અમદાવાદ ..તારીખ ૨૫ મી મે ૨૦૧૮ ના રોજ સિદ્ધહસ્ત હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. વિનોદ ભટ્ટને સાંભળવા અને વાંચવાની એક અલગ મજા છે.તેમની હાજરી માત્ર ગમે એવા ગંભીર માણસને ગેરન્ટીથી હસતા કરી દેતી હતી.ગમે તેની પણ ટીકા કરે તો પણ સામે વાળાને ખોટું ન લાગે અને વાત વાતમાં પીઠમાં સોળ ઉઠી જાય એવા ચાબખા હસતા હસતા મારી દે તેનું નામ વિનોદ ભટ્ટ.
ખાસ કરીને કેટલાક કાર્યક્રમોમાં ગુજરાતના મુખ્યમંત્રીઓ અંગે કહેલી વાતોમાં તેઓ ખૂબ ખીલતા હતા અને તેમની સેન્સ ઓફ હ્યુમરને સલામી કરવાનું મન થાય એવી જોવા મળતી હતી.
આજે divyabhaskar.com વિનોદ ભટ્ટના ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથેના કેટલાક અનુભવો અંગે જણાવી રહ્યા છીએ. જેમાં પીએમ મોદી અંગે અનેક રોચક વાતો જણાવતાં કહ્યું હતું કે, હવે મોદી સોરી કહેવાનું ભુલી ગયા છે, અને વાંક હોય તો પણ સોરી કહેતા નથી.
જ્યારે વિનોદ ભટ્ટે કહ્યું’તું હવે મોદી વાંક હોય તો પણ સોરી કહેતા નથી
થોડો વખત નરેન્દ્રભાઈ ગુપ્તવેશે ફરતા,એકવાર મારી ઘરે આવેલા,હું એમને ઓળખી શક્યો નહી,આજે પણ એમને કોઈ ઓળખી શકતું નથી.
નરેન્દ્ર મોદી
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીને વિનોદ ભટ્ટે હસતાં હસતાં ઘણું કહી દીધું હતું. વિનોદ ભટ્ટે કહ્યું હતું કે, આજે છે એવા પહેલાં નહોતા. મારે એમની સાથે પરિચય દોસ્તી એવું ના કહેવાય. કહેવત છે ને રાજા કોઈનો મિત્ર હોતો નથી. ઘરે આવે ત્યારે મારી પત્ની પૂછે,શું જમશો ? નરેન્દ્રભાઈ કહે, તમને રાંધવામાં અને મને ખાવામાં તકલીફ ન પડે એવું કંઈ પણ ચાલશે,પછી કહે શીરો ચાલશે.
”આજે પણ મોદીને કોઈ ઓળખી શકતું નથી”
થોડો વખત નરેન્દ્રભાઈ ગુપ્તવેશે ફરતા. એકવાર મારે ઘરે આવી ચઢેલા, હું એમને ઓળખી શક્યો નહોતો. આજે પણ એમને કોઈ ઓળખી શકતું નથી. પછી તો એ બહુ મોટા બની ગયા. એવું કહેવાય છે કે શાર્પશૂટર એમને મારવા ફરતા હોય છે. એક કાર્યક્રમમાં એ આવવાના હતા અને મારે પણ જવાનું હતુ. પત્ની કહે તમે હરખપદુડા થઇ એમની બાજુમાં બેસતા નહીં .ન કરે નારાયણ શાર્પશૂટર નિશાન ચૂકે ને તો એમની પાછળ કોઈ રડનાર નથી, તમને કંઈ થઇ જાય તો અમારું કોણ.
રાયપુરમાં એ સ્કૂટર પર સામેથી આવતાં મને જોયો, હાથ બતાવ્યા વગર એમણે સ્કૂટર વાળ્યું . એક સાયકલવાળો અથડાતાં બચ્યો. નરેન્દ્રભાઈએ વિનમ્રતા સાથે એને સોરી કહ્યું.હવે તેઓ સોરી કહેવાનું ભૂલી ગયા છે. વાંક હોય તો પણ સોરી કહેતા નથી .
હવે, વિનોદ ભટ્ટે કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને માધવસિંહ સોલંકી અંગે કરેલી વાતો
આગળ ગયા એ બે જણા કોણ હતા? એમ.એફ. હુસેન અને રવિશંકર, બાપાએ પૂછ્યું, એ બે કોણ છે?
