• Home
  • અનુક્રમણિકા
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ
  • મનપસંદ વિભાગો
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ

વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મુખ્ય પૃષ્ઠ

Category Archives: સર્જક

1324 – આજ ઉસીકો પહનકે નિકલા, હમ મસ્તોં કા ટોલા….(સત્ય કથા )…. ડો.શરદ ઠાકર

2 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on સપ્ટેમ્બર 26, 2019

આજ ઉસીકો પહનકે નિકલા, હમ મસ્તોં કા ટોલા….(સત્ય કથા પર આધારિત વાર્તા  )….ડો.શરદ ઠાકર

સાચું દામ્પત્ય ‘આઈ લવ યુ’ બોલી નાખવામાં નથી સમાઈ જતું, એ તો ક્રાંતિની વેદી ઉપર વિશ્વાસના ફૂલ ધરી દેવાનું જ બીજું નામ હોય છે .ભારત તો દુગૉભાભી જેવી સ્વદેશી વિરાંગનાઓનો દેશ છે.

૧૯૨૮ના ડિસેમ્બરની એક સર્દ રાત. લાહોરનું એક શાંત મકાન. પતિ ક્યાંક બહારગામ ગયેલો છે. ઘરમાં માત્ર વીસ વર્ષની ગૃહલક્ષ્મી હાજર છે . એની ગોદમાં છે એક વર્ષનો પુત્ર.

અંધકારની પછેડી ઓઢીને એક યુવાન ઘરમાં પ્રવેશે છે.

ધીમેથી પૂછે છે, ‘દુગૉભાભી ! એક કામ કરવાનું છે. કરશો ?’‘ભાઈ, મારાથી એકલીથી થઈ શકે તેવું હોય તો ફરમાવો, તમારા મિત્ર તો કોલકાતામાં બેઠા છે.’ ભાભીએ જવાબ આપ્યો.‘એ હોત તો પણ આ કામ તો તમારે એકલાંએ જ કરવું પડ્યું હોત.’ યુવાન આટલું બોલીને અટકયો, પછી મુદ્દાની વાત પર આવી ગયો,

‘એક માણસને લાહોરમાંથી ભગાડવાનો છે.’‘કોણ છે ?’ દુગૉએ પૂછ્યું. 

‘નામ નહીં જણાવું, કામ જણાવું છું. એ એક ક્રાંતિકારી છે. થોડાક દિવસ પહેલાં જ એણે એક અંગ્રેજનું ખૂન કર્યું છે. જો પકડાશે તો એને ફાંસીની સજા થશે. સરકાર લાહોરની ધૂળમાં એનું પગેરું શોધી રહી છે. શહેરમાંથી બહાર જવાના એક-એક માર્ગ પર પોલીસ નજર રાખીને બેઠી છે. કોઈ વાહન ચેકિંગ વગર છટકી શકતું નથી. ભાભી, હા પાડતાં પહેલાં, વિચાર કરી લેજો. જાનનું જોખમ છે. ગોળી પણ ચાલી શકે છે.’’‘હું તૈયાર છું. મારે શું કરવાનું છે ?’ વીસ વર્ષની યુવતી જીવતો સાપ હાથમાં પકડવા માટે તૈયાર થઈ ગઈ. 

‘આજે મોડી રાત્રે એ યુવાન અહીં પહોંચી જશે. હું જ એને લઈને આવી પહોંચીશ. એનો ચહેરો-મહોરો પૂરા હિન્દુસ્તાનમાં હવે તો જાણીતો બની ચૂકયો છે. માટે એણે પૂરો વેશપલટો કરી લીધો હશે. એ હિન્દુસ્તાનમાં રહેતા અંગ્રેજ સાહેબના ગેટઅપમાં સજજ હશે. સાથે એનો નોકર પણ હશે.‘નોકર તો નિર્દોષ હશે ને ?’ દુગૉએ પૂછ્યું.‘ના, એ પણ ક્રાંતિકારી છે. આપણે મન ક્રાંતિવીર અને અંગ્રેજો માટે આતંકવાદી છે. તમારે ગોરી મેમસાહેબ બનીને પેલા બડા બાબુની સાથે પ્રવાસમાં સામેલ થવાનું છે. ક્રાંતિકારીની પત્ની બનીને. સાથે તમારો દીકરો હશે. પોલીસને ખબર છે કે એ યુવાન કુંવારો છે, એટલે તમને ત્રણેયને સાથે જોઈને કોઈને શંકા નહીં પડે.’ 

‘ક્યાં જવાનું છે? ક્યારે નીકળવાનું છે? કઈ રીતે?’ ‘કાલે સવારે કોલકાતા એક્સપ્રેસના ફર્સ્ટ કલાસમાં રવાના થવાનું છે. ટિકિટો આવી ગઈ છે. પહોંચવાનું છે કોલકાતા.’‘અરે ! તમારા ભાઈ ત્યાં જ ગયા છે. આજે સવારે જ એમની સાથે વાત થઈ, એ પૂછતા હતા કે કોંગ્રેસનું અધિવેશન આ વરસે કોલકાતામાં ભરાવાનું છે, હું એમાં હાજરી આપવા જવાની છું કે નહીં ?’‘તમે શો જવાબ આપ્યો, ભાભી ?’‘મેં ના પાડી, પણ હવે હું જઈશ. પતિને મળવા માટે નહોતી જવાની, પણ હવે એક દેશભકતને ભગાડવા માટે જઈશ. હે ભગવાન! મારી સહાય કરજે! મારા પતિના મનમાં કશી ગેરસમજ ન પ્રગટે!’

ચર્ચા પૂરી થઈ. મોડી રાત્રે ત્રણ યુવાનો ખડકીમાં દાખલ થયા. ગોરાસાહેબે યુરોપિયન ઓવરકોટ, પેન્ટ અને બૂટ પહેર્યાં હતાં. 

માથા પર તીરછી અદામાં ફેલ્ટ હેટ ધારણ કરેલી હતી. સાથે જાણે છેલ્લી સાત પેઢીથી નોકર પરંપરા ચાલી આવતી હોય એના વારસદાર જેવો એક નોકર હતો. દુગૉભાભી એ બંનેની સામે ધારી ધારીને જોઈ રહ્યાં. પહેલાં તો એ બંને ઓળખાયા જ નહીં, પછી જ્યારે ઓળખાયા ત્યારે દુગૉભાભીનાં મુખમાંથી આશ્ચર્ય મિશ્રિત શબ્દો સરી પડ્યા, ‘અરે ! આ તો આપણો ભગત છે !’હા, એ દેશી બાબુ હતા ક્રાંતિવીર ભગતસિંહ. સાથેનો નોકર હતો રાજગુરુ અને એમને લઈને આવનાર હતો સુખદેવ. ભારત માતાના લલાટ ઉપરના સૌથી તેજસ્વી સિતારા એવા આ ત્રણ સરફરોશ ક્રાંતિકારીઓ બહુ નજીકના ભવિષ્યમાં શહીદે આઝમ બનીને ઈતિહાસમાં અમર થઈ જવાના હતા. 

અત્યારે તો અંગ્રેજ પોલીસ અમલદાર સોંડર્સની હત્યા કરીને એ ત્રણેય લાહોર છોડી જવાની ફિરાકમાં હતા અને એમને મદદ કરવાના હતા એમના જ એક ક્રાંતિકારી મિત્ર ભગવતીચરણ બોહરાની પત્ની દુગૉદેવી.

ભગવતીચરણ મૂળ ગુજરાતના નાગર યુવાન હતા, પણ પંજાબમાં સ્થાયી થયાં હતાં. એમની પત્ની દુગૉ જ્યારે લગ્ન કરીને આવી હતી ત્યારે સામાન્ય, અશિક્ષિત અને અબુધ બાળા જેવી હતી. પતિનું પડખું સેવતાં-સેવતાં એ સસલી મટીને સિંહણ બની ગઈ હતી. અંગ્રેજી અને સંસ્કૃત પણ શીખી રહી હતી. એની ગોદમાં રમી રહેલા એક વર્ષના પુત્ર શચિને તો ભાન પણ ક્યાંથી હોય કે આવતી કાલે સવારે એ ભારતના સ્વાતંત્રય સંગ્રામની એક મહત્વની ઘટનાનું અતિમહત્વનું પાત્ર બની જવાનો છે ?! 

સવારે ભગતસિંહ કોલકાતા એક્સપ્રેસના ફર્સ્ટ કલાસના ડબ્બામાં ચડ્યા ત્યારે પ્લેટફોર્મ ઉપર ખડકાયેલા પોલીસમેનો પાઘડીધારી શિખ આતંકવાદીને પકડી પાડવા માટે આમથી તેમ ફાંફાં મારી રહ્યા હતા. ભગતસિંહે લાંબા કેશ કપાવી નાખ્યા હતા. ઓવરકોટનો કોલર ઊભો કરીને ચહેરાને અડધો-પડધો ઢાંકી લીધો હતો. તીરછી હેટ બાકીનું કામ પૂરી કરી આપતી હતી. તેમ છતાં જો કોઈ પોલીસ એમની તરફ ઝીણી નજરે જોવાનો પ્રયત્ન કરે, તો એમણે તેડેલો ‘પુત્ર’ શચિ જાણે પિતાને વહાલ કરતો હોય એવી અદામાં ગાલ પર ચૂમી કરી લેતો હતો. સાથે મેમસાહેબ બનેલાં દુગૉભાભી લાંબું ફ્રોક ચડાવીને ઊંચી એડીના સેન્ડલ પહેરીને ‘ખટ-ખટ’ કરતાં ચાલી રહ્યાં હતાં. નાગરાણી હતાં એટલે રૂપાળાં તો હતાં જ, ઉપરથી ગાલ ઉપર પાઉડરનો થર ! ગોરી મે’મ પણ એમની આગળ હબસણ જેવી લાગે એવો ઠાઠ હતો. 

