મિત્ર શ્રી પી.કે.દાવડા એમની સર્જક અને સર્જન ઈ-મેલ શ્રેણીમાં એમના જાણીતા ઘણા સાહિત્ય સર્જક મિત્રો અને એમના એમને ગમેલા ચૂંટેલા સર્જનોનો પરિચય કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે.
આ શ્રેણીમાં છેલ્લે એમણે કેલીફોર્નીયાના બે એરિયામાં એમની નજીકમાં જ રહેતાં પરિચિત સુ.શ્રી જયશ્રી વિનુ મરચંટ અને એમનાં કેટલાંક કાવ્ય સર્જનનો પરિચય કરાવ્યો છે .
આ બન્ને સાહિત્ય રસિકોના આભાર સાથે આજની પોસ્ટમાં એને રજુ કરતાં આનંદ થાય છે…… વિ.પ.
સર્જક જયશ્રી વિનુ મરચંટ…. એક પરિચય

Jayshree Merchant ,Panna Naik and Mahendra Mehta
જયશ્રી વિનુ મરચંટ મુંબઈ યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રીના સ્નાતક અને અમેરિકાની ટેંપલ યુનિવર્સિટી, ફીલાડેલ્ફીયાના ક્લીનિકલ પેથોલોજીના અનુસ્નાતક છે. છેલ્લા ૩૮ વરસોથી અમેરિકામાં રહે છે. હાલમાં જ તેઓ Children’s Hospital and Research Center, Oakland માંથી Director of the Department of Pathology and Laboratory Medicine ની પદવી ઉપરથી નિવૃત્ત થયા છે.
એમને ગઝલ લખવા માટેની દોરવણી શ્રી ચિનુ મોદી પાસેથી અને અછાંદસ લખવા માટેની દોરવણી સુ.શ્રી પન્ના નાયક પાસેથી મળી હતી. પન્ના નાયકે તો પોતાનું ટુંકી વાર્તાઓનું પુસ્તક Flamingo જયશ્રીબહેનને અર્પણ કર્યું છે. જયશ્રી બહેને એક નવલકથા, થોડી ટુંકી વાર્તાઓ, ગઝલો અને અછાંદસ લખ્યા છે. જાણીતા વિવેચક શ્રી મધુસુદન કાપડિયાએ પોતાના વિવેચનના પુસ્તકમાં એક આખું પ્રકરણ જયશ્રી બહેનની રચનાઓને આપ્યું છે. એમણે ગઝલ માટે પોતાનું તખ્ખલુસ ‘ભગ્ન’ રાખ્યું છે.
જયશ્રી બહેન એમના નિવૃતિના સમયમાં બે એરીયાની સાહિત્ય પ્રવૃતિઓમાં ખુબ જ ઉત્સાહથી ભાગ લઇ રહ્યાં છે .
જયશ્રીબહેનની કેટલીક ગઝલો ….
૧. આવે છે!
એમની આ ગઝલમાં એમણે સુફી સાહિત્યની જેમ કહ્યું છે, મુશીબતો તો આવશે જ, પણ જોવાનું એ છે કે ઉપરવાળો મદદ કરવા ક્યારે આવે છે? મત્લાથી માંડીને મક્તા સુધી આ જ વાત સમજાવવાની કોશીશ કરી છે, અને એ પણ બધા જ ચોટદાર શેર દ્વારા.
આવે છે!
લઈ પથ્થરો હાથમાં લોકો ભલેને મારવા આવે છે!
જોવું છે કે ક્યારે ખુદ ખુદા મને ઉગારવા આવે છે!
દુઃખોની અવિરત વર્ષા અને પહાડ જેવી જિંદગી!
જોઈએ ક્યારે કૃષ્ણ આ ગોવર્ધન ધારવા આવે છે!
ખેલ છે અંતે તો ઉછીની આવરદાનો આ જગમાં,
હો જો આયુષ્ય બાકી તો તરણુંય તારવા આવે છે!
ઓઢીને તડકો, ઝાકળ પણ શાંતિથી પોઢી જાય છે!
રાત અને ચાંદની ઝાકળને શું રમાડવા આવે છે?
વિખરાયેલા કેશ લઈ ક્ષિતિજની પાર તાકતી રહી!
જોઈએ કોઈ છે જે આ ઝુલ્ફોને સંવારવા આવે છે!
