વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: સુરેશ જાની

( 581 ) કોઇ પ્રિત કરી તો જાણે! – ગઝલાવલોકન -૩

ગઝલાવલોકન લેખ શ્રેણીમાં શ્રી મહેન્દ્ર વ્યાસ ‘અચલ’ની ગુજરાતી ગઝલ “કોઈ પ્રિત કરી તો જાણે “અને એના ઉપર શ્રી સુરેશ જાની લિખિત અવલોકનને આજની પોસ્ટમાં એમના અને ગઝલકાર ના આભાર સાથે પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. 

આ સુંદર ગુજરાતી ગીત-ગઝલને જાણીતા અને માનીતા  ગઝલ ગાયક શ્રી મનહર ઉધાસના સુરીલા કંઠે આ પોસ્ટમાં મુકેલ યુ-ટ્યુબ વિડીયોમાં સાંભળવાનો આનંદ તો કોઈ ઓર જ છે !

વિનોદ પટેલ

==================

મોજાઓના પછડાટોથી, ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે, સાગર જ્યાં રૂઠી પણ જાયે…

એવા ભવસાગરમાં ડૂબી, કોઇ તરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!

– મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

[ આખી ગઝલ અહીં વાંચો ]

   આ અગાઉના બે ગઝલાવલોકનો પરસ્પર વિરોધી ભાવની અભિવ્યક્તિઓ હતી. પહેલાંમાં મિત્રોનો – મૈત્રીનો ઋણસ્વીકાર હતો; તો બીજામાં ટૂટેલા સંબંધો અંગે વ્યથા હતી.

     જીવનની હકિકત છે કે, આ બન્ને અવસ્થાઓ જીવનની વાસ્તવિકતાઓ છે. આપણે બેયનો અનુભવ કરવો પડે છે. કોઈ જીવન સર્વાંગ સમ્પૂર્ણ નથી હોતું.

     અહીં દર્શાવેલી ગઝલમાં આ વાસ્તવિકતાનો સ્વીકાર છે – અને એમને સહજ ભાવથી સ્વીકારી લેવાની વાત છે. ડૂબીને તરવાની ખુમારીની વાત છે. સતત પ્રીતના ભાવમાં રહેવાની વાત છે.

જીવવાની કળા એટલે મરવાની કળા!

     કદાચ આ વિધાન વિરોધાભાસી લાગે; પણ એને સમજવું જરૂરી છે. અહીં ‘મરતાં મરતાં’ – મડદાની જેમ જીવવાની વાત નથી. પણ ગયેલી પળને વીસારી દેવાની અને એમાં ઘટેલી ઘટનાને પણ વીસારી દેવાની વાત છે. હરેક પળમાં નવો જન્મ અને એ પળ વિત્યે મૃત્યુ. એ વીતેલી પળોને યાદ ન કરવાનું, એમને દફનાવી દેવાનું ગૌરવભર્યું ગીત છે.

     આપણે સૌ સારી રીત જાણીએ છીએ કે, આ કેટલું મુશ્કેલ કામ છે. પણ કદાચ એમાં જ હરખ અને શોકના મોજાંઓથી અલિપ્ત રહીને જીવનસાગરમાં મોજથી સર્ફિંગ કરતા રહેવાની ચાવી નથી વારૂ?

( 579 ) ઢોલ ઢબુક્યો આંગણિયે – ગઝલાવલોકન -૨

સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાની શરીર સ્વાસ્થ્ય માટે જીમમાં જાય છે ત્યાં ટ્રેડમિલ પર આઈ-પોડ ઉપર ગઝલો સાંભળતા હોય છે .આમ તેઓ મન અને શરીર એમ બન્નેને સ્વસ્થ રાખે છે. એક ઈ-મેલમાં તેઓ જણાવે છે :

” પ્રિય વિનોદ ભાઈ,

જ્યારથી ટ્રેડમિલ પર ગઝલો સાંભળવાની શરૂઆત કરી; ત્યારથી એ મારી જૂની માની તી ગઝલો નવી જ નજરથી સંભળાવા લાગી. મનમાં જાગતા વિચારોને અભિવ્યક્ત કરવા હંમેશ મન કરતું હોય છે, પણ હવે ‘મારો બ્લોગ’ અને ‘મારું સર્જન’ એ જાતની મમતા છુટતી જાય છે .”

