વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: વેબ ગુર્જરી

( 964 ) વિરહીની વેદના અને મૂંઝવણ ….. કાવ્ય રચના …… ચીમન પટેલ

જિંદગીના આ મેળામાં કોઈ દૈવ યોગે જ જીવન સાથી મળે છે અને સાથે આ મેળાનો આનંદ માણે છે અને કુટુંબની જવાબદારીઓ સાથે સંભાળે છે.કમનશીબે  એવા સંજોગો સર્જાય  છે કે બેમાંથી કોઈ એક સાથી વિદાય લઇ લે છે.પ્રિય પાત્રની વિદાયથી એકલો બની ગયેલ સાથી જીવનમાં એકલતા અને એક પ્રકારની મૂંઝવણ અનુભવે છે.શરીરમાં ઘર કરી ગયેલ કોઈ એક રોગની માફક દિલમાંથી યાદો પુરેપુરી જતી નથી.સમય સાથે કોઈ વાર ભૂલી જવાય પણ પાછી યાદ તાજી થઇ જાય છે.પેલા હિન્દી ગીતમાં આવે છે ને કે “જાને વાલે કભી નહિ આતે ,પર જાને વાલેકી યાદ તો જરૂર આતી હૈ !”

આજની  પોસ્ટમાં પ્રસ્તુત શ્રી ચીમનભાઈના કાવ્ય “મૂંઝવણ “માં એમનાં જીવન સાથીની વિદાયની વિરહ વેદના અને એમના દિલની મૂંઝવણ છતી થાય છે એ સમજી શકાય એમ છે.જેને રામ બાણ વાગ્યાં હોય એ જ એને બરાબર જાણી શકે !કાવ્યને અંતે તેઓ કહે છે :

સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો;
વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!

chiman -niyantika

સ્વ.નિયંતિકાબેન સાથેની ચીમનભાઈની એક યાદગાર તસ્વીર  

હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલ હાલ ૮૨ વર્ષની ઉંમરના છે પણ એક યુવાનની જેમ સક્રિય છે.ચીમનભાઈનો પરિચય અને એમની અન્ય સાહિત્ય રચનાઓ એમના બ્લોગ “ચમન કે ફૂલ ” ની આ લીંક  પર ક્લિક કરવાથી વાંચી શકાશે.

મૂંઝવણ ….. ચીમન પટેલ

અણસાર આંખનો થાતાં જડી વાટ મને તારી,
ભરું છું ડગ ત્યાં ખસી રહી ભૂમી પગ તળે મારી!
આવવું હતું જો અહીં તો ગઈ શું આમ ચાલી?
કીધુ કાં ન, સરકી જવું’તુ દઈ મને હાથ તાલી!

તલસાવવા ધર્યો’તો શું ભરી ગ્લાસ પ્રિતનો?
કદી હિંચકે બેસી કીધો વિચાર મુજ હિતનો?
અબોલા લઈ અલબેલી થાય પરીક્ષા શું ઘેરી?
વાયો છે વંટોળ વડીલોનો કે થયું છે કોઈ વેરી?

સમજાય ના મુજને મુખ ફેરવે કાં જોઈ તું મને?
મૂંઝાઈ રહ્યું છે મન, થઈ ગયું છે પ્રિયે શું તને?
સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો;
વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!

ચીમન પટેલ “ચમન “

ચીમનભાઈ નું આ કાવ્ય ગુજરાતી ભાષાના જાણીતા બ્લોગ  ” વેબ ગુર્જરી ” માં  પણ પ્રગટ થયું છે.

આજની આ પોસ્ટના સંદર્ભમાં,વિનોદ વિહારની પોસ્ટ નંબર (859 )” એકલતા જ મારે માટે સ્વર્ગ છે.” માં મુકેલ કિશોર કુમાર રચિત હિન્દી ફિલ્મના મનપસંદ હિન્દી ગીતનો ગુજરાતીમાં કરેલ નીચેના કાવ્યાનુવાદનો આસ્વાદ પણ માણો.

હિન્દી ગીતનો અનુવાદ

આંખની પલકો પર કોઈ વાર આંસુ છે ,
મારા હોઠો પર કોઈક વાતની ફરિયાદ છે,
છતાં ઓ જિંદગી તારી સાથે મને પ્યાર છે .