અંગ્રેજ પોલીસ ફાંફાં મારતી રહી ગઈ અને ગાડી રવાના થઈ ગઈ. રેલવેના આજ સુધીના ઈતિહાસમાં કોઈ ટ્રેન આવા અને આટલા મોંઘેરા મુસાફરો સાથે ઊપડી નહીં હોય. બાજુના થર્ડ કલાસના ડબ્બામાં ભજન ગાતાં બાવાઓની જમાતમાં એક બાવો બનીને પ્રવાસ કરી રહ્યા હતા ચંદ્રશેખર આઝાદ. આ ચારેય જણા પછીથી આથમી ગયા. જિંદગી જેને સાચવી શકવાની ન હતી, એમને આ ટ્રેન સાચવીને લઈ જતી હતી. 

કોલકાતાના રેલવે સ્ટેશને ભગવતીચરણ બોહરા પત્નીને અને સાથીદારોને લેવા માટે આવ્યા. એમને તાર દ્વારા સમાચાર મળી ગયા હતા. એ દુગૉને શોધતા હતા, ત્યાં એક અંગ્રેજ મેડમ સામે આવીને ઊભી રહી ગઈ, ‘મને ઓળખી ?’ પતિએ પત્નીને તો ન ઓળખી, પણ એના અવાજને ઓળખ્યો. પોતાના મિત્રના પ્રાણ બચાવનાર પત્ની માટે છાતીમાંથી પ્રેમના સાત દરિયા સામટા ઊછળી પડ્યા. એ આટલું જ બોલ્યા,‘તને મેં આજે જ ઓળખી, દુગૉ !’ આજથી લગભગ અંશી વર્ષ પૂર્વેની ઘટના. 

રૂઢિચુસ્ત ભારતની એક સંસ્કારી નારી પોતાનાં પતિના મિત્રની પરણેતર બનીને ટ્રેનના એકાંત ડબ્બામાં પ્રવાસ ખેડે, કોલકાતા પહોંચ્યા પછી પણ ડોળ ચાલુ રાખવા ખાતર પારકા જુવાન સાથે હોટલના કમરામાં રાત ગુજારે અને એનો પતિ એની પવિત્રતાનો સ્વીકાર કરે, આ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી ઘટના છે. ભગવાન રામ પણ સીતાજી સાથે આવું નહોતા કરી શક્યા. ભગતસિંહ કોલકાતા જઈને બંગાળી ક્રાંતિકારીને મળ્યા, એમની પાસેથી બોમ્બ બનાવવાનું શીખ્યા અને પછી ધારાસભામાં બોમ્બવિસ્ફોટ કર્યો. પછી ફાંસીએ ચડી ગયા. નહીં ઓવરકોટ, નહીં પેન્ટ, નહીં હેટ, માત્ર બસંતી રંગનો ચોળો ધારણ કરીને ચાલ્યા ગયા. 

તાજેતરમાં એક સ્ત્રીનાં જીવનની કરુણ ઘટના સાંભળવા મળી. પતિ નોકરી પર હતો. એનો મિત્ર ઘરે મળવા આવ્યો. બહારથી જ પાછો ચાલ્યો ગયો. સાંજે પતિ મહાશયે ઘરે આવીને પત્નીને ફટકારી પછી ઘરની બહાર કાઢી મૂકી. ત્યારે થયું કે સાચું દામ્પત્ય ‘આઈ લવ યુ’ બોલી નાખવામાં નથી સમાઈ જતું, એ તો ક્રાંતિની વેદી ઉપર વિશ્વાસના ફૂલ ધરી દેવાનું જ બીજું નામ હોય છે. ભારત તો દુગૉભાભી જેવી વિરાંગનાઓનો દેશ છે. ‘ 

(રણમાં ખીલ્યું ગુલાબ, ડૉ.. શરદ ઠાકર)

 

ડો શરદ ઠાકર, વાર્તા ડો.શરદ ઠાકર, પ્રેરક સત્ય કથા

1322 – સીનીયરનું સ્વરાજ – ડો.ગુણવંત શાહ / ગરવું ઘડપણ -ઈ-બુક

Leave a comment Posted by વિનોદ આર પટેલ on સપ્ટેમ્બર 12, 2019

જીવન સંધ્યાના અવનવા રંગો નિહાળી રહેલા આજના સીનીયર સિટીઝનો અને ટૂંક ભવિષ્યમાં જેઓ સીનીયર સીટીજનો થવાના છે એ સૌ જુનિયર સિટીઝનોએ ખાસ વાંચવા જેવો મજાનો લેખ આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે.

આ લેખના લેખક પદ્મશ્રી ડો. ગુણવંત શાહ એક જાણીતા ચિંતક અને પ્રેરણાદાયી સાહિત્યના સર્જક તરીકે જાણીતા છે.એમનો પરિચય લેખના અંતે વાંચી શકાશે….. વિનોદ પટેલ 

 

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ

આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં !

––‘અનામી ચીંતક’

સીનીયરનું સ્વરાજ – ડો.ગુણવંત શાહ

senior citizens

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: સમય અને અવકાશ. સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો ‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે, કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે !

ઘણાખરા સીનીયર સીટીઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે.જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મુર્ખ છે.

મુર્ખતા પણ ખાસ્સી સીનીયર હોઈ શકે છે. દીકરાવહુને પોતાનો અભીપ્રાય એકવાર આપી દીધા પછીનું મૌન દીવ્ય હોય છે. સામેવાળી વ્યક્તી ગમે તેટલી નાની ઉંમરની હોય તોય તેને વણમાગી સલાહ ન આપવામાં વૃદ્ધત્વની અનેરી શોભા પ્રગટ થાય છે. જે વયોવૃદ્ધ સીટીઝન મફત સલાહ કેન્દ્રનો માલીક હોય તે દુખી થવા સર્જાયેલો જીવ છે. ભગવાન પણ તેને સુખી ન કરી શકે.

માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે. ઉત્તમ card company, નાટકો, શીલ્પો, ચીત્રો, ફીલ્મો, ગીતો અને કલાકૃતીઓ માનવજાતને મળ્યાં તે માટે સર્જકોને પ્રાપ્ત થયેલી મોકળાશનો ફાળો મહત્ત્વનો રહ્યો છે.કવી વોલ્ટ વ્હીટ્મન પોતાને ભવ્ય આળસુ (મેગ્નીફીસંટ આઈડ્લર) તરીકે ગૌરવભેર ઓળખાવતો.

નોબેલ પારીતોષીક વીજેતા કવી પાબ્લો નેરુદા પોતાનાં સંસ્મરણો પર લખેલા પુસ્તકમાં નવરાશનો મહીમા કરે છે અને ત્યાં સુધી કહે છે કે ‘સમય વેડફવા જેવી સુંદર બીજી કોઈ ચીજ નથી.’ અહીં સમય વેડફવાની વાત સાથે મોકળાશનું સૌંદર્ય કેન્દ્રમાં રહેલું છે ઘણા સીનીયર સીટીઝન્સ મોકળાશનો સ્વાદ ધરાઈને માણે છે.એ સ્વાદનું રહસ્ય એમના મીજાજમાં રહેલું છે.એ મીજાજ એટલે સ્વરાજનો મીજાજ.

સ્વરાજનો મીજાજ એટલે શું? ‘હવે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી’, એવી દાદાગીરીમાં દાદાની ખરી શોભા પ્રગટ થાય છે. સ્વતંત્ર હોવું એટલે જ પોતાની મરજીના માલીક હોવું.મરજીની ગુણવત્તા એટલે જ જીવનની ગુણવત્તા. માણસે પોતાની મરજીને માંજી માંજીને શુદ્ધ કરવી રહી.મરજીના માલીકને, ‘માલીક’ની મરજી પર શ્રદ્ધા હોવી જોઈએ.સીનીયર સીટીઝનના સ્વરાજનું આ રહસ્ય છે.

જે વડીલોને સાહીત્ય, સંગીત, સત્સંગ, સમાજસેવા, પ્રવાસ કે પ્રેમ જેવી બાબતોમાંથી કોઈ એક સાથે પણ નીસ્બત ન હોય તેમણે દુખી થવાની પુરી તૈયારી કરી લીધી છે એમ કહી શકાય.નવરાશ એટલે કર્મશુન્યતા નહીં, પણ મનગમતા કર્મની સમૃદ્ધી. વડીલોએ વારંવાર પોતાની જાતને પુછવા જેવો પ્રશ્ન છે,‘મારો માહ્યલો શેમાં રાજી?’ જે કર્મ કરતી વખતે હેત અને હરખનો અનુભવ થાય તે કર્મ કરવું અને બીજું ફાલતું કર્મ ટાળવું એ તો પાછલી ઉંમરનો વીશેષાધીકાર ગણાય. જે વડીલ કોઈના કામમાં ટકટક ન કરે તે વડીલ પોતાના કામમાં બીજાની ટકટક નહીં સહન કરવાનો અધીકાર પ્રાપ્ત કરે છે. આ દુનીયા આપણી કલ્પના પ્રમાણે ચાલે એવી ઈચ્છા રાખવી એ પણ એક પ્રકારની નાસ્તીકતા ગણાય. સમગ્ર જીવન કેવળ પૈસા એકઠા કરવામાં જ વીતી ગયું હોય, તો પાછલી ઉંમરે દુખનું ડીવીડંડ મૃત્યુ સુધી મળતું જ રહે છે. નોકરી છુટી જાય પછી જે ખાલી થેલી જેવા બની જાય, તેઓ નોકરી ચાલુ હતી ત્યારે પણ ખાલીખમ જ હતા ! એમને એ વાતની ખબર ત્યારે ન હતી, તે જુદી વાત છે.

