હું જ્યારે ડૉ.ભટ્ટના નિવાસસ્થાને ગયો, ત્યારે ઘરમાં જબરદસ્ત ધમાલ મચી હતી. ઘરની હાલત દેશની સંસદ જેવી બની ગઇ હતી. મેં રાડારાડનું કારણ પૂછ્યું. જવાબ મળ્યો કે ડૉ.ભટ્ટનો રૂમાલ જડતો ન હતો.ડૉ.ભટ્ટ આમ બધી બાબતે ડોક્ટર જેવા જ હતા, પણ ભૂલવાની વાતે પ્રોફેસરની જેવા હતા.‘મારે, યાર, અત્યારે બહાર જવું છે અને મારો હાથરૂમાલ જડતો નથી.’ ડૉ.ભટ્ટ ગાંડાની જેમ ઘરમાં ઘૂમી વળ્યા હતા. ટાલવાળા માથા ઉપર જે કંઇ બે-ચાર વાળ હતા તે પણ રૂમાલની ચિંતામાં એન્ટેનાની જેમ ઊભા થઇ ગયા હતા.
મેં સૂચન કર્યું, ‘એક રૂમાલ ખોવાયો હોય તો બીજો લઇ લો ને! ઘરમાં એક જ રૂમાલ રાખો છો?’ આવું કહેવાનો મને અધિકાર હતો, મારે એમના પરિવાર સાથે એવી ઘરવટ હતી.‘રૂમાલ તો એક ડઝન રાખું છું, પણ મારે આ શર્ટ-પેન્ટ સાથે મેચ થાય તેવો બ્રાઉન રંગનો હેન્કી જોઇએ છે. મારી પાસે છે પણ ખરો. ભગવાન જાણે ક્યાં ગૂમ થઇ ગયો? આ વસુ મારી કોઇ વસ્તુનું ધ્યાન રાખતી નથી!’ ડૉ.ભટ્ટના ગુસ્સાનું મિસાઇલ હવે પત્નીની દિશામાં તકાયું.
‘આ વસુ જ તમારી દરેક ચીજવસ્તુનું ધ્યાન રાખે છે.’ આવું બોલતાં, મલકાતાં, હાથમાં પતિને જોઇતો હતો એ રૂમાલ લઇને આવતાં ડૉ.ભટ્ટના ધર્મપત્ની ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યાં. પતિના હાથમાં રૂમાલ મૂક્યો.
‘થેન્કયુ! થેન્કયુ! ક્યાંથી જડ્યો?’ ડૉ. ભટ્ટે પૂછ્યું.
‘તમારા બૂટની અંદરથી.’
‘પણ બૂટમાં તો મોજાં હોવા જોઇએ!’
‘મોજાં તમારા રૂમાલવાળા કબાટના ડ્રોઅરમાં છે. લો, એ પણ લઇ આવી છું, નહીંતર બે મિનિટ પછી એને શોધવાની કસરત ચાલુ થઇ જાત!’ વસુબહેને બ્રાઉન રંગના મોજાંની જોડ પતિના હાથમાં મૂકી.
‘થેન્કયુ, વસુ! તું ન હોત તો આજે મારું શું થાત?’
‘આજની વાત છોડો, આખી જિંદગીની વાત કરો! તમારી નાની-નાની દરેક ચીજનું ધ્યાન હું જ તો રાખું છું! સાવ ભાન વગરના છો! રામ જાણે કેવી રીતે ડોક્ટર બની ગયા?!’ આવું બોલતી વખતે વસુબહેનના ચહેરા ઉપર પતિની કાળજી લેતી ભારતીય નારીનું અભિમાન ઝલકતું હતું અને આંખોમાં સુખી દાંપત્યનો સંતોષ મલકતો હતો.
વરસો થઇ ગયા આ ઘટનાને. નોકરીના સ્થળે હું એકલો જ રહેતો હતો. પત્ની અમદાવાદમાં હજુ ભણતી હતી. મારા કામમાંથી પરવારું કે તરત જ હું ડૉ. ભટ્ટના નિવાસસ્થાને જઇ પહોંચતો હતો. સાંજની ચા અમે સાથે માણતા હતા. રાત્રે ટીફિન જમવા પૂરતો હું મારા ઘરે જઉં અને તરત પાછો આવી જઉં. પછી મોડી રાત સુધી પત્તા ટીચતાં અને ગપ્પા મારતાં અમે બેસી રહીએ. મારી ભેંકાર જુવાનીના એ સમયને સંગાથના શોરગૂલથી ભરી દેવાનું પવિત્ર કાર્ય ડૉ.ભટ્ટ અને એમના પત્ની વસુબહેને પાર પાડ્યું હતું.
