ગરબો એ ગુજરાતની એક વૈશ્વિક પહેચાન છે, ગુજરાતના સંસ્કાર અને સંસ્કૃતિની ધરોહર છે. લોક હૃદયમાં ગુંજતી ભાવનાઓની અભિવ્યક્તિ છે.જ્યાં જ્યાં ગુજરાતી કુટુમ્બ વસે છે ત્યાં ત્યાં આ લોકકળા એની સાથેને સાથે વિચરે છે.નવરાત્રીના લોકોત્સવ પ્રસંગે ગુજરાતમાં કે દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ દરેક વ્યક્તિ, નાત-જાત, અમીર-ગરીબના કોઈ પણ જાતના ભેદ ભાવ વિના મન મુકીને ગરબે ઘૂમે છે અને એનો પોતિકો આનંદ માણે છે.વ્યક્તિ મટી સમષ્ટિ નો ભાગ બની જાય છે.
માતાજીના ગરબા એટલે એના માધ્યમથી પરમ શક્તિની ઉપાસના.ગરબો એટલે જ થનગનતા હૈયાઓનું પરમ શક્તિનું શરણું લેવા માટેનું એક લોકપ્રિય નજરાણું .
આ સમગ્ર પ્રકૃતિને માના સ્વરુપે નીહાળીયે તો આ પૃથ્વી , ચન્દ્ર , સુર્ય , ગ્રહો, વગેરે જાણે કે મા ના ગરબા હોય એવું મનમાં ભાસે છે અને તારલીયાઓ જાણે કે માની આરતીના દીવડાઓ ના હોય તેવું લાગે છે. ગગનમાં સતત ઘુમતા આ બધા દિવ્ય જાજરમાન ગરબાઓ માના ઐશ્વર્યની, શક્તિ ક્ષમતાની પહેચાન કરાવે છે.એના બાળકોની સતત સંભાળ રાખતી આવી દિવ્ય માતાના વત્સલ્યની કીર્તિગાથા ગાયા કરે છે.
મારા કવિ મિત્ર શ્રી રમેશ પટેલ “આકાશ દીપ “ એ એમના વિવિધતા ધરાવતા કાવ્યોની સાથે સાથે સુંદર ગરબાઓનું સર્જન કર્યું છે જે એમના પ્રકાશિત પુસ્તકો અને એમનાં કાવ્ય પુષ્પોથી મઘમઘતા બ્લોગ આકાશ દીપમાં જોવા મળે છે.
આવા ગરબાઓમાંથી નીચેના બે ગરબાઓની ઓડિયો/વિડીયો લીંક રમેશભાઈએ મને ઈ-મેલમાં મોકલી હતી એ મને ગમતાં એમના આભાર સાથે વાચકોનાં આસ્વાદ માટે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.
આ બે ગરબાના શબ્દો છે.
ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો—
ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો
….રે નોરતાંની જામી છે રાત…ગરબામાં ઘૂમજો….ગરબામાં ઘૂમજો
લાલ ચટક રંગ છે
હૈયડે ઉમંગ છે
ઢમ ઢમ વાગ્યા છે ઢોલ…ગરબામાં ઘૂમ જો
ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો
હરખના હીંચક છે
ત્રણ તાલીના સાથ છે
સહિયર…ચીતરાવી છે રૂડી રે ભાત….ગરબામાં ઘૂમજો
ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો
માથે રે પાઘ છે
મા અંબાનો વાઘ છે
…..રે મુખલડે મલકી છે રાત….ગરબામાં ઘૂમજો
ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો
ઝાંઝર ઝણકાર છે
રૂડા શણગાર છે
…..રે પાવાથી ઉતર્યા છે માત…ગરબામાં ઘૂમજો
ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો
દીવડાની હાર છે
કૂકડાની જોડ છે
….રે મા બહુચરના માથે છે હાથ….ગરબામાં ઘૂમજો
ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો
ઝગમગતી જ્યોત છે
ગુલાલી પોત છે
….રે મા ઉમિયા ઘૂમે છે નોરતાની રાત…ગરબામાં ઘૂમજો
ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો
….રે નોરતાંની જામી છે રાત…ગરબામાં ઘૂમજો
ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો
…………………..
નવલાં નોરતાં ને નવલી છે રાત
ગરબે ઘૂમે આજ ભવાની માત
દઈ દઈ તાળી આજ ગાઓને રાજ
નવ નવ દેવીઓનાં દર્શનની રાત
આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ
નવલે નોરતે ધબૂકિયાં રે ઢોલ
ઘૂમો ગરબે ને દો તાળી રે લોલ
કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..
જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ
સૂણો સૂણો ઝાંઝરના ઝણકાર
હોમ હવન ને ભક્તિના નાદ
માના દર્શને થયા સુખિયા રે લોલ…આવ્યાં આવ્યાં..
રમે રમે લાલ કુકડાની જોડ
ચાચરના ચોકે મા બહુચરના બોલ
ઊડે ઊડે લાલ ગુલાલોની છોળ
ગબ્બરે હીંચે માડી અંબિકા રે લોલ
ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે લોલ …આવ્યાં આવ્યાં…
ચૂંદડીમાં ચમક્યા આભલા રે લોલ
મંગલ વરતે માને દીવડે રે લોલ
આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ
નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ…ધબૂકિયાં રે ઢોલ(૨)
રમેશભાઈએ એમના એક વિડીયોમાં આ બે ગરબાની ઑડિયો લીંક ને પાશ્વસંગીતમાં મૂકી એક નવતર પ્રયોગ કર્યો છે.વિડીયોમાં રમેશભાઈ અને એમનાં ધર્મપત્ની એમની બે દોહીત્રીઓ સાથે એમના કરોનાના નિવાસસ્થાન નજીકના બાળકોને રમવાના પાર્કમાં ખુલ્લી હવામાં કુદરતી વાતાવરણમાં વિહરે છે ,બાલિકાઓ સાથે રમે છે અને ઓડિયોમાં આ બે ગરબા સુંદર સ્વરમાં ગવાતા જાય છે .
રમેશભાઈને વિડીયોમાં નિહાળવા અને બે સુંદર ગરબાઓના શબ્દ, સંગીત અને સુર નો આનદ લેવા માટે નીચેના ચિત્ર પર ક્લિક કરશો.
સૌજન્ય-શ્રી ચીરાગ પટેલ(મહિસા) અને મેનકા કે. પટેલ(આણંદ)
સંગીત-શ્રી રાજુભાઈ રાઠોડ/ શ્રી બલદેવ ચૌહાણ-માસ્ટર રેકોર્ડીંગ સ્ટુડીઓ(આણંદ)
ગાયક બેલડી..શ્રી ગીરીભાઈ અને સુશ્રી જીજ્ઞા પંડ્યા અને વૃન્દ.
૧૪ મી જાન્યુઆરી, એટલે ઉત્તરાયણ-મકરસક્રાંતિનો દિવસ .
હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિ –ઉત્તરાયણ નું ધાર્મિક મહત્વ તો છે જ પણ બધા હિન્દુ તહેવારોમાં ઉત્તરાયણનો તહેવાર કંઇક વિશેષ એ રીતે છે કે એ પતંગોત્સવ નો આનંદ લેવાનો પણ દિવસ છે.
આ પતંગોત્સવના પર્વમાં આબાલ-વૃદ્ધ સૌ કોઇ તેની ઉજવણીમાં ભાગ લેતા હોય છે. ખુલ્લા આકાશમાં મુક્ત મને પતંગ ચગાવી, ધીરે ધીરે ઢીલ છોડી, બીજા પતંગોની સ્પર્ધામાં પોતાની પતંગ બચાવવાની અને તે માટે અન્યની પતંગ કાપવાની ગળાકાપ હરીફાઇની મજા લેતા હોય છે.
અમેરિકા કે વિદેશોમાં જઈને વસેલા ભારતીય અને તેમાંય ખાસ કરીને ગુજરાતી યુવક-યુવતીઓને થેપલાં-ઢોકળાં, વતનની મીટ્ટી અને ગરબાની રમઝટ જેવી બીજી યાદો સાથે જો કશુંક ખાસ યાદ આવતું હોય તો તે છે ઉત્તરાયણ અને પછીના દિવસોમાં વતનમાં વહેલી સવારથી માંડી સાંજ સુધી માણેલી પતંગ ચગાવવાની મજા .એ કાપ્યો…લપેટ ….લપેટ…ની ચિચિયારીઓ … ગાયનોની રમઝટ….
કહેવાય છે કે ઉત્તરાયણ તો અમદાવાદની જ .આવી મજા વિશ્વમાં બીજે કયાંય જોવા મળે નહીં.
