ચુંટણીના દિવસ નવેમ્બર ૮ ૨૦૧૬ સુધી આ બન્ને રાજકીય પક્ષના ઉમેદવારો સામ સામે જોર શોરથી ટકરાશે અને જીતવા માટે કેવા સામ,દામ,દંડ અને ભેદના અવનવા દાવ અજમાવશે એની કલ્પના કરી શકાય એમ છે.જાણે કે એક રાજકીય કુરુક્ષેત્ર !
Hillary Clinton taking Selfie
હાલ જેની વધુ શક્યતાઓ જણાઈ રહી છે એમ જો હિલરી ક્લીન્ટન નવેમ્બરમાં પ્રમુખ પદે ચૂંટાઈ આવશે તો અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ બનનાર એ પ્રથમ મહિલા બનશે.
જો કે પ્રમુખ પદ માટે ચુંટણી લડનાર હિલરી ક્લીન્ટન પ્રથમ મહિલા નથી.અમેરિકાના રાજકીય ઇતિહાસમાં પ્રમુખપદનાં પ્રથમ મહિલા ઉમેદવાર બનવાનું માન એક અન્ય મહિલા વિક્ટોરિયા વુડહલને ફાળે જાય છે.
જાણીતા સાહિત્યકાર અને કટાર લેખક શ્રી મધુ રાયએ એમના ફેસ બુક પેજ પર વિક્ટોરિયા વુડહલનો સુંદર પરિચય કરાવ્યો છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં રજુ કરેલ છે.
વિનોદ પટેલ
વિક્ટોરિયા વુડહલ,અમેરિકાના પ્રમુખપદનાં
પ્રથમ મહિલા ઉમેદવાર
નીલે ગગન કે તલે / મધુ રાય
આવતા અઠવાડિયે ડેમોક્રેટિક પક્ષનાં રાષ્ટ્રપ્રમુખપદનાં ઉમેદવાર તરીકે વરાશે તે હિલેરી ક્લિન્ટન.તે ઐતિહાસિક હશે પણ અભૂતપૂર્વ ઘટના નથી.આજથી ૧૪૪ વર્ષ પહેલાં ૧૮૭૨માં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર હતા યૂલિસિસ એસ. ગ્રાન્ટ અને એમની સામે ઊભાં રહેલાં આ પદનાં સૌપ્રથમ મહિલા ઉમેદવાર ઇક્વલ રાઇટ્સ પાર્ટીનાં નેતા વિક્ટોરિયા વુડહલ .
આજથી લગભગ દોઢ સદી પહેલાં અમેરિકામાં મહિલાઓને મતાધિકાર પણ નહોતો ત્યારે આ ખૂંખાર શાકાહારી મહિલાએ તે દેશના સર્વોચ્ચ નેતાપદ માટે ઉમેદવારી નોંધાવેલી.જે સમયે મહિલાઓએ પગથી માથા સુધી લૂગડાં પહેરીને શયન કરવાનો રિવાજ હતો ત્યારે વિક્ટોરિયાએ ભરબજારમાં ધોળા દિવસે ટૂંકાં સ્કર્ટ પહેરી ફરવાનો હક માગેલો,વેશ્યાગમનને કાયદેસર માન્યતા આપવાની માગણી કરેલી અને મુક્તપ્રેમ તથા મુક્તચારનો મહિમા કરેલો.
વિક્ટોરિયાના કિશોરીવયે વખાના માર્યાં એના જન્મસ્થાન ઓહાઇયો છોડવું પડેલું. ન્યુ યોર્ક રાજ્યના રોચેસ્ટર શહેરમાં ૧૪ વર્ષે તેમણે તેનાથી બમણી વયના ડોક્ટર કેનિંગ વુડહલ સાથે લગ્ન કર્યાં. કાળક્રમે તેની સાથે છૂટાછેડા લઈ તે ન્યુ યોર્ક ગયાં અને તે સમયે તાજા વિધુર બનેલા ૮૪ વર્ષના કરોડપતિ કોર્નેલિયસ વાન્ડરબિલ્ટને મળ્યાં.તે દિગ્ગજ પૂંજીપતિને એમણે એવું મૂળિયું સુંઘાડ્યું કે વાન્ડબિલ્ટે તેને ધીકતી શેર દલાલીની પેઢી સ્થાપવામાં પીઠબળ આપ્યું.તેની કમાણીમાંથી વિક્ટોરિયાએ એક સાપ્તાહિક પત્રિકા શરૂ કરી પોતાના ઉદ્દામ વિચારોનો પ્રચાર કર્યો અને એમાંથી તેની રાજકીય આકાંક્ષાઓનો જન્મ થયો.
