વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: પી . કે . દાવડા

1168 – અમેરિકામાં વસતા ભારતીયો ….. લેખક શ્રી નટવર ગાંધી

P.K.DAVDA

ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી ૮૩ વર્ષીય મિત્ર શ્રી પી.કે.દાવડા ગુજરાતી બ્લોગ જગતમાં સંપાદક તરીકે જો કે મોડા પ્રવેશ્યા છે એમ છતાં થોડા વખતમાં જ એમનો  બ્લોગ ‘’દાવડાનું આંગણું ‘’ વાચકોમાં સારી સ્વીકૃતિ મેળવી રહ્યો છે.

આ બ્લોગમાં વાચકોને ગમે એવી ઉત્તમ પ્રકારની સાહિત્ય સામગ્રી અને અન્ય જાણવા લાયક માહિતીનું પ્રકાશન થઇ રહ્યું છે.જાણીતા લેખકોના ઉચ્ચ કક્ષાના લેખોનું સંપાદન “દાવડાનું આગણું” દ્વારા થતુ રહે છે.

આ બ્લોગની આજની પોસ્ટમાં શ્રી નટવર ગાંધી સાહેબનો લેખ ‘’ અમેરિકામાં વસતા ભારતીયો ‘’ પ્રકાશિત થયો છે એ મને ખુબ ગમ્યો.

ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાયે વિનોદ વિહારની આજની પોસ્ટમાં લેખક શ્રી નટવર ગાંધી અને સંપાદક શ્રી દાવડાજીના આભાર સાથે એને રી-બ્લોગ કરેલ છે.

શ્રી નટવર ગાંધી અમેરિકામાં ઘણાં વર્ષોથી છે અને ખુબ જ પ્રવૃતિશીલ છે.એમના અમેરિકાના અનુભવો અને અભ્યાસના પરિપાક રૂપે એમણે આ લેખ ‘’ અમેરિકામાં વસતા ભારતીયો ‘એમના પુસ્તકની પ્રસ્તાવના રૂપે લખ્યો છે.

જો કે લેખ થોડો લાંબો છે તેમ છતાં થોડી ધીરજ રાખી દરેક વાચકે એ વાંચવા જેવો રસસ્પદ અને માહિતી સભર લેખ છે.

 આ લેખ જેમ મને ગમ્યો છે તેમ વિનોદ વિહારના વાચકોને પણ ગમશે એવી મને ખાત્રી છે.

શ્રી નટવર ગાંધી લિખિત આ લેખ’ ‘’ અમેરિકામાં વસતા ભારતીયો ‘’ વાંચવા માટે નીચેની લીંક  પર ક્લિક કરીને ‘’દાવડાનું આંગણું ‘’ બ્લોગમાં પહોચી જાઓ.

https://davdanuangnu.wordpress.com/category/%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80/

‘’એક અજાણ્યા ગાંધીની આત્મકથા’’

 શ્રી નટવર ગાંધી

  

વધુમાં, શ્રી નટવર ગાંધીના જીવનની ખુબ જ રસિક  વાતો એમની આત્મ કથા રૂપે દરેક સપ્તાહે ‘’દાવડાનું આંગણું’’ ની ધારાવાહી શ્રેણીમાં  ‘’એક અજાણ્યા ગાંધીની આત્મકથા’’ ના નામે પ્રગટ થાય છે એ પણ વાંચવા જેવી રસસ્પદ અને માહિતી સભર વાચન સામગ્રી છે.

આ ધારાવાહિક આત્મ કથાના આજ સુધીના હપ્તા 

આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

1104 -સીનીયરોના પ્રેરણાસ્ત્રોત વડીલ હરિકૃષ્ણ મજમુંદાર ની વિદાય.. હાર્દિક શ્રધાંજલિ

સીનીયરો માટે સદા માર્ગ દર્શક અને પ્રેરણાસ્ત્રોત બની રહેલા, બે એરિયા,કેલીફોર્નીયા નિવાસી વડીલ હરિકૃષ્ણ મજમુંદાર (જન્મ ૧૯૧૯ ) એ એમની ૯૮ વર્ષની ઉંમરે સદાને માટે વિદાય લીધી છે એના સમાચાર જાણીને  દુખ થયું.

તેઓ આજીવન સમાજ સેવક અને સાહિત્ય સેવક રહ્યા હતા અને એમનાં સેવા કાર્યોથી એમના અનેક પ્રસંશકોનો પ્રેમ સંપાદન કર્યો હતો.

વિનોદ વિહાર સ્વર્ગસ્થ  હરિકૃષ્ણ મજમુંદારને આ પોસ્ટ દ્વારા હાર્દિક શ્રધાંજલિ પાઠવે છે. 

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના છે.

વિનોદ પટેલ 


હરિકૃષ્ણ મજમુંદારની જીવન ઝરમર …

મળવા જેવા માણસ … હરિકૃષ્ણ મજમુંદાર …. પી.કે.દાવડા   

       

હરિકૃષ્ણનો જન્મ વડોદરામાં ૧૯૧૯મા થયો હતો. શાળાનો અભ્યાસા વડોદરામાં જ કર્યો. ત્યારબાદ વડોદરાની કોલેજમાંથી બી.એ. કરી, કાયદાનો અભ્યાસ કરવા અમદાવાદ ગયા અને ૧૯૪૧ માં એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી.

૧૯૪૧ માં એક ટેક્ષટાઈલ મિલમાં નોકરી શરૂ કરી. ૧૯૪૩ માં એમને મુંબઈમાં એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં નોકરી મળી. નોકરી કરતાં કરતાં જ, ૧૯૪૮ માં એમણે બી. કોમ. ની ડીગ્રી પણ મેળવી લીધી. એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં કામ કરતા હતા ત્યારે ૧૯૬૦ માં તેમને ભાભા એટોમિક સેંટરમાં મોકલવામાં આવ્યા, અને ત્યાં કાયમ થયા. ૧૯૭૭ સુધી ત્યાં કામ કરીને નિવૃત્ત થયા.

નિવૃતિ  બાદ આઠ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાના અને બીજા નાના મોટા કામ કર્યા. ૧૯૮૫ માં દિકરીએ એમને અમેરિકા તેડાવ્યા. તેમના કહેવા પ્રમાણે અમેરિકા આવવા પાછળ એમના મનમાં કોઈ યોજના ન હતી, એ માત્ર એમના સંજોગોનો તકાદો હતો. એમના શબ્દોમાં કહું તો, “ભારતમાં મારા નિવૃતિબાદના વર્ષો ઉપર મારૂં કોઈ નિયંત્રણ ન હતું, સંજોગોને આધિન સમય વ્યતિત થતો હતો.”

૧૯૮૫ માં તેઓ અમેરિકા આવ્યા. અમેરિકામાં આવીને એમણે કોમ્યુનીટી કોલેજમાં કેલ્ક્યુલસ અને શેક્સપિયરનો ઊંડો અભ્યાસ કર્યો. કેલક્યુલસ વિષયમાં તો તેમણે “ફેકટરાઈકઝેસન” નામનું પુસ્તક પણ લખ્યું. ત્રણ વર્ષ સુધી ઈન્ડિયા પોસ્ટ નામના છાપા માટે કોલમ લખી. અમેરિકામાં મોટી ઉંમરના ભારતીયોની વિટંબણાઓથી જેમ જેમ પરિચિત થતા ગયા તેમ તેમ તેનો ઉકેલ લાવવા સિનિયરોને લગતા કાયદાઓ અને સિનિયરોની અપાતી છૂટછાટનો અભ્યાસ કરતા ગયા. ભારતથી આવતા લોકોની સોશ્યલ સીક્યુરીટી, ઇમિગ્રેશન અને અન્ય વિષયની ગુંચો ઉકેલવાની મદદમાં લાગી ગયા. વડિલોની મુંઝવણો સમજી લઈને એનો સમાધાન પૂર્વક ઉકેલ લાવવામાં મદદરૂપ થવા લાગ્યા. ૨૦૦૨માં અમેરિકાની વેલ્ફેર યોજનાની માર્ગદર્શિકા “ભુલભુલામણીનો ભોમિયો” (Mapping of the Maze) પુસ્તક લખીને સિનિયરોને માર્ગદર્શન આપ્યું. અનેક સ્થળૉએ સિનિયરોને માર્ગદર્શન આપવા વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. અમેરિકાના સેનેટરોને, અદાલતોને, પત્રકારોને અને નેતાઓને પત્રો અને પીટિશન્સ લખી લોકોને ન્યાય અપાવવા લાગ્યા. બસ લોકો તેમને દાદાના હુલામણા નામથી ઓળખતા થયા.

એમણે સિનિયરોને સલાહ આપી કે સ્વાલંબી બનો, પરિવારમાં મદદરૂપ બનો, જીવન માત્ર જીવો જ નહિં પણ એને માણો. પોતે પોતાની પુત્રીના બેકયાર્ડમાં પોતાનો ઓરડો બાંધી સ્વાલંબી જીવન જીવીને ઉદાહરણ પૂરૂં પાડે છે.