હું અમદાવાદી છું. અમદાવાદમાં અમારા બે માળના શંકર સોસાયટીના બંગલાના ધાબે ચડી ખુલ્લા આકાશમાં મુક્ત મને પતંગ ચગાવી, ધીરે ધીરે ઢીલ છોડી, બીજા પતંગોની સ્પર્ધામાં પોતાની પતંગ બચાવવાની અને તે માટે અન્યની પતંગ કાપવાની ગળાકાપ હરીફાઇની એવી ઘણી ઉત્તરાયણના પર્વ ઉપર જે મજા કરેલી એ અહીં અમેરિકામાં ક્યાંથી લાવવી !
ઉત્તરાયણ પછી આવતો વાસી ઉત્તરાયણ એટલે ૧૫મી જાન્યુઆરી નો દિવસ એ મારો જન્મ દિવસ .આ બે દિવસોએ સગાં-સ્નેહીઓ સાથે ધાબા ઉપર ખુબ જ ઉત્સાહ અને આનંદ સાથે,ઊંધિયું જલેબી,ચીકી ,બોર,જમરૂખ વી.આરોગી જન્મ દિવસ ઉજવાતો એની યાદો કેમ કરીને ભૂલાય .
એ દિવસોમાં આખું અમદાવાદ શહેર હરખના હિલોળે ચડ્યું હોય ! શ્રી નરેન્દ્ર મોદીએ દર વરસે આંતર રાષ્ટ્રીય પતંગોત્સવ હરીફાઈ નું આયોજન કરી ઉત્તરાયણની મહતા હવે ખુબ વધારી દીધી છે.
અમદાવાદના વતની અને હાસ્ય લેખક શ્રી અધીર અમદાવાદીએ એમના બ્લોગ કહત બધિરા માં “ઉત્તરાયણના અમદાવાદી ફન્ડા …”નામના લેખમાં અમદાવાદની ઉત્તરાયણ વખતે વિવિધ ધાબાઓની ખાસ મુલાકાત લઈને મેળવેલા જ્ઞાનના સંકલિત અંશો એમની રમુજી સ્ટાઈલમાં પેશ કર્યા છે .
ઉત્તરાયણના આનંદના પર્વ નિમિત્તે વી.વી.ની આજની પોસ્ટમાં શ્રી બધીર અમદાવાદીનો આ લેખ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે. આપને એ જરૂર વાંચવો ગમશે.
વિનોદ પટેલ
==================================
ઉત્તરાયણના અમદાવાદી ફન્ડા … બધીર અમદાવાદી
ક્રિકેટ ઉપરાંત ઉત્તરાયણ એ અમદાવાદીઓ માટે ધર્મ સમાન છે! ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે દેહ ત્યાગ કર્યો એ પહેલા યુધિષ્ઠિરને ધર્મનો વિસ્તૃત અને વિગતવાર ઉપદેશ આપ્યો હતો. એ વખતે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને દોરી ઘસાવવા બાબતે, કિન્ના બાંધવા બાબતે કે ભારે હવા હોય તો કેવા પતંગો પસંદ કરવા એ બાબતે કોઈ ઉપદેશ આપ્યો હતો કે નહિ એની તો ખબર નથી, પણ અમદાવાદીઓ આ બાબતે આવનારી પેઢી, ભાઈ-ભાંડુઓ અને સાથીદારોને આ પર્વ નિમિત્તે વિગતવાર જ્ઞાન આપવાનું ચુકતા નથી. વિવિધ ધાબાઓની ખાસ મુલાકાત લઈને મેળવેલા જ્ઞાનના સંકલિત અંશો અમે આપ સુધી પહોચાડવા માંગીએ છીએ …
સીંગની ચીકી બને તો પહેલાં હાથથી તોડી જોવી પછી જ દાંતથી તોડવી.
ચગતા પતંગની દોરી એ ‘ગૂંચળા ચુમ્બક’ છે!
લચ્છાની દોરીનું પીલ્લું વાળવું અઘરું છે.
ગાંઠોડીયાથી દોરી ચગાવેલો પકડેલો પતંગ વધુ પેચ કાપે છે.
સહેલ ખાવા ચાગાવેલો પતંગ કોઈ સહેલ ખાય એ પહેલાં જ કપાઈ જાય છે.
કપાયેલા પતંગ સાથે પકડેલી દોરી આપણે ઘસાવેલી દોરી કરતાં વધુ સારી હોય છે.
સાંધેલા પતંગ વધુ સારા ચગે છે, વધુ પેચ કાપે છે અને એ કપાવાથી અફસોસ પણ થતો નથી.
