વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: ડો શરદ ઠાકર

( 661 ) ત્રિવેદી સાહેબ, જલદી આવો! બાપા પધાર્યા છે…!….. ડૉ. શરદ ઠાકર

26 જાન્યુઆરી ૨૦૧૫ ,પ્રજાસત્તાક દિન પ્રસંગે, બીજા બે ગુજરાતીઓ ડો. ગુણવંત શાહ અને શ્રી તારક મહેતા સાથે જેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે એ ડો. એચ.એલ. ત્રિવેદી ,અમદાવાદની ‘કિડની ઈન્સ્ટિટ્યૂટ’ ના ડીરેક્ટર તરીકેની એમની સુંદર કામગીરી અને સેવાઓથી  ખુબ જાણીતા છે.

આ ડો. ત્રિવેદીના જીવનનો રાજકારણમાં ભ્રષ્ટાચારનો કડવો અનુભવ અને લાખ્ખો ધર્મ પ્રિય હરિભક્તોમાં “બાપા” ના હુલામણા નામે ઓળખાતા સદીની ઉંમર નજીક પહોંચી ગયેલ પૂજ્ય પ્રમુખ સ્વામી સાથેનો એમનો એક પ્રસંગ જાણીતા લેખક ડો.શરદ ઠાકરે એમની આગવી શૈલીમાં આજે પ્રસ્તુત કરેલ એમના લેખમાં રજુ કર્યો છે .આપને એ જરૂર ગમશે .

મિત્ર શ્રી સુરેશ જાનીએ એમના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં ડો. એચ.એલ. ત્રિવેદીનો કરાવેલ સુંદર પરિચય અહીં ક્લિક કરીને વાંચશો.

વિનોદ પટેલ

“ફાનૂસ બનકર જિસ કી હિફાઝત હવા કરે,

વો શમ્મા ક્યા બૂઝે જિસે રોશન ખુદા કરે?”

BAPA-TRIVEDI

ડો. ત્રિવેદી હતાશ બની ગયા. એમણે એ મશીનનો ઉપયોગ શરૂ કરી દીધો. કર્મચારીઓએ પૂછયું, ‘સાહેબ, તમે કહેતા’તા ને કે ઉદઘાટન માટે આપણે કોઈ મોટા માણસને બોલાવીશું?’

ત્રિવેદી સાહેબ, જલદી આવો! બાપા પધાર્યા છે…!

વિશ્વવિખ્યાત કિડની સંસ્થાના ડિરેક્ટર ડો. ત્રિવેદી સાહેબ વિચારમગ્ન બનીને બેઠા હતા. પ્રશ્ન કંઈ મોટો ન હતો, માત્ર એક નાનકડી ઈચ્છા પૂરી કરવાનો સવાલ હતો. સાંજના વાળુ વખતે પણ એમને ગંભીર ચહેરા સાથે જોઈને એમના ધર્મપત્ની પૂછી બેઠાં, ‘કેમ આજે કંઈ થયું છે? શું વિચારો છો?’

‘વિચારું છું કે સંસ્થા માટે કિડનીની પથરી તોડવાનું નવું મશીન ખરીદવાનું છે. બધું પેપરવર્ક પૂરું થઈ ગયું છે. થોડાં દિવસોમાં જ મશીન આવી જશે. પછી એનું ઉદઘાટન કોના હાથે કરાવીશું?’ ડો. ત્રિવેદી સાહેબે મૂંઝવણ જાહેર કરી દીધી.

પત્નીએ સલાહ આપી, ‘ઉદઘાટન માટે કોઈ મોટા માથાની જરૂર છે?’

‘હા, મશીન ખૂબ મોંઘું છે, માટે એનો ઉદઘાટક પણ કોઈ મોટો માણસ જ હોવો જોઈએ. ડો. ત્રિવદીએ જવાબ આપ્યો. જવાબ તો આપતાં આપી દીધો, પણ એ સાથે જ એમના દિમાગમાં અજવાળું થયું. ‘કોઈ પણ રાજ્યમાં સૌથી મોટો માણસ તો એના મુખ્યમંત્રી સિવાય બીજો કોણ હોઈ શકે? લાવ, કાલે સી.એમ. સાહેબને જ વિંનતી કરું.’

વરસો થઈ ગયાં આ ઘટનાને. પાંચ, દસ કે પંદર નહીં, એનાથી પણ વધુ વરસો. કેનેડાની મુશળધાર કમાણી ત્યજીને ત્રિવેદી સાહેબ ગુજરાતના ગરીબ દરર્દીઓની સેવા કરવા માટે વતનમાં પરત ફર્યા હતા. વિશ્વસ્તરની સંસ્થા ઊભી કરવા માટે રાત-દિન એક કર્યા હતા. કોઈ પણ જાતની સરકારી સહાય લીધા વગર પ્રજા સામે ભીખનો વાટકો ધરીને આ ડોક્ટર ભિક્ષુકે સંસ્થાની ઈમારત ઊભી કરી હતી. અને હવે એમાં જરૂરી મશીનો બેસાડવાના હતાં.

બીજા દિવસે ડો. ત્રિવેદી સાહેબે તત્કાલિન મુખ્યમંત્રીને ફોન કર્યો, ‘સાહેબ, મારી સંસ્થામાં નવું લિથોટ્રિપ્ટર મશીન આવી રહ્યું છે. મારી ઈચ્છા છે કે એનું ઉદઘાટન આપના વરદ હસ્તે થાય.’

સી.એમ.ને વાતમાં રસ પડ્યો, ‘લિથોટ્રિપ્ટર એટલે શાનું મશીન?’

‘દરદીની કિડનીમાં થતી પથરીને ઓપરેશન કર્યાં વગર તોડવાનું મશીન… એમાં…’

‘એ બધું જવા દો, મને મશીનની કાર્યપદ્ધતિ જાણવામાં રસ નથી, પણ કિંમત જાણવામાં રસ છે.

‘મશીનની કિંમત આમ તો બહુ મોટી છે, પણ મેં જગતના અલગ-અલગ દેશોમાંથી સારી-સારી કંપનીઓનાં ટેન્ડરો મગાવીને ભાવતાલ કસીને કિંમત નક્કી કરી છે.’

સી.એમ. સાહેબે પાછો ખણકતો સવાલ પૂછી લીધો, ‘છેવટે કેટલા રૂપિયામાં સોદો નક્કી થયો છે?’

‘બે કરોડ રૂપિયામાં.’

‘ઓહ! ત્યારે તો એનું લોકાર્પણ ખરેખર કોઈ મોટા માથાના હાથે જ કરાવવું પડે.’

‘એટલા માટે તો આપને…

‘અરે, મારી વાત છોડો, હું ભારતના રાષ્ટ્રપતિને બોલાવી લાવું. મને મશીન વિશેની વિગત મોકલી આપો. બાકીનું બધું મારા માથે. મુખ્યમંત્રીએ સાચું જ કહ્યું. એ ગમે તેવા માણસ પાસેથી ગમે તેવું કામ કઢાવી શકવાની આવડત ધરાવતા હતા. ગુજરાતભરમાં આ માટે એમની ‘નામના’ હતી.

