વિનોદ વિહાર
ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
Category Archives: સંકલન
1334 -મૃત્યુ અંગે કવિઓના વિવિધ વિચારોનો આસ્વાદ ….સંકલિત
ફેબ્રુવારી 18, 2020
Posted by on મૃત્યુ અંગે કવિઓના વિવિધ વિચારોનો આસ્વાદ ….
The prison of life and the bondage of sorrow are one and the same
Why should man be free of sorrow before dying?
જહાં કે ગુલકદે સે ઐ કઝા મુઝે લે ચલ,
મેરા વજૂદ યહાં ખાર-સા ખટકતા હૈ.
મર મર કે મુસાફિર ને બસાયા હૈ તુઝે,
રૂખ સબ સે ફિરા કે મુંહ દિખાયા હૈ તુઝે.
ક્યોં કર ન લપટ કે તુઝ સે સોઉં એ કબ્ર,
મૈં ને ભી તો જાન દે કે પાયા હૈ તુઝે.
તમામ ઉમ્ર જો કી હમ સે બેરૂખી સબ ને,
કફન મેં હમ ભી અઝીઝોં સે મુંહ છુપા કે ચલે.
કરીબે કબ્ર હમ આયે કહાં કહાં ફિર કર,
તમામ ઉમ્ર હુઇ જબ તો અપના ઘર દેખા
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટ દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે
મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે
જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે
એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી
જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી
બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા
અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી
મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી
જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી
મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’
મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ
મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ
મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ
મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ
હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ
આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ
તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ
મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ
જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ
કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ
‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ
દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ
જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ
આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી
હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા
જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા
જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા
છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી
દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી
એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા
મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)
ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી
પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી
મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી
કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’
તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા
કાં
કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ
એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી
સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર
ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’
થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી
હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી
અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા
બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી
જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી
મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)
શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)
જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી
જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી
છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા
રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા
સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી
‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી
નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી
હે મરણ !
હે મરણ !
જિંદગીને એક બસ તારું શરણ…હે મરણ.
જન્મ લીધો ત્યારથી એક જ દિશામાં
આજીવન દોડ્યાં કર્યું જિજીવિષામાં,
આખરે તારી કને રુક્યાં ચરણ …….હે.
સૂર્ય ઉગ્યો આથમે એ તો નકી,
આથમ્યાને ઊગવાની પણ વકી;
બે અંતિમોને સાંધતું તું ઉપકરણ……..હે
ખેતરો ખેડ્યાં, મબલક પાક લીધો;
‘ત્રણેઋતુ’નો મજાનો લાભ લીધો;
ખળાં ટાણે હાથ ના’વ્યો એક કણ ! …..હે.
અંતહીન મુસાફરી ચાલ્યાં કરે,
સ્ટેશને કોઈ ચડે, કો’ ઊતરે;
અધવચાળે રોકી દે તું એક ક્ષણ…….હે
ક્યાં હશે ગંગોત્રી જીવનની,અહો !
કયા સાગરમાં જઈ ઠરશે, કહો-
ક્યાં સુધી વહેતું રહેશે આ ઝરણ?!….હે
કેટલાં વીત્યાં, વીતશે કેટલાં ?
આયખાં તો પાર ના’વે એટલાં!
ગણતરીને નડે તારું આવરણ !!……..હે
– જુગલકીશોર
–––––––––––––––––
મરણપથારીએ
હાડપીંજરમાં શ્વસે છે જિદગી;
નસનસોમાં શી લસે છે જિંદગી !
આટલાં વરસોનાં જે સંભારણાં;
સાથમાં લઈને ખસે છે જિંદગી.
દર્દને લાગુ પડે એવી દવા શી ?!
દર્દને ખુદને ડસે છે જિંદગી !
આજુબાજુ વીંટળાઈ જે ઉભાં
લાગણી સૌની કસે છે જિંદગી.
ગામ,ફળિયું, ડેલી, ને આ ઓરડે
બાકી સંબંધો ઘસે છે જિંદગી.
સૌના વ્યવહારો કર્યા,ને સાચવ્યા;
ખુદનો આ છેલ્લો રચે છે જિંદગી !
આટલો રસ્તો વીત્યો ધીમે ભલે;
મોતને રસ્તે ધસે છે જીંદગી !
–જુગલકિશોર.
===000===
યાદ રાખ, દેહની અંતે થઇ જશે રાખ !
માનવી કદી અમર ન હતો કે ન છે છતાં,
જીવી રહ્યો જાણે, છે અમર, એમ નિજ જિંદગીમાં.
ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
નક્કી સંચરવું પડશે, સ્મશાને બધું પાછળ છોડીને.
ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.
ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.
હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.
વિનોદ આર. પટેલ
સાન ડિયાગો
1191 – થોડું કડવુ છે પણ સત્ય છે… વોટ્સેપ સંદેશમાંથી સંકલિત….
