વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: શિક્ષણ -કેળવણી

1277 – ”ડેડી, મારું નામ તમારી ડાયરીમાં છે?” ….બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્ય લેખક પણ છે.

ડેડી, મારું નામ તમારી ડાયરીમાં છે?..બી. એન. દસ્તૂર

અમેરિકામાં જોઈ હતી એક ટેલિવિઝન એડ.

એક નાનકડી દીકરી જાય છે એના ડેડીની સ્ટડીમાં. ડેડી રજા ઉપર છે, પણ સ્ટડીના ટેબલ ઉપર છે ફાઇલો અને ડેડીના મોં ઉપર છે ચિંતા. એ ડાયરીમાં કંઈક લખી રહ્યા છે.

બેબી શાંતિથી ઊભી રહે છે. ડેડીને એની હાજરીની ખબર નથી.

થોડીક વાર પછી એ દબાયેલા અવાજે પૂછે છે, ‘ડેડી શું કરો છો?’

ડાયરીમાંથી મોં બહાર કાઢ્યા વિના ડેડી જવાબ આપે છે, ‘હની, મારે કાલે જેને મળવાનું છે, જેને લંચ ઉપર લઈ જવાના છે એ બધાનાં નામ લખું છું.’

વધારે દબાયેલા અવાજે એ નાનકડી દીકરી પૂછે છે, ‘ડેડી, એમાં મારું નામ છે?’

મર્સિડિઝમાં જાવ છો ઓફિસે.

  • જિંદગી ગુજરે છે ‘અરજન્ટ’ કામોમાં જે થાય છે ‘ઇમ્પોર્ટન્ટ’ કામોના ભોગે

એક અગત્યની મિટિંગમાં તમે તમારા કર્મચારીઓને સમજાવો છો ‘પ્રોપિન્ક્વિટી’ની કમાલ, પ્રોપિન્ક્વિટી (Propinquity) એવું કહે છે કે જેની સાથે સારા સંબંધો બાંધવા હોય, નિભાવવા અને નિખારવા હોય તે બધાને મળતા રહો. વારંવાર મળવાનાં બહાનાં શોધો અને દરેક મુલાકાતે ભાઈબંધીનો માહોલ ઊભો કરો. સામેની વ્યક્તિને સ્મિત, પ્રશંસા જેવા ‘પોઝિટિવ સ્ટ્રોક’ આપો.

મિટિંગ પતે છે સાંજે પાંચ કલાકે. સાડા પાંચ વાગ્યે તમારો દીકરો ઇન્ટર-સ્કૂલની ફૂટબોલની ફાઇનલમાં રમવાનો છે, પણ તમે થાક્યા છો પેલી પ્રોપિન્ક્વિટીની વાતો કરી. થાક ઉતારવા જાવ છો નજદીકની ફાઇવસ્ટાર હોટલની કોફી શોપમાં.

રમતની અંતિમ મિટિંગમાં તમારો દીકરો મેસી અને રોનાલ્ડોની અદાથી, બાઇસિકલ કિક મારી વિનિંગ ગોલ ફટકારે છે. સ્ટેડિયમ તાળીઓથી ગાજે છે, પણ તમારી નજર કરે છે વી.આઇ.પી. બોક્સમાં જ્યાં દરેક અન્ય ખેલાડીનાં માવતર હાજર છે.

તમે નથી.

અને મમ્મી?

એ ગઈ છે કિટી પાર્ટીમાં. કોનું કોની સાથે લફરું છે, કોણ છૂટાછેડા લેવાનું છે એની ચર્ચા કરવા, પત્તાં ચીપવાં, સહેલીઓ સાથેના સંબંધોને નિખારવા.

પતિ પ્રોપિન્ક્વિટી શીખવે છે ઓફિસમાં અને મેડમ એના ઉપર અમલ કરે છે કિટી પાર્ટીમાં.
ડેડી ઓફિસનું અને મમ્મી કિટી પાર્ટીનું મેનેજમેન્ટ કરે છે. બાળકોના મેનેજમેન્ટ માટે સમય નથી.

ABCDનું નહીં XYZનું મેનેજમેન્ટ કરે છે.

પૈસાદાર માવતરોનાં બાળકો વંઠી જાય છે એવી ફરિયાદો સંભળાતી, બોલાતી, વંચાતી રહે છે.
કારણ?