ડો. ત્રિવેદી સાહેબે એક બાજુ મશીનના લોકાર્પણ સમારંભની તૈયારી આરંભી દીધી, બીજી બાજુ મુખ્યમંત્રીના હાથમાં મશીનમાં સોદા વિશેની ફાઈલ પહોંચાડવાની તજવીજ કરી દીધી. એ કામ તો ખૂબ સહેલું હતું. રાજ્યના આરોગ્ય ખાતામાં અમુક ચોક્કસ ગતિ-વિધિ માટે એ પ્રોજેક્ટની ફાઈલ પહોંચી ગયેલી જ હતી.

એક દિવસ સવારના સમયે ડો. ત્રિવેદી ઉપર ગાંધીનગરથી ફોન આવ્યો. ખુદ સી.એમ. સાહેબ વાત કરતા હતા, ‘ડો. ત્રિવેદી, તમારે એક નાનકડું કામ કરવું પડશે.’

‘ફરમાવો ને સાહેબ! કોઈ ગરીબ દરદીની મફત સારવાર કરવાની છે?’

‘તમે ‘પ્રેક્ટિકલ’ થતાં ક્યારે શીખશો?’ સી.એમ. સહેજ અકળાયા, ‘ગરીબ દરદી માટે રાજ્યના મુખ્યમંત્રીએ ફોન કરવાનો હોય? મારે તો એટલું કહેવાનું છે કે….’ અહીં સાહેબ સહેજ અટક્યા, પછી સડસડાટ આગળનું વાક્ય બોલી ગયા, ‘પેલું મશીન છે ને એ તમારે બે કરોડમાં નથી ખરીદવાનું. ફાઈલમાં એની કિંમત ચાર કરોડ રૂપિયા બતાવીને ઉપરના બે કરોડ મને પહોંચાડવાના છે.’

‘હું સમજ્યો નહીં..!’

‘તમારે સમજવાની જરૂર પણ નથી. તમે એટલું સમજી લો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. હું…!’

‘તમારું નામ જણાવવાની જરૂર નથી, સાહેબ, આખો દેશ એ જાણે છે. પણ તમારું કામ આવું હશે એ હું નહોતો જાણતો.’

‘નો આર્ગ્યુમેન્ટ્સ! હું કહું છું તેમ કરવું છું કે નહીં?’ સામે છેડેથી વાઘના જેવી ત્રાડ સંભળાવી.

આ છેડેથી પવિત્ર ગાય જેવા એક તપસ્વી ડોક્ટરનો મૃદુ છતાં ખુમારીભર્યો અવાજ પ્રગટ્યો, ‘સોરી, સર! આ બધું મને નહીં ફાવે જિંદગીમાં આવું કામ મેં કર્યું નથી, કરવું પણ નથી. હું મારા દેશના ગરીબ દરદીઓની સેવા કરવા માટે અહીં આવ્યો છું. આ પૈસા પ્રજાએ આપેલું દાન છે. એ કોઈ પવિત્ર રાજ્યના અપવિત્ર નેતાને આપવા માટેની રિશ્વત નહીં બની શકે અને તમે મારું કશું જ બગાડી નહીં શકો. બહુ બહુ તો તમે મને શાંતિથી કામ નહીં કરવા દો. વાંધો નહીં. એવું થશે તો હું કેનેડા પાછો ચાલ્યો જઈશ.’

ડો. ત્રિવેદીના સ્વરમાં એક એવી ફૌલાદી મક્કમતા હતી જેવી દાયકાઓ પૂર્વે અંગ્રેજ સલ્તનત સામે લડત ચલાવા ગાંધીના અવાજમાં હતી અને દાયકાઓ પછી જનલોકપાલ માટે ઝઝૂમવાના હતા એ અન્નાના અવાજમાં પ્રગટવાની હતી.સામે છેડેથી ફોન કપાઈ ગયો. પછીથી હેલ્થ સેક્રેટરી દ્વારા ત્રિવેદી સાહેબને જાણવા મળ્યું કે એમનો જવાબ સાંભળીને મુખ્યમંત્રીએ સામે ઊભેલા સેક્રેટરીની દિશામાં એ ફાઈલનો છૂટો ઘા કરી દીધો હતી.

ડો. ત્રિવેદી હતાશ બની ગયા. બીજા જ દિવસે એમણે એક દરદી માટે એ મશીનનો ઉપયોગ શરૂ કરી દીધો. કર્મચારીઓએ પૂછયું પણ ખરું, ‘સાહેબ, તમે તો કહેતા’તા ને કે ઉદઘાટન માટે આપણે કોઈ મોટા માણસને બોલાવીશું?’

ડો. ત્રિવેદીના ચહેરા પર કટુતા આવી ગઈ, ‘હું મારી માન્યતામાં ખોટો હતો, ગુજરાતમાં હું ઈચ્છું છું એવો મોટો માણસ એક પણ નથી. આપણાં દરદીઓ એ જ આપણાં અતિથિઓ અને એ જ ઉદઘાટકો.
***
એક દિવસ અણધારી ઘટના બની ગઈ. સવાર-સવારમાં એક કર્મચારી ઓફિસમાં દોડી આવ્યો, ‘ત્રિવેદી સાહેબ, જલદી આવો! બાપા પધાર્યા છે…!’ સાહેબ ‘બાપા’નો અર્થ પૂરો સમજે ન સમજે એટલામાં એ પોતે પ્રવેશદ્વાર પાસે જઈ પહોંચ્યા. પગથિયાં ઉપર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સ્વયં શિષ્યગણ સાથે ઊભા હતા.

‘પ્રમુખસ્વામી મહારાજ, આપ? પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જાતે મારે આંગણે પધાર્યા?’ ડો. ત્રિવેદીના રૂંવે-રૂંવે ભક્તિભાવ ઊમટ્યો. બાપા મંદ-મંદ હસ્યા, ‘બ્રહ્મ સ્વરૂપ છું કે નહીં એ મારા ભક્તો જાણે! પણ અત્યારે વગર બોલાવ્યો અહીં પ્રગટ થયો છું તે હકીકત છે. તમારા મશીનના લોકાર્પણની ખાનગી વાત મારા કાન સુધી પહોંચી ગઈ છે. હું એનું ઉદઘાટન કરવા આવ્યો છું. મહત્ત્વ વિધિનું નથી, ભાવનાનું છે. ડોક્ટર, હવે પછી ક્યારેય એવું ન કહેશો કે તમારી ધારણા પ્રમાણેનો ગુજરાતમાં એક પણ મોટો માણસ નથી. ગુજરાતની ભૂમિ તો હજારો-લાખો સંતો, સાધુઓ અને સજ્જનોથી ઊભરાય છે. ચાલો, શુભ ઘડી વીતી રહી છે.

જેમના હાથે આવું શુભ કર્મ કરાવવું હોય તો છ-બાર મહિના રાહ જોવી પડે તેવા પવિત્ર ધર્મગુરુ સામે ચાલીને મશીન આગળ શ્રીફળ વધેરીને મંત્રોચ્ચાર સાથે મશીનનો લોકાર્પણ વિધિ કરી ગયા. આખી હોસ્પિટલના ખાટલે-ખાટલે ફરીને પવિત્ર જળનો છંટકાવ કરી રહ્યા. આભની અટારીએથી તેત્રીસ કરોડ દેવતાઓ આ દૃશ્યને નિરખી રહ્યા. આ ગજાના બે પવિત્ર તપસ્વીઓ એમને પણ એકસાથે ક્યારે જોવા મળવાના હતા?! એક ભગવાધારી તો બીજા સૂટધારી, પણ હતા તો બેય સંતશિરોમણી.

