ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

હે જિંદગી !… એક અછાંદસ રચના
હે જિંદગી! તારી પાસેથી હવે,
મારે કશું વધુ નથી જોઈતું,
જે જિંદગી જીવ્યો છું,પામ્યો છું એનો,
અફસોસ નથી પણ એક સંતોષ છે.
જીંદગીમાં હસ્યો છું તો રડ્યો પણ છું,
પ્રેમ પામ્યો છું તો પ્રેમ આપ્યો પણ છે,
હવે તો છેક સામો કિનારો દેખાઈ રહ્યો છે,
જિંદગીનો પ્યાલો હવે ભરાવા આવ્યો છે,
આ પ્યાલામાં આંસુઓ સાથે ખુશીઓ પણ છે
જિંદગીના દિવસો હવે જે બાકી રહ્યા છે,
એમાં નવી આશા અને ઉમંગ જોઈ રહ્યો છું,
જીવન સંધ્યાના અવનવા રંગો નિહાળી રહ્યો છું,
મૃત્યુને ભૂલી જીવનની બાકી યાત્રાને માણું છું.
આ યાત્રાના આનંદને શક્ય એટલો વહેંચું છું.
જન્મ,વ્યાધી મરણ એ જીવનના જ ભાગ છે,
માણેલી જિંદગી વાગોળવાની પણ મજા છે,
હવે કોઈ પણ દુખ એ મજા ઝુંટવી નહિ શકે.
આભાર માનું છું પ્રભુનો, જેણે સંભાળ્યો મને ,
મારો હાથ પકડી આ આખા રસ્તે દોર્યો મને,
જિંદગીના આજના પડાવ સુધી લાવ્યો મને .
આજે તો અંતરમાં આનંદની જ અનુભૂતિ છે,
જીવનનો દરેક દિવસ નવો પ્રકાશ લાવે છે,
અંતરને ઉજ્વાળે છે,જીવનને ધન્ય બનાવે છે!
વિનોદ પટેલ…૨-૭-૨૦૧૭
સમયનું પંખી
સમયના પંખીને કેવી મજબુત પાંખો હોય છે!
જીવનાકાશમાં આ પંખી ઝડપથી ઉડી રહ્યું છે!
નજર કરું હું જ્યારે મારા ભૂતકાળમાં ત્યારે,
નાનો બાળ હતો હું,દોડતો સૌને ખુબ ગમતો,
એ મોટી આંખો વાળો બાળક ક્યાં ખોવાયો?
જુવાની દીવાની હતી,જોયા એના રંગો પણ
આજે મારા કાનમાં મૃત્યુ વાતો કરી રહ્યું છે!
પરિવર્તન જીવનનો વણ લખ્યો નિયમ છે,
સમયની સાથે શરીર કેવું બદલાઈ જાય છે !
સમયની રેલ ગાડીનું છેલ્લું સ્ટેશન મૃત્યુ છે.
મૃત્યુ દરેક પ્રાણી માટે એક અંતિમ હકીકત છે,
શરીર નાશ પામે પણ અંતરાત્મા અમર છે,
એને માટે નથી કોઈ જન્મ કે નથી કોઈ મૃત્યુ!
ફેર યા ને તફાવત ….
કાગળ કાગળમાં ફેર છે
એક કાગળ રદ્દી બની કચરા પેટી ભેગો થાય છે,
એક કાગળ ગીતા પુસ્તક રૂપે ભાવથી પૂજાય છે.
લોખંડ લોખંડમાં ફેર છે ,
એક લોખંડ હથિયાર બની જઈ જીવોનો નાશ કરે છે
એક લોખંડ ડોક્ટરના હાથમાં રહી જીવ બચાવે છે
પત્થર પત્થર માં પણ ફેર છે.
એક પત્થર રસ્તામાં ઠોકર બની ધીક્કારાય છે,
એક પથ્થર મંદીરમાં જઈ દેવ તરીકે પૂજાય છે.