કારણ કે માવતરને ફૂટબોલ રમતા દીકરાની ગજબની ગોલ જોવાની ફુરસદ નથી તો દીકરો એવું ગતકડું કરશે કે તમે બધું પડતું મેલી એને છોડાવવા પોલીસ સ્ટેશને પહોંચી, દીકરાને તમે કેટલો પ્રેમ કરો છો તેનો અહેસાસ કરાવવા મજબૂર બનશો.

માવતર છો? તો તમારી જિંદગીમાં અગત્યનું કોણ?

તમારી પ્રાયોરિટી કઈ?
અરજન્ટ શું?
ઇમ્પોર્ટન્ટ કયું?

જિંદગીમાં એવો સમય આવશે (ઈશ્વરના દરબારમાં ન્યાયને સ્થાન છે) જ્યારે ઘર કરડવા આવશે.

ઘરમાંથી બાળકોનાં તોફાનોની, મોજમસ્તીની, રીસામણા-મનામણાની, દાદાગીરીની સંપૂર્ણ બાદબાકી થઈ જશે. રહી જશે એમની યાદો, દીવાલ ઉપરનાં ચિત્રો, ફાટેલી ડ્રોઇંગબુક અને તૂટેલાં રમકડાં.

યાદ આવશે જ્યારે દીકરાની બાઇસિકલ કિકને બિરદાવવા તમે હાજર ન હતા.

યુનિવર્સિટી ફેસ્ટિવલમાં પોતાની ગજબની અદાકારીથી તાળીઓ પાડતાં ઓડિયન્સમાં મમ્મી ન હતી. તમે ન હતા. મમ્મી ગઈ હતી રિસેપ્શનમાં એના નવા દાગીનાનું પ્રદર્શન કરવા અને તમે હતા કોન્ફરન્સમાં, કસ્ટમર ડિલાઇટ ઉપર ભાષણ ઠોકવા.

જિંદગી ગુજરે છે ‘અરજન્ટ’ કામોમાં જે થાય છે ‘ઇમ્પોર્ટન્ટ’ કામોના ભોગે. પાર્ટીમાં જવાનું અરજન્ટ છે. બાળકને હોમવર્ક કરાવવાનું ‘ઇમ્પોર્ટન્ટ’ કામ કરવાની ફુરસદ નથી.

તમારી દીકરીને, તમારા દીકરાને તમે પૂર શુદ્ધિમાં, બિન કેફ હાલતમાં, કોઈ પણ જાતના દબાણ અને ધાકધમકી વિના આ દુનિયામાં પૂરી મરજીથી લાવ્યા છો.

એમનું નામ તમારી ડાયરીમાં છે?

બી. એન. દસ્તૂર

baheramgor@yahoo.com

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ(પ્રકરણ – 40)

1271 -ગણપત યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી ગણપતભાઈ પટેલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત …અભિનંદન

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના પ્રેસીડન્ટ શ્રી રામનાથ કોવિંદ એ દેશની જે પ્રમુખ હસ્તિઓને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરી એની યાદીમાં  ગણપત યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અને પેટ્રન-ઇન-ચિફ શ્રી ગણપતભાઇ પટેલનો પણ સમાવેશ થાય છે.

ધર્મપત્ની મંજુલાબેન સાથે પદ્મશ્રી ગણપતભાઈ પટેલ

‘’વિદ્યાર્થીના જીવનમાં પરિવર્તન એ જ સાર્થકતા છે’’ ગણપતભાઇ

ગૌરવવંતી ગુજરાતી પ્રતિભા શ્રી ગણપતભાઈ પટેલને પદ્મશ્રી જેવા પ્રતિષ્ઠિત એવોર્ડનું સન્માન પ્રાપ્ત કરવા બદલ અમારા જાણીતા સ્નેહી મિત્ર સમા શ્રી ગણપતભાઈને વિનોદ વિહાર ગૌરવ અને આનંદ સાથે અભિનંદન પાઠવે છે.  

પદ્મશ્રી ઉપરાંત અગાઉ ગણપતભાઈને નીચેના પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે.

૧.2018માં તેમને અમેરિકાની કાલ પોલિ યુનિવર્સિટી દ્વારા ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમ્ની એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય છે

૨.2014માં તેમને સેલ્યુટ ઈન્ડિયા એન.આર.આઈ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

૩.આ ઉપરાંત તેમને અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ દ્વ્રારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરાયો છે.આ એવોર્ડ ઘણો પ્રતિષ્ઠિત ગણાય છે.