આવા છે ડો. એચ.એલ. ત્રિવેદી સાહેબ! તાજેતરમાં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’ના સન્માનથી નવાજ્યાં એ સમાચાર જાણ્યા પછી હજારો વાચકોએ ફોન અને એસ.એમ.એસ. દ્વારા મારી પાસે હર્ષ વ્યક્ત કર્યો. ગુજરાતના જ બીજા એક મોટા સંત કથાકારે ‘કિડની ઈન્સ્ટિટ્યૂટ’ માટે રામકથા શરૂ કરી છે. રિવરફ્રન્ટ પરની કથામાં પ્રથમ દિવસથી જ દાનનો વરસાદ વરસવો શરૂ થયો છે. જે સેવાભાવી ડોક્ટર સાહેબને પ્રજાના, સરકારના અને સંતોના આશીર્વાદ સાંપડે એ સેવાનાં પોતાનાં મિશનમાં ક્યારેય પાછા પડે ખરા?

drsharadthaker@yahoo.com

સૌજન્ય- આભાર – દિવ્ય ભાસ્કર .કોમ 

ડો શરદ ઠાકર નો પરિચય અને વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ આવા એમના બીજા પ્રેરક લેખો વાંચવા અહીં ક્લિક કરશો.

( 535 ) કર્મ હો કાળાં કબીરા! શું કરે માળા કબીરા! …… ડૉ. શરદ ઠાકર

 
જાણીતા કટાર લેખક અને ગુજરાતી સાહિત્યકાર ડૉ. શરદ ઠાકર વ્યવસાયે ગાયનેકોલોજીસ્ટ છે. આપણા હૃદયના તારને ઝંકૃત કરાવી દે એવી વાર્તાઓ સરસ શબ્દો અને શૈલીમાં તેઓ લખે છે .
 
દિવ્ય ભાસ્કર સમાચારપત્રમાં પ્રગટ થતી તેમની કટાર ‘ડૉક્ટરની ડાયરી’ (બુધવાર, શરુઆત ૧૯૯૫) અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’ (રવિવાર, શરુઆત ૧૯૯૩) થી ખુબ જાણીતા છે.
 
આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલી એમની એક સત્ય ઘટનાત્મક વાર્તા “કર્મ હો કાળાં કબીરા! શું કરે માળા કબીરા! ” એમના આભાર સાથે પ્રસ્તુત કરી છે.
 
આ વાર્તામાં તેઓએ સ્ત્રી ભ્રુણહત્યાના સવાલ ઉપર વાર્તાના પાત્ર દયારામને મધ્યમાં રાખીને એમના જીવનના અનુભવની એક દુખદ ઘટનાનું બયાન બખૂબી કર્યું છે  .દયારામના હૃદયમાં એની પત્ની માટે દયાનો એક છાંટો પણ નથી  . એક છોકરાની આશાએ એ એની પત્નીને 6 વખત ગર્ભપાત કરાવવાની ફરજ પાડે છે અને એમાં છેવટે પત્નીનું કરુણ મોત થાય છે !
 
દુનિયા સ્ત્રીઓની પ્રગતિમાં હરણ ફાળ ભરી રહી છે ત્યારે આજે પણ સમાજમાં આવા ઘણા દયારામો મળી આવે જે છોકરીને એક સાપનો ભારો માનતા હોય અને પત્નીને એની ઈચ્છા વિરુદ્ધ એના ઉદરમાં ઉછરતા એક નિર્દોષ દીકરીના જીવને મોતને ઘાટ ઉતારતા હોય !સ્ત્રીશક્તીકરણ વિના આ પ્રશ્ન હલ નહિ થઇ શકે .   
 
આ અંગે આપના વિચારો કોમેન્ટમાં જરૂર લખશો  .
 
વિનોદ પટેલ
 
============================
 
 
કર્મ હો કાળાં કબીરા! શું કરે માળા કબીરા!  .. ડૉ. શરદ ઠાકર
 
 
‘દુષ્ટ! પહેલું કામ તો આ નાટક કરવાનું બંધ કર. બદમાશ, સાત-સાત વાર તારા ઘરમાં દીકરી સ્વરૂપે મા જગદ્જનની અંબા ખુદ પધારવાની હતી ,ત્યારે તેં જન્મવા ન દીધી .હવે માનું મંદિર રચવા નીકળ્યો છે ?’
 
 
‘દયારામ, સારા સમાચાર છે. તમે બાપ બનવાના છો. તમારી પત્નીને ચોથો મહિને ચાલી રહ્યો છે.’ મેં દુગૉનું શારીરિક ચેક અપ કરીને એના પતિને સમાચાર આપ્યા. દયારામ મારી સામે જ બેઠા હતા, સમાચાર સાંભળીને સૂરજમુખીના ફૂલની જેમ હસી ઊઠ્યા. કેમ ખુશ ન થાય? પહેલીવાર જો બાપ બનવાના હતા. હું ‘પ્રિસ્ક્રિપ્શન’ લખાવામાં પરોવાયો, ત્યાં સુધીમાં દયારામના આનંદનો જથ્થો ખતમ થઇ ગયો અને સવાલોનો જથ્થો વપરાશમાં મુકાયો.‘સાહેબ, આપણે પેલું… શું કહેવાય છે…? ટી.વી.માં જોવાનું…?’ દયારામ યાદ કરી રહ્યા.
 
‘હું સમજી ગયો, સોનોગ્રાફી?’‘હા, એ જ. આપણે એ નથી કરાવવાનું?’‘કરાવીશું ને! યોગ્ય સમયે યોગ્ય હોય, તે બધી તપાસ અને પરીક્ષણો કરાવીશું જ, પણ હાલમાં તો દુગૉબહેન માટે જરૂરી છે તે દવાઓ લખી આપું છું.’ મેં પ્રિસ્ક્રિપ્શનનો કાગળ દયારામના હાથમાં મૂક્યો. દયારામને એમાં કંઇ રસ હોય તેવું ન લાગ્યું. એ માથું ખંજવાળીને કદાચ એ વિચારતો હતો કે એનો એ સવાલ ફરીથી કઇ રીતે પૂછવો! ‘સાહેબ, સોનોગ્રાફીની તપાસમાં બધી વાતની ખબર તો પડી જશે ને?’ દયારામે સવાલની નવતર આવૃત્તિ બહાર પાડી.
 
‘હા, બાળક વિશે ઘણી ખરી જાણકારી મળી જશે.’ મારા દિમાગમાં આઘે આઘેથી આવતી બદમાશીની ઘૂઘરીઓનો આછો-આછો રણકાર સંભળાઇ રહ્યો હતો. ‘એ બધાને ગોળી મારો, સાહેબ, આપણે તો એ જાણવું છે કે દુગૉના પેટમાં દીકરો છે કે દીકરી!’ દયારામે છેવટે સજજનતાનાં વસ્ત્રો ઉતારી જ નાખ્યાં.હું તપી ગયો, ‘દયારામ, તમને શરમ નથી આવતી? તમારી પત્ની પહેલી જ વાર ગર્ભવતી બન્યાં છે, ત્યારે તમને દીકરા-દીકરીની પડી છે? પહેલું બાળક તો પ્રભુનો પ્રસાદ ગણાય.’
 
