આજે ગુજરાતી ભાષામાં જે ગણ્યા ગાંઠ્યા હાસ્ય લેખકો છે એમાં ન્યુ જર્સી નિવાસી મારા મિત્ર હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીનું નામ એક એવોર્ડ વિજેતા સુપ્રસિદ્ધ હાસ્ય લેખક તરીકે જાણીતું છે.એમના હાસ્ય લેખો અને ગુજરાત મિત્ર અખબારમાં એમની નિયમીત કોલમ ” “ફેર ભી દિલ હૈ હિન્દુસ્તાની “માં પ્રગટ એમના મને ગમેલા ઘણા હાસ્ય લેખો અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.
સીનીયર સિટીઝનોની ખાસિયતો ઉપર હાસ્ય વેરતા એમની આગવી રમુજી શૈલીમાં લખાયેલા શ્રી હરનીશભાઈના બે લેખો ….
(૧)સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ ...અને (૨) સીનીયરનામા શ્રી હરનીશભાઈ ના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ હાસ્ય લેખ જાન્યુઆરી ૨૦૧૬ના નવનીત-સમર્પણ માસિકમાં પણ પ્રસિધ્ધ થયેલ છે .
આ બે હાસ્ય લેખો ખાસ કરીને મારા જેવા અનેક સીનીયર સિટીઝનોના મુખ પર સ્મિત અને હાસ્ય લાવી દેશે અને મને ગમ્યા એમ એમને પણ ગમશે એની મને ખાતરી છે .
વિનોદ પટેલ
સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ …. હાસ્ય લેખ …..
લેખક- શ્રી હરનિશ જાની.
ઘણા સિનીયરોને (ડોસાઓને),યાદ જ નથી હોતું કે તેઓ પરણેલા છે. અને આનંદની વાત એ છે કે તેમને તે યાદ કરાવવા તેમની પત્ની ત્યાં હાજર હોય છે. અને સિનીયરોને તેઓ પરણ્યા કેમ ? એમ પૂછો તો તેમણે વિચારવું પડે કે તેઓ કેમ પરણ્યા છે? સ્ત્રીઓને પૂછો તો કહેશે કે અમારે જીવનમાં સેટલ થવું હતું. પરણીને પુરુષ સેટલ નથી થતો. સરન્ડર થાય છે. જ્યારે સારી નોકરી મળે ત્યારે પરુષ સેટલ થયો ગણાય. એટલે પુરુષોની એ દલીલ પણ ધોવાઈ ગઈ. અને પ્રશ્ન તો ઊભો રહે જ છે. કે પરણ્યા કેમ? જુની હિન્દી ફિલ્મોમાં જ્હોની વોકર કહેતો કે “પાગલ કુત્તેને કાટા થા ઈસી લિયે શાદી કી.”
મારા બાલુકાકાને એ જ સવાલ પૂછયો તો કહે ” કે ભાઈ, મને વરઘોડાનો શોખ હતો. લોકોના જેટલા વરઘોડા જોતો ત્યારે એમ જ થતું કે આપણો વરઘોડો ક્યારે નિકળશે? મેં આ વાત દાદાને કરી .અને તેમણે ધામધુમથી વરઘોડો કાઢીને પરણાવ્યો. પછી બધા તો છુટી ગયા. અને મારે તારી કાકી સાથે રહેવાનું થયું. અમે તો લગ્ન પહેલાં કદી માળ્યા નહોતા. મને ખબર નહોતી કે એને મારી કોઈ વાત ન ગમે તો ગુસ્સે થઈ,વસ્તુઓને મારા તરફ ફેંકવાનું ગમે છે.”અને મને મારો જવાબ મળી ગયો.
પુરુષને વરઘોડો–લગ્ન સમારંભ અને લગ્નનો દિવસ ગમે છે. લગ્નમાં મહાલવા માટે એક દિનકા સુલતાન બનવા લગ્ન કરવા ગમે છે. અને લોકોએ પણ એને ચઢાવ્યો અને રાજાનું સંબોધન કર્યું. અને વાંદરને દારૂ પીવડાવ્યો. લગ્નદિન એટલે જાણે લગ્નજીવનના પુસ્તકનું કવર. તેના પરથી પુસ્તક પસંદ કરવા જેવું, અંદર શું છે તે સરપ્રાઈઝ છે. અને મોટે ભાગે એ સરપ્રાઈઝ જ નિકળે છે. વાત એમ કે લગ્ન જુવાનીમાં થાય છે. જુવાનીની કાંઈ ઓર ખુમારી હોય છે. જુવાનીમાં બીજા પરણેલાઓને જોવા જેટલી પણ બુધ્ધિ હોતી નથી. જગતમાં કોઈ જુવાન પુરૂષ ને પોતાના જેવું કોઈ હોશિયાર લાગતું જ નથી એ કદી મૂર્ખાઈ કરતો જ નથી.
અહીં ,અમેરિકન આર્મીમાં હાઈસ્કુલના છોકરાઓ વધુ જોડાય છે. આર્મીમાં આલ્કોહોલ અને સિગારેટ મફત મળે. અને ઘેર માબાપ પીવાની ના પાડે. તેમને યાદ નથી રહેતું કે સિગારેટ પીધા પછી સાચી ગોળીઓ ખાવાની હોય છે. લગ્નમાં વરઘોડા દેખાય છે. પણ પાછળ યુધ્ધ પણ હોય છે. પરંતુ બધા જુવાનો, અર્જુન જેવા હોય છે. તેમને માછલી જ દેખાય છે. એ માછલી પાછળની સ્ત્રી નથી દેખાતી. કૌરવો હોશિયાર હતા. તે પણ ધનુર્વિદ્યામાં પ્રવિણ હતા. પણ એમને જેવી ખબર પડી કે જો માછલીની આખ વિંધીશું તો દ્રૌપદીને પરણવું પડશે કે દુર્યોધને બધાંને જણાવી દીધું કે બેસી જ રહેજો.
અને કૌરવોએ માછલીની આંખ વિંધવાનું માંડી વાળ્યું. જો પછી શું થયું ? મહાભારત થયું. દુર્યોધન સાચો પડ્યો ને!