માણસ માણસમાં પણ ફેર છે ,
એક માણસ ગોડસે બની ખૂની તરીકે ઓળખાય છે
એક માણસ શહીદી વહોરી ,મહાત્મા બની પૂજાય છે.
સમય સમયમાં ફેર છે
એક સમએ જે રાજા હોય છે એ રંક બની જાય છે
એક સમએ જે રંક હોય છે એ રાજા બની જાય છે.
એક ચિત્રકુ
ચિત્રમાં જે બે હાથ અને આંગળીઓ દેખાય છે એ આફ્રિકાના કોઈ સ્થળે
ગરીબી અને ભૂખથી કૃશ થયેલ એક માણસનો હાથ છે .આ હાથને ત્યાં સેવા
કાર્ય કરી રહેલ કોઈ સેવા ભાવી સંસ્થાની વ્યક્તિના હાથએ સહાનુભુતીપૂર્વક
દયા ભાવથી એના હાથમાં પકડ્યો છે.
Missionary reaching out to a starving boy in Africa

|
ચિત્ર શીર્ષક – બે હાથ
ચિત્રકુ
છે તો બે હાથ
એક ભૂખે મરતો
બીજો દયાળુ
વિનોદ પટેલ ૧૧-૨૨-૨૦૧૬
|
મારો પરિવાર
એક લગ્ન પ્રસંગે, મારા બે પુત્રો અને પુત્રી અને એમના પરિવાર -(પૌત્ર પૌત્રીઓ વી.) સાથેની મારી એક તસ્વીર( તા.૭ -૨-૨૦૧૬, ઓરેગોન )

અમુલ્ય વારસો
નથી કર્યું બહુ ધન ભેગું મેં બે હાથે જીંદગીમાં,
કરવું ન હતું એવું પણ કઈ ન હતું મનમાં,
જે કરવાનું હતું એ જાતે જ, એક હાથે કરવાનું હતું,
નહોતો એવો કોઈ કૌટુંબિક ધનનો મોટો વારસો.
કરી મહેનત,મચી પડી, રાત દિન, થઇ શકી એટલી,
બે પૈસા ભેગા થતા તો થતો મનમાં બહુ રાજી,
પણ બનતું એવું કે, ભેગા થયેલા એ ધનમાંથી
ઘણું બધું ,કોઈ આકસ્મિક ખર્ચાઓમાં વહી જતું.
એકડે એકથી ફરી ધન માટેની ઉંદર દોડ શરુ થતી,
એકધારા જીવન ચક્રના એ વણ થંભ્યા ચગડોળમાં ,
કભી ખુશી કભી ગમના, જીવનના એ બનાવો વચ્ચે ,
કરી મન મક્કમ ,નિભાવી કૌટુંબિક જવાબદારીઓ,
આરોગ્ય પ્રશ્નો અને સામાજિક પ્રસંગોને સાચવી,
શિક્ષણ અને સંસ્કાર રૂપે સંતાનોને પાંખો આપી,
ધનનું સાચું રોકાણ શિક્ષણ છે એ હતી એક અડગ શ્રધા,
આનંદ છે એ વાતનો કે એ શ્રધ્ધા આજે સાચી પડી છે ,
મારું એ અનોખું રોકાણ આજે રંગ લાવ્યું છે,
બહુ આર્થિક મૂડી ભલે મેં ભેગી નથી કરી ,
પણ સંસ્કાર અને શિક્ષણના એ વાવેલા વૃક્ષમાં,
કરેલ મૂડી રોકાણનાં મીઠાં ફળો આજે ચાખતો,
જીવન સંધ્યાએ આ વૃક્ષને ફાલતું,ફળતું જોઈ,
પ્રભુનો આભાર માનતો કહી રહ્યો છું મનમાં સંતોષથી,
આ સુંદર વૃક્ષ એ જ તો છે મારો અમુલ્ય ધન વારસો.
