વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: અમેરિકાનું ગન કલ્ચર

(834 ) અમેરિકામાં ‘ગન કલ્ચર’ – એક ગૂંચવાએલું કોકડું …સંકલન – વિનોદ પટેલ / ‘ગન કંટ્રોલ અમેરીકા’…ગુ.મિત્ર લેખ ..હરનિશ જાની.

અમેરિકામાં ‘ગન કલ્ચર’ એક ગૂંચવાએલું કોકડું …

અમેરિકામાં ગયા વરસે લગભગ ૩૦૦૦૦ માણસો એકલા બંદુક કે પિસ્તોલના ઉપયોગથી માર્યા ગયા છે. અમેરિકામાં માણસો દરરોજ કોઈને કોઈ જગાએ ગનથી મરતા હોય એ એક સામાન્ય વાત થઇ ગઈ છે.લોકોને આ જાણે કે હવે પચી ગયું છે ,કોઈને નવાઈ લાગતી નથી .સામાન્ય લોકો એમ વિચારતા હોય એમ લાગે છે કે એ તો એમ જ હોય ,આવું તો બન્યા કરે.

જ્યારે કોઈ બનાવ બને છે અને જ્યારે એક સામટા ૧૦ કે વીસ માણસો એક જ બનાવમાં મરે છે ત્યારે જન સમાજમાં થોડા દિવસ એની ચર્ચાઓ થાય છે, ગનના ઉપયોગનો કન્ટ્રોલ કરવા કંઈક કરવું જોઈએ ,એના માટે કોંગ્રેસએ બંધારણની જોગવાઈઓમાં ફેરફાર લાવવો જોઈએ વિગેરે વિગેરે ચર્ચાઓમાં અને ખબરોમાં જોવા મળે છે પણ થોડા દિવસો પછી લોકોની ઉશ્કેરાયેલી લાગણીઓનો ઉભરો શમી જતાં જન જીવન હતું એમને એમ થાળે પડી જાય છે.

જગતના શક્તિશાળી દેશ અમેરિકાના પ્રેસીડન્ટ બરાક ઓબામા દેશના વર્તમાન હિસક ગન કલ્ચરથી ખુબ દુખી છે પરંતુ તેઓ અમેરિકાની એન.આર.એ.ની પાવરફુલ ગન લોબી સામે અને એને વેચાઈ ગયેલ રાજકારણીઓ -કોન્ગ્રેસ સભ્યો -સામે કશું કરવા અસમર્થ છે.બંધારણના સેકન્ડ એમેન્ડમેન્ટ પ્રમાણે અમેરીકાના દરેક નાગરીકને ગન રાખવાનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે.આને લીધે દુકાનોમાં કે ગન વેચવા માટે ભરાતા મેળાઓમાં જઈને લોકો રમકડાની જેમ ગન ખરીદી શકે છે .એના વિષે કોઈ પુછપરછ થતી નથી.અસ્થિર મગજના અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા રીઢા ગુનેગારો પણ કોઈ પણ જાતની બીક વગર બેરોકટોક ગન ખરીદે છે અને મન ફાવે એમ એનો ઉપયોગ કરતા હોય છે.

વિનોદ પટેલ 

ગન કંટ્રોલ અમેરિકા… ગુજરાત મિત્ર લેખ…. હરનિશ જાની

જાણીતા ડાયાસ્પોરા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાની અમેરિકામાં છેલ્લા ચાલીસ વર્ષ ઉપરાંત વરસોથી રહે છે એટલે એને નજીકથી બરાબર ઓળખી ગયા છે.અમેરિકાના જાત અનુભવથી તેઓ એના સળગતા પ્રશ્નોથી પુરેપુરા વાકેફ છે.

સુરતના ગુજરાત મિત્ર દૈનિક ગુજરાત મિત્રની બુધવારીય પુર્તી ‘દર્પણ’ની”‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’માં દર બુધવારે પ્રગટ થતા એમના  અભ્યાસપૂર્ણ લેખોમાં અમેરિકાના એમના જાત અનુભવોને એમની આગવી હાસ્ય મિશ્રિત લેખન શૈલીમાં નિયમિત રીતે પીરસતા રહે છે.

 

Gun culture .... Harnish Jani

અમેરિકાના ગન કલ્ચર વિશેનો ગુજરાત મિત્રમાં, તારીખ ૬ ઠી જાનુઆરી ૨૦૧૬નો એમનો લેખ વાંચવા જેવો છે.આ લેખમાં એમણે એમના અનુભવો અને અભ્યાસ આધારિત જે માહિતી આપી છે એ પરથી અમેરીકામાં આજે ગન કંટ્રોલનું જે કોકડું ગૂંચવાઈ ગયું છે એનો ખ્યાલ તમને આવી જશે.

