વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: શબ્દોનું સર્જન

1330 -દિવ્યાંગ બાળકોના વાત્સલ્યભર્યા કાબેલ શિક્ષિકાઃ શૈલા મુન્શા

શૈલાબેન-ફોટો

વિકલાંગ બાળકો સાથે સૌ.શૈલા મુન્શા

હાંરે હું તો ધરતીનો છોરું હું તો ધરતીનો છોરું
હોય સમજ નાસમજ તોય હું તો ધરતીનો છોરું
ઉડતા પતંગિયાની સાથ મારે ઉડવું છે ડાળ ડાળ,
પામવો છે પ્રેમરસ થઇને ગુલાબ લાલ લાલ.
સરતી માછલીઓ સંગ મારે સરવું સર સર,
જાણે દરિયો લહેરાતો આંખોમાં રંગરંગ.
હું તો ધરતીનો છોરું હું તો ધરતીનો છોરું
હોય સમજ નાસમજ તોય હું તો ધરતીનો છોરું.

“અમેરિકામાં મનોદિવ્યાંગ બાળકોને ખૂબ સગવડો મળે છે. માતાપિતા પણ આવાં બાળકોથી શરમાતા નથી. તેમને બધે સાથે બહાર લઈ જાય, બીજાં બાળકો પણ સહજ ભાવે એમની સાથે ભળી જાય. ભારતમાં આની ઉણપ વર્તાય છે.”

મારી આ કાવ્ય પંક્તિનો અર્થ અમેરિકા આવી દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાનુ શરું કર્યું ત્યારે ખરેખર સમજાયો. – હ્યુસ્ટન નિવાસી શૈલાબેન જ્યારે આવું કહે ત્યારે એમનું એક અલગ ચિત્ર મનમાં આકાર લે. કાવ્ય રચનાઓ, લેખન અને દિવ્યાંગ બાળકો તરફ વાત્સલ્યભર્યા વ્યવહારની ત્રિવેણી સંગમ એટલે શૈલાબેન મુન્શા.

વર્ષ ૨૦૦૦ ડિસેમ્બરમાં અમેરિકાની ધરતી પર પગ મુક્યો ત્યારે એમની પાસે એક શિક્ષિકા તરીકેના અનુભવોનુ ભાથું અને શાળાજીવનમાં ઊચ્ચ સાહિત્યવાચનની પ્રેરણા આપનાર એમના પ્રિન્સીપાલ ઈન્દુબહેન પટેલના આશીર્વાદનો ખજાનો હતો. અમેરિકામાં સ્થાયી થવાની સાથે એમને શૈક્ષણિક કારકિર્દી ચાલુ રાખવી હતી. પ્રથમ તક જે સામે આવી એ દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાની હતી. એમનો અનુભવ તો હાઈસ્કૂલના બાળકોને ભણાવવાનો હતો પણ બાળકો તો બાળકો જ હોય એમ સમજી આ તક એમણે અપનાવી લીધી. ભારતમાં દસમા ધોરણના બાળકોને ગુજરાતી શીખવતા શૈલાબેન અમેરિકામાં નાનાં ત્રણથી પાંચ વર્ષના બાળકોના સાનિધ્યમાં આવ્યા અને તેમની આખી દુનિયા બદલાઈ ગઈ.

સામાન્ય રીતે મંદ બુદ્ધિ કે વિકલાંગ બાળકો માટે સૌના મનમાં અનુકંપા કે દયાનો ભાવ હોય પણ એમના માટે તો આવા બાળકના જીવનને નવેસરથી સંવારવાની, સજાવવાની વાત બની રહી. સૌ એમ કહે કે હું બાળકોને શીખવું છું પણ શૈલાબેન તો કહે છે કે આ સત્તર વર્ષમાં હું બાળકો પાસેથી રોજ કંઇક નવું શીખું છું. આ બાળકોની પીડા, તકલીફ કે એમના પર લાગેલા લેબલ જુદાજુદા હોય એટલે એમની માવજત કેવી રીતે કરવી એમાં તો એક શિક્ષક અને માતાનો અનુભવ જ મહત્વનો, આ વાત એ સારી રીતે સમજતા હતા. એમણે પ્રેમ, સમજાવટ તો ક્યારેય કોમળ સખતાઈનો સહારો લઈને આ બાળકો સાથે કામ શરૂ કર્યું.

શૈલાબેન એમની વાત કરતા કહે છે, “જ્યારે ત્રણ વર્ષનું બાળક માનો ખોળો છોડી જ્યારે સ્કૂલમાં આવે ત્યારે તેને કદાચ બોલતા આવડતું હોય પણ અજાણી વ્યક્તિ પાસે એ બાળક ખુલી ન શકે ત્યારે એની તરફના મમતાભર્યા વર્તનના લીધે બાળક જે સલામતી અનુભવે એનાથી માતાનો ખોળો છોડીને આવેલું બાળક એમના ખોળે માથું મુકીને ઊંઘતું થઈ જાય. એ સમયે એમના ચહેરા પર છલકાતી માસુમિયતનું આજ સુધી કોઈ મોલ નથી કાઢી શકાયું. માતા-પિતા પાસે જીદ કરતું બાળક, અમારી એક સૂચનાએ આઈપેડ બાજુ પર મુકી, કાગળ પર એ,બી,સી,ડી લખવા માંડે અને માતાપિતાની આંખમાં જે ધન્યતાના ભાવ દેખાય એ જ આ કર્મની ધન્યતા.”

શૈલાબેનના મતે આ બાળકોને અણસમજુ માની લેવા એ આપણી સમજની ખામી છે. નાની અમસ્તી વાતમાં સંવેદના અનુભવતા બાળકોને અન્યની પણ પીડા સમજાતી હોય છે. ક્યારેક સ્પેશિયલ નીડના ક્લાસમાં મોઢે ચઢાવેલા બાળકો ય આવતા હોય છે જેમનું ધાર્યુ ન થાય તો થઈ જાય એમના ધમપછાડા શરૂ અને ત્યારે જરા કડક થઈને ય કામ લેવું પડે. એમની જીદ આગળ ઝુકવાના બદલે અક્કડ પણ થવું પડે, એમની તરફ ધ્યાન આપવાના બદલે અન્ય તરફ ધ્યાન આપવામાં આવે તો થોડીવારમાં આવીને સોરી કહેતા વ્હાલથી વળગે પણ ખરા.

શૈલાબેન આગળ કહે છે, “ હવે તમે જ કહો, આવાં બાળકોને વહાલ કર્યા વગર કેમ રહી શકાય?

લોકો જેને મંદ બુદ્ધિના કહે છે એ બાળકો મોટા ક્લાસમાં જાય, બીજી સ્કૂલમાં જાય, બે-ચાર વર્ષે મળે છતાં ઓળખી જાય!! બસ આ જ તો મારામાં રહેલા શિક્ષકને, એક માને જીવંત રાખે છે.”

શૈલાબેને બાળકો મસ્તી-તોફાનોના આવા અનુભવોને એમના બ્લોગ પર ‘રોજિંદા પ્રસંગો’ રૂપે લખવા માંડ્યા, જે ખંભાતની એક શાળામાં એક લેસન તરીકે ક્લાસમાં ઉપયોગમાં લેવાવા માંડ્યા. એમના માટે આ અહોભાગ્યની વાત બની રહી.

શૈલાબેન જણાવે છે, “અમેરિકામાં આવાં બાળકોને ખૂબ સગવડો મળે છે. બાળકનું મૂલ્યાંકન થયા પછી સરકાર તરફથી સ્પીચ થેરાપીસ્ટ, શારિરીક તકલીફવાળા બાળકો માટે ફિઝીકલ થેરાપીસ્ટ, જાતજાતની વ્હીલચેર વગેરે સગવડોને લીધે આ બાળકોમાં આત્મવિશ્વાસ આવે છે અને તેમની પ્રગતિ વધુ થાય છે. સમાજ પણ અને માતાપિતા પણ આવાં બાળકોથી શરમાતા નથી. તેમને બધે સાથે બહાર લઈ જાય, બીજાં બાળકો પણ સહજ ભાવે એમની સાથે ભળી જાય. ભારતમાં કદાચ આની ઉણપ વર્તાય છે. સમાજ સુધર્યો તો છે, પણ હજી નાના શહેરોમાં માતાપિતા આવાં બાળકોને વિશિષ્ટ બાળક સમજવાને બદલે સમાજથી સંતાડવાનો, સમાજથી દૂર રાખવાનો અભિગમ રાખે છે. આ બાળકોને ગાંડામાં ખપાવી દેવાના બદલે એમની પ્રગતિ કઈ રીતે થાય તથા એમની જુદી જુદી માનસિક અવસ્થાને અનુરૂપ એના ઈલાજ પણ જુદા હોય એવો કોઈ વિકલ્પ વિચારતા નથી.”

