જીવન સંધ્યાના અવનવા રંગો નિહાળી રહેલા આજના સીનીયર સિટીઝનો અને ટૂંક ભવિષ્યમાં જેઓ સીનીયર સીટીજનો થવાના છે એ સૌ જુનિયર સિટીઝનોએ ખાસ વાંચવા જેવો મજાનો લેખ આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે.
આ લેખના લેખક પદ્મશ્રી ડો. ગુણવંત શાહ એક જાણીતા ચિંતક અને પ્રેરણાદાયી સાહિત્યના સર્જક તરીકે જાણીતા છે.એમનો પરિચય લેખના અંતે વાંચી શકાશે….. વિનોદ પટેલ
આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ
આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં !
––‘અનામી ચીંતક’
સીનીયરનું સ્વરાજ – ડો.ગુણવંત શાહ
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: સમય અને અવકાશ. સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો ‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે, કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે !
ઘણાખરા સીનીયર સીટીઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે.જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મુર્ખ છે.
મુર્ખતા પણ ખાસ્સી સીનીયર હોઈ શકે છે. દીકરાવહુને પોતાનો અભીપ્રાય એકવાર આપી દીધા પછીનું મૌન દીવ્ય હોય છે. સામેવાળી વ્યક્તી ગમે તેટલી નાની ઉંમરની હોય તોય તેને વણમાગી સલાહ ન આપવામાં વૃદ્ધત્વની અનેરી શોભા પ્રગટ થાય છે. જે વયોવૃદ્ધ સીટીઝન મફત સલાહ કેન્દ્રનો માલીક હોય તે દુખી થવા સર્જાયેલો જીવ છે. ભગવાન પણ તેને સુખી ન કરી શકે.
માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે. ઉત્તમ card company, નાટકો, શીલ્પો, ચીત્રો, ફીલ્મો, ગીતો અને કલાકૃતીઓ માનવજાતને મળ્યાં તે માટે સર્જકોને પ્રાપ્ત થયેલી મોકળાશનો ફાળો મહત્ત્વનો રહ્યો છે.કવી વોલ્ટ વ્હીટ્મન પોતાને ભવ્ય આળસુ (મેગ્નીફીસંટ આઈડ્લર) તરીકે ગૌરવભેર ઓળખાવતો.
નોબેલ પારીતોષીક વીજેતા કવી પાબ્લો નેરુદા પોતાનાં સંસ્મરણો પર લખેલા પુસ્તકમાં નવરાશનો મહીમા કરે છે અને ત્યાં સુધી કહે છે કે ‘સમય વેડફવા જેવી સુંદર બીજી કોઈ ચીજ નથી.’ અહીં સમય વેડફવાની વાત સાથે મોકળાશનું સૌંદર્ય કેન્દ્રમાં રહેલું છે ઘણા સીનીયર સીટીઝન્સ મોકળાશનો સ્વાદ ધરાઈને માણે છે.એ સ્વાદનું રહસ્ય એમના મીજાજમાં રહેલું છે.એ મીજાજ એટલે સ્વરાજનો મીજાજ.
સ્વરાજનો મીજાજ એટલે શું? ‘હવે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી’, એવી દાદાગીરીમાં દાદાની ખરી શોભા પ્રગટ થાય છે. સ્વતંત્ર હોવું એટલે જ પોતાની મરજીના માલીક હોવું.મરજીની ગુણવત્તા એટલે જ જીવનની ગુણવત્તા. માણસે પોતાની મરજીને માંજી માંજીને શુદ્ધ કરવી રહી.મરજીના માલીકને, ‘માલીક’ની મરજી પર શ્રદ્ધા હોવી જોઈએ.સીનીયર સીટીઝનના સ્વરાજનું આ રહસ્ય છે.
જે વડીલોને સાહીત્ય, સંગીત, સત્સંગ, સમાજસેવા, પ્રવાસ કે પ્રેમ જેવી બાબતોમાંથી કોઈ એક સાથે પણ નીસ્બત ન હોય તેમણે દુખી થવાની પુરી તૈયારી કરી લીધી છે એમ કહી શકાય.નવરાશ એટલે કર્મશુન્યતા નહીં, પણ મનગમતા કર્મની સમૃદ્ધી. વડીલોએ વારંવાર પોતાની જાતને પુછવા જેવો પ્રશ્ન છે,‘મારો માહ્યલો શેમાં રાજી?’ જે કર્મ કરતી વખતે હેત અને હરખનો અનુભવ થાય તે કર્મ કરવું અને બીજું ફાલતું કર્મ ટાળવું એ તો પાછલી ઉંમરનો વીશેષાધીકાર ગણાય. જે વડીલ કોઈના કામમાં ટકટક ન કરે તે વડીલ પોતાના કામમાં બીજાની ટકટક નહીં સહન કરવાનો અધીકાર પ્રાપ્ત કરે છે. આ દુનીયા આપણી કલ્પના પ્રમાણે ચાલે એવી ઈચ્છા રાખવી એ પણ એક પ્રકારની નાસ્તીકતા ગણાય. સમગ્ર જીવન કેવળ પૈસા એકઠા કરવામાં જ વીતી ગયું હોય, તો પાછલી ઉંમરે દુખનું ડીવીડંડ મૃત્યુ સુધી મળતું જ રહે છે. નોકરી છુટી જાય પછી જે ખાલી થેલી જેવા બની જાય, તેઓ નોકરી ચાલુ હતી ત્યારે પણ ખાલીખમ જ હતા ! એમને એ વાતની ખબર ત્યારે ન હતી, તે જુદી વાત છે.
સીનીયર સીટીઝનના સુખનો ખરો આધાર પગ ઉપર રહેલો છે. આપણે ત્યાં જે માણસ કમાણી કરતો હોય તેને માટે કહેવામાં આવે છે કે એ ‘પોતાના પગ પર’ ઊભો છે. જેના પગ સાબુત તેનું ચાલવાનું સાબુત ! જે ચાલવાનું રાખે તેને કકડીને ભુખ લાગે. કકડીને લાગતી ભુખ પછી જે ખવાય, તે અન્ન પચી જાય છે. અન્નવૈભવનું ખરું રહસ્ય ભુખવૈભવમાં સમાયું છે. જે સીનીયર સીટીઝન રોજ પાંચ કીલોમીટર સ્ફુર્તીથી ચાલે, તેને ભુખવૈભવ સાથે થાકવૈભવ પણ પ્રાપ્ત થાય.થાકવૈભવ પ્રાપ્ત કરનારને ઉંઘવૈભવ પણ આપોઆપ મળે છે.
ભુખવૈભવ, થાકવૈભવ, અને ઉંઘવૈભવ પ્રાપ્ત થાય, તેને સ્ફુર્તીવૈભવ મળી રહે છે. સ્ફુર્તી છે, તો જીવન છે. જીવન છે, તો જીવવાનો આનંદ છે. આનંદનું ઉદ્ ઘાટન પગના સદુપયોગ થકી થતું હોય છે. પગ વડે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. લોકો પથારી થકી પરમેશ્વર સુધી પહોંચવાની પેરવી કરતા હોય છે. એક વડીલ પંચાણું વર્ષે મૃત્યુ પામ્યા ત્યારે દીકરાની વહુ બોલી, ‘પપ્પા સવારે તો ફરવા ગયેલા અને બપોરે એકાએક શાંત થઈ ગયા !’ મૃત્યુ પામેલા વડીલને આનાથી ચડીયાતી અંજલી બીજી શી હોઈ શકે? એને કહેવાય રળીયામણું મૃત્યુ !
વડીલોએ કોઈ પણ હીસાબે બે કલાક પોતાના ખાસ કલાકો તરીકે અલાયદા રાખવા જોઈએ. પરીવારના જુનીયર લોકોને તેથી ખાસ રાહત મળતી હોય છે. સીનીયર સીટીઝનને પોતાના સ્વરાજની જેમ જુનીયર સીટીઝનનું સ્વરાજ પણ વહાલું હોવું જોઈએ. ખાસ કરીને દીકરાની વહુનો આદર જીતી લેવાની કળા ખુબ મહત્ત્વની છે. જે સાસુને માતા બનતાં ન આવડે અને જે સસરાને પીતા બનતાં ન આવડે તેઓ ફુલ્લી નપાસ ગણાય. છુટાં રહેવું સારું, છેટાં રહેવું સારું, પણ ભેગાં રહીને ઝઘડતાં રહેવું અત્યંત નઠારું ! તમે દીકરાની જન્મતીથી યાદ નહીં રાખો તો ચાલશે, પણ પુત્રવધુની વર્ષગાંઠ યાદ રાખીને નવી સાડી ભેટ આપવાનું ચુકી જાઓ તેમાં શાણપણ નથી. જે પરીવારમાં ગૃહલક્ષ્મીનો આદર નથી હોતો, તે ઘરમાંથી સુખ પાછલે બારણેથી ભાગી છુટે છે.
પુજ્ય રવીશંકર મહારાજ વાતવાતમાં કહેતા કે માણસે પાકેલી ખારેકની માફક ખરી પડવાનું છે. સીધી લીટીનો માણસ નાસ્તીક હોય તોય આધ્યાત્મીક જાણવો. આપણે ત્યાં ક્યારેક સો ટચનો સજ્જન મનુષ્ય કોઈ લંપટ સાધુનો ચરણસ્પર્શ કરતો જોવા મળે ત્યારે દુખ થાય છે.