એપ્રિલ 24, 2018
Posted by on સાભાર -શ્રી ભરત પી.પટેલ,નોર્થ કેરોલીના
વોટ્સેપ પર અવાર નવાર મિત્રો સુંદર વાંચવા અને વિચારવા જેવું પ્રેરક સાહિત્ય મોકલે છે.એમાંથી મને ગમેલી વાતો આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.
આ કડવુ છે પણ સત્ય છે…
જિંદગી સુધારવા મથતા લોકોએ અચૂક વાંચવા અને સમજવા જેવી
આ હકીકતો છે.
ચકલી જયારે જીવિત રહે છે ત્યારે તે
કીડીઓને ખાય છે,
ચકલી જયારે મરે છે ત્યારે
કીડીઓ એને ખાય જાય છે
એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે “સમય અને સ્થિતિ” ક્યારેય પણ બદલી શકે છે.
એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું.
ક્યારેય કોઈને નીચા ન ગણવા.
તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે.
એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે,
પણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે.
કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતો.
કંઠ આપ્યો કોયલને તો, રૂપ લઇ લીધું.
રૂપ આપ્યું મોરને તો, ઈચ્છા લઇ લીધી.
આપી ઈચ્છા ઇન્સાનને તો, સંતોષ લઇ લીધો.
આપ્યો સંતોષ સંતને તો, સંસાર લઇ લીધો.
આપ્યો સંસાર ચલાવવા દેવી-દેવતાઓને તો,
તેની પાસે પણ મોક્ષ લઇ લીધો.
ન કરશો ક્યારેય અભિમાન,
પોતાની જાત પર ‘એ ઇન્સાન’
ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે.
માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે –
મારું નામ ઊંચું થાય.
મારા કપડા સારા હોય.
મારું મકાન સુંદર હોય.
પરંતુ, માણસ જયારે મરે છે ત્યારે ભગવાન તેની આ ત્રણેય વસ્તુ
સૌથી પહેલા બદલી નાખે છે.
નામ – (સ્વર્ગીય)
કપડા – (કફન)
મકાન – (સ્મશાન)
જીવનનું કડવું સત્ય, જેને આપણે સમજવા જ નથી માંગતા…
આ સરસ પંક્તિ જે પણ મહાન પુરુષે લખી છે તેણે શું સુંદર લખ્યું છે.
એક પથ્થર ફક્ત એક જ વાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છે…જયારે
માનવી દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર જ રહે છે….
સુંદર લાઈનો
એક મહિલા પુત્રને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છે….અને
તે જ પુત્ર એક સુંદર પત્ની માટે પોતાની માતા નો ત્યાગ કરે છે….
લાઈફમાં આપણને બધી જગ્યાએ “સક્સેસ (જીત)” જોઈએ છે.
ફક્ત ફૂલ વાળાની દુકાન એવી છે
જ્યાં આપણે કહીએ છીએ કે ….“હાર” આપજો…
થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે …. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.
ધુળ જેવી છે જીંદગી આપણી ….. આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!
બરફ જેવી છે આ જીંદગી … જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….
પ્રશ્નો તો રહેવાના જ . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે , પણ શું કરીએ ?
ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે … પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે .
કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે .. જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સત્તાસ્થાને બેસાડો.
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય !
જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે.
મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દયમાં ગુંજ્તા ગીતને જાણે છે ,અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
અને છેલ્લે ….
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય……. તે મોત ..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ……….. તે મોક્ષ !!
સ્વામી વિવેકાનંદનાં પ્રેરણાદાયી સુવાક્યો …
આભાર
ગમતાને ગુંજે ના ભરશો, ગમતાનો ગુલાલ કરશો.
તમારા મિત્રોને પણ વાંચવા આગળ જવા દેશો ..
1152- વસંત ઋતુ : ડિજિટલ ઉપવાસનો સમય વિશેષ …… મુકેશ પંડ્યા
ફેબ્રુવારી 9, 2018
Posted by on વસંત ઋતુ : ડિજિટલ ઉપવાસનો સમય
વિશેષ-મુકેશ પંડ્યા
આપણાં શાસ્ત્રોમાં ચાતુર્માસમાં ફિઝિકલ ઉપવાસ એટલે કે શારીરિક ઉપવાસને ઘણુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ઋતુમાં ઉપવાસ કરવાથી શરીર નીરોગી તો રહે જ છે સાથે સાથે ઇન્દ્રિયો અને મન પર કાબૂ રહે છે. આજકાલ, ટી.વી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ-ગૂગલ, ફેસબુક અને વોટ્સઅપનું ચલણ એટલું વધી ગયું છે કે ઘણા લોકોને ખાધા વગર ચાલે પણ મોબાઇલ વગર ન ચાલે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે.