જીવનભર એક શિક્ષિકા તરીકે કામ કરતાં આવેલાં તથા બાળકોની ભાષા, એમના બોલાયેલા શબ્દો, અને નહિ બોલાયેલા શબ્દો કદાચ વધુ સારી રીતે સમજી શકતા શૈલાબેનના આ અનુભવો એમના બ્લોગ ઉપરાંત ‘બાળ ગગન વિહાર’ પુસ્તકરૂપે પણ પ્રગટ થયા છે. તેઓ દ્રઢપણે માને છે કે બાળક ભલે ગમે તે દેશનું, ગમે તે જાતિ કે ધર્મનું હોય, પણ બાળકમાત્ર પ્રેમ, જતન અને લાગણીની ભાષા તો સમજે જ છે.

1070- કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું….ચિંતન લેખ ….. લેખક- શ્રી.યશવન્ત મહેતા

સાભાર – શ્રી ઉત્તમ ગજ્જર – એમના ફેસ બુક પેજ પરથી …

કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું
–યશવન્ત મહેતા

એક વાર સ્વામી વીવેકાનન્દ(અથવા સ્વામી રામતીર્થ અથવા કોઈ અન્ય સ્વામી : કારણ કે આવી કથાઓ સાથે સૌ કોઈ મનગમતા સ્વામીને જોડી દે છે !) અમેરીકા જઈ રહ્યા હતા. એમના જમાનામાં અમેરીકા જવા માટે ઘણાખરા લોકો પુર્વ તરફનો દરીયામાર્ગ લેતા. એટલે કે બર્મા, મલાયા, સીંગાપોર, ચીન, જપાન પછી પ્રશાન્ત મહાસાગર વીંધીને અમેરીકા જવાતું. પ્રવાસ આગબોટથી થતો.

સ્વામીજીએ જોયું કે રંગુનથી એક જપાની વૃદ્ધ આગબોટ પર ચડ્યા છે. દેખીતી જ એમની ઉમ્મર ૮૫–૮૭ વરસ જેટલી હતી. સ્વામીજીએ એ પણ જોયું કે વડીલ દરરોજ સાંજે આગબોટના તુતક પરની ખુરસીમાં પાટી–પેન લઈને બેસે છે. સાથે નાનકડી પોથી રાખે છે. તે પોથીમાં જોઈને પાટીમાં લખે છે. ઘણા દીવસ આ જ ક્રમ જોવા મળ્યો. એટલે સ્વામીજીને કુતુહલ થયું કે વડીલ દરરોજ આ શી મહેનત કરતા હશે?

એક દહાડો કુતુહલ પ્રગટ થઈ જ ગયું. વૃદ્ધ સમક્ષ જઈને તેમને પ્રણામ કર્યાં અને પુછ્યું : ‘વડીલ, તમે દરરોજ આ પાટી–પેન અને પોથી લઈને બેસો છો; તે શું છે ?’

‘આ ચીની ભાષાની બાળપોથી છે. હું ચીની ભાષા શીખું છું.’

વીવેકાનંદનું કુતુહલ હવે આશ્ચર્યમાં ફેલાઈ ગયું. આ વડીલ, આ ઉમ્મરે ચીની ભાષા શીખે છે! ચીની ભાષા જગતની અઘરામાં અઘરી ભાષાઓમાંની એક છે. એની ચીત્રલીપીની 50,000 જેટલી અલગ અલગ આકૃતીઓ શક્ય છે. આપણને માત્ર આકૃતી લાગે એવા એક આકારમાં તો આખું વાક્ય સમાઈ ગયું હોય !

‘પણ વડીલ!’ વીવેકાનન્દ પુછ્યા વીના ન રહી શક્યા, ‘આવી અઘરી ભાષા આ ઉમ્મરે શીખવાની શી જરુર? એથી શું હાંસલ થશે?’
વૃદ્ધે ફરી વાર હુંફાળું મીઠું સ્મીત કરતાં કહ્યું, ‘ભાઈ, કોઈ પણ ઉમ્મર, કશું નવું શીખવા માટે વધારે પડતી નથી. માનવી જ્યાં સુધી કાંઈક નવું શીખવા માટે ઉત્સાહી છે, ત્યાં સુધી જ જીવન્ત છે. જો એ ઉત્સાહ ન રહ્યો તો તો પછી શ્વાસ–પ્રાણ ભલે ચાલતા હોય, તોયે માનવી મરેલો જ છે.’

તે દીવસે સ્વામીજીને સમજાયું કે કશુંય નવું કામ કરવા માટે માનવી ‘અતીવૃદ્ધ’ હોતો જ નથી. દરેક દેશનાં આગવાં કેટલાંક મહાકાવ્ય હોય છે. અંગ્રેજી ભાષા અને ગ્રેટ બ્રીટન માટે આવાં બે મહાકાવ્યો ‘પેરેડાઈઝ લોસ્ટ’ (ગુમાવેલું સ્વર્ગ) અને ‘પેરેડાઈઝ રીગેઈન્ડ’(પુન:પ્રાપ્ત સ્વર્ગ) છે. આ બન્નેના રચનાર મહા કવી જૉન મીલ્ટન છે. એ ૪૮ની વયે પુરેપુરા અન્ધ બની ગયા. એ પછી બાર વર્ષ લગી એમની બન્ધ આંખોની પાછળના દીમાગમાં એક કાવ્ય ઘુંટાતું રહ્યું. છેક સાઠની ઉમ્મર પછી એમણે દીકરીઓને એ કાવ્યનું શ્રુતલેખન કરાવવા માંડ્યું. આ વયે મીલ્ટને, નહોતો પોતાની ઉમ્મરનો ખ્યાલ કર્યો કે નહોતા અપંગાવસ્થાથી નીરાશ થયા.

સાહીત્યની દુનીયામાં આવું જ એક ગૌરવશાળી ઉદાહરણ ‘લે મીઝરેબલ’ અને ‘વીક્ટર હ્યુગો’નું છે. અઢાર–ઓગણીસમી સદીના ફ્રાન્સના શ્રેષ્ઠ લેખકોમાં એક વીક્ટર હ્યુગો છે. પોતાના યુગના એ સાહીત્યસમ્રાટ હતા. અસંખ્ય લેખકોના પ્રેરક હતા. પુરી ફ્રેન્ચ પ્રજાના માનીતા લેખક હતા. એમનાં લોકલક્ષી લખાણોને કારણે સત્તાધારીઓને ખુંચતાય ખરા. શાસકો એમની કદર કરે; પણ એ તો શાસકોનીય ધુળ કાઢતા! જ્યારે ફ્રેન્ચ ક્રાન્તી પડી ભાંગી અને નેપોલીયન બોનાપાર્ટ ‘શહેનશાહ’ બની ગયો, ત્યારે અમલદારો તરફથી આ ‘નાફરમાન લેખક’ વીક્ટર હ્યુગોની ધરપકડની દરખાસ્ત આવી. નેપોલીયને અમલદારોને ધમકાવી કાઢ્યા હતા. એણે કહેલું કે, ‘હ્યુગો ફ્રાન્સ છે અને ફ્રાન્સ હ્યુગો છે, તમે ફ્રાન્સની ધરપકડ કેવી રીતે કરી શકો?’

