દિવાળી યા દીપાવલીએ હિન્દુ ધર્મમાં ઘણાં વર્ષોથી ઉત્સાહથી મનાતો આવતો એક મહત્વપૂર્ણ લોક તહેવાર છે .
વાઘ બારશથી શરુ કરી ધનતેરશ, કાળી ચૌદસ , દિવાળી , બેસતું -નવું વર્ષ, ભાઈ બીજ,લાભ પાંચમ સુધીના દિવસો સુધી ચાલતો લોક ઉત્સવ અને આનંદનું પર્વ એટલે દીપોત્સવી પર્વ.અમાસના અંધકારમાં શરુ થતું દીપોત્સવી પર્વ એ તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ છે .
દિવાળી પર્વ વિષે જાણીતા કવિ શ્રી અનીલ ચાવડાની મને ગમતી આ રચના એમના આભાર સાથે માણીએ .
લ્યો આવી ગઈ દિવાળી………– અનિલ ચાવડા
લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને, ચહેરા ઉપર ફૂલઝડી સમ ઝરતું સ્મિત લઈને; કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ… આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો, ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ-લકીરો; ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ? આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
– અનિલ ચાવડા
દિવાળી પર્વ અંગે મેં અગાઉ લખ્યું હતું એમ દિવાળી આવે એટલે સાપ ગયા અને લીસોટા રહ્યા એ કથન મુજબ ચીલા ચાલુ રીતે એને ઉજવીએ એ પુરતું નથી.દિવાળીમાં ઓછા નશીબદાર માણસો પ્રત્યે તમારામાં હમદર્દી ,લાગણી કે સંવેદના અને પ્રેમ જો જાગે તો એ સાચી દિવાળીની ઉજવણી કહેવાય.
જે લોકો એમના જીવનની સફરમાં એકલા પડી ગયા છે, ભટકી રહ્યા છે એમની સાથે પ્રેમથી વાત કરીએ,એમની આંખોની ઉદાસી દુર કરી એમની આંખોમાં ખુશીની ચમક ભરીએ.જે લોકો એમના હૃદયમાં વરસો જુના ઘાવ લઈને ફરે છે એમને અહમને દુર કરીને મળીને એમને શેની પીડા સતાવે છે એ સમજી લઈએ અને દિવાળી –બેસતા વર્ષના આ તહેવારોમાં એમની સાથેની કોઈ પણ પ્રકારની ગેર સમજ હોય તો દુર કરવા પ્રયત્ન કરીએ તો કેવું !
જેમણે તમને એમની જાતથી વધુ ચાહ્યા છે એવાં મા-બાપ કે અન્ય વડીલોને આદરથી નમન કરી એમનો ચરણ સ્પર્શ કરી દિવાળીમાં એમના આશીર્વાદ પામીએ તો ખરી દિવાળી-નવું વર્ષ ઉજવ્યું કહેવાશે.
સૌથી વધુ તો દિવાળીમાં બહાર અનેક દીવડાઓ પ્રગટાવી એનો પ્રકાશ જોઇને તમે રાજી થાઓ એ પુરતું નથી.તમારા અંતરમાં પડેલું અજ્ઞાનનું અંધારું દુર કરી ત્યાં જ્ઞાનનો દીપક જલાવી એના સાત્વિક પ્રકાશથી તમે ભીતરમાં ના ઝળહળો ત્યાં સુધી ખરી દિવાળી ઉજવી ના કહેવાય.
ઓશોએ પણ કહ્યું છે કે ”દિવાળીનો દીપક અને એનો બહારનો પ્રકાશ કેટલો મનોહર લાગે છે !પરંતુ મનુષ્યની અંદર પડેલું અંધારું એ દુર કરી શકતો નથી !ભીતરમાં ધ્યાનની રોશની જો પ્રગટે તો જિંદગીનો હરેક દિવસ દિવાળી, દિવાળી જ છે.”
આ સંદર્ભમાં દિવાળી વિષે હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલએ ઈ-મેલમાં મોકલેલ અખાના ચાબખાઓની યાદ અપાવતી એમની આ કટાક્ષ રચનાને પણ સાભાર માણીએ.
દિવાળી!
કંઈ દિવાળીએા આવીને ગઈ !
સાપ ગયા ને લિસોટા રહ્યા ભઈ!
કંઈ દિવાળીએા આવીને ગઈ!
સાફ કરે સહું પોતાના ઘર
દિવો પ્રગટાવે અંધકાર પર
કપડાં સારા પહેરીને સૌ ફરે
બને વાનગીઓ સારી ઘરે ઘરે!
દિલની સાફસુફી કરવાની રહી,
કંઈ દિવાળીએા આવીને ગઈ!
પૂજન કરીને મેળવવું છે સુખ
દેવ દર્શનથી દૂર કરવું છે દુઃખ
મંદિરમાં જઈને પ્રદિક્ષણા ફરે
ભાથુ ભાવીનું આમ સૌ ભરે.
કૃપા પ્રભુની હજુ નથી રે થઈ,
કંઈ દિવાળીએા આવીને ગઈ!
સાફ કરે સૌ અંદરના ઘર
રાખે અમિ દ્રષ્ટિ સૌની પર
પ્રેમ પૂજન કરી મેળવે સુખ
દૂર કરે જે દુઃખીએાનું દુઃખ
શાંતિ ઘરની સૌની લૂંટાઈ રહી,
કંઈ દિવાળીએા આવીને ગઈ!
કે’વા જોઈએ ‘ચમન’ને સાચું
લાગે ભલે કોઈને કડવું ને ખાટું
હરિફાઈ ચાલી છે મંદિરોમાં જયાં
વાનગીઓ અનેક અન્નકૂટમાં ત્યાં!
ભગવાન ભાવનાનો ભૂખ્યો ભઈ!