વરસાવું આશિષ આ વૃક્ષ પર, કરું પ્રભુને પ્રાર્થના કે,
વટ વૃક્ષ શુ,વાવેલું મારું વૃક્ષ,ફુલતું,ફાલતુ અને ફળતું રહે.
-વિનોદ પટેલ … ૯-૨૦-૨૦૧૬

જીવન એક મેરેથોન દોડ
જિંદગી મેરેથોન દોડ છે,સૌએ એ દોડવાની હોય છે,
ધૈર્યથી દોડી જઈને,લક્ષ્ય સ્થાને પહોંચવાનું હોય છે.
જિંદગીની આ દોડમાં અનેક વિઘ્નો આવતા રહે છે,
એ ઉકેલતા રહી,સતત દોડ ચાલુ રાખવાની હોય છે.
મેરેથોન દોડના વિઘ્નોથી ડરી, કદી દોડ છોડશો નહિ,
ધૈર્ય રાખીને હિંમતના છેલ્લા અંશ સુધી દોડતા રહો.
વચ્ચેથી જે ભાગે છે એ,આ દોડ કદી જીતતો નથી,
મેરેથોન જીતવાનો આનંદ એ લઇ શકતો જ નથી.
જેણે રાખી હિંમત જીવનમાં,હારથી એ બચી ગયો,
જીવન મેરેથોન જીતીને,ગર્વથી એવોર્ડ જીતી ગયો.
વિનોદ પટેલ, ૪-૩-૨૦૧૬
સમયની ઘડિયાળ શું કહે છે ?

ટીક .. ટીક …ટીક …
સમયની ઘડિયાળ કહી રહી છે ,
જુઓ આ પળ વહી રહી છે ,
પકડી લો એને સવેળા,નહી તો,
હાથમાંથી હું સરકી રહી છું .
હાથમાં બાંધેલું હું માત્ર ઘરેણું નથી,
પળો જાય છે એની યાદ અપાવું છું.
ગયેલી પળ વાપસ નહી આવે,
જે કરવા જેવા કામો છે એને,
આજે જ,અરે અત્યારે જ કરી લો ,
કાલ ઉપર ઠેલવાની ટેવ છોડો,
નહી તો કામોનો ઢગલો થઇ જશે.
એક દિવસ જાગીને જોઇશ કે,
જીવનનો છેડો આવી ગયો છે,
કરવાનાં કામો તો ઘણાં રહ્યાં છે!
આ કામ મારે કરવાનાં જ હતાં!,
પણ એ કરવા માટે આજે હવે,
સમય ક્યાં બાકી રહી ગયો છે ?
માટે, હે પામર માનવો,
આ જીવનનો નથી ભરોંસો ,
પાણી જેમ હર પળ વહી રહી છે,
પકડી લો એને હાથમાં સમયસર,
કરી સર્વોત્તમ ઉપયોગ એનો સવેળા ,
જીવન તમારું પૂર્ણ થાય એ પહેલાં ,
જગમાં આવ્યાનો ફેરો સફળ બનાવો.
વિનોદ પટેલ
છેલ્લે ૨૦૦૭માં હું જ્યારે ભારત- અમદાવાદ ગયો હતો ત્યારે મારા વતનના ગામ ડાંગરવાની પણ મુલાકાત મેં લીધી હતી. પહેલાં જ્યારે હું નાનપણમાં આ ગામમાં ઉછર્યો હતો ત્યારે ગામમાં વસ્તી જ વસ્તી જણાતી હતી અને ગામ હર્યું ભર્યું લાગતું હતું. આજે ગામ લગભગ ખાલી થઇ ગયેલું દેખાતું હતું કેમ કે ગામમાં જે યુવાન ધન હતું એ આજે અમેરિકામાં પહોંચી ગયું છે .