‘એ બધું તો સમજયા, સાહેબ! પણ અમારી આર્થિક સ્થિતિ સારી નથી. આ જમાનામાં દીકરીના ઉછેર, ભણતર અને એને પરણાવવાના ખર્ચાઓ કેટલા બધા વધી ગયા છે! અમારે તો બસ એક જ સંતાન જોઇએ છે અને એ દીકરો જ હોવો જોઇએ.’તાજેતરમાં આમિર ખાનનો ટી.વી. કાર્યક્રમ ‘સત્યમેવ જયતે’ શરૂ થયો છે. એનો પ્રથમ એપિસોડ જોઇને મને દયારામની વાત યાદ આવી ગઇ. બહુ વધારે વર્ષો નથી થયાં આ ઘટનાને.
 
અત્યારે પણ આવા નિર્દયારામો અમારી પાસે આવતા જ રહે છે, પણ દયારામને એ બધામાં ટોચના સ્થાને એટલા માટે બેસાડવા પડે છે કારણ કે એ તો પ્રથમ સંતાનથી જ સ્ત્રીભ્રૂણહત્યા માટે સજજ થઇ રહ્યા હતા. એ દિવસોમાં ગર્ભસ્થ શિશુનાં જાતપિરીક્ષણ ઉપર પ્રતિબંધ ફરમાવતો કાયદો તાજો જ ગુજરાત રાજ્યમાં અમલમાં આવેલો હતો. એટલે મેં દયારામને શબ્દો ચોર્યા વગર કહી દીધું,‘હું પોતે તો તમને આ બાબતમાં મદદ નહીં જ કરું, પણ મારા કોઇ સોનોલોજિસ્ટ મિત્ર દ્વારા પણ તમારું કામ નહીં કરાવી આપું.’દયારામે લાલચ આપી, ‘સાહેબ, કામ તો તમારે કરી જ આપવું પડશે. ખર્ચાનો સવાલ નથી.’
 
‘ખર્ચાનો સવાલ કેમ નથી, દયારામ! તમે હમણાં જ તો કહ્યું કે તમારી આર્થિક સ્થિતિ સારી નથી. દીકરીને જીવાડવાના પૈસા તમારી પાસે નથી, પણ એને મારવાના પૈસા છે, ખરું ને? એની વે, હું કંઇ ‘બેટી બચાવો’નો નારો લઇને જાહેરમાર્ગ પર નીકળી પડેલો ચળવિળયો નેતા નથી, હું તો સરકારી કાયદાને માન આપીને કામ કરતો સામાન્ય નાગરિક છું. આ વાત વિશે આપણે હવે ચર્ચા નહીં કરીએ. આ દવાઓ લખી આપી છે તે લઇ લેજો, એક મહિના પછી ‘ફોલોઅપ’ તપાસ માટે આવી જજો.’ મેં એકપક્ષીય ચર્ચાવિરામ જાહેર કરી દીધો. દયારામ દયામણા મોં સાથે ચાલ્યા ગયા.
 
ફરીવાર એક મહિના પછી એ લોકો દેખાવા જોઇતા હતા, પણ ન દેખાયા. પૂરા છએક મહિના પછી દેખાયા. મેં પૂછ્યું, ‘સુવાવડ પિયરમાં કરાવી? બાબો આવ્યો કે બેબી?’દયારામે જવાબ આપવાને બદલે કહ્યું, ‘દુગૉને બે મહિના ચડ્યા છે. તપાસ માટે આવ્યા છીએ.’ મેં દુગૉને ટેબલ પર લીધી, ત્યારે એ રડી પડી. બહાર અવાજ ન જાય એમ એણે હોઠ ફફડાવ્યા, ‘અમે સોનોગ્રાફીની તપાસ કરાવી હતી. એનો રિપોર્ટ બેબીનો આવ્યો. એટલે અમે પડાવી નાખી.’
 
હું ડઘાઇ ગયો. સ્ત્રીભ્રૂણહત્યાનો આઘાત તો મને લાગ્યો જ, એ ઉપરાંત મોટો આંચકો મને એ વાતનો લાગ્યો કે કાયદાની મનાઇ હોવા છતાં અમદાવાદ જેવા શહેરમાં કવોલફિાઇડ ડોક્ટરો માત્ર પૈસાની લાલચમાં હજુ પણ ભ્રૂણનું લિંગપરીક્ષણ અને સ્ત્રીભ્રૂણની હત્યા કરી રહ્યા છે! હું મારે જે કરવાનું હતું તે ‘ચેકઅપ’નું કામ પતાવીને બહાર આવ્યો. દયારામને સમાચાર આપ્યા, ‘તમારી વાઇફ ગર્ભવતી છે.’દયારામ આ વખતે વૈજ્ઞાનિક માહિતીથી સજજ થઇને આવ્યા હતા, ‘સાહેબ, આ વખતે ચાર મહિનાવાળી તપાસ નથી કરાવવી. સાંભળ્યું છે કે હવે તો સવા બે મહિને કંઇક ‘બાયોપ્સી’થાય છે. એમાં જો ખરાબ રિપોર્ટ આવે તો ગર્ભપાત કરાવવો સરળ પડે છે. સાહેબ, આ વખતે ના ન પાડતા. તમને હાથ જોડું છું.’
 
એ પછીના સંવાદો તમે કલ્પી શકો છો. લખવા બેસું તો પાનાંનાં પાનાં ભરાય. પણ મેં દયારામને ‘માનભેર’ (સાચું કહું તો અપમાનભેર) વિદાય કરી દીધા. આઠ-દસ મહિના પછી જાણવા મળ્યું કે દયારામે પોતાનો ઇરાદો સાધી લીધો હતો. કોરિઓન બાયોપ્સીની તપાસમાં દીકરી છે એવું જાણવા મળ્યું એટલે દુગૉબહેનનું કયુરેટિંગ કરાવી નાખ્યું હતું. કોઇને આ કિસ્સો ઉપજાવી કાઢ્યો હોય તેવો લાગી શકે, પણ આઘાતજનક હદ સુધી આ ઘટના સાવ સાચી છે. મેં એમાં વાર્તારસ પૂરતોયે કલ્પનાનો મસાલો ભભરાવ્યો નથી.
 
દયારામ સતત ચાર વર્ષમાં છ વાર મારી પાસે દુગૉને લઇને આવી ગયા. બીજે ક્યાંક પણ ગયા જ હશે. કેટલીક વાર એની કોને ખબર પડે? ઇશ્વર પણ દયારામની દાનતની અગ્નિપરીક્ષા કરી રહ્યો હોય તેમ દરેક વખતે દીકરીનો જ રિપોર્ટ બહાર પાડતો હતો. બૂરી દશા દુગૉની હતી. વારંવારની ગર્ભપાતોથી એનું શરીર ખલાસ થવાના આરે પહોંચી ગયું હતું. જેને મેં પહેલીવાર જોઇ ત્યારે હરીભરી જોઇ હતી એ માત્ર ચાર જ વર્ષમાં ‘વૃદ્ધા’ બની ગઇ હતી.
 
