તાંજેતરમાં જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં પાકિસ્તાન તરફી એક ભયાનક આત્મઘાતી કાર-બોમ્બ બ્લાસ્ટ હુમલામાં સી.આર.પી.એફના 40 જાંબાજ જવાનો દેશ માટે શહીદ થઇ ગયા.
દેશભરમાં આ આતંકવાદી હુમલાથી હાહાકાર મચ્યો છે.દેશવાસીઓમાં ઊંડા દુખ અને આક્રોશની લાગણી પ્રવર્તે છે.ટી.વી.,ઈન્ટરનેટ તથા પ્રિન્ટ અને ફેસબુક-વોટ્સેપ જેવાં સોસીયલ મીડિયા પર શહીદોને શ્રધાંજલિ આપતા સંદેશ ફરી રહ્યા છે.
એક મિત્ર તરફથી મને ઈ-મેલમાં એક સૈનિકની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતી અંગ્રેજીમાં એક નીચે મુજબની કવિતા મળી જે વાંચતાં જ મારા દિલને સ્પર્શી ગઈ. આ કવિતામાં એક જાંબાજ સૈનિકની ખુમારી વ્યક્ત થાય છે.
ઉપરની કવિતાનો મારો ગુજરાતીમાં કરેલો ભાવાનુવાદ નીચે પ્રસ્તુત છે.
એક સૈનિકની આખરી ઈચ્છા
માભોમની રક્ષા કાજે લડતાં લડતાં,
યુદ્ધના મેદાનમાં જો હું ખપી જાઉં,
મારા દેહને શબ પેટીમાં પેક કરી,
મારા વતનમાં કુટુંબને મોકલાવજો.
મારી બહાદુરીના મળેલા ચન્દ્રકોને,
મારી છાતી ઉપર હળવેથી મુકજો.
મારી શોક કરતી માતાને કહેજો કે,
દીકરો તારો બધું કરી છૂટ્યો હતો.
મારા પિતાને કહેજો,ઝુકી ના જશો,
મારી બાબતે તનાવ હવે નહી રહે.
ભાઈને કહેજો બરાબર અભ્યાસ કરે,
મારી બાઈકની ચાવી હવે એની થઇ ,
મારા તરફથી એને છેલ્લી ભેટ માને.
મારી બહેનને કહેજો કે શોક ના કરે.
તારો વ્હાલો ભાઈ કંઈ મર્યો નથી,
સુર્યાસ્ત પછી લાંબી નિદ્રા લઇ રહ્યો.
મારા દેશ બાંધવોને પણ કહેજો કે,
આંસુ ના સારે મારા જવાના શોકમાં.
કેમકે,હું દેશનો એક વીર સૈનિક છું,
વીર જવાનો જન્મે છે જ મરવા માટે.
જવાન મરતો નથી,શહીદીને વરે છે,
એની કુરબાનીની ગાથાઓ અમર છે.
ભાવાનુવાદ … વિનોદ પટેલ
ઉપર મુજબ કવિતાની રચના કરી રહ્યો હતો ત્યારે રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની શહીદ સૈનિકો અંગેની બે અમર કાવ્ય રચનાઓ (૧) કોઈનો લાડકવાયો અને (૨) કસુંબીનોરંગ નું સ્મરણ મારા અંતર મનમાં રમી રહ્યું હતું.
આ બે કાવ્ય રચનાઓ અને યુ-ટ્યુબ વિડીયો નીચે પ્રસ્તુત કરેલ છે.
કોઈનો લાડકવાયો …રક્ત ટપકતી સો સો ઝોળી
રાષ્ટ્રી શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણી
કોઈનો લાડકવાયો કાવ્ય એ એક નર્સ અને અમેરિકન કવયિત્રી Marie Ravenal de La Coste કૃત Somebody’s Darling નામના મૂળ અંગ્રેજી ગીતનું સ્વ. ઝવેરચંદ મેઘાણીએ કરેલું સુંદર ગુજરાતી રૂપાંતર છે.આ ગીતના શબ્દો ખુબ જ હૃદયસ્પર્શી છે.
અમેરિકાના સિવિલ યુધ્ધમાં યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે એમાં એની ઓળખ કરવા આવેલી કોઈને કોઈ માતાનો લાડકવાયો સૂતો છે.માતાઓની એના મૃત દીકરાના શોકની વ્યથાનું કરુણ નિરૂપણ આ કાવ્યનો મધ્યવર્તી વિચાર છે.
જાણીતા લોક ગાયક પ્રફુલ્લ દવેના સ્વરે આ દિલને સ્પર્શી જતી સ્વ.મેઘાણીની આ અમર રચનાને માણો.
કોઈ નો લાડકવાયો- Praful Dave & Chorus
રાજ, મને લાગ્યો
કસુંબીનો રંગ … ઝવેરચંદ મેઘાણી
શહીદ ભગતસિંહ, સુખદેવ રાજગુરુ વગેરેની શહીદી પછી આ ગીતની રચના કરવાની મેઘાણીને પ્રેરણા થઇ હતી.દેશ માટે યુદ્ધમાં જીવનનું બલીદાન આપનાર શહીદોનું વહેલું રક્ત એ જ કસુંબીનો રંગ છે.લોકગીતોના ડાયરાના પ્રોગ્રામોમાં દેશ માટે ખપી જવાનું આહવાન આપતું આ ગીત રંગ જમાવતું હોય છે.
