વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: વિનોદ પટેલ

(907) “સેલ્ફી ” નું ભૂત !…. અછાંદસ રચના ….. વિનોદ પટેલ

hillary-selfie

   Hillary Clinton taking Selfie

સેલ્ફીનું ભૂત !…. એક અછાંદસ રચના 

અરે ભાઈ,જરા કોઈ મને કહેશો,

આ સેલ્ફી એ વળી શું બલા છે !

ક્યાંથી આવી હશે આ સેલ્ફી !

આજે દેખું એની જ બધે બોલબાલા !

બાળક હોય કે પછી કોઈ બુઢ્ઢો હોય,

સૌ કોઈ મંડી પડ્યા છે લેવા સેલ્ફી !

આધુનિક યુગનું આ ખરું છે એક તુત ,

જાણે વળગ્યું છે બધાંને સેલ્ફીનું ભૂત!

એમનો સ્માર્ટ ફોન હાથમાં પકડ્યો,

હાથ છેટેથી ઉંચો કર્યો,

ફોનમાં ચહેરાને બરાબર ગોઠવ્યો,

ચાંપ દબાવીને જે તસ્વીર લીધી,

એને કહેવા લાગ્યા સૌ કોઈ સેલ્ફી !

નેતાઓને પણ વળગ્યું સેલ્ફીનું ભૂત !

ચુંટણી સભાઓમાં,આ નેતાઓ સાથે,

સેલ્ફી પડાવવા કેવી થાય પડાપડી !

મો પર બનાવટી હાસ્ય રાખી,

વોટ માટે કઈ પણ કરવા તૈયાર,

આ નેતાઓ લોકો સાથે સેલ્ફી પડાવી,

ખુશ થતી પ્રજાને કેવી બનાવે મુર્ખ !

સેલ્ફીમાં વધુ ચિત્રો લેવા હવે તો,

ઊંચા ડાંડિયા પર ફોન ગોઠવી ,

ડાંડિયો ઉંચો કરી પાડે છે હવે સેલ્ફી,

લ્યો,સેલ્ફી પણ બની ગઈ હાઈટેક !

સેલ્ફી એટલે પોતે લીધેલું પોતાનું ચિત્ર ,

અરે ભાઈ,ચહેરાનું સેલ્ફી તો લઇ લીધું,

પણ તમારા અંતરનું સેલ્ફી લઇ લો ,

ત્યારે જ કહું, તમને ખરા સેલ્ફીકાર !

ચારેકોર બધાને સેલ્ફી લેતા જોઈને 

એંસીના આ ડોસાને પણ ચડ્યું ઝનુન,

હાથમાં સેલ ફોન કેમેરા ઓન કરી,

હાથ બરાબર ઉંચો કરી,

ચહેરાને કેમેરામાં ગોઠવી,ચાંપ દબાવી,

જુઓ લઇ લીધી મેં મારી આ બે સેલ્ફી !

મારી આ “સેલ્ફી” લઈને હું પણ બન્યો,

બધાંની જેમ જ સ્તો, એક “સેલ્ફીશ”!

વિનોદ પટેલ, સાન ડીએગો, ૫-૧૫-૨૦૧૬

( 897 ) મારી બે નવી માઈક્રોફિક્શન વાર્તાઓ …વિનોદ પટેલ

 અગાઉ વિનોદ વિહાર ની પોસ્ટ નંબર (878 ) માં  માઈક્રોફિક્શન વાર્તા એટલે શું ? એ વિષેના લેખ સાથે મારી એક માઈક્રોફિક્શન વાર્તા “અચંબો અને આઘાત”પ્રસ્તુત કરી હતી. 

આજની પોસ્ટમાં બે નવી માઈક્રોફિક્શન વાર્તાઓ(૧)  સાવચેતી ! અને (૨) દિવ્યાંગ પ્રસ્તુત કરેલ છે .

માઈક્રોફિક્શન … સાવચેતી ! 

રમેશ એક શોપિંગ સેન્ટરના જાણીતા સ્ટોરમાં સવારમાં ખરીદી કરવા ગયો હતો.સ્ટોરના જેનીટરએ થોડા સમય પહેલાં જ ફ્લોર પર પોતું ફેરવ્યું હોઈ સ્ટોરના સુવાળા ટાઈલ્સ હજુ થોડા ભીના હતા.

