પ્રેમનો રકાસ કેમ થયો અને કેમ વફાની આબરૂ ગઈ ? ‘મરીઝ’ ‘તબીબ’ કેવી રીતે થયા અને ઇલાજ કઇ રીતે પતી ગયો ? દર્દની શાન કઇ રીતે જતી રહી અને કઇ રીતે દવાની આબરૂ ગઇ ?
લોગ ઇન થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ. પીતા બધા થઈ ગયા, શૂરાની આબરૂ ગઈ. ‘મરીઝ’ બની ગયા ‘તબીબ’ અને પતી ગયો ઇલાજ. રહી ના શાન દર્દની, દવાની આબરૂ ગઈ. શૂન્ય પાલનપુરી
આજે ગુજરાતી ભાષાના આલા દરજ્જાના શાયર શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ. જેમણે એમ કહ્યું કે અમે તો કવિ કાળને નાથનારા… કવિ ખરેખર કાળને નાથનારો હોય છે. કાળને નાથવાનો અર્થ અહીં તેની સાથે બાથંબાથી કરવાનો નથી કે ઈશ્વર પેટલીકરની નવલકથામાં ચંદા નામની સ્ત્રી જે રીતે સાંઢને નાથે છે તે રીતે નાથવાનો પણ નથી. વાત સમયના પ્રવાહની છે.
કવિ કાળને એ રીતે નાથે છે કે તે કાળગ્રસ્ત થતો નથી. તેનું શરીર ચોક્કસ નાશ પામે છે. તેનું સર્જન જીવતું રહે છે. આપણે આપણા પ્રાચીન કવિઓને તેમના શરીરથી ઓળખતા પણ નથી.તેમના ચહેરા કેવા હતા તેની પણ જાણ નથી. પરંતુ તેમનું સર્જન આજે પણ આપણી વચ્ચે જીવે છે. કેમ કે તેમણે સર્જનથી કાળને નાથ્યો છે.
ગુજરાતી ગઝલના મોભાદાર આ શાયરનો જન્મ ૧૯૨૨ના રોજ અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામે થયો હતો અને અવસાન ૧૭ માર્ચ ૧૯૮૭ના રોજ થયું હતું ૧૬ વર્ષની વયે ગઝલ લખવાની શરૂ કરનાર આ શાયરે આજીવન ગઝલની સાધના કરી.
એક વખત હરીન્દ્ર દવેને લખેલા પત્રમાં ગઝલસર્જન વિશે તેમણે જે લખેલું તે આજે પણ અનેક શાયરોને ઉપયોગી થાય તેમ છે. તેમણે લખ્યું હતું. ‘ગઝલકાર એ શબ્દનો શિલ્પી છે. એક શિલ્પકાર સુંદર પ્રેરણા થાય તો એ પ્રેરણાને આકાર દેવા તત્પર થાય છે.
પણ એ માટે એને શરીરશાસ્ત્ર (ચહર્ચાસઅ)નો અભ્યાસ હોવો જોઇએ. નહીંતર ક્યાંક પગ કરતા હાથ જાડો થઇ જાય. ક્યાંક દેહના પ્રમાણમાં માથું નાનું થઇ જાય. બાકી પ્રેરણા તો દૈવી જ હોય છે. ગઝલકારને ગઝલ લખવાની પ્રેરણા એ દૈવી ઘટના છે.
યાંત્રિકતા લાવવાની છે ફક્ત ગઝલ-કલા પૂરતી. એનાથી વધુ સપ્રમાણ લખી શકાય. ‘તેમની આ વાત પર ઘાયલ સાહેબે પણ મહોર મારી અને લખ્યું. ‘શૂન્ય દૈવી પ્રેરણાથી અધિક મહત્ત્વ સજ્જતાને આપે છે.’ અને તેમના ગઝલસર્જનમાં આપણે તે સજ્જતા જોઈ શકીએ છીએ.’
શૂન્ય સાહેબના ઉપરોક્ત મુક્તક પાછળ ગુજરાતી શાયરીનો એક છુપો પ્રસંગ પણ વણાયેલો છે. આ મુક્તક ખરેખર તો ચાર પંક્તિમાં સમાયેલી એક ઘટના સ્વરૂપે છે. જો કે હવે તે પ્રસંગ જગજાહેર છે.
સાહિત્યજગતનો ભાગ્યે જ કોઈ માણસ આ પ્રસંગથી અજાણ હશે. તેના વિશે ઘણી વાર વર્તમાનપત્રોમાં પણ લખાઈ ગયું છે. ચંદ્રશેખર ઠક્કુર નામના એક જ્યોતિષીએ રૂપિયા બે હજારમાં મરીઝની ગઝલો ખરીદી અને ‘દર્દ’ નામથી પોતાના નામે સંગ્રહ પ્રકાશિત કર્યો. ગઝલનો છંદ ન તૂટે તે માટે ‘મરીઝ’ની જગ્યાએ ઉપનામ ‘તબીબ’ રાખી દેવામાં આવ્યું. હવે થયું એવું કે આખી ઘટનાની જાણ શૂન્ય પાલનપુરીને થઈ.
આ વાત જાણી ગઝલને બંદગી માનનાર શાયર શૂન્ય સાહેબ ગુસ્સાથી રાતાચોળ થઇ ગયા. તે વખતે તે મુંબઇના અખબારમાં નોકરી કરતા હતા. ગુસ્સે ભરાયેલા શૂન્ય સાહેબે અખબાર માટે આ આખી ઘટનાની એક સ્ટોરી લખી. પછી તંત્રી દ્વારા ચંદ્રશેખર ઠક્કુરને ઓફિસમાં બોલાવ્યા. શૂન્ય સાહેબે લખેલી સ્ટોરી તેમને વાંચવા આપીને કહ્યું કે આવતી કાલે આ સ્ટોરી છપાવાની છે.
આ વાત સાંભળી ચંદ્રકાન્ત ઠક્કુર રડવા જેવા થઇ ગયા અને માફી માગવા લાગ્યા. ત્યારે શૂન્ય પાલનપુરીએ કહ્યું કે તમે અત્યારે જ એક ખુલાસો લખીને જાહેર કરો કે મારી ભૂલ થઇ ગઈ છે અને મારી તમામ ગઝલો મરીઝે લખેલી છે. ચંદ્રશેખર ઠક્કુર તૈયાર થઇ ગયા. બીજા દિવસે છાપામાં માફીનામું છપાયું અને આમ મરીઝની તમામ ગઝલો પાછી મળી. આ કામનો બધો યશ શૂન્ય પાલનપુરીને જાય છે.