એક સવાલ મને ખુદને પજવતો હતો. મેં આટલી બધી વાર જાતપિરીક્ષણ માટે ઇન્કાર કરી દીધો હોવા છતાં દરેક વખતે દયારામ પ્રારંભમાં મારી પાસે જ શા માટે આવતા હતા? એનું કારણ પછીથી જાણવા મળ્યું. એ વાત લાંબી છે. ટૂંકમાં કહું તો એ જ્યાં રહેતા હતા તે વિસ્તારના ઘણા બધા લોકો મારા જૂના દર્દીઓ હતા. એટલે દયારામની પ્રથમ પસંદગી તો હું જ હતો, પણ આખરે એમણે મને છોડી દીધો. સાતમી વારની પ્રેગ્નન્સી વખતે એ કાયદાનો ભંગ કરનાર ડોક્ટર પાસે ગયા. આ વખતે પણ રિપોર્ટમાં દીકરી જ જાણવા મળી. એને જાણવાનો તો સવાલ જ ક્યાં હતો? ગર્ભપાત કરાવી નાખ્યો, પણ આ વખતે કોમ્પ્લિકેશન ઊભી થઇ. ગભૉશયમાં કાણું પડી ગયું. વધુ પડતા રક્તસ્રાવ અને ઇન્ફેકશનના કારણે દુગૉનું મૃત્યુ થઇ ગયું.
 
***
 
એક સામાજિક પ્રસંગમાં હું હાજરી આપવા ગયો હતો, ત્યાં મેં દયારામને જોયો. એની સાથે એની નવી પત્ની હતી જેની કાંખમાં છએક માસનો દીકરો હતો. દયારામ એક એક કરીને બધાંને મળીને કશુંક માગી રહ્યો હતો. એના હાથમાં રસીદ બુક હતી. પછી મારો વારો આવ્યો. મને જોઇને એ ઉત્સાહમાં આવી ગયો, ‘સાહેબ, દેવી માતાના મંદિર માટે ફંડફાળો ઉઘરાવું છું. એક મહિના પહેલાં અંબાજી મા મારા સપનામાં આવ્યાં હતાં. મને કહે કે હું તારા પર પ્રસન્ન છું. તારા ઘરની સામે ખુલ્લી જગ્યા છે ત્યાં મારું ભવ્ય મંદિર બનાવ ! ત્યારથી હું પૈસા ભેગા કરી રહ્યો છું.”
 
સાહેબ, આપના નામની કેટલા રૂપિયાની પાવતી ફાડું?’છેલ્લા ચાર વર્ષથી ભેગો થયેલો ધૂંધવાટ મારી ખોપરીનું આવરણ તોડીને જાણે ફાટ્યો! સામાન્ય રીતે જાહેરમાં હું કોઇને આકરાં વેણ કહેતો નથી. (ખાનગીમાં કહું છું!) પણ એ દિવસે મારાથી મોટા અવાજમાં બોલી જવાયું,  
‘દુષ્ટ! પહેલું કામ તો આ નાટક કરવાનું બંધ કર. બદમાશ, સાત-સાત વાર તારા ઘરમાં દીકરી સ્વરૂપે મા જગદ્જનની અંબા ખુદ પધારવાની હતી, ત્યારે તે એને જન્મવા ન દીધી.હવે માનું મંદિર રચવા નીકળ્યો છે? અને અંબા મા એટલી ભોળી છે કે એ તને સપનામાં દર્શન દેવા આવે? દુગૉ તો તારા ઘરમાં જ હતી, એકાદ દીકરી આવી ગઇ હોત તો તારું ઘર જ મંદિર જેવું પવિત્ર બની ગયું હોત! અને બીજું એક કામ કરીશ? એફિડેવિટ કરાવીને તારું નામ બદલાવી નાખીશ?’
મહેફિલમાં સન્નાટો હતો,મારી આંખોમાં ભીનાશ હતી અને અવાજમાં કંપન!
અને દયારામ ? એ તો ક્યાં ય દેખાતો ન હતો. 
(શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)
 
=============================================
ડો. શરદ ઠાકરનો પરિચય અને એમની સુંદર સત્ય ઘટનાત્મક વાર્તાઓ
Dr._Sharad_Thakerઉપરના ડો. શરદ ઠાકરના ચિત્ર ઉપર ક્લિક કરીને વિનોદ વિહારમાં અગાઉ પોસ્ટ કરેલ એમની આવી જ બે સત્ય ઘટનાત્મક વાર્તાઓ એમના પરિચય સાથે માણો.

( 269 ) ડોક્ટરની ડાયરી- સત્ય ઘટનાત્મક વાર્તા – લેખક ડો. શરદ ઠાકર

Dr. Sharad Thaker

Dr. Sharad Thaker

મારા સ્નેહી મિત્ર અને ગુજરાતી નેટ જગતમાં વાચકોમાં ખુબ વંચાતા બ્લોગ Sunday-e-Mahefil ના બ્લોગર સુરત નિવાસી શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મને ડો.શરદ ઠાકર લિખિત એક સરસ સત્ય ઘટનાત્મક વાર્તા વાંચવા મોકલી, એ વાંચતાં જ મને ગમી ગઈ .

વિનોદ વિહારના વાચકો માટે આ સુંદર વાર્તાને  આજની પોસ્ટમાં મૂકી છે . આશા છે આપને  એ જરૂર વાંચવી ગમશે .

શ્રી ઉત્તમભાઈ એમના ઈ-મેલમાં એમની પસંદગીની વાચન સામગ્રી અવાર નવાર મને મોકલતા રહે છે . છેલ્લાં ઘણા વર્ષોથી લેક્ષિકોનના માધ્યમથી તેઓ અને એમના સહયોગીઓ ગુજરાતી ભાષાની અસ્મિતા માટે બહું જ અભિનંદનીય કાર્ય કરી રહયા છે .

શ્રી મહેન્દ્ર મેઘાણીની માફક  મોતીચારો ચણતા હંસ જેવી હંસ દ્રષ્ટિથી ગુજરાતી સાહિત્યમાંથી મેળવેલ સાહિત્ય સામગ્રી એમના બ્લોગ મારફતે તેઓ સૌના લાભાર્થે પીરસી ગુજરાતી ભાષા માટેની સુંદર અને ઉપયોગી સેવા શ્રી ઉત્તમભાઈ એમના નિવૃતિકાળમાં હાલ બજાવી રહ્યાં છે . 

અગાઉ ડો.શરદ ઠાકરની એક સત્ય ઘટનાટમક વાર્તા ” દવાની સાથે સાથે દિલથી કરેલી દુવાઓ પણ કામ કરે છે” વિનોદ વિહારની પોસ્ટ નંબર ૫૯ માં એમના પરિચય સાથે મૂકી હતી .

આજે પોસ્ટ કરેલ એમની વાર્તા પણ એક સત્ય ઘટનાત્મક વાર્તા છે .લેખકના અમેરિકાના પ્રવાસ દરમ્યાન એમના મેડીકલ કોલેજ કાળના એમના મિત્ર અને ન્યુ જર્સી ખાતે જે.એફ.કે.જનરલ હોસ્પિટલમાં સૌના માનીતા ડોક્ટર કિરીટ પટેલને માત્ર નામ ઉપરથી એમનું જ સરનામું શોધીને મળે છે . એમના આ જુના મિત્ર સાથે ગાળેલ સમય અને ભારતની હોસ્પિટલોની સરખામણીમાં અમેરિકાની હોસ્પિટલ સેવાઓનું એમની આગવી શૈલીમાં સરસ વર્ણન કર્યું છે .

આ વાર્તાના મુખ્ય પાત્ર ડો. કિરીટ પટેલ ગુજરાતમાં , મહેસાણા જિલ્લામાં આવેલ કલોલ પાસેના નાના ગામ મોખાસણ ( મારા વતનના ગામ ડાંગરવા નજીકનું જ ગામ )ના સામાન્ય સ્થિતિના એક ખેડૂત પુત્ર છે .પોતાની આવડત અને મહેનતથી ન્યુ જર્સીમાં હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કેવું નામ અને દામ કમાયા છે એ વાંચીને આપણને આ ડોક્ટર ઉપર માન અને એક ભારતીય તરીકે ગૌરવની લાગણી થાય છે .

