વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: હિમતલાલ જોશી -આતા

1299 -આતાની ૯૮ મી વર્ષગાંઠ / સ્મરણાંજલિ

જિંદગીની ક્રિકેટ મેચમાં ૯૬ વર્ષની શાનદાર પાળી રમીને જાન્યુઆરી ૨૦૧૭ માં વિદાય થયેલા અને મિત્રોમાં આતાજીથી જાણીતા (મૂળ નામ-હિમતલાલ જોશી ) ની અમેરિકાના ઇન્કમટેક્ષ ડે ,૧૫ મી એપ્રિલના દિવસે ૯૮ મી વર્ષ ગાંઠ હતી.

આ દિવસે ગુજરાતી નેટ જગતના એમના અનેક મિત્રોએ આતાજીને ઈ-મેલમાં એમને યાદ કરીને એમના પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરી એમને મરણોત્તર ભાવાંજલિ આપી છે. આ બધા ઈ-મેલ આતાજીના બ્લોગ ”આતાવાણી” માં એમના ત્રીજા દીકરા જેવા સુરેશ જાની ( સુજા) એ સંપાદિત કરીને મૃતપ્રાય બ્લોગને સજીવન કરવા બદલ એમને ધન્યવાદ ઘટે છે.

આતાવાણી એટલે આતાના આત્માની વાણી . આ બ્લોગમાં એમના લખેલા બધા લેખોમાં આતાનો પરિચય મળે છે.બ્લોગના મથાળેના એક પેજ ”અતાઈ કથા ” જરૂર વાંચો જેમાં એમના શબ્દોમાં એમનો રસસ્પદ પરિચય છે.

આતાજીની ચાર પેઢી, એક સાથે – એક યાદગાર તસ્વીર

આતાજીના ૯૬ મા જન્મ દિવસે આતાજીએ એમના બ્લોગ ”આતાવાણી” માં મુકેલ  પોસ્ટ ”મારો બર્થ ડે ”  ,પણ વાંચો,જેમાં આતાજીના ”એવર ગ્રીન સ્પીરીટ” નો તમને પરિચય મળશે.

મારા મિત્ર સ્વ. આતાજીના ૯૮ મા જન્મ દિવસે એમને મારી ભાવભરી સ્મરણાંજલિ .

વિનોદ પટેલ 

આતાવાણી

       ૧૯૨૧ની સાલમાં જન્મેલા આતાની ‘જન્મતારીખ આજે છે.’ –  એવો સંદેશ ગૂગલ મહારાજે ૧૫મી એપ્રિલે મોકલ્યો. એમની સાથેના સ્નેહ ભર્યા સંબંધની જૂની યાદો તાજી થઈ ગઈ – આતા યાદ આવી ગયા. એ બેભાનાવસ્થામાં  જન્મદિનની વધામણી પાઠવતો ઈમેલ બનાવવા માઉસ પર આંગળી મૂકી, ન મૂકી અને તરત ભાન પાછું આવ્યું કે, સ્વર્ગમાં થોડો જ ઈમેલ પહોંચવાનો?

      પછી આ અદકપાંસળી જીવને સૂઝ્યું કે, આમેય બધા ઈમેલો, ફોન સંદેશ, ફેબુ/ વોએ/ લિન્ક્ડ ઈન/ ઇન્સ્ટાગ્રામ/ ટ્વિટર ટ્રાફિક અને આતાના માનીતા બલોગડા આતાની હારે વાદળોમાં જ ને?! તો શીદને મિત્રોની સલાહ ના લઉં  કે, આવું કાંઈ થાય?! 

      અને એક ઈમેલ એમના મિત્રોને ઠપકારી દીધો –

હરગમાં ઈમેલ જાય?!

         અને બાપુ ! જો જામી છે રંગત….

      મિત્રોના ઢગલે ઢગલા પ્રેમ પુષ્પો  બે દિવસ ઠલવાતા જ રહ્યા…ઠલવાતા જ રહ્યા… એ સઘળાંનું સંકલન કરી, આતાને આ પ્રેમસભર શ્રદ્ધાંજલિ ફરી એક વખત….


પી.કે.દાવડા 

આતા…

View original post 1,965 more words

( 1005 ) यह भानुका/ की हिम्मत – ‘आता’…. સંકલન – શ્રીમતિ પૂર્વી મલકાન

aataa-face-anjli-3

આતાજીનાં સ્વર્ગસ્થ ધર્મપત્ની ભાનુમતીબેન વિશેના આતાજી ના લેખોમાંથી તારવીને લેખિકા શ્રીમતિ પૂર્વી મલકાનએ લખેલ એક સુંદર અને મુલ્યવાન લેખ આતાવાણી બ્લોગમાં પ્રસિદ્ધ થયેલ છે.

આ લેખમાં આતાજીએ ધર્મપત્ની સ્વ.ભાનુમતીબેન સાથેનાં સ્મરણો એમની જાણીતી શૈલીમાં આલેખ્યાં  છે અને એ રીતે એમનાં સ્વર્ગસ્થ પત્નીને હૃદયથી અંજલિ આપી છે.

ધર્મપત્નીના અવસાન પછી એકલતા અનુભવતા આતાજીના મનની વ્યથાનો  અંદાજ  એમણે રચેલ નીચેની  પંક્તિઓ માંથી  આવે છે.

“ સિત્તેર વરસનો સાથ  ભવમાં ય  ભુલાશે નઈ
સાચો હતો સંઘાથ  ઈ હવે માણેક વેર્યે નઈ  મળે.”

भानु भानु पुकारू में  मनसे पर,
भानु आ नहीं सकती  जन्नतसे
भानु के वियोगमे जुरता रहेता

यह भानु का  हिम्मत – ‘आता’

આ લેખ આતાજીની સ્મૃતિમાં એમને ભાવાંજલિ રૂપે અહીં વિનોદ વિહારની આજની  પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.