જગમાં આવે છે એને માટે જવાનું નક્કી છે,
દુનિયા આગમન અને ગમનની જ કથા છે,
જગમાં આવતો દરેક જણ એક મુસાફર છે,
આ મુસાફરી એ જ જિંદગીનું બીજું નામ છે,
મારા જીવનમાં પ્રકાશની મને ખુબ જરૂર છે,
પણ મારા નશીબમાં અંધકાર જ લખાયો છે.

ભાગતી જિંદગી તું જરા થોભી જા,શ્વાસ લે,
તારું દર્શન કરી તને જરા ઓળખી લઉં ,
પહેલાં કદી જોયા ના હોય એમને જોઈ લઉં,
એમના તરફ મનભરીને મારો પ્રેમ દર્શાવી લઉં ,
ઓ જિંદગી મને છોડી રખે તું ભાગી જતી ,
મને આ સમયે ,અત્યારે, તારી ખુબ જરૂર છે.

કોઈ અજાણ્યો , એક માસુમ શો ચહેરો હાલ .
મારી કલ્પનાઓ અને નજર સામે રમી રહ્યો છે,
મારા આ ખામોશ રસ્તામાં કોની ઠેસ વાગે છે ,
ઓ મૃત્યુ આ સમયે તું મને ભેટવા ના આવીશ,
મારી એકલતા જ મારે માટે એક સ્વર્ગ જ છે.

અનુવાદ- વિનોદ પટેલ,૨-૨૭-૨૦૧૬

જે હિન્દી ગીતનો અનુવાદ ઉપર છે એ હિન્દી ગીતને નીચેના વિડીયોમાં કિશોરકુમાર ના કંઠે સાંભળો અને માણો .

( 851 ) અંતિમ પર્વ ….. સંપાદક: રમેશ સંઘવી/ મરણનું સ્મરણ …. વિનોદ પટેલ

જિંદગીના બે છેડા જન્મ અને મૃત્યુ વચ્ચે માનવીની જીવન યાત્રા ચાલતી રહે છે.જન્મ સાથે ઉપડેલી જીવન રૂપી રેલ ગાડી મૃત્યુંના અંતિમ સ્ટેશને અટકીને વિરામ પામે છે. સામાન્ય રીતે આપણે જીવન વિષે જેટલું વાંચીએ ,જોઈએ કે વિચારીએ છીએ એટલું જીવનના અંતિમ પડાવ વખતે માનવીને અનિવાર્ય રીતે ભેટતા મૃત્યુના વિષયને જોઈએ એવું મહત્વ આપવામાં આવતું  નથી.

શ્રી રમેશભાઈ સંઘવી લિખિત એમના સંકલિત પુસ્તક “અંતિમ પર્વ”માં મૃત્યુંને પણ એક પર્વ તરીકે એમણે સરસ પ્રસ્થાપિત કર્યું છે.મૃત્યું પણ જીવન જેટલો જ મહત્વનો વિષય છે અને એના પર પણ વિચાર કરવો જોઈએ એવો ભાવ આ સંકલન વાંચતાં એકંદરે ઉપસે છે. 

ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડતા વાંચક પ્રિય બ્લોગ વેબ ગુર્જરીમાં રમેશભાઈના આ પુસ્તકમાંથી દર રવિવારે હપ્તાવાર પ્રકાશિત થતા “અંતિમ પર્વ ” લેખ શ્રેણીનો છેલ્લો મણકો-૫ શ્રી રમેશભાઈ અને વેબ ગુર્જરીના સંપાદકોના આભાર સાથે વિ.વિ.ની આજની પોસ્ટમાં રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ 

 અંતિમ પર્વ – મણકો પાંચમો …– સંપાદક: રમેશ સંઘવી
– શબ્દાંકન સંકલનકર્તા શ્રી ગોપાલભાઈ પારેખ

મરમ
ધનાનિ ભૂમિ પશયશ્ચ ગોષ્તે,
ભાર્યા ગૃહહાદ્વારિ જના: સ્મશાને I
દેહશ્હ્ચિતાયાં પરલોક માર્ગે
કર્માનુયુગો ગચ્છતિ જીવ એકા II