૪.2005થી ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઓફ ચીફ તરીકે માનભર્યો હોદો સંભાળતા ગણપતભાઈને જ્વેલ ઓફ ભારત અને જ્વેલ ઓફ ગુજરાતના એવોર્ડ મળી ચૂક્યા છે.આ ઉપરાંત અન્ય એવોર્ડ પણ તેમને મળ્યા છે. 

શ્રી ગણપતભાઈને પદ્મશ્રી એવોર્ડ મળ્યાના સમાચારથી મને વિશેષ આનંદ એટલા માટે થાય છે કે શ્રી ગણપતભાઈ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેનને હું વર્ષોથી ઓળખું છું.કોઈવાર સામાજિક પ્રસંગોમાં એમને રૂબરૂ મળવાનું થયું છે.આટલી સિદ્ધિ અને સમૃદ્ધિ મળી હોવા છતાં એમનું વ્યક્તિત્વ સાદું,નિરાભિમાની,ખુબ સરળ છે.તેઓ મળતાવડો રમુજી સ્વભાવ ધરાવે છે.ફેબ્રુઆરી ૨૦૦૭માં મારા પુ.પિતાશ્રી રેવાભાઈનું અવસાન થયું ત્યારે એમની શોક સભા અને ફ્યુનરલમાં મંજુલાબેન સાથે તેઓ લોસ એન્જેલસથી સાન ડીએગો સુધી ડ્રાઈવ કરીને હાજરી આપી હતી.  

ગણપતભાઈ અને મંજુલાબેનના વિદ્યા યજ્ઞના સદકાર્યોમાં એમની ત્રણેય દીકરીઓ આશાબહેન, રીટાબહેન અને અનિતાબહેનનો પૂરો સહકાર અને ટેકો હોય છે.

ગુજરાતના મુખ્ય મંત્રીનું પદ સંભાળ્યા પછી વડા પ્રધાન તરીકે ચૂંટાઈને શ્રી નરેન્દ્ર મોદી દિલ્હી ગયા ત્યારે એમને મળીને અભિનદન આપવા શ્રી ગણપતભાઈ એમનાં ધર્મપત્ની મંજુલાબેન સાથે દિલ્હી ગયા હતા એ પ્રસંગની આ બે તસ્વીરો  શ્રી ગણપતભાઈએ મને ઈ-મેલમાં મોકલી હતી. 

ગણપતભાઇનો જન્મ 12 જાન્યુઆરી 1945 ના રોજ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભૂણાવ ગામમાં થયો હતો.તેઓ વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં,લોસ એન્જલસમાં સ્થાયી થયેલા છે.એમના પિતા ઈશ્વરભાઈ ખેડૂત હતા.ગણપભાઈ 1965માં અમેરિકા વધુ અભ્યાસાર્થે ગયા હતા.ત્યાં એન્જીનીયરીંગની ડીગ્રી લઇ થોડો સમય વ્યવસાય સાથે જોડાયા.અમેરિકામાં સ્થાયી થયા બાદ સફળ ઉદ્યોગ સ્થાપી સારી કમાણી કરી.અમેરિકામાં રહીને તેઓ એમના મૂળ વતનને ભૂલ્યા ન હતા.તેઓએ અને એમના મિત્ર અનીલભાઈએ મળીને  એપ્રિલ 2005માં ગણપત યુનિવર્સીટીની સ્થાપના કરી હતી. 

1978માં ગણપતભાઈએ લોસ એન્જેલસમાં ચેરોકી ઈન્ટરનેશનલનામની પોતાની કંપની સ્થાપી એમાં એમની સૂઝ,આવડત અને  પુરુષાર્થથી સારી કમાણી કરી.આ કમ્પનીમાં હજારો લોકોને રોજગારી આપી.ગુજરાતમાંથી અમેરિકા ભણવા જતા કે નોકરી-ધંધો કરવા જતા અનેક લોકો માટે ગણપતભાઈની ચેરોકી કંપની આશીર્વાદ રૂપ બનતી.ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમની કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ મળી જતી જેનાથી એમને અમેરિકામાં સેટ થવા માટે ચેરોકી પહેલો વિસામો બનતી હતી એ મેં નજરે જોયું છે.