ગુંદર પટ્ટીને થુંકવાળી કરવા જતાં મોઢામાં ગુંદર અને ગુંદર પટ્ટી પર એકલું થુંક રહે છે.
તમે જમીને ધાબા પર પાછા આવશો ત્યારે પતંગ સાંધવા માટે લાવેલો રાંધેલો ભાત ગાયબ હશે અને તમને એન્ટેનાના ખંભા પર કમોસમી ‘વાસ’ મળવાથી આશ્ચર્યચકિત થયેલો કાગડો બેઠેલો દેખાશે!
ગોથણીયા અને છાશખાઉં પતંગો સડસડાટ ચગી જશે અને પછી ગોથ ખાઈ ખાઈને કે ઠુમકા મરાવીને તમારા હાથે હાથીપગો કરાવશે જ્યારે સારો પતંગ હવામાં આવે એ પહેલાં કોઈ હાથમાંથી કાપી જશે!
ઉતરાણના દિવસે તમને સૌથી વધુ અફસોસ ટેણીયાઓને પીપૂડા અપાવવા બદલ થશે.
ઉપરાછાપરી પતંગ કપાવાથી તમે તમારી બે હજાર વારની ફીરકી લપેટ્યા કરતા હશો જ્યારે કટકા દોરીથી પતંગ ચગાવતું તમારા જ ધાબાનું ટેણીયુ દર બે મીનીટે ‘કા…ડા…… કા…ડા…’ની બુમો પડતું હશે!
તમે ટેણીયાને પતંગ ચગાવતા શીખવાડવા જશો તો એનો પતંગ તરત કપાઈ જશે. પણ ટેણીયુ તમારા પતંગની સહેલ ખાતું હશે તો એ કંઈ કર્યા વગર પેચ પર પેચ કાપશે!
આંગળી પર પહેલો કાપો ઉતરાણનો પહેલો પતંગ ચગાવતાં જ પડી જશે! આંગળી પર પહેરવા માટેની ટોટીઓ લઈને કોઈ ધાબા ઉપર આવે એ પહેલાં તો બીજા ત્રણ કાપા પડી ગયા હશે!
કપાયેલો પતંગ સમજીને જે દોરી પકડશો એ કોઇકનો ઝોલ નીકળશે અને કોઈનો ઝોલ સમજીને જવા દેશો એ કપાયેલો ઢાલ પતંગ નીકળશે!
કપાઈને આવતા સારા સારા પતંગો આગળના ધાબામાં પકડાઈ જશે અને કિન્નામાંથી કપાયેલી ફૂદ્દીઓ સીધી તમારા ધાબામાં ઉતરશે!
ભર દોરીમાં પકડેલો પતંગ તમે નીચે ઉતારો એ પહેલા બીજા ભર દોરીમાં કપાયેલા પતંગની દોરી વડે કપાઈ જશે!
પેચ વખતે ઢીલમાં જવા દીધેલું ગૂંચળું પતંગ કપાઈ ગયા પછી દોરી સાથે ધાબામાં પાછું આવશે અને પેચ વખતે ફરી પાછું ઢીલમાં જવા દેવું પડશે.
તમારા માટે ફીરકીઓ લાવનાર કે દોરી ઘસાવી આપનાર ઉતરાણના દિવસે એનો મોબાઈલ બંધ રાખશે.
તમે જો દોરી ઘસાવી હશે તો નેક્સ્ટ ટાઈમ તૈયાર ફીરકીઓ લેવાનું નક્કી કરશો અને જો તૈયાર ફીરકીઓ લીધી હશે તો નેક્સ્ટ ટાઈમ દોરી ઘસાવવાનું નક્કી કરશો. બીજા વર્ષે ઉતરાણ વખતે તમે એ ભૂલી જશો કે આગલી સાલ તમે શું કર્યું હતું!
એક જૂની કહેવત છે ‘સાપ ગયા અને લીસોટા રહી ગયા’ એની સામે ઉત્તરાયણ નિમિત્તે તમને નવી કહેવત મળશે ‘એન્ટેના ચોરાઈ ગયા અને ડંડા રહી ગયા’! અને આ કહેવત તમને આખો દિવસ નડશે!
પવન વિરુદ્ધ દિશાનો હશે તો પણ તમારો પતંગ ફરી ફરીને ટી.વી. એન્ટેનાની દિશામાં જ જશે! ભરાશે નહિ તો ફાટશે તો ખરોજ!