ઘણા લોકો વાત વાતમાં કહેતા પણ હોય છે કે હવે ના સમયમાં એક દિવસ ટી.વી બંધ, એક દિવસ કોમ્પ્યુટર બંધ તો એક દિવસ મોબાઇલ બંધ – આવી જાતના ઉપવાસ માટે વિચારવું જોઇએ. આવી વાતો ભલે મજાકમાં કહેવાઇ હોય, પરંતુ તમારે ગંભીરતાથી આવા ડિજિટલ ઉપવાસ કરવા હોય તો વસંત ઋતુ શ્રેષ્ઠ છે.
સવારના પહોરમાં – વોટ્સઅપ પર સગાં-સ્નેહીઓને ફૂલો કે ફૂલદસ્તાનાં ચિત્રો મોકલો છો પણ તેમાં મખમલી સ્પર્શ અને પુષ્પનો પમરાટ ક્યાં હોય છે? આવો વૈભવ માણવા તમારે આ ઋતુમાં આવતી રજાના દિવસે મોબાઇલ સ્વીચ ઓફ કરી, નજીકના બાગ-બગીચા કે જંગલની મુલાકાત લેવી જોઇએ. કારણકે આ જ ઋતુમાં તમને બ્રહ્માંડના પાંચે તત્ત્વો આકાશ, જળ, પૃથ્વી, અગ્નિ અને વાયુનો સમતોલ વિકાસ નજરે પડશે. આ ઋતુમાં વરસાદ નથી હોતો, અતિશય ગરમી કે અતિશય ઠંડી પણ નથી હોતી. એટલે જ વસંત ને ઋતુઓનો રાજા કહેવામાં આવ્યો છે. આની પહેલાં આવતી ઠંડી ઋતુમાં વૃક્ષો, વધુ પડતો બરફ હોય એવા પ્રદેશમાં તો જાણે બરફની ચાદરમાં અદૃશ્ય પણ થઇ જાય છે. પણ વસંતમાં વળી પાછો બરફ પીગળે અને વૃક્ષોને હૂંફની લાગણીનો અનુભવ થાય છે.
આપણને એમકે દક્ષિણ તરફ ભ્રમણ કરતાં સૂર્યદેવ છટકી જશે, પરંતુ આ જ સૂર્યદેવ વળી પાછા ઉત્તર તરફ પ્રયાણ કરી આપણો સંગાથ કરવા આવી પહોંચે છે. વનસ્પતિને સૂર્ય સાથે સીધો સંબંધ છે. એટલે આ ઋતુમાં મોબાઇલમાં આંખો ફેંકીને પ્રકાશ પ્રદૂષણ ભેગું કરવા કરતાં- વનસ્પતિ પ્રકાશ સંશ્ર્લેષણ કરીને નવાં પુષ્પોના પમરાટને વાતાવરણમાં ફેલાવે છે તે જોવાનો લહાવો લેવો જોઇએ- સાથે ચોખ્ખો પ્રાણવાયુ ફ્રીમાં મળે છે. એટલે જલસા જ જલસા.
અરોમા થેરેપીની તો તમને ખબર જ છે. જુદી જુદી સુગંધ માણસ પર સકારાત્મકતા અસર કરે છે. જંગલનાં ફૂલોની સુવાસ તમારા તન મનને સુગંધિત અને પ્રફુલ્લિત કરી મૂકે છે.
આયુર્વેદની દૃષ્ટિએ પણ, જેમ શિયાળામાં બરફ જામતો હોય છે – વાસણમાં ઘી અને તેલ થીજી જતાં હોય છે. તેમ શરીરમાં કફ જામી જતો હોય છે. વસંતઋતુ એ આ કફને ઓગાળી તેને મળમૂત્ર દ્વારા બહાર કાઢી નાખવાનો ઉત્તમ સમય છે.
વૈદો આ ઋતુમાં બપોરે સૂવાની મનાઇ કરે છે. તો આપણે પણ રજાના દિવસે પલંગ પર આડા પડીને મોબાઇલ દર્શન કરવા કરતાં કુટુંબની સાથે નીકળી પડીને જંગલ દર્શન કરવા અતિ ઉત્તમ છે. તમે આડા પડો ત્યારે શરીરનો કફ બહાર નીકળવાની બદલે છાતીમાં જમા થાય છે અને તમને બીમાર કરી મૂકે છે, પણ જો તમે ઊભા રહો-અથવા વનપરિભ્રમણને બહાને જંગલમાં ચાલતા રહો તો કફ તમારી છાતી પર ચઢી બેસતો નથી. આમ, આયુર્વેદમાં પણ વસંતઋતુમાં વનભ્રમણનું મહત્ત્વ દર્શાવ્યું છે.
આ ઋતુમાં આવતી હોળી અને હોળીના નિમિત્તે વપરાતાં ફૂલોના રંગ અને ફૂલોની સુગંધ જ અસલમાં તો સાચી હોળી હતી. કુદરતી ફૂલો અને વનસ્પતિના રંગો અને સુગંધ શરીર-મનમાં તાજગી ભરી દેતી હતી. આવી મજા કૃત્રિમ રંગ-રસાયણોમાં નથી.