આજકાલ સાઠવરસની ઉંમર સિનીયરમાં નથી ગણાતી.તેમ જ આધેડ વય પણ ન ગણાય.કારણ કે મારા એક સાઠ વરસના મિત્ર પોતાને આધેડ વયના ગણાવે છે. તો મારે કહેવું પડ્યું કે ‘ જો તમે કોઈ એક સો વીસ વરસના ડોસાને જોયો છે? અને હવે દવાઓ એટલી બધી શોધાય છે ને કે પહેલેના જમાનામાં સાઠ વરસે આવતો હ્દય રોગ તો આજે લગભગ કંટ્રોલમાં આવી ગયો છે.
પહેલાંના જેવી બિડીઓ પણ પીવાતી નથી. એટલે કાંઈક અંશે લંગ્સ કેન્સર ઓછા થઈ ગયા છે. એટલે સિત્તેરના સિનીયર તો તમને સામાન્ય રીતે મળી રહે. હું અને મારા પત્ની બન્ને સિત્તેરના થયા.અત્યાર સુધી તે પચાસની હતી. અને એકાએક તેણે નક્કી કર્યું કે હવે ઉંમર ખેંચાય તેમ નથી. તો લોકોને કહે કે હું પંચોતેરની છું તો બીજી સ્ત્રીઓ કહે કે,” ના હોય, મને તો તમે સાઠના લાગો છો. તો એ તેને ગમે છે.
એક દિવસે તે ટી.વી. પર હિન્દી ચેનલ જોતી હતી. મેં જોયું તો સાઉન્ડ ઓફ હતો..મેં કારણ પૂછ્યું તો કહે કહે કે “મને બહુ અવાજ નથી ગમતો”
‘ તો પછી ટીવી બંધ કરીને બેસને .‘ ૪
‘ના તો પછી એકલું લાગે છે. અને તું જો સાથે બેઠો હોય તો તું તો સોફામાં બેઠો બેઠો ઊંઘે છે.‘
મારા પત્નીજીને હિન્દી સિરીયલો ગમે છે. તે પણ સાઉન્ડ ઓફ કરીને જુએ છે. કારણં? હિન્દી સિરીયલોમાં ડાયલોગ જેવું કાંઈ હોતું નથી. ફક્ત સ્ત્રીઓના લેટેસ્ટ ફેશનના ડ્રેસિસ જોવા ગમે છે. કોઈના લગ્ન વખતે એમના જેવી સાડી પહેરવાની કામ લાગે. બીજું તો કાંઈ નહીં પણ હિન્દી સિરીયલોની, પત્નીજી પર એટલી અસર થઈ છે કે તે હવે બેડરૂમમાં સુવા આવે છે. ત્યારે કોઈના લગ્નમાં તૈયાર થઈને જતી હોય એમ મેક અપ સાથે આવે છે.
રિટાયર્ડ થયા પછી એક મ્યાનમાં કદાચ બે તલવાર રહી શકે.પરંતુ પતિ,પત્ની બન્ને ,એક સાથે સોફા પર ન બેસી શકે. ખરેખર તો મને એવું લાગે કે અમે બન્ને કારમાં બેઠા છીએ. અને કારની ટેવ મુજબ,.રીમોટ કંટ્રોલ મારા હાથમાં હોય પણ મિનીટે મિનીટે ચેનલ બદલવાનું એ કહે છે.
જો કોઈ દવાની કમર્શિયલ આવે તો તે મારા સામું જોયા કરશે. પછી હું આશ્ચર્યથી એના સામું જોઉં અને પૂછું ‘શું છે મને ટગર ટગર જોયા કેમ કરે છે?‘
‘ના એ તો જોઉં છું કે તને બેઠા બેઠા હાંફ ચઢે છે કે નહીં? આ લોકો જે દવા બતાવે છે .તે લઈએ તો હાંફ બંધ થઈ જાય.‘ દરેક દવા મારે લેવી જોઈએ એ એમ માને છે. એક વખતે સોફામાં બેઠા બેઠા મારા પગ લાંબા ટૂંકા કરાવતી હતી. અને મારી નજર ટીવી પર ગઈ તો અંદર કમર્શિયલ ચાલતી હતી, પગના મસલ્સ મજબુત કરવા કેલ્શિયમની ગોળીઓની. પછી હું સમજી ગયો કે મારા પત્નીને મારી હેલ્થની બહુ ચિંતા રહે છે. એટલી હદે કે રાતે બેડમાં ઊંઘતો હોઉં તો ય ઊઠાડશે. ‘તારા નશ્કોરાં નહોતા બોલતા અટલે ચેક કરતી હતીએ બધું બરાબર છે ને!
પેલા ભરતભાઈને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. અને પછી બિચારા માલતીબેનને લોકો કેવું સંભળાવતા હતા? ‘ અને તારી ચિંતામાંને ચિંતામાં મને ઊંઘ નહોતી આવતી. ચાલ હવે નિરાંત થઈ. હવે સુઈ જવાશે.‘
“પણ તેં મને ઊઠાડી દીધો .હવે મને ઊંઘ નહીં આવે.”
“ધેટ ઈઝ યોર પ્રોબ્લેમ, કાલે તારા માટે ટીવી પરથી કોઈ દવા શોધી કાઢીશ.મને સુવા દે.”
વસ્તુ એ છે કે સિનીયર અવસ્થામાં સ્ત્રી અને પરુષ બન્નેને સાથે સુવાનું કારણ જ નથી હોતું સિવાય કે એકમેકને ઊંઘ આવે છે કે નહીં તે ચેક કરવાનું , અને સાથે સુતા હોય તો અડકવાનું નહીં કારણ કે અડધી રાતે કોઈ અડકે તો ઝબકીને જાગી જવાય છે.
પુરુષોને લગ્ન કરવાનો શોખ હોય તો પત્ની તો દેખાવડી શોધે નાક આશા પારેખ જેવું અને આંખો હેમા માલિનીના જેવી .પરંતુ તેમને ખબર નથી હોતી કે આંખ અને નાક કરતાં જીભ અગત્યની છે. મતલબ કે રૂપ રંગ જુવાનીના ચાર દિવસના અને સિનીયરનો
સ્વભાવ અંત સુધી રહેવાનો. એ વાતની કોઈ પણ પુરુષને ખબર નથી. હિન્દી ફિલ્મોમાં શમ્મીકપુર અને આશા પારેખ સાથે તેમના મા બાપના રોલમાં ઓમ પ્રકાશ અને તેની ભાગ્યવાન પત્ની લલિતા પવાર પણ હોય છે. તે સિનીયર જોડી કાયમ લડતી ઝગડતી હોય છે. જુવાનોએ નજર આશા પારેખ કરતાં લલિતા પવાર પર રાખવી જોઈએ. તો ખબર પડે કે બધી લલિતા પવારો જુવાનીમાં આશા પારેખો જ હતી.