કંઈ દિવાળીએા આવીને ગઈ!
૦ ચીમન પટેલ ‘ચમન’
દિવાળી પર એક ચિંતનાત્મક લેખ… સૌજન્ય/સાભાર … રીડ ગુજરાતી.કોમ
જીવનનું અને સમયનું ચક્ર એક સાથે સદા ફરતું જ રહે છે.નવા વરસ ના પ્રારંભે ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે.દરરોજ એક પછી એક કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.આમ એક વર્ષ એની અનેક યાદો પાછળ છોડીને પૂરું થાય છે અને નવી આશાઓ અને ઉમ્મીદો લઈને નવું વર્ષ હાજર થઇ જાય છે.
વરસના છેલ્લા દિવસ એટલે કે ૩૧મી ડીસેમ્બરની મધ્ય રાત્રીએ નવા વર્ષના થતા આગમનને લોકો હર્ષ, ઉલ્લાસ ,ઉમંગ અને ઉત્સાહથી મન ભરીને માણી અને ઉજવીને નવા વર્ષનું સ્વાગત કરે છે .
નવી આશાઓ અને ઉમ્મીદો લઈને આવેલ નવા વર્ષ ૨૦૧૭ નું સ્વાગત છે.
( મોટા અક્ષરમાં વાંચવા /જોવા માટે ચિત્ર પર ક્લિક કરશો.)
નવા વર્ષના સંકલ્પો …
નવા વર્ષની શરૂઆત હસીને કરીએ અને વર્ષ દરમ્યાન હસતા રહેવાનો સંકલ્પ કરીએ તો કેવું ?
જાણીતાં લેખિકા સુ.શ્રી.નીલમ દોશી અને હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલના નવા વર્ષના સંકલ્પો વિશેના વિનોદ વિહારમાં અગાઉ પ્રગટ નીચેના બે હાસ્ય લેખો બન્ને સાહિત્ય રસિક મિત્રોના આભાર સાથે આજની પોસ્ટમાં ફરી માણીએ.
નવા વર્ષના પ્રથમ દિવસે આ રાજકીય કાર્ટુન વિડીઓ માણો અને હળવા થાઓ.
વર્ષના દિવસોમાં પણ સદા હસતા અને હસાવતા રહીએ અને સૌના ચહેરા હમેશા હાસ્યથી ઝગમગતા રહે એવી હાર્દ્કિ સદ ભાવના
વાચક મિત્રો,
વિનોદ વિહાર બ્લોગમાં વર્ષ દરમ્યાન વાચકોને મારી સ્વ-રચિત અને અન્ય લેખકોનું મન પસંદ અને જીવન પોષક સાહિત્ય તથા રસ પડે એવી અન્ય સામગ્રી ચીવટથી મુકવાની મારી કોશિશ હોય છે. આ બધી પોસ્ટ અંગે આપના પ્રતિભાવો દર્શાવીને મને પ્રોત્સાહિત કરવા બદલ આપનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
આપ સૌ મિત્રો તરફથી આ અગાઉ મળ્યો છે એના કરતાં પણ વધુ સારો સહકાર નવા વર્ષ ૨૦૧૭ દરમ્યાન પણ મળતો રહેશે એવી આશા રાખું છું.
આપ સૌ મિત્રો માટે ભૂતકાળના વર્ષોની સરખામણીએ આ નવું વર્ષ બધી દ્રષ્ટીએ એક સર્વોત્તમ-શ્રેષ્ઠ વર્ષ બનીરહે અને આપના નવા વર્ષના જે કઈ પણ સંકલ્પો હોય એ ફળદાયી બને તેમ જ આજથી શરુ થતું નવું સંવત વર્ષ આપ સૌને સુખ, સફળતા ,તંદુરસ્તી ,આનંદ,સમૃદ્ધિ અને સંતોષ આપનારું સુંદરત્તમ વર્ષ બની રહે તેવી મારી હાર્દિક શુભ કામનાઓ છે.
You did not choose your date of birth, Nor do you know your last, So live this gift that is your present, Before it becomes your past. –Linda Ellis
જિંદગીના આ મેળામાં કોઈ દૈવ યોગે જ જીવન સાથી મળે છે અને સાથે આ મેળાનો આનંદ માણે છે અને કુટુંબની જવાબદારીઓ સાથે સંભાળે છે.કમનશીબે એવા સંજોગો સર્જાય છે કે બેમાંથી કોઈ એક સાથી વિદાય લઇ લે છે.પ્રિય પાત્રની વિદાયથી એકલો બની ગયેલ સાથી જીવનમાં એકલતા અને એક પ્રકારની મૂંઝવણ અનુભવે છે.શરીરમાં ઘર કરી ગયેલ કોઈ એક રોગની માફક દિલમાંથી યાદો પુરેપુરી જતી નથી.સમય સાથે કોઈ વાર ભૂલી જવાય પણ પાછી યાદ તાજી થઇ જાય છે.પેલા હિન્દી ગીતમાં આવેછે ને કે“જાને વાલે કભી નહિ આતે ,પર જાને વાલેકી યાદ તો જરૂર આતી હૈ !”
આજની પોસ્ટમાં પ્રસ્તુત શ્રી ચીમનભાઈના કાવ્ય “મૂંઝવણ “માં એમનાં જીવન સાથીની વિદાયની વિરહ વેદના અને એમના દિલની મૂંઝવણ છતી થાય છે એ સમજી શકાય એમ છે.જેને રામ બાણ વાગ્યાં હોય એ જ એને બરાબર જાણી શકે !કાવ્યને અંતે તેઓ કહે છે :
સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો; વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!