આપણા પૂર્વજો કેટલાં બુદ્ધિશાળી હશે કે વસંત ઋતુના ચૈત્ર મહિનાની શરૂઆતને તેમણે હિંદુ નૂતન વર્ષ તરીકે જાહેર કર્યું. આપણે ભલે બહુ માનતા ન હોઇએ પણ મરાઠી ભાષીઓ હજી પણ- એને ગુડી પાડવાના રૂપમાં ઊજવે છે. આ દિવસે વાતાવરણમાં એટલા શુભ અને સકારાત્મક તરંગો વહેતા હોય છે કે કોઇ પણ કાર્ય શરૂ કરવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત બની જાય છે.
શરીર માટે ઉત્તમ આ ઋતુ પ્રેમ અને લાગણી દર્શાવવા માટે પણ ઉત્તમ ઋતુ છે. કહેવાય છે કે કામદેવના પુત્રનું નામ વસંત છે. શાસ્ત્રીય સંગીતમાં એક રાગનું નામ વસંત છે. આ ઋતુમાં આવતો પ્રેમ દર્શાવવાનો વિદેશી તહેવાર વેલેન્ટાઇન ડે ભલે જોગાનુજોગ – વસંત ઋતુમાં આવતો હોય પણ એ બહાના હેઠળ તમે પતિ, પત્ની, મિત્ર, સગાં સ્નેહીઓ નિર્દોષ પ્રેમના રસાયણથી મનને તરબતર કરી શકો છો. અને હા લગ્ન ગાળો પણ હવે શરૂ થાય છે તે માણવાનું ભૂલશો નહીં.
પ્રેમની જ વાત નીકળી છે તો બીજી એક આડવાત કરી દઇએ કે જે દેશનો રાજા પ્રકૃતિ પ્રેમી અને કવિ હદયનો હોય તે પ્રજા નસીબદાર હોય છે. ઘણાં વર્ષો પછી નરેન્દ્ર મોદીના રૂપમાં આપણને જે વડા પ્રધાન મળ્યા છે તેમણે લખેલી એક કવિતા તેમનામાં રહેલી પ્રકૃતિ અને સાહિત્યપ્રેમની ઓળખાણ જરૂર કરાવે છે. આવી વ્યક્તિ કદાચ કોઇ ભૂલ કરી શકે પણ ખોટું ન કરી શકે.
ચાલો, વસંત ઋતુમાં રાજકારણને બાજુ પર મૂકી, હજુ સુધી જેમના ચારિત્ર્ય પર કોઇ આળ ન મૂકી શકાય તેવી વ્યક્તિ નરેન્દ્ર મોદીની કવિતા મમળાવીને વસંત ઋતુને વધાવવા સજ્જ થઇએ.
અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત
સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય
કેસૂડાના કોના પર ઉછળે પ્રણય?
ભલે લાગે છે રંક, પણ ભીતર શ્રીમંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત
આજે તો વનમાં કોના વિવાહ
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત .
— નરેન્દ્ર મોદી
જાપાનની ઉપકારક જંગલ સ્નાનની પદ્ધતિ
તમે વર્ષોથી શીખ્યા છો કે વનસ્પતિ ચોખ્ખો પ્રાણવાયુ આપે છે પરંતુ વનસ્પતિના પાન અને ફૂલ – ઉડ્યનશીલ તત્ત્વો સહિત સેંકડો રસાયણો વાતાવરણમાં છોડે છે તેનો લાભ પણ મળે છે.
જાપાનમાં તો ‘શીનટીન યોકુ’ નામની જંગલ થેરપીનો વાયરો વાયો છે. જેનો ગુજરાતીમાં અર્થ થાય છે જંગલ સ્નાન. આ જંગલ સ્નાન કરવાથી કેટલા ફાયદા થાય છે તે જાણો છો ?
૧) શરીરના વિષાણુનાશક કોષોનું પ્રમાણ વધે છે.
એટલે રોગપ્રતિકારક શક્તિ વધે છે.
૨) બ્લડ પ્રેશર ઘટે છે.
૩) લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે એટલે ડાયાબિટીસનું પ્રમાણ ઘટે છે.
૪) માનસિક તાણ ઘટે છે, મૂડ સૂધરે છે.
૫) બીમારી કે ઓપરેશન પછી જંગલમાં ફરવા જાવ તો રીકવરી ઝડપથી થાય છે. અર્થાત તબિયત ઝડપથી સુધરે છે.
૬) શક્તિ વધે છે.
૭) ઊંઘ સારી આવે છે.
આ બધા ઠંડા પહોરના ગપગોળા નથી
પણ જાપાનીઓએ કરેલા જંગલના પ્રયોગો પછી સાબિત થયેલા નિષ્કર્ષ છે. તો પહોંચી જાવ વસંત ઋતુમાં જંગલનો વૈભવ માણવા.
સૌજન્ય —મુંબઈ સમાચાર .કોમ
====================
અગાઉ પોસ્ટ થયેલ વસંત ઋતુ વિશેની મારી અછાંદસ રચના
અહી ફરી માણો.
