વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: સુરેશ જાનીનાં ગઝલાવલોકનો

( 579 ) ઢોલ ઢબુક્યો આંગણિયે – ગઝલાવલોકન -૨

સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાની શરીર સ્વાસ્થ્ય માટે જીમમાં જાય છે ત્યાં ટ્રેડમિલ પર આઈ-પોડ ઉપર ગઝલો સાંભળતા હોય છે .આમ તેઓ મન અને શરીર એમ બન્નેને સ્વસ્થ રાખે છે. એક ઈ-મેલમાં તેઓ જણાવે છે :

” પ્રિય વિનોદ ભાઈ,

જ્યારથી ટ્રેડમિલ પર ગઝલો સાંભળવાની શરૂઆત કરી; ત્યારથી એ મારી જૂની માની તી ગઝલો નવી જ નજરથી સંભળાવા લાગી. મનમાં જાગતા વિચારોને અભિવ્યક્ત કરવા હંમેશ મન કરતું હોય છે, પણ હવે ‘મારો બ્લોગ’ અને ‘મારું સર્જન’ એ જાતની મમતા છુટતી જાય છે .”

આથી મેં સુરેશભાઈને એમની ગમતી કોઈ ગઝલ ઉપર એમના વિચારો વિનોદ વિહારમાં સહ સંપાદક તરીકે એક નવી ગઝલાવલોકન લેખ શ્રેણીમાં લખવા માટે વિનતી કરી જેથી તેઓ ઈચ્છે છે એવો અહમ વિનાનો આનંદ પણ એમને મળી રહે.

વચલા માર્ગ તરીકે સુરેશભાઈ એ મારા આ સૂચનને સહર્ષ સ્વીકાર્યું . પરિણામે એમનું  પહેલું ‘ગઝલાવલોકન’ વી.વી. ની પોસ્ટ નમ્બર ( 564 )ખુદાની મહેરબાની -ગઝલાવલોકન-૧ રીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું .

વી.વી. ની આ નવી ગઝલાવલોકન લેખ શ્રેણીમાં આજની પોસ્ટમાં ” ઢોલ ઢબુક્યો આંગણિયે – ગઝલાવલોકન -૨ “નામનો બીજો લેખ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે .

મને આશા છે કે વાચકોને આ નવી ગઝલાવલોકન લેખ શ્રેણીમાં શ્રી સુરેશભાઈના ગઝલ ઉપરના અવલોકનો માણવાનું ગમશે.

શ્રી સુરેશભાઈ યથાવકાશે હવે પછીના લેખો પણ લખતા રહેશે એવી હૈયા ધારણ મને આપવા માટે એમનો હું આભારી છું.

વિનોદ પટેલ

ફોટો સૌજન્ય- સંદેશ.કોમ

ફોટો સૌજન્ય- સંદેશ.કોમ

ઢોલ ઢબુક્યો આંગણિયે ને, ગાજ્યું આખું ગામ;

પિત્તળિયા લોટા માંજીને ચળક્યું આખું ગામ.

      જાન ઉઘલવાનું ગીત. ઉલ્લાસનું ગીત. પગ થનગનતા નાચી ઉઠવા લાગે, તેવા ઢોલ ધબૂકવાનું ગીત. નવા સંબંધની શરૂઆતનું ગીત.

[આખું ગીત અહીં વાંચો અને સાંભળો.]

પણ એ કરૂણાંતિકા છે!

એક-મેકના વિશ્વાસોને ઠેસ જરા-શી લાગી;
કાચનું વાસણ ફૂટે એવું ફૂટ્યું આખું ગામ.

        એક પણ શેર એવો નથી કે એનું રસદર્શન કરાવવું પડે. સીધી અંતરમાં ઉતરી જાય એવી કવિતા.

       પણ ચીસ પડાવી દે, તેવો મત્લાનો શેર.

——————————

        આમ શા માટે? કેમ લગભગ હમ્મેશ એમ જ બનતું હોય છે? આપણા જીવનના રિયર વ્યૂ મિરરમાં જોઈશું તો જણાશે કે, આપણા દુશ્મનોમાં કોઈ સાવ અજાણ્યું જણ નથી. દરેક દુશ્મન કોઈને કોઈ કાળે આપણો મિત્ર રહી ચૂક્યો હોય છે.

       એવી તો મિત્રતા કેવી, જેને સહેજ ઠેસ લાગે અને નંદવાઈ જાય? જે પ્રિયતમાનો અવાજ મીઠી ઘંટડી જેવો લાગતો;  એ લગ્ન થયા પછી, બે ચાર વરસમાં જ કેમ માંગણીઓ કરતો, બેસૂરો લાગવા માંડે છે?