મોટા ભાગના જુવાનીયાઓ લગ્ન કરે છે. ત્યારે ધાર્મિક નથી હોતા.
અને સિનીયર વરસોમાં વરરાજા સાધુ બની જવાના વિચાર કર્યા કરે છે. અને તે ક્યારે સાધુ થાય છે.એની રાહ જોતી વહુરાણી બેઠી હોય છે. કુર્યાત્ સદા મંગલમ્.
સીનીયર નામા -હાસ્ય લેખ – હરનીશ જાની
જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
અમેરિકામાં ગયા વરસે લગભગ ૩૦૦૦૦ માણસો એકલા બંદુક કે પિસ્તોલના ઉપયોગથી માર્યા ગયા છે. અમેરિકામાં માણસો દરરોજ કોઈને કોઈ જગાએ ગનથી મરતા હોય એ એક સામાન્ય વાત થઇ ગઈ છે.લોકોને આ જાણે કે હવે પચી ગયું છે ,કોઈને નવાઈ લાગતી નથી .સામાન્ય લોકો એમ વિચારતા હોય એમ લાગે છે કે એ તો એમ જ હોય ,આવું તો બન્યા કરે.
જ્યારે કોઈ બનાવ બને છે અને જ્યારે એક સામટા ૧૦ કે વીસ માણસો એક જ બનાવમાં મરે છે ત્યારે જન સમાજમાં થોડા દિવસ એની ચર્ચાઓ થાય છે, ગનના ઉપયોગનો કન્ટ્રોલ કરવા કંઈક કરવું જોઈએ ,એના માટે કોંગ્રેસએ બંધારણની જોગવાઈઓમાં ફેરફાર લાવવો જોઈએ વિગેરે વિગેરે ચર્ચાઓમાં અને ખબરોમાં જોવા મળે છે પણ થોડા દિવસો પછી લોકોની ઉશ્કેરાયેલી લાગણીઓનો ઉભરો શમી જતાં જન જીવન હતું એમને એમ થાળે પડી જાય છે.
જગતના શક્તિશાળી દેશ અમેરિકાના પ્રેસીડન્ટ બરાક ઓબામા દેશના વર્તમાન હિસક ગન કલ્ચરથી ખુબ દુખી છે પરંતુ તેઓ અમેરિકાની એન.આર.એ.ની પાવરફુલ ગન લોબી સામે અને એને વેચાઈ ગયેલ રાજકારણીઓ -કોન્ગ્રેસ સભ્યો -સામે કશું કરવા અસમર્થ છે.બંધારણના સેકન્ડ એમેન્ડમેન્ટ પ્રમાણે અમેરીકાના દરેક નાગરીકને ગન રાખવાનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે.આને લીધે દુકાનોમાં કે ગન વેચવા માટે ભરાતા મેળાઓમાં જઈને લોકો રમકડાની જેમ ગન ખરીદી શકે છે .એના વિષે કોઈ પુછપરછ થતી નથી.અસ્થિર મગજના અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા રીઢા ગુનેગારો પણ કોઈ પણ જાતની બીક વગર બેરોકટોક ગન ખરીદે છે અને મન ફાવે એમ એનો ઉપયોગ કરતા હોય છે.
વિનોદ પટેલ
ગન કંટ્રોલ અમેરિકા… ગુજરાત મિત્ર લેખ…. હરનિશ જાની
જાણીતા ડાયાસ્પોરા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાની અમેરિકામાં છેલ્લા ચાલીસ વર્ષ ઉપરાંત વરસોથી રહે છે એટલે એને નજીકથી બરાબર ઓળખી ગયા છે.અમેરિકાના જાત અનુભવથી તેઓ એના સળગતા પ્રશ્નોથી પુરેપુરા વાકેફ છે.
સુરતના ગુજરાત મિત્ર દૈનિક ગુજરાત મિત્રની બુધવારીય પુર્તી ‘દર્પણ’ની”‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’માં દર બુધવારે પ્રગટ થતા એમના અભ્યાસપૂર્ણ લેખોમાં અમેરિકાના એમના જાત અનુભવોને એમની આગવી હાસ્ય મિશ્રિત લેખન શૈલીમાં નિયમિત રીતે પીરસતા રહે છે.
અમેરિકાના ગન કલ્ચર વિશેનો ગુજરાત મિત્રમાં, તારીખ ૬ ઠી જાનુઆરી ૨૦૧૬નો એમનો લેખ વાંચવા જેવો છે.આ લેખમાં એમણે એમના અનુભવો અને અભ્યાસ આધારિત જે માહિતી આપી છે એ પરથી અમેરીકામાં આજે ગન કંટ્રોલનું જે કોકડું ગૂંચવાઈ ગયું છે એનો ખ્યાલ તમને આવી જશે.
શ્રી હરનીશભાઈ આ લેખમાં જણાવે છે …
ઘણાં વખતથી મુઝવતા વિષય પર લખવું છે. તે છે અમેરીકામાં ગન કંટ્રોલ. જો હું એમ કહું કે સાત વરસના ઈરાક વોરમાં જેટલા અમેરિકન મર્યા છે. તેનાથી વધુ અમેરિકનો અમેરિકાની ધરતી પર બીજા અમેરિકનોના હાથે, એક જ વરસમાં મર્યા છે. ૨૦૧૪માં ગન શોટથી ૧૧૨૦૮ અમેરિકનો મર્યા છે. જ્યારે ઈરાક વોરના સાત વરસમાં ૪૫૦૦ અમેરીકનો અને ૪૦૦ મિત્ર દેશના સોલ્જર્સ મર્યા છે. ઈરાક વોરમાં તો મરતાં અટક્યા. પણ ૨૦૧૫માં પણ હજારો મર્યા હશે. આમ કહી શકાય કારણકે ૧૯૭૦ થી ૨૦૧૪ સુધીમાં ૧૩ લાખ અને ૫૦૦ અમેરિકનો અમેરિકાની ધરતી પર અમેરિકનોની ગનથી મર્યા છે. ૨૦૧૪ માં જ ૨૧૦૦૦ લોકો એ તો આપઘાત કરવામાં ગન વાપરી છે. તે જુદી. હવે તમે જ હિસાબ કરો!