સ્વ.નિયંતિકાબેન સાથેની ચીમનભાઈની એક યાદગાર તસ્વીર
હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલ હાલ ૮૨ વર્ષની ઉંમરના છે પણ એક યુવાનની જેમ સક્રિય છે.ચીમનભાઈનો પરિચય અને એમની અન્ય સાહિત્ય રચનાઓએમના બ્લોગ “ચમન કે ફૂલ ” ની આ લીંક પર ક્લિક કરવાથી વાંચી શકાશે.
મૂંઝવણ ….. ચીમન પટેલ
અણસાર આંખનો થાતાં જડી વાટ મને તારી, ભરું છું ડગ ત્યાં ખસી રહી ભૂમી પગ તળે મારી! આવવું હતું જો અહીં તો ગઈ શું આમ ચાલી? કીધુ કાં ન, સરકી જવું’તુ દઈ મને હાથ તાલી!
તલસાવવા ધર્યો’તો શું ભરી ગ્લાસ પ્રિતનો? કદી હિંચકે બેસી કીધો વિચાર મુજ હિતનો? અબોલા લઈ અલબેલી થાય પરીક્ષા શું ઘેરી? વાયો છે વંટોળ વડીલોનો કે થયું છે કોઈ વેરી?
સમજાય ના મુજને મુખ ફેરવે કાં જોઈ તું મને? મૂંઝાઈ રહ્યું છે મન, થઈ ગયું છે પ્રિયે શું તને? સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો; વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!
ચીમન પટેલ “ચમન “
ચીમનભાઈ નું આ કાવ્ય ગુજરાતી ભાષાના જાણીતા બ્લોગ ” વેબ ગુર્જરી ” માં પણ પ્રગટ થયું છે.
આંખની પલકો પર કોઈ વાર આંસુ છે , મારા હોઠો પર કોઈક વાતની ફરિયાદ છે, છતાં ઓ જિંદગી તારી સાથે મને પ્યાર છે .
જગમાં આવે છે એને માટે જવાનું નક્કી છે, દુનિયા આગમન અને ગમનની જ કથા છે, જગમાં આવતો દરેક જણ એક મુસાફર છે, આ મુસાફરી એ જ જિંદગીનું બીજું નામ છે, મારા જીવનમાં પ્રકાશની મને ખુબ જરૂર છે, પણ મારા નશીબમાં અંધકાર જ લખાયો છે.
ભાગતી જિંદગી તું જરા થોભી જા,શ્વાસ લે, તારું દર્શન કરી તને જરા ઓળખી લઉં , પહેલાં કદી જોયા ના હોય એમને જોઈ લઉં, એમના તરફ મનભરીને મારો પ્રેમ દર્શાવી લઉં , ઓ જિંદગી મને છોડી રખે તું ભાગી જતી , મને આ સમયે ,અત્યારે, તારી ખુબ જરૂર છે.
કોઈ અજાણ્યો , એક માસુમ શો ચહેરો હાલ . મારી કલ્પનાઓ અને નજર સામે રમી રહ્યો છે, મારા આ ખામોશ રસ્તામાં કોની ઠેસ વાગે છે , ઓ મૃત્યુ આ સમયે તું મને ભેટવા ના આવીશ, મારી એકલતા જ મારે માટે એક સ્વર્ગ જ છે.
અનુવાદ- વિનોદ પટેલ,૨-૨૭-૨૦૧૬
જે હિન્દી ગીતનો અનુવાદ ઉપર છે એ હિન્દી ગીતને નીચેના વિડીયોમાં કિશોરકુમાર ના કંઠે સાંભળો અને માણો .
હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલએ એમના ઈ-મેલમાં કેટલીક ઉપયોગી ટીપ્સ મોકલી છે.
આ બધી ટીપ્સ ગૃહિણીઓ અને ગૃહસ્થોને માટે દૈનિક જીવનમાં ઉપયોગી થાય એવી હોઈ આજની પોસ્ટમાં ચીમનભાઈના આભારસાથે પ્રસ્તુત છે. — વિનોદ પટેલ
[ક] રસોઈ ટિપ્સ :
[1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે. [2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.
[3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે. [4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે. [5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે. [6] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.
[7] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે. [8] મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે. [9] ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે. [10] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે. [11] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી. [12] દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ. [13] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે. [14] ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બને છે. [15] સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ ફૂલેલાં બનશે.
[ખ] આરોગ્ય ટિપ્સ
[1] વરિયાળી સાથે આદું અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે. [2] હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે. [3] ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે છે. [4] શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફ મટે છે. [5] એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાત:કાળે પીવાથી કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે. [6] ખોરાક પચતો ન હોય તેમણે જીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે. [7] ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે. [8] નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે. [9] રાત્રે ભારે ખોરાક લીધા પછી છાસમાં જીરું, લીમડો અને આદુનો ઘીમાં વઘાર કરીને પીવાથી ફાયદો થશે. [10] ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાં એલચીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રાહત થશે. [11] સંધિવામાં આવતા સોજા પર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે. [12] મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે. [13] હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોય છે. તેને રોજ ભૂખ્યા પેટે ચાવીને ખાવું. [14] એક ચમચી તુલસીનો રસ અને બીલીના ફૂલની સાથે એક ચમચી મઘ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહત થાય છે. [15] જે વ્યક્તિને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાવડર નાખીને એક ચમચી પીવો.
[ગ] હોમકેર ટિપ્સ
[1] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ. આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી. [2] ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો.બીજે દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.
[3] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે. [4] મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે. [5] કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે. [6] અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું. [7] વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી જશે. [8] ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું નથી. [9] બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે છે. [10] પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટે એને કેરોસીનથી સાફ કરવી.