તેમની સેવા ની પ્રવુતિ માટે તેમનેઘણા એવોર્ડ મળ્યા છે ,Santa Clara County ના Human Resources Commission તરફથી “Toni Sykes Memorial Award ” દાદાને મળ્યો છે. દાદા પોતે કાયમી વસવાટ માટે પરદેશથી આવેલ વસાહતી છે. 2011માં તેમણે”સાઉથ એશિયન સિનયર સર્વિસ એસોસીએશન” રચ્યું છે. આજની તારીખે દાદા છેલ્લાં માં છેલ્લાં કાયદા અને નિયમો વિષે પોતાને માહિતગાર રાખે છે અને ઝીણવટ, સમજ અને અનુભવી કોઠાસુજથી લોકોના વણઉકેલ્યા કોયડાને ઉકેલે છે. દાદાજીની વાત સીનિયરોને અને ભવિષ્યની પેઢીને વિચારતા કરી મૂકે તેવી મૌલિક છે. દાદા કહે છે”અમેરિકામાં રહેનાર ભારતીય સીનિયરો પોતાના સાંકડા વર્તુળમાં પોતાનું જીવન જીવી નાખે, તેના કરતાં બહાર આવી અહીંનાં સમાજની વિશેષતા માણે તો આનંદપુર્ણ જીવન જીવી શકે. “સ્વ” પરથી નજર હટાવી “અમારા” પર નજર કરવાની જરૂર છે. હકારાત્મક જીવનમાં સુખી થવાનો આ ગુરૂમંત્ર છે. દાદાની વડિલોને સલાહ છે કે બાળકો ઉપર તમારા સિધ્ધાન્તો અને તમારા અનુભવો ન થોપતા. શક્ય છે કે બદલાયલા સંજોગ અને બદલાયલા સમયમાં એ એમને ઉપયોગી ન પણ થાય.

દાદા કહે છે, “ અહીં અમેરિકામાં હું મારા જીવનનું નિયંત્રણ કરી શકું છું, કારણ કે અહીં લોકો નૈસર્ગિક જીવન જીવે છે. લોકો અહીં માન અને પ્રેમના ભૂખ્યા છે, અને અન્યોને પણ તેઓ માન અને પ્રેમ આપે છે. મને મારા કાર્યના બદલામાં પૈસાની ભૂખ નથી, લોકો મને જાણે, મારા કાર્યની નોંધ લે, મારા માટે એ જ પુરતું છે. અહીં તમે કંઈપણ ન કરો તો જ તમારૂં કાર્ય વણનોંધ્યું રહે.”

-પી. કે. દાવડા

બે એરીયાની ગુજરાતી સાહિત્ય સંસ્થા ”બેઠક” ની એક સભામાં ” તો સારું” “પુસ્તિકાના વિમોચન વખતે હાજર હરિકૃષ્ણ મજમુંદાર અને એમનાં પત્ની શ્રીમતી પ્રેમલતા મજમુંદાર આ વિડીયોમાં એમના આશિર્વચનો કહી રહ્યાં છે.Mar 9, 2014

જીવનના ત્રણ તબ્બકા …. હરિકૃષ્ણ મજમુંદાર

કેલિફોર્નિયાના મિલપિટાસ શહેરમાં,૧૭ મી માર્ચ ૨૦૧૬ ના રોજ આ જ ”બેઠક ” સંસ્થાના બીજા એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ૯૬ વર્ષીય સમાજસેવક અને સાહિત્ય સેવક શ્રી હરિકૃષ્ણ મજમુદારે બહુ સુંદર વચનો કહ્યાં હતાં.

શ્રી હરિકૃષ્ણ દાદાએ કહ્યું હતું કે ….
”માણસના જીવનના ત્રણ તબ્બકા છે.
જન્મથી ૧૮ વર્ષની વય સુધી બચપણ હોય છે.
૧૯ મા વર્ષથી ૮૦ મા વર્ષ સુધી પુખ્તવય (adult) હોય છે અને
૮૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા હોય છે.

અહીં અમેરિકાના ડોકટરો તમને ૧૦૦ વર્ષ પહેલાં મરવા નહિં દે એટલે તમે યોજનાબધ્ધ રીતે જીવન જીવો. વચલા તબ્બકાને ૧૯ થી ૫૦ અને ૫૧ થી ૮૦ એમ બે ભાગમાં વહેંચી દો. આ ૫૧ થી ૮૦ વાળો તબ્બકો સૌથી વધારે ઉત્પાદક અને આનંદદાયક છે. ઘટતી જવાબદારીઓ વચ્ચે તમારી મનગમતી પ્રવૃતિઓમાં જોડાઈ જાવ, અને સમાજને ઉપયોગી થવાની સાથે તમારી જાતને પણ આનંદથી ભરી દો. પણ આના માટે એક શરત છે. તમારે નિયમિત રીતે તમારી શારીરિક તપાસ કરાવવી જોઈયે, કસરત કરવી જોઈએ અને ખોરાકમાં સંયમ વર્તવો જોઈએ.”


શ્રી હરિકૃષ્ણ મજમુદારને એમની સેવાની પ્રવૃતિની કદર રૂપે  મેળવેલ વિવિધ એવોર્ડ અને એમનાં પુસ્તકો .

સ્વ. પ્રેમલતા મજમુદારનો ટૂંકો પરિચય.


સ્વ.હરિકૃષ્ણ મજમુંદાર ની સમાજ સેવાનો એક પ્રસંગ ..

એક વખત કોઇક મિત્રનાં બનેવી ડલાસથી રીસાઇને ઘર છોડીને ચાલ્યા ગયા.બહું શોધખોળને અંતે એ મિત્રે દાદાને ફોન કર્યો અને વિગતો આપી નવસારી પાસે જલાલપોર ગામના છે.

જેટલી માહીતિ તે ભાઇએ આપી તે બધી નોંધી લીધા પછી પોતાની ફોન ડાયરી ફંફોસીને જલાલપોર ગામના કેટલા માણસો તેમના સંપર્કમાં છે  તે જોઇને ફોન ગુમાવવાના શરુ કર્યા.

સામાન્ય રીતે અમેરિકામાં આટલી પળોજણ કોઇ કરતું નથી.પણ સમાજ્ને કંઇક પાછુ આપવું છે ની ધગશને કારણે ત્રીજા ફોન પરથી ખબર પડી ગઈ કે તે ભાઇ ફીનીક્ષમાં છે. તેમના ટેલીફોન નંબર સહીત સરનામા સાથે તે મિત્રને ફોન પાછો કર્યો તો તે ભાઇ તો ઉભા જ થઈ ગયા.દાદા હવે પતિ પત્ની નો મામલો છે સમજાવટથી પતાવી આપોને?

દાદા કહે ભાઈ તું શીકાગોમાં આ ભાઇ ફીનીક્ષમાં અને હું પાલો આલ્ટોમાં..ફોન ઉપર પ્રયત્ન કરું પણ જો હું મધ્યસ્થી બનીશ તો મારું કહ્યું માનવું પડશે“

દાદા પ્લીઝ પહેલાં મને કહો તમારી ફી કેટલી?”

અને દાદા બહું જ હસ્યા.પછી કહે “ભાઇ હું કોઇ જ કામની કોઇ ફી લેતો નથી.”

બીજે છેડે બહેનનો અવાજ ગદ ગદ હતો તેથી દાદા બોલ્યા “બેન ગુંચ પડી હોય ને તો બધા દોરા ખેંચા ખેંચ ના કરાય પણ એક દોર પકડીને ગુંચ ઉકેલતા જશો તો બધું ઉકલી જશે.”

એક કલાક્માં તે મિત્રનો ફોન આવી ગયો “દાદા મેળ થઇ ગયો છે..આભાર.”

સૌજન્ય..સાભાર- શ્રી  બાબુભાઈ  સુથાર 

https://gadyasarjan.wordpress.com/2016/11/21/gardi-award-for-harikrishna-majmumdar/

 

 

 

( 1040 ) ત્રણ મંદિર કાવ્યો …..શ્રી પી.કે.દાવડા

( શ્રી પી.કે.દાવડા ….મારે આંગણે !…વિનોદ પટેલ )

ફ્રીમોન્ટ, કેલીફોર્નીયા નિવાસી હમઉમ્ર અને સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડાએ એમની નવી ઈ-મેલ શ્રેણીમાં મિત્રોને દરરોજ એક મંદિર કાવ્ય ( એવાં કાવ્ય કે જેમાં મંદિર કે ભગવાનનો નિર્દેશ કરવામાં આવ્યો હોય),અને એ કાવ્ય ઉપરના  ટૂંકા વિવરણ સાથે મિત્રોને વાંચવા માટે મોકલ્યાં હતાં.આ માટે તેઓએ શ્રી માવજીભાઈ મુંબઈવાળાના બ્લોગની સહાય લીધી હતી. 

આવાં નવ મંદિર કાવ્યોમાંથી મારી પસંદગીનાં ત્રણ મંદિર કાવ્યો શ્રી.પી.કે.દાવડા તથા શ્રી માવજીભાઈના આભાર સાથે આજની વિનોદ વિહારની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરેલ છે. 