કેશુભાઈ પટેલ
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અંગે વાત કરતાં વિનોદ ભટ્ટે કહ્યું હતું કે, કોઈ એમ નહીં કહે કે કેશુભાઈ મારી સાથે કોલેજમાં ભણતા હતા.(કેશુભાઈ પ્રીપ્રાઈમરી ન હતા).
કેશુબાપાને મુંબઈમાં એક પાર્ટીમાં જવાનું થયું. બાપા પાર્ટીના ગેટ પર પહોંચ્યા. આ પહેલાં એમ.એફ.હુસેન પહોંચેલા.આપની ઓળખાણ હું એમ.એફ.હુસેન, શું કરો છો? ચિત્રકાર છું. ચિત્ર દોરી બતાવો. એમ.એફ.હુસેન ગજગામિનીનું પેઇન્ટિંગ દોર્યું. ઓ.કે. યુ કેન ગો.એમના પછી સિતારવાદક પંડિત રવિશંકર હતા.એમને સિતાર વગાડ્યા બાદ પ્રવેશ મળ્યો. હવે વારો આવ્યો કેશુબાપાનો. તમે કોણ બાપાએ પૂછ્યું મારી આગળ ગયા એ બે જણા કોણ હતા? એમ.એફ. હુસેન અને રવિશંકર, બાપાએ પૂછ્યું, એ બે કોણ છે? પેલાએ ચુપચાપ બાપાને જવા દીધા.
પુસ્તક વાંચીમાધવસિંહ કહે વિનોદ તારામાં ભારે હિંમત. તમારે ખરેખર અફેર હતું !
માધવસિંહ સોલંકી
દિવંગત વિનોદ ભટ્ટના શબ્દોમાં ”માધવસિંહ સોલંકીએ ‘વિનોદની નજરે’ ક્યાં મળે એવું મને પૂછ્યું? મેં કહ્યું હું મોકલીશ. મેં ભાગ્યેશ જ્હા દ્વારા બૂક મોકલી. આ પુસ્તક વાંચી માધવસિંહ કહે વિનોદ તારામાં ભારે હિંમત. તમારે ખરેખર અફેર હતું.મેં કહ્યું હું 80નો એ 92ની. એને કાને સંભળાતું નથી, આંખે દેખાતું નથી. પહેલાં સકામ ભાવે અફેર હતો, હવે સકાન ભાવે અમારી વચ્ચે સ્નેહ–ભાવ છે.
વસુબહેનને ખબર છે? મેં કહ્યું, મેં પૂછ્યું નથી. વસુબહેન ભટ્ટ યુવાનીમાં સુંદર, ઘરેથી સ્કૂલે ભણવા અને ભણાવવા જે રસ્તેથી જાય ત્યાં લોકો તેની એક ઝલક જોવા વહેલી સવારે ઉઠી જતા હતા. વસુબહેન રેડિયો ડિરેક્ટર થયાં . એકવાર હું અને વેણીભાઈ પુરોહિત (તારી આંખનો અફીણી ફેમ)બેઠા હતા. વસુબહેન આવતાં દેખાયાં . વેણીભાઈ ચશ્મા ઉતારી ધોતિયાની કિનારીથી લુંછવા માંડયા. હું બોલ્યો, ”વેણીભાઈ હવે રહેવા દો.ઘરડા થયા”. વેણીભાઈ કહે હું ઘરડો થયો છું. એ ક્યાં થઈ છે. મેં આ કિસ્સો લખ્યો. વેણીભાઈ ખીજાણા. તેં મને ઘરડો જ કેમ ચીતર્યો.
શંકરસિંહ વાઘેલા વિનોદ ભટ્ટથી ભણવામાં બે વર્ષ પાછળ હતા. સમય જતાં તેઓ સી.એમ થયા
શંકરસિંહ વાઘેલા
વિનોદ ભટ્ટે શંકરસિંહ અંગે રસપ્રદ વાત કરતાં જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા બાપુ એમનાથી ભણવામાં બે વર્ષ પાછળ હતા. સમય જતાં તેઓ સી.એમ થયા. એકવાર મળ્યા, વિનોદ કંઈ કામકાજ હોય તો કહેજે. મેં કહ્યું ગુજરાતી સાહિત્ય પરિષદ ખાનદાની ખોરડું છે. પગાર કરવાના ફાંફાં છે. થોડા દિવસ પછી ફોન આવ્યો, કાલે બાર વાગે આપણે સાથે લંચ લઈશું.