      આપણા સંબંધો મોટા ભાગે પ્રેમ સંબંધો હોતા જ નથી. મોટા ભાગે એ સ્વાર્થના/ સગવડના/ લેવડ દેવડના સમીકરણો જ હોય છે. જ્યાં સુધી એ ગણિતના દાખલાની રકમો બરાબર હોય ત્યાં સુધી જ  ‘ = ’ ની સંજ્ઞા સાચી. નહીં તો તરત  જ……

     કહે છે કે, ભક્તિ એ પરમ તત્વને શરણાગતિનું સૌથી

સરળ સાધન છે. પણ કેટલી ભક્તિ અવ્યભિચારિણી ભક્તિ

હોય છે – નરસિંહ કે મીરાં જેવી ભક્તિ – શરણાગતિ?

 

  નિસ્વાર્થ પ્રેમ
અને
નિસ્વાર્થ ભક્તિ
દુન્યવી પણ હોતાં હશે?

( 564 ) ખુદાની મહેરબાની- ગઝલાવલોકન -૧

ખુદાની મને મહેરબાની ઘણી છે.
ઘણાની મહોબ્બત અને લાગણી છે

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

આખી ગઝલ અહીં વાંચો

અને અહીં સાંભળો

       આ શ્રેણીનાં અવલોકનોની શરૂઆત કુતુબ આઝાદની આ ગઝલથી કરીએ; એ યથાયોગ્ય છે.

     નેટ પર ગુજરાતીમાં લખી શકાવાની શરૂઆત, ઈમેલથી પત્ર વ્યવહાર, અને ‘કાના માતર વગર’ બ્લોગિંગની સવલતે જે રીતે સહૃદયી મિત્રો મેળવી આપ્યા છે – એ મહેરબાનીને આ શ્રેણી અર્પણ છે- ખુદાની મહેરબાની અને એવા દિલદાર મિત્રોની મહેરબાની.

ગઝલનો એક પણ શેર એવો નથી કે, જેને સમજાવવો પડે –સાવ  સીધી, દિલમાં ઉતરી જાય એવી ગઝલ.

      અને હવે મનમાં ઉઠેલ ચપટીક વિચારો…

      આપણે આમ મિત્રોનો, મિત્રો અને ઘણું બધું મેળવી આપનાર એ ‘ખુદા’ની મહેરબાનીનો ઋણ સ્વીકાર કરીએ એ એકદમ યથાયોગ્ય તો છે જ. પણ થોડીક વિશેષ વાત પણ છે.

 આમ મહેરબાનીની લણણી કરવી હોય તો;
એ માટે આપણે એવી વાવણી કરવી પડે.
એ લાગણીમાં લોહીની રક્તતા ઉમેરવી પડે.

    થોડીક જ વધારે નજર ફેલાવીએ તો તરત જણાશે કે, આપણા સમસ્ત જીવનમાં કેટકેટલી નામી, અનામી; જાણીતી, અજાણી;  ગમતી, અણગમતી વ્યક્તિઓનો આપણી પર ઉપકાર છે? વ્યક્તિઓ તો શું? કેટકેટલાં પ્રાણીઓ, વનસ્પતિઓ, કુદરતી તત્વોનાં પ્રદાન ન હોય તો આપણે કશું પણ પ્રાપ્ત કરી શકીએ? –  જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને હંધુંય ગનાન, બધી સંપદા!

      પ્રત્યેક શ્વાસની સાથે આપણે એ સૌનો ઋણ સ્વીકાર કરતાં થઈએ તો? આપણી ઘણી બધી સમસ્યાઓ, વ્યથાઓ, ઉલઝનો આપોઆપ શમી જાય; એમ કદાચ બનવા લાગે.

     અને એ ખુદા પણ કોણ? ક્યાં છે એ મહેરબાન? કહે છે કે, આપણી અંદર જ તો એ છુપાયેલો પડ્યો છે. જ્યારે જ્યારે આપણે આમ એ મહેરબાનનો આભાર માનીએ ત્યારે, એ હમ્મેશ યાદ કરતા જઈએ કે, એ જ્યાં વસી રહ્યો છે; શ્વસી રહ્યો છે –  એ મંદિર, એ મસ્જિદ, એ દેવળ, એ દેરાસર, એ સાયનેગોગ આપણે એની અસીમ કિરપાને લાયક રાખ્યું છે ખરું? આપણી કાયા; આપણા વિચાર; આપણી વાણી; આપણું વર્તન, આપણાં બધાં કાર્યો એ મહેરબાનને લાયક છે કે, કેમ એ નિહાળતાં થઈએ તો?

તો જ આ ગઝલ આપણે સમજ્યા;
એને જીવનમાં ઉતારી
– એમ કહી શકાય; નહીં વારૂ?!