પતિ-પત્ની વચ્ચે ગજબનો પ્રેમ હતો, સુમેળ હતો, એકમેકને સમજવાની અને ગમા-અણગમા પારખવાની શક્તિ હતી. એમનું દાંપત્ય નર્યું ગળપણનું બનેલું મિષ્ટાન્ન ન હતું, પણ બધાં જ સ્વાદો ધરાવતી ચટપટી વાનગી જેવું હતું. ખરી મજા ડૉ.ભટ્ટના ભૂલકણાં સ્વભાવને કારણે આવતી હતી. તે દિવસે રૂમાલ ખોવાયો હતો, તો થોડાંક દિવસો પછી એમના ચશ્માં અર્દશ્ય થઇ ગયા!‘મારા ચશ્માં ક્યાં છે?’ ચશ્માં ક્યાં છે?’ ડૉ.ભટ્ટે ઘર માથે લીધું.
‘ચશ્માં તમારા નાક પર તો છે!’ વસુબહેને પતિનું ધ્યાન દોર્યું.‘આ તો દૂરનું જોવાના ચશ્માં છે, હું વાંચવા માટેના શોધું છું. તું આમ બાધાની જેમ મારી સામે ઊભી રહીને દલીલો ન કર! મને ચશ્માં શોધવામાં મદદ કર!’ ડૉ.ભટ્ટની ઘાંટાઘાંટ સાંભળીને વસુબહેને ઘરનો ખૂણેખૂણો ફેંદી નાખ્યો. છેવટે ચશ્માં જડ્યા ખરાં!‘થેન્કયુ, વસુ! થેન્કયુ! ચશ્માં ક્યાંથી મળ્યા?’ ડૉ.ભટ્ટના જીવમાં જીવ આવ્યો.
પણ વસુબહેનના જવાબથી પાછો જીવ ઊડી ગયો, ‘તમારા ટોઇલેટમાં ફ્લશની ટેંક ઉપર પડ્યા હતા!’‘ત્યાં કોણ મૂકી આવ્યું હશે?’ ‘તમે! બીજું કોણ લેટ્રીનમાં તમારા ચશ્માં પહેરીને જાય? તમને ટેવ છે ત્યાં બેઠાં-બેઠાં સવારનું છાપું વાંચવાની! હું તમારી આદતો જાણું છું માટે મેં ત્યાં તપાસ કરી. નહીંતર…’ અધૂરા વાક્યમાં જેટલાં ટપકાં હતા એના કરતાં વસુબહેનની આંખોમાં પતિની નાની-નાની વાતનું ધ્યાન રાખવાનું અભિમાન વધારે સમાયેલું હતું.
અમારો સથવારો લગભગ એક-દોઢ વરસનો રહ્યો. ખૂબ મજાઓ માણી, પણ સૌથી વધારે સાતત્યપૂર્ણ ઘટનાઓ આ ચીજવસ્તુઓ ખોવાઇ જવાની અને પાછી જડી જવાની બનતી રહી. દરેક વસ્તુ વસુબહેન જ ખોળી આપતાં. કારની ચાવી કચરાટોપલીમાંથી મળી આવે. ભટ્ટ સાહેબનો કોટ માળીયા પરથી જડી આવે. એક વાર સાહેબનું ટી-શર્ટ ખોવાયું હતું. ખૂબ શોધ્યું પણ ન જ મળ્યું. એ દિવસે ડૉ.ભટ્ટ શરીરના ઉપરના ભાગે એ ટી-શર્ટ સિવાય બીજું કશું જ પહેરવાના મૂડમાં ન હતા.
પણ ટી-શર્ટ એના માલિક કરતાંયે વધારે હઠીલું નીકળ્યું. બે મહિના પછી વસુબહેન જ્યારે તેલનો ડબ્બો લૂછવા માટે કપડાંનો ગાભો શોધતાં હતાં, ત્યારે મસોતાંના ઢગલા વચ્ચે પતિદેવનું ગૂમ થયેલું ટી-શર્ટ મળી આવ્યું. એ પણ ગાભા જેવું જ બની ગયું હતું. પણ ડૉ.ભટ્ટે જીદ પૂરી કરવા ખાતર એક વાર તો એ ગાભો પણ પહેરી નાખ્યો! પત્ની સામે જોઇને પૂછ્યું યે ખરું, ‘શું વિચારે છે? તારો પતિ કેવો હેન્ડસમ દેખાય છે એવું ને?’