આથી મેં સુરેશભાઈને એમની ગમતી કોઈ ગઝલ ઉપર એમના વિચારો વિનોદ વિહારમાં સહ સંપાદક તરીકે એક નવી ગઝલાવલોકન લેખ શ્રેણીમાં લખવા માટે વિનતી કરી જેથી તેઓ ઈચ્છે છે એવો અહમ વિનાનો આનંદ પણ એમને મળી રહે.

વચલા માર્ગ તરીકે સુરેશભાઈ એ મારા આ સૂચનને સહર્ષ સ્વીકાર્યું . પરિણામે એમનું  પહેલું ‘ગઝલાવલોકન’ વી.વી. ની પોસ્ટ નમ્બર ( 564 )ખુદાની મહેરબાની -ગઝલાવલોકન-૧ રીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું .

વી.વી. ની આ નવી ગઝલાવલોકન લેખ શ્રેણીમાં આજની પોસ્ટમાં ” ઢોલ ઢબુક્યો આંગણિયે – ગઝલાવલોકન -૨ “નામનો બીજો લેખ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે .

મને આશા છે કે વાચકોને આ નવી ગઝલાવલોકન લેખ શ્રેણીમાં શ્રી સુરેશભાઈના ગઝલ ઉપરના અવલોકનો માણવાનું ગમશે.

શ્રી સુરેશભાઈ યથાવકાશે હવે પછીના લેખો પણ લખતા રહેશે એવી હૈયા ધારણ મને આપવા માટે એમનો હું આભારી છું.

વિનોદ પટેલ

ફોટો સૌજન્ય- સંદેશ.કોમ

ફોટો સૌજન્ય- સંદેશ.કોમ

ઢોલ ઢબુક્યો આંગણિયે ને, ગાજ્યું આખું ગામ;

પિત્તળિયા લોટા માંજીને ચળક્યું આખું ગામ.

      જાન ઉઘલવાનું ગીત. ઉલ્લાસનું ગીત. પગ થનગનતા નાચી ઉઠવા લાગે, તેવા ઢોલ ધબૂકવાનું ગીત. નવા સંબંધની શરૂઆતનું ગીત.

[આખું ગીત અહીં વાંચો અને સાંભળો.]

પણ એ કરૂણાંતિકા છે!

એક-મેકના વિશ્વાસોને ઠેસ જરા-શી લાગી;
કાચનું વાસણ ફૂટે એવું ફૂટ્યું આખું ગામ.

        એક પણ શેર એવો નથી કે એનું રસદર્શન કરાવવું પડે. સીધી અંતરમાં ઉતરી જાય એવી કવિતા.

       પણ ચીસ પડાવી દે, તેવો મત્લાનો શેર.

——————————

        આમ શા માટે? કેમ લગભગ હમ્મેશ એમ જ બનતું હોય છે? આપણા જીવનના રિયર વ્યૂ મિરરમાં જોઈશું તો જણાશે કે, આપણા દુશ્મનોમાં કોઈ સાવ અજાણ્યું જણ નથી. દરેક દુશ્મન કોઈને કોઈ કાળે આપણો મિત્ર રહી ચૂક્યો હોય છે.

       એવી તો મિત્રતા કેવી, જેને સહેજ ઠેસ લાગે અને નંદવાઈ જાય? જે પ્રિયતમાનો અવાજ મીઠી ઘંટડી જેવો લાગતો;  એ લગ્ન થયા પછી, બે ચાર વરસમાં જ કેમ માંગણીઓ કરતો, બેસૂરો લાગવા માંડે છે?