Kasumbi No Rang – Harsh Patel | Zaverchand Meghani
છેલ્લે આ દેશ ભક્તિનું પ્રખ્યાત ગીત …
“Aye Mere Watan Ke Logo” (Hindi: ऐ मेरे वतन के लोगों)
A patriotic song written by Kavi Pradeep
૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધ પછી પ્રેસીડન્ટ સર્વપલ્લી રાધાકૃષ્ણ અને પ્રથમ વડા પ્રધાન નહેરુજી ની હાજરીમાં પ્રથમ વખત આ દેશ ભક્તિનું કવિ પ્રદીપ રચિત ગીત સ્વર કિન્નરી લતા મંગેશકરે ગાયું હતું. આ ગીત સાંભળીને નહેરુની આંખમાં આંસુ આવ્યાં હતાં
૨૦૦૮,જાન્યુઆરીમાં જન્મ દિવસે ગાંધી આશ્રમ. અમદાવાદની મુલાકાત વખતે મહાત્મા ગાંધીજીની ”My Life is My Message ”લખેલ તસ્વીર સાથે મારા એક મિત્રએ ઝડપેલી મારી એક તસ્વીર
વહાલાં મિત્રો/સ્નેહી જનો
સૌ પ્રથમ તો તારીખ ૧૫ મી જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ મારા ૮૩મા જન્મ દિવસે મને ફોન કરી,ઈમેલ, વોટ્સેપ વી.માધ્યમો દ્વારા દિલી શુભેચ્છાઓ પાઠવી મારા આ અગત્યના દિવસને ઉલ્લાસમય બનાવવા માટે સૌ મિત્રો અને સ્નેહીઓનો ખુબ આભાર વ્યક્ત કરું છું.દર વરસે જન્મ દિવસે આપના હુંફાળા સંદેશાઓથી મન પ્રસન્ન થઇ જાય છે.
રેસ્ટોરંટમાં પરિવાર જનો સાથે સમૂહ ભોજન
મિત્રો,
જિંદગીની જંજાળો વચ્ચે આપણું જીવન ચક્ર ચાલતું જ રહે છે. દરેક જન્મ દિવસે જીવનમાં એક વર્ષ ઉમેરાઈ જાય છે.જીતની બઢતી હૈ ઉતની હી ઘટતી હૈ યહ જિંદગી! અનુભવો અને યાદોની ગઠરીમાં અવનવું જીવન ભાથું બંધાતું જાય છે.પ્રભુ રૂપી કુંભાર એના સદા ફરતા રહેતા ચાકડા પર આપણા જીવનને અવનવા ઓપ આપતો રહે છે .
મારી નીચેની અછાંદસ રચનાઓને મારી જીવન સંધ્યાએ આજે જન્મ દિવસે થોડી મઠારીને મુકું છું જેમાં જિંદગી વિશેનું મારું પ્રાસંગિક ચિંતન જોવા મળશે.
ક્ષણો,ઘડીઓ,મીનીટો,કલાકો,દિવસો,મહિનાઓ,
વર્ષો વટાવતી,મારી જીવન યાત્રા ચાલતી રહી,
ખભે બેસનાર બાળકો,ક્યારે ખભા સુધી આવી ગયા,
બાળકોને ખભે લેતા થયા,એની પણ ખબર ના રહી.
આવીને ઉભો ૮૩ ના પગથારે,૮૨ વર્ષ પૂરાં કરી.
કેટ કેટલું બની ગયું જિંદગીની નવરંગી રાહમાં,
ચિત્રપટની જેમ સ્મૃતિ પડદે આજે દેખાઈ રહ્યું !
વધતી જતી જિંદગી સાથે મૃત્યુ સમીપ સરતું રહે,
ભૂલી એ બધું,પ્રેમથી ઉજવવી જ રહી વર્ષગાઠને.
વાંચવા જેવું લખવું યા લખવું ગમે એવું જીવવું,
એને બનાવી એક જીવન મંત્ર આજે જીવી રહ્યો,
પૂરો સંતોષ અને આનંદ છે જીવન યાત્રા થકી,
મિત્રો ઘણા બધા આવી મળ્યા જીવન પથમાં,
સ્નેહી જનોની હુંફથી જ જીવન રસ ટકી રહ્યો,
જિંદગીની ઠોકરો,પ્રશ્નો અને ભૂલોએ શીખવ્યું ઘણું,
સુખ દુ:ખના પ્રસંગોથી ભરેલી હોય છે આ જીંદગી,
એવા વિચારોમાં મારી આજ મારે બગાડવી નથી,
જીવનનો આજનો આનંદ ટકી રહે એ જ પ્રભુને પ્રાર્થના .
મારે મન જિંદગી શું છે ?
રેત યંત્રની રેતીની જેમ સતત સરતી રહે જિંદગી,
હરેક પળે એના રંગો બદલતી જ રહે,આ જિંદગી,
સુખ-દુખના ફરતા ચકડોળમાં બેઠાં છીએ આપણે,
ભૂલી ચિંતાઓ,જીવન મેળાનો આનંદ અહેસાસીએ.