ગણપત પટેલના ખાસ મિત્ર, એક વારના ગુજરાત સરકારમાં ઉદ્યોગ મંત્રી અને એપોલો ગ્રુપના માલિક સ્વ.અનીલ પટેલ અને ગણપત પટેલએ સાથે મળીને મારા વતનના ગામ ડાંગરવા નજીકના જ ગામ ખેરવા ગામ વિસ્તારમાં ગણપત વિદ્યા નગર અને ગણપત  યૂનિવર્સિટીની સ્થાપના કરી.ગણપતભાઈએ આ યુનિવર્સિટીની સ્થાપના અને વિકાસમાં અત્યાર સુધી રૂ.૪૦ કરોડ જેટલું માતબર દાન કરી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં કેળવણી ક્ષેત્રે એક અનન્ય અને વિરલ કાર્ય કર્યું છે.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર માટે એમના આવા ઉમદા કાર્યો માટે તેઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એ બિલકુલ યોગ્ય પસંદગી છે.આ એવોર્ડ માટે ભારત સરકારને અને ગુજરાત સરકારને ધન્યવાદ ઘટે છે.  

વિનોદ પટેલ

ગણપતભાઈ વિષે દિવ્ય ભાસ્કરમાં શ્રી રમેશ તન્નાનો એક સુંદર લેખ –

વરિષ્ઠ પત્રકાર ,લેખક અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય શ્રી રમેશ તન્નાએ શ્રી ગણપતભાઈ વિષે દિવ્ય ભાસ્કરની રસધારકોલમમાં એમની રસાળ શૈલીમાં વિગતવાર એક સુંદર લેખ લખ્યો છે.

વાત ગણપત યુનિવર્સિટીના સ્થાપક ગણપતભાઈ પટેલની

ગણપતભાઈએ એક મુલાકાતમાં કહ્યું હતું કે હું અમેરિકામાં ભણતો હતો ત્યારે કે પ્રારંભમાં મારો વિકટ સમય હતો ત્યારે મારી પાસે પૈસા નહોતા, તો ક્યારેક મેં કોઈની પાસેથી ઉછીના પૈસા નહોતા માગ્યા કારણ કે મારાં માતાએ મને મેનેજમેન્ટ શીખવ્યું હતું. મારી માએ સીમિત આવકમાં અગિયાર સંતાનોનો ઉછેર કર્યો હતો. આજે જે એમબીએમાં ભણાવાય છે કે સ્રોતનો મહત્તમ ઉપયોગ કરો અને બગાડ ઓછો કરો એ સજ્જતામાં મારી માએ મને બાળપણમાં જ આપી દીધી હતી. હું અમેરિકા આવ્યો ત્યારે મારી માતા મેનાબા પાસે એમબીએ થઈને આવ્યો હતો.

શ્રી રમેશ તન્નાનો આ આખો લેખ 

અહીં આ લીંક પર ક્લિક કરીને વાંચો. 

ગુજરાતનું ગૌરવ ગણપતભાઈ પટેલ વિડીયોમાં ..

  ૧.આ વિડીયોમાં પદ્મશ્રી પ્રાપ્ત કર્યા પછી એમનું ટૂંકું વ્યક્તવ્ય આપતા ગણપતભાઈને નિહાળી શકાશે.

સમાજને જો ઉંચો લાવવો હોય તો વિદ્યાથી કોઈ બીજું સાધન નથી”

Padmshri Award Winner Ganpatbhai Patel Ganpat University

 

૨. ગણપત યુનીવર્સીટીના પ્રથમ પ્રેસીડન્ટ અનિલભાઈ પટેલના દુખદ  અવસાન બાદ માર્ચ ૨૦૧૮ માં ગણપતભાઈ પટેલએ યુની. ના બીજા પ્રેસીડન્ટ તરીકે બાગડોર સંભાળી એ પ્રસંગે સ્વીકૃતિ વક્તવ્ય આપતા ગણપતભાઈને આ વિડીયોમાં જોઈ શકાશે.  

Presidential Speech of Shri Ganpatbhai Patel during the Installation of Shri Ganpatbhai Patel as the University’s second President on the occasion of the Vidya Shilpi Divas.

ગણપત યુનિવર્સિટી -વિશેષ માહિતી સંદર્ભ ..