      આપણા સંબંધો મોટા ભાગે પ્રેમ સંબંધો હોતા જ નથી. મોટા ભાગે એ સ્વાર્થના/ સગવડના/ લેવડ દેવડના સમીકરણો જ હોય છે. જ્યાં સુધી એ ગણિતના દાખલાની રકમો બરાબર હોય ત્યાં સુધી જ  ‘ = ’ ની સંજ્ઞા સાચી. નહીં તો તરત  જ……

     કહે છે કે, ભક્તિ એ પરમ તત્વને શરણાગતિનું સૌથી

સરળ સાધન છે. પણ કેટલી ભક્તિ અવ્યભિચારિણી ભક્તિ

હોય છે – નરસિંહ કે મીરાં જેવી ભક્તિ – શરણાગતિ?

 

  નિસ્વાર્થ પ્રેમ
અને
નિસ્વાર્થ ભક્તિ
દુન્યવી પણ હોતાં હશે?

(573 ) મેનેજર …….લેખક- સુરેશ જાની

સૂરસાધના

અમને જણાવતાં આનંદ થાય છે કે, અત્યંત લોકપ્રિય, ગુજરાતી વેબ સાઈટ ‘અક્ષરનાદ’ પર આ વાર્તા સૌથી પહેલી પ્રકાશિત થઈ છે. ‘અક્ષરનાદ’ ના સંચાલક શ્રી. જિજ્ઞેશ અધ્યારૂનો દિલી આભાર. આશા રાખીએ કે, વાલીઓ આ વાર્તા પરથી ધડો લઈ; પોતાનાં સંતાનો પર બિન જરૂરી બોજો નાંખતાં પહેલાં વિચારતાં થશે.

aksharanaad

[ સત્યકથા પર આધારિત]

          “આમ ઉંધી ચોપડી રાખીને તું શું વાંચે છે?” તમે અંદર ઉકળી રહેલા ગુસ્સાને માંડ દબાવી, દીકરા મહેશને કહ્યું.
મહેશ બારમા ધોરણની પરીક્ષાની તૈયારી કરતો એના રૂમમાં વિજ્ઞાનની ચોપડી હાથમાં રાખી, વાંચવાનો ડોળ કરી રહ્યો હતો.
રસિકલાલ! કેટલા ઉમંગથી તમે આ દીકરો એન્જિનિયર બનશે એવા ખ્વાબ સાથે, શહેરની સારામાં સારી ગણાતી નિશાળોમાંની એકમાં એને દાખલ કરાવ્યો હતો? અને મોંઘા પાડનાં ટ્યુશનો? ગુજરાતી જેવા વિષયનું પણ ટ્યુશન એને રખાવી આપ્યું હતું.
દીકરો ક્યાંયથી પાછો નહીં જ પડે; એવી ચોક્કસ હૈયાધારણ તમને હતી. દસમા પછી નિશાળમાં એને વિજ્ઞાન પ્રવાહને બદલે કોમર્સ પ્રવાહમાં દાખલ કરાવવાની વર્ગ શિક્ષકની સલાહને…

View original post 733 more words

( 564 ) ખુદાની મહેરબાની- ગઝલાવલોકન -૧

ખુદાની મને મહેરબાની ઘણી છે.
ઘણાની મહોબ્બત અને લાગણી છે

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

આખી ગઝલ અહીં વાંચો

અને અહીં સાંભળો

       આ શ્રેણીનાં અવલોકનોની શરૂઆત કુતુબ આઝાદની આ ગઝલથી કરીએ; એ યથાયોગ્ય છે.

     નેટ પર ગુજરાતીમાં લખી શકાવાની શરૂઆત, ઈમેલથી પત્ર વ્યવહાર, અને ‘કાના માતર વગર’ બ્લોગિંગની સવલતે જે રીતે સહૃદયી મિત્રો મેળવી આપ્યા છે – એ મહેરબાનીને આ શ્રેણી અર્પણ છે- ખુદાની મહેરબાની અને એવા દિલદાર મિત્રોની મહેરબાની.

ગઝલનો એક પણ શેર એવો નથી કે, જેને સમજાવવો પડે –સાવ  સીધી, દિલમાં ઉતરી જાય એવી ગઝલ.

