વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: મળવા જેવા માણસ

( 744 ) યુવા કવિ અનીલ ચાવડાનાં કાવ્યો/ગઝલો વી. નો આસ્વાદ

આ અગાઉની પોસ્ટમાં “મળવા જેવા માણસ – યુવા કવી શ્રી અનિલ ચાવડા “નો  પી.કે.દાવડા લિખિત પરિચય લેખ તમે વાંચ્યો હશે.

આ લેખના અનુસંધાન રૂપે આજની પોસ્ટમાં શ્રી અનીલ ચાવડાના કેટલાક કાવ્યો/ગઝલો વી. સાહિત્ય પ્રસાદીનો આસ્વાદ લઈને શ્રી ચાવડાનો વધુ પરિચય કરીશું.

કવી અને ગઝલકાર શ્રી અનીલ ચાવડાનું નામ ગુજરાતી સાહિત્ય જગતમાં હવે તો ખુબ જાણીતું બની ગયું છે. નાની ઉંમરમાં એમણે ઘણી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. 

શ્રી અનીલ ચાવડા કવિતાના માણસ છે . એમના શ્વાસમાં જ કવિતા  શ્વસતા હોય છે. જુઓ એમના પરિચયમાં તેઓ આ વિષે શું કહે છે :

“હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું.જિંદગીની દરેક પળે કવિતાએ મને જીવતો રખ્યો છે.”

 અનીલ ચાવડાની   મને ગમતી  બે રચનાઓ  

તો શું જોઈતું’તું ?…. ગઝલ  

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

– અનિલ ચાવડા

ઉપરના કાવ્યને શ્રી ચાવડા પોતે સ્વ-મુખે પઠન કરતા આ વિડીયોમાં સાંભળો 

 જડ્યો જડ્યો હું જડ્યો……અનીલ ચાવડા

જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.

નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પિંડ તમે બાંધ્યો મારો તો હુંય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું !
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

– અનિલ ચાવડા

ગુજરાત ગૌરવ પુરસ્કાર-2010 સ્વીકારતાં એમની રચનાઓ /મુક્તકો વી. રજુ કરતા શ્રી અનીલ ચાવડા -આ વિડીયોમાં નિહાળો . 

સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને એમના બ્લોગ સન્ડે-ઈ-મહેફિલ ના સૌજન્યથી યુવા કવિ શ્રી અનીલ ચાવડાની ઘણી ચુનંદી ગઝલો/કાવ્યોનો આખો સંપુટ નીચેની  લીંક ઉપર ક્લિક કરીને માણો.

અનીલ ચાવડા-307.GEET-SeM-2014-10-19 

શ્રી અનીલ ચાવડા એક ગદ્ય લેખક તરીકે 

શ્રી ચાવડા કાવ્યો /ગઝલો ઉપરાંત એક સારા ગદ્ય લેખક તરીકે પણ ઉભરી રહ્યા છે એ એમના વિવિધ નિબંધ લેખોમાંથી જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે સંદેશ અખબારની કોલમમાં પ્રકાશિત આ લેખ વાંચીને ખાતરી કરી લો. પ્રાર્થના વિશેનો એમનો આ નિબંધ એ જાણે આપણે એક કવિતા વાંચતા ના હોઈએ એવો અહેસાસ કરાવે છે. 

પ્રાર્થના : પંખો બંધ કરીને પવનને બોલાવવાની પ્રક્રિયા 

 Anil c-1

શ્રી અનીલ ચાવડાના બ્લોગની લીંક

  http://www.anilchavda.com/archives/1481

આ બ્લોગમાં શ્રી અનીલ ચાવડાનો પરિચય એમના જ શબ્દોમાં

http://www.anilchavda.com/sample-page

 

 

(739) મળવા જેવા માણસ…શ્રીમતી રાજુલ શાહ….પરિચય….શ્રી પી.કે.દાવડા

મળવા જેવા માણસ…શ્રીમતી રાજુલ શાહ

પરિચય….શ્રી પી.કે.દાવડા  

                              Rajul-1

રાજુલ બહેનનો જન્મ ૧૯૫૪માં અમદાવાદમાં એક શિક્ષિત પરિવારમાં થયો હતો. પિતા શશિકાંત નાણાવટી એમના સમયના પ્રક્યાત જર્નાકિસ્ટ, લેખક, વિવેચક, નાટ્યકાર, ચિત્રલોક સામયિકના સંપાદક અને આઈ.એન.ટી. નાટ્ય-સ્પર્ધાના પ્રણેતા હતા. માતા ઈન્દુબેન નાણાવટી ડોકટર હતાં અને અમદાવાદના ફેમીલી ફીઝીશીયન તરીકે જાણીતાં હતાં . આમ આર્થિક દૃષ્ટિયે આ એક સુખી પરિવાર હતું. એકના એક સંતાન તરીકે રાજુલ બહેનનો ઉછેર ખૂબ લાડકોડમાં થયો હતો. બચપણમાં એમને કોઈપણ વસ્તુથી વંચીત રહેવું નહોતું પડ્યું.

માતા-પિતા જૈન ધર્મમાં માનતા હોવા છતાં, અંધ શ્રધ્ધા અને ક્રિયા-કાંડથી દૂર રહેતા. ઘરમાં વાતાવરણ શિસ્તબધ્ધ છતાં મુકત રીતે વિચારોની આપ-લે કરી શકાય એવું હતું. ૧૯૫૯ માં પાંચ વર્ષની વયે એમને ત્યાંની સારી ગણાતી શાળામાં દાખલ કરવામાં આવ્યા, જેમાં તેમણે સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. આઠમા ધોરણથી અગિયારમાં ધોરણ સુધી એમણે અમદાવાદની એ.જી.હાઇસ્કુલમાં અભ્યાસ કરી, ૧૯૭૦માં S.S.C.ની પરીક્ષા પાસ કરી. શાળાના આ વર્ષો દરમ્યાન એમણે ખૂબ વાંચન કર્યું. ઘરમા અનેક પુસ્તકો, અખબારો અને સામયિકો ઉપલબ્ધ હતા અને ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરી ઘરની નજીક હતી. વાંચવાનો એમનો શોખ જાણે કે એક વ્યસન બની ગયું હતું. શાળાના વર્ષો દરમ્યાન જ એમણે કનૈયાલાલ મુનશી, શરદબાબુ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ર.વ.દેસાઈ, હરિન્દ્ર દવે, હરકિશન મહેતા, અશ્વિન ભટ્ટ, કુંદનિકા કાપડીયા અને સુરેશ દલાલ જેવા નામી સાહિત્યકારોના પુસ્તકો વાંચી લીધેલા. આ વાંચન પ્રવ્રુત્તિને લીધે એમને ક્યારે એકલતાનો અહેસાસ નહોતો થતો, અને આજે પણ નથી થતો.

