પ્રતિભા પડેલી હોય છે પણ એ પ્રતિભા બતાવવાની તક મળતી નથી.ગરીબાઈમાં ઉછરેલાં બાળકોને શિક્ષણની તક મળતાં તેઓ ઉચ્ચ સ્થાનોએ પહોંચ્યા હોય એવા ઘણા દાખલા આપી શકાય એમ છે.

અગાઉ આ બ્લોગમાં પ્રકાશિત સત્ય ઘટના પર આધારિત મારી એક વાર્તા “ચીંથરે વીંટ્યું રતન “માં આવી ગરીબીમાં ઉછરેલ એક બાળક “બાબુ બુટ પોલીસ” ની વાત કરવામાં આવી છે.

poverty-pic-3

“બાબુ બુટ પોલીસ”ની મારા કેમેરામાં લીધેલી તસ્વીર 

આ ગરીબ બાળક બાબુને જ્યારે એના શિક્ષણ માટે આર્થિક મદદ આપી હાથ પકડનાર એક એન.આર.આઈ સજ્જન જ્યારે મળી જાય છે ત્યારે એ ગરીબ બાળક શિક્ષણ પ્રાપ્ત કરીને બેંકના મેનેજરના દરજ્જા સુધી પહોંચી જાય છે.આ શિક્ષણના પ્રતાપે બાબુ અને એના સમગ્ર કુટુંબની જીંદગીમાં નવી આશા અને ખુશીઓનો સંચાર થાય છે.

એમના બાળપણમાં ગરીબાઈનો અનુભવ કરીને ભારતના વડા પ્રધાનના ઉચ્ચ સ્થાને પહોંચેલા શ્રી નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળની ભાજપ સરકારે ગરીબોના હિત માટેની શિક્ષણની તકો સહિતની ઘણી યોજનાઓ જાહેર કરી છે.આમ છતાં ગરીબ અને તવંગર વચ્ચેની જે ખાઈ છે એને ઘટાડવા માટે અને ગરીબોના બાળકોના શિક્ષણ માટે વધુ તકો પ્રાપ્ત થાય એના માટે સરકારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.એ માટે કોશિશ કરી રહેલ  હાલની સરકારના પ્રયત્નોને સફળતા મળે એવી આશા રાખીએ.અસ્તુ.

–વિનોદ પટેલ     

 

( 956 ) અમુલ્ય વારસો …. અછાંદસ …. વિનોદ પટેલ

                        મારો  પરિવાર

એક લગ્ન  પ્રસંગે, મારા  બે પુત્રો અને પુત્રી અને એમના પરિવાર -(પૌત્ર પૌત્રીઓ વી.) સાથેની મારી એક તસ્વીર( તા.૭ -૨-૨૦૧૬, ઓરેગોન )

maro-varso

અમુલ્ય વારસો

નથી કર્યું બહુ ધન ભેગું મેં બે હાથે જીંદગીમાં,
કરવું ન હતું એવું પણ કઈ ન હતું મનમાં,
જે કરવાનું હતું એ જાતે જ, એક હાથે કરવાનું હતું,
નહોતો એવો કોઈ કૌટુંબિક ધનનો મોટો વારસો.
કરી મહેનત,મચી પડી, રાત દિન, થઇ શકી એટલી,
બે પૈસા ભેગા થતા તો થતો મનમાં બહુ રાજી,
પણ બનતું એવું કે, ભેગા થયેલા એ ધનમાંથી
ઘણું બધું ,કોઈ આકસ્મિક ખર્ચાઓમાં વહી જતું.
એકડે એકથી ફરી ધન માટેની ઉંદર દોડ શરુ થતી,
એકધારા જીવન ચક્રના એ વણ થંભ્યા ચગડોળમાં ,
કભી ખુશી કભી ગમના, જીવનના એ બનાવો વચ્ચે ,
કરી મન મક્કમ ,નિભાવી કૌટુંબિક જવાબદારીઓ,
આરોગ્ય પ્રશ્નો અને સામાજિક પ્રસંગોને સાચવી,
શિક્ષણ અને સંસ્કાર રૂપે સંતાનોને પાંખો આપી,
ધનનું સાચું રોકાણ શિક્ષણ છે એ હતી એક અડગ શ્રધા,
આનંદ છે એ વાતનો કે એ શ્રધ્ધા આજે સાચી પડી છે ,
 મારું એ અનોખું રોકાણ આજે રંગ લાવ્યું છે,
બહુ આર્થિક મૂડી ભલે મેં ભેગી નથી કરી ,
પણ સંસ્કાર અને શિક્ષણના એ વાવેલા વૃક્ષમાં,
કરેલ મૂડી રોકાણનાં મીઠાં ફળો આજે ચાખતો,
જીવન સંધ્યાએ આ વૃક્ષને ફાલતું,ફળતું જોઈ,
પ્રભુનો આભાર માનતો કહી રહ્યો છું મનમાં સંતોષથી,
આ સુંદર વૃક્ષ એ જ તો છે મારો અમુલ્ય ધન વારસો.