કેટલાક સીનીયર નાગરીકો ભક્તીમાં વેવલા બનીને ગાંડપણ પ્રગટ કરતા રહે છે. એ માટે આવનારા મૃત્યુનો ડર કારણભુત છે. સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ. ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ પ્રવેશે.ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર સીટીઝન્સને ખાસ વીનંતી છેઃ ‘તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચુકશો નહીં.’
..પાઘડીનો વળ છેડે..
આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ
આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં !
સુરત નિવાસી આદરણીય મિત્ર અને સંડે -ઈ–મહેફિલ બ્લોગના સંપાદક શ્રી ઉત્તમભાઈ ગજ્જરએ જાણીતા લેખકોના ઘડપણ વિશેના ચૂંટેલા સુંદર લેખોનો સમાવેશ કરીને એક મજાની ”ગરવું ઘડપણ ”એ નામે ગુજરાતી ઈ-બુક પ્રકાશિત કરી છે.
શ્રી ઉત્તમભાઈના આભાર સાથે આ ઈ-બુકની લીંક નીચે પ્રસ્તુત છે. વિહારના વાચકોને જરૂર આ માહિતીપૂર્ણ અને પ્રેરક ઈ-બુક વાંચવી ગમશે.
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.
કલ્પના તો કરી જુઓ! દલાઈ લામાને ખભે બંદૂક!….ગુણવંત શાહ
શું દલાઈ લામા પોતાના જીવન દરમિયાન તિબેટ પાછા જઈ શકશે ખરા? આ પ્રશ્નનો જવાબ ચીની સામ્યવાદી સરકારના શાણપણ પર આધાર રાખે છે. સામ્યવાદી સરકાર સુધરે એવી કોઈ શક્યતા દેખાતી નથી.
દલાઈ લામા આજના અજાતશત્રુ ગણાય. ચીન સિવાયનો કોઈ પણ દેશ એમને શત્રુ ગણતો નથી. ભારતમાં રહીને દલાઈ લામા દુનિયા આખીમાં ઉપદેશ આપે અને અહિંસાનો મહિમા કરે તે વાત ચીનને ખૂબ ખૂંચે છે. જો ચીનને દલાઈ લામા સોંપી દેવામાં આવે તો કદાચ ચીન સાથેનો અડધો ઝઘડો શાંત થઈ જાય. એક અત્યંત કડવું સત્ય એ છે કે સામ્યાવદી ચીન એકવીસમી સદીમાં પણ એક જંગલી દેશ ગણાય. ભારતના ડાબેરી બૌદ્ધિકોને અને સામ્યવાદીઓને આ વાત કોણ સમજાવે? ચીનમાં વાણીસ્વાતંત્ર્ય નથી અને સરકારી દમન સામે કોઈને અવાજ ઉઠાવવાની છૂટ નથી. ત્યાં કોઈ પણ અખબાર સરકારની વિરુદ્ધ કશુંય છાપી ન શકે. ભારતના સામ્યવાદીઓ નરેન્દ્ર મોદી સામે ગમે તેવો બકવાસ કરી શકે છે. તેમને એક મહિના માટે ચીનમાં રહેવાની ગોઠવણ થાય તો જ સમજાય કે ભારતમાં આજે છે તેવું વાણીસ્વાતંત્ર્ય તો ચીનમાં સ્વપ્ને પણ શક્ય નથી. ત્યાં જઈને સીતારામ યેચુરી મોં તો ખોલી જુએ! ભારતના સામ્યવાદીઓ ‘રિપેરેબલ’ જ નથી. 2019માં એમના પક્ષ માટે છેલ્લી ચૂંટણી સાબિત થાય તો કોઈને પણ દુ:ખ નહીં થાય. જૂઠ એ જ એમનું રક્ષાકવચ અને દંભ એ જ એમની સ્ટ્રેટેજી! મેં કોઈપણ ધર્મગુરુને સામ્યવાદી નેતાઓ જેટલો દંભ કરતા જોયા નથી.
શું દલાઈ લામા પોતાના જીવન દરમિયાન તિબેટ પાછા જઈ શકશે ખરા? આ પ્રશ્નનો જવાબ ચીની સામ્યવાદી સરકારના શાણપણ પર આધાર રાખે છે. સામ્યવાદી સરકાર સુધરે એવી કોઈ શક્યતા દેખાતી નથી 1959ના ઓક્ટોબરની પહેલી તારીખે તિબેટના પાટનગર લ્હાસામાં ચીનીવિરોધી બળવો થયો હતો. એ પછીના દિવસોમાં અખબારોના પાને દલાઈ લામા વધારે ચમકતા થયા હતા. જાણીતા ઇતિહાસકાર શ્રી. પી. એન. ચોપરાએ દલાઈ લામાનું જીવનવૃત્તાંત પ્રગટ કર્યું છે. પુસ્તકનું મથાળું છે: ‘ઓસન ઓફ વિસ્ડમ: ધ લાઇફ ઓફ દલાઈ લામા 14’. એ પુસ્તકમાં દલાઈ લામાએ 17મી માર્ચ, 1959ના દિવસે ભારતમાં શરણ લેવા માટે તિબેટ છોડ્યું તે ઘટનાનું દિલચશ્પ વર્ણન લેખકે કર્યું છે. સાંભળો:
એ વર્ષની 1લી માર્ચે જ્યારે ચીનના મિલિટરી કેમ્પમાં નાટક જોવા માટે દલાઈ લામાને ચીની સરકારે આમંત્રણ પાઠવ્યું ત્યારે જ દલાઈ લામાને વહેમ પડી ગયેલો કે પોતાનું જીવન જોખમમાં છે. મનોમન નિર્ણય લેવાઈ ગયો અને 2600 વર્ષ પછીના નાનકડા મહાભિનિષ્ક્રમણની યોજના ઘડાઈ ગઈ. નોર્બુ લિંગકા મહેલ છોડતાં પહેલાં દલાઈ લામા મહાકાલના મંદિરે દર્શને ગયા અને શિષ્યોને આશીર્વાદ પણ આપ્યા. બૌદ્ધ ભિખ્ખુઓને શું બની રહ્યું છે એની ગંધ પણ ન આવી. જે ભિખ્ખુ ઓફિસરો દલાઈ લામા સાથે ચાલી નીકળવાના હતા, તેમણે ગેરુઆ ઉપવસ્ત્રોની જગ્યાએ સાદાં વસ્ત્રો પહેરી લીધાં. દલાઈ લામાનાં બહેન અને માતાએ ખામ્પા પુરુષો જેવો વેશ ધારણ કરી લીધો. ખુદ દલાઈ લામાએ સૈનિકનો વેશ ધારણ કર્યો અને માથે ઊનની ટોપી પહેરી લીધી.
પછી દલાઈ લામા પોતાના ઓરડામાં દાખલ થયા અને એમની ધર્મગાદી પર બેઠા પછી ભગવાન બુદ્ધના ઉપદેશનું પુસ્તક વાંચવા લાગ્યા. એ પુસ્તકમાં શું હતું? એ પુસ્તકમાં ભગવાન બુદ્ધે શિષ્યને હિંમત ન હારવાની વાત કરી છે. એટલો ભાગ વાંચી લીધા પછી દલાઈ લામાએ એ પુસ્તક બાજુએ મૂક્યું. પછી એમણે પોતાના જ એ ઓરડાને શુભકામના પાઠવી. આટલી વિધિ પતાવીને તેઓ આખરી વિદાય માટે નીકળી પડ્યા. એ ક્ષણે બે તિબેટી સૈનિકો એમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એક સૈનિક પાસેથી દલાઈ લામાએ બંદૂક લીધી અને બંદૂકને ખભે ભેરવીને ચાલવા માંડ્યું. એ વખતે દલાઈ લામાએ પોતાનાં ચશ્માં ઉતારી લીધાં, જેથી ઝટ ઓળખાઈ ન જવાય. એમની આખી ટુકડી અંધારામાં અદૃશ્ય થઈ ગઈ- અજ્ઞાતને ઓવારે પહોંચવા માટે!
વર્ષ 1959ની 5મી એપ્રિલે ભારતમાં આવેલા તવાંગ મુકામે એ ટુકડી પહોંચી. એ દિવસોમાં ભારતભરમાં ‘હિન્દી-ચીની-ભાઈ ભાઈ’નાં સૂત્રો ગાજતાં થયાં હતાં. વર્ષોથી હિમાલયના સથવારે ધર્મશાળામાં દલાઈ લામા અને એમની તિબેટી રૈયત રહે છે. ત્યાં આગળ નાનકડું તિબેટ ધબકતું થયું છે. પંડિત નેહરુએ ચીનના અણગમાની ઘોર ઉપેક્ષા કરીને દલાઈ લામાને રાજ્યાશ્રય આપ્યો ત્યારે જરૂર ભારત દેશને ભગવાન તથાગતના આશીર્વાદ પ્રાપ્ત થયા હશે.