ઋતુરાજ વસંતનાં એંધાણ
વાહ કેવી ઉગે રોજ ખુશનુમા સવાર,
વાસંતી વાયરા વાય સવારથી સાંજ,
વૃક્ષની ડાળે લીલી કુંપળોનો દરબાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.કેસુડાના વૃક્ષે જામ્યો છે કેસરિયો રંગ,
આમ્ર વૃક્ષે કેવા મ્હોરી ઉઠ્યા છે મોર,
ફેલાઈ જાય છે રંગીન ફૂલોની ફોરમ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.વસંત તો છે પ્રકૃતીમાં આવેલું યૌવન,
યુવાની હોય છે જેમ જીવનની વસંત,
વાગે ઢોલ,ગવાઈ રહ્યા ફાગણના ફાગ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.ગુંજી ઉઠતો કોકિલ પંખીનો કલરવ,
ઝૂમી ઉઠે છે વૃક્ષ લતાઓ વને વન,
સર્જાઈ જાય રમ્ય ફૂલોનો શણગાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.કુહૂ કુહૂ બોલે ટહુકી રહી પેલી કોકિલા,
પ્રેમીજનો ઝંખે પિયા મિલનની આશ,
વેલેન્ટાઈન લાવે પ્રેમીઓમાં થનગનાટ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.વસંત પંચમીએ ઋતુરાજનું આગમન,
આ દિવસે થયું મા સરસ્વતીનું પ્રાગટ્ય,
કવિઓ ગાય વસંત-વિદ્યાદેવીનાં ગાન,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.વિનોદ પટેલ,૧-૨૨-૨૦૧૮
વસંત પંચમી
( વિનોદ વિહાર – પોસ્ટ નંબર 1145 માંથી )
1150- કાવ્ય-સાહિત્ય રસિકોમાં પ્રિય કવિ અને સાહિત્યકાર નિરંજન ભગતની ચિર વિદાય… ભાવાંજલિ
ફેબ્રુવારી 3, 2018
Posted by on પ્રોફ. નિરંજન ભગત – મે ૧૮ ૧૯૨૬ – ફેબ્રુઆરી ૧, ૨૦૧૮
ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને ભગતસાહેબના નામથી પ્રખ્યાત એવા વરિષ્ઠ કવિ નિરંજન ભગતનું ગુરુવાર, તારીખ ૧લી ફેબ્રુઆરી ૨૦૧૮ નાં રોજ અમદાવાદ ખાતે નિધન થયું છે. ટૂંકી માંદગી બાદ ૯૨ વર્ષની વયે તેમણે ગુરુવારે છેલ્લો શ્વાસ લીધો હતો.
ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને ‘હું તો બસ ફરવા આવ્યો છું’ જેવી કાવ્યરચનાઓથી ગુજરાતી કાવ્ય-સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલા સ્વ.ભગત સાહેબના જીવન અને સાહિત્ય ક્ષેત્રે એમણે કરેલ પ્રદાનની શ્રી ભવેન કચ્છી દ્વારા અપાએલ માહિતી વાંચવા અને ઓડિયો સાંભળવા અહી ક્લિક કરો.
ચિત્રલેખામાં પરિચય ..
ગુજરાતી કાવ્ય-સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલા નિરંજનભાઈએ ‘ચિત્રલેખા’ને ગયા વર્ષે (29 મેએ) વિસ્તૃત મુલાકાત આપી હતી.
વરિષ્ઠ સંવાદદાતા મહેશ શાહે ખાસ તૈયાર કરેલો પરિચય લેખ વાંચવા માટે આ લીંક પર ક્લિક કરશો . http://chitralekha.com/niranjanbhagat.pdf
સ્વ.ઉમાશંકર જોશી અને સુંદરમની કક્ષાના કવિ અને સાહિત્યકાર આદરણીય નિરંજન ભગત સાહેબને હાર્દિક શ્રદ્ધાંજલિ
ગુજરાતી સાહિત્યકાર….નિરંજન ભગત
સર્જક અને સર્જન….ગુજરાતી સાહિત્ય અકાદમી …
Niranjan Bhagat Prastavik-his contribution to Gujrati Sahitya and one man university -madhu kapadia
નિરંજન ભગતનાં કાવ્યોનો રસાસ્વાદ- મધુ કાપડિયા
વિનોદ વિહારની અગાઉની પોસ્ટ નંબર 675 ) હજુ થોડુંક ફરવાનું બાકી છે………. ટેક ઓફ : શ્રી શિશિર રામાવત લિખિત લેખમાં નિરંજન ભગતના અન્ય ગીતોનો પણ આસ્વાદ કરો.