S.S.C. પસાર કર્યાબાદ કઈ કેરિયર અપનાવવી એમની ગડમથલ એમના મનમાં થોડા વર્ષો અગાઉ જ શરૂ થઈ ગયેલી. મમ્મીની જેમ ડોકટર બનું, કે કુટુંબના અન્ય સફળ મિત્રો જેવા પ્રોફેશનમાંથી કોઈ એકની પસંદગી કરૂં? આખરે એમણે નિર્ણલ લઈ ૧૯૭૦ માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલજમાં એડમિશન લઈ, ૧૯૭૪ માં સાઇકોલોજી વિષય સાથે B.A. ની ડીગ્રી મેળવી. કોલેજના વર્ષો દરમ્યાન પણ એમણે ગરબા-રાસ અને નાટકોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો.

શાળા-કોલેજના સમયથી ગુજરાતી સાહિત્યમાં અપાર રસ હોવાથી પોતે પણ કંઈક સાહિત્ય સર્જન કરે એવી તીવ્ર ઈચ્છા એમના મનમાં સદાય રહેતી.

               Rajul-2

અભ્યાસ પૂરો થાય તેથી થોડા દિવસ પહેલા જ, ૧૯૭૩ માં એમના લગ્ન કોશિક શાહ સાથે થયા. કોશિકભાઈ ઉત્સાહી અને સાહસિક હોવાથી, પેઢીઓથી ચાલતા આવેલ્સ્સ કાપડના ધંધામાં ન પડતાં મેન્યુફેક્ચરીંગનો અલગ વ્યવસાય શરૂ કર્યો, અને એમાં સફળતા હાંસિલ કરી. રાજુલબહેનની દરેક પ્રવૃતિને તેઓ પ્રોત્સાહન આપે છે અને એમનો જુસ્સો ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. દંપતિને બે સંતાન છે, દિકરી મિલીએ અમદાવાદમાં M.Sc. સુધીનો અભ્યાસ કર્યો છે અને અમેરિકામાં M.S. અને Ph.D. નો અભ્યાસ કર્યો છે અને હાલમાં અમેરિકામાં સ્થાયી થઈ છે. પુત્ર ૠષદ યુ. કે.માં મેડિકલ એંજીનીઅરીંગમાં માસ્ટર્સ કરી, હાલમાં અમેરિકામાં સ્થાયી થયો છે.

Rajul-3

                       (રાજુલબહેન કુટુંબ સાથે)

મિલી અને ઋષભ અલગ અલગ શહેરોમાં રહેતા હોવાથી, રાજુલબહેને સમયનો સદૌપયોગ કરવા ટ્યુશન્સ આપવાનું શરૂ કર્યું. એ સિવાય વેકેશનમાં બાળકોને ડ્રોઈંગ શીખવવાનું પણ શરૂ કર્યું. એમના માટે આ પૂરતું ન હતું. સાહિત્યની પ્રવૃતિની શરૂઆત એમણે અમદાવાદના “દિવ્ય ભાસ્કર” અખબારના “માધુરિમા” માટે વાર્તા લખી. ત્યારબાદ ફીલ્મ રિવ્યુ લખવાનું શરૂ કર્યું. સાથે સાથે કળશઅનેમાધુરિમામાટે આર્ટીકલ આપવાના શરૂ કર્યા.‘કળશ’ અને ‘માધુરીમા’ માટે અવનવા વિષય લઈને આર્ટીકલ આપવામાં અનેક લોકોને મળવામાં એમને ખૂબ આનંદ થતો, ફરવાનો શોખ તો હતો જ એટલે એ શોખને વાચા આપી, “ દિવ્ય ભાસ્કર”ની રવિવારની પૂર્તિમાં. કુંભલ ગઢ , રાણકપુર, ચાંપાનેર , રાણી ની વાવ, થોળ બર્ડ સેન્ચ્યુરી જેવા હેરીટેજ સ્થળો પર લેખ આપવાના શરૂ કર્યા. ૨૦૦૬થી અમેરિકા અવર-જવર શરૂ થઈ  ત્યારે યાત્રા-પ્રવાસ વર્ણનમાં લંડન, વેલ્સ, કોનવૉલ, સ્કોટલેન્ડ, આટલાન્ટા, વોશિંગ્ટન ડી. સી.  ન્યુયોર્ક, બોસ્ટન પર લેખો લખ્યા.

૨૦૧૦ માં ગ્રીનકાર્ડ મળવાથી રાજુલબહેન કાયમી વસવાટ માટે અમેરિકા રહેવા આવી ગયા. અમેરિકામાં આવીને એમણે બ્લોગ્સ માટે લખવાનું શરૂ કર્યું. એમણે “રાજુલનું મનોજગત” નામે પોતાનો બ્લોગ પણ શરૂ કર્યો.(http://www.rajul54.wordpress.com)

 બ્લોગ્સમાં લખવાથી એમની નવી નવી ઓળખાણો થવા માંડી. આ ઓળખાણોમાં એક ઉલ્લેખનીય ઓળખાણ શ્રી વિજય શાહની થઈ. એમની સાથે મળીને રાજુલબહેને “એષા ખુલ્લી કિતાબ” નામે લઘુ નવલકથા લખી. ત્યારબાદ એમણે પોતે “છીન્ન” અને “આન્યા મૃણાલ” નામની બે નવલકથાઓ લખી. સાથે સાથે કેનેડા ન્યુઝ લાઈન માટે ફીલ્મ રિવ્યુ પણ આપે છે. અમદાવાદના “નવગુજરાત ટાઈમ્સ” માટે પ્રવાસ વર્ણનો લખે છે.

રાજુલબહેન કહે છે, “ગુજરાતી સાહિત્ય ખુબ વિશાળ અને ઊંડાણભર્યુ છે. ગુજરાતી હોવાના ગૌરવને આપણે ઉજાળી શકીએ તો એ આપણા સદનસીબની વાત છે.” વધુમાં તેઓ કહે છે, “જીવન પરમ તત્વ તરફથી મળેલી મહામૂલી ભેટ છે. બીજું કશું જ ન કરી શકું પણ એટલું તો જરૂર ઇચ્છીશ કે સૌના સુખનું હું નિમિત્ત બનું. જીવનમાં આજ સુધી અનેક સ્વરૂપે અત્યંત સ્નેહ મળ્યો છે. એ સ્નેહને અનેક ઘણો કરીને પાછો વાળી શકું એવી સાચા હ્રદયની ઇચ્છા છે.”

