વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: અછાંદસ કાવ્ય

( 903 ) મધર્સ ડે … માતૃ દિન પ્રસંગે માતાને અંજલિ / બે વાર્તાઓ

આજે ૮ મી મે નો દિવસ મધર્સ ડે નો દિવસ છે.દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે-માતૃ દિન-ઉજવાય છે અને એ રીતે જન્મ દાતા માતાનું સન્માન કરવામાં આવે છે.

મારા જીવનમાં મારી માતાનું સ્થાન અવિસ્મરણીય છે.આજે મધર્સ ડે ના દિવસે દર વર્ષની જેમ એમના પ્રેમાળ અને ત્યાગમય જીવનને યાદ કરી આજની પોસ્ટમાં એમને ભાવભીની સ્મરણાંજલિ અર્પું છું.

પૂજ્ય માતુશ્રી સ્વ.શાંતાબેન પટેલ (અમ્મા)ને કાવ્યાંજલિ 

SRP-MODHER'S DAY-2

               સ્વ.માતુશ્રી શાંતાબેન રે.પટેલ(અમ્મા)                 

 માતૃ વંદના… અછાંદસ રચના

ઓ મા સદેહે હાજર નથી એ કેમે કરી મનાય ના,

સ્મરણો તમારાં અગણિત છે,જે કદી ભૂલાય ના.

કોઈની પણ મા મરશો નહી એવું જગે કહેવાય છે,

જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે.

માનવીના હોઠ પર સુંદર શબ્દ જો હોય તો તે મા,

વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા.

સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો,

ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો.

ભજન,ભક્તિ વાચન અને યાદ આવે એ રસોઈકળા,

ખુબ પરિશ્રમી હતી તમારી રોજે રોજની દિનચર્યા.

કર્તવ્ય પંથે અટલ રહીને,સૌની ચિંતાઓ માથે લઇ,

અપૂર્વ ધીરજ બેશબ્દ રહીને વેદનાઓ સહેતી રહ્યાં.

પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી,

ગુલાબો ખીલવી ગયાં ,અમ જીવન પંથમાં પ્રેમથી.

ચંદન સમું જીવન તમારું ઘસાયું હતું કાળ પથ્થરે,

લેપ હૃદયમાં કરી એનો, સુગંધ માણી રહ્યાં અમે.

પ્રેમ,નમ્રતા,કરુણા,પ્રભુમય જીવનને હું વંદી રહ્યો,

દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારીથી જીવી રહ્યો.

શબ્દો ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના,

અલ્પ આ શબ્દોથી માતા,કરું હૃદયથી વંદના.

વિનોદ પટેલ, મધર્સ ડે, ૫-૮-૨૦૧૬

મારાં પૂજ્ય માતુશ્રી સ્વ.શાંતાબેન પટેલની પ્રેરક જીવન ઝરમર

માત્ર એક જ અક્ષરના શબ્દ “મા” માં જન્મથી મૃત્યુને આવરી લેતી કેટલી કેટલી વાર્તાઓ સમાઈ ગઈ હોય છે ! મા એટલે જાણે કે માઈક્રોફિક્શનથી માંડી લાંબી નવલકથાનું વાર્તા સ્વરૂપ.મારાં પૂજ્ય માતુશ્રી ની આ જીવન ઝરમર એનું એક ઉદાહરણ છે.

મારાં પૂજ્ય માતુશ્રી સ્વ.શાંતાબેન પટેલની

પ્રેરક જીવન ઝરમર

મધર્સ ડે ને અનુરૂપ બે વાર્તાઓ 

મમત્વ નો મહાસાગર … એક લઘુ કથા ….. યશવંત કડીકર

દીકરો અમેરિકાથી આવ્યો હતો.એની સાથે એના મિત્રો મળવા દોડી આવેલા.ઘરમાં ધાંધલ-ધમાલ મસ્તીનું એક રૂડું તોફાન સર્જાયું હતું.

મા ના હરખનો પાર ન હતો. “શું કરું?”…શું ના કરું?ની દ્વિધામાં મા ઘેલીઘેલી થઇ ગઈ હતી. મા એ બધાને જમવા બેસાડ્યાં. ખૂબ પ્રેમથી મા એ ભાવતા ભોજન બનાવેલા. રખેને દીકરાને કાંઈ ઓછું ન આવી જાય એ માટે તેના સ્વાદની પૂરેપૂરી તકેદારી રાખી હતી.