જો કે ફ્લોર ભીની હોવાની ચેતવણીનું એક બોર્ડ ત્યાં મુકવામાં આવ્યું હતું પણ ઉતાવળમાં રમેશના જોવામાં એ ના આવ્યું.

રમેશ લપસીને ચત્તાપાટ સ્ટોરની ફ્લોર પર નીચે પટકાયો.નશીબ જોગે એ બચી ગયો.એના કોઈ અંગને નુકશાન ના થયું.એ વખતે જ ત્યાંથી વ્હીલ ચેરમાં બેસીને પસાર થતા એક કિશોરે રમેશને નીચે પડતો જોયો.

પડીને ઉભા થયેલા રમેશની નજીકમાં એની વ્હીલચેર ખેંચી લાવીને એણે રમેશને કહ્યું :

“અંકલ, આર યુ ઓ.કે. ! બસ આ રીતે જ  આ જ સ્ટોરમાં હું બે વર્ષ પહેલાં નીચે પડ્યો હતો અને મારી કરોડ રજ્જુને મોટું નુકશાન કરી બેઠો હતો !”

માઈક્રોફિક્શન … દિવ્યાંગ 

સોમવારની સાંજના ૬ વાગ્યાના સમયે ઓફીસમાંથી છૂટીને ઘેર પહોંચવા માટે આતુર પેસેન્જરોની બસ સ્ટેન્ડ પર મોટી ગીર્દી જમા થઇ હતી.

કોઈ બસ આવતી ત્યારે શશક્ત પેસેન્જરો લાઈન તોડીને  એમના બળને જોરે બસમાં ચડી જતા હતા.

આ બધા લોકોમાં બે પગે લકવાને લીધે ચાલવા માટે  અશક્ત એક વિકલાંગ યુવાન બે બગલમાં લાકડાની ઘોડી સાથે ત્રણ બસો ગઈ છતાં બસમાં ચડી શક્યો ન હતો.છેવટે બહુ રાહ જોયા પછી જ્યારે બસ સ્ટેન્ડ પર ગીર્દી ઓછી થઇ ત્યારે એ એક બસમાં ચડ્યો તો ખરો પણ બેસવાની કોઈ સીટ ખાલી ના હોવાથી બગલમાં બે ઘોડીઓ સાથે માંડ સમતોલન જાળવતો ઉભો રહ્યો.

કોઈ પુરુષ પેસેન્જરે ઉભા થઇ એને બેસવા માટે સીટ ઓફર ના કરી પણ એક મહિલા એને આ સ્થિતિમાં જોઈ તરત જ ઉભી થઈને એ વિકલાંગ ભાઈને હાથથી પકડી એની સીટ ઉપર ધીમેથી બેસાડી દીધો.

મનમાં આભાર માનતા આ વિકલાંગે એ બહેનની સામે જોયું તો એમની આંખમાં એણે આંસુ જોયાં.

વિકલાંગએ કહ્યું “બહેન,મારી આવી અપંગાવસ્થા જોઇને દયા આવી એટલે આપ રડો છો? મારી દયા ના ખાશો”

મહિલાએ ખુલાસો કરતાં જવાબ આપ્યો :”ના ભાઈ,વિકલાંગો પર મને કદી દયાની લાગણી થઈ નથી કે થશે નહિ.વિકલાંગોને હું કદી અશક્ત માનતી જ નથી.તેઓ વિકલાંગ નહી પણ દિવ્યાંગ હોય છે.હું તો એ માટે રડું છું કે તમને જોઈ તમારા જેવો બે ઘોડીની મદદથી ચાલતો મને ખુબ વ્હાલો મારો દીકરો મને યાદ આવી ગયો.સ્કૂલમાંથી છૂટીને બસ પકડવા માટે ઉતાવળે રસ્તો ઓળંગવા જતાં એ પડી ગયો અને એક ટ્રક નીચે આવી જતાં ગયા મહીને જ એ મૃત્યુ પામ્યો ! “ 

–વિનોદ પટેલ,સાન ડીએગો 

 