-વિ.પ.

કેશોદ જિલ્લો, જુનાગઢ .

આજે બીજી ઓગસ્ટના દિવસે મારી પ્રેમાળ પત્ની ભાનુમતી સ્વર્ગે સિધાવી. તેના મધુરાં રમુજી સ્મરણો હું યાદ કરું છું અને આપને વાંચવા આપું છું .

એક દિવસ મારા કાકા અમારા એક જ્ઞાતિ બંધુને ઘરે રાત રોકાયા, તે દરમ્યાનમાં તેની કામઢી અને પ્રેમાળ દીકરી ભાનુમતીને જોઈ મારા કાકાને વિચાર આવ્યો કે આ છોકરીનું મારા ભત્રીજા હેમત (તમારો આતો ) સાથે સગપણ થાય તો મારા ભાભી (મારી મા) રાજીની રેડ થઇ જશે ને મનેય ખુબ યશ મળશે. આમ વિચારી મારા કાકાએ ઘરધણી જાદવજી પુરુષોત્તમભાઈ વ્યાસને વાત કરી કે જો આ છોકરીનો વેવિશાળ કરવું હોય તો આપને અનુરૂપ મારો એક ભત્રીજો યોગ્ય છે. મારા કાકાની વાત સાંભળીને જાદવજીભાઈ વ્યાસે કહ્યું કે હું આપને વિચારીને કહીશ.

મારા ગામ દેશીંગામાં રહેતા સુથાર લાલજી લખમણનું સાસરું કેશોદમાં હતું. આ લાલજીભાઈની વાત મેં આતાવાણીમાં “ગોમતી માનો લાલો ગાંડો થયો“ એ શીર્ષક નીચે લખી છે. લાલાભાઈના સસરાને અને આ જાદવજીભાઈ વ્યાસને બહુ ગાઢ સબંધ હતાં. એક વખત લાલાભાઈની સાસુ એક દિવસ ઓચિંતા મારા ઘરે દેશીંગા આવ્યાં ત્યારે સાથે સાથે મારી ભવિષ્યની ઘરવાળી અને તેની નાની બેન પણ આવ્યાં, કેમકે તેમણે ઘર અને વરનું નિરિક્ષણ કરવાનું હતું. આ વખતે હું ત્રણેક શેર જેટલું બકરીનું દૂધ લાવેલો તે ગડગડાટ પી ગયો. આ દૃશ્ય છોકરીઑ એ જોયું એ જોઈ એમને બહુ અચંબો થ્યો. પછી તો ધામેધૂમે મારા લગ્ન ભાનુમતી સાથે થયાં, ને તે સાથે હેમતભાઈ લાડીને લઈને ઘેર આવ્યાં. કેશોદમાં જન્મેલી છોકરી દેશીંગા ગાયો ભેંસો રાખતા સાસરીયામાં આવી. આવીને તેણે મારી મા પાસેથી ફટફટ કામ શીખવા માંડ્યુ. મારી મા એ સીમમાં પશુ માટે ઘાસ લેવા જવું પડે તેથી પશુઓ કેવું ઘાસ ખાઈ શકે એ ઓળખતા શીખવ્યું. ગાયો ભેંસોને દોહતા શીખવ્યું, ને મારા મિત્ર પરબતભાઈની વહુ રાણીબેને કાંપો વાળતાં શીખવ્યું. આમ ભાનુમતી અમારા ઘરની રીતે ઢળવા લાગ્યાં.

આ આખો રસસ્પદ લેખ આતાવાણી બ્લોગ ના હેડરના નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને વાંચો.

attawani-hedar

સ્વ.આતાજી ની એક હિન્દી રચના ..( એમના ફેસબુક પેજ પરથી )

जब रूह बदनसे निकले
या परवर दिगार जब मुझ पर नज़अका आलम हो.
मेरा रूह जिसमसे रिहा होनेकी तैयारी कर रहा हो.
तब इतना करम करना! क्या करना ?
इतना तो करना यारब जब रूह बदनसे निकले
आला ख़याल हो दिलमे जब रूह बदनसे निकले १
आसोंका महीना हो बरखाकी कमी ना हो
गैरोंकी ज़मी ना हो जब रूह बदनसे निकले २
भादरका किनारा हो समशान विराना हो
नरसिका तराना जब रूह बदनसे निकले ३
मेरी बीबी पासमे हो बच्चों भी साथमे हो
बिछाना घासमे हो जब रूह बदनसे निकले ४
केशंगका सरपे दस्त हो मेरा मन भजनमे मस्त हो
सब आस मेरी नस्त हो जब रूह बदनसे निकले ५
“आता ” कि है ये अर्ज़ी जो आपका है क़र्ज़ी
फिर आपकी जो मर्ज़ी जब रूह बदनसे निकले ६

બે બાળક !

atta-with-balak

 

( 1004 ) સાપ(નાગ)ના પણ મિત્ર આતા …( સ્વ. હિંમતલાલ જોશી સ્મૃતિ લેખ )

આ અગાઉની પોસ્ટ નંબર (1003 ) આતાજીએ અમદાવાદ માં એક મોર પાળ્યો હતો એના વિષે તમે વાંચ્યું હશે.આતાને નાગ-સાપ પણ બહુ ગમતા અને ઘડીના છઠ્ઠા ભાગમાં એને હાથમાં ચાલાકીથી પકડી લેતા હતા.

માણસ તો શું, ઝેરી સાપ પણ આતાના મિત્ર બની ગયા હતા!આતાના બહુરંગી વ્યક્તિત્વનું આ કેવું અજાયબ પાસું કહેવાય !

આતાના બ્લોગ આતાવાણીના શીર્ષક(હેડર) પર પણ તમને દાઢી વાળા આતાના ચિત્ર સાથે ફેણ ચડાવેલ નાગ-સાપનું ચિત્ર જોવા મળશે.