હું ,રઘુવીર ચૌધરી અને પ્રકાશ ન. શાહ ગયા. કેટલુ ડોનેશન જોઈએ? મેં કહ્યું પચાસ લાખ. તેમણે સંબંધિત અધિકારીને બોલાવી ભાષણ આપ્યું. એકાવન લાખનો ચેક હાથમાં આપતાં કહ્યું, સીધો બેંકમાં જઈને જમા કરાવી દે! કાલની ખબર નથી. અમે બેંકમાં દોડયા, રઘુવીર કોષાધ્યક્ષ એ પૂછે, અંગ્રજીમાં લેખનો સ્પેલિંગ. મેં કહ્યું ચેકમાં લખ્યો છે એ લખી દે, એકાવન પછી મીંડા કેટલા? મેં કહ્યું ચેકમાં જોઈલે! અમે બઘવાયા થઇ ગયા હતા .
જ્યારે શંકરસિંહને એક પત્રકારે ધ્રાંગધ્રાનો સ્પેલિંગ પૂછ્યો
બાપુ સી.એમ બન્યા. બાદ લંડનથી પત્રકારો એમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા. બાપુના પી.એ.ને ફોન કર્યો. બાપુ સૂતાસૂતા છાપું વાંચતા હતા. પી.એ.એ ઇન્ટરવ્યુ માટે બાપુને પૂછ્યું. બાપુએ નનૈયો ભણ્યો.પી.એ.એ સમજાવ્યા, બાપુ વિદેશથી પત્રકારો આવ્યા છે. આપ દુનિયાભરમાં છવાઈ જશો. બાપુ કહે કાલ સાંજે ધ્રાંગધ્રામાં પાંચ વાગે મારી સભા છે, સભા પતે પછી ઇન્ટરવ્યુ આપીશ. પી.એ. લંડનના પત્રકારોને બાપુનો મેસેજ કહ્યો. સામે છેડેથી એક પત્રકારે ધ્રાંગધ્રાનો સ્પેલિંગ પૂછ્યો? પી.એ.એ બાપુને પૂછ્યું? બાપુ સલવાયા. બાપુ કહે એમ કર આઠ વાગે બોટાદમાં સભા છે ત્યારે ઇન્ટરવ્યુ આપશે એમ કહી દે.
વિનોદ ભટ્ટના અવસાન બાદ ઘણા લેખકોએ એમને અંજલિ રૂપે એમના વિષે જુદા જુદા સમાચાર માધ્યમોમાં લખ્યું છે.જાણીતા લેખક શ્રી રમેશ તન્નાએ એમના ફેસ બુક પેજ પોઝિટિવ મિડિયા માટે વિનોદ ભટ્ટની જ શૈલીમાં એક લેખ” વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં” લખ્યો છે અને એ રીતે એમના માનીતા હાસ્ય લેખકને અનોખી રીતે અંજલિ આપી છે.
શ્રી રમેશભાઈ ના આભાર સાથે વિનોદ વિહારની આજની શ્રધાંજલિ પોસ્ટમાં આ લેખ નીચે પ્રસ્તુત છે.આ લેખ પછી સ્વ.વિનોદ ભટ્ટ વિષેના બીજા બે લેખોની પી.ડી.એફ.પણ જરૂરથી વાંચશો.
વિનોદ પટેલ
વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં…આલેખનઃ રમેશ તન્ના
ગઈ કાલે યમરાજ પોતે વિનોદ ભટ્ટને લેવા આવ્યા. તેમના નિવાસસ્થાને પહોંચ્યા. મનોમન બોલ્યા, ઘોર કળિયુગમાં આ માણસ ‘ધર્મયુગ‘માં રહે છે. કમાલનો માણસ લાગે છે !
વિનોદભટ્ટ તો જવા તૈયાર જ હતા. યમરાજાએ ધર્મયુગ કોલોની બહાર પાડો પાર્ક કરેલો. બન્ને ચાલતા ચાલતા સોસાયટીના ઝાંપે આવ્યા.