મનમોહક નાટકનો મજાનો એક ખેલ છે જિંદગી,
પડદો પડી જાય એ પહેલાં,નાટકની મજા લઈએ,
દરેક પળને મન ભરીને જીવી લેવાનું ના ભૂલીએ,
કેમકે જીવનમાં બધી તકો ફરી ફરી મળતી નથી.
જીવન રાહમાં મુશ્કેલીઓ તો આવતી જ રહે છે,
રોદડાં રડવામાં સમય ગુમાવવા ટૂંકી છે જિંદગી,
માટે જેવી પણ હોય જિંદગી, ખોટી ચિંતાઓ છોડી,
હસતા રહેવું, હાસ્ય એ જ ઔષધ છે જિંદગી માટે.
થોડું લઇ લીધું તો ઘણું બધું આપ્યું પણ છે,પ્રભુ,
ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું ભાગ્ય શું ઓછું છે!
પાડ માનું પ્રભુ તારો,પડકારો ઝીલવાના બળ માટે,
ભાંગી પડી મનથી,ભાગી ના જાઉં,એવી હિમત માટે.
જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ દેવો સહેલો નથી,
જો જવાબ ટૂંકમાં હું સમજાવું તો? જિંદગી શું નથી !
જીવનની સફળતા શેમાં ?
જીવનમાં જે મળ્યું એનાથી જિંદગી જીવાઈ જાય છે,
જીવનમાં જે આપ્યું એનાથી જ જિંદગી બની જાય છે,
બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી ના નાખીએ,
કદીક કોઈ એક હાથ દુખી જન તરફ પણ લંબાવીએ.
જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા,
જ્યારે જઈશું ત્યારે બધું પાછળ મુકી જવાના છીએ,
જીવીએ છીએ ત્યારે કંઇક એવું કામ કરીને જ જઈએ,
લોકો યાદ કરે,જનાર જણ ખરે ખેલદિલ જીવ હતો!
સુખ – દુખ નું કાવ્ય
જીવન ચગડોળના ડબામાં આપણે બેઠાં છીએ
ડબો દુઃખમાં નીચે અને સુખમાં ઉપર જાય છે
ચગડોળની મોજ છે ,ને પડવાની બીક પણ છે
પણ આમ જ જીવન મેળાની મજા લુંટાય છે.
જીવનમાં ક્યારેક સુખની વર્ષા થતી જણાય છે
ક્યારેક દુખોના વાદળોથી અંધકાર ઘેરાય છે.
સુખની વર્ષા ટાણે મેઘ ધનુના રંગો દેખાય છે
જીવનમાં આનંદની અનુભૂતિ છવાઈ જાય છે
દુખના અંધકારમાં આભમાં તારાઓ ટમટમે છે
તારાઓના પ્રકાશથી આગળ માર્ગ વર્તાય છે
સુખમાં મેઘધનુષ્ય એ અલ્પ કાળની ખુશી છે
દુઃખમાં તારાઓ ભાવી સુખની પહેચાન છે .
જીવનનું આ સત્ય સૌએ યાદ રાખવા જેવું છે
સુખ યા દુખ એ જીવન સિક્કાની બે બાજુ છે
સુખી થયા,ગર્વ ના કરો, સુખ કંઈ કાયમી નથી.
દુખી થયા, શોક ના કરો,દુખ પણ કાયમી નથી.
વિનોદ પટેલ
મારી ૮૩ મી વર્ષ ગાંઠને અનુરૂપ મને ગમતી અન્ય લેખકો – કવિઓ રચિત રચનાઓ …
“ત્રણ વાનાં મુજને મળ્યાં , હૈયું ,મસ્તક હાથ
બહું દઈ દીધું નાથ , જા ચોથું નથી માંગવું. “
–ઉમાશંકર જોશી
બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
‘રજની ‘પાલનપુરી
(બક્ષી સાહેબના ‘બક્ષીનામા’ના એક લેખમાંથી સ્વ.ને વંદન સાથે )
લહેર પડી ગઈ, યાર – ચંદ્રકાંત બક્ષી
મારું મન
વિપરીત સ્થિતિમાં પણ
શાંત રહી શકતું હોય
હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં
મને ભૂખ
અને થાક
અને પ્યાસ
લાગી શકતાં હોય
મહારોગ
કે
દેવું ન હોય
મારું પોતાનું એક ઘર હોય
અને
એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી
ખાઈ શકતો હોઉં
ચાય ની ચૂસકી લેતાં લેતાં
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસી શકતો હોઉં
તો
થૅંક યૂ, ગૉડ !
મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!
અને
જીવનના છેલ્લા દિવસ
સુધી બસ આટલું રહી શકે તો..
મરતી વખતે હું કહીશ..
લહેર પડી ગઈ, યાર !