ડોક્ટર કિરીટ પટેલ ૧૦ મીલીયન ડોલરની કિંમતના રાજ મહેલ જેવા  મોટા બંગલામાં રહેતા હોવા છતાં ઘરમાં સહજાનંદ સ્વામીનું મંદિર એક રૂમમાં સ્થાપીને  પિતાએ આપેલ ધાર્મિક સંસ્કારોને અને  એમના વતન મોખાસણના મૂળ ધર્મને જાળવી રાખ્યો છે એ બદલ એમને ધન્યવાદ ઘટે છે .મને આ વાર્તા ગમવાનું મુખ્ય કારણ આ જ છે .

અમેરિકામાં ભૌતિક સંપતિ વચ્ચે રહીને પણ ડોક્ટર કિરીટ પટેલની જેમ પોતાના વતનના મૂળને ભૂલવુ ન જોઈએ . 

ડોક્ટર કિરીટ પટેલ જેવી સફળ કારકિર્દી ધરાવતા ભારતીય મૂળના ઘણા ડોક્ટરો આજે અમેરિકાના દરેક ખૂણે  સારું  દામ  અને નામ કમાઈ સારી સેવા કરી રહ્યા એ જોઈને અને જાણીને આનંદ થાય છે .

વિનોદ પટેલ

______________________________________

ડોક્ટરની ડાયરી- સત્ય ઘટનાત્મક વાર્તા – લેખક ડો. શરદ ઠાકર

ઉપરના આમુખ પછી ડો. શરદ ઠાકરની સત્ય ઘટનાત્મક વાર્તા

-ડોક્ટરની ડાયરી  નીચેની લિંક ઉપર માણો .

https://sites.google.com/site/semahefil/sm-273-doctor-ni-daayari

ડોક્ટર શરદ ઠાકર અને એમના સાહિત્યનો સુંદર પરિચય એમના શ્રી

દેવાંગ ભટ્ટ સાથેના એક ઇન્ટરવ્યુંને રજુ કરતા નીચેના યુ-ટ્યુબ

વિડીયોમાંથી મળી રહેશે .

આ વિડીયોમાં પોતાના જીવનની કથા કહેતા ડોક્ટર શરદ ઠાકરને

સાંભળીને તમને લાગશે કે એમનું જીવન જ એમની અનેક વાર્તાઓ

જેવી જ એક વાર્તા છે .

 DR. SHARAD THAKER – INTERVIEW -ATITHI

______________

આભાર –શ્રી ઉત્તમભાઈ ગજ્જર,  Sunday-e- Mahefil  અને દિવ્ય ભાસ્કર

 

 

 

 

 

(59) દવાની સાથે સાથે દિલથી કરેલી દુવાઓ પણ કામ કરે છે -ડો.શરદ ઠાકર

 ઘણી વખત મિત્રો એમની ઈ-મેલમાં સુંદર સાહિત્યિક માહિતી,વાતાઓ વી.મને મોકલતા હોય છે.એમાંથી મને જે ગમે એને અંગત મિત્રો/સ્નેહીજનોને વાંચવા ફોરવર્ડ કરતો હોઉં છું.

પરંતુ આજની ઈ-મેલમાં હ્યુસ્ટન રહેતા જુના મિત્ર શ્રી પદ્મકાંત ખંભાતીએ જાણીતા સર્જક ડો.શરદ ઠાકરના જીવનમાં બનેલ એક યાદગાર સત્ય ઘટના મોકલી આપી જે મને ખુબ જ ગમી ગઈ .આ વાર્તામાં રહેલો ઊંડો સંદેશ મારા મનને સ્પર્શી ગયો.

ખુબ જ અસરકારક શૈલીમાં ડો.શરદ ઠાકરે વર્ણવેલ એમના જીવનમાં બનેલ યાદગાર પ્રસંગની વાર્તા વાચકોને પણ ગમશે એમ માનીને આજની પોસ્ટમાં એને મૂકી છે.મને આશા છે આપને એ જરૂર ગમશે.

આ વાર્તા વાંચીને મને પુ.વિનોબા ભાવે અને સ્વામી વિવેકાનંદના નીચેનાં સુવાક્યો ટાંકવાનું યોગ્ય લાગ્યું.

“સેવા કરવા માટે પૈસાની જરૂર નથી.જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની.— વિનોબા ભાવે.

ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો ? શું બધાં દીન દુખી અને દુર્બલ લોકો ઈશ્વર સ્વરૂપ નથી ?તો એમની પૂજા શ માટે ન કરવી ?ગંગા કાંઠે કુવો ખોદવા શ માટે જવું? – સ્વામી વિવેકાનંદ

સાન ડીયેગો                                                       —વિનોદ આર.પટેલ

_____________________________________________

  

Dr. Sharad Thaker

ડો. શરદ ઠાકર –ટૂંકો પરિચય


ડો.શરદ ઠાકર વ્યવસાયે તબીબ હોવાં છતાં છે એક લોકપ્રિય અને અનોખા સર્જક પણ છે..‘દિવ્ય ભાસ્કર’દૈનિકની બુધવારની પૂર્તિ ‘કળશ’માં ‘ડોક્ટરની ડાયરી’ અને રવિવારની પૂર્તિ ‘સન્ડે ભાસ્કર’માં પ્રસિદ્ધ થતી એમની લોક પ્રિય કોલમ‘રણમાં ખીલ્યું ગુલાબ’ના લેખક ડો..શરદ ઠાકર ઘણાં વર્ષોથી શબ્દોની આરાધના કરીને એમની કલમની કરામતનો ગુજરાતી વાચકોને પરિચય કરાવી રહ્યા છે..એમાંય ખાસ કરીને યુવા વાચકોની તો એમણે પુષ્કળ ચાહના પ્રાપ્ત કરી છે.

સમાજમાં જીવાતા જીવનમાંથી જડેલી વાર્તાઓ,હ્રદય સ્પર્શી પ્રસંગોને આવરી લેતાં ડો.શરદ ઠાકરનાં આજ દિન સુધી લગભગ ૩૫થી એ વધુ પુસ્તકો બહાર પડી ચૂક્યાં છે.ડો.ઠાકર માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી રજુ કરે છે.તેમની કલમમાંથી હૃદયને સ્પર્શે એવી રસાળ શૈલીમાં શબ્દો સાહજિકતાથી નીતરે છે.એક સાથે એક આંખમાં આંસુ અને બીજી આંખમાં મુસ્કાન લાવવાની તાકાત આ ગુજરાતી સર્જકમાં રહેલી છે.