“બેઠક”-શબ્દો નું સર્જનમાં પ્રકાશિત મારી બે માઈક્રોફિક્શન વાર્તાઓ સાવચેતી, 

માઈક્રોફિક્શન વાર્તા(49) બે ફોટા …વિનોદ પટેલ 

માઈક્રો ફિક્શન વાર્તા (53 ) … ભાર !….વિનોદ પટેલ 

માઈક્રોફિક્શન કોને કહેવાય અને કોને ના કહેવાય એ સમજાવતો એક વિગતવાર લેખ જાણિતા બ્લોગર મિત્ર શ્રી જીગ્નેશ અધ્વર્યુએ એમના બ્લોગ અક્ષરનાદ પર મુક્યો છે એને નીચેની લીંક પર વાંચી શકાશે.

માર્કોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે… જીજ્ઞેશ અધ્વર્યુ

http://www.aksharnaad.com/2014/07/29/microfiction-12/

( 879 ) જીવન એક મેરેથોન દોડ… એક અછાંદસ રચના ….. વિનોદ પટેલ

Life a Marathon

જીવન એક મેરેથોન દોડ

 

જિંદગી મેરેથોન દોડ છે,સૌએ એ દોડવાની હોય છે,

ધૈર્યથી દોડી જઈને,લક્ષ્ય સ્થાને પહોંચવાનું હોય છે.

 

જિંદગીની આ દોડમાં અનેક વિઘ્નો આવતા રહે છે,

એ ઉકેલતા રહી,સતત દોડ ચાલુ રાખવાની હોય છે.

 

મેરેથોન દોડના વિઘ્નોથી ડરી, કદી દોડ છોડશો નહિ,

ધૈર્ય રાખીને હિંમતના છેલ્લા અંશ સુધી દોડતા રહો.

 

વચ્ચેથી જે ભાગે છે એ,આ દોડ કદી જીતતો નથી,

મેરેથોન જીતવાનો આનંદ એ લઇ શકતો જ નથી.

 

જેણે રાખી હિંમત જીવનમાં,હારથી એ બચી ગયો,

જીવન મેરેથોન જીતીને,ગર્વથી એવોર્ડ જીતી ગયો.

 

વિનોદ પટેલ, ૪-૩-૨૦૧૬

 

( 878 ) માઈક્રોફિક્શન વાર્તા એટલે શું ?… મારી એક માઈક્રોફિક્શન વાર્તા -“અચંબો અને આઘાત”

માઈક્રોફિક્શન વાર્તા એટલે શું ?

કોઈ પણ ભાષામાં વાર્તા એ એક અગત્યનો સાહિત્ય પ્રકાર છે.વાર્તામાં સમાજમાં જીવાતા જન જીવનમાંથી કોઈ પણ વિષય વસ્તુની પસંદગી કરીને એને શબ્દોના વાઘા પહેરાવીને લેખક વાચકો સમક્ષ રજુ કરતો હોય છે.માણસોમાં ધબકી રહેલી લાગણીઓ,સંવેદનાઓનો પડઘો એની વાર્તામાં પેશ કરવાનો વાર્તા લેખકનો સતત પ્રયત્ન રહેતો હોય છે.નવલકથા ,નવલિકા ,લઘુ કથા ટૂંકી વાર્તાના માધ્યમથી મુખ્યત્વે વાર્તાઓ લખાતી હોય છે.આ વાર્તા પ્રકારોમાં માઈક્રોફિક્શન વાર્તાનો પ્રકાર નવો ઉમેરાયો છે.

માઈક્રો-Micro  એ અંગ્રેજી શબ્દ છે અને અંગ્રેજી શબ્દ મેક્રો-Mecro નો વિરુદ્ધ અર્થી છે.મેક્રો એટલે ખુબ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું , જગ વ્યાપી, વિસ્તૃત –  જેમ કે મેક્રો ઇકોનોમિકસ . માઈક્રો એટલે સ્થાનિક,સંક્ષિપ્ત, બારીક યા સુક્ષ્મ. એના  પરથી માઈક્રોસ્કોપ -સુક્ષ્મદર્શક યંત્ર – શબ્દ આવ્યો.