સીનીયર સીટીઝનના સુખનો ખરો આધાર પગ ઉપર રહેલો છે. આપણે ત્યાં જે માણસ કમાણી કરતો હોય તેને માટે કહેવામાં આવે છે કે એ ‘પોતાના પગ પર’ ઊભો છે. જેના પગ સાબુત તેનું ચાલવાનું સાબુત ! જે ચાલવાનું રાખે તેને કકડીને ભુખ લાગે. કકડીને લાગતી ભુખ પછી જે ખવાય, તે અન્ન પચી જાય છે. અન્નવૈભવનું ખરું રહસ્ય ભુખવૈભવમાં સમાયું છે. જે સીનીયર સીટીઝન રોજ પાંચ કીલોમીટર સ્ફુર્તીથી ચાલે, તેને ભુખવૈભવ સાથે થાકવૈભવ પણ પ્રાપ્ત થાય.થાકવૈભવ પ્રાપ્ત કરનારને ઉંઘવૈભવ પણ આપોઆપ મળે છે.

ભુખવૈભવ, થાકવૈભવ, અને ઉંઘવૈભવ પ્રાપ્ત થાય, તેને સ્ફુર્તીવૈભવ મળી રહે છે. સ્ફુર્તી છે, તો જીવન છે. જીવન છે, તો જીવવાનો આનંદ છે. આનંદનું ઉદ્ ઘાટન પગના સદુપયોગ થકી થતું હોય છે. પગ વડે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. લોકો પથારી થકી પરમેશ્વર સુધી પહોંચવાની પેરવી કરતા હોય છે. એક વડીલ પંચાણું વર્ષે મૃત્યુ પામ્યા ત્યારે દીકરાની વહુ બોલી, ‘પપ્પા સવારે તો ફરવા ગયેલા અને બપોરે એકાએક શાંત થઈ ગયા !’ મૃત્યુ પામેલા વડીલને આનાથી ચડીયાતી અંજલી બીજી શી હોઈ શકે? એને કહેવાય રળીયામણું મૃત્યુ !

વડીલોએ કોઈ પણ હીસાબે બે કલાક પોતાના ખાસ કલાકો તરીકે અલાયદા રાખવા જોઈએ. પરીવારના જુનીયર લોકોને તેથી ખાસ રાહત મળતી હોય છે. સીનીયર સીટીઝનને પોતાના સ્વરાજની જેમ જુનીયર સીટીઝનનું સ્વરાજ પણ વહાલું હોવું જોઈએ. ખાસ કરીને દીકરાની વહુનો આદર જીતી લેવાની કળા ખુબ મહત્ત્વની છે. જે સાસુને માતા બનતાં ન આવડે અને જે સસરાને પીતા બનતાં ન આવડે તેઓ ફુલ્લી નપાસ ગણાય. છુટાં રહેવું સારું, છેટાં રહેવું સારું, પણ ભેગાં રહીને ઝઘડતાં રહેવું અત્યંત નઠારું ! તમે દીકરાની જન્મતીથી યાદ નહીં રાખો તો ચાલશે, પણ પુત્રવધુની વર્ષગાંઠ યાદ રાખીને નવી સાડી ભેટ આપવાનું ચુકી જાઓ તેમાં શાણપણ નથી. જે પરીવારમાં ગૃહલક્ષ્મીનો આદર નથી હોતો, તે ઘરમાંથી સુખ પાછલે બારણેથી ભાગી છુટે છે.

પુજ્ય રવીશંકર મહારાજ વાતવાતમાં કહેતા કે માણસે પાકેલી ખારેકની માફક ખરી પડવાનું છે. સીધી લીટીનો માણસ નાસ્તીક હોય તોય આધ્યાત્મીક જાણવો. આપણે ત્યાં ક્યારેક સો ટચનો સજ્જન મનુષ્ય કોઈ લંપટ સાધુનો ચરણસ્પર્શ કરતો જોવા મળે ત્યારે દુખ થાય છે.

કેટલાક સીનીયર નાગરીકો ભક્તીમાં વેવલા બનીને ગાંડપણ પ્રગટ કરતા રહે છે. એ માટે આવનારા મૃત્યુનો ડર કારણભુત છે. સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ. ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ પ્રવેશે.ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર સીટીઝન્સને ખાસ વીનંતી છેઃ ‘તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચુકશો નહીં.’

..પાઘડીનો વળ છેડે..

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ

આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં !

––‘અનામી ચીંતક’

 ડો. ગુણવંત શાહ 

ગુણવંત શાહ નો પરિચય 

(સૌજન્ય.. ગુજરાતી પ્રતિભા પરિચય)

 

===========

સુરત નિવાસી આદરણીય મિત્ર અને સંડે -ઈ–મહેફિલ બ્લોગના સંપાદક શ્રી ઉત્તમભાઈ  ગજ્જરએ જાણીતા લેખકોના ઘડપણ વિશેના ચૂંટેલા સુંદર લેખોનો સમાવેશ કરીને એક મજાની ”ગરવું ઘડપણ ” એ નામે ગુજરાતી ઈ-બુક પ્રકાશિત કરી છે.

શ્રી ઉત્તમભાઈના આભાર સાથે આ ઈ-બુકની લીંક નીચે પ્રસ્તુત છે. વિહારના વાચકોને જરૂર આ માહિતીપૂર્ણ અને પ્રેરક ઈ-બુક વાંચવી ગમશે. 

ગરવું ઘડપણ … ઈ-બુક …સૌજન્ય…સંડે-ઈ–મહેફિલ 

ઉત્તમ ગજ્જર, ગુણવંત શાહ, વૃધ્ધા વસ્થાની વાતો ઉત્તમ ગજ્જર, ગુણવંત શાહ, વૃધાવસ્થાની વાતો

1319 – સમયની ખરી ચાલ બાબત ખબર ક્યાં!…સત્ય કથા …ડો. શરદ ઠાકર

Leave a comment Posted by વિનોદ આર પટેલ on ઓગસ્ટ 31, 2019

Dr. Sharad Thakar with PM Modi

Dr. Sharad Thakar is Gujarati Author. Writing “રણમાં ખીલ્યું ગુલાબ” since 1993 and “ ડૉક્ટર ની ડાયરી” since 1995 in leading Gujarati Daily New Paper. Author of 28 books, Recipient of many state level and national awards for literary work. Professionally a Gynaecologist at Ahmedabad.

સમયની ખરી ચાલ બાબત ખબર ક્યાં!…સત્ય કથા …ડો. શરદ ઠાકર

હું જ્યારે ડૉ.ભટ્ટના નિવાસસ્થાને ગયો, ત્યારે ઘરમાં જબરદસ્ત ધમાલ મચી હતી. ઘરની હાલત દેશની સંસદ જેવી બની ગઇ હતી. મેં રાડારાડનું કારણ પૂછ્યું. જવાબ મળ્યો કે ડૉ.ભટ્ટનો રૂમાલ જડતો ન હતો.ડૉ.ભટ્ટ આમ બધી બાબતે ડોક્ટર જેવા જ હતા, પણ ભૂલવાની વાતે પ્રોફેસરની જેવા હતા.‘મારે, યાર, અત્યારે બહાર જવું છે અને મારો હાથરૂમાલ જડતો નથી.’ ડૉ.ભટ્ટ ગાંડાની જેમ ઘરમાં ઘૂમી વળ્યા હતા. ટાલવાળા માથા ઉપર જે કંઇ બે-ચાર વાળ હતા તે પણ રૂમાલની ચિંતામાં એન્ટેનાની જેમ ઊભા થઇ ગયા હતા.

મેં સૂચન કર્યું, ‘એક રૂમાલ ખોવાયો હોય તો બીજો લઇ લો ને! ઘરમાં એક જ રૂમાલ રાખો છો?’ આવું કહેવાનો મને અધિકાર હતો, મારે એમના પરિવાર સાથે એવી ઘરવટ હતી.‘રૂમાલ તો એક ડઝન રાખું છું, પણ મારે આ શર્ટ-પેન્ટ સાથે મેચ થાય તેવો બ્રાઉન રંગનો હેન્કી જોઇએ છે. મારી પાસે છે પણ ખરો. ભગવાન જાણે ક્યાં ગૂમ થઇ ગયો? આ વસુ મારી કોઇ વસ્તુનું ધ્યાન રાખતી નથી!’ ડૉ.ભટ્ટના ગુસ્સાનું મિસાઇલ હવે પત્નીની દિશામાં તકાયું.

‘આ વસુ જ તમારી દરેક ચીજવસ્તુનું ધ્યાન રાખે છે.’ આવું બોલતાં, મલકાતાં, હાથમાં પતિને જોઇતો હતો એ રૂમાલ લઇને આવતાં ડૉ.ભટ્ટના ધર્મપત્ની ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યાં. પતિના હાથમાં રૂમાલ મૂક્યો.

‘થેન્કયુ! થેન્કયુ! ક્યાંથી જડ્યો?’ ડૉ. ભટ્ટે પૂછ્યું.

‘તમારા બૂટની અંદરથી.’

‘પણ બૂટમાં તો મોજાં હોવા જોઇએ!’

‘મોજાં તમારા રૂમાલવાળા કબાટના ડ્રોઅરમાં છે. લો, એ પણ લઇ આવી છું, નહીંતર બે મિનિટ પછી એને શોધવાની કસરત ચાલુ થઇ જાત!’ વસુબહેને બ્રાઉન રંગના મોજાંની જોડ પતિના હાથમાં મૂકી.

‘થેન્કયુ, વસુ! તું ન હોત તો આજે મારું શું થાત?’