(સો સો પુષ્પોને એક સાથે ખીલવા દઈએ). લોકતંત્રમાં જ શોભે એવી આ પંક્તિ ચીનના નિર્દય અને ઐયાશીમાં આળોટનારા ક્રૂર સરમુખત્યાર તરફથી મળે, એ તો ઇતિહાસની મશ્કરી જ ગણાય. ચીનની સામ્યવાદી પાર્ટીને કોઈ ગોર્બાચોફ મળશે? ક્યારે? આવું અસભ્ય ચીન અઝહર મસૂદને યુ.એન.ઓ.ની સિક્યુરિટી કાઉન્સિલમાં વિટો વાપરીને બચાવે, તેમાં કોઈ આશ્ચર્ય ખરું? એવું ચીન તો દલાઈ લામાને ‘આતંકવાદી’ નથી ગણાવતું એ જ આશ્ચર્ય!
શું દલાઈ લામા પોતાના જીવન દરમિયાન તિબેટ પાછા જઈ શકશે ખરા? આ પ્રશ્નનો જવાબ ચીની સામ્યવાદી સરકારના શાણપણ પર આધાર રાખે છે. સામ્યવાદી સરકાર સુધરે એવી કોઈ શક્યતા આજે તો દેખાતી નથી. હા, પશ્ચિમી દુનિયાના લોકતાંત્રિક દેશો દલાઈ લામાને પ્રેમથી પ્રવચન કરવા માટે સત્તાવાર રીતે આમંત્રણ પાઠવે છે. ‘મૂળભૂત-માનવ-અધિકાર’ જેવો શબ્દપ્રયોગ ચીન જેવા જંગલી દેશ માટે સાવ અજાણ્યો ગણાય. વળી, એકહથ્થુ સત્તા હોય, ત્યારે તો તખ્તપલટો થાય એવી શક્યતા પણ રહેતી નથી. ચીનમાં લોકતંત્ર સ્થપાય અને રાજકીય સભ્યતાનો યુગ શરૂ થાય, તો કદાચ ચમત્કાર થાય એમ બને. અરે! આજના સામ્યવાદી સરમુખત્યારને ચીનની સામ્યવાદી પાર્ટીએ આજીવન સત્તા આપી દીધી છે. હવે તો સરમુખત્યાર માટે સુધરવાની કે નવું વિચારવાની જરૂર જ નથી પડવાની. ચીનમાં 1949માં થયેલી સત્તાક્રાંતિ વખતે ચીનના નિર્દય સરમુખત્યાર એવા માઓ ઝેડોંગે એક કાવ્યમય સૂત્ર પ્રચલિત કર્યું હતું.
‘Let hundred flowers blossom together.’
પાઘડીનો વળ છેડે
તા. 23-11-1987ના ‘નેશનલ હેરલ્ડ’ દૈનિકમાં એક કાર્ટૂન પ્રગટ થયું હતું. ઓફિસેથી ઘરે આવેલા પતિને પત્નીએ સંભળાવ્યું: ‘બોલો! શરત મારવી છે? આજે તમારી ઓફિસમાં કોઈ નવી સેક્રેટરી આવી છે? આજે તમારા કોટમાંથી પરફ્યૂમમાંથી જે સુગંધ આવે છે, તે દરરોજ કરતાં સાવ જુદી છે!’ આવું અખબાર બંધ પડે અને સોનિયા તથા રાહુલ જામીન પર છૂટે તે દુ:ખદ ગણાય. આજે એ અખબાર ચાલુ હોય, તો કેવું કાર્ટૂન જોવા મળે?
થોડાક રૂપિયા માટે ગરીબ સાથે ભાવતાલ કરવાનું આજથી બંધ!.. ગુણવંત શાહ
એક વાચવા ,વિચારવા અને અમલમાં મુકવા જેવો સિદ્ધ હસ્ત લેખકની કલમે લખાએલો ચિંતન લેખ
વર્ષો વીતી ગયાં, પરંતુ રેલવે સ્ટેશન પર જોવા મળતું એક દૃશ્ય હજી ભુલાતું નથી. પતિ, પત્ની અને બાળકો ટ્રેનમાં અમદાવાદ પહોંચે છે. તેઓ વડોદરાના સ્ટેશનેથી બેઠાં છે. સાથે ધાતુની ત્રણ મોટી બેગ છે અને બે ગુણમાં પિત્તળનાં વાસણો ભર્યાં છે. એ ઉપરાંત એક વજનદાર થેલામાં કશુંક એવું ભરેલું છે, જેને કારણે થેલો પત્ની જેટલો ભારે જણાય છે. અમદાવાદ સ્ટેશને ચાલુ ટ્રેને હમાલ ડબ્બામાં ચડી જાય છે. હમાલ સાથે જે ડાયલોગ શરૂ થાય તેમાં આખેઆખું અમદાવાદ સંભળાય છે:
ગરીબી તો દૂર થશે ત્યારે થશે, પરંતુ સામે ઊભેલા લાચાર આદમીને જોઇને પણ, જો આપણી કઠોરતમ સોદાબાજી પીગળવાની ન હોય, તો તીર્થયાત્રા, પૂજાપાઠ અને કર્મકાંડ વ્યર્થ જાણવાં
પતિ: સામાન રિક્ષા સુધી લઇ જવાના કેટલા રૂપિયા થશે? હમાલ: સમજીને આપી દેજો ને. પત્ની: અત્યારે જ કહી દે, જેથી ત્યારે માથાકૂટ કરવી ન પડે. હમાલ: રૂપિયા ત્રીસ થશે. પતિ: એટલા બધા હોય? પત્ની: વાજબી કહો, નહીં તો… હમાલ: ચાલો, પચ્ચીસ રૂપિયા… બસ? પતિ: વીસ વાજબી છે, કબૂલ? નહીં તો… હમાલ: સામાન ભારે છે એટલે વીસથી ઓછું નહીં પોસાય… પત્ની: ભાઇ! હવે મારું માનો અને રૂપિયા પંદર રાખો. હમાલ: સારું, પણ અઢાર આલજો… બસ!
કહેવાતા ભદ્ર વર્ગને ગરબી વર્ગ સાથે આવી રકઝક કર્યા પછી બચેલા રૂપિયા અધિક વહાલા કેમ લાગે છે?
1975ના વર્ષમાં મારે ઢાકામાં આવેલી ફાઇવસ્ટાર હોટેલ સોનારગાંવમાં પૂરો દોઢ મહિનો રહેવાનું બનેલું. રોજનું ડેઇલી એલાવન્સ રૂપિયા બે હજાર હતું. માનશો તે દિવસોમાં ઢાકામાં એક કરતાં વધારે ખાદી ભંડારો હતા. હું ઇરાદાપૂર્વક ખાદીભંડારમાં ગયો હતો. ત્યાં ખાદીના ઝભ્ભાનાં બટનની ચારે બાજુ અત્યંત કલાત્મક ભરતકામ જોવા મળતું. એ ખાદી ભંડારમાં ભાવતાલની છૂટ હતી. મેં સામટા દસ-બાર ઝભ્ભા ખરીદવાનું રાખ્યું તેથી મને સસ્તા ભાવે જે ઝભ્ભા મળ્યા તે પ્રવચન કરતી વખતે વર્ષો સુધી મારો ફેવરિટ પોશાક બની રહેલા. આજે પણ મારા ઘરમાં બે-ત્રણ ઝભ્ભા કબાટમાં સચવાયા છે. ઢાકાની ખાદી પણ જુદી પડી આવે તેવી મુલાયમ છે. આજે ખાદી ભંડારમાં ભાવતાવ કર્યાની વાત કહેતાં પણ મને સંકોચ થાય છે.
વર્ષો સુધી સુરતના નાનપુરા વિસ્તારમાં રહેવાનું બનેલું. ઉનાળામાં જાંબુ વેચવા માટે સાઇકલ પર ફેરિયો આવે, ત્યારે મંગલમૂર્તિ’નામના મકાનના ત્રીજે માળેથી હું એને મોટા અવાજે એક વાત અચૂક કહેતો ‘જો ભાઈ! મારા ઘરમાંથી બહેન એક કિલો જાંબુ લેવા માટે નીચે આવે, ત્યારે તું ભાવ ઘટાડતો નહીં. જો તેં ભાવ ઓછો કર્યો, તો સોદો કેન્સલ!’ એ ફેરિયો મારી સામે આશ્ચર્યથી જોઇ રહેતો! એ વખતે એનો ચહેરો સાક્ષાત્ કેવળપ્રયોગી અવ્યય જેવો બની રહેતો! સવારે વહેલો ઊઠીને પારકી ભોંય પર ઊગેલા જાંબુડા પર ચડીને જાંબુ પાડવામાં જોખમ કેવું રોકડું! જાંબુડાની ડાળી બરડ હોય, તેથી તરત માણસને ભોંયભેગો કરે, તો હાડકાં ખોખરાં થાય તેવો પૂરો સંભવ રહે છે. વળી ખેતરનો માલિક એને જાંબુ પાડતો ભાળી જાય, તો ગાળાગાળી અને મારામારી થાય તે નફામાં! આવું પરાક્રમ કર્યા પછી સાઇકલ પર બેસીને માઇલોનું અંતર કાપ્યા પછી એ ગરીબ માણસ આપણા ઘરે મધૂરાં જાંબુ વેચવા માટે આવે ત્યારે ભાવતાલ કરીને એની ખરી મહેનતની કમાણી પર કાપ મૂકવામાં કઇ સજ્જનતા? આજે પણ મારાં બાળકોને મારો આવો વારંવાર સાંભળેલો. ડાયલોગ યાદ હોય, તો નવાઇ નહીં!