વિનોદ પટેલ

મંદિર કાવ્યો …. શ્રી પી.કે.દાવડા 

રામને મંદિર ઝાલર બાજે …… કવિ- સુન્દરમ્ 

રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય

શેઠની મેડિએ થાળીવાજું,  નૌતમ ગાણાં ગાય 

મંદિરની  આરતી  ટાણે  રે

વાજાનાં   વાગવા  ટાણે  રે

લોકોના જૂથ નિતે ઊભરાય 

 

એક ફળિના ત્રણ રહેવાસી : શેઠ ને બીજા રામ

ત્રીજી  માકોરબાઈ રાંડેલી,  કોડી કને  ના દામ 

લોકોનાં  દળણાં  દળતી   રે

પાણીડાં  કો’કના  ભરતી  રે

કાઢી ખાય રોટલો કરતી કામ

 

શેઠની મોટી દૈત્ય હવેલી  ગામનું  નાક કે’વાય

રામનું મંદિર આરસબાંધ્યું નિત ઝળાંઝળ થાય 

ફળિના     એક    ખૂણામાં   રે

ગંધાતા    કો’ક    ખૂણામાં   રે

માકોરના મહેલ ઊભેલા જણાય

 

માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત

ધાન લઈને દળવાં બેસે, રામની માગી ઓથ 

ઘરેરાટ     ઘંટી  ગાજે   રે

ભૂખી ડાંસ ઘંટી  ગાજે   રે

ગાજે જેમ દુકાળિયાનું મોત

 

ગોકુળ આઠમ આજ હતી  ને  લોક કરે ઉપવાસ

માકોર ભૂખી રહી નકોરડી કાયામાં ન રહ્યો સાસ

 

મુઠ્ઠીભર ધાન  બચાવવા રે

સીતાના રામ  રીઝાવવા રે

પેટાવ્યો પેટમાં કાળ-હુતાશ

 

શેઠના ઘેરે,  રામને  મંદિર,   સાકર-ઘીનાં ફરાળ

પારણામાં કાલ કરવા ભજિયા દળવા આપીદાળ 

દળાતી  દાળ તે આજે રે

હવાયેલ દાળ તે આજે રે

ઉઠાળે માકોર પેટ વરાળ

 

અંગ થાક્યું એનું આંચકા લેતું હૈડે હાંફ ના માય

બે પડ વચ્ચે  દાળ દળે  તેમ કાયા એની દળાય 

દળી જો  દાળ ના  આપે  રે

શેઠ   દમડી   ના  આપે  રે

બીજો ઉપવાસ માકોરને થાય

 

અન્ન ખાતી તોય અન્નનો દાણો ન દેતી ઘંટીઆજ

માકોરની  અન્નપૂરણા  રૂઠી   ફરવા  પાડે  ના  જ 

હજી દાળ  અરધી  બાકી  રે

રહી  ના રાત  તો  બાકી  રે

મથી મથી માકોર આવે વાજ

 

શેઠ  જાગે  ને  રામજી  જાગે,  જાગે  સૌ સંસાર

ભોમનો ભાર ઉતારવા આજે જન્મ્યા’તા કિરતાર 

પરોઢના જાગતા  સાદે  રે

પંખીના  મીઠડા   નાદે  રે

ડૂબે માકોરનો ભૂખ પોકાર

 

શેઠ હસે બેઠા આઠમે માળે,  રામ રમે રણવાસ

રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ 

માકોરની   મૂરછા  ટાણે    રે

ઘંટીના    મોતના   ગાણે   રે

કાળો એક કાગ કળેળે નિસાસ

-સુન્દરમ્ 

વિવરણ … 

જેમનું નામ સાહિત્યના એક યુગ સાથે જોડાયલું છે,(ઉમાશકર-સુન્દરમ યુગ), એવા કવિ સુન્દરમની આ કવિતા મારા કોઈ પ્રતિભાવની મોહતાજ નથી.દબાયલા કચડાયલા લોકોની તરફેણમાં સમાજ સામે આક્રોશ વ્યક્ત કરતી એમની અનેક કવિતાઓ પ્રખ્યાત છે.શેઠ અને માકોર ડોસી, સમાજના સાચા પ્રતિકો છે.સાહિત્યકારો લખે છે, સાહિત્યપ્રેમીઓ વાંચે છે, અને પરિસ્થિતિ જેમની તેમ જ રહે છે.ક્રાંતિની ધમકીઓ તો દાયકાઓથી અપાય છે,પણ દૂર દૂર સુધી ક્યાંયે એના એંધાણ દેખાતા નથી. સમાજની આ દારૂણ અસમાનતા દર્શાવવા મંદિરનો તો એક માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે. 

પી. કે. દાવડા 

પ્રભુજીને પડદામાં રાખ મા …. -ઇન્દુલાલ ગાંધી 

પ્રભુજીને પડદામાં રાખ મા

પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા

 

વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી

ભીતિ વંટોળિયાની ભાખ મા

પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા

 

આડે ઊભો તારો દેહ અડીખમ

ભળી જાશે એ તો ખાખમાં

પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા

 

ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી

થાક ભરેલો એની પાંખમાં

સાત સમંદર પાર કર્યા તોયે

નથી રે ગુમાન એની આંખમાં

પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા

 

આંખનાં રતન તારા છોને હોલાય

છોને હીરા લૂંટાય તારા લાખના

હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી

ખોટા હીરાને ખેંચી રાખ મા

પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા

-ઇન્દુલાલ ગાંધી 

વિવરણ .. 

આજે પણ ઘણાં મોટાં અને જાણીતાં મંદિરોમાં માત્ર થોડી ક્ષણો જ પ્રભુ દર્શન માટે પડદો હટાવવામાં આવે છે.લોકો ધક્કા-મૂક્કી કરી, જરા એક ઝલક મેળવે ન મેળવે ત્યાં સુધીમાં તો પડદો બંધ કરી દેવામાં આવે છે. આ પ્રક્રીયામાં ભક્તો તો ઠીક, ભગવાન પણ પોતાના ભક્તોને જોઇ શકતા નથી. 

ઈંદુલાલ ગાંધીની કવિતાઓમાં કરૂણતા ભારોભાર ભરી હોય છે, યાદ કરો આંધળીમાનો  પત્ર. અહીં પણ એ પૂજારીને કરગરીને વિનંતી કરે છે કે પ્રભુજીને પડદામાં ન રાખ, આતો તારા આત્મા ઉપર પડદો ઢાંકી દેવા જેવું કામ તું કરે છે. એ કહે છે, પવનથી દીવો હોલવાઈ જશે એવા બહાના કાઢીને, પવન રોકવા પડદો ઢાંકું છું એવી દલીલ ન કર. એક તો માત્ર ક્ષણવાર જ પડદો હટાવે છે, અને તેમાંયે વળી તું વચ્ચે ઊભો રહીને દર્શન કરતાં રોકે છે, પણ તું એ ભૂલી જાય છે કે જે શરીરથી તું દર્શન રોકે છે, એ તો એક દિવસ બળીને ભસ્મ થઈ જવાનું છે . ત્યાર પછીની બે કડીઓમાં તત્વજ્ઞાનની ભાષામાં સમજાવે છે કે જે થઈ રહ્યું છે એ ખોટું છે. 

આઝાદી પહેલાંના સમયમાં આવાં સુંદર મંદિર કાવ્યો રચાયાં છે. 

પૂજારી પાછો જા …… -કૃષ્ણલાલ શ્રીધરાણી 

ઘંટના નાદે  કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય

ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય

ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા

મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મને

ઓ રે, પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે

ન પ્રેમ નું ચિન્હ આ, પૂજારી પાછો જા

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર

દિન કે રાત  ન નીંદર લેતો, નૈવેદ્ય  તું ધરનાર

ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા

દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા

સ્વાર્થ  તણું  આ મંદિર  બાંધ્યું, પ્રેમ નહીં, પથરા

ઓ તું જો ને જરા, પૂજારી પાછો જા

માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં

ફૂલને  ધરે  તું,  સહવા એણે,  ટાઢ અને તડકા

આ તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા

ઓ રે પૂજારી આ મંદિર કાજે, મજૂર વહે પથરા

લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા

અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં

ધૂપ  ધર્યો  પરસેવો ઉતારી, ઘંટ  બજે   ઘણમાં

પૂજારી સાચો આ, પૂજારી પાછો જા

-કૃષ્ણલાલ શ્રીધરાણી

વિવરણ …

સ્વ. કૃષ્ણલાલ શ્રીધરાણીની આ કવિતામાં એમણે મંદિરના પ્રવર્તમાન વાતાવાવરણને સજ્જડ રીતે વખોડી કાઢ્યો છે. આરતી વખતે થતો નુકસાનકારક દેશીબેલ્સનો અવાજ અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે એટલો અગરબત્તીઓનો ધુમાડો એ બન્ને હકીકત છે. એમણે પોતાની નારાજગી ભગવાન (મૂર્તિ)ના મુખે કહેવડાવી છે. રોષે ભરાઈને ભગવાન કહે છે,મને ફૂલમાળા ન પહેરાવીશ, એનાથી તો હું અભડાઈ જઈશ,મને તારૂં નૈવેદ પણ નથી ખપતું, ઓ પૂજારી (અને ભક્ત) તું મારી નજરથી દૂર થા. મંદિરની આ પાષાણની દિવાલોમાં મને શા માટે કેદમાં રાખ્યો છે?

ત્યારબાદ એક પછી એક તર્ક બધ્ધ કારણો આપીને આ બધું જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે, એ આક્રોશ સાથે કહે છે,અખાની જેમ.

આ કાવ્યથી વધારે જોરદાર રીતે મંદિરની કુરીતિઓ વિષેનું કોઈ કાવ્ય કદાચ કોઈએ નહીં લખ્યું હોય.આવી તો કેટલીયે કવિતાઓ, કેટલાય લખાણો અને કેટલાયે વાર્તાલાપો થઈ ગયા,પણ મંદિરોની સંસ્કૃતિમાં લેશમાત્ર પણ ફરક પડ્યો નથી. હવે તો કેટલાક મંદિરોમાં દર્શન કરવા માટે પણ ટીકીટ ખરીદવી પડે છે. 

પી. કે. દાવડા
https://davdanuangnu.wordpress.com/ 

રામકા નામ લીયેજા, તૂ અપના કામ કીયેજા...

( 1028 ) પી.કે.દાવડાના જન્મ દિવસની કેક – ગીતા સંદેશ (સંક્ષિપ્તમાં)

ફ્રીમોન્ટ, કેલીફોર્નિયા ( બે એરિયા ) નિવાસી મિત્ર શ્રી પી.કે.દાવડા જ્યારે એમના જીવનના ૮૧ વર્ષ પૂરાં કરીને ૮૨મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે એ પ્રસંગે એમને અભિનંદન અને તંદુરસ્તી ભર્યા દીર્ઘ જીવનની હાર્દિક શુભેચ્છાઓ .