શ્રી હરનીશભાઈ આ લેખમાં જણાવે છે …

ઘણાં વખતથી મુઝવતા વિષય પર લખવું છે. તે છે અમેરીકામાં ગન કંટ્રોલ. જો હું એમ કહું કે સાત વરસના ઈરાક વોરમાં જેટલા અમેરિકન મર્યા છે. તેનાથી વધુ અમેરિકનો અમેરિકાની ધરતી પર બીજા અમેરિકનોના હાથે, એક જ વરસમાં મર્યા છે. ૨૦૧૪માં ગન શોટથી ૧૧૨૦૮ અમેરિકનો મર્યા છે. જ્યારે ઈરાક વોરના સાત વરસમાં ૪૫૦૦ અમેરીકનો અને ૪૦૦ મિત્ર દેશના સોલ્જર્સ મર્યા છે. ઈરાક વોરમાં તો મરતાં અટક્યા. પણ ૨૦૧૫માં પણ હજારો મર્યા હશે. આમ કહી શકાય કારણકે ૧૯૭૦ થી ૨૦૧૪ સુધીમાં ૧૩ લાખ અને ૫૦૦ અમેરિકનો અમેરિકાની ધરતી પર અમેરિકનોની ગનથી મર્યા છે. ૨૦૧૪ માં જ ૨૧૦૦૦ લોકો એ તો આપઘાત કરવામાં ગન વાપરી છે. તે જુદી. હવે તમે જ હિસાબ કરો!

ગયા અઠવાડિયે બિચારા પ્રેસિડન્ટ બારાક ઓબામાએ ટી.વી. પર પેલા બે મુશ્લીમ આતંકવાદીઓને હાથે ૧૪ જણના મુત્યુનો ખરખરો કર્યો. અને મુઠ્ઠી ઉગામી ઉગામીને જાહેર કર્યું કે આ દેશમાં સ્ટ્રોંગ કાયદો લાવી ગન કંટ્રોલ લાવવો જોઈએ. જયાં સુધી ગન કંટ્રોલનો સવાલ છે. ત્યાં સુધી ,એમનું કોઈ સાંભળતું નથી. પ્રેસિડન્ટને કોઈ ગણકારતા નથી. કારણકે કોંગ્રેસમાં તેમના ગન કંટ્રોલનો કાયદો પસાર કરવા બહુમતિ જોઈએ. જે તેમને મળવાની નથી. આજ સુધી ગન કંટ્રોલ માટે મળી નથી. આ પહેલો બનાવ નથી.

મારી દ્રષ્ટિએ ,અમેરિકાનું રાજકારણ જુઓ તો સામાન્ય માણસનું માથું ફરી જાય. અને પેલા મિડલ ઈસ્ટના ટેરરીસ્ટોમાં પણ સ્હેજે કોમન સેન્સ નથી. સાદો હિસાબ માંડીએ, બે ટેરરિસ્ટ પોતે મર્યા અને ૧૪ને માર્યા. ૧૯ ટેરરિસ્ટોએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડીંગ તોડ્યા. અને ૩૦૦૦ લોકોને માર્યા. તેમણે શું કાંદા કાઢ્યા ! તે જ વરસે હજારો અમેરિકનો અંદરો અંદર ગોળીઓ મારીને મરી ગયા હતા. ટેરરિસ્ટોએ તો અમેરિકનોનો ગન શોટનો ખેલ ઘેર બેઠાં બેઠાં જોવો જોઈએ. આ ખૂનામરકી જોઈએ તો સોનાની દ્વારકામાં યાદવાસ્થળી થઈ હશે એ વાત સાચી.(બે ચાર બચેલા યાદવો હાલ બિહારમાં હજુ છે,) અમેરિકનો ગનને હરણ અને કાળા રિંછના શિકાર માટે ગન વાપરે છે.

મને કહેતાં આનંદ થાય છે કે હું ભારત દેશમાં હિન્દુને ત્યાં જનમ્યો છું જે ધર્મ માને છે કે પ્રાણી માત્રમાં જીવ છે. અને પશુઓને પણ આત્મા છે. ક્રિશ્ચિયન અને ઈસ્લામ ધર્મમાં તેમને આત્માવિહીન એક વસ્તુ તરીકે જોવાય છે. જેમ ધરતીમાં ધાન્ય ઉગે તે ખવાય.તેમ આ પશુઓ ખવાય.

ગુજરાત મિત્રમાં પ્રકાશીત શ્રી હરનીશ જાનીનો આ આખો મજાનો પૂરો લેખ નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

http://gujaratmitra.in/Portals/6/Supplements/drp6.pdf

હરનીશભાઈ ગુ,મીમાં ઘણીવાર એમના લેખોના અંતે કોઈ એક રમુજી વાત કે જોકની છેલ્લી વાત મૂકી લેખનું સમાપન કરે છે. આ લેખને અંતે મુકાએલી એમની છેલ્લી વાત મજાની છે.