વરસાવું આશિષ આ વૃક્ષ પર, કરું  પ્રભુને પ્રાર્થના કે,

વટ વૃક્ષ શુ,વાવેલું મારું વૃક્ષ,ફુલતું,ફાલતુ અને ફળતું રહે.

-વિનોદ પટેલ … ૯-૨૦-૨૦૧૬

( 902 ) ચીંથરે વીંટ્યું રતન ….. વાર્તા …. વિનોદ પટેલ

Babu Boot Polish

બાબુ બુટ પોલીસ – અમદાવાદ મુલાકાત વખતે મારા કેમેરામાં ઝડપેલ તસ્વીર-ડીસે.૨૦૦૭

ચીંથરે વીંટ્યું રતન ….. વાર્તા ….   વિનોદ પટેલ      

હું મૂળ અમદાવાદ શહેરમાં એક મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવું છું.મારા પિતા શહેરની એક શાળામાં એક શિક્ષક હતા.પિતાએ ખુબ સંઘર્ષ કરી મને શિક્ષણ માટે સારી સ્કુલમાં મુક્યો હતો.પિતાની ટૂંકી આવકમાં કુટુંબના નિભાવ ઉપરાંત મારા અભ્યાસના ખર્ચ માટે એ વખતે મુશ્કેલી પડતી.સારા માર્ક્સને લીધે મને સ્કોલરશીપો મળતી એથી પિતાને ઘર ચલાવવાના ખર્ચમાં થોડી રાહત થતી .આવી નાજુક આર્થિક પરિસ્થિતિમાં કોલેજનો અભ્યાસ પૂરો કરી મને અમેરિકા જવાના વિઝા મળતાં ૪૦ વર્ષ પહેલાં નશીબ અજમાવવા માટે અમેરિકા જવાનું મારું સ્વપ્ન સાકાર થયું હતું.

અમેરિકામાં આવીને શરૂમાં એક કંપનીમાં જોબ કરી.ત્યારબાદ મોટેલના ધંધામાં જંપલાવ્યું .શરૂઆતમાં ખુબ મહેનત કરવી પડી પરંતુ કાળક્રમે આ જામી ગયેલા ધંધામાં હું સારું કમાયો છું અને પૈસે ટકે આજે સપરિવાર ખુબ સુખી છું.મારાં માતા પિતા મારી સાથે અમેરિકામાં રહે છે અને મારાં નજીકનાં અન્ય કુટુંબીજનોને પણ મેં એક પછી એક એમ અમેરિકા બોલાવી લીધાં છે .આથી મારે અમદાવાદ આવવાનું ઓછું બને છે.

મારા પ્રિય વતન અમદાવાદની છેલ્લે મુલાકાત લીધી એ પછી બરાબર બાર વરસે ધંધા માંથી થોડો ફારેગ થઈને ફરી મારી કર્મ ભૂમિ અમેરિકાથી માતૃભુમી ભારતની મુલાકાતે એક મહિના માટે આવ્યો છું.ઘણા સમયે આવ્યો હોઈ વતનની મુલાકાતથી મારું મન ખુબ ખુશી અનુભવી રહ્યું છે. મારા એક ખાસ મિત્રને ત્યાં રહીને આ ટૂંકા સમયમાં મારે ઘણા કુટુંબીજનો અને સ્નેહી મિત્રોને મળીને જુના સંબંધો તાજા કરી અને થોડું અંગત કામ પતાવી અમેરિકા પાછા પહોંચી જવાનું છે.