વર્ષો પહેલાં વડોદરાના ફત્તેહગંજ વિસ્તારમાં રહેવાનું બનેલું. મારાં બધાં પાડોશીઓ ખ્રિસ્તી હતાં. એમના સહજ સંપર્કને કારણે હું ઇસુનો ભક્ત બની ગયો. બરાબર યાદ છે. લખવાની ટેવ પડી ન હતી, તેથી નવરાશનો વૈભવ અઢળક રહેતો. શાકભાજી લેવા માટે ત્યાંની બજારમાં જતો, ત્યારે શાકવાળીને ગંભીર વદને એક વાત કહેતો:
‘બહેન! તારે જે ભાવ લેવો હોય, તે લેજે પરંતુ ચીકુ, સફરજન કે ભીંડા સારા આપજે. ઘરે બહેનનો સ્વભાવ આકરો છે. જો શાકભાજી ખરાબ હશે, તો મારે વઢ ખાવી પડશે.’
માનશો? આવું નાટક કદી પણ નિષ્ફળ જતું નહીં. શાકભાજી વેચનાર ભોળી સ્ત્રી મને સારો જ માલ આપતી. પૈસા વધુ ખર્ચાતા, એટલે મને બજારમાં જવાનું કામ સોંપવાનું બંધ થઇ ગયેલું, તે નફામાં! પતિપ્રધાન સંસ્કૃતિ આવાં નાટકો કરતી હોય છે.
એક વાત પૂછવી છે: ગરીબ માણસ સાથે ક્રૂર બનીને ભાવતાલ કરવાથી મહિને કેટલા રૂપિયા બચે? આવો ભાવ વિનાનો તાલ કરવાથી કેટલા રૂપિયા વધારે ખર્ચાય? અમદાવાદીઓને આ બે પ્રશ્નો નકામા જણાશે. જીવનભર મેં આવો ભાવતાલ કરવાનું આગ્રહપૂર્વક ટાળ્યું છે. મુંબઇની સબર્બ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે મારા ચકચકતા બૂટને પણ પોલિશ કરાવવા માટે આપ્યા છે. વળી પોલિશ કરનાર છોકરાને બેને બદલે રૂપિયા પાંચ આપ્યા છે. એ વખતે છોકરો જે સ્મિત આપે, તેમાં જ કૃષ્ણનું સ્મિત ભાળ્યું. સાચું કહું? એમ કરવાની ખરી પ્રેરણા મને ‘બૂટપોલિશ’ ફિલ્મમાંથી મળેલી. હજી મારા કર્ણમૂળમાં એ ફિલ્મની પંક્તિઓ સચવાયેલી છે.
સાંભળો:
યતીમોં કી દુનિયા મેં હરદમ અંધેરા, યહાઁ ભૂલ કર ભી ન આયા સવેરા.
ગરીબી તો દૂર થશે ત્યારે થશે, પરંતુ સામે ઊભેલા લાચાર આદમીને જોઇને પણ, જો આપણી કઠોરતમ સોદાબાજી પીગળવાની ન હોય, તો તીર્થયાત્રા, પૂજાપાઠ અને કર્મકાંડ વ્યર્થ જાણવાં. નિયતિના ખેલને કારણે સામે ઊભેલા લાચાર મનુષ્યને જોઇને આપણને એમ લાગવું જોઇએ કે: હું એની જગ્યાએ હું ઊભો હોઉં તો!
આવી નિર્લજ્જ સોદાબાજીથી ભદ્ર આદમીને માલિક દૂર રાખે એવી પ્રાર્થના. આમીન!
પાઘડીનો વળ છેડે મચ્છરો તો ગાયની આંચળ પર બેસે તોય, દૂધ નહીં , પરંતુ લોહી જ પીવાના! – મલયાલમ ભાષાની કહેવત
આ લેખમાં ગુજરાતના જાણીતા ચિંતક,લેખક અને કેળવણીકાર પદ્મશ્રી ગુણવંત શાહ દેશમાં ગંદકી દુર કરવાની ખુબ જરૂરિયાતની વાત કરે છે અને આ વાતને આંદોલનની જેમ ઉપાડી લેવાની સલાહ આપે છે.
એમની દ્રષ્ટીએ ગંદકી એ એક રાષ્ટ્રીય રોગ છે.બાહ્ય રીતે જે ગંદકી દેખાય છે એ મનની ગંદકીની પેદાશ છે.પ્રથમ મનનો કચરો સાફ કરવો જોઈએ.જો તન સ્વચ્છ હશે પણ મન સ્વચ્છ નહી હોય તો એથી બહુ ફેર નહિ પડે.મનની સફાઈ કરવા બીજું કોઈ નહીં આવે. એ તો આપણી જાતે જ કરવી પડે.જ્યાં સ્વચ્છ તન,સ્વચ્છ મન ત્યાં જ છે પ્રભુનો વાસ.
વિનોદ પટેલ
આપણો રાષ્ટ્રીય રોગઃ ગંદકી … પદ્મશ્રી ગુણવંત શાહ
એક જમાનો હતો જ્યારે આપણી નિશાળોના ઇન્સ્પેકશન
માટે અંગ્રેજ અધિકારીઓ ગામડે જતા. એ ઇન્સ્પેકટરો નિશાળમાં પ્રવેશે કે સૌ પ્રથમ
સંડાસની મુલાકાતે જતા. એમ કરવામાં તર્ક એટલો જ કે જો નિશાળમાં સંડાસ સ્વચ્છ હોય તો
બાકીનો બધો વિસ્તાર સ્વચ્છ જ હોવાનો. આજે પણ છાતી ઠોકયા વગર એટલું જરૂર કહી શકાય
કે કોઈ પણ કોન્વેન્ટ સ્કૂલમાં સંડાસ સ્વચ્છ હોવાનાં જ.નિશાળના આચાર્યની સુરુચિ કઈ
કક્ષાની છે તે જાણવાની ચાવી નિશાળના સંડાસની હાલત કેવી છે તે જોવામાં રહેલી છે.
સમાજના છેક છેવાડેના માણસ પ્રત્યેની કરુણાથી
પ્રેરાઈને રસ્કિને એક શકવર્તી પુસ્તિકા લખીઃ અનટૂ ધિસ લાસ્ટ. ગાંધીજીને એ
પુસ્તિકામાંથી અંત્યોદય(સર્વોદય)ની પ્રેરણા મળેલી. સંડાસનું સ્થાન ઘરોમાં અને
જાહેર સંસ્થાઓમાં ‘અનટુ ધિસ લાસ્ટ‘ જેવું જ ગણાય. ડ્રોઈંગરૂમની સ્વચ્છતા
પરથી ઘરની ખરી સ્વચ્છતાઓ ખ્યાલ ન બાંધી શકાય. એ માટે તો બાથરૂમ ટોયલેટની બારીના
ત્રાંસા કાચના પટ્ટાઓ પર બાઝેલી ધૂળ જોવી પડે. ડ્રોઈંગરૂમમાં તો સ્વચ્છતાનો દંભ
ખાસ્સો રૂપાળો હોય છે. ફૂવડ ગૃહિણી પણ આગલો ઓરડો સાવ ગંદો નથી રાખતી.
Dr.Gunvant Shah
પરદેશોમાં વસેલા ભારતીય ભાઈબહેનો વતન પ્રત્યેના
ખેંચાણને કારણે બેપાંચ વર્ષે એકાદ વાર ભારત આવી પહોંચે ત્યારે દેશની સરેરાશ
અસ્વચ્છતા અને ગંદાં સંડાસ બાથરૂમોથી ત્રાસી ઊઠે છે. એમનાં સંતાનો માટે તો આપણને
સદી ગયેલી ગંદકી બિલકુલ અસહ્ય બની રહે છે. જાહેરમાં અટવાતી રાષ્ટ્રીય ગંદકીને
કારણે પર્યટકો દ્વારા પ્રાપ્ત થતું વિદેશી હૂંડિયામણ કેટલા ટકા ઘટી જાય તે અંગે
સંશોધન થવું જોઈએ.
જ્યાં આપણે નાક દબાવીને દુર્ગંધથી બચવાના
નિષ્ફળ ફાંફાં નથી મારતા,
ત્યાં પરદેશીઓ નાકે રૂમાલ દબાવી રાખે
ત્યારે એમની દયા ખાવામાં પણ થોડીક શરમ ભળેલી હોય છે.ગંદકી આપણો રાષ્ટ્રીય રોગ છે.
ઉભરાતી વસતી, ગરીબી અને લાપરવાહીને કારણે દેશમાં
ગંદકીને નિરાંત છે. ધીરે ધીરે ગંદકી પ્રત્યેની સૂગ ઘટતી જાય છે. ગંદકી સ્વીકાર્ય
બની જાય ત્યારે એને દૂર કરવાની ઇચ્છાશકિત જ મરી પરવારે છે.
