વિનોદ વિહાર
ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
Category Archives: જુગલકીશોર વ્યાસ
1254- આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ …શ્રી જુગલકિશોર વ્યાસ
પ્રેમથી જુ’ભાઈ તરીકે ઓળખાતા શ્રી જુગલકિશોર વ્યાસનું નામ ગુજરાતી બ્લૉગ અને સાહિત્ય જગતમાં ખુબ જ જાણીતું છે.આજે તેઓ પોતાનો ”નેટ ગુર્જરી બ્લોગ ‘નું કુશળતાથી સંપાદન કરી રહ્યા છે.ગુજરાતી બ્લોગ વિશ્વમાં ખુબ જાણીતી ગુજરાતી સાઇટ “વેબ-ગુર્જરી” એમનું ”બ્રેઈન ચાઈલ્ડ” છે એમ કહીએ તો ખોટું નથી.
નેટ ગુર્જરી બ્લોગની તારીખ ૩૦ મી નવેમ્બર ૨૦૧૮ ની પોસ્ટમાં ”વિનોદ વિહાર” વિષે જુ’ભાઈએ વિશદ સમીક્ષા કરતો એક અભ્યાસપૂર્ણ લેખ લખી મને પ્રોત્સાહિત કરવા માટે હું એમનો ખુબ જ આભારી છું.મારે માટે તો એ એક એવોર્ડ મળ્યા રૂપ છે.
વિનોદ વિહારના વાચકો માટે આજની પોસ્ટમાં આ લેખ”આપણા બ્લૉગર “વિનોદવિહારી” ને રી-બ્લોગ કરતાં આનંદ અનુભવું છું.
શ્રી જુગલ કિશોર વ્યાસનો પરિચય …
મળવા જેવા માણસ – જુગલકિશોર વ્યાસ .. પરિચય .. પી.કે.દાવડા
વિનોદ પટેલ
બ્લૉગજગતમાં “વિનોદવિહાર !!”
– જુગલકિશોર
‘A Pleasure trip’ ગણીને વિનોદભાઈએ ‘વિનોદ વિહાર’ નામક બ્લૉગ શરુ કર્યો તે તારીખ બરાબર સપ્ટેમ્બર, ૨૦૧૧ની પહેલી તારીખ હતી. ને એમની ઉંમર હતી ૭૫ વરસ ! આ ઉંમરે પણ માણસ આવી રચનાત્મક પ્રવૃત્તિ આરંભીને બાકી વધેલા સમયનો સદુપયોગ કરી જાણે છે.
હાઈસ્કૂલના અભ્યાસકાળ દરમિયાન જ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખકોનાં પુસ્તકોના વાચને એમને લેખન પ્રત્યે પણ રસ જગાડેલો. બાકી હતું તે શાળા-છાત્રાલયના ભીંતપત્ર ‘ચિનગારી’નું સંપાદકકાર્ય કરવાની તક પણ મળી ગયેલી ! ૩૫ વર્ષો વ્યવસાય અને કૌટુંબિક જવાબદારીઓએ સાહિત્યરસમાં ઓટ આવી ખરી પરંતુ ૧૯૯૪માં જોબમાંથી નિવૃત્તિ લીધા પછી અમેરિકામાં કાયમી વસવાટ થતાં જ ભીતરમાં પડેલો સાહિત્યરસ ફરી તાજો થાય છે. એટલે અમેરિકા આવીને કમ્પ્યૂટર શીખી, લેપટોપ ખરીદી, એમાં ગુજરાતીમાં લખવાનું શીખી લીધું !
‘વિનોદ વિહાર’ બ્લૉગની પ્રથમ જ પોસ્ટમાં તેઓએ બ્લૉગના હેતુઓ જણાવ્યા હતા તે મુજબ :
‘’આ બ્લૉગના માધ્યમ દ્વારા મારામાં પડેલા સાહિત્યિક અને આધ્યત્મિક રસની અભિવ્યક્તિ તો થશે જ એ ઉપરાંત એ એક social…
View original post 936 more words
1240- ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ……શ્રી જુગલકીશોર વ્યાસ
ગુજરાતી બ્લૉગ વિશ્વમાં શ્રી જુગલકિશોર વ્યાસનું નામ ખુબ જ જાણીતું છે.એમના બ્લોગ “નેટ ગુર્જરી” ( જે હાલ ”માતૃભાષા’ નામના બ્લોગમાં પરિવર્તિત થયું છે )બ્લૉગમાં તેઓ સક્રિય રહી મા ગુર્જરીની અભિનંદનીય સેવા બજાવી રહ્યા છે.આજે ખુબ વંચાતો બ્લોગ “વેબ-ગુર્જરી” પણ એમનું ”બ્રેઈન ચાઈલ્ડ” છે એમ કહીએ તો ખોટું નથી.