સ્વ.આતાને સર્પ બહુ પ્રિય હતા. એ ગમે તેવા નાગને પણ નાથી શકતા હતા. આતાવાણીની એક પોસ્ટમાં ૧૧-૨૩-૨૦૧૫ ના રોજ તેઓએ લખ્યું છે.

“હું ચાલ્યા જતા કોબ્રા (નાગ )ને મારા ખુલ્લા હાથે પકડી લઉં છું અને મારા ઘરની આજુ બાજુની કાંટાની વાડમાં મૂકી દઉં છું .મારા ઘરના ટેવાઈ ગયા હોય એટલે સાપ ઘરની આજુ બાજુ આંટા મારતા હોય .મન ફાવે તો ઘરની અંદર પણ આવી ગયા હોય. પણ અમારા ઘરનાઓને કોઈ આશ્ચર્ય થતું નહી કે ડર લાગતો નહી.”

આતાના બ્લોગમાં એમના પરિચયના પેજ અતાઈ કથા માં તેઓ લખે છે …

“અમદાવાદમાં હું એક એવો પોલીસ હતો કે D.S.P. સુધીના માણસો મને અંગત રીતે ઓળખે. એનું કારણ એ કે, હું કાળા નાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લા હાથથી પકડી લઉં છું. એક વખત હું મારા આવા સરપ પકડવાના ધંધાને લીધે છાપે ચડેલો છું . એની વાત તમારી જાણ ખાતર લખવાનું મન થાય છે. સુભાષ બ્રીજ બની રહ્યો હતો ત્યારે એનો ચીફ એન્જી. બી. કુમાર હતો. તે નવરંગપુરા દિલખુશ સોસાયટીમાં એની ઘરવાળી અને કાકા સાથે રહેતો હતો .એક વખત સિનેમા જોઈ ઘરે આવ્યા અને પથારી પાસે ગયા ત્યારે, ત્યાં ગુંચળું વાળીને બેઠેલા નાગ દેવતાએ ફૂફાડો મારીને એમને ડરાવ્યા. એટલે એ તો હડી કાઢીને બંગલાની બહાર નીકળી ગયા. આ વખતે લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયેલું, પણ મજાલ છે કે, કોઈ બંગલા નજીક જાય! પણ એક ભડનો દીકરો ભૈયો હતો તે દરવાજા પાસે હાથમાં લાકડી અને ટુવાલનો ડૂચો લઈને બેઠો હતો. મને બોલાવવામાં આવ્યો. હું ગયો એટલે ભૈયાએ મને ચેતવ્યો કે,

“साब! आप साथ कुछ नहीं लाए। यह साप बड़ा खतरनाक है।”

મે તો મારા હાથમાં લાકડી હતી એ પણ દુર મૂકી દીધી; અને પથારી પાસે ગયો. એટલે મને ડરાવવા નાગ દેવતાએ ફેણ માંડી, અને ફૂફાડો માર્યો. હું સૌને સંભળાવવા બોલ્યો –

” નાગબાપા! આ તમે જુઓ છો; એ માંયલો માણસ હું નથી.”

એમ બોલી ફેણ માથે હાથ મૂકી નીચે કરી દીધી. પછી એના ગુંચળા નીચે મારા બે હાથની હથેળીઓ ઘાલી નાગદેવતાને ઊંચા કરી મારા નાક સામે ફેણ મંડાવી અને પછી ચાદરમાં મૂકી દીધા.

કાકો બોલ્યો કે આને કૈક ઇનામ આપવું જોઈએ. બી.કુમારે મને વીસ રૂપિયા આપવાનું કર્યું. મેં તેમને કહ્યું કે મારાથી સીધું ઇનામ લેવાનો કાયદો નથી. તમે મને મારા ખાતા મારફત આપો.

પછી તો છાપાંવાળાઓને ઈન્સ્પેક્ટરે બોલાવ્યા. મારો ઈન્ટરવ્યુ લેવડાવ્યો; અને બાપુ! હું તો છાપે ચઢી ગયો. મુંબઈના ‘જન્મભૂમિ’ છાપામાં આ મારા સર્પ પકડવાની વિગત પણ છપાણી.”

atta-nag-bapa

જય નાગ બાપા નામની આતાવાણીની પોસ્ટમાં સ્વ.આતાજીએ લખ્યું છે …. 

“એક કિસ્સો સૌ ના માટે લખું છું :

atta-parrotહું ચાલ્યા જતા કોબ્રા (નાગ )ને મારા ખુલ્લા હાથે પકડી લઉં છું અને મારા ઘરની આજુ બાજુની કાંટાની વાડમાં મૂકી દઉં છું .મારા ઘરના ટેવાઈ ગયા હોય એટલે સાપ ઘરની આજુ બાજુ આંટા મારતા હોય. મન ફાવે તો ઘરની અંદર પણ આવી ગયા હોય. પણ અમારા ઘરનાઓને કોઈ આશ્ચર્ય થતું નહી કે ડર લાગતો નહી.

આ વાત અમે સરદાર નગર અમદાવાદમાં રહેતા હતા ત્યારની છે .દેવ આ વખતે હાઈસ્કુલ નો વિદ્યારથી હતો અને દિલ્હી દરવાજા બહાર એચ. બી. કાપડિયા હાઈસ્કુલમાં ભણવા જતો . અહીં  એક રામજી નામનો અસારવામાં રહેતો છોકરો દેવ સાથે ભણતો . અસારવામાં ઘોંઘાટ થતા રેહતા હોય . કોઈ શીંગ ચણાની લારી વાળો બુમો પાડતો હોય કૂતરાં ભસતાં હોય . જ્યારે અમે રહેતા તે શાંત વિસ્તાર ઘરની બાજુમાં મેં શેતુરનું ઝાડ વાવેલું અને ઘરની આજુ બાજુ કાંટાની વાડ કરેલી . એક દિવસ  દેવે રામજીને કીધું કે તું રજામાં મારે ઘરે આવતો હોય તો આપણે સાથે અભ્યાસ કરીએ . રામજી એકદી રજામાં સવારે ઘરે આવ્યો . સાથે લંચ પણ લઇ આવ્યો. મારી વાઈફ ભાનુમતિએ રામજીને કીધું :” હવેથી ખાવાનું ન લઇ આવતો દેવ સાથે તું પણ જમી લેજે .”