આ હ્યુગો પોતે પણ પોતાની લોકપ્રીયતા અને મહત્તા જાણતા હતા. આથી એક વાર તો ગુમાની લાગે તેવું વીધાન તેમણે કરેલું કે : ‘હવે પેરીસ નગરનું નામ બદલીને ‘હ્યુગો’ નગર રાખવું જોઈએ!’ જે વ્યક્તી પોતાને વીશે આટલું બધું ગૌરવ ધરાવવા અને વ્યક્ત કરવા તૈયાર થાય તે કેટલી બધી માનસીક અને નૈતીક તાકાત ધરાવતી હોય! હ્યુગો એ તાકાત ધરાવતા હતા.

અને એ તાકાત એમણે જીન્દગીની ઉત્તરાવસ્થા સુધી કેવી જાળવી રાખી હતી એનું જીવન્ત ઉદાહરણ ‘લે મીઝરેબલ’ છે. હ્યુગોની ફ્રેન્ચ ભાષાની જ નહીં; સમગ્ર વીશ્વની શ્રેષ્ઠ દસ–વીસ નવલકથાઓમાં સ્થાન પામે એવી આ નવલકથા લખવાનું કાર્ય, હ્યુગોએ ૭૮ વર્ષની વયે શરુ કર્યું હતું.

કેટલાક લોકો અમુક ઉમ્મર થતાં જ કશાંયે સર્જનાત્મક કે ઉપજાઉ કામ છોડી દે છે. ઘણાખરા તો સમાજ માટે ભારરુપ બનવા લાગે છે. કેટલાક વળી, અર્થહીન ક્રીયાકાંડો, પોથીપાઠો અને યંત્રવત્ પ્રવૃત્તીઓમાં ખોવાઈ જાય છે. ‘હવે તો મારાથી શું થાય!’ એવા પ્રશ્નો પુછતા થઈ જાય છે. એવા લોકોએ વીક્ટર હ્યુગોની તસ્વીર ઘરમાં લટકાવી રાખવી જોઈએ. તમને સ્વર્ગની કલ્પીત (માયારુપ) સીડી બતાવનાર ‘ગુરુ’ની તસ્વીર કરતાં; હ્યુગોની તસ્વીર વધુ સાર્થક બનશે.

અને તમને હ્યુગોની તસ્વીર ન મળે તો ‘મહાભારત’વાળા ‘વેદ વ્યાસજી’ની તસ્વીર રાખજો. પ્રાચીન વીશ્વની એમની સૌથી મોટી એ કૃતી એમણે રચવા માંડી ત્યારે તે એંશી ઉપરની વયના હતા.

કેટલાક લોકો વળી અમુક વય પછી એમ કહીને રચનાત્મક કામોમાંથી ફારેગ થઈ જાય છે કે, ‘હવે કોને માટે કશુંય કરવું?’ એવા લોકોને માટે ચીનના મહાન ફીલસુફ કન્ફ્યુશીયસની એક પ્રસંગકથા ઉપયોગી બને એમ છે. લો, સાંભળો :

ચીનના એક સમ્રાટ ઘણા ભલા, ઉદાર, દાની અને પરગજુ હતા. એ જરુરતમંદોને સદાય ઉદાર હાથે દાન આપતા, વડીલોની ઉત્તરક્રીયા કે સન્તાનોનાં લગ્ન કે જમીન–મકાનની ખરીદી જેવા હેતુ માટે ધન યાચતાં જે કોઈ આવે એને સમ્રાટ કદી નીરાશ ન કરતા.

ઉદાર અને સમજુ હતા એટલે ચીન્તકો, કવીઓ વગેરેના પણ પ્રશંસક હતા. કન્ફ્યુશીયસ જ્યારે એમના રાજ્યમાંથી પસાર થતા હોય ત્યારે એમને, પોતાને મહેલે રહેવાનો અચુક આગ્રહ કરતા. દીવસો સુધી એમના સત્સંગનો લાભ લેતા. વળી, પોતે કેવાં દાન અને સત્કાર્ય કરે છે એ કન્ફ્યુશીયસ જુએ, એવી ખાસ જોગવાઈ કરતા. સમ્રાટને આશા હતી કે સંતશીરોમણી પોતાના ઉપદેશમાં કે કાવ્યોમાં મારી યશગાથા વણી લે તો હું અમર બની જાઉં.

આવી મનોદશા વચ્ચે એક દીવસે સમ્રાટથી સંતને પુછાઈ ગયું, ‘પંડીતવર્ય, આ જગતમાં સૌથી મોટો દાની તમને કોણ લાગે છે?’

આવો પ્રશ્ન કરીને સમ્રાટ આતુરતાથી સંતના ચહેરા સામે તાકી રહ્યા. એમને પુરી આશા હતી કે સંત મને જ મોટામાં મોટો દાની ગણશે. હું એમની પરોણાગત ખુબ ભાવથી કરું છું. મારાં દાન પણ તેઓ પ્રત્યક્ષપણે જુએ જ છે.

પણ કન્ફ્યુશીયસે તો જવાબ આપવાને બદલે સમ્રાટને સુચવ્યું કે મારી સાથે મહેલની છત પર ચાલો.

બન્ને ચાલ્યા. રાજમહેલ એક ઉંચી ટેકરી પર હતો એની છત ઉપરથી સમગ્ર નગર જ નહીં; ફરતી ખેતરાઉ અને વાડીમય જમીન અને ગોચર વગેરે પણ દેખાતાં હતાં. એમાં એક બાજુ ખરાબાની વગડાઉ જમીન પણ હતી. કન્ફ્યુશીયસે આ ખરાબા ભણી આગળી ચીંધીને સમ્રાટને પુછ્યું, ‘આ તરફ જુઓ : તમને શું દેખાય છે? થોડીક વાર જોયા કરો અને પછી મને કહો.’

સમ્રાટે નજર ખેંચી. ‘અં… ખરાબાની જમીન સાવ બંજર છે. ઘાસનું તણખલુંયે ઉગેલું જણાતું નથી… આ જમીન પર કોઈ માણસ કામ કરતો દેખાય છે. એ વાંકો વળીને, કોદાળી વડે જમીન ખોદી રહ્યો જણાય છે… બરાબર, એ કશોક ખાડો કરતો લાગે છે… અં… ઓહો! એણે આવા તો ઘણા બધા મોટામોટા ખાડા કર્યા છે..! અચ્છા, એક બીજો ખાડો કરીને એ ટટાર થયો… ચાલ્યો… ખરાબાને છેડે એક મોટો ઢગલો અને એની બાજુમાં એક નાની ઢગલી છે.. એ શું હશે ?’

‘મોટો ઢગલો ખાતરનો છે, સમ્રાટ’, કન્ફ્યુશીયસે જણાવ્યું ‘અને નાની ઢગલી કેરીના ગોટલાની છે. એ માણસ ગોટલા વાવી રહ્યો છે.’

‘ઓ… હો… ભારે રુડું કામ કહેવાય!’

‘એ માણસ તમને કેવો દેખાય છે ?’

‘ગરીબ લાગે છે… ઘરડો છે… કમરેથી વાંકો વળી ગયો છે…’

‘સમ્રાટ, આટલે દુરથી એની ઉમ્મર નહીં કળાય; પરન્તુ એ પંચાણું વર્ષનો છે.’
‘પંચાણું….?’

‘હા, આજે સવારે વગડામાં આંટા મારતો મેં પોતે એને જોયો. મેં એની ઉમ્મર પુછી. એ પંચાણુંનો છે.’

‘તો તો હવે તે થોડા જ સમયમાં જ મરણ પામશે, ખરું ને ?

‘હા ખરું, મરણ પામશે, અને છતાં એ આંબા વાવી રહ્યો છે ! સેંકડો આંબા વાવી રહ્યો છે ! ‘શું આ આંબાની કેરી તે ખાવા પામશે કે?’

‘ના, બનવાજોગ તો નથી અને છતાં એ આંબા વાવી રહ્યો છે. મારા ભલા સમ્રાટ ! મારે મતે જગતનો શ્રેષ્ઠ દાનવીર આ વૃદ્ધ માણસ છે.’