વિનોદ ભટ્ટ સોસાયટીના મુખ્ય ઝાંપે પાછા ફરીને ઊભા રહ્યા. પોતાનું ઘર, સોસાયટીની શેરી, અન્ય બંગલાઓ જોતા રહ્યા.
યમરાજા બોલ્યાઃ રહેવું છે હજી થોડાં વર્ષ ?
ના, ભઇલા ના, હવે બહું થયું, કૈલાસ ગઇ, હમણાં નલિની ગઇ,તેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે. અને જો યમરાજભાઈ, અહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. પછી વિનોદભાઇ કહે,” ચાલો,તમતમારે… આપણે રેડી છીએ.”
યમરાજા કહે, ઊભા રહો, માવો ખાઇ લઉં.
“હા, એ પહેલું હો.. માવો ખાધા વિના વાહન ના ચલાવી શકાય, તો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે. બાય ધ વે, હમણાં સૌરાષ્ટ્ર બાજુ કામ બહું રહેતું લાગે છે.”
યમરાજા આંખો પહોળી કરીને કહે, અરે, તમને કેવી રીતે ખબર પડી.
” ખબર તો પડી જ જાય ને. આ માવાની લત ત્યાંથી જ લાગે, અને તમારા દાંત પણ લાલ થઇ ગયા છે. આ તમારા પાડાને નથી ખવડાવતા ને ! “
યમરાજા હસી પડ્યા, ના, ના, પાડો તો નિર્વ્યસની છે. લીલા ઘાસ વિના બીજું કશું ખાતો નથી. વિનોદભાઈ કહે, અમારા દેશના રાજકારણમાં દાખલ કરી દો, બધુ ખાતો થઈ જશે.
એયને પછી તો વિનોદ ભટ્ટ પાડા પર, યમરાજાની પાછળ બેસીને પહોંચ્ચા યમલોકમાં. યમરાજાએ વિનોદ ભટ્ટને ચિત્રગુપ્તને સોંપતાં કહ્યું- આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.
*
ચિત્રગુપ્તે મોટો ચોપડો કાઢ્યો.
પૂછ્યું, નામ ?
“વિનોદ”
“કેવા ? “
“એવા રે અમે એવા”
“એમ નહીં, જ્ઞાતિએ કેવા ?”
” અહીં પણ લોકશાહી છે? અહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “
“ભાઇ, આખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ67,583 છે.”
“વિનોદ ભટ્ટ હસીને કહે છે, હવે 67,582 થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”
ચિત્રગુપ્તે ચોપડો ફંફોસવા માંડ્યો.
બોલ્યો,” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”
“વધારે લખાઇ ગયું છે? ઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”
ચિત્રગુપ્ત થોડો અકડાયો, વિનોદભાઇ, જે ઓછું કે વધુ નહીં,પણ ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વે, તમે તો લોકોને બહુ હસાવ્યા છે.”
“વિનોદ ભટ્ટે ચિત્રગુપ્તના ખભા પર હાથ મૂકીને કહ્યું, જો દોસ્ત, લખવાનું કામ આપણું, હસવાનું કામ વાચકોનું.”
ચિત્રગુપ્ત ગળગળો થઇ ગયાઃ સાહેબ, મેં પણ તમને બહુ વાંચ્યા છે.
આંખ મીંચકારીને વિનોદભાઈ કહે તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો.
સાહેબ, તમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે.
અચ્છા તો તું ગુણવંત શાહને પણ વાંચે છે એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરતો. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો તેમને તકલીફ પડે.
સાહેબ, આ બધુ તમારે ઉપર, યમરાજાને કહેવું પડે. હું તો હિસાબનો માણસ. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો. ચિત્રગુપ્ત (પોતાના) નાક પર આંગળી મૂકીને કહે છે હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.
ચિત્રગુપ્તને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે વિનોદભાઇ કહે, તમે યાર, હજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.
ચિત્રગુપ્તે ચશ્માં સરખાં કરતાં કહ્યું,”જીવભાઈ, એ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છે, પણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશે, આપણે ખોટી મહેનત કરવી.”