આ મા ને જાને આજે સર્વસ્વ મળ્યું હતું. સમજોને કે જાણે ઘરે પ્રભુ પધાર્યા હતાં.

દીકરો અને તેના મિત્રો વાતો કરતા કરતા જમ્યે જતા ને મા આગ્રહ કરીને પીરસતી રહેતી. દરેક કોળીયે મા નો પ્રેમ પણ જમી રહ્યો હતો. મિત્રો પણ માતૃત્વના અમી-સિંચનને માણી રહ્યા હતાં.

જમ્યા બાદ મા એ કબાટમાંથી ઈસ્ત્રીબંધ રૂમાલ હાથ લુછવા આપ્યો. પુત્રે હાથમાં લઇ તો લીધો. પણ ગડી ખોલતા જ તેની આંખોમાંથી ચોધાર આંસુઓ ટપકવા લાગ્યા. પેલો રૂમાલ પણ ભીંજાવા લાગ્યો.

માને થયું ‘આમ કેમ? શું મારા દીકરાને કાંઈ ઓછું આવ્યુ?…જમવામાં સ્વાદ ના મળી શક્યો?, એના મિત્રોને સાચવી ન શકાયાં?….ક્યાં અડચણ આવી?’- પોતાના દીકરાની આંખોમાં આંસુ જગતની કઈ મા જોઈ શકે?

દીકરો ડૂસકાં ભરતા બોલ્યો: “મા ! મને આ ઈસ્ત્રીબંધ રૂમાલ ના જોઈએ. મને તો તારા આ સાલ્લાનો પાલવ આપ જેનાથી હું કાયમ મારા હાથ લૂંછતો આવ્યો છું.”

મા-દીકરો રડતા રડતા એકબીજાને ખૂબ પ્રેમથી ભેંટી પડ્યા. જગતની કોઈ તાકાત તેમને છુટા પાડવા શક્તિમાન નહોતી. અને એ આંસુઓની પાછળ ઘૂઘવાતો હતો મમત્વનો મહાસાગર….

શ્રી યશવંત કડીકર

 

મધર્સ ડે ને અનુરૂપ એક હૃદય સ્પર્શી વાર્તા

(ભાવાનુવાદ) …. વિનોદ પટેલ

(નેટ પર એક માતાની મમતાને ઉજાગર કરતી એક અંગ્રેજીમાં વાર્તા વાંચી જે દિલને સ્પર્શી ગઈ.એનો ભાવાનુવાદ કરીને એ હૃદય સ્પર્શી વાર્તા અત્રે પ્રસ્તુત છે.—વિ.પ.)

બાલિકાનો ડ્રેસ 

હું જ્યારે એની નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે એક નાનકડી નિર્દોષ બાળાએ આંખમાં આંસુઓ સાથે મને પૂછ્યું:

મેમ,તમને મારો આ ડ્રેસ કેવો લાગ્યો,તમને ગમે છે ?મારી મમ્મીએ આ ડ્રેસ ખાસ મારા માટે જ બનાવ્યો છે .”

મેં કહ્યું :”વાહ, સૌને ગમે એવો બહુ જ સુંદર ડ્રેસ છે.પણ ડોલી મને કહે તું કેમ રડે છે,તારી સુંદર આંખોમાં આંસુ કેમ છે?”

રુદનથી કંપતા અવાજ સાથે બાળાએ જવાબ આપ્યો “આન્ટી, મારા માટે આ ડ્રેસ બનાવ્યા પછી મારી મમ્મી દુર ચાલી ગઈ છે.”

મેં એને આશ્વાસન આપતાં કહ્યું :”આવી નાની છોકરીને વધુ રાહ જોતી મુકીને કોઈ માતા લાંબો સમય બહુ દુર ના જતી રહે,આટલામાં જ ક્યાંક હશે,થોડી વારમાં જ આવી જશે, રાહ જો,રડીશ નહિ .”

ના મેમ,તમે સમજ્યા નહિ.” આંખમાંથી વહેતાં આંસુ સાથે બાળાએ કહ્યું “મારા ડેડી કહે છે કે જ્યાં મારા દાદા ગયા છે ત્યાં એ ઉપર સ્વર્ગમાં હવે એમની સાથે રહે છે.”

મને હવે સમજાયું કે એ શું કહી રહી હતી,અને એ કેમ રડતી હતી.”