–યશવન્ત મહેતા

સર્જકસમ્પર્ક:

47-A, Narayan Nagar, Paladi, Amdavad-380007
Phone : 079 2663 5634 Mobile : 9428046043
eMail : yeshwant.mehta.1938@gmail.com

તારીખ 1-2-2017ના ‘નયા માર્ગ’ પાક્ષીકના પાન 28 ઉપરથી લેખકશ્રી અને પ્રકાશકશ્રીની પરવાનગીથી સાભાર.. ..ઉત્તમ ગજ્જર..

‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંક : 377 – June 25, 2017
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકન : ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

========================================

યશવંત મહેતા… એક પ્રેરક પરિચય

ઉપરના લેખ-કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું– ના લેખક શ્રી યશવંત મહેતા પોતે આજે ૮૦ વર્ષના છે પણ ખુબ જ સક્રિય છે.

૫૦૦થી વધુ પુસ્તકોના લેખક, બાળ સાહિત્યમાં લેખન ઉપરાંત એકલવીર કર્મશીલ બનીને તેઓ કેવું નોંધપાત્ર કામ કરી રહ્યા છે એ શબ્દોનું સર્જન બ્લોગમાંના શ્રી રમેશ તન્નાના નીચેના લેખ ઉપરથી તમને જાણવા મળશે.

 આજની પોઝીટીવ સ્ટોરી- શ્રીરમેશ તન્ના

મારા મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં એમનો પરિચય.

યશવંત મહેતા– Yashwant Mehta 

 

YESHWANT MEHTA | Gujarat Sahitya Academy  
સર્જક અને સર્જન | યશવંત મહેતા

( 1008 ) મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ …… સોનલ પરીખ

૩૦મી જાન્યુઆરી એટલે કે ગાંધી નિર્વાણ દિને  દેશ અને પરદેશમાં પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી .

આજથી ૬૯ વર્ષ અગાઉ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે મહાત્મા ગાંધીએ પોતાના જીવનની આહુતિ આપી હતી .ગાંધી દેશ માટે જીવ્યા હતા અને દેશ માટે શહીદ બની એમનાં કાર્યોથી વિશ્વમાં અમર બની ગયા.

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખી માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.

મારી નીચેની અછાંદસ રચનાથી પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ આપું છું.

ગાંધી અને આઝાદી …અછાંદસ રચના

Gandhi Sketch- Vinod Patel

પંદરમી ઓગસ્ટ ૧૯૪૭ એ ભારત બન્યો આઝાદ,

ખુશી ફરી વળી, સમગ્ર દેશે ખુબ જશન મનાવ્યો,

દિલ્હીમાં દેશ નેતાઓ ઉજવણીમાં હતા મગ્ન ,

પણ આઝાદીની લડતમાં આગેવાની લેનાર,

દેશ માટે જીવન ખપાવનાર દુખી રાષ્ટ્રપિતા ,

અલિપ્ત રહ્યા, ગેરહાજર રહ્યા એ ઉજવણીમાં,

ક્યાં હતા એ જશન ટાણે, અને શું કરતા હતા ?

કોમી દંગાઓથી દુખી આ દેશનેતા, એ વખતે,

દિલ્હીની ઉજવણીની ખાણી પીણીથી ઘણે દુર ,

બંગાળના નાના ગામમાં અનશન  ઉપર  હતા !

 નિસ્પૃહી હતા આ દીન દુખિયા મહાત્મા ગાંધી !

કેવી કરુણતા કે ,આઝાદીના માત્ર છ માસ પછી ,

એક ખૂનીના હાથે, દેશ માટે તેઓ શહીદ થયા .

દેશ માટે જીવનાર અને મરનાર આ રાષ્ટ્રપિતાને,

શહીદીની ૬૯મી સંવત્સરીએ દિલી સ્મરણાંજલિ. 

–વિનોદ પટેલ

=========

રીડ ગુજરાતી.કોમના સૌજન્યથી ગાંધી ઉપરનો મને ગમેલો એક લેખ મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ “ એનાં લેખિકા સાહિત્યકાર સુશ્રી સોનલ પરીખના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ…..સોનલ પરીખ

મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ અત્યંત સીધુંસાદું હતું,સાથે અનેક પરિમાણીય અને માપનનાં કોઈ ધોરણોમાં બંધ ન બેસે તેવું વિરાટ હતું. તેઓ વિજ્ઞાન અને ટેકનોલૉજીના પ્રખર વિરોધી હતા એવી એક વ્યાપક માન્યતા છે. સાથે અનેક બુદ્ધિજીવીઓ ગાંધીજી આજે હયાત હોત તો કૉમ્પ્યુટર અને ઈન્ટરનેટનો માનવીય નિસબત અને માનવ વિકાસના સંદર્ભે સારામાં સારો ઉપયોગ કરતા હોત તેવું પણ માને છે.

તાજેતરમાં એક દળદાર અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થયું છે : ‘મ્યુઝિક ઑફ ધ સ્પિનિંગ વ્હીલ’ – જેમાં રેંટિયા જેવા સાદા યંત્રને સ્વાતંત્ર્યસંગ્રામ અને આત્મનિર્ભરતાનું પ્રતીક બનાવનાર મહાત્મા ગાંધીના ઈન્ટરનેટ યુગ સાથેનાં જોડાણની એક શક્યતા વર્ણવાઈ છે. પ્રસ્તુત છે વાચકો માટે એ પુસ્તકની થોડી રોચક વાતો….

વર્ષ 1931ના ડિસેમ્બર મહિનામાં મહાત્મા ગાંધી અને યુરોપના નૉબલ પ્રાઈઝ વિજેતા ચિંતક રોમા રોલાં – આ બે સુપ્રસિદ્ધ મહાપુરુષો વચ્ચે એક વાર્તાલાપ થયો હતો. આજે પણ એને વાંચીને મન પ્રકાશિત થઈ ઊઠે. તેનો એક અંશ જોઈએ.

રોમા રોલાં : તમે સત્યને ઈશ્વર શા માટે કહો છો ?

મહાત્મા ગાંધી : હિંદુઓમાં ઈશ્વરનાં હજારો નામ છે, પણ તેમાંનું એક પણ નામ ઈશ્વરની વિભૂતિને સર્વથા વ્યક્ત કરતું નથી. ઈશ્વર તેનાં સર્વ સર્જનોમાં- દરેક જીવમાં રહેલો છે. તેથી તેનું કોઈ એક નામ ન હોઈ શકે તેમ પણ આપણે કહીએ છીએ. પણ મારે માટે ઈશ્વરને વ્યક્ત કરી શકે તેવો જો કોઈ એક શબ્દ હોય તો તે સત્ય છે. પહેલાં હું કહેતો, ઈશ્વર સત્ય છે. પણ હવે હું માનું છું કે સત્ય ઈશ્વર છે.

રોમા રોલાં : પણ સત્ય એટલે શું ?

મહાત્મા ગાંધી : પ્રશ્ન અઘરો છે, પણ મેં મારા પૂરતું શોધી કાઢ્યું છે કે મારા અંતરાત્માનો અવાજ તે જ મારું સત્ય.

રોમા રોલાં : સત્ય એ જ ઈશ્વર હોય તો હું માનું છું કે ઈશ્વર એટલે પૂર્ણ આનંદ. સાચી કલા, નિરામય સૌંદર્ય, સૌજન્ય, સહજ આનંદ – આ ઈશ્વરનાં રૂપો છે.

મહાત્મા ગાંધી : હિંદુ ધર્મમાં ‘સચ્ચિદાનંદ’ શબ્દ છે. એનો અર્થ પણ આ જ છે. સત્ય આનંદવિહોણું ન હોઈ શકે. તેની શોધમાં હતાશા, યાતના, થાક બધું નથી આવતું તેમ નથી, પણ અંતે જે પ્રાપ્ત થાય છે તે નિર્ભેળ આનંદ જ હોય છે.

આ અંશ એક દળદાર પુસ્તક ‘મ્યુઝિક ઑફ ધ સ્પિનિંગ વ્હીલ : મહાત્મા ગાંધીઝ મેનિફેસ્ટો ફોર ધ ઈન્ટરનેટ એજ’ ના એક પ્રકરણમાંથી લેવામાં આવ્યો છે.