મિત્ર શ્રી પી.કે.દાવડા લિખિત પરિચય લેખ”મળવા જેવા માણસ – જુગલકિશોર વ્યાસ ” માં વિગતે જુ’ભાઈનો પરિચય વાંચી શકાશે.
અત્યારે ચાલી રહેલ નવરાત્રી-નોરતાં- અને ગુજરાતની એક પહેચાન બની ગયેલ ગરબા ના માહોલમાં વાતાવરણ ધમધમી રહ્યું છે.આના સંદર્ભમાં એમના બ્લોગ ”નેટ ગુર્જરી” માં પ્રકાશીત્ત એમનો લેખ ‘ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ મને ખુબ ગમ્યો. આ લેખમાં એમની આગવી શૈલીથી નવરાત્રી પર્વ અને ગરબા પર એમણે જે ઊંડું ચિંતન રજુ કર્યું છે એ કાબીલેદાદ છે.
વિનોદ વિહારના વાચકો માટે જુ.ભાઈના આભાર સાથે આજની પોસ્ટમાં એમના પ્રસંગોચિત લેખો નીચે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
‘ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ ‘
વ્યક્તી અને સમષ્ટી વચ્ચેના સંબંધોનું કાવ્ય આ ગરબો. – જુગલકીશોર.
શ્રી જુગલકીશોર વ્યાસના નવરાત્રી અને ગરબા વિશેના અન્ય RELATED લેખો પણ જરૂર માણો.
1052-શું તમે તમારી બેગ તૈયાર રાખી છે ?!
ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર ની ભજન રચના
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો ?
સર્વ સબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરીશું કવ મહત્પુરુષને પંથ જો ?
સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહ પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો.
દર્શન-મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જો, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો;
તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.
આત્મ-સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો;
ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.
સંયમના હેતુથી યોગ-પ્રવર્તના, સ્વરૂપલક્ષે જિન-આજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.
પંચ વિષયમાં રાગ-દ્વેષ-વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;
દ્રવ્ય, ક્ષેત્ર ને કામ ભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.
ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ-સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો;
માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.
બહુ ઉપસર્ગ-કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો.
મોહ સ્વયંભૂ-રમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ-મોહ-ગુણ-સ્થાન જો;
અંત સમય ત્યાં સ્વરૂપ વીત-રાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો.
વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, વળી સીંદરીવત્ આકૃતિમાત્ર જો;
તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો.
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો;
શુદ્ધ નિરંતર ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ-પદરૂપ જો.
પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો;
સાદિ અનંત અનંત સમાધિ મુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહે તે જ્ઞાન જો.
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરનો હાલ મનોરથ રૂપ જો;
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.
– શ્રીમદ રાજચંદ્ર
કોઈ પણ જીવ પ્રત્યે આપણે, ક્યારેય પણ ઘૃણા, તિરસ્કાર, અનાદર, ધિક્કાર, ફિટકાર, દ્વેષ, વેરઝેર, ક્રોધ કે નકારાત્મકતાની લાગણીઓ ના રાખીએ. તમામ જીવો પ્રત્યે આપણે આદર, પ્રેમ, હેત, પ્રીતિ, સન્માન કે અહોભાવની લાગણીઓ રાખીએ. આ બધા શુભ ભાવો માટે આપણે કોઈ જ મૂરત જોવાનું હોતું નથી. આ તો એક રોજબરોજની પ્રક્રિયા છે. આપણું જીવન જ આપણે એવી રીતે કંડારવાનું છે કે, ક્યારેય પણ, કોઈ પણ ઘડીએ આપણને હાકલ આવે ત્યારે આપણી સદભાવનાઓની બેગ તૈયાર ભરેલી જ પડી હોય. શું આપણે આવી કોઈ બેગ તૈયાર રાખી છે ખરી ?
આખો લેખ અહીં…..
(559) લક્ષ્મીતણો આ તહેવાર, બાપડો… કોડીયું ..(કાવ્ય )… – જુગલકીશોર વ્યાસ ….દીપોત્સવી અંક ભાગ -૩
લક્ષ્મીતણો આ તહેવાર, બાપડો…
કોડીયું
(ઉપજાતી)
દીપાવલીના નવપર્વની બધે
જામી છ જાહોજલી શી બજારમાં !