જન્મ દિવસની પૌષ્ટિક કેક 

૮૧ ના આંકડાને ઉલટાવીએ એટલે ૧૮ નો આંકડો બને છે. શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય પણ ૧૮ છે.શ્રી પી.કે.દાવડાજી એ એમના જન્મ દિવસના એમના ઈ-મેલમાં ગીતાના ૧૮ અધ્યાયનો સંક્ષીપ્ત સાર લખી મોકલ્યો છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે. 

શ્રી પી.કે.દાવડા નો  જન્મ દિવસનો ગીતા સંદેશ (સંક્ષિપ્તમાં) 

(આ લેખમાં ગીતાને માત્ર ધાર્મિક પુસ્તક તરીકે ન ગણતાં, એક માનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના ગ્રંથ તરીકે અપનાવીને, મને જે સમજાયું એ સંક્ષિપ્તમાં રજૂ કર્યું છે.

આત્મા, મોક્ષ, પુનરજ્ન્મ જેવી બાબતોની વિગતોમાં ઉતરવાથી ઈરાદાપૂર્વક દૂર રહ્યો છું. માત્ર ૧૫ પાનાનો આ લેખ, આશરે ૧૫ મીનીટમાં વાંચી શકાય એવો હોવાથી, સમયના અભાવવાળા લોકો પણ વાંચશે, એવા આશયથી લેખને બને એટલો સંક્ષિપ્ત રાખવાનો પ્રયત્ન કર્યો છે. –પી. કે. દાવડા)

ગીતાનો ઉપદેશ સમયથી પર છે. એ ફક્ત અર્જુન માટે નથી, એ સમગ્ર માનવ જાતી માટે છે. અન્યાયક્યારેય સહન ન કરવો, ન્યાય માટે યુદ્ધ કરવાની જરૂર પડે તો યુદ્ધ પણ કરવું, એ જ જીવનનો ધર્મ છે. આવો ખુમારી ભર્યો સંદેશ, ગીતાએ સમગ્ર જગતને આપ્યો છે.

પ્રથમ અધ્યાયમાં અર્જુન વિષાદથી ઘેરાઈ જાય છે અને કહે છેઃ

‘‘પૂજા કરવા યોગ્ય વડીલોને હણીને હું રાજ્ય મેળવવા ઇચ્છતો નથી, હું યુદ્ધ નહીં કરું.’’

અર્જુન પોતાની વાતના સમર્થનમાં અનેક દલીલો કરે છે, અને કૃષ્ણ એ બધી દલીલો શાંતિથી સાંભળી લે છે.

શ્રીકૃષ્ણનો ઉપદેશ બીજા અધ્યાયથી શરૂ થાય છે.

બીજા અધ્યાયમાં કૃષ્ણ અનેક મુદ્દા ઉપર વાત કરે છે. પહેલો મુદ્દો કર્તાભાવનો છે. કર્તાભાવનો મુદ્દો નરસિંહ મહેતાએ બહુ સરસ રીતે સમજાવ્યો છે,

“હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.”

કૃષ્ણ પણ અર્જુનને એ જ વાત સમજાવે છે કે તું તો માત્ર સાધન છે, આ બધાને મારનાર તો હું છું.

ત્યાર પછી કૃષ્ણ જન્મ-મૃત્યુ અને આત્માની વાત વિસ્તાર પૂર્વક કહે છે, આત્માની વાત સમજવી થોડી મુશ્કેલ છે.

ફૂલોમાં રહેલી અદભુત સુગંધની જેમ આત્મા અદ્રશ્ય છે. પરમાત્મા પણ અદ્રશ્ય છે, છતાં આ અદભુત સૃષ્ટિનું સર્જન કરનાર અને સંચાલન કરનાર કંઈક છે એટલું તો આપણે સ્વીકારવું પડે.

મન એ મગજમાંથી ઉત્પન્ન થતા તરંગો છે. શરીરની બધી ઇન્દ્રિયો મનને વશ છે. શરીરને વધુ ને વધુ સુખ સગવડ મળે એવા વિચારોમાં મન સતત ગૂંચવાયેલું રહે છે.

ભૌતિક સુખ,વૈભવ મેળવવા ક્યારેક મન ખોટાં કાર્યો કરવા પણ પ્રેરાય છે, ત્યારે મનથી જુદું કોઈક તત્વ, મનને ખોટાં કાર્યો ન કરવા ચેતવે છે. ‘‘આવું ન કરાય’’ એવો કોઈક અવાજ આપણે આપણી અંદરથી સાંભળીએ છીએ.

એ અદભુત અનુભવ એ જ આત્માનો અવાજ એમ મારૂં માનવું છે.

નરસિંહ મહેતાએ આત્મા વિષે સરસ વાત કહી છે,

‘‘જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જુઠ્ઠી.’’

આત્માની વાત સાંભળ્યા વિનાની બધી સાધના નિરર્થક છે.

બીજા અધ્યાયમાં ત્રીજી મહત્વની વાત સ્વધર્મની છે.

સાદા શબ્દોમાં સ્વધર્મ એટલે કર્તવ્ય. કૃષ્ણ અર્જુનને કહે છે, “યુદ્ધ નહીં કરે તો લોકો તને કાયર માનશે, તારી અપકીર્તિ થશે. યુદ્ધ ન કરવા કરતાં યુદ્ધ કરવું એ જ તારે માટે હિતાવહ છે. કૌરવોએ તમને અન્યાય કર્યો છે, ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે તેમને સાથ આપે છે. અન્યાય સહન કરવો એ કાયરતા છે, અધર્મ છે, એની સામે તારે લડવું જ જોઈએ, કારણ કે તારો ક્ષત્રિય ધર્મ છે.’’

બીજા અધ્યાયમાં ચોથી મહત્વની વાત કર્મ અને એના ફળની છે. અહીં કૃષ્ણ અનાસક્તિ યોગ સમજાવતાં કહે છે, કે કર્મ કરવાની તારી ફરજ છે, એનો ત્યાગ કરીશ નહીં, પણ એના ફળનો ત્યાગ કર.

સૌથી મહત્વની વાત સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા છે. કૃષ્ણ કહે છે, ‘‘જ્યારે માનવી પોતાના મનમાંથી ઊઠતી તમામ ઇચ્છાઓનો ત્યાગ કરે, અને વાસના શૂન્ય મનથી પોતાના આત્મ સ્વરૂપમાં જ સંતુષ્ટ રહે, ત્યારેતેને ‘‘સ્થિતપ્રજ્ઞ’’ કહેવાય છે.’’

જીવનની તમામ મુશ્કેલીઓનું મૂળ ઇચ્છાઓમાં છે. દુઃખમાં જેના મનમાં ઉચાટ ન થાય અને સુખ મેળવવાની જેને લાલસા ન રહી હોય, જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ચૂકે તેને સ્થિર બુદ્ધિવાળો કહેવાય.

વિષયોનું ચિંતન કરવાથી આસક્તિ થાય છે, તેમાંથી કામના એટલે કે ઇચ્છા જાગૃત થાય છે, તે પૂરી ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી મોહ જન્મે છે અને તેને લીધે સારાસારનું ભાન રહેતું નથી. આમ સ્મૃતિનાશ થતાં બુદ્ધિનો નાશ થાય છે અને છેવટે અધોગતિ થાય છે.

ગીતામાં ત્રણ યોગ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. અધ્યાય ત્રણ, ચાર અને પાંચમાં કર્મયોગ વિષે વિસ્તારથી સમજાવ્યું છે.

અર્જુનની જેમ આપણને પણ પ્રશ્ન થાય કે ‘‘ફળની આશા રાખ્યા વગર જ કર્મ કરવાનું હોય, અને જો ફળ મેળવવાનું જ ન હોય, તો પછી કર્મ જ શું કામ કરવું?” આનો ઉત્તર આપતાં ગીતા કહે છે કે કર્મ કરવું એકુદરતી છે. માનવી ઇચ્છે કે ન ઇચ્છે તો પણ કર્મ કર્યા વગર રહી જ ન શકે. તેનો સ્વભાવ તેને કર્મ કરવાનીફરજ પાડે. પરિણામે કર્મફળ તો ભોગવવું જ પડે. કોઈ સંસાર ત્યજીને સન્યાસી થઈ જાય તો પણ કર્મ ન ત્યજી શકે. પરંતુ જો માણસ કશી જ આશા રાખ્યા વિના ફક્ત પોતાની ફરજ રૂપે કર્મ કરે, અને તે કર્મ પરમાત્માને અર્પણ કરે તો તેને કર્મ બંધન કરતું નથી. ગીતામાં આ જ વાત જુદા જુદા અધ્યાયમાં વારંવાર કહેવામાં આવી છે.

લાભ, ગેરલાભ, યશ, અપયશ, સફળતા, નિષ્ફળતા, જય, પરાજય, સુખ, દુઃખ એ બધાં જ કર્મફળ છે. જો કર્મફળ પરમાત્માને અર્પણ કરી દઈએ તો પછી ચિંતા કરવાનું કોઈ કારણ જ રહેતું નથી.

ગીતા કહે છે, કર્મસંન્યાસ નહીં, કર્મફળસંન્યાસ લેવું જોઈએ. કર્મફળસંન્યાસ લેવાથી કર્મમાં એકાગ્રતા વધે છે, અને અંતે તો સારૂં ફળ મળે જ છે, કારણ કે ગીતામાં જ કહ્યું છે કે ફળ વગરનું કોઈ કર્મ નથી.