એક દિવસે મારા ખર્ચ માટે અમેરિકાથી હું જે ટ્રાવેલર્સ ચેક લાવ્યો હતો એ વટાવવા માટે અમદાવાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની હેડ ઓફિસમાં હું ગયો હતો.ત્યાં જઈને પૂછ પરછ કરતાં પટાવાળો મને બેન્કના એક ઓફિસરની કેબીનમાં લઇ ગયો.ઓફિસરની સામે ખુરશીમાં બેસી મારા મારા ટ્રાવેલર્સ ચેક વટાવવાની કાર્યવાહી પતાવવા મેં એમને આપ્યા .બેંક ઓફિસર મારી સામે એક નજરે જોઈ રહ્યો હતો.મને નવાઈ લાગી .ઓફિસરે મને પૂછ્યું “સાહેબ, આપને મારી કૈંક ઓળખાણ પડે છે ?” મને પણ મનમાં થતું હતું કે આ ભાઈને ક્યાંક જોયા લાગે છે પણ યાદ આવતું ન હતું.હું એમને ઓળખવા પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ ઓફિસરે કહ્યું “બાર વર્ષ પહેલાં અમદાવાદ સ્ટેશને ગુજરાત મેઈલના સેકન્ડ ક્લાસના ડબામાં એક “બાબુ બુટ પોલીસ વાળો “છોકરો તમને મળેલો ……”

આ સાંભળી તરત જ મારા મુખ પર આનંદ અને આશ્ચર્યની રેખાઓ એક સાથે ઉપસી આવી.અમેરિકામાં મારા ધંધાની ગળાડૂબ પ્રવૃતિઓમાં મને ભુલાઈ ગયો હતો એ યાદગાર પ્રસંગ એક ચિત્રપટ જોતો હોઉં એમ મારા ચિત્તના પડદા પર એવોને એવો ફરી તાજો થઇ ગયો.

બાર વર્ષ પહેલાં જ્યારે હું અમદાવાદની મુલાકાતે આવ્યો હતો ત્યારનો આ પ્રસંગ છે. એક દિવસ વડોદરા રહેતા મારા એક સંબંધીને મળવા જવા માટે મારે અમદાવાદના કાલુપુર સ્ટેશનેથી સવારની ગુજરાત મેઈલની ટ્રેન પકડવાની હતી. હું થોડો વહેલો સ્ટેશને પહોંચી ગયો હતો.અગાઉથી બુક કરાવેલા સેકન્ડ ક્લાસના ડબામાં મારી નિયત સીટ પર બેસીને એ દિવસનું સવારનું અખબાર વાંચવામાં હું મગ્ન હતો. થોડી વાર પછી પંદર કે સોળ વર્ષની વયનો જણાતો એક લબરમુછીઓ કિશોર બુટ પોલીસ કરવાનાં સાધનની કપડાની મેલી થેલી ખભે લટકાવી એની રોજની ટેવ પ્રમાણે મારા ડબામાં દાખલ થયો.હું અખબાર વાંચતો હતો એમાંથી મારું ધ્યાન એના તરફ ખેંચાયું.કિશોર મારી નજીક આવ્યો .મેં પહેરેલા બુટ તરફ આતુર નજરે જોતાં જોતાં મને બુટ પોલીસ કરાવવા માટે વિનવી રહ્યો.મેં મારા બુટ કાઢીને પોલીસ કરવા માટે એને આપ્યા.

થોડીક વારમાં જ એણે એક પ્રોફેશનલની અદાથી ચકચકાટ પોલીસ કરીને બુટ મને પાછા આપ્યા .એ બુટ પોલીસ કરતો હતો ત્યારે હું એકી નજરે એને નિહાળતાં મનમાં એના વિષે વિચારી રહ્યો હતો કે આટલી નાની ઉમરે આ કિશોર વહેલી સવારે ઘેરથી નીકળી જઈને કેવો કામે લાગી ગયો છે .કિશોરે માગ્યા એનાથી થોડા વધુ પૈસા એને મેં આપ્યા. પૈસા મળતાં ખુશ થતો આ છોકરો ડબાની બહાર જવા માટે જતો હતો ત્યાં કોણ જાણે કેમ, મને આ ચીંથરે હાલ છોકરાના જીવનમાં ડોકિયું કરવાની ઇચ્છા થઇ આવી.બીજા મુસાફરો ગાડીના ડબામાં આવીને હજુ એમની જગાએ ગોઠવાતા જતા હતા. ગાડી ઉપડવાની થોડી વાર હતી.