લોકો ખૂબ ખાય છે. દેશમાં ભૂખમરો અને અપચો કાયમ
હસ્તધૂનન કરતા જ રહે છે. સુખની પીડા બદહજમી દ્વારા પ્રગટ થતી હોય છે. કલાકો સુધી
ખુરશીમાં પોટલું થઈને બેસી રહેનાર પ્રત્યેક કર્મચારી અને ચાલવાની ખો ભૂલી ગયેલી
પ્રત્યેક સુખી ગૃહિણી કેલરીના વિપ્લવથી પીડાય છે. કેલેરીનો વિપ્લવ એટલે પેટની ગરબડ
અને અતિ આહાર વચ્ચે થતા લફરાને કારણે જન્મેલા વાયુનો પ્રકોપ.
કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના માત્ર ખરબચડા
અવલોકનને આધારે કહી શકાય કે સરેરાશ હિંદુ જરૂર કરતાં બમણી કેલરી પેટમાં પધરાવે છે.
સરેરાશ મુસલમાન જરૂર કરતાં ત્રણ ગણી, સરેરાશ પંજાબી જરૂર કરતાં ચાર ગણી અને સરેરાશ અશ્વેત અમેરિકન પાંચ
ગણી કેલરી પેટમાં પધરાવે છે.
દુનિયામાં પ્રવર્તતા ભૂખમરાનું ખરું કારણ અન્નનો
અભાવ નથી, પરંતુ લોકો પચાવી શકે તેના કરતાં વધારે
ઝાપટે તે છે. ઘણા ખરા લોકોને શું ખાવું, કેટલું ખાવું,
કયારે ખાવું અને કેટલી વાર ખાવું તેનું
ભાન જ નથી હોતું. ચીની કહેવત પ્રમાણે તેઓ દાંત વડે પોતાની કબર ખોદતા રહે છે.
ગાંધીજી કહે છેઃ ‘જેવો આહાર તેવો આદમી’. પોતાના આહાર અંગે જરા જેટલી પણ સમજણ ન
ધરાવતા ડૉકટરો તમે નથી જોયા? તેઓ
દર્દીને કેવળ દવાઓ આપી શકે,
આરોગ્ય માટેનાં સલાહસૂચનો આપવાનું
તેમને ન પાલવે. અંધશ્રદ્ધાળુ પ્રજાનો લાભ કેવળ મહંત મુલ્લાઓ જ નથી ઉઠાવતા, એમના પછી ક્રમશઃ ડૉકટરોનો, વકીલોનો, શિક્ષકોનો અને સેવકોનો નંબર લાગે છે. ભારત દેશના સામાન્ય નાગરિકનો
જન્મ જ અસામાન્ય ગણી શકાય તેવી છેતરપિંડીનો શિકાર બનવા માટે થયેલો જણાય છે.
મનની ગંદકીનું શું? રામકૃષ્ણ, મહાવીર અને બુદ્ધના આ દેશમાં
મેલા મનના અને બનાવટી વાણીના માલિકોની વસતીનું પ્રમાણ વિકરાળ છે. નિખાલસતા દોહ્યલી
બની જાય તેવી દંભી આબોહવામાં લોકો ચાવવાના અને બતાવવાના દાંત વચ્ચેના તફાવત માટે
અમથા હાથીને લાવે છે. આપણા સમાજમાં શરાબ ઢીંચનારો પ્રધાન દારૂબંધી પર પ્રવચન કરે
તો તેને કોઈ ન પડકારે. એ જ રીતે અંદરથી રંગીન એવો વાસનાયુકત ધર્મોપદેશક પણ
બ્રહ્મચર્યની બડી બડી વાતો કરી શકે છે.
નિખાલસતાને જ્યાં સાહસનો દરજ્જો પ્રાપ્ત થાય
ત્યાં દંભ રૂપાળો બની રહે છે.કેટલાય સેવકોને અંદરથી ખતમ કરવા માટે એક મહાન શબ્દ
જવાબદાર છેઃ ‘બ્રહ્મચર્ય’. આ એક જ શબ્દના ખાનગી અત્યાચારોનો કોઈ
પાર નથી. કેટલાય આશ્રમોમાં આ એક શબ્દે પ્રચ્છન્ન આતંક મચાવ્યો છે. આપણે ત્યાં
અપરિણીત વ્યકિતને ‘બ્રહ્મચારી’ કહેવાનો કુરિવાજ છે. કો’ક અટલ બિહારી વાજપેયી જ જાહેરમાં કહી
શકે છેઃ ‘મૈં અપરિણીત હૂં, મગર બ્રહ્મચારી નહીં હૂં’. હજી સુધી કોઈ સેવક કે સાધુએ આવી હિંમત
બતાવી નથી. જરા જુદા સંદર્ભે આવી હિંમત બતાવનાર એક મહાન સેવક થઈ ગયા અને તે હતા
ઠક્કરબાપા.
નિખાલસતાની વાત કરતી વખતે બે મહાનુભાવોનું
સ્મરણ પજવે તેવું છેઃ સરદાર ખુશવંત સિંહ અને અમૃતા પ્રીતમ. બંનેમાંથી કોઈ વ્યકિત
મહાત્મા નથી. એ બંને જણ સતવાદીનાં પૂંછડાં નથી. તેઓ જે કંઈ લખે તેમાં નિખાલસતાનો
રણકો હોય છે. એ રણકો ગાંધીના કુળનો છે, પરંતુ ગાંધીની કક્ષાનો નથી. ખુશવંત કે અમૃતા કોઈ વાત કરે કે લખે તો
ભાવકો એક વાતની ખાતરી રાખી શકે કે તેઓ કદી પોતે છે તેના કરતાં વધારે સારાં
દેખાવાની કોશિશ નહીં કરે. તેઓ જેવાં છે, તેવાં વાચકો સમક્ષ પ્રગટ થઈ શકે છે. ઘણાખરા સાધુઓ અને સેવકોને નિખાલસ
બનવાનો વૈભવ પોસાય તેમ નથી.
કોઈ ગણિકા નિખાલસ બની શકે છે, પરંતુ કોઈ દંભી સાધુ કે સેવક એવું
પરાક્રમ નહીં કરી શકે. આપણે ત્યાં ‘ન પકડાઈ ગયેલા’ ઉપદેશકોની
સંખ્યા માનીએ તેટલી ઓછી નથી. જેઓ અપ્રમાણિક છે, તેઓ કદાચ વધારે મોટા અવાજે પ્રામાણિકતા પર બોલતાલખતા રહે છે. માનવીય
નબળાઈઓ માટે સામાજિક કક્ષાએ પણ કોઈ પ્રકારના ઉત્સર્ગતંત્રની જરૂર રહે છે.
ટૉલ્સટૉય વેશ્યાગૃહોના હિમાયતી હતા. તનના
ઉત્સર્ગ માટે સંડાસ અનિવાર્ય છે. મનના ઉત્સર્ગ માટે નિદોર્ષ મનોરંજન પણ એટલું જ અનિવાર્ય
છે. કહે છે કે જો ફૂટબોલની રમત ન હોત તો અમેરિકામાં હિંસાના ગુના ઘણા વધી ગયા હોત.રમતમાં થતી હરીફાઈ, હારજીત અને પોતીકાપારકાની ચડસાચડસી
હજારો પ્રેક્ષકોના રાગદ્વેષનો, ક્રોધનો
અને લડવાની વૃત્તિનો ઉત્સર્ગ બહાર કાઢી નાખે છે. મનના કચરાના યોગ્ય નિકાલ માટેની
વ્યવસ્થા ન હોય તેવો સમાજ સડે છે. આંખે ન ચડે તે માટે સડી ગયેલા લાકડા પર લોકો
સનમાયકા ફોરમાઇકા ચોંટાડે છે. સરેરાશ નાગરિકના માનસિક આરોગ્ય માટે કોઈ જ આયોજન
થતું નથી. ઠેર ઠેર માનસિક રુગ્ણતાના ઉકરડા જોવા મળે છે. કયાંક સ્વસ્થ મનનો માણસ
જડી આવે તો તીર્થસ્થાન પામ્યાનો ભાવ જાગે છે. સમાજમાં માનવતીર્થો ટકી રહે તે ખૂબ
જરૂરી છે.
(અમદાવાદના ‘’ધરતી’’માસિક ના માર્ચ -૨૦૧૯ ના
અંકમાંથી સાભાર)
વિદેશોમાં ભારતની છાપ ગરીબી, ગોટાળા, ગીર્દી અને ગંદકીના દેશ તરીકેની જે છે એમાં સુધારો લાવવા હાલની મોદી સરકાર શક્ય એટલા બધા જ પ્રયત્નો કરી રહી છે. દેશમાંથી ગંદકી નાબુદી માટે અગાઉની સરકારોએ ખાસ બહુ કર્યું ન્હોતું એ કમનશીબ હકીકત છે.
આજથી પાંચ વર્ષ પહેલાં નવી મોદી સરકારે સત્તાનો
દોર સંભાળ્યો ત્યારે દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરુ કરતાં વડા પ્રધાન મોદીએ મહાત્મા ગાંધીની ૨૦૧૯માં આવતી ૧૫૦મી જન્મ જયંતી
સુધીમાં દેશને સ્વચ્છ બનાવવાની દેશવાસીઓને હાકલ કરી હતી.
દેશમાં સ્વચ્છતા સ્થાપવાનું કાર્ય એ મોદી
સરકારનું એક અગત્યનું અભિયાન બની ગયું છે એ એક સારી વાત છે.સરકારના પ્રયત્નોમાં
સહકાર આપવો એ દેશ અને વિદેશમાં વસતા સૌ ભારતીયોની ફરજ છે .