આ ઘટના પછી શૂન્ય સાહેબે ઉપરોક્ત મુક્તક લખ્યું અને એક કાર્યક્રમમાં રજૂ કર્યું. પ્રેમનો રકાસ કેમ થયો અને કેમ વફાની આબરૂ ગઈ ? ‘મરીઝ’ ‘તબીબ’ કેવી રીતે થયા અને ઇલાજ કઇ રીતે પતી ગયો ? દર્દની શાન કઇ રીતે જતી રહી અને કઇ રીતે દવાની આબરૂ ગઇ ? તે બધી જ વાત માત્ર ચાર જ પંક્તિમાં તેમણે સાંકેતિક રીતે કહી દીધી. સમજનારા શાનમાં સમજી ગયા હતા.
આ તો એક પ્રસંગની વાત થઈ. તે સિવાય શૂન્ય સાહેબની અનેક ગઝલો, મુક્તકો અને શેર એટલા બધા લોકપ્રિય છે કે તેની યાદી માત્રથી લેખ પૂરો થઇ જાય. આજે જ્યારે તેમની પુણ્યતિથિ છે ત્યારે તેમની જ એક સુંદર ગઝલથી તેમને વંદન કરીએ.
લોગઆઉટ
કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ. વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ. તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો. જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ. દ્રષ્ટિની સાથ સાથ પડણ પણ છે આંખમાં. જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ. આવ્યા તમાશો જોયો અને લીન થઇ ગયા. ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ. શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે. આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.
વારંવાર માણવી ગમે તેવી મરીઝ સાહેબની એક બેનમુન ગઝલ.
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ; પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
૨૩એપ્રિલે વિશ્વપુસ્તક દિવસ હતો. યુનેસ્કો દ્વારા વિશ્વ પુસ્તક દિવસ તથા કોપીરાઇટ દિવસની ઔપચારિક શરૂઆત ૨૩ એપ્રિલ, ૧૯૯૫થી થઈ. તેનો પાયો તો ૧૯૨૩માં સ્પેનમાં પુસ્તક વિક્રેતાઓ દ્વારા પ્રસિદ્ધ લેખક સર્વાન્ટિસને સન્માનિત કરવા સમયે જ નખાઈ ગયો હતો. આ લેખકનું અવસાન પણ ૨૩ એપ્રિલે જ થયું હતું. આ સિવાય ૨૩ એપ્રિલ અનેક મહાન લેખકોના જન્મ અને મરણની તિથિ સાથે પણ જોડાયેલી છે. મધ્યકાલીન સમયમાં ૨૩ એપ્રિલના દિવસે એક સરસ રિવાઝ હતો. પ્રેમી પોતાની પ્રેમીકાને એક ગુલાબ આપતો, સામે પ્રેમિકા પ્રેમીને ઉત્તર રૂપે પુસ્તક આપતી. ૨૩ એપ્રિલનો દિવસ સાહિત્યિક રીતે ખૂબ જ મૂલ્યવાન છે. આજના ઇન્ટરનેટના યુગમાં લોકોનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે અને ઉત્તમ વાંચન થતું રહે તે જ આ ઉજવણીનો મુખ્ય ધ્યેય છે.
એક ઉત્તમ પુસ્તક કોઈ પણ વ્યક્તિનું જીવન ઉજ્જવળ કરવા માટે પૂરતું છે. ક્યારેક પુસ્તકનું એક વાક્ય પણ આખી જિંદગી બદલી નાખે છે. કોઈ સર્જક જ્યારે એક સાચું અને સારું પુસ્તક સર્જે છે ત્યારે કાગળને ગર્વ થાય છે. શબ્દોમાં પર્વ ઊજવાય છે. એક પુસ્તક સર્જાય છે ત્યારે ખરેખર તો ભાષાના કપાળમાં ચાંલ્લો થાય છે – ભાષાના હાથમાં મેંદી મુકાય છે. ભાષાના કેશમાં વેણી શોભે એમ શબ્દોથી મહેકે છે ભાષા. એક પુસ્તક ભાષાના આંગણામાં રંગોળી પૂરવાનું કામ કરે છે. પુસ્તક કોઈ વ્યક્તિનું માર્ગદર્શક, દિશાસૂચક, ગાઇડ કે બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. આમ જોઈએ તો બે પ્રકારનાં પુસ્તકો બહોળા પ્રમાણમાં લોકો પર અસર કરે છે. એક તો એવું પુસ્તક કે જે એકદમ ઉત્તમ કોટિનું છે, સર્વશ્રેષ્ઠ છે, મહાન છે અને બીજું એવું પુસ્તક કે જે સાવ નિમ્ન કોટિનું અને ઊતરતી કક્ષાનું છે. લોકોને અવળે માર્ગે દોરે તેવું પુસ્તક. આ બંનેનો પ્રભાવ લોકો પર વધારે પડતો હોય છે.
પુસ્તક મૂર્ત હોય છે, જ્યારે એના વિચારો અમૂર્ત છે. કદાચ પુસ્તક અને એના કાગળો નાશ પામશે, પરંતુ વિચારો નાશ પામશે નહીં. પુસ્તક એ માત્ર કાગળ પર શબ્દોનું પ્રિન્ટિંગ નથી, પણ વિચારની પ્રસ્તુતિ છે. એનું મૂલ્ય કાગળના વજનમાં કે કાગળની સાઇઝમાં કે પુસ્તક પર છાપેલી કિંમતથી ક્યારેય આંકી શકાય નહીં.
પુસ્તક એ કોઈ અજાયબ વાહનથી સહેજ પણ ઊતરતું નથી, પરંતુ એનાથી પણ વિશેષ છે. પુસ્તક એક એવી નૌકા છે કે જે આપણને વગર વાહને અનેક સરોવરો,નદીઓ અને સાગરોની સફર કરાવે છે. પુસ્તક એ એવું વિમાન છે કે જે આપણને દૂર દૂરના કલ્પનાના આકાશની સફર કરાવે છે. આપણને વિવિધ પાત્રોમાં જીવવાનો અને અનુભવવાનો મોકો આપે છે.