તમે આશા રાખશો કે એ ખંભામાં કોઈ બીજા ધાબાવાળાનો પતંગ ફસાય અને તમને મફતનો કિન્ના બાંધેલો પતંગ મળી જાય, તો એવું નહિ બને! ઉલટાનું તમને લાગશે કે એ ડંડો તમારા પતંગ બગાડવા માટે જ બન્યો છે! ધાબામાં ઉપલબ્ધ સાધનોથી એ ખંભો નહિ ઉખડે!
આગલી સાલની જેમજ તમે એ ખંભાને એક અઠવાડીયામાં ઉખાડી નાખવાની પ્રતિજ્ઞા લેશો, પણ આવતી સાલ એ ખંભો તમને ફરી નડશે!
પેચ લેતી વખતે એકલો એન્ટેનાનો ખંભો જ નહિ પણ ગોગલ્સ, ચંપલ, સ્લીપર, રીસ્ટવોચ, વીંટી, કેપ, શર્ટના બટન અને કોલર, એ બધુંજ જાણે તમને અને તમારા પતંગને નડવા માટે જ બન્યા હોય એમ લાગશે. એક વાર તો તમને સંપૂર્ણ દિગંબર અવસ્થામાં પતંગ ચગાવવાનું મન પણ થશે! પણ એવે વખતે તમારે ‘કંટ્રોલ, ઉદય શેટ્ટી કંટ્રોલ’નો જાપ કર્યા કરવાનો!
જે વ્યક્તિ શેરડી લઈને ધાબા ઉપર આવી હોય એની પાસે જ એના છોતરા ઉપડાવવા. કોઈ છોતરું દોરી સાથે જતું રહ્યું હોય તો પતંગ ઉતારીને પણ એ છોતરું પાછું જમા કરાવવું! સ્કેટિંગ ન આવડતું હોય તો બોરના ઠળિયા પણ તાત્કાલિક એની પાસે જ ઉપડાવવા!
અમુક લોકો તમારા ધાબા પર એવા પણ આવશે જે પતંગ નહી ચગાવે, ફીરકી નહી પકડે, ગૂંચ નહી ઉકેલે કે પડતર દોરીના લચ્છા પણ નહિ વાળે. ફક્ત એ થાળી માંથી બોર, જામફળ અને સારી સારી ચીકીઓ ઝાપટી જશે અને ઘરે જતી વખતે તમારા કમ્પાઉન્ડમાં પડેલા કપાયેલા પતંગો એમના ઘરે લેતા જશે! થોડી વાર પછી એ મૂર્તિ તમને બીજાના ધાબે દેખાશે!
ઉતરાણના દિવસે ઊંધિયાની દુકાનની જેમ ગાયને ઘાસ ખવડાવવા માટે પણ લાઈનો લાગતી હોય છે અને ગાય ભાવ ખાતી હોય છે!
ધાબાની પાળી પરથી બરડામાં લાગેલો ચૂનો સાફ કરવા માટે પત્નીને ન કહેવું.
શ્રી રમેશ પટેલ આકાશદીપ રમેશભાઈનો જન્મ ૧૯૪૮માં ખેડાજીલ્લાના મહુધા તાલુકાના મહિસા ગામમાં થયો હતો.પિતા ઝવેરચંદભાઈ અને માતા કાશીબાના કુટુંબની ગણત્રી ગામના મોભાદાર મુખી કુટુંબમાં થતી. આઝાદીના આંદોલનમાં રંગાયલા આ સંસ્કારી કુટુંબમાં રમેશભાઈનો ઉછેર થયો હતો . આમ તો પિતાનો વ્યવસાય ખેતી હતો., પણ માતા-પિતા બન્ને શિક્ષિત અને શિક્ષણ પ્રેમી તથા વાંચનના શોખીન હતા. આઝાદી સંગ્રામના તાલુકા-જીલ્લાના આગેવાનો સાથે પિતા ઝવેરચંદભાઈ ને નજીકનો ઘરોબો હતો.
