વાવાઝોડું: બગડેલો બદલાયેલો ચહેરો
કવર સ્ટોરી – હેન્રી શાસ્ત્રી
અમેરિકામાં પહેલા હાર્વી અને હવે ઇર્મા નામના બે વાવાઝોડા (ચક્રવાત કે વાવંટોળિયો પણ કહી શકો છો) કાળો કેર વર્તાવી રહ્યા છે. હાર્વીના હુમલામાંથી હજી કળ વળી નહોતી ત્યાં એનાથી વધુ તીવ્રતાવાળા ઇર્મા નામના વાવાઝોડાએ હાહાકાર મચાવી દીધો છે. ઇર્મા અત્યાર સુધીનું સૌથી વિનાશકારી વાવાઝોડું સાબિત થઇ ગયું છે. આ પ્રકારની કુદરતી હોનારત જનજીવન નેસ્તનાબુદ તો કરી જ દે છે, પણ સાથે સાથે લોકોના ઘરબાર અને નોકરીધંધા પર પણ પાણી ફેરવી દે છે. આ નિમિત્તે ચર્ચા થઇ રહી છે વાવાઝોડાની દૂરગામી અસરોની. અત્યારે ટેક્સસ અને ફ્લોરિડાની બેહાલી કેટલી વધશે એના તર્ક-વિતર્ક થઇ રહ્યા છે, પણ સાથે અગાઉની હોનારત પછીની અસરો વિશે પણ ચર્ચા થઇ રહી છે.
૧૯૦૦ની સાલમાં ટેક્સસ રાજ્યના જ ગેલ્વેસ્ટન શહેરમાં પ્રચંડ વાવાઝોડું ત્રાટક્યું હતું. આ તોફાને ભારે તારાજી સર્જીને મિલકતને તો નુકસાન પહોંચાડ્યું જ, પણ આશરે દસથી બાર હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. એ સમયે આ હોનારતે અમેરિકાની સૌથી વિનાશકારી હોનારતનું લેબલ મેળવ્યું હતું. આવી હોનારતના જખમ રુઝાતા વાર લાગતી હોય છે. જોકે, દૃઢ મનોબળથી આવા આંચકાને પચાવીને હવે પછી જો આવું થાય તો શું અને કેવી તકેદારી રાખવી એને પ્રાધાન્ય આપવામાં આવે છે. ગેલ્વેસ્ટનમાં આ જ વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ભવિષ્યમાં આવું તોફાન ત્રાટકે તો તારાજી થતી અટકાવવાના પ્રતિબંધિત વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો. શહેરમાં ઘણાં સુધારાઓ કરવામાં આવ્યા.
૧૯૦૨માં હેન્રી માર્ટિન રોબર્ટ નામના નિષ્ણાતની સહાયતાથી વાવાઝોડામાં ધરાશાયી થઇ ગયેલા બ્રિજની જગ્યાએ ઑલ વેધર બ્રિજ (દરેક ઋતુના હવામાનમાં ટકી શકે એવો પુલ) બાંધવામાં આવ્યો. બીજી એક મહત્ત્વની વાત એ બની કે શહેરના રક્ષણ માટે એની સપાટી વધારવામાં આવી. મતલબ કે ખાસ પ્રક્રિયા કરેલી રેતીના ઉપયોગથી શહેરને ઊંચું કરવામાં આવ્યું. જાણીને હેરત પામી જશો કે ગેલ્વેસ્ટોન શહેરને અગાઉની સપાટીથી ૧૭ ફૂટ ઊંચું કરવામાં આવ્યું. એ માટે ખાસ સીવૉલ બાંધવામાં આવી. નવી ડિઝાઇનવાળી ઇમારતો પણ ઊભી કરવામાં આવી. એ સમયે આ ફેરબદલને અદ્ભુત અને ધ્યાનાકર્ષક બદલાવ ગણવામાં આવ્યો હતો.