મેં બુટ પોલીસવાળા એ છોકરાને બુમ મારી પાછો બોલાવીને મારી પાસે  બેસાડી એના વિષે ,એના કુટુંબ વિષે પૂછ્યું.એક આશ્ચર્ય ચકિત નજરે એ મને જોઈ રહ્યો કારણ કે રોજે રોજ એ ઘણા લોકોના બુટની બુટ પોલીસ એ કરતો હતો પણ કોઈએ એનામાં રસ લેવાની દરકાર કરી ન હતી.

મેં પૂછ્યું :” દોસ્ત. તારું નામ શું છે ? તું ક્યાં રહે છે ? તારા કુટુંબમાં કોણ કોણ છે ?” છોકરો હોંશિયાર હતો.ધાણી ફૂટતી હોય એમ મારા પ્રશ્નોના જવાબમાં સડસડાટ કહેવા લાગ્યો:

“સાહેબ, મારું નામ તો મહેશ છે પણ લોકો મને “બાબુ બુટ પોલીસ વાળો “ તરીકે ઓળખે છે.હું મણીનગરની દક્ષિણી સોસાયટી નજીકની એક ઝૂપડપટ્ટીમાં રહું છું. વર્ષો પહેલાં મારાં માતા-પિતા પેટીયું રળવા રાજસ્થાનથી અમદાવાદ આવી આ ઝૂપડપટ્ટીમાં રહેતા હતા.તેઓ લાકડાની હાથ લારી ખેંચી એની મજુરીની આવકમાંથી ઘરનો નિભાવ કરતા હતા.એક વાર મારા પિતા એમની હાથલારી લઈને રોડ પર જતા હતા ત્યારે એક ટ્રક સાથે થયેલ અકસ્માતમાં મૃત્યું પામ્યા હતા.રોજ મારા પિતા અને મારી માતા એમ બન્ને લારી લઈને જતાં.પરંતુ મારી માને એ દિવસે તબિયત ઠીક ન હતી એટલે પિતા એકલા ગયા હતા અને એ જ દિવસે આ અકસ્માતમાં મૃત્યું પામ્યા.પિતાના અકળ અને અકાળ અવસાનથી મારી માને મોટો માનસિક આઘાત લાગ્યો .પિતાના મૃત્યુ માટે હું જ જવાબદાર છું હું સાથે હોત તો આ ના બન્યું હોત એવા ખોટા વિચારો કર્યા કરતી.લોકો એને સમજાવતા જે બનવાકાળ હતું એ બની ગયું એમાં તારો કોઈ દોષ નથી.છેવટે આવા વિચારોમાં એણે એની માનસિક સમતુલા ગુમાવી દીધી અને પાગલ બની ગઈ .મારા કુટુંબમાં આ પાગલ વિધવા મા સિવાય મારાથી એક મોટી બહેન અને નાનો ભાઈ છે.નાનો ભાઈ પણ બુટ પોલીસ કરવા જાય છે.બહેન કોઈના બંગલામાં છૂટક કપડાં, વાસણ સાફસૂફીનું કામ જો મળે તો કરવા જાય છે.બે ભાઈઓની બુટ પોલીસની કમાણી અને બહેનની છૂટક મજુરીની આવકમાંથી કુટુંબનું માંડ માંડ ગુજરાન ચાલે છે.”

મેં એને પૂછ્યું :” તને કોઈ દિવસ એમ નથી થતું કે તારી ઉમરના બીજા છોકરાઓની જેમ હું પણ અભ્યાસ કરવા નિશાળમાં જાઉં ?“

છોકરો બોલ્યો :”સાહેબ, નિશાળમાં ભણવા જવાનું મન તો બહુ જ થાય છે પણ કેવી રીતે જાઉં ? કારણ કે ઘરખર્ચ અને અમારી મીનીમમ જીવન જરૂરીઆતો પાછળ ખર્ચ કર્યા પછી અમારી પાસે કોઈ જાજી રકમ બચતી નથી.”