ગણપત યુનીવર્સીટી (વિકિપીડિયા ) ગુજરાતીમાં 

Ganpat University ..web site 

 

1211 – એક સંનિષ્ઠ શિક્ષક આનંદ કુમાર અને એનું ”સુપર-૩૦” અભિયાન…

બિહારમાં ભણીને ગ્રેજયુએટ થનાર આનંદકુમાર ટપાલ ખાતામાં કારકુનની નોકરી કરનારના પુત્ર છે !

બાળપણથી ગણિતમાં રસ હોવાથી તે વિષય પર જ્ઞાન એકત્રિત કરતા રહીને ગણિત પર નંબર થિયેરી પર લેખ લખે છે,જે મેથેમેટિક્સના ગેઝેટમાં પ્રકાશિત થતાં તેઓને વધુ અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનીવર્સીટી  એડમીશન આપે છે !

અચાનક પિતાનું અવસાન થતાં અને વિદેશ ભણવા જવાની આર્થીક પરિસ્થિતિ ન હોવાથી,આનંદકુમાર કેમ્બ્રિજ જઈ શકતા નથી !

તેઓ દિવસે પોતાનો ગણિત અભ્યાસ ચાલુ રાખે છે અને સાથે સાથે પોતાની માતા સાથે પાપડ વેચવાનું કામ કરતા રહે છે !

પુસ્તકો ખરીદ કરવાની સ્થિતિ ના હોવાથી,દર અઠવાડિયે બનારસ જઈને ત્યાંની લાયબ્રેરીમાં રહેલા ગણિતના ગ્રંથોનો અભ્યાસ કરે છે !
૧૯૯૨ માં આનંદકુમાર રૂ.૫૦૦ના ભાડાની રૂમમાં રામાનુજમ ઇન્સ્ટીટ્યુટ નામથી ગણિતના ક્લાસ ખોલે છે !

૨૦૦૦ની સાલમાં આનંદકુમાર પાસે એક ગરીબ પણ તેજસ્વી વિધાર્થી આઈઆઈટીની ટ્રેનીગ લેવા આવે છે પણ પોતાની પાસે કોઈ રકમ નહિ હોવાથી મફત શિક્ષા આપવા કાકલુદી કરે છે,તેની વિનંતીઓ આનંદકુમારનું દિલ ઝંઝોળી નાખે છે !

બીજા વર્ષે આનંદકુમાર એની ખુબ જાણીતી બનેલ સુપર ૩૦ની સ્કીમ દાખલ કરે છે !

આ સ્કીમ અન્વયે આનંદકુમાર દર વરસે ૩૦ ગરીબ પણ તેજસ્વી વિધાર્થીઓ પસંદ કરીને તેઓને આઈઆઈટીની પ્રવેશ પરિક્ષા સફળતા પૂર્વક પાસ થવાનું કોચિંગ તદન મફતમાં આપે છે !
આ અંગે થતો ખર્ચ આનંદકુમાર પોતાના ગણિતના ક્લાસની આવકમાંથી કાઢે છે !
આજ સુધી આનંદ્કુમારે ૩૬૦ વિધાર્થીને મફત કોચિંગ આપ્યું છે,તે પૈકી લગભગ ૩૦૮ વિધાર્થી આઇઆઇટી માં પ્રવેશ મેળવી ચુક્યા છે !
આજે આનંદકુમાર પાસે રૂપિયાનો ઢગલો ખડકીને કોચિંગ મેળવવા ઘણા ધનવાન સંતાનો આવે છે પરંતુ દર વરસે આનંદકુમાર ફક્ત ૩૦ તેજસ્વી ગરીબ વિધાર્થી શોધીને તેને જ શિક્ષા આપે છે !

૨૦૦૯ માં ડીસ્કવરી ચેનલએ આનંદકુમાર પર એક કલાકનો પ્રોગ્રામ પ્રસારિત કર્યો હતો ! લિમ્કા બુક,ટાઈમ્સ મેગેઝીન વિગેરે આનંદકુમારની પ્રશંસા કરી છે !

અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાએ પોતાના અંગત પ્રતિનિધિ રશ્દ હુસેનને પટના મોકલીને આનંદકુમારનું સન્માન કર્યું હતું!

બ્રિટન એક મેગેઝીને વિશ્વના ૨૦ શ્રેષ્ઠ શિક્ષકના લીસ્ટમાં આનંદકુમારનું નામ સામેલ કર્યું છે,બિહાર અને મધ્ય પ્રદેશની સરકારે આનંદકુમારને એવોર્ડ આપ્યા છે !બેંક ઓફ બરોડા – મુબઈએ પણ એક એવોર્ડ આપ્યો છે !