ડો.ઠાકરનો પુસ્તક પ્રેમ

કોઇ વાંચનપ્રેમી વ્યક્તિની અંગત લાયબ્રેરીમાં કેટલા પુસ્તકો હોઇ શકે?બે-પાંચ હજાર?બસ!કલ્પના આટલી જ કરી શકાય પણ શરદભાઇની અંગત લાયબ્રેરી આઠ હજાર પુસ્તકોથી સમૃદ્ધ છે.તેમણે અત્યાર સુધીમાં ૧૫ હજાર પુસ્તકો વાંચ્યા છે.ગુજરાતની ભાવુક પ્રજા શરદ ઠાકરને ખૂબ વાંચે છે પરંતુ આ સર્જકને ગમતા સર્જક કનૈયાલાલ મુનશી,ઝવેરચંદ મેઘાણી અને પન્નાલાલ પટેલ છે. ડો.શરદ ઠાકરે સિંહપુરુષ વીર સાવકરનું દળદાર પુસ્તક લખવા માટે બે વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું.વીર સાવરકર વિશેના કુલ ૪૦ હજાર પાના વાંચ્યા પછી તેમણે આ મહાન ઐતિહાસિક પાત્રના આલેખનને ન્યાય આપ્યો.(સૌજન્ય-દિવ્ય ભાસ્કર)

____________________________________________

 

 ડૉ.શરદભાઇ અમદાવાદ શહેરના જાણીતા રોગ  નિષ્ણાંત

છે અને સાહિત્ય સર્જક છે.એમના જીવનનો આ યાદગાર

પ્રસંગ એમના જ શબ્દોમાં :

 

દવા ની સાથે સાથે દિલ થી કરેલી દુવાઓ પણ કામ કરે

છે -ડો.શરદ ઠાકર 

 

“આ વાતને વીસ વર્ષ થયાં છે.

મારે ત્યાં દીકરાનો જન્મ થયો. સમય કરતાં એ ઘણો

વહેલો આવી ગયેલો. જન્મ સમયે એનું વજન માંડ દોઢ

 કિલોગ્રામ. અત્યંત નબળો બાંધો. મારા મિત્ર ડૉકટરે

સલાહ આપી કે,તાત્કાલિક એને નારણપુરા ખાતેની એક

પ્રસિધ્ધ હૉસ્પિટલમાં લઇ જાવ. એને કાચની પેટીમાં ઘણો

લાંબો વખત રાખવો પડશે.

આખા અમદાવાદમાં એ સમયે માંડ બે-ત્રણ જગ્યાએ જ

કદાચ આ સુવિધા ઉપલબ્ધ હતી.

મારા દીકરાને દાખલ કર્યો. એ સમયે અન્ય નવજત
 
બાળકો પણ ત્યાં હતાં. બે-ત્રણ દિવસે એકાદ બાળક ઇશ્વરને
 
પ્યારું થઇ જતું હતું. હું ખૂબ જ હતાશ થઇ ગયો હતો.
 
ડૉક્ટર પણ એમના શક્ય તમામ પ્રયાસો કરતા હતા.મારા
 
દીકરાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક હતી.
 

આ પરિસ્થિતિમાં મણિનગર ખાતેનું મારું દવાખાનું પણ

ચાલુ રાખવું જરૂરી હતું. કારણ મારા દર્દીઓને તકલિફ પડે,

તો જાય ક્યાં? હું આખી રાત મારા દીકરા પાસે રહેતો

અનેસવારે ઘેર આવી, નાહી-પરવારી સવારના દર્દીઓને

તપાસતો. બપોરે થોડોક આરામ અને સાંજની ઓપીડી

પતાવી, પાછો પહોંચી જતો દીકરા પાસે.

મારા દીકરાની હાલતમાં ખાસ કોઇ સુધારો જણાતો ન

હતો. આપરિસ્થિતિમાં એને અન્ય જગ્યાએ લઇ જવો પણ

કેવી રીતે?ડૉક્ટરે પણ ઉપરવાળાઉપર ભરોસો રાખવાનો

દિલાસો આપી દીધેલો.એક દિવસે સાંજના મારી ઓપીડી

પતાવી હું દીકરાને જોવા અધીરો થઇ રહ્યો હતો,

ત્યાં જ મારા સ્ટાફ નર્સે કહ્યું કે કોઇ મુસ્લિમ બાઇ આવી છે.
 
મેં કહ્યું કે, સમય પૂરો થઇ ગયો છે. કાલે આવવાનું કહો. 
 
 
 
હું દરવાજા બંધ કરી બહાર નીકળી રહ્યો હતો ને એ
 
મુસ્લિમ બાનુ હાથ જોડી મને કરગરી રહીહતી.હું ગુસ્સે થઇ
 
ગયો. ‘મારે બહાર જવાનું છે. તમે કાલે આવજો.’ જવાબમાં
 
એ રીતસરની મારી સામેઝૂકી પડી. ‘સાહેબ, ખાનપુરથી
 
ચાલતાં આવ્યા છીએ.મારી હાલત જુઓ. અવતીકાલે પાછું
 
ચાલીને જ આવવું પડશે. દયા કરો સાહેબ, અલ્લાહ….
 
તમારા દીકરાને ખૂબ લાંબુ આયુષ્ય આપશે…..’
 

હું સડક થઇ ગયો. એનું છેલ્લું વાક્ય મારા હૃદયની

આરપાર નીકળી ગયું. પાછો વળી ગયો.

એ બાઇને ખૂબ શાંતિથી તપાસી, જરૂરી દવાઓ પણઆપી.

’કેટલા પૈસા આપું,સાહેબ?’એના હાથ ફરી જોડાઇ ગયા. હું

એને જોઇ જ રહ્યો. જે બાઇ આઠ-દસકિલોમીટર ચાલીને

આવી હોય. એની પાસેથી શું લઇ શકાય?

મારાથી બોલાઇ ગયું, ‘બહેન… તું મને ફરીથી દિલથી દુવા

આપ….મારા માટે એ જ તારી ફી છે.’

બાઇએ જીર્ણ થઇ ગયેલા સાડલાથી આંખો લૂછી ખરી,

પણ …. આભારવશ બનેલી એ આંખો કાબૂમાં ના

રહી.’અલ્લાહ…. આપકે બેટેકો લમ્બી ઉમ્ર દે….’

એના અંતરના આશીર્વાદ લઇ, હું જાણેહલકોફૂલ થઇ ગયો.

અને પછી જે ચમત્કાર સર્જાયો, એ આજીવન નહીં ભૂલાય.

મારા ફોનની ઘંટડી રણકી ઊઠી, ‘શરદભાઇ… ગુડન્યૂઝ.

ઇંગ્લૅંડથી મારા એકપરિચિત ડૉક્ટર આપણી હૉસ્પિટલમાં

આવ્યા છે.તમારા દીકરાને એમણે તપાસીઇંગ્લૅંડથી લાવેલું

એક ઇંજેશન પણ આપી દીધું છે, દીકરો રડી રહ્યો છે. 

ડૉક્ટર મિત્રનું કહેવું છે કે, એ ઘણો જ સ્વસ્થ છે. ચિંતા
 
કરવાની કોઇ જરૂર નથી.
 
 
તમે જલદીથી દીકરાને મળવા આવીજાવ…’
 

હું હૉસ્પિટલ પહોંચ્યો, ઇંગ્લૅંડથી આવેલા ડૉક્ટર મને ભેટી

પડ્યા. ને હું હીબકે ચડી ગયો…. મારા દીકરાએ પણ મારી

સાથે સૂર પુરાવ્યો ત્યારે બંને ડૉક્ટરોની પણ આંખો ભીની

થઇ ગઇ.

_______________________________

 ડો.શરદભાઈની વાર્તાઓનો આસ્વાદ

ડો.શરદભાઈની હૃદયસ્પર્શી અને સંવેદન શીલ વાર્તાઓનો આસ્વાદ મેળવવા માટે વાચકોને ડો.શરદ ઠાકરના ચાહક શ્રી જુલીએટ મર્ચન્ટના બ્લોગની નીચેની લીંકની સાભાર મુલાકાત લેવા વિનંતી છે.આ બ્લોગમાં એમણે ડો. ઠાકરની ઘણી જ સુંદર વાર્તાઓ મૂકી છે.