સત્ય, સત્ય પ્રાપ્તિનો નિર્ભેળ આનંદ અને સામાન્ય માનવીને પોતાનામાં રહેલાં સત્ય અને સત્વથી પરિચિત કરાવવો તે હતું મહાત્મા ગાંધીનું જીવન ધ્યેય. એક ગુલામ દેશનો હડધૂત થતો ગરીબ ગ્રામજન પણ પોતાની જાતને નિરુપયોગી કે અસહાય ન મહેસૂસ કરે તે માટે તેમણે તેના હાથમાં ચરખો મૂક્યો. ચરખાએ એ યુગમાં એવી ક્રાંતિ સર્જી કે ભારતનું નિર્માલ્ય પ્રજાજીવન એક વિરાટ ચૈતન્ય બની પોતાને જકડી રાખનાર સાંકળોને તોડી શક્યું.આ સંદર્ભે આ પુસ્તકના લેખક સુધીન્દ્ર કુલકર્ણી જે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ  બિહારી વાજપાઈના અંગત સહાયક હતા, તેમણે એક રસપ્રદ વાત કરી છે કે જે ક્રાંતિ ચરખાએ ગાંધીયુગમાં કરી હતી એ ક્રાંતિ-સામાન્ય માનવીના સશક્તીકરણની- આજે ઈન્ટરનેટે કરી બતાવી છે.

ઈન્ટરનેટ વાપરતો વૃદ્ધ કે અશક્ત માનવી દુનિયાના એક ખૂણામાં બેસીને માહિતી, જ્ઞાન ને મનોરંજન મેળવી શકે છે. સમય બદલાતો જાય તેમ સાધનો બદલાતાં જાય : ત્યારે ચરખો હતો, આજે ઈન્ટરનેટ છે. પણ ધ્યેય બન્નેનું એક જ છે – અને તો પછી ઈન્ટરનેટ એક સાચા માનવપ્રેમી મહાત્મા ગાંધીની વૈચારિક ક્રાંતિનો જ એક ચહેરો કેમ ન હોઈ શકે ? સુધીન્દ્ર કુલકર્ણી ઈન્ડિયન એક્સપ્રેસની પોતાની કોલમમાં પણ આ વાત વારંવાર કહેતા.

મહાત્મા ગાંધીનો જન્મ 1869માં થયો. ઈન્ટરનેટનો જન્મ તેનાgandhi-internet બરાબર સો વર્ષ પછી એટલે કે 1969માં થયો. ઈન્ટરનેટ યુગનું એક સીમાચિહ્ન એટલે સ્ટીવ જૉબ્સ.

સ્ટીવ જૉબ્સે 1990ના દાયકામાં એપલનું મશહૂર ‘થીંક ડિફરન્ટ’ એડવર્ટાઈઝિંગ કૅમ્પેન શરૂ કર્યું ત્યારે તેણે મહાત્મા ગાંધીનો ચરખા સાથેનો ફોટોગ્રાફ પસંદ કર્યો હતો, જેના પર ‘થીંક ડિફરન્ટ’ ઉપરાંત ‘બી ધ ચૅન્જ યુ વીશ ટુ સી ઈન ધ વર્લ્ડ’ એવું મહાત્મા ગાંધીનું અવતરણ હતું.

ડિજિટલ ટેકનૉલૉજીના અનેક ચહેરા છે, પણ તેના સંશોધન સાથે ઊંડી સામાજિક નિસબત જોડાયેલી છે. ઈન્ટરનેટ વિશ્વ સાથે જોડાયેલા તમામ ‘જેન્યુઈન’ સંશોધકોનું ધ્યેય ધન નહીં, પણ માનવજાતની સેવા અને સર્જનાત્મકતાનો આવિષ્કાર છે. આ સંશોધકો કહે છે કે ડિજિટલ ક્રાંતિ ખરેખર તો પ્રકૃતિના ઉત્ક્રાંતિના નિયમને અનુસરે છે.

પ્રકૃતિમાં વિકાસ છે, પણ સંઘર્ષ નથી, સહકાર છે. ગાંધીએ પણ આ સિદ્ધાંત માનવવિકાસના પાયામાં જોયો છે. જોકે, ઈન્ટરનેટ વ્યાવસાયિકતાને રાજકારણની સાંકડી સીમાઓથી નિયંત્રિત થાય તો તે માનવવિકાસને બાધક નીવડે છે, જેમ માનવીનું મગજ નૈતિક મૂલ્યોવિહોણી બુદ્ધિથી ગેરમાર્ગે દોરવાય અને વિકાસને બદલે પતન લાવે તેમ.

સ્ટીવ જૉબ્સ કહે છે, ‘માનવીનું મન અત્યંત ઉધમાતિયું છે, જેમ તમે તેને શાંત પાડવા જાઓ તેમ તે વધુ ધાંધલ કરે છે, પણ એકવાર જો તે શાંત થાય તો એક સાચી ક્ષણમાં રહેલી અપરંપાર શક્યતાઓને જોઈ શકે છે.’ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ લખ્યું છે, ‘મન અશાંત પક્ષી જેવું છે. જેમજેમ તેને વધુ પ્રાપ્તિ થાય તેમતેમ તેની ઝંખના વધતી જાય છે. તેના અસંતોષનો કોઈ અંત નથી.’ ‘પ્રાર્થના, ઉપવાસ, મૌન અને કાંતણ વડે તે શાંત થાય છે અને ચરખાના મધુર ગુંજારાવ જેવો પોતાના આત્માનો અવાજ પછી તે સાંભળી શકે છે.’

સ્ટીવ જૉબ્સે ભારતમાં આવ્યા બાદ પોતાનું નિરીક્ષણ આ શબ્દોમાં નોંધ્યું છે : ‘અમેરિકા અને ભારત વચ્ચે અત્યંત વિરાટ સાંસ્કૃતિક તફાવત છે. ભારતની ગ્રામીણ પ્રજા અમેરિકાના લોકોની જેમ બુદ્ધિના આધારે નથી જીવતી. આ પ્રજા પોતાની સહજ સ્ફુરણાના આધારે જીવે છે અને આ તેમની આ શક્તિ વિશ્વની અન્ય પ્રજાઓ કરતાં અનેક ગણી વધુ વિકસિત છે. હું માનું છું કે ઈન્ટ્યુઝન ઈઝ મોર પાવરફુલ ધેન ઈન્ટલેક્ટ. મારા જીવન પર આ બાબતની બહુ મોટી અસર છે.’

8 એપ્રિલ, 1921માં ભારતભ્રમણ કર્યા બાદ એક વ્યાખ્યાનમાં ગાંધીજીએ કહ્યું હતું, ‘આ પ્રવાસમાં મેં જોયું કે ભારતની ગ્રામીણ સ્ત્રીઓ આપણે તેમને માનીએ છીએ તેવી બુદ્ધિહીન કે અસંસ્કારી નથી. તેઓ પોતાની સહજ સમજના આધારે ભણેલા ભારતીયોના વિચાર વાદળમાં ધૂંધળું જોતી દષ્ટિ કરતાં વધુ સ્પષ્ટ જોઈ શકે છે.’

લેખક કહે છે, ‘ઈન્ટરનેટ અને અન્ય ડિજિટલ ટેકનૉલૉજી મહાત્માના વિચારોનું વહન કરવાનું સામર્થ્ય ચોક્કસ ધરાવે છે.’ ઈન્ટરનેટમાં ગાંધી જેમાં માનતા તેવી વ્યક્તિગત અને વૈશ્વિક જીવનશૈલીનો નવો યુગ નિર્માણ કરવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. એક એવું વિરાટ વિશ્વ, જેની ધરી નૈતિક મૂલ્યોની બનેલી હોય – જેમાં સંવાદિતા અને સાતત્યપૂર્ણ વિકાસ હોય.