ધનસંપત્તિ જમીનમાં દાટેલી પડી રહેશે, ઢોરઢાંખર કોઢમાં બાંધ્યા રહેશે. પત્ની દરવાજા સુધી જ આવશે અને દેહ ચિતામાં ભસ્મ થઈ જશે. સારાં-નરસાં કર્મો સાથે જ જીવ એકલો જશે.
**********
નહીં વિદ્યા જસ શીલ ગુન, ગયો ન સાધુ સમીપ,
જનમ ગયો યોંહી વૃથા, જ્યાં સુને ઘર દીપ.
******
દશ દુવાર કો પીંજરો, તામેં પંછી પૌન,
રહત અચંભો હૈ જશા, જાત અચંભો કૌન?
***********
મૌક્તિકમ્
આપણે એ દિવસે મૃત્યુ પામીએ છીએ,
જે દિવસે-
તર્કબુદ્ધિથી પાર રહેલા અગમ સ્ત્રોતમાંથી આવતા
વિસ્મય વડે રોજ રોજ નવીન બનતા સ્થિર તેજથી
આપણું જીવન પ્રકાશિત થતું અટકી જાય છે.
— દાગ હેમરશિલ્ડ
***************
મૃત્યુ સમયે
પ્રશ્ન: જન્મમરણની ઝંઝટમાંથી કેમ છૂટવું?
દાદા: શું નામ છે તમારું? તમારું નામ ચંદુભાઈ છે, પણ તમે કોણ? અત્યારે તો ચંદુભાઈના નામ ઉપર જ બધું ચાલ્યા કરે છે. તમારા પર થોડુંક રાખવું’તું ને !

નનામી એટલે કુદરતની જપ્તી. કેવી જપ્તી? બધું જ જપ્તીમાં ગયું. ત્યારે કહે, ‘સાહેબ, હવે મારે ત્યાં જોડે શું લઈ જવાનું?’ ત્યારે કહે, ‘લોકો જોડે ગૂંચો પાડી હતી. એટલી લઈ જાવ.’ એટલે આપણે આ નામ પરનું બધું જપ્તીમાં જવાનું. એટલે આપણે પોતાના હારું કશું કરવું જોઈએ ને ! ના કરવું જોઈએ?
************
આ શરીર પણ ક્ષણે ક્ષણે મરી રહ્યું છે, પણ લોકોને કંઈ કશી ખબર છે? પણ આપણા લોકોને તો લાકડાના બે ટુકડા થઈ જાય ને નીચે પડી જાય, ત્યારે કહેશે: ‘કપાઈ ગયું ! અલ્યા, આ કપાતું જ હતું. આ કરવતી ફરતી જ હતી.’
***********
આ હિન્દુસ્તાનના બધા વહેમ મારે કાઢી નાખવા છે. યમરાજ નામનું જીવડું નથી એમ ગેરંટીથી કહું છું. ત્યારે લોકો પૂછે છે કે ‘પણ શું હશે? કંઈક તો હશેને ?’ મેં કહ્યું: ‘નિયમરાજ છે.’
***************
એક એંશી વરસના કાકા હતા. એમને દવાખાનામાં દાખલ કર્યા હતા. હું જાણતો હતો કે બે-ચાર દહાડામાં જવાના છે. તોય મને કહે: ‘પેલા ચંદુલાલ જોવાય નથી આવતા’. આપણે કહીએ કે : ‘ચંદુલાલ તો આવી ગયા’, તો કહેશે: ‘પેલા નગીનદાસનું શું?’ એટલે પથારીમાં પડ્યો પડ્યો નોંધ કર્યા કરે કે કોણ કોણ જોવા આવ્યું છે. અલ્યા, તારા શરીરની કાળજી રાખ ને ! આ બે-ચાર દહાડામાં તો જવાનું છે. પહેલાં તું તારાં પોટલાં સંભાળ. આ નગીનદાસ ના આવે, તો એને શું કરવો છે?

આ આખો મનનીય લેખ નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો.

WEB gurjari

અંતિમ પર્વ …. મણકો ૧ થી મણકો ૫ વાંચવા વેબ ગુર્જરીની આ લીંક પર ક્લિક કરો. 

વેબ ગુર્જરી…અંતિમ પર્વ… મણકો ૧ થી મણકો ૫

 

જીવન અને મૃત્યું

Life and Death

 ફોટો સૌજન્ય – વિકિપીડિયા 

આ પોસ્ટમાંના મૃત્યુંના વિષયની પૂર્તિ કરતો વિનોદ વિહારમાં અગાઉ પ્રકાશિત મારો લેખ એક ચિંતન લેખ “મરણનું સ્મરણ ” વાંચવા  માટે નીચેની લીંક પર ક્લિક કરશો.

મરણનું સ્મરણ ….એક ચિંતન લેખ ….. વિનોદ પટેલ