ચોથા અધ્યાયમાં જીવનની ચાર આવશ્યક્તા સમજાવી છે. ગીતાએ એમને યજ્ઞ નામ આપ્યા છે. (૧) કર્મયજ્ઞ  (૨) તપયજ્ઞ   (૩) યોગયજ્ઞ (૪) જ્ઞાનયજ્ઞ. આ ચારેમાં જે જે સાવધાની રાખવાની છે, તે પણ સમજાવી છે.

(૧) કર્મયજ્ઞઃ કોઈ પણ કર્મ, ઇચ્છાઓ તજીને કરવાં. કોઈનું અહિત ન થાય તે ખ્યાલ રાખીને કરવા. માત્ર પોતાના કલ્યાણ માટે નહીં.

(૨) તપયજ્ઞઃ શરીરની વધુ પડતી આળપંપાળ ત્યજીને નિત્ય કાર્યો કરવા. આળસ ત્યજવી , સ્વાદ ઉપર અંકુશ મૂકવો, વાણી ઉપર અંકુશ મૂકવો. ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરીને શરીરને સુદ્રઢ બનાવવું અને વિકારો પર વિજય મેળવવો.

(૩) યોગયજ્ઞઃ – મનના વિચારો અને વિકારો પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવો. પરમાત્માના ધ્યાનમાં લીન થઈને મનને વશ કરવું. પ્રાણાયમ, યોગ વગેરે દ્વારા, શ્વાસોશ્વાસ પર કાબૂ મેળવી, મનની અતિ ચંચળતા રોકીને પ્રભુને પામવાની કોશિશ કરવી.

(૪)જ્ઞાનયજ્ઞઃ – એટલે પરમાત્મા બધે વ્યાપેલા છે, જે કાંઈ દેખાય છે એ બધું જ પ્રભુમય છે તેમ સમજવું. કર્મ કરવા છતાં અકર્તા બનીને એટલે કે પ્રભુને આત્મસમર્પણ કરીને અહંકાર ત્યજવો . સૌનું હિત થાય એવી રીતે જીવવું.

ભગવાન પોતે ક્યારે અને શા માટે અવતાર ધારણ કરે છે? એ બાબત ગીતાજીના અધ્યાય ચોથામાં સાતમા શ્ર્લોકમાં અને આઠમા શ્ર્લોકમાં કહ્યું છેઃ જગતમાં, ધર્મ ઘટે અને અધર્મ વધે ત્યારે ધર્મની સંસ્થાપના માટેપરમાત્મા અવતાર ધારણ કરે છે. સજ્જનોનું રક્ષણ કરવા અને દુર્જનોનો વિનાશ કરવા પરમાત્મા યુગે યુગે અવતાર ધારણ કરે છે.

ગીતામાં જ્ઞાનને ખૂબ મહ્ત્વ આપ્યું છે. અધ્યાય ચોથો ‘શ્ર્લોક ૩૭માં કહ્યું છે, ‘‘જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને સંપૂર્ણ ભસ્મ કરે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ કર્મોનાં બધાં બંધનોને બાળીને ભસ્મ કરે છે. સુનિયોજીત કર્મ કરવા જ્ઞાન આવશ્યક છે, એ વાત આજે પણ એટલી જ સ્વીકૃત છે.

ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ વિષે સમજાવ્યું છે. મન અતિ ચંચળ હોવાથી એને વશ કરવું અતિ કઠિન છે. અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે. છઠ્ઠા અધ્યાયમાં શ્ર્લોક નં. ૧૦ થી ૧૫માં ધ્યાન કેમ કરવું એ વિષે બહુ સરસ રીતે સમજાવ્યું છે. એકાંતમાં, પવિત્ર સ્થાનમાં, નીચે દર્ભ અને તેની ઉપર મૃગચર્મ કે વસ્ત્રાસન પાથરીને બેસવું. મનને એકાગ્ર કરી, ચિત્ત અને ઈંદ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ. ધીમે ધીમે મન પ્રભુમય થતાં મનની શાંતિ અનુભવી શકાય.

છઠ્ઠા અધ્યાયમાં ૩૭મા શ્ર્લોકમાં અર્જુને સવાલ પૂછ્યો કે, ‘‘જે માનવી યોગમાં શ્રદ્ધાવાળો હોય, પણ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય, તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતાં કઈ ગતિનેપામે છે?

ગીતામાં પરમાત્માએ ભુલ સુધારવાની તક આપવા અનેક પ્રકારના અભય વચન આપ્યા છે. આ સવાલના જવાબમાં પરમાત્માએ ગજબ અભય વચન આપતાં છઠ્ઠા અધ્યાયના ૪૦ મા શ્ર્લોકમાં કહ્યુંઃ ‘‘યોગભ્રષ્ટ થયેલો મનુષ્યમાં, પૂર્વમાં કરેલી સાધનાના સંસ્કાર ફરીથી જાગૃત થાય છે. જ્યાંથી સાધના અધૂરી રહી હતી ત્યાંથી આગળ વધી તે પૂર્ણ સિદ્ધિ માટે ફરીથી પ્રયત્ન શરૂ કરે છે. સાધનાને અંતે તે પરમ ગતિને પામે છે.”

બ્રહ્માંડના સર્જન અંગે ‘‘જ્ઞાન વિજ્ઞાન યોગ’’ નામના સાતમા અધ્યાયમાં શ્ર્લોક નં.૪ માં શ્રીકૃષ્ણ ભગવાનેકહ્યું છેઃ

‘‘પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર મારી જડ પ્રકૃતિ છે. બીજી મારી જીવરૂપ ચેતન પ્રકૃતિ છે. સર્વ પ્રાણીઓ આ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયાં છે. હું આ  સમગ્ર જગતનો ઉત્પાદક અનેસંહારક  છું. જેમ દોરામાં મણકા પરોવાયેલા છે તેમ આ સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે.’’

આઠમા અધ્યાય ‘અક્ષરબ્રહ્મયોગ’ માં પાંચમા શ્ર્લોકમાં એક અભય વચન આપ્યું છેઃ ‘‘જે અંતકાળે મારું જસ્મરણ કરતાં કરતાં દેહ છોડી જાય છે, તે મને પામે છે, તેમાં સંશય નથી.’’

વળી છઠ્ઠા શ્ર્લોકમાં કહ્યું છેઃ ‘‘મનુષ્ય અંત કાળે જે જે પદાર્થનું સ્મરણ કરતાં શરીર છોડે છે, તે તેને જ પામેછે.’’

નવમા અધ્યાયના શ્ર્લોક નં.૨૨માં પણ એક અનેરું વચન પરમાત્માએ આપેલું છે:

‘‘જેઓ અનન્ય ભાવે મારું જ ચિંતન કરે છે અને નિષ્કામ ભાવથી મને ઉપાસે છે, તેવા લોકોના યોગ તથા ક્ષેમનો ભાર હું વહન કરું છું. એટલે કે તેમના જીવન નિર્વાહ અને કુશળતાની હું કાળજી રાખું છું.’’ પરમ ભક્તશ્રી નરસિંહ મહેતાના જીવન દરમિયાન મુશ્કેલ પ્રસંગો બહુ સરળ રીતે ઉકલી ગયાની વાતો આપણે જાણીએ છીએ. પરમ ભક્ત મીરાંબાઈને અપાયલું ઝેર અમૃત બની ગયાની વાત પણ આપણે જાણીએ છીએ. આ બધા પ્રસંગો આપણને માન્યામાં ન આવે, પરંતુ પ્રભુમય બની જનાર માનવી માટે એ શ્રધ્ધેય છે, જે કદાચ આપણને ન સમજાય.

“યોગક્ષેમ વહામ્યંહમ” સમજવું હોય તો નાના બાળકનું ઉદાહરણ આપી શકાય. નાનકડું નિર્દોષ બાળક પોતાના ભોજનની, પોતાના રક્ષણની કોઈ ચિંતા કરતું નથી. પોતાના જીવનની તમામ જવાબદારી માને સોંપીને એ આનંદથી રમતું રહે છે. બાળક થોડુંક રડે, એટલે તેને ભૂખ લાગી હશે તેમ વિચારી મા બાળકને સ્તનપાન કરાવે અથવા જમાડે, જો બાળક રમતાં રમતાં પડી ગયું હોય તો તેના રક્ષણનો ઉપાય કરે. તેવી જ રીતે પરમાત્મા પોતાના ભક્તના જીવન નિર્વાહની તથા રક્ષણની કાળજી રાખે છે.

પરમાત્મા કેટલા બધા દયાળુ છે એ તો નવમા અધ્યાયના ૩૦મા શ્ર્લોકમાં આપેલું અભય વચન વાંચીએ ત્યારે જ સમજાય.

‘‘જો અતિશય દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત થઈ મને ભજે તો તેને સાધુ જ ગણવો.’’  અહીં અતિશય દુરાચારીને છાવરવાની વાત નથી, પરંતુ સુધરવાની તક આપવાની વાત છે.

ભગવાન પોતે સર્વવ્યાપક છે, અને સઘળું તેમનામાં સમાયેલું છે એ સમજાવવા ‘વિભૂતિ યોગ’ નામના ગીતાજીના ૧૦મા અધ્યાયમાં સમજાવ્યું છે. પ્રકૃતિ અને પ્રાણીમાં આપણે જેને સર્વોત્તમ માનીયે છીયે, એ બધામાં પરમાત્માનો અંશ છે. ઉદાહરણ આપવા બ્રહ્માન્ડમાંથી સૂર્ય-ચંદ્ર લીધા છે, પૃથ્વી ઉપરના તત્વોમાં પવન, પાણી, પર્વત, વૃક્ષ, નદી વગેરેમાં જે સર્વોત્તમ છે તેમનું વર્ણન કર્યું છે.