આવા સંનિષ્ઠ શિક્ષકને આનંદકુમારને હજુ સરકારી પદ્મશ્રી મળ્યો નથી,એ એક આશ્ચર્ય છે.

આનંદ કુમાર અને શિક્ષણ ક્ષેત્રે એના મિશનરી કાર્યને સલામ…

સાભાર -શ્રી પ્રવીણ પટેલ,

નીચેના આ વિડીયોમાં આનંદ કુમાર અને એના સુપર-૩૦ મિશન વિષે ઘણી માહિતી જાણવા મળશે.

Anand Kumar: Real life Superman

Witness – Super 30 – Hard Lessons – Part 1

Witness – Super 30 – Hard Lessons – Part 2

( 841 ) ‘સંનિષ્ઠ કેળવણી’ ક્ષેત્રે એક નવ યુવાનનું ક્રાંતિકારી કદમ …..

જીવનમાં શિક્ષણનું ખુબ જ મહત્વ છે એમાં કોઈ બે મત ના હોઈ શકે. જીવન જ એક શિક્ષણની પ્રયોગશાળા છે. જીવનને કેળવે એનું નામ જ કેળવણી.જીવનની લગભગ બધી જ સમસ્યાઓનો ઉકેલ શિક્ષણ પાસે છે એમ જે કહેવાય છે એ બિલકુલ સાચું છે.

જેમની પ્રવૃત્તી ક્રાંતીકારી કેળવણી વીષયક રહી છે એવા સાહિત્ય વિદ સ્નેહી મિત્ર શ્રી જુગલકિશોર વ્યાસ એ એમના બ્લોગ નેટ ગુર્જરીમાં પ્રગટ કરેલ કેળવણી વિષયક એક સમાચાર મને આકર્ષી ગયા .

આ સમાચાર છે ..

માત્ર ૧૯ વર્ષના એક નવ યુવાન શ્રી મિહિર પાઠકએ કેળવણી ક્ષેત્રે કંઇક નવું કરી બતાવવાનો મનમાં દ્રઢ સંકલ્પ કર્યો છે.આ સંકલ્પ માટેના એક માધ્યમ તરીકે ભારતના પ્રજાસત્તાક દિવસ ૨૬ મી જાન્યુઆરીથી “સંનિષ્ઠ કેળવણી” એ નામનો નવો બ્લોગ શરુ કર્યો છે.નઈ તાલીમ અને કેળવણી એ આજીવન શિક્ષક શ્રી જુગલકીશોરભાઈ ના રસના વિષય હોઈ તેઓ પણ એમાં બનતો સહયોગ આપી રહ્યા છે એ આનંદની વાત છે.

મિહિર કેળવણી વિષે શું વિચારે છે એ અહી વાંચો.

એક વખત વિનોબાજીને એક વિદ્યાર્થીએ પૂછ્યું,

‘શું ભૂદાન આંદોલનમાં જોડાવા માટે અમારે કૉલેજ છોડી દેવી જોઈએ ?’ વિનોબાજીએ જવાબ આપ્યો, ‘ભૂદાનમાં ન જોડાવું હોય તો પણ કૉલેજ છોડવી જોઈએ..’

દુનિયામાં ઘણા લોકોના આખેઆખા જીવન કોઈ જ અર્થ વગર ગુજરી જાય છે. યુવાની પૈસા કામવામાં અને પછીનું જીવન એ પૈસાને સાચવવામાં પૂરું થઈ જાય છે. પહેલાં ભણો પછી નોકરી કરી પૈસા ભેગા કરો પછી લગ્ન અને રિટાયર્ડ લાઈફ. હું માનું છું કે આ બધું જ મોટાભાગના લોકો માટે જરૂરી છે, પણ કદાચ અમુક લોકો માટે નહી. હું આ ચક્કરમાં બંધાતાં પહેલાં મારા પ્રશ્નોના ઉકેલ શોધવા માંગુ છું. મારા જીવનનો અર્થ શોધવા માગું છું. હું કયા કામ માટે આ દુનિયામાં આવ્યો છું તે જાણવા માગું છું. મારી આત્માના પોકારને સાંભળી તેને અનુસરવાની હિંમત બતાવવા માંગુ છું. તો જ તો હું ખરો યુવાન.