માઈક્રોફિક્શન વાર્તા કહેવું એ પણ એક રીતે ભાષાની દ્રષ્ટીએ મને બરાબર નથી લાગતું ,કારણ કે ફિક્શન એટલે જ વાર્તા .પરંતુ અંગ્રેજી- ગુજરાતીનું આવું વિચિત્ર મિશ્રણ કરીને માઈક્રોફિક્શન વાર્તા એમ કહેવાનો શિરસ્તો અત્યારે જોવામાં આવે છે.

માઈક્રોફિક્શન વાર્તા ને શુદ્ધ ગુજરાતીમાં જો કહેવું હોય તો એને સુસંક્ષીપ્ત વાર્તા એમ કહેવું જોઈએ.(કોઈને આનાથી સારો શબ્દ સુઝે છે ?).આનાથી ફિક્શન  અને વાર્તા એમ જે રીતે બેવડાય છે એમ નહી બને. 

 વાર્તાના બે પ્રકાર છે . એક સત્ય ઘટના કે એના પર આધારિત વાર્તા અને બીજી માત્ર લેખકની કલ્પનામાંથી જ જન્મેલી વાર્તા જે ખરેખર બની ના હોય પણ એમ લાગે કે આવું ક્યાંક બન્યું હશે કારણ કે સમાજમાં જીવાતા જન જીવનમાંથી જ લેખક એની વાર્તાની વસ્તુ શોધીને શબ્દોનો ઘાટ આપીને એને રજુ કરતો હોય છે.

આજના ઝડપી જમાનામાં લોકોને બહુ લાંબી વાર્તાઓ વાંચવામાં બહુ રસ દેખાતો નથી. આ વિચારમાંથી માઈક્રોફિક્શન વાર્તા પ્રકારનો જન્મ થયો હોય એમ લાગે છે. નવલકથા એ મેક્રો ફિક્શન છે  જ્યારે માઈક્રો ફિક્શન વાર્તા ઓછા શબ્દોમાં ચમત્કારિક રીતે વાર્તા રજુ કરવાની કળા રજુ કરતો એક નવીન વાર્તા પ્રકાર છે.

નવલકથાને આપણે ભાત ભાતના પકવાન અને ચટણીઓ સાથે જમણ માટે સજાવેલી થાળીની ઉપમા આપીએ તો માઈક્રોફિક્શન વાર્તા પ્રકાર એ પૌષ્ટિક તત્વોથી ભરપુર નાના પેકેટમાં આસ્વાદ માટે આપવામાં આવેલી સ્વાદિષ્ટ સેન્ડવીચ છે એમ કહી શકાય.

સારી માઇક્રોફિકશન વાર્તા એ એક કવિતા લખવા જેવું ગાગરમાં સાગર સમાવવા જેવું અઘરું કામ છે.એમાં બિન જરૂરી લાંબાં વર્ણનો,શબ્દો, સંવાદો, નથી હોતા પણ ખુબ ઓછા શબ્દોમાં મનને અસર કરી જાય એવી ચમત્કારિક રીતે વાર્તા કહેવાતી હોય છે.

મારા મિત્ર શ્રી પી.કે.દાવડાજી એ માઇક્રોફિક્શન વાર્તા વિષે અભ્યાસ કરીને માઈક્રોફીક્સન વાર્તાના આ પ્રકારમાં નીચેના સાત મુખ્ય મુદ્દાઓ તારવ્યા છે જે સામાન્ય રીતે આવી વાર્તાઓમાં હોવા જરૂરી છે.આ મુદ્દાઓ એમણે બેઠક સંસ્થાની સભામાં આ વાર્તા પ્રકાર વિષે બોલતાં રજુ કર્યા હતા.

(૧) માઈક્રોફીક્ષન વાર્તા 25૦ શબ્દોથી વધારે લાંબી ન હોવી જોઈએ. વાર્તામાં કેટલા શબ્દો છે એ મહત્વનું નથી,શબ્દોમાં કેટલી વાર્તા છે એ વધારે મહત્વનું છે.

(૨) સામન્ય વાર્તાની જેમ જ માઈક્રોફીક્ષનમાં પણ શરૂઆત, મધ્ય અને અંત હોવો જરૂરી છે.