‘આજની વાત છોડો, આખી જિંદગીની વાત કરો! તમારી નાની-નાની દરેક ચીજનું ધ્યાન હું જ તો રાખું છું! સાવ ભાન વગરના છો! રામ જાણે કેવી રીતે ડોક્ટર બની ગયા?!’ આવું બોલતી વખતે વસુબહેનના ચહેરા ઉપર પતિની કાળજી લેતી ભારતીય નારીનું અભિમાન ઝલકતું હતું અને આંખોમાં સુખી દાંપત્યનો સંતોષ મલકતો હતો.

વરસો થઇ ગયા આ ઘટનાને. નોકરીના સ્થળે હું એકલો જ રહેતો હતો. પત્ની અમદાવાદમાં હજુ ભણતી હતી. મારા કામમાંથી પરવારું કે તરત જ હું ડૉ. ભટ્ટના નિવાસસ્થાને જઇ પહોંચતો હતો. સાંજની ચા અમે સાથે માણતા હતા. રાત્રે ટીફિન જમવા પૂરતો હું મારા ઘરે જઉં અને તરત પાછો આવી જઉં. પછી મોડી રાત સુધી પત્તા ટીચતાં અને ગપ્પા મારતાં અમે બેસી રહીએ. મારી ભેંકાર જુવાનીના એ સમયને સંગાથના શોરગૂલથી ભરી દેવાનું પવિત્ર કાર્ય ડૉ.ભટ્ટ અને એમના પત્ની વસુબહેને પાર પાડ્યું હતું.

પતિ-પત્ની વચ્ચે ગજબનો પ્રેમ હતો, સુમેળ હતો, એકમેકને સમજવાની અને ગમા-અણગમા પારખવાની શક્તિ હતી. એમનું દાંપત્ય નર્યું ગળપણનું બનેલું મિષ્ટાન્ન ન હતું, પણ બધાં જ સ્વાદો ધરાવતી ચટપટી વાનગી જેવું હતું. ખરી મજા ડૉ.ભટ્ટના ભૂલકણાં સ્વભાવને કારણે આવતી હતી. તે દિવસે રૂમાલ ખોવાયો હતો, તો થોડાંક દિવસો પછી એમના ચશ્માં અર્દશ્ય થઇ ગયા!‘મારા ચશ્માં ક્યાં છે?’ ચશ્માં ક્યાં છે?’ ડૉ.ભટ્ટે ઘર માથે લીધું.

‘ચશ્માં તમારા નાક પર તો છે!’ વસુબહેને પતિનું ધ્યાન દોર્યું.‘આ તો દૂરનું જોવાના ચશ્માં છે, હું વાંચવા માટેના શોધું છું. તું આમ બાધાની જેમ મારી સામે ઊભી રહીને દલીલો ન કર! મને ચશ્માં શોધવામાં મદદ કર!’ ડૉ.ભટ્ટની ઘાંટાઘાંટ સાંભળીને વસુબહેને ઘરનો ખૂણેખૂણો ફેંદી નાખ્યો. છેવટે ચશ્માં જડ્યા ખરાં!‘થેન્કયુ, વસુ! થેન્કયુ! ચશ્માં ક્યાંથી મળ્યા?’ ડૉ.ભટ્ટના જીવમાં જીવ આવ્યો.

પણ વસુબહેનના જવાબથી પાછો જીવ ઊડી ગયો, ‘તમારા ટોઇલેટમાં ફ્લશની ટેંક ઉપર પડ્યા હતા!’‘ત્યાં કોણ મૂકી આવ્યું હશે?’ ‘તમે! બીજું કોણ લેટ્રીનમાં તમારા ચશ્માં પહેરીને જાય? તમને ટેવ છે ત્યાં બેઠાં-બેઠાં સવારનું છાપું વાંચવાની! હું તમારી આદતો જાણું છું માટે મેં ત્યાં તપાસ કરી. નહીંતર…’ અધૂરા વાક્યમાં જેટલાં ટપકાં હતા એના કરતાં વસુબહેનની આંખોમાં પતિની નાની-નાની વાતનું ધ્યાન રાખવાનું અભિમાન વધારે સમાયેલું હતું.

અમારો સથવારો લગભગ એક-દોઢ વરસનો રહ્યો. ખૂબ મજાઓ માણી, પણ સૌથી વધારે સાતત્યપૂર્ણ ઘટનાઓ આ ચીજવસ્તુઓ ખોવાઇ જવાની અને પાછી જડી જવાની બનતી રહી. દરેક વસ્તુ વસુબહેન જ ખોળી આપતાં. કારની ચાવી કચરાટોપલીમાંથી મળી આવે. ભટ્ટ સાહેબનો કોટ માળીયા પરથી જડી આવે. એક વાર સાહેબનું ટી-શર્ટ ખોવાયું હતું. ખૂબ શોધ્યું પણ ન જ મળ્યું. એ દિવસે ડૉ.ભટ્ટ શરીરના ઉપરના ભાગે એ ટી-શર્ટ સિવાય બીજું કશું જ પહેરવાના મૂડમાં ન હતા.

પણ ટી-શર્ટ એના માલિક કરતાંયે વધારે હઠીલું નીકળ્યું. બે મહિના પછી વસુબહેન જ્યારે તેલનો ડબ્બો લૂછવા માટે કપડાંનો ગાભો શોધતાં હતાં, ત્યારે મસોતાંના ઢગલા વચ્ચે પતિદેવનું ગૂમ થયેલું ટી-શર્ટ મળી આવ્યું. એ પણ ગાભા જેવું જ બની ગયું હતું. પણ ડૉ.ભટ્ટે જીદ પૂરી કરવા ખાતર એક વાર તો એ ગાભો પણ પહેરી નાખ્યો! પત્ની સામે જોઇને પૂછ્યું યે ખરું, ‘શું વિચારે છે? તારો પતિ કેવો હેન્ડસમ દેખાય છે એવું ને?’

‘ના, હું તો એવું વિચારતી હતી કે જો તમને હું ન મળી હોત તો તમારું શું થાત? ચશ્માં, પેન, બૂટ-મોજાં, હાથરૂમાલ અને પહેરવાના કપડાં આ બધું ખોઇને સાવ નડીંગ-ધડીંગ ફરતાં હોત! હું છું ત્યારે તમારી નાની-નાની દરેક વાતનું ધ્યાન રાખું છું.’ આવું બોલતાં વસુબહેનની આંખોમાં ચમકતાં સંતોષ અને મોં ઉપર લિંપાયેલી ગૌરવની લાગણીમાં ડૉ.ભટ્ટની સંમતિ પણ ભળેલી હતી અને મારી સાક્ષી પણ!એ પછી અમે છુટા પડ્યાં.

***

તાજેતરમાં મારે બહારગામ જવાનું બન્યું. એક જાણીતા શહેરમાં જાહેર સમારંભમાં મને વકતવ્ય આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. અમદાવાદથી કારમાં જવાનું હતું. સમારંભનો સમય સવારના નવ વાગ્યાનો હતો. વહેલાં ઊઠીને પાંચ કલાકનો પ્રવાસ કરીને નિધૉરીત સમયે પહોંચવાનું શક્ય ન હતું. માટે આયોજકોએ રસ્તો કાઢ્યો, ‘તમે અમદાવાદથી સાંજે નીકળીને આગલા દિવસે રાતે જ આવી જાવ! સવારે બહુ વહેલા ઊઠવાની ચિંતા નહીં રહે! હોટલમાં તમારા માટે રૂમ બૂક કરાવી લઇશું.’ હું પહોંચી ગયો. હોટલના રજિસ્ટરમાં સહી કરતી વખતે ઉપર નીચેના ખાનાઓ ઉપર સહજપણે મેં નજર ફેરવી લીધી.

એક નામ વાંચીને હું ઊછળી પડ્યો. મારી તદ્દન બાજુના રૂમમાં ડૉ.ભટ્ટ અને શ્રીમતી ભટ્ટ ઊતરેલા હતા! કેટલાં બધાં વરસો પછી આ મિત્ર દંપતીને મળી શકાશે એ વિચારમાત્રથી હું રોમાંચિત થઇ ઊઠ્યો. મારા રૂમાં બેગ મૂકી ન મૂકી અને હું પડોશમાં દોડી ગયો. બેલ વગાડી. બારણું એક રૂપાળી યુવતીએ ઊઘાડ્યું. હું ડઘાઇ ગયો. અંદર પથારીમાં ડૉ.ભટ્ટ બેઠેલા હતા. યુવતી પારદર્શક ગાઉનમાં જેટલી ઢંકાતી હતી એના કરતાં વધુ તો છતી થતી હતી.