આપણે જ્યારે પુસ્તક વાંચતા હોઈએ છીએ ત્યારે પુસ્તકમાં એકતાન થઈ જતાં હોઈએ છીએ. આથી પુસ્તકનાં પાત્રો આપણે પોતે બની ચૂકીએ છીએ અથવા તો પુસ્તકમાં વર્ણવેલા માહોલમાં આપણે પોતે હરવા-ફરવા માંડીએ છીએ. પુસ્તક એ એક મધપૂડો છે. દરેક માણસ તેમાંથી પોતાને ભાવતું મધ ચાખી શકે છે. કેટલાંક પુસ્તકો ચાખવાનાં હોય છે, જ્યારે કેટલાંક પુસ્તકો ગળી જવાનાં હોય છે અને કેટલાંક પુસ્તકો ચાવીને પચાવવાનાં હોય છે. જ્યારે કેટલાંક પુસ્તકો મમળાવવાનાં હોય છે. તમે જ્યારે પુસ્તક ખરીદો છો ત્યારે માત્ર કાગળનો અમુક જથ્થો કે કાગળની થપ્પી નથી ખરીદતા, પરંતુ તમે આખું એક નવું જીવન ખરીદો છો.
પુસ્તકથી જીવનનો આનંદ બેવડાઈ જાય છે, તેનાથી આપણને એક નવી દિશા અને એક નવી દુનિયા મળે છે. તમે કાગળ પર તમારી આંખો ફેરવો છો ત્યારે તમે માત્ર કાગળ પર જ નથી રહેતા, તમે જે તે પુસ્તકની દુનિયામાં ચાલ્યા જાવ છો અને એની તમને ખબર પણ નથી હોતી. એક સારા પુસ્તકનું મૂલ્ય દીકરી કે દીકરાથી સહેજ પણ ઊતરતું નથી. દરેક સર્જક માટે તો પુસ્તકો એમનાં સંતાનો જેવાં જ હોય છે. પુસ્તકો સંસ્કારધામ છે. પુસ્તક એ એક મંદિરથી સહેજ પણ ઉતરતું નથી.
છેલ્લે પુસ્તકો વિશેની સફદર હાશમી ખૂબ જ જાણીતી કવિતાઃ
કિતાબે કરતીહૈ બાતેં બીતે જમાને કી, દુનિયા કી, ઇન્સાનો કી, આજ કી, કલ કી, એક-એક પલ કી, ગમોં કી, ફૂલો કી, બમોં કી, ગનોં કી, જીત કી, હાર કી, પ્યાર કી, માર કી, ક્યાં તુમ નહીં સુનોગે ઇન કિતાબોં કી બાતેં? કિતાબે કુછ કહના ચાહતી હૈ, તુમ્હારે પાસ રહના ચાહતી હૈ, કિતાબોં મેં ચીડિયા ચહચહાતી હૈ, કિતાબોં મેં ઝરને ગુનગુનાતે હૈ, પરિયોં કે કિસ્સે સુનાતે હૈ, કિતાબોં મેં રોકેટ કા રાજ હૈ, કિતાબોં મેં સાઇન્સ કી આવાજ હૈ, કિતાબોં મેં જ્ઞાાન કી ભરમાર હૈ, ક્યા તુમ ઇસ સંસાર મેં નહીં જાના ચાહોગે? કિતાબેં કુછ કહના ચાહતી હૈ, તુમ્હારે પાસ રહના ચાહતી હૈ.
દેખાતા અને નહીં દેખાતા રસ્તાઓ મનની મોસમ : અનિલ ચાવડા
અનીલ ચાવડા
ધીમી ચાલથી ન ડરો, પણ ચુપચાપ પડયા રહેવાથી ડરો. – ચીની કહેવત
બેપ્રકારના રસ્તા હોય છે, એક આપોઆપ સર્જાતો હોય છે, જ્યારે બીજો આપણે સર્જવો પડતો હોય છે. ઘણા માણસો આપોઆપ સર્જાયેલા રસ્તા જેવા હોય છે,કોઈ પણ વ્યક્તિ તેની પર પોતાના વિચારો ચલાવી શકે છે. ઘણા માણસો નવા કંડારવામાં આવતા રસ્તા જેવા હોય છે. એમની સાથે સંબંધ રાખતી વખતે આપણે ઘણી બધી તોડજોડ કરવી પડતી હોય છે. શહેરમાં ક્યારેક રસ્તો પહોળો કરવા માટે ઘણાં બધાં ઘર, મંદિર અને ફ્લેટ પણ તોડી પડાતાં હોય છે, અમુક માણસોના સંબંધમાં પણ આવું જ થાય છે.
રસ્તો ઘણી બધી રીતે પ્રતીક થઈ જાય છે. ક્યારેક પરિસ્થિતિ રસ્તો સર્જતી હોય છે, રસ્તો પણ ક્યારેક પરિસ્થિતિ સર્જતો હોય છે. જરૂરિયાત કોને કોની છે, તેની પર બધો જ આધાર છે. ક્યારેક તમારે કોઈ વ્યક્તિને પણ રસ્તાનું માધ્યમ બનાવવી પડતી હોય છે. કોઈની સાથેનો સંબંધ માત્ર ક્યારેક ક્યાંક સુધી પહોંચવાનો રસ્તો જ બની રહેતો હોય છે, એનાથી વિશેષ કશું જ નહીં. આપણને જ્યારે ખબર પડે કે તે વ્યક્તિ આપણી માટે માત્ર આપણા ધાર્યા મુકામ સુધી પહોંચવાનો રસ્તો નહોતી, એની સિવાય પણ બીજું ઘણું બધું હતી, ત્યારે તે રસ્તા પર ઘણાં ઝાડીઝાંખરાં ઊગી ગયાં હોય છે અથવા તો તે રસ્તો બીજા કોઈની માલિકીનો થઈ ગયો હોય છે. આપણો ખરો રસ્તો પણ ક્યારેક આપણે ગુમાવી દેતા હોઈએ છીએ.
સંબંધને રસ્તા તરીકે ન જોતાં સંવેદન તરીકે જોવા જોઈએ. સંબંધ એ હૃદય અને મગજ બંને આંખે જોવાની વસ્તુ છે. જોકે સંબંધ કોઈ વસ્તુ પણ નથી. તે છે. માત્ર છે. એક અદૃશ્ય સેતુ છે. એક માણસને બીજા માણસ સાથે જોડતો સેતુ. તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધથી જોડાઓ છો, ત્યારે તમારા બંને વચ્ચે એક અદૃશ્ય રસ્તો કંડારાતો હોય છે, એક અદૃશ્ય સેતુ રચાતો હોય છે. તમને પોતાને પણ ખબર નથી હોતી અને તમે એ રસ્તા પરના યાત્રી બની જાવ છો. રસ્તા બહાર બનતા હોય છે, એવા જ આપણી અંદર પણ બનતા હોય છે. પણ આપણે એ રસ્તા દ્વારા એકબીજા સુધી પહોંચવાનું હોય છે. રતિલાલ ‘અનિલે’લખેલો આ શેર ગુજરાતી ગઝલમાં ચિરંજીવ છેઃ
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પ્હોંચ્યો, અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો.