સૌ ઉત્સવે આ નવપર્વ – તેમની
શક્તી–મતી, ત્રેવડ, ભાવભક્તી
ને માન્યતા સૌસહુની પ્રમાણે.
ને પર્વ તો નીર્જીવ –ને કશી શી
હોયે પડી – ધુમ ફટાકડાતણા
ઘોંઘાટમાં નેય પ્રકાશ કેરી
જામી બધે ઝાકઝમાળ – હો ત્યાં !
લક્ષ્મીતણો આ તહેવાર, બાપડો
લક્ષ્મી વીનાના સહુ કોઈનો ના !
પ્રદર્શનો શાં ધનસંપત્તીનાં
ચારે દીશે વ્યાપી રહ્યાં ઝળાંઝળાં !
કો અેક ખુણે બસ બેસી પેલો
નાણાંતણી રેલમછેલ જોતો,
ને કાલની ચીંતવતો રહેતો
એ ભુખ જે ચોક્કસ લાગવાની !
વધ્યુંઘટ્યું જે મળશે ઠીબામાં
તે ઠાંસીને પેટ ભરે કદાચે.
દીપાવલીના તહેવાર મધ્યે
જગી રહ્યું ઝાંખુ શું કોડિયું તે
ફેલાવતું ક્ષીણ પ્રકાશ –
રાખી નીચે આસન અંધકારનું !
અંધારની બેઠક રાખી કોડિયું
પ્રકાશને પાથરવા મથે જો !
– જુગલકીશોર.
સૌજન્ય-આભાર- નેટ ગુર્જરી
============================
દિવાળી : યુવાનોનો તહેવાર -ફાધર વાલેસ
“દિવાળીના સાચા અર્થ, ઊંડા અર્થ પ્રમાણે તે વિશેષ રીતે યુવાનોનો તહેવાર છે. કારણ કે દિવાળી એ સમર્પણનું પર્વ છે, અને સમર્પણની વૃત્તિ ને બલિદાનની ઉદારતા તો યુવાન હૃદયનાં જ લક્ષણ છે. દિવાળી સમર્પણનો તહેવાર છે. બલિ રાજા મસ્તક નમાવીને પોતાનું સર્વસ્વને પોતાની જાતને જ શ્રીકૃષ્ણને અર્પણ કરે છે. દીવો પોતાના અંતરનું તેલ બાળીને રજનીને પ્રકાશમય બનાવે છે. દારૂખાનું પોતાનું પેટ ફાડીને છોકરાઓના દિલમાં ઉલ્લાસ પાથરે છે. કાળદેવતા વસંતની લહરીઓ અને વર્ષાનો પાક છોડીને કાતિલ શિયાળાને શરણે જવાની તૈયારી કરે છે. કાળ ને રાજા ને દીવો યુગોના યજ્ઞમાં પોતાની જાતને હોમી દે છે. અને પૃથ્વી પર દિવાળી સર્જાય છે. સમર્પણનો તહેવાર. બલિદાનનું પર્વ. આત્મવિલોપનનો ઉત્સવ. અને આનંદથી બલિદાન આપવાની તૈયારી તો યુવાનોની પાસે જ છે. યુવાનની દિવાળી એટલે ઉદાર દિલની દિવાળી, બલિદાનની દિવાળી, જીવનદાનની દિવાળી. તમારા દરેક કાર્યમાં તમારું જીવન છે. એની કરકસર કરશો નહિ. તમારી દરેક નાની-મોટી સેવામાં તમારો પ્રાણ છે. એનો હિસાબ રાખશો નહિ. દિવાળીના મંગળ દીવાની જેમ બળતા રહો, દુનિયાને પ્રકાશ ને હૂંફ આપતા રહો, અંધકારમાં રોશનીનો મેળો જમાવતા રહો. ધનતેરસની ભાવનાથી તમે પોતે દુનિયામાં મંગલ દીપ બનો. અને તમારી દિવાળી, તમારી યુવાની, અમર રહેશે.”
— ફાધર વાલેસ
સૌજન્ય : ‘અવતરણની અત્તરદાની’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 20 અૉક્ટોબર 2014
ફાધર વાલેસનાં પરિચય સ્થળો
- ફાધર વાલેસની અધિકૃત વેબ સાઈટ- જાળસ્થળ
- ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય
- ગુજરાતી પ્રતિભા પરિચય પર ફાધર વાલેસનો પરિચય
=======================================
Diwali-2014 Message from President Barack Obama . He attended ceremony of pooja and lighting diyas-lamps in White House
વાચકોના પ્રતિભાવ