મને આ બાળા પ્રત્યે સહાનુભુતિની લાગણી થઇ આવી. નીચે નમીને મેં એને બે હાથે ઊંચકી લીધી.દુર સ્વર્ગમાં ગયેલી એની મમ્મી માટે એના રડવામાં હું પણ અનાયાસે જોડાઈ ગઈ.

ત્યારબાદ આ છોકરીએ એકાએક જે કર્યું એ મેં જ્યારે જોયુ એ મને સ્હેજ વિચિત્ર લાગ્યું.

બાળકીએ એકાએક રડવાનું બંધ કરી મારાથી બે ડગલા દુર જઈને ગાવા લાગી.એટલા ધીમા અવાજથી ગાઈ રહી હતી કે કાન ધરીએ તો માંડ એ સંભળાય.ઝાડની ડાળીએ એક નાનું પક્ષી જાણે મુક્ત મને ગાઈ ના રહ્યું હોય એવા મીઠા મધ જેવા અવાજે એ ગાઈ રહી હોય, એવી ત્યારે મને અનુભૂતિ થઇ આવી.

બાળકીએ ગાવાનું પૂરું કર્યું અને મને સમજાવવા લાગી કે “મારી મમ્મી દુર ચાલી ગઈ એ પહેલાં એ હંમેશાં મારી આગળ ગાતી હતી અને મારી પાસેથી  એણે એક વચન લીધું હતું કે કોઈ વાર જ્યારે હું રડવાનું શરુ કરું ત્યારે રડવાનું અટકાવીને આ ગીત ગાવું.”

એના બે નાજુક હાથ મારી આગળ પહોળા કરી સસ્મિત આંખોમાં આશ્ચર્યના ભાવ સાથે કહેવા લાગી “જુઓ મમ્મી  કહેતી હતી એ સાચું પડ્યું ને,ગાયા પછી મારી આંખોમાં હવે જરાએ પાણી છે!” એના હોઠ પર સ્મિત જોઈને મારો દિવસ જાણે કે સુધરી ગયો.

હું ત્યાંથી જ્યારે જવા કરતી હતી ત્યારે આ નાનકી છોકરીએ

મારો હાથ પકડી અટકાવી મને કહે :”ઓ મેમ,તમે એક મિનીટ માટે ઉભા રહો તો તમને હું કશુક બતાવવા માગું છું”

“બેશક,જો હું ઉભી રહી,બોલ તું મને શું બતાવા માગે છે?” 

એના ડ્રેસની એક જગાએ આંગળી ચીંધી,આ બાલિકાએ કહ્યું :”આ જ જગા છે જ્યાં મારી મમ્મીએ ડ્રેસ બનાવીને ત્યાં એના હોઠોથી વ્હાલથી ચુંબન કર્યું હતું.ડ્રેસ પર બીજી જગા બતાવી કહે:”અને પછી અહી ચુંબન કરેલું અને પછી અહીં…અહીં …”એમ બતાવતી ગઈ.

મારી મમ્મીએ પછી મને કહ્યું હતું :”બેટા,હું તારા ડ્રેસ પર આ બધાં ચુંબન એટલા માટે કરું છું કે જ્યારે જ્યારે પણ તું  રડવાની ભૂલ કરી બેસું ત્યારે દરેક પ્રસંગે એનું એક એક ચુંબન તને શાંત્વન આપતું રહેશે.”

આ છોકરીના નાજુક મુખેથી આ બધી વાત સાંભળી મારા અંતરમાં અનુભૂતિ થઇ કે હું એના ડ્રેસને નહી પણ એની ભીતર રહેલી એક વ્હાલસોઈના માતાને સાક્ષાત સ્વરૂપે જોઈ રહી હતી.આ એક એવી માતા હતી જે જાણતી હતી એ એની વ્હાલી દીકરીથી દુર જઇ રહી છે અને જ્યારે એને કોઈ વાતે દુખ પહોંચશે અને રડી પડશે એ વખતે એને ચૂમી લેવા માટે એ હાજર નહિ હોય.એટલા માટે એણે એક પરી જેવી સુંદર દીકરી પ્રત્યેનો એનો બધો જ પ્રેમ એના ડ્રેસમાં જુદી જુદી જગાઓએ ચુંબનો કરીને ઠાલવ્યો હતો જે ડ્રેસ આ બાલિકાએ ગર્વથી પરિધાન કર્યો હતો.