‘સોરી, ભટ્ટસાહેબ! આટલાં લાંબા સમય પછી તમને મળવાના જોશમાં મને લાગે છે કે મેં તમને ખોટા સમયે ખલેલ પહોંચાડી! રજિસ્ટરમાં મેં શ્રીમાન ભટ્ટ વાંચ્યું એટલે મને થયું કે વસુબહેન…’ડૉ.ભટ્ટ મારી પાસે દોડી આવ્યા, ‘નેવર માઇન્ડ, શરદભાઇ! જાણેઅજાણ્યે તમે મારી ખાનગી જિંદગી જોઇ લીધી. આ ઉત્કંઠા છે. બે વરસથી મારે ત્યાં નર્સ છે. અમે….યુસી…! પણ એક વિનંતી છે…આ વાત ખાનગી રાખજો. વસુને ખબર નથી….’ ડૉ.ભટ્ટ ખોવા જેવું ખોઇ નાખતા હતા,પણ શોધવા જેવું એમણે શોધી લીધું હતું! મને દયા આવી ગઇ વસુબહેન પર! એ બિચારી ભોળી ભારતીય ધર્મપત્ની એનાં પતિની દરેક નાની-નાની વાત પર નજર રાખતી રહી. એમાં આવડી મોટી વાત સાવ જ એનાં ધ્યાન બહાર નીકળી ગઇ!‘

(સત્ય ઘટના)

(શીર્ષક પંક્તિ: ડૉ.કેતન કારીયા)

https://gujaratiliterature.wordpress.com/2011/06/14/180511/

ચિંતન લેખ, ડો શરદ ઠાકર, વાર્તા ડો શરદ ઠાકર, વાર્તા

1316 – પ્રિય વ્યક્તિની આંખ ભીની કર્યાનો આનંદ…ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

Leave a comment Posted by વિનોદ આર પટેલ on જુલાઇ 18, 2019

પ્રિય વ્યક્તિની આંખ ભીની કર્યાનો આનંદ

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
દોડતું આવી છુપાઈ જાય છે, કોક મારામાં સમાઈ જાય છે, 
લાગણીનું સરનામું હું શું લખું? આંખ પણ સાલી ભરાઈ જાય છે.
 – શૈલેશ પંડયા ‘ભીનાશ‘
જિંદગીની કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ક્યારેય ભુલાતી નથી. થોડીક ઘટનાઓ એવી હોય છે જે યાદ આવે ત્યારે આંખોના ખૂણામાં ભીનાશ બાઝી જાય છે. આંખો ભીની હોય છતાં દિલને ટાઢક થાય એવી ઘટનાઓ જીવનની સાચી મૂડી હોય છે. જિંદગીની ઘણી ખુશી એવી હોય છે જે બયાન કરવા માટે આપણને શબ્દો જડતાં નથી, શબ્દો જડી જાય તો પણ વ્યક્ત થઈ શકાતું નથી. આવા સમયે આ શબ્દો આંખોમાં ઉભરી આવે છે. જે ક્ષણની રાહ જોતાં હોઈએ એ ક્ષણ જ્યારે સામે આવી જાય ત્યારે સમય પણ એક અલૌકિક અવતાર ધારણ કરી લેતો હોય છે. આ ક્ષણ સાક્ષાત્કારની હોય છે,આ ક્ષણ ચમત્કાર જેવી હોય છે. માણસને એવું ફિલ થાય છે કે બધું જ મળી ગયું, જિંદગીમાં હવે કોઈ અપેક્ષા નથી, એવી લાગણી જિંદગીમાં બહુ ઓછી વખત આવતી હોય છે.
તમે યાદ કરો કે તમારી જિંદગીની બેસ્ટ ક્ષણ કઈ છે? આપણે વર્સ્ટ ઘટનાને વાગોળતા રહીએ છીએ. જિંદગીને સુંદર બનાવવી હોય તો જે સારું બન્યું છે તેની યાદો જીવંત રાખો.
વીતી ગયેલી જિંદગીનાં પાનાંઓમાંથી કેટલાંક પાનાં ફાડીને ફેંકી દેવા જેવાં હોય છે, એને સંઘરી ના રખાય. અગાઉના સમયમાં કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે અશુભ લખેલાં પોસ્ટકાર્ડ આવતાં. આ પોસ્ટકાર્ડ વાંચીને તરત ફાડી નાખવાની એક માન્યતા લોકોમાં હતી, આ પત્રને સાચવીને કોઈ ન રાખે. જિંદગીનાં અમુક અશુભ પાનાંઓને પણ આ જ રીતે ડિસ્ટ્રોય કરી દેવાં જોઈએ.
એટલું જ જરૂરી એ પણ છે કે સારાં પાનાંને દિલમાં મઢી લઈને જીવંત રાખવાં. એક સપનું કે એક સફળતા સાકાર થયા પછી તેનું રિપિટેશન થવું જોઈએ. તમે એક વાર સફળ થાવ તો સંતોષ ન માની લેવો, કારણ કે જો તમે બીજી વાર નિષ્ફળ જશો તો લોકો એવું જ માનશે કે તમને પહેલી સફળતા ફ્લુકલી જ મળી હતી. એ તો એનાં નસીબ કે એક વાર મેળ ખાઈ ગયો એવું લોકો માનશે. પહેલી વાર સફળતા મળે ત્યારે લોકો એવું માને છે કે તે નસીબદાર છે, જ્યારે તમે સતત સફળતા મેળવો ત્યારે જ લોકો સ્વીકારે છે કે તમે ખરેખર મહેનતુ છો.
પહેલી વખતે મળેલી સફળતાની ઘટનાને યાદ કરો, કેવી ખુશી થઈ હતી? લોકો અભિનંદન આપતા હતા ત્યારે છાતી કેવી ગજ ગજ ફૂલતી હતી? નક્કી કરો કે આ ઘટનાને મારે વારંવાર જીવવી છે. સાથે એ પણ યાદ રાખો કે તમારી સફળતાથી કોની આંખો ભીની થઈ ગઈ હતી? તમારી સફળતા માત્ર તમારી નથી હોતી, તમારી સફળતાનો સંતોષ બીજે ક્યાંક પણ છલકતો હોય છે. મા-બાપ, ભાઈ બહેન, દોસ્ત કે પ્રેમી જ્યારે એમ કહે કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ ત્યારે તમારા સપનાની સાથે એ લોકોનું સપનું પણ પૂરું થતું હોય છે.
તમારી સફળતાનો આનંદ જ્યારે તમારી પ્રિય વ્યક્તિના ચહેરા પર ઝળકે ત્યારે એક અનુપમ દૃશ્ય ખડું થાય છે. તમે તમારી પ્રિય વ્યક્તિને ખુશ જોવા ઇચ્છો છો તો તમારી એ સફળતાને સાકાર કરો જેનું સપનું તમારી પ્રિય વ્યક્તિ તમારી માટે સેવે છે. ઘણી વખત આપણી પ્રેરણા જ આપણી પ્રિય વ્યક્તિની ઇચ્છા હોય છે. તમારા માટે કોઈએ સપનું સેવ્યું હોય તો માનજો કે તમે નસીબદાર છો, કારણ કે કોઈ વ્યક્તિ એવી ઘડીની રાહ જોતી હોય છે જ્યારે તમને જોઈને એને પોતાની જિંદગી સાર્થક લાગે.
એક વ્યક્તિની આ વાત છે. યુવાન હતા ત્યારે તેનું એક સપનું હતું કે હું પીએચડી કરીશ. ડોક્ટરેટ થવાની મહેચ્છા એણે જિંદગીભર દિલમાં સેવી હતી. પોતાના નામની આગળ ડોક્ટર લગાવીને તેણે ઘણી વખત નામ છેકી નાખ્યું હતું. પણ સતત એક ઇચ્છા સળવળતી હતી કે એક દિવસ મારા નામની આગળ ડોક્ટર લાગેલું હશે. અલબત્ત, આપણી દરેક ઇચ્છા ઘણી વખત કુદરતને મંજૂર હોતી નથી. એ માણસના સંજોગો જ એવા થયા કે એ ડોક્ટરેટનું ભણી ન શક્યા. એક અધૂરા સપનાનો વસવસો તેના દિલમાં કાયમ તરફડતો રહેતો હતો. કેટલીક વેદનાઓ એવી હોય છે કે જેને આપણે લાખ પ્રયત્નો છતાં દબાવી, મિટાવી કે ભુલાવી શકતા નથી. જેને યાદ ન કરવું હોય એ જ ભુલાતું હોતું નથી. દિલમાં સપનાની ઘણી કબરો એવી હોય છે કે જેના ઉપર ફૂલ ચડાવવા સિવાય આપણે કંઈ જ કરી શકતા નથી. એક સપના ઉપર એ માણસે ચોકડી મૂકી દીધી અને જીવવાનું ચાલુ રાખ્યું.
નોકરી હતી, ઘર હતું, પત્ની અને બે બાળકો હતાં, આમ તો સુખ કહી શકાય એવું બધું જ તેની પાસે હતું પણ અધૂરા રહી ગયેલા સપનાનું દુઃખ ક્યારેક તરવરી ઊઠતું. સંતાનોને પણ તેમણે પોતાના આ અધૂરા સપનાની વાત કરી હતી. સંવેદનશીલ દીકરી પિતાની આ વેદનાને સારી રીતે સમજી શકતી હતી. એવામાં પપ્પાનો બર્થ ડે આવ્યો . પપ્પાની બાજુમાં બેસીને તેણે પપ્પાનો હાથ પકડયો અને કહ્યું કે આજે મારે તમને બર્થ ડે ગિફ્ટ આપવી છે. પણ હું એ ગિફ્ટ આજે આપી શકું તેમ નથી, એટલે મારે તમને પ્રોમિસ આપવું છે કે હું જે ઇચ્છું છું એ ગિફ્ટ હું તમને એક દિવસ ચોક્કસ આપીશ. આટલું બોલીને તેણે પપ્પાની આંખમાં આંખ પરોવીને કહ્યું કે પપ્પા હું તમારું અધૂરું સપનું સાકાર કરીશ. હું ડોક્ટરેટ કરીશ, આઈ પ્રોમિસ યુ... પપ્પાની આંખના બંને ખૂણામાં ધીમે ધીમે ચોમાસું બેસી ગયું. ઘરની છત સામે જોઈને આંખમાં ઉભરી આવેલા આંસુ રોકવાનો પ્રયત્ન કર્યો, દીકરી આંસુ ન જોઈ જાય એટલે તેને ગળી વળગાડી લીધી, પિતાની આંખમાંથી ખરેલું ટીપું દીકરીના ખભા પર પડયું અને દીકરીએ સંકલ્પ કર્યો કે ડોક્ટરેટ ન થાઉં ત્યાં સુધી પિતાના આ આંસુની ભીનાશ હું મારામાં જીવતી રાખીશ.
એ દિવસથી તેણે પિતાનું સપનું પોતાની આંખમાં આંજી લીધું. પપ્પાની ભીની આંખોનું એ દ્રશ્ય તે તેના દિલમાં રોજ સજીવન કરતી. તેને થતું કે પિતાને માત્ર ડોક્ટરેટની વાત કરી તો આવું થયું, જ્યારે હું તેના હાથમાં ડિગ્રી મૂકીશ ત્યારે એને કેવો આનંદ થશે?
વર્ષો વીતતાં ગયાં. દીકરીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. જોકે તેણે ડોક્ટરેટ થવાનું તેનું સપનું ઝાંખું થવા દીધું ન હતું. બન્યું એવું કે દીકરી માટે એક સરસ માગું આવ્યું. છોકરો પરિવાર બધું જ એકદમ યોગ્ય હતું. દીકરીએ પિતાને લગ્નની ના પાડી અને કહ્યું કે ડોક્ટરેટ થઈશ પછી જ લગ્ન કરીશ. આ વાત તેના મંગેતરને ખબર પડી. તેને તેની ભાવિ પત્ની માટે ગર્વ થયો. તેણે કહ્યું કે આપણાં લગ્ન તારા સપનાની આડે નહીં આવે. ઊલટું એમ સમજજે કે તારું સપનું હવે મારું પણ સપનું છે. દીકરીનાં લગ્ન થઈ ગયાં. ઘરની જવાબદારીમાં દીકરી થોડી ગૂંચવાઈ ગઈ, જોકે પિતાનું સપનું પૂરું કરવા તે મક્કમ હતી. આમ છતાં ઘણો સમય પસાર થઈ ગયો.
પપ્પાની તબિયત નરમ થતી જતી હતી, તેમને વારંવાર દવાખાને એડમિટ કરવા પડતા હતા. દીકરીએ એક વખત ડોક્ટર પાસે જઈને કહ્યું કે જ્યાં સુધી મારું પીએચડી પૂરું ન થાય ત્યાં સુધી પપ્પાને કંઈ થવા ન દેતા, નહીંતર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. દીકરીએ થિસીસ ફાઈલ કરી. વાઇવા પણ સરસ ગયો. બરાબર એ જ સમયે પપ્પા સીરિયસ થઈ ગયા. દવાખાને એડમિટ હતા, દીકરી દરરોજ ભગવાનને પ્રાર્થના કરે કે જલદી રિઝલ્ટ મળી જાય. અંતે તેને સમાચાર મળ્યા કે તમે પાસ છો, નાઉ યુ આર ડોક્ટર. દીકરી ડિગ્રી લઈને દોડીને પિતા પાસે ગઈ. દવાખાનાના બિછાને પપ્પાનો હાથ પકડીને કહ્યું કે ડેડી, માય ગિફ્ટ… આ વખતે પપ્પા આંસુ છુપાવી ન શક્યા અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા. એક શબ્દ બોલી શકાય એવી સ્થિતિ ન હતી, આંખો જ્યારે બોલતી હોય છે ત્યારે વાચા હણાઈ જતી હોય છે, કારણ કે આંખોની ભાષા પાસે શબ્દો પણ વામણા થઈ જતા હોય છે. થોડા સ્વસ્થ થયા પછી પિતા બોલ્યા કે હવે મરી જાઉં તો પણ કોઈ અફસોસ નથી પણ દીકરીને ખબર હતી કે આ ખુશી જ પિતાને જિવાડી દેશે.
કોઈના સપનાને પોતાનું સપનું બનાવી લેવાનું કામ સહેલું નથી પણ જો પ્રેમ હોય તો આવું સપનું અઘરું પણ લાગતું નથી. તમારા વર્તનથી છેલ્લે તમારી વ્યક્તિની આંખો ક્યારે ભીની થઈ હતી? આપણે આપણી વ્યક્તિને રડાવવાનું જ જાણીએ છીએ પણ ક્યારેક આ રીતે પણ તેની આંખો ભીની થવા દો અને પછી જુઓ કે પ્રિય વ્યક્તિની આંખમાં બાઝેલી ભીનાશ તમને કેવી ટાઢક આપે છે.
છેલ્લો સીન :
જે માણસ પોતાની જિંદગીને અને અન્યની જિંદગીને અર્થહીન સમજે છે એ માત્ર દુર્ભાગી નથી પણ જીવવા માટે તદ્દન ગેરલાયક છે.
–આઇન્સ્ટાઇન
kkantu@gmail.com