[ચ] સોંદર્ય ટિપ્સ
[1] કાંદાનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકે છે. [2] ત્વચા પર ડાઘ અને ધબ્બા હોય તો સરસિયાના તેલમાં ચપટી મીઠું નાખીને એનાથી માલિશ કરો. ડાઘા જરૂર ઓછા થશે. [3] એક મુઠ્ઠી જેટલી અગરબત્તીની રાખમાં ખાટું દહીં ભેળવો. તેને ચહેરા પર લગાવી પંદર મિનિટ પછી ધોઈ નાખો. એથી ચહેરા પરની દૂર કરેલી રૂવાંટી ઝડપથી નહીં ઉગે. [4] દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી એનાથી માથામાં સારી રીતે માલિશ કરો. વાળની ચમક વધી જશે. [5] ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે ત્રણ ચમચી રવામાં થોડોક ઘઉંનો લોટ,થોડોક ચણાનો લોટ તથા દૂધ મિક્સ કરીને લગાવો. સૂકાઈ જાય એટલે એને વાળની ઊલટી દિશામાં હળવેથી ઘસો. પછી ધોઈ નાખો. [6] લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે. [7] જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે. [8] ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો. [9] કાંદા શેકી તેની પેસ્ટ બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે. [10] તુવેરની દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે.
[છ] જાળવણી ટિપ્સ
[1] ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથે કપૂરની ગોળી રાખવી. [2] સ્વેટરને ધોતા પહેલાં મીઠાના પાણીમાં પલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી. [3] આમલીને લાંબો સમય તાજી રાખવા એક કપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એને ત્રણ-ચાર દિવસ સુકાવવી. [4] અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી અથાણું ભરવાથી ફૂગ નહીં લાગે. [5] લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલી ચાની ભૂકી નાખવાથી છોડ મોટો અને તાજો રહે છે. [6] વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો.લીંબુને મીઠાની બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે. [7] સાડી પર તેલના ડાઘ પડ્યા હોય તો, એ જગ્યા પર કોઈ પણ ટેલકમ પાઉડર સારી રીતે રગડીને સાડીને બે-ત્રણ કલાક સુધી તાપમાં મૂકો પછી ધોઈ લો. [8] નવા ચંપલને રાત્રે ઘી કે તેલ લગાડી રાખવાથી એ સુંવાળાં રહેશે અને નડશે નહિ. [9] રાઈના પાણી વડે બોટલ ધોવાથી બોટલમાંની વાસ દૂર થાય છે. [10] માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે.
[જ] સ્પેશ્યલ ટિપ્સ
[1] દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ નહીં કરે અને કાટ પણ નહીં લાગે. [2] કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.
[3] પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊઘઈ લાગવાની શક્યતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.
[4] ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે. [5] કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિક્સ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા. . [ઝ] જીવન માટેની ટિપ્સ
[1] તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.
[2] સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો. [3] થાક લાગે તેના જેવી ઊંઘની ગોળીની શોધ હજી થઈ નથી. [4] હાથ ચલાવવાથી અન્નની કોઠીઓ ભરાઈ જાય છે અને જીભ ચલાવવાથી ખાલી થાય છે. [5] શરીર પિયાનો જેવું છે અને આનંદ એનું મધુર સંગીત છે. વાદ્ય બરાબર હોય તો જ સંગીત બરાબર વાગે છે.
હાલ ભારત અને ગુજરાતમાં લોકો કાળઝાળ ઉનાળાના તાપથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.ઉનાળો તેનો પ્રકોપ બતાવી રહ્યો છે.
ગરમીની આવી પશ્ચાદભુમિકા માં વેબ ગુજરાતીના સૌ પ્રથમ ઈ-બુક પ્રકાશન “ગ્રીષ્મવંદના ” માં પ્રગટ મારો એક લેખ “ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) “આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે.આ લેખમાં ગામડાના ઉનાળાનાં મારાં સંસ્મરણો મેં પ્રસ્તુત કર્યા છે. જેઓ ગામડામાં મોટા થયા હશે એમને આ લેખ એમનો ભૂતકાળ ની યાદોને તાજી કદાચ કરાવશે.
“ગ્રીષ્મ વંદના” ઈ-બુકમાં ગ્રીષ્મ ઋતુ વિશે અન્ય લેખકોના લેખો/કાવ્યો આ લીંક પર ક્લિક કરીનેવાંચવા ભલામણ છે.ઉનાળાના તાપમાં આ લેખો થોડી માનસિક ઠંડક આપે એવી આશા .
મારા લેખ નીચે શ્રી ચીમન પટેલ”ચમન” અને શ્રી અનીલ ચાવડાની કાળઝાળ ઉનાળાની કવિતાઓ એમના આભાર સાથે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) …. વિનોદ પટેલ
મારી જીવન સંધ્યાના નીવૃતીકાળ વખતે અહીં અમેરિકામાં બેઠાં બેઠાં જ્યારે મારી સ્મૃતિને ૭૦ -૭૫ વર્ષ પાછળ લઇ જઈને વિચારું છું ત્યારે મારા વતનના ગામ ડાંગરવામાં વીતાવેલાં મારાં બાળપણ અને શૈશવ કાળનાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણે ઋતુઓમાંથી પસાર થયેલાં વર્ષો અને એની સાથે જોડાયેલી કેટલીક યાદો મારા સ્મૃતિ પટ ઉપર આજે ઉપસી આવે છે.