-પી. કે. દાવડા

=======================================

શ્રી દાવડાજીએ અગાઉ કરાવેલા  ૪૦+ વ્યક્તિઓના પરિચય

વાંચવા માટે શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ 

ગુજરાતી પ્રતિભા પરિચય ની આ લીંક ઉપર ક્લિક કરો.

 

 

( 738 ) જેને રામ રાખે…. પરિચય પૂર્તિ લેખ …શ્રી.પી.કે.દાવડા

જે ગુજરાતીઓ સારું ધન કમાઈને સુખની પ્રાપ્તિ માટે અમેરિકા ,યુ.કે. અખાતી મુસ્લિમ દેશો સહિત દુનિયાના ઘણા દેશોમાં બધે પહોંચી ગયા છે.

આ ગુજરાતીઓ ત્યાં ખુબ મહેનત કરી ધન કમાય છે અને સારી મિલકતો પણ ઉભી કરે છે. પરંતુ મુશ્કેલી ત્યારે ઉભી થાય છે જ્યારે એ દેશમાં કોઈ રાજકીય ફેરફાર થાય છે,દેશમાં અંધાધુંધી કે યુદ્ધનું વાતાવરણ ઉભું થાય છે.

આવા સંજોગોમાં ત્યાં રહેવું એટલે જીવનું પૂરું જોખમ. આથી આવા સમયે વર્ષોની મહેનતથી ઉભી કરેલી બધી મિલકત ત્યાં મુકીને સ્વદેશ નું શરણું લેવાની લાચાર સ્થિતિ ઉભી થાય છે.આવા આકલ્પ્યા સંજોગો જીવનનો આખો રાહ બદલી નાખતા હોય છે. 

મારા કુટુંબે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થવાનો દુખદ અનુભવ લીધો છે. ૧૯૪૨માં બીજા વિશ્વ યુધ્દ્માં જ્યારે જાપાને બ્રહ્મદેશ- રંગુન ઉપર બોમ્મારો કર્યો ત્યારે જીવ બચાવવા બધું ત્યાં મુકીને ઘણી મુશ્કેલોઓ વેઠી વતન ભેગા થયેલા ગુજરાતીઓમાં અમે પણ હતા. એ વખતે હું ફક્ત ચાર વર્ષનો બાળક હતો.

અગાઉ વિનોદ વિહારની એક પોસ્ટમાં શ્રી દાવડાજીની મળવા જેવા માણસ લેખમાળામાં શ્રી નગીનભાઈ જગડા નો પરિચય લેખ પ્રગટ થયો છે.

આ લેખમાં નગીનભાઈને કેવા સંજોગોમાં કુવૈત છોડવું પડેલું એનો એક અછડતો ઉલ્લેખ એમણે કરેલો.આ લેખની લંબાઈની મર્યાદાને લીધે એમણે એ બનાવની વધુ વિગતો આપી ન હતી. પરંતુ આ લેખમાં ના જણાવેલી વિગત રસપ્રદ હોવાથી એક અલગ લેખ લખી એમણે ઈ-મેલમાં મને મોકલ્યો છે.

અગાઉના લેખની પૂર્તિ કરતો આ લેખ શ્રી દાવડાજી અને શ્રી નગીનભાઈના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરું છું.

શ્રી પી.કે.દાવડાજી એ એમના આ લેખમાં શ્રી નગીનભાઇ જગડાના જીવનમાં બનેલા કમનશીબ અનુભવના બનાવનું સરસ તાદ્રશ્ય બયાન કર્યું છે.

વિનોદ પટેલ

જેને રામ રાખે …….શ્રી પી.કે.દાવડા 

ભૌગોલિક રીતે વિશાળ કદનું ઇરાક Land Locked છે, જ્યારે ટચુકડા કુવૈત પાસે પર્શિઅન ગલ્ફનો દરિયા કિનારો છે. આર્થિક રીતે ઇરાકની પ્રજા કરતાં કુવૈતની પ્રજા વધારે સબળ છે. આ અને આવાં બીજાં અનેક કારણોને લીધે,સેનાની તાકાતમાં ખૂબ જ બળવાન ઇરાકે ૧૯૯૦માં કુવૈત પર હુમલો કરી,રાતોરાત એના ઉપર કબજો કરી લીધો. મારા મિત્ર શ્રી નગીનભાઇ જગડા ૧૯૬૫થી કુવૈતની ડેનિશ ડેરીમાં નોકરી કરતા હતા. એમની પાસેથી એકઠી કરેલી હકીકતોને આધારે, વોરઝોનમાંથી જીવ બચાવી એ કેવી રીતે ભારત આવી શક્યા, તે પ્રસંગ મેં અહીં વર્ણવ્યો છે. 

૧લી ઓગસ્ટ, ૧૯૯૦ના રોજ નગીનભાઈ, બહેરીનથી જ્વેલરી પ્રદર્શનમાં હાજરી આપવા આવેલા એમના જ્વેલર-મિત્ર ભાસ્કર દેવજીને મળવા એમની હોટેલમાં ગયા હતા. નગીનભાઈના મોટા પુત્ર અભ્યાસ અર્થે અમેરિકા ગયા હતા, અને નાના પુત્રને મણીપાલ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અપાવવા, નગીનભાઈનાં પત્ની ભારત ગયેલાં. પુત્રી એ અગાઉ જ પરણીને ઈંગ્લેંડમાં સ્થાયી થયેલી. ઘરમાં તેઓ એકલા જ હોવાથી, મિત્ર સાથે નિરાંતે સમય વિતાવી, રાતે અગિયાર વાગે પાછા ઘરે પહોંચ્યા. રોજ સવારે પાંચ વાગે એમને કંપનીમાં ફરજ ઉપર હાજર થઈ જવું પડતું. હંમેશ મુજબ બીજી ઑગસ્ટે પણ સવારના પાંચ વાગે કામે પહોંચ્યા. રોજ સવારે આઠ વાગે એમણે કંપનીના ચેરમેનને રિપોર્ટ આપવો પડતો. એ દિવસે એમણે જોયું તો ચેરમેન પાસે મેનેજિંગ ડિરેકટર અને અન્ય અમલદારો પણ હાજર હતા. એમને આશ્ચર્ય થયું, એટલે એમણે એમની ઑફિસમાં બધાને ચા પહોંચાડતા છોકરાને મજાકમાં પૂછ્યું, “આજે શું દિવાળી છે કે બધા આટલા વહેલા ભેગા થયા છે?” ટીબોયે જવાબ આપ્યો, “સાહેબ તમને ખબર નથી કે રાત વચ્ચે સદામ હુસેને મોટી સંખ્યામાં સૈનિકો મોકલીને કુવૈત જીતી લીધું છે?” 