‘ઈન્ટરનેટ સત્યાગ્રહીઓ’ ઊભા કરવાની વાત સાથે લેખકે અટલ બિહારી વાજપાઈએ જે ભૌતિક, સાંવેદનિક, રાજકીય, વૈશ્વિક, પડોશી રાષ્ટ્રો વચ્ચેની અને ડિજિટલ ‘કનેક્ટિવિટી’ની વાત કરી હતી તેનો પણ સંદર્ભ આપ્યો છે. ગાંધીજી કહેતા, ‘હું ભારતનો નહીં, સત્યનો સેવક છું.’ તેઓ ક્રાંતિકારી હતા. તેઓ વિજ્ઞાન અને ટેકનૉલોજીના નહીં, માણસ અને માણસાઈનું હનન કરતાં  તેનાં પરિણામોના વિરોધી હતા.

પુરાતન સાદા યંત્ર રેંટિયાથી માંડી તંત્રજ્ઞાનના વિકાસની ચરમસીમા સમા ઈન્ટરનેટ આ બન્ને અંતિમોને વિચારીએ તો લાગે છે કે મહાત્માની શાંતિમય અને અહિંસક વિશ્વકુટુંબ રચવાની ઝંખનાએ જે તાલાવેલીથી ચરખો ચલાવ્યો હતો તે જ નિપુણતાથી ઈન્ટરનેટને પણ આવકાર્યું જ હોત અને કૉમ્પ્યુનિકેશન રિવોલ્યુશનના આ યુગમાં પણ તેઓ અવતાર પુરુષ રહ્યા જ હોત. આ પુસ્તક મહાત્મા ગાંધીનો વૈચારિક ક્રાંતિનો તંતુ ઈન્ટરનેટ વિશ્વ સાથે જોડવાનો એક રસ પડે તેવો ઉપક્રમ લઈને આવ્યું છે. કોઈ ગાંધીજને કે ગાંધીયુગના કોઈ ચિંતકે ગાંધીવિચારોને આ પ્રકારનું પરિમાણ આપ્યું હોવાનું જાણમાં નથી.

-સોનલ પરીખ

સંપર્ક :sonalparikh1000@gmail.com

સૌજન્ય :રીડ ગુજરાતી.કોમ

 

gandhi-sins-2-3

===========

બે એરીયાની જાણીતી સંસ્થા “બેઠક” ઘણી સુંદર સાહિત્ય પ્રવૃતિઓ કરી રહી છે, એમાંની એક પુસ્તક પરબની પ્રવૃત્તિ છે.એમાં સભ્યોને વાંચવા માટે પુસ્તકો અપાય છે.હવે નવા વર્ષથી સારા પુસ્તકો વડીલોને સાંભળવા મળે એ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓડિયો -વિડીયો માધ્યમનો ઉપયોગ શરુ કરી સદવિચારો લોકો સુધી પહોંચાડવા ” વાચિકમ” નું અભિનવ પગલું શરુ કર્યું છે. આ માટે આ સંસ્થાને અભિનંદન ઘટે છે.

નીચેના ઓડિયોમાં સુશ્રી.દીપલ પટેલને એક જાણીતા પુસ્તકમાંથી ૩૦મી જાન્યુઆરીના શહીદ દિનને અનુરૂપ ગાંધીજી વિશેના ભાગનું પઠન કરતાં તમે સાંભળી શકશો.

Vachikam-Dipal patel

સૌજન્ય :શબ્દોનું સર્જન – બેઠક 

( 821 ) ઘર એટલે ઘર ……. લેખિકા- પ્રજ્ઞા દાદભાવાળા

 દુનિયામાં બધી જ શ્રેષ્ઠ જગાઓએ ફર્યા હોઈએ એમ છતાં જે જગાએ આવીને હૃદયમાં અને મનમાં “હાશ”ની લાગણી થાય એ સ્થળનું નામ ઘર -પોતાનું ઘર. ઘર એક સ્થૂળ વસ્તુ છે પણ એમાં સુક્ષ્મ રીતે રહેતા પ્રાણની અનુભૂતિ થાય છે.

અનેક કષ્ટો વેઠ્યા પછી બનાવેલા પોતાના ઘરમાં રહેવાનો આનંદ અદ્ભુત હોય છે.ઘરની સાથે જોડાએલું માનવીઓનું મમત્વ અનેરુ હોય છે એ તો જેણે એનો અનુભવ કર્યો હોય એ જ કહી શકે .પક્ષીઓ પણ બધે ઉડીને છેવટે સાંજ પડે પોતાના માળામાં આવીને શાંતિ પામે છે કારણ કે એ માળો તિનકા તિનકા એકઠા કરીને એણે પોતે જાતે બનાવ્યો છે.

આ અગાઉની વિ.વિ.ની પોસ્ટમાં જેમનો પરિચય આપ્યો છે  એ બેઠકનાં સંયોજક અને આ બેઠકના મુખ પત્ર સમા બ્લોગ “શબ્દોનું સર્જન” નાં બ્લોગર શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભા વાળાનો મને ગમેલો એક “ઘર એટલે ઘર ” આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકોના આસ્વાદ માટે લેખિકાના આભાર સાથે સહર્ષ પોસ્ટ કરેલ છે.

મન મુકીને કરેલું કોઈ પણ સર્જન એ એક કલાકૃતિ સમું બની જાય છે. એવું જ શબ્દોના સર્જનનું પણ છે.આ લેખમાં પ્રજ્ઞાજીના શબ્દોનું સર્જન મને જેવું ગમ્યું એવું તમને પણ જરૂર ગમશે એવી આશા છે.

મિત્રો,ઘર વિષે તમે શું વિચારો છો,એ તમારા પ્રતિભાવમાં જરૂર લખશો.

વિનોદ પટેલ

ઘર એટલે ઘર ……. લેખિકા…. પ્રજ્ઞા દાદભાવાળા

ghar etle ghar =2

કૃતિ -વિનોદ  પટેલ 

મિત્રો મેં જે અનુભવ્યું તે જ આલેખ્યું છે કોઈ મને રોજ કહેતું હતું કે…….

ઘટાદાર વૃક્ષ પર પંખીઓને માળામાં પાછા જતા જોઉં છું  અને ઘર યાદ આવે છે.

હા ઘર એટલે ઘર

જે દરેકનું એક  સપનું  હોય.જ્યાં સંતોષના ઓડકાર હોય પાણી પીધા પછીની હાશ હોય આનંદ, આશાઓ, અપેક્ષાઓ, વેદનાઓ અને આંસુ  બધું જ હોય, પણ સુખના ઓડકાર લેતાં હોય,જ્યાં સલામતીની ભાવના હોય, જ્યાં જગતનો વૈભવ પામ્યાની અનુભૂતિ હોય,જ્યાં બધાનો સમાવેશ હોય , જેમાં એક પોતાપણું ની ઝલક હોય,જ્યાં સૌ કોઈ કિલ્લોલમાં રાચતાં હોય,જ્યાં વહેંચીને ખાતાં હોય, અચાનક આવી ચડેલા મહેમાન માટે બે ખુલે હાથે આવકાર હોય, આપણાં પણા નો અહેસાસ હોય છે.જ્યાં ચાર દીવાલ બંધ બારી હોવા છતાં મોકળાશ હોય જ્યાં કોઈ આપણી પાછા આવવવાની રાહ કોઈ જોતું હોય ,જ્યાં આપણા ઘરેથી નીકળતા પગલા આપો આપ સાંજે જે તરફ વળતા હોય.એ બીજું કઈ નથી પણ ઘર છે  હા બસ આ જ ઘર એટલે ઘર છે

માણસ  વિનાનું ઘર સુનું લાગે છે  કારણ ઘરનો આધાર કેવળ ફર્નિચર નથી એમાં રહેતા માણસો નો જીવન ધબકાર ઘરને સજીવન રાખે છે. ઘર આપણ ને એકાંત અને પ્રેમ આપે છે અને આપણે એક બીજાના અંગત છીએ તે અહેસાસ કરાવે છે  અહી પ્રેમ ચારે કોર હવા થઇ  ફરે છે.અને પંખા વિનાના ઘરમાં પણ ઘર ની આત્મીયતા છે કારણ આપણી અગવડતા નું રૂપાંતર અહી એની મેળે સગવડમાં થાય છે અચાનક આવી ચડેલા મહેમાન માટે ઘર મોટું થઇ જાય છે,છત અને અછત જેવા શબ્દોનું મુલ્ય ઘરમાં નથી ટાઢ-તડકો, સુખદુઃખ, વરસાદ-પાણી, એ બધું જ આવકાર્ય છે. સ્વીકાર્ય છે અહી  સુખ કે દુખ અલગ ઓરડામાં નથી રહેતું, ઘર નાનું હોય કે વિશાળ, ઘરમાં ભવ્યતા હોય કે સાદગી પરંતુ સહુને ગમે છે.