ગયા અઠવાડિયે બિચારા પ્રેસિડન્ટ બારાક ઓબામાએ ટી.વી. પર પેલા બે મુશ્લીમ આતંકવાદીઓને હાથે ૧૪ જણના મુત્યુનો ખરખરો કર્યો. અને મુઠ્ઠી ઉગામી ઉગામીને જાહેર કર્યું કે આ દેશમાં સ્ટ્રોંગ કાયદો લાવી ગન કંટ્રોલ લાવવો જોઈએ. જયાં સુધી ગન કંટ્રોલનો સવાલ છે. ત્યાં સુધી ,એમનું કોઈ સાંભળતું નથી. પ્રેસિડન્ટને કોઈ ગણકારતા નથી. કારણકે કોંગ્રેસમાં તેમના ગન કંટ્રોલનો કાયદો પસાર કરવા બહુમતિ જોઈએ. જે તેમને મળવાની નથી. આજ સુધી ગન કંટ્રોલ માટે મળી નથી. આ પહેલો બનાવ નથી.
મારી દ્રષ્ટિએ ,અમેરિકાનું રાજકારણ જુઓ તો સામાન્ય માણસનું માથું ફરી જાય. અને પેલા મિડલ ઈસ્ટના ટેરરીસ્ટોમાં પણ સ્હેજે કોમન સેન્સ નથી. સાદો હિસાબ માંડીએ, બે ટેરરિસ્ટ પોતે મર્યા અને ૧૪ને માર્યા. ૧૯ ટેરરિસ્ટોએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડીંગ તોડ્યા. અને ૩૦૦૦ લોકોને માર્યા. તેમણે શું કાંદા કાઢ્યા ! તે જ વરસે હજારો અમેરિકનો અંદરો અંદર ગોળીઓ મારીને મરી ગયા હતા. ટેરરિસ્ટોએ તો અમેરિકનોનો ગન શોટનો ખેલ ઘેર બેઠાં બેઠાં જોવો જોઈએ. આ ખૂનામરકી જોઈએ તો સોનાની દ્વારકામાં યાદવાસ્થળી થઈ હશે એ વાત સાચી.(બે ચાર બચેલા યાદવો હાલ બિહારમાં હજુ છે,) અમેરિકનો ગનને હરણ અને કાળા રિંછના શિકાર માટે ગન વાપરે છે.
મને કહેતાં આનંદ થાય છે કે હું ભારત દેશમાં હિન્દુને ત્યાં જનમ્યો છું જે ધર્મ માને છે કે પ્રાણી માત્રમાં જીવ છે. અને પશુઓને પણ આત્મા છે. ક્રિશ્ચિયન અને ઈસ્લામ ધર્મમાં તેમને આત્માવિહીન એક વસ્તુ તરીકે જોવાય છે. જેમ ધરતીમાં ધાન્ય ઉગે તે ખવાય.તેમ આ પશુઓ ખવાય.
ગુજરાત મિત્રમાં પ્રકાશીત શ્રી હરનીશ જાનીનો આ આખો મજાનો પૂરો લેખ નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.
હરનીશભાઈ ગુ,મીમાં ઘણીવાર એમના લેખોના અંતે કોઈ એક રમુજી વાત કે જોકની છેલ્લી વાત મૂકી લેખનું સમાપન કરે છે. આ લેખને અંતે મુકાએલી એમની છેલ્લી વાત મજાની છે.
છેલ્લી વાત–
એક માણસ કાંગારુને લઈને શોપીંગ મૉલમાં ગયો. તો એક ડાહ્યા માણસે તેને રોકીને કહ્યું કે “કાંગારુને ઝુમાં લઈ જા ને” તો પેલો બોલ્યો કે “બહુ સરસ આઈડિયા છે.” પછી બીજે દિવસે પેલા ડાહ્યા માણસને, તે જ માણસ પાછો કાંગારુને લઈને મૉલમાં ફરતો દેખાયો. પેલા ડાહ્યા માણસે કહ્યું,” તું આ કાંગારુને ઝુમાં નથી લઈ ગયો? તને કહ્યું હતુંને!”
પેલો કહે “હા , ગઈકાલે અમે ઝુમાં ગયા હતા. આજે સિનેમા જોવા જઈએ છીએ.”
(મતલબ કે કોઈ ફેરફાર નહિ … બધું એમનું એમ … આ કાંગારુવાળા માણસ જેવું …ડાહ્યા માણસની વાત ગઈ તેલ લેવા !..)
ચિત્રલેખા.કોમમાં પ્રગટ આ અહેવાલ અને વિડીયો ઉપરથી તમને ખ્યાલ આવી શકશે કે અમેરિકાના ગન કલ્ચરથી વિશ્વના શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ કેટલા દુખી છે છતાં પાવરફુલ એન.આર.એ .સંસ્થાને વેચાઈ ગયેલ ખંધા રાજકારણીઓ આગળ આવા બનાવો બનતા અટકાવવા માટે કેટલા લાચાર છે. !
તારીખ ૫ મી જાન્યુઆરીના રોજ,અગાઉ ગનથી સેન્ડી હિલ ,ન્યુ ટાઉનમાં મૃત ૨૦ બાળકોનાં માતા પિતાની હાજરીમાં વાઈટ હાઉસના પરિસરમાં ખુબ દુખી બરાક ઓબામાએ આપેલ પ્રવચનમાં પ્રેસીડન્ટ તરીકેના એમના એક્ઝીક્યુટીવ પાવરનો ઉપયોગ કરીને બંધારણની કેટલીક જોગવાઈઓમાં સુધારા કરવાનો એક હિમત ભર્યો પ્રયત્ન કર્યો છે .રીપબ્લીકન પક્ષ અને ગન લોબી એમના આ સુધારાઓ પર હાલ માછલાં ધોઈ રહ્યો છે.ઓબામાને કોર્ટમાં સામનો કરવાનો પણ આવે એવી વાતો થઇ રહી છે.
આ પ્રવચનમાં એમણે દેશની હાલની ગનથી થતી દુર્દશા બતાવી છે. આ પ્રવચનમાં જ તેઓ ૨૦ વિદ્યાર્થીઓના ગનથી થયેલ મોતને યાદ કરીને રડી પડ્યા હતા.