નિરંજન ભગત….Niranjan Bhagat
રચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ
कविताकोश पर एक रचना
વિકિપિડિયા પર
ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર
તેમના અવસાન નિમિત્તે ‘નીરવ રવે’ પર સરસ શ્રદ્ધાંજલિ
નામ
-
નિરંજન નરહરિભાઇ ભગત
જન્મ
-
૧૮ – મે , ૧૯૨૬ ; અમદાવાદ
અવસાન
-
૧, ફેબ્રુઆરી – ૨૦૧૮ ; અમદાવાદ
અભ્યાસ
-
એમ. એ.
વ્યવસાય
-
અધ્યાપન
જીવન ઝરમર
-
બંગાળી અને અંગ્રેજી કાવ્યોનું બહોળું વાંચન
-
‘હાલતી ચાલતી વિદ્યાપીઠ’ જેવા કવિ
-
નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન
-
ઉત્તમ વક્તા
-
પરંપરિત હરિગીત અને ઝૂલણા છંદ તેમની વિશિષ્ટ મુદ્રા છે.
-
‘પ્રવાલ દ્વીપ’ નો અંગ્રેજીમાં અનુવાદ થયો છે.
મુખ્ય રચનાઓ
-
કાવ્યસંગ્રહો – છંદોલય * , કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાલ દ્વીપ , છંદોલય બૃહદ્ – સમગ્ર કવિતા
-
વિવેચન – કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, સ્વાધ્યાય લોક – અનેક ભાગ
-
અનુવાદ – ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
-
સંપાદન – પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
-
ધાર્મિક – યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
-
તંત્રી – ગ્રંથ, સાહિત્ય
સન્માન
-
૧૯૬૯ – રણજિતરામ સુવર્ણચંદ્રક *
-
૧૯૫૩ – ૫૭ – નર્મદચંદ્રક *
-
૨૦૧૫ – કાવ્યમુદ્રા વિનોદ નિઓટિયા એવોર્ડ
-
સૌજન્ય —ગુજરાતી પ્રતિભા પરિચય , શ્રી સુરેશ જાની
1146- જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો …. મોહમ્મદ માંકડ
જાન્યુઆરી 26, 2018
Posted by on જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો …. મોહમ્મદ માંકડ
કેટલીક નાની-મોટી વાતો જે મને વાંચતાં ગમી ગઈ હતી એમાંથી થોડી વાતો અહીં લખું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ ગમશે.
૧.
કવિ દલપતરામની પંક્તિઓ મને યાદ રહી ગઈ છે, જે મેં અહીં નીચે લખી છે. ઉપર ઉપરથી જોતાં આ પંક્તિઓ સામાન્ય લાગે છે પરંતુ થોડું મન દઈને વાંચતાં સમજાય છે કે એમાં જીવનને સુખી બનાવવાનું રહસ્ય સમાયેલું છે. માણસ જો દલપતરામ કહે છે એમ વર્તે તો પોતે સુખી રહી શકે છે અને બીજાઓ પણ સુખી રહી શકે છે. વળી, આ પંક્તિઓમાં જીવનની, કુદરતની, દુનિયાની જે વિશાળતા અને વિવિધતા છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. આપણે તો એનો એક સાવ સામાન્ય એવો નાનકડો ભાગ છીએ.
જીવનબાગમાં કુદરતે આનંદને અત્ર, તત્ર, સર્વત્ર વેરેલો છે પણ એમાંથી આપણને ગમતું વીણતાં આવડવું જોઈએ. અને, છતાં કોઈ સર્જન આપણને ન ગમે, આપણને આનંદદાયક ન લાગે, આપણાં સુખ-ચેન એનાથી ન વધતાં હોય તો એ સર્જન બીજા માટે રહેવા દેવું એની નિંદા કરવી નહીં. આપણને નહીં ગમે તો બીજા કોઈને એ જરૂર ગમશે. કુદરતે એનું સર્જન બીજા કોઈ એના ગમાડનારને માટે કર્યું હશે એવી સમજણ કેળવવી.
કવિ શ્રી દલપતરામની પંક્તિઓ આ મુજબ છે :
જેને જેવો ભાવ, તેને તેવી કવિતા છે એમાં,
બેસીને જુઓ આ બડાભાગના બહારને
ગમે ત્યાં ગમ્મત કરો, ન ગમે તે નિંદશોમાં
રાખજો તે જગા બીજા રમનારને.
૨.
એક વાર ઈસુ યહૂદીઓના લત્તામાંથી પસાર થતા હતા, ત્યારે કેટલાક યહૂદીઓ તેમને ગાળો દેવા લાગ્યા. એથી કોઈએ એમને પૂછ્યું, ‘આવા ખરાબ માણસો માટે તમે દુઆ કેમ કરો છો ? તેમના પર ગુસ્સો કેમ કરતા નથી ?’
ઈસુએ કહ્યું : ‘મારી પાસે જે (મૂડી) હોય તેમાંથી જ હું વાપરી શકું ને !’
૩.
એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને પોતાના વિદ્યાલયમાં પધારવાની અને શિખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરી. નસરુદ્દીને વિનંતી માન્ય રાખી અને પોતાના ગધેડા પર, પૂંછડી તરફ મોં રાખીને, સવારી કરીને વિદ્યાલય તરફ જવા રવાના થયા. વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વિચિત્ર સરઘસને જોઈને લોકો હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ અકળાયા અને મુલ્લા પાસે જઈને કહેવા લાગ્યા :
‘મુલ્લાસાહેબ, આમ ઊંધા ગધેડે શા માટે બેઠા છો ? લોકો આપણા પર હસે છે !’
મુલ્લાએ કહ્યું : ‘તમે બીજા લોકો પર વધારે પડતું ધ્યાન આપો છો. જરા વિચાર કરો – તમે મારી આગળ ચાલો તો તમારી પીઠ મારા તરફ આવે એટલે મારું અપમાન થાય. હું પગે ચાલીને આવું તો યોગ્ય ન ગણાય. મારા ગધેડા ઉપર હું સીધા મોંએ બેસું અને તમે પાછળ ચાલો તો મારી પીઠ તમારા તરફ આવે તે પણ બરાબર ન ગણાય, એટલે તમારું અને મારું માન જાળવવાનો આ જ એકમાત્ર માર્ગ છે.’
૪.
ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુના એક નાનકડા ગામડામાંથી બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓના જુલમથી બચીને અમેરિકા આવીને વસેલા અને પોતાની રીતે વિશિષ્ટ અને સુખી જીવન જીવતા ડૉ. પાપાડેરોસને રોબર્ટ કુલહેમે પૂછ્યું, ‘ડૉ. પાપાડેરોસ જીવનનો અર્થ શું ?’
ડૉ. પાપાડેરોસે પોતાના પાકીટમાંથી એક નાનકડા સિક્કા જેવડો અરીસો કાઢીને બતાવ્યો અને કહ્યું : ‘બીજા વિશ્વયુદ્ધ વખતે હું જ્યારે નાનકડો છોકરો હતો, ત્યારે રસ્તા પરથી આ ટુકડો મને મળ્યો હતો. તરત જ મેં એનાથી રમવાનું શરૂ કર્યું હતું. એને તડકામાં રાખીને સૂર્યના પ્રકાશને અંધારી જગ્યાઓમાં ફેંકવાનું શરૂ કર્યું હતું. સૂર્યનું અજવાળું જ્યાં પહોંચી ન શકે એવા અંધારા, અગોચર ખૂણાઓને આ અરીસાના ટુકડાથી પ્રકાશ ફેંકીને અજવાળવામાં મને અનહદ આનંદ મળતો હતો. હું મોટો થયો ત્યારે મારી એ રમતનો મને જુદો જ અર્થ સમજાયો. હું પોતે જાણે કોઈક મોટા અરીસાનો ટુકડો હતો. એ મોટો અરીસો કેવો હશે, એની મને ખબર નહોતી, પણ એના એક ટુકડા તરીકે મારું કાર્ય હું જાણી શક્યો હતો. મારું કામ અંધારી, અગોચર જગ્યાઓમાં સત્ય, સહાનુભૂતિ, સમજણ અને જ્ઞાનનો ઉજાસ પહોંચાડવાનું હતું. અને, મારું જોઈને કદાચ બીજા પણ એવું જ કામ કરે. એમ માનીને હું એ ચાલુ રાખું છું.’
હવે બે પ્રાર્થનાઓ :
૧.
હે ઈશ્વર, દરેક વિષયમાં, દરેક પ્રસંગે ચંચૂપાત કરવાની ટેવમાંથી તું મને મુક્તિ આપ. બીજી વ્યક્તિઓના જીવનને ઠીકાઠાક કરી આપવાના અભરખામાંથી મને છુટકારો આપ.
બીજાના દુઃખની વાતો ધીરજથી સાંભળવાનો સદભાવ મને આપ, બીજાને સહન કરવાની ધીરજ મને આપ, પરંતુ મારી પીડા અને દુઃખો બાબતમાં મારા હોઠ સીવી રાખવાનું સામર્થ્ય મને આપ.
ઘણી વાર હું પણ ખોટો હોઈ શકું એવો મૂલ્યવાન પાઠ તું મને શીખવ. માન્યું પણ ન હોય એવા સ્થળે સારપ જોવાની અને ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિઓમાં કશીક અસાધારણ શક્તિ જોવાની તું મને સૂઝ આપ. અને હે પરમકૃપાળુ એ કહેવાનો મને વિવેક આપ.
૨.(બીજી પ્રાર્થના)
હે પરમકૃપાળુ પરમાત્મા,
તારા દિવ્ય શાણપણથી તું મારી મદદ કર. તું સર્વશક્તિમાન છે. હું પ્રાર્થના કરું છું કે, મારામાં તારી શક્તિ પ્રેરી મને કામ કરવા તું સમર્થ બનાવ. હું કશું જાણતો નથી પણ તું તો સર્વજ્ઞ છે. સર્વ રહસ્યોને જાણે છે.