થોડીવારમાં જ એમણે સમગ્ર પરિસ્થિતિ સમજી લીધી. કુવૈતના રાજકુટુંબને થોડી વહેલી માહિતી મળી જતાં, એમણે પાસેના સાઉદી અરેબિયામાં શરણ લીધું. ઇરાકી સેનાએ દેશભરમાં બધી બેંકો, સરકારી ઑફિસો અને અન્ય મહત્ત્વનાં મકાનોનો કબજો લઈ લીધો હતો, અને હવે શેરીઓમાં અને ગલી-મહોલ્લાઓમાં પ્રસરવા લાગી હતી. નગીનભાઈ ચિંતાતુર હાલતમાં ઘરે પહોંચ્યા. 

શું કરવું એની કંઈપણ સમજણ ન પડતાં બીજે દિવસે સવારે એ પાછા કામે પહોંચ્યા. એમણે જોયું કે સમગ્ર ડેરીનો ઇરાકી લશ્કરે કબજો લઈ લીધેલો અને રાબેતા મુજબનું કામ ચાલુ રાખવા હુકમ કરેલો, કારણ કે દૂધ અને તેનાં અન્ય ઉત્પાદનોની તેમને પણ જરૂર હતી. સાંજે કામ પરથી છૂટીને પહેલું કામ, હોટેલમાં જઈ, એમના મિત્ર ભાસ્કરભાઈને ઘરે લઈ આવ્યા. હોટેલ કરતાં ઘર વધારે સલામત હતું, વળી એમણે જોયું કે ઇરાકી સૈનિકો ભારતીઓ સાથે સખતાઈ નહોતા દર્શાવતા. બન્ને મિત્રોએ ચર્ચા કરી નક્કી કર્યું કે સમય રહેતાં અહીંથી નીકળી જવામાં જ શાણપણ છે. તપાસ કરતાં ખબર પડી કે લોકો માટે હવાઈ સેવા સદંતર બંધ છે. વળી બેંકો ઉપર ઇરાકીઓનો કબજો હતો, એટલે બેંકમાંથી પૈસા પણ કાઢી શકાય એમ ન હતું. ઘરમાં જેટલા પૈસા હતા એનાથી જ વ્યહવાર ચલાવવાનો હતો, અને કુવૈત છોડવાનો ખર્ચો કરવાનો હતો. ઇન્ડિયન ઍમ્બેસીમાંથી પણ કોઈ મદદ મળવાની શક્યતા દેખાતી ન હતી, કારણ કે કુવૈતમાં એક લાખથી વધારે ભારતીઓ હતા. નગીનભાઈના બે નાના ભાઈઓ અને એક બહેન પણ કુવૈતમાં સ્થાયી હતાં. બહેનનો જ્વેલરીનો ધંધો હતો, એટલે એમની પાસેથી થોડી રોકડ રકમ મળવાની શક્યતા હતી. 

આમ પ્લાનિંગમાં વીસ દિવસ નીકળી ગયા. દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જતી હતી. ઇરાકી સૈનિકો દુકાનો અને ઘરોમાં લુંટફાટ ચલાવતા. ઇરાકી લોકો પણ મોટી સંખ્યામાં ગાડી અને ટ્રકો લઈ આવતા અને લૂંટફાટ કરીને પાછા ઇરાક નાસી જતા. જોતજોતાંમાં દેશમાં અંધાધૂંધી અને ત્રાસનું વાતાવરણ છવાઈ ગયું. બહુ વિચાર કર્યા પછી એમણે નક્કી કર્યું કે ખાનગી ટેક્સી કરી અહીંથી પહેલા ઇરાક પહોંચી જવું, જ્યાં ભારતીય લોકો વધારે સલામત હતા; અને ત્યારબાદ આગળનો વિચાર કરવો. ડેરીમાંથી કોઈ મદદ મળવાની શક્યતા ન હતી. નગીનભાઈએ એમની બહેન પાસેથી ઉછીના પૈસા માગ્યા. બહેને પણ વિચાર્યું કે અહીં હશે તો રકમ લુંટાઈ જશે. વળી ભાસ્કરભાઈની મોટા વેપારી તરીકે શાખ પણ સારી હતી, તેઓ બહેરીન પહોંચે તો રકમ ગમે ત્યારે પાછી વાળી શકશે. આમ બહેન પાસેથી મોટી રકમ ઉછીની મેળવી એમણે ખાત્રીવાળો પેલેસ્ટાઈનનો ટેક્સીવાળો શોધી કાઢ્યો. જોખમ સમજી લઈને ટેક્સીવાળાએ નોર્મલ ભાડા કરતાં દસગણા વધારે પૈસા માગ્યા, પણ સહી સલામત ૬૮૦ કીલોમિટર દૂર બગદાદ પહોંચાડવાની સોગંદપૂર્વક ખાત્રી આપી.

બીજે દિવસે સવારે ઘરબાર અને ગાડી ત્યાં જ છોડી, ભગવાનનું નામ લઈ,ત્રણ-ચાર જોડી કપડાં અને ખાવાનું અને પાણી લઈને નીકળી પડ્યા. આખે રસ્તે ઇરાકથી લૂંટફાટ માટે આવતી ટ્રકો અને લૂંટનો માલ લઈને ઇરાક પાછી જતી ટ્રકો જ દેખાઈ. ટ્રક ટ્રાફિક એટલો બધો હતો કે એમને ઘીમી ગતિએ જ ગાડી ચલાવવી પડેલી. આખરે રાતે આઠ વાગે બગદાદની એક હોટેલમાં પહોંચી ગયા. ડ્રાઈવરને નક્કી થયેલું ભાડું ચૂકવી દીધું. હોટેલમાં એમને એક વેઈટરે સલાહ આપી કે તમે ભૂલથી પણ સદામ-હુસેનનું નામ બોલતા નહિ,નહિ તો પરદેશીના મોંઢે એનું નામ સાંભળી તેઓ તમને શૂટ કરી દેશે.રાત્રે આરામ કરી, સવારના તેઓ ભારતીય ઍમ્બેસીમાં ગયા. ત્યાં જોયું કે અહીં તો રાતથી જ હજારો લોકો ફૂટપાથ અને રસ્તા પર સૂતેલા છે. અહીં તો તેમનો વારો દિવસો સુધી પણ ન આવે. ભાસ્કરભાઈએ કહ્યું, “આવી પરિસ્થિતિમાં આપણે જેમ કુવૈતથી બગદાદ આવ્યા તેમ અહીંથી જોર્ડન કે ઓમાન ભાગી જવું જોઈએ. હજી આપણી પાસે પૈસા છે. 