તે સમયે છૂટાછેડા કાયદેસર હતા પણ ભાગ્યે જ તેની હિમ્મત કોઈ કરતું કેમકે છૂટાછેડા લેનાર સ્ત્રી કે પુરુષને સમાજ હિકારતની નજરે જોતો.લગ્નમાં કશું આકર્ષણ બચ્યું ન હોય તોય મહિલાઓ આજીવન ધણીની ધૂંસરી વેંઢાર્યા કરતી અને પુરુષો શોખથી રખાતો કે વેશ્યાઓનો સંગ શોધતા.તે જમાનામાં ફક્ત ન્યુ યોર્કના મેનહાટન વિસ્તારમાં ૨૦,૦૦૦ વેશ્યાઓ હતી.માલદાર પુરુષો બેરોકટોક તેમની મહેમાનગતિ ભોગવતા.કહેવાય છે કે અમેરિકામાં રેલરોડ વિસ્તારના ધનપતિ વાન્ડરબિલ્ટ તેવી વારાંગનાઓના શૌકીન હતા.સ્ત્રી અને પુરુષ વચ્ચે યૌનાચાર અંગેના આવા ક્રૂર ભેદભાવથી, શેશવમાં પિતાએ આચરેલા દુષ્ટાચારથી અને પોતાના પહેલા પતિના આડા સંબંધોથી ખિન્ન થઈને વિક્ટોરિયા મુક્તાચારનાં હિમાયતી બનેલાં.આજે દોઢસો વર્ષ પછી પણ અમેરિકામાં શાકાહાર ભ્રૂસંકોચથી જોવાય છે ત્યારે છેક તે જમાનામાં આ વિરલ આધ્યાત્મિક નારીએ પશુઓની કતલનો વિરોધ કરી ચુસ્ત શાકાહારની હિમાયત કરેલી.
તે સમયે તાજી સ્થપાયેલી ઇક્વલ રાઇટ્સ પાર્ટી અથવા પીપલ્સ પાર્ટી (‘જનતા પક્ષ’) તરફથી ૧૮૭૨માં વિક્ટોરિયાએ રાષ્ટ્રપ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવેલી.તેના ઉપ રાષ્ટ્રપ્રમુખપદના ભિલ્લુ હતા ભૂતપૂર્વ અશ્વેત ગુલામ, અને ગુલામીની નાબૂદીના કર્મશીલ ફ્રેડરિક ડગલસ. વિક્ટોરિયાએ ફક્ત પુરુષોની બનેલી સરકારને ઉખેડી ફેંકી દેવાની ઝુંબેશ ઉપાડેલી. “રાજદ્રોહ કહો, દેશના ટૂકડાની હિમાયત કહો જે કહો તે, અમે ક્રાન્તિ લાવીશું અને આ બોગસ ‘પ્રજાતંત્ર’ને જમીનદોસ્ત કરી પ્રામાણિક સરકારની સ્થાપના કરીશું!” તે કહેતાં. પોતાના મુક્તાચાર માટે તે ઘોષણા કરતાં કે “હું જેને ઇચ્છું તેને ગમે તેટલા લાંબા કે ટૂંકા ગાળા માટે ચાહવાનો મને મૂળભૂત બંધારણીય અને કુદરતદત્ત અધિકાર છે! હું મુક્તપ્રેમમાં માનું છું, હું ઇચ્છું તો રોજ નવો પ્રેમી પકડું, અને તેમાં દખલ કરવાનો તમને કે તમારા કાયદાઓને કોઈ હક નથી! મને સજા કરવી હોય તો ભલે શૂળીએ ચઢાવો!” અલબત્ત, ૧૮૭૨ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ભલે વિક્ટોરિયા શૂળીએ ના ચડ્યાં, પણ જાહેરમાં અશ્લીલ શબ્દો વાપરવા બદલ ચૂંટણીની રાત તેમણે જેલમાં ગુજરેલી. મતદાનમાં તેને ગણતરીના મત મળેલા અને તેનો તેજોવધ થયો.
ચૂંટણીની કારી પછાડ પછી ૧૯૭૬માં વાન્ડરબિલ્ડની વહારથી તેણે દેશ છોડ્યો અને ઇંગ્લેન્ડમાં નવી જિંદગીની શરૂઆત કરી. વિક્ટોરિયાએ ત્રણવાર લગ્ન કરેલાં: પહેલું ડો. વુડહલ સાથે; બીજું ૨૮મા વર્ષે એક કર્નલ બ્લડ નામે લશ્કરી અફસર સાથે; અને ત્રીજું સન ૧૮૮૩માં ૪૫ની વયે ઇંગલેન્ડમાં જોન માર્ટિન નામના શ્રીમંત બેન્કર સાથે.
આજે ફરી એક મહિલા અમેરિકાનાં સર્વોચ્ચ નેતા અને વિશ્વનાયક થવા થનગની રહ્યાં છે. તે નિમિત્તે તેવી પહેલ કરનાર વિક્ટોરિયા વુડહલને નમન. જય મોનિકા!
વાચકોના પ્રતિભાવ