આધુનિક ગુજરાતી કવિતાના સક્ષમ કવિ, ગઝલકાર અને સાહિત્યકાર સ્વ.ચિનુ મોદી ના અવસાન બાદ એમના ખુબ જ નજીકના મિત્ર, હાસ્ય લેખક વિનોદ ભટ્ટ એમના નીચેના લેખમાં એમની રમુજી અને રમતિયાળ શૈલીમાં શ્રધાંજલિ આપે છે એ વાંચવા જેવી છે.
આ બન્ને સાહિત્યકારો હાલ આપણી સમક્ષ હાજર નથી . ચિનુ અને વિનુની આ જોડીનો સ્વર્ગમાં મિલાપ થયો છે. વિ.પ.
વારતા ચિનુ-વિનુની…વિનોદ ભટ્ટ
ચિનુ મોદી. હા, ડો. ચિનુ મોદી લગભગ દરેક બાબતમાં મારાથી ઘણો આગળ હતો. ખાવામાં-પીવામાં, હરવામાં-ફરવામાં, ચરવામાંય આગળ હતો. ને જવામાં પણ મોખરે રહ્યો, મારાથી તે દોઢેક વર્ષ નાનો હતો, જુનિયર હતો, તો પણ મારી સિનિયોરિટી તેણે ડુબાડી દીધી. તેનું હું કશું જ બગાડી ન શક્યો, હું તો શું, કોઇ એ જિદ્દી માણસને ફોસલાવી ન શક્યું. તેના કાનમાં બોલેલી કવિતાઓ પણ તેણે ન સાંભળી.
આમતો તુલના માટે ખાસ અવકાશ નથી, પણ ઉપરછલ્લી, જરાતરા સરખામણી કરીએ તો ચિનુના ને મારા બાપા, બંનેનો ગુસ્સો બહુ જલદ હતો, એનું કારણ કદાચ એ હશે કે બાળઉછેરનાં પુસ્તકો તે સમયમાં ખાસ પ્રગટ થતાં નહીં હોય ને બહાર પડ્યાં હશે તો પણ ફટકારવા આડે એ બંને પિતાશ્રીઓને એ વાંચવાનો સમય નહીં મળ્યો હોય. જોકે ચિનુના બાપા તેને બૂટે ને બૂટે મારતા. ને મારા બાપા મને ચંપલથી મારતા.
મને પ્રમાણમાં ઓછું વાગતું. ચિનુની ખબર નથી, પણ મને તો મારા બાપા કયા કારણે મારે છે એની ખબર પણ પડતી નહીં ને વધુ માર પડે એ બીકે માર મારવાનું કારણ જાણવાની હિંમત પણ મેં કરી ન હતી. અલબત્ત બંનેના પિતાઓની મહત્ત્વાકાંક્ષાઓ અલગ અલગ હતી. ચિનુના બાપુજી તેને આઇ.એ.એસ. ઓફિસર બનાવવા માગતા હતા ને મારા ફાધર મને વનેરુમાંથી એક નોર્મલ છોકરો બનાવવા ઇચ્છતા હતા. આઇ.એ.એસ. થવા માટેતો અમુક બૌદ્ધિક આંક જરૂરી હોય છે.
જ્યારેવનેરુને સામાન્ય માણસ બનાવવાની મહત્ત્વાકાંક્ષા જરા પણ વધારે નહીં હોય. છતાં બંને બાપા નિષ્ફળ નીવડ્યા. ફુલ્લી ફેલ થયા. જોકે ચિનુ છેલ્લાં કેટલાંય વરસથી SPIPAના આઇ.એ.એસ.ના વિદ્યાર્થીઓને ભણાવતો હતો. તેના બાપુજી હયાત હોત તો આ જાણીને ખુશ થયા હોત. બાપાઓ નાની વાતે રાજી થતા હોય છે. હા, ચિનુ મારાથી બે માર્ક આગળ હતો. S.S.C.માં ગુજરાતી વિષયમાં મારા પાંત્રીસ માર્ક હતા ને તેના સાડત્રીસ. અમે બંને સર એલ. એ. શાહ આર્ટ્સ કોલેજમાં સાથે હતા, પણ કોલેજમાં તે ભાગ્યે જ દેખા દેતો.
આચાર્યશ્રી એમ. એમ. ઠાકોર સાહેબે કૉલેજના વિદ્યાર્થીઓને મિત્રતાના દાવે એકવાર હળવાશથી કહ્યું હતું કે,
‘વહાલાં વિદ્યાર્થી ભાઇ-બહેનો, એક વાત યાદ રાખજો. આપણી કોલેજની સામે મ્યુનિસિપાલિટીએ હમણાં જ બગીચો બાંધ્યો છે અને શહેરીજનો આપણી કોલેજને કારણે એને લો-ગાર્ડનને બદલે લવ-ગાર્ડન કહે છે. તમે પણ ફ્રી પિરિયડમાં ત્યાં જવું હોય તો જજો. પણ એક વાત યાદ રાખજો આપણી પાસે મેટરનિટી હોસ્પિટલની સગવડ નથી.’
હા, અમારા બંનેમાં એ બાબતે સામ્ય છે કે અમે ઘણી કોલેજો બદલી હતી. મેં વિદ્યાર્થી તરીકે ને તેણે એક પ્રોફેસર લેખે અડધો-પોણો ડઝન કોલેજોને લાભ આપ્યો હતો. એ તો યુવાન કવિઓને કવિતા પણ શીખવતો. ***
અમારી કૃતિઓ છપાવવા ને એ દ્વારા નામ કમાવા અમે બંને સરખાં હવાતિયાં મારતા. ‘કુમાર’ કે ‘અખંડઆનંદ’ જેવાં સામયિકો તો અમારી સામે આંખ ઊંચકીને જોતાં સુધ્ધાં નહીં. શું થાય! પણ ચિનુ મારે ત્યાં સાઇકલ લઇને આવે.પછી અમે મેગેઝિનના તંત્રીની ઓફિસે પહોંચી જઇએ. અમે આને મૃગયા કહેતા. ભક્તિમાર્ગ કાર્યાલય મારા ઘરથી બહુ નજીક. ત્યાંથી ‘વિશ્વવિજ્ઞાન’ પ્રગટ થાય.
એના સંપાદક રમણ નાવલીકર અમને કામના માણસ તરીકે બરાબરના ઓળખે. ઑફિસની બાજુની એક ઓરડીમાં રમણભાઇ, તેમનાં પત્ની ને બે-અઢી વર્ષની નાનકડી દીકરી રહે. અમે જઇએ એટલે ગંજીફરાક ને પટાવાળો લેંઘો પહેરીને શાક સમારતા બેઠેલા પતિને આનંદથી તેમની પત્ની કહી દે કે પેલા બે આયા છે તે બકુડીને રાખશે, તમે જઇને ખંખોળિયું કરી આવો. અમારા નામની બહેનને ખબર નહોતી. અને આજ્ઞાંકિત પતિ અડધાં સમારેલ શાકની થાળી ને શાક માંડ કપાય એવું બુઠ્ઠું ચપ્પુ મારા હાથમાં મૂકીને ને રમાડવા માટે દીકરી ચિનુને સોંપીને સ્નાન કરવા જાય.
અમે બંને ઓશિયાળા ચહેરે એકબીજા સામે જોતા અમને સોંપાયેલ કામ કરીએ.લાલચ એટલી જ કે ‘વિશ્વવિજ્ઞાન’નો સંપાદક અમારી રચના સહાનુભૂતિથી વાંચે ને આવતા કે પછીના અંકમાં છાપે-સભાર પરત ન કરે. લેખક થવા માટે અમે આવી લાચારી પણ વેઠી છે.