સૌજન્ય…http://chintannipale.com/2012/08/06/07/59/1898

 

Krishnakant Unadkat

ચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે!
કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ

1310 ..કલ્પના તો કરી જુઓ! દલાઈ લામાને ખભે બંદૂક!….ગુણવંત શાહ

1 ટીકા Posted by વિનોદ આર પટેલ on મે 15, 2019
ડો.ગુણવંત શાહ

‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

કલ્પના તો કરી જુઓ! દલાઈ લામાને ખભે બંદૂક!….ગુણવંત શાહ

શું દલાઈ લામા પોતાના જીવન દરમિયાન તિબેટ પાછા જઈ શકશે ખરા? આ પ્રશ્નનો જવાબ ચીની સામ્યવાદી સરકારના શાણપણ પર આધાર રાખે છે. સામ્યવાદી સરકાર સુધરે એવી કોઈ શક્યતા દેખાતી નથી.

દલાઈ લામા આજના અજાતશત્રુ ગણાય. ચીન સિવાયનો કોઈ પણ દેશ એમને શત્રુ ગણતો નથી. ભારતમાં રહીને દલાઈ લામા દુનિયા આખીમાં ઉપદેશ આપે અને અહિંસાનો મહિમા કરે તે વાત ચીનને ખૂબ ખૂંચે છે. જો ચીનને દલાઈ લામા સોંપી દેવામાં આવે તો કદાચ ચીન સાથેનો અડધો ઝઘડો શાંત થઈ જાય. એક અત્યંત કડવું સત્ય એ છે કે સામ્યાવદી ચીન એકવીસમી સદીમાં પણ એક જંગલી દેશ ગણાય. ભારતના ડાબેરી બૌદ્ધિકોને અને સામ્યવાદીઓને આ વાત કોણ સમજાવે? ચીનમાં વાણીસ્વાતંત્ર્ય નથી અને સરકારી દમન સામે કોઈને અવાજ ઉઠાવવાની છૂટ નથી. ત્યાં કોઈ પણ અખબાર સરકારની વિરુદ્ધ કશુંય છાપી ન શકે. ભારતના સામ્યવાદીઓ નરેન્દ્ર મોદી સામે ગમે તેવો બકવાસ કરી શકે છે. તેમને એક મહિના માટે ચીનમાં રહેવાની ગોઠવણ થાય તો જ સમજાય કે ભારતમાં આજે છે તેવું વાણીસ્વાતંત્ર્ય તો ચીનમાં સ્વપ્ને પણ શક્ય નથી. ત્યાં જઈને સીતારામ યેચુરી મોં તો ખોલી જુએ! ભારતના સામ્યવાદીઓ ‘રિપેરેબલ’ જ નથી. 2019માં એમના પક્ષ માટે છેલ્લી ચૂંટણી સાબિત થાય તો કોઈને પણ દુ:ખ નહીં થાય. જૂઠ એ જ એમનું રક્ષાકવચ અને દંભ એ જ એમની સ્ટ્રેટેજી! મેં કોઈપણ ધર્મગુરુને સામ્યવાદી નેતાઓ જેટલો દંભ કરતા જોયા નથી.

શું દલાઈ લામા પોતાના જીવન દરમિયાન તિબેટ પાછા જઈ શકશે ખરા? આ પ્રશ્નનો જવાબ ચીની સામ્યવાદી સરકારના શાણપણ પર આધાર રાખે છે. સામ્યવાદી સરકાર સુધરે એવી કોઈ શક્યતા દેખાતી નથી
1959ના ઓક્ટોબરની પહેલી તારીખે તિબેટના પાટનગર લ્હાસામાં ચીનીવિરોધી બળવો થયો હતો. એ પછીના દિવસોમાં અખબારોના પાને દલાઈ લામા વધારે ચમકતા થયા હતા. જાણીતા ઇતિહાસકાર શ્રી. પી. એન. ચોપરાએ દલાઈ લામાનું જીવનવૃત્તાંત પ્રગટ કર્યું છે. પુસ્તકનું મથાળું છે: ‘ઓસન ઓફ વિસ્ડમ: ધ લાઇફ ઓફ દલાઈ લામા 14’. એ પુસ્તકમાં દલાઈ લામાએ 17મી માર્ચ, 1959ના દિવસે ભારતમાં શરણ લેવા માટે તિબેટ છોડ્યું તે ઘટનાનું દિલચશ્પ વર્ણન લેખકે કર્યું છે. સાંભળો:

એ વર્ષની 1લી માર્ચે જ્યારે ચીનના મિલિટરી કેમ્પમાં નાટક જોવા માટે દલાઈ લામાને ચીની સરકારે આમંત્રણ પાઠવ્યું ત્યારે જ દલાઈ લામાને વહેમ પડી ગયેલો કે પોતાનું જીવન જોખમમાં છે. મનોમન નિર્ણય લેવાઈ ગયો અને 2600 વર્ષ પછીના નાનકડા મહાભિનિષ્ક્રમણની યોજના ઘડાઈ ગઈ. નોર્બુ લિંગકા મહેલ છોડતાં પહેલાં દલાઈ લામા મહાકાલના મંદિરે દર્શને ગયા અને શિષ્યોને આશીર્વાદ પણ આપ્યા. બૌદ્ધ ભિખ્ખુઓને શું બની રહ્યું છે એની ગંધ પણ ન આવી. જે ભિખ્ખુ ઓફિસરો દલાઈ લામા સાથે ચાલી નીકળવાના હતા, તેમણે ગેરુઆ ઉપવસ્ત્રોની જગ્યાએ સાદાં વસ્ત્રો પહેરી લીધાં. દલાઈ લામાનાં બહેન અને માતાએ ખામ્પા પુરુષો જેવો વેશ ધારણ કરી લીધો. ખુદ દલાઈ લામાએ સૈનિકનો વેશ ધારણ કર્યો અને માથે ઊનની ટોપી પહેરી લીધી.