એની વાતને આગળ ચલાવતાં છોકરાએ કહ્યું :” મારે બુટ પોલીસનાં સાધનો મુકવા અને બુટ પોલીસ કરાવતી વખતે ગ્રાહકોને પગ ટેકવવા માટે લાકડાની પેટીની જરૂર છે પણ એ લાવવા માટે પૂરતા પૈસા ભેગા થઇ શકતા નથી એટલે આ કપડાની થેલીથી કામ ચલાવી આ રીતે ગાડીના ડબે ડબે ફરવું પડે છે.મારી પાસે જો લાકડાની પેટી હોય તો કોઈ સારી મોખાની જગાએ  બેસીને સારી કમાણી કરી શકું.”

છોકરાની આ વાત સાંભળીને મને એના પ્રત્યે હમદર્દી થઇ આવી. મેં એને પૂછ્યું “ આવી પેટી લાવવા માટે તારે કેટલી રકમ જોઈએ ?”

છોકરાએ કહ્યું :”સાહેબ,પેટી લાવવા માટે જો કોઈ જગાએથી ૫૦૦ રૂપિયાની લોન મળી જાય તો મારું કામ થઇ જાય “.

આ છોકરો જે નિખાલસ ભાવે વાત કરતો હતો એના પરથી એ કોઈ જાતની બનાવટ કરતો હોય એમ મને ના લાગ્યું .મેં મારા વોલેટમાંથી ૫૦૦ રૂપિયા કાઢીને એ છોકરાને આપતાં કહ્યું “ લે આ પૈસા.એને લાકડાની પેટી લાવવા માટે જ વાપરજે , બીજે આડા અવળા રસ્તે ખર્ચી ના નાખતો. “

આ ગરીબ ચીંથરેહાલ કિશોરની ખાનદાની તો જુઓ.એના હાથમાં પૈસા લેતાં મને કહે :”સાહેબ, મને તમારું સરનામું આપો.હું દર મહીને તમારે ત્યાં આવીને જે બચશે એ પૈસા પાછા આપીને આ રકમ ચૂકતે કરી દઈશ.”

મેં હસીને ના પાડતાં કહ્યું “પાછા લેવા તને લોન તરીકે પૈસા નથી આપ્યા .મારા તરફથી આ એક તને એક નાની ભેટ સમજજે.”

છોકરાની બોલવાની ચપળતા જોઈ મને મનમાં થયું આ છોકરાને શાળામાં જઈને  અભ્યાસ કરવાની જો સગવડ મળે તો જીવનમાં આગળ વધી શકે એવો હોશિયાર જણાય  જણાય છે.એક ચીંથરે વીંટયા રતન જેવો આ છોકરો છે.મારા પિતાની નબળી આર્થિક સ્થિતિમાં મારા કિશોર કાળના દિવસોમાં હું અભ્યાસ કરતો હતો એ દિવસો મને યાદ આવી ગયા.મેં એ કિશોરને પૂછ્યું “તારે શાળામાં અભ્યાસ કરવા જવું છે ?”

ફરી આશ્ચર્ય સાથે મારી સામે જોતાં એણે જવાબ આપ્યો “સાહેબ, મેં તમને આગળ કહ્યું એમ મને અભ્યાસ કરવાનું તો બહુ મન થાય છે પણ મારી પાસે એ માટે પૈસાની કોઈ સગવડ તો હોવી જોઈએ ને .”

મેં ખિસ્સામાંથી મારા અમદાવાદમાં રહેતા ખાસ મિત્ર કે જેમને ત્યાં હું રહેતો હતો એનું વીઝીટીંગ કાર્ડ એને આપતાં કહ્યું “મારે એક અઠવાડિયા પછી અમેરિકા પાછા ફરવાનું છે.લે મારા મિત્રનું આ કાર્ડ તારી પાસે સાચવી રાખજે. તારી નજીકની કોઈ સ્કુલમાં અભ્યાસ કરવા માટે જલ્દી તું દાખલ થઇ જજે અને તારી સ્કુલ ફી, પુસ્તકો વિગેરે ખર્ચ માટે મારા આ મિત્રને મળતો રહેજે .તને એ બધી જ મદદ કરે એમ હું એને કહેતો જઈશ.તારા ઘર ખર્ચમાં પણ વાપરવા પૈસા જોઈએ તો પણ એ પણ તને આપશે.મને તારામાં વિશ્વાસ છે કે તું ખોટા રસ્તે પૈસા નહિ વાપરે .”