એ વખતે હું એક સાધારણ ડ્રેસ પરિધાન કરીને ત્યાં ઉભેલી એક નાની બાલિકાને નહિ પણ એ ડ્રેસ મારફતે એક માતાના પ્રેમના કવચથી વીંટળાઈએલી એક નશીબદાર બાલિકાને જોઈ રહી હતી !

(ભાવાનુવાદ – વિનોદ પટેલ )

Happy Mother's Day 2016

 

 

( 768 ) ગાંધી અને આઝાદી ….અછાંદસ કાવ્ય રચના …..વિનોદ પટેલ

ગાંધી અને આઝાદી …

Gandhi -color

પંદરમી ઓગસ્ટ ૧૯૪૭, ભારત બન્યું આઝાદ,

ખુશી ફરી વળી, સમગ્ર દેશે જશન મનાવ્યો,

દિલ્હીમાં દેશ નેતાઓ ઉજવણીમાં મગ્ન હતા,

પણ આઝાદીની લડતની આગેવાની લેનાર,

આઝાદી માટે એનું જીવન ખપાવનાર ગાંધી,

અલિપ્ત રહ્યો. ગેરહાજર રહ્યો એ ઉજવણીઓમાં,

ક્યાં હતો આ જશન ટાણે, અને શું કરતો હતો ?

કોમી દંગાઓથી દુખી આ દેશનેતા, એ વખતે,

દિલ્હીની ઉજવણીની ખાણી પીણીથી ઘણે દુર ,

બંગાળના નાના ગામડામાં અનશન કરતો હતો,

એવો નિસ્પૃહી હતો આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી !

જે માણસ આઝાદી મળ્યાના માત્ર છ માસ પછી ,

એક ખૂનીના હાથે, દેશ માટે શહીદ થઇ ગયો.

દેશ માટે જીવનાર અને મરનાર આ મહાત્માને,

આઝાદીના ૬૮મા પર્વે મારી સો સો દિલી સલામ .

–વિનોદ પટેલ

 

( 654 ) ઝાડું આજે શું કહે છે ?….અછાંદસ …વિનોદ પટેલ

ઝાડું આજે શું કહે છે ?….અછાંદસ …વિનોદ પટેલ 

આજકાલ હું બહુ જ, બહુ જ ખુશમાં છું ,

જ્યાં જુઓ ત્યાં હું જ હું દેખાઉં છું,

મારી આબરૂમાં થયેલો વધારો જોઈ,

મનમાં આજે ખુબ જ મલકાઉ છું.

હડધુત થયું હતું હું જમાનાઓથી,

મારી જાતને ગંદી કરી બધું સ્વચ્છ કરતું એમ છતાં,

અસ્પૃશ્યો સાથે હું પણ અસ્પૃશ્ય બન્યું હતું !

મારું સ્થાન ઘરના એવા ખૂણામાં હતું ,

જયાં કોઈની નજર પણ કદી પડે નહી.

ખુબ જ દુખી હતું આવા હીન માનવ વર્તાવથી.

મારી ખરી કિંમત શું છે એ સૌએ ત્યારે જાણી,

જ્યારે ગાંધી જયંતીએ , દેશના વડા પ્રધાને,

મને હાથમાં પકડ્યું ,અન્યોને પકડાવ્યુ અને ,

સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું  ત્યારે .

એક દિવસે તો મારા ભાવ આસમાને ચડી ગયા ,

જ્યારે આમ આદમી પાર્ટીનું હું ચુનાવ ચિન્હ બન્યું ,

ઘર ઘર મારા ફોટા, નેતાઓના હાથમાં રમી થયું ,

સદા ખૂણામાં પડી રહેતું એ બજારમાં ઘૂમી રહ્યું,

મારા નિશાન બળે તો વિજય પતાકા લહેરાઈ ,

આમ આદમી પક્ષના પાંચ વર્ષના,

રાજ વહીવટનું હું નિમિત બની શક્યું .

આજકાલ હું બહુ ખુશ છું, ગર્વિષ્ટ પણ છું,

લોક સમુહે જ્યારે મારી ખરી કિંમત જાણી છે,

જ્માનાઓથી થતો અન્યાય હવે દુર થયો છે .

ઝાડું ભલે રહ્યું ,પણ કામનું છું ,અરે કીમતી છું ,

માટે હાથ જોડી અરજ કરું છું,

મહેરબાની કરી મને હવે ફરી કદી તિરસ્કૃત કરશો નહિ.

દુનિયામાં કોઈ ઉચ્ચ નથી ,કોઈ નીચ નથી ,

સમય આવ્યે, દરેકની કિંમત થતી વર્તાય છે .  