રમેશભાઈનું શાળાનું શિક્ષણ ગામની જપ્ રાથમિક અને માધ્યમિક શાળામાં થયું હતું. અભ્યાસમાં તેજસ્વી રમેશભાઈએ બારમા ધોરણ સુધી અભ્યાસની સાથે સાથે હિન્દી, સંસ્કૃત, ડ્રોઈંગ વગેરેના અભ્યાસમાં પણ રસ લીધો. શાળા જીવન દરમ્યાન એમના વાંચનના જબરા શોખને લીધે, એમણે રામાયણ- મહાભારત ઉપરાંત સ્વામી વિવેકાનંદ, અને ઝવેરચંદ મેધાણીના પુસ્તકો વાંચેલા .એમના ઘરમાં જ એક નાનું પુસ્તકાલય હતું, જેનું સંચાલન રમેશભાઈ જાતે કરતા. ગામમાં પૂજ્ય રવિશંકર મહારાજની મુલાકાત દરમ્યાન એમણે કરેલા પ્રવચનની રમેશભાઈના જીવન ઉપર ઊંડી અસર થયેલી.
બારમાં ધોરણમાં સારા માર્કસ મેળવી, વલ્લભવિદ્યાનગરની બિરલા એન્જીનીઅરીંગ કોલેજમાં દાખલ થયા અને ૧૯૭૧માં પ્રથમ વર્ગમાં પાસ થઈ B.E.(Electrical) ની ડીગ્રી મેળવી. ૧૯૭૨માં રમેશભાઈનાં લગ્ન સવિતાબહેન સાથે થયા અને આ સાથે એમના વ્યવસાયિક અને સાંસારિક એમ બન્ને જીવનની શરૂઆત થઈ ગઈ. નોકરીની શરૂઆત એમણે ૧૯૭૨માં ગુજરાત વિદ્યુત બોર્ડ સબ ડિવીઝનમાં, કપણવંજ મુકામથી, ફિલ્ડ વર્ક દ્વારા કરી. ગ્રામ્ય વિદ્યુતકરણની તે વખતે શરુઆત હતી. પોતે તો ફાનસના અજવાળે ગામમાં ભણેલા, તેથી આ કામને ઉમળકાથી વધાવી લીધું. ગામોના કાચા ધૂળિયા રસ્તા, ખેતરો, વાત્રક અને મહોરનદીઓની કોતરોમાં ભર ઉનાળેબળબળતા બપોરે સર્વે માટે તેઓ ખૂબ ઘૂમતા. ગામડામાં ઘરોમાં વીજળી પહોંચાડવાઅને ગામની ધરતીને પંપ દ્વારા પાણી પહોંચાડી હરિયાળી બનાવવાસાત વર્ષો સુંધીતેમણે મહત્વનું યોગદાન આપ્યું. એમના શબ્દોમાં કહું તો, “આજથી ૪૫ વરસ પહેલાં ગામડાઓમાં. વીજળી, રસ્તા ,ટેલિફોન અને દવાખાનાઓની પાયાની જરુરિયાતોનો અભાવ વરતાતો હતો. લોકો તે માટેઅધીરાહતા. ધૂળિયા રસ્તામાં પગપાળા સર્વે કરી.વિદ્યુત લાઈનો ઉભી કરાવવી,અને આખા ગામનેખેતીવાડીમાટે વિદ્યુત જોડાણ આપવું, એ કપરી મહેનતનું કામ હતું. શહેરી જીવડાઓનેતો તે ફાવે તેવું ન જ હતું.”
રમેશભાઈની મહેનત રંગ લાવી સાત વર્ષમાંતાલુકાની રોનક ફરી ગઈ. ધરોમાં વીજળીનાદીવા અને લીલાછમ લહેરાતા પાક જોઈ રમેશભાઈને આત્મસંતોષ મળતો. રમેશભાઇની કારકિર્દીનું બીજું અગત્યનું સોપાન એટલે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન.આધુનિક સ્ટીમ જનરેટર માટે તોતીંગ ૨૨૦ ફૂટ ઊંચા બોયલરોના નિર્માણ માટે ૧૯૭૯માં તેમનું પોષ્ટીંગ થયું. શરૂઆત મહિસાગરની વેરાન કોતરોને સમતળ બનાવવાથી કરી. અહીં નિર્માણ કાર્ય તબક્કાવાર આગળવધવાનું હતું. રહેવા, જમવા અને ફેમીલી સાથેરહેવા માટે સગવડ થવાની વાર હતી .મોટા ભાગે ફક્કડ ગિરિધારી જેવો સ્ટાફ, પણપાયાના પથ્થરો જેવા આ સ્ટાફ સાથે તેઓ એકલવીર બની યજ્ઞમાં જોડાઈ ગયા. એક પછી એક, ૨૧૦ મેગાવૉટની ક્ષમતાવાળા મહાકાય યુનિટો, ઊભા કરી, અડધા ઉપરાંત ગુજરાત રાજ્યને પહોંચે એટલું વીજ ઉત્પાદન કરી, સતત ૨૧વર્ષ ત્યાં ફરજ બજાવી. આ કાર્યને લીધે તેઓ એક નિષ્ણાત વીજ ઈજનેર તરીકે પ્રખ્યાતથયા.