અમેરિકામાં હાલ નવેમ્બરમાં આવી રહેલ પ્રમુખ પદ માટેનો પુરજોશમાં ચુંટણી જંગ ખેલાઈ રહ્યો છે, એમાં ગન કન્ટ્રોલ એક અગત્યનો મુદ્દો બનવાનો જ છે. રીપબ્લીકનો ગનના હાલના કાયદામાં કોઈ ફેરફાર કરવાની બિલકુલ વિરુદ્ધ છે જ્યારે ઓબામાનો ડેમોક્રેટ પક્ષ ગન કન્ટ્રોલ કરવા માટે જરૂરી ફરફારો થવા જોઈએ એમ માને છે. જોઈએ છેવટે શું થશે એ તો પાઘડીનો વળ છેડે આવે ત્યારે જ ખબર પડશે .
An emotional President Barack Obama pauses to wipe away tears as he recalled the 20 first-graders killed in 2012 at Sandy Hook Elementary School, while speaking in the East Room of the White House in Washington, Tuesday, Jan. 5, 2016, about steps his administration is taking to reduce gun violence. (AP Photo/Jacquelyn Martin)
દર વર્ષની જેમ સન ૨૦૧૫ નું વર્ષ પણ એમાં બનેલા દેશ-વિદેશના અનેક ગમતા અણગમતા બનાવોની યાદો પાછળ છોડીને પુરું થવા આવ્યું .
હવે આવી પહોંચ્યા ૨૦૧૫ના વર્ષના અંતે ક્રિસમસની ઉજવણી કરીને નવા વર્ષ ૨૦૧૬ નું નવી આશાઓ અને નવા ઉમંગો સાથે એનું સ્વાગત કરવા માટે.
હિન્દુઓ જેવી રીતે કૃષ્ણ જન્મને જન્માષ્ટમી ,રામના જન્મને રામ નવમી દ્વારા ઉજવીને આ આરાધ્ય દેવો પ્રત્યે એમનો ભક્તિ ભાવ વ્યક્ત કરે છે એવી જ ભાવનાથી વિશ્વમાં ખ્રિસ્તીઓ ભગવાન ઈશુના (ક્રાઈસ્ટના)જન્મદિન ૨૫મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવે છે.
અમેરિકામાં લોકો ક્રિસમસ કેવી રીતે ઉજવે છે એ વિશે હાસ્ય–લેખક શ્રી. હરનીશ જાનીનો એક સુંદર માહિતીપૂર્ણ લેખ“મેરી ક્રીસમસ અમેરીકા’ ,સુરતના દૈનિક ‘ગુજરાતમીત્ર’ ની બુધવારીય પુર્તી ‘દર્પણ’ ની કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં પ્રકાશિત થયો છે એને લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત કર્યો છે .
ચાલો, ઉત્સાહ અને ઉલ્લાસથી ક્રિસમસની ઉજવણીમાં આપણે પણ જોડાઈ હળવા બનીએ અને નવી આશાઓ અને નવા સંકલ્પોની ભાવના સાથે નવા વર્ષ ૨૦૧૬ નું સ્વાગત કરીએ .
૨૦૧૬ ના નવા વર્ષનું સ્વાગત
પસાર થઇ ગયું એક ઓર ૨૦૧૫નું વરસ ગમતી, અણગમતી યાદોને પાછળ મૂકી આવ્યા એક નવા વર્ષ ૨૦૧૬ના પગથાર.
નવા વરસે નવલા બનીને નવેસરથી, નવી આશા-આકાંક્ષાઓનો દીપ જલાવી ૨૦૧૬ ના નુતન વર્ષનું સ્વાગત કરીએ.
હળીમળી દિલથી કરીએ સૌ પ્રાર્થના કે- ગત વર્ષો કરતાં આવતું ૨૦૧૬ નું વર્ષ સૌને માટે સુખ શાંતિ અને આરોગ્યભર્યું સર્વ રીતે સર્વોત્તમ વર્ષ,બનાવજે હે પ્રભુ .
નવા વર્ષ માટેનો અપનાવવા જેવો અંગ્રેજીમાં એક સંદેશ
ક્રિસમસ ટ્રી ના આકારમાં
વર્ષના આ સુંદરત્તમ સમય ક્રિસમસ પ્રસંગે વિનોદ વિહાર સૌ સ્નેહીજનો/વાચક મિત્રોને ઉલ્લાસમય અને આનંદમય ક્રિસમસ માટે અને સુખદ નવા વર્ષ ૨૦૧૬ માટેની અનેક હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે .
‘ગુજરાતમીત્ર’ દૈનીકની બુધવારીય પુર્તી ‘દર્પણ’માં પ્રકાશીત થતી અમેરીકાના હાસ્ય–લેખક શ્રી. હરનીશ જાનીની કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’નો આજનો લેખ વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને ગુજરાત મિત્ર પહોંચી જાઓ.
વાચકોનો આભાર
વિનોદ વિહારની શરૂઆત ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૧ થી થઇ ત્યારથી શરુ કરી ડીસેમ્બર ૨૦૧૫ ના આજ દિન સુધી મુલાકાતીઓની કુલ સંખ્યાનો આંકડો 247,212 સુધી પહોંચ્યો છે .બ્લોગને નિયમિત રીતે ફોલો કરતા માનવંતા સભ્યોની સંખ્યા પણ 302 સુધી પહોંચી ગઈ છે.
મારા બ્લોગીંગ કાર્ય માટે મને પ્રોત્સાહિત કરે એવો પ્રતિસાત અને આવકાર આપવા બદલ હું સૌ સુજ્ઞ વાચક મિત્રોનો હું અત્યંત આભારી છું..
નવા વર્ષ ૨૦૧૬ માં પણ વાચક મિત્રો આવો જ સુંદર પ્રતિસાત અને પ્રેમભાવ બતાવી મને આનાથી વધુ પ્રગતી કરવા માટે પ્રોત્સાહિત કરતા રહેશે એવી આશા રાખું છું .