વિનોદ પટેલ, 2-15-2015 

 

 

( 640 ) પ્રતિલિપિમાં પ્રગટ મારી બે કાવ્ય રચનાઓ …. વિનોદ પટેલ

ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ખુબ જ અગત્યનું કામ ખુબ જ ઉત્સાહથી કરી નિસ્વાર્થ સેવા બજાવી રહેલ સંસ્થા પ્રતિલિપિએ તાંજેતરમાં   મારી બે કાવ્ય રચનાઓ પ્રગટ કરી છે .

અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ નંબર ( 608 ) અને પોસ્ટ નંબર (612) એમ બે પોસ્ટમાં પ્રતિલિપિનો પરિચય કરાવવામાં આવ્યો છે .

વિ.વિ.ના વાચકોના આસ્વાદ માટે મારી આ બે કાવ્ય રચનાઓને પ્રતિલિપિના આભાર સાથે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ

==============================

 

મધમાખીનો સંદેશ ….અછાંદસ કાવ્ય …… વિનોદ પટેલ 

Honey bee

કાવ્ય વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરશો.

http://www.pratilipi.com/read?id=5112049726128128

 

તો સારું … કાવ્ય…. વિનોદ પટેલ

http://www.pratilipi.com/read?id=5663269050122240

 

 

( 607 ) ” મીણબત્તી અને જીવન ” નું કાવ્ય …ચિંતન …… (મારી નોંધપોથીમાથી)

આજે સવારે આજની પોસ્ટનો વિચાર કરતાં કરતાં મારી નોધપોથીનાં પાનાં ફેરવી રહ્યો હતો ત્યારે તારીખ ૮મી સપ્ટેમ્બર ,૨૦૧૧ ના રોજ એમાં નોધેલું “ મીણબત્તી “ ઉપરનું કાવ્ય મારી નજરે પડ્યું.

મને બરાબર યાદ છે ઓગસ્ટ /સપ્ટેમ્બર ૨૦૧૧ માં બે મહિના મારી દીકરીને ત્યાં લોસ એન્જેલસ, એનેહેઈમમાં હતો. એ વખતે મારા જમાઈએ મારા લેપટોપમાં ગુજરાતીમાં કેમ લખાય એ શીખવ્યું હતું અને ગુગલ ગુજરાતીમાં લખવાની સીસ્ટમ કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી આપી હતી. ત્યારબાદ ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ ત્યાંથી જ મેં વિનોદ વિહાર બ્લોગની  શરૂઆત કરી હતી.

૮મી સપ્ટેમ્બર, ૨૦૧૧ ના રોજ સવારના ચા-નાસ્તો પતાવી બેક યાર્ડમાં  રાખેલા હીંચકા ઉપર વિચાર કરતો બેઠો હતો.પૂર્વ દિશામાં હમણાં જ બહાર આવેલા સૂર્યનાં બાળ કિરણો પીઠ પાછળથી શરીરને ગરમ કરતાં લોન અને ફૂલ ઝાડ ઉપર પથરાઈ રહેલાં એ જોઈ રહ્યો હતો.વાતાવરણમાં દિલને ખુશ કરી દે એવી આહલાદક ઠંડક હતી.

VRP- IN HINCHKA

 

દીકરી અને જમાઈ જોબ ઉપર જવા નીકળી ગયાં હતાં. બે દોહિત્રો  પણ એમની સ્કુલમાં જવા નીકળી ગયા હતા.વાતાવરણમાં સવારના કોલાહલ વિનાની શાંતિમાં એકલો હીંચકા ઉપર બેઠો  બેઠો વિચારોમાં ખોવાયો હતો . એ વિચાર વલોણામાંથી નીપજેલ માખણ એટલે જ આજની પોસ્ટમાં પ્રસ્તુત મીણબત્તી અને જીવન વિશેની કાવ્ય રચના.

એકલતામાં જ્યારે અંદરનો અને બહારનો કોલાહલ શાંત થઇ જાય ત્યારે એવા શાંત સરોવરના પાણી જેવા સ્થિર અને શાંત મનના  શૂન્યાવકાશમાંથી કોઈ   નવું સર્જન શક્ય બનતું હોય છે.  