“ગુજરાત સરકારે કદર રૂપે,ચીફ બોયલર ઈન્સ્પેક્ટર અને મેમ્બર ઓફ બોર્ડ ઓફ એક્ઝામીનર્સ તરીકે અને મોર્ડન હાઈ પ્રેશર બોયલરનાપ્રેક્ટીકલ નિષ્ણાત તરીકે, ત્રણ વર્ષ માટે (૧૯૯૯-૨૦૦૧) નીમણૂક કરી. વીજ નિગમોના ટેકનિકલ પ્રશ્નો ઉકેલવાની સમિતિમાં રહી, ફોરેન કંસલ્ટીંગ ટીમો સાથે, ઈક્વીપમેન્ટોમાં દૂરોગામી ફેરફારો કરી, લાખો ટન રીઝેક્ટમાં જતા કોલસા બચાવી, દેશની સંપત્તિ માટે એક આગવો ફાળો આપ્યો. તેમના આ યોગદાનની, કેન્દ્ર સરકારની થર્મલ પ્લાન્ટ બનાવતી ,બી એચ એલ કંપનીની ડિઝાઈનીંગ ટીમે નોંધ લીધી.” “તેમણે ૫૦૦ મેગાવૉટના યુનિટોના સ્પેસીફીકેશનમાં ફેરફાર કર્યા.આ ફેરફારે, અનેક રાજ્યોના નિગમોને આર્થિક ફટકામાંથી બચાવી લીધા, આ રમેશભાઈની કોઇ નાની સુની સિધ્ધી ન કહેવાય.” ત્યારબાદ એમણે ગાંધીનગર થર્મલ પ્લાન્ટ ખાતે એક્ઝીક્યુટીવ એંજીનીઅર તરીકે સેવા આપી. આ દરમ્યાન એમણે અનેક તજજ્ઞ સમિતીઓનું નેતૃતવ કર્યું. તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ એમને મળવા બોલાવેલા.
આ બધી વાતોથી તમને લાગશે કે રમેશભાઈ માત્ર એક નિષ્ણાત વીજ- ઈજનેર જ છે . ના ભાઈ ના, એવું નથી. રમેશભાઈ એક સારા કવિ પણ છે. સન ૨૦૦૦ની આસપાસ તેઓ મેઘાવી સાહિત્યકાર શ્રી દોલતભાઈ ભટ્ટના સંપર્કમાં આવ્યા અને તેમની પ્રેરણાથી કવિતાઓ લખવાનું શરૂ કર્યું. “આકાશદીપ” ઉપનામથી ગુજરાત સમાચાર દૈનિક અનેગુજરાત સરકારના ‘ગુજરાત‘ પાક્ષિક દ્વારા કવિતાઓ પ્રગટ કરી, ‘આકાશદીપ‘ ઝગમગવા લાગ્યા. સાહિત્યકારોના સત્સંગથી, અને વિશાળ વાંચનથી.સુંદર રચનાઓ કરી, ત્રણ કાવ્ય સંગ્રહ ,‘સ્પંદન’, ‘ઉપાસના‘ અને ‘ત્રિપથગા‘ પ્રસિધ્ધ કર્યા. સાથે સાથે, જીઈબી ગાંધીનગરની લાયન્સ ક્લબના તેઓ ફાઉન્ડર મેમ્બર બની અનેક સામાજિક કાર્યોમાં સહભાગી બન્યા.
છેલ્લા દશકાથી , અમેરિકામાં કેલિફોર્નીયાથી, શ્રીસુરેશભાઈ જાનીના માર્ગદર્શનથી શરૂ કરેલા ‘આકાશદીપ‘ બ્લોગ થકી , બ્લોગ જગતમાં માનીતા થઈ ગયા છે. ‘કાવ્યસરવરનાઝીલણે‘ નામે ૪૦૦ ઉપરાંત રચનાઓની પ્રથમ ઈબુક અને ‘ઉપવન‘ નામે કાવ્યોની બીજી ઈ-બુક વેબમાં મૂકી એમણે એમનો કવિ તરીકેનો પરિચય દઈ દીધો છે.