      અને હવે મનમાં ઉઠેલ ચપટીક વિચારો…

      આપણે આમ મિત્રોનો, મિત્રો અને ઘણું બધું મેળવી આપનાર એ ‘ખુદા’ની મહેરબાનીનો ઋણ સ્વીકાર કરીએ એ એકદમ યથાયોગ્ય તો છે જ. પણ થોડીક વિશેષ વાત પણ છે.

 આમ મહેરબાનીની લણણી કરવી હોય તો;
એ માટે આપણે એવી વાવણી કરવી પડે.
એ લાગણીમાં લોહીની રક્તતા ઉમેરવી પડે.

    થોડીક જ વધારે નજર ફેલાવીએ તો તરત જણાશે કે, આપણા સમસ્ત જીવનમાં કેટકેટલી નામી, અનામી; જાણીતી, અજાણી;  ગમતી, અણગમતી વ્યક્તિઓનો આપણી પર ઉપકાર છે? વ્યક્તિઓ તો શું? કેટકેટલાં પ્રાણીઓ, વનસ્પતિઓ, કુદરતી તત્વોનાં પ્રદાન ન હોય તો આપણે કશું પણ પ્રાપ્ત કરી શકીએ? –  જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને હંધુંય ગનાન, બધી સંપદા!

      પ્રત્યેક શ્વાસની સાથે આપણે એ સૌનો ઋણ સ્વીકાર કરતાં થઈએ તો? આપણી ઘણી બધી સમસ્યાઓ, વ્યથાઓ, ઉલઝનો આપોઆપ શમી જાય; એમ કદાચ બનવા લાગે.

     અને એ ખુદા પણ કોણ? ક્યાં છે એ મહેરબાન? કહે છે કે, આપણી અંદર જ તો એ છુપાયેલો પડ્યો છે. જ્યારે જ્યારે આપણે આમ એ મહેરબાનનો આભાર માનીએ ત્યારે, એ હમ્મેશ યાદ કરતા જઈએ કે, એ જ્યાં વસી રહ્યો છે; શ્વસી રહ્યો છે –  એ મંદિર, એ મસ્જિદ, એ દેવળ, એ દેરાસર, એ સાયનેગોગ આપણે એની અસીમ કિરપાને લાયક રાખ્યું છે ખરું? આપણી કાયા; આપણા વિચાર; આપણી વાણી; આપણું વર્તન, આપણાં બધાં કાર્યો એ મહેરબાનને લાયક છે કે, કેમ એ નિહાળતાં થઈએ તો?

તો જ આ ગઝલ આપણે સમજ્યા;
એને જીવનમાં ઉતારી
– એમ કહી શકાય; નહીં વારૂ?!

( 563 ) જમીન પર રહીને એક ઉંચી ઉડાન…..(સત્યકથા પર આધારિત)…..સુરેશ જાની

સુરેશ જાની

સુરેશ જાની

મારા સહૃદયી અને સાહિત્ય પ્રિય મિત્ર શ્રી સુરેશ જાનીની એક સત્યઘટનાત્મક પ્રેરક કથા “જમીન પર રહીને એક ઉંચી ઉડાન” ઈ-વિદ્યાલય બ્લોગ અને એમના બ્લોગ સૂર સાધના તથા નીરવ રવે બ્લોગમાં વાંચી . વારંવાર વાંચવા છતાં દરેક વખતે આ વાર્તા દિલને સ્પર્શી ગઈ હતી .

આ સત્ય કથામાં મલય નામના એક નવા યુગના યુવાનની ગામડામાં ગીલ્લી ડંડા રમતા એક ગામઠી નિશાળીયામાંથી છેક લન્ડનની વિખ્યાત મલ્ટિનેશનલ કમ્પનીની ઓફિસમાં ઉચ્ચ સ્થાને એ પહોંચ્યો ત્યાં સુધીની એના જીવનના ઉડાનની કથા કહેવામાં આવી છે. ઉડાન હવામાં જ થાય છે એવું ઓછું છે ? જમીન ઉપર રહીને પણ મલયની જેમ કારકીર્દીના આકાશમાં ઉડાન શક્ય છે જ એમ લેખકે બખૂબી એમની આ વાર્તામાં સાબિત કર્યું છે .લેખક કહે છે એમ  ‘જમીન પર રહીને’ શબ્દો ખાસ ઉદ્દેશથી વપરાયા છે. ‘Down to earth.’