“ભગ્ન” માફી માગ, તો ખુદા કરશે બધાય ગુનાહો માફ!
કબરમાં તારી આ બોજો ક્યાં બીજા વેંઢારવા આવે છે?
૨. ને પછી….. અછાંદસ
આ અછાંદસમાં જયશ્રીબહેને ખૂબ જ ગંભીર વાત કલામય રીતે રજૂ કરી છે. આખી કવિતામાં એક્પણ શબ્દ વગર પ્રયોજન નો નથી. ‘ને પછી’ ‘ને પછી’ ફરી ફરી વાપરીને રચનાકારે બે વસ્તુ દર્શાવી છે, એક તો Continuity, અને બીજું, એક પત્યા પછી બીજું અને બે વચ્ચેનો સમયગાળો દર્શાવ્યો છે. અટકળ કેવી રીતે અફવા બની જાય છે, અને અફવાને કેટલીકવાર સત્ય તરીકે કેવી રીતે રજૂ કરવામાં આવે છે, એ એમણે ખૂબ જ કલાત્મક રીતે દર્શાવ્યું છે. ક્યારેક સત્ય કેવી રીતે અટકળોનો અને અફવાઓનો ગુલામ બની જાય છે, એ એમની કવિતાનો Master Stroke છે.
ને પછી…..
કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો, ને પછી,
અટકળને અંધ પાંખો ફૂટે, ને પછી
એ…ને…અટકળ ઊડી, ઊડી, ને એવી તે ઊડી, ને પછી,
ને પછી, અટકળ બની ગઈ અફવા, ને પછી,
અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ, ને પછી,
ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ, ને પછી,
ઊડી ઊડીને અફવા થાકે, ને પછી,
ચરણ સંકોરે, અંધ આંખો ખેરવે, ને પછી,
કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોને, ને પછી,
કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે “હું અટકળ નથી, અફવ નથી,” ને પછી,
છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, “હું જ સત્ય છું!”, ને પછી,
કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે એના સત્ય હોવાના દાવા પર, ને પછી,
ત્યારથી કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે….!
૩. મળશે તો?
શોધવા નીકળીશ રાહબર અને ખુદ ખુદા મળશે તો?
વિધીના લેખ રૂપે, સાંગોપાંગ, વીધાતા જ મળશે તો?
સેજ, મેડી, બારી, બારસાખ બધાં અવાચક થઈ જશે,
બનીને ચાંદ, દુલ્હન રૂપે મારી પડખે તું જો મળશે તો.
એક અડપલું અમથું નજરનું કર્યું, ત્યાં હતી શી ખબર?
મારા હાથમાં મહેંદીના વનનાં વન પછી મળશે તો.
કસુંબલ આંખોનો કેફ કરતાં પછી મને બીવડાવો નહીં,
વીદાય, વ્યથા અને વેદનાનાં વમળ મને જો મળશે તો?
જેને અક્ષરરૂપે પામવા, જીવનભર બસ ઝુર્યા કર્યું,
‘ભગ્ન’ કબર પર પછી એના જ હસ્તાક્ષર મળશે તો?
૪.જિંદગી ગઈ સરી…!
નામ લઈ એમનું લ્યો, જુઓ, શું ય હું ગઈ કરી!
ઝાંઝવાના હતા સાગરો એ બધાય હું ગઈ તરી!
હું જ છું પ્રતિબિંબો મહીં કે કોઈક બીજું જ છે?
શોધતાં આ જવાબો સૌ અહીં જિંદગી ગઈ સરી!
બાવરી રાધા લ્યો એકલી જ થઈ બદનામ પણ!
શ્યામની બાંસુરી મન જ રાધાનું હતી ગઈ હરી!
છે અહીં ક્યાં એવુંયે કશું જેનાથી હુંય જાઉં ડરી?
પણ જોયો આયનો ઓચિંતો, હું ય લ્યો ગઈ ડરી!
બાગમાં તો કશું કોઈનું ય બગડ્યું જ છે ક્યાં?
ભર વસંતે કળી એક ખીલ્યા વિણ જ ગઈ ખરી!
સર્જક …જયશ્રી વિનુ મરચંટ
રજૂઆતઃ પી. કે. દાવડા
વાચકોના પ્રતિભાવ