***
ચિનુને લાભશંકરનો પરિચય મેં કરાવેલો. આદિલ મન્સૂરીને લઇને તે મારા ઘેર બે-ત્રણ વાર આવેલો, પણ એ છોકરડો આદિલ મારા સ્મરણમાં નથી. તેના પાલડી ગામ વાળા ઘેર ગયાનું કે તેનાં માતા-પિતાને મળવાનું બન્યું નથી. ચિનુની મધર બંદૂક રાખતી, પણ મા જ્યારે એ બંદૂક સાફ કરવા, સર્વિસ કરવા બહાર કાઢતી ત્યારે ચિનુ ઘરની બહાર સરકી જતો. એનું કારણ એ કે ગુજરાતી સાહિત્યે એક સશક્ત સર્જક વગર ચલાવી લેવું ન પડે.
ચિનુએ તેની આત્મકથા ‘જલસા અવતાર’માં નોંધ્યું છે કે તેની મા ધનાઢ્ય કુટુંબની એકમાત્ર સંતાન હતી તો પણ ચિનુના બાપુજીથી તે બહુ બીતી. પણ પછી બાપુજીના અવસાન બાદ સ્પ્રિંગ ઉપરથી દબાણ ખસી ગયું. એની મધર ઘેર આવતા બધા કવિઓને નખશિખ ઓળખતી ને જે તે કવિ વિશેનો પોતાનો મત મોઢામોઢ પ્રગટ કરતી. આદિલ મન્સૂરીને તો જોતાં વેંત ચોપડાવતી: ‘સાલા મિયાં, તેં જ મારા દીકરાને બગાડ્યો.’
આનો અર્થ એ થયો કે બગડવાની બાબતમાં ચિનુ ચંદ્રકાન્ત બક્ષી જેવો સ્વાવલંબી નહોતો, કોઇની મદદની તેને જરૂર હતી. નાટ્યકાર સુભાષ શાહને તે ગિલિન્ડર કહેતી. (માં કભી જૂઠ નહીં બોલતી, સુભાષ પ્લીઝ ટેઇક ઇટ ઇઝી).
***
મિત્રો, એ તમે જોયુંને કે લેખક બનવા માટે અમે બંનેએ કેવાં કેવાં ‘તપ’ કરેલાં! એ વાત જવા દો. (જોકે ‘એ વાત જવા દો’ કવિમિત્ર અનિલ જોશીનો તકિયા કલામ છે. તે કોઇ અગત્યની વાત કર્યા પછી તરત જ આ વાક્ય બોલે છે). હા, પણ એ વાત જવા દેવા જેવી નથી કે અમે બંને જોતજોતામાં મહાન સર્જક તો બની ગયા. અલબત્ત અમે બંને મહાન સર્જકો છીએ એ હકીકતની અમારા બે સિવાય કોઇને આજેય ખબર નથી. હશે. સો-દોઢસો વરસ પછીય કોઇને આ માહિતી મળશે તો પણ અમે અમારું લખ્યું ને રમણ નાવલીકરની બેબલીને રમાડ્યું વસૂલ માનીશું.
***
ચિનુ અને વિનુ એકબીજાના ગાઢ મિત્ર હતા એટલે તો અમારી વચ્ચે નાની મોટી માલ વગરની વાતમાં ઠેરી જતી. 30મી સપ્ટેમ્બરે તેનો જન્મ દિવસ.2016ની તેની વર્ષગાંઠ નિમિત્તે વિનુ-ચિનુની જુગલબંધીના કાર્યક્રમનો પ્રસ્તાવ લઇને તે મારી પાસે આવ્યો. હુકમ કર્યો કે આપણે બંને સ્ટેજ પર સાથે બેસીને, ‘તને સાંભરેરે, મને કેમ વિસરેરે’ની વાતો કરીશું. મેં તરત જ હા પાડી. પણ એક ઓડિટ કાઢ્યું:
‘ચિનિયા, આ કાર્યક્રમ તારા જન્મદિન નિમિત્તે છે એટલે તારું નામ પહેલું હોય, ‘ચિનુ-વિનુની જુગલબંધી.’ મારી સામે એઝ યુઝવલ, સ્થિર આંખે જોઇ તે ડોમિનેટિંગ અવાજે બોલ્યો. ઉંમરમાં તે મારા કરતાં લગભગ દોઢ વર્ષ નાનો હોવા છતાં સર્જક લેખે દોઢેક કિલોમીટર મોટો હોવાથી મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું. એનું બીજુંને મોટું કારણ એ કે મારો ચિનિયો ભારે રીસાળ.
તેની આગળ જીદ કરવા જતાં કાર્યક્રમનાં કાગળિયાં ફાડીને ચાલવા માંડે. બાળક આગળ બાળક થવું વિનુને કેમનું ગમે! અહીં જેવા સાથે તેવા થવાય એવું ન હતું. પણ તે ઉદાર ઘણો. હા, એક વાર તેને મેં દુભવેલો ખરો. જેના ઘાની વાત તેણે આત્મકથામાં એક જ વાક્યમાં નોંધી છે. તેણે બીજાં લગ્ન કર્યાં એ સામે મારો ખાસ વાંધો ન હતો. (કયા મોઢે હું વાંધો ઉઠાવું?). પણ બીજાં લગ્ન કરવા માટે તે ઇર્શાદ એહમદ બની ગયો એ મને જરાય નહોતું ગમ્યું. મારા ભાગનો અડધો ચિનુ ગુમાવવાનું મને પાલવ્યું ન હતું.
આ કારણે થોડા ગુસ્સામાં અને વધારે તો વેદનાથી એક લેખ મેં મારી કોલમમાં ફટકારેલો, જાણે હું ચિનુને ફટકારું છું. લેખનું શીર્ષક હતું: ‘જૂની કહેવત છે. ‘શીરા માટે શ્રાવક બનવું.’ નવી કહેવત: ‘બિરિયાની માટે ઇર્શાદ થવું.’ મારો આ પ્રહાર વાંચતી વખતે ચિનુને ચચરેલો,પણ એ લખતી વેળાએ ચિનુના વિનુને એ કેટલો ચચર્યો હતો એની તો ખુદ ચિનુને પણ એ સમયે જાણ નહોતી. બાય ધ વે, મારી નાની સગ્ગી બહેનનું નામ પણ હંસા હતું.’
જોકે આ જ ચિનુને તેની પત્ની હંસાએ સાચા પ્રેમ અને ફટકિયા પ્રેમ વચ્ચેનો ભેદ, ચિનુને સાચકલો પ્રેમ આપીને સમજાવેલો, ને ચિનુએ શબ્દોમાં અપરાધભાવ ભીની આંખે વ્યક્ત કરીને પોતાને તુચ્છ લાગ્યો હોવાનું આત્મકથામાં કબૂલ્યું છે. હું સાહિત્ય પરિષદનો પ્રમુખ થયો એ ચિનુને ગમ્યું નહોતું. આ ગુના માટે મારી જોડે થોડોક સમય બોલવાનું પણ તેણે બંધ કર્યું હતું ને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પરિષદ માટે મને રૂપિયા 51 લાખનું મોટું ડોનેશન આપ્યું ત્યારે ચિનુએ મને અણગમાથી જાહેરમાં કહેલું કે ‘લ્યા વિનોદ ગાયને દોહીને કૂતરાંને પાવાનો કોઇ અર્થ ખરો?’