મનની શાંતિ કે જ્યાં દિવસભરનો થાક ઊતરી જાય અને ખૂણેખૂણો પોતાનો લાગે..ઉત્સાહ વહેચાય છે બધાની આદતો એજ ઉત્સાહ છે અને આનંદ બધાને સાથે જોડી રાખે છે અને ત્યારે જ સુખ આવે છે સ્વપ્નાઓ સાથે જોવાય છે”સૌ સાથે છીએ”  એવી નેઈમ પ્લેટ સદાય ઘરમાં લટકે છે અને  ઘર તેનું સાક્ષી બને છે .

હા ઘરમાં એવું કૈક છે જે હોટેલમાં નથી..ક્યારેક ભીતોમાં તિરાડ પડે છે પણ મન સદાય સંધેલા જ હોય છે હોટલ જેવા રંગીન પડદા નથી હોતા પણ હ્યુદયમાં ક્યારેય પોપડા ખરતા નથી  કારણ ટપકતી છત માનવીના હ્યુદયને સદાય ભીજ્વતી રાખે છે બધા એકબીજા માટે ભીતરમાં જખ્મો સહીને પણ,પ્રેમને જીવતો રાખે છે….બસ આજ ઘર છે જ્યાં પાણિયારાં પર દીવો પ્રગટાવાય છે અને દિવાળીને દિવસે ઉંબરો પૂજાય છે બારણે તોરણ નિરંતર આવકાર આપે છે તુલસીક્યારો ઘરને ઓછાયા થી દુર રાખે છે જ્યાં ઉંબરો શુભ લાભ અને સ્વસ્તિકના પ્રતિક થકી જગમગે છે અને જ્યાં ઘડતરના કલાસ માનવી પોતે પોતાની મળે જ મેળવે છે બીજ ઘડાય છે વિકાસ થાય છે  અને વહુ પણ કુમકુમ પગલે માત્ર ઘરમાં જ પ્રવશે છે  બાળક પહેલીવાર રડે છે અને અંતિમ શ્વાસ પણ માણસને ઘરમાંજ લેવો ગમે છે , અહી જ પહેલો અને છલ્લો ઉદગાર પણ માનવીના પોતાના ઘરમાં જ ઉચ્ચારાય એવું ઈચ્છે છ અહી કોઈની કરચલીવાળી હથેળીઓ કોઈની આંગળી પકડે છે તો ક્યારેક કોઈનો હાથ લાકડી બની સહારો આપે છે બધું માત્ર સમજી ને થાય છે  ત્યાં કેટલાય સારા નરસા પ્રસંગોની યાદગીરી સામેલ હોય છે….હા અહી ભર્યો ભર્યો ઈતિહાસ ડોકિયાં કરે…ઘરમાં પેઢીઓ ઊછરે  છે….જેમ માણસ  કોઈની પણ રજા વગર ઘરમાં  દાખલ થાય છે તેમ ઘર ની દુર જાય તો ઓશિયાળો  થઈ જાય છે …   

દિલની હાશ, નિરાંત, આવકાર, સલામતી, પોતીકાપણું આપી આપણી તરસને તૃપ્ત કરતું ઘર  બસ એ ઘર  છે.

ઘરની વ્યાખ્યા નથી અને વ્યાખ્યામાં બધાઈ  ગયા પછી  બધું જ કહેવાનું બાકી રહી જાય  છે.રાહતનો શ્વાસ વ્યાખ્યામાં જાણે રુંધાઈ  જાય છે મારા પણા નો અધિકાર જાણે છીનવાય જાય છે સાથે માણેલી ક્ષણોનો ઉમળકો જાણે ઓસરી જાય છે…અવગણના, ઉપેક્ષા, તિરસ્કાર, ધિક્કાર, દંભ, અવિશ્વાસ, ઈર્ષા, કટુવચન – આ બધાંનો પગપેસારો થાય છે અને ગણતરી સહનશક્તિ ને ધ્રુજાવી નાખે છે…..હા પણ  વ્યાખ્યા વિનાના ઘરમાં ધીરજની કસોટીમાંથી પર ઉતારવાની તાકાત હોય છે  અને આનંદ પણ સહિયારો છે. વહાલ, ઉદારતા, સહાનુભૂતિ, ત્યાગ અને સેવાભાવ..અહીં તો વરસે છે.

ભગવાને સૃષ્ટી ભલે બનવી હોય પણ ઘર તો માનવી જ બનાવે છે…જ્યાં સુખનું પ્રથમ પગથીયું વિશ્વાસ છે…બાળપણ સગપણ સમજણ અને ઘડપણ બધું જ માનવીના ઘરમાં થાય છે જ્યાં હુંફ  ઘરની દીવાલ બની બધાને ઢાંકી  રાખે છે  મારું તારું અને આપણું  નો ત્રિકોણ માત્ર ઘર છે સંપ પણ સહિયારો અને અજંપ પણ સહિયારો છે વર્તતા થાક નો અજંપો પણ ઘર છે.મન મૂકીને ઘર  પાસે આવી શકીએ છીએ  અને એમની આત્મીયતા  પૂરા દિલથી માણી પણ શકીએ છીએ.ઘર માનવીની શાખ પણ છે અને એટલેજ ઘર સરનામું બની ને જીવે છે….જયારે માનવી થાકે છે ,તૂટીને વેરાઈ જાય છે ત્યારે ઘરનાં  કોડિયાના ઉજાસમાં પણ પ્રકાશ મેળવે છે.

સુંદર ઘર એટલે ભગવાનનો વાસ છે  સંસ્કાર અને સંસ્કૃતિ નો પડછાયો ઘર છે. ઘર માનવીને ઘડે છે.અંધકારની ઉષ્માનો અર્થ  જ અહી સમજાય છે  તો ક્યારેક મોંનના  એકાંત ના આશીર્વાદ પણ માનવી ઘરમાંથી જ મેળવે છે. સમર્પણના સમભાવ ઘર છે તો પારિવારીક પ્રેમની પરંપરાને પ્રજ્વલ્લિત માત્ર ઘર જ રાખે છે કારણ ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર હોય છે અને માટે  ભૂલેલો માણસ ફરી ઘરમાં દાખલ થાય છે ત્યારે બે હાથે આવકારાય  છે.આ બધું માત્ર ઘરમાં થાય છે નાના ઘરમાં બધાનો સમાવેશ થાય..ઘર .ક્યારેય સાંકડું નથી  સાંજ પડે ઘર જાણે મોટું થઇ જાય છે ભવ્યતા હોય કે ખંડેરપણું, એની જે હાલત હોય તે, એને કોઈ જ ફરક પડતો નથી. ઘર તો ગરીબનું  હોય કે તવંગર, પણ ઘર તો ઘર છે માણસ ઘરમાં વિકસે છે માટે ઘર ક્યારેય ખંડેર થતું જ નથી..આપણું ઘર આપણી ઓળખ છે. વડીલના વડલાની છાયા પણ છે  તો માં ના ગર્ભનો અહેસાસ પણ ઘર છે અને માટે જ અકારણ માનવીને ઘરે જવાનું મન થાય….