(૩) માઈક્રોફીક્ષનમાં પાત્રોની સંખ્યા ઓછી હોવી જોઈએ અને પાત્રોનું વર્ણન કરવાની જરૂર ન હોવી જોઈએ.

(૪) માઈક્રોફીક્ષન એ બળવાખોર પ્રકાર છે. લંબાઈ સામે બળવો, સીમાઓ સામે બળવો અને અપેક્ષાઓ સામે પણ બળવો.

(૫) વાર્તાનો અંત ચોંકાવનારો હોવો જોઈએ.

(૬) વાર્તામાં હાસ્યરસ વાર્તાને આકર્ષક બનાવે છે.

(૭) વાર્તા લખવા એક પ્લાન હોવો જોઈએ અને લખી લીધેલી વાર્તા ફરી ફરી વાંચીને એને Revise કરવી જોઈએ.

કેલીફોર્નીયા,બે એરીયાની બેઠક સંસ્થા ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે ખુબ જ સારું કામ કરી રહી છે.દર મહીને કોઈ એક વિષય નક્કી કરીને સાહિત્યમાં રસ લેનાર સૌને એના વિષે લખવા માટે જણાવવામાં આવે છે.માર્ચ મહિનાના વિષય તરીકે ૩૦૦ શબ્દોથી લાંબી ના હોય એવી માઈક્રોફિક્શન વાર્તા લખી મોકલવા બેઠક મુખ પત્ર સમા સુશ્રી.પ્રજ્ઞાબેન દાદભાવાળાના બ્લોગ શબ્દોનું સર્જન મારફતે સૌ સાહિત્ય રસિકોને જણાવવામાં આવ્યું હતું.

આના જવાબમાં મેં પણ મારી એક માઇક્રોફિકશન વાર્તા લખી મોકલી હતી.

આ રહી એ વાર્તા …

માઈક્રોફિક્શન વાર્તા …અચંબો અને આઘાત!

લેખક- વિનોદ પટેલ

મનહરભાઈ અને કાંતાબેન આજે ખુબ ખુશમાં હતાં.કેમ ના હોય,એમનો આંખની કીકી જેવો એકનો એક વ્હાલો દીકરો દીપક અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ એક સારી કમ્પનીમાં જોબ મેળવીને ઘણા વર્ષો પછી માતા-પિતાને મળવા થોડા દિવસની રજાઓ લઈને સ્વદેશ આવવાનો હતો.

દીપકને સારા સંસ્કાર આપી ઉછેરી,શિક્ષણ આપી એના સારા ભવિષ્ય માટે કપાતે દિલે પ્રેમાળ મા-બાપે એને અમેરિકા મોકલ્યો હતો.

યુવાન અને ઉમરલાયક થયેલો દીકરો આવે એટલે એના લગ્ન જલ્દી થઇ જાય એ માટે આ પ્રેમાળ માતા-પિતા ખુબ ઉત્સુક હતાં.એ માટે સમાજની બે ત્રણ સારી દેખાવડી સુશિક્ષિત છોકરીઓ બન્નેએ જોઈ રાખી હતી. દીકરો આવે એટલે મુલાકાત કરાવીશું એમ મનમાં ગોઠવી રાખ્યું હતું .

મનહરભાઈ અને કાંતાબેનના મનની એવી પણ ઈચ્છા હતી કે દીપકના લગ્ન પછી એ અમેરિકામાં જઇ એની પત્ની સાથે ત્યાં સેટ થઇ જાય એટલે અહીનું બધું સમેટી લઈને એમના એક મિત્રની જેમ અમેરિકા પુત્ર અને પુત્ર વધુ સાથે રહેવા જતા રહીશું.

મનહરભાઈ અને કાંતાબેન એમના વ્હાલા દીકરા દીપકના ઘણા વર્ષે ઘેર પાછો આવવાના જે દિવસની કાગના ડોળે રાહ જોતા હતા એ દિવસ છેવટે આવી ગયો.