વિનોદ વિહારના વાચકોને  માટે આ  ગમતીલી સત્ય કથાને આજની પોસ્ટમાં રી-બ્લોગ કરતા આનંદ થાય છે.

આવા સદ સાહિત્યથી નવા વર્ષની શરૂઆત શક્ય બનાવવા માટે લેખક શ્રી સુરેશભાઈનો આભારી છું.

ખાસ કરીને યુવાન પેઢી માટે આ વાર્તા માર્ગ દર્શક બનશે એવી આશા રાખું છું.  

વિનોદ પટેલ

=====================

 Flying in sky

જમીન પર રહીને એક ઉંચી ઉડાન

“ચલને અલ્યા મલય! આપણે ગીલ્લી દંડા રમીએ. “

ધુળિયા ગામડાના મલયને એના જીગરી દોસ્તે લલકાર્યો.

મલય તાકોડી હતો, એના બાવડામાં ગામડિયા કિશોરની તાકાત ભરી પડી હતી.

મલયે પહેલે જ ધડાકે

દડો એવો ઠોક્યો કે, ગીલી છેક જઈને પડી….

ક્યાં ?

છેક લન્ડનની મલ્ટિનેશનલ કમ્પનીની ઓફિસમાં! 

કેમ અચંબો પામી ગયા ને?

એ રહસ્યનો તાગ મેળવવા તમારે નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરી,

તમારી ગિલ્લી ફટકારવી પડશે !

malay

( 534 ) અંગ્રેજી વાક્ય એક….. સંદેશાવલોકન બે !/ જડ્યો જડ્યો હું જડ્યો……અનીલ ચાવડા

શ્રી સુરેશભાઈ જાનીને મને ગમેલું નીચેનું અવતરણ વાંચવા માટે

ઈ-મેલમાં મોકલ્યું હતું.

  “Somebody has said there are only two kinds of people in the world. There are those who wake up in the morning and say, “Good morning, Lord ,” and there are those who wake up in the morning and say, “Good Lord, it’s morning.” 

આ વાક્ય એમને ગમ્યું અને એના પર વિચાર કરતાં એમાંથી જન્મેલ એક સુંદર અને પ્રેરક સંદેશ સાથેનું અવલોકન એમના બ્લોગ સૂર સાધનામાં પ્રસ્તુત કર્યું  .

આ રહ્યું એમનું  આ સંદેશાવલોકન !

————————

Morning – સંદેશાવલોકન !

ગુજરાતી બ્લોગ પર અંગ્રેજીમાં શિર્ષક?

હા! એનું રહસ્ય છે – આજની સવારે, નેટ મિત્ર શ્રી. વિનોદ પટેલે મોકલેલ આ સરસ ઈમેલ સંદેશ.

      “Somebody has said there are only two kinds of people in the world. There are those who wake up in the morning and say, “Good morning, Lord ,” and there are those who wake up in the morning and say, “Good Lord, it’s morning.” 

થોડુંક અટપટું લાગે; પણ આ સંદેશમાં એક બહુ જ મોટી વાત કહી દીધી છે.

આપણે કદી ન દેખાયેલા, ન દેખાય તેવા, કે, જે કદી દેખાવાના નથી તેવા – ઈશ્વરને હમ્મેશ યાદ કરીએ છીએ. પણ તેણે બનાવેલી કહેવામાં આવે છે; તેવી કેટલી બધી ચીજો જોવા છતાં પણ જોઈ શકતા નથી? અને જુઓ તો ખરા – બીજી રીતના ઉચ્ચારમાં ઈવડા ઈને ‘ગૂડ’ કહ્યો છે. અને સવારને તો બસ નિહાળી જ છે – કોઈ વિશેષણ વિના.