અગાઉ ‘વિનોદ વિહાર’ ની “સ્વચ્છ ભારત અભિયાન” વિશેની તારીખ ૧૧-૧૩-૨૦૧૩ ની પોસ્ટ નંબર (583 ) માં ઘણાં બધાં ચિત્રો અને વિડીયો સાથે આ વિષે વિગતે વાત કરી હતી.
દેશમાં ચાલતા સ્વચ્છ ભારતના અભિયાનમાં અમિતાભ બચ્ચન જેવી દેશની લોક પ્રિય હસ્તીઓએ જોડાઈને ભારતને સ્વચ્છ રાખવા માટેનો સુંદર પ્રચાર કરી સહકાર આપી રહ્યા છે.
આ વિશેના એક ગીતનો વિડીયો નીચે પ્રસ્તુત છે.
स्वच्छ भारत अभियान पर गीत ।अमिताभ बच्चन और अन्य..
દેશમાં આજે સ્વચ્છતા વિષેની જાગૃતિની જે
જ્યોત જાગી છે એને બુઝાવા નહિ દેવાનો આ
વિડિયોનો સંદેશ ઘેર ઘેર પહોંચી જાય અને સૌ સરકારને સાથ અને સહકાર આપવા કટિબદ્ધ બને
એવી આશા રાખીએ! યાદ રહે ..
” ગોદ્ડીયો ચોરો”બ્લોગથી જાણીતા મિત્ર શ્રી ગોવિંદભાઈ પટેલ -જેસરવાકર એ એમને વોટ્સેપ પર મળેલ ”સીનીયર સીટીઝન તો એને રે કહીએ ” એ નામનું પેરડી કાવ્ય મને વોટ્સેપ પર ફોરવર્ડ કર્યું એ મને ગમી ગયું.
દરેક સીનીયર સિટીઝનને ગમી જાય એવી આ કાવ્ય રચના આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.
ગાંધીજીના પ્રિય ભજન ”વૈષ્ણવ જનનો તેને રે કહીએ ” એના પરથી રચિત આ પેરડી કાવ્ય વિ.વિ.ના વાચકોને પણ જરૂર વાંચવી ગમશે.
આ કાવ્યને એક રીતે જોઈએ તો એમાં સીનીયરો માટેની આચાર સંહિતા -Dos & Don’ts – જોવા મળે છે.
આ પેરડી કાવ્યને આગળ વધારી એમાં મેં મારી થોડી પંક્તિઓ એમાં ઉમેરી છે. શ્રી ગોવિંદભાઈ પટેલ જેવા સીનીયર શીઘ્ર કવિ મિત્રોને પ્રતિભાવ પેટીમાં આ કાવ્યને હજુ પણ આગળ વધારવા આમન્ત્રણ છે.
વિનોદ પટેલ
અજ્ઞાત કવિની સીનીયર સિટીજનની આચાર સંહિતા સમી પેરડી કાવ્ય રચના
આ પેરડી કાવ્યમાં મારો ઉમેરો….
શરીર વ્યાધિગ્રસ્ત હોય ત્યારે, એનાથી ના ડરતો રે મજબુત મનોબળથી દુખોનો સદા સામનો કરતો રે
જાણીતા બ્લોગ સંડે-ઈ-મહેફિલના સંપાદક શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સૌજન્યથી ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખક પદ્મશ્રી ડો.ગુણવંત શાહના પ્રસીદ્ધ પુસ્તક ‘કોલમ્બસના હીન્દુસ્તાનમાં’માંથી બીજું અને છેલ્લું અઠ્ઠાવીસમું પ્રકરણ વિનોદ વિહારના વાચકો માટે આજની પોસ્ટમાં સાભાર અને સહર્ષ પ્રસ્તુત છે.
આ બે પ્રકરણોમાંથી વાચકોને અમેરિકા વિશેની ઘણી જાણવા જેવી માહિતી લેખકની આગવી શૈલીમાં વાંચવાની મજા પડશે એવી આશા છે.
વિનોદ પટેલ
કોલમ્બસના હીન્દુસ્તાનમાં.. ડો. ગુણવન્ત શાહ
(પૃથ્વીનું પાદર અમેરીકા : અમેરીકાને હું પૃથ્વીનું પાદર કહું છું. અમેરીકાને ‘મેલ્ટીંગ પૉટ’ કહેવામાં આવે તે યોગ્ય છે. સમગ્ર વીશ્વની પ્રજાઓ અહીં આવીને રહી પડી છે અને સુખી થઈ છે. દુનીયાનાં અનેક ગામોમાં અમેરીકન ડૉલર પહોંચ્યા છે. આવી ઉદારતા અન્ય કોઈ દેશે બતાવી નથી.
(અમેરીકાને અબ્રાહમ લીંકન જેવા લીબરલ મહામાનવનો વૈચારીક વારસો મળ્યો છે. પરીણામે અમેરીકન પ્રજાને ખુલ્લા મનનો લોકતાંત્રીક મીજાજ પ્રાપ્ત થયો છે. સવારે ફરવા નીકળેલી અમેરીકન યુવતી, સામે મળેલા અજાણ્યા પરદેશીને સ્મીતપુર્વક ‘ગુડ મોર્નીંગ’ કહે છે. એવું સ્મીત અન્ય કોઈ દેશમાં જોવા ના મળે.
(અમેરીકામાં સમૃદ્ધીનાં દુષણો એવાં કે ગરીબીનાં દુષણોને પણ વટાવી જાય. ગરીબી અને સરમુખત્યારીનાં દુષણોથી ઘેરાયેલા દેશોની પ્રજાને, અમેરીકા ખેંચે છે અને ખેંચાયેલા અસંખ્ય લોકો ત્યાં કાયમી ધોરણે રહી પડે છે.
(આ પુસ્તક ચીલાચાલુ અર્થમાં પ્રવાસવર્ણન નથી. એમાં ‘તરણા ઓથે ડુંગર’ની માફક દરેક ઘટનાની પાછળ સંતાયેલી સમસ્યા કે વીશ્વની સંકુલ પરીસ્થીતીનું વીવરણ સહજ રીતે નીમીત્ત બનતું રહે છે. આવા ખાસ અર્થમાં આ પુસ્તકને ‘પ્રવાસ સમ્વેદન’ કહેવાની ગુસ્તાખી કરી છે. વાચકોને અમેરીકા સદેહે જઈને બધું જોવાની જરુર નથી. ત્યાં ગયા વીના પણ અમેરીકાને સમજી શકાય છે. આ પુસ્તક એવી સમજણને સંકોરે એવા આશયથી લખાયું છે.
૧૯૬૯માં ત્રીસ હજાર જેટલી ગ્રાહક સંખ્યા ધરાવતા ‘ભુમીપુત્ર’ સામયીકના તંત્રી સ્વ. કાંતીભાઈ શાહે જ આ લેખમાળાને ‘કોલમ્બસના હીન્દુસ્તાનમાં’ એવું આ શીર્ષક આપેલું. – ગુણવન્ત શાહ)
માણસ બધે સરખા ….પ્રકરણ : બે
ભારત છોડ્યું ત્યારે માળો છોડીને નીરવધી અને નીરાલમ્બ વીશ્વમાં ઉડવાનાં અરમાનવાળા પંખીના બચ્ચાને થાય એવો રોમાંચ અનુભવેલો. પાછા ફરતી વખતે માની મૃદુલ ગોદમાં લપાવા ઈચ્છતા જળકુકડીના બચ્ચાની ઝંખના પણ અનુભવેલી. પહેલા વીદેશપ્રવાસનો રોમહર્ષ જ કંઈ ઓર છે. મારો આ બીજો વીદેશપ્રવાસ હતો; પણ અમેરીકાની ધરતી પર પ્રથમ વાર પગ મુક્યાનો રોમાંચ હજી આજેયે યાદ છે.
અમેરીકામાં જે કંઈ જોયું, જાણ્યું અને માણ્યું તે પરથી વીશ્વની સમસ્યાઓ અંગેની સમજ પણ વધુ ઉંડી બની. એવીયે પ્રતીતી થઈ કે ભારતનું તટસ્થ–દર્શન પણ ભારત બહારથી વધુ સારી રીતે થઈ શકે છે. પોતાની માતા કેવી છે તે જાણવા માટે પણ બાળકે માતાના ગર્ભની બહાર આવવું પડે છે.
દુનીયામાં ગમે ત્યાં જાઓ, માનવની મર્યાદાઓનો તેમ જ માનવની સુજનતાનો પરચો બધે મળવાનો. જીવવાની ઢબ–છબમાં અને રીતરીવાજોમાં તફાવત દેખાય, તે ઉપરછલ્લો. પોપડો ઉખેડીને જોઈએ તો ઘણું બધું સરખું દેખાય. વળી કેટલીક વૃત્તીઓ દેશની આર્થીક અને સામાજીક પરીસ્થીતી સાથે પણ સંકળાયેલી છે. ખલીલ જીબ્રાને કહ્યું હતું તેમ, તમે ગીત ગાઓ તે ભુખ્યો માણસ પેટથી સાંભળે છે. પ્રામાણીકતાનાં ધોરણો પણ ગરીબી અને અમીરી સાથે સંકળાયેલાં છે. બાકી, માનવમન તો બધે જ સરખું. એટલે જ મોટા ભાગની આજની સમસ્યાઓ આંતરરાષ્ટ્રીય છે. ભુખ અને ભડકા વગરના વીશ્વ માટેની આધારશીલા પણ આ જ છે ને!