એના મરવાના થોડા વખત પહેલાં તેણે મારા બરડા પર પ્રેમથી ધબ્બો મારતાં કહ્યું કે મારી ગાયને દોહીને-વાળી કહેવત સાચી પડીને! લાગે છે કે ચિનુ દૂ…રનું જોઇ શકતો હોવો જોઇએ. તે જ્યોતિષ સારું જોતો હતો. એક પોતાનું ભવિષ્ય બાદ કરતાં ઘણાનું તેણે ભાખેલ ભવિષ્ય લગભગ સાચું પડતું. એક પોતાની કુંડળી જોવામાં તે માર ખાઇ ગયો. તેને તો 94 વર્ષ જીવવાનું વચન ખુદ તેના ગ્રહોએ આપ્યું હતું- પછી એ ફરી ગયા!’
***
તેનો શુક્ર ઘણો બળવાન હતો. તે જાહેરમાં કહેતો કે ગુજરાતી સાહિત્યના કોઇ પણ સર્જક કરતાં આ ચિનુ મોદીએ બહુ જલસા કર્યા છે. કદાચ આ વિધાન જ તેને નડ્યું છે, આ જલસા અવતારે ઘણાં બધાંનાં મનમાં ઇર્ષ્યાભાવ પેદા કર્યો. ‘ચિનુ ભાઇ’ સાબ બહુ લિસ્સો’ કહેનાર આપણે તેનાથી જરાય ઓછા લિસ્સા નથી, પણ વાત જાણે એમ છે કે તકના અભાવે આપણામાંના કેટલાક પોતાનું ચરિત્ર્ય ટકાવી શક્યા છે. બાકી વિનુમાં પણ ચિનુ કાયમ લાગ જોઇને બેઠેલો હોય છે.
જોકે ગુજરાતી છાપાઓની કૉલમ્સ વાંચતાં તેમજ શોકસભાના અહેવાલો જોતાં સમજાય છે કે ચિનુની સર્જકતાને બદલે વધારે મહિમા તેની ઇતર પ્રવૃત્તિઓનો વધારે થયો છે. કોઇ એક યુનિવર્સિટી તૈયાર કરી શકે એનાથી વધુ યુવાન શક્તિશાળી કવિઓ ચિનુએ એકલા હાથે તૈયાર કરી આપ્યા છે. સાહિત્યના લગભગ બધાં જ સ્વરૂપોમાં તેણે તગડું કામ કર્યું છે. તે નાટકો પણ ઝડપથી લખી શકતો. એક વાર થોડા યુવાન છોકરા-છોકરીઓ જ ચિનુને ઘેરી વળ્યાં. કહે: ‘ચિનુકાકા, અમારે ઝડપથી ભજવવા માટે એક એકાંકી નાટક જોઇએ છે. ચિનુના હાથમાં ગુજરાતના માહિતી ખાતાનો અંક હતો.
તેણે એક દીકરીના હાથમાં અંક મૂક્યો. કહ્યું: ‘ગમે તે પાનું ખોલ ને જે વંચાય એ બોલ. એના પર હું એકાંકી લખી આપીશ.’ દીકરીએ અંકની વચ્ચેનું એક પાનું ખોલ્યું. બોલી: ‘ઝાલ્યાં ન રહ્યાં.’ બીજે દિવસે ચિનુલાલે આ જ વિષય ‘ઝાલ્યાંન રહ્યાં’ પરનું નાટક છોકરાંના હાથમાં મૂકી દીધું. બાય ધ વે, આવી વિરલ ટેલેન્ટ ઉર્દૂ વાર્તાકાર સહાદત હસન મન્ટોમાં હતી. પણ ચિનુની આવી બધી પોઝિટિવ વાત લખવામાં આપણો T.R.P. તે કંઇ વધતો હશે? – જવા દો એ વાત.
પણરહી રહીને અત્યારે હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે યાદ આવી ગયા. ‘શીલ અને સાહિત્ય’ની વાત કરતાં તેમણે એકવાર કહ્યું હતું કે,
‘આપણે કુંભારને ત્યાં માટલું લેવા જઇએ છીએ ત્યારે માટલું કેટલું મજબૂત ને ટકાઉ છે એ તપાસવા આપણે માટલા પર ટકોરા મારીએ છીએ, કુંભારના માથા પર નહીં. (તેજીને તો બસ, એક જ ટકોરો પૂરતો છે).’
*** યાદ આવ્યું: મારી ચિતા પર વૃક્ષ કાપીને તેનાં લાકડાં ગોઠવશો નહીં, કદાચ આવતા જન્મે મને પંખીનો અવતાર મળે તો હું માળો ક્યાં બાંધીશ?’
– ચિનુ મોદી
તેને ચિનુ મોદી થઇને બળવું નહોતું તેમજ ઇર્શાદ એહમદ બનીને દટાવું નહોતું એટલે તો તેણે દેહદાન કર્યું-કેવો ચતુર વાણિયો! –વિનોદ ભટ્ટ
ચિનુ મોદીની એક રચના …
વસવસો – ચિનુ મોદી ‘ઈર્શાદ’
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો, કહી ના શક્યો કોઇને કે ખસો…
જાણીતા બ્લોગ ” વેબ ગુર્જરી”માં ” લ્યો, આ ચીંધી આંગળી” વિભાગમાં મારા સહાધ્યાયી હમઉમ્ર મિત્ર શ્રી રજનીકુમાર પંડ્યા એમની આગવી આકર્ષક શૈલીમાં એમના જીવનના અનુભવો પર આધારિત સત્ય કથાઓ રજુ કરતા રહે છે એ વાંચવા જેવી હોય છે.
શ્રી રજનીકુમાર પંડ્યાએ એમના ઈ-મેલમાં મોકલેલ એક લેખ ”કરમાઇ કરમાઇને ખર્યા નાનાભાઇ જેબલિયા (૧)”માં એમણે એમના લેખક મિત્રને ભાવભરી શ્રધાંજલિ આપી છે. એમના આભાર સાથે આ લેખને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.આ લેખ મને ગમ્યો એમ આપને પણ જરૂર ગમશે.
(ગુણવત્તાને લક્ષમાં લો તો ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ કોટીના સાહિત્યકારોમાં જેમની ગણના કરવી પડે એવા સત્વશીલ સર્જનો આપનારા નાનાભાઇ જેબલીયા સંખ્યાબંધ ઉત્તમ કૃતિઓ આપવા છતાં 75 ની વયે અવસાન પામ્યા. પણ ત્યાં લગી ઉન્નતભ્રુ સાહિત્યકારો–વિવેચકો માટે તો માત્ર ‘લોકપ્રિય’ લેખકોના વર્ગમાં આવતા એક એવરેજ લેખક જ રહ્યા. જીવનભર પ્રાથમિક શાળાના શિક્ષક જ રહ્યા. એના અન્ય અનેક કારણોમાં એ સૌરાષ્ટ્રના એક ખૂણામાં જીવ્યા કર્યા એ પણ એક કારણ છે. અને એમાં કોઇનો દોષ નથી, સિવાય કે કિસ્મતની શતરંજની એવી બિછાત. બીજાં અનેક માનવીય કારણોની ભરમાર છે, પણ એની ચર્ચા કરવાની આ જગ્યા નથી.