સવારે વહેલાં ઉઠીને તેઓ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દીકરાને આવકારવા પહોંચી ગયાં.ઈમિગ્રેશનની વિધિ પતાવી દીપક સામાન સાથે બહાર આવ્યો ત્યારે મનહરભાઈ અને કાંતાબેન એને આંખમાં હર્ષનાં આંસુઓ સહિત ભેટી પડ્યાં.

દીપકની પાછળ ઉભી રહેલી એક અમેરિકન ગોરી છોકરી તરફ ફરીને દીપકે એને કહ્યું “એલીઝા ,મીટ માય પેરન્ટસ “

મનહરભાઈ એ દીપકને પૂછ્યું :”ભાઈ, એ તારી કોઈ મિત્ર છે ?”

દીપક કહે :”ના પપ્પા-મમ્મી, અમે બન્ને ત્યાં અમેરિકામાં લગ્ન કરીને આવ્યાં છીએ. અમે તમોને એક સરપ્રાઈઝ આપવા માગતાં હતાં !”

બિચારાં મનહરભાઈ અને કાંતાબેન ! એમનો મનમાં રચેલો સ્વપ્નોનો મહેલ એક જ ઘડીમાં જમીન દોસ્ત થઇ ગયો !

દીપક માટે જે સરપ્રાઈઝ હતું એ એમને માટે તો જીવનભરનો એક મોટો આઘાત હતો !

–વિનોદ પટેલ

આ માઈક્રો ફિક્શન વાર્તાને “શબ્દોનું સર્જન ” બ્લોગમાં પણ પ્રકાશિત કરવામાં આવી છે.

આ મા.ફી. વાર્તા કુલ ૨૯૨ શબ્દોની છે.

આ જ વાર્તાને ઓછા શબ્દો વાપરી થોડી ટૂંકાવી ફરી મઠારીને જો લખીએ તો આ રીતે લખી શકાય.

માઈક્રોફિક્શન વાર્તા …અચંબો અને આઘાત !

મનહરભાઈ અને કાંતાબેન આજે ખુબ ખુશમાં હતાં.એમનો એકનો એક વ્હાલો દીકરો દીપક અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ એક સારી કંપની માં જોબ મેળવી,ઘણા વર્ષો પછી માતા-પિતાને મળવા થોડા દિવસ માટે સ્વદેશ આવવાનો હતો.

યુવાન દિકરાના લગ્ન માટે માતા-પિતા ખુબ ઉત્સુક હતાં.એમની જ જ્ઞાતિની બે ત્રણ સારી દેખાવડી  સુશિક્ષિત છોકરીઓ બન્નેએ જોઈ રાખી હતી. દીકરો આવે એટલે મુલાકાત કરાવીશું એમ મનમાં ગોઠવી રાખ્યું હતું.

મનહરભાઈ અને કાંતાબેનના મનની એવી પણ ઈચ્છા હતી કે દીપકના લગ્ન પછી એ અમેરિકામાં જઇ વહુ-દિકરા સાથે ત્યાં સેટલ થઇ જાય.

સવારે વહેલાં ઉઠીને તેઓ એરપોર્ટ પર દીકરાને આવકારવા પહોંચી ગયાં. ઈમિગ્રેશનની વિધિ પતાવી દીપક સામાન સાથે બહાર આવ્યો ત્યારે મનહરભાઈ અને કાંતાબેન એને આંખમાં હર્ષનાં આંસુઓ સાથે ભેટી પડ્યાં.

દીપકની પાછળ ઉભી રહેલી એક અમેરિકન ગોરી છોકરી તરફ ફરીને દીપકે એને કહ્યું “એલીઝા હની, મીટ  માય પેરન્ટસ “

–વિનોદ પટેલ

જોઈ શકાશે કે ટૂંકાવેલી વાર્તામાં બિન જરૂરી શબ્દો બાદ કર્યા છે.મૂળ વાતામાં ૨૯૨ શબ્દો હતા એને બદલે  ૧૪૦ શબ્દોનો જ ઉપયોગ કરવા છતાં વાર્તા અને એમાં રહેલો ભાવ અને અર્થ બદલાતો નથી ,એનો એ જ  રહે છે.  