● માનવમન જો એક ન હોત તો આપણાં જાહેર પાયખાનાંઓમાં નજરે પડે તેવું, મનના મેલને વાચા આપતું ગંદું લખાણ, અમેરીકાનાં પાયખાનાંઓમાં પણ કેમ જોવા મળત?
● જો એમ ન હોત, તો સોરઠનો કોઈ ગામડીયો મહોબતથી કોઈ અજાણ્યા આગંતુકને દુધ–રોટલાનું શીરામણ કરાવે, તેમ કોઈ અમેરીકન, અગાઉ પોતે કદીયે ન જોયેલા પરદેશીને મોટરમાં ફેરવવાની અને ઘરે રાખવાની તસ્દી શા માટે લે?
● જો એમ ન હોત, તો ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ની સાંજે ગાંધીજીને ગોળી વાગી એ જાણી આંચકો અનુભવી પેલી અમેરીકન બાળકી, ભુખી શા માટે રહે ? અને ‘ગાંધી’ ફીલ્મ જોઈને અમેરીકન સ્ત્રીપુરષોની આંખમાં આંસુ શા માટે આવે ?
● જો એમ ન હોત, તો પસ્તી ખરીદનારો આપણને ત્રાજવાનો કસબ બતાવે તે જ રીતે, વૉશીંગ્ટનનો પેલો મીઠાબોલો દુકાનદાર બે વરસની ગૅરંટી સાથે બાર ડૉલરમાં જે ઘડીયાળ આપણને વળગાડે તેને બે મહીનામાં જ હાર્ટ એટેક કેમ આવે ?
● જો એમ ન હોત, તો માર્ટીન લ્યુથર કીંગનો રંગભેદ સામેનો અહીંસક સત્યાગ્રહ સફળ થાય ખરો ?
ટુંકમાં, એમ લાગ્યા વીના રહેતું નથી કે દેશપરદેશના સેઢા–સીમાડા ભુલી જઈએ તો અડધો જંગ જીતી ગયા જાણવો. ડૉ. ફાર્મરે કહેલી મજાક યાદ આવે છે. તેમણે કોઈ અમેરીકનને પુછ્યું, ‘તું તારી જાતને અમેરીકન કેમ ગણે છે ? પેલાએ જવાબ વાળ્યો, ‘હું અમેરીકામાં જનમ્યો છું માટે.’ ડૉ ફાર્મરે તરત સામે પુછ્યું : ‘બીલાડીનાં બચ્ચાં ઓવન(ભઠ્ઠી)માં જન્મે, તો તેને બીસ્કીટ કહેવાય કે ?’
પરીસ્થીતી જ એવી સર્જાતી જાય છે કે આખી માણસજાતને એક માનીને ચાલ્યા વગર હવે છુટકો નથી. શ્રીવરે કહેલું કે : ‘ભુખમરો એશીયાનો પ્રશ્ન છે, નીરક્ષરતા લેટીન અમેરીકાનો પ્રશ્ન છે અને ગરીબી આફ્રીકાનો પ્રશ્ન છે એવું કહી શકાય તેમ નથી. હકીકતમાં એ ‘આપણા’ પ્રશ્નો છે; કારણ કે તે માણસના પ્રશ્નો છે.’ ભુમીતી અને ગણીતના કોયડાઓ કોઈ એક રાષ્ટ્રના ન હો હોઈ શકે. વીજ્ઞાનના નીયમો કોઈ એક ભુખંડના ન હોઈ શકે.
સાપેક્ષતાનું સમીકરણ ‘E=mc2’ કોઈ એક દેશનું જ હોઈ શકે ? બળાત્કાર કોઈ એક દેશની સમસ્યા નથી. બધી જ પાયાની સમસ્યા મુળે માનવીય સમસ્યાઓ છે. પાયાની સમસ્યાઓના ઉકેલ સાવ છાપરીયા ન હોઈ શકે.
એકંદરે અમેરીકન પ્રજા ઘણી ઉમદા પ્રજા છે. સ્વભાવે જ એ લોકશાહી અને માનવ–સ્વાતંત્ર્યમાં શ્રદ્ધા રાખનારી છે. સામાન્ય અમેરીકન બીજાને મદદ કરવા તત્પર હોય છે. નીખાલસતા એની સંસ્કારમુડી છે. અમેરીકન સમાજનો સ્થાયીભાવ છે : ‘મુક્ત હરીફાઈ.’ એને એ લોકો સફળતાની ચાવી ગણે છે. આજે તો એ વીશાળ ઉપખંડ તથા તેની એકંદરે સમૃદ્ધ અને ખુલ્લા મનની પ્રજાને જોઈને જરુર થાય કે કોલમ્બસની મથામણ એળે નથી ગઈ.
અહીં એક બીજી લાગણી પણ સાથે જ નોંધી લેવી ઘટે. ત્યાંના સમાજમાં આપણને કંઈક અડવું અડવું પણ લાગે. ડેવીડ રીસમેને એક મઝાનું પુસ્તક લખ્યું. જેનું નામ છે : ‘ધ લોન્લી ક્રાઉડ’(એકલવાયું ટોળું). આ પુસ્તકમાં અમેરીકન સમાજના કેટલાક વીશીષ્ટ પ્રશ્નોની સમાજશાસ્ત્રીય છણાવટ થઈ છે. આજે મહાનગરોની ભરચક વસ્તીમાં માણસ સાવ એકલો છે. રમેશ પારેખ કહે છે તેમ : ‘પોતાની કડકડતી એકલતા લઈ, સૌ બેઠા છે ટોળાને તાપણે.’ થોડો વખત પણ ત્યાં રહેનારને આવો અનુભવ થયા વીના રહેતો નથી.
ન્યુ યૉર્કમાં વર્ષો પહેલાં વીજળીનો પ્રવાહ ખોટકાયો ત્યારે બનેલો પ્રસંગ છે. બહુમાળી મકાનના કોઈ મજલા પર રહેતા પાડોશીઓ એકબીજાને ક્યારેય મળ્યા ન હતા. અચાનક ગૃહીણીને ખ્યાલ આવે છે કે પડોશણને ત્યાં નવજાત શીશુ માટે કદાચ દુધ નહીં હોય. અંધારું પ્રગાઢ છે; પરન્તુ એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં દુધની વાટકી લઈને એ અજાણી પાડોશણને દરવાજે જઈ હળવા ટકોરા મારે છે. દરવાજો ખુલે છે અને નવજાત શીશુની માતા ગળગળી થઈને કહે છે : ‘આપણે અજવાળામાં ન મળી શક્યા; અધારામાં તો મળ્યાં!’
ન્યુ યૉર્કમાં આવો અંધારપટ છવાયો ત્યારે બીજો પ્રસંગ પણ બનેલો. એક આંધળી સ્ત્રી ફળીયામાં ચાલતી લુંટફાટ વચ્ચે સૌને મીણબત્તીઓ વહેંચતી રહી હતી અને કહેતી હતી : ‘મારે આ મીણબત્તીઓની જરુર નથી.’
મોટાઈના અણસાર વગર સામી વ્યક્તીનું અભીવાદન કરવાનું, અજાણ્યાનો કોઈક રીતે ભેટો થાય પછી તેને આત્મીય ગણવાનું અને સામેની વ્યક્તીતાને માન આપવાનું અમેરીકનોને ગમે છે. એમની નીખાલસતા અને ઋજુતા આપણને સ્પર્શે જ. અમેરીકા વીસ્તારમાં મોટો હોવા છતાં વસ્તારી ન ગણાય. વીસ્તારના પ્રમાણમાં વસતી ઘણી ઓછી. અહીંની પ્રજા અજાણ્યાને સ્મીત કરી બોલાવે; ફાંફાં મારનારને ‘હું તમને મદદ કરી શકું?’ – કહી સહાય કરે; સામાવાળાની વાત સાથે અસમ્મત થાય તોય મોં નહીં બગાડે; પરદેશીને પ્રેમથી જમાડે અને ફેરવે.
મારો મીત્ર કીમ સીબલી હાલ ઓહાયો યુનીવર્સીટીમાં છે. એન આર્બરમાં એને ત્યાં જમવા ગયેલો ત્યારે એણે કનૈયાલાલ મુનશીની ‘તપસ્વીની’ નવલકથાનો અંગ્રેજી અનુવાદ વાંચવા આપેલો. એ અનુવાદ શ્રી એચ. એમ. પટેલે કર્યો હતો. કીમની દીકરીનું નામ છે આનંદી. કીમને હીન્દી આવડે છે અને એને ભારતમાં ખુબ રસ છે.