(નાનાભાઈ જેબલિયા)
આ લખનાર ઉપરાંત સાહિત્યકારો રતિલાલ બોરિસાગર, રમેશ પારેખ કે કિરીટ દૂધાત જેવા એમના મિત્રો એમને આજીવન ચાહતા રહ્યા એનાથી એમનો આત્મા બહુ તૃપ્ત રહેતો હતો એના કરતાં અમને એમની નિર્ભેળ, નિરપેક્ષ મૈત્રીથી બહુ સભરતાનો અનુભવ થતો હતો. પૂ મોરારીબાપુ જેવાએ એમની બહુ જ સંભાળ રાખી હતી અને એમને કાર સુધ્ધાં લઇ આપી હતી. વળી સંતાનો પણ બહુ ગરવા નિવડ્યા. અને પુત્રવધુઓ તો પુત્રોથી પણ સવાઇ ચડિયાતી સાબિત થઇ. પોતાના પછીની બીજી પેઢીનું સુખ પણ એમને પારાવાર મળ્યું.
એ બધાનું સરવૈયું માંડતા સ્વ.નાનાભાઇ જેબલીયા, છેલ્લા થોડાં વર્ષોની પથારીવશતાને બાદ કરતાં સુખેથી જીવ્યા, સુખ પામીને ગયા એમ કહેવું વધારે ઠીક રહેશે.
સાવ ઉગતી યુવાનીથી અમારી મૈત્રી જામી હતી એટલે અધિકૃતતાપૂર્વક એમની થોડી વાત અહિં માંડું છું.)
“સરકસના ખેલ જેવું હતું. હળવી બીડી કે વજનદાર બાચકું એમાંથી એકે ય હેઠે ના પડી જવું જોઇએ (બીડી બે ફદિયાની પણ બાજરો તો કેવા મોંઘા પાડનો,બાપ!) બાજરો જમીન પર વેરાઇ ના જવો જોવે અને અને બીડી બી ઠરી ના જવી જોઇએ. ને વાજોવાજ સલામો પણ ઝીલાતી જવી જોઇએ. વળી આ બધું કરતાં ગતિભંગ પણ ના થવો જોવે. અમારી હારોહાર રહેવું જોવે. આ દૃશ્ય જોઈને અમને અમારી નહીં પણ વિશેષણોની દયા આવી ગઈ હતી.”
વિનોદ ભટ્ટના અવસાન બાદ ઘણા લેખકોએ એમને અંજલિ રૂપે એમના વિષે જુદા જુદા સમાચાર માધ્યમોમાં લખ્યું છે.જાણીતા લેખક શ્રી રમેશ તન્નાએ એમના ફેસ બુક પેજ પોઝિટિવ મિડિયા માટે વિનોદ ભટ્ટની જ શૈલીમાં એક લેખ” વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં” લખ્યો છે અને એ રીતે એમના માનીતા હાસ્ય લેખકને અનોખી રીતે અંજલિ આપી છે.
શ્રી રમેશભાઈ ના આભાર સાથે વિનોદ વિહારની આજની શ્રધાંજલિ પોસ્ટમાં આ લેખ નીચે પ્રસ્તુત છે.આ લેખ પછી સ્વ.વિનોદ ભટ્ટ વિષેના બીજા બે લેખોની પી.ડી.એફ.પણ જરૂરથી વાંચશો.
વિનોદ પટેલ
વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં…આલેખનઃ રમેશ તન્ના
ગઈ કાલે યમરાજ પોતે વિનોદ ભટ્ટને લેવા આવ્યા. તેમના નિવાસસ્થાને પહોંચ્યા. મનોમન બોલ્યા, ઘોર કળિયુગમાં આ માણસ ‘ધર્મયુગ‘માં રહે છે. કમાલનો માણસ લાગે છે !
વિનોદભટ્ટ તો જવા તૈયાર જ હતા. યમરાજાએ ધર્મયુગ કોલોની બહાર પાડો પાર્ક કરેલો. બન્ને ચાલતા ચાલતા સોસાયટીના ઝાંપે આવ્યા.
વિનોદ ભટ્ટ સોસાયટીના મુખ્ય ઝાંપે પાછા ફરીને ઊભા રહ્યા. પોતાનું ઘર, સોસાયટીની શેરી, અન્ય બંગલાઓ જોતા રહ્યા.
યમરાજા બોલ્યાઃ રહેવું છે હજી થોડાં વર્ષ ?
ના, ભઇલા ના, હવે બહું થયું, કૈલાસ ગઇ, હમણાં નલિની ગઇ,તેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે. અને જો યમરાજભાઈ, અહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. પછી વિનોદભાઇ કહે,” ચાલો,તમતમારે… આપણે રેડી છીએ.”
યમરાજા કહે, ઊભા રહો, માવો ખાઇ લઉં.
“હા, એ પહેલું હો.. માવો ખાધા વિના વાહન ના ચલાવી શકાય, તો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે. બાય ધ વે, હમણાં સૌરાષ્ટ્ર બાજુ કામ બહું રહેતું લાગે છે.”
યમરાજા આંખો પહોળી કરીને કહે, અરે, તમને કેવી રીતે ખબર પડી.
” ખબર તો પડી જ જાય ને. આ માવાની લત ત્યાંથી જ લાગે, અને તમારા દાંત પણ લાલ થઇ ગયા છે. આ તમારા પાડાને નથી ખવડાવતા ને ! “
યમરાજા હસી પડ્યા, ના, ના, પાડો તો નિર્વ્યસની છે. લીલા ઘાસ વિના બીજું કશું ખાતો નથી. વિનોદભાઈ કહે, અમારા દેશના રાજકારણમાં દાખલ કરી દો, બધુ ખાતો થઈ જશે.
એયને પછી તો વિનોદ ભટ્ટ પાડા પર, યમરાજાની પાછળ બેસીને પહોંચ્ચા યમલોકમાં. યમરાજાએ વિનોદ ભટ્ટને ચિત્રગુપ્તને સોંપતાં કહ્યું- આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.
*
ચિત્રગુપ્તે મોટો ચોપડો કાઢ્યો.
પૂછ્યું, નામ ?
“વિનોદ”
“કેવા ? “
“એવા રે અમે એવા”
“એમ નહીં, જ્ઞાતિએ કેવા ?”
” અહીં પણ લોકશાહી છે? અહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “
“ભાઇ, આખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ67,583 છે.”
“વિનોદ ભટ્ટ હસીને કહે છે, હવે 67,582 થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”
ચિત્રગુપ્તે ચોપડો ફંફોસવા માંડ્યો.
બોલ્યો,” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”
“વધારે લખાઇ ગયું છે? ઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”
ચિત્રગુપ્ત થોડો અકડાયો, વિનોદભાઇ, જે ઓછું કે વધુ નહીં,પણ ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વે, તમે તો લોકોને બહુ હસાવ્યા છે.”
“વિનોદ ભટ્ટે ચિત્રગુપ્તના ખભા પર હાથ મૂકીને કહ્યું, જો દોસ્ત, લખવાનું કામ આપણું, હસવાનું કામ વાચકોનું.”
ચિત્રગુપ્ત ગળગળો થઇ ગયાઃ સાહેબ, મેં પણ તમને બહુ વાંચ્યા છે.
આંખ મીંચકારીને વિનોદભાઈ કહે તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો.
સાહેબ, તમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે.
અચ્છા તો તું ગુણવંત શાહને પણ વાંચે છે એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરતો. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો તેમને તકલીફ પડે.
સાહેબ, આ બધુ તમારે ઉપર, યમરાજાને કહેવું પડે. હું તો હિસાબનો માણસ. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો. ચિત્રગુપ્ત (પોતાના) નાક પર આંગળી મૂકીને કહે છે હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.
ચિત્રગુપ્તને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે વિનોદભાઇ કહે, તમે યાર, હજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.