મારા મનમાં સદાય પ્રશ્નો થાય, ‘આ માણસ, કે હવે તેને દરેકના વિકલ્પો શોધવા પડયા ? ન્યાય તંત્રના વિકલ્પો, રાજનીતિના વિકલ્પો, જીવનપદ્ધતિના, શિક્ષણપદ્ધતિના વિકલ્પો, શુદ્ધ હવાના વિકલ્પો…’જયારે તે આ વિકાસની દોડમાં ભાગતો હતો ત્યારે તેને આ બધાંનું કશું જ ભાન ન રહ્યું ?

કોઈક જગ્યાએ આત્મહત્યાઓ થાય છે; કોઈક જગ્યાએ આતંકવાદી હુમલા, ક્યાંક ભૂખમરો છે તો ક્યાંક નિરક્ષરતા… આ બધી જ સમસ્યાઓ આપણી સમાજવ્યવસ્થાનું સાચું ચિત્ર આપણી સામે ખડું કરે છે. આ બધું જ, આપણે જ બનાવેલી સિસ્ટમમાં થાય છે. હા, આપણે બનાવેલી – કારણ આપણે તો લોકશાહીમાં જીવીએ છીએ અને આપણી પાસે તો હ્યુમન રાઇટ્સ છે ને !

ઉપરની દરેક સમસ્યાને લોકો પોતપોતાની રીતે ઉપર ઉપરથી હલ કરવાનો પ્રયત્ન કરે છે. પણ મારા મતે સમસ્યાનો ઉકેલ મૂળિયાંમાં છે. મૂળિયાં એટલે સમાજ વ્યવસ્થા – જે માણસ ઘડે છે. અને માણસ ઘડાય છે ‘શિક્ષણ દ્વારા’, ‘કેળવણી’ દ્વારા. કેળવણી જ માણસને બદલી શકે, તેનું હૃદય પરિવર્તન કરી શકે અને વિશ્વશાંતિનો સંદેશ ફેલાવી શકે.

ભારતમાં ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે, વગેરે મહાનુભાવોએ કેળવણીનું દર્શન આપ્યું છે. જે માનવજાતને વિશ્વશાંતિ તરફ લઈ જવા સક્ષમ છે.

ગુજરાતમાં લોકભારતી અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ તથા શિક્ષણના ભેખધારી હજારો કેળવણીકરો છેવાડાના માનવી સુધી પહોંચી એક નવી સમાજ વ્યવસ્થાના પાયા નાખી રહ્યા છે…

ચાલો આપણે તેમના જીવનસંગીતને જાણીએ… અને તેમાંથી પ્રેરણા લઈએ…

“વિનોબાજી કહેતા કે આઝાદી પછી તરત આપણે શિક્ષણવ્યવસ્થા બદલવામાં ચૂકી ગયા.”

પણ હવે જાગવું જ રહ્યું… હું તો પૂરેપૂરો મથવાનો છું… શું તમે સાથ આપશો ?

(ફક્ત ટેલિફોન પરની વાતથી જ મને સાથ આપવા એક વ્યક્તિ તૈયાર થઈ; યોગાનુયોગ તે નઈતાલીમની જ વ્યક્તિ, જુગલકિશોરભાઈ – જુકાકા ! આ બ્લૉગ દ્વારા જે કાંઈ કાર્યો હું કરવા માગું છું તેમાં તેમનો પૂરો માર્ગદર્શક–સાથ મળવાનો છે.)

બ્લૉગવાચન દ્વારા એક વાચકરૂપે અને ક્યાંક, કોઈક પ્રસંગે લખાણ વગેરે દ્વારા આપ સૌ પણ મને સાથ આપશો એવી આશા રાખું તો નિરાશ નહીં જ થવાય તેવા વિશ્વાસ સાથે –
સાભાર,

મિહિર પાઠક

mihir

         મિહિર પાઠક

(સૌજન્ય-ગુજરાતી પ્રતિભા પરિચય )

‘સંનિષ્ઠ કેળવણી’ બ્લોગની લીંક –

 https://shikshandarshan.wordpress.com/

શ્રી મિહિર પાઠકનું વ્યક્તિગત વેબ પેજ –

mihirism.github.io/

શ્રી મિહિર પાઠકનો નો ખાસ પરિચય અહીં :

http://yourstory.com/2015/04/learnlabs-mihir-pathak/

mihirism.github.io/portfolio/mihir_portfolio.pdf

‘સંનિષ્ઠ કેળવણી’ બ્લોગની તારીખ ૨૬ મી જાન્યુઆરી ૨૦૧૬ ની પ્રથમ પોસ્ટમાં વાચકોને ઉદ્દેશીને સંપાદકોએ લખેલો પત્ર આ રહ્યો ….