આ પ્રયત્નોનો પ્રભાવ ૧૯૧૫માં જોવા મળ્યો. દોઢ દાયકા પછી ૧૯૦૦ના વાવાઝોડા જેવી જ તીવ્રતાવાળું વાવાઝોડું ફરી ગેલ્વેસ્ટોન પર ત્રાટક્યું ત્યારે ફરી દરિયાના મોજા ૧૨ ફૂટ ઊંચા ઉછળ્યા ખરા, પણ નવું બાંધકામ મજબૂત હોવાથી તેમ જ શહેરની સપાટી ઊંચી કરવામાં આવી હોવાથી માત્ર ૫૩ લોકોએ જાન ગુમાવ્યા. ૧૯૦૦ની સાલના દસેક હજારની જાનહાનિ સામે આ આંકડો નગણ્ય જ કહેવાય. આજની તારીખમાં ગેલ્વેસ્ટોન એક વિકસિત બંદર છે. શહેરમાં બે યુનિવર્સિટી છે અને વિશાળ પાયે કામ કરતું ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન સુધ્ધાં છે. ૧૯૦૦ના વાવાઝોડા પછી તરત બાંધવામાં આવેલી સીવૉલની લંબાઇ વધારીને ૧૬ કિલોમીટર કરવામાં આવી છે. આજે એ ટૂરિસ્ટ ઍટ્રેક્શન બની ગઇ છે. ભવિષ્યના સંભવિત વાવાઝોડા સામે ટકી શકવાનો આત્મવિશ્ર્વાસ વધી ગયો હોવાથી એની આસપાસ હોટેલો તેમ જ ટૂરિસ્ટ સ્પૉટ બાંધવામાં આવ્યા છે. જો હવમાન માઝા મૂકતું હોય તો એનાથી થયેલી તારાજી બાદ કંઇક નવા વિચાર કરવા જોઇએ જેનાં દર્શન આપણને ગેલ્વેસ્ટનમાં થયા.
આ જ રીતે, ૧૯૩૫માં આવેલા વાવાઝોડાથી ફલોરિડા કીઝ ક્ષેત્રમાં ઘણું નુકસાન થયું હતું. ફલોરિડાના કાંઠા વિસ્તારો એકબીજા સાથે રસ્તાથી નહીં પણ માત્ર રેલવે દ્વારા જોડાયેલાં હતાં. વાવાઝોડા વખતે આ બધા વિસ્તારો ખાલી કરાવવા માટે ટ્રેઈન સિવાય કોઈ વિકલ્પ જ ન હતો.
આ વિસ્તારોને ખાલી કરાવવા માટે થયેલો ટ્રેઈનનો ઉપયોગ પણ જિંદગીભર યાદ રહી જાય તેવો શૌર્યગાથા બની ચૂકેલો કિસ્સો છે. બન્યું એવું કે ભોગ બનેલાઓને ટ્રેઈનમાં ભરીને ગાડી જ્યારે પાછી વળતી હતી ત્યારે ઈસ્લામોરાડા ખાતે ભયંકર વાવંટોળને કારણે ગાડીના ડબ્બા ખડી પડ્યા હતા. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી, બધા જ મુસાફરોને બચાવી લેવાયા હતા, પણ આ નુકસાન પામેલા રેલવેના પાટા અને પુલ જોઈને તો આખી લાઈન જ નેસ્તનાબૂદ કરીને ત્યાં પાકા રોડ બાંધી દેવામાં આવ્યા હતા, આજે જે રસ્તાઓ છે તે આ દુર્ઘટનાને આભારી છે.
૨૦૦૫માં ન્યૂ ઓર્લેન વિસ્તારમાં ત્રાટકેલા કેટરીના વાવાઝોડાથી ત્યાંની વસતિ એક લાખ જેટલી ઘટી ગઈ હતી, જેમાં કાળા અમેરિકનો વધુ પ્રમાણમાં માર્યા ગયા હતા. ૨૦૦૦માં આ વસતિ ૪,૮૪,૬૭૪ જેટલી હતી તે ૨૦૦૬માં ઘટીને ૨,૩૦,૧૭૨ થઈ ગઈ હતી, પણ જુલાઈ ૨૦૧૫ની વસતિ ગણતરી પ્રમાણે તે ૩,૮૬,૬૧૭ સુધી પહોંચી છે, હવે કેટલાક વિસ્તારમાં વધુ વસતિ છે અને અત્યારના ઘરોની ગુણવત્તા પણ ઘણી સુધરી છે. ભારતમાંય કચ્છના ભૂકંપ વખતે થયેલી તારાજી પછી જે નવા રસ્તા કે ઘર બંધાયા એ એટલી ઉત્તમ કક્ષાના અને આધુનિક સગવડવાળા છે કે નાની મોટી દુર્ઘટનાથી સરળતાથી બચી જાય એવું એક માળખું તૈયાર થયું છે.
અત્યારે અમેરિકા કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. શું હાર્વી અને ઇર્માની તારાજીને પગલે ફ્લોરિડા તેમ જ ટેક્સસમાં અને એને પગલે સમગ્ર અમેરિકામાં એક પરિવર્તનનો વાયરો ફુંકાશે? અપેક્ષા વધુ પડતી છે, પણ ભૂતકાળના અનુભવમાંથી યોગ્ય બોધપાઠ લેવામાં કશું ખોટું નથી.