ડો.શરદ ઠાકર ની વાર્તાઓ નો આસ્વાદ લેવા અહીં ક્લિક કરો.

_____________________________________________________________________

ડો.શરદ ઠાકરનું એક પ્રભાવશાળી વક્તૃત્વ

ડો.શરદભાઈ જેટલું સારું લખે છે એવું જ સારું અને ખુબ જ અસરકારક પ્રવચન પણ આપી શકે છે એની પ્રતીતિ કરવા માટે એમણે મહુવા ખાતે પુ, મોરારી બાપુ આયોજિત અસ્મિતા પર્વ ખાતે આપેલ એમનું પ્રવચન સાંભળવું જોઈએ.નીચેના યુ-ટ્યુબના વિડીયોમાં એમનું પ્રવચન સાંભળશો એટલે તમને ડો. શરદ ઠાકરએમના સર્જનોની મદદથી કેવી ઉમદા સામાજિક સેવા આપી રહ્યાં છે એ જાણીને તમને એમના પ્રત્યે માનની લાગણી થશે.    
Lecture by Gujarati short story writer Dr Sharad Thakar at Asmita Parv, Mahua 

અસ્મિતા પર્વ ,મહુવા ખાતે ડો.શરદ ઠાકરે આપેલ એક યાદગાર પ્રવચન (વિડીયો )

____________________________________________________________________

 વિનોદ વિહારના વાચકો પ્રતિ નિવેદન અને આભાર દર્શન.

       ( નવ મહિના+માં ૧૧૧૦૦   મુલાકાતીઓ ) 

મારી ૭૫ વર્ષની ઉંમરે સપ્ટેમબર ૧,૨૦૧૧થી મેં વિનોદ વિહાર નામથી મારા ગુજરાતી બ્લોગનો શુભારંભ કર્યો ત્યારે મને મનમાં થોડી શંકા હતી કે પુરતી સંખ્યામાં એની મુલાકાત લઈને વાચકો એને આવકારશે કે કેમ! 

મને જણાવતાં ખુશી થાય છે કે આજે જ્યારે હું આ લખી રહ્યો છું એ દિવસે માત્ર નવ માસ અને ૧૧ દિવસમાં મારા બ્લોગના મુલાકાતીઓની સંખ્યા ૧૧૧૦૦ નો આંક વટાવી ચુકી છે.

આ પ્રસંગે,મારા બ્લોગની મુલાકાત લેવા માટે અને એમાં પોસ્ટ થયેલ સામગ્રી અંગે એમનો પ્રેરક પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરવા માટે સૌ વાચક મિત્રોનો આભાર માનું છું. ખાસ કરીને મારા બ્લોગની શરૂઆતથી જ મને બ્લોગ અંગે માર્ગદર્શન અને જરૂરી ટેકનીકલ મદદ કરવા તેમ જ મારા બ્લોગ સાથે સહતંત્રી તરીકે જોડાવા માટેના મારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે મારા નજીકના મિત્ર શ્રી સુરેશ જાનીનો હું ખુબ જ આભારી છું. 

આ બ્લોગની આજ સુધીની ૫૯ પોસ્ટની સાહિત્ય યાત્રા ખુબ જ આનંદ દાયક રહી છે.નેટ રત્નાકરના ખુબ જ વિસ્તૃત બ્લોગ જગતમાં ડૂબકીઓ લેતાં લેતાં ઘણું જાણવાનું,માણવાનું ,અને વિચારવાની તક પ્રાપ્ત થતાં જીવન સંધ્યાનો નિવૃત્તિ કાળ ઉપયોગી અને ગમતી સાહિત્યની પ્રવૃત્તિમાં આનંદથી પસાર થઇ રહ્યો છે એનો સંતોષ છે.ખાસ કરીને આ બ્લોગના માધ્યમથી શ્રી સુરેશ જાની જેવા બીજા ઘણા અમેરિકાની ચારે દિશામાં પથરાયેલા મિત્રોના પરિચયમાં આવવાનું થયું છે.આ સૌ મિત્રોને કદી નજરે જોયા ન હોવા છતાં ઈ-મેલ દ્વારા નજીકનો સમ્પર્ક સધાતો રહે છે. આવા મિત્રોનો પ્રેમ મળતાં “માંયલો” પ્રફુલ્લિત રહે છે અને જીવનની એકલતા ઓછી ડંખે છે.વળી એની સાથે એક ગુજરાતી સાહિત્ય અને ભાષાની લોકોપયોગી પ્રવૃત્તિ કરવાનો મનમાં સંતોષ થાય છે. 

અત્રે મારા વાચકોને જણાવવા ઈચ્છું છું કે ,જ્યાં સુધી મારું શરીર,મન અને મગજની શક્તિઓ તેમ જ હૈયાની હામ-જુસ્સો પ્રભુ જેમ છે એમ જાળવી રાખશે ત્યાં સુધી મારા બ્લોગ વિનોદ વિહાર દ્વારા સત્વશીલ અને પ્રેરક સામગ્રી પીરસીને ગુજરાતી સાહિત્યની ગદ્ય-પદ્ય સર્જનની આનંદયાત્રા કરાવવાનો મારો પ્રયત્ન ચાલુ  રહેશે. 

ફરી,મારા અનેક સુજ્ઞ વાચકો અને મિત્રોનો મને સાથ અને સહકાર આપવા બદલ હૃદયથી આભાર માનું છું અને હજુ પણ વધુ આવકાર મળતો રહેશે એવી અંતરથી આશા રાખું છું. 

અંતે,મારા પરિચય(મારા વિષે )માં મુકેલ મારૂ  સ્વ રચિત કાવ્ય રચના” મને શું ગમે” એને અહીં દોહરાવું છું. 

મને શું શું ગમે ? 

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં
માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી
અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે . 

ભલેને આવતી મોટી મુશીબતો મારી વાટે
શુળોમાં ખીલતા એક ગુલાબ જેમ ખીલીને
બધે ગુલાબી પમરાટ પ્રસરાવવાનું મને ગમે. 

મનનું માગ્યું બધું ક્યાં મળે છે આ જગમાં ?
જે મળ્યું એનું જતન કરી સુપેરે માણવાનું મને ગમે. 

સાહિત્ય સાગરમાં ઊંડેથી મોતીઓ ખોજીને
મનગમતાં મોતીઓનો ગુલાલ ઉડાડીને
આનંદથી ઝૂમતા હોળૈયા થવાનું મને ગમે . 

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે. 

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે. 

—-વિનોદ આર. પટેલ

_____________________________________________________________

                                      A  PICTURE SPEAKS THOUSANDS OF WORDS   

 (સાભાર – શ્રી મનસુખલાલ ગાંધીના  -ઈ મેલમાંથી )

________________________________________________________________

 તુમ આફ્તોસે ઇતને કયું ગભરાતે  હો 

ઉસી આફ્તોસે હમને ખુબ પાયા હૈ 

ખુશી ક્યા શીખાતી હમેં જિંદગીકા મઝા 

અપને દુખોસે  હી હમને ખુશી પાયી હૈ

                     — અજ્ઞાત કવિ

 

_______________________________________________