એક દિ દેવ અને રામજી શેતુરના ઝાડ નીચે ખાટલા ઉપર બેસીને વાંચી રહ્યા હતા. એટલામાં વાડમાંથી અવાજ આવ્યો. રામજી માટે આ અવાજ નવીન હતો. એણે દેવને પૂછ્યું :” દેવ આ શેનો અવાજ છે ?” દેવ ખાટ્લા ઉપરથી નીચે ઉતર્યો અને વાડમાં જોયું અને રામજીને બહુ સહજતાથી કીધું ” ઈતો કોબ્રા દેડકાને ગળી રહ્યો છે . દેડકું મોતની ચીસો પાડે છે”

સાંભળીને રામજી એકદમ ભાગ્યો . ઈ પગરખાં પહેરવા પણ નો રોકાણો. ઈ ભાગ્યો ઈ ભાગ્યો. એક વખત દેખાણો પછી પાછો આવ્યો નથી .

આવે નાગ પાંચમ નાગ દેવ પૂજે
ગારાના નાગલા બનાવેજી
સાચુકલો નાગ દેવ નીકળે ઘરમાં તો
“આતા બાપુને ” તેડાવજોજી

નાગ બાપા સૌનું ભલુ કરજો .

 સર્પ શો….સ્લાઈડ શો 

આતાવાણીના સહ તંત્રી શ્રી સુરેશભાઈ જાનીએ, આતાજીને સાપ પ્રિય હોઈ એમની ખુશી માટે ત્રિસેક જેટલા સાપનાં નામ,રહેઠાણ અને ઝેરી / બિન ઝેરી માહિતી વી.શ્રી અશોક મોઢવાડિયા પાસેથી મેળવી એનો સરસ સ્લાઈડ શો એમને બનાવી આપ્યો હતો.

 નીચેની લીંક પર ક્લિક કરીને જોઈ શકાશે.

સર્પ શો,,,સ્લાઈડ શો ….સાભાર …શ્રી સુરેશ જાની /શ્રી અશોક મોઢવાડિયા 

(1003 ) અમદાવાદમાં આતાજી એ મોરલો પાળ્યો …!!!

(તારીખ ૧૫ મી જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ ૯૬ વર્ષીય આતાજી( હિમતલાલ જોશી ) ની ચિર વિદાયના દુખદ પ્રસંગની શ્રધાંજલિની આ પોસ્ટ   પછીની આ પોસ્ટમાં આતા જ્યારે અમદાવાદમાં પોલીસ ખાતામાં એમના કુટુંબ સાથે સરદારનગરમાં રહેતા હતા એ વખતનો એક પ્રસંગ એમના જ શબ્દોમાં એમના ફેસબુક પેજ પરથી મુક્યો છે.)
morlo

સરદારનગર (અમદાવાદ ) પોલીસ લાઈનમાં મોરલો પાળ્યો 

atta-bhanu-2

(એમનાં ધર્મપત્ની સ્વ.ભાનુમતીબેન સાથેનો સ્વ.આતાનો  એમની  હમેશાંની દાઢી વગરનો જુનો ફોટો !)

મારી બદલી માધુપુરા પોલીસ સ્ટેશનમાંથી સરદારનગર (અમદાવાદ ) પોલીસ સ્ટેશનમાં થઇ.

સરદારનગર ભાગલા વખતે સિંધમાંથી આવતા શરણાર્થીઓ માટે નવું વસાવેલું છે.એ હાંસોલ ગામના ખેડૂતોના ખેતરો અને આંબાવાડિયું બીજા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટીશરોએ ખરીદેલ છે. અહીં બાવળ,બોરડીનાં ઝાળાં ઘણાં અને મચ્છરોનો પણ ત્રાસ. આ એરપોર્ટ અને હાંસોલ ગામ વચ્ચેનો વિસ્તાર.

આ વખતે એરપોર્ટ ઇન્ટરનેશનલ નો’તું.અહી પોલીસની બદલી થાય તો બદલી રોકવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરે કેમકે અહીં પોલીસોને નોકરી કરવાનું ન ફાવે. પોલીસનો પણ ચા પી જાય એવા સિંધી લોકોની અહીં વસ્તી.
नाअहल है वो अहले पोलिसोकी नज़रमे खाना और खिलाना (ऑफिसरोको )जिसको नही आता

મારી બદલી અહી સજા તરીકે થએલી. એક રાજારામ નામના નિર્દોષ પોલીસને બચાવવા જતાં મને અહીં કાઢ્યો,પણ રાજારામ મારો ઉપકાર માને છે .રાજારામ મારી જેમ રીટાયર્ડ થઇ ગયા પછી મને મળેલો ત્યારે મને કહેતો હતો કે” આ હું જે પેન્શન મેળવું છું એ તમારા પ્રતાપે મેળવું છું .”

હું સરદારનગરમાં રહેવા આવ્યો એટલે મેં તુર્ત જ મચ્છરદાનીઓ અને એને બાંધવા માટે પાતળી વાંસની લાકડીયો ખરીદી લીધી અને આ મિલીટ્રીના જવાને તાત્કાલિક જંગલમાં મંગલ ખડું કરી દીધું .