વાવાઝોડાનાં લગ્ન!
લગ્ન થાય એ સમયથી તમારા જીવનમાં વાવાઝોડાનું આગમન થાય છે કે લગ્નજીવનમાં વારતહેવારે વાવાઝોડું આવતું રહે એમ મજાકિયા સ્વરે કહેવાતું હોય છે. જોકે, અમેરિકામાં તો વાવાઝોડાનાં જ લગ્ન થયાં હોવાની એક બેનમૂન ઘટના બની છે. એમાં નથી કોઇ તોફાન કે ન કોઇ વિનાશ. છે તો માત્ર નીરવ શાંતિ અને હર્યુંભર્યું જીવન. છે ને મજેદાર વાત.
વાત જરા માંડીને કરવી પડે એવી છે. તાજેતરમાં અમેરિકામાં હાર્વી અને ઇર્મા નામનાં બે વાવાઝોડાએ પારાવાર નુકસાન કરી માલ-મિલકત અને જનજીવનને મોટી માત્રામાં નુકસાન પહોંચાડ્યું છે. આ વાવાઝોડાનું નામ પડતાંની સાથે લોકો થરથર કાંપી ઊઠે છે. જોકે, અમેરિકામાં જ હાર્વી અને ઇર્મા એ બે નામ હૈયે ટાઢક આપનારા અને ચહેરા પર સ્મિત રેલાવનારા પણ છે. એમને જોઇને લોકોના ચહેરા ચમકી ઊઠે છે. વાંચીને જરા નવાઇ લાગે છે ને! હકીકત એ છે કે હાર્વી અને ઇર્મા એ ૭૫ વર્ષથી સુખી લગ્નજીવન જીવતું યુગલ છે. દાદા હાર્વીની ઉંમર છે ૧૦૪ વર્ષ અને દાદીમા નવેમ્બરમાં ૯૩નાં થશે. આ ઉંમરે ચહેરા પર કરચલીઓ પડી ગઇ છે, પણ યાદશક્તિ એકદમ તેજ છે. ૧૯૨૯થી ૧૯૩૯ સુધી ચાલેલું ધ ગ્રેટ ડિપ્રેશનની ઘટના તેમ જ ૧૯૬૯માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલ્યો એ પ્રસંગ પણ તેમને બરોબર યાદ છે.
આમ સારી-નરસી ઘટનાઓના તેઓ સાક્ષી રહ્યા છે, પણ તેમના નામધારી બે વાવાઝોડા અમેરિકા માટે ખતરો બની ગયા હોવાનો આ વખતનો પહેલો અનુભવ તેમના માટે યાદગાર તો નહીં જ રહે. ઇર્મા દાદીએ તો એમ પણ કહ્યું કે ‘એ લોકોએ કઇ રીતે બે વાવાઝોડાના નામ ઇર્મા અને હાર્વી પાડ્યા એ મારી સમજની બહાર છે.’ જોકે, એ સમજવા માટે ઝાઝું માથું ખંજવાળવું પડે એમ નથી. ૧૯૭૯થી વર્લ્ડ મીટીરિયોલૉજીકલ ઑર્ગેનાઇઝેશન દ્વારા ઍટલાંટિક સમુદ્ર પરથી ઊઠતા વાવાઝોડાને વારાફરતી સ્ત્રી અને પુરુષના નામ આપવામાં આવી રહ્યા છે. ૨૦૧૭માં પહેલી જ વાર બે વાવાઝોડા આગળ પાછળ ત્રાટક્યા છે અને એ શમી જશે. જોકે, આપણા પ્રેમાળ હાર્વી અને ઇર્મા તો છેક ૧૯૪૦ના દાયકાથી એકમેકનો સાથ નિભાવી રહ્યા છે અને કેટલાય ચહેરા પર સ્મિત રેલાવવામાં નિમિત્ત બન્યા છે. તારાજી કરી રહેલા હાર્વી અને ઇર્મા બને એટલા જલદી વિદાય લે એવું અમેરિકન લોકો ઇચ્છતા હશે, જ્યારે પતિ-પત્ની હાર્વી અને ઇર્મા બને એટલું જીવે એવી મનોકામના વ્યક્ત કરવામાં આવતી હશે.
Source ...
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=380827a
વાચકોના પ્રતિભાવ