છોકરો બોલ્યો :”ના સાહેબ, એવું હું કદી નહિ કરું. આ મદદનો ઉપયોગ કરીને હું બરાબર અભ્યાસ કરીશ અને મારા કુટુંબને ગરીબીમાંથી બહાર લાવવા માટે હું પૂરો પ્રયત્ન કરતો કરીશ.”

ગાડી ઉપડવાનો સમય થઇ ગયો હતો.બુટ પોલીસના સાધનોની થેલી એના ખભે ભરાવીને ડબામાંથી પ્લેટફોર્મ ઉપર ઉતરી હું જ્યાં બેઠો હતો એ બારી આગળ આવી એ ઉભો રહ્યો.મારા પ્રત્યે આભારની લાગણી જાણે વ્યક્ત કરતો ના હોય એવા મુક “થેંક્યું “ ના ભાવથી મુખ પર સ્મિત સાથે જોઈ રહ્યો હતો .” ગાડી ચાલુ થઇ અને મેં એને હાથ હલાવી વિદાય આપી ત્યારે એને છેલ્લે જોયો હતો.

ડોલરિયા દેશ અમેરિકાના વૈભવી અને ભભકભર્યા માહોલમાં બાર વર્ષ પહેલાંની મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન રેલ ગાડીના સેકન્ડ ક્લાસના ડબામાં એક ચીંથરેહાલ બુટ પોલીસ કરતા છોકરાએ થોડી મીનીટોમાં કરાવેલ ગરીબાઈનાં નગ્ન દર્શનનો એ પ્રસંગ લગભગ મને વિસરાઈ જ ગયો હતો.

બાર વર્ષ પહેલાંનો પેલો “બાબુ બુટ પોલીસવાળો “આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઓફિસર તરીકેની એની ખુરશીમાં બેસી ખુશ ખુશાલ મુખે એક ગ્રાહક તરીકે મારી સાથે વાત કરી રહ્યો હતો ! મારી અમેરિકાની ડોલરની કમાણીની સરખામણીમાં એક ચીંથરે વીંટયા રતન માટે કરેલી માત્ર નજીવી મદદ એના અને એના કુટુંબીજનોના જીવનમાં જે ખુશીઓ લઇ આવી એ જાણીને એ વખતે આ બેંક ઓફિસર કરતાં  વિશેષ મારા મનમાં ખુશી અને ઊંડા સંતોષની જે લાગણી થઇ હતી એને વ્યક્ત કરવા માટે શબ્દો કામ લાગે એમ નથી.  

 

( 893 ) સ્વ.કુસુમબેન વિ.પટેલની ૨૪ મી વાર્ષિક પુણ્યતિથીએ હાર્દિક સ્મરણાંજલિ

અમારા ત્રીસ વર્ષના સુખદ દામ્પત્ય જીવન પછી તારીખ ૧૪મી એપ્રિલ,૧૯૯૨ ના એ કરુણ દિવસે મારાં ધર્મપત્ની કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસની લાંબી માંદગી બાદ, અમદાવાદના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન થયું હતું .આ દુખદ પ્રસંગને આજ કાલ કરતાં ૨૪ વર્ષ થઇ ગયાં ! સમય સમયનું કામ કર્યે જાય છે.  

ઋણાનુંબંધ ઓછા પડ્યા,જિંદગીના માપદંડો ય ટૂંકા પડ્યા,

ભરપુર વસંત ખીલી હતી ત્યાં જ , પાનખર બની ખરી ગયાં !

આજે ૧૪મી એપ્રિલ ૨૦૧૬ ના દિવસે સ્વ.કુસુમબેનની ૨૪ મી વાર્ષિક પુણ્યતિથીએ એમને હાર્દિક સ્મરણાંજલિ આ પોસ્ટ દ્વારા આપું છું.

 

 

સ્વ.કુસુમબેન વિનોદભાઈ પટેલ
(જન્મ-ફેબ્રુઆરી ૧,૧૯૩૮ …….સ્વર્ગવાસ-એપ્રિલ ૧૪,૧૯૯૨)

હાર્દિક કાવ્યાંજલિ

ગોઝારા એ કરુણ દિને હૃદય અમારાં ભગ્ન થયાં હતાં, 

પ્રભુએ એના ઘરે જ્યારે તમોને બોલાવી લીધાં હતાં .