ચિત્રગુપ્તે ચશ્માં સરખાં કરતાં કહ્યું,”જીવભાઈ, એ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છે, પણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશે, આપણે ખોટી મહેનત કરવી.”
વિનોદ ભટ્ટ હસતાં હસતાં કહે,”એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…
ચિત્રગુપ્ત હસતાં હસતાં કહે,” નર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”
વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી?
“ના, અહીં અકાદમી-પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”
“તો ભઇલા, ત્યાં લઇ લે. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તો‘દિવ્યભાસ્કર‘માંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”
“તમે કહેતા હોય તો, તેમને અહીં બોલાવી લઇએ.”
“ના, ના. “
બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રગુપ્ત પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,”તમને જ્યોતિન્દ્ર દવે વગેરે યાદ કરે છે, જાઓ, સ્વર્ગલોકમાં સિધાવો.”
*
ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છે,લતાઓ અને વનલતાઓ, અનેક પ્રકારના છોડ, નાનાં-નાનાં પ્રકારનાં પુષ્પો, ફૂલ-ઝાડથી વાતાવરણ છલકાઇ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છે, તેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છે, તારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે.
બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. વિનોદ ભટ્ કહે છે.
” અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છે? વિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”
“નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ અમને હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” જ્યોતિન્દ્ર દવે બોલ્યા.
“વિનોદ, તમે બહું સૂકાઇ ગયા લાગો છો ? ” બકુલ ત્રિપાઠીએ વિનોદભાઇના દેહ પર નજર કરતાં કહ્યું.
“બકુલભાઇ, સૂકાઇ ગયો એટલે તો અહીં આવ્યો, નહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત ? પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”
વચ્ચે થોડી વધી હતી, પણ પછી તમે અહીં આવવાના હતા એટલે ઓછી કરી નાખી.. બકુલ ત્રિપાઠીએ હસતાં હસતાં જવાબ આપ્યો.
તારક મહેતાએ વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી કહ્યું,” સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”
“તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે ? અહીં તો પરમેનેન્ટ મજા નથી હોતી ?”
“પહેલા એવું હતું, પણ ટીવીનાં કનેકન્શન લીધા પછી સ્થિતિ બદલાઇ છે.”જ્યોતિન્દ્રભાઇ બોલ્યા.
તારક મહેતા કહે, બોરીસાગર કેમ છે ?
“એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. ડોક્ટર રમેશ કાપડિયાએ શીખવાડેલું શવાસન દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં 30-35 વર્ષ અહીં આવે તેમ લાગતું નથી!” વિનોદભાઇએ જવાબ આપ્યો.
એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ. જ્યોતિન્દ્ર બોલ્યા. પછી કહે, જોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખ, અશોક દવે, શાહબુદીન રાઠોડ, નિરંજન ત્રિવેદી, લલિત લાડ, ઉર્વિશ કોઠારી, અક્ષય અંતાણી, ડો. નલિની ગણાત્રા, જગદીશ ત્રિવેદી, મંગલ દેસાઈ આ બધા લખી રહ્યા છે.
જ્યોતિન્દ્ર દવે બોલ્યા, તમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું 78એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા 87માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી 77મેં આવ્યા. મધુસુધન પારેખ 85 વર્ષે હજી જામેલા છે, આમ તો રતિલાલ બોરીસાગરને 80 થઇ ગયાં છે;પણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.
” ના, ના, બધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાય, થોડાને ત્યાં પણ રહેવા દો” બકુલ ત્રિપાઠી બોલ્યા.
ત્યાં એક છોકરો દોડતો-દોડતો આવ્યો, વિનોદ ભટ્ટ કોઈ કૈલાસબહેન અને નલિનીબહેન તમને યાદ કરે છે.
વિનોદ ભટ્ટ ઊભા થાય છે, ઉતાવળે પગલે જતાં જતાં બોલે છે, ઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.
—————————— —————————–
પોઝિટિવ મિડિયા માટે આલેખન.. રમેશ તન્ના 9824034475.
(નલિનીબહેન અને વિનોદભાઈની આ તસવીર, વિનોદભાઈના જન્મદિવસે, 14મી જાન્યુઆરી, 2018ના રોજ, અમદાવાદમાં તેમના નિવાસસ્થાનના આંગણામાં, આલાપ તન્નાએ લીધી હતી. આ વર્ષે આપણે આ બન્નેને ગુમાવ્યાં.)
સ્વ.વિનોદ ભટ્ટ વિશેના બીજા શ્રધાંજલિ લેખોની પી.ડી.એફ. …
૧. “કલમમાં વેદના ઘૂંટાઈને આવે ત્યારે લેખનનો સંતોષ થાય” વિનોદ ભટ્ટ સાથેની મુલાકાતના અંશો….. (મુલાકાત રમેશ તન્ના અને અનિતા તન્ના) /હાસ્ય લેખક વિનોદ ભટ્ટ ને શબ્દાંજલિ.
૨ વિનોદ ભટ્ટની મૃત્યુ વિશેની વાતમાં પણ ભરપૂર ‘વિનોદ’ હતો….24 મે 2018..સૌજન્ય …www.bbc.com/gujarati
ઉપરના લેખોની પી.ડી.એફ. વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
ગુજરાત અને ગુજરાતી ભાષાના લોક લાડીલા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં બુધવાર, તારીખ ૨૩ મી મે, ૨૦૧૮ ના રોજ દુખદ નિધન થયાના માઠા સમાચારથી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વિનોદ ભટ્ટ છેલ્લાં કેટલાક સમયથી બીમાર હતા. બુધવારે 11.05 વાગ્યે વિનોદ ભટ્ટએ અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે સાડા ચાર વાગ્યે તેમની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે નિકળી હતી, બેન્ડવાજાએ રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન વગાડીને ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. વિનોદ ભટ્ટના દેહનું દાન એલ જી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
આપણા આ જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના દુખદ અવસાનથી ગુજરાત અને ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડશે.
પ્રભુ તેમના આત્મા ને શાંતી આપે … ઓમ શાંતી … શાંતી…શાંતી…🌺🙏🌺
સ્વ. વિનોદ ભટ્ટની જીવન ઝરમર અને એમના હાસ્ય સાહિત્ય નો પરિચય…વિવિધ સ્રોતમાંથી સંકલન કરીને … સદગત આત્માને શ્રધાંજલિ રૂપે …આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.
૭ શ્રી અંકિત ત્રિવેદીની સુંદર શબ્દોમાં સ્વ. વિનોદ ભટ્ટ ને આદરાંજલિ …
હાસ્ય ને પણ ખડખડાટ હસાવી શકે એવી વિરલ હસ્તી મુ.શ્રી વિનોદ ભટ્ટ પરમેશ્વરના હાસ્ય દરબારમાં સામેલ થઈ ગયા.
આદરાંજલી. ….. અંકિત ત્રિવેદી.
કેટલાક લખે ત્યારે કાગળનું નથી વિચારતા ! કેટલાક લખે ત્યારે કાગળનું પણ વિચારે છે…! કેટલાક લખે ત્યારે પેન કાગળને ભોંકાતી હોય છે. કેટલાક લખે ત્યારે કાગળને પોતાની પેન પંપાળતી હોય છે. કેટલાક લખે ત્યારે કોરા કાગળનું અકાળે મોત થયેલું લાગે ! કેટલાક લખે ત્યારે કાગળનો મોક્ષ થઈ જાય… વળી, કેટલાક કાગળની નારણબલી કરતાં હોય એમ લખે…! અને કેટલાક કાગળને અશોકનાં શિલાલેખ જેવી શાશ્વતી સમયનાં અક્ષરોને ઉકેલીને આપે…! એમની ભાષા સમાજનું દૂરબીન લાગે..!