આપણી  શક્તિઓ ઘરમાં પાંગરે છે આત્મવિશ્વાસ,વિચારવાની ક્ષમતા, ઈચ્છાઓ,થતી લાગણીઓ,આપણી કલ્પના,વાતચીત,ચાલવાની, દોડવાની, હસવાની ક્ષમતા.આ શક્તિઓ થકી, આપણે ધાર્યે તે સર્જી શકીએ છીએ.. .આપણા  .વિકાસનું સાધન ઘર છે. અને માટે જ ઘર માનવીનું ચાર્જર છે

હોસ્પિટલ ખૂબસૂરત કુદરતની વચ્ચે હોવા છતાં માણસ નિરાશ્રિતની છાવણીમાં હોય તેવું કેમ લાગે છે ?બીમાર દર્દી હોસ્પીટલમાં બધી જ સુવિધા વચ્ચે સાજો થવાની કોશિશ કરે છે.પણ પલંગ સામે દેખાતી બારીમાં રોજ ડોક્યા કરી પોતાનું ઘર કેમ શોધે છે.? હું  ઘરની બહાર છું એવું કેમ અનુભવે છે ?. પત્ની સાથે હોવા છતાં ઘર યાદ આવે છે. અને ઉદાસ થઇ જાય છે .દરોજ સવારે પ્રશ્ન પૂછે છે હવે ઘરે ક્યારે જશું ? બસ આજ ઘર છે.

pragnaji -પ્રજ્ઞા દાદભાવાળા

(820 ) જીવનની જીવંત વાત …( એક સ્મૃતિ ચિત્ર )… વિનોદ પટેલ

ગુજરાતી બ્લોગ વિશ્વ સાથે જેઓ પરિચિત છે તેઓ કેલીફોર્નીયામાં સાન ફ્રાંસીસ્કો ,બે એરીયામાં “બેઠક “ની સભાઓ મારફતે ચાલતી સુંદર સાહિત્ય પ્રવૃતિઓથી વાકેફ હશે જ.

Smt. Pragna Dadbhavala

Smt. Pragna Dadbhavala

આવી પ્રસંશનીય પ્રવૃતિઓના મુખ્ય કર્તા હર્તા ખુબ જ ઉત્સાહી સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાલા (પ્રજ્ઞાજી) અને એમના અન્ય સાહિત્ય પ્રેમી સહયોગીઓ જેવાં કે કલ્પના રઘુ “બેઠક ” માં ખુબ રસથી ભાગ લઇ રહ્યાં છે.એંસી વર્ષના મારા સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડાજી , જેઓ એમની દીકરી સાથે સાન ડિયેગોમાં મારા નિવાસ સ્થાને આવીને મને મળી ગયા છે, તેઓ પણ ખુબ રસથી બેઠકની પ્રવૃતિઓમાં  ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે.

બેઠકની સભાઓમાં સભ્યો એમની રચનાઓ વાંચે છે અને બહારથી કોઈ સારા વક્તાને આમંત્રિત કરી સભાઓ પણ ગોઠવે છે.પુસ્તક પરબ દ્વારા સાહિત્યનો પ્રસાર કરવાની પ્રવૃત્તિ પણ ચાલે છે.આ રહી બેઠકના કેટલાક ઉત્સાહી સભ્યોની એક તસ્વીર .

Bethak -3

“બેઠક”(Bethak Gujarati 019 at ICC, Milpitas, CA)ની તારીખ 2015-11-27 ની સભાનો આ વિડીયો જોવાથી એનો ખ્યાલ આવી જશે. આ વિડીયોમાં લેખિકા Kalpana Raghu એમની “સ્વરચિત રચના” વાંચી રહ્યાં છે.બાજુમાં પ્રજ્ઞાજી છે.

“બેઠક”ની સુંદર સાહિત્ય પ્રવૃતિઓમાંની એક સૌને ગમતી પ્રવૃત્તિ દર મહીને કોઈ એક વિષય નક્કી કરી એમના પર કોઈ ધારા વાહી વાર્તા , વાર્તા, નિબંધ , કાવ્ય રચના દ્વારા લેખકોને લખવા માટે આમંત્રિત અને પ્રોત્સાહિત કરવામાં આવે છે.પછી આ બધી કૃતિઓનું ચયન કરી એને ઈ- બુકમાં ગ્રંથસ્થ કરવામાં આવે છે.

સુ.શ્રી પ્રજ્ઞાબેને એમના ફોનમાં આજે મને વાત કરી એ ઉપરથી એ જાણીને ખુબ આનંદ થયો કે અત્યારે હાલ તેઓ અમેરિકાના લેખકોની ચૂંટેલી સાહિત્ય રચનાઓને સમાવીને એક “મહા ગ્રંથ “ટૂંક સમયમાં બહાર પાડી રહ્યાં છે અને એના માટે ભારતની મુલાકાત માટે જઈ રહ્યાં છે.આવો બૃહદ મહા ગ્રંથ ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે જરૂર એક સુંદર માધ્યમ બનશે .આવી પ્રવૃતિ હાથ ધરવા માટે પ્રજ્ઞાજી અને બેઠકના અન્ય ઉત્સાહી મિત્રોને અભિનંદન.

અગાઉ “બેઠક”દ્વારા નિશ્ચિત થયેલા ઘણા વિષયો ઉપર મેં મારા ગદ્ય નિબંધો, વાર્તાઓ,કાવ્ય રચનાઓ વી. લખી મોકલ્યા છે જે એમની પ્રકાશિત ઈ-બુકોમાં ગ્રંથસ્થ પણ થયેલ છે.પ્રજ્ઞાજી મને ફોનમાં અવાર નવાર લખવા માટે પ્રોત્સાહિત કરે છે એ માટે એમનો આભાર માનું છું.

આ મહિના માટે “બેઠક”નો વિષય “બેઠક”નો વિષય “જીવનની જીવંત વાત “ રાખવામાં આવ્યો હતો. 

આ વિષય ઉપર મેં પણ મારો લેખ લખી મોકલ્યો હતો જે પ્રજ્ઞાજીએ એમના બ્લોગ “શબ્દોનું સર્જન ” માં પ્રકાશિત કર્યો છે.

આ લેખને વિનોદ વિહાર ના વાચકો માટે નીચે પ્રસ્તુત કરું છું.

જીવનની જીવંત વાત …….(7)……વિનોદ પટેલ

એક બહુમાળી ઇમારતની નજીક જીવતી એક ગરીબ વસાહતની વાત …

અમેરિકાના આ ઝાકમઝોળ અને વૈભવી વાતાવરણમાં જિંદગીનો બાકીનો નિવૃત્તિકાળ હું માણી રહ્યો છું ત્યારે મારા અમદાવાદના રહેવાશ દરમ્યાન મારા ચિત્તના ચોપડામાં જડાઈ ગયેલું નજરે જોએલું ગરીબાઈનું એ વરવું ચિત્ર હજુ એવું ને એવું મને સ્પષ્ટ યાદ છે.

આજથી લગભગ ૨૩ વર્ષ પહેલાં મારી જોબમાંથી નિવૃત્તિ લઈને મને વ્હાલા અમદાવાદને રામ રામ કરી હું કાયમ માટે અમેરિકામાં વસવાટ કરવાના  ઈરાદા સાથે કેલીફોર્નીયામાં આવી સ્થાયી થયો એ પહેલાંની આ વાત છે…

આ વાત સુ.શ્રી પ્રજ્ઞાબેનના બ્લોગ “શબ્દોનું સર્જન ” ની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

જીવનની  જીવંત વાત(7)……વિનોદ પટેલ … શબ્દોનું સર્જન 

 

“બેઠક ” જેવું જ અગત્યનું ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસા નું સુંદર કાર્ય સહિયારા સાહિત્યના બ્લોગ “સહિયારું સર્જન – ગદ્ય” મારફતે હ્યુસ્ટન,ટેક્સાસ,નિવાસી જાણીતા લેખક શ્રી વિજયભાઈ શાહ,અન્ય લેખક મિત્રોના સહયોગમાં કરી રહ્યા છે .એમની પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન ધરાવે છે.

શ્રી વિજયભાઈ શાહના આ બ્લોગ “સહિયારું સર્જન – ગદ્ય”માં પણ એમણે મારી ઉપરની સ્વ-રચના “જીવનની જીવંત વાત -એક બહુમાળી ઇમારતની નજીક જીવતી એક ગરીબ વસાહતની વાત …”પ્રકાશિત કરી છે એ બદલ એમનો આભારી છું.

નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને બેઠક માટે લખેલી મારી આ સ્વ-રચના અહીં પણ વાંચી શકશો.

Vijay Shah