છેલ્લી વાત–

એક માણસ કાંગારુને લઈને શોપીંગ મૉલમાં ગયો. તો એક ડાહ્યા માણસે તેને રોકીને કહ્યું કે “કાંગારુને ઝુમાં લઈ જા ને” તો પેલો બોલ્યો કે “બહુ સરસ આઈડિયા છે.” પછી બીજે દિવસે પેલા ડાહ્યા માણસને, તે જ માણસ પાછો કાંગારુને લઈને મૉલમાં ફરતો દેખાયો. પેલા ડાહ્યા માણસે કહ્યું,” તું આ કાંગારુને ઝુમાં નથી લઈ ગયો? તને કહ્યું હતુંને!”

પેલો કહે “હા , ગઈકાલે અમે ઝુમાં ગયા હતા. આજે સિનેમા જોવા જઈએ છીએ.”

(મતલબ કે કોઈ ફેરફાર નહિ … બધું એમનું એમ … આ કાંગારુવાળા માણસ જેવું …ડાહ્યા માણસની વાત ગઈ તેલ લેવા !..)

અમેરિકામાં ‘ગન કલ્ચર’થી પરેશાન પ્રમુખ ઓબામા રડી પડ્યા

ચિત્રલેખા.કોમમાં પ્રગટ આ અહેવાલ અને વિડીયો ઉપરથી તમને ખ્યાલ આવી શકશે કે અમેરિકાના ગન કલ્ચરથી વિશ્વના શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ કેટલા દુખી છે છતાં પાવરફુલ એન.આર.એ .સંસ્થાને વેચાઈ ગયેલ ખંધા રાજકારણીઓ આગળ આવા બનાવો બનતા અટકાવવા માટે કેટલા લાચાર છે. !

તારીખ ૫ મી જાન્યુઆરીના રોજ,અગાઉ ગનથી સેન્ડી હિલ ,ન્યુ ટાઉનમાં  મૃત ૨૦ બાળકોનાં માતા પિતાની હાજરીમાં વાઈટ હાઉસના પરિસરમાં ખુબ દુખી બરાક ઓબામાએ આપેલ પ્રવચનમાં પ્રેસીડન્ટ તરીકેના એમના એક્ઝીક્યુટીવ પાવરનો ઉપયોગ કરીને બંધારણની કેટલીક જોગવાઈઓમાં સુધારા કરવાનો એક હિમત ભર્યો પ્રયત્ન કર્યો છે .રીપબ્લીકન પક્ષ અને ગન લોબી એમના આ સુધારાઓ પર હાલ માછલાં ધોઈ રહ્યો છે.ઓબામાને કોર્ટમાં સામનો કરવાનો પણ આવે એવી વાતો થઇ રહી છે.

પ્રવચનમાં એમણે દેશની હાલની ગનથી થતી દુર્દશા બતાવી છે. આ પ્રવચનમાં જ તેઓ ૨૦ વિદ્યાર્થીઓના ગનથી થયેલ મોતને યાદ કરીને રડી પડ્યા હતા.

અમેરિકામાં હાલ નવેમ્બરમાં આવી રહેલ પ્રમુખ પદ માટેનો પુરજોશમાં ચુંટણી જંગ ખેલાઈ રહ્યો છે, એમાં ગન કન્ટ્રોલ એક અગત્યનો મુદ્દો બનવાનો જ છે. રીપબ્લીકનો ગનના હાલના કાયદામાં કોઈ ફેરફાર કરવાની બિલકુલ વિરુદ્ધ છે જ્યારે ઓબામાનો ડેમોક્રેટ પક્ષ ગન કન્ટ્રોલ કરવા માટે જરૂરી ફરફારો થવા જોઈએ એમ માને છે. જોઈએ છેવટે શું થશે એ તો પાઘડીનો વળ છેડે આવે ત્યારે જ ખબર પડશે .

An emotional President Barack Obama pauses to wipe away tears as he recalled the 20 first-graders killed in 2012 at Sandy Hook Elementary School, while speaking in the East Room of the White House in Washington, Tuesday, Jan. 5, 2016, about steps his administration is taking to reduce gun violence. (AP Photo/Jacquelyn Martin)

An emotional President Barack Obama pauses to wipe away tears as he recalled the 20 first-graders killed in 2012 at Sandy Hook Elementary School, while speaking in the East Room of the White House in Washington, Tuesday, Jan. 5, 2016, about steps his administration is taking to reduce gun violence. (AP Photo/Jacquelyn Martin)

(સૌજન્ય- વાઈટ હાઉસની વેબ સાઈટ http://www.whitehouse.gov)

============

અંતે,અગાઉ વિનોદ વિહારમાં અમેરિકાની શાળાઓમાં ગનથી થતી હિંસાખોરી વિશેની

તારીખ ૧૭મી ડીસેમ્બર ૨૦૧૨ ની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ આ લેખ પણ વાંચો.

(150 ) અમેરિકામાં શાળા- કોલેજોમાં વધતી જતી હિંસાખોરી ક્યારે દુર થશે ?

સંકલન – વિનોદ પટેલ