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ન્યુ જર્સી નિવાસી મિત્ર શ્રી હરનીશ જાનીનુંનામ ખુબ જાણીતું છે. શ્રી દાવડાજી એ એમની પ્રસિદ્ધ પરિચય શ્રેણી “મળવા જેવા જેવા માણસ ” માં શ્રી હરનીશભાઈનો પરિચય કરાવતો લેખ એમના ઈ-મેલમાં મોકલ્યો છે એને આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
શ્રી દાવડાજીએ એમના ઈ-મેલમાં સાચું કહ્યું છે કે “હરનીશભાઈનો પરિચય કરાવવો એટલે સૂરજને અરિસો દેખાડવા જેવું છે. તમે જો હાથમાં પાણી લઈને ન હસવાનો સંકલ્પ કરો અને પછી હરનીશભાઈના લેખ વાંચો તો તમારો સંકલ્પ તુટી જશે. “
આ બધા હાસ્ય લેખોથી વાચકોને હરનીશભાઈનો અને એમના હાસ્ય સાહિત્યનો પરિચય છે જ . એમ છતાં શ્રી પી.કે.દાવડા લિખિત એમનો પરિચય લેખ આજે પોસ્ટ કરી એ પરિચય ફરી તાજો કરાવવાની ખુશી છે.
વિનોદ પટેલ
મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની
પરિચય….શ્રી. પી.કે.દાવડા
હરનિશભાઈનો જન્મ ૧૯૪૧માં વડોદરા જીલ્લાના છોટાદેપુરમાં થયેલો. એમના દાદા વિશ્વનાથ જાની રાજપીપલાના રાજાના મંત્રી હતા અને એ હેસિયતે એમની પાસે સેંકડો એકર જમીન હતી. કુટુંબની જાહોજલાલી અનુસાર બાર ઓરડા વાળું ત્રણ માળનું ઘર અને ઘોડાઓવાળી બગી વગેરે પણ હતા એટલું જ નહિં ગામની બસ સર્વીસ પણ એમના નામે હતી. હરનિશભાઈના પિતા સુધનલાલ રાજપીપલાની ક્રીકેટ અને હોકી ટીમોમાં સામીલ હતા. આઝાદી પછી જમીનના કાયદા-કાનૂનમાં ફેરફાર થવાથી મોટાભાગની જમીન હાથથી જતી રહી, છતાં પણ સારી એવી જમીન એમના હાથમાં રહી અને એ જમીનમાં હરનિશભાઈના પિતા ખેતીનું કામકાજ સંભાળતા. હરનિશભાઈના માતા સુશીલાબહેન અતિશય ધાર્મિક મનોવૃતિવાળા ગૃહીણી હતાં .
હરનિશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ રાજપીપલામાં જ થયેલું. નાનપણમાં રાજપીપલાના ડુંગરોમાં રખડવાનું અને ત્યાંની કરજણ નદીમાં ભુસ્કા મારવાનું એમને બહુ ગમતું. ચોથા ધોરણમાં એમના શિક્ષક શિરવી સાહેબે એમના જીવનના ઘડતરને એક દિશા આપી. હરનિશભાઈ કહે છે, “મારી હાઈસ્કુલનો ૧૯૫૧થી ૧૯૫૮ સુધીનો સમય મારો સુવર્ણ સમય હતો. રાજપીપલા હાઈસ્કુલના ભવ્ય મકાનમાં ભણવા મળ્યું, જ્યાં મારા બાપા– કાકા પણ ભણ્યા હતા. નવમા ધોરણથી જ ફોરેન જવાનો નાદ મનમાં ભરાયો. અને ઈંગ્લિશ બોલવા લખવાની ગુજરાતી સ્કુલમાં જ તૈયારી કરવા લાગ્યો.. ચાર પાંચ યુરોપીયન પેન ફ્રેંડઝ પણ બનાવ્યા.”
૧૯૫૮ માં ફર્સ્ટ કલાસમાં S.S.C. ની પરીક્ષા પાસ કરી વડોદરાની M.S.University માં દાખલ થયા. ત્યાં એક વર્ષ અભ્યાસ કરી, બીજા વર્ષથી ભરૂચની સાયન્સ કોલેજમા એડમીશન લીધું. અહીં ઈન્ટર સાયન્સમાં એંજીનીયરીંગ કોલેજમાં દાખલ થવા જેટલા માર્કસ ન મળતાં એમણે B.Sc. નો અભ્યાસ કરવાનો નિર્ણય લીધૉ, પણ તે ભરૂચમાં રહીને નહિં; કારણ કે ભરૂચમાં માત્ર બે સિનેમા ઘર હતા. એમની પસંદગી દસ ટોકીઝ વાળા સુરત ઉપર ઉતરી. વળી સુરતથી મુંબઈ નજીક હતું, એટલે શનિ-રવીમાં મુંબઈ રખડવા જઈ શકાય. ૧૯૬૨ માં B.Sc. ની પરીક્ષા પાસ કરી યુ. કે. ની બેડફોર્ડ યુનિવર્સીટીમાં એડમીશન લીધું, પણ પૂરતું ફોરેન એક્ષચેંજ ન મળવાથી આખરે એમણે વડોદરાની એંજીનીયરીંગ કોલેજ માં D.T.C. (Diploma in Textile Chemistry) નો અભ્યાસ કર્યો. કરજણ નદીથી એમને લાગેલો તરવાનો શોખ અહીં વડોદરા યુનિવર્સીટીમા એમનો ઉપયોગી થયો. અહીં હરનિશભાઈ યુનિવર્સીટીની તરાકુ ટીમના સભ્ય હતા.
અભ્યાસ પૂરો કરી હરનિશભાઈએ વલસાડના અતુલ પ્રોડક્ટસમાં કલર કેમિસ્ટ તરીકે જોડાયા. નોકરી દરમ્યાન પણ એમણે અમેરિકાની કોલેજોમાં એડમીશન માટે એપ્લીકેશન્સ કરવાનું ચાલુ રાખ્યું. ૧૯૬૭ માં એમના હંસાબેન વ્યાસ સાથે લગ્ન થયા. હંસાબહેને ફર્સ્ટ કલાસમાં M.A. ની ડીગ્રી મેળવી હતી અને એ નવ ગુજરાત કોલેજમાં લેકચરર હતા. લગ્ન બાદ હરનિશભાઈએ નોકરી બદલી અને તેઓ અંબિકા મિલમાં જોડાયા.