હું સિંધમાં રહેલો એટલે સિંધી ભાષા કામ ચલાવ મને આવડતી અને અહીં આવ્યા પછી વધારે પ્રેકટીશ થઇ . હું સિંધી ભાઈયો અને બહેનો સાથે સિંધીમાં વાત કરવા લાગ્યો. અચો સાઈ અચો એમ મને આવકાર મળવા લાગ્યા .

પોલીસે કોઈ સિંધીનું નામ લખ્યું હોય તો તેનું નામ કઢાવવા માટે કોઈ મારી પાસે આવે અને મને કહે “પોલીસ ખે ચે હિનીજો નાં કઢી છડે , અસી પાંણમેં ભાવર અયુ.” કચ્છી ભાષામાં નામને નાંલો કહે. સિંધીમાં નામને નાં કહે . આનો અર્થ એવો થાય કે આ પોલીસે આનું નામ લખ્યું છે એ કઢાવી નખાવજે આપણે તો આપસમાં ભાઈઓ છીએ .

હું બ્રિટીશ આર્મીમાં હોવાને કારણે ઘણું શીખ્યો છું . એમાંનું એક પરિસ્થિતિને અનુકુળ થવાની ટેવ અને દુ :ખમાં છુપાએલું સુખ શોધી કાઢવાની ટેવ.આવી બધી કેળવણી લઈને હું ઘડાએલો છું અને એટલે આ બ્લોગનાં મહાસાગરમાં સેલારા મારું છું,અને તમારા સૌ ભાઇઓ બહેનોનો પ્રેમ અને ઉત્સાહ મેળવતો હું બ્લોગ જગતમાં ટકી રહ્યો છું .બાકી આપ જુવો છો એમ ઘણા બ્લોગરો અદૃશ્ય થવા માંડ્યા છે. ये है ब्लॉग जगतका मेला सब चला चालिका खेला .

અહીંનું ઝાડી જંગલ જોઈ મને બકરીઓ રાખવાનો વિચાર આવ્યો.મારા આ વિચારને મારી સુખ દુ:ખમાં સાથ આપનારી કેશોદ, દેશીંગા અને અમદાવાદ અને એરિઝોનાના રણ સુધી ખભે ખભો મિલાવીને સાથ આપનારી મારી પત્ની ભાનુમતી અને દેવ જોશી જેવા દીકરાઓની સમ્મતિ મળી અને મેં બકરીઓ પાળવાનું નક્કી કર્યું અને કુતરા બકરીઓને હેરાન ન કરે એ માટે જાતે ચરાવવાનું નક્કી કર્યું .

આ સ્થળનો ઘાસ વગેરેનો સરકાર તરફથી કોન્ટ્રાક અપાતો આ કોન્ટ્રાક ડાયાભાઈ પટેલ એક ભેંસો રાખનાર બ્રાહ્મણ અને એક તાજમામદ નામનો અફઘાનિસ્તાનનો માણસ રાખતો અને આ ઘાસની ચોકી રાખવા માટે ચોકીદાર રાખવામાં આવતો .

પણ આતો જમાદારની બકરીયું, એને ચરતી અટકાવાય નહી .એક દુ:ખીરામ નામનો યુપીનો કુણબી ચોકીદાર હતો. આપણે ગુજરાતીઓ યુપીનો કે બીહારનો હોય એને ભૈયા કહીએ છીએ પછી એ ભલે ગમે તે જાતિનો હોય.આવી રીતે તાજ મામદ જેવા લોકોને આપણે પઠાણ સમજીએ છીએ પણ ખરું જોવા જાઓ તો જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે જે પટી છે, એમાં વસનારી આ જાતી છે , એ પોતાના નામની પાછળ ખાન નો પ્રત્યાય લગાડે છે અને જે લોકો જુના વખતમાં ભારતમાં આવી વસેલા છે એ લોકોપણ પોતાને ખાન કહેવડાવે છે. આમીર ખાન સલમાન ખાન, શાહરૂખ ખાન વગેરેના વડવાઓ આ પ્રદેશથી આવેલા છે .

અફઘાનિસ્તાનના કોઈ માણસના નામની પાછળ ખાનનો પ્રત્યાય લાગેલો જોવા નહિ મળે . તાજમામદ ગોરી ચામડીનો હતો . એ જર્મન કે રશિયન પ્રજા જેવા ગોરા રંગનો હતો. એના કહેવા પ્રમાણે એના વડવાઓ સિકંદરના વખતથી અફઘાનિસ્તાનમાં આવેલા છે અને એ લોકોનો ધર્મ પણ પ્રાચીન સમયના ગ્રીક લોકોના ધર્મ જેવો મૂર્તિ પૂજક હતો .

1847ની સાલ પછીનાં લોકો મુસલમાં ધર્મી બન્યા. આ પહેલાં આ લોકો કાફિર તરીકે ઓળખાતા અને જે વિસ્તારમાં આ લોકોની વસ્તી હતી એ વિસ્તાર કાફીરીસ્તાન તરીકે ઓળખાતો. હાલ આ વિસ્તાર નુરીસ્તાન તરીકે ઓળખાય છે . આપ સહુને આ વાતની ખબર હશે કેમકે આ વાત વરસો પહેલાં નેશનલ જીયોગ્રાફીમાં આવેલી.

તાજમાંમદ અમારી બકારીયોને ચરતી જોઈ ચરાવનાર દેવ જેવાને ધમકી આપે કે बच्चे लोग ए बकरिया तुम लोग घर ले जाओ वरना में बकरिया डिब्बेमे पुर्र दूंगा .80 વરસની ઉમરનો તાજ મામદ ઘોડા ઉપર આવતો તેની આંખ નબળી હતી . છોકરાઓ એને દેખાવ પૂરતા બકરી હાન્ક્વાનો દેખાવ કરે . ભાનુમતી બકરીયું ચરાવતી હોય અને તાજ્મામદને જુવે એટલે પોતે આઘી પાછી થઇ જાય.