વિનોદ ભટ્ટ આમાંનું એક નામ…! નામ પ્રમાણેના ગુણો અને અટક પ્રમાણેનું બ્રાહ્મણપણું…! જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા પછીની પેઢીનું બહુ મોટા કેનવાસ પર હાસ્યનું ચિત્રકામ કરી જાણ્યું છે. અત્યારે હાસ્ય પર ફાવટ એવી કે ડાબા હાથે લખે…! (એમને જમણા હાથમાં દૂ:ખાવાને કારણે ખરેખર ડાબા હાથથી લખે છે.) એમનું હાસ્ય જેટલું તરત સમજાય એટ્લે એમનાં અક્ષર ના વંચાય..! એ હાજરી અને ગેરહાજરી બંનેમાં વર્તાયા વિના રહે જ નહીં…!
સુરેશ દલાલની વિદાય પછી બહુ ઓછા સર્જકોને સામેથી ફોન કરવાનું ગમે છે. વિનોદ ભટ્ટ એમાંના એક અને અનન્ય. પુષ્કળ કાર્યક્રમો એમની સાથે કર્યા છે… અમદાવાદથી અમેરિકા સુધી… એવું કહેવું હોય તો કહી શકાય કે સંગીતના કાર્યક્રમો સહુથી વધારે પુરુસોત્તમ ઊપાધ્યાય જોડે કર્યા છે અને એ પછી સાહિત્યના કાર્યક્રમોમાં સુરેશ દલાલ પછી વિનોદ ભટ્ટ જ આવે…!
એકવાર મેં એમને અમસ્તાં જ પૂછેલું કે, ‘ વિ.જ.ભ. ( વિનોદચંદ્ર જશવંતલાલ ભટ્ટ – આખું નામ એમનું આ છે પરંતુ એમના મતે એમના સસરા પછી વિ.જ.ભ.ના નામે હું એકલો જ બોલાવું છું. ) હું તમારા દરેક કાર્યક્રમમાં આવું છું. તમે મારા કાર્યક્રમમાં કેમ નથી આવતા ?’
એમણે કહ્યું : ‘એક વાત સાંભળી લે. તું મારા બેસણામાં આવે એનો મતલબ એવો નહીં કે મારે પણ તારા બેસણામાં આવવાનું…!’
આટલો બે-ધબકારા વચ્ચેનાં અંતર વગરનો સહજ હાસ્ય સભર જવાબ કોણ આપી શકે ?
એટ્લે જ વિનોદ ભટ્ટ કહી શકે છે કે ‘મને મૃત્યુની બીક લાગે છે કારણ કે મને જીવનની પડી છે.’ માંદગી એમને માટે અવારનવાર આવતી એકાદશી જેવી છે. ઉંમરને કારણે ઘણીવાર ખબર કાઢવા આવતા મહેમાનની જેમ આવે અને ઘરધણી બનીને રોકાઈ પણ જાય…! તો ય એમનો તોર એવો ને એવો અકબંધ…! જેટલું જીવ્યા છે – અને જીવે છે એનું ગુમાન વિવેકી લાગે…!
જિંદગી એટલી બધી વ્હાલી જેમ ડાયાબિટીસના દર્દીને મીઠાઇ વ્હાલી ! આ દિવાળીમાં ડાયાબિટીસ હોવા છતાં હવે આવતી દિવાળી નહીં હોય એમ માનીને મીઠાઇ ઉપર જીભને ઝંપલાવી…! અને માંદા પડ્યા તો ય ઘરે રહીને માંદગીને પ્રેમ કર્યો… વિનોદ ભટ્ટ માને બધાનું (યોગ્યતા અનુસાર ) પણ કોઈ સલાહ આપે તો જરા વસમું લાગે…! સાહિત્યમાં હાસ્યની સ્થિતિ જેવું… આ જ માણસ કહી શકે કે માંદગી હોય ત્યારે બધા જ સલાહ આપે છે. જાણે ઢળતી ઉંમરે સલાહનું ટ્યુશન લેતો હોઉં એવું લાગે છે…!
હાસ્યની ઊપાસના કરનારા આ સાધક જીવને ક્યારેય ઉદાસ થતાં નથી જોયા ! ગુસ્સે થતાં જોયા છે. એ ગુસ્સો ક્ષણવારનો હોય પણ વાજબી હોય. એમના ગમા અને અણગમા સ્પષ્ટ છે. એ પોતે જ કહે છે કે જેટલું ધોધમાર જીવ્યો છું એટલું ધોધમાર ફરી જીવવા ન મળે તેનો સ્હેજ પણ અફસોસ નથી…! મૃત્યુને થોડાં સમયથી એમણે ભાઈબંધ બનાવ્યો છે. એટ્લે જીવવામાં રસ વધારે પડે છે. એમની પત્નીના હાથ નીચે ભણેલા ડોક્ટરો પર એમને વધારે વિશ્વાસ છે, કારણકે એ પોતે પણ એમની પત્નીને ‘માસ્તર’ કહીને જ સંબોધે છે…
આટઆટલાં પુસ્તકો, ભરચક કાર્યક્રમો અને ધોધમાર લોકોને મળ્યા પછી તાજા ગુલાબની સુગંધ જેવું હાસ્ય એટ્લે વિનોદ ભટ્ટ…! એમને યાદ એટ્લે કર્યા કે આ લેખ એ વાંચે અને નવી પેઢીના લેખકો-વાચકો એમનામાંથી માત્ર ને માત્ર હસતાં શીખે…! નિર્દોષ હાસ્ય ઈશ્વરની ગેરહાજરીને સભર કરી આપે છે… બાકી આ એ જ વિનોદ ભટ્ટ છે જે બોલતા હોય અને બાજુમાં પદ્મશ્રી ગુણવંત શાહ બેઠા હોય ત્યારે ઓડિયન્સની વચ્ચે માઈકમાં ગુણવંત શાહને એમ કહે કે “ ગુણવંતભાઈ હું બોલું છું તો બોર નથી થતા ને ?” ગુણવંત શાહ ‘ના’ પાડે પછી વિનોદ ભટ્ટ એટલું જ બોલે કે, ‘ જો બોર થતા હોવ તો જામફળ લાવીએ…!’ ત્વરીત હાસ્યનો તરવરાટ વિનોદ ભટ્ટનો વિશેષ છે… ગુજરાતી હાસ્ય વિનોદ ભટ્ટથી સવિશેષ છે…
ઓન ધ બીટ્સ
“ઘણા પુરુષોને એવી પત્ની જોઈએ છે કે ઘર રખ્ખું, રૂપાળી હોય, કરકસરિયણહોય અને ફક્કડ રસોઇયણ હોય… કમભાગ્યે કાયદો એક કરતાં વધારે પત્નીકરવાની છૂટ આપતો નથી…” -વિનોદ ભટ્ટ.
Laughing with Vinod Bhatt- Best Comedy-You Tube
વિવિધ આયોજિત પ્રોગ્રામોમાં હાસ્યની છોળો ઉછાળતા સ્વ. વિનોદ ભટ્ટના આવા બીજા you-tube વિડીયો આ પછીની શ્રધાંજલિ પોસ્ટમાં જોઈ/સાંભળી શકશો.
“The song is ended, but the melody lingers “ – Irving Berlin
યાદ આવી ગઈ અમદાવાદી શાયર સ્વ.આદિલ સાહેબની આ ભાવસભર રચના
દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં ,
ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.
