Tag Archives: અછાંદસ કાવ્ય રચના
આજે ૧૪ મી એપ્રિલ,૨૦૧૯ એ મારાં ધર્મ પત્ની સ્વ. કુસુમબેન વી. પટેલ ની ૨૭ મી
પુણ્યતિથીનો દિવસ છે .
સમય કેવો ઝડપથી વહી ગયો છે,છતાં ગત આત્માનાં
મધુરાં સ્મરણો બધાં ક્યાં ભૂલાય છે!

ઋણાનુંબંધ ઓછા પડ્યા,જિંદગીના માપદંડો ય ટૂંકા પડ્યા,
ભરપુર વસંત ખીલી હતી ત્યાં જ,પાનખર બની ખરી ગયાં !
આ દિવસે અગાઉની કાવ્ય રચના થોડી મઠારી સદગત આત્માને ભાવાંજલિ અર્પું છું.

સ્વ. કુસુમ વિ.પટેલને કાવ્યાંજલિ
એ ગોઝારા દિવસે અમોને ખબર ક્યાં હતી કે,
પ્રભુ તમારા નામનો સાદ પાડી બોલાવી લેશે.
એ દિવસે પ્રભુએ જ્યારે તમોને બોલાવી લીધાં,
કેટલાં બધાં સ્મરણો પાછળ મૂકીને તમે ગયાં!
ગુમાવી તમોને હૃદયભંગ થયાં સૌ પરિવાર જનો,
તમારા જતાં જાણે એક શૂન્યાવકાશ રચાઈ ગયો.
પરીવાર સાંકળ નંદવાઈ તમારી દુખદ વિદાયથી,
પણ લાગ્યા કરે,તમે છો અહીં જ કંઇક આસપાસમાં.
આજે ભલે નથી નજર સામે,તમે ઓ દિવ્યાત્મા,
છતાં સ્મૃતિ-મૂર્તિ તમારી બિરાજતી હૃદય મંદિરમાં
શબ્દો ઓછા પડે ગણવા ઉપકારો એ બધા આપના,
૨૭મી પુણ્યતિથીએ,અર્પું કાવ્યાંજલિ તમોને ભાવથી
વિનોદ પટેલ,
૪-૧૪-૨૦૧૯
“The song is ended, but the melody lingers “
– Irving Berlin
કુસુમાંજલિ … ઈ-બુક

જાણીતા કવિ સ્વ.સુરેશ દલાલ ની એક પ્રસંગોચિત અછાંદસ કાવ્ય રચના
તારા વિના …
તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…
તારા વિના…
તારા વિના…
જવા દે,
કશું જ કહેવું નથી.
અને કહેવું પણ કોને
તારા વિના ?
– સુરેશ દલાલ

જીવન સંધ્યાના રંગો … એક અછાંદસ …. વિનોદ પટેલ
વતનમાં સંઘર્ષ કરી,દુખો સહી,નિવૃતી લઇ,
આવ્યા સુખના વિચારો સાથે,વિદેશની ભૂમિમાં.
ભૌતિક સુખો વચ્ચે અંજાઈ,આનંદિત થઇ ગયા ,
નવી ભૂમિમાં ઠરી ઠામ થઇ, હાશ કરી,
અહીનાં સુખોને માણી રહ્યા હતા, ત્યાં જ,
વધતી ઉંમરની વિવિધ વ્યાધિઓ-ઉપાધિયો,
શરીર પર સવાર બની, દુખી કરી રહી,
સુખ મળ્યું પણ હવે ઉંમર રિસાઈ ગઈ !
અનુભવે હવે ખબર પડી ગઈ છે કે,
ઉંમર અને સુખને સાપ-નોળિયા સંબંધ છે !
જીવન સંધ્યાના સમયે,આ ઢળતી સાંજે,
જિંદગી જે પાઠ શીખવે એ શીખતા જ રહેવું.
સુખ કોનું લાંબુ ટક્યું છે કે ટકવાનું છે !
સુખ-દુખના ફરતા ચગડોળનું મોટું ચક્ર .
ઉપર-નીચે એમ ચાલતું જ રહેવાનું ,
જીવનની હવે બાકી રહેલી પળોમાં ,
સુખ-દુખના આ ફરતા ચગડોળમાં બેસી,
આ જીવન મેળાનો, એક બાળકની જેમ,
આનંદ લેતા રહેવાનું, બીજું શું !
ચેતના,સુખ અને આશાના સંદેશ સાથે,
દરેક સવારે સુરજ એનાં કિરણો પાથરે છે ,
વધતી ઉંમરની વ્યાધિઓ-દુખો સાથે પણ,
એ સવારે સુખની શોધમાં નીકળી પડવું,
જ્યાંથી મળે ત્યાંથી સુખનો આનંદ મેળવી,
ખુદ આનંદિત બની, આનંદ વહેંચતા રહેવું,
જીવન સંધ્યામાં સુખના રંગો ઉમેરતા રહેવું,
સંજોગોને અનુકુળ બનીને જીવી જાણવું,
એનું જ નામ તો જીવન કળા છે, બાપુ !
વિનોદ પટેલ , ૧૨-૧૭-૨૦૧૭
વિ.વિ.ની “દીકરી બચાઓ, દીકરી પઢાઓ” વિશેની પોસ્ટ નમ્બર 643 ના અનુસંધાન રૂપે આજની પોસ્ટમાં મારી એક તાજી અછાંદસ કાવ્ય રચના “દીકરીની વિદાય વેળાએ “ પ્રસ્તુત છે.
આ કાવ્યમાં પોતાની વ્હાલી દીકરીને પિયરગૃહે થી સ્વસુરગૃહે જવા માટે વિદાય કરતા એક પિતાના મનોભાવોને રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે આપને એ ગમશે.
વિનોદ પટેલ

ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ
દીકરીની વિદાય વેળાએ ..
ઘેર દીકરી અવતરી,હરખાયા,
સૌએ કહ્યું,ઘરમાં લક્ષ્મી આવી.
જોઇને હૈયું ઠારતી ,ખેલતી,કુદતી,
ભણી ,ગણી,ડાહી બની,
વરસાદમાં વેલી વધે, એમ વધતી,
ખબર પણ ના પડી, એમ એક દિન ,
ઢીંગલી મારી ,બાલિકામાંથી,
લગ્ન લાયક કન્યા બની ગઈ !
બરાબર યાદ છે એ દિવસો, મને જ્યારે,
થાવા લાગી હતી એના લગ્નની ચિંતાઓ,
અમે જ હર્ષથી છપાવી અને વહેંચી હતી ,
દીકરીના ઘડિયાં લગ્નની કંકોતરીઓ ,
અને એમ છતાં ,
કન્યા વિદાયની એ વસમી વેળાએ,
ક્યાં અદ્રશ્ય થઇ ગયો હતો, લગ્નનો એ હર્ષ ?
દુઃખનાં વાદળ કેમ ઉમટી આવ્યાં હતાં ?
બે આંખોમાં આંસુ બની કેમ વરસી રહ્યાં હતાં ?
હતી જે અમારી આંખોનો ઉજાસ,
એ વ્હાલી અમારી દીકરી, આ વેળા પછી,
શું અમારી આંખોથી ઓજલ થઇ જવાની ?
દુખી દિલ મારું ફરી ફરી કેમ ભીખી રહ્યું હતું ?
દીકરી તું કેમ જાય, થોડું વધુ રોકાઈ ના જા ?
થાપણ હતી મારી , શું હવે એ પારકી બની ગઈ ?
વિનોદ પટેલ, 1-26-2015
વાચકોના પ્રતિભાવ