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક વિચક્ષણ રાજ પુરુષ હોવા ઉપરાંત એક સારા કવિ ,લેખક અને ચિંતક પણ છે.એકાંતમાં સર્જકની લેખનની પળનું પ્રાગટ્ય કેવી રીતે થાય છે એ એમણે નીચેના શબ્દોમાં સુંદર રીતે રજુ કર્યું છે. પદ્યમય ગદ્યનો એક સરસ નમુનો !

“કલ્પનાના અશ્વ ઉપર શબ્દનો અસબાબ સર્જક માટે સવારીની ખુમારી લઈને આવે છે.મન મેદાનની મોકળાશ કૃતિને કાગળ પર થનગનતું રૂપ આપી જાય છે ત્યારે રચના આકાર લેતી હોય છે.ક્રિયેશન માટે તો શૂન્યાવકાશ જોઈએ.આખું ને આખું  આકાશ,રૂપ રંગ વગરનું આકાશ આપણી ભીતર સમાઈ ગયું હોય ,ઉઘાડી આંખ પણ બહાર નહીં ,અંદર હોય, શબ્દની શોધ નહિ ,અક્ષરોનો મેળાવડો નહિ,હૃદય રડતું હોય,તીવ્રતા સ્પર્શતી હોય -જેમ સાગરના મોજાની ખારાશ જીભને કે આંખને અડકે તો ચીસ પડાવી દે : પણ નજર હૈયાને સ્પર્શે તો ? ભવસાગર અંદર જ સમાઈ જાય ….. શબ્દોની નાવ હલેસાં વગર હિલોળા લેવા માંડે !!!”

-નરેન્દ્ર મોદી

મીણબત્તી અને જીવન…… (મારી નોંધપોથીમાથી) 

મીણબત્તી અને જીવન વિષે એ દિવસના એકાંતના વિચારોમાંથી  જે સર્જન થયું અને નોધપોથીમાં ટપકાવી લીધું એને અપડેટ કરી આજે નીચે પ્રસ્તુત કરુ છું.

મીણબત્તી અને મનુષ્યનું જીવન ઘણી રીતે મળતું આવે છે.

એક મીણબત્તીથી ત્રણ વસ્તુ કરી શકાય છે.

કેટલીક મીણબત્તીને આપણે એ પૂરી બળી રહે એ પહેલાં એને ફૂંક મારીને ઓલવી નાખીએ છીએ . કોઈ મીણબત્તીને આપણે પૂરી બળવા દઈએ છીએ અને કોઈ મીણબત્તી પૂરી બળી જાય અને ઓલવાઈ જાય એ પહેલાં એનાથી બીજી મીણબત્તી સળગાવીને એની જ્યોતના પ્રકાશને ચાલું રાખીએ છીએ.

આ પ્રમાણે આપણી જિંદગીની મીણબત્તીની જ્યોત ઓલવાઈ જાય એ પહેલાં એ જ્યોતથી બીજી અનેક મીણબત્તીઓમાં જ્યોત પ્રગટાવી પ્રકાશ ફેલાવતા રહેવામાં જ જિંદગીની સાર્થકતા રહેલી છે.

આ જગતમાં મારા વિના બધું અટકી પડશે એમ માનનારાઓથી  કબ્રસ્તાન ભરપુર છે.આ જગત ઉપર કોઈના વિના કશું ય અટકી પડ્યું નથી કે પડશે પણ નહિ.ગુલાબો ખીલતાં રહેવાનાં છે,ખરતાં રહેવાનાં છે,પરંતુ ,એક ગુલાબના ફૂલની સાર્થકતા એના સૌન્દર્ય અને એની મહેકમાં છે. ગુલાબ ખરી પડશે, ભુલાઈ જશે પણ એની મહેંક અને સૌન્દર્ય સાથેની એની ગુલાબતા શાશ્વત રહેવાની છે.

મીણબત્તીનું કાવ્ય

Candle

હું છું એક મીણબત્તી

મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી,

ઋજુતા ,સુંદરતા છે મારી એક પહેચાન,

બાળી જાતને પ્રસરાવું બધે મારો પ્રકાશ ,

ગર્વ થાય  જ્યારે આપું હું મારું બલિદાન.

પ્રભુ સંગાથે મારો છે નિવાસ ચર્ચમાં, 

મારી સેવાની જ્યોત બુઝાય એ પહેલાં,

સાથી મીણબત્તીમાં જલાવું હું મારી જ્યોત,

મનુષ્ય જીવન બનાવો મીણબત્તી સમાન,

જીવન મીણબત્તી બુઝાઈ જાય એ પહેલાં,

પ્રકાશિત રાખો, અન્યમાં સેવાની જ્યોત,

જાતને ઓગાળો, પ્રકાશ ફેલાવો મારી જેમ ,

એ છે મારો હું બુઝાઉં એ પહેલાંનો આ સંદેશ.

મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી

પ્રકાશ માટે બલીદાન, એ મારી પહેચાન.

વિનોદ પટેલ  

૮મી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ આ કાવ્યને એ દિવસની  પોસ્ટમાં મુકવાનું હતું પણ કોઈ કારણે એ નોટબુકમાં જ રહી ગયું હતું એને આજની પોસ્ટમાં મૂકી શક્યો એનો આનંદ છે.એ વાતને ત્રણ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો !

આભાર દર્શન

Namaste !

૧ લી સપ્ટેમબર, ૨૦૧૧ના રોજ જ્યારે વિનોદ વિહાર બ્લોગની  શુભ શરૂઆત કરી હતી એ વખતે મનમાં ડર હતો કે  બ્લોગ શરુ તો કર્યો છે પણ એને કેટલા માણસો વાંચવાના છે .

આજે ત્રણ વર્ષ અને બે મહિના વીત્યા બાદ વર્ડ પ્રેસના   વાચકો માટેના મીટરનું રીડીંગ બતાવે છે એ પ્રમાણે આજે  191700 + માનવંતા મુલાકાતીઓ વિનોદ વિહારમાં લટાર મારી   ચુક્યા છે અને 261 બ્લોગર અને અન્ય મિત્રો આ બ્લોગને નિયમિત ફોલો કરી રહ્યા છે .

વિનોદ વિહારમાં આજ સુધીમાં એકાંતના સર્જન જેવી  607 પોસ્ટ મુકીને વાચકોને રસ પડે એવા સંપાદિત તથા સ્વ-રચિત લેખો , કાવ્યો , વિડીયો વિગેરે મારફતે સૌને જીવન સ્પર્શી ,ચિંતન કરવા પ્રેરે સૌને ગમે એવી ઉપયોગી સાહિત્ય સામગ્રી પીરસવાનો બને એટલી ચીવટ અને જહેમતપૂર્વક પ્રયત્ન કર્યો છે.

મારે મન બ્લોગ અને બ્લોગીંગ શું છે એ અંગે અગાઉની પોસ્ટ નંબર(597)  માં મુકેલ અછાંદસ રચનામાં મારા વિચારો રજુ કર્યા છે . 

આજદિન સુધી જે મિત્રો/સ્નેહીજનોએ આ બ્લોગની મુલાકાત લઇ અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો છે એ તમામ સાહિત્ય રસિક મિત્રોનો સાનંદ અંત:કરણપૂર્વક આભાર માનું છું .

વિનોદ પટેલ

 

 

( 597 ) મારે મન બ્લોગ અને બ્લોગીંગ શુ છે ? …..વિનોદ પટેલ

 આજના ડીજીટલ સાયબર યુગમાં ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે પ્રિન્ટ મીડિયાની સાથે સાથે  બ્લોગ વિશ્વ પણ એક અગત્યનું સાધન બની ગયું છે .

પહેલાં જે અખબારો અને સામયિકો લોકો પૈસા ખર્ચીને મંગાવીને વાંચતા હતા એ લગભગ બધું જ સાહિત્ય ઈન્ટરનેટમાં  કોમ્પ્યુટરના કી-બોર્ડ ઉપર આંગળીનું ટેરવું દબાવતાં જ વિના મુલ્યે વાંચવા માટે ઉપલબ્ધ બન્યું છે .

વિશ્વભરમાં કેટલા બધા ગુજરાતીઓ વ્યવશાય અર્થે સપરિવાર રહે છે ? એમાંના ઘણા ખરા ગુજરાતીઓને એમના વ્યવસાયોમાં વ્યસ્ત રહેવા છતાં જીવન ઉપયોગી સાહિત્ય પોતાની ગુજરાતી ભાષામાં વાંચવાની ભૂખ પડેલી હોય છે,એને બ્લોગના માધ્યમથી સારી રીતે સંતોષી શકાય છે .

ખાસ કરીને પરદેશમાં નિવાસી બનેલા નિવૃત વયોવૃદ્ધ ગુજરાતી ભાષી સજ્જનો માટે તો ગુજરાતી બ્લોગ જગત એક આશીર્વાદ સમાન છે જે એમના તરફથી મળતા પ્રતિભાવોમાંથી જોઈ શકાય છે.ગુજરાતી બ્લોગ વિશ્વ આજે કુદકે અને ભૂસકે વિસ્તૃત થતું જાય છે એનું આ જ મુખ્ય કારણ છે .