પછી દલાઈ લામા પોતાના ઓરડામાં દાખલ થયા અને એમની ધર્મગાદી પર બેઠા પછી ભગવાન બુદ્ધના ઉપદેશનું પુસ્તક વાંચવા લાગ્યા. એ પુસ્તકમાં શું હતું? એ પુસ્તકમાં ભગવાન બુદ્ધે શિષ્યને હિંમત ન હારવાની વાત કરી છે. એટલો ભાગ વાંચી લીધા પછી દલાઈ લામાએ એ પુસ્તક બાજુએ મૂક્યું. પછી એમણે પોતાના જ એ ઓરડાને શુભકામના પાઠવી. આટલી વિધિ પતાવીને તેઓ આખરી વિદાય માટે નીકળી પડ્યા. એ ક્ષણે બે તિબેટી સૈનિકો એમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એક સૈનિક પાસેથી દલાઈ લામાએ બંદૂક લીધી અને બંદૂકને ખભે ભેરવીને ચાલવા માંડ્યું. એ વખતે દલાઈ લામાએ પોતાનાં ચશ્માં ઉતારી લીધાં, જેથી ઝટ ઓળખાઈ ન જવાય. એમની આખી ટુકડી અંધારામાં અદૃશ્ય થઈ ગઈ- અજ્ઞાતને ઓવારે પહોંચવા માટે!

વર્ષ 1959ની 5મી એપ્રિલે ભારતમાં આવેલા તવાંગ મુકામે એ ટુકડી પહોંચી. એ દિવસોમાં ભારતભરમાં ‘હિન્દી-ચીની-ભાઈ ભાઈ’નાં સૂત્રો ગાજતાં થયાં હતાં. વર્ષોથી હિમાલયના સથવારે ધર્મશાળામાં દલાઈ લામા અને એમની તિબેટી રૈયત રહે છે. ત્યાં આગળ નાનકડું તિબેટ ધબકતું થયું છે. પંડિત નેહરુએ ચીનના અણગમાની ઘોર ઉપેક્ષા કરીને દલાઈ લામાને રાજ્યાશ્રય આપ્યો ત્યારે જરૂર ભારત દેશને ભગવાન તથાગતના આશીર્વાદ પ્રાપ્ત થયા હશે.

(સો સો પુષ્પોને એક સાથે ખીલવા દઈએ). લોકતંત્રમાં જ શોભે એવી આ પંક્તિ ચીનના નિર્દય અને ઐયાશીમાં આળોટનારા ક્રૂર સરમુખત્યાર તરફથી મળે, એ તો ઇતિહાસની મશ્કરી જ ગણાય. ચીનની સામ્યવાદી પાર્ટીને કોઈ ગોર્બાચોફ મળશે? ક્યારે?
આવું અસભ્ય ચીન અઝહર મસૂદને યુ.એન.ઓ.ની સિક્યુરિટી કાઉન્સિલમાં વિટો વાપરીને બચાવે, તેમાં કોઈ આશ્ચર્ય ખરું? એવું ચીન તો દલાઈ લામાને ‘આતંકવાદી’ નથી ગણાવતું એ જ આશ્ચર્ય!

શું દલાઈ લામા પોતાના જીવન દરમિયાન તિબેટ પાછા જઈ શકશે ખરા? આ પ્રશ્નનો જવાબ ચીની સામ્યવાદી સરકારના શાણપણ પર આધાર રાખે છે. સામ્યવાદી સરકાર સુધરે એવી કોઈ શક્યતા આજે તો દેખાતી નથી. હા, પશ્ચિમી દુનિયાના લોકતાંત્રિક દેશો દલાઈ લામાને પ્રેમથી પ્રવચન કરવા માટે સત્તાવાર રીતે આમંત્રણ પાઠવે છે. ‘મૂળભૂત-માનવ-અધિકાર’ જેવો શબ્દપ્રયોગ ચીન જેવા જંગલી દેશ માટે સાવ અજાણ્યો ગણાય. વળી, એકહથ્થુ સત્તા હોય, ત્યારે તો તખ્તપલટો થાય એવી શક્યતા પણ રહેતી નથી. ચીનમાં લોકતંત્ર સ્થપાય અને રાજકીય સભ્યતાનો યુગ શરૂ થાય, તો કદાચ ચમત્કાર થાય એમ બને. અરે! આજના સામ્યવાદી સરમુખત્યારને ચીનની સામ્યવાદી પાર્ટીએ આજીવન સત્તા આપી દીધી છે. હવે તો સરમુખત્યાર માટે સુધરવાની કે નવું વિચારવાની જરૂર જ નથી પડવાની. ચીનમાં 1949માં થયેલી સત્તાક્રાંતિ વખતે ચીનના નિર્દય સરમુખત્યાર એવા માઓ ઝેડોંગે એક કાવ્યમય સૂત્ર પ્રચલિત કર્યું હતું.


‘Let hundred flowers blossom together.’

પાઘડીનો વળ છેડે


તા. 23-11-1987ના ‘નેશનલ હેરલ્ડ’ દૈનિકમાં એક કાર્ટૂન પ્રગટ થયું હતું. ઓફિસેથી ઘરે આવેલા પતિને પત્નીએ સંભળાવ્યું: ‘બોલો! શરત મારવી છે? આજે તમારી ઓફિસમાં કોઈ નવી સેક્રેટરી આવી છે? આજે તમારા કોટમાંથી પરફ્યૂમમાંથી જે સુગંધ આવે છે, તે દરરોજ કરતાં સાવ જુદી છે!’ આવું અખબાર બંધ પડે અને સોનિયા તથા રાહુલ જામીન પર છૂટે તે દુ:ખદ ગણાય. આજે એ અખબાર ચાલુ હોય, તો કેવું કાર્ટૂન જોવા મળે?

ગુણવંત શાહ
Blog: http://gunvantshah.wordpress.com

સૌજન્ય .. દિવ્ય ભાસ્કર … કોલમ …રસધાર

ગુણવંત શાહ, ચિંતન લેખ, પ્રકીર્ણ ગુણવંત શાહ, ચિંતન લેખ

1305 – થોડાક રૂપિયા માટે ગરીબ સાથે ભાવતાલ કરવાનું આજથી બંધ! ….પદ્મશ્રી ડો.ગુણવંત શાહ

Leave a comment Posted by વિનોદ આર પટેલ on એપ્રિલ 27, 2019

ગુણવંત શાહ

ગુણવંત શાહ

‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી

પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

(પરિચય…વિકિપીડિયા )

થોડાક રૂપિયા માટે ગરીબ સાથે ભાવતાલ કરવાનું આજથી બંધ!.. ગુણવંત શાહ

એક વાચવા ,વિચારવા અને અમલમાં મુકવા જેવો સિદ્ધ હસ્ત લેખકની કલમે લખાએલો ચિંતન લેખ  

વર્ષો વીતી ગયાં, પરંતુ રેલવે સ્ટેશન પર જોવા મળતું એક દૃશ્ય હજી ભુલાતું નથી. પતિ, પત્ની અને બાળકો ટ્રેનમાં અમદાવાદ પહોંચે છે. તેઓ વડોદરાના સ્ટેશનેથી બેઠાં છે. સાથે ધાતુની ત્રણ મોટી બેગ છે અને બે ગુણમાં પિત્તળનાં વાસણો ભર્યાં છે. એ ઉપરાંત એક વજનદાર થેલામાં કશુંક એવું ભરેલું છે, જેને કારણે થેલો પત્ની જેટલો ભારે જણાય છે. અમદાવાદ સ્ટેશને ચાલુ ટ્રેને હમાલ ડબ્બામાં ચડી જાય છે. હમાલ સાથે જે ડાયલોગ શરૂ થાય તેમાં આખેઆખું અમદાવાદ સંભળાય છે:

ગરીબી તો દૂર થશે ત્યારે થશે, પરંતુ સામે ઊભેલા લાચાર આદમીને જોઇને પણ, જો આપણી કઠોરતમ સોદાબાજી પીગળવાની ન હોય, તો તીર્થયાત્રા, પૂજાપાઠ અને કર્મકાંડ વ્યર્થ જાણવાં

પતિ: સામાન રિક્ષા સુધી લઇ જવાના કેટલા રૂપિયા થશે?
હમાલ: સમજીને આપી દેજો ને.
પત્ની: અત્યારે જ કહી દે, જેથી ત્યારે માથાકૂટ કરવી ન પડે.
હમાલ: રૂપિયા ત્રીસ થશે.
પતિ: એટલા બધા હોય?
પત્ની: વાજબી કહો, નહીં તો…
હમાલ: ચાલો, પચ્ચીસ રૂપિયા… બસ?
પતિ: વીસ વાજબી છે, કબૂલ? નહીં તો…
હમાલ: સામાન ભારે છે એટલે વીસથી ઓછું નહીં પોસાય…
પત્ની: ભાઇ! હવે મારું માનો અને રૂપિયા પંદર રાખો.
હમાલ: સારું, પણ અઢાર આલજો… બસ!