આ અધ્યાયમાં જ નારીની પ્રશંશા પણ કરી છે, એટલું જ નહીં, દેવતાઓમાં શિવ અને રામ એ બધું પણ એક જ પરમાત્માના અલગ અલગ સ્વરૂપો છે એમ પ્રતિપાદન કર્યું છે.

આ જ વાત નરસિંહ મહેતાએ ખૂબ જ ટુંકમાં કહી છે, “અખિલ બ્રહ્માન્ડમાં એક તું શ્રી  હરિ, જૂજવે રૂપ અનંત ભાષે.” અને “ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે.”

અગીયારમા અધ્યાયમાં ભગવાને અર્જુનને ‘‘વિશ્વરૂપ દર્શન’’ કરાવ્યું, તેનું વર્ણન આપ્યું છે. આ વર્ણનમાં પરમાત્માની માત્ર વિશાળતા જ નહીં, એની સંહારક શક્તિના ભયાનક સ્વરૂપનું પણ વર્ણન છે.

ગીતાજીના ૧૨મા અધ્યાયમાં ભગવાને પોતાને કેવો ભક્ત ગમે છે એ બાબત બહુ સરસ અને સરળ રીતે સમજાવ્યું છે. ભગવાન કહે છે,
‘‘જે પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી, જે સૌની સાથે મિત્રભાવે વર્તે છે, જે દયાળુ, મમતારહિત, અહંકાર વિનાનો, સુખદુઃખને સમાન માનનારો, ક્ષમાવાન, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કર્યાં છે તે મારો ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જેનાથી લોકો સંતાપ પામતા નથી અને જે લોકોથી સંતાપ પામતો નથી, જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જે પુરુષ સ્પૃહા વિનાનો, પવિત્ર, નચિંત, પક્ષપાત રહિત, ભય રહિત અને જેણે સર્વ આરંભોનો ત્યાગ કર્યો છે તેવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જે હર્ષ પામતો નથી કે દ્વેષ કરતો નથી, શોક કરતો નથી કે ઇચ્છા કરતો નથી, જે શુભ અને અશુભ કર્મોના ફળને ત્યજી દે છે એવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જેને શત્રુ , મિત્ર, માન, અપમાન, ટાઢ, તાપ, સુખ, દુઃખ સરખાં છે, જે આસક્તિ રહિત છે, જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે, જે મનનશીલ છે, જે કંઈ સહજ ભાવે મળે તેમાં સંતોષ માને છે, જે મમતા રહિત છે, તે સ્થિર બુદ્ધિવાળો ભક્તિમાન પુરુષ મને અતિપ્રિય છે.’’

‘‘જે શ્રદ્ધાયુક્ત ભક્તો, મારામાં પરાયણ રહીને, મેં કહ્યું તે પ્રમાણે આ ધર્મમય અમૃતનું નિષ્કામ ભાવથી સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.’’

કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણે પરસ્પર સંકળાયેલા છે. કોઈ એક યોગનું સાચા દિલથી અનુસરણ કરીએ તો બીજા બે યોગની જુદી સાધના કરવી પડતી નથી. એ સાધના આપોઆપ થઈ જાય છે. સાચા દિલથી ભક્તિયોગને અનુસરનારને અધ્યાત્મનું જ્ઞાન શીખવું પડતું નથી. તેનાં તમામ કર્મો નિષ્કામ ભાવે જ થતાં હોય છે. શ્રી નરસિંહ મહેતા આનું જ્વલંત ઉદાહરણ છે. પ્રભુની ભક્તિ કરતાં કરતાં તેઓ પરમ તત્ત્વજ્ઞાની થઈ ગયા.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૨મા અધ્યાયમાં શ્રેષ્ઠ ભક્તનાં લક્ષણો અંગે સમજાવ્યું છે, એ જ વાત નરસિંહ મહેતાએ ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે…’’ ભજનમાં સમજાવી છે.

જ્ઞાન માટે ગીતામાં કહ્યું છે: ‘‘જ્ઞાન જેવું કાંઈ જ પવિત્ર નથી.’’ (ગીતા ૪ – ૩૮). જેમ કર્મ કામના રહિત હોવું જોઈએ તેમ જ્ઞાન અહંકાર રહિત હોવું જોઈએ. નહીંતર કર્મ અને જ્ઞાન બંને બોજારૂપ બની જાય. કર્મની જેમ જ જ્ઞાન તજવાનું નથી, પણ જ્ઞાનનો અહંકાર તજવાનો છે.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૩મા અધ્યાયમાં ક્ષેત્ર એટલે કે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે કે શરીરમાં રહેલો આત્મા, જે પરમાત્માનો જ અંશ છે તે બાબત સમજાવી છે. શરીર પંચ મહાભૂતોનું બનેલું છે, તે નાશવંત છે. આત્મા નિર્ગુણ છે, છતાં ગુણોનો

ભોક્તા છે એટલે કે પ્રકૃતિમાંથી ઉત્પણ થયેલા ત્રણ ગુણ, સત્વ, રજસ, અને તમસને કારણે મનુષ્યને સુખ, દુઃખ ભોગવવાં પડે છે. જો આ ત્રણે ગુણોથી માનવી પર થઈ જાય એટલે કે ગુણાતીત થઈ જાય તો તે પરમાત્માને પામી શકે છે.

ગીતાજીના ૧૪મા અધ્યાયમાં ત્રણ ગુણ વિષે વિસ્તારથી સમજાવ્યું છે. આ ત્રણ ગુણો જ આપણાં સુખ, દુઃખ માટે કારણરૂપ છે. આ ત્રણે ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. સત્વગુણ નિર્મળ હોવાથી દોષરહિત છે. તે સુખ અને જ્ઞાનના સંગથી જીવને બાંધે છે. રજોગુણ, કામના અને આસક્તિથી ઊપજેલો છે. તે જીવને કર્મોની સાથે બાંધે છે. તમોગુણ અજ્ઞાનથી ઊપજેલો છે. તે પ્રમાદ, આળસ અને નિદ્રા વડે જીવને બાંધે છે.

સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે અને તમોગુણ પ્રમાદમાં જોડે છે. જ્યારે કોઈ પણ એક ગુણ વધે ત્યારે તે અન્ય બે ગુણોને દબાવીને વધે છે.

બધાં કર્મોમાં કર્તાપણાના અભિમાન રહિત થયેલો મનુષ્ય ગુણાતીત કહેવાય છે.

આપણું જીવન તો ત્રણે ગુણોના મિશ્રણવાળું છે. આપણામાં થોડાક શુભ વિચારો છે, થોડીક શુભ ભાવના છે, થોડાક વિકારો છે, થોડાં લોભ લાલચ છે. થોડીક આળસ છે, થોડોક દ્વેષ છે. ક્યારે ક્યા ગુણનું જોર વધી જાય તે કહેવાય નહીં.

ગીતાના ૧૫મા અધ્યાય ‘પુરુષોત્તમ યોગ’ માં સંસારને ઊંધા પીપળાના વૃક્ષ સાથે સરખાવીને કહ્યું છે: ‘‘આ વૃક્ષનાં મૂળ ઊંચે છે અને ડાળીઓ નીચે છે. વેદના છંદો તેનાં પાંદડાં છે.’’ આમ કહેવાનું કારણ એ છે કે સંસારની ઉત્પત્તિ પરમાત્માને આભારી હોવાથી જીવનતત્વરૂપી પોષણ ખેંચનારાં મૂળિયાં ઉપર તરફ છે. શાખાઓ જ્યારે વિસ્તરીને ધરતીમાં મોહરૂપી નવા મૂળ ગ્રહણ કરે છે, ત્યારે મુશ્કેલીઓ ઊભી થાય છે. આવી શાખાઓને દ્રઢ વૈરાગ્યરૂપી કુહાડીથી કાપી નાખીને ઉપર તરફ ગતિ કરવાની સલાહ ગીતાએ આપી છે, અને પછી એવું પદ શોધવા કહ્યું છે, જ્યાં પહોંચેલા માણસો સંસારમાં પાછા આવતા નથી. તે પરમ પદને પ્રાપ્ત કરી પુરૂષમાંથી પુરૂષોત્તમ થઈ શકાય છે.

ગીતાના ૧૬મા અધ્યાયમાં દૈવી સંપત્તિ તથા આસુરી સંપત્તિ વિષે ચર્ચા છે. પહેલા ત્રણ શ્ર્લોકમાં દૈવી સંપત્તિ વિષે છે: નિર્ભયતા, અંતઃકરણની શુધ્ધિ, અધ્યાત્મ, ધ્યાન, યોગમાં દ્રઢ સ્થિતિ, સાત્વિક દાન, ઈન્દ્રીયો ઉપર કાબૂ, તપ, વગેરે ૨૬ પ્રકારના દૈવી તત્વો વર્ણવ્યા છે. ત્યાર પછી આસુરી સંપત્તિ વિષે કહ્યું છે :  પાખંડ, ગર્વ, અહંકાર, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.

દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે. આસુરી સ્વભાવવાળા મનુષ્યો, શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, તે જાણતા નથી.

યજ્ઞનો અર્થ સમજાવતાં ગીતામાં કહ્યું છે, સારાં કાર્યો માટેનું અભિમાન પણ અયોગ્ય છે. પોતાને જ શ્રેષ્ટ માનનારા ઘમંડી પુરુષો, ધન અને માનના મદવાળા લોકો શાસ્ત્રવિધિ છોડીને દંભથી કેવળ નામ માત્રના યજ્ઞો કરે છે.