– ચંદ્રકાંત બક્ષી
શબ્દની આરપાર જીવ્યો છું……ગઝલ.. અમૃત ઘાયલ
શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહું ધારદાર જીવ્યો છું…
સામે પુરે ધરાર જીવ્યો છું,
વિષ મહી નિરવિકાર જીવ્યો છું…
ખુબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું…
મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ,
હું સદા બારોબાર જીવ્યો છું…
મંદ ક્યારેય ન થઇ મારી ગતી,
આમ બસ મારમાર જીવ્યો છું…
આભ ની જેમ વિસ્તર્યો છું,
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું…
બાગેતા બાગ સુર્યની પેઠે,
આગમાં પૂરબહાર જીવ્યો છું…
હું ય વરસ્યો છુ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું…
આમ ઘાયલ છુ, અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું…
– ‘અમૃત’ ઘાયલ
છેલ્લે, મને ગમતી ‘’અંકુશ’’ હિન્દી ફિલ્મની આ સુંદર પ્રાર્થના, એના પાઠ અને વિડીયો સાથે …
इतनी शक्ती हमे देना दाता
Lyrics ..
इतनी शक्ती हमे देना दाता
मन का विश्वास कमजोर हो ना
हम चले नेक रस्ते पे हम से
भूलकर भी कोइ भूल हो ना
इतनी शक्ती हमे देना दाता
मन का विश्वास कमजोर हो ना
इतनी शक्ती हमे देना दाता
मन का विश्वास कमजोर हो ना
हम चले नेक रस्ते पे हम से
भूलकर भी कोइ भूल हो ना
इतनी शक्ती हमे देना दाता
मन का विश्वास कमजोर हो ना
दूर अज्ञान के हो अँधेरे
तू हमें ज्ञान की रोशनी दे
हर बुराई से बचते रहे हम
जितनी भी दे भली ज़िन्दगी दे
बैर हो ना किसी का किसी से
भावना मन में बदले की हो ना
हम ना सोचें हमें क्या मिला हैं
हम यह सोचे किया क्या हैं अर्पण
फूल खुशियों के बाँटे सभी को
सब का जीवन ही बन जाये मधुबन
अपनी करुना का जल तू बहा के
कर दे पावन हर मनका कोना
Itni Shakti Hame Dena Data || Tripty Shakya || Latest Devotional Video
મીણબત્તી વચ્ચેનો સળગતો ધાગો, પૂછી રહ્યો ઓગળી રહેલા મીણને , અરે ભાઈ, સળગી રહી છું હું અને, તું શાને ઓગળે, જાણે રડે ભાઈ ! ઓગળી રહેલી મીણબત્તી બોલી, મારા શરીર વચ્ચે તને સ્થાન આપ્યું , તારો મારો જીવનભરનો સાથ થયો, એટલે તારું દુખ એ મારું દુખ થયું , તું સળગે અને હું શું માત્ર જોયા કરું ! તો તો આપણો સથવારો લજવાય ! પ્રેમની પાવક જ્વાળામાં તું અને હું, સાથે બળીને પોતાનું બલીદાન આપી, ખુશીથી પ્રકાશ આપી સૌને ખુશ કરીએ , એ જ તો છે અન્યોન્ય પ્રેમની પહેચાન !
દિવાળી પર્વ – વાક બારસ,ધન તેરશ.કાળી ચૌદશ અને દિવાળી -ના દિવસોના ઉત્સાહી દિવસો પછી હિંદુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત ૨૦૭૫ નું નવું વર્ષ શરુ થઇ ચુક્યું છે.
નવા વર્ષ વિશેની મારી અછાંદસ કાવ્ય રચના ‘‘નવા વરસે ” નીચે પ્રસ્તુત છે.
એમાં નુતન વર્ષ વિશે મારા વિચારો રજુ કર્યા છે.
નવા વર્ષના શુભ સંકલ્પો.. મારો એક લેખ
નવું વર્ષ આવે એટલે નવા વર્ષ માટે મનમાં સંકલ્પો લેવાનો એક સામાન્ય નિયમ થઇ ગયો છે,પછી ભલે એને થોડા સમય પછી જીવનના અન્ય પ્રશ્નો વચ્ચે ભૂલી જવાય.આમ છતાં નવા વર્ષે કેટલાક લેવા જેવા સંકલ્પો મનમાં યાદ રાખીને વર્ષ દરમ્યાન એ પ્રમાણે અમલ કરવાનો પ્રયત્ન કરવામાં કશું ખોટું નથી.
આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું નવું કરવાનું મૂળભૂત રીતે ગમે છે.
અગાઉ અમદાવાદના ગુજરાતી માસિક ” ધરતી” માં પ્રગટ મારો લેખ ” નવા વર્ષના શુભ સંકલ્પો” નીચે પ્રસ્તુત છે.
મારી માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય,કડીના સહાધ્યાયી મિત્ર ડો.પ્રકાશ ગજ્જર લિખિત નીચેની સુંદર પ્રાર્થનાથી નવા વર્ષની શરૂઆત કરીએ તો કેવું !
આધ્યાત્મિક ચિત્તવૃત્તિ ધરાવતા મારા આ મિત્રએ ઘણાં પ્રેરણાદાયી-Motivational –સાહિત્યનાં પુસ્તકો લખ્યાં છે.
”સર્વશક્તિમાન પરમાત્માની સર્વદર્શી આંખ સદા સર્વદા મારી સંભાળ રાખી રહી છે ને મારા ઉપર સતત અમીવર્ષા કરી રહી છે. એનો પરમ શક્તિશાળી હાથ – જે બ્રહ્માંડના કોઈ પણ ખૂણે પહોઁચીને ગમે તે કાર્ય સાવ સરળતાથી કરી શકે છે તે – મારી પાસે છે, ઉપર છે, નીચે છે, આસપાસ છે. એ સતત મારૂં રક્ષણ કરે છે. પછી ચિઁતાની શી જરૂર?