કહેવાતા ભદ્ર વર્ગને ગરબી વર્ગ સાથે આવી રકઝક કર્યા પછી બચેલા રૂપિયા અધિક વહાલા કેમ લાગે છે?

1975ના વર્ષમાં મારે ઢાકામાં આવેલી ફાઇવસ્ટાર હોટેલ સોનારગાંવમાં પૂરો દોઢ મહિનો રહેવાનું બનેલું. રોજનું ડેઇલી એલાવન્સ રૂપિયા બે હજાર હતું. માનશો તે દિવસોમાં ઢાકામાં એક કરતાં વધારે ખાદી ભંડારો હતા. હું ઇરાદાપૂર્વક ખાદીભંડારમાં ગયો હતો. ત્યાં ખાદીના ઝભ્ભાનાં બટનની ચારે બાજુ અત્યંત કલાત્મક ભરતકામ જોવા મળતું. એ ખાદી ભંડારમાં ભાવતાલની છૂટ હતી. મેં સામટા દસ-બાર ઝભ્ભા ખરીદવાનું રાખ્યું તેથી મને સસ્તા ભાવે જે ઝભ્ભા મળ્યા તે પ્રવચન કરતી વખતે વર્ષો સુધી મારો ફેવરિટ પોશાક બની રહેલા. આજે પણ મારા ઘરમાં બે-ત્રણ ઝભ્ભા કબાટમાં સચવાયા છે. ઢાકાની ખાદી પણ જુદી પડી આવે તેવી મુલાયમ છે. આજે ખાદી ભંડારમાં ભાવતાવ કર્યાની વાત કહેતાં પણ મને સંકોચ થાય છે.

વર્ષો સુધી સુરતના નાનપુરા વિસ્તારમાં રહેવાનું બનેલું. ઉનાળામાં જાંબુ વેચવા માટે સાઇકલ પર ફેરિયો આવે, ત્યારે મંગલમૂર્તિ’નામના મકાનના ત્રીજે માળેથી હું એને મોટા અવાજે એક વાત અચૂક કહેતો ‘જો ભાઈ! મારા ઘરમાંથી બહેન એક કિલો જાંબુ લેવા માટે નીચે આવે, ત્યારે તું ભાવ ઘટાડતો નહીં. જો તેં ભાવ ઓછો કર્યો, તો સોદો કેન્સલ!’ એ ફેરિયો મારી સામે આશ્ચર્યથી જોઇ રહેતો! એ વખતે એનો ચહેરો સાક્ષાત્ કેવળપ્રયોગી અવ્યય જેવો બની રહેતો! સવારે વહેલો ઊઠીને પારકી ભોંય પર ઊગેલા જાંબુડા પર ચડીને જાંબુ પાડવામાં જોખમ કેવું રોકડું! જાંબુડાની ડાળી બરડ હોય, તેથી તરત માણસને ભોંયભેગો કરે, તો હાડકાં ખોખરાં થાય તેવો પૂરો સંભવ રહે છે. વળી ખેતરનો માલિક એને જાંબુ પાડતો ભાળી જાય, તો ગાળાગાળી અને મારામારી થાય તે નફામાં! આવું પરાક્રમ કર્યા પછી સાઇકલ પર બેસીને માઇલોનું અંતર કાપ્યા પછી એ ગરીબ માણસ આપણા ઘરે મધૂરાં જાંબુ વેચવા માટે આવે ત્યારે ભાવતાલ કરીને એની ખરી મહેનતની કમાણી પર કાપ મૂકવામાં કઇ સજ્જનતા? આજે પણ મારાં બાળકોને મારો આવો વારંવાર સાંભળેલો. ડાયલોગ યાદ હોય, તો નવાઇ નહીં!

વર્ષો પહેલાં વડોદરાના ફત્તેહગંજ વિસ્તારમાં રહેવાનું બનેલું. મારાં બધાં પાડોશીઓ ખ્રિસ્તી હતાં. એમના સહજ સંપર્કને કારણે હું ઇસુનો ભક્ત બની ગયો. બરાબર યાદ છે. લખવાની ટેવ પડી ન હતી, તેથી નવરાશનો વૈભવ અઢળક રહેતો. શાકભાજી લેવા માટે ત્યાંની બજારમાં જતો, ત્યારે શાકવાળીને ગંભીર વદને એક વાત કહેતો:

‘બહેન! તારે જે ભાવ લેવો હોય, તે લેજે પરંતુ ચીકુ, સફરજન કે ભીંડા સારા આપજે. ઘરે બહેનનો સ્વભાવ આકરો છે. જો શાકભાજી ખરાબ હશે, તો મારે વઢ ખાવી પડશે.’

માનશો? આવું નાટક કદી પણ નિષ્ફળ જતું નહીં. શાકભાજી વેચનાર ભોળી સ્ત્રી મને સારો જ માલ આપતી. પૈસા વધુ ખર્ચાતા, એટલે મને બજારમાં જવાનું કામ સોંપવાનું બંધ થઇ ગયેલું, તે નફામાં! પતિપ્રધાન સંસ્કૃતિ આવાં નાટકો કરતી હોય છે.

એક વાત પૂછવી છે: ગરીબ માણસ સાથે ક્રૂર બનીને ભાવતાલ કરવાથી મહિને કેટલા રૂપિયા બચે? આવો ભાવ વિનાનો તાલ કરવાથી કેટલા રૂપિયા વધારે ખર્ચાય? અમદાવાદીઓને આ બે પ્રશ્નો નકામા જણાશે. જીવનભર મેં આવો ભાવતાલ કરવાનું આગ્રહપૂર્વક ટાળ્યું છે. મુંબઇની સબર્બ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે મારા ચકચકતા બૂટને પણ પોલિશ કરાવવા માટે આપ્યા છે. વળી પોલિશ કરનાર છોકરાને બેને બદલે રૂપિયા પાંચ આપ્યા છે. એ વખતે છોકરો જે સ્મિત આપે, તેમાં જ કૃષ્ણનું સ્મિત ભાળ્યું. સાચું કહું? એમ કરવાની ખરી પ્રેરણા મને ‘બૂટપોલિશ’ ફિલ્મમાંથી મળેલી. હજી મારા કર્ણમૂળમાં એ ફિલ્મની પંક્તિઓ સચવાયેલી છે.

સાંભળો:

યતીમોં કી દુનિયા મેં હરદમ અંધેરા,
યહાઁ ભૂલ કર ભી ન આયા સવેરા.

ગરીબી તો દૂર થશે ત્યારે થશે, પરંતુ સામે ઊભેલા લાચાર આદમીને જોઇને પણ, જો આપણી કઠોરતમ સોદાબાજી પીગળવાની ન હોય, તો તીર્થયાત્રા, પૂજાપાઠ અને કર્મકાંડ વ્યર્થ જાણવાં. નિયતિના ખેલને કારણે સામે ઊભેલા લાચાર મનુષ્યને જોઇને આપણને એમ લાગવું જોઇએ કે: હું એની જગ્યાએ હું ઊભો હોઉં તો!

આવી નિર્લજ્જ સોદાબાજીથી ભદ્ર આદમીને માલિક દૂર રાખે એવી પ્રાર્થના. આમીન!

પાઘડીનો વળ છેડે
મચ્છરો તો
ગાયની આંચળ પર બેસે
તોય, દૂધ નહીં ,
પરંતુ લોહી જ પીવાના!
– મલયાલમ ભાષાની કહેવત

Blog:

http://gunvantshah.wordpress.com

સૌજન્ય…

દિવ્ય ભાસ્કર ..રસધાર

ગુણવંત શાહ, ચિંતન લેખ ગુણવંત શાહ, ચિંતન લેખ, દિવ્ય ભાસ્કર

← Older posts

RSS feed

RSS આજનો સુવિચાર

  • Benjamin Disraeli
    "Silence is the mother of truth."
  • H. Jackson Brown, Jr.
    "Never forget the three powerful resources you always have available to you: love, prayer, and forgiveness."
  • Victor Hugo
    "There is nothing like a dream to create the future."

જનની – જનકને પ્રણામ

સ્વ. ધર્મપત્નીની યાદમાં ઈ-પુસ્તક

ફેસબુક પર વિનોદ પટેલ !

ઈ-વિદ્યાલય

ગુજરાતી ભાષાને નવલું નજરાણું

‘બની આઝાદ’ – ઈ બુક

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..

  • 1,352,713 મુલાકાતીઓ

નવી વાચન પ્રસાદી ..

  • વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
  • ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
  • સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
  • જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
  • ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
  • સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
  • Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
  • 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020

વાચકોના પ્રતિભાવ

અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે….
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ…
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ …
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા

વિભાગો

Follow by Email

Email address...
Submit

Join 376 other subscribers

પ્રકીર્ણ

  • રજિસ્ટર
  • લોગ ઇન
  • Entries feed
  • Comments feed
  • WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com

પૃષ્ઠો

  • અનુક્રમણિકા
  • ગુજરાતી બ્લૉગ્સ/સાઈટ્સઃ
  • ગુજરાતી ભાષાનાં પ્રચલિત પુસ્તકોની લીંક …
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ
  • મનપસંદ વિભાગો
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers

મહિનાવાર પોસ્ટ સંગ્રહ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers
માર્ચ 2023
રવિ સોમ મંગળ બુધ ગુરુ F શનિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
« જાન્યુઆરી    

અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com

Follow Us

↑ Top Blog at WordPress.com.
  • Follow Following
    • વિનોદ વિહાર
    • Join 376 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • વિનોદ વિહાર
    • કસ્ટમાઇઝ
    • Follow Following
    • Sign up
    • લોગ ઇન
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
 

Loading Comments...