બસ ફરી પાછા વિશ્વાસુ ગાડીવાળાની શોધ શરૂ કરી. એક જોર્ડેનિયન ગાડીવાળાનો ભેટો થયો. તેણે કહ્યું કે હું તમને કોઈપણ ભોગે સરહદ પાર પહોંચાડી દઉં, પણ એણે પણ ભાડું નોર્મલ કરતાં દસ ગણું માગ્યું. એમની પાસે બીજો ઉપાય ન હતો. વળી માણસ એમને પ્રમાણિક લાગ્યો. બીજે દિવસે રાત્રે એમણે બગદાદ છોડ્યું. આખી રાત ડ્રાઈવ કરીને તેમણે ૮૧૦ કિલોમીટરનું અંતર કાપ્યું અને ડ્રાઈવરે બોર્ડરવાળા સાથે સમજૂતી કરી તેમને બોર્ડર પાર કરાવી દીધી અને રીતસરની પાસપોર્ટ વિધિ પણ કરાવી દીધી. એમણે જોયું કે બોર્ડરની પાસે હજારો ભારતીયો અને અન્ય દેશના લોકો તંબુઓમાં બોર્ડર પાર કરવા રાહ જોઈને બેઠા હતા. ડ્રાઈવરે એમને બોર્ડરની પેલીપારની એક હોટેલમાં પહોંચાડી દીધા. તેમણે એનું ભાડું ચૂકવી દીધું. સારા નસીબે નગીનભાઈ સાથે અગાઉ કામ કરી ચૂકેલા એક મિત્રનો ફોન નંબર એમની પાસે હતો. એ તેમને જમવા લઈ ગયા, અને જોર્ડનની કરન્સીમાં થોડા પૈસા પણ આપ્યા. 

બીજા દિવસે તેઓએ ભારતીય ઍમ્બેસીમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે ત્યાંથી વિમાન સેવા ચાલુ છે અને ત્રણ-ચાર દિવસનું વેઇટિંગ છે. ભાસ્કરભાઇના પિતાએ બહેરીનથી પૈસા ભરી દઈ એમની ટિકિટો બુક કરાવી લીધી. તેમને જે ફલાઇટ મળી તે બહેરીન થઈ મુંબઈ જતી હતી. ભાસ્કરભાઈ બહેરીન ઊતરી ગયા અને નગીનભાઈ મુંબઈ પહોંચ્યા. મુંબઈ એરપોર્ટ પર કુવૈતથી આવેલા ભારતીયો માટે મફત જમવાની સગવડ અને ગામ સુધી જવાની મફત રેલ્વે ટિકિટની સગવડ ભારત સરકારે કરેલી. આ રીતે હેમખેમ ફરી પાછો નગીનભાઈનો કુટુંબ સાથે મેળાપ થઈ શક્યો. આમાં મનુષ્ય પ્રયત્ન અને ઈશ્વર કૃપાનો નિયમ કામ કરી ગયો, સાથે સાથે એટલું પણ સમજાયું કે લક્ષ્મી બધે જ શક્તિશાળી છે. 

પી. કે. દાવડા

 

( 734 ) મળવા જેવા માણસ……સપના વિજાપુરા…. એક પરિચય … શ્રી પી.કે.દાવડા

( 732 ) મળવા જેવા માણસ -શ્રી ગોપાલ પારેખ… પરિચય…. શ્રી.પી.કે.દાવડા

શ્રી પી.કે. દાવડાજી એ એમની જાણીતી  “મળવા જેવા માણસ “પરિચય શ્રેણીમાં, ભૂતકાળમાં મુંબઈમાં એમના સહાધ્યાયી રહી ચુકેલા શ્રી ગોપાલભાઈ પારેખ નો પરિચય એમના ઈ-મેલમાં મોકલ્યો છે.

આ પરિચય લેખને આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકો માટે, એ બે મહાનુભાવોના આભાર સાથે , પ્રસ્તુત કરેલ છે.– વિનોદ પટેલ

મળવા જેવા માણસ –શ્રી ગોપાલ પારેખ… પરિચય…. શ્રી.પી.કે.દાવડા  

Gopalbhai -1

ગોપાલ પારેખનો જન્મ ૧૯૪૧માં સુરેંદ્રનગરમાં થયો હતો. એમનું પૈત્રિક ગામ ભાવનગર છે. કુટુંબ પુષ્ટિમાર્ગી, ધાર્મિક અને મધ્યમવર્ગી હતું. થોડાં વર્ષો બાદ એમનું કુટુંબ મુંબઈના એક ઉપનગર ઘાટકોપરમાં રહેવા આવી ગયું. ગોપાલભાઈનો શાળાનો સંપૂર્ણ અભ્યાસ એ સમયની ખૂબ જ લોકપ્રિય શાળા રામજી આસર વિદ્યાલયમાં થયો. હું પોતે પણ આ જ શાળામાં ભણેલો.

કુટુંબની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી ગોપાલભાઈ જ્યારે નવમા ધોરણમાં હતા ત્યારથી જ એમણે ખાનગી ટ્યૂશન આપવાનું કામ શરૂ કરી દીધું. ૧૯૫૮માં SSCમાં પાસ થઈ એમણે કીર્તિ કૉલેજ દાદર, પારલે કૉલેજ અને કે.જે.સોમૈયા કૉલેજ ઘાટકોપર એમ ત્રણ કૉલેજોમાં બદલીઓ લઈ, ૧૯૬૨માં B.Sc.(Hon.) સુધીનો અભ્યાસ પૂરો કર્યો. કૉલેજો બદલવા પાછળ આર્થિક પરિસ્થિતિ જ જવાબદાર હતી. F.Y. B.Sc. પછી તો એમણે ભણવાનું છોડી રૂ બજારમાં નોકરી પણ શરૂ કરી હતી, પણ મામાની સમજાવટ બાદ ફરી પાછું Inter Scienceમાં એડમિશન લીધું હતું. આ ભણતર પુરું કરવા રોજના ત્રણ કલાક તેમને ટ્યૂશનો આપવા પડતાં. Inter Scienceમાં એડમિશન લીધા પછી ફી ભરવામાં મોડું થવાથી પ્રિન્સિપાલને મળવા જવું પડ્યું. પ્રિન્સિપાલે પૂછ્યું કે, “ફી કેમ સમયસર ન ભરી?” તેના જવાબમાં છટકબારી તરીકે જવાબ આપ્યો કે, “હું માંદો હતો.” પ્રિન્સિપાલે કહ્યું, “તું માંદો હતો પણ પોસ્ટ–ઑફિસ તો માંદી ન હતી ને?” આખરે પ્રિન્સિપાલે ફી સ્વીકારી.