રસ્તા બંધાયા કરે છે, એક સ્થળથી બીજું સ્થળ જોડાયા કરે છે, પણ એક માનવ હજી બીજા માનવ સુધી નથી પહોંચી શક્યો. દરિયામાં ચાલતા વહાણનો પણ પોતાનો રસ્તો હોય છે, તે જેમતેમ કે જ્યાંત્યાં નથી ચાલતું. વહાણ પોતાના નિશ્ચિત રસ્તા પર ન ચાલે ત્યારે તે ભટકી જતું હોય છે, આકાશમાં ઊડતા વિમાનનો પણ એક ચોક્કસ અને નિશ્ચિત માર્ગ હોય છે. કારણ વિના તે પોતાના આ અદૃશ્ય માર્ગને ઉવેખી શકે નહીં. દરેક વસ્તુને એકબીજા સાથે જોડતો એક માર્ગ છે. વ્યક્તિથી લઈને વસ્તુ સુધી દરેક જગ્યાએ રસ્તો દૃશ્યમાન રીતે અને અદૃશ્ય એમ બંને રીતે પથરાયેલો છે. આપણે પોતે પણ એક રસ્તો છીએ, આપણા અસ્તિત્વનો. આપણું અસ્તિત્વ આપણને ચલાવે છે. અહીંથી ત્યાં જવું, વાતો કરવી, છૂટા પડવું, ફરી મળવું આ બધી તો યાત્રા છે. રસ્તો તો આપણે સ્વયં છીએ. આપણી પર આપણે ચાલીએ છીએ. આપણને લઈને આપણે ચાલીએ છીએ. ચાલતા રહેવું એ પરમ ધર્મ છે. સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે ફરે તે ચરે. કંઈક મુશ્કેલીમાં ફસાઈએ ત્યારે આપણે કહીએ છીએ કે ચાલો બધા ભેગા મળીને કોઈ રસ્તો કાઢીએ. ચીનમાં પણ કહેવત છે કે તમારી ચાલ ધીમી હશે તો વાંધો નથી,પણ ચાલતા રહેવું જરૂરી છે. સાવ નિષ્ક્રિય થઈ ચુપચાપ બેસી ન રહેવું. નિષ્ક્રિયતા માણસને ખાઈ જાય છે. તે ઉધઈ જેવી હોય છે. આપણા પગ, આપણા વિચારો અને આપણું કાર્ય ચાલતું બંધ થઈ જાય છે, ત્યારે આપણો રસ્તો પણ અટકી જાય છે. ત્યારથી આપણી પણ ઉધઈ લાગવાની શરૂ થી જાય છે.
સુગંધનો પણ પોતાનો માર્ગ હોય છે. વાયુનો’ય પોતાનો માર્ગ હોય છે. ટહુકાની ગતિનો પણ આગવો પથ હોય છે. એ વાત જુદી છે કે દરેક માર્ગ એકબીજા પર આધારિત હોય છે. દરેક રસ્તા ક્યાંક ને ક્યાંક તો એક-બીજા સાથે જોડાતા જ હોય છે ને. પછી તે સંબંધના હોય કે ડામરના! તકલીફ તો ત્યારે પડે છે, જ્યારે રસ્તો ફંટાય છે. આપણો રસ્તો આપણે જ્યાં જવું છે, ત્યાં ન લઈ જતાં બીજી બાજુ ફંટાય છે ત્યારે આપણને મુશ્કેલી પડતી હોય છે.
રસ્તો એ જીવંતતાનું પ્રતીક છે. આનંદ અને ઉદાસીનું બંનેનું પ્રતીક છે. બધા જ પોતપોતાનો રસ્તો છીએ. તમે પણ અને હું પણ. રસ્તો એ છેવટ રસ્તો છે. મારો આ લેખ પણ આખરે તમારા સુધી પહોંચતો મારા શબ્દોનો અને વિચારોનો એક રસ્તો જ છે ને!
Anil Chavda
========================================
કવિ અનીલ ચાવડાની એક મજાની કાવ્ય રચના
બીજું પણ કંઈ ઘણું બધું છે
આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે; ‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે? ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે? ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો, દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ, પયંગબર સઘળા અહીંથી ચાલ્યા, તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
હાલ ભારત અને ગુજરાતમાં લોકો કાળઝાળ ઉનાળાના તાપથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.ઉનાળો તેનો પ્રકોપ બતાવી રહ્યો છે.
ગરમીની આવી પશ્ચાદભુમિકા માં વેબ ગુજરાતીના સૌ પ્રથમ ઈ-બુક પ્રકાશન “ગ્રીષ્મવંદના ” માં પ્રગટ મારો એક લેખ “ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) “આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે.આ લેખમાં ગામડાના ઉનાળાનાં મારાં સંસ્મરણો મેં પ્રસ્તુત કર્યા છે. જેઓ ગામડામાં મોટા થયા હશે એમને આ લેખ એમનો ભૂતકાળ ની યાદોને તાજી કદાચ કરાવશે.
“ગ્રીષ્મ વંદના” ઈ-બુકમાં ગ્રીષ્મ ઋતુ વિશે અન્ય લેખકોના લેખો/કાવ્યો આ લીંક પર ક્લિક કરીનેવાંચવા ભલામણ છે.ઉનાળાના તાપમાં આ લેખો થોડી માનસિક ઠંડક આપે એવી આશા .
મારા લેખ નીચે શ્રી ચીમન પટેલ”ચમન” અને શ્રી અનીલ ચાવડાની કાળઝાળ ઉનાળાની કવિતાઓ એમના આભાર સાથે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) …. વિનોદ પટેલ
મારી જીવન સંધ્યાના નીવૃતીકાળ વખતે અહીં અમેરિકામાં બેઠાં બેઠાં જ્યારે મારી સ્મૃતિને ૭૦ -૭૫ વર્ષ પાછળ લઇ જઈને વિચારું છું ત્યારે મારા વતનના ગામ ડાંગરવામાં વીતાવેલાં મારાં બાળપણ અને શૈશવ કાળનાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણે ઋતુઓમાંથી પસાર થયેલાં વર્ષો અને એની સાથે જોડાયેલી કેટલીક યાદો મારા સ્મૃતિ પટ ઉપર આજે ઉપસી આવે છે.