ગામમાં ગણ્યા ગાંઠયા વૃધ્ધો જ અને થોડા જ યુવાનો રહ્યા હતા કારણ કે આ વૃધ્ધોના દીકરા-દીકરીઓ આજે અમેરિકા કે અન્ય દેશોમાં જ્યાં તક મળી ત્યાં કમાવા માટે ગયા છે અને કોઈ પણ કારણે એમને ત્યાં જઈને એમની સાથે રહેવાનું બન્યું નથી.
ગામની એ મુલાકાત વખતે એક પરિચિત વિધુર થયેલા વૃદ્ધ સાથે મારી મુલાકાત થઇ હતી .એમના બે દીકરા અમેરિકામાં હતા અને તેઓ એકલા અહીં ગામમાં રહેતા હતા .હું ગયો ત્યારે ઉનાળાના સમયે એમના ઘર બહારના ચોગાનમાં એક વૃક્ષની નીચે છાંયડામાં આરામ કરતા સુતા હતા.મને જોતાં જ એ બેઠા થઇ ગયા . એમની જોડે ખાટલામાં બેસી વાતચીત કરી એથી એમના દીકરાને મળ્યા હોય એટલો એમને આનંદ થયો હતો એ મેં જોયું.
આ પ્રસંગ મને આજે યાદ આવી ગયો અને નીચેની અછાંદસ કાવ્ય રચના માટે પ્રેરણા થઇ.
આશા છે આપને આ રચના ગમશે.
વિનોદ પટેલ
ઉજડેલો પંખીનો માળો !

કોઈ એક છેવાડાના ગામમાં,
વૃક્ષ નીચે ખાટલામાં સુતેલ,
એકલો અટૂલો નિવૃત વૃદ્ધ જન ,
નીરખી રહ્યો ઉંચી નજર કરી ,
વૃક્ષની ડાળે રચેલ પંખીના માળાને.
માળો જોઈ વિચારે ચડ્યો કે ,
તિનકા તિનકા ગોઠવી દિનરાત,
કેવો મજાનો રચ્યો છે આ માળો
બે મહેનતુ પંખી યુગલે !
ચણ વીણી લાવી ચાંચમાં એમની,
જાતે ભૂખ્યા રહીને પણ પોષ્યાં ,
કેવાં એમનાં વ્હાલાં બચ્ચાંઓને ,
ઠંડી, ગરમી કે વરસાદમાં પણ
પાંખો ફેલાવી કેવું જતન કર્યું હતું એમનું હેતથી !
કેવાં ખુશ થયાં હતાં જોઈ એમને મોટાં ,
પણ આ શિશુ પંખીડાં મોટાં થઇ ગયાં ,
એમની પાંખો મજબુત થઇ ગઈ ,
જોત જોતામાં તો ઉડી ગયાં એક દિન,
અને ખુબ મહેનતે રચેલો એમનો ,
આ સુંદર પંખી માળો ઉજડી ગયો !
વૃક્ષ નીચે સુતેલ વિચાર મગ્ન વૃદ્ધ ,
ઊંડો નિસાસો નાખી, કહી રહ્યો એના મનને,
પંખીડાં મારાં પણ ઉડી ગયાં છે વિદેશે ,
પોત પોતાનો આગવો માળો રચવાને,
પેલાં પંખીઓની જેમ મારો પણ ,
માળો જોત જોતામાં કેવો ઉજડી ગયો !
રહી ગયાં માત્ર હું ને મારી વેદનાઓ,
અને મારાં પંખીડાંની એ હરી ભરી યાદો ,
ઓ મારાં ઉડી ગયેલ પંખીડાંઓ ,
સુખેથી ચણજો, રહેજો ,તમારા રચેલ માળામાં,
આશીર્વાદ આપી રહ્યો છે તમને આજે,
ખાટલે સુતેલ આ એકલો અટૂલો તમારો ,
શરીરે હવે નબળો પડેલો વૃદ્ધ બાપ !
વિનોદ પટેલ,૮-૮-૨૦૧૫
વાચકોના પ્રતિભાવ