‘ના, હું તો એવું વિચારતી હતી કે જો તમને હું ન મળી હોત તો તમારું શું થાત? ચશ્માં, પેન, બૂટ-મોજાં, હાથરૂમાલ અને પહેરવાના કપડાં આ બધું ખોઇને સાવ નડીંગ-ધડીંગ ફરતાં હોત! હું છું ત્યારે તમારી નાની-નાની દરેક વાતનું ધ્યાન રાખું છું.’ આવું બોલતાં વસુબહેનની આંખોમાં ચમકતાં સંતોષ અને મોં ઉપર લિંપાયેલી ગૌરવની લાગણીમાં ડૉ.ભટ્ટની સંમતિ પણ ભળેલી હતી અને મારી સાક્ષી પણ!એ પછી અમે છુટા પડ્યાં.
***
તાજેતરમાં મારે બહારગામ જવાનું બન્યું. એક જાણીતા શહેરમાં જાહેર સમારંભમાં મને વકતવ્ય આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. અમદાવાદથી કારમાં જવાનું હતું. સમારંભનો સમય સવારના નવ વાગ્યાનો હતો. વહેલાં ઊઠીને પાંચ કલાકનો પ્રવાસ કરીને નિધૉરીત સમયે પહોંચવાનું શક્ય ન હતું. માટે આયોજકોએ રસ્તો કાઢ્યો, ‘તમે અમદાવાદથી સાંજે નીકળીને આગલા દિવસે રાતે જ આવી જાવ! સવારે બહુ વહેલા ઊઠવાની ચિંતા નહીં રહે! હોટલમાં તમારા માટે રૂમ બૂક કરાવી લઇશું.’ હું પહોંચી ગયો. હોટલના રજિસ્ટરમાં સહી કરતી વખતે ઉપર નીચેના ખાનાઓ ઉપર સહજપણે મેં નજર ફેરવી લીધી.
એક નામ વાંચીને હું ઊછળી પડ્યો. મારી તદ્દન બાજુના રૂમમાં ડૉ.ભટ્ટ અને શ્રીમતી ભટ્ટ ઊતરેલા હતા! કેટલાં બધાં વરસો પછી આ મિત્ર દંપતીને મળી શકાશે એ વિચારમાત્રથી હું રોમાંચિત થઇ ઊઠ્યો. મારા રૂમાં બેગ મૂકી ન મૂકી અને હું પડોશમાં દોડી ગયો. બેલ વગાડી. બારણું એક રૂપાળી યુવતીએ ઊઘાડ્યું. હું ડઘાઇ ગયો. અંદર પથારીમાં ડૉ.ભટ્ટ બેઠેલા હતા. યુવતી પારદર્શક ગાઉનમાં જેટલી ઢંકાતી હતી એના કરતાં વધુ તો છતી થતી હતી.
‘સોરી, ભટ્ટસાહેબ! આટલાં લાંબા સમય પછી તમને મળવાના જોશમાં મને લાગે છે કે મેં તમને ખોટા સમયે ખલેલ પહોંચાડી! રજિસ્ટરમાં મેં શ્રીમાન ભટ્ટ વાંચ્યું એટલે મને થયું કે વસુબહેન…’ડૉ.ભટ્ટ મારી પાસે દોડી આવ્યા, ‘નેવર માઇન્ડ, શરદભાઇ! જાણેઅજાણ્યે તમે મારી ખાનગી જિંદગી જોઇ લીધી. આ ઉત્કંઠા છે. બે વરસથી મારે ત્યાં નર્સ છે. અમે….યુસી…! પણ એક વિનંતી છે…આ વાત ખાનગી રાખજો. વસુને ખબર નથી….’ ડૉ.ભટ્ટ ખોવા જેવું ખોઇ નાખતા હતા,પણ શોધવા જેવું એમણે શોધી લીધું હતું! મને દયા આવી ગઇ વસુબહેન પર! એ બિચારી ભોળી ભારતીય ધર્મપત્ની એનાં પતિની દરેક નાની-નાની વાત પર નજર રાખતી રહી. એમાં આવડી મોટી વાત સાવ જ એનાં ધ્યાન બહાર નીકળી ગઇ!‘
(સત્ય ઘટના)
(શીર્ષક પંક્તિ: ડૉ.કેતન કારીયા)
https://gujaratiliterature.wordpress.com/2011/06/14/180511/
વાચકોના પ્રતિભાવ