વિનોદ ભટ્ટ હસતાં હસતાં કહે,”એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…
ચિત્રગુપ્ત હસતાં હસતાં કહે,” નર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”
વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી?
“ના, અહીં અકાદમી-પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”
“તો ભઇલા, ત્યાં લઇ લે. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તો‘દિવ્યભાસ્કર‘માંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”
“તમે કહેતા હોય તો, તેમને અહીં બોલાવી લઇએ.”
“ના, ના. “
બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રગુપ્ત પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,”તમને જ્યોતિન્દ્ર દવે વગેરે યાદ કરે છે, જાઓ, સ્વર્ગલોકમાં સિધાવો.”
*
ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છે,લતાઓ અને વનલતાઓ, અનેક પ્રકારના છોડ, નાનાં-નાનાં પ્રકારનાં પુષ્પો, ફૂલ-ઝાડથી વાતાવરણ છલકાઇ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છે, તેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છે, તારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે.
બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. વિનોદ ભટ્ કહે છે.
” અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છે? વિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”
“નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ અમને હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” જ્યોતિન્દ્ર દવે બોલ્યા.
“વિનોદ, તમે બહું સૂકાઇ ગયા લાગો છો ? ” બકુલ ત્રિપાઠીએ વિનોદભાઇના દેહ પર નજર કરતાં કહ્યું.
“બકુલભાઇ, સૂકાઇ ગયો એટલે તો અહીં આવ્યો, નહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત ? પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”
વચ્ચે થોડી વધી હતી, પણ પછી તમે અહીં આવવાના હતા એટલે ઓછી કરી નાખી.. બકુલ ત્રિપાઠીએ હસતાં હસતાં જવાબ આપ્યો.
તારક મહેતાએ વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી કહ્યું,” સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”
“તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે ? અહીં તો પરમેનેન્ટ મજા નથી હોતી ?”
“પહેલા એવું હતું, પણ ટીવીનાં કનેકન્શન લીધા પછી સ્થિતિ બદલાઇ છે.”જ્યોતિન્દ્રભાઇ બોલ્યા.
તારક મહેતા કહે, બોરીસાગર કેમ છે ?
“એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. ડોક્ટર રમેશ કાપડિયાએ શીખવાડેલું શવાસન દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં 30-35 વર્ષ અહીં આવે તેમ લાગતું નથી!” વિનોદભાઇએ જવાબ આપ્યો.
એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ. જ્યોતિન્દ્ર બોલ્યા. પછી કહે, જોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખ, અશોક દવે, શાહબુદીન રાઠોડ, નિરંજન ત્રિવેદી, લલિત લાડ, ઉર્વિશ કોઠારી, અક્ષય અંતાણી, ડો. નલિની ગણાત્રા, જગદીશ ત્રિવેદી, મંગલ દેસાઈ આ બધા લખી રહ્યા છે.
જ્યોતિન્દ્ર દવે બોલ્યા, તમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું 78એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા 87માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી 77મેં આવ્યા. મધુસુધન પારેખ 85 વર્ષે હજી જામેલા છે, આમ તો રતિલાલ બોરીસાગરને 80 થઇ ગયાં છે;પણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.
” ના, ના, બધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાય, થોડાને ત્યાં પણ રહેવા દો” બકુલ ત્રિપાઠી બોલ્યા.
ત્યાં એક છોકરો દોડતો-દોડતો આવ્યો, વિનોદ ભટ્ટ કોઈ કૈલાસબહેન અને નલિનીબહેન તમને યાદ કરે છે.
વિનોદ ભટ્ટ ઊભા થાય છે, ઉતાવળે પગલે જતાં જતાં બોલે છે, ઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.
—————————— —————————–
પોઝિટિવ મિડિયા માટે આલેખન.. રમેશ તન્ના 9824034475.
(નલિનીબહેન અને વિનોદભાઈની આ તસવીર, વિનોદભાઈના જન્મદિવસે, 14મી જાન્યુઆરી, 2018ના રોજ, અમદાવાદમાં તેમના નિવાસસ્થાનના આંગણામાં, આલાપ તન્નાએ લીધી હતી. આ વર્ષે આપણે આ બન્નેને ગુમાવ્યાં.)