છાપરા જેવી બેઠા ઘાટની વિલાયતી નળીયાં વાળી ગામની પ્રાથમિક શાળાના મકાનની બહાર ઉનાળામાં વિશાળ લીમડાની છાયામાં ખુરશી ઉપર બિરાજેલા મોહનલાલ શુકલ સાહેબ અને એમની સામે ધૂળમાં લાઈન બંધ બેઠેલા મારા જેવા નાના ખેડૂત પુત્રો-વિદ્યાર્થીઓનું ચિત્ર મારા માનસપટ ઉપર તાજું થાય છે .વૃદ્ધ ઉંમરના અમારા આ શુક્લ શાહેબ એમની છીકણીની ડબીમાંથી એક ચપટી ભરી નાકમાં ઊંડે સુધી ખેંચીને તાજા માજા થઈને આપણા આદ્ય કવિ દલપતરામની શિયાળો,ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુઓ ઉપરનું જાણીતું કાવ્ય સંભળાવતા હતા એ યાદ આવે છે.આ કાવ્યમાં કવિ દલપતરામે ઉનાળા વિષે બહું જ સુંદર વર્ણન આ રીતે કર્યું છે .
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ગામનું લોકજીવન ત્રણેય ઋતુઓને અનુકુળ થઈને પોતાની પ્રવૃતિઓમાં રત થઇ જતું .ઉનાળો એના નામ પ્રમાણે ગરમી અને લુ વરસાવતી ઋતુ. ધૂળની ડમરીઓ ઉરાડતી ઋતુ .આ ઋતુમાં સ્વાભાવીક રીતે જ લોકોની કાર્ય શક્તિ ઘટી જાય છે અને લોકો આળસુ થઇ જાય છે.ઝાડ નીચે છાયડામાં ખાટલામાં ઉંઘ ખેંચતા ઘણા માણસો તમને ઠેર ઠેર જોવા મળે .
ચાર માસનું ચોમાસું શરુ થાય એ પહેલાં ખેડૂતો ગામની ભાગોળે પોતાના ઢોરનાં છાણના ઉકરડામાંથી બળદ ગાડામાં ખાતરને પોતાનાં ખેતરોમાં લઇ જઈને પાથરી દેતા .આ વખતે ગાડામાં ખાતર ઉપર બેસી ખેતર સુધી જઈને ખાલી ગાડામાં પાછા આવવાની ફ્રી રાઈડ મળતાં કુટુમ્બનાં બાળકોને ખુબ મજા આવી જતી .
ગામના ઉનાળાનું બીજું દ્રશ્ય લગ્નોનું છે .ઉનાળો એટલે લગ્નસરાની સીઝન.ગામમાં ઢોલ ઉપર ડંકો પડે એ સાથે કોની છોકરી કે છોકરો પરણે છે એની જાહેરાત થઇ જતી.જે વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગ હોય એને ગામ લોકો તરફથી પુરો સહકાર મળતો.કોઈ પણ લગ્ન પ્રસંગનું મોટું આકર્ષણ હોય તો એ એના જમણવારનું .ખેડૂત વર્ગ સામાન્ય રીતે વર્ષ દરમ્યાન રોજ બાજરી કે ઘઉંના રોટલા, ખીચડી,દૂધ ,ઘી જેવું સાદું ભોજન કરે પણ લગ્ન વખતે લાડુ,લાવ્સી,ચુરમું કે અન્ય મીઠાઈ,રસોઈયાએ ખાસ ઉકાળેલી જમણના મસાલેદાર દાળ,શાક વી.નું પાકું જમણ જમવાનો આનંદ અનેરો રહેતો.ઢોલ અને શરણાઈના સુરો અને લગ્ન ગીતોથી ઉનાળામાં આવતા આ લગ્ન ગાળામાં આખાયે ગામનો માહોલ ખુશીમાં બદલાઈ જતો .મોટાઓ અને બાળકો આનંદથી ઝૂમી ઉઠતાં.
ઉનાળો એટલે શાળાઓમાં લાંબી ઉનાળાની રજાઓનો સમય.આ રજાઓ પડતાં ગામના નિશાળીયાઓ રાજીના રેડ થઇ જાય. ગામમાં , વગડામાં ,મામા કે માસીને ઘેર જઈને પૂરી સ્વતંત્રતાથી ભેરુઓ સાથે રમવાના ,તોફાનો કરવાના, ઝાડ ઉપર ચડીને કેરીઓ ,રાયણ વિગેરે પાડીને ખાવાના એમ આનંદથી રજાઓ ગાળવાના આ દિવસો. મોટી ઉંમરના વિદ્યાર્થીઓને વેકેશનમાં એમના પિતા અને વડીલો ખેતીવાડીના કામકાજમાં પલોટી દેતા.એક ઇન્ટર્ન ખેડૂત તરીકે !
ઉનાળાના દિવસોમાં ગામમાં નાટક મંડળી ,તુરી અને ભવાઈ મંડળીઓ આવતી અને રાત્રે ધૂળમાં બેસીને ખુલ્લા આકાશ નીચે મોડી રાત સુધી એમના ખેલો જોવાની બહું મજા આવતી. ગાયનો કટ કરવાની હરીફાઈ જામતી.ઉનાળાની રજાઓનું આ મોટું મનોરંજન બની રહેતું.ગામમાંથી નાટક મંડળી જતી રહે એ પછી એમનામાંથી પ્રેરણા લઈને બાળકો ઘણા દિવસો સુધી એમની નકલ કરીને કોઈની સાડી કે ધોતીયાના પડદા કરી રાજા હરીશ્ચંદ્ર ,રાણા પ્રતાપ વગેરે ખેલો પાડતા એ યાદ આવતાં આજે હસવું આવે છે.
ગામમાં ઉનાળાનું એક બીજું મોટું આકર્ષણ એટલે કેરીઓ ચૂસવાની અને એનો રસ કાઢીને ખાવાની સીઝન.ગામના નાના બઝારમાં,વખારમાં કે બહાર ખુલ્લામાં ઢગલા કરી કેરીઓ પુષ્કળ પ્રમાણમાં વેચાતી.અમારા ખેતરમાં પણ કેરીઓના વૃક્ષો હતાં એ વાઘરી લોકોને સાચવવા અને વેડવા માટે આપીએ એટલે ઘરના આંબાની કેરીઓ ખાવા મળતી.