વાચકોને પ્રથમ પત્ર ….. 

સુજ્ઞજનો !

શિક્ષણનું ક્ષેત્ર જીવનનાં લગભગ બધાં જ ક્ષેત્રો સાથે કારણ–કાર્ય સંબંધે જોડાયેલું રહ્યું છે. બાળક કુટુંબના ઉંબરની બહાર ડગલું માંડે છે તે પછી સૌથી પાયાનું અને સૌથી વધુ સહેતુક જોડાણ એનું શાળા સાથે થતું હોય છે. શાળાથી વંચિત રહેવું કે હોવું એને શાપરૂપ ગણાયું છે.

વર્ધા સંમેલનમાં ગાંધીજીના સાંનિધ્યે જે વિસ્તૃત અને ઉંડાણથી ચર્ચા થઈ અને જે નિર્ણયો લેવાયા તેને આપણે નઈતાલીમના નામે ઓળખતાં આવ્યાં છીએ. ગુજરાતમાં આ નઈતાલીમના પ્રયોગો ખૂબ સારા પ્રમાણમાં સફળ થયા છે.આજે પણ ગુજરાતમાં અનેક સંસ્થાઓ આ ક્ષેત્રે સક્રિય છે.હજારોની સંખ્યામાં વ્યક્તિઓ તે તાલીમનો લાભ લઈને પોતાની જીવનીને સાર્થક કરી શકી છે.

વૈશ્વિક દૃષ્ટિએ જોઈએ તો પણ નઈતાલીમના જ મહદ્ અંશોને જગતે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યા છે. ને તોયે તેના અમલીકરણની ઓછપને લીધે આજના શિક્ષણના અનેક સવાલો સમગ્ર જગતને મૂંઝવી રહ્યા છે……ને હવે શિક્ષણની કોઈ ચમત્કારિક પ્રણાલીની જાણે કે રાહ છે !!

સમાજના, જીવન સમસ્તના, લગભગ બધા જ સવાલોનો ઉકેલ જેમાં રહ્યો છે તે શિક્ષણનું મહત્ત્વ પુન: સ્થાપિત કરવાનું હવે અનિવાર્ય બની ચૂક્યું છે.

આવે સમયે સમાજનાં સૌ કોઈએ યથા શક્તિ, યથા મતિ પ્રયત્નશીલ થવું પડશે એવું સસંકોચ, પણ કહ્યા વગર રહી શકાતું નથી. પરંતુ અન્યોને કહેવાની પહેલાં જાતે આગળ આવવું તે જરૂરી ગણાય ! ને તેથી આ એક નવલો, ને ઘણે અંશે અઘરો પ્રયત્ન અમે આજથી શરૂ કરી રહ્યા છીએ.

જીવન સાથે ઘનિષ્ટતાથી સંકળાયેલા શિક્ષણના આ પ્રયોગને,અમારા વાચકો આવકારે અને ફક્ત વાચકરૂપે જ નહીં બલકે ‘સંનિષ્ઠ કેળવણી’માં રસપૂર્વક ભાગ લઈને અમને પ્રોત્સાહિત કરે, મદદરૂપ બને તેવી આશા–અપેક્ષા સાથે નમ્ર વિનંતી કરીએ છીએ.

– સંપાદકો

બ્લોગની મુલાકાત લેવા આ હેડર ચિત્ર પર ક્લિક કરીને ત્યાં પહોંચી જાઓ .

KELAVANI

આ બ્લોગના માધ્યમથી નવા યુગના આ નવ યુવાન શ્રી મિહિર પાઠક અને સહ સંપાદકોના  ‘સંનિષ્ઠ કેળવણી’ માટેના પ્રયાસોની સિદ્ધિ માટે એમને શુભેચ્છાઓ પાઠવું છું.

આ માટે સૌ એમને સહયોગ આપતા રહીએ એવી આશા રાખું છું.

વિનોદ પટેલ

J.KRUSHNAMURTY  ON EDUCATION 

JK