B.Sc.ની પરીક્ષા પતી એના બીજા દિવસે જ ગોપાલભાઈએ ૧૯૦ રૂપિયા પગારવાળી ઝંડુ ફાર્મસીમાં નોકરી સ્વીકારી. અહીં એમણે ૧૯૬૫ સુધી ઝંડુની લેબોરેટરીમાં કામ કર્યું. ૧૯૬૫માં રાજસ્થાનમાં ઉદયપુરની એક ફર્મસીમાં વધારે સારી શરતો મળવાથી ત્યાંની નોકરી સ્વીકારી. એક વર્ષ બાદ ઉદયપુરમાં જ બીજી એક આયુર્વેદિક કંપનીમાં નોકરી લઈ, ૧૯૬૬થી ૧૯૮૨ સુધી કામ કર્યું. ફરી પાછું ૧૯૮૨માં ઝંડુની વાપી ખાતેની લેબોરેટરીમાં જોડાઈ ૧૯૯૪ સુધી કામ કર્યું. ૧૯૯૪માં સન ફાર્મામાંથી સારી ઓફર મળતાં ૧૯૯૪થી ૧૯૯૮ સુધી ત્યાં નોકરી કરી આખરે નિવૃત્તિ લીધી.

gopalbhai-2

૧૯૬૪માં ગોપાલભાઈનાં લગ્ન ઇંદુબહેન સાથે થયાં. ઇંદુબહેને S.S.C. સુધીનો અભ્યાસ કર્યો છે. એમને બે પુત્રીઓ અને એક પુત્ર એમ ત્રણ સંતાનો છે.

ગોપાલભાઈ નિવૃત્તિ બાદ પણ ખરા અર્થમાં પ્રવૃત્તિમાં રહ્યા છે. ગુજરાતી સાહિત્ય અને ભાષા પ્રત્યે નાનપણથી વિશેષ રુચિ હોવાના કારણે ગોપાલભાઈએ માતૃભાષા ગુજરાતીનો ફેલાવો વધુ ને વધુ થાય અને વિશ્વના દરેક ખૂણામાં વસતા ગુજરાતી સુધી પહોંચે તે માટેના પ્રયત્નો વર્ષ ૧૯૯૮થી જ શરૂ કરી દીધેલા. તેમને લાગ્યું કે આજની કોન્વેટિયા સ્કૂલમાં ભણતું બાળક ભલે ને ટવિંકલ ટવિંકલ લિટલ સ્ટાર ગાતો હોય તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ તેની સાથે ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’ પણ ગાતો હોવો જોઈએ. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતી હોવા છતાં ગુજરાતી બોલવામાં લોકો નાનમ અનુભવતા હોય છે. એટલે ગુજરાતી ભાષા પ્રત્યેના ઘટી રહેલા પ્રેમને પુન: એક વખત જગાડવાનો પ્રયાસ એમણે શરૂ કરી દીધો. લોકોને વાંચતા કરવા એમની પાસેથી લવાજમો ઉઘરાવી લાગતા વળગતા માસિકો એમને પહોંચાડતા. ૧૯૯૮માં માત્ર અખંડઆનંદનાં જ ૨૦૦ લવાજમો ઉઘરાવેલાં. સારાં પુસ્તકો ખરીદીને લોકોને વહેંચવાની પ્રવૃત્તિમાં એમણે લોકમિલાપ (ભાવનગર)ના આશરે દોઢ લાખ પુસ્તકો વહેંચેલાં.

ગોપાલભાઈ સ્વભાવે મોજીલા માણસ છે. મનમાં આવે તો કોઈ પણ કામ પૂરી ઇમાનદારીથી ઉપાડી લે છે અને એને અંજામ સુધી પહોંચાડે છે, ભલે એ કામમાં ગમે એટલી મહેનત કરવી પડે. ૨૦૦૭માં એમને વિચાર આવ્યો કે ગુજરાતી સાહિત્યનો આસ્વાદ ખૂબ જ સરળતાથી આબાલ વૃદ્ધ લઈ શકે તે માટે આખેઆખું સાહિત્ય, ઇન્ટરનેટના માધ્યમથી કેમ ન પહોંચાડવું?

એવામા એક મિત્રે એમને ગટેનબર્ગ ઓ આર જી વિશે વાત કરી કે આ વેબસાઇટે ૩૩૦૦૦ અંગ્રેજી પુસ્તકો ઇ-બુક્સમાં ફેરવેલાં. ગોપાલભાઈને થયું કે આવું ગુજરાતી પુસ્તકો માટે કેમ ન કરી શકાય? અત્યાર સુધીમાં એમણે ૧૫૦ પુસ્તકોને ઇ-બુક્સમાં ફેરવ્યાં છે. આ પ્રવૃત્તિ વિષે ગોપાલભાઈ કહે છે, “શરૂઆતમાં રોજનો મોટા ભાગનો સમય ઇ-બુકના ટાઇપિંગમાં જતો, હવે સિનિયર બી.કૉમમાં ભણતી બે દીકરીઓ મદદ કરે છે. ગોપાલભાઈને ઇ-બુકની પ્રવૃત્તિમાં અક્ષરનાદવાળા ભાઈ શ્રી જિગ્નેશ અધ્યારુ, શ્રી જુગલકિશોરભાઈ તથા શ્રી અશોકભાઈ મોઢવાડિયાનો સહયોગ મળ્યો.

આ સિવાય “મા ગુર્જરીને ચરણે ” નામનો પોતાનો એક બ્લૉગ પણ શરૂ કર્યો. હાલમાં તેઓ વેબગુર્જરીના સંચાલકમંડળમાં સભ્ય છે. બાળકોને વૈદિક ગણિત પણ શીખવે છે. ગમતાનો ગુલાલ કરવાનો એમનો સ્વભાવ બની ગયો છે.

એમના જીવનની ફિલોસૉફી છે, “મારા જેવા અનેકોનો ભલે ક્ષય થાઓ પણ, સત્યને માપતો ગજ કદી ટૂંકો ન બનો.” અને “જો મિલ ગયા ઉસીકો મુકદ્દર સમઝ લિયા, જો ખો ગયા ઉસે ભૂલાતા ચલા ગયા.”