વાર્તાની ખૂબી એના અંતમાં છે.વાર્તા નાયક દીપક અમેરિકામાં લગ્ન કરીને આવ્યો છે એ હકીકત અને એનાથી માતા-પિતાને થયેલો અચંબો અને ઊંડા આઘાતની લાગણીને સમજવાનું કામ   સુજ્ઞ વાચકો પર છોડી દેવામાં આવ્યું છે .

( 874 ) પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક નવી વાર્તા “બેક્ટેરિયા “

પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક નવી વાર્તા

“બેક્ટેરિયા “

“કહું છું, સાંભળે છે, દિલીપ અમેરિકાથી આવે છે એની ખબર દીકરી ચંપાને અમદાવાદ કહેવડાવી છે ને,ભૂલી ગઈ તો નથી ને ?” બરાબર ખાતરી કરી લેવા માટે રણછોડભાઈ એ એમનાં પટલાણીને પૂછ્યું .

“એમ તમારી જેમ હું ભૂલું એવી નથી. દીકરીને એનો વ્હાલો ભાઈ દિલીપ  અમેરિકાથી આવે છે એની ખબર ગામ પહેલાં એને જ મોકલાવી દીધી છે. બિચારી દર બળેવે ભઈને ટપાલમાં રાખડી મોકલે છે. આજે એને નજરે જોશે એટલે કેટલી હરખ પદુડી થઇ જશે મારી દીકરી “

નાનકડા ગોકુળિયા ગામના આગેવાન સરપંચ રણછોડભાઈ પટેલ અને એમનાં પત્ની મંગુ કાકીનું દિલ આજે સવારથી જ આનંદના હિલોળે ચડ્યું હતું. કેમ ના ચડે, આજે તો એમની આંખની કીકી જેવો એકનો એક દીકરો દિલીપ દસ વર્ષના લાંબા ગાળા પછી આજે શિકાગો,અમેરિકાથી વતનના ગામમાં આવી રહ્યો હતો.દિલીપ સાથે એની પત્ની રક્ષા અને જોતાં જ ગમી જાય એવાં એમનાં બે બાળકો ,પાંચ વર્ષનો બાબો આનંદ અને ગલગોટાના ફૂલ જેવી નાજુક એક વર્ષની નાનકડી બેબી પીન્કી પણ એમનાં ડેડી-મમ્મી સાથે આવવાનાં હતાં.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને આખી વાર્તા વાંચો . 

બેક્ટેરિયા / becteria

બેક્ટેરિયા

PRATILIPI.COM

 

( 864 ) સમયની ઘડિયાળ શું કહે છે ?… એક અછાંદસ રચના ….વિનોદ પટેલ

સમયની ઘડિયાળ શું કહે છે ?

Time watch

ટીક .. ટીક …ટીક …
સમયની ઘડિયાળ કહી રહી છે ,
જુઓ આ પળ વહી રહી છે ,
પકડી લો એને સવેળા,નહી તો,
હાથમાંથી હું સરકી રહી છું .
હાથમાં બાંધેલું હું માત્ર ઘરેણું નથી,
પળો જાય છે એની યાદ અપાવું છું.

ગયેલી પળ વાપસ નહી આવે,
જે કરવા જેવા કામો છે એને, 
આજે જ,અરે અત્યારે જ કરી લો ,
કાલ ઉપર ઠેલવાની ટેવ છોડો,
નહી તો કામોનો ઢગલો થઇ જશે.

એક દિવસ જાગીને જોઇશ કે, 
જીવનનો છેડો આવી ગયો છે,
 કરવાનાં કામો તો ઘણાં રહ્યાં છે!
આ કામ મારે કરવાનાં જ હતાં!,
પણ એ કરવા માટે આજે હવે, 
સમય ક્યાં બાકી રહી ગયો છે ?

માટે, હે પામર માનવો,
આ જીવનનો નથી ભરોંસો ,
પાણી જેમ હર પળ વહી રહી છે,
પકડી લો એને હાથમાં સમયસર,

કરી સર્વોત્તમ ઉપયોગ એનો સવેળા ,

જીવન તમારું પૂર્ણ થાય એ પહેલાં ,
જગમાં આવ્યાનો ફેરો સફળ બનાવો.

વિનોદ પટેલ