કહેવાનું હતું ઘણું છતાં કહી શકયાં નહી,
ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા,
‘ચલ’ એમ કહી ને ચાલી ગયા તમે,
ઠંડા હ્રદયમાં ગુંજતા કોઇ પડઘા રહી ગયા,
વરસ્યા વિના વહી ગયી માથા પરથી વાદળી,
આ દિલ દુઃખી થયુ ને અમે જોતા રહી ગયા.
સ્વ.આદિલ મનસુરી
“કુસુમાંજલિ”-ઈ-બુક
૧૪ મી એપ્રિલ,૨૦૧૫ ના રોજ, કુસુમબેનની ૨૩મી પુણ્યતિથીના દિવસે એમના પુણ્ય સ્મરણાર્થે પ્રતિલિપિના સહકારથી “કુસુમાંજલિ” એ નામે એક ઈ-બુક” ને ગુજરાતી સાહિત્ય રસિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
આ ઈ-પુસ્તકમાં સ્વ. કુસુમબેનની સચિત્ર જીવન ઝરમર જેમાં અમારા ૩૦ વર્ષના દામ્પત્ય જીવનના પ્રસંગો,મારા ચૂંટેલા ચિંતન લેખો, વાર્તાઓ, કાવ્યો વિગેરે વિવિધ સાહિત્યથી સદગત આત્માને શ્રધાંજલિ આપવામાં આવી હતી.
નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી આ ઈ-પુસ્તક વાંચી શકશો.
‘‘કુસુમાંજલિ” માં ભજનાવલિ
આ ઈ-બુકને અંતે સ્વ.કુસુમબેનને પસંદ હતાં એવાં લગભગ ૪૦ ચૂંટેલાં ભજનો,આરતીઓ તથા અન્ય આધ્યાત્મિક પ્રસાદીને સમાવીને એક મીની ઈ-બુક જેવી ભજનાવલિ પણ આ ઈ-બુકમાં સામેલ કરેલી છે એ પણ જરૂર જોશો.
સીનીયરો માટે સદા માર્ગ દર્શક અને પ્રેરણાસ્ત્રોત બની રહેલા, બે એરિયા,કેલીફોર્નીયા નિવાસી વડીલ હરિકૃષ્ણ મજમુંદાર (જન્મ ૧૯૧૯ ) એ એમની ૯૮ વર્ષની ઉંમરે સદાને માટે વિદાય લીધી છે એના સમાચાર જાણીને દુખ થયું.
તેઓ આજીવન સમાજ સેવક અને સાહિત્ય સેવક રહ્યા હતા અને એમનાં સેવા કાર્યોથી એમના અનેક પ્રસંશકોનો પ્રેમ સંપાદન કર્યો હતો.
વિનોદ વિહાર સ્વર્ગસ્થ હરિકૃષ્ણ મજમુંદારને આ પોસ્ટ દ્વારા હાર્દિક શ્રધાંજલિ પાઠવે છે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના છે.
વિનોદ પટેલ
હરિકૃષ્ણ મજમુંદારની જીવન ઝરમર …
મળવા જેવા માણસ … હરિકૃષ્ણ મજમુંદાર …. પી.કે.દાવડા
હરિકૃષ્ણનો જન્મ વડોદરામાં ૧૯૧૯મા થયો હતો. શાળાનો અભ્યાસા વડોદરામાં જ કર્યો. ત્યારબાદ વડોદરાની કોલેજમાંથી બી.એ. કરી, કાયદાનો અભ્યાસ કરવા અમદાવાદ ગયા અને ૧૯૪૧ માં એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી.
૧૯૪૧ માં એક ટેક્ષટાઈલ મિલમાં નોકરી શરૂ કરી. ૧૯૪૩ માં એમને મુંબઈમાં એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં નોકરી મળી. નોકરી કરતાં કરતાં જ, ૧૯૪૮ માં એમણે બી. કોમ. ની ડીગ્રી પણ મેળવી લીધી. એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં કામ કરતા હતા ત્યારે ૧૯૬૦ માં તેમને ભાભા એટોમિક સેંટરમાં મોકલવામાં આવ્યા, અને ત્યાં કાયમ થયા. ૧૯૭૭ સુધી ત્યાં કામ કરીને નિવૃત્ત થયા.
નિવૃતિ બાદ આઠ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાના અને બીજા નાના મોટા કામ કર્યા. ૧૯૮૫ માં દિકરીએ એમને અમેરિકા તેડાવ્યા. તેમના કહેવા પ્રમાણે અમેરિકા આવવા પાછળ એમના મનમાં કોઈ યોજના ન હતી, એ માત્ર એમના સંજોગોનો તકાદો હતો. એમના શબ્દોમાં કહું તો, “ભારતમાં મારા નિવૃતિબાદના વર્ષો ઉપર મારૂં કોઈ નિયંત્રણ ન હતું, સંજોગોને આધિન સમય વ્યતિત થતો હતો.”
૧૯૮૫ માં તેઓ અમેરિકા આવ્યા. અમેરિકામાં આવીને એમણે કોમ્યુનીટી કોલેજમાં કેલ્ક્યુલસ અને શેક્સપિયરનો ઊંડો અભ્યાસ કર્યો. કેલક્યુલસ વિષયમાં તો તેમણે “ફેકટરાઈકઝેસન” નામનું પુસ્તક પણ લખ્યું. ત્રણ વર્ષ સુધી ઈન્ડિયા પોસ્ટ નામના છાપા માટે કોલમ લખી. અમેરિકામાં મોટી ઉંમરના ભારતીયોની વિટંબણાઓથી જેમ જેમ પરિચિત થતા ગયા તેમ તેમ તેનો ઉકેલ લાવવા સિનિયરોને લગતા કાયદાઓ અને સિનિયરોની અપાતી છૂટછાટનો અભ્યાસ કરતા ગયા. ભારતથી આવતા લોકોની સોશ્યલ સીક્યુરીટી, ઇમિગ્રેશન અને અન્ય વિષયની ગુંચો ઉકેલવાની મદદમાં લાગી ગયા. વડિલોની મુંઝવણો સમજી લઈને એનો સમાધાન પૂર્વક ઉકેલ લાવવામાં મદદરૂપ થવા લાગ્યા. ૨૦૦૨માં અમેરિકાની વેલ્ફેર યોજનાની માર્ગદર્શિકા “ભુલભુલામણીનો ભોમિયો” (Mapping of the Maze) પુસ્તક લખીને સિનિયરોને માર્ગદર્શન આપ્યું. અનેક સ્થળૉએ સિનિયરોને માર્ગદર્શન આપવા વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. અમેરિકાના સેનેટરોને, અદાલતોને, પત્રકારોને અને નેતાઓને પત્રો અને પીટિશન્સ લખી લોકોને ન્યાય અપાવવા લાગ્યા. બસ લોકો તેમને દાદાના હુલામણા નામથી ઓળખતા થયા.
એમણે સિનિયરોને સલાહ આપી કે સ્વાલંબી બનો, પરિવારમાં મદદરૂપ બનો, જીવન માત્ર જીવો જ નહિં પણ એને માણો. પોતે પોતાની પુત્રીના બેકયાર્ડમાં પોતાનો ઓરડો બાંધી સ્વાલંબી જીવન જીવીને ઉદાહરણ પૂરૂં પાડે છે.