ગોપાલભાઈ સાથેનો મારો અનુભવ લખું તો તેઓ ખૂબ જ માયાળુ, નિખાલસ અને નમ્ર માણસ છે. જે મનમાં હોય તે કહી નાખે છે. ધર્મમાં ખૂબ જ આસ્થા રાખે છે, ક્યારેક તો મને ટેલિફોનમાં ભજન ગાઈ સંભળાવે છે. સાદા શબ્દોમાં કહું તો એ ભોલે ભંડારી છે.

-પી. કે. દાવડા

( 727 ) મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની….. પરિચય….શ્રી. પી.કે.દાવડા

ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ન્યુ જર્સી નિવાસી મિત્ર શ્રી હરનીશ જાનીનું નામ ખુબ જાણીતું છે. શ્રી દાવડાજી એ એમની પ્રસિદ્ધ પરિચય શ્રેણી “મળવા જેવા જેવા માણસ ” માં શ્રી હરનીશભાઈનો પરિચય કરાવતો લેખ એમના ઈ-મેલમાં મોકલ્યો છે એને આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

શ્રી દાવડાજીએ એમના ઈ-મેલમાં સાચું કહ્યું છે કે “હરનીશભાઈનો પરિચય કરાવવો એટલે સૂરજને અરિસો દેખાડવા જેવું છે. તમે જો હાથમાં પાણી લઈને ન હસવાનો સંકલ્પ કરો અને પછી હરનીશભાઈના લેખ વાંચો તો તમારો સંકલ્પ તુટી જશે. “

વિનોદ વિહારમાં અગાઉ વિવિધ વિષયોને આવરી લેતા એમના ઘણા હાસ્ય લેખો એમના પરિચય સાથે અગાઉ આ બ્લોગમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.

આ બધા હાસ્ય લેખોથી વાચકોને હરનીશભાઈનો અને એમના હાસ્ય સાહિત્યનો પરિચય છે જ . એમ છતાં શ્રી પી.કે.દાવડા લિખિત એમનો પરિચય લેખ આજે પોસ્ટ કરી એ પરિચય ફરી તાજો કરાવવાની ખુશી છે.

વિનોદ પટેલ

મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની

પરિચય….શ્રી. પી.કે.દાવડા  

Harnish Jani-1

હરનિશભાઈનો જન્મ ૧૯૪૧માં વડોદરા જીલ્લાના છોટાદેપુરમાં થયેલો. એમના દાદા વિશ્વનાથ જાની રાજપીપલાના રાજાના મંત્રી હતા અને એ હેસિયતે એમની પાસે સેંકડો એકર જમીન હતી. કુટુંબની જાહોજલાલી અનુસાર બાર ઓરડા વાળું ત્રણ માળનું ઘર અને ઘોડાઓવાળી બગી વગેરે પણ હતા એટલું જ નહિં ગામની બસ સર્વીસ પણ એમના નામે હતી. હરનિશભાઈના પિતા સુધનલાલ રાજપીપલાની ક્રીકેટ અને હોકી ટીમોમાં સામીલ હતા. આઝાદી પછી જમીનના કાયદા-કાનૂનમાં ફેરફાર થવાથી મોટાભાગની જમીન હાથથી જતી રહી, છતાં પણ સારી એવી જમીન એમના હાથમાં રહી અને એ જમીનમાં હરનિશભાઈના પિતા ખેતીનું કામકાજ સંભાળતા. હરનિશભાઈના માતા સુશીલાબહેન અતિશય ધાર્મિક મનોવૃતિવાળા ગૃહીણી હતાં .

હરનિશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ રાજપીપલામાં જ થયેલું. નાનપણમાં રાજપીપલાના ડુંગરોમાં રખડવાનું અને ત્યાંની કરજણ નદીમાં ભુસ્કા મારવાનું એમને બહુ ગમતું. ચોથા ધોરણમાં એમના શિક્ષક શિરવી સાહેબે એમના જીવનના ઘડતરને એક દિશા આપી. હરનિશભાઈ કહે છે, “મારી હાઈસ્કુલનો ૧૯૫૧થી ૧૯૫૮ સુધીનો સમય મારો સુવર્ણ સમય હતો. રાજપીપલા હાઈસ્કુલના ભવ્ય મકાનમાં ભણવા મળ્યું, જ્યાં મારા બાપા– કાકા પણ ભણ્યા હતા. નવમા ધોરણથી જ ફોરેન જવાનો નાદ મનમાં ભરાયો. અને ઈંગ્લિશ બોલવા લખવાની ગુજરાતી સ્કુલમાં જ તૈયારી કરવા લાગ્યો.. ચાર પાંચ યુરોપીયન  પેન ફ્રેંડઝ પણ બનાવ્યા.”

૧૯૫૮ માં ફર્સ્ટ કલાસમાં S.S.C. ની પરીક્ષા પાસ કરી વડોદરાની M.S.University માં દાખલ થયા. ત્યાં એક વર્ષ અભ્યાસ કરી, બીજા વર્ષથી ભરૂચની સાયન્સ કોલેજમા એડમીશન લીધું. અહીં ઈન્ટર સાયન્સમાં એંજીનીયરીંગ કોલેજમાં દાખલ થવા જેટલા માર્કસ ન મળતાં એમણે B.Sc. નો અભ્યાસ કરવાનો નિર્ણય લીધૉ, પણ તે ભરૂચમાં રહીને નહિં; કારણ કે ભરૂચમાં માત્ર બે સિનેમા ઘર હતા. એમની પસંદગી દસ ટોકીઝ વાળા સુરત ઉપર ઉતરી. વળી સુરતથી મુંબઈ નજીક હતું, એટલે શનિ-રવીમાં મુંબઈ રખડવા જઈ શકાય. ૧૯૬૨ માં B.Sc. ની પરીક્ષા પાસ કરી યુ. કે. ની બેડફોર્ડ યુનિવર્સીટીમાં એડમીશન લીધું, પણ પૂરતું ફોરેન એક્ષચેંજ ન મળવાથી આખરે એમણે વડોદરાની એંજીનીયરીંગ કોલેજ માં D.T.C. (Diploma in Textile Chemistry) નો અભ્યાસ કર્યો. કરજણ નદીથી એમને લાગેલો તરવાનો શોખ અહીં વડોદરા યુનિવર્સીટીમા એમનો ઉપયોગી થયો. અહીં હરનિશભાઈ યુનિવર્સીટીની તરાકુ ટીમના સભ્ય હતા.