નશ્વરદેહ તમારો ભલે પંચ મહાભૂતમાં ભળી ગયો,

મનથી તો અમારી નજીક છો એવું અમોને લાગે સદા.

વેદનાઓ, કષ્ટો સહ્યાં અત્યંત ધીરજથી, બેશબ્દ રહી,

જીવન અને મૃત્યુંને પણ ખરેખર તમે જીતી ગયાં.

પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના,

તસ્વીરો જોઈ તમારી, તાજાં થતાં અમને સૌ સંસ્મરણો.

શબ્દો ઓછા પડે ખરે ગણવા ઉપકારો અમ પર આપના,

ચોવીસમી પુણ્યતિથીએ અર્પું, શ્રધાંજલિ અલ્પ શબ્દો થકી.

૧૪મી અપ્રિલ,૨૦૧૬ —વિનોદ પટેલ

“કુસુમાંજલિ “ -ઈ બુક

ગયા વરસે સ્વ.કુસુમબેનની ૨૩મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એ સ્વર્ગીય આત્માની સુવાસિત સ્મૃતિ સચવાય એ હેતુથી પ્રતિલિપિ ના સહયોગમાં “કુસુમાંજલિ “ નામની એક ઈ-બુક બહાર પાડવામાં આવી હતી.

કભી ખુશી,કભી ગમનો અહેસાસ કરાવતા અમારા ૩૦ વર્ષના દામ્પત્ય જીવનના અનેક પ્રસંગોની સ્મૃતિઓ એમાં તમને આમુખ -પ્રસ્તાવના ,સ્વ. કુસુમબેનની સચિત્ર જીવન ઝરમર અને મારું જીવન વૃતાંત,ભજન સંગ્રહ વી.આ આ ઈ-પુસ્તકમાંથી વાંચવા મળશે .

ઉપરાંત મારા ગુજરાતી બ્લોગ “વિનોદ વિહાર”માં પ્રકાશિત મારા સ્વ-રચિત ઘણા લેખો, વાર્તાઓ, કાવ્યો ,ચિંતન લેખો વી.માંથી મારી પસંદગીની રચનાઓનો પણ એમાં સમાવેશ કરી કુસુમબેનની ૨૩મી પુણ્યતિથીએ એમની યાદમાં “કુસુમાંજલિ” ઈ-બુક દ્વારા શ્રધાંજલિ આપવામાં આવી હતી.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને આ ઈ-બુકને વાંચી શકાશે.

kusumaanjali- big-2

આજના દિને મને ગમતી પાંડીચેરી અરવિંદ આશ્રમનાં શ્રી માતાજી રચિત એક પ્રાર્થના

પ્રાર્થના
હે પ્રભુ ! હે પરમાત્મન ! હે ગુરુદેવ !
મારા સર્વ વિચારો,મારી સર્વ ઉર્મિઓ,
મારા સર્વ મનોરથો મારા દેહનું અણું એ અણું,
મારા લોહીનું બિંદુએ બિંદુ તારામય હો.
તારા જગતની સેવા માટે હો.

હે પ્રભુ ! તારી ઈચ્છા એ મારી ઈચ્છા હો,
મારા જીવનને તારી ઈચ્છા મુજબ બનાવ,
મારા જીવનમાં જે કંઇ સંજોગો નિર્માણ કરીશ,
ભલે તે સુખ કે દુખના હોય, લાભ કે હાનિના હોય,
હર્ષ કે શોકના હોય, અરે ! જીવન કે મૃત્યુના હોય ,
તો પણ તે બધા સંજોગો મારા કલ્યાણને માટે જ
તેં સર્જ્યા છે તેવી મારી શ્રદ્ધા અખંડ રહો.

—–શ્રી માતાજી (અરવિંદ આશ્રમ ,પાંડિચેરી)

गीता सार
Gita sar

 જિંદગીની આ તો કેવી છે કરુણતા કે,

નજર સમક્ષ રોજ  રહેતાં  પ્રિય જન,

એક દિન છબીઓમાં મઢાઈ જાય છે ! 

વિદાય થાય પણ યાદો રહી જાય છે!

વિનોદ પટેલ