કામ, ક્રોધ તથા લોભ એ ત્રણ પ્રકારનાં નરકનાં દ્વાર છે. માટે એ ત્રણેને તજી દેવાં જોઈએ. આ ત્રણથી મુક્ત થયેલો મનુષ્ય પોતાનું કલ્યાણ થાય એવાં કર્મ કરે છે તેથી પરમ ગતિ પામે છે.’’

‘શ્રદ્ધા ત્રય વિભાગ યોગ’ નામના ૧૭મા અધ્યાયમાં બહુ ઉત્તમ શ્ર્લોક છે અને જીવન ઘડતર માટે ખાસ વાંચવા જેવા છે.

એમાં કહ્યું છે કે બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે. જેવી જેની શ્રદ્ધા, તેવો તે થાય છે. સાત્વિક શ્રદ્ધાવાળા પુરુષો દેવોને ભજે છે, રાજસી શ્રદ્ધાવાળા યક્ષ અને રાક્ષસોને ભજે છે અને તામસી શ્રદ્ધાવાળા ભૂત, પ્રેત વગેરેને ભજે છે.

આહાર પણ સૌને પોતપોતાની પ્રકૃતિ અનુસાર પ્રિય હોય છે.

સાત્વિક, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, રસયુક્ત, પૌષ્ટિક તથા મનને ગમે તેવા આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે. કડવા, ખાટા, ખારા, ખૂબ ગરમ, તીખા તમતમતા, સૂકા અને દાહ કરનારા આહારો રાજસ મનુષ્યોને પ્રિય હોય છે.

કેટલીય વાર સુધી પડી રહેલું, દુર્ગંધયુક્ત, વાસી, ઉચ્છિષ્ટ અને અપવિત્ર ભોજન તામસ લોકોને પ્રિય હોય છે.

ફળની આકાંક્ષા વગરના મનુષ્યો, કર્તવ્ય સમજીને વિધિપૂર્વક જે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ છે. ફળની આકાંક્ષા રાખીને જે યજ્ઞ કરે છે તે રાજસ યજ્ઞ છે. શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ છે.

તપનો અર્થ સમજાવતાં ગીતામાં કહ્યું છે, દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીરિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિત કરનારી વાણી બોલવી તથા સદગ્રંથોનું પઠન કરવું તે વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવનાશુદ્ધિ મનનું તપ કહેવાય છે. આ પ્રકારનું તપ જ્યારે પરમ શ્રદ્ધાથી, ફળની આકાંક્ષા વગર કરવામાં આવે છે ત્યારે સાત્વિક તપ કહેવાય છે. કોઈનાં સત્કાર, ખુશામત અથવા પૂજા માટે જે તપ થાય છે તે ક્ષણિક અને અનિશ્ચિત ફળ આપનાર રાજસ તપ કહેવાય છે. જે મૂઢતાપૂર્વક હઠથી, મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરાય છે તેને તામસ તપ કહેવાય છે.

ઉપરની તમામ વાતો બહુ સરળ છે તેમ છતાં કાંઈ ન સમજાય તો તેની માથાકૂટ કરવાને બદલે જેટલું સમજાય તેટલું આચરણ કરીએ તો પણ જીવનમાં ઉપયોગી થાય

ગીતાના ‘શ્રદ્ધાત્રયવિભાગ યોગ’ માં દાનના ત્રણ પ્રકારની વાત કરી છે.

દાન આપવું એ ફરજ છે તેવી બુદ્ધિથી, બદલો મળવાની આશા વગર, યોગ્ય સમયે, યોગ્ય કાર્યમાટે, યોગ્ય વ્યક્તિને જે દાન આપવામાં આવે તો તે સાત્વિક દાન કહેવાય.  જે દાન બદલો મેળવવા માટે એટલે કે ફળની આશાથી, કચવાતા મને આપવામાં આવે તે રાજસ દાન કહેવાય. જે દાન તિરસ્કારથી અને અયોગ્ય કાર્ય માટે, કુપાત્રને આપવામાં આવે છે તે તામસ દાન કહેવાય.

પોતાના સ્વાર્થ વિના, બીજાનું દુઃખ દૂર કરવા, ધનનો સદ્ઉપયોગ થાય તેને ઉત્તમ ગણી શકાય. ધનનો ઉપભોગ કરવામાં કાંઈ ખોટું નથી. બીજાનું અહિત કર્યા સિવાય, પોતે જે કાંઈ કમાય તે ફક્ત પોતાના પરિવાર માટે જ વાપરે તેમાં કાંઈ જ અયોગ્ય નથી, પણ એ જીવનનું શ્રેષ્ઠ લક્ષણ નથી.

બીજાના હિત માટે અપાતું ધન એ દાન છે. ગીતામાં ભારપૂર્વક કહ્યું છે કે બદલો મળવાની આશા રાખ્યા વિના જે દાન અપાય તે જ સાત્વિક દાન છે. ગીતામાં અનેક વાર ફળની આશા રાખ્યા વિના જ કર્મ કરવા પર ભાર મૂકેલો છે. દાન લેનારી વ્યક્તિ આભાર માને એટલી પણ અપેક્ષા ન રાખવી જોઈએ. સંપૂર્ણ નિષ્કામ ભાવે દાન કરવું જોઈએ.

ગીતાનો ૧૮મો અધ્યાય છેલ્લો અધ્યાય છે. ગીતાની શરૂઆતમાં થયેલ વાત પર છેલ્લા અધ્યાયમાં પણ ખૂબ ભાર મૂક્યો છે.

‘‘નિયત કર્મોનો કદી ત્યાગ ન કરવો જોઈએ. છતાં મોહવશ, આપણે તેનો ત્યાગ કરીએ તો તે તામસ ત્યાગ કહેવાય છે. જે કંઈ કર્મ છે તે બધાં જ દુ:ખરૂપ છે, એમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્મો છોડી દેવાય તેને રાજસ ત્યાગ કહે છે. આવા ત્યાગનું ફળ મળતું નથી. કર્તવ્ય તરીકે નિયત થયેલું કર્મ, જે પોતાનો ધર્મ સમજીને, આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરાય છે, તે ત્યાગ સાત્વિક ત્યાગ મનાયો છે. આવો ત્યાગી બુદ્ધિમાન અને સંશયરહિત હોઈ મુશ્કેલ કામ ધિક્કારતો નથી. કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો એ દેહધારી મનુષ્ય માટે શક્ય નથી, તેથી જે મનુષ્ય કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી છે. “

કર્મોમાં જેને ‘‘હું કર્તા છું’’, એવો અહંકાર નથી, તેની બુદ્ધિ તે કર્મની સિદ્ધિ અસિદ્ધિથી લોપાતી નથી.

‘‘જે જ્ઞાનથી મનુષ્ય, જુદા જુદા દેખાતા સર્વ પ્રકૃતિ અને પ્રાણીઓમાં રહેલા પરમ તત્ત્વને, નિસ્પૃહ ભાવે જોઈ શકે તે જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહે છે અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં પરમ તત્ત્વને વહેંચાયેલું માને તે રાજસ જ્ઞાન છે. જે જ્ઞાન એક જ કાર્યમાં લાભ માની તેનું સ્વરૂપ સમજ્યા વિના, વગર વિચાર્યે તેમાં આસક્ત થઈ જાય તેને તામસ જ્ઞાન કહેવાય.’’

‘‘કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ, રાગદ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઇચ્છા વગર મનુષ્ય કરે તે સાત્વિક કર્મ છે. જે કર્મ ‘‘હું કર્તા છું” એવા અભિમાનપૂર્વક,  કામનાવાળો મનુષ્ય, ફળને માટે બહુ મહેનત ઉઠાવી કરે તે રાજસ કર્મ કહેવાય છે. વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પરિણામ કે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર મનુષ્ય અજ્ઞાનથી જે કાર્ય કરે છે તે તામસ કર્મ છે.

જે કર્તા, આસક્તિરહિત, અહંકાર ન રાખનારો, કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં સમાન ભાવ રાખવાવાળો, હર્ષ શોક વિનાનો છે તે સાત્વિક કર્તા છે. જે કર્તા આસક્તિયુક્ત, કર્મના ફળની ઈચ્છાવાળો અને લોભી છે, તથા બીજાઓને કષ્ટ દેવાના સ્વભાવવાળો અને હર્ષ શોકમાં આવેશવાળો છે, તે રાજસ કર્તા છે.

*જે કર્તા અવ્યવસ્થિત, અસંસ્કારી, શઠ, અજ્ઞાની, જક્કી, આળસુ, શોક કરનાર છે, તે તામસ કર્તા છે.

આ તમામ બાબતો અંગે વિચારીશું તો સ્પષ્ટ પણે સમજાશે કે ગીતામાં જીવનમાં સદગુણોને કેટલું બધું મહત્વ આપ્યું છે.

પરમાત્માનું અવતાર કાર્ય જ ધર્મ સંસ્થાપનાનું છે. સારા ગુણોનું મહત્વ સમાજમાં વધે તો જ સાચા અર્થમાં ધર્મની સંસ્થાપના થઈ શકે. સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન અને તામસ જ્ઞાન, સાત્વિક કર્મ, રાજસ કર્મ અને તામસ કર્મ એ ચર્ચા, અન્ય ગ્રંથોમાં જે કહેવાયું છે તેની પુનરોક્તિ જ છે.

“જે બુદ્ધિ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, કરવા યોગ્ય કે ન કરવા યોગ્ય, ભયવાળું કે અભય, બંધનકર્તા કે મુક્તિ આપનાર વિષે જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. જેનાથી મનુષ્ય, ધર્મ તથા અધર્મને, કર્તવ્ય તથા અકર્તવ્યને યથાર્થ રીતે જાણી શકતો નથી, તે રાજસ બુદ્ધિ છે. અહંકારથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે, તે તામસી બુદ્ધિ છે.’’