હું સાવ નચિઁત છું, સુરક્ષિત છું, પ્રભુની શક્તિથી પ્રેરાયેલો છું.હે પ્રભુ! જે ઘટનાઓ બનવાની છે તે સહન કરવાની શક્તિ આપો. દુઃખોમાં અડગ રહીએ, ગુસ્સો આવે ત્યારે શાંત રહીએ અને ભાગ્યના ભયંકર પલટા સાથે આસમાની-સુલતાની થઈ જાય ત્યારે છેક મૃત્યુના દ્વાર સુધી પણ પરસ્પરને વફાદાર અને પ્રેમભર્યા રહીએ એવો અનુગ્રહ કરો.”
પારસ-પ્રાર્થના, જનકલ્યાણ, જુલાઈ ૧૯૯૫, પૃ. ૩૩
ગુજરાતી સુવિચારો
નીચેના વિડીયોમાં રજુ કરેલ ઉત્તમ ગુજરાતી સુવિચારો આપને જરૂર ગમશે.
તારીખ ૨૧ મી જાન્યુઆરી ૨૦૧૮ એટલે કે માધ (મહા) સુદ પાંચમના રોજ આ વર્ષે વસંત પંચમીનું આગમન થયું છે.
વર્ષની ઋતુઓમાં વસંત ઋતુ એક લોકપ્રિય ઋતુ છે એટલે જ એ ઋતુરાજ વસંત કહેવાય છે.
સામાન્ય રીતે વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે નજીક નજીકમાં જ આવે છે એ કેટલો સુંદર સંયોગ છે !વસંત એટલે પ્રકૃતીનું યૌવન અને વેલેન્ટાઇન ડે એટલે યુવાનોમાં ખીલેલી વસંત.
કાકા કાલેલકરે વસંત વિષે સુંદર અવલોકન કર્યું છે કે …
“જેની રહેણી કુદરતથી વિખૂટી થઈ નથી,કુદરતને રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. નદીના ક્ષીણ પ્રવાહમાં એકાએક ઘોડાપૂર આવેલું જેમ આપણે જોઈએ છીએ તેમ આપણે વસંતને પણ આવતો બરાબર જોઈ શકીએ છીએ.’’ –કાકા કાલેલકર
વસંત ઋતુ આવતાં પ્રકૃતિમાં અને માનવ મનમાં અવનવા ફેરફારો નજરે પડે છે.વસંત ઋતુ આવ્યાની કઈ મુખ્ય નિશાનીઓ છે એ મારી નીચેની અછાંદસ કાવ્ય રચના ”ઋતુરાજ વસંતનાં એંધાણ ” માં જણાવી છે.
ઋતુરાજ વસંતનાં એંધાણ
વાહ કેવી ઉગે રોજ ખુશનુમા સવાર, વાસંતી વાયરા વાય સવારથી સાંજ, વૃક્ષની ડાળે લીલી કુંપળોનો દરબાર, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કેસુડાના વૃક્ષે જામ્યો છે કેસરિયો રંગ, આમ્ર વૃક્ષે કેવા મ્હોરી ઉઠ્યા છે મોર, ફેલાઈ જાય છે રંગીન ફૂલોની ફોરમ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત તો છે પ્રકૃતીમાં આવેલું યૌવન, યુવાની હોય છે જેમ જીવનની વસંત, વાગે ઢોલ,ગવાઈ રહ્યા ફાગણના ફાગ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
ગુંજી ઉઠતો કોકિલ પંખીનો કલરવ, ઝૂમી ઉઠે છે વૃક્ષ લતાઓ વને વન, સર્જાઈ જાય રમ્ય ફૂલોનો શણગાર, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કુહૂ કુહૂ બોલે ટહુકી રહી પેલી કોકિલા, પ્રેમીજનો ઝંખે પિયા મિલનની આશ, વેલેન્ટાઈન લાવે પ્રેમીઓમાં થનગનાટ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત પંચમીએ ઋતુરાજનું આગમન, આ દિવસે થયું મા સરસ્વતીનું પ્રાગટ્ય, કવિઓ ગાય વસંત-વિદ્યાદેવીનાં ગાન, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વિનોદ પટેલ,૧-૨૨-૨૦૧૮ વસંત પંચમી
વધુમાં, કવિ રાજેન્દ્ર શુક્લ રચિત નીચેની સુંદર ગઝલથી વસંતની પધરામણીને આવકારીએ.જાણીતા ગાયક અને સંગીતકાર અમર ભટ્ટ એ શાસ્ત્રીય રાગ વસંતમાં આ ગુજરાતી ગઝલ નું ગાન કર્યું છે.નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં એ સાંભળીને તમે જરૂર કશીશ અનુભવશો.
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી – રાજેન્દ્ર શુક્લ
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી, ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા, અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી!
૩૦મી જાન્યુઆરી એટલે કે ગાંધી નિર્વાણ દિને દેશ અને પરદેશમાં પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી .
આજથી ૬૯ વર્ષ અગાઉ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે મહાત્મા ગાંધીએ પોતાના જીવનની આહુતિ આપી હતી .ગાંધી દેશ માટે જીવ્યા હતા અને દેશ માટે શહીદ બની એમનાં કાર્યોથી વિશ્વમાં અમર બની ગયા.
વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –
“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખી માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.
રીડ ગુજરાતી.કોમના સૌજન્યથી ગાંધી ઉપરનો મને ગમેલો એક લેખ“મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ “એનાં લેખિકા સાહિત્યકાર સુશ્રી સોનલ પરીખના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ…..સોનલ પરીખ
મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ અત્યંત સીધુંસાદું હતું,સાથે અનેક પરિમાણીય અને માપનનાં કોઈ ધોરણોમાં બંધ ન બેસે તેવું વિરાટ હતું. તેઓ વિજ્ઞાન અને ટેકનોલૉજીના પ્રખર વિરોધી હતા એવી એક વ્યાપક માન્યતા છે. સાથે અનેક બુદ્ધિજીવીઓ ગાંધીજી આજે હયાત હોત તો કૉમ્પ્યુટર અને ઈન્ટરનેટનો માનવીય નિસબત અને માનવ વિકાસના સંદર્ભે સારામાં સારો ઉપયોગ કરતા હોત તેવું પણ માને છે.
તાજેતરમાં એક દળદાર અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થયું છે : ‘મ્યુઝિક ઑફ ધ સ્પિનિંગ વ્હીલ’ – જેમાં રેંટિયા જેવા સાદા યંત્રને સ્વાતંત્ર્યસંગ્રામ અને આત્મનિર્ભરતાનું પ્રતીક બનાવનાર મહાત્મા ગાંધીના ઈન્ટરનેટ યુગ સાથેનાં જોડાણની એક શક્યતા વર્ણવાઈ છે. પ્રસ્તુત છે વાચકો માટે એ પુસ્તકની થોડી રોચક વાતો….
વર્ષ 1931ના ડિસેમ્બર મહિનામાં મહાત્મા ગાંધી અને યુરોપના નૉબલ પ્રાઈઝ વિજેતા ચિંતક રોમા રોલાં – આ બે સુપ્રસિદ્ધ મહાપુરુષો વચ્ચે એક વાર્તાલાપ થયો હતો. આજે પણ એને વાંચીને મન પ્રકાશિત થઈ ઊઠે. તેનો એક અંશ જોઈએ.
રોમા રોલાં : તમે સત્યને ઈશ્વર શા માટે કહો છો ?
મહાત્મા ગાંધી : હિંદુઓમાં ઈશ્વરનાં હજારો નામ છે, પણ તેમાંનું એક પણ નામ ઈશ્વરની વિભૂતિને સર્વથા વ્યક્ત કરતું નથી. ઈશ્વર તેનાં સર્વ સર્જનોમાં- દરેક જીવમાં રહેલો છે. તેથી તેનું કોઈ એક નામ ન હોઈ શકે તેમ પણ આપણે કહીએ છીએ. પણ મારે માટે ઈશ્વરને વ્યક્ત કરી શકે તેવો જો કોઈ એક શબ્દ હોય તો તે સત્ય છે. પહેલાં હું કહેતો, ઈશ્વર સત્ય છે. પણ હવે હું માનું છું કે સત્ય ઈશ્વર છે.
રોમા રોલાં : પણ સત્ય એટલે શું ?
મહાત્મા ગાંધી : પ્રશ્ન અઘરો છે, પણ મેં મારા પૂરતું શોધી કાઢ્યું છે કે મારા અંતરાત્માનો અવાજ તે જ મારું સત્ય.
રોમા રોલાં : સત્ય એ જ ઈશ્વર હોય તો હું માનું છું કે ઈશ્વર એટલે પૂર્ણ આનંદ. સાચી કલા, નિરામય સૌંદર્ય, સૌજન્ય, સહજ આનંદ – આ ઈશ્વરનાં રૂપો છે.
મહાત્મા ગાંધી : હિંદુ ધર્મમાં ‘સચ્ચિદાનંદ’ શબ્દ છે. એનો અર્થ પણ આ જ છે. સત્ય આનંદવિહોણું ન હોઈ શકે. તેની શોધમાં હતાશા, યાતના, થાક બધું નથી આવતું તેમ નથી, પણ અંતે જે પ્રાપ્ત થાય છે તે નિર્ભેળ આનંદ જ હોય છે.
આ અંશ એક દળદાર પુસ્તક ‘મ્યુઝિક ઑફ ધ સ્પિનિંગ વ્હીલ : મહાત્મા ગાંધીઝ મેનિફેસ્ટો ફોર ધ ઈન્ટરનેટ એજ’ ના એક પ્રકરણમાંથી લેવામાં આવ્યો છે.