છાપરા જેવી બેઠા ઘાટની વિલાયતી નળીયાં વાળી ગામની પ્રાથમિક શાળાના મકાનની બહાર ઉનાળામાં વિશાળ લીમડાની છાયામાં ખુરશી ઉપર બિરાજેલા મોહનલાલ શુકલ સાહેબ અને એમની સામે ધૂળમાં લાઈન બંધ બેઠેલા મારા જેવા નાના ખેડૂત પુત્રો-વિદ્યાર્થીઓનું ચિત્ર મારા માનસપટ ઉપર તાજું થાય છે .વૃદ્ધ ઉંમરના અમારા આ શુક્લ શાહેબ એમની છીકણીની ડબીમાંથી એક ચપટી ભરી નાકમાં ઊંડે સુધી ખેંચીને તાજા માજા થઈને આપણા આદ્ય કવિ દલપતરામની શિયાળો,ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુઓ ઉપરનું જાણીતું કાવ્ય સંભળાવતા હતા એ યાદ આવે છે.આ કાવ્યમાં કવિ દલપતરામે ઉનાળા વિષે બહું જ સુંદર વર્ણન આ રીતે કર્યું છે .
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ગામનું લોકજીવન ત્રણેય ઋતુઓને અનુકુળ થઈને પોતાની પ્રવૃતિઓમાં રત થઇ જતું .ઉનાળો એના નામ પ્રમાણે ગરમી અને લુ વરસાવતી ઋતુ. ધૂળની ડમરીઓ ઉરાડતી ઋતુ .આ ઋતુમાં સ્વાભાવીક રીતે જ લોકોની કાર્ય શક્તિ ઘટી જાય છે અને લોકો આળસુ થઇ જાય છે.ઝાડ નીચે છાયડામાં ખાટલામાં ઉંઘ ખેંચતા ઘણા માણસો તમને ઠેર ઠેર જોવા મળે .
ચાર માસનું ચોમાસું શરુ થાય એ પહેલાં ખેડૂતો ગામની ભાગોળે પોતાના ઢોરનાં છાણના ઉકરડામાંથી બળદ ગાડામાં ખાતરને પોતાનાં ખેતરોમાં લઇ જઈને પાથરી દેતા .આ વખતે ગાડામાં ખાતર ઉપર બેસી ખેતર સુધી જઈને ખાલી ગાડામાં પાછા આવવાની ફ્રી રાઈડ મળતાં કુટુમ્બનાં બાળકોને ખુબ મજા આવી જતી .
ગામના ઉનાળાનું બીજું દ્રશ્ય લગ્નોનું છે .ઉનાળો એટલે લગ્નસરાની સીઝન.ગામમાં ઢોલ ઉપર ડંકો પડે એ સાથે કોની છોકરી કે છોકરો પરણે છે એની જાહેરાત થઇ જતી.જે વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગ હોય એને ગામ લોકો તરફથી પુરો સહકાર મળતો.કોઈ પણ લગ્ન પ્રસંગનું મોટું આકર્ષણ હોય તો એ એના જમણવારનું .ખેડૂત વર્ગ સામાન્ય રીતે વર્ષ દરમ્યાન રોજ બાજરી કે ઘઉંના રોટલા, ખીચડી,દૂધ ,ઘી જેવું સાદું ભોજન કરે પણ લગ્ન વખતે લાડુ,લાવ્સી,ચુરમું કે અન્ય મીઠાઈ,રસોઈયાએ ખાસ ઉકાળેલી જમણના મસાલેદાર દાળ,શાક વી.નું પાકું જમણ જમવાનો આનંદ અનેરો રહેતો.ઢોલ અને શરણાઈના સુરો અને લગ્ન ગીતોથી ઉનાળામાં આવતા આ લગ્ન ગાળામાં આખાયે ગામનો માહોલ ખુશીમાં બદલાઈ જતો .મોટાઓ અને બાળકો આનંદથી ઝૂમી ઉઠતાં.
ઉનાળો એટલે શાળાઓમાં લાંબી ઉનાળાની રજાઓનો સમય.આ રજાઓ પડતાં ગામના નિશાળીયાઓ રાજીના રેડ થઇ જાય. ગામમાં , વગડામાં ,મામા કે માસીને ઘેર જઈને પૂરી સ્વતંત્રતાથી ભેરુઓ સાથે રમવાના ,તોફાનો કરવાના, ઝાડ ઉપર ચડીને કેરીઓ ,રાયણ વિગેરે પાડીને ખાવાના એમ આનંદથી રજાઓ ગાળવાના આ દિવસો. મોટી ઉંમરના વિદ્યાર્થીઓને વેકેશનમાં એમના પિતા અને વડીલો ખેતીવાડીના કામકાજમાં પલોટી દેતા.એક ઇન્ટર્ન ખેડૂત તરીકે !
ઉનાળાના દિવસોમાં ગામમાં નાટક મંડળી ,તુરી અને ભવાઈ મંડળીઓ આવતી અને રાત્રે ધૂળમાં બેસીને ખુલ્લા આકાશ નીચે મોડી રાત સુધી એમના ખેલો જોવાની બહું મજા આવતી. ગાયનો કટ કરવાની હરીફાઈ જામતી.ઉનાળાની રજાઓનું આ મોટું મનોરંજન બની રહેતું.ગામમાંથી નાટક મંડળી જતી રહે એ પછી એમનામાંથી પ્રેરણા લઈને બાળકો ઘણા દિવસો સુધી એમની નકલ કરીને કોઈની સાડી કે ધોતીયાના પડદા કરી રાજા હરીશ્ચંદ્ર ,રાણા પ્રતાપ વગેરે ખેલો પાડતા એ યાદ આવતાં આજે હસવું આવે છે.
ગામમાં ઉનાળાનું એક બીજું મોટું આકર્ષણ એટલે કેરીઓ ચૂસવાની અને એનો રસ કાઢીને ખાવાની સીઝન.ગામના નાના બઝારમાં,વખારમાં કે બહાર ખુલ્લામાં ઢગલા કરી કેરીઓ પુષ્કળ પ્રમાણમાં વેચાતી.અમારા ખેતરમાં પણ કેરીઓના વૃક્ષો હતાં એ વાઘરી લોકોને સાચવવા અને વેડવા માટે આપીએ એટલે ઘરના આંબાની કેરીઓ ખાવા મળતી.