૧૯૬૯ માં એક મિત્રની મદદથી એમણે વર્જિનિયાની એક કોલેજમાં એડમીશન મળ્યું. એક વર્ષનો કોર્સ કરી, હરનિશભાઈ ૧૯૭૦ માં ન્યુયોર્કના એક ટેક્ષટાઈલ પ્લાંટમા કલર સુપરવાઈઝર બન્યા. ફરી પાછું N.J.I.T. માં પ્લાસ્ટિક ટેકનોલોજીનો કોર્ષ કરી વિલ્સન ફાયબરફીલ માં રીસર્ચ કેમિસ્ટની નોકરી લીધી. ત્યારબાદ અનેક કંપનીઓમાં નોકરી બદલી આખરે જર્મન કલર કંપનીમાં ટેકનિકલ ડાયરેક્ટરના પદે પહોંયા. એમની આ પ્રોફેશનલ જીવન યાત્રા દરમ્યાન એમને ઘણાં એવોર્ડસ મળ્યા જેમાં વાયર એન્ડ કેબલ એસોશિએશનન એવોર્ડસ મહત્વના છે. ૧૯૯૦ માં ટાટા-વોલ્ટાસના ગેસ્ટ તરીકે ભારતના અનેક શહેરોમાં દોઢ મહિનાની એમની લેકચર ટૂર એમની સર્વોચ્ચ પ્રોફેશનલ કામગીરી હતી.
એમના સંતાનોમાં બે દિકરીઓ, આશિની અને શિવાની, અને એક દીકરો સંદિપ છે. આશિની કોમપ્યુટર સાયન્ટીસ છે અને સરસ કવિતાઓ લખે છે જે ઘણાં સામયિકોમાં છપાય છે. શિવાની ન્યુયોર્કની એક કોસ્મેટિક કંપનીમાં માર્કેટીંગ ડાયરેકટર છે, અને તે પણ લખે છે. દીકરો સંદીપ ડોકટરેટ માટે વિદ્યાર્થી છે.
અમેરિકા આવ્યા પછી હરનિશભાઈનું ગુજરતીમાં લખવા વાંચવાનું છૂટી ગયેલું. ભારત સાથે સંપર્ક પણ બહુ ઓછો હતો. અંગ્રેજી પુસ્તકો વાંચવાનું અને અંગ્રેજી પ્લે જોવાનું બનતું. અગાઉ ભારતમાં હતા ત્યારે ૧૯૬૦ માં એમની એક વાર્તા ચાંદની સામયિકમાં છપાઈ હતી અને ૧૯૬૫ માં ચિત્રલેખાની વાર્તા હરિફાઈમાં એમને પાંચમું ઈનામ મળેલું. છેક ૧૯૯૧માં આદિલ મન્સુરી, રોહિત પંડ્યા અને ડો. આર. પી. શાહ જેવા સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા અને ત્યારથી ફરી લખવાનું શરૂ થયું. ૧૯૯૧ થી ૧૯૯૪ સુધી ટી.વી. માં અર્ધા કલાકના ગુજરાતી કાર્યક્રમનું સંચાલન કર્યું, જેમા રાઈટર, ડાયરેકટર અને પ્રોડ્યુસર હરનિશભાઈ જ હતા. ૧૯૯૧ થી લાગલગાટ ૧૨ વર્ષ સુધી અલગ અલગ સ્થળૉએ ૫૦ જેટલા હાસ્ય કાર્યક્રમો આયોજ્યા.
એમનો પહેલો વાર્તા સંગ્રહ “સુધન” (સુધન એમના પિતાજી નામ હતું) છપાયો અને એ વાંચી રધુવીર ચૌધરીએ એમને હાસ્યલેખકનું બીરૂદ આપ્યું. સુધન પુસ્તકને સાહિત્ય એકેડેમીનું બીજું ઈનામ મળ્યું. ત્યારબાદ એમના બા ના નામ ઉપરથી “સુશીલા” નામે નિબંધ સંગ્રહ બહાર પાડ્યું, જેને સાહિત્ય એકેડેમીનું શ્રેષ્ઠ હાસ્ય પુસ્તકનું પ્રથમ ઈનામ અને સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષીક મળ્યા. હાલમાં જ ગાર્ડી ઈન્સટીટ્યુટે “હરનિશ જાનીનું હાસ્ય વિશ્વ” નામનો એમના ચૂંટેલા લેખોનો સંગ્રહ બહાર પાડ્યો છે.
હાલમાં સુરતના વર્તમાન પત્રમાં નિયમિત એમની કોલમ પ્રસિધ્ધ થાય છે.
હરનિશભાઈ કહે છે, “ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણદિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવીપડી!અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથીમાણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”
હરનિશભાઈની ખરી ઓળખાણ મેળવવી હોય તો તમારે એમના લખાણ વાંચવા પડશે .
-પી. કે. દાવડા
==========================================
યુ-ટ્યુબ પર હરનીશભાઈના ઘણા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે એમાંથી બે પસંદ કરીને નીચે પ્રસ્તુત કરું છું.
પ્રથમ વિડીયોમાં GLA of NA ના June 2010 માં યોજાએલ “સર્જકો સાથે સાંજ “ના કાર્યક્રમમાં એમનો એક હાસ્ય લેખ રજુ કરતા હરનીશભાઈ ને તમે જોઈ/સાંભળી શકશો.
Harnishbhai Jani @ GLA of NA, Dec. 05, 2010
શ્રી હરનીશભાઈનાં ધર્મપત્ની શ્રીમતી હંસાબેન પણ લેખિકા છે. આ વિડીયોમાં આ જ પ્રોગ્રામમાં તેઓ એમનો એક સુંદર નિબંધ રજુ કરી રહ્યાં છે.
થોડા દિવસો પહેલાં એક મિત્રએ મને ખબર આપ્યા કે શ્રી હરનીશભાઈની તબિયત એકાએક બગડતાં એમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .
મારા ફેસબુક મિત્ર, હરનીશભાઈના ખાસ નજીકના મિત્ર અને જાણીતા કાર્ટુનિષ્ટ શ્રી મહેન્દ્રભાઈ શાહે તો શ્રી હરનીશભાઈનું એમની માંદગીના સમાચાર આપતું એક ચિત્ર એમના ફેસબુક પેજ ઉપર મુક્યું હતું જે મારી સાથે પણ એમણે શેર કર્યું હતું .શ્રી મહેન્દ્રભાઈના આભાર સાથે નીચે પ્રસ્તુત છે એ ચિત્ર.
(ચિત્રને મોટી સાઈઝમાં જોવા એના ઉપર ક્લિક કરો ).
ચિત્રમાં શ્રીમતી હંસાબેન હરનીશભાઈને કહે છે :”તમારા લિટરરી ફ્રેન્ડઝ ખબર કાઢવા આવે છે .. જરા સીરીયસ રહેજો .પાછા જોક મારવા ના બેસી જતા !”