સુખના પણ ત્રણ પ્રકાર સમજાવતાં ગીતામાં કહ્યું છે: ‘‘જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે, પણ પરિણામે અમૃત સમાન હોય તેવું આત્મજ્ઞાનની પ્રસન્નતાથી થયેલું સુખ સાત્વિક છે. વિષયો અને ઇંદ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ, શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે, પણ પરિણામે ઝેર જેવો ગુણ કરે, તે સુખ રાજસી છે. જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનાર અને નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયું છે, તે સુખ તામસી છે. “

પોતપોતાના સ્વાભાવિક કર્મમાં જ રત રહીને મનુષ્ય સુખ પામે છે. પોતાના ધર્મ કરતાં બીજાનો ધર્મ લાભકારક લાગતો હોય તો પણ, પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. તેથી પોતાના સ્વાભાવિક કર્તવ્યનું પાલન કરનારને પાપ લાગતું નથી. જેમ અગ્નિની સાથે ધુમાડો હોય છે તેમ કોઈ પણ કર્મ સાથે દોષ સંકળાયેલો જ હોય છે. પોતાનું કર્મ થોડો દોષયુક્ત હોય તો પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ.

મન અને ઇંદ્રિયો જીતનાર, આસક્તિ રહિત બુદ્ધિવાળો મનુષ્ય,  જ્ઞાનયોગ દ્વારા, કર્મ કરવા છતાં, કર્મબંધનથી મુક્ત રહે છે. જ્ઞાનની પરમ નિષ્ઠા પામવાના આવશ્યક સાધનરૂપ અંતઃકરણની શુદ્ધિ બહુ જરૂરી છે.

ગીતામાં આખરે શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે, “હે અર્જુન! તું પણ ચિત્તથી સર્વ કર્મો મને સમર્પણ કરી, મને પામવાની એક નિશ્ચયવાળી બુદ્ધિથી, કર્મયોગનો આશ્રય લઈ, સતત મારામાં ચિત્તવાળો થા. મારામાં ચિત્ત જોડવાથી, તારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પરંતુ જો અહંકારને વશ થઈ મારૂં કહેવું નહીં સાંભળે, તો નાશ પામીશ. અહંકારને લીધે, તું એમ માને છે કે હું નહીં લડું, પણ તારો સ્વભાવ જ તને પરાણે એમાં જોડશે. મોહવશ તું અત્યારે જે કાર્ય કરવા નથી ઈચ્છતો, તે તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોઈ પરવશ થઈને પણ કરીશ.”

અને અભય વચન આપતાં કહે છે, “બધા ધર્મોનો ત્યાગ કરીને મારે જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.’’ પરમાત્માનું આ અભયવચન બહુ વિચારવા જેવું છે. બીજું બધું તજીને જે પ્રભુશરણે જાય છે તેને પરમાત્મા પ્રેમથી આવકારે છે. તેની તમામ મુશ્કેલીઓ પ્રભુ દૂર કરે છે.

શ્રી  પી.કે.દાવડાની  ઈ-બુક – ગીતા મારી સમજ 

(આ ચિત્ર પર ક્લિક કરીને વાંચો )

gita

( 991 ) કવિતા અને ગઝલોમાં “જીવન”…. શ્રી પી.કે.દાવડા

પી.કે.દાવડા અને વિનોદ પટેલ (સાન ડીયાગો )

પી.કે.દાવડા અને વિનોદ પટેલ (સાન ડીયાગો-મારા આંગણે ! )

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી મિત્ર શ્રી.પી.કે.દાવડા એ તાંજેતરમાં 

” દાવડાનું આંગણું ” 

એ નામે એમનો ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે .

બ્લોગીંગની એક નવી સ્ટાઈલ અપનાવીને એમણે એમના આ બ્લોગમાં અગાઉ લખેલા પ્રકાશિત અને અપ્રકાશિત લેખો,કાવ્યો,પરિચય લેખો વી.સાહિત્ય સામગ્રીને વિષયવાર ગોઠવી એની નવ ઈ-બુકો બનાવીને વાચકોને વાંચવા માટે મૂકી છે.

આજની પોસ્ટમાં એમની ઈ-બુક કવિતામાં માંથી મને ગમેલો એક લેખ ઉદાહરણ રૂપે નીચે પ્રસ્તુત છે.આશા છે આપને એ ગમશે. એમના આવા બીજા ઘણા લેખો તમોને એમની ઈ-બુકોમાંથી વાંચવા મળશે. 

દાવડાજીની અત્યાર સુધી પ્રકાશિત ૯ ઈ-બુકો આ પોસ્ટના અંતે મુકવામાં આવી છે જેનો જરૂર લાભ લેશો અને આપનો પ્રતિભાવ પણ  જણાવશો .

વિનોદ પટેલ  

 

કવિતા અને ગઝલોમાં “જીવન” 

ગુજરાતી કવિતામાં કવિઓએ જીવન શબ્દનો ઉપયોગ પોતપોતાની કલ્પના પ્રમાણે કર્યો છે.આ બધી રચનાઓમાંથી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ મને સૌથી વધારે ગમે છે. 

સપનાનો વાણો, ને સ્નેહનો તાણો

બે    નું      ગૂંથેલું     જીવન    જાણો;

આની  કોરે રમણા, પેલી કોરે ભ્રમણા

 વચ્ચે   વહ્યાં  જાય   જીવન    જમના.”

 જીવનની આનાથી વધારે સુંદર પરિકલ્પના હોઈ જ ન શકે. 

મકરંદ દવેને જીવન સિતાર જેવું લાગે છે. તેઓ પૂછે છેઃ

દોસ્ત, વહેતા જીવનની
કોણ સિતાર સુણાવે છે?
બેઠો છે ક્યાં બજવૈયો ?
કૈં સૂર નથી, કૈં સાજ નથી.
 

અકબરઅલી જસદણવાલા તો જીવનને પોતાની મરજી મુજબ ઢાળે છે. તેઓ કહે છેઃ 

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન  કરી  લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે અકબરના જીવનમાં ?
વિસર્જન થાય છે  નિત્, નિત્ નવું  સર્જન કરી લઉં છું.
 

અમૃત ઘાયલે તો જીવન વિષે ઘણી બધી વાતો કરી છે. દા.ત. 

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું    પછી    થોડું   ઘણું  એને  મઠારું  છું
;
ફરક  તારા  ને મારા વિષે છે   એટલો   જાહિદ,
વિચારીને  તું જીવે છે  હું  જીવીને   વિચારું  છું.”

અહીં ઘાયલ જીવન સાથે છેડછાડ કરતા નથી, થોડું ઠીકઠાક કરી લે છે. 

તેઓ બીજી જ્ગ્યાએ લખે છેઃ

જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ઘાયલનું
છતાં હિંમત જુઓ કે નામ અમૃતલાલરાખે છે

ભાઈ વાહ! ખરેખર હિંમતવાળા છે ઘાયલ. 

બીજી એક જ્ગ્યાએ ઘાયલને માશુકા વગરનું જીવન જીવવા જેવું જ નથી લાગતું,

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, દિલ ક્યાં છે, જીગર ક્યાં છે?
જીવનમાં   જીવવા   જેવું    કઈ   તારા   વગર   ક્યાં    છે ?”

ઘાયલ સાહેબ જરા શોધો, બીજું ઘણું બધું છે. 

બરકત વિરાણી તો જીવનને સાચું માનતા જ નથી. એમને તો સપના જેવું લાગે છેઃ

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું  એવી  જાગ્રુતિમાં  કે  વધુ  જાગી  નથી      શકતો,”
 

આદિલમન્સૂરી સાહેબનું જીવન તો પાણીની જેમ વહી ગયું.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
 વર્ષો જીવનનાં પાણી બની 
 સરી ગયાં

આદિલ સાહેબ, જીવન તો બધાનું ઝડપથી વહી જાય છે. 

અસિમ રાંદેરી સાહેબ તો પોતાનું જીવન કટકે કટકે જીવ્યા છે.

બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા,
 જીવન  પણ   છે  કટકે  કટકે.

આમ તો આપણું બધાનું જીવન કટકે કટકે જ જીવાય છે. 

બરકત વીરાણીએ ખૂબ સરસ વાત કહી છેઃ

બેફામ’  તોયે   કેટલું   થાકી   જવું     પડ્યું?
 નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
 

અને આખરે, જીવનને ઈશ્વર અથવા માસુકાને સોંપનાર ગઝલકાર કહે છેઃ

“તમારી સૂચના  છે  સૌ  ગતિમાં

    તમે   કહ્યું   તો  ગગન   ફરે    છે

    તમારી   આંખોની   સાથ   સાથે

    અમારૂં   આખું   જીવન   ફરે   છે.”

અને અંતેઃ

“આ  મળ્યું  જીવન  છે જેવું એને જીવી જાણો,

અને મળ્યો જેમનો સાથ એને સહી પહેચાણો”  

— પી.કે.દાવડા ,ફ્રીમોન્ટ  

 

 શ્રી પી.કે.દાવડા ની ઈ-બુકો

( નીચેના ચિત્રો ઉપર ક્લિક કરીને ઈ-બુકોમાંનું સાહિત્ય  વાંચો .)

azadi……malava_jewa….ap

 

gita……..કંઈક કવિતા જેવું…..shodhkhol_uper_adharit    kavitaman

   

manthan……mari-dristie…..

(953 ) નિયતીને વચન…..પં.જવાહરલાલ નેહરુ … અનુવાદ ..શ્રી.પી.કે.દાવડા

Jawaharlal Nehru | Tryst With Destiny

(Hindi With Subtitles)