સત્ય, સત્ય પ્રાપ્તિનો નિર્ભેળ આનંદ અને સામાન્ય માનવીને પોતાનામાં રહેલાં સત્ય અને સત્વથી પરિચિત કરાવવો તે હતું મહાત્મા ગાંધીનું જીવન ધ્યેય. એક ગુલામ દેશનો હડધૂત થતો ગરીબ ગ્રામજન પણ પોતાની જાતને નિરુપયોગી કે અસહાય ન મહેસૂસ કરે તે માટે તેમણે તેના હાથમાં ચરખો મૂક્યો. ચરખાએ એ યુગમાં એવી ક્રાંતિ સર્જી કે ભારતનું નિર્માલ્ય પ્રજાજીવન એક વિરાટ ચૈતન્ય બની પોતાને જકડી રાખનાર સાંકળોને તોડી શક્યું.આ સંદર્ભે આ પુસ્તકના લેખક સુધીન્દ્ર કુલકર્ણી જે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈના અંગત સહાયક હતા, તેમણે એક રસપ્રદ વાત કરી છે કે જે ક્રાંતિ ચરખાએ ગાંધીયુગમાં કરી હતી એ ક્રાંતિ-સામાન્ય માનવીના સશક્તીકરણની- આજે ઈન્ટરનેટે કરી બતાવી છે.
ઈન્ટરનેટ વાપરતો વૃદ્ધ કે અશક્ત માનવી દુનિયાના એક ખૂણામાં બેસીને માહિતી, જ્ઞાન ને મનોરંજન મેળવી શકે છે. સમય બદલાતો જાય તેમ સાધનો બદલાતાં જાય : ત્યારે ચરખો હતો, આજે ઈન્ટરનેટ છે. પણ ધ્યેય બન્નેનું એક જ છે – અને તો પછી ઈન્ટરનેટ એક સાચા માનવપ્રેમી મહાત્મા ગાંધીની વૈચારિક ક્રાંતિનો જ એક ચહેરો કેમ ન હોઈ શકે ? સુધીન્દ્ર કુલકર્ણી ઈન્ડિયન એક્સપ્રેસની પોતાની કોલમમાં પણ આ વાત વારંવાર કહેતા.
મહાત્મા ગાંધીનો જન્મ 1869માં થયો. ઈન્ટરનેટનો જન્મ તેના બરાબર સો વર્ષ પછી એટલે કે 1969માં થયો. ઈન્ટરનેટ યુગનું એક સીમાચિહ્ન એટલે સ્ટીવ જૉબ્સ.
સ્ટીવ જૉબ્સે 1990ના દાયકામાં એપલનું મશહૂર ‘થીંક ડિફરન્ટ’ એડવર્ટાઈઝિંગ કૅમ્પેન શરૂ કર્યું ત્યારે તેણે મહાત્મા ગાંધીનો ચરખા સાથેનો ફોટોગ્રાફ પસંદ કર્યો હતો, જેના પર ‘થીંક ડિફરન્ટ’ ઉપરાંત ‘બી ધ ચૅન્જ યુ વીશ ટુ સી ઈન ધ વર્લ્ડ’ એવું મહાત્મા ગાંધીનું અવતરણ હતું.
ડિજિટલ ટેકનૉલૉજીના અનેક ચહેરા છે, પણ તેના સંશોધન સાથે ઊંડી સામાજિક નિસબત જોડાયેલી છે. ઈન્ટરનેટ વિશ્વ સાથે જોડાયેલા તમામ ‘જેન્યુઈન’ સંશોધકોનું ધ્યેય ધન નહીં, પણ માનવજાતની સેવા અને સર્જનાત્મકતાનો આવિષ્કાર છે. આ સંશોધકો કહે છે કે ડિજિટલ ક્રાંતિ ખરેખર તો પ્રકૃતિના ઉત્ક્રાંતિના નિયમને અનુસરે છે.
પ્રકૃતિમાં વિકાસ છે, પણ સંઘર્ષ નથી, સહકાર છે. ગાંધીએ પણ આ સિદ્ધાંત માનવવિકાસના પાયામાં જોયો છે. જોકે, ઈન્ટરનેટ વ્યાવસાયિકતાને રાજકારણની સાંકડી સીમાઓથી નિયંત્રિત થાય તો તે માનવવિકાસને બાધક નીવડે છે, જેમ માનવીનું મગજ નૈતિક મૂલ્યોવિહોણી બુદ્ધિથી ગેરમાર્ગે દોરવાય અને વિકાસને બદલે પતન લાવે તેમ.
સ્ટીવ જૉબ્સ કહે છે, ‘માનવીનું મન અત્યંત ઉધમાતિયું છે, જેમ તમે તેને શાંત પાડવા જાઓ તેમ તે વધુ ધાંધલ કરે છે, પણ એકવાર જો તે શાંત થાય તો એક સાચી ક્ષણમાં રહેલી અપરંપાર શક્યતાઓને જોઈ શકે છે.’ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ લખ્યું છે, ‘મન અશાંત પક્ષી જેવું છે. જેમજેમ તેને વધુ પ્રાપ્તિ થાય તેમતેમ તેની ઝંખના વધતી જાય છે. તેના અસંતોષનો કોઈ અંત નથી.’ ‘પ્રાર્થના, ઉપવાસ, મૌન અને કાંતણ વડે તે શાંત થાય છે અને ચરખાના મધુર ગુંજારાવ જેવો પોતાના આત્માનો અવાજ પછી તે સાંભળી શકે છે.’