કિશોર અવસ્થા પછી શાળા કોલેજમાં વધુ અભ્યાસ અને નોકરી માટે ગામ છોડીને કડી શહેરમાં અને અમદાવાદ જવાનું થયું અને નિવૃત્તિ કાળમાં અહીં અમેરિકા આવવાનું થયું.દરેક જગાઓએ ઉનાળાની જુદી જુદી અસરો નિહાળી છે પણ એ સૌમાં ગામના ઉનાળાના એ દિવસોની તોલે કોઈ પણ ન આવે .
અહીં અમેરિકામાં તો ઋતુઓ અને હવામાનની તો વાત જ કોઈ ઓર છે. અહીં દરરોજ ટી.વી. ઉપર હવામાનના સમાચાર જોઈએ તો દરેક જગાઓએ જુદી જુદી ઋતુઓ. કોઈ જગાએ ઉનાળો તો કોઈ જગાએ બારે માસ ચોમાસું .કોઈ જગાએ બરફ અને સખ્ત ઠંડી .અમેરિકામાં રોજે રોજ હવામાનના સમાચાર જોઈને લોકો જીવતા હોય છે . ભારતમાં લોકોને હવામાનના સમાચાર જોવાની બહુ જરૂર જ નથી પડતી. શિયાળો ,ઉનાળો અને ચોમાસું એમ લગભગ વરસો વરસ નિયમિત રીતે ચાલ્યા કરે ,કોઈક વખત કમોસમી માવઠાના અપવાદ સિવાય.
કહેવાય છે ને કે બફા એટલા નફા .ઉનાળાની ગરમી અને લુ સહન કરીએ તો જ ચોમાસાની ઠંડક અને ખેતરોમાં જીવન ઉપયોગી પાકો લણી શકીએ.એવું જ જીવનમાં પણ,દુઃખનો તાપ સહન કરીએ તો જ સુખના ચોમાસાની ઠંડકનો અનુભવ ભોગવી શકાય .
ત્રણ ઋતુઓનું ચક્ર એ પરમ કૃપાલુ પરમાત્માએ માનવોને આપેલી પર્યાવરણની એક અમુલ્ય ભેટ છે એ સમજી લઈએ અને એને સારી રીતે ભોગવવા માટે લાયક બનીએ.
======================
ઉકળાટ …..….. ચીમન પટેલ ‘ચમન’
ગરમી!!ગ્રીષ્મની ગરમી સૌને ગૂંગળાવી રહી છે. વરસાદની ચીંતા સહુને સતાવી રહી છે. એમાંયે ‘યાર્ડ’ની કે ખેતરની ખેતી કરતા ખેડુતોનું દયાન આકાશ તરફ જાણે –અજાણે જાય છે. ઍમાયે જ્યારે વાદળો દેખાય છે ત્યારે વરસાદ આજે તો આવશેની આશામાં મન થોડું હળવું થાય છે. જ્યારે વાદળો વાયરા સાથે વિખરાઇ જાય છે ત્યારે મન નિરાશામાં નિચોવાઇ જાય છે.
‘એરકંડીશન’વાળા આલિશાન ઘરમાં,પોતાના પતિ (કે પત્ની) વગર રહેતી વ્યક્તિ,આવા સમયે એ, બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરતી હોય છે.
૧૯૬૫માં, ભાવનગરની ભૂમીપર, આવા એક ઉનાળાના દિવસે હું બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરી રહ્યો હતો, ત્યારે આ કાવ્ય રચાયું હતું અને ‘સૌરાષ્ટ સમાચાર’ દૈનિકે એને છાપીને મને પ્રોત્સાહિત કર્યો હતો.
ઉકળાટ
ક્યાંય આછોય વર્ષાનો ભાર નથી, એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.
ઋતુનો ન જણાય ક્યાંય રે અણસાર, ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!
કોના પાપે રે વરસે ન આજ વાદળી, અનિલની લે’રીએ ખેંચાઇ જે જાય છે.
પશુ, પક્ષી ને ધરતીની વેદના, જોઇનેય નવ એને કંઇ થાય છે!
વેદના વધારીનેય એ તો વરસી ગયો; ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!
*ચીમન પટેલ ‘ચમન’ (૦૪ઓગષ્ટ’૧૩)
(‘સૌરાષ્ટ સમાચાર’ ના ૨૦જુલાઇ’૬૫ ના અંક્માં પ્રગટ)
ઉનાળો આવ્યો!
ઉનાળાનું ગીત …… કવિ શ્રી અનીલ ચાવડા
ઉનાળો કાળઝાળ થાય છે, પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે; ઉનાળો કાળઝાળ થાય છે.
તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ, આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ? કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે? ઉનાળો કાળઝાળ થાય છે.
આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે? જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે? સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે; ઉનાળો કાળઝાળ થાય છે.
હ્યુસ્ટનના સાહિત્ય રસિકોની જાણીતી સંસ્થા “ગુજરાતી સાહિત્ય સરિતા”ની ૧૬૩ મી બેઠક, તારીખ ૯ એપ્રિલ ૨૦૧૬ને શનિવારના રોજ,સુગરલેન્ડના માટલેજ રોડ ખાતેના હોલમાં યોજવામાં આવી હતી.ખ્યાતનામ કોલમ લેખિકા તથા નવલકથા અને ટૂંકી નવલિકાઓના લેખનમાં જેમનું નામ પ્રથમ પંક્તિના સર્જકોમાં ગણાય છે એવાં સુ.શ્રી નીલમબેન દોશી આ બેઠકના મુખ્ય મહેમાન હતાં .બેઠકમાં સ્થાનિક સાહિત્ય રસિકોએ એમની રચનાઓ રજુ કરી હતી.