આ જ છે – પ્રેક્ષક ભાવ અને કૃતજ્ઞતા ભાવ. જે કાંઈ છે – તે કોઈક અગમ્ય શક્તિના આધારે છે – એનો આભાર . અને એ હંધીય ચીજોનો કોઈ પણ ન્યાય નહીં- એમનું કોઈ મૂલ્યાંકન જ નહીં.

બસ…
એમને અવલોક્યા જ કરવાનું.
એ ગમતી હોય, કે ન ગમતી હોય…
તો પણ.

 

( સુરેશભાઈનાં આવા 200 અવલોકનોની ઈ-બુક વાચવા આ લિંક ઉપર ક્લિક કરો.) 

================

 

સુરેશભાઈની ઉપરની પોસ્ટના પ્રતિભાવમાં મુકેલ મારા વિચારો

થોડા અપડેટ કરેલા આ રહ્યા …

 

જીવનની દરેક નવી સવાર નવી આશાઓ લઈને ઉગતી હોય છે .

 આખા દિવસ દરમ્યાન માણસ પોત પોતાના નિયત કામકાજ માં વ્યસ્ત રહે છે .

રાત પડે એટલે એ નિંદ્રા દેવીના શરણે જપીને નિશ્ચિંત બનીને સુઈ જાય છે .

એક રીતે એ એક પ્રભુ શરણું પણ બને છે .

જ્યારે એ ઘસઘસાટ સુએ છે ત્યારે જાણે કે એ મૃત દશામાં હોય છે .

જ્યારે સવારે જાગે છે ત્યારે એક નવા દિવસ માટે એનો ફરી જન્મ થાય છે .

આપણને સવારે જીવતા ઉઠાડવા માટે અને એની આ રોજના જન્મ-મરણની

અદભુત લીલાઓ માટે ભૂલ્યા વિના પ્રભુનો પાડ માનીને આપણું રોજ બરોજનું કામ કરીએ

તો કેવું સારું ! આપણા ઉપર અનેક ઉપકારો કરનાર કૃપાળુ પરમાત્મા ઉપર

આટલી આભારવશતા તો આપણે જરૂર બતાવી શકીએ .

ઉપરના અંગ્રેજી અવતરણ માં બે પ્રકારના માણસોની વાત કરી છે .

એક આશાવાદી અને બીજો નિરાશા વાદી .

આશાવાદી માણસને દરેક સવાર નવી – ગુડ મોર્નીગ – લાગે છે પરંતુ જે

નિરાશાવાદી હોય છે એને દરેક નવી સવાર ગુડ નહિ પણ એક વૈતરું લાગે છે .

મનથી દુખી માણસને એમ લાગે છે કે ક્યાં પાછો આ નવો દુઃખનો દિવસ

જીવવવાનો આવ્યો !

એના જીવનનું ગાણું હોય છે “આશ નિરાશ ભઈ , આહ ! ભાઈ,આશ નિરાશ ભઈ ! “

============================== 

તાજેતરમાં જ ‘યુવાગૌરવ પુરસ્કાર’ થી સન્માનિત કવિ શ્રી અનીલ ચાવડાના

આ કાવ્યનો પણ આસ્વાદ લો .

જડ્યો જડ્યો હું જડ્યો……અનીલ ચાવડા

જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.

નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પિંડ તમે બાંધ્યો મારો તો હુંય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું !
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

– અનિલ ચાવડા

કેવા સરળ શબ્દો, કેવા સહજ કલ્પન અને કેવી મોટી વાત ! વાહ કવિ !!

*

દિલ્હી સાહિત્ય અકાદમી’ દ્વારા આપવામાં આવતો ‘યુવાગૌરવ પુરસ્કાર’ આ વર્ષે

કવિમિત્ર અનિલ ચાવડાને ‘સવાર લઈને’ સંગ્રહ માટે મળનાર છે. ટીમ

લયસ્તરો તરફથી અનિલને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ….

સૌજન્ય – લયસ્તરો