સ્ટીવ જૉબ્સે ભારતમાં આવ્યા બાદ પોતાનું નિરીક્ષણ આ શબ્દોમાં નોંધ્યું છે : ‘અમેરિકા અને ભારત વચ્ચે અત્યંત વિરાટ સાંસ્કૃતિક તફાવત છે. ભારતની ગ્રામીણ પ્રજા અમેરિકાના લોકોની જેમ બુદ્ધિના આધારે નથી જીવતી. આ પ્રજા પોતાની સહજ સ્ફુરણાના આધારે જીવે છે અને આ તેમની આ શક્તિ વિશ્વની અન્ય પ્રજાઓ કરતાં અનેક ગણી વધુ વિકસિત છે. હું માનું છું કે ઈન્ટ્યુઝન ઈઝ મોર પાવરફુલ ધેન ઈન્ટલેક્ટ. મારા જીવન પર આ બાબતની બહુ મોટી અસર છે.’
8 એપ્રિલ, 1921માં ભારતભ્રમણ કર્યા બાદ એક વ્યાખ્યાનમાં ગાંધીજીએ કહ્યું હતું, ‘આ પ્રવાસમાં મેં જોયું કે ભારતની ગ્રામીણ સ્ત્રીઓ આપણે તેમને માનીએ છીએ તેવી બુદ્ધિહીન કે અસંસ્કારી નથી. તેઓ પોતાની સહજ સમજના આધારે ભણેલા ભારતીયોના વિચાર વાદળમાં ધૂંધળું જોતી દષ્ટિ કરતાં વધુ સ્પષ્ટ જોઈ શકે છે.’
લેખક કહે છે, ‘ઈન્ટરનેટ અને અન્ય ડિજિટલ ટેકનૉલૉજી મહાત્માના વિચારોનું વહન કરવાનું સામર્થ્ય ચોક્કસ ધરાવે છે.’ ઈન્ટરનેટમાં ગાંધી જેમાં માનતા તેવી વ્યક્તિગત અને વૈશ્વિક જીવનશૈલીનો નવો યુગ નિર્માણ કરવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. એક એવું વિરાટ વિશ્વ, જેની ધરી નૈતિક મૂલ્યોની બનેલી હોય – જેમાં સંવાદિતા અને સાતત્યપૂર્ણ વિકાસ હોય.
‘ઈન્ટરનેટ સત્યાગ્રહીઓ’ ઊભા કરવાની વાત સાથે લેખકે અટલ બિહારી વાજપાઈએ જે ભૌતિક, સાંવેદનિક, રાજકીય, વૈશ્વિક, પડોશી રાષ્ટ્રો વચ્ચેની અને ડિજિટલ ‘કનેક્ટિવિટી’ની વાત કરી હતી તેનો પણ સંદર્ભ આપ્યો છે. ગાંધીજી કહેતા, ‘હું ભારતનો નહીં, સત્યનો સેવક છું.’ તેઓ ક્રાંતિકારી હતા. તેઓ વિજ્ઞાન અને ટેકનૉલોજીના નહીં, માણસ અને માણસાઈનું હનન કરતાં તેનાં પરિણામોના વિરોધી હતા.
પુરાતન સાદા યંત્ર રેંટિયાથી માંડી તંત્રજ્ઞાનના વિકાસની ચરમસીમા સમા ઈન્ટરનેટ આ બન્ને અંતિમોને વિચારીએ તો લાગે છે કે મહાત્માની શાંતિમય અને અહિંસક વિશ્વકુટુંબ રચવાની ઝંખનાએ જે તાલાવેલીથી ચરખો ચલાવ્યો હતો તે જ નિપુણતાથી ઈન્ટરનેટને પણ આવકાર્યું જ હોત અને કૉમ્પ્યુનિકેશન રિવોલ્યુશનના આ યુગમાં પણ તેઓ અવતાર પુરુષ રહ્યા જ હોત. આ પુસ્તક મહાત્મા ગાંધીનો વૈચારિક ક્રાંતિનો તંતુ ઈન્ટરનેટ વિશ્વ સાથે જોડવાનો એક રસ પડે તેવો ઉપક્રમ લઈને આવ્યું છે. કોઈ ગાંધીજને કે ગાંધીયુગના કોઈ ચિંતકે ગાંધીવિચારોને આ પ્રકારનું પરિમાણ આપ્યું હોવાનું જાણમાં નથી.
બે એરીયાની જાણીતી સંસ્થા “બેઠક” ઘણી સુંદર સાહિત્ય પ્રવૃતિઓ કરી રહી છે, એમાંની એક પુસ્તક પરબની પ્રવૃત્તિ છે.એમાં સભ્યોને વાંચવા માટે પુસ્તકો અપાય છે.હવે નવા વર્ષથી સારા પુસ્તકો વડીલોને સાંભળવા મળે એ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓડિયો -વિડીયો માધ્યમનો ઉપયોગ શરુ કરી સદવિચારો લોકો સુધી પહોંચાડવા ” વાચિકમ” નું અભિનવ પગલું શરુ કર્યું છે. આ માટે આ સંસ્થાને અભિનંદન ઘટે છે.
નીચેના ઓડિયોમાં સુશ્રી.દીપલ પટેલને એક જાણીતા પુસ્તકમાંથી ૩૦મી જાન્યુઆરીના શહીદ દિનને અનુરૂપ ગાંધીજી વિશેના ભાગનું પઠન કરતાં તમે સાંભળી શકશો.
વાચકોના પ્રતિભાવ