હે પ્રભુ, હું જે કાર્ય હાથ ઉપર લઈ રહ્યો છું એ જો મારા મનુષ્ય તરીકેના ધર્મ, જીવન અને ભવિષ્ય માટે શુભ હોય તો તેને મારા માટે સરળ બનાવજે. મને એમાં સમૃદ્ધિ આપજે. પરંતુ જો એ મનુષ્ય તરીકેના મારા ધર્મ, જીવન અને ભવિષ્ય માટે અશુભ હોય તો મારાથી એને દૂર રાખજે અને મારા માટે જે શુભ હોય એ મને બતાવજે.
અને છેલ્લે….
થોમસ કાર્લાઈલની એક વાત :
તમારી જાતને એક પ્રામાણિક વ્યક્તિ બનાવો; કારણ કે, એથી એક વાતની તમને ખાતરી થશે કે આ જગતમાંથી એક બદમાશનો ઘટાડો થયો છે.
[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.સૌજન્ય-રીડગુજરાતી,કોમ ]
મોહમ્મદ માંકડ,Mohammad Mankad
1134 – મુંબઇમાં સ્થપાયેલી ‘‘સાહિત્ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્યા સંસદ યુએસએ.’’
ડિસેમ્બર 13, 2017
Posted by on ૧૯ર૮ની સાલમાં ભારતના મુંબઇમાં સ્થપાયેલી ‘‘સાહિત્ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્યા સંસદ યુએસએ.’’
એની પ્રથમ સભા ફિલાડેલ્ફીયા ખાતે ૧૭ ડીસે.ના રોજ
ફિલાડેલ્ફીયા : અમેરિકાના ન્યૂજર્સી ખાતે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે શુદ્ધ સાહિત્યની ઉપાસનાના શુભાશય સાથે ‘‘સાહિત્ય સંસદ યુએસએ’’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુંબઈ ખાતે કાર્યરત સાહિત્ય સંસદ સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચકે ગઈ ૨૮મી નવેમ્બર ૨૦૧૭ના રોજ મુંબઈથી આ જાહેરાત કરતા જણાવ્યું કે “સાહિત્ય સંસદ” ગુજરાતી ભાષા અને સાહિત્યની શુદ્ધ ઉપાસનાનાં લક્ષ્યને વરેલી છે અને મુંબઈની આવા ઉદ્દેશ્ય સાથે કામ કરતી આ એક માત્ર સંસ્થા છે. સાહિત્ય સંસદ અન્વયે જે રીતે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે સાહિત્યિક પ્રવૃત્તિ થાય છે અને એને ગુજરાતી સાક્ષરો, વિદ્વાનો,ભાષાકર્મીઓનો બહોળો પ્રતિસાદ મળે છે. અમેરિકામાં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નાનામોટાં જૂથમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ થાય છે પરંતુ એનું કાર્યસ્વરૂપ અલગ પ્રકારનું હોય છે.
જો કે ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્ય સર્જનમાં અનેક પ્રસ્થાપિત અને નવોદિત સર્જકો છે અને આશ્ચર્ય થાય એ રીતે ત્યાં ગુજરાતી ભાષાનાં સર્જનશીલો સાહિત્યકર્મ ક્ષેત્રે પ્રવૃત્ત છે. અમેરિકાની અમારી તાજેતરની અને અગાઉની મુલાકાત વેળા એ જોવા અને અનુભવવા મળ્યું અને તેનાથી પ્રેરાઈને જ સાહિત્ય સંસદનો કાર્યવિસ્તાર અમેરિકા સુધી પ્રસારવાનું બળ મળ્યું.
અમેરિકાના ન્યૂજર્સી નિવાસી જાણીતા લેખક, કવિ, જર્નાલિસ્ટ અને ખૂબ જાણીતા ટેલિવિઝન એંકર અને રેડિયો હોસ્ટ શ્રી વિજય ઠક્કરના પ્રમુખપદે સાહિત્ય સંસદ યુએસએનો શુભારંભ કરવામાં આવ્યો છે.
વધુ સમાચાર અકિલા,રાજકોટ અખબારની આ લીંક પરથી વાંચો.
સૌજન્ય- અકિલા.કોમ, રાજકોટ
સાહિત્ય સંસદ યુએસએનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી વિજય ઠક્કરે જણાવ્યું કે સાહિત્ય સંસદની પ્રથમ બેઠક આગામી ૧૭મી ડિસેમ્બરના રોજ ફિલાડેલ્ફીઆ ખાતે યોજાશે જેમાં ગુજરાતી ડાયસ્પોરાનાં ખ્યાતિપ્રાપ્ત વાર્તાકાર શ્રી રાહુલ શુક્લ એમનાં સર્જનો રજૂ કરશે.
કાર્યક્રમની વધુ વિગતો માટે સંપર્ક ..
શ્રી વિજય ઠક્કર : 732 856 4093
સુશ્રી સુચિ વ્યાસ : 215 219 996૨
સુશ્રી નંદિતા ઠાકોર : 410 294 4264 .. અથવા
email;sahityasansadusa@gmail.com
વાચકોના પ્રતિભાવ