યુકે સ્થિત શ્રી દિલીપભાઈ ગજ્જર અને રોશનીબેન શેલતના મધુર કંઠેગવાયેલી , તેમની દેશપ્રેમની એક રચનાતારી-શાન-ત્રિરંગા સાચેજ યશકલગીસમાન છે.
શ્રી દિલીપભાઈ ગજજરના બ્લોગ લેસ્ટર ગુર્જરીમાં મુકેલ નીચેના વિડીયોમાં તમે એ ગીત જ્યારે સાંભળશો ત્યારે તમે રમેશભાઈને એ ગીત માટે અભિનંદન આપ્યા સિવાય રહી નહી શકો .
Republic Day Special – Taari Shan O Tiranga-
રમેશભાઇની રચનાઓનો પરિચય આ નાનકડા લખાણમાં આપી શકાય નહિં. માત્ર નમુનો જ આપું તો, “નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું , મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.” એમની અનેક ઉત્તમ રચનાઓ માણવા તો તમારે એમના બ્લોગ ની આ લીંકનો ઉપયોગ કરી મુલાકાત લેવી પડશે. http://nabhakashdeep.wordpress.com/ એમના પરિ્વારમાં ત્રણ સુશિક્ષિત દીકરીઓ શ્વેતા, મેનકા ને વિતલના સુખી પરિવારની મહેંક માણતા,ધર્મપત્નિ સવિતા સાથે રહી, કવિતા દ્વારા સૌને મળતા જ રહે છે.
આલેખન…….. શ્રી .પી. કે. દાવડા
===============================================
શ્રી .પી. કે. દાવડા લિખિત શ્રી રમેશભાઈ વિશેનો લેખ વિનોદ વિહાર ઉપરાંત નીચેના ચાર બ્લોગર મિત્રોએ
પણ એમના બ્લોગોમાં મુકીને તેઓએ રમેશભાઈની સાહિત્ય સેવાની કદર કરી છે એ માટે એમને ધન્યવાદ .
શ્રી રમેશભાઈના લેખ પછી શ્રી નિનુ મઝમુદાર લિખિત જાણીતું ગુજરાતી ગીત ” પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો” અને મારા મન ગમતા ગાયક મન્નાડેના સુરીલા સ્વરે ગવાએલ આ ગીતનો વિડીયો પણ મુક્યો છે .
આશા છે આપને આ બે કવિઓના ગીતોને સાથે માણવાનું ગમશે .
સૂસવાતા હિમભર્યા વાયરા વેઠ્યાબાદ જ્યોર્જિઆની ધરા ઉપરનાં નવપલ્લવિત વૃક્ષોને સમાધિ ત્યજીને રતુંબલ કૂંપળો અને મહોરની સુગંધે મસ્તીથી લહેરાતાં દીઠાં અને શ્રી નિનુ મઝમુદાર દ્વારા રચિત અને મન્નાડેએ ગાયેલ આ ગીત…યાદ આવી ગયું :
પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવને ઘૂમ્યો.
વસંત એટલે વસુધાના રંગ, ઉમંગ ને સૌરભને છલકાવતો ઋતુઉત્સવ. અહીં હર નવપલ્લિત વનરાજીને રાજી કરતો પંખીનો કલરવ અનુભવાય. આમ્રવૃક્ષોની ઘટામાં ગૃંજન કરતો કોયલનો ટહુકાર સૌને વગડે બોલાવે. ઝીણી મંજરી પર ભમતી ભમરીઓ અને પતંગિયાં; બસ નીરખ્યા જ કરીએ, નીરખ્યા જ કરીએ ! આવી વાસંતી મજાને અમે વેલીની જેમ ઉરે વીંટીં, ઝીલી ને ગીતમાં ગાઈ. વસંતની આ વનરાજીની સંગસંગ ઊડાઊડ કરતાં પંખીડાં જોઈને અમે પણ એક ગીત છેડી દીધું :
વસંતે કલશોર કર્યો, ભાઈ……
વસંતે કલશોર કર્યો ભાઈ, વાયરે વગડો ઝૂમ્યો,
ઋજુ રતુંબલ સંદેશા લઈને, ટહુકો વનપથ ઘૂમ્યો…
….. ઘૂમ્યો…વનપથ ઘૂમ્યો…
ઉપરના શ્રી રમેશ પટેલના ફોટા ઉપર ક્લિક કરીને એમનો આખો લેખ અને ગીતને માણવા વે.ગુ. બ્લોગમાં પહોંચી જાઓ
વાચકોના પ્રતિભાવ