તેમની સેવા ની પ્રવુતિ માટે તેમનેઘણા એવોર્ડ મળ્યા છે ,Santa Clara County ના Human Resources Commission તરફથી “Toni Sykes Memorial Award ” દાદાને મળ્યો છે. દાદા પોતે કાયમી વસવાટ માટે પરદેશથી આવેલ વસાહતી છે. 2011માં તેમણે”સાઉથ એશિયન સિનયર સર્વિસ એસોસીએશન” રચ્યું છે. આજની તારીખે દાદા છેલ્લાં માં છેલ્લાં કાયદા અને નિયમો વિષે પોતાને માહિતગાર રાખે છે અને ઝીણવટ, સમજ અને અનુભવી કોઠાસુજથી લોકોના વણઉકેલ્યા કોયડાને ઉકેલે છે. દાદાજીની વાત સીનિયરોને અને ભવિષ્યની પેઢીને વિચારતા કરી મૂકે તેવી મૌલિક છે. દાદા કહે છે”અમેરિકામાં રહેનાર ભારતીય સીનિયરો પોતાના સાંકડા વર્તુળમાં પોતાનું જીવન જીવી નાખે, તેના કરતાં બહાર આવી અહીંનાં સમાજની વિશેષતા માણે તો આનંદપુર્ણ જીવન જીવી શકે. “સ્વ” પરથી નજર હટાવી “અમારા” પર નજર કરવાની જરૂર છે. હકારાત્મક જીવનમાં સુખી થવાનો આ ગુરૂમંત્ર છે. દાદાની વડિલોને સલાહ છે કે બાળકો ઉપર તમારા સિધ્ધાન્તો અને તમારા અનુભવો ન થોપતા. શક્ય છે કે બદલાયલા સંજોગ અને બદલાયલા સમયમાં એ એમને ઉપયોગી ન પણ થાય.
દાદા કહે છે, “ અહીં અમેરિકામાં હું મારા જીવનનું નિયંત્રણ કરી શકું છું, કારણ કે અહીં લોકો નૈસર્ગિક જીવન જીવે છે. લોકો અહીં માન અને પ્રેમના ભૂખ્યા છે, અને અન્યોને પણ તેઓ માન અને પ્રેમ આપે છે. મને મારા કાર્યના બદલામાં પૈસાની ભૂખ નથી, લોકો મને જાણે, મારા કાર્યની નોંધ લે, મારા માટે એ જ પુરતું છે. અહીં તમે કંઈપણ ન કરો તો જ તમારૂં કાર્ય વણનોંધ્યું રહે.”
-પી. કે. દાવડા
બે એરીયાની ગુજરાતી સાહિત્ય સંસ્થા ”બેઠક” ની એક સભામાં ” તો સારું” “પુસ્તિકાના વિમોચન વખતે હાજર હરિકૃષ્ણ મજમુંદાર અને એમનાં પત્ની શ્રીમતી પ્રેમલતા મજમુંદાર આ વિડીયોમાં એમના આશિર્વચનો કહી રહ્યાં છે.Mar 9, 2014
જીવનના ત્રણ તબ્બકા …. હરિકૃષ્ણ મજમુંદાર
કેલિફોર્નિયાના મિલપિટાસ શહેરમાં,૧૭ મી માર્ચ ૨૦૧૬ ના રોજ આ જ ”બેઠક ” સંસ્થાના બીજા એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ૯૬ વર્ષીય સમાજસેવક અને સાહિત્ય સેવક શ્રી હરિકૃષ્ણ મજમુદારે બહુ સુંદર વચનો કહ્યાં હતાં.
શ્રી હરિકૃષ્ણ દાદાએ કહ્યું હતું કે …. ”માણસના જીવનના ત્રણ તબ્બકા છે. જન્મથી ૧૮ વર્ષની વય સુધી બચપણ હોય છે. ૧૯ મા વર્ષથી ૮૦ મા વર્ષ સુધી પુખ્તવય (adult) હોય છે અને ૮૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા હોય છે.
અહીં અમેરિકાના ડોકટરો તમને ૧૦૦ વર્ષ પહેલાં મરવા નહિં દે એટલે તમે યોજનાબધ્ધ રીતે જીવન જીવો. વચલા તબ્બકાને ૧૯ થી ૫૦ અને ૫૧ થી ૮૦ એમ બે ભાગમાં વહેંચી દો. આ ૫૧ થી ૮૦ વાળો તબ્બકો સૌથી વધારે ઉત્પાદક અને આનંદદાયક છે. ઘટતી જવાબદારીઓ વચ્ચે તમારી મનગમતી પ્રવૃતિઓમાં જોડાઈ જાવ, અને સમાજને ઉપયોગી થવાની સાથે તમારી જાતને પણ આનંદથી ભરી દો. પણ આના માટે એક શરત છે. તમારે નિયમિત રીતે તમારી શારીરિક તપાસ કરાવવી જોઈયે, કસરત કરવી જોઈએ અને ખોરાકમાં સંયમ વર્તવો જોઈએ.”
શ્રી હરિકૃષ્ણ મજમુદારને એમની સેવાની પ્રવૃતિની કદર રૂપે મેળવેલ વિવિધ એવોર્ડ અને એમનાં પુસ્તકો .
સ્વ. પ્રેમલતા મજમુદારનો ટૂંકો પરિચય.
સ્વ.હરિકૃષ્ણ મજમુંદાર ની સમાજ સેવાનો એક પ્રસંગ ..
એક વખત કોઇક મિત્રનાં બનેવી ડલાસથી રીસાઇને ઘર છોડીને ચાલ્યા ગયા.બહું શોધખોળને અંતે એ મિત્રે દાદાને ફોન કર્યો અને વિગતો આપી નવસારી પાસે જલાલપોર ગામના છે.
જેટલી માહીતિ તે ભાઇએ આપી તે બધી નોંધી લીધા પછી પોતાની ફોન ડાયરી ફંફોસીને જલાલપોર ગામના કેટલા માણસો તેમના સંપર્કમાં છે તે જોઇને ફોન ગુમાવવાના શરુ કર્યા.
સામાન્ય રીતે અમેરિકામાં આટલી પળોજણ કોઇ કરતું નથી.પણ સમાજ્ને કંઇક પાછુ આપવું છે ની ધગશને કારણે ત્રીજા ફોન પરથી ખબર પડી ગઈ કે તે ભાઇ ફીનીક્ષમાં છે. તેમના ટેલીફોન નંબર સહીત સરનામા સાથે તે મિત્રને ફોન પાછો કર્યો તો તે ભાઇ તો ઉભા જ થઈ ગયા.દાદા હવે પતિ પત્ની નો મામલો છે સમજાવટથી પતાવી આપોને?
દાદા કહે ભાઈ તું શીકાગોમાં આ ભાઇ ફીનીક્ષમાં અને હું પાલો આલ્ટોમાં..ફોન ઉપર પ્રયત્ન કરું પણ જો હું મધ્યસ્થી બનીશ તો મારું કહ્યું માનવું પડશે“
દાદા પ્લીઝ પહેલાં મને કહો તમારી ફી કેટલી?”
અને દાદા બહું જ હસ્યા.પછી કહે “ભાઇ હું કોઇ જ કામની કોઇ ફી લેતો નથી.”
બીજે છેડે બહેનનો અવાજ ગદ ગદ હતો તેથી દાદા બોલ્યા “બેન ગુંચ પડી હોય ને તો બધા દોરા ખેંચા ખેંચ ના કરાય પણ એક દોર પકડીને ગુંચ ઉકેલતા જશો તો બધું ઉકલી જશે.”
એક કલાક્માં તે મિત્રનો ફોન આવી ગયો “દાદા મેળ થઇ ગયો છે..આભાર.”
વાચકોના પ્રતિભાવ