અભ્યાસ પૂરો કરી હરનિશભાઈએ વલસાડના અતુલ પ્રોડક્ટસમાં કલર કેમિસ્ટ તરીકે જોડાયા. નોકરી દરમ્યાન પણ એમણે અમેરિકાની કોલેજોમાં એડમીશન માટે એપ્લીકેશન્સ કરવાનું ચાલુ રાખ્યું. ૧૯૬૭ માં એમના હંસાબેન વ્યાસ સાથે લગ્ન થયા. હંસાબહેને ફર્સ્ટ કલાસમાં M.A. ની ડીગ્રી મેળવી હતી અને એ નવ ગુજરાત કોલેજમાં લેકચરર હતા. લગ્ન બાદ હરનિશભાઈએ નોકરી બદલી અને તેઓ અંબિકા મિલમાં જોડાયા. 

harnish Jani -2                   

૧૯૬૯ માં એક મિત્રની મદદથી એમણે વર્જિનિયાની એક કોલેજમાં એડમીશન મળ્યું. એક વર્ષનો કોર્સ કરી, હરનિશભાઈ ૧૯૭૦ માં ન્યુયોર્કના એક ટેક્ષટાઈલ પ્લાંટમા કલર સુપરવાઈઝર બન્યા. ફરી પાછું N.J.I.T. માં પ્લાસ્ટિક ટેકનોલોજીનો કોર્ષ કરી વિલ્સન ફાયબરફીલ માં રીસર્ચ કેમિસ્ટની નોકરી લીધી. ત્યારબાદ અનેક કંપનીઓમાં નોકરી બદલી આખરે જર્મન કલર કંપનીમાં ટેકનિકલ ડાયરેક્ટરના પદે પહોંયા. એમની આ પ્રોફેશનલ જીવન યાત્રા દરમ્યાન એમને ઘણાં એવોર્ડસ મળ્યા જેમાં વાયર એન્ડ કેબલ એસોશિએશનન એવોર્ડસ મહત્વના છે. ૧૯૯૦ માં ટાટા-વોલ્ટાસના ગેસ્ટ તરીકે ભારતના અનેક શહેરોમાં દોઢ મહિનાની એમની લેકચર ટૂર એમની સર્વોચ્ચ પ્રોફેશનલ કામગીરી હતી. 

Harnish Jani-3                 

એમના સંતાનોમાં બે દિકરીઓ, આશિની અને શિવાની, અને એક દીકરો સંદિપ છે. આશિની કોમપ્યુટર સાયન્ટીસ છે અને સરસ કવિતાઓ લખે છે જે ઘણાં સામયિકોમાં છપાય છે. શિવાની ન્યુયોર્કની એક કોસ્મેટિક કંપનીમાં માર્કેટીંગ ડાયરેકટર છે, અને તે પણ લખે છે. દીકરો સંદીપ ડોકટરેટ માટે વિદ્યાર્થી છે.

અમેરિકા આવ્યા પછી હરનિશભાઈનું ગુજરતીમાં લખવા વાંચવાનું છૂટી ગયેલું. ભારત સાથે સંપર્ક પણ બહુ ઓછો હતો. અંગ્રેજી પુસ્તકો વાંચવાનું અને અંગ્રેજી પ્લે જોવાનું બનતું. અગાઉ ભારતમાં હતા ત્યારે ૧૯૬૦ માં એમની એક વાર્તા ચાંદની સામયિકમાં છપાઈ હતી અને ૧૯૬૫ માં ચિત્રલેખાની વાર્તા હરિફાઈમાં એમને પાંચમું ઈનામ મળેલું. છેક ૧૯૯૧માં આદિલ મન્સુરી, રોહિત પંડ્યા અને ડો. આર. પી. શાહ જેવા સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા અને ત્યારથી ફરી લખવાનું શરૂ થયું. ૧૯૯૧ થી ૧૯૯૪ સુધી ટી.વી. માં અર્ધા કલાકના ગુજરાતી કાર્યક્રમનું સંચાલન કર્યું, જેમા રાઈટર, ડાયરેકટર અને પ્રોડ્યુસર હરનિશભાઈ જ હતા. ૧૯૯૧ થી લાગલગાટ ૧૨ વર્ષ સુધી અલગ અલગ સ્થળૉએ ૫૦ જેટલા હાસ્ય કાર્યક્રમો આયોજ્યા.

એમનો પહેલો વાર્તા સંગ્રહ “સુધન” (સુધન એમના પિતાજી નામ હતું) છપાયો અને એ વાંચી રધુવીર ચૌધરીએ એમને હાસ્યલેખકનું બીરૂદ આપ્યું. સુધન પુસ્તકને સાહિત્ય એકેડેમીનું બીજું ઈનામ મળ્યું. ત્યારબાદ એમના બા ના નામ ઉપરથી “સુશીલા” નામે નિબંધ સંગ્રહ બહાર પાડ્યું, જેને સાહિત્ય એકેડેમીનું શ્રેષ્ઠ હાસ્ય પુસ્તકનું પ્રથમ ઈનામ અને સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષીક મળ્યા. હાલમાં જ ગાર્ડી ઈન્સટીટ્યુટે “હરનિશ જાનીનું હાસ્ય વિશ્વ” નામનો એમના ચૂંટેલા લેખોનો સંગ્રહ બહાર પાડ્યો છે.

હાલમાં સુરતના વર્તમાન પત્રમાં નિયમિત એમની કોલમ પ્રસિધ્ધ થાય છે.

હરનિશભાઈ કહે છે, “ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણદિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવીપડી!અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત  એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથીમાણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”

હરનિશભાઈની ખરી ઓળખાણ મેળવવી હોય તો તમારે એમના લખાણ વાંચવા પડશે .

-પી. કે. દાવડા

==========================================

યુ-ટ્યુબ પર હરનીશભાઈના ઘણા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે એમાંથી બે પસંદ કરીને નીચે પ્રસ્તુત કરું છું.  

પ્રથમ વિડીયોમાં GLA of NA ના June 2010 માં યોજાએલ  “સર્જકો સાથે સાંજ “ના કાર્યક્રમમાં એમનો એક હાસ્ય લેખ રજુ કરતા હરનીશભાઈ ને તમે જોઈ/સાંભળી શકશો.

Harnishbhai Jani  @ GLA of NA, Dec. 05, 2010

શ્રી હરનીશભાઈનાં ધર્મપત્ની શ્રીમતી હંસાબેન પણ લેખિકા છે. આ વિડીયોમાં આ જ પ્રોગ્રામમાં તેઓ  એમનો એક સુંદર નિબંધ રજુ કરી રહ્યાં છે.

Hansa Jani @ Sarjako Sathe Saanj June 2010