સ્વ.વિનોદ ભટ્ટ વિશેના બીજા શ્રધાંજલિ લેખોની પી.ડી.એફ. …
૧. “કલમમાં વેદના ઘૂંટાઈને આવે ત્યારે લેખનનો સંતોષ થાય” વિનોદ ભટ્ટ સાથેની મુલાકાતના અંશો….. (મુલાકાત રમેશ તન્ના અને અનિતા તન્ના) /હાસ્ય લેખક વિનોદ ભટ્ટ ને શબ્દાંજલિ.
૨ વિનોદ ભટ્ટની મૃત્યુ વિશેની વાતમાં પણ ભરપૂર ‘વિનોદ’ હતો….24 મે 2018..સૌજન્ય …www.bbc.com/gujarati
ઉપરના લેખોની પી.ડી.એફ. વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
તારીખ ૨૭મી મે, ૨૦૧૮ ના દિવ્ય ભાસ્કર ના છેલ્લા પાને ” રસરંગ” વિભાગમાં સ્વ.વિનોદ ભટ્ટના જીવન અને એમના હાસ્ય સાહિત્ય વિષે સરસ માહિતી પ્રગટ કરવામાં આવી છે.
આની લીંક સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલી છે એને એમના અને સુ.શ્રી કોકિલા રાવળના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
સ્વ. વિનોદ ભટ્ટ અને એમના હાસ્યનું દર્શન કરાવતા કેટલાક વિડીયોનું દર્શન …. સ્મરણાંજલિ …
સ્વ. વિનોદ ભટ્ટના નિધનના દુખદ સમાચાર અને શ્રધાંજલિ વિશેની આ અગાઉની પોસ્ટના અંતે જણાવ્યા પ્રમાણે આજની પોસ્ટમાં એમના વિષે યુ-ટ્યુબ ચેનલોમાં અનેક વિડીયોમાંથી ચયન કરી કેટલાક મારી પસંદગીના વિડીયો નીચે મુક્યા છે.
વિનોદ ભટ્ટને અનેક સાંસ્કૃતિક સમારંભોમાં આમંત્રિત કરવામાં આવતા હતા અને જીવનના છેલ્લા સમય સુધી એમણે હાજરી આપીને શ્રોતાઓને ભરપુર આનંદ કરાવ્યો હતો એ આ વિડીયોમાંથી જોઈ શકાશે.આ વિડીયોમાં હાસ્ય અને કટાક્ષ તો છે જ પણ ગુજરાતી ભાષાને મરતી બચાવવા માટેના એમના દિલની વ્યથા પણ જોઈ શકાશે.આ રીતે આ વિડીયોમાં સ્વ. વિનોદ ભટ્ટના જીવનના વિવિધ પાસાંઓનો પરિચય હસતાં અને હસાવતાં એમણે આપણને કરાવ્યો છે.
ગુજરાત અને ગુજરાતી ભાષાના લોક લાડીલા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં બુધવાર, તારીખ ૨૩ મી મે, ૨૦૧૮ ના રોજ દુખદ નિધન થયાના માઠા સમાચારથી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વિનોદ ભટ્ટ છેલ્લાં કેટલાક સમયથી બીમાર હતા. બુધવારે 11.05 વાગ્યે વિનોદ ભટ્ટએ અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે સાડા ચાર વાગ્યે તેમની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે નિકળી હતી, બેન્ડવાજાએ રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન વગાડીને ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. વિનોદ ભટ્ટના દેહનું દાન એલ જી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
આપણા આ જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના દુખદ અવસાનથી ગુજરાત અને ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડશે.
પ્રભુ તેમના આત્મા ને શાંતી આપે … ઓમ શાંતી … શાંતી…શાંતી…🌺🙏🌺
સ્વ. વિનોદ ભટ્ટની જીવન ઝરમર અને એમના હાસ્ય સાહિત્ય નો પરિચય…વિવિધ સ્રોતમાંથી સંકલન કરીને … સદગત આત્માને શ્રધાંજલિ રૂપે …આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.