આ બેઠકમાં હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમનભાઈ પટેલ “ચમન ” એ પણ એમની એક ગઝલ રચના ‘મળવાનું મળે તો કેવું’રજૂ કરી હતી.
આ ગઝલ નીચે પ્રસ્તુત છે.
મળવાનું મળે તો કેવું!
મરનારને એકવાર મળવાનું મળે તો કેવું! પછી ભૂલો બધી કબૂલવાનું મળે તો કેવું!
બધી ભૂલો સમજાઈ મને એના ગયા પછી, હવે ખૂલ્લા દિલે કબૂલવાનું જો મળે તો કેવું!
દબાવી રાખીને મેં બોલવા એને ન દીધી કદી! પીડા આંસુની હવે જો મને, સમજવાનું મળે તો કેવું!
મળ્યું જો હોત સમજ વાનું મને એ આંસુની પીડા, કદીક સ્વપ્નામાં એને ભેટવાનું મળે તો કેવું!
ભજવ્યો ભાવ મેં ભરથારનો જ્યારે હતી સાથે, હવે ફરી કદીક એને મળવાનું મળે તો કેવું!
વિતાવી દીધી સમજ્યા વિના જિંદગી મેં મારી સારી, હવે આ આખરી વેળાયે ભણવાનું જો મળે તો કેવું!
કદી સમજાઈ જો હોત તને આ વાત ‘ચમન’ હવે આંસુ એના, તારા હાથે લૂછવાનું મળે તો કેવું!
ચીમન પટેલ ‘ચમન’(૯એપ્રિલ’૧૬)
ગઝલનું રસ દર્શન ..વિનોદ પટેલ
હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલ હાલ ૮૨ વર્ષની ઉંમરના છે પણ એક યુવાનની જેમ સક્રિય છે. એમનો પરિચય અને રચનાઓ એમના બ્લોગની આ લિંક પર જવાથી મળી રહેશે.
શ્રી ચીમનભાઈ મારા માસીના દીકરા -કઝીન ભાઈ થાય છે.ચારેક વર્ષ પહેલાં તેમનાં પત્ની નિયંતિકાબેન કે જેઓ સગાં વ્હાલાંને મળવા માટે એકલાં અમદાવાદ ગયાં હતાં ત્યારે કેન્સરના રોગને લીધે ત્યાં હોસ્પીટલમાં એમનું દુખદ અવસાન થયું હતું.
આ ગઝલમાં હાલ પત્ની વિના એકલા રહેતા વિધુર કવિ ચીમનભાઈ વલોપાત કરે છે કે પત્નીની હયાતીમાં મેં એની વાત બહુ સાંભળી ન હતી.મેં ઘણી ભૂલો કરી હતી.આજે હવે એ નથી ત્યારે બધું યાદ આવે છે અને થાય છે કે એ વખતે કરેલી બધી ભુલો કબુલી લઇને એને સુધારવાની તક મળે તો કેવું સારું.હવે આ વાતનો એમને મનમાં પસ્તાવો થાય છે.
જે વ્યક્તિ અવસાન પામે છે એને સદેહે ફરી મળી શકવાનું અશક્ય છે એ કવિ પણ જાણે છે તો પણ કવિએ એમના મનમાં રમતી ઈચ્છા વ્યક્ત કર્યા વિના રહી શકતા નથી કે જો મૃત પત્ની ફરી જીવિત થાય અને મને પાછી મળે તો હું એની સાથે બેસીને એની હયાતીમાં કરેલી બધી ભૂલો કબુલી લઉં.પહેલાં મેં એને અવગણી હતી ત્યારે મારી એ ભૂલની મને કોઈ ખબર જ ન હતી પરંતુ એના ગયા પછી આજે જ્યારે એકલો બેસી વિચાર કરું છું ત્યારે મને મારી બધી ભૂલો સમજાય છે.હવે જો એ મને મળે તો આ ભૂલોને મારે ખુલ્લા દિલે કબુલી લઈને મારું દિલ હળવું કરવું છે.
કવિ આગળ કહે છે કે જ્યારે જ્યારે એ મને કૈંક કહેવા જતી ત્યારે મેં એને દબાવી કાઢીને બોલવા નહોતી દીધી.એ વખતે એણે આંસુ સાર્યા હતાં.એની એ પીડા હવે એ નથી ત્યારે મને બરાબર સમજાય છે.મારી આ ભૂલને જો સમજાવવાનું મને મળે તો કેવું સારું એવો કવિના દુખી હ્રુદયનો આર્તનાદ છે.એમને પત્નીના આંસુની એ પીડા પહેલાં સમજાઈ ન હતી એ આજે સમજાય છે.હવે એની એ પીડાથી દ્રવિત થઈને રાત્રે સ્વપ્નમાં એને ભેટવાનું જો મળે તો કેવું ! પીડિત પત્નીને ભેટીને એમનો પ્રેમ બતાવવાની કવિને હવે ઈચ્છા રાખે છે.
કવિ કહે છે કે પત્ની જ્યારે હયાત હતી ત્યારે જીવનના નાટકમાં મેં એક ભરથાર તરીકેનો મારો પાઠ ભજવ્યો હતો જેમાં મેં પત્નીને અન્યાય કર્યો હતો.મને હવે પસ્તાવો થાય છે કે મેં એને સમજ્યા વિના જ એની સાથેની મારી જિંદગી વિતાવી દીધી . જો હવે એની સાથે ફરી જીવવાનું મળે તો મારે એની સાથે આ બધા ખુલાસા કરી મારા હૃદયમાં જે ભાર છે એને હળવો કરવો છે.