કિશોર અવસ્થા પછી શાળા કોલેજમાં વધુ અભ્યાસ અને નોકરી માટે ગામ છોડીને કડી શહેરમાં અને અમદાવાદ જવાનું થયું અને નિવૃત્તિ કાળમાં અહીં અમેરિકા આવવાનું થયું.દરેક જગાઓએ ઉનાળાની જુદી જુદી અસરો નિહાળી છે પણ એ સૌમાં ગામના ઉનાળાના એ દિવસોની તોલે કોઈ પણ ન આવે .
અહીં અમેરિકામાં તો ઋતુઓ અને હવામાનની તો વાત જ કોઈ ઓર છે. અહીં દરરોજ ટી.વી. ઉપર હવામાનના સમાચાર જોઈએ તો દરેક જગાઓએ જુદી જુદી ઋતુઓ. કોઈ જગાએ ઉનાળો તો કોઈ જગાએ બારે માસ ચોમાસું .કોઈ જગાએ બરફ અને સખ્ત ઠંડી .અમેરિકામાં રોજે રોજ હવામાનના સમાચાર જોઈને લોકો જીવતા હોય છે . ભારતમાં લોકોને હવામાનના સમાચાર જોવાની બહુ જરૂર જ નથી પડતી. શિયાળો ,ઉનાળો અને ચોમાસું એમ લગભગ વરસો વરસ નિયમિત રીતે ચાલ્યા કરે ,કોઈક વખત કમોસમી માવઠાના અપવાદ સિવાય.
કહેવાય છે ને કે બફા એટલા નફા .ઉનાળાની ગરમી અને લુ સહન કરીએ તો જ ચોમાસાની ઠંડક અને ખેતરોમાં જીવન ઉપયોગી પાકો લણી શકીએ.એવું જ જીવનમાં પણ,દુઃખનો તાપ સહન કરીએ તો જ સુખના ચોમાસાની ઠંડકનો અનુભવ ભોગવી શકાય .
ત્રણ ઋતુઓનું ચક્ર એ પરમ કૃપાલુ પરમાત્માએ માનવોને આપેલી પર્યાવરણની એક અમુલ્ય ભેટ છે એ સમજી લઈએ અને એને સારી રીતે ભોગવવા માટે લાયક બનીએ.
======================
ઉકળાટ …..….. ચીમન પટેલ ‘ચમન’
ગરમી!!ગ્રીષ્મની ગરમી સૌને ગૂંગળાવી રહી છે. વરસાદની ચીંતા સહુને સતાવી રહી છે. એમાંયે ‘યાર્ડ’ની કે ખેતરની ખેતી કરતા ખેડુતોનું દયાન આકાશ તરફ જાણે –અજાણે જાય છે. ઍમાયે જ્યારે વાદળો દેખાય છે ત્યારે વરસાદ આજે તો આવશેની આશામાં મન થોડું હળવું થાય છે. જ્યારે વાદળો વાયરા સાથે વિખરાઇ જાય છે ત્યારે મન નિરાશામાં નિચોવાઇ જાય છે.
‘એરકંડીશન’વાળા આલિશાન ઘરમાં,પોતાના પતિ (કે પત્ની) વગર રહેતી વ્યક્તિ,આવા સમયે એ, બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરતી હોય છે.
૧૯૬૫માં, ભાવનગરની ભૂમીપર, આવા એક ઉનાળાના દિવસે હું બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરી રહ્યો હતો, ત્યારે આ કાવ્ય રચાયું હતું અને ‘સૌરાષ્ટ સમાચાર’ દૈનિકે એને છાપીને મને પ્રોત્સાહિત કર્યો હતો.
ઉકળાટ
ક્યાંય આછોય વર્ષાનો ભાર નથી, એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.
ઋતુનો ન જણાય ક્યાંય રે અણસાર, ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!
કોના પાપે રે વરસે ન આજ વાદળી, અનિલની લે’રીએ ખેંચાઇ જે જાય છે.
પશુ, પક્ષી ને ધરતીની વેદના, જોઇનેય નવ એને કંઇ થાય છે!
વેદના વધારીનેય એ તો વરસી ગયો; ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!
*ચીમન પટેલ ‘ચમન’ (૦૪ઓગષ્ટ’૧૩)
(‘સૌરાષ્ટ સમાચાર’ ના ૨૦જુલાઇ’૬૫ ના અંક્માં પ્રગટ)
ઉનાળો આવ્યો!
ઉનાળાનું ગીત …… કવિ શ્રી અનીલ ચાવડા
ઉનાળો કાળઝાળ થાય છે, પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે; ઉનાળો કાળઝાળ થાય છે.
તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ, આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ? કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે? ઉનાળો કાળઝાળ થાય છે.
આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે? જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે? સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે; ઉનાળો કાળઝાળ થાય છે.
મળવા જેવા માણસની એમની પરિચય શ્રેણીમાં શ્રી .પી.કે.દાવડાએ ૪૭ મો પરિચય યુવા કવી શ્રી અનીલ ચાવડાનો કરાવ્યો છે.
શ્રી ચાવડા ની ગઝલો અને કાવ્યોથી હું સુપરિચિત છું . આ કવિએ થોડા વર્ષોમાં જ ફક્ત ૩૦ વર્ષની યુવા વયમાં કવી/લેખક તરીકે જે નામના મેળવી અનેક સાહિત્ય રસિકોની ચાહના સંપાદન કરી છે એમાં હું પણ એક છું.
શ્રી ચાવડાનો પરિચય લેખ ઈ-મેલમાં મોકલતાં દાવડાજી લખે છે …
“ખેતમજૂરી કરતાં માતા-પિતાને ત્યાં જન્મેલા અને આપબળે આગળ વધીને પોતાના નામની જેમ સાહિત્ય જગતમાં પ્રસરી રહેલા શ્રી અનિલ ચાવડાનો પરિચય કરાવું છું.”
ચાલો આ મળવા જેવા સાહિત્યકાર મિત્ર શ્રી ચાવડાનો વધુ પરિચય શ્રી દાવડાજીના નીચેના પરિચય લેખમાંથી મેળવીએ.