મારા જેવા હરનીશભાઈના અનેક પ્રસંશકો માટે એ આનંદના સમાચાર છે કે હરનીશભાઈ હવે હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ન્યુ જર્સીના એમના નિવાસ સ્થાને આવી ગયા છે.
શ્રી હરનીશભાઈ સાથે મારે ગઈકાલે સોમવારે ફોન ઉપર વાત થઇ હતી.એમની સાથેની વાત ઉપર એ જાણીને ખુશી થઇ કે હોસ્પિટલમાંથી ઘેર આવ્યા પછી હવે એમની તબિયત સુધારા ઉપર છે અને તેઓ હવે પૂર્વવત સ્વસ્થ થતા જાય છે .
મને એ નવાઈ લાગી કે ફોનમાં તેઓએ ગુજરાત મિત્રમાં નિયમિત પ્રગટ થતા એમના લેખોની વાત કરી અને છેલ્લે મારા બ્લોગમાં પ્રગટ લેખો ઈ-મેલથી એમને વાંચવા માટે મોકલવા મને જણાવ્યું જે મેં એમને મોકલી આપ્યા . આ ઈ-મેલમાં મેં શુભેચ્છાઓ પાઠવવાની સાથે એમને હમણાં પૂરો આરામ કરવા માટે મિત્ર ભાવે નમ્ર સૂચન કર્યું .
હોસ્પિટલનો આ અનુભવ એ શ્રી હરનીશભાઈ માટે માટે કોઈ નવાઈની વાત નથી.અગાઉ એમના હાસ્ય લેખોમાં એમણે જણાવ્યું છે એમ હરનીશભાઈ દિલના-હૃદયના દરદી છે. આ અગાઉ એમને પાંચ વાર એન્જીયોપ્લાસ્ટી અને એક વાર બાય પાસ સર્જરી કરાવવી પડી છે.તેઓ ડાયાબીટીસના પણ દર્દી છે. એમને એક વાર હાર્ટ એટેક પણ આવી ગયો છે.આમ એમના જીવનમાં એમને હોસ્પીટલના ઘણા ફેરા થયા છે.
સૌના માટે એમનામાંથી પ્રેરણા લેવા જેવી વાત એ છે કે શરીરમાં અનેક વ્યાધિઓ વચ્ચે પણ તેઓ જીવનમાંથી હાસ્ય શોધીને એમના લેખો મારફતે દુખોને હસી નાખે છે એટલું જ નહી એના ઉપર હાસ્ય લેખ લખી દુખ હળવું કરી બધાંને હસાવે છે .
અગાઉના એમના હોસ્પિટલના અનુભવો ઉપર આધારિત એમણે જે બે હાસ્ય લેખો લખેલા –(૧ )દિલ હૈ કી માનતા નહિ અને (૨ )એક દિલ સો અફસાને -એ બન્ને લેખો આજની પોસ્ટમાં નીચેની પિ.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને માણો.
આ બે લેખોની ફાઈલો મને મોકલવા બદલ મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો હું આભારી છું.
આ લેખો વાંચ્યા પછી તમને પ્રતીતિ થશે કે દિલ-હૃદય-ના દર્દને ગણકાર્યા વિના એમણે એમના દિલની વાતો દિલથી લખી વાચકોના દિલોને કેવું બહેલાવ્યું છે !દુઃખ દર્દમાંથી હાસ્ય નિપજાવવાની કળાના તેઓ માહિર છે.
હરનીશભાઈની માંદગીના સમયે એમનો લેખ –દિલ હૈ કી માનતા નહિ–સુરતના પ્રસિદ્ધ અખબાર ગુજરાત મિત્રની એમની લોકપ્રિય કોલમ” ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની “માંએપ્રિલ ૧૫, ના અંકમાં આ અખબારમાં પ્રગટ થયો છેએ કેટલું સૂચક છે !
હરનીશભાઈની હાલની માંદગી અને હોસ્પીટલના અનુભવ ઉપર તેઓ એક નવો હાસ્ય લેખ લખી પ્રસિદ્ધ કરે તો નવાઈ નહિ !
ગુજરાત મિત્રના માર્ચ ૨૫, ૨૦૧૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલો હરનીશભાઈનો એક બીજો ગમતીલો લેખ ” દુનિયા રંગ રંગીલી -અમેરિકા “ પણ સાથે સાથે નીચે ક્લિક કરીને આસ્વાદો.
શ્રી હરનીશભાઈ અને શ્રીમતી હંસાબેનને પ્રભુ તંદુરસ્તી ભર્યું દીર્ઘાયુ બક્ષે અને સૌના પ્રિય હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ પૂર્વવત અહર્નિશ હાસ્ય રેલાવતા રહે એવી પ્રભુ પ્રત્યે હાર્દિક પ્રાર્થના છે.
આ અગાઉની પોસ્ટ નમ્બર ૬૭૩ માં પોસ્ટ થયેલ અમેરિકા વિશેના લેખોતમે વાંચ્યા હશે . એના અનુસંધાનમાં આજની પોસ્ટમાં ગુજરાત મિત્રમાં શ્રી હરનીશ જાનીની લોકપ્રિય ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ કોલમમાં પ્રકાશિત એમના બીજા લેખો આપના આસ્વાદ માટે આજે પ્રસ્તુત કર્યા છે.
સૌ પથમ લેખ ” ચોર પોલીસ અમેરિકન સ્ટાઈલ ” માં હરનીશભાઈએ અમેરિકાની પોલીસ વ્યવસ્થા ઉપર સરસ પ્રકાશ પાડયો છે.
આ લેખના સંદર્ભમાં વિનોદ વિહારની પોસ્ટ નમ્બર ૬૫૭માં બિચારા સુરેશભાઈ ભારતથી એમના પુત્ર પરિવારને મળવા થોડા સમય માટે અમેરિકા આવ્યા અને અમેરિકન પોલીસના અમાનવીય વર્તનથી જીવનભર માટે અપાહિજ બની ગયા એનો એમને થયેલ એક કડવો અનુભવ વિડીયો સાથે રજુ કર્યો છે એ વાંચ્યો ના હોય તો જરૂર વાંચશો.
હવે નીચે વાચો શ્રી હરનીશ જાનીનો અભ્યાસ પૂર્ણ લેખ એમની પોતાની સ્ટાઈલમાં …..
વાચકોના પ્રતિભાવ