૭ શ્રી અંકિત ત્રિવેદીની સુંદર શબ્દોમાં સ્વ. વિનોદ ભટ્ટ ને આદરાંજલિ …
હાસ્ય ને પણ ખડખડાટ હસાવી શકે એવી વિરલ હસ્તી મુ.શ્રી વિનોદ ભટ્ટ પરમેશ્વરના હાસ્ય દરબારમાં સામેલ થઈ ગયા.
આદરાંજલી. ….. અંકિત ત્રિવેદી.
કેટલાક લખે ત્યારે કાગળનું નથી વિચારતા ! કેટલાક લખે ત્યારે કાગળનું પણ વિચારે છે…! કેટલાક લખે ત્યારે પેન કાગળને ભોંકાતી હોય છે. કેટલાક લખે ત્યારે કાગળને પોતાની પેન પંપાળતી હોય છે. કેટલાક લખે ત્યારે કોરા કાગળનું અકાળે મોત થયેલું લાગે ! કેટલાક લખે ત્યારે કાગળનો મોક્ષ થઈ જાય… વળી, કેટલાક કાગળની નારણબલી કરતાં હોય એમ લખે…! અને કેટલાક કાગળને અશોકનાં શિલાલેખ જેવી શાશ્વતી સમયનાં અક્ષરોને ઉકેલીને આપે…! એમની ભાષા સમાજનું દૂરબીન લાગે..!
વિનોદ ભટ્ટ આમાંનું એક નામ…! નામ પ્રમાણેના ગુણો અને અટક પ્રમાણેનું બ્રાહ્મણપણું…! જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા પછીની પેઢીનું બહુ મોટા કેનવાસ પર હાસ્યનું ચિત્રકામ કરી જાણ્યું છે. અત્યારે હાસ્ય પર ફાવટ એવી કે ડાબા હાથે લખે…! (એમને જમણા હાથમાં દૂ:ખાવાને કારણે ખરેખર ડાબા હાથથી લખે છે.) એમનું હાસ્ય જેટલું તરત સમજાય એટ્લે એમનાં અક્ષર ના વંચાય..! એ હાજરી અને ગેરહાજરી બંનેમાં વર્તાયા વિના રહે જ નહીં…!
સુરેશ દલાલની વિદાય પછી બહુ ઓછા સર્જકોને સામેથી ફોન કરવાનું ગમે છે. વિનોદ ભટ્ટ એમાંના એક અને અનન્ય. પુષ્કળ કાર્યક્રમો એમની સાથે કર્યા છે… અમદાવાદથી અમેરિકા સુધી… એવું કહેવું હોય તો કહી શકાય કે સંગીતના કાર્યક્રમો સહુથી વધારે પુરુસોત્તમ ઊપાધ્યાય જોડે કર્યા છે અને એ પછી સાહિત્યના કાર્યક્રમોમાં સુરેશ દલાલ પછી વિનોદ ભટ્ટ જ આવે…!
એકવાર મેં એમને અમસ્તાં જ પૂછેલું કે, ‘ વિ.જ.ભ. ( વિનોદચંદ્ર જશવંતલાલ ભટ્ટ – આખું નામ એમનું આ છે પરંતુ એમના મતે એમના સસરા પછી વિ.જ.ભ.ના નામે હું એકલો જ બોલાવું છું. ) હું તમારા દરેક કાર્યક્રમમાં આવું છું. તમે મારા કાર્યક્રમમાં કેમ નથી આવતા ?’
એમણે કહ્યું : ‘એક વાત સાંભળી લે. તું મારા બેસણામાં આવે એનો મતલબ એવો નહીં કે મારે પણ તારા બેસણામાં આવવાનું…!’
આટલો બે-ધબકારા વચ્ચેનાં અંતર વગરનો સહજ હાસ્ય સભર જવાબ કોણ આપી શકે ?
એટ્લે જ વિનોદ ભટ્ટ કહી શકે છે કે ‘મને મૃત્યુની બીક લાગે છે કારણ કે મને જીવનની પડી છે.’ માંદગી એમને માટે અવારનવાર આવતી એકાદશી જેવી છે. ઉંમરને કારણે ઘણીવાર ખબર કાઢવા આવતા મહેમાનની જેમ આવે અને ઘરધણી બનીને રોકાઈ પણ જાય…! તો ય એમનો તોર એવો ને એવો અકબંધ…! જેટલું જીવ્યા છે – અને જીવે છે એનું ગુમાન વિવેકી લાગે…!