વિનોદ પટેલ
મળવા જેવા માણસ – શ્રી અનિલ ચાવડા-
પરિચય- શ્રી પી.કે.દાવડા
અનિલભાઈનો જન્મ ૧૯૮૫માં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામમાં થયો હતો. એમના પિતા માત્ર ત્રીજા ધોરણ સુધી ભણેલા હતા અને માતા નિરક્ષર. અનિલભાઈના જન્મ સમયે અને ત્યારબાદ ઘણાં વર્ષો સુધી તેમના માતા–પિતા ખેતમજૂરી કરી જીવન ગુજારતાં રહ્યાં. કોઈ વાર ગામમાં મજૂરી ન મળે તો બીજા ગામમાં જઈ મજૂરી કરવી પડતી.આ સમય દરમ્યાન કોઈના ઢોર બાંધવાની ગમાણમાં કે ગામના બસ સ્ટોપમાં પણ સૂઈ રહેવું પડતું.શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આવું જીવન વ્યતિત કરવું પડતું.
આવી કારમી ગરીબીમાં પણ અનિલભાઈના માતા–પિતાએ નિશ્ચય કર્યો કે અમારે અમારા દીકરાને ભણાવવો છે, જેથી એને અમારા જેવું જીવન વ્યતિત ન કરવું પડે.
સંજોગો અનુસાર અનિલભાઈનું પ્રાથમિક,માધ્યમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ અલગ અલગ ગામમાં, અલગ અલગ શાળાઓમાં થયું.કેટલાંક વરસ એમને બોર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો. અભ્યાસ પ્રત્યે થોડી પણ અરૂચિ દર્શાવે ત્યારે એમના માતા એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેતા કે ભણીશ નહિં તો જિંદગીભર અમારી જેમ મજૂરી કરીશ.અનેક કઠણાઈઓ વેઠી, અનિલભાઈએ ૨૦૦૦માં S.S.C.ની પરીક્ષા પાસ કરી. અગિયારમું અને બારમું ધોરણ એમણે અમદાવાદની બે અલગ અલગ શાળાઓમાં ભણી ૨૦૦૨માં H.S.C.ની પરીક્ષા પાસ કરી.
આ સમય દરમ્યાન વેકેશનોમાં મજૂરી કરી શાળાના ખર્ચ જેટલું કમાઈ લેતા. ૨૦૦૨થી ૨૦૦૫ દરમ્યાન અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાંથી B.A.ની ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ૨૦૦૭માં M.A.ની ડીગ્રી મેળવી.૨૦૦૮માં B.Ed.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૨૦૦૯માં એમણે ખાનપુરની ભવન્સ કોલેજમાંથી જર્નાલિઝ્મનો કોર્સ કરી અભ્યાસની સમાપ્તિ કરી.
આઅભ્યાસકાળ દરમ્યાન પણ૨૦૦૫-0૬થી અનિલભાઈ નવભારત સાહિત્ય મંદિરમાં નોકરીએ લાગી ગયેલા. આજે પણ તેઓ ત્યાંજનોકરી કરી રહ્યા છે.
અનિલભાઈના લગ્ન ૨૦૧૧માં, રંજનબહેન સાથે થયાં હતાં . આજે દંપતીને એક પુત્ર છે.
અભ્યાસ દરમ્યાનના કપરા સમય દરમ્યાન પણ મા સરસ્વતીની એમના ઉપર કૃપા હતી. બહુ નાની ઉંમરથી તેઓ સાહિત્યસર્જન કરતા રહ્યા અને કવિતા લખવાનો આ શોખ એટલી હદે હતો કે એમનો એક મિત્ર પોતાની પત્નીને મોકલવાનો પત્ર એમની પાસે લખાવવા આવતો હતો એમાં પણ કવિતા લખી નાખતા. એમને પોતાને એક છોકરી પ્રત્યે આકર્ષણ થયેલું ત્યારે એને જે પત્ર લખતા એમાં પણ કવિતા તો ખરી જ. અમદાવાદમાં મળતી બુધ સભા, જે ધીરુભાઈ દ્વારા ચલાવવામાં આવે છે અને આજે પણ નિયમિત ચાલે છે તેમાં, અને શનિ સભા, જે ચિનુ મોદી દ્વારા ચલાવવામાં આવતી હતી, જે આજે બંધ છે, તેમાં,જ્યાં ચિનુ મોદી, ધીરુ પરીખ, લાભશંકર ઠાકર, માધવ રામાનુજ, રઘુવીર ચૌધરી, શોભિત દેસાઈ અને અનિલ જોષી જેવા નામાંકિત કવિઓ પણ આવતા, તેમાં અંકિત ત્રિવેદી, અશોક ચાવડા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ વગેરે યુવાન કવિઓ આવતા, એમાં અનિલ ચાવડા પણ પોતાની કવિતાઓ રજૂ કરતા રહેતા.
આજે ત્રીસ વર્ષની નાની વયે પણ એમના સાહિત્ય સર્જનના વ્યાપને લીધે,સાંપ્રત ગુજરાતી સાહિત્યના પ્રવાહમાં તેમની હાજરીની નોંધ લેવાય છે.તાજેતરમાં એમને એમના ગઝલ સંગ્રહ ‘સવાર લઈને’ માટે સાહિત્ય અકાદમી– દિલ્હી દ્વારા ગુજરાતી ભાષા માટેનો ‘યુવા પુરસ્કાર’ અર્પણ કરવામાં આવ્યો છે. ૨૦૧૦ માં એમને ગુજરાત સરકારનો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ સાંપડ્યો અને તે જ વર્ષમાં I.N.T.ઇન્ડિયન નેશનલ થિયેટર – મુંબઈ) દ્વારા અપાતો ‘શયદા એવોર્ડ’ પણ તેમને અર્પણ થયો. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦૧૨–૨૦૧૩નું ‘તખ્તસિંહ પરમાર પારિતોષિક’ મેળવનાર અનિલભાઈએ ગદ્ય સ્વરૂપોમાં કલમ અજમાવી,પ્રસિદ્ધ વાર્તા માસિક ‘મમતા’ સંચાલિત વાર્તા સ્પર્ધાનું પ્રથમ પારિતોષિક પણ મેળવ્યું છે. હાલમા ‘સંદેશ’ અખબારમાં તેમની કટાર ‘મનની મોસમ’ પ્રગટ થઈ રહી છે.