 આ બધા ગુજરાતી બ્લોગોમાં રોજે રોજ એટલું બધું સાહિત્ય વાંચવા માટે ઉપલબ્ધ હોય છે કે શું વાંચવું , શુ ના વાંચવું એની મીઠી મુંઝવણ અનુભવાતી હોય છે .આજે ૧૦૦૦ + એકલા ગુજરાતી બ્લોગ જ અસ્તિત્વ ધરાવે છે.ગુજરાતી બ્લોગ વિશ્વમાં જેને ખરેખર સારા કહી શકાય એવા કેટલાક બ્લોગો ગુજરાતી ભાષા અને એની અસ્મિતા માટે બહુ જ સુંદર કામ કરી રહ્યા છે. 

દરેક બ્લોગર મિત્રો એમની રીતે સાહિત્યની સામગ્રી પીરસી રહ્યા છે.વિશાળ બ્લોગ રૂપી સમુદ્રમાં ડૂબકી મારીને આજે ગુજરાતીઓ સાહિત્યરૂપી મોતીઓ પ્રાપ્ત  કરવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે .

મારા બ્લોગિંગના ત્રણ વર્ષના અનુભવ ઉપરથી મારે મન બ્લોગીંગ અને બ્લોગનું શું મહત્વ છે એને મારી નીચેની ત્વરિત અછાંદસ કાવ્ય રચનામાં પ્રસ્તુત કરેલ છે.

 બ્લોગ અને બ્લોગીંગ 

બ્લોગીંગ એ જન હિતાર્થે  કરવા જેવી  એક સેવા છે

જીવન સંધ્યાએ રમવા જેવી એક ઉપયોગી રમત છે

બ્લોગ મિત્રો સાથે અંતરનો તાર જોડવાનું સાધન છે

સરખા સાહિત્ય રસિકો સાથે ચર્ચા કરવાનો ચોતરો છે

સુતેલા સાહિત્ય રસને ઢંઢોળીને જગાડવાની ચાવી છે

સાહિત્ય રસની તરસ છીપાવવા માટેની એક પરબ છે

ગમતાનો ગુલાલ કરવા માટેની ગુલાલ ભરી થાળી છે

જીવન પોષક સાહિત્ય વાંચવા માટેનો એક ખજાનો છે

 ગુજરાતીને ગુજરાતીતા સાથે જોડતી કડી એક બ્લોગ છે

બ્લોગ એક મનોરમ્ય ગદ્ય પદ્ય ફૂલોની  ફૂલવાડી છે

સાહીત્ય બાગના ફૂલોની મહેંક ફેલાવતો એક પવન છે

મનને કોરતી એકલતા દુર કરવાનું અકસીર ઓસડ છે 

બ્લોગીંગને  એક  મેડીટેશન કહો યા તો એક યોગ છે

નિવૃતિનો સદુપયોગ કરવાની એક ઉત્તમ પ્રવૃત્તિ છે

ગદ્ય પદ્ય સર્જન અને વાંચન બાદની આનંદયાત્રા છે   

વિનોદ પટેલ

————————————————

મુંબાઈ,વાશીમાં રહેતા અને પત્રકારત્વ અને સામયિકોનો બહોળો અનુભવ ધરાવતા શ્રી જીતેન્દ્ર પાઢ અમેરિકા, પોર્ટ લેન્ડમાં રહેતા એમના પુત્રને ત્યાં અવાર નવાર આવતા હોય છે.

એમની અમેરિકાની ત્રીજી વારની યાત્રામાં એમની એકાંતની પળોમાં ઈન્ટરનેટ અને ગુજરાતી ભાષાના ઓન લાઈન સાહિત્ય -બ્લોગ વિશ્વ- નો અભ્યાસ કર્યા પછી એમના અનુભવની વાતો એમણે અક્ષરનાદ બ્લોગમાં પ્રકાશિત એમના એક લેખમાં કરી છે.

આજની પોસ્ટના સંદર્ભમાં અક્ષરનાદ અને લેખકના આભાર સાથે  એમનો લેખ નીચેની લીંક ઉપર વાંચવા જેવો છે.

વિદેશની અટારીએથી….. વેબ જગતનું વાંચન …..જિતેન્દ્ર પાઢ