જિંદગી એટલી બધી વ્હાલી જેમ ડાયાબિટીસના દર્દીને મીઠાઇ વ્હાલી ! આ દિવાળીમાં ડાયાબિટીસ હોવા છતાં હવે આવતી દિવાળી નહીં હોય એમ માનીને મીઠાઇ ઉપર જીભને ઝંપલાવી…! અને માંદા પડ્યા તો ય ઘરે રહીને માંદગીને પ્રેમ કર્યો… વિનોદ ભટ્ટ માને બધાનું (યોગ્યતા અનુસાર ) પણ કોઈ સલાહ આપે તો જરા વસમું લાગે…! સાહિત્યમાં હાસ્યની સ્થિતિ જેવું… આ જ માણસ કહી શકે કે માંદગી હોય ત્યારે બધા જ સલાહ આપે છે. જાણે ઢળતી ઉંમરે સલાહનું ટ્યુશન લેતો હોઉં એવું લાગે છે…!
હાસ્યની ઊપાસના કરનારા આ સાધક જીવને ક્યારેય ઉદાસ થતાં નથી જોયા ! ગુસ્સે થતાં જોયા છે. એ ગુસ્સો ક્ષણવારનો હોય પણ વાજબી હોય. એમના ગમા અને અણગમા સ્પષ્ટ છે. એ પોતે જ કહે છે કે જેટલું ધોધમાર જીવ્યો છું એટલું ધોધમાર ફરી જીવવા ન મળે તેનો સ્હેજ પણ અફસોસ નથી…! મૃત્યુને થોડાં સમયથી એમણે ભાઈબંધ બનાવ્યો છે. એટ્લે જીવવામાં રસ વધારે પડે છે. એમની પત્નીના હાથ નીચે ભણેલા ડોક્ટરો પર એમને વધારે વિશ્વાસ છે, કારણકે એ પોતે પણ એમની પત્નીને ‘માસ્તર’ કહીને જ સંબોધે છે…
આટઆટલાં પુસ્તકો, ભરચક કાર્યક્રમો અને ધોધમાર લોકોને મળ્યા પછી તાજા ગુલાબની સુગંધ જેવું હાસ્ય એટ્લે વિનોદ ભટ્ટ…! એમને યાદ એટ્લે કર્યા કે આ લેખ એ વાંચે અને નવી પેઢીના લેખકો-વાચકો એમનામાંથી માત્ર ને માત્ર હસતાં શીખે…! નિર્દોષ હાસ્ય ઈશ્વરની ગેરહાજરીને સભર કરી આપે છે… બાકી આ એ જ વિનોદ ભટ્ટ છે જે બોલતા હોય અને બાજુમાં પદ્મશ્રી ગુણવંત શાહ બેઠા હોય ત્યારે ઓડિયન્સની વચ્ચે માઈકમાં ગુણવંત શાહને એમ કહે કે “ ગુણવંતભાઈ હું બોલું છું તો બોર નથી થતા ને ?” ગુણવંત શાહ ‘ના’ પાડે પછી વિનોદ ભટ્ટ એટલું જ બોલે કે, ‘ જો બોર થતા હોવ તો જામફળ લાવીએ…!’ ત્વરીત હાસ્યનો તરવરાટ વિનોદ ભટ્ટનો વિશેષ છે… ગુજરાતી હાસ્ય વિનોદ ભટ્ટથી સવિશેષ છે…
ઓન ધ બીટ્સ
“ઘણા પુરુષોને એવી પત્ની જોઈએ છે કે ઘર રખ્ખું, રૂપાળી હોય, કરકસરિયણહોય અને ફક્કડ રસોઇયણ હોય… કમભાગ્યે કાયદો એક કરતાં વધારે પત્નીકરવાની છૂટ આપતો નથી…” -વિનોદ ભટ્ટ.
Laughing with Vinod Bhatt- Best Comedy-You Tube
વિવિધ આયોજિત પ્રોગ્રામોમાં હાસ્યની છોળો ઉછાળતા સ્વ. વિનોદ ભટ્ટના આવા બીજા you-tube વિડીયો આ પછીની શ્રધાંજલિ પોસ્ટમાં જોઈ/સાંભળી શકશો.
વાચકોના પ્રતિભાવ