અમુક કામ કરવાને કારણે કોઈ માણસ ઉંચો કે નીચો બનતો નથી. પુરુષાર્થથી તદ્દન છેવાડેનો માનવી પણ ટોચ સુધી પહોંચી શકે છે એવાં અનેક ઉદાહરણો છે. પ્રમુખ લીંકનનો જન્મ લાકડાની કોટડીમાં થયેલો અને એનું બાળપણ લાકડાં ફાડવામાં અને ગામેગામ ભટકવામાં વીતેલું. બેન્જામીન ફ્રેન્ક્લીન ફેરીયો હતો. થોમસ જેફરસન બીબાં બનાવતો હતો. પ્રમુખ જ્હોન એડમ્સ ખેડુતનો દીકરો હતો. હર્બર્ટ હુવર અને પ્રમુખ આઈઝનહોવર લુહારના દીકરા હતા. જાણીતી ફાઈવ–સ્ટાર હૉટલોની આંતરરાષ્ટ્રીય ચેઈન ‘હીલ્ટન હૉટલ’નો માલીક સાવ સામાન્ય કક્ષાએથી શરુ કરીને પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચેલો. હીલ્ટન હૉટલોમાં દરેક રુમમાં એની આત્મકથા રાખેલી હોય છે; ગ્રાહકોને મફત લઈ જવાની છુટ સાથે. પ્રમુખ ટ્રુમેન ખેડુતનો દીકરો હતો. પ્રમુખ જોન્સન ખેડુતનો દીકરો હતો અને એક જમાનામાં એમણે વાળંદની દુકાનમાં નોકરી કરેલી. આમ, અમેરીકન મુડીવાદ સમાજવાદનો સાવકો ભાઈ છે; શત્રુ નથી.
દુનીયા નાની થતી જાય છે અને માણસો નજીક આવતા જાય છે. ભૌગોલીક રીતે જુદા રહેનારાઓ પણ ઈલેક્ટ્રોનીક્સને કારણે એક થઈ રહ્યા છે. ટેલીફોન, ટીવી, રેડીયો, વીડીયો અને ઈન્ટરનેટ દ્વારા માણસો નજીક આવી રહ્યા છે. જીન્સનાં જાડાં ખરબચડાં અને થીંગડાંવાળાં પાટલુનો જગતભરના માલદાર તથા ગરીબ યુવકયુવતીઓને એકસુત્રે બાંધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય યુવાસંસ્કૃતીનો ઉદય થઈ રહ્યો છે.
અને છતાં; ત્રીજા વીશ્વના દેશોમાં ગરીબી, ભુખમરો, નીરક્ષરતા અને રોગ દુર થતાં નથી. દુનીયાની માત્ર છ ટકા વસતી ધરાવનાર અમેરીકા કુલ વૈશ્વીક ઉર્જાના છત્રીસ ટકા વાપરી ખાય છે. સામ્રાજ્યવાદી શોષણને હવે રાજકીય સામ્રાજ્યની જરુર નથી; કોકા કોલા જેવી મલ્ટીનેશનલ પેઢીઓ જ પુરતી છે. ગરીબ દેશો અમેરીકાને રવાડે ચડે છે અને ખુવાર થાય છે. માણસનાં અરમાન ઓછાં નથી અને એની સમસ્યાઓ પણ અપાર છે.
NRI મીત્રોને …છેલ્લું પ્રકરણ : ૨૮
અમેરીકા વારંવાર જવાનું થયું. કેટલાં ઘરોની રસોઈ જમ્યો ? કેટલાં ઘરોનું પાણી પીધું? કેટલાં ઘરોના બાથરુમ્સમાં સ્નાન કર્યું? કેટલા યજમાને પ્રેમથી રાખ્યો? લગભગ બધાં રાજ્યોમાં ફર્યો. કેટલાંક ઘર તો મને મન્દીર જેટલાં પવીત્ર જણાયાં! સંસ્કૃતમાં મન્દીર એટલે જ ઘર !
એન.આર.આઈ. મીત્રો અતી સ્નેહાળ અને ક્યારેક અતી શ્રદ્ધાળુ જણાયા. કેટલાક દેશી મહેમાનો એમને લાગણીમાં તાણીને છેતરે પણ છે. એ સૌમાં સાહીત્યકારો મોખરે છે. મારી ટેવ જુદી હતી. હું મીત્રોના ફોન પરથી મારા ઘરે ફોન કરી શકું તે માટે પ્રી–પેઈડ કાર્ડ કાયમ રાખતો. મારાં પુસ્તકોનાં વેચાણમાંથી મળેલા ડૉલર મોજથી ખર્ચતો. પુરસ્કારમાં મળતો એક પણ ડૉલર મારા ઘરમાં પ્રવેશ પામ્યો નથી. હજારો ડૉલર્સ મીત્રો સીધા જ ત્યાંથી કોઈ આદીવાસી સેવાસંસ્થાને મોકલી આપતા. એ કામ મીત્ર પોપટભાઈ સાવલા કરતા અને તેનો હીસાબ પણ રાખતા. ભગવાનની કૃપાથી મારી આર્થીક સ્થીતી એવી હતી કે અન્યની ઉદારતા પ્રત્યે ઉદારભાવ થાય.
બરાબર યાદ છે, હું પ્રથમ વાર લોસ એંજલ્સ જઈ રહ્યો હતો. ડૉ. વીક્રમ વકીલ મારા યજમાન(Host) હતા. તેઓ એરપોર્ટ પર લેવા આવ્યા. એમની ભદ્રતા મને ગમી ગયેલી. એરપોર્ટની બહાર આવ્યા ત્યાં એમની સાથે જ આવેલા વલ્લભભાઈ ભક્તને બતાવીને બોલ્યા : ‘ગુણવન્તભાઈ, આજનો દીવસ તમારે મારા આ મીત્ર વલ્લભભાઈને ત્યાં રહેવાનું છે. કાલે હું તમને લેવા આવીશ. આટલું સાંભળીને હું તો નીરાશ થઈ ગયો ! આવા ગામડીયા સુરતીને ત્યાં મારો વખત કેમ જશે? કારમાં બેઠા ત્યારે વલ્લભભાઈએ બોલવાનું શરુ કર્યું : ‘ગુણવન્તભાઈ, હું વર્ષોથી ‘નવનીત– સમર્પણ’ વાંચું છું. એમાં તમારી લેખમાળા ‘આપણે પ્રવાસી પારાવારના’ કાયમ વાંચું છું. મને વાંચવાનું બહુ ગમે હોં !’ મારી અડધી નીરાશા ખરી પડી. અમે એમની મોટેલ પર પહોંચ્યા. મોટેલ નાની; પણ દીલ મોટું! અમે કાયમી મીત્રો બની ગયા! ગુજરાતના ઘણાખરા સાહીત્યકારો એમને ત્યાં જ ઉતરે છે; લાભશંકર ઠાકર, સીતાંશુ યશશ્ચન્દ્ર, ભગવતીકુમાર શર્મા ઈત્યાદી. આવો પેટછુટો અને દીલછુટો અસ્સલ સુરતી મળવો મુશ્કેલ!
જે મીત્રો વાંચવાનું ચાલુ રાખે છે તે સૌ જુદા પડી આવે છે. વળી, આદરણીય મોરારીબાપુના ભક્તો પણ જુદા પડી આવે છે. અમેરીકાનાં હજારો ઘરોમાં બાપુને કારણે માતૃભાષા, નીર્વ્યસનીપણું અને રામાયણની સુગન્ધ ટકી રહી છે. આવાં કેટલાં ઘરો અમેરીકામાં હશે? એમની ભલમનસાઈનો ગેરલાભ લેનારા લોકોને હું બરાબર ઓળખું છું. આવા શ્રદ્ધાળુ લોકોને હોંશે હોંશે છેતરાતા જોયા છે. ભલા અને શ્રદ્ધાળુ યજમાનને છેતરતા દુષ્ટ લોકોને હું માફ નથી કરી શકતો. જય સીયારામ!
NRIની મારી મૌલીક વ્યાખ્યા આવી છે.
NRI એટલે ‘એવો મનુષ્ય, જે સહજપણે ઈન્ડીયા પાછો ફરે છે.’(One who ‘Naturally Returns to India’) આવું પાછા ફરવાનું શારીરીક કે ભૌગોલીક નથી હોતું. એવું પાછા ફરવાનું મનોવૈજ્ઞાનીક અને ક્યારેક મનો–આધ્યાત્મીક હોય છે. આવા વહાલા અને ઉમળકે ભરેલા, સૌ NRIઓને હું વંદન પાઠવું છું.
તેઓ ભારતમાં ઘરે મળવા આવે ત્યારે મને મામા કે માસી મળવા આવ્યાં હોય એવું લાગે છે. આ લખું છું ત્યારે મનમાં કોઈ મેલ નથી. હું સ્વભાવે સુરતી છું તેથી મનમાં મેલ રાખવાનું મને નહીં ફાવે!
અન્તે આ પ્રવાસ–સમ્વેદન મારી એક કવીતા દ્વારા પ્રગટ કરું ? સાંભળો :
નથી કશુંય અષ્ટંપષ્ટં, નથી કશુંયે ગોળ ગોળ, નથી કોઈની શેહશરમ, નથી રે કોઈ ભેદભરમ! હૈયું તેવું હોઠે રે મનવા, લાગ્યું તેવું લખ્યું રે મનવા, માહ્યલો જેમાં બનતો રે કાજી, રામજી એમાં રાજી રે રાજી,
ગરવા ગુણવન્તા ગુજરાતી રે ભૈ, સદાય રહેજે ઉજળો થૈ, પૃથ્વી પર તું જ્યાં જ્યાં વસે, મુખડું તારું મીઠું હસે!
વાચકોના પ્રતિભાવ