ગઝલના છેલ્લા શેરમાં કવિ કહે છે કે આ બધી વાતો મને મારી પત્ની જીવિત હતી ત્યારે સમજાઈ ગઈ હોત તો કેવું સારું થાત.પહેલાં મારી કનડગતથી એ આંસુ સારતી હતી ત્યારે હું ગણકારતો ન હતો. હવે મને એ આંસુ મારા હાથે લૂછવાની તક મળે તો કેવું!
આ ગઝલને જો ચાર જ શબ્દોમાં જો સમજાવવી હોય તો એ છે….એક વિરહી વિધુરની વેદના અને વલોપાત …
હાલ સજોડે લગ્ન જીવન જીવી રહેલ સૌ વ્યક્તિઓ માટે ચીમનભાઈની આ ગઝલ એક બોધપાઠ રૂપ છે.પત્ની જ્યારે હયાત હોય ત્યારે જ એની ભાવનાઓને સમજી એવો વર્તાવ કરવો જોઈએ કે જેથી કદાચ એ અચાનક સાથ છોડીને સદાના માટે ચાલી જાય તો મનમાં કોઈ વાતનો વસવસો રહી ન જાય,કે પસ્તાવો ના થાય.પત્ની સમક્ષ તમારા મનના ભાવ અભિવ્યક્ત કરવાનું મુલતવી રાખવું ના જોઈએ.ઘણી વાર એ જોવામાં આવ્યું છે કે પતિ એના બેટર હાફની હયાતીમાં એને સાચી રીતે સમજી નથી શકતો.પત્નીના મૃત્યુ પછી એનાથી થયેલી બધી ભૂલો સમજાય છે અને એ માટે પસ્તાવો થાય છે.પરંતુ અબ ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત !
–વિનોદ પટેલ
ફલાફલના ગોટાનો લોટ! …. સ્વ.નિયંતિકા પટેલ
પત્નીના મૃત્યુ પછી શ્રી ચીમનભાઈને એમના ઘરની પેન્ટ્રીમાંથી એક કાચની લોટ રાખવાની બરણીમાંથી નિયંતિકાબેનના અક્ષરે લખેલી એક કાગળની ચબરખી મળી આવી.એમાં “ફલાફલના ગોટાનો લોટ કેમ તૈયાર કરવો” એની રેસીપી લખેલી હતી.
ચીમનભાઈએ એમના બ્લોગની તારીખ November 5, 2015 ની પોસ્ટમાં આ રેસીપી એમના હૃદયના ભાવો વ્યક્ત કરતા લખાણ સાથે મૂકી હતી.
મહિલા વાચકો નીચે પ્રસ્તુત પોસ્ટ ખાસ વાંચશો અને સ્વ.નિયંતિકા પટેલનો મનમાં આભાર માની ફલાફલનો લોટ તૈયાર કરી એના ગોટા પણ બનાવજો અને સ્નેહી જનોને પ્રેમથી ખવડાવશો.
ફલાફલના ગોટાનો લોટ કેમ તૈયાર કરવો (સ્વઃ નિયંતિકા પટેલ)
પ્રિયે,
તારી પાછળ મેં સમુહ ભજનો નો’તા રાખ્યા, પણ આજે જાહેરમાં તને યાદ કરવાની મારી અલગ રીતથી, તું જ્યાં હોય ત્યાં, તને જાણ કરું છું.
એક દિવસ હું પેન્ટ્રીમાં કંઇક ખોળતો હતો ને એક કાચની બરણીમાં લોટ જેવું દુરથી દેખાતાં એને બહાર કાઢીને જોતાં, તારા અક્ષ્રરોમાં લખાયેલી એક ચબરકી જોવા મળી! એ વાંચતાં, એની પાછળ કરેલી તારી મહેનતનો મને અહેસાસ થયો. આ લોટને નાખી દેવાનું મન ન થયું! તને આ ધરતી છોડે ત્રણ વર્ષ થઇ ગયા, પણ આ લોટ ખરાબ થયો નથી એનું કારણ સમજાયું!
નીચેના કઠોળ ‘ઓવન’માં શેકવામાં આવ્યા હતા, અને એને ‘બ્લેન્ડ’ કરી તૈયાર કરી રાખ્યા હતા એની પહેચાન થઇ. તું એનો લાભ ન લઇ શકી! મને થયું કે તારા અક્ષ્રરોવાળી ચબરખી હું સાચવી રાખીશ સ્મૃતિ માટે. આજે તારી ‘રેસેપી’ને ટાઇપ કરી તારા ‘લેડીઝ’ મિત્રોને મોકલું છું તો એ મિત્રપત્નીઓ આ રેસેપીનો ઉપયોગ કરશે ત્યારે ત્યારે તને યાદ કરશે. આજે ખાસ સમય કાઢી તારી રેસીપી અહિ ટપકાવું છું. • ૧ પેકેટ મોટા ચણા ૧૬ ઔંસ • ૧ કપ આખા મગ • ૧ કપ ઘઉના ફાડા • ૧ કપ તુવેરની દાળ • ૧ કપ ચોખા • ૧/૨ કપ અડદની દાળ આ બધુ ઓવનમાં શેકીને ‘બ્લેન્ડ’ કરવું.(આમાં ધાણા શેકીને ‘બ્લેન્ડ’ કરી નાખી શકાય) નોંધઃ દિકરી હેતાએ આ લોટમાંથી ગોટા બનાવ્યા ને બધાને ખૂબ જ ભાવ્યા.
November 5, 2015 …Posted by chiman Patel
ચીમનભાઈ અને નિયંતિકાબેનના જીવનની એક સત્ય ઘટના પર આધારિત મારી એક લઘુ વાર્તા અગાઉ વિનોદ વિહારમાં ” ના માન્યું ને !” એ નામે પ્રસિદ્ધ થઇ હતી એને અહીં ક્લિક કરીને વાંચો.
વાચકોના પ્રતિભાવ