(યુવા ગૌરવ પુરસ્કાર સ્વીકારતા શ્રી અનીલ ચાવડા )
એમનું સર્જન કવિતા, વાર્તા, નિબંધ, અનુવાદ, સંપાદન એમ વિવિધ સ્વરૂપે જોવા મળે છે. એમના સાહિત્યમાં યોગ દાનનો અંદાઝ આપું તો એમનો એક કાવ્યસંગ્રહ, એક લઘુવાર્તાઓનો સંગ્રહ અને એક નિબંધ સંગ્રહ પ્રસિદ્ધ થયા છે.એક સહિયારું કાવ્ય સંગ્રહનું પુસ્તક અને પાંચ સંપાદનોનાં પુસ્તકો પણ છપાઈ ચૂક્યાં છે. એઉપરાંત એમણે૧૯પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છે.
પોતાનાં કાવ્ય સર્જન વિશે અનિલભાઈ કહે છે :
“કવિતા સથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો, અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી.”
સાહિત્ય સર્જનમાં એમની વિશેષ પહેચાન ગઝલકાર તરીકેની છે. અનિલભાઈ કહે છે, “ગઝલ મારા ભાવોને, મારા વિચારોને, મારી મનોસ્થિતિને વ્યક્ત થવા માટે વધુ માફક આવે એવું સ્વરૂપ છે.” એમની કવિતાઓમાં પ્રકૃતિનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. આ અંગે તેઓ કહે છે, “પ્રકૃતિ સાથે નાનપણમાં જીવ્યો છું. જે પ્રકૃતિ સાથે જીવ્યો છું એ પ્રકૃતિએ, મને ઘણી બધી બારીઓ ખોલી આપી છે. મારા શબ્દોને વહેવા માટે પ્રકૃતિએ રસ્તો કરી આપ્યો છે.”
વર્તમાનપત્રોમાં કોલમ લખવા માટે નિખાલસતાથી કહે છે, “લેખન જરૂરિયાતને આધીન અને ફરમાયશને આધીન રહીને પણ થાય છે. છાપાંમાં કોલમ લખવાથી મને પૈસા મળે છે. જે મારી જરૃરિયાત પણ છે.”
એમનાં લખાણોની તમારે ખરેખરી મજા માણવી હોય તો તમારે એમની વેબસાઇટ http://www.anilchavda.com/ની મુલાકાત લેવી પડશે.તમને એમની વેબસાઇટ જોવાનું મન થાય એટલા માટે અહીં થોડા નમૂના રજૂ કરું છું.
નીચે આપેલી પ્રત્યેક બે પંક્તિઓ આખે આખી વાત કહી જાય છે અને તે પણ બહુ વેધક રીતે.
(૧) બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું, સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.
(૨) એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા. ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.
(૩) જેને ડૂબાડી શક્યા નૈં કોઈ સરવર કે નદી–દરિયા, એવી ઇચ્છાઓ ડૂબી ગઈ આપમેળે ઢાંકણી લઈને.
(૪) સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં, સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.
(૫) સંપ માટીએ કર્યો તો ઇંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ.
અનિલભાઈની કલમે હજી આપણને ઘણું બધું મળવાનું બાકી છે.
–પી. કે. દાવડા, ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા .
( યુવા કવિ અનીલ ચાવડાનાં કેટલાક કાવ્યો/ગઝલોનો આસ્વાદ આ પછીની પોસ્ટમાં કરાવીશું.)
આ અગાઉની પોસ્ટમાં “મળવા જેવા માણસ – યુવા કવી શ્રી અનિલ ચાવડા “નો પી.કે.દાવડા લિખિત પરિચય લેખતમે વાંચ્યો હશે.
આ લેખના અનુસંધાન રૂપે આજની પોસ્ટમાં શ્રી અનીલ ચાવડાના કેટલાક કાવ્યો/ગઝલો વી. સાહિત્ય પ્રસાદીનો આસ્વાદ લઈને શ્રી ચાવડાનો વધુ પરિચય કરીશું.
કવી અને ગઝલકાર શ્રી અનીલ ચાવડાનું નામ ગુજરાતી સાહિત્ય જગતમાં હવે તો ખુબ જાણીતું બની ગયું છે. નાની ઉંમરમાં એમણે ઘણી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે.
શ્રી અનીલ ચાવડા કવિતાના માણસ છે . એમના શ્વાસમાં જ કવિતા શ્વસતા હોય છે. જુઓ એમના પરિચયમાં તેઓ આ વિષે શું કહે છે :
“હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું.જિંદગીની દરેક પળે કવિતાએ મને જીવતો રખ્યો છે.”
અનીલ ચાવડાની મને ગમતી બે રચનાઓ
તો શું જોઈતું’તું ?…. ગઝલ
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ? ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ, પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?
જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ, એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું, ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા, વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?
– અનિલ ચાવડા
ઉપરના કાવ્યને શ્રી ચાવડા પોતે સ્વ-મુખે પઠન કરતા આ વિડીયોમાં સાંભળો
જડ્યો જડ્યો હું જડ્યો……અનીલ ચાવડા
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો, ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.
નાનકડો એક રજકણ હું તો ક્યાં ઓળંગું સીમા? ધૂળ અને ઢેફાની માફક પડ્યો હતો માટીમાં; પિંડ તમે બાંધ્યો મારો તો હુંય ચાકડે ચડ્યો. જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.
એક સવારે આમ તમારું સવાર જેવું મળવું; છાતી અંદર રોકાયું ના રોકાતું કૂંપળવું ! પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો. જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.
– અનિલ ચાવડા
ગુજરાત ગૌરવ પુરસ્કાર-2010 સ્વીકારતાં એમની રચનાઓ /મુક્તકો વી. રજુ કરતા શ્રી અનીલ ચાવડા -આ વિડીયોમાં નિહાળો .
સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને એમના બ્લોગ સન્ડે-ઈ-મહેફિલ ના સૌજન્યથી યુવા કવિ શ્રી અનીલ ચાવડાની ઘણી ચુનંદી ગઝલો/કાવ્યોનો આખો સંપુટ નીચેની લીંક ઉપર ક્લિક કરીને માણો.
શ્રી ચાવડા કાવ્યો /ગઝલો ઉપરાંત એક સારા ગદ્ય લેખક તરીકે પણ ઉભરી રહ્યા છે એ એમના વિવિધ નિબંધ લેખોમાંથી જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે સંદેશ અખબારની કોલમમાં પ્રકાશિત આ લેખ વાંચીને ખાતરી કરી લો. પ્રાર્થના વિશેનો એમનો આ નિબંધ એ જાણે આપણે એક કવિતા વાંચતા ના હોઈએ એવો અહેસાસ કરાવે છે.
વાચકોના પ્રતિભાવ