મે-જુનના વરસાદી માહોલમાં ઢેલડયુ ઈંડાં મુકવા આવે . એક વખત મેં ઈંડામાંથી તાજુ જ નીકળેલું બચ્ચુ મેં પકડી લીધું અને એને ઉછેરીને મોટું કર્યું.ખાસ ભાનુમતી બચ્ચાની કાળજી રાખતી. એને ઉધઈ વગેરે ખવડાવતી. આ જીવહિંસાને એ પાપ માનતી નહિ . બકરીનું દૂધ પણ પીવડાવતી વખત જતાં એ મોટો મોર થઇ ગએલો પણ એને હજી રંગીન પીંછાં આવ્યા નોતાં.એ ઘર નજીકના આંબા ઉપર બેસી રહે તો ખાવા પીવા માટે એ આંબા ઉપરથી નીચે ઉતરે અથવા કોઈ અજાણ્યું માણસ પાસે આવે તો એના ઉપર હુમલો કરવા નીચે ઉતરે . ઈ ચાંચો ન મારે પણ પોતાના પગથી હુમલો કરે .

લોકો કુતરાથી ન ડરે એટલા આ ભાનુબાના મોરથી ડરે. આ મોર વાળી કથા તો તમને ભાનુમતી પાસેથી સાંભળવાની મજા આવે.

( આતા ના ફેસ બુક પેજ પરથી )

તારીખ ૧૦ મી જાન્યુઆરી ૨૦૧૭ એટલે કે આતા ના અવસાનના પાંચ દિવસ પહેલાં અમદાવાદના જાણીતા અખબાર દિવ્ય ભાસ્કર માં આતા વિષે એક સચિત્ર લેખ પ્રસિદ્ધ થયેલો એની એક ઝલક 

aatta-divy-bhaskar

 

 

( 1002 ) આતાજી ( હિમતલાલ જોશી ) ની ચિર વિદાય…… શ્રધાંજલિ

atta-no-more-2-2

૯૬ વરસના જીંદાદિલ મિત્ર આતાજીના દુખદ સમાચાર દિલને આંચકો આપી ગયા.ઘરનું જ કોઈ સ્વજન ચાલ્યું ગયું હોય એવી આઘાત અને શોકની લાગણી થઇ આવી. છેલ્લા બે વર્ષથી તેઓ ટેનીસીમાં એમના પુત્ર દેવ જોશીના પુત્ર ડેવિડના પરિવાર સાથે રહેતા હતા.

ન્યુ જર્સીથી મિત્ર પ્રવીણભાઈના ૧૫ મી જાન્યુઆરીના ઈ-મેલમાં આ શોકજનક સમાચાર જણાવતાં એમણે લખ્યું હતું :

મિત્રો,
હમણાં જ દેવ જોશી નો ફોન હતો.
એક કલાક પહેલાં આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.

શુક્રવારે એમનો ફોન હતો, અને દિવ્યભાસ્કરના ઈન્ટરવ્યુની વાત કરી, ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો કરી હતી. આપણા અન્ય સૌ મિત્રોને જણાવશો.

– પ્રવીણ શાસ્ત્રી.

આતાજી જેવા જીંદાદિલ મિત્ર હવે રહ્યા નથી એ માની શકાતું નથી.એમના  પ્રેમાળ અને રંગીલા અને હસમુખા સ્વભાવનાં દર્શન એમની અનેક ઈ-મેલોમાં જોવા મળે છે. એમની ઘણી ઈ-મેલો જેમાં એમણે એમનું હૃદય ઠાલવીને લખ્યું છે એ મેં સાચવી રાખી છે.એમના બ્લોગ આતાવાણીની બધી પોસ્ટમાં પણ એ આપણી સાથે વાત કરતા હોય એમ લાગ્યાં કરે છે.આ બધા લેખોમાં એ જીવંત રહેવાના છે. બ્લોગીત સાહિત્ય એમનો ખરો પરિચય કરાવે છે કે એરીજોનાનો આ સાવજ કઈ માટીનો બનેલો હતો.

થોડા મહિનાઓ પહેલાં પડી જવાથી એમને થાપા- હીપ રીપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવવું પડેલું એમાંથી તેઓ એમના મજબુત મનોબળથી ઉભા થઇ છેલ્લે સુધી કાર્ય રત રહ્યા હતા.ફોન પર ની વાતોમાં એમના અડક આત્મ વિશ્વાસની પ્રતીતિ થતી હતી.એમના  જીવનમાંથી ઘણું  બધું શીખવા જેવું છે. 

૯૬ વર્ષ નું ભરપુર જીવન તેઓ ખુમારીથી જીવ્યા અને શાંતિથી પોઢી ગયા .જીવનમાં ય ખુમારી અને મોતમાં ય ખુમારી.ફોન ઉપર અગાઉ એમની સાથે ઘણીવાર કરેલી લાંબી વાતો યાદ આવે છે. એ સાવજ નો અવાજ શું હવે સાંભળવા નહિ મળે ! મનાતું નથી !

આતાજીની ખોટ એમના કુટુંબને તો પડી જ છે પણ એમના વિશાળ મિત્ર પરિવારને માટે એ ખોટ ઘણા લાંબા સુધી સાલશે.

મારા જેવા અનેક મિત્રોના મિત્ર આતાજીને હાર્દિક શ્રધાંજલિ .

પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનો અને મિત્રોને એમના અવસાનથી પડેલ ખોટને સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે દિલી પ્રાર્થના.

આતાજીના જીવનથી પ્રભાવિત થઈને જાણીતા ગુજરાતી બ્લોગ વેબ ગુર્જરી એ સૌ ગુજરાતીઓ વતી આતાજીને ૨૦૧૩ માં સન્માન પત્ર એનાયત કરેલો એ નીચે પ્રસ્તુત છે. એમાંથી એમના જીવન અને કાર્યનો અંદાજ આવી જશે.

attaji-sanmaan-web-guj

આતાજીના બ્લોગ આતાવાણીની આ લીંક પર એમનો વિગતે પરિચય અને બીજી વિશેષ માહિતી વાંચી શકાશે,

પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવનાર આતાજી

મુરબ્બી આતાજી મને અવાર નવાર એમના ઈ-મેલ મારફતે એમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપતા હતા  જેમાં એમના હૃદયના પ્રેમનાં દર્શન થતાં રહેતાં .મારા બ્લોગ વિનોદ વિહારમાં મુકાતી ઘણી પોસ્ટમાં એમનો પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરતા એ યાદ આવે છે. 

આતાજીનો પ્રેમ કદી નહી ભૂલી શકાય.આ તે કેવો કઠોર સંજોગ કે ૧૫મી જાન્યુઆરીએ મારો જન્મ દિવસ આખો આનંદમાં ગયો અને સાંજે આતાજીના અચાનક અવસાનથી મારી સાંજ શોક અને દુખમાં પલટાઈ ગઈ! આનંદ અને શોક એ જીવનનો કેવો વિચિત્ર ક્રમ હોય છે !

તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૨ – મારા ૭૬ મા જન્મ દિવસ પ્રસંગે એમણે મને એમના ઈ-મેલમાં જે આશિષ વચનો લખ્યા હતા એમાં એમનો પ્રેમ અને એમના દિલની નિખાલસતા જોવા મળે છે.એમનો ઈ-મેલ આ પ્રમાણે હતો.

સ્નેહી ભાઈશ્રી વિનોદભાઈ પટેલ

સૌ પ્રથમ તમને તમારા જન્મ દિવસની વધાઈ આપુ છું.

તમે તમારા કઠોર દિવસો ઠોકર મારીને દુર હડસેલી દીધા .અને તમારા નામ પ્રમાણે “વિનોદ વૃતિ “ટકાવી રાખી .તમારી પાસેથી ઘણું શીખવા જેવું ,અને જીવનમાં ઉતારવા જેવું ઘણું બધું છે.

Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.

આતાજીની ચાર પેઢી દર્શાવતી એક તસવીર-કુટુંબ વર્તુળ  atta-family

આતાજી, પુત્ર દેવ જોશી, પૌત્રી તાન્યા , પૌત્ર  ડેવિડ અને એનાં બે બાળકો- પુત્ર ,પુત્રી 

આતાજીના જીવનના વિવિધ તબક્કે લીધેલ તસ્વીરોનાં બે આલ્બમ  Aataa picasa albums ( સૌજન્ય- શ્રી મહેન્દ્ર ઠાકર )

 

1.Himatlal Joshi ……. 2.Aataa Wife & Parents

આતાજી જ્યારે ફીનીક્સ ,એરીજોનામાં એકલા રહેતા હતા ત્યારે એમને હૃદયની તકલીફને લીધે હોસ્પીટલમાં એકાએક જવું પડ્યું હતું .  નીચેના વિડીયોમાં એ વખતની વાત તેઓના મુખે સાંભળો.આ વિડીયોમાં એરિજોના ના સાવજની ખુમારી નાં દર્શન થાય છે. 

Published on May 26, 2012
Hospital_Experience-Himatlal

નીચેના વિડીયોમાં આતાજીને એમના લખેલા કબીર ભજનને ગાતા સાંભળી શકાશે.આ ભજન એમણે કબીર સાહેબને અર્પણ કર્યું છે.
Uploaded on Jun 22, 2011

આતાજી વિષે અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરવામાં આવેલી બે પોસ્ટ

( 546) અમેરિકામાં વૃદ્ધ જનો સાથેના મારા અનુભવો …..આતાજી

(216) ૯૩ વર્ષના યુવાન બ્લોગર મિત્ર શ્રી હિમ્મતલાલ જોશી- આતાજીને ૯૩મા જન્મ દિને શુભેચ્છાઓ 

 

( 601) અમેરિકન કુતરી ! ……. ( એક ચિત્ર કથા ) ……. હિમતલાલ જોશી ( આતા )

એક નેટ મિત્રએ મને ઈ-મેલમાં માનવીઓ જેવી જ અદામાં કુતરાઓના કેટલાક રમુજી ફોટા મોકલ્યા હતા .એમાંથી પસંદ કરીને મને ગમેલા નીચેના બે ફોટા “આધુનિક કુતરાઓ “નું શીર્ષક આપીને મારા નજીકના બ્લોગર મિત્રોને જોવા એમને ઈ-મેલથી મોકલ્યા હતા . 

પહેલા ચિત્રમાં ચાર કુતરાઓ જાણે કોઈ ક્લબમાં કાર્ડની ગેમ રમતા હોય એમ કેવા રીલેક્સ થઈને બેઠા છે !બીજા ચિત્રમાં કોમ્પ્યુટરની કી દબાવીને  કઇંક લખવામાં મગ્ન  થઇ ગયેલો એક કુતરો દેખાય છે! કોઈ ઉસ્તાદ ફોટોગ્રાફરના કેમેરા અને એના ભેજાની કમાલ જેવા આ ફોટા ખરેખર કાબીલે દાદ છે !

આ ફોટા જોઇને ઘણા મિત્રોએ એમના પ્રતિભાવો મને લખ્યા એમાં ફીનીક્ષ,એરીજોનામાં, જુનાગઢના સાવજની જેમ એકલા રહેતા હિંમતના ભંડાર જેવા, આતાના હુલામણા નામે પ્રખ્યાત ,૯૩ વર્ષના ,આતાવાણી બ્લોગના બ્લોગર મારા પ્રિય મિત્ર હિમતલાલ જોશીએ જે જવાબ લખી મોકલ્યો એ મને ખુબ જ ગમ્યો. 

આતાજીએ જવાબમાં એક મજાની વાર્તા લખી મોકલી. આતાજીના ખુશ મિજાજી સ્વભાવનાં પણ તમને એમાં દર્શન થશે .એમના જવાબને સહેજ સાજ મઠારીને આતાની લખેલી આ આખી મજાની વાત આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.

આતાજીની આ કાલ્પનિક ટૂંકી વાર્તાની ખરી ખૂબી અને મજા એના અંતમાં છે .એ અંત મને ગમ્યો એવો તમને પણ જરૂર ગમશે . 

વિનોદ પટેલ 

====================================

દેશીંગાના ગામઠી લેબાશમાં હિમતલાલ જોશી.-આતા

દેશીંગાના ગામઠી લેબાશમાં હિમતલાલ જોશી.-આતા

અમેરિકન કુતરી !  — હિમતલાલ જોશી ( આતા ) 

મારી પ્રિન્ટીંગ પ્રેસની જોબ વખતે મારી સાથે કામ કરતી મારી મિત્ર કેથીએ  ઇન્ડિયા જવાનો મનસુબો ઘડ્યો. મને એની વાત કરી અને મારા ગામ દેશીંગાની   ખાસ  મુલાકાત લેવાની ઈચ્છા  વ્યક્ત  કરી  .કેથીએ એની સાથે એની પ્રેમાળ  કુતરીને પણ લઇ જવાનું નક્કી કર્યું  . મેં એને સાથે કુતરી ન જઈ જવા માટે  ખુબ સમજાવી . 

 કેથી કહે  મારી કુતરી  બહુ ફ્રેન્ડલી છે ,જરાએ હેરાન નહીં કરે . મેં કીધું  કે તારી કુતરી ફ્રેન્ડલી  હશે  , પણ અમારા  ઘેડના ડાઘીયા  કુતરા  , ફ્રેન્ડલી નથી  . એમાં ય તારી કુતરી ઓપરેશન કરીને નપુંસક  કરેલી  છે  .એટલે એને  જરાય આવકારશે નહિ  . 

આમ સમજાવ્યા છતાં  ઇન્ડીયાની મુલાકાત વખતે એની સાથે એની કુતરી સાથે મારે ગામ દેશીંગા ગઈ .

ગામમાં કેથીની કુતરીને એક  સાવઝ જેવા વાળ અને એના જેવા જ કેસરી  રંગના  ડાઘીયા કુતરાએ જોઈ . કુતરી એને મળવા જતી હતી એટલે  કેથીએ એને ડારો દઈને રોકી અને પોતાની ડાબી બાજુ  દોરીથી  ડોકે પટા સાથે  સાંકળ બાંધી હતી એનાથી  ખેંચીને  પાસે બેસાડી દીધી . 

આ જોઇને પેલો ડાઘીયો  કુતરો બોલ્યો: 

”અલી અમરીકન કુતરી ,તને આવું પરાધીન પણું ગમે છે ?’ 

અમેરિકન કુતરી બોલી:

”મને ખાવાનું કેટલું સરસ સરસ માણસો જેવું તૈયાર મળે છે  . તારી જેમ  રખડીને કોકનું ખાવાનું ઝપટ મારીને આંચકીને  ખાતી નથી  .” 

અમેરિકન કૂતરીનો આ જવાબ સાંભળીને મારા જેશીંગા ગામના સાવજ જેવા ભારતીય ડાઘીયાએ ઉર્દૂના શેરમાં અમેરિકન કુતરીને યાદ રહી જાય એવો જવાબ આપી દીધો :

मिले खुश्क रोटी जो आज़ाद  रह कर
वो खौफ और जिल्लतके  हलवे से बेहतर

એટલે કે “આઝાદીની લુખી સુખી રોટી “મને જે મળે છે એ તારા” ગુલામીના હલવા-મીઠાઈ પકવાન ” કરતાં ઘણી જ  બહેતર છે.તારી એવી ખુશી તને મુબારક! 

—હિમતલાલ જોશી (Ataai)

આ ટચુકડી વાર્તાના અંતમાં આતાજીએ કેવી સમજવા જેવી વાત કહી દીધી છે !

તમે આને એક રૂપક કથા પણ કહી શકો ! 

આતાજી અને એને પુત્રની જેમ પ્રેમ કરતો એમનો  પડોશી મિત્ર ક્રીસ - ક્રિસને ઘેર  થેંક્સ ગીવીંગ ડે ઉપર લીધેલો હાલનો ફોટો.

આતાજી અને એમને પુત્રની જેમ પ્રેમ કરતો એમનો પડોશી મિત્ર ક્રીસ – ક્રિસને ઘેર થેંક્સ ગીવીંગ ડે ઉપર લીધેલો હાલનો ફોટો.

આતાજીના બ્લોગ આતાવાણીની આ લીંક ઉપર તમે જો એની મુલાકાત લેશો તો તમને ઉપર કહી એવી ઘણી મજાની એમના જીવનના અનુભવોની વાતો ત્યાં તમને વાંચવા મળશે અને એમના ખુશ મિજાજી રંગીલા મિજાજનો પરિચય પણ મળશે. એમના દીર્ઘાયુંનું આ જ તો છે રહસ્ય !

અગાઉ વિનોદ વિહારમાં પ્રગટ આતાની એક સત્ય ઘટના ઉપર આધારિત વાર્તા પાંજરાપોળ ને અહી ક્લિક કરીને વાંચો.

પાંજરા પોળ…સત્ય ઘટનાત